મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

‘ભૂતયોનિ જેવું કશું હોતું નથી’ એવી વાત અનેક મુખોથી કહેવાયા અને મારા કાન વડે સંભળાયા   પછી પણ ભૂત અંગેની વાતો સાંભળવાનો રસ આજ સુધી જળવાઈ રહ્યો છે. આ રસની તીવ્રતા એટલી છે કે  ભૂતપ્રેતની વાતોની સમાપ્તિ પછી ‘જનગણ’ ની જેમ આવતું -‘મંછા ભૂત અને શંકા ડાક્ણ’- કહેવત સરીખું આ  વાક્ય ગમતું નથી. આ અણગમા પાછળ બે કારણો છે. જોડણીકોશ બન્યા પછી ગાંધીજીએ જેમ કહ્યું કે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવનો અધિકાર નથી તેમ ‘મંછા ભૂત અને શંકા ડાક્ણ’ એ કહેવત આપણો ભૂતપ્રેતની વાતો કરવાનો અધિકાર છીનવી લેતી હોય તેમ લાગે છે. ભૂતકથાઓ કહેવાનો અને સાંભળવાનો  મૂળભૂત હક છીનવાઈ જાય એ તો કેમ ચલાવી લેવાય?

બીજું અને મહત્વનું  કારણ એ છે કે ઉપરોક્ત કહેવતમાં શંકાને ડાકણ કહેવાઈ છે તે મને સહેજ પણ પસંદ નથી.  શંકાને ડાકણ કહેવા પાછળ માત્ર ભૂતયોનિનો  અસ્વીકાર જ હોત તો કદાચ  સહન થઈ શકતું. પરંતુ અહીં તો શંકાને ઉતારી પાડવાનો પ્રયાસ પણ દેખાય છે. આથી આ લેખમાં શંકાને ન્યાય અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

શક, શંકા, સંશય, એ તમામ પર્યાયવાચી શબ્દો છે. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે  સંશયાત્મા વિનશ્યતિ, પણ એ તો અર્જૂન જેવા ભકત માટે છે. આપણા જેવા સામાન્ય માણસ તો શંકાને કારણે જ સલામત રહી શકે છે. બાળક જન્મે છે ત્યારે સૌ પ્રથમ તે પોતાની માતાને જ ઓળખે છે અને આસપાસના બીજા લોકોને શંકાની નજરે જ જુએ છે. ગૂનેગારને પકડવા તો પોલીસે સૌ પ્રથમ શંકાનો જ આશરો લેવો પડે છે. આ બાબતે પોલીસ  ફરિયાદી કે અન્ય લોકોમાં કશો ભેદભાવ રાખતી નથી એટલું જ નહિ ‘cherty begins at home’ એ સત્યનું  ભાન કરાવવા માટે સૌ પ્રથમ  ફરિયાદીને જ શકમંદ બનાવે છે.

માત્ર મનુષ્ય જ નહિ દરેક પાલતું પ્રાણી પણ અજાણ્યા લોકોને શંકાની નજરે જુએ છે. શેરીના શ્વાનની તો વાત જ અલગ છે. કોઇપણ અજાણ્યા મનુષ્ય કે પ્રાણીને જોતાની સાથે જ તે શંકાશીલ થઈ જાય છે. જાણીતી વ્યકતિ પણ જો વેશભૂષા બદલીને આવે તો તેને પણ શંકાની નજરે જુએ છે. મારા એક મિત્રનું તો કહેવું છે કે આઝાદી પહેલા કોઈ અંગ્રેજને જોઈને ટોપી ઉતારવી પડતી પણ આજના સમયમાં તો કૂતરાને જોઇને શિયાળામાં કાનટોપી ઉતારવી પડે છે. આ ઉપરાંત ચાલતો માણસ અચાનક દોડવા લાગે અથવા  દોડતો માણસ અચાનક ઊભો રહી જાય તો પણ કૂતરાઓ સાશંક થઈને  ભસવા લાગે છે. પોતાના  અજાણ્યા જ્ઞાતિબંધુઓ પ્રત્યે તો તેઓ  હંમેશા શંકાશીલ હોવાથી તેમને જોતાની સાથે જ  ઘુરકિયા કરતા હોય છે. બે પડોશી દેશોની પ્રજાઓ પરસ્પર શંકાની નજરે જુએ છે તેમ કૂતરાઓ પણ પડોશની શેરી કે  લત્તાના જાતભાઈઓ પ્રત્યે હંમેશા શંકાશીલ રહે છે. આ શંકા ક્યારેક પડોશી શેરીઓના કૂતરાઓ વચ્ચે  યુદ્ધમાં પરિણમે છે. મને લાગે છે કે પડોશી રાષ્ટ્રો સાથે લડાઇ કરવાનું આપણે આપણી નજીક હંમેશા રહેતી શ્વાંનસૃષ્ટિ  પાસેથી જ શીખ્યા હોઈશું.

ક્રિકેટની રમતમાં બેટ્સમેનને શંકાનો લાભ આપવામાં આવે છે. અહીં વાચક મિત્રો સવાલ પૂછશે કે તો એ લાભ ફિલ્ડિંગ ભરતી ટીમને કેમ નથી અપાતો?  ભાઈ,  ફિલ્ડરો તો ક્રિકેટના શ્રમજીવીઓ છે અને બેટ્સમેન તો રાજાપાઠમાં હોય છે. (યાદ કરીએ જૂના જમાનાના આપણા રાજવીઓને. તેઓ જ્યારે ક્રિકેટ રમતા ત્યારે પોતે બેટિંગ જ કરતા અને ફિલ્ડિંગ તો ચાકરો પાસે  જ કરાવતા.) આથી આપણી અને જગત આખાની વણથંભી ચાલી આવતી  સંસ્કૃતિ મુજબ કોઇપણ લાભ ઉપલા વર્ગને જ આપવામાં આવે નહિ કે આપણે જેને નીચલા વર્ગના ગણીએ છીએ તેવા શ્રમજીવીઓને. ક્રિકેટની રમતમાં પણ આપણી સંસ્કૃતિને જ અનુસરવાનું હોય ને!

આપણી અદાલતોમાં પણ ન્યાયાધીશોને ખાતરી હોય કે આરોપીએ ગૂંન્હો કરેલો છે. તો પણ તેને પુરાવાના અભાવે જે લાભ આપવામાં આવે છે તેને શંકાનો લાભ  કહેવામાં આવે છે.

કાગબાપુએ ગાયા મુજબ રામાયણનો પેલો નાવિક રામચંદ્રજીને કહે છે. “પગ મને ધોવા દિયો રઘુરાય આજ મને શક પડ્યો મનમાંય”, ભગવાન રામજીના ચરણ ધોવા માટે શંકાનો જ આશરો લેવામાં આવેલો.

જગતની તમામ પ્રજાઓ પોતાના નેતાઓના વચનોમાં શંકા નહિ કરવાને કારણે આજ સુધી છેતરાતી આવી છે. અમછતાં નેતાઓને ન્યાય આપવા માટે કહેવું પડે કે તેઓ વચન આપતી વખતે આપણને શંકા નહિ કરવાનો આદેશ નથી આપતા. પરંતુ ધર્મશાસ્ત્રો અને અને ધર્મગુરૂઓ  શંકા નહિ કરવાનો આદેશ આપીને અટકી જતા નથી. તેઓ તો શંકા કરનારને નર્કની સજા મળશે એવી ધમકી આપતા હોય છે.  મધ્યયુગનાં યુરોપમાં ધર્મગુરુઓએ  તો બાઇબલની વાત પર શંકા કરનારને મૃત્યુ  પછી  ઇશ્વર સજા કરે ત્યાં સુધી ધીરજ રાખવાને બદલે તેમને  માનવલોકમાં જ સજા  ફરમાવીને મોતને ઘાટ  ઉતારી દીધાના પ્રસંગો અનેક છે.

પોતાને નેસ્તનબૂદ કરવાના અનેક પ્રયાસો થયા પછી પણ અનેક જુલ્મો સમે લડીને શંકા  આજસુધી ટકી રહી છે  એ વાત જ તેનાં વજુદનો મોટો પુરાવો છે. આથી જ મનુષ્ય ડગલે ને પગલે શંકાનો આશરો લે છે.

આસ્તિકો અને રેશનાલિસ્ટો વચ્ચે પાયાનો તફાવત ઈશ્વરનાં અસ્તિત્વ અંગેની માન્યતાનો છે. પરંતુ બીજો એક તફાવત પણ જોવા મળ્યો છે. આસ્તિકો ઈશ્વરની સાધના કરે છે, જ્યારે રેશનાલિસ્ટો શંકાની સાધના કરતા હોય છે. આપણા એક મોટા રેશનાલિસ્ટ રમણભાઈ પાઠક તો ‘સમકાલીન’ નામના દૈનિકમાં નિયમિત જે કોલમ લખતા તેનું નામ જ ‘સંશયની સાધના’ હતું. આમ આસ્તિકો જે દરજ્જો ભગવાનને આપે છે તે દરજ્જો રેશનાલિસ્ટો શંકાને આપે છે.

પ્રાચીન ગ્રીસમાં એરિસ્ટોટલે કહેલું કે સ્ત્રીઓને પુરૂષો કરતા ઓછા દાંત હોય છે. એરિસ્ટોટલેની આ વાતમાં કોઈએ શંકા કરીને સ્ત્રી અને પુરુષોના દાંત ગણેલા નહિ. આથી વિદ્યાકળામાં નિપૂણ એવા ગ્રીક લોકો મનુષ્યના દાંતની સંખ્યા બાબતે અજ્ઞાની રહી ગયેલા. અહીં  એ પણ સાબિત થાય છે કે પ્રાચીન ગ્રીસમાં ડે‌ન્ટિસ્ટો ન હતા!

જેમ કેટલાક મહપુરૂષો પોતાના પ્રાણ સુદ્ધાનું બલિદાન આપીને સમાજનો ઉદ્ધાર કરે છે તેમ માનવજીવનમાં શંકા અનિવાર્ય હોવા છતાં તેની ઉપયોગિતા તેનાં નિર્મૂળ થવામાં છે. વ્યક્તિને કોઇ બાબતે શંકા ઉદભવે પછી તેનું  સમાધાન કરવામાં ન આવે ત્યાં સુધી તેને ચેન પડતું નથી. કશું અયોગ્ય બન્યું છે તે બાબતે શંકા જાગે તો તેના પર વિચાર કર્યા પછી જો શંકા ખોટી પડે તો સબ સલામતનો  આનંદ થાય છે અને જો શંકા સાચી પડે તો જે ખોટું થયું હોય  તેને ઠીક કરવાના પ્રયાસો કરી શકાય છે.

વાત સાચી છે કે કેટલીક વાર શંકા દુષ્પરિણામો લાવે છે. જેમ કે શંકાને કારણે માણસોના પરસ્પરના સબંધો ખરાબ થાય છે. શંકાને કારણે કેટલાક દાંપત્યજીવનો નંદવાઈ જાય છે. એક જાણીતી રમૂજ મુજબ એક માણસને શંકા થઈ કે પોતે બિલાડી ગળી ગયો છે. પછી તેની શંકાનું સમાધાન કરવા માટે તેને બેભાન કરવામાં આવ્યો. ભાનમાં અવ્યા બાદ અગાઉથી જ લાવીને રાખવામાં આવેલી બિલાડી તેને બતાવવામાં આવી, પછી તેને કહેવામાં આવ્યું કે તેનાં શરીરનું ઓપરેશન કરીને બિલાડી બહાર કાઢી લેવામાં આવી છે. પરંતુ પેલા ભાઈએ તો કહ્યું કે પોતે ધોળી બિલાડી ગળી ગયો હતો અને આ તો કાળી બિલાડી છે!  આથી એમ કહી શકાય કે દરેક વસ્તુની જેમ શંકાનો અતિરેક પણ હાનિકારક છે. બીજી રીતે કહીએ તો અપણી શંકાને પણ શંકાના દાયરામાં લાવવી રહી. જેમ ઝેરનું મારણ ઝેર છે, કાંટા વડે કાંટો કાઢી શકાય છે તેમ શંકાને પણ તેના પર શક કરીને નાબૂદ કરી શકય છે. આમ શંકા માનવી માટે હંમેશા હિતકારી અને સુખકારી જ  છે. સુજ્ઞ વાચકમિત્રોને જણાવવાની જરૂર ખરી કે માનવજાત આજે  વિજ્ઞાન, તત્વજ્ઞાનમાં કે અન્ય કોઈ વિદ્યાશાખાનાં ઉચ્ચ શિખરે બિરાજે છે તેમાં શંકાનો બહુ મોટો ફાળો છે?


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.