વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ‘ચલ’ શબ્દવાળાં ગીતો

    નિરંજન મહેતા

    ચલ શબ્દનો એક અર્થ છે ચાલવું અને બીજો સંદર્ભ છે કોઈને હુકમ કે વિનંતી કરવી ચાલવા માટે. આને લગતા થોડા ગીતોને આ લેખમાં આવરી લેવાયા છે. કદાચ કોઈ ગીત બાકાત હોય તો ક્ષમસ્વ.

    સૌ પ્રથમ આજથી ૮૦થી વધુ વર્ષો પહેલાનું ગીત યાદ આવે છે. ૧૯૪૦ની ફિલ્મ ‘બંધન’નુ આ ગીત હજી પણ લોકો ગણગણે છે. આ ગીત એક કરતા વધુ વાર આવે છે.

    चल चल रे नौजवान
    कहना मेंरा मान मान
    चल रे नौजवान

    ફિલ્મના મુખ્ય કલાકારો છે અશોકકુમાર અને લીલા ચીટનીસ પણ આ ગીત જે બાળક પર રચાયું છે તેની જાણ નથી. શબ્દો છે પ્રદીપજીના અને સંગીત આપ્યું છે સરસ્વતીદેવીએ. સ્વર છે સુરેશનો.

    ૧૯૫૯ની ફિલ્મ ‘દુનિયા ના માને’નુ આ ગીત બે પ્રેમી વચ્ચેની ગુફ્તગુ દર્શાવે છે જેમાં સંમ્જ પર કટાક્ષ પણ દર્શાવાયો છે. .

    तुम चल रहे हो हम चल रहे है
    मगर दुनियावालो के दिल जल रहे है

    પ્રદીપકુમાર અને માલા સિંહ પર રચિત આ ગીતના શબ્દો છે રાજીન્દર કૃષ્ણનાં અને સંગીત મદનમોહનનુ. ગાયક કલાકારો છે મુકેશ અને લતાજી.

    ૧૯૬૩ની ફિલ્મ ‘ગુમરાહ’નું આ ગીત પ્રેયસીને ભૂતકાળ યાદ કરાવે છે.

    चलो एक बार फिर से अजनबी हो जाए हम दोनों

    સુનીલ દત્ત આ ગીત માલા સિંહને ઉદ્દેશીને ગાય છે. સાહિર લુધિયાનવીનાં શબ્દોને સંગીત આપ્યું છે રવિએ જેના ગાયક છે મહેન્દ્ર કપૂર.

    ૧૯૬૭ની ફિલ્મ ‘જ્વેલ થીફ’નું આ ગીત બે પ્રેમીઓની ભાવનાને વ્યક્ત કરે છે.

    आसमां के नीचे आज अपने पीछे
    प्यार का जहां बसा के चले

    પ્રેમીઓ છે દેવઆનંદ અને વૈજયંતિમાલા. મજરૂહ સુલતાનપુરીનાં શબ્દો અને સચિનદેવ બર્મનનુ સંગીત. સ્વર છે કિશોરકુમાર અને લતાજીનાં.

    ૧૯૬૭ની ફિલ્મ ‘રાઝ’નુ ગીત બે વાર આવે છે

    अकेले है चले आओ
    कहां आवाज़ दे तुम को कहां हो

    પ્રથમ વાર રાજેશ ખન્ના ઉપર રચાયું છે. ગીતકાર શમીમ જયપુરી સંગીતકાર કલ્યાણજી આણંદજી અને ગાયક રફીસાહેબ.

    બીજી વારનું ગીત એક પાર્શ્વગીત રૂપે મુકાયું છે. પાર્શ્વમાં બબીતા દેખાય છે. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ. ગાયિકા લતાજી.

    ૧૯૬૮ની ફિલ્મ ‘મેરે હમદમ મેરે દોસ્ત’નુ ગીત અદાકારાના મનોભાવને વ્યક્ત કરે છે.

    चलो सजना जहां तक घटा चले
    लगाकर मुझे गले
    चलो सजना जहां तक घटा चले

    કલાકારો છે ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક કલાકાર લતાજી.

    ૧૯૬૯ની ફિલ્મ ‘હસીના માન જાયેગી’નું ગીત રિસામણા મનામણાને લગતું છે.

    चले थे साथ मिलके चलेंगे साथ मिलकर
    तुम्हे रुकना पड़ेगा मेरी आवाज़ सुनकर

    શશીકપૂર અને બબીતા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે અખ્તર રોમાની અને સંગીત છે કલ્યાણજી આણંદજીનુ. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૬૯ની ફિલ્મ ‘સંબંધ’નુ આ ગીત એક ફીલ્સુફીભર્યું ગીત છે

    चल अकेला चल अकेला
    तेरा मेला पीछे छूटा
    राही चल अकेला

    દેબ મુકરજી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે પ્રદીપજી અને સંગીત આપ્યું છે ઓ.પી નય્યરે. ગાયક છે મુકેશ.

    ૧૯૭૦ની ફિલ્મ ‘યાદગાર’નુ આ ગીત છોડીને જતાં નિરાશ મનોજુકુમારને નૂતન તેને સાથ આપવાની વાત આ ગીતમાં કરે છે જે એક સંદેશાત્મક ગીત છે.

    जिस पथ पे चला उस पथ पे मुझे
    आँचल तो बिछाने दे

    ઇન્દીવરના શબ્દો અને કલ્યાણજી આણંદજીનુ સંગીત. સ્વર છે લતાજીનો.

    ૧૯૭૨ની ફિલ્મ’ પાકીઝા’નુ આ કર્ણપ્રિય ગીત બે પ્રેમીઓના મનોભાવને વ્યક્ત કરે છે. .

    चलो दिलदार चलो चाँद के पार चलो
    हम है तैयार चलो

    રાજકુમાર અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના શબ્દો મળ્યા છે કૈફ ભોપાલી પાસેથી જેને સ્વરબદ્ધ કર્યા છે ગુલામ મોહમદે. ગાયક કલાકારો લતાજી અને રફીસાહેબ

    ૧૯૭૨ની ફિલ્મ ‘પરિચય’નું ગીત એક અલગારીના મનોભાવ દર્શાવે છે.

    मुसाफिर हु यारो
    न घर है ठिकाना

    જીતેન્દ્ર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ગુલઝાર અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે કિશોરકુમારનો.

    https://youtu.be/cHLgOcsngTI

    ૧૯૭૫ની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’નું આ શીર્ષકગીત પણ બેફીકર યુવાનના મનોભાવ વ્યક્ત કરે છે.

    गीत गाता चल गीत गाता चल
    ओ साथी गुनगुनाता चल

    ગીતના કલાકાર છે સચિન અને તેના શબ્દો અને સંગીત છે રવીન્દ્ર જૈનના. ગાયક છે જસપાલ સિંહ.

    ૧૯૭૫ની ફિલ્મ ‘ઝમીર’નુ ગીત ઉપદેશાત્મક અને દર્દભર્યું છે.

    तुम भी चलो हम भी चले
    चलती रहे जिन्दगी

    અમિતાભ બચ્ચન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી જેને સંગીત આપ્યું છે સપન ચક્ર્બોર્તીએ. સ્વર છે કિશોરકુમારનો.

    આ જ ગીત બીજીવાર એક યુગલ ગીતમાં છે જે બે પ્રેમીઓના હર્ષને ઉજાગર કરે છે. ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી જેને સંગીત આપ્યું છે સપન ચક્ર્બોર્તીએ.ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.

    ૧૯૭૬ની ફિલ્મ ‘ફકીરા ‘નુ ગીત એક ઉપદેશાત્મક ગીત છે.

    फकीरा चल चला चल
    फकीरा चल चला चल

    ફકીરના વેશમાં ગીત  ગાતા  કલાકારો છે ડેની ડેન્ઝોગપા અને અસરાની. ગીત સંગીત રવીન્દ્ર જૈનના અને સ્વર છે મહેન્દ્ર કપૂરનો.

    https://youtu.be/MT0iuBeOSnE

    ૧૯૭૬ની ફિલ્મ ‘ચલતે ચલતે’નુ ગીત એક સંદેશાત્મક ગીત છે.

    चलते चलते मेरे ये गीत याद रखना
    कभी अलविदा ना कहेना

    કલાકારો છે વિશાલ આનંદ અને સિમી ગ્રેવાલ. શબ્દો છે અમિત ખન્નાનાં અને સંગીત આપ્યું છે બપ્પી લાહિરીએ. સ્વર છે કિશોરકુમારનો.

    ૧૯૭૮ની ફિલ્મ ‘ગંગા કી સૌગંધ’નુ ગીત હિજરત કરનાર ગામવાસીઓને માટે સંદેશ રૂપે પ્રાણે ગાયું છે..

    ना हो मायूस टूटेगी कभी जुल्मो की जंजीर
    …………..
    चल मुसाफिर तेरी मंजिल दूर है तो क्या हुआ
    अज तेरा पाँव थक कर चूर है तो क्या

    સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ જેના શબ્દો છે અન્જાનના અને સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૮૧ની ફિલ્મ ‘બુલંદી’નુ આ ગીત એક છેડછાડભર્યું ગીત છે

    कहो कहां चले, जहां तुम ले चलो
    फिर भी मंजिल कहां, जहां हम से मिलो

    કીમ અને ડેની ડેન્ઝોગપા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી જેને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે આશા ભોસલે અને કિશોરકુમારના.

    ૧૯૮૧ની ફિલ્મ ‘નસીબ’નુ ગીત ભાઈને મનાવતા રીશીકપૂર પર રચાયું છે.

    चल मेरा भाई चल चल मेरे भाई तेरे हाथ जोड़ता हूँ
    हाथ जोड़ता हूँ तेरे पाँव पड़ता हूँ चल मेरा भाई चल

    અમિતાભને મનાવતા આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને તેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક કલાકારો રીશીકપૂર, અમિતાભ બચ્ચન અને રફીસાહેબ.

    ૧૯૯૨ની ફિલ્મ ‘જાગૃતિ’નુ ગીત એક પ્રોત્સાહક ગીત છે.

    चल नौजवान आगे चल
    राहो में तू कहीं ना रुकना

    પુનીત ઇસ્સાર અને સલમાનખાન પર આ ગીત રચાયું છે. ગીતકાર સમીર અને સંગીતકાર આનંદ મિલિન્દ. સ્વર છે અમિતકુમારનો


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૭) – તંતુવાદ્યો (૨) – ગિટાર (૧)

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    હિન્દી ફિલ્મી વાદ્યવૃંદમાં સૌથી મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા તંતુવાદ્ય વાયોલીન વિશે અગાઉની કડીઓમાં જાણ્યા પછી હવે અન્ય તંતુવાદ્ય ગિટાર વિશેની વાત.

    મૂળભૂત રીતે ગિટાર પાશ્ચાત્ય તંતુવાદ્ય છે. તે એક સપાટ તુંબડાની સાથે જોડાયેલા હસ્ત ઉપર છ તાર બાંધી શકાય તેવી સુવિધા ધરાવે છે. હસ્ત ઉપર ચોક્કસ સ્થાનોએ પરદા/Frets નામે  ઓળખાતા ધાતુના પાતળા પટ્ટા લગાડવામાં આવેલા હોય છે. વગાડતી વેળા વાદ્ય સાથે બાંધેલા છ (અથવા ક્યારેક ચાર) તાર ચોક્કસ સપ્તકના ચોક્કસ સ્વર સાથે મેળવેલા હોવા જરૂરી છે. કોઈ એક તારને એક હાથે તુંબડા પાસે નખલી/Striker તરીકે ઓળખાતી પાતળી રચના વડે ઝંકૃત કરી, બીજા હાથની આંગળી વડે તેના હસ્ત ઉપરના નિશ્ચીત પરદાને દબાવવાથી અપેક્ષિત સૂર પેદા કરી શકાય છે.

    આ થઈ ગિટારની પાયાની રચના. સમય વિતવા સાથે આ વાદ્યના સ્વરૂપ અને તેને વગાડવાની પધ્ધતિમાં ફેરફારો થતા આવ્યા છે, ગિટારના સૌથી વધુ પ્રચલિત ત્રણ પ્રકાર અને તેના વાદનની વિશેષતા વિશે પ્રાથમિક માહીતિ મેળવીએ. નીચે ત્રણે પ્રકારની તસવીરો જોઈ શકાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ‘ઈલેક્ટ્રીક’ ગિટાર એ કોઈ અલગ પ્રકાર નથી. કોઈ પણ વાદ્યને જો વીજતાર વડે એમ્પ્લીફાયર તરીકે ઓળખાતા સાધન સાથે જોડી દેવામાં આવે તો તે વાદ્યના સ્વરનું વિશિષ્ટ રીતે નિયંત્રણ થઈ શકે છે. આમ, લીડ/બાસ/હવાઈયન ગિટારને એમ્પ્લીફાયર સાથે જોડી દેવાથી તેનું રુપાંતરણ ઈલેક્ટ્રીક ગિટારમાં થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે તેમાં તુંબડાની જરૂર રહેતી નથી. એટલે કે તેમાં નામ પૂરતું, વાદ્યરચના પૂરતું જ તુંબડું હોય છે, જે હકીકતમાં સપાટ આને નક્કર હોય છે.

    એકોસ્ટીક અથવા સ્પેનીશ ગિટાર તરીકે ઓળખાતી ગિટાર કોઈ પણ ધૂન વગાડવા માટે ઉપયોગી છે. આથી વાદ્યવૃંદોમાં તે બહુ પ્રભાવક રીતે સાંભળી શકાય છે. આ કારણથી તેને લીડ ગિટાર પણ કહેવામાં આવે છે. એક ક્લીપ માણવાથી આ બાબત વધુ સ્પષ્ટ થશે. કપીલ નામેરી એક કલાકાર એકોસ્ટીક ગિટાર પર ફિલ્મ ‘કલાકાર’ના ગીત ‘નીલે નીલે અમ્બર પર’ની એ ધૂન વગાડી રહ્યા છે, જે તેના ગિટારવાદન માટે ખુબ જ જાણીતી છે.

    લીડ ગિટારની સરખામણીએ બાસ ગિટારનો હસ્ત લાંબો હોય છે. તેમાં જરૂર પ્રમાણે છ અથવા ચાર તાર બાંધવામાં આવે છે. મોટા ભાગે આ ગિટારની સ્વરબાંધણી એવી રીતે કરવામાં આવે છે કે તે લીડ ગિટારની સરખામણીએ એક કે બે સપ્તક નીચે હોય. તેનો ઉપયોગ ગીતની પશ્ચાદભૂને સમૃદ્ધ કરવા માટે તેમ જ ક્યારેક ક્યારેક તાલ પૂરો પાડવા માટે પણ થાય છે. ગિટારના આ પ્રકારનું વાદન માણવા માટે કાનને સહેજ કેળવવા પડે છે. આકાશદીપ ગોગોઈ નામના કલાકારનું બાસ ગિટાર વાદન સાંભળતાં આ મુદ્દો સારી રીતે સમજાશે. ફિલ્મ ‘મૈં ખિલાડી તુ અનાડી’ના ગીત સાથે તેઓ બાસ ગિટારનો પ્રયોગ કરી રહ્યા છે.

    ઉપર જાણ્યા તે બે પ્રકારો સાથે શ્રુતી/મીંડવાદન (સૂરોનું સતત વાગવું) શક્ય નથી. આ બાબતે હવાઈયન ગિટાર અલગ પડે છે. તેમાં સૂરનું નિયંત્રણ ધાતુના નાનકડા નળાકાર જેવી રચના વડે થાય છે. આથી વાદનની સળંગસૂત્રતા જળવાઈ રહે છે. વળી સામાન્ય રીતે આ વાદ્યને કલાકાર ખોળામાં રાખીને વગાડતા હોય છે. આથી તેને ‘લેપ ગિટાર’ પણ કહે છે. શ્યામલ ચૌધરી નામના કલાકારે આ વાદ્ય ઉપર વગાડેલા ફિલ્મ ‘બદલાપૂર’ના ગીત ‘જીના જીના’ની ધૂન માણીએ. અન્ય એક વાદક તેમને લીડ ગિટાર ઉપર સાથ આપી રહ્યા છે.

    હવાઈયન ગિટાર વડે શ્રુતીવાદન શક્ય હોવાથી તેનો શાસ્ત્રીય રાગોને વગાડવામાં પણ ઉપયોગ કરાયો છે.  સુખ્યાત કલાકાર પંડીત બ્રીજભૂષણ કાબરાએ આ વાદ્યને શાસ્ત્રીય વાદ્યસંગીતના ક્ષેત્રમાં બહુ ઊંચા સ્થાને બેસાડી દીધું છે. તેમના કસબની એક ઝલક માણીએ.

    એવા જ એક અનન્ય વાદક કલાકાર વિશ્વમોહન ભટ્ટે હવાઈયન ગિટારમાં કેટલાક ફેરફારો કરી, એક વિશિષ્ટ વાદ્યની રચના કરી છે. આ વાદ્ય ‘મોહનવિણા’ તરીકે જાણીતું છે. તેની ઉપર તેમણે છેડેલા શાસ્ત્રીય રાગો થકી વિશ્વમોહન ભટ્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુખ્યાત થયા છે. તેમને ખુબ જ પ્રતિષ્ઠિત એવા ‘ગ્રામી એવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે. મોહનવિણા ઉપર તેમના શાસ્ત્રીય વાદનની એક ઝલક માણીએ.

    આ વાદ્ય અને તેમાંથી નીપજતા સ્વર વિશે જાણ્યા પછી હવે કેટલાંક ફિલ્મી ગીતો માણીએ, જેમાં અહીં ઉલ્લેખ થયો છે તેમાંના કોઈ એક અથવા વધુ પ્રકારની ગિટારનો ઉપયોગ થયો હોય. ચાહકો ગીતમાં તેના થયેલા પ્રયોગને આસાનીથી ઓળખી શકશે.

    બિનીતા બોઝે ગાયેલા ૧૯૪૫ની ફિલ્મ ‘હમરાહી’ના ગીત ‘બહાર કે દિન આયે’થી શરૂઆત કરીએ. સંગીતકાર હતા રાય ચંદ (આર સી) બોરાલ. આ ગીતમાં લીડ ગિટારના કર્ણપ્રિય ટૂકડાઓ અવારનવાર કાને પડ્યા કરે છે.

    ૧૯૪૯ના વર્ષની ફિલ્મ ‘લાહોર’માં શ્યામસુંદરનું સંગીત હતું. હવાઈયન ગિટારના યાદગાર અંશો ધરાવતું લતા મંગેશકર અને કરણ દીવાનનું ગાયેલું એક યુગલગીત ‘દુનિયા હમારે પ્યાર કી યૂં હી જવાં રહે’ માણીએ.

    ગીતા દત્તના ગાયેલા અને સંગીતકાર સચીનદેવ બર્મને સ્વરબદ્ધ કરેલા ફિલ્મ ‘બાઝી’ (૧૯૫૧)ના ગીત ‘તકદીર સે બીગડી હુઈ તદબીર બના લે’માં લીડ ગિટારના ખુબ જ પ્રભાવક અંશો માણી શકાય છે.

    https://youtu.be/NxAKYpzyoEc

    એ જ વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘સઝા’ના પ્રસ્તુત ગીતમાં પણ સચીનદેવ બર્મનનું સંગીત હતું. તેના ગીત ‘તુમ ના જાને કિસ જહાં મેં ખો ગયે’માં હવાઈયન ગિટારનો અવિસ્મરણીય ઉપયોગ થયો છે.

    ચોક્કસ પધ્ધતિથી એકસાથે એક કરતાં વધારે સૂર છેડવાથી ઉત્પન્ન થતો ધ્વનિ ‘કોર્ડ’ કહેવાય છે. લીડ ગિટાર ઉપર તાલબદ્ધ ક્રમમાં એક પછી એક કોર્ડ સતત વગાડવાની ટેકનીક ‘વેમ્પીંગ’ અથવા ‘સ્ટ્રમીંગ’ તરીકે ઓળખાય છે. ૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’ના લતા મંગેશકરે ગાયેલા ગીત ‘દુઆ કર ગમ એ દિલ’માં સંગીતકાર સી. રામચન્દ્રના નિર્દેશનમાં આવો પ્રયોગ માણી શકાય છે.

    ફિલ્મ ‘મિરઝા ગાલીબ’ (૧૯૫૪)માં ગુલામ મહંમદનું સંગીત હતું. તેનાં બધાં જ ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીનું તલત મહમૂદનું ગાયેલું પ્રસ્તુત ગીત ‘ફીર મુઝે દીદા એ તર યાદ આયા’ સાંભળતાં જ ખ્યાલ આવશે કે તેની સાથે હવાઈયન ગિટાર વાગી રહી છે.

    ફિલ્મ ‘એક મુસાફીર એક હસીના’ (૧૯૬૨)ના ગીત ‘મૈં પ્યાર કા રાહી હૂં’માં સંગીતકાર ઓ પી નૈયરે એક અસાધારણ પ્રયોગ કર્યો હતો. મહંમદ રફી અને આશા ભોંસલેના ગાયેલા આ ગીતમાં પરંપરાગત તાલવાદ્યોનો ઉપયોગ કરાયો જ નથી. ગીતના લય સાથે લીડ ગિટારના વેમ્પીંગ વડે તાલ પૂરાવાયો છે. માણીએ તે ગીત.


    આ કડીમાં અહીં અટકીએ. આવતી કડીમાં વધારે ગીતો સાથે મળીશું.


    નોંધ :

    ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૪. મજરુહ સુલતાનપુરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    એક તરફ સાહિર, શકીલ, રાજેંદ્ર કૃષ્ણ અને મજરુહ સુલતાનપુરી જેવા ફિલ્મી શાયરો જેમણે અન્ય ગીતો સાથે પ્રચુર માત્રામાં ગઝલો પણ લખી તો બીજી તરફ ગોપાલદાસ નીરજ જેવા કવિઓ, જેમણે ગીતો તો પુષ્કળ લખ્યાં પણ ગઝલ દીવો લઈને શોધવી પડે !

    મજરુહ હરફનમૌલા શાયર હતા. ફિલ્મ અને પરિસ્થિતિઓની માંગ અનુસાર હલકા – ફૂલકા, ગંભીર, કરુણ, રોમાંટિક, સસ્તા, શૃંગારિક, ચાલુ, રંગીન અને વિશુદ્ધ સાહિત્યિક – દરેક પ્રકારના ગીતો રચવા સક્ષમ. દરેક વર્ગના શ્રોતા – વાચકોની અપેક્ષામાં ઉત્તીર્ણ. સંગીતકાર નૌશાદ માટે ફિલ્મ શાહજહાં – ૧૯૪૬ દ્વારા ફિલ્મ – પ્રવેશ બાદ પાછું વાળીને જોયું નહીં. આ જ નૌશાદ સાથે ફિલ્મ અંદાઝ ૧૯૪૯ ના એમના ગીતોએ તો ધૂમ મચાવેલી . ફિલ્મોમાં આવ્યા પહેલાં પણ એક શાયર તરીકે સારી નામના મેળવેલી.

    લગભગ બધા જ દિગ્ગજ સંગીતકારો માટે લખ્યું અને સુંદર લખ્યું. દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ જીત્યા.

    એમની બે અનોખી ગઝલો જોઈએ :

    ઐ દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો
    અપના – પરાયા મેહરબાં – નામેહરબાં કોઈ ન હો

     

    જા કર કહીં ખો જાઉં મૈં, નીંદ આએ ઔર સો જાઉં મૈં
    દુનિયા  મુઝે  ઢૂંઢે  મગર  મેરા  નિશાં  કોઈ  ન  હો

     

    ઉલફત કા બદલા મિલ ગયા, વો ગમ લુટા વો દિલ ગયા
    ચલના  હૈ  સબ  સે  દૂર  દૂર  અબ  કારવાં  કોઈ ન હો

    ફિલ્મ : આરઝૂ ૧૯૫૦

    ગાયક : તલત મહેમૂદ

    સંગીત : અનિલ બિશ્વાસ

    હવે તુલના માટે મહાન મિર્ઝા ગાલિબની અને મજરુહથી દોઢ શતાબ્દી પહેલાં લખાયેલી આ ગઝલ જુઓ. આ ગઝલ પણ ૧૯૫૪ ની ફિલ્મ મિર્ઝા ગાલિબ માટે સુરૈયાએ ગાઈ હતી :

    રહિયે અબ ઐસી જગહ ચલ કર જહાં કોઈ ન હો
    હમસુખન કોઈ ન હો  ઔર હમઝુબાં કોઈ ન હો

     

    બે- દરો- દીવાર કા એક ઘર  બનાયા ચાહિયે
    કોઈ હમસાયા ન હો ઔર પાસબાં કોઈ ન હો

     

    પડિયે ગર બીમાર તો કોઈ ન હો તીમારદાર
    ઔર અગર મર જાઈએ તો નૌહા -ખ્વાં કોઈ ન હો

    મજરુહની બીજી ગઝલ :

    મેરા તો જો ભી કદમ હૈ વો તેરી રાહ મેં હૈ
    કે તૂ  કહીં  ભી  રહે  તૂ  મેરી નિગાહ મેં હૈ 

     

    ખરા હૈ દર્દ કા રિશ્તા તો ફિર જુદાઈ ક્યા
    જુદા તો હોતે હૈં વો ખોટ જિનકી ચાહ મેં હૈ

     

    છુપા હુઆ – સા મુઝી મેં હૈ તૂ કહીં ઐ દોસ્ત
    મેરી હંસી મેં નહીં હૈ તો મેરી આહ મેં હૈ ..

    ફિલ્મ : દોસ્તી ૧૯૬૪

    ગાયક : મોહમ્મદ રફી

    સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ

     

     


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • વલીભાઈ મુસાને શોકાંજલિ

    અત્યંત ખેદ સાથે જણાવવાનું કે વેબ ગુર્જરી સંપાદક મંડળના આદ્યસભ્ય અને સદા સક્રિય સહયોગદાતા મુ. વલીભાઈ મુસાનું દેહાવસાન થયેલ છે.

    તેમનાં વ્યવહારદક્ષ માર્ગદર્શનને કારણે વેબ ગુર્જરીને ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી સલામતપણે નીકળી જવામાં મદદ મળતી રહી છે. થોડા થોડા સમયે બધાંને રૂબરૂ એકત્ર કરવાની તેમની અનોખી પહેલને કારણે વેબ ગુર્જરીનાં અનેક મિત્રોને એકબીજાંનો રૂબરૂ પરિચય થવાનો પણ યોગ થયો છે.

    વેબ ગુર્જરી પ્રત્યેની તેમની નિષ્ઠા એટલી પ્રબળ હતી કે છેલ્લાં થોડાંક વર્ષોમાં તેમને કંપ્યુટર પર લાંબો સમય કામ ન કરવાની તબીબી સલાહ છતાં પણ તેમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે તેઓ તેમની ‘ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન’ અને વલદાની વાસરિકા’ લેખમાળાઓના લેખો તેઓ તૈયાર કરી લેતા અને દર વર્ષે ડિસેંબર મહિનાનાં પહેલાં અઠવાડીયામાં પછીનાં આખાં વર્ષના બાર બાર લેખો અચૂક્પણે મોકલી આપતા. તેમના લેખોમાં ક્યારે પણ જોડણી કે ફોર્મેટીંગની નાની સરખી પણ સરતચૂક ન હોય.

    તેમની રૂબરૂ હાજરીની ખોટ વેબ ગુર્જરીને કાયમ સાલશે, પણ તેમનાં માર્ગદર્શન અને નિષ્ઠાની પરોક્ષ હુંફ આપણને સદા મળતી રહેશે.

    તેમના પરમાર્થી આત્માને ચિરઃશાંતિ મળે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ.

    વેબ ગુર્જરી

  • વાર્ધક્યનો વૈભવ

    ચેલેન્‍જ.edu

    રણછોડ શાહ

    રાખજે સંતોષ મનથી સર્વ રીતે,
    કોઈની પણ કર નહીં તું હોડ મનવા,
    વર્તમાને સ્થિર કર તું ચિત્ત, બુદ્ધિ,
    ભૂત કે ભાવિમાં ન દોડ મનવા.

    કમલેશ ભટ્ટ

     

    વર્તમાન સમયમાં આયુષ્ય ખૂબ લાંબું થયું છે. અગાઉ સાઠ વર્ષની ઉંમરવાળી વ્યકિત વૃદ્ધ ગણાતી. આજે સમાજમાં ૭૦ વર્ષથી મોટી ઉંમરની અનેક વ્યકિતઓને મળવાનું થાય છે. આઝાદીના લગભગ સાત દાયકા બાદ આયૃષ્ય લગભગ બમણું થઈ ગયું છે. આ સંજોગોમાં વૈચારિક ફેરફાર ન આવે તો જીવન અને જમાના સાથે કદમ મેળવવાનું કઠિન બને છે. આજથી બે-ત્રણ દસકા અગાઉ જે રીતે જિંદગી જીવતા હતા તે જ રીતે સામાજિક જીવન જીવવા પ્રયત્ન થાય તો ચોક્કસ જ ગરબડ ઊભી થાય તેમ છે. બૂફે ડીનર કે લન્ચ, મલ્ટિપ્લેક્ષ કે થિયેટરમાં સિનેમા, શનિ-રવિ ઘર બહારનું ભોજન, અસંખ્ય જોડી કપડાં અને બૂટ, એક કરતાં વધુ સીમ કાર્ડવાળા મોબાઈલ જેવી વેભવી અને વિલાસી જિંદગી સામાન્ય બની ગઈ છે. આજનો યુવાન કમાય છે પણ વધારે અને વાપરે છે પણ તેટલું જ. અગાઉ બચતનું માનસ હતું જે આજે જૂનું બની ગયું છે. આ પરિસ્થિતિમાં વયસ્કો તેમના વિચારો અને વર્તનમાં પરિવર્તન ન લાવે તો દુ:ખને નિમંત્રણ આપે. ભાવિ પેઢી ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાને બદલે તેમને માટે મોટી મૂડી મૂકી જવાની ભાવના, લાગણી અને વૃત્તિ રાખવાનો સ્વભાવ હાંસીપાત્ર બને. વયસ્કો વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વાગોળી દુ:ખી થાય છે અને ભવિષ્યકાળના ભયને મનમાં ખેંચી લાવી જબરદસ્ત તાણનો અનુભવ કરી રહ્યા છે. વયસ્કોએ તો વર્તમાનને વધાવવો જોઈએ.

    આજે સાઠ વર્ષની આજુબાજુની ઉંમર તો સંપત્તિ વાપરી આનંદ લૂંટવાનો ઉત્તમ સમય છે. તમે આપેલ ભોગ અને ત્યાગને સમજી કે જાણી નહીં શકનાર સંતાનો માટે બચત કરવાનો કોઈ અર્થ નથી. સખત મહેનત કરીને મેળવેલ આર્થિક સદ્ધરતા ઉપર ડોળો રાખતા દીકરા કે જમાઈથી અંતર રાખવામાં ડહાપણ છે. આ ઉંમરે આર્થિક મૂડીનું શેરમાં કે અન્યત્ર રોકાણ કરવામાં શાણપણ નથી. ગમે તેટલું ખાત્રીપૂર્વકનું વળતર પ્રાપ્ત થવાનું હોય તો પણ તે બાબતે આગળ વધતાં અગાઉ સો ગળણીએ ગાળીને પગલું ભરવું જોઈએ. આ તો શાંતિ અને સુખ પ્રાપ્ત કરી આનંદિત થવાનો સમય છે. પુત્રો-પૌત્રોની આર્થિક સ્થિતિ વિશે વધુ ચિંતા કરવાનં છોડી દો. તમે વર્ષો સુધી તેમની કાળજી લીધી છે અને જે શીખવી શકાય તે બધું શીખવ્યું છે. તેમને શિક્ષણ, ખોરાક, આધાર અને ટેકો આપ્યો છે. હવે પૈસા કમાવવાની તેમની જવાબદારી છે. તેમ સમજી લેવું અત્યંત અગત્યનું છે.

    વધારે પ્રમાણમાં શારીરિક કસરતો કર્યા વિના શરીર સ્વાસ્થ્ય સાચવો. ચાલવા જેવી સામાન્ય કસરત નિયમિત કરો, સપ્રમાણ ભોજન લો અને જરૂર પૂરતી ઊંઘ લો. માંદા પડવું સહજ છે અને સ્વસ્થ રહેવું મુશ્કેલ છે. તેથી જાતને સાચવો અને વૈદકીય તથા શારીરિક જરૂરિયાત બાબતે કાળજી રાખો. ડૉંકટરના સંપર્કમાં રહો અને સ્વાસ્થ્ય સારું હોય ત્યારે પણ લેબોરેટરીમાં જરૂરી ટેસ્ટ નિયમિત રીતે કરાવતા રહો. હંમેશા ઉત્તમ અને સુંદર વસ્તઓ જ ખરીદો. તમારા પાર્ટનર (પતિ-પત્ની) સાથે તમારી સંપત્તિનો આનંદ માણો. એક દિવસ તમે બેમાંથી એક થઈ જશો અને બાકી રહેલું ધન જનાર વ્યકિતની ખોટ પૂરી કરી શકશે નહીં. નાની નાની બાબતોમાં તાણ અનભવવાનું છોડી દો. તમે અગાઉ અનેક તકલીફો અને અડચણો દૂર કરી શકયા છો. સ્મૃતિમાં સારી અને ખરાબ બંને વાતો છે. અયોગ્ય બાબતો ભૂલી વર્તમાનનો આનંદ માણો. ભૂતકાળની યાદો તમને દુ:ખી ન કરે અને તમારા વિચારો ભવિષ્ય બાબતે તમને ભયભીત ન બનાવે તેની કાળજી રાખો. નાના નાના મુદ્દાઓ ટૂંક સમયમાં ભૂલાઈ જશે માટે બિનજરૂરી વિવાદોથી દૂર રહો.

     

    ગંગાજળની જેવાં છે આ પસ્તાવાનાં આંસુઓ પણ,
    તક આપે છે ઈશ્વર સૌને મેલી ચાદર ધોવા માટે,
    એના સંગ્રહ કરનારની ભિક્ષુકોમાં ગણના થાશે,
    કુદરત આપે છે માણસને,એ દૌલત છે ખોવા માટે.

    પરાજિત ડાભી

     

    ઉંમરને ઘ્યાને લીધા વિના જીવંત અને ખુશખુશાલ રહો. તમારા જોડીદારને, જાતને, પાડોશીને, કુટુંબને અને સંપર્કમાં આવનાર તમામને દિલથી વહાલ કરો. યાદ રાખો: જ્યાં સુધી માનવીમાં પ્રેમ અને ગ્રહણશકિત છે ત્યાં સુધી તે વૃદ્ધ બનતો નથી. અંદર અને બહારથી હંમેશા ગૌરવશાળી બનેલા રહો. વાળ અને નખને સ્વચ્છ અને આકર્ષક રાખો. ત્વચાને સુંદર અને તંદુરસ્ત રાખવા ચામડીના રોગના ડૉંકટરને જરૂર પડે મળો. ઘરમાં જ અત્તર અને વિવિધ પ્રકારની ક્રીમનો મોટો સ્ટોક રાખો. બાહ્ય રીતે જ્યારે વ્યવસ્થિત અને ઉત્તમ રીતભાતવાળા હો ત્યારે ગૌરવશાળી અને સન્માનીય બનો છો. ઉંમરને કારણે તમારી ફેશન તરફથી દૃષ્ટિ ફેરવી લેશો નહીં. પરંતુ ખરેખર તો તમારી પોતાની સ્ટાઈલની સમજણનો વિકાસ કરો. તમને કયાં વસ્ત્રો અને આભૂષણો વધારે યોગ્ય લાગશે તે વિચારી અને પહેરી આત્મવિશ્વાસનો અનુભવ કરો. યુવાનીના દિવસો યાદ કરી યુવાન રહો અને તેવા પહેરવેશ પહેરો.

    હંમેશા અપટુડેટ જ રહો. સમાચારપત્ર વાંચો અને ટી.વી. ઉપર નિયમિત રીતે વિવિધ ચેનલ નિહાળો. હંમેશા ઓનલાઈન રહી લોકો શું કરે છે તે સાંભળો અને જુઓ. તમારા ઈ–મેઈલને સતત સક્રિય રાખો. ઈ-મેઈલ કરો અને મેળવો. ફેસબુકનો મહત્તમ ઉપયોગ કરી જૂના મિત્રો સાથે સતત સંપર્કમાં રહો. યુવાનોને માન આપો. તેમના અભિપ્રાયને કાળજીપૂર્વક સાંભળો. તેમના આદર્શો તમારા જેવાં નહીં હોય પરંતુ તેઓ જ ભવિષ્ય છે. તેમ જરૂરથી સમજો. તેઓ ઈચ્છશે તે તરફ દુનિયાને લઈ જશે. તેમને ટીકા નહીં, સલાહ આપો. તેમને ગઈકાલનું ડહાપણ આજે પણ અસ્તિત્વ ધરાવે છે તેવું યાદ અપાવો. કયારેય “મારા સમયમાં” જેવા શબ્દો કે વાકયોનો ઉપયોગ કરશો નહીં. આજનો સમય તેમનો છે. જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી તમે પણ તે સમયના ભાગીદાર જ છો.

    કેટલાક તેમના વીતેલા સુવર્ણ વર્ષોને મમળાવે છે. જ્યારે કેટલાક તેને કડવા બનાવી તોછડી વાણી ઉચ્ચારે છે. જિંદગી અત્યંત ટૂંકી છે માટે વાર્ધક્યને વેડફશો નહીં. તમારો સમય વિધેયાત્મક, વિદ્ઘાન, મોજીલા, આનંદી, ખુશમિજાજી અને વિનોદી લોકો સાથે વિતાવો. આ લોકો તમારા ઉપર છવાઈ જતાં તમારી જિંદગી વધારે જીવવાલાયક બનશે. કડવા, તોછડા, નિરાશાવાદી, નકારાત્મક, ટીકાખોર, અસંતોષી અને ઝઘડાળુ લોકોના સંપર્કમાં રહેતાં તમારું જીવવું પણ આકરું અને દોહ્યલું બનશે. માટે કાળજીપૂર્વક તેમનાથી દૂર રહો. જો તમારી આર્થિક સ્થિતિ અનુફૂળ હોય તો તમારા સંતાનો અને પૌત્ર-પોત્રીઓ સાથે રહેવાની લાલચને વશ થશો નહીં. તેઓની આસપાસ રહેવું ઉત્તમ છે પરંતુ પોતાનું એકાંત જળવાઈ રહે તે પણ જરૂરી છે. તેઓને અને તમને બંનેને પોતાના એકાંતની આવશ્યકતા છે. તમે જ્યારે એકલા રહી શકો તેમ ન હોય અથવા તમને કે એમને એકબીજાની જરૂરિયાત હોય તો અવશ્ય ભેગા રહો. જૂના શોખને કયારેય તિલાંજલી આપશો નહીં. ખરેખર તો નવા નવા શોખ વિકસાવો. મુસાફરી, પર્વતારોહણ, રાંધણકળા, વાચન, લેખન, નૃત્ય, સંગીત કે નાટ્ય જેવી પ્રવૃત્તિઓ વિકસાવો. પાલતુ પ્રાણીઓ સાથે મૈત્રી બાંધો. કિચન ગાર્ડન કે બાગકામ કરો. પત્તાં, ચેસ કે ડ્રાફ્ટ રમો.

     

    કોઈ અબળખા ના છે બાકી, ના કોઈ મંશા છાંડી!
    એક જ ધખના બાકી વાલમ હેતે બસ ભીંજવું!

    અશ્વિન ચંદારાણા

    ઘરની બહાર નીકળી લોકોને મળો. જે મિત્રો કે સગાંઓને છેલ્લા થોડા સમયમાં ન મળ્યા હોય તો જરૂરથી મળો. અગત્યની વાત તો એ છે કે અવારનવાર ઘર છોડી બહાર ફરો. બાગમાં ચાલવા જાવ. હંમેશ સભ્ય અને નમ્ર ભાષામાં વાતચીત કરો. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સધી અન્યો વિશે ફરિયાદ અથવા ટીકા કરશો નહીં. કોઈને પણ મિત્ર બનાવવાનો આ ઉત્તમ રસ્તો છે. ઉંમર વધવાની સાથે દુઃખ અને પ્રતિકૂળતાઓ વધવાની જ છે, માટે પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારી લો. તેના વિશે લાંબા લાંબા ભાષણો અને ફરિયાદો કરશો નહીં. કોઈએ તમને નારાજ કર્યા હોય તો માફ કરી દો. તમે કોઈને નારાજ કર્યા હોય તો તેની માફી માગી લો. તમારી આજબાજ મનદુ:ખ, ગુસ્સો, ચીડ, રોષ, ખીજ અથવા ક્રોધને ફરકવા પણ દેશો નહીં. આ બધી બાબતો તમને કડવા અને દુ:ખી બનાવવા માટે પૂરતી છે, કોણ સાચું અને કોણ ખોટું તે નક્કી કરવાની ભાંજગડમાં પડશો જ નહીં. કોઈકે સાચું જ કહ્યું છે, કોઈના તરક રોષ, અંટસ, ખીજ કે વેરભાવ રાખવો એટલે ઝેર જાતે પીવાનું અને અન્યના મૃત્યુની આશા રાખવા જેવું છે. કડવાશનું ઝેર મમળાવશો નહીં. માફ કરો અને ભૂલી જાવ. પોતાની જિંદગીમાં પોતાની રીતે આગળ વધતા રહો. સતત હસતા રહો – ચિંતાઓને હસી કાઢો – યાદ રાખો કે આ દુનિયામાં તમારા જેટલું બીજું કોઈ નસીબદાર નથી. તમે સુખી જિંદગીને પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છો તે જેવી તેવી સિદ્ધિ નથી. કેટલાંયના નસીબમાં તે પણ નથી. જિંદગીના તમામ દિવસો કયારેય એક સરખા જતા નથી અને જઈ શકે પણ નહીં. “આજનો લ્હાવો લીજીએ, કાલ કોણે દીઠી છે!’ ને જીવનમંત્ર બનાવી વાર્ધક્યના વૈભવને માણો. તમારું અને તમારાં સૌનું જીવન સદાય ખુશખશાલ રહે તેવી શુભેચ્છાઓ…

     

    આચમન:

    એક પત્રકારે ૯૮ વર્ષના દાદાને પૂછ્યું;

    તમારા આટલા લાંબા આયુષ્યનું રહસ્ય શું?

    દાદા: દલીલબાજી ન કરવી, જે મારા દીર્ઘ આયુષ્યનું રહસ્ય છે.

    પત્રકાર: એકલું એવું ન હોય. વ્યાયામ, પૌષ્ટિક ખોરાક, પૂરતી ઉંઘ જેવાં બધાં કારણો પણ હોવાં જોઈએ.

    દાદા: તો એમ હશે.

    (દલીલબાજી નહીં એટલે નહીં જ)


    (શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


    (પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)

  • બાળ ગગન વિહાર – મણકો – ૨૫ – વાત અમારા સેસારની

    શૈલા મુન્શા

    હાથી ભાઈ તો જાડા,
    લાગે મોટા પાડા,
    આગળ ઝુલે લાંબી સૂંઢ,
    પાછળ ઝુલે ટુંકી પૂંછ!

    આ બાળગીતની પંક્તિ અમારા સેસારને જોઈ સહજ જ યાદ આવી જાય.

    સેસાર સદાય હસતો ને ગોળમટોળ મેક્સિકન છોકરો. હાથીભાઈની જેમ ડોલતો ડોલતો ચાલે. બે વર્ષ અમારા PPCD(Pre-primary children with disability) ક્લાસમાં રહ્યો. આ ક્લાસના બધા છોકરા માનસિક રીતે પછાત નથી હોતા. ઘણા બોલતા મોડા શીખે અથવા થોડો વર્તણૂકને તોફાનનો પ્રશ્ન હોય.

    સેસાર જ્યારે ત્રણ વર્ષની ઉંમરે ક્લાસમાં આવ્યો ત્યારે એક ઘડી ખુરસી પર બેસે નહિ, ટેબલ નીચે ભરાઈ જાય કે પછી આખા રૂમમાં દોડાદોડી . એની વાચા પણ ખૂલી નહોતી. અંગ્રેજી જરાય સમજે નહિ. ઘરેથી સાથે લાવેલું રમકડું જો એની પાસેથી લઈ લઈએ તો રડીને, ચીસાચીસ કરીને આખો ક્લાસ માથે લે.

    ધીરે ધીરે અમારી મહેનત રંગ લાવી. તોફાનો થોડા કાબુમાં આવ્યા. ક્લાસની રીતભાત પ્રમાણે વર્તતા શીખ્યો. બોલતાં શીખ્યો. સવારે ક્લાસમાં આવે ત્યારે બધાને એટલા લહેકાથી કહે ” Good Morning” બે વર્ષમાં એની રીતભાત, શેક્ષણિક પ્રગતિ એ અમારી સફળતા હતી.

    પાંચ વર્ષનો આ નટખટ સેસાર એના નિર્દોષ હાસ્યથી આપણો ગુસ્સો ભુલાવી દે. બધા સાથે તરત દોસ્તી કરી દે. એની પ્રગતિ જોઈ એને અમે ૮.૦૦ થી ૧૨.૦૦ નિયમિત છોકરાઓના ક્લાસમાં મોકલવાનુ શરૂ કર્યું. ચપળ એટલો કે બધાની ખબર રાખે અને ક્લાસમાં કાંઈ પણ નવું દેખાય તો એની નજરે તરત ચઢી જાય.

    અમારા ક્લાસમાં ટ્રીસ્ટન કરીને નવો છોકરો થોડા દિવસથી આવ્યો હતો. પહેલે દિવસે જ સેસાર બાજુના ક્લાસમાંથી પોતાનો કલર બોક્ષ લેવા આવ્યો અને ટ્રીસ્ટન ને જોઈને કહે “આ શું છે?”(What is this?) આ કોણ છે ( who is this?) કહેવાને બદલે જાણે કોઇ અચરજની વસ્તુ જોઈ હોય એવો એનો ભાવ હતો.

    થોડા દિવસથી સેસાર ઘણો માંદો હતો. લગભગ પાંચેક દિવસ પછી એ સ્કૂલમાં આવ્યો. સવારે મેં એને બસમાંથી ઉતરતા જોયો હતો. માંદગીને લીધે સુકાઈ ગયો હતો. ગોળમટોળ ચહેરો નાનો થઈ ગયો હતો, પણ એનુ હાસ્ય એવું જ સુંદર હતું.

    સવારે તો એ સીધો બાજુના ક્લાસમાં જતો રહ્યો જ્યાં રોજ સવારે જાય પણ બપોરે જેવો ક્લાસમાં આવ્યો કે તરત મને વળગીને કહે “હાય મીસ મુન્શા Happy Valentine’s day.”

    એ દિવસે તો ૧૬મી તારીખ હતી અને વેલેન્ટાઇન તો ૧૪મી તારીખે હતો પણ કેવી એની યાદશક્તિ! સાથે સાથે મને કહે હું બધા માટે સ્પાઈડર મેનના ગીફ્ટ કાર્ડ પણ લાવ્યો છું.

    કેટલી એ બાળકને એ દિવસ ઉજવવાની તાલાવેલી. વેલેન્ટાઈન ડે પ્રેમનો, વ્હાલનો દિવસ ગણાય છે અને સેસાર અમારા માટે રોજનો વેલેન્ટાઈન છે. અમારા માટે સેસારની એ વહાલભરી બાથથી મોટો કોઈ વેલેન્ટાઈન નથી.

    બે વર્ષમાં તો એણે એટલી પ્રગતિ કરી કે ઊઘડતી સ્કૂલે અમે એને એને રેગ્યુલર પહેલા ધોરણના ક્લાસમાં મોકલ્યો. એ જ વર્ષે એની બહેન પણ સ્કૂલમાં Pre-K માં દાખલ થઈ.

    ગઈકાલે અમારી સ્કૂલમાં ઓપન હાઉસ હતું. સ્કૂલ ખૂલે લગભગ મહિનો થાય એટલે માતા પિતા ટીચરને મળવા આવે અને પોતાના બાળકની પ્રગતિ વિશે જાણે, સલાહ સૂચન મેળવે.

    અમે અમારા ક્લાસમાં અમારા વાલીઓ સાથે વાત કરતાં હતાં, ત્યાં જાણે તુફાન મેલ ધસી આવ્યો હોય તેમ સેસાર ધસી આવ્યો, આવી ને મને જોરથી વળગી પડ્યો એનો એ જ લહેકો ને એ જ હસતો ગોળમટોળ ચહેરો “Hi Ms Munshaw” કહેતાં તો તુફાન મેલની જેમ કંઈ કેટલાય સવાલો ને કેટલી વાતો એનુ અડધું સ્પેનિશ ને અડધા અંગ્રેજીમાં બોલી કાઢ્યું. ક્લાસમાં નવા ટીચરને જોઈ કહે મીસ મેરી ક્યાં છે? આ કોણ છે? મારો હાથ પકડી મને કહે ચાલો તમને મારી બેન પાસે લઈ જઉં.

    પોતે મોટો ભાઈ અને આ સ્કૂલ જાણે એની પોતાની હોય એવી બહાદુરી એ બેન પાસે બતાડવા માંગતો હતો. એની મમ્મીને મળી તો મને કહે સેસાર તમને ખૂબ યાદ કરે છે. ઘરમાં પણ દરેક વાતમાં ક્યાંક ને ક્યાંક તમારો અને મેરીનો ઉલ્લેખ આવે જ. હું તો જોતી જ રહી ગઈ.

    બે વર્ષ પહેલાનો સેસાર મને યાદ આવી ગયો. જરા સરખી લાગણીની આ બાળકો કેટલી મોટી કિંમત આપે છે, એક નમણું હાસ્ય કે બાથમાં જકડીને વરસતું વહાલ.

    કોણ કહે કે આ બાળકો દિવ્યાંગ છે!! અરે આ તો નભમાં ચમકતા સિતારા છે જે એક દિવસ નભોમંડલમાં અવિરત ચમકતા રહેશે.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • કોઈનો લાડકવાયો – (૨૬) મેરઠમાં ૧૦મી મે, ૧૮૫૭

    દીપક ધોળકિયા

    ૧૯૧૧ની ૧૨મી ડિસેમ્બરે બ્રિટનના રાજા જ્યૉર્જ પંચમના રાજ્યારોહણનો ઉત્સવ ઉજવવા માટે ‘દિલ્લી દરબાર’ યોજાયો. એમાં બ્રિટિશ રાજની સેવા કરનારા ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા. એમાં એક હતો વિલિયમ બ્રેંડિશ. ૧૮૫૭ની ૧૦મી મેના દિવસે મેરઠમાં એ તાર કચેરીમાં કામ કરતો હતો. દિલ્લી દરબાર વિશે કૅનેડાના ઓંટારિયોમાંથી પ્રકાશિત થતા એક અખબાર The Napanee Expressના ૧૯૧૨ની પાંચમી જાન્યુઆરી ૧૯૧૨ના અંકમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો. તેમાં વિલિયમ બ્રેંડિશે મેરઠામાં સિપાઈઓએ વિદ્રોહ કર્યો હોવાના સમાચાર એના ઊપરી અધિકારીઓને કેમ પહોંચાડ્યા તેનું વર્ણન છે. અહીં એ અખબારની કાપલી આપી છે. આપણી આજની કથાનો મુખ્ય આધાર એ જ રિપોર્ટ છે.

    રિપોર્ટ કહે છે કે  મેરઠમાં ત્રણ બ્રિટિશ રેજિમેંટ અને કેટલીક સિપોય બટાલિયનો હતી. એક બટાલિયનના અમુક સિપાઈઓએ હુકમોને ઠોકરે ચડાવ્યા. બીજા દિવસે ૧૦મી મેના રોજ એમના સાથીઓએ એમની મસ્કેટો બહાર કાઢીને જેલ ખોલાવી અને એમના સાથીઓને છોડાવ્યા. યુરોપિયન ઑફિસરોએ એમને ઠપકો આપ્યો તો સિપાઈઓએ એમને મારી નાખ્યા. તે પછી એ દિલ્હી તરફ ઊપડી ગયા અને તાર કાપી નાખ્યા કે જેથી શહેરમાં શું થયું તેની કોઈને ખબર ન પડે.

    સોમવાર ૧૧મી મેની સવારે  ટેલીગ્રાફ સુપરિંટેંડંટ સી. ટૉડ અને એમનો ક્લાર્ક વિલિયમ બ્રેંડિશ ઑફિસે જવા નીકળ્યા અને જોયું કે એમણે મેરઠમાં મોકલેલા સંદેશોના જવાબ નહોતા આવ્યા. શું અંતરાય આવ્યો તે જોવા માટે ટૉડ જમના નદી પરના નાવવાળા પુલ તરફ ગયા. ત્યાં એમણે સિપાઈઓને નદી  પાર કરતા જોયા. ટૉડને જોઈને સિપાઈઓ  એમના તરફ ધસ્યા અને એને મારી નાખ્યો. પછી વિદ્રોહીઓ શહેરમાં આવ્યા અને કેટલાંય યુરોપિયન સ્ત્રી-પુરુષોને ઠાર કરી દીધાં.

    બ્રેંડિશ ઑફિસમાં હતો. એ આ બનાવોથી અજાણ જ રહ્યો. પણ એક દેશી છોકરો એનો મિત્ર હતો, એણે એને કહ્યું કે સિપાઈઓએ બળવો કર્યો છે. રિપોર્ટ હવે બ્રેંડિશનાં વખાણ કરતાં કહે છે કે એ શાંત રહ્યો અને લાહોરમાં ચીફ કમિશનરને  મેરઠની ઘટનાઓના સમાચાર તારથી આપ્યા. બ્રેંડિશના સંદેશ પ્રમાણે ત્રીજી લાઇટ કૅવલરીના દોઢસો જેટલા સિપાઈઓએ મેરઠ સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો અને પુલનો કબજો લઈ લીધો હતો. એમણે કેટલાયે ઑફિસરોને પણ મોતને ઘાટે ઉતારી દીધા હતા.

    લાહોરના અધિકારીઓને સ્થિતિનો અંદાજ આવી ગયો. એમણે તરત પંજાબ અને વાયવ્ય સરહદ પ્રાંતના દેશી સિપાઈઓનાં શસ્ત્રો લઈ લીધાં.મેરઠમાં યુરોપિયનોની કતલે-આમ ચાલુ રહી અને એમના બંગલાઓને આગ લગાડી દેવાઈ.  વિદ્રોહીઓએ દારુગોળાનો ભંડાર પણ ઉડાવી દીધો. બ્રેંડિશ હજી પણ ઑફિસમાં રહીને તાર મોકલતો રહ્યો પણ પછી એને છેલ્લો સંદેશ લાહોરને મોકલ્યો કે હવે અમારે બંધ કરવું પડશે. બળવાખોર સિપાઈઓ આજે સવારે અહીં આવ્યા હતા. એમણે ઘણા બંગલા બાળી નાખ્યા છે અને નવ યુરોપિયનો માર્યા ગયા છે. હવે અમે જઈએ છીએ. એનો સુપરિંટેન્ડંટ ટોડ પણ માર્યો ગયો હતો એ સમાચાર એને હવે મળી ચૂક્યા હતા અને એણે લાહોરમાં ચીફ કમિશનરને એની જાણ કરી દીધી.

    બ્રેંડિશ એક ઐતિહાસિક ઘડીનો સાક્ષી હતો. એ ત્યાંથી ભાગી છૂટ્યો અને ભટકતો રહ્યો. અંતે કોઈક જગ્યાએ એને આશરો મળ્યો પણ એ ૧૮૫૮માં રાણીએ ભારતમાં પોતાની આણ સ્થાપી તે પછી પણ ગુમનામ જ રહ્યો અને  ૫૪ વર્ષ પછી જઈફ વયે ‘દિલ્લી દરબાર’માં પ્રગટ થયો.

    મેરઠના વિદ્રોહનું મહત્વ

    પણ આ તો તાર ઑફિસના એક યુવાન ક્લાર્ક બ્રેંડિશના રિપોર્ટની વાત થઈ. એને એ ઘડીએ ખબર પણ નહીં હોય કે ભારતના ઇતિહાસમાં એક નવો વળાંક લાવનારી એ ઘડી હતી. રાષ્ટ્રીય વિદ્રોહની આગેવાની મેરઠે લીધી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મેરઠના સિપાઈઓએ  એનાથી મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો અને અંગ્રેજોથી નારાજ હતા તે બધા જ એમાં જોડાઈ ગયા અને ખરેખર જ ૧૮૫૭નો સંગ્રામ રાષ્ટ્રીય વિદ્રોહ બની ગયો.

    મેરઠ (Meerut)ની પાંચ માઇલમાં ફેલાયેલી છાવણીમાં કેટલીયે રેજિમેન્ટો હતી. આમાંથી થર્ડ રેજિમેન્ટના કર્નલ કારમાઇકલ સ્મિથ (Carmichael Smyth)ની વર્તણૂકને ઉદ્દંડ મેરઠના સિપાઈ વિદ્રોહ માટે જવાબદાર ગણી શકાય. . કારતૂસોનો વિરોધ એટલો ઊગ્ર હતો કે અંગ્રેજ ફોજની ટોચેથી હુકમ આવી ગયો હતો કે સિપાઈઓએ એ કારતૂસો દાંતેથી ખોલવાની જરૂર નહોતી. આમ છતાં સ્મિથે એ કારતૂસોમાં કંઈ વાંધાજનક નથી એ દેખાડવા માટે ૨૩મી ઍપ્રિલે ખાસ પરેડ રાખી અને સિપાઈઓને એ ખોલવા કહ્યું. પરેડમાં એક મુસલમાન સિપાઈએ કહ્યું કે જોવામાં તો એ પહેલાં હતાં એવાં કારતૂસો જેવાં જ લાગે છે પણ એમાં ડુક્કરની ચરબી નથી વપરાઈ તેની કેમ ખબર પડે? તે પછી સ્મિથે એક હિન્દુ સિપાઈને બોલાવ્યો. આ સિપાઈ માત્ર યુરોપિયન અફસરોનાં ઘરોમાં કામ કરતો હતો અને બધા એને ખુશામતખોર માનતા હતા. એ શખ્સે અંગ્રેજી અફસરને રાજી કરવા માટે કારતૂસ દાંતેથી ખોલી દેખાડ્યું. દેખાડ્યા છતાં સિપાઈઓ તૈયાર ન થયા એટલે એમાંથી આગળપડતા ૮૫ જણને કોર્ટ માર્શલ કરવાનો સ્મિથે હુકમ આપ્યો. ૬ઠ્ઠી મેના રોજ કોર્ટ માર્શલમાં બધાને દસ વર્ષની કેદની સજા થઈ અને એમનૅ જેલમાં નાખી દેવાયા હતા.

    ૯મી મે, શનિવારની પરેડમાં કોર્ટ માર્શલ થયેલાઓને લાઇનમાંથી બહાર આવવાનો હુકમ અપાયો. એમના બિલ્લા, યુનિફૉર્મ વગેરે લઈ લેવાયાં, બેડી-ડસકલાંમાં ઝકડીને એમને જેલમાં મોકલી દેવાયા. આનાથી સિપાઈઓમાં ક્રોધનો ચરુ ઊકળવા લાગ્યો.

    વિલિયમ કૅય લખે છે કે “અંગ્રેજી આંખો જોઈ શકી હોય, અથવા અંગ્રેજી મગજ સમજી શક્યાં હોય તો એટલું જ, કે દિવસ શાંતિથી પૂરો થયો!” પરંતુ સિપાઈઓની સજાની અસર બજારોમાં અને ગલીગલીમાં શું હતી તે એ સમજી ન શક્યા. સાંજ પડતાં અંગ્રેજ અફસરો મેસમાં મોજમસ્તી અને ડિનર માટે એકઠા થયા તેમાં કમિશનર અને ‘ઇલેવંથ સિપોય’નો કમાંડર પણ હતા. શહેરમાં લાગેલાં પોસ્ટરો વિશે વાત નીકળી પણ બન્નેએ હસી કાઢ્યું. ૧૦મી મે, રવિવારની સવારે અંગ્રેજી અફસરોના ઘરે કામ કરવા કોઈ શહેરમાંથી ન ગયું. બધા અંગ્રેજો ચર્ચમાં જવાની તૈયારી કરતા હતા. એ દિવસે એકસામટા બધા જ ન આવ્યા તો પણ અફસરોને કંઈક ગરબડ હોવાનું ન લાગ્યું. સંકેતો સ્પષ્ટ હતા. સાંજની પ્રાર્થના વખતે બધા ફરી ચર્ચમાં જવા નીકળ્યા ત્યારે લાગ્યું કે વાતાવરણ તંગ છે.

    શહેરના કોટવાલ  ધનસિંહ ગુર્જર ખાનગી રીતે  અંગ્રેજોની વિરુદ્ધ હતા.  એમણે તરત જ ગામેગામ સંદેશા પહોંચાડી દીધા અને હજારો ગુજ્જરો મેરઠમાં એકઠા થઈ ગયા. આખા પશ્ચિમી ઉત્તર પ્રદેશ. દહેરાદૂન, દિલ્હી,મોરાદાબાદ, બિજનૌર, આગરા, ઝાંસી, પંજાબ રાજસ્થાન થી માંડીને મહારાષ્ટ્ર સુધીના ગુર્જરો સ્વાતંત્ર્ય સંગ્રામમાં કૂદી પડ્યા. બધા મેરઠમાં સદર કોટવાલી થાણા પાસે એકઠા થઈ ગયા. રાતે બે વાગ્યે ધન સિંહની આગેવાની નીચે ક્રાંતિકારીઓ જેલ પર ધસ્યા અને ૮૩૬ કેદીઓને છોડાવ્યા.

    અંગ્રેજોના પાસા પલટ્યા ત્યારે ધન સિંહને વિદ્રોહ માટે મુખ્ય આરોપી માન્યા અને મેરઠના એક જાહેર ચોકમાં એમને જુલાઈની ચોથી તારીખે ફાંસી આપી દીધી.   ધન સિંહનું ગામ પાંચલી પણ અંગ્રેજોની ખફગીનો ભોગ બન્યું. ગામ પર અંગ્રેજી ફોજે દસ તોપોથી હુમલો કર્યો અને આખા ગામને ઉડાવી દીધું.  અસંખ્ય લોકોના જાન ગયા અને ૮૦ જણને ફાંસી આપી દેવાઈ. ગામ ગગોલ પણ  અંગ્રેજોના હુમલાનું નિશાન બન્યું. ગામના નવ જણને દશેરાના દિવસે જાહેરમાં ફાંસી આપી દેવાઈ. ગામ આજે પણ દશેરાનો તહેવાર ઊજવતું નથી.

    તે સાથે જ ૧૧મી અને ૨૦મી ઇન્ફન્ટ્રીએ ખુલ્લો બળવો કરી દીધો. ‘૧૧મી’નો કમાંડન્ટ ફિનિસ તરત એમને ઠપકો આપવા પહોંચ્યો. એ બોલતો હતો ત્યાં જ ‘૨૦મી’ના એક સિપાઈએ એના પર ગોળી છોડી, એ ઘોડા પરથી પડી ગયો, તરત ‘૨૦મી’માંથી ધાણી ફૂટે એમ ગોળીઓ વરસી અને ફિનિસ માર્યો ગયો. ફિનિસ ‘૧૧મી’નો કમાંડર હતો પણ ‘૨૦મી’એ એને માર્યો. સામાન્ય સંજોગોમાં ‘૧૧મી’ના સિપાઈઓએ આનો બદલો લીધો હોત પણ આ ૧૮૫૭ની ઐતિહાસિક ૧૦મી મે હતી. ‘૧૧મી’ને એમાં કંઈ ખોટું ન લાગ્યું. બન્ને ઇન્ફન્ટ્રીઓના સિપાઈઓ એક સાથે થઈ ગયા.

    બજારોમાં અને ગામેગામ અંગ્રેજો સામેનો રોષ બહાર આવવા લાગ્યો. એક જ દિવસમાં મેરઠ આખું અંગ્રેજવિરોધી છાવણી બની ગયું. લોકો જેલ પર ત્રાટક્યા અને બધા કેદીઓને છોડાવી લીધા. હવે પોલીસ દળના માણસો પણ એમની સાથે જોડાયા વિલિયમ. કૅય લખે છે કે પ્રબળ આસ્થાવાન અંગ્રેજ મહિલાઓને ખાતરી હતી કે અંતે તો ખ્રિસ્તી ધર્મનો વિજય નિશ્ચિત છે અને બિચારા સિપાઈઓનું નિકંદન નીકળી જવાનું છે. પરંતુ અંગ્રેજ સૈનિકોની તૈયારીઓ નકામી નીવડી અને એમની પત્નીઓની ખ્રિસ્તી ધર્મ માટેની આસ્થા પણ ઠગારી સાબીત થઈ. દરમિયાન હવે કેન્ટોનમેન્ટમાં લૂંટફાટ કરાનારાઓનાં ધાડાં ત્રાટક્યાં હતાં અંગ્રેજ સ્ત્રી-બાળકો બળતાં ઘરો છોડીને પરેડ ગ્રાઉંડમાં એકઠાં થઈ ગયાં હતાં. કારણ કે, ગોરી ચામડી દેખાઈ કે ગોળી છૂટી કે છરો ભોંકાયો. આખી રાત ગોરાઓ બીકથી ફફડતા રહ્યા.

    મેરઠ આઝાદ થઈ ગયું હતું, પણ આખો દેશ હજી ગુલામ હતો. સિપાઈઓનાં નામ ક્યાંય મળ્યાં નથી પણ દિલ્હી તરફ ધસમસતા એમના ઘોડાઓના ડાબલા હજી પણ ઇતિહાસમાં પડઘાય છે!

    સંદર્ભઃ

    ૧. The Napanee Express (5 Jan. 1912) પૃષ્ઠ ૨૬-૨૭

    (archive.org  પર Sepoy Mutiny in Delhi  ટાઇપ કરીને ડાઉનલોડ કરી શકાશે).

    ૨.https://delhitourism.gov.in

    ૩.  ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૨૩: ૧૮૫૭ મેરઠ આગેવાની લે છે () (લેખકની અહીં પ્રકાશિત લેખમાળા).

    ૪. હિંદી વિકી પીડિયા – ધનસિંહ ગુર્જર.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • કોઈકે કેળું ભીંતે ચોંટાડ્યું અને કોઈકે એ ઉખાડીને ખાધું

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કોઈ માણસ માત્ર એક કેળું ખાય એટલે સમાચારમાં ચમકી જાય એમ બને ખરું? એપ્રિલ, 2023ના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ કોરિયાનો એક વિદ્યાર્થી આ કારણસર પ્રસાર માધ્યમોમાં ચમકી ગયો. કારણ એટલું કે એ કેળું મૂકાયું હતું એ સ્થાન મહત્ત્વનું હતું.

    દક્ષિણ કોરીઆના પાટનગર સોલના લીઅમ મ્યુઝિયમ ઑફ આર્ટના એક કળાપ્રદર્શનમાં મૌરિઝીઓ કેત્તીલાન નામના ન્યૂયોર્કસ્થિત શિલ્પકારનું ઈન્‍સ્ટોલેશન મૂકાયું હતું. તેનું શિર્ષક હતું ‘કોમેડિયન’. એક દિવાલ પર એક કેળાને ડક્ટ ટેપ વડે ચોંટાડવામાં આવ્યું હતું. નો હાન સૂ નામનો કળાશાખાનો એક વિદ્યાર્થી આ પ્રદર્શન જોવા આવ્યો અને ટેપ ઉખાડીને કેળું ખાઈ ગયો. કેળું ખાધા પછી તેણે તેની છાલને ફરી પાછી મૂળ સ્થાને ચોંટાડી દીધી.

    Man eats the banana from the famous artwork (Source: @shwan.han/Instagram)

    આ પ્રદર્શન દરમિયાન આ કૃતિમાં મૂકાયેલા કેળાને દર બે-ત્રણ દિવસે બદલવામાં આવે છે. આમ કરતો તે કેમેરામાં ઝડપાયો એ પછી મ્યુઝિયમના સત્તાવાળાઓએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે પોતે શિરામણ કર્યું ન હોવાથી ભૂખ્યો થયો હતો. જો કે, પછી તેણે એમ પણ જણાવ્યું કે આધુનિક કળાની કોઈક કૃતિને નુકસાન પહોંચાડવું એ પણ કળાકૃતિ જ કહેવાય. અને આથી જ પોતે કેળું ખાઈને તેની છાલ પાછી મૂળ સ્થાને લગાવી દીધી હતી. તેણે કહેલું, ‘મને લાગ્યું કે એને ખાવું રસપ્રદ બની રહેશે. એ ત્યાં ખાવા માટે નહોતું ચોંટાડવામાં આવ્યું?’

    કૃતિના કર્તા કેત્તીલાનને આ ઘટનાની જાણ થતાં તેમનો પ્રતિભાવ સહજ હતો. તેમણે કહેલું, ‘કશો વાંધો નહીં.’ આ કૃતિ સાથે પહેલવહેલી વાર આમ નથી બન્યું. અગાઉ 2019માં, મિઆમી આર્ટ બાઝલમાં કલાકાર ડેવિડ ડેટુનાએ બિલકુલ આ જ રીતે ચોંટાડેલા કેળાને ઉખાડીને ખાધું હતું. કેત્તીલાનની કળાના પ્રશંસક એવા ડેવિડે જણાવેલું, ‘મેં વિશ્વભરના 67 દેશોમાં પ્રવાસ કર્યો છે અને લોકો શી રીતે રહે છે એ જોયું છે. લાખો લોકો ખોરાક વિના મરણને શરણ થાય છે. અને અહીં દિવાલ પર ચોંટાડેલા કેળાને કળાકૃતિ ગણીને તેના લાખો ડોલર ઉપજાવાય છે!’

    કેત્તીલાન પોતાની કૃતિઓ થકી લોકપ્રિય ગણાતી સંસ્કૃતિને એક યા બીજી રીતે પડકારતા રહ્યા છે. આ અગાઉ તેમણે અઢાર કેરેટ સોનાનું ટોઈલેટ બનાવ્યું હતું, જેનું શિર્ષક હતું ‘અમેરિકા’ અને તેનું મૂલ્ય હતું દસ લાખ ડોલર. વચલી આંગળી દ્વારા અશ્લિલ ચાળો દર્શાવતું તેમનું એક શિલ્પ ઈટાલીના મિલાન શહેરના સ્ટૉક એક્સચેન્‍જ આગળ મૂકાયું હતું, જેનું અધિકૃત શિર્ષક હતું ‘લવ’. પર્યાવરણવાદીઓએ આ શિલ્પની તોડફોડ કરી હતી. અવકાશી પદાર્થના આક્રમણથી પડેલા નામદાર પોપ અને ઘૂંટણીએ ઉભા રહીને પશ્ચાતાપ કરતા હીટલરનું શિલ્પ બનાવીને તેમણે અનેકોનું ધ્યાન આકર્ષ્યું હતું. આમ, પોતાની કૃતિઓ દ્વારા લોકોને અસ્વસ્થ કરવા માટે કેત્તીલાન જાણીતા છે. તેઓ સમાજના દંભ પર સીધો પ્રહાર કરે છે, જે એક જાગ્રત કલાકારનું લક્ષણ હોવું ઘટે.

    આ ઘટના અને તેના પ્રત્યાઘાત અનેક અર્થઘટનોને ઉજાગર કરે છે. કળાજગતમાં અવારનવાર આ ચર્ચા ઉછળતી રહી છે. ‘કળા ખાતર કળા કે જીવન ખાતર કળા?’ની ચર્ચા જૂનીપુરાણી છે. ગુફાચિત્રોથી શરૂ થઈને ક્રમશ: વિકસતી કળાએ અનેક સ્વરૂપ બદલ્યાં. ક્યારેક તેણે સત્તાધીશોને પડકાર્યા, ક્યાંક તેણે વંચિતોની વેદનાને વાચા આપી, તો ક્યારેક ધનિકોની લાલસાને પણ સંતોષી. કળાના વિવિધ પ્રકારમાં અનેક ખેડાણ થયું, તેનાં શાસ્ત્રો રચાયાં, તે નિયમબદ્ધ થતી ગઈ. એમાં અનેક પરંપરાઓ રચાતી ગઈ અને તૂટતી પણ ગઈ. કેમ કે, કળા કદી નિયમોને આધીન રહી શકે નહીં.

    સદીઓ સુધી વાસ્તવદર્શી કળાના નિરૂપણ પછી કળામાં આધુનિકતા પ્રવેશી, જે અગાઉની તમામ વિભાવનાઓનો ભાંગીને ભૂક્કો કરી નાખતી હતી. ‘મોડર્ન આર્ટ’ ખરેખર તો કળામાં એકધારા ચાલતા આવેલા વાસ્તવદર્શીપણાને પડકારતી હતી. આથી પ્રચલિત તમામ વિભાવનાઓને તેણે મરડી. તેને પગલે આમાં પણ કેવળ સનસનાટી સર્જવા માટે કૃતિઓ રચાય એવું બનવા લાગ્યું. ‘મોડર્ન આર્ટ’ના નામે કંઈ પણ અષ્ટમપષ્ટમ ચાલી જાય એવી માન્યતા પ્રચલિત થવા લાગી. અલબત્ત, આ બધું છૂટુંછવાયું હતું, છતાં એવા બનાવ બને ત્યારે તેને પ્રસિદ્ધિ એટલી બધી મળતી કે આવું જ સતત ચાલતું હોય એમ લાગે. કળાકારના સાતત્યપૂર્વકના કામ અને તેની ગુણવત્તા અનુસાર તેની કૃતિની કિંમત નક્કી થવી જોઈએ તેને બદલે કળા રોકાણ માટેનું બજાર બન્યું. કૃતિઓ વસાવવાનો શોખ કેવળ ધનિકોને જ પોસાય એ ચલણ વધ્યું. ધનિકોને કેવળ પોતાની સંપત્તિના પ્રદર્શન સિવાય બીજા કશામાં રસ નથી હોતો એવી માન્યતાના આધારે કળાકૃતિઓનું મૂલ્ય નહીં, પણ તેની કિંમત અંકાવા લાગી.

    આની સામે પણ લાલબત્તી ધરવી કેટલાક કલાકારોને જરૂરી લાગી. અમુક કલાકારો વેચવા માટેની કૃતિ અને પોતાની સર્જકતા સંતોષવા માટેની કૃતિને અલગ પાડતા થયા. આ બધામાં એક બાબત સામાન્ય રહી કે સાધારણ લોકો કળાથી વિમુખ થતા ગયા. તે આર્ટ ગેલરી, મ્યુઝિયમ વગેરેમાં કેદ થવા લાગી.

    સાચો કલાકાર અંદરથી સતત અસ્વસ્થ રહેતો હોય છે. આ અસ્વસ્થતા તેની સર્જકતાને ઉપકારક નીવડે છે. મૌરિઝીઓ કેત્તીલાન પોતાનાં શિલ્પ અને ઈન્‍સ્ટોલેશનમાં અનેક અવળચંડાઈઓ કરતા રહ્યા છે. વક્રતા એ છે કે આમ થાય ત્યારે વિવાદના કેન્‍દ્રમાં કૃતિઓ રહે છે, નહીં કે એ કૃતિઓ થકી ઉજાગર કરવા ધારેલો મુદ્દો. ‘કોમેડિયન’ શિર્ષકથી સાચા કેળાને ટેપ વડે ચોંટાડીને તેમણે કરેલું ઈન્‍સ્ટોલેશન કદાચ કળાના નામે કંઈ પણ ચાલી જાય એ દર્શાવવાનો હશે, તો તેને ખાઈ જનાર વિદ્યાર્થીએ પોતે ‘ભૂખ્યો’ છે એમ જણાવીને આખું ચક્ર પૂરું કર્યું છે એમ કહી શકાય. કળાકૃતિઓ વિશે આવી ચર્ચા થતી રહેવી જોઈએ, કેમ કે, કળા પણ સમાજનું અંગ છે. એ કંઈ અલગ ટાપુ નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫ – ૦૬ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • (૧૨૦) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૬ (આંશિક ભાગ –૧)

    ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા

    (શેર ૧ થી ૩)

    મિર્ઝા ગ઼ાલિબ
    વલીભાઈ મુસા
     (સંકલનકાર અને રસદર્શનકાર)

    ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા
    દિલ જિગર તિશ્ના-એ-ફ઼રયાદ આયા (૧)

    [દીદા-એ-તર=  ભીની આંખો; જિગર= દિલ, હિંમત; તિશ્ના-એ-ફ઼રયાદ= દુઆ (ફરિયાદ)ની તરસ (આરજૂ)]

    ફરી એકવાર આપણને ગ઼ાલિબની શિષ્ટ (Classic), રમતિયાળ શબ્દમઢિત અને તેજસ્વી ટૂંકી બહેરની ગ઼ઝલ મળે છે. પહેલા આ મત્લા શેરમાં આપણને માશૂકાનું માશૂક પરત્વેનું હકારાત્મક વલણ દેખા દે છે. ગ઼ાલિબના મોટા ભાગના શેરમાં માશૂકા રિસાયેલી, માશૂકને દાદ ન આપતી અને માશૂક્થી દૂર ભાગતી જોવા મળશે. પરંતુ અહીં માશૂકને માશૂકાની ભીની આંખોની યાદ આવે છે. માશૂકથી છૂટા પડતી વખતે માશૂકાની આંખોમાં વિરહના દુ:ખે ઉભારાયેલાં ગમગીનીનાં આંસુ માશૂકને વિહ્વળ બનાવે છે.

    બીજા મિસરામાં માશૂકાનું પુનર્મિલન ઝંખતા માશૂકના દિલમાં હિંમત જાગે છે અને અલ્લાહને આરજૂસભર દુઆ ગુજારે છે. અહીં માશૂકાની અશ્રુભીની આંખો માશૂકની દુઆ-પ્રાર્થના થવા માટેના ઉદ્દીપક તરીકે કામ કરે છે. સામાન્ય સંજોગોમાં થતી દુઆ કરતાં આ દુઆ અસરકારક નીવડશે, કેમ કે માશૂકાનાં અશ્રુએ માશૂકના દિલમાં એવી તો બેચેની જગાડી છે કે આ દુઆ સાચા દિલથી અને હૃદયના ઊંડાણથી થઈ રહી છે. અહીં ઉર્દૂના રૂઢિપ્રયોગ ‘જિગર તિશ્ના હોના’નો ઉપયોગ થયો છે, જેનો અર્થ થાય છે, ‘દિલમાં તીવ્ર ઝંખના જાગવી’.

    આ ગ઼ઝલના તમામ શેરમાં આપણે જોઈશું તો ‘યાદ આયા’ રદીફને ગ઼ાલિબે સુપેરે નિભાવ્યો છે.

    * * *

    દમ લિયા થા ક઼યામત ને હનૂજ઼
    ફિર તિરા વક઼્ત-એ-સફ઼ર યાદ આયા (૨)

    [હનૂજ઼=  હજુ; વક઼્ત-એ-સફ઼ર= વિદાયનો સમય]

    અર્થઘટન અને રસદર્શન :

    ભાષાના અનન્ય અલંકારમાં કહેવું હોય તો કહી શકાય કે ગ઼ાલિબ તો ગ઼ાલિબ છે. ચર્ચાતી ગ઼ઝલના આ બીજા શેરમાં ગ઼ાલિબ આપણને ભવ્યાતિભવ્ય એવી કલ્પનાની સફરે લઈ જાય છે કે આપણે હયાત હોવા છતાં ભવિષ્યે  આવનારા હશ્ર (કયામત)ના દિવસના ચશ્મદીદ ગવાહ બનીને માશૂકની વ્યથાના સમભાવી બની રહીએ છીએ. ઈસ્લામ અને ખ્રિસ્તી મત પ્રમાણે આ દુનિયા ફના થયા પછી એક એવો ન્યાયનો દિવસ આવશે કે જ્યાં જીવાત્માઓનાં સારાંનરસાં કર્મોનો હિસાબ લેવામાં આવશે. પાપીઓ માટે આ દિવસ  એવો ત્રાસદાયક હશે કે તેઓ તોબાહ તોબાહ પોકારતા હશે. આટલી પૂર્વભૂમિકા આપણને આ શેર સમજવા માટે સહાયક બની રહેશે.

    અહીં ગ઼ાલિબ એવી કલ્પના કરે છે કે કયામતના એ દિવસે અસહ્ય ગુજારાતા એવા ત્રાસ વચ્ચે થોડોક વિરામ રહેશે. હવે એ વિરામ હજુ શરૂ થયો પણ નહિ હોય અને ત્યાં તો માશૂકને માશૂકાનો એ અંતિમ વિદાયનો સમય યાદ આવી જશે. એ વિદાયનો સમય એવો દુ:ખદ હતો કે તેની સરખામણીએ આ કયામતના દિવસના ત્રાસની કોઈ વિસાત નહિ હોય! અહીં ભાષાશાસ્ત્રનો વ્યતિરેક અલંકાર બને છે. માશૂકને  માશૂકાના મોતની એ આખરી વિદાયવેળાની યાદ માત્ર આવતાં કયામતના ત્રાસનો અલ્પ વિરામ પણ તેમનાથી ભૂલી જવાય છે અને કયામતના ત્રાસથી પણ વધુ પીડાજનક વ્યથા અનુભવાય છે. કયામતના ત્રાસથી બુમરાણ મચાવતા એ જીવાત્માઓની સરખામણીએ માશૂકની એ વિરહની યાદની મૂક વેદના અહીં વધારે બલવત્તર સાબિત થાય છે.

    * * *

    સાદગીહાતમન્ના યાની
    ફિર વો નૈરંગનજ઼ર યાદ આયા ()

    [સાદગી-હા-એ-તમન્ના= ઇચ્છાઓની સાદાઈ (Simplicity); નૈરંગ-એ-નજ઼ર=  ઇશ્કનો  આભાસી જાદુ]

    અર્થઘટન અને રસદર્શન :

    આ ગ઼ઝલનો રદીફ ‘યાદ આયા’ છે. શાયરને દરેક શેરમાંની જુદીજુદી પરિસ્થિતિઓ કે ઘટનાઓમાં યાદ સ્વરૂપે કંઈક ને કંઈક આવતું જાય છે.

    અહીં મુંઝવણમાં મુકાયેલા માશૂકનો એવો સાહજિક ઉદ્ગાર છે કે તેમની તમન્નઓમાં સાદગી છે અને તેથી જ તો તેઓ કોઈ મોટી મહેચ્છાઓ ધરાવતા નથી. માશૂકાનો ઇશ્ક નસીબ થાય તેવો પણ તેમનો ખ્યાલ નથી. આમ છતાંય તેઓ પોતાના ચિત્તને માશૂકાના વિચારોથી દૂર રાખી શકતા નથી, એમ જાણતા હોવા છતાંય કે માશૂકા હોશિયારીપૂર્વક તેની લોભામણી નજર દ્વારા તેમના સાથે છેતરપિંડી કરી રહી છે. આમ માશૂક માશૂકાના બદઈરાદાને નજર અંદાઝ કરીને પણ તેના આભાસી ઇશ્કના જાદુમાં સ્વેચ્છાએ ગિરફ્તાર  થતાં જણાવે છે કે ભલે ને તેના દિલમાં ગમે તે ખ્યાલ હોય, પણ તેની ઉપલકિયા ઇશ્કની નજરની યાદ તો આવ્યે જ જાય છે.

                                                                                * * *

    (ક્રમશ🙂

    * * *

    ઋણસ્વીકાર:

    (૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

    (૨) http://www.youtube.com વેબસાઇટનો…

    (૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

    (૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

    (૫) Courtesy : https://rekhta.org

    (૬) Courtesy –  urduwallahs.wordpress.com

    (૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

    (૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

    ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977

    નેટજગતનું સરનામુઃ

    William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ જીવો અને જીવવા દો


     

  • પૌરાણીક વિમાનની વ્યાખ્યા અને તેનાં પ્રકારો

    રામાયણ – સંશોધકની નજરે

    પૂર્વી મોદી મલકાણ

    આપણે જાણીએ છીએ કે આધુનિક વિમાનની શોધ માટેનો ક્રેડિટ રાઇટ બંધુઓને દેવામાં આવે છે, જેમણે ૧૯૦૩ માં પ્રથમવાર વિશ્વની ઉડાન ભરેલી. પરંતુ આ વાત તો ગઇકાલની છે, ભારતીય ગ્રંથોએ તો આકાશગામી વાહનોનો ઉલ્લેખ યુગો અગાઉ કરી દીધો છે. કારણ કે આપણાં એ લોકો જ્ઞાની-વિજ્ઞાની હતાં, આથી આજે આપણે જે જગ્યાએ છીએ તે જગ્યાથી તો તેઓ ઘણાં જ આગળ હતાં. આ બાબતનું સૌથી મોટું પ્રમાણ તો આપણને આપણાં ધર્મગ્રંથો આપતાં કહે છે કે, પૃથ્વી પર થતી અનેકવિધ ક્રિયાઓ જોવા દેવ- દેવીઓ વિમાને ચઢીને આવતાં, આ બાબત દર્શાવે છે કે જે આજના વિશ્વ માટે નવું છે તે વિમાનની પ્રથા આપણે ત્યાં ઘણી જ પ્રાચીન હતી.

    સંસ્કૃતમાં “વિ” નો અર્થ પક્ષી કહ્યો છે અને “માન” એટ્લે કે, તેનાં જેવું. આમ આખા શબ્દનો અર્થ “પક્ષી જેવું કે જેવા” તરીકે કરી શકાય. આજે ય ઉત્તરાખંડની પ્રાકૃત લોકભાષામાં વિમાનને ચીલગાડી તરીકે ઓળખવામાં આવે છે. તેજ રીતે મયૂરપંખ, હંસપંખ વગેરે પ્રકારનાં વિમાનોનો ય ઉલ્લેખ ગ્રંથોમાં જોવા મળે છે.

     રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ થયેલો જ છે. જોવાની વાત એ કે, દેવો જે વિમાને ચઢીને આવતાં તે વિમાનોમાં જ તેની સાઇઝ બતાવી દેવામાં આવતી હતી આ વિમાનોમાં કોઈ નાના ( આજની ભાષામાં ૨-૩ સીટવાળા પ્રોપેલર પ્લેન ) હતાં ને કોઈક મોટા ( આજે એરબસ કે બોઈંગ જેમાં ૬ થી વધુ લોકો જઈ શકે ) હતાંપુષ્પક વિમાન માટે એમ કહેવાયું છે કે, જ્યારે રાવણ આવ્યો ત્યારે તેણે વિમાનને સ્વયં ચલાવેલું એટ્લે કે, ( Self Driven ) હતું જે તેણે રામ-સીતાની કુટીયાથી થોડે દૂર રાખેલું. જોવાની વાત એકે, આ કુટીયાથી થોડે દૂર રાખવું અને સીતાને ઉપાડીને તરત જ વિમાનને ઉડાડવું તે પ્રક્રિયા આજે હેલિકોપ્ટરમાં જોવા મળે છે. આ હેલિકોપ્ટરની વાતથી સુંદરકાંડમાં જવાનું મન થાય છે. સુંદરકાંડનાં સર્ગ ૧ અને શ્લોક નં ૪૨.૪૩ માં કહ્યું છે કે,

     

    उत्पाताय वेगेन वेगवानविचारयन, सुपर्णमिव चात्मानां मेने स कपिकुंज्जरः ।
    समुत्पतित तस्मिस्तु वेगात्ते नगरोहिणः
    , संह्यत्य  विटपान् सर्वान् समुत्पेततुः समन्ततः ।।

     

    અર્થ:- હનુમાનજી પોતાની બાધાઓને ધ્યાનમાં ન લેતાં અત્યંત વેગપૂર્વક લંકાની અંદર કૂદી પડ્યાં ત્યારે કેટલાક વનવાસીશ્રેષ્ઠોને હનુમાન ગરુડ સમાન લાગ્યાં, આ સમયે અત્યંત વેગપૂર્વક કુદવાથી અને તેમનાં વેગજનિત વાયુવેગથી વાટિકામાં રહેલ અનેક વૃક્ષવેલીઓ અને ગુલ્મલતાપતાઓ અને તેમની શાખાઓ ઉખડી ગઈ. જોવાની વાત એ કે, આજે હેલિકોપ્ટર જ્યારે ઊડે અને જ્યારે લેન્ડ થાય છે ત્યારે લગભગ આવી જ સ્થિતિ હોય છે.

    પુષ્પક વિમાનની બીજી ખાસિયત વિષે કહ્યું છે કે આ વિમાન તે યાત્રી પ્રમાણે પોતાની સાઇઝ બદલી શકતું હતું. દા.ખ જ્યારે રાવણ પંચવટીમાં આવ્યો ત્યારે પુષ્પક વિમાનની સાઇઝ કેવળ તે એકલો બેસી શકે તેવો હતી, પણ સીતાજીને ખેંચી આવ્યો ત્યારે તે જ વિમાનમાં બે વ્યક્તિ રહી શકે તેટલી જગ્યા હતી. આ જ વિમાન જ્યારે લંકા યુધ્ધ પછી અયોધ્યા જવા નિકળ્યું ત્યારે તેમાં રામ, સીતા, લક્ષ્મણ, જાંબુવાન, વિભીષણ, સુગ્રીવ, અંગદ અને અમુક બીજા વાનરો પણ બેસેલાં હતાં.

    દક્ષિણ ભારતીય રામાયણમાં તેમજ રામાયણ આધારિત શિલ્પકળામાં રામ-લક્ષ્મણ-સીતાને લઈને જતું પુષ્પક વિમાન ત્રણથી પાંચ મંઝિલા હતુંપુષ્પક વિમાનની ત્રીજી ખાસિયત વાલ્મીકિ રામાયણમાં એ બતાવી છે કે, લંકાથી આ વિમાન જ્યારે ઉડયું ત્યારે રામે કે વિભિષણે ઉડાડ્યું નથી બલ્કે તેમણે પુષ્પકને આદેશ આપ્યો અને તે આદેશ પ્રમાણે પુષ્પક ઉડતું હતું. આજની દૃષ્ટિએ જોઈએ તો આ બાબતને પૂર્ણ રોબોટિક અને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં જોઈ શકાય. અગર આ રોબોટિક અને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમની વાત કરીએ તો એ સમય દૂર નથી જ્યારે રસ્તાઓ પર ડ્રાઈવરલેસ કાર દોડતી હશે. આ ડ્રાઈવરલેસ કાર ઉપર ગયા વર્ષે અમેરિકામાં પ્રયોગ થયેલાં, પણ આ પ્રયોગ પૂર્ણ રીતે સફળ થયેલો નહીં. કારણ કે રસ્તા પરનાં ટ્રાફિકને માપવામાં, રસ્તામાં કેટલા પેડેસ્ટ્રીયન ( ચાલતા લોકો અને રસ્તો ક્રોસ કરતાં લોકો ) છે તે સમજવામાં કમ્પ્યુટર ભૂલ કરી ગયેલું. આ ભૂલને કારણે તત્કાલ પૂરતાં સમય માટે આ કારનો ઉપયોગ અટકાવી દેવામાં આવ્યો છે, પણ એક આશા રાખી શકાય કે આવનારા ૨૫ -૩૦ વર્ષોમાં આપણે રસ્તા પર એવી કાર ચોક્કસ જોઈશું. આ ડ્રાઈવર લેસ કાર તરફથી પાછા પુષ્પક વિમાન તરફ જઈએ તો જાણીએ કે જ્યારે વિભિષણે પુષ્પક વિમાનને આદેશ આપ્યો હતો તે સમયે આકાશમાં બીજા કોઈ જ વિમાનો ન હતાં કે ટ્રાફિક ન હતો જેને કારણે પુષ્પકને આદેશ પ્રમાણે ઉડવામાં કોઈ જ તકલીફ ન રહી. આતો વિમાનની વાત થઈ પણ ભગવાન વિષ્ણુ પણ જે ગરુડે ચઢીને આવતાં તે ગરુડને ય એક સીટર વિમાન તરીકે ઓળખી શકાય અને ભગવતી લક્ષ્મી જો સાથે હોય તો તે જ સમયે ગરુડ એ ટુ સીટર પણ બની જતું. ભગવાન વિષ્ણુની જેમ શનિદેવ અને કાર્તિકેય સ્વામીનું યે છે. જેમાં શનિદેવ કાગડા પર બેસી ઊડે છે તો સ્વામી કાર્તિકેય મયૂર ઉપર બિરાજમાન થઈ ઊડે છે. આમ આ પક્ષીઓને ય એક પ્રકારે વિમાનનું રૂપ આપી જ શકાય છે, પણ આ બધા વાહન પક્ષીઓમાં ગરુડનો ઉલ્લેખ વધુ થાય છે, કારણ કે પુરાતન કાળથી લઈને બૌધ્ધ સમય સુધી ગરૂડાકૃતિવાળા વિમાનોનું વધારે ચલણ રહેલું અને બૌધ્ધકાળ સુધી આ પ્રકારનાં વિમાનો બનાવવાવાળા કારીગરોની સંખ્યા પણ વધુ હતી, પણ બૌધ્ધકાળ પછી આ કળા પાછળ છૂટી ગઈ. અગર કેવળ ગરુડની વાત કરીએ તો, ઇન્ડોનેશિયાનાં એરપોર્ટનું નામ આજેય ગરૂડા છે અને તેના વિમાનોને “ગરૂડા રાજવલ્લી” કે “ગરૂડા ચંદ્રાવલ્લી” ને નામે ઓળખવામાં આવે છે.

    અગર ઉડવાની વાત કરવામાં આવે તો, રામાયણમાં જ્યાં પુષ્પક વિમાન ઊડે છે તેમ મહર્ષિ વાલ્મીકિએ હનુમાન, વિભીષણ અને અમુક લંકાવાસીઓ વગેરેને પણ ઊડતાં બતાવેલાં છે. આગળ જ્યારે હનુમાન સીતાજીને મળ્યાં તેમની પીડાને જાણી તેમણે સીતાજીને કહ્યું કે, માતા આપ મારી પીઠ પર બેસી જાઓ હું આપને પ્રભુ શ્રીરામ સુધી લઈ જઈશ. ત્યારે સીતાજીએ ના કહી અને કહ્યું કે, પુત્ર તું ઊડીને આવ્યો છે અને ઊડીને મને લઈ જઈશ પણ તોયે મારે માટે તે યોગ્ય નથી. આમ સીતાજીનો ભાવ દર્શાવતાં વાલ્મીકિ કહે છે કે, જ્યારે હનુમાન સીતાને કહે છે હું ઊડીને લંકા આવ્યો છું તે બાબતને સીતાજીએ બહુ સરળતાથી માની લીધી છે.

    આમ હવે એ વિચારવું રહ્યું કે; હનુમાન, વિભીષણ વગેરે પંખ વગરનાં આ મહાપુરુષો એવી તે કેવી કલા જાણતાં હશે?

     હવે પછી પ્રાચીન ગ્રંથોમાં રહેલ વિમાનોની અને તેમ રહેલ વિમાન જાણકારીનાં ઉલ્લેખની વાત કરીશું .


    ક્રમશઃ


    © પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com