વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વાવાઝોડાં – કેમ ? ક્યાં ? ક્યારે? કેવાં?

    ૧૯૯૮માં કંડલા બંદર પર ત્રાટકેલાં સમુદ્રી વાવાઝોડાં પછી હવે છેલ્લાં થોડાં વર્ષોથી અરબી સમુદ્રમાં લગભગ દર વર્ષે વાવાઝોડાં સર્જાવા લાગ્યાં છે. એ પૈકી કેટલાંક દુરથી જ આંખ ફેરવી ગયાં તો કેટલાંકે બહુ નજદીક આવીને પણ આંખ દેખાડી. છેલ્લે બિપરજોય તો જાણે ત્રીજી આંખ ખોલીને પોતાનું તાંડવ નૃત્ય કરી જ ગયું.

    આપણે ત્યાં બંગાળના ઉપસાગરમાં પણ દર વર્ષે વાવાઝોડાં પેદા થાય છે અને વધતો ઘટતો વિનાશ પણ ફેલાવે છે.

    અવકાશ વિજ્ઞાનની ટેક્નોલોજિ વડે હવામાન ખાતું હવે વાવાઝોડાં અંગે બહુ સચોટ આગાહી કરી શકે છે અને તેની હિલચાલ પર ચાંપતી નજર રાખી શકે છે એટલે ટુંકા ગાળામાં માનવ જીવનની હાનિ લગભગ નથી થતી. પરંતુ, વાવાઝોડાંની તીવ્રતાનો સીધો માર પડતા વિસ્તારોમાં લોકોનાં ઘરબાર અને જીવનને તેમજ ખેતી, માછીમારી વગેરે વ્યવસાયોને કે વીજળીની લાઈનો અને સંચાર વ્યવસ્થા અને માર્ગ વ્યવહારો જેવી સંપત્તિને જે નુકસાન થાય છે તે દર વર્ષે સહન કરવું પડે એ આપણી દૂરંદેશીનો જ અભાવ કહી શકાય. આવાં નુકસાનો પણ સાવ નહીંવત થાય એ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજિને કામે લગાડવાની આલબેલ તો વાગી જ ચુકી છે.

    ડૉ. પરેશ વૈદ્યે ઓક્ટોબર ૨૦૨૦માં આવાં વાવાઝોડાંઓ અંગે થયેલા વૈશ્વિક અભ્યાસો અને અનુભવોને સરળ ગુજરાતીમાં ‘નવનીત સમર્પણ’માં સમજાવ્યા. તે પછી તેમણે ચોમાસાની બધી જ પ્રાથમિક માહિતી સમાવી લેતું પુસ્તક ‘આપણું આગવું ચોમાસું’ કિંડલ આવૃતિ સ્વરૂપે પ્રકાશિત કર્યું, જે નવભારત સાહિત્ય મંદિર દ્વારા મુદ્રિત આવૃતિ તરીકે પણ ઉપલબ્ધ છે. આ પુસ્તકમાં પણ તેમણે વાવાઝોડાંને સમજાવતું પ્રકરણ પણ મુક્યું છે.

    દરેક સામાન્ય નાગરીકમાં આવી સમજણ પેદા થાય એ આશયથી વેબ ગુર્જરીએ ડૉ. વૈદ્યને પોતાના લેખને બિપરજૉયના સંદર્ભમાં સંપાદિત કરી આપવા કરેલ વિનંતિના પ્રતિસાદ રૂપે તૈયાર થયેલ લેખ, ડૉ. પરેશ વૈદ્યનાં સૌજન્યથી, અહીં રજુ કરેલ છે.

    સંપાદન મડળ, વેબ ગુર્જરી


    ડો. પરેશ ર. વૈદ્ય

    આ મહીને પાંચમી તારીખથી ૧૬મી સુધી ગુજરાતના જીવન માં ‘બીપરજોય’ વાવાઝોડું ઝળુંબતું રહ્યું. ‘બીપરજોય’ એ બંગાળી શબ્દ છે જેનો અર્થ જ ‘વિપત્તિ’ (Disaster) છે.  ભારતીય ઉપખંડમાં વાવાઝોડાં ચોમાસાથી પહેલાં અથવા ચોમાસું પૂરું થાય તે પછી તુરત આવે છે. જો કે આ નિયમમાં છેલ્લાં બેએક વર્ષથી અપવાદ દેખાયા છે; ચોમાસાની અધવચ્ચે પણ વાવાઝોડાં આવ્યાં. બાકી સાધારણપણે મે મહિનામાં અને પછી ઓક્ટોબર-નવેમ્બરમાં એ આવે છે. છેલ્લાં ત્રણ વરસ બાદ કરતાં, સામાન્ય અનુભવ એવો છે કે મોટા ભાગનાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં જન્મે છે; અરબી સમુદ્રમાં ઓછી સંખ્યામાં અને ઓછી શક્તિવાળા તોફાન આવે છે.

    જેમ ચોમાસું દુનિયામાં અમુક સ્થળોએ જ છે, તે રીતે વાવાઝોડાં પણ અમુક ચોક્કસ વિસ્તારોમાં જ આવતાં જણાયાં છે. ચિત્ર-૧ માં આ ક્ષેત્રો જોઈ શકાય છે. આપણા ઉપરાંત એ પૂર્વ એશિયાના દેશો (ફિલીપાઈન્સ વગેરે)માં દેખાય છે. ત્યાં એ પ્રશાંત મહાસાગર બાજુથી આવે છે. બીજો વિસ્તાર વેસ્ટ ઈન્ડિઝના ટાપુઓ છે, જ્યાં ક્યારેક તો આટલાંટિક સમુદ્રમાં ઉઠેલું તોફાન ધરતી પાર કરી પ્રશાંત સાગર તરફ જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી લટાર મારી આવે છે. કુદરતી પ્રક્રિયા એકની એક જ હોવા છતાં વિશ્વના જુદા જુદા પ્રદેશો એને જુદાં નામથી ઓળખે છે. ગુજરાતીમાં આપણે વાવાઝોડું કહીએ છીએ તેનું અહીં અંગ્રેજી નામ Cyclone (સાયક્લૉન) છે. એવું તોફાન વેસ્ટ ઈન્ડિયન ટાપુઓ ઉપર ‘હરિકેન’ કહેવાય અને જાપાનને કાંઠે ટાઈફૂન. આ બધાં વચ્ચે એક સામ્ય છે કે એ બધાં વિષુવવૃત્તની નજીકથી શરૂ થયાં હોય છે. પછી ભલે હજારો કિલોમીટરની યાત્રા કરી દૂરનાં સ્થળે પટકાતાં હોય અને ત્યાં વિનાશ વેરે.

    ચિત્ર ૧.  વિશ્વમાં વાવાઝોડાંને પાત્ર વિસ્તારો

    ઉત્પત્તિ સ્થાન :

    આપણે જાણીએ છીએ કે ચોમાસામાં ભારતની ધરતી તરફ સમુદ્ર પરથી પવનો વાય છે. પરંતુ જયારે ચોમાસું નથી હોતું ત્યારે વિષુવવૃત્તની નજીક ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, એમ બંને તરફથી પવનો સામસામા મળતા હોય છે. ( જુઓ ચિત્ર ૨).

    ચિત્ર ૨

    સમુદ્ર કે ધરતીની સપાટી નજીકના આ પવનો મિલન સ્થળે આવી, ત્યાંથી ઉપર જાય છે અને ઉપરના સ્તરે પોતપોતાના ગોળાર્ધની દિશામાં પાછા જાય છે. ચિત્રમાં ABCD માર્ગે.  મિલનના આ સ્થળને આંતર વૃત્તીય મિલન પટ્ટો   Inter Tropical Convergence Zone – ITCZ ) કહે છે. આ પટ્ટો બરોબર વિષુવવૃત્ત ઉપર નહિ પરંતુ થોડો ઉત્તર કે દક્ષિણ તરફ હોય છે. ભારતીય ઉપખંડમાં એ થોડો ઉત્તર તરફ જ હોય છે. ઋતુ બદલાતી હોય ત્યારે પવનોની દિશા બદલવાની હોય છે. ત્યારે અહી પવનો અસ્થિર થાય છે. તેવામાં જો અમુક સ્થળે પાણીનું ઉષ્ણતામાન આસપાસના પાણી કરતાં વધી જાય તો ત્યાંની હવા વધુ ઝડપે ઉપર જાય છે. તો ત્યાં નાનો શો ઓછાં દબાણનો વિસ્તાર બને છે. તેને ભરવા કોઈ ત્રીજી જ દિશામાંથી હવા ધસી આવે તો અસ્થિરતા નિર્માણ થાય છે.  તેને ભરવા ITCZ સિવાયની કોઈ ત્રીજી દિશામાંથી હવા ધસી આવે તો અસ્થિરતા નિર્માણ થાય છે. જો તે વખતે ITCZ નો પટ્ટો વિષુવવૃત્તની બરાબર ઉપર જ હોય તો કંઈ નથી થતું, પરંતુ જો ઉત્તર કે દક્ષિણમાં પાંચ અંશ અક્ષાંશ જેટલો ખસી ચૂક્યો હોય તો ત્યાં પૃથ્વીનાં ધરીભ્રમણનો વેગ ભાગ ભજવે છે. પૃથ્વી પ્રચંડ ગતિ એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોવાથી તેની સાથે લાગેલા વાતાવરણ ને પણ પૂર્વ તરફ મરડે છે. તેથી વિષુવવૃત પર થી ઉત્તર તરફ જતા પવનો જમણી તરફ વંકાય છે.  પેલી ધસી આવતી હવાની દિશાને પણ એ મરડે છે અને સ્થાનિકે ચક્રિય ગતિ શરૃ થઈ જાય છે. ગોળ ફરતી હવા ઉપર પણ જતી હોવાથી પાણીની સપાટી પર હવાનું દબાણ હજુય ઓછું કરે છે તેથી વળી વર્તુળાકાર ગતિ વધે છે અને અસ્થિરતાનું ‘વિષચક્ર’ શરૂ થઈ જાય છે.

    ચિત્ર ૩.  ઉત્પત્તિનો શરૂઆતનો તબક્કો

    મધ્યમાં ઓછાં દબાણવાળી આ પ્રણાલિ ITCZના પટ્ટાથી વિખૂટી પડી એક સ્વવંત્ર ઘટના તરીકે ફરે છે. આ થઈ વાવાઝોડાંની શરૂઆત. ભૌતિકશાસ્ત્રના નિયમો મુજબ ઉત્તર ગોળાર્ધમાં આ ચક્ર ઘડિયાળના કાંટાથી વિરુદ્ધની દિશામાં ફરે છે (anti-clockwise) અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં. એક પંપની જેમ એ સમુદ્રની સપાટી પરની ભેજવાળી હવાને ઉપર ધકેલતું રહે છે; ઉપર જઈ ઠંડી થતાં એ હવાના ભેજના વાદળાં બનતા રહે છે.  કુદરતનો એ નિયમ છે કે ભેજવાળી હવા ઠંડી પડે ત્યારે પોતાની આંતરિક ઊર્જા બહાર ફેંકે છે અને એ ગરમીના કારણે હવાનો જથ્થો વધુને વધુ ઉપર જતો રહે છે. આ પ્રક્રિયામાં અહીં તો વળી વર્તુળાકાર ગતિ પણ છે. એટલે વાદળાંનો એક ઊંચો નળાકાર રચાય છે અને તેની ટોચે પહોંચી વાદળાં બહાર તરફ ફેલાતાં રહે છે. ઉપગ્રહનાં ચિત્રમાં એ થાળી જેવું દેખાય છે. સમુદ્રથી એ ૧૦-૧૨ કિ.મી. ઉપર હોય છે અને એનો વ્યાસ ૨૦૦ થી ૪૦૦ કિ.મી.નો હોઈ શકે. સમુદ્રનાં પાણીનું ઉષ્ણતામાન ૨૭ સે. કે તેથી વધુ હોય ત્યારે જ વાવાઝોડાં સર્જાય છે.

    આંતરિક રચના :

    સાથેનાં ચિત્ર (આ. ૪)માં એક વાવાઝોડાંનો ઊભો છેદ (એટલે કે આંતરિક ઘટના) બતાવ્યો છે. તેના કેન્દ્રમાં કંઈ નથી. ત્યાં ઊભા હો તો માથે ભૂરું આકાશ દેખાય. આ વાવાઝોડાંની આંખ છે, તેનો પાંચ થી પચાસ કિ.મી.નો વ્યાસ હોઈ શકે. તે પછી મુખ્ય દિવાલ છે અને તેની બહાર વાદળાંના તૂટક તૂટક નળાકારો છે. આ બધું ફરે છે અને ‘ક્યુમુલો નિમ્બસ’ પ્રકારનાં વાદળાં નીચેનાં સ્થળોએ વરસાદ વરસાવતાં રહે છે.

    ચિત્ર ૪   વાવાઝોડાનો ઉભો છેદ

    આ આખી પ્રણાલિ હટતી પણ રહે છે. જેમ ભમરડો ફરતો ફરતો હટતો રહે છે તેવું જ વાવાઝોડું પણ કરે છે. આ ગતિ ઠગારી છે. ક્યારેક રોજના ૨૦-૨૫ કિ.મી. ખસે તો ક્યારેક કલાકો સુધી એક જગ્યાએ ઊભી જઈ હવામાનશાસ્ત્રીઓ અને લોકોની ધીરજની પરીક્ષા લે છે.

    બીપરજોય કલાકે છ થી આઠ કી.મિ ખસતું હતું .વાવાઝોડાના ખસવાનો માર્ગ ધીરે ધીરે વૈજ્ઞાનિકોને સમજાવા લાગ્યો છે. અને તેની આગાહી વધુ ને વધુ સચોટ થતી જાય છે. એ ઉપગ્રહનાં ચિત્રો સાદાં રડાર અને ડૉપ્લર રડારની મદદથી તેના ઉપર નજર રખાય છે. આમ છતાં એ આગાહી કરતાં જુદા માર્ગે ચાલ્યું જાય તો આશ્ચર્ય નથી. કલાકે ૨૦૦ કિ.મી. ઝડપે ફરતો ભમરડો માર્ગમાંથી થોડો હટી જાય અને સરવાળે જુદી જ જગ્યાએ પહોંચી જાય તે સમજાય તેવી વાત છે.

    વાવાઝોડાંનાં માર્ગ :

    બંગાળના ઉપસાગરનાં વાવાઝોડાં સામાન્ય રીતે અરબી સમુદ્રનાં વાવાઝોડાં કરતાં વધુ શક્તિશાળી હોય છે અને તે મુજબ તેનો માર્ગ પણ એકદમ નક્કી નથી. પરંતુ અરબી સમુદ્રનાં વાવાઝોડાંનો માર્ગ ભાખવો સરળ છે. એ વેરાવળ કાંઠે આવે તેવું જ મનાય છે. તાજેતરમાં મોટાભાગનાં વાવાઝોડાં ઓમાન તરફ વળી જાય છે. પૂર્વ કાંઠે તમિળનાડુમાં નાગાપટ્ટનમ્, આંધ્રમાં વિશાખાપટ્ટનમ્ અને ઓરિસ્સામાં પારાદીપ અને જગન્નાથપૂરીની આસપાસ પટકાય છે. તોફાનનો માર્ગ કેવો હશે તેનો આધાર ઠેકઠેકાણે સમુદ્ર તેને કેટલીક ગરમ-ભેજવાળી હવા પૂરી પાડે છે તેના ઉપર છે. ગુજરાત તરફ આવતાં, ત્યાં સમુદ્રનાં પાણીનું ઉષ્ણતામાન ઓછું હોવાથી તેને મળતી ઊર્જા ઘટતી જાય છે. તેથી તેની ગતિ પણ ઘટે છે. પોતાનો વરસાદ એ સમુદ્રમાં જ ઠાલવી દે છે. બીપરજોય વિષે આઠમી જુન સુધી મનાતુ રહ્યું કે એ ઓમાન તરફ જશે.

    ( ચિત્ર ૫ અ ) જુન ૫, ૨૦૨૩

    પરંતુ એક વાર એ મુંબઈની ઉત્તરે ગયું ને ગુજરાત ની આસપાસ ના સમુદ્ર નું ઉષ્ણતામાન થોડું ઓછું હોવા થી તેને મળતી ઊર્જા ઘટતી ગઈ. એટલે ૧૨ મી જુન ની ભવિષ્યવાણી તેને જમણી તરફ વાળી જખૌ તરફ જતું બતાવે છે.

    ( ચિત્ર ૫ બ ) જુન ૧૨, ૨૦૨૩ ની આગાહી

    આથી ઉલટું, એક વાવાઝોડું ઓખા પાસેથી પૂર્વ તરફ વળી કચ્છના અખાતમાં ઘૂસેલું. તેના પાણીમાંથી નવી ઊર્જા લઈ એ કંડલા ઉપર ત્રાટક્યું હતું. ઈતિહાસમાં અગાઉ આવું ક્યારેય નહોતું બન્યું.

    જમીનને સ્પર્શ :

    વાવાઝોડું ત્રાટકવુ એટલે તેની આંખ સમુદ્ર છોડી જમીન પર દાખલ થવી. અંગ્રેજી માં Landfall કહે છે.  એનાથી થતો વિનાશ ત્રણ પ્રકારે થાય છે.

    ૧. હવાની ગતિના કારણે. આંખની આસપાસ નળાકારની સામસામી દિવાલોમાં હવાની ગતિ પણ વિરુદ્ધ દિશામાં હોય છે. એકસોથી બસ્સો કિલોમીટરની આ ગતિના કારણે ઝાડ ઉખેડવા તો સામાન્ય વાત છે; લોખંડના થાંભલા પણ મરડાઈ જાય છે.

    ૨. સમુદ્રનું પાણી ફેલાવાથી. નળાકારના કેન્દ્રમાં સમુદ્રની હવા સતત ઉપર ખેંચાતી હોવાથી જેવું વાવાઝોડું જમીનને સ્પર્શે કે તેનું ઓછું દબાણ સમુદ્રનાં પાણીને જ ઊંચકીને કાંઠે ફેંકે છે. તેમાં યાંત્રિક શક્તિ હોવાથી નુકશાન થાય છે અને વધારામાં ખેતી અને રહેણાંક ખારા પાણીમાં ડૂબે છે. પવન ની ગતિ ઉપરાંત સમુદ્ર ની છાજલી ના આકાર ઉપર આ નુકશાન નો આધાર છે. સામાન્ય રીતે બંગાળ ના ઉપસાગર કરતા અરબી સમુદ્ર ના વાવાઝોડા માં આ ઘટના ઓછી બને છે.

    ૩. પાણીનું પૂર. વાવાઝોડાંનાં વાદળો ક્યુમ્યુલોનિમ્બસ પ્રકારનાં છે, જે સહેલાઈથી વરસે છે. આંખની દિવાલમાં ભરપૂર પાણી હોય છે. જે વરસવાથી પૂર આવે છે. કેન્દ્રની બહારના વિસ્તારમાં પણ સારો વરસાદ થાય છે, જે અંતર પ્રમાણે ઘટતો જાય છે.

    પવનની ઊર્જા ઝાડો અને ઈમારતો સાથે સંઘર્ષમાં ખપી જાય છે; સમુદ્રનો સંપર્ક કપાઈ જવાથી નવી ઊર્જા મળતી નથી. આમ ક્રમશઃ ચક્રવાત ઘટતો જઈ આગળની યાત્રા નીચા દબાણનાં ક્ષેત્ર (ડિપ્રેશન) તરીકે કરે છે અને માત્ર વરસાદ આપે છે. જે વાવાઝોડામાં કેન્દ્રનું દબાણ બહુ ઓછું હોય (જેમ કે ૯૯૫ મિલીબાર) તે નુકશાન તો કરે જ છે પણ દેશની અંદર લાંબી યાત્રા કરે છે. બંગાળના ઉપસાગરનાં વાવાઝોડાંની અસર છેક રાજસ્થાન પહોંચવાના પણ દાખલા છે. આ રીતે જોતાં કાંઠાના ગામો માટે Landfall  એ ઈંતજારની અંતિમ ઘડી છે પરંતુ જમીન ઉપર તેનાથી આગળના વિસ્તારો માટે તોફાન અને વરસાદ ની શરૂઆત છે. જેમ કે બીપરજોય ના કેસમાં ભુજ અને બીજા વિસ્તારોમાં પવન અને વરસાદ ૧૬ તારીખે વધુ હતા કારણ કે નબળા થયેલ વાવાઝોડાનું કેન્દ્ર તેમનાથી ૨૫/૩૦ કિલોમીટર ના અંતરથી પસાર થઇ રહ્યું હતું.

    સામાન્ય રીતે આંખ જમીન ને અડે તે ઘટના વિનાશકારી હોય છે અને કોઈ ના છૂટકે જ ત્યાં રહેવું પસંદ કરે. પરંતુ બીપરજોય ની આંખ જ્યાં જમીનને અડે તે સ્થળે દૃશ્ય જોવા ની ઈચ્છા થી ૮૦ વર્ષ ના ભુજ આ એક ‘યુવાન’ શ્રી ડી.વી. મહેશ્વરી ૧૫ તારીખે સાંજે ખાસ જખૌ ગયા હતા.  આંખ થોડે દૂર થી અને થોડી મોડી પસાર થઇ તેથી તેઓને એ દૃધ્ય જોવા ન મળ્યું પરંતુ એ પરિવારે ૭૦ થી ૮૦ કિલોમીટર ની ઝડપે વાતા વાયરાનો જરૂર અનુભવ કર્યો. આટલી હિંમત દાખવ્યા પછી પણ landfall જોઈ ન શકવાનો તેઓને અફસોસ છે.

    સામાન્ય રીતે આપણા સાગરોમાં ઉત્પન્ન થતાં વાવાઝોડાં કરતાં એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરમાં વાવાઝોડાં વધારે તીવ્ર હોય છે. ૨૦૦૫નાં ‘કટ્રિના’ની ઝડપ ૨૦૦ કિ.મી./કલાક હતી અને અમેરિકાનાં ન્યૂ આર્લિયન્સ રાજ્યને રગદોળી નાંખ્યું હતું. ઈતિહાસમાં સૌથી પ્રબળ તોફાન “હૈયાન” હતું, જે ૩૧૫ કિ.મી.ની ઝડપે ફિલીપાઈન્સ પર ત્રાટકેલું. પવનની એટલી ગતિ હોય ત્યારે સમુદ્રનું પાણી લાંબા અંતર સુધી જમીન ઉપર ફેલાઈ વળે છે.

    સાથેના કોષ્ટકમાં વાવાઝોડાંની તીવ્રતાનો તેમાંના પવનોની ગતિ જોડે સંબંધ બતાવ્યો છે. હવાના દબાણના આંકડા નથી બતાવ્યા પણ તે તીવ્રતા ઠરાવવામાં ભાગ લે છે. બીપોર્જોય શરુ માં અતિ તીવ્ર (Extremely Severe) શ્રેણી માં હતું પરંતુ નબળું પડ્યા બાદ તેને ખૂબ તીવ્ર ( Very Severe) કરી નાખવામાં આવ્યું. એક વાર જમીન ને અડે તે પછી તે ક્રમશઃ ઘટતી શ્રેણી માં જાય છે. રાજસ્થાન પહોચ્યા પછી પણ એ વાવાઝોડું જ રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ કેન્દ્ર ની હવા ની ગતિ પર થી    તેને ‘ડીપ્રેસન’ ગણવામાં આવ્યું.

    : કોષ્ટક:
    વાવાઝોડાંની તીવ્રતા
    નામ પવનની ઝડપ (કલાકે)
    સામુદ્રિક માઈલ કિલોમીટર
    નીચાં દબાણનું ક્ષેત્ર

    (ડિપ્રેશન)

    ૧૭ થી ૩૩ ૩૧ થી ૬૪
    અતિ નીચાં દબાણનું ક્ષેત્ર ૨૮૩૩ ૫૧ થી ૬૨
    વાવાઝોડું

    (Cyclonic Strom)

    ૩૪૪૭ ૬૩ થી ૮૭
    તીવ્ર વાવાઝોડું

    (Severe Cyclonic Strom)

    ૪૮૬૩ ૮૮ થી ૧૧૬.
    ખૂબ  તીવ્ર વાવાઝોડું

    (Very Sever Cyclonic Strom)

    ૬૪ ૮૯ ૧૧૮૧૬૬
    અતિ તીવ્ર વાવાઝોડું

     Extremely severe cyclonic Storm

    ૯૦ – ૧૧૯ ૧૬૭ – ૨૨૧
    સુપર સાઈક્લોન ૧૨૦થી વધારે ૨૨૨થી વધારે
    નોંધ: વાવાઝોડાંની આગાહી નાવિકો માટે બહુ અગત્યની છે. આથી પવનની ઝડપ સામુદ્રિક માઈલમાં બતાવવાનો રિવાજ છે.

    એક સામુદ્રિક માઈલ (નૉટ) = .૧૫ માઈલ = .૮૫ કિલોમીટર

    શૈતાનનાં નામો:

    યમરાજના આ દૂતોને નામથી ઓળખવાની પ્રથા ભારતીય ઉપખંડમાં તાજેતરમાં ( ઈ.સ. ૨૦૦૦ થી) જ આવી છે. પશ્ચિમના દેશોમાં પહેલાંથી છે. હિન્દ મહાસાગરનાં વાવાઝોડાં પહેલાં તો માત્ર શહેરના નામ અને વર્ષથી ઓળખાતાં. જેમ કે ઢાકા (૧૯૯૧), પારાદીપ (૧૯૯૯) વગેરે. હવે આ વિસ્તારના ૧૩ દેશો પોતપોતાનાં પસંદગીનાં નામોની યાદી દિલ્હીમાં આવેલ પ્રાદેશિક હવામાન કેન્દ્રને આપે છે. વારાફરતી દેશો નામ ચૂંટે છે. હમણાંથી વાવાઝોડાંની સંખ્યા વધી હોવાથી નામોનો ભંડાર જલદી ખતમ થાય છે. બીપરજોય નામ બંગલા દેશ ની યાદી માંથી પડ્યું. હવે જે વાવાઝોડું ( જેમાં પવનો ની ગતિ કલાકે ૬૩ કી.મી.થી વધારે હોય) આવશે તેને ભારત નું સૂચવેલું નામ ‘તેજ’ અપાશે.

    વાવાઝોડાંની બાબતે સંતોષની વાત એ છે કે એની આગાહી બહુ વહેલી અને વધુ સચોટ થવા લાગી છે. આંધ્ર અને ઓરિસ્સાની સરકારોએ વાવાઝોડાં દરમિયાન લોકોને શરણ આપવાના ‘શૅલ્ટર’ બનાવ્યા છે. આગાહીનો લાભ લઈ પ્રજા આ સલામત સ્થળે આવી જાય છે. એક ઉદાહરણ તરીકે જુઓ તો ૧૯૯૯નાં વાવાઝોડામાં ૯૮૮૭ જાન ગઈ હતી જ્યારે તેનાથી બીજા નંબરનાં વાવાઝોડાં ફાઈલીન અને ફણી (અનુક્રમે ૨૦૧૩ અને ૨૦૧૯)માં અનુક્રમે ૪૫ અને ૮૯ લોકોએ જ જાન ખોયા. બીપરજોય ભલે નબળું પડીગયું હતું પણ તેનાથી એક પણ જાન ગઈ નથી તે વિજ્ઞાન ના ઉપયોગ નું પરિણામ છે. આ રાહત પછી વૈજ્ઞાનિકોની આગાહી ક્યારેક આઘી પાછી થાય તો ટીકા કરવાપણું ન હોવું જોઈએ.

    છેવટે અવકાશ વિજ્ઞાનનો આવો પ્રજાલક્ષી ઉપયોગ કરવાનું જેમને સૂઝયું તે ડૉ. વિક્રમ સારાભાઈને દરેક વાવાઝોડા વખતે વંદન કરવા જોઈએ.


    ડો. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • યે ક્યું કાલી, વો ક્યું ગોરા?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ત્વચાના વર્ણ અનુસાર સૌંદર્યની વિભાવના પ્રદેશે પ્રદેશે જુદી હોય છે. આમ છતાં, શ્વેત એટલે કે ગોરા રંગ પ્રત્યેનું આકર્ષણ અને અહોભાવ લગભગ સાર્વત્રિક જોવા મળે છે. આવા અહોભાવ વચ્ચે શ્યામરંગી ત્વચા અને વિશિષ્ટ નાકનક્શો ધરાવતા હબસીઓને સામાન્ય રીતે ‘કુરૂપ’ ગણવામાં આવે છે. ગુજરાતી કહેવત ‘સીદીબાઈને સીદકાં વહાલાં’ પણ આવી જ માનસિકતાનું પ્રતિબિંબ છે. સ્વાભાવિક છે કે આ કહેવત બિનસીદી દ્વારા બનાવાઈ હશે. એ એમ કહેવા માગે છે કે સીદી એટલે કે હબસણ એટલે કે કુરૂપમાં કુરૂપ મનાતી સ્ત્રીને પોતાનાં જ સંતાનો વહાલાં લાગતાં હોય છે.

    શ્યામરંગી ત્વચા પ્રત્યેનો અભાવ પણ લગભગ સાર્વત્રિક હોય એમ જણાય છે, જે વખતોવખત એક યા બીજી રીતે છતો થતો રહેતો હોય છે. હમણાં ‘નેટફ્લિક્સ’ પર ચાર ભાગમાં મૂકાયેલી દસ્તાવેજી શ્રેણી ‘ક્વિન ક્લિઓપેટ્રા’માં ઈજિપ્તની કુંવરી ક્લિઓપેટ્રાની ભૂમિકા અડેલ જેમ્સ નામની બ્રિટિશ અભિનેત્રીએ ભજવી છે. આ બાબતને લઈને ઇજિપ્તવાસીઓને વાંધો પડ્યો છે. કારણ એટલું જ કે અડેલ જેમ્સ અશ્વેત મૂળની છે. શ્રેણીના નિર્માતાઓ પર ઈતિહાસને મરડવા અને ઈજિપ્શિયન ઓળખને અયોગ્ય રીતે રજૂ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    આમ તો, ૧૯૬૩માં રજૂઆત પામેલી અંગ્રેજી ફિલ્મ ‘ક્લીઓપેટ્રા’માં આ ભૂમિકા ખ્યાતનામ અભિનેત્રી એલિઝાબેથ ટેલરે ભજવી હતી, અને તેઓ જાણે કે ક્લિઓપેટ્રાનાં પર્યાય બની રહ્યાં હતાં. એ અગાઉ ૧૯૪૫માં રજૂ થયેલી ફિલ્મ ‘સીઝર એન્‍ડ ક્લીઓપેટ્રા’માં અભિનેત્રી વિવિયન લે દ્વારા આ પાત્ર ભજવવામાં આવેલું, એ પછી છેક ૨૦૦૨ની ફિલ્મ ‘એસ્ટરિક્સ એન્‍ડ ઓબેલિક્સ’માં અભિનેત્રી મોનિકા બેલુચીએ ક્લિઓપેટ્રાનું પાત્ર ભજવેલું. ક્લિઓપેટ્રાની ભૂમિકા બદલ જાણીતી બનેલી આ ત્રણે અભિનેત્રીઓ શ્વેત હતી.

    વિચિત્રતા એ હતી કે એલિઝાબેથ ટેલરે ફિલ્મમાં કામ કરવાના ચારેક વર્ષ અગાઉ યહૂદી ધર્મ અપનાવ્યો હતો અને ઈઝરાયલની તરફેણમાં તેઓ જાહેર નિવેદન કરતાં હતાં. એ સમયે ઈઝરાયલને ઈજિપ્ત શત્રુ ગણતું હતું. આથી યહૂદીઓ અને ઈઝરાયલ સાથેના તમામ પ્રકારના સંબંધોને ઈજિપ્તમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તેને પગલે આ ફિલ્મ પર પણ ઈજિપ્તમાં પ્રતિબંધ હતો.

    હવે છ દાયકા પછી ઈજિપ્તમાં ફરી એક વાર ક્લિઓપેટ્રાને લઈને અસંતોષ પેદા થયો છે. ઈજિપ્તના અનેક અધિકારીઓએ આ શ્રેણીની ટીકા કરી છે. ઈજિપ્તના પ્રવાસન અને એન્‍ટિક્વિટી મંત્રાલયની દલીલ છે કે આ શ્રેણી જે પ્રકારે દસ્તાવેજી બની રહી છે એ જોતાં તેના નિર્માતાઓએ ચોકસાઈ દાખવવી જોઈએ અને ઐતિહાસિક તેમજ વૈજ્ઞાનિક તથ્યો પર આધાર રાખવો જોઈએ. એક ટ્વીટમાં મંત્રાલયે જણાવ્યું કે ક્લિઓપેટ્રાની પ્રતિમાઓ એ હકીકત પુરવાર કરે છે કે તે હેલનીસ્ટીક એટલે કે ગ્રીક નાકનક્શો ધરાવતી હતી, જેમાં તેની ઉઘડતી ત્વચા, આગળ પડતું નાક અને પાતળા હોઠ વિશિષ્ટતા સમાન હતા.

    ઈજિપ્તની સુપ્રિમ કાઉન્‍સિલ ઑફ એન્‍ટિક્વિટીઝના સેક્રેટરી જનરલ ડૉ. મુસ્તફા વઝીરીએ આ શ્રેણીમાંના ક્લિઓપેટ્રાના દેખાવને ઈજિપ્શિયન ઈતિહાસની ખોટી રજૂઆત તેમજ દેખીતી ઐતિહાસિક ભૂલ ગણાવી છે. ઈજિપ્શિયન વકીલ મહમૂદ અલ-સેમરીએ દેશમાં આ શ્રેણીના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવાની સાથોસાથ ‘નેટફ્લિક્સ’ પર ‘ઈજિપ્શિયન ઓળખ’ની ગેરવાજબી રજૂઆત કરવાની સાથોસાથ આફ્રિકનકેન્‍દ્રી વિચારધારાને ઉત્તેજન આપવાનો આક્ષેપ કર્યો છે. સરકારહસ્તક ઈજિપ્તની પ્રસારણસેવા અલ વતીક્યાએ તો ક્લિઓપેટ્રા પર પોતાની આગવી શ્રેણી બનાવવાની તૈયારી આરંભી દીધી હોવાના સમાચાર છે.

    આમ, ઈજિપ્તમાં ‘નેટફ્લિક્સ’ પરની ક્લિઓપેટ્રાની શ્રેણીને લઈને વમળો પેદા થયાં છે. ચિત્રવિચિત્ર અનેક સવાલો તેણે પેદા કર્યા છે. જેમ કે, શું આ શ્રેણી આફ્રિકાકેન્‍દ્રી વિચારધારાને પ્રોત્સાહન આપે છે? ઈજિપ્તની વિશિષ્ટ સાંસ્કૃતિક અને વંશીય પરંપરાને આ શ્રેણીએ પોતાના રંગે રંગી દીધી છે? કલાકારોની પસંદગીથી અકળાયેલા લોકો પોતાના જૂનાપુરાણા પૂર્વગ્રહોને છેહ દઈ રહ્યા છે કે કેમ?

    આમ પણ, ઐતિહાસિક કે પૌરાણિક પૃષ્ઠભૂમિ ધરાવતી શ્રેણી કે ફિલ્મ બનાવવી જુદી રીતે પડકારજનક હોય છે. તેમાં પાત્રો અને કથાવસ્તુઓ જાણીતાં હોવાને કારણે લોકો તેમની સાથે એક પ્રકારનું તાદાત્મ્ય અનુભવતા હોય છે. ફિલ્મનું માધ્યમ મૂળત: દૃશ્યમાધ્યમ છે, તેમજ એ મનોરંજનનું એવું માધ્યમ છે કે જેનું ચાલકબળ વ્યાપાર છે. પ્રચાર તેનું સૌથી મહત્ત્વનું પરિબળ હોય છે. ચાહે પ્રશંસાથી કે ટીકાથી, ફિલ્મ કે શ્રેણી પ્રચારમાં રહે એ તેની પ્રાથમિક જરૂરિયાત છે. ઐતિહાસિક, પૌરાણિક કે ધાર્મિક કથાવસ્તુ સાથે લોકોની લાગણી પણ જોડાયેલી હોય છે. એક આખો વર્ગ આ કથાવસ્તુને લગતી કોઈ ને કોઈ બાબતથી દુભાવા માટે તત્પર બેઠેલો હોય છે. જો કે, આ બધું સરવાળે ફિલ્મના લાભમાં રહે છે.

    આનો અન્ય દાખલો એટલે જૂન, ૨૦૨૩ના બીજા સપ્તાહમાં રજૂઆત પામેલી, ઓમ રાઉત દિગ્દર્શીત, રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’. આ ફિલ્મના સંવાદોને લઈને વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે. તેની એક અવાજે ટીકા થઈ રહી છે, છતાં પ્રથમ ત્રણ-ચાર દિવસમાં જ તેણે રૂ. ૩૪૦ કરોડની અંદાજિત આવક મેળવી લીધી છે.  હિન્‍દુ રાષ્ટ્ર એવા નેપાળે આ ફિલ્મને પ્રતિબંધિત કરી છે.

    તેની સરખામણીએ ક્લિઓપેટ્રાની તો શ્રેણી છે. કેવળ ઈજિપ્તમાં એ પ્રતિબંધિત થાય એથી શું વળવાનું?

    ફિલ્મના માધ્યમનો આટલો વિકાસ થયો હોવા છતાં એ હકીકત સાર્વત્રિક રહી છે કે તેને હજી અભ્યાસના માધ્યમની રીતે પૂરતી ગંભીરતાથી લેવામાં આવતું નથી. સૌ જાણે છે કે કોઈ પણ ફિલ્મ છેવટે તેની સાથે સંકળાયેલી વ્યક્તિનું અંગત દૃષ્ટિબિંદુ હોય છે. તેમાં અવનવા અને અનેક પ્રયોગ થઈ શકે છે. આટલી ઉઘાડી હકીકત હોવા છતાં ફિલ્મ કે શ્રેણીને સાંસ્કૃતિક કે ઐતિહાસિક રીતે ગેરવાજબી ગણાવીને તેને પ્રતિબંધિત કરવા સુધી પહોંચી જવું એ પણ એક અલાયદી સંસ્કૃતિ બની રહી છે એ કેવી વક્રતા!


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨ – ૦૬ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કલમના કસબી : કનૈયાલાલ મુનશી – સીધા ચઢાણ – ૧

    પુસ્તક પરિચય

    રીટા જાની

    મુનશીની આત્મકથા પણ કોઈ નવલકથાથી કમ રસપ્રદ નથી. મુનશીએ પોતાની આત્મકથા ત્રણ ભાગમાં આલેખી છે.

    ૧ . અડધે રસ્તે
    ૨ . સીધાં ચઢાણ
    ૩ . સ્વપ્નસિદ્ધિની શોધમાં

    આજે આપણે ઇ.સ. ૧૯૦૭ થી ઇ.સ. ૧૯૨૨સુધીના સંસ્મરણો આલેખતી આત્મકથા ‘સીધાં ચઢાણ’ની વાત કરવી છે. સીધાં ચઢાણ એ આત્મકથા છે પણ એ માત્ર પોતાની વાતો નથી.


    સાહિત્ય એ આત્માના ગીત અને સંગીતની અનુભૂતિનો સમન્વય છે. મુનશી દર વર્ષે પોતાની ડાયરીની શરૂઆતમાં બે સૂત્રો લખતા.

    * મરણ તો નિશ્ચિત છે જ,
    તો પછી શેં બેસી રહેવું –
    લાંબા જીવનના અંધકારમય દિવસોમાં –
    નકામા, નેમ વગર ને નામ વગર?

    * જીવન તો દેવદીધા ભાર છે:
    એને નીરખી લે, ઊંચકી લે.
    સ્વસ્થ રહી એકનિષ્ઠાથી નિભાવી લે;
    શોકનો માર્યો હારતો ના,
    પાપનો બીધો ડગમગતો ના.
    ને સ્થિર પગલે આગળ વધ.
    આગળ ને ઊંચે –
    ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી.

    આ બે સૂત્રો મુનશીની મનોસ્થિતિ ને જીવન પ્રત્યેના તેમના દૃષ્ટિકોણને સારી રીતે સમજાવે છે. સમય હતો હિંદની સ્વાતંત્ર્ય ચળવળનો. મુનશી વડોદરા કોલેજમાં ભણતાં. સૌ વિદ્યાર્થીઓ અરવિંદ ઘોષની ભાવપ્રધાન તલ્લીનતા અને મહારાજ સયાજીરાવ ગાયકવાડના પ્રજાહિતના કાર્યોથી અંજાયેલા હતા. વિદ્યાર્થી મુનશી પર મહારાજ સાહેબના પ્રવચનનો ઊંડો પ્રભાવ પડ્યો, જેમાં તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ પોતાના માટે, ન્યાત માટે નહિ પણ રાષ્ટ્ર માટે કર્તવ્ય કરે. રૂઢિ અને પૂર્વગ્રહને જીતી મહાન રાષ્ટ્રભાવનાના ભાતૃભાવથી, રાષ્ટ્રીય કલાસાહિત્યથી અને સમૃદ્ધ વ્યાપારથી શોભતું રાજ્યતંત્ર બનાવવું એ આ બહાદુર, મુત્સદ્દી અને સમર્થ રાજવીની આકાંક્ષા હતી.

    ઇ.સ. ૧૯૦૭માં મુનશી એલ.એલ.બી. નો અભ્યાસ કરવા મુંબઈગરા બન્યા. હવા ઉજાસભરી હવેલીમાં એકલા ઉછરેલા તાપીબહેનના લાડકા દીકરા માટે કોલાહલ, દુર્ગંધ અને ગંદકીથી ભરપૂર ખોલીમાં રહેવું અસહ્ય હતું. તેથી તેઓએ પિટીટ લાઇબ્રેરીને જ પોતાનું પ્રેરણાસ્થાન ને ઘર બનાવ્યું. બી.એ. માં પ્રથમ આવવા માટે ઇલિયટ પારિતોષિક અને પ્રથમ એલ.એલ.બી. માં પહેલા આવવા માટે અંબાલાલ સાકરલાલ પારિતોષિક મળેલું. બંને પારિતોષિક પુસ્તકરૂપે હતા. દલપતરામની સાથે મળી એ પુસ્તકો વેચી ખર્ચ માટે સોએક રૂપિયા મેળવ્યા. એક વર્ષમાં પુસ્તકોના બે સેટ ખરીદનાર માબાપ અને બાળકોને એ યુગની અછત અને કરકસરની વાત કેમ સમજાશે? મુંબઈની રંગભૂમિ અને જયશંકર સુંદરી તેમની ભાવસમૃદ્ધીમાં જડાઈ ગયા હતા.

    મુનશીની બાલસખી ‘દેવી’ની આસપાસ તેમણે એક નાનીશી સૃષ્ટિ રચી હતી. તેમની ઝંખના થોકબંધ કાગળ અને નોંધમાં ધબકતી. ધીમે ધીમે દેવી સંસ્મરણમૂર્તિ મટીને સદાની સહચરી થઈ ગઈ. મુનશી તેની સાથે પ્રેમ સંવાદ કરતાં. અને આ સંવાદોએ જ મુનશીની સર્જનાત્મક કળાનો પાયો નાખ્યો. પોતાની શક્તિના ભાન વિનાના સાહિત્યકારની સર્જકવૃત્તિ આ રીતે ડોકિયાં કરતી હતી :

    “સ્વપ્નસૃષ્ટિના  પ્રકાશમાં જ્યાં સંસ્મરણો આછી છાયા સમાન પ્રસરે છે, ત્યાં એક સ્વરૂપ દેખાય છે: પ્રકાશમય, દૈવી અને મોહક;  આવતી ઉષાના તેજસ્વી અને શરમાતા સૌન્દર્યથી શોભતી. મારા જીવનને શાસતિ એ તારલિકા છે. ઉલ્લાસથી એ મારી નાવ હંકારી જાય છે. એ મારું આશ્વાસન ને એ મારી પ્રેરણા. એ મારે માટે તલસે છે. હું અનંત કાળની અવગણના કરુ છું, વિયોગનો દુસ્તર સાગર હું તરી જાઉં છું. અમે મળીએ છીએ – કદી છૂટાં ન થવાં. અને સાથે ને સાથે જ રહીએ છીએ. દરેક સ્થળે – સ્વર્ગનાં સૌન્દર્ય મંદિરમાં, ભવ્ય કો વિશ્વખંડમાં, દૂર ચમકતા કો તારા પર અને પ્રલયકાળમાં અને સાથે ને સાથે લય પામી છીએ.”

    ચાર વર્ષ પછી આ આખો સ્વાનુભવ ‘વેરની વસૂલાત’માં નવો દેહ ધરે છે. મુનશી મહામહેનતે પોતાની અસ્વસ્થ મનોદશા પર સ્વામિત્વ મેળવે છે.

    મનુકાકા સાથેનો પત્રવ્યવહાર વિદ્યાર્થી મુનશીને પ્રગટ કરે છે તો તેમની પાસે અંગ્રેજીમાં ભાષણ, પ્રાર્થનાઓ કે માનપત્ર લખાવી નીચે ગુજરાતી ઉચ્ચારણ પણ લખાવી વાંચતા કેવું હાસ્ય નીપજે છે એની વાત મુનશી કરે છે. શિખા, અબોટિયું જેવી રૂઢિઓ છોડી, છોડાવી, મિત્રોને નાટકના ગીતો ગાતાં, કસરત કરતાં કર્યા, સ્ત્રીઓને અક્ષરજ્ઞાન આપ્યું ને અઘરણીની ન્યાતનો રિવાજ બંધ કર્યો એટલું જ નહિ ભરૂચમાં ‘દાદાભાઈ નવરોજી ફ્રી લાઇબ્રેરી’ નું મકાન ઊભું કર્યું. એમાં સમાજ સુધારો કરવાની મુનશીની ધગશ દેખાઈ આવે છે.

    મુનશીએ અંગ્રેજીમાં લેખો લખવાનો શરૂ કર્યું, જે ત્રણેક જગ્યાએ પ્રગટ થતાં. ને ૧૯૧૦માં એલ.એલ.બી. પાસ થયા. મુનશી ડિગ્રી લેવા મુંબઈ ગયા ત્યારે એડવોકેટ ભુલાભાઈ દેસાઈને મળ્યા, જેઓ અનાયાસે જ તેમના ભાવિના ઘડતરમાં ફાળો આપી રહ્યા. તેમની તબિયત નાદુરસ્ત રહેતી. તેથી પત્ની લક્ષ્મીને લઈને મુંબઈ આવ્યા. તેમણે અનેક ઉભરા કાઢ્યા. પિતા નહોતા, પૈસાની તાણ હતી, મનુકાકા સાથે મૈત્રીમાં અનેક અપમાનો સહ્યાં હતાં. દામ્પત્યજીવનમાં અપૂર્ણતા હતી. જીજીમાના દુઃખના પ્રત્યાઘાત થતાં હતાં. મનને અને શરીરને નિર્બળતા સાલતી હતી. અસંતુષ્ટ અને અકળાતી મહત્વાકાંક્ષાના શૂળ હૈયું કોરતાં હતાં. જીવનના સીધા ચઢાણ ચડતા અનહદ મુશ્કેલીઓ તેમને ગૂંગળાવી રહી હતી. ત્યારે લક્ષ્મી નિ:શબ્દ સેવાથી પતિદેવને રીઝવતી. એ એટલું બધું કરતી કે એને જોઈ મુનશીના પગમાં નવું ચેતન આવતું ને તેમનું મનસ્વી ને સ્વાર્થી હૃદય લક્ષ્મીને વશ થઈ એના તરફ મમતાથી વળવા લાગ્યું. મુનશી લખે છે કે તેમના સદભાગ્યે કસોટીના અને નિર્ધનતાના સમયમાં તેમને લક્ષ્મી મળી, જે તેમની અભેદ્યતાની સર્જનહાર હતી. એના હસતાં મુખે આવકારથી મુનશીના થાક ને અકળામણ દૂર થઈ એ સ્વસ્થતા અનુભવતા. લક્ષ્મી તેમનામાં પૂર્ણ આત્મશ્રદ્ધા પ્રગટાવતી, જેના વગર મુનશી નિશ્ચિત પણે ભાંગી પડ્યા હોત એવું તેમણે નોંધ્યું છે. તેઓ સાથે હસતાં, બોલતાં, આનંદ કરતાં ને ખૂબ મઝા કરતાં. લક્ષ્મીના અદ્ભુત આત્મસમર્પણથી એ મુનશીના જીવનની ભાગિયણ બની ગઈ.

    લૉ ક્લાસમાંથી ટ્રામમાં ઘેર આવતાં તેમનો પરિચય ચંદ્રશંકર પંડ્યા સાથે થયો. ને તેમણે ‘ધી યુનિયન’ સભામાં જવાનું શરૂ કર્યું, જે પાછળથી ‘ગુર્જર સભા’ કહેવાઈ. ત્યાં દર રવિવારે મિત્રમંડળ ભાષણ કરવા મળતું. પહેલા તો મુનશીને સંકોચ થતો કે તેમને સારું અંગ્રેજી બોલતાં નથી આવડતું. પણ એક વાર તેમણે પોતાની ચિત્રાત્મક અંગ્રેજીમાં તીખી તમતમતી રીતે આગળના વક્તાની ઝાટકણી કાઢી ને પોતાની પ્રગતિનું એક સીમાચિહ્ન વટાવી દીધું. પહેલી વાર મુનશીને એવું મંડળ મળ્યું, જે સાહિત્યને જીવનનું પ્રથમ અંગ માનતું હતું, એના સંસ્કારો સાહિત્યકારોએ ઘડ્યા હતા, ઉચ્ચ અભિલાષાઓ રાખવી એને ધર્મ માન્યો હતો. મુનશી પણ સંસ્કાર તરસ્યા હતા, સાહિત્યિક જીવન તેમને પ્રિય હતું. તેથી તરત જ તેઓ આ મંડળમાં ભળી ગયા. મુનશીની પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધિઓ વધતી ગઈ. નવા નવા મંડળોમાં ભાષણ આપતાં થયાં. ‘મોતીલાલ પારિતોષિક નિબંધ’માં વિજેતા બન્યા, જેનું પારિતોષિક લેડી રતન ટાટાના હાથે મળ્યું. ‘ગુર્જર સભા’માં મંત્રી બન્યા. ‘ભાર્ગવ ત્રિમાસિક’ની સ્થાપના કરી ને તેના તંત્રી બન્યા. ‘સમાજ સુધારા કોન્ફરન્સ’ માં પણ મંત્રી બન્યા.

    મુનશીના સમયમાં એડવોકેટની પરિક્ષા જાણે જુવાનિયાના જીવન વેડફી મારવા રાખવામાં આવી હોય એમ મનાતું. શું વાંચવાનું તેની કોઈ મર્યાદા નહિ, ક્યા વિષયના પ્રશ્નપત્ર નીકળશે એ પણ નક્કી નહિ, માર્ક્સ પણ નહિ, ભાગ્યે જ કોઈ પહેલે વર્ષે પાસ થાય. બેચાર વર્ષ બેસવું પડે એ તો સામાન્ય અનુભવ. ડુમ્મસના બંગલે જઈ પરીક્ષાની તૈયારી કરી ને પરિક્ષા પૂરી કરી માથેરાન ગયા.  મુનશી નોંધે છે કે તેમણે જિંદગીમાં પહેલી જ વાર પર્વત જોયો. એનાં પરના વૃક્ષોની ઘટા, એની એકાંત ઝાડીઓ, એનાં ગાતા બુલબુલ ને જંગલી પુષ્પોએ હંમેશા તેમને શાંતિ અને પ્રેરણા આપ્યા છે. અહીં તેમણે જીવનના કેટલાક મહાસંકલ્પો કર્યા ને આ જીવન કથની પણ ત્યાં બેસીને જ લખી.  પહેલા પ્રયત્ને જ એડવોકેટની પરિક્ષા પાસ કરવા મુનશી નસીબદાર રહ્યા. બહુ પડ્યા, આથડ્યા, ઘા પણ બહુ ખમ્યા. આખરે સીધા ચઢાણ વાળી ટૂક તેમણે વટાવી….પણ એનાથી બીજી વધારે કપરી ટૂક મુનશીની આંખ સામે ઉભી હતી….આત્મકથા એક તરફ જીવન સિદ્ધિની પ્રસ્તુતિ છે તો બીજી તરફ સાહિત્યરસનો આસ્વાદ પણ છે . જીવનસિદ્ધિ એ સોપાનસિદ્ધિ છે અને સ્વપ્નસિદ્ધી અને લક્ષ્યસિદ્ધિની વચ્ચે અગત્યના સોપાનનું ગૌરવપ્રદ સ્થાન છે સંકલ્પસિદ્ધિનું. સાહિત્યરસની આ સફર એ જીવન સંગીતની સુરાવલી છે. સૂર વહેતાં રહે છે, સુરાવલીઓ સર્જાતી રહે છે અને સફરના મુકામો બદલાતા રહે છે.

    સાહિત્યરસ સહિત જીવન સંગીતની સુરાવલીઓના વિશેષ પ્રસંગો સાથે મળીશું આવતા અંકે…..


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com

  • ‘સાર્થક – જલસો’: પુસ્તક – ૧૮ | મે ૨૦૨૩

    પુસ્તક પરિચય

    પરિચયકર્તા : અશોક વૈષ્ણવ

    ‘સાર્થક જલસો’ સામયિકના મે ૨૦૨૩માં પ્રકાશિત થયેલા તેના ૧૮મા અંક સાથે વ્યાખ્યાયિત નહીં એવી અલગ કેડી ચા તરતી સામગ્રી રજૂ કરવાની સફરનાં દસ વર્ષ પુરાં કરે છે.

    ૧૮મા અંકનાં  કૂલ ૧૫૮ પાનાંઓમાં ૧૪ લેખો સમાવાયા છે.

    0                                           0                                           0

    વાંચન એ એક નબળાઇ બની રહે એટલી હદે મારો પોતાનો શોખ છે એટલે ‘વાંચન’ વિશેના કેંદ્રવર્તી વિષય પરના ત્રણ લેખો ‘જલસો ૧૮’માં છેક છેલ્લે મુકાયા હોવા છતાં મેં તે સૌ પહેલાં વાંચવા લીધા હતા.

    આસક્તિથી અનાસક્તિ સુધી, વાચનથી લેખન સુધી‘ રાજ ગોસ્વામીની પોતાના જીવનના ‘અર્થ’ની ખોજની ગાથા છે. દસેક વર્ષની ઉમરે પુસ્તકો સાથે થયેલી ‘દોસ્તી’એ  ‘હું કશું જ નહોતો’  અને ‘કશુંક બનવું છે’ એ બે વચ્ચેના અંતિમો વચ્ચે તેમનાં જીવનને વહેતું રાખ્યું છે.

    વ્યવસાય માટે, ખાસ નિમિત્ત માટે અને માત્ર આનંદ મેળવવા માટેના ત્રણ એવા હેતુઓથી સર્જાયેલી સંજય સ્વાતિ ભાવેની મારી વાચનસફર‘, પુસ્તકોને માનવી અને કુદરત પછીના અગ્રતા ક્રમે ‘પુસ્તક’ને મુકે છે. વાર્તાઓ, લોકસાહિત્ય, વૃક્ષો – પ્રાણીઓના પરિચય, વ્યંગ્યચિત્રો,  ચિત્રકળા, પદ્ય, આત્મકથનો જેવા અનેકવિધ વિષયોનાં તેમને આવડતી ચાર ભાષાઓનાં પુસ્તકો તેમને વ્યક્તિ અને સમાજના પરિવર્તનને સમજવાનાં માધ્યમ તરીકેની ભૂમિકા ભજવે છે. સંજયભાઈ પાસેના અંગત ગ્રંથ સંગ્રહમાંનાં ‘બુક્સ અબાઉટ બુક્સ’ પ્રકારનાં, પુસ્તક અને વાચનને લગતી કેટલીય બાબતો પર પ્રકાશ પાથરતાં, પુસ્તકોનો પ્રકાર ખાસ ધ્યાન ખેંચે છે. આ વર્ગનાં પુસ્તકો કોઇ પણ વાચકની  વાચનની ક્ષિતિજ વિસ્તારીને તેની કલ્પનાશક્તિની સીમાને પણ વિસ્તારવામાં મહત્ત્વનાં બની રહી શકે છે.

    છાયા ઉપાધ્યાય માટે ‘વાંચવું એટલે‘ ખાવા, પીવા, ઊંઘવા જેવી જીવનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. બાળપણમાં પાઠ્યપુસ્તકો વાંચતી વખતે કોઈ કોઈ  શબ્દ એમને ‘દેશી સંચામાં બનાવેલી માવા કુલ્ફી’ જેવા સડસડાટ ઉતરી જતા.  તેને કારણે તેમનામાં વાંચનના શોખનું બીજ વવાયું. પછીથી લગભગ દરેકની સાથે થાય છે તેમ સ્થળ અને કાળના સંદર્ભોને કારણે ફિલ્મી સામયિક ‘જી’થી માંડીને ભજનાવલીઓ પણ વંચાયાં, અને આજે હવે ઓડીઓ બુક્સ પણ ‘વંચાય’ છે. જોકે એમની ‘સિસ્ટમ’ની એક સારી વાત એવી છે કે જે વંચાય તે જો સમજાય તો યાદ રહી જાય અને  જો ન સમજાય તો,  ‘આ વાત નથી સમજાઈ’ એવું યાદ રહી જાય. એટલે વાચન એમને માટે બારી પણ છે અને બારણું પણ. પરિણામે વાચન તેમના માટે ‘પોતાને કેન્દ્રમાં મૂકીને પરિઘ વિસ્તારતું પરિકર અને કેન્દ્ર તોડી આપાતું પાર્ટિકલ એક્સેલરેટર પણ છે.

    0                                           0                                           0

    ‘સમકાલીન’ જ્યારે તેની ટોચ પર હતું ત્યારે સાંપ્રત વિષયો પરનાં અન્ય વાંચન મારા અગ્રતાક્રમે હોવાને કારણે એ સમયે ‘સમકાલીન’ વાંચવાનું થયું નહોતું, પરંતું ‘સમકાલીન’નું એ સમયે ખાસું સન્માનજનક નામ હતું એ જાણ છે. એટલે હવે પછીના ક્રમે, બીજા ત્રણ લેખ ‘સમકાલીન’ ને કેંદ્રમાં રાખતાં વિષયવસ્તુના પસંદ કર્યા.

    રમેશ ઓઝા ‘સમકાલીન‘…. ને એ ગાંધી ભાઈ‘માં ‘સમકાલીન’ ના શરૂઆતના વર્ષોમાં તે સમયનાં મુંબઈનાં ગુજરાતી અખબારોની પરિસ્થિતિના સંદર્ભમાં  ‘સમકાલીન’નાં એક ચોક્કસ સ્વરૂપનાં ઘડતરની વાત યાદ બહુ ભાવથી કરે છે. હસમુખ ‘ગાંધીભાઈ’નાં તંત્રી તરીકેનાં સબળાં અને નબળાં પાસાંઓની છણાવટ કરતી વખતે રમેશભાઈ પણ થોડા ભાવવશ થયેલ જણાય પણ  તેમની છણાવટ મહદઅંશે હેતૂલક્ષી રહી છે.

    ‘સમકાલીન’નું એ સમયના પત્રકારત્વ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે શું મહત્વ હોઈ શકે તે દીપક સોલિયાના ‘સમકાલીનમાં પા પા પગલી‘ વાંચતાં આપણી સમક્ષ રજુ થાય છે. દવાનું માર્કેટીંગ કરતો, બાયોકેમિસ્ટ્રીના વિષયમાં શિક્ષક – સંશોધક બનવા માગતો, એક નવયુવક ‘સમકાલીન’નાં વાંચક હોવાનાં આકર્ષણને કારણે, ત્યારે મળતો હતો તેના કરતાં અડધા પગારે પત્રકારત્વ તરફ વળી ગયો, તે પછીના તેમના ‘સમકાલીન’ની અંદર રહીને થયેલા અનુભવો વિશેનાં તેમનાં સંસ્મરણો આપણને પણ વાંચવા ગમે છે.

    નીલેશ રૂપાપરાના ‘ગાંધીભાઇ, મિત્રો અને ભાષાઘડતરની સ્મૃયિઓનો સાજઅસબાબ‘ લેખનાં શીર્ષકને જ અનુરૂપ તેમના ‘સમકાલીન’નાં વર્ષોના અનુભવોનો ચિતાર છે.

    0                                           0                                           0

    હવે મારૂં ધ્યાન અશોક મેઘાણીના ‘અનુવાદની કેડી પર‘ તરફ કેન્દ્રિત થાય છે. મારા જેવાં મોટા ભાગનાં લોકોને ક્દાચ એટલી જ જાણ હશે કે કામકાજે ઇજનેર એવા અશોક મેઘાણીએ તેમના પિતા ઝવેરચંદ મેઘાણીનાં પુસ્તક ‘વેવિશાળ’નો ‘ધ પ્રોમિસ્ડ હેન્ડ / The Promised Hand ‘એ શીર્ષક હેઠળ અનુવાદ કર્યો છે. ઝવેરચંદ મેઘાણીએ અંગ્રેજ કે બંગાળી સાહિત્ય પરથી જે રચનાઓ કરી છે તે જો તેમણે જણાવ્યું ન હોત તો તેમની સોરઠની લોકકથાઓ જેટલી તેમની પોતાની કૃતિઓ લાગે તેવું અદ્ભૂત એ રચનાઓનું પોત રહ્યું છે. જેનું મૂળ કથાનક આવું આગવી ગુજરાતી શૈલીમાં લખાયું હશે તેવી રતિભાર પણ કલ્પના ન આવે એવું મૌલિક અગ્રેજી સ્વરૂપ ‘વેવિશાળ’ના અશોકભાઈ દ્વારા અકરાયેલા અનુવાદનું રહ્યું છે તે બાત નિર્વિવાદપણે સ્વીકારાઈ છે. અનુવાદને લગતી તેમણે જણાવેલ નાની નાની પણ મહ્ત્વની વાતો અહીં ઉતારવાનો અવકાશ નથી, પણ એટલું  કહીશ કે અનુવાદની સફરની અશોકભાઈની સ્વાનુભવની વાતો કોઈ પણ અનુવાદકને માટે ગીતા જેવો સંદર્ભ સ્રોત બની શકવો જોઇએ એ અપેક્ષા આ લેખ વાંચતાં જ પુરેપુરી સંતોષાય છે.

    0                                  0                                  0

    ‘જલસો ૧૮’માંના ૧૪ લેખોમાંથી બાકી રહેતા ૭ લેખો વિવિધ વિષયો સાથે સંકળાયેલાં સંસ્મરણોની વાત છે. અહીં હવે એ લેખો જે ક્રમમાં ‘જલસો ૧૮’માં રજુ કરાયા છે તે જ ક્રમમાં લઈશું.

    ફિલ્મ સંશોધન, સાહિત્ય કળા મુદ્રણ અને પુરાતત્તવ વિદ્યામાં બહુ જ વિરલ યોગદાન કરનાર ‘વીરચંદ ધરમશીને સાર્થકઅંજલિ‘ આપતાં ઉર્વિશ કોઠારી વીરચંદભાઈ સાથેની તેમની યાદો દ્વારા તેમનાં જીવન કાર્યનો પરિચય કરાવે છે.

    બીરેન કોઠારી અને ઉર્વિશ કોઠારીએ ૧૯૯૭માં આઝાદ હિંદ ફોજની ઝાંસી રેજિમેંટનાં કેપ્ટન લક્ષ્મી (સહગલ) સાથે થયેલી મુલાકાત તાદૃશપણે ‘જયહિંદ, કેપ્ટન લક્ષ્મી’માં રજુ કરી છે. સ્વાભાવિક છે કે કેપ્ટન લક્ષ્મીનાં સ્વાતંત્ર્ય સંગ્રામના એક અનોખાં પ્રકરણની સુભાષચંદ્ર સાથે બોઝની યાદો, આઝાદ હિંદ ફોજના અનુભવો અને તે સમયનાં વાતાવરણ વિષેનાં મંતવ્યો આપણને પણ સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસને યાદ કરવાનો અવસર પુરો પાડે છે. જેમકે, રવીંદ્રનાથ ઠાકુરનાં બંગાળીમિશ્રિત સંસ્કૃતમાં લખાયેલ ‘જન ગણ મન અધિનાયક’ નો ‘ભારત ભાગ્ય હૈ જાગા’ [1] જેવો શુધ્ધ હિંદીમાં અનુવાદ કરાયો હતો એ વાત બહુ ઓછાં લોકોને જાણ હશે. [લેખમાં મુકાયેલા QR કૉડ વડે આ ગીત કેપ્ટન લક્ષ્મીના પોતાના સ્વરમાં પણ સાંભળી શકાય છે.] ‘આઝાદ’ ભારતમાં કેપ્ટન લક્ષ્મીનાં તેમ જ તેમનાં એ સમયનાં અન્ય સાથીઓનાં જીવનની વાતો સ્વાતંત્ર્ય ભારતમાં જન્મેલાં આપણાં જેવાં નાગરિકોને માટે એક નવો દૃષ્ટિકોણ આપી જાય છે.

    કચ્છનાં નાનાં રણમાં રજવાડાંના જમાનાથી મીઠું પકવાતું. મીઠાનો વેપાર અંગ્રેજો માટે પણ અઢળક કમાણીનો સ્રોત હતો એટલે એ સમયના અંગ્રેજ શાસકોએ લગભગ દોઢસો વર્ષ પહેલાં મીઠું પકવવામાં પગ પેસારો કર્યો. એ વેપાર પર બરાબર નજર રાખવા અંગ્રેજોએ સોએક વર્ષ પહેલાં નાનાં રણના કાંઠે ખારાઘોડા વસાવ્યું. એ સમયનાં ખારાઘોડા અને અગરિયાઓનાં જીવનની બહુ સંવેદનશીલ યાદોને અંબુ પટેલે ‘સર્વે નંબર ઝીરોનાં સ્મૃતિચિત્રો‘માં રજૂ કરી છે.

    ગુજરાતી નાટકજગતનાં કેટલાંક સંભારણાં’માં કિશોર પટેલ આજથી પચાસેક વર્ષ પહેલાંની રંગભૂમિની રંગમંચની પાછળની યાદો મમળાવે છે. રંગભૂમિની કેટલીય જાણીતી, અને નાટ્યજગત સાથે ન સંકળાયેલ લોકો માટે કદાચ ઓછી જાણીતી, હસ્તીઓની રંગમંચ પાછળની જીંદગીની નાની વાતો આપણાં માટે તો રંગમંચ પર ભજવાતાં નાટક જેટલી જ જકડી રાખનારી નીવડે છે.

    પીજી તરીકે રહેતા વિદ્યાર્થીઓએ અને ‘બેચલરો’માટે  શહેરોમાં ટિફિનની વ્યવસ્થા આજે તો બે વખતનું ભોજન ઘરે પહોંચાડતી અન્નપૂર્ણા બની રહી છે. એ પહેલાં ‘હોટલ’ કે ‘લોજ’ ભોજન સાંકળની મહત્વની કડી હતાં. વલ્લભ વિદ્યાનગર જેવાં પૂર્ણત: કોલેજોનાં જ નગરમાં આ સ્થાન ‘ક્લબો’નું હતું. એ ક્લબોનાં જમણ ઉપરાંત તેમની આગવી સંસ્કૃતિ હતી. ‘વલ્લભ વિદ્યાનગરની ક્લબો’નો ‘વિસરાતા વિશુદ્ધ ગુજરાતી સ્વાદનો જલસો’માં કિરણ જોશી આજથી ત્રીસેક વર્ષ પહેલાંના એ ભોજનના સ્વાદને યાદ કરીને એ સંસ્કૃતિનું ચિત્રણ  કરે છે.

    વિદ્યાર્થી તરીકે જાપાનમાં ત્રણ મહિના’ એ માર્ગી પરીખના નવેમ્બર ૧૯૮૭ થી ફેબ્રુઆરીએ ૧૯૮૮ દરમ્યાન ભારત-જાપાન વિદ્યાર્થીવિનિમય અંતર્ગત થયેલા અનુભવોની યાદો છે. તેઓ નિખાલસપણે કહે છે કે ‘આજે સાડા ત્રણ દાયકા પછી માત્ર પ્રસંગો અને અનુભવો જ યાદ છે.’ તેમા છતાં તેમણે જાપાનની સંસ્કૃતિ અને શહેરી જીવનની જે અનુભૂતિઓ તે સમયની યાદોમાં અંકિત કરી  છે તે આપણને આજે પણ એ સમયનાં જાપાનમાં લઈ જાય છે.

    જે પેઢીએ ગુજરાતનાં ‘જનતા સરકાર’ના સમયને જોયો છે તેમને નવલભાઈ શાહ સાવ અજાણ્યું નામ નહીં લાગે. હસમુખ પટેલે ‘નવલભાઈ શાહનું સેવાજીવન એટલે ગામડું, ગરીબ અને ગાય’માં નવલભાઈ શાહનાં જાહેર જીવનનું જે યથાર્થ  વર્ણન કર્યું છે તેમાંથી  નીપજતું નવલભાઈનું જાહેર વ્યક્તિત્વ આજે તો પુરાણ કથા જેવું જ લાગશે. સમયની સાથે રાજકારણનાં  બદલાતાં જતાં ધોરણો ગયાં, અને તે ઉપરાંત હસમુખભાઈ અફસોસ કરે છે તેમ એ સમયના આવા શુદ્ધ ચારિત્ર્યના રચનાત્મક આગેવાનો પોતાનું જીવન કાર્ય  એ જ ભાવ અને મૂલ્યોથી ચાલતું રહે તેવા વારસદારો-સાથીઓ શોધવામાં નિષ્ફળ રહ્યા એ પણ આજનાં કથળી ગયેલાં જાહેર જીવન માટેનું એક મહત્ત્વનાં કારણ હશે. નવલભાઈ તો જોકે સારા લેખક પણ હતા. પણ તેમનાં લખાયેલામ સાહિત્યને તેમની જ જેમ પારખનારા ઝવેરીઓ ન મળ્યા એટલે એ સાહિત્યની સાથે નવલભાઈએ પચીસેક વર્ષ પહેલાં ‘અમૃત પ્રવેશે’ શીર્ષક હેઠળ પોતાની જીવનકથા લખી છે તે પણ રોળાઈ ટોળાઈ ગઈ છે. જો એમ ના થયું હોત તો કમસે કમ તેમનાં જીવન કાર્યની અંજાઈ જવાય એવી વિગતો આજે ક્યાંક તો દસ્તાવેજ થઈને પડી હોત !.

    0                                           0                                           0

    ‘સાર્થક- જલસો’ના આ પહેલાંના સત્તરે સત્તર અંકોની જેમ આ ૧૮મો અંક પણ વાંચન તરીકે રસપ્રદ બની રહેવાની સાથે સાથે માહિતી સ્રોત તરીકે પણ મહત્ત્વનો બની રહે છે.

    /\/\/\/\/\/\

    સાર્થક જલસો૧૮પ્રાપ્તિ સ્રોત:

    • મુખ્ય વિક્રેતા : બુક શેલ્ફ (વૉટ્સએપ્પ: +91 9099000362 | gujaratibookshelf.com

    અથવા

    પૃષ્ઠસંખ્યા: ૧૫૮, કિમત;રૂ. ૧૦૦/-

     

    [1]

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૩ – અંશ : ૫

    આપણાં જીવનનું પોતાનું અર્થશાસ્ત્ર 

    પણ સમજવું તો જોઇએ

    પ્રકરણ # ૩ – અંશ : ૪ થી આગળ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    આપણી અંગત અર્થવ્યવસ્થાનું માળખું

    અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનનાં સરળીકરણ કરેલ આર્થિક માળખાંથી આપણને આપણા ખર્ચાઓ, ફાયદાઓ અને ચોખ્ખા નફાતોટાઓની ગણતરી કરવાનો સંદેશ મળે છે. નાણાપ્રધાન અર્થવ્યવસ્થામાં જીવવા માટે આપણા પોતાના આર્થિક નિયમો શી રીતે ઘડવા તેમ જ બિનનાણાકીય વ્યવસ્થામાં પણ ખર્ચાઓ, ફાયદાઓ અને ચોખ્ખા નફાતોટાના હિસાબો માંડીને શી રીતે જીવવું તે વિશેના દિશાસંકેતો  મળે છે. જેમકે, રૂપિયા-પૈસાનો સહેલાઈથી સમજી શકાય એવો હિસાબ માંડીને આપણે વધારે આર્થિક વળતર મળતો વ્યવસાય પસંદ કરવો કે વધારે મળતા નિજાનંદનું ‘મૂલ્ય’  ‘આંકીને’ પોતાને મનપસંદ વ્યવસાયમાં મસ્ત રહેવું એવો નિર્ણય લેવો.

    તે જ‌ રીતે રોજબરોજ પણ આપણે નિર્ણયો લેતા રહીએ છીએ કે, આપણી કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા છ રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય નિર્ણયોની આસપાસ રચાતું અંગત અર્થવ્યવસ્થાનું પણ પોતાનું આગવું માળખું છે, આપણી આગવી જીવન વ્યવસ્થાના નિયમો ઘડવા માટે તે જરૂરી પણ છે. આ કામમાં અર્થશાસ્ત્રીઓ, તેમનાં નાણાકેન્દ્રી ખર્ચ ને ફાયદાની  ગણત્રી આધારિત વૈજ્ઞાનિક આર્થિક માળખાં વડે, આપણને, મદદરૂપ પણ થાય છે.

    આમ, ખર્ચા અને ફાયદાના હિસાબોના નાણાકેન્દ્રી અને આપણી જીવન વ્યવસ્થાના  બીનનાણાકીય નિર્ણયો લેવામાં,  જરૂરિયાત મુજબ વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રનાં નાણાકેન્દ્રી અને અંગત અર્થવ્યવસ્થાનાં બીનનાણાકીય માળખાં એમ બન્નેનો, સ્વાભાવિકપણે, સંતુલિત, ઉપયોગ આપણે કરી લેતાં રહીએ છીએ.

    બીજા શબ્દોમાં કહીએ તો કમાણી, ખર્ચા, બચત કે નફાતોટાનાં વળતરનો હિસાબ આપણે, સમય અને સંદર્ભની માંગની આપણી આગવી સમજણ મુજબ, રૂપિયા પૈસામાં કે પછી રૂપિયા પૈસાને બાજુએ મુકીને, કરી લેતાં રહીએ છીએ. જેમકે, આપણા સમય, પ્રયાસો, જ્ઞાન, અનુભવ કે આવડત જેવાં આપણાં સંસાધનોને નાણાંના વળતરની ગણતરી કરીને કામે લગાડવા માટેના કે પછી નાણા સિવાયના નિજાનંદ કે સેવા જેવા ઉદ્દેશ્યોથી કામે લગાડવા માટેના આપણા રોજબરોજના નિર્ણયો.

    અંગત અર્થવ્યવસ્થામાં નાણાનું સ્થાન

    નાણા વડે શું શું કરી શકાય ?

    કમાઓ 

    આપણે જે નાણાકીય અર્થવ્યવસ્થામાં વસીએ છીએ તેમાં સૌ પહેલાં તો આપણે નાણાનાં માધ્યમમાં કમાણી કરીને આવકનો સ્રોત ઊભો કરવો પડે.  જીવન નિર્વાહ માટે આવશ્યક એવી કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવા માટે આપણી પાસે પુરતાં નાણાંનું હોવું અનિવાર્ય જ ગણાય. એટલે, નાણાંની આવકના પુરતા પ્રવાહ વિના નાણાકીય અર્થવ્યવસ્થામાં ટકી શકવું લગભગ અશક્ય કહી શકાય.

    ખર્ચ કરો 

    કમાણીના સ્રોત દ્વારા મેળવેલ નાણાંનો ઉપયોગ આપણે ક્યાં તો જીવન માટે આવશ્યક, કે  આપણાં જીવનના ઉદ્દેશ્યોની ઈચ્છાપૂર્તિ માટે જરૂરી, ચીજવસ્તુઓ અને સેવાઓ મેળવવામાં કરીશું કે પછી નાણાકીય રોકાણો  કરવામાં કરીશું. અમુક ખાસ કારણસર થતા નાણાના સંગ્રહ સિવાય નાણા સ્વરૂપે જે કોઈ કમાણી થતી હોય છે તે કોઈને કોઈ સ્વરૂપે ખર્ચાતી જ હોય છે.

    બચત કરો

    જીવનની તડકી છાંયડીઓને કારણે તેમ જ કોવિડ મહામારી જેવાં બાહ્ય પરિબળોને કારણે અટવાઈ પડેલ આવક પ્રવાહો એ આજનાં જીવન વ્યવહારોની વાસ્તવિકતા છે. આવકનો પ્રવાહ અટકે તેની સીધી અસર આપણાં જીવનને ટકાવી શકવાની આપણી ક્ષમતા પર થાય તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય. આવી આકસ્મિક અને અનિવાર્ય વિપરિત ‘સંભવિત ભાવિ’ ઘટનાઓના સમયે આવશ્યક ખર્ચાઓ કરી શકવા માટે જરૂરી નાણાં  મળી રહે તે માટે ‘વર્તમાન’ આવકમાંથી બચત કરવાનો માર્ગ અપનાવાતો રહ્યો છે. બચત એ ભવિષ્ય માટે કરેલ નાણાનો આજનો વપરાશ છે.

    રોકાણ કરો 

    આજની આવકમાંથી આજના આવશ્યક ખર્ચાઓ કર્યા પછી બચત કરી શકનાર          સક્ષમ (કે       નસીબદાર [!]) લોકો એ બચત કરેલ નાણાને તિજોરીમાં કે બેંકનાં ખાતામાં બિનઉત્પાદક રીતે પડી રહેવા નથી દેતાં.  મોટા ભાગે આવી બચત એવાં રોકાણોમાં કરવામાં છે જેમાંથી મળી શકનાર વળતરનો પ્રવાહ ભવિષ્યની પૂર્વઆયોજિત કે/અને આક્સ્મિક ઘટનાઓના સમયે કરવા પડવાનાં ખર્ચને પહોચી વળી શકે.

    ઉપાડ કરો 

    એક વાર કરેલ રોકાણ અને તેમાંથી વળતરોને જોઈને ખુશ થઈને બેસી નથી રહેવાતું.  મોટા ભાગના કિસ્સાઓમાં આવાં રોકાણોનો, અને તેમાંથી મળતાં વળતરનો, ક્યાં  તો જરૂરિયાતના સમયે ઉપાડ કરીને ખર્ચ કરવામાં આવે છે કે પછી સમય સમયની આવશ્યકતાઓ અનુસાર ઉપાડ કરીને વૈકલ્પિક માર્ગે પુનઃરોકાણ કરવામાં આવે છે.

    વહેંચણી કરો

    પોતાની આજની અને ભવિષ્યની પૂર્વયોજિત કે આકસ્મિક બધી જ જરૂરિયાતો પૂરી કર્યા    પછી પણ જેમની પાસે નાણાં વધતાં રહે છે તેમાંના ઘણાં લોકો એ ‘ફાજલ’ નાણાં          જરૂરિયાતમંદ અન્ય વ્યક્તિઓ (કે સંસ્થાઓને) આપી દેતાં હોય છે. સખાવતનો આ માર્ગ   દરેક વ્યક્તિની અંગત પસંદ- નાપસંદ, પોતાનાં જીવન પ્રત્યેનાં મૂલ્યો અને ધોરણો,   લાગણીઓનો કહી શકાય. ફાજલ નાણાંની વ્યવસ્થાઓનું એક બીજું અગત્યનું પાસું એ      મિલકતને પોતાનાં કાયદેસરનાં વારસોને કરાતાં હસ્તાંતરણનું પણ છે.


    હવે આગળના મણકાઓમાં આપણે ‘જીવનની અર્થવ્યવસ્થાનો વ્યાવહારિક અમલ’ વિષેનાં પ્રકરણમાં નાણાંથી શું શું કરી શકાય તે વિષે વિગતે વાત કરીશું.


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • નાના રાજ્યો વિકાસની પ્રાથમિક શરત છે.

    નિસબત

    ચંદુ મહેરિયા

    ૨૦૧૯માં  બંધારણના અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી સાથે જમ્મુ-કશ્મીરનો રાજ્યનો દરજ્જો પણ સમાપ્ત કરવામાં આવ્યો હતો અને તેનું વિભાજન કરી જમ્મુ-કશ્મીર અને લદ્દાખ એવા બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં  આવ્યા હતા. એટલે આજે દેશમાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશો છે. વિવિધતાસભર અને ઉપમહાદ્વીપ જેટલી વિશાળતા ધરાવતો ભારત દેશ રાજ્યોનો સંઘ છે.પરંતુ વસ્તી અને વિસ્તારના માપદંડે પણ તમામ રાજ્યો સમાન નથી. મોટા, મધ્યમ અને નાના એવા ત્રણ ભાગમાં રાજ્યોનું વિભાજન થઈ શકે.જોકે તે પણ પૂરતું નથી. વિસ્તારમાં રાજસ્થાન પ્રથમ ક્રમનું રાજ્ય છે તો વસ્તીમાં ઉત્તરપ્રદેશ છે. મોટા રાજ્યમાં ગણના પામતું ગુજરાત  વિસ્તારમાં પાંચમા અને વસ્તીમાં નવમા નંબરે છે. લગભગ બધા જ પૂર્વોત્તર રાજ્યો નાના કે ટચૂકડા રાજ્યો છે. સાત પૂર્વોત્તર રાજ્યોની વસ્તી ૬૮ લાખ થી ૬ લાખની વચ્ચેની છે. જોકે નાનું રાજ્ય ગણાતું અરુણાચલ વસ્તીમાં છવ્વીસમા પણ વિસ્તારમાં ચૌદમા ક્રમે છે. ક્ષેત્રફળમાં ગોવા તો વસ્તીમાં સિક્કિમ સૌથી નાના રાજ્યો છે.

    જેમ વસ્તી અને ક્ષેત્રફળમાં બધા રાજ્યો એક સમાન નથી તેમ તેમનો વિકાસ પણ એક સરખો નથી. લગભગ વીસ કરોડની વસ્તીનું ઉત્તરપ્રદેશ વસ્તીમાં ન  માત્ર દેશનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ તે દુનિયાના ત્રણ દેશો બ્રાઝિલ, બાંગ્લાદેશ અને જાપાન કરતાં વધુ વસ્તી ધરાવે છે. વરવી વાસ્તવિકતા એ છે કે દેશની પાર્લામેન્ટના કુલ સભ્યોમાં જેના પાંચમા ભાગના સભ્યો( ૮૦ લોકસભા બેઠકો )  છે તે યુ.પી.નો જીડીપી( ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ) આફ્રિકન દેશ કેન્યા જેટલો જ છે. દેશના રાજ્યો વચ્ચે જે ભારે અસંતુલન જોવા મળે છે તેવું રાજ્યની અંદર પણ છે.

    આઝાદી પછીના પ્રથમ તબક્કામાં રાજ્યોની રચના ભાષાના ધોરણે થઈ હતી. પરંતુ આજે ભાષાના બદલે રાજ્યની અંદરના કેટલાક ભાગની ઉપેક્ષા, પછાતપણુ, અલ્પ વિકાસ, વહીવટની પહોંચ, શિક્ષણ, રોજગાર અને સિંચાઈમાં અસમાનતા તથા બજેટ ફાળવણીમાં અન્યાયની લાગણીથી અલગ,  નવા અને નાના રાજ્યોની રચનાની માંગ થઈ રહી છે.

    ૨૦૦૦ના વરસમાં દેશના ત્રણ મોટા રાજ્યોનું વિભાજન કરીને ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ, બિહારમાંથી ઝારખંડ અને મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢના નાના રાજ્યોની રચના  કરવામાં આવી હતી. આ ત્રણ રાજ્યો અને ૨૦૧૪માં આંધ્રના  વિભાજનથી નવા રચાયેલા તેલંગાણાના વિકાસ પરથી નાના રાજ્યો જાણે કે વિકાસ માટે અનિવાર્ય મનાય છે.

    દીર્ઘદ્રષ્ટા ડો.આંબેડકરે ૧૯૫૫માં પ્રકાશિત તેમના પુસ્તક ‘થોટ્સ ઓન લિંગવિસ્ટિક સ્ટેટ્સ’માં ભાષાને બદલે વહીવટી સરળતા તથા વ્યાપક લોકહિતના આધારે નાના રાજ્યોની રચનાની જિકર કરી હતી. ગઈ સદીની બીજી પચાસીના આરંભે ડો.આંબેડકરે ઉત્તરપ્રદેશનું વિભાજન કરીને ત્રણ અલગ રાજ્યોની રચના કરવા તર્કબધ્ધ દલીલો કરી હતી. શાયદ તેને જ અનુસરીને ૨૦૧૧માં માયાવતીના મુખ્યમંત્રી પદ હેઠળની બહુજન સમાજ પાર્ટીની યુ.પી. સરકારે વિધાનસભામાં રાજ્યનું વિભાજન કરી પૂર્વાંચલ, બુંદેલખંડ, અવધપ્રદેશ અને પશ્ચિમાંચલ એવા ચાર રાજ્યોની રચનાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ૨૦૧૨ની યુ.પી. વિધાનસભાની ચૂંટણીમાં પણ તમામ રાજકીય પક્ષો માટે રાજ્યનું ચાર નાના રાજ્યોમાં વિભાજન પ્રમુખ મુદ્દો હતો. જે આજે પણ પ્રસ્તુત છે.

    કર્ણાટક (૨૮), ગુજરાત(૨૬) અને રાજસ્થાન(૨૫) એ ત્રણ રાજ્યોની કુલ ૭૯ લોકસભા સીટો કરતાં ઉત્તરપ્રદેશ એકલાની ૮૦ લોકસભા સીટો વધારે છે. એટલે રાજકીય શક્તિ મોટા રાજ્યોમાં કેન્દ્રિત થઈ જાય છે. તેથી નાના રાજ્યો જરૂરી છે. નાના રાજ્યોમાં સંસાધનોનું કેન્દ્રીકરણ ઓછું થાય છે. તેથી રાજ્યના તમામ ભાગને સંસાધનોનો લાભ મળે છે. નવરચિત નાના રાજ્યોમાં ઉપેક્ષિત વિસ્તારના વિકાસ સાથે રાજ્યનો સમાન વિકાસ થયો છે. વિસ્તાર મર્યાદિત હોવાથી લોકોની સ્થાનિક જરૂરિયાતો માટે  નીતિ ઘડનારા અધિક જાગ્રત રહે છે. વિકેન્દ્રીકરણ અને સુશાસનનો લાભ મળે છે. મોટા રાજ્યનો વહીવટ સુચારુરૂપે કરવો મુશ્કેલ છે જ્યારે નાનો વિસ્તાર વિકાસ માટે સહાયક પરિબળ છે.  આ બધા કારણોથી નાના રાજ્યોની રચનાની માંગ થઈ રહી છે.

    નાના રાજ્યો જ વિકાસ કરી શકે તે દલીલ સંપૂર્ણ સાચી નથી. મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટક મોટા રાજ્યો છે પરંતુ વિકાસમાં અગ્રેસર છે. જ્યારે પૂર્વોત્તર રાજ્યો નાના હોવા છતાં અવિકસિત છે. એટલે માત્ર રાજ્યનો આકાર જ વિકાસનો એક માત્ર આધાર ના હોઈ શકે.

    નાના રાજ્યોની રચનાના ગેરફાયદા પણ ઘણા મોટા છે. તે રાષ્ટ્ર્રીય એકતા અને અખંડિતતા માટે પડકાર બની શકે છે. તેનાથી પ્રાદેશિક્તા વધુ વકરે અને આક્રમક બની શકે. રાજકીય મહત્વાકાંક્ષા પણ નાના રાજ્યોની માંગણીનું કારણ હોય છે. તેલંગાણામાં કેસીઆર અને ઝારખંડમાં સોરેન પરિવારનું આધિપત્ય જોતાં સત્તાનું વ્યક્તિ કે પરિવારમાં કેન્દ્રીકરણ મોટો ગેરલાભ છે. વિભાજનને લીધે વહીવટી સગવડો, રિસોર્સીસ અને સંપતિનું ન્યાયી, સમ્યક અને યોગ્ય વિભાજન પણ મોટો પડકાર છે. નવા રાજ્યો પાસે આર્થિક સગવડો ન હોય તો કેન્દ્ર પર આધારિત રહેવું પડે છે. નવું પાટનગર, સચિવાલય, રાજભવન, વિધાનસભા અને મંત્રી-સંત્રીના આવાસોમાં ભારે ખર્ચ થાય છે. તેથી નાના રાજ્યો માટેના આંદોલનો આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક કારણોસર જ હોય છે તેમ માનવું ભૂલ ભરેલું પણ હોઈ શકે છે. કેમ કે તેની પાછળ રાજનીતિ પણ હોય છે.

    કોને નાનું રાજ્ય ગણવું અને તે માટેના માપદંડો ક્યા હોઈ શકે ? વસ્તી કે વિસ્તારમાં નાનું એટલે કેટલું ? એ કોણ અને કઈ રીતે નક્કી કરે ? જેવા સવાલો પણ વિચારણીય છે.એટલે રાજ્યના ક્ષેત્રફળ અને વસ્તી ઉપરાંત રાજકીય ઈચ્છાશક્તિ, વિકાસશીલ રાજકીય નેત્રુત્વ, વહીવટી ક્ષમતા અને કાર્યકુશળતા પણ વિકાસનો આધાર છે.

    આદર્શ સ્થિતિ તો એ છે કે  વહીવટ અને લોકતંત્ર છેક વ્યક્તિ, કુટુંબ અને ગામ સુધી પહોંચે. જો ગ્રામ પંચાયતનો વહીવટ અસરકારક, મજબૂત અને  લોકાભિમુખ હશે તો રાજ્યના વિકાસને કોઈ રોકી નહીં શકે. નીચલા સ્તરે વહીવટને મજબૂતી બક્ષ્યા સિવાય રાજ્યને મજબૂત કરવાનો અર્થ નથી. સત્તાના ભાગિયા વધે , સત્તાનું સ્થાનાંતરણ થાય તેનાથી રાજ્યનો કે લોકોનો વિકાસ થઈ શકે નહીં. વિકાસની પાયાની શરત રાજ્યના આકારને બદલે લોકભાગીદારી અને લોકોની સક્રિય સામેલગીરી છે. જો તે હશે તો  નાનું કે મોટું રાજ્ય અને તેના લોકો જરૂર વિકાસ સાધશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • તસ્મૈ શ્રી ગુરવે નમ : ગુરુ શિષ્ય સંબંધ

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

          ભારતીય સંસ્કૃતિ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સાક્ષાત પરબ્રહ્મ તરીકે સ્થાપિત કરે છે. મનુષ્યમાં રહેલા ‘માણસ’નું સર્જન,પોષણ અને તેનામાં રહેલાં અસુરત્વનું વિસર્જન ગુરુ જ કરી શકે. આપણી સંસ્કૃતિ સ્પષ્ટ માને છે . પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિમાત્રના ઉત્તમ માનવત્વને ગુરુ જ બહાર લાવી શકે.દરેકના જીવનમાં દિશાદર્શન અનિવાર્ય છે અને તે ગુરુ જ કરી શકે..સમાજ ગુરુનું મૂલ્ય સમજી શકે એટલે પરબ્રહ્મ-મહાજ્ઞાની ઈશ્વરે પણ જયારે જયારે માનવ અવતાર લીધો છે, ગુરુ પાસે જ દીક્ષા લીધી છે.શ્રીરામ, વશિષ્ઠ કે વિશ્વામિત્રની આજ્ઞા અનુસરે તો શ્રી કૃષ્ણ ગુરુ સંદીપની પાસે વિદ્યાભ્યાસ કરે.

    ગુએટલે અંધકાર અને   રુ એટલે અંધકાર દૂર કરનાર ( નિરોધક), પ્રાચીનકાળમાં વપરાતો ગુરુ શબ્દ આ વ્યાપક અર્થમાં વપરાતો.ડો.નિરંજન રાજગુરુ તેમના એક પુસ્તકમાં,’ સંત સાહિત્ય નો સંદર્ભ ટાંકતા, અદૈતાકોપનિષદનો મંત્ર શબ્દ સ્તવનધકાર:સ્યાદ શબ્દસ્ત ન્ની રોધક ; અંધકાર નિરોધીત્વાંદ ગુરુરિત્ય ભિધીયતે ।।  કાળક્રમે ગુરુશબ્દ પણ અર્થ સંકોચનો ભોગ બન્યો છે હવે એ ક્યાંક શિક્ષકના પર્યાયમાં વપરાય છે તો ક્યાંક પેઢી દર પેઢી ચાલતી ગાડી ગાદી કે સંસ્થા સાથે જોડાઈ ગયો છે.તો ક્યાંક ચમત્કાર,અપેક્ષા કે આત્મવિશ્વાસના અભાવે આંધળાં અનુકરણમાં અટવાઈ ગયો છે.તારણ એટલું કે વ્યક્તિમાત્રમાં શ્રદ્ધાના સથવારે કશુંક હકારાત્મક અને ઉત્કર્ષ પૂર્ણ કશુંક ઉમેરે તે ગુરુ.એવું સમાજે સ્વીકારી લીધું છે.

    વિદ્યા આદાન -પ્રદાનમાં જોડાયેલા ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ ખુબ મોટો ભાગ ભજવે છે.વર્તમાન શિક્ષણ પદ્ધતિ પણ તેને મહત્ત્વ જરૂર આપે છે પરંતુ સામાજિક જીવનના બદલાયેલાં પરિબળોને લીધે બંને પક્ષે કશુંક ખુબ ખૂટે છે તે હકીકત છે.તેની સીધી અસર શિક્ષણ  અને જીવન વિકાસના અનેક પાસાં પર પડે છે.આદર,શિસ્ત ,વિદ્યાર્થીની ભિન્ન ગ્રહણ ક્ષમતા, શ્રદ્ધા, પરસ્પરની વિશ્વનીયતા, આત્મીયતા વગેરે જેવી પાયાની આવશ્યક બાબતોમાં ક્યાંકને ક્યાંક  શિક્ષણ સંસ્થાઓ ઉણી ઉતરે છે. તો બીજી બાજુ  શિક્ષક ( શાળા ગુરુ ) ની નિષ્ઠા ,ગુણવત્તા, ઊંડાણના માપદંડો જેવાં પરિબળો પણ ક્યાંક સવાલો ઉભા કરે છે. સમાજમાં પણ શુદ્ધ હેતુવાળા અને સાચા ગુરુ જવલ્લે જ મળે .

    હકીકતમાં શિક્ષક ( શાળા ગુરુ ) નો  વ્યવસાય, તમામ વ્યવસાયોમાં શ્રેષ્ઠ છે .મારી શિક્ષકસભામાં મારો એક અંગત મત વારંવાર કહેતો, “ચોક્કસ આપણો અગાઉનો કોઈ પૂર્વજન્મ ઋષિનો જ હશે અને તે સમયનાં અધૂરાં કર્મો પૂર્ણ કરવા આપણે આ જન્મે શિક્ષક બન્યા હોઈશું.’

    આપણે તો એવા નસીબદાર છીએ કે આપણો જન્મ ભારતદેશમાં થયો છે જ્યાં એવી ઉપનિષદ ગંગા વહે છે જેમાંથી ઉત્કૃષ્ટ ગુરુ-શિષ્ય, ભૃગુ-વારુણી નચિકેતા-યમરાજ ,સત્યકામ- જાબાલા- ગૌતમ ,નારદ -સનતકુમાર,શ્વેતકેતુ- આરુણિ ,યાજ્ઞવલ્કય -ગાર્ગી,મૈત્રેયી ઇન્દ્ર -પ્રજાપતિ,બાલાકી- અજાતશત્રુ, જનક -યાજ્ઞવકલય જેવાં ગુરુ શિષ્ય મૌક્તિકો પ્રાપ્ત થાય છે .આપણે પણ તો એમના જ સંતાન છીએ ને ?

    ॐ सह नाववतु ।सह नौ भुनक्तु ।सह वीर्यं करवावहै ।तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥  મંત્રથી આપણે બધા ખુબ સુપરિચિત છીએ. અનેક ઉપનિષદોના શાંતિમંત્ર તરીકે તે ઉપનિષદના પ્રારંભે કહેવાયો છે.આ મંત્રનો અનુવાદ જાણીએ તો જ આપણને વેદકાળના ગુરુ શિષ્ય સંબંધ વિષેનો

     

    સાચો ખ્યાલ આવે. ” હે પરમાત્મન ,આપ આપણા બંનેની એક સાથે રક્ષા કરો.આપણા બંનેનું એક સાથે પાલન કરો.આપણે બંને એક સાથે શક્તિ અર્જિત કરીએ.આપણા બંનેની ભણેલી વિદ્યા તેજસ્વી બને.આપણે બંને ક્યારેય એક બીજા પ્રત્યે ઈર્ષા દ્વેષ ન કરીએ.અમારા ત્રિવિધ ( આધિભૌતિક,આધિદૈવિક અને આધ્યાત્મિક ) તાપોનું શમન થાવ. શાંતિની પ્રાપ્તિ થાવ” આ બધું દ્વિવચનમા છે.

    કઠોપનિષદનો શાંતિપાઠ પણ એવી જ મંગળ પ્રાર્થના  છે ॥ ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः

    श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि । सर्वं ब्रह्मौपनिषदं माऽहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म

    निराकरोदनिराकरणमस्त्वनिराकरणं मेऽस्तु । तदात्मनि निरते यउपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु । ॐ शान्तिः शान्तिः शान्तिः હે પરમાત્મન, અમારાં બધાં અંગ પુષ્ટ બનો ,અમારી વાણી પ્રાણ, નેત્ર ,શ્રોત્ર,બળ અને સંપૂર્ણ ઈંદ્રિય પુષ્ટ બનાવો. તૈત્તરીય ઉપનિષદ પણ કહે છે –सह नौ यशः । सह नौ ब्रह्मवर्चसम् । અમારા બંનેનો યશ એક સાથે જ વધે. અમારા બંનેનું બ્રહ્મતેજ પણ એક સાથે જ વધે.

    વળી ગુરુ શિષ્ય સંબંધમાં ઉપનિષદમાં એક વિશેષ વાત જોવા મળે છે.ગુરુ કોણ ? શિષ્ય કોણ ? – ગુરુકુળમાં આવેલા શિષ્યના ગુરુ તો ગુરુકુળના હોય જ.પણ પિતા- પુત્ર,રાજા-પ્રજા ,યમ -નચિકેતા ,નારદ-સનતકુમાર,યાજ્ઞવલ્કય -મૈત્રેયી ( પતિ-પત્ની ) બ્રાહ્મણ -ક્ષત્રિય વગેરે પણ ગુરુ -શિષ્ય હોઈ શકે. જ્ઞાન મેળવવા માટે કોણ છે એના કરતાં શીખવાની અને શીખવવાની  ઉત્કંઠા કેવી છે ? એ જોવાતું હતું..ગુરુને જયારે પોતાની જ્ઞાન મર્યાદા દેખાય કે વિશેષ જ્ઞાનની ભૂખ જાગે તો તરત શિષ્યને જણાવી અન્ય પાસે જવા સૂચવે .ક્યારેક તો પોતે પણ જાય

    ગુરુની ગરિમા તો લગભગ બધે જ હોય પણ ઉત્તમ શિષ્યની પણ કદર હોય એવું કઠોપનિષદના યમરાજા -નચિકેતા સંવાદના જોવા મળે છે.श्रवणायापि बहुभिर्यो न लभ्यः श‍ृण्वन्तोऽपि बहवो यं न विद्युः । आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा आश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ ‘જ્ઞાનને ગ્રહણ કરનારા કુશળ જિજ્ઞાસુ પણ અતિ દુર્લભ હોય છે વિશેષજ્ઞ .આચાર્ય દ્વારા તત્ત્વવેત્તા પણ અતિ દુર્લભ હોય છે.’ આત્મજ્ઞાન આપ્યા પછી નચિકેતાની ઉચ્ચ લાયકાતોને બિરદાવતાં યમરાજા બોલી ઉઠે છે. नैषा तर्केण मतिरापनेया  प्रोक्तान्येनैव सुज्ञानाय प्रेष्ठ ।  यां त्वमापः सत्यधृतिर्बतासि त्वादृङ्नो भूयान्नचिकेतः प्रष्टा ॥  આપ યથાર્થ સત્યના શોધક છો.આપ જેવા શિષ્ય જ અમને પ્રાપ્ત થાવ.’.

    કેવળ વ્યાખ્યાન નહિ પણ સંવાદ અને ચર્ચાના પ્રાધાન્યની ચોક્કસ નોંધ લેવી પડે.શિષ્ય જયારે અનેક પ્રશ્નો ઉઠાવે ત્યારે ગુરુને વિશેષ આનંદ આવે.રાજાઓ વિદ્વાનો જિજ્ઞાસુઓ વચ્ચે આવી ચર્ચાસભાઓ ગોઠવે. કેનોપનિષદમાં એક નોંધનીય પ્રસંગ ટાંકવાનું મન થાય છે. यदि मन्यसे सुवेदेति दहरमेवापि   दभ्रमेवापि

    नूनं त्वं वेत्थ ब्रह्मणो रूपम् । यदस्य त्वं यदस्य देवेष्वथ नु मीमाँस्यमेव ते मन्ये विदितम् ॥ -આચાર્ય, :’ જો તમારી એવી માન્યતા હોય કે હું બ્રહ્મને જાણી ગયો છું તો ચોક્કસ તમોએ બ્રહ્મનો અલ્પ અંદાજ જ જાણ્યો છે  ‘ नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च । यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च ॥ શિષ્યનો સ્વીકાર ઉત્તર ,’ અમોએ બ્રહ્મને જાણી લીધો છે એવું અમે માનતા જ  નથી.’   એવી જ રીતે છાંદોગ્ય ઉપનિષદનો પરસ્પર સંવાદ ચર્ચાનો આહવાન પ્રશ્ન પણ રસપ્રદ છે. त्रयो होद्गीथे कुशला बभूवुः शिलकः शालावत्यश्चैकितायनो दाल्भ्यः

     

    प्रवाहणो जैवलिरिति ते होचुरुद्गीथे वै कुशलाः स्मो हन्तोद्गीथे कथां वदाम इति ॥ -ત્રણ ઋષિ-શાલવાન પુત્ર સિલક,ચીકીયાતનના પુત્ર દાલભ્ય, જીવણના પુત્ર પ્રવાહણ જ્ઞાન-ચર્ચા માટે ભર્ગ થયા. -’ ઉદ્દગીથ સંબંધી વિદ્યાના પારંગત ‘ શા માટે આ વિષય પર આપણે ચર્ચા ન કરીએ ?’  છાન્દોગ્ય ઉપનિષદમાં પણ આવું એક ઉદાહરણ મળે છે. અનેક ઋષિ વિસ્તૃત ચર્ચા પછી નિર્ણય કરે કે ‘વૈશ્વાનર આત્મા વિષે તો આપણે મહર્ષિ આરુણિ પાસે જ જવું જોઈએ.’.ते ह सम्पादयांचक्रुरुद्दालको वै भगवन्तोऽयमारुणिः  सम्प्रतीममात्मानं वैश्वानरमध्येति तꣳ हन्ताभ्यागच्छामेति तꣳ हाभ्याजग्मुः ॥

    ગુરુની શિષ્ય પ્રત્યેની નિષ્ઠા પણ અદભુત દેખાય છે.ઉપનિષદોમાં એવાં અનેક ઉદાહરણ મળે છે કે દૃઢતા માટે એક જ  સિદ્ધાંતનું ગુરુ પુનરાવર્તન કરે અને શિષ્યને પૂછે કે તમને ગળે ઉતર્યું કે ફરી કહું ? કઠોપનિષદમાં  યમરાજા નચિકેતાને કહે છે,  , पुनरेवाह तुष्टः ॥

    ગુરુકુળમાં પ્રવેશ તો લીધો પણ કઈ વિદ્યા કોને કેમ શીખવવી; એ ગુરુ નક્કી કરે.,શિષ્ય નહિ. યોગ્યતા અને પાત્રતા ગુરુ જ નક્કી કરે.એનો ઉદેશ્ય એની નિપુણતા શા માં છે અને વિદ્યા પચાવવાની-સમજવાની ક્ષમતા અને તેની ઉત્કંઠા કેટલી છે. स यदशिशिषति यत्पिपासति यन्न रमते ता अस्य दीक्षाः॥

    બાળક આઠ કે નવ વર્ષનું થાય એટલે પિતા તેને ગુરુકુળમાં મૂકી જાય.ગુરુ યજ્ઞોપવિત ધારણ કરી દીક્ષા આપે.ત્યાર પછી તે ગુરુથી જ બંધાયેલો.એટલે સુધી કે તે શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી આશરે 25 મા વર્ષ સુધી પોતાના ઘેર સારા કે માઠા પ્રસંગે પણ ઉપસ્થિત ન રહે.એક જ લક્ષ્ય.  જે સાધક ખાવાની ઈચ્છા કરે પરંતુ આસક્ત ન થાય ,એ જ એની દીક્ષા છે.  अथ यत्तपो दानमार्जवमहिꣳसा सत्यवचनमिति|

    ગુરુ ,શિષ્યને વિદ્યા આપતાં પહેલાં જ કેટલીક અગત્યની આદેશાત્મક સૂચના આપે છે.અને શિષ્ય પણ એ સૂચનાનો અમલ કરવા માટે બંધાયેલો છે. सत्यमिति सत्यवचा राथी तरः ।तप इति तपोनित्यः पौरुशिष्टिः ।स्वाध्यायप्रवचने एवेति नाको मौद्गल्यः । तद्धि तपस्तद्धि तपः ॥ ‘સત્ય આચરણ,અને વાણી સાથે,શાસ્ત્રોનું અધ્યયન, અધ્યાપન કરો .તપશ્ચર્યા મન ચિંતન સાથે અધ્યયન અધ્યાપન કરો.’ સ્વાભાવિક જ છે જો આનું પાલન થતું હોય ત્યાં શ્રેષ્ઠ ગુરુ અને શ્રેષ્ઠ શિષ્ય જ મળે .

    પૂજ્ય આચાર્ય રામશર્માજી કહે છે ,’ઉપનિષદોમાં ગુરુને પોતાના અનુભવો પ્રત્યે પૂર્ણ આત્મવિશ્વાસ મળે છે  ત્યાં જ્ઞાનીની નિરહંકારીતા પણ સ્પષ્ટ જણાઈ આવે છે.’ નચિકેતાને ત્રણ દિવસ પ્રતીક્ષા કરવી પડી તો યમરાજા પ્રાયશ્ચિત્ત પ્રગટ કરે છે. જંનક સભામાં યાજ્ઞવલ્કય પોતાના શિષ્યને ગાયો  લઇ જવા કહે છે ત્યારે કોઈ પૂછે છે ,’શરત અનુસાર તમે સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા છો.?’ યાજ્ઞવલ્કય ઉત્તર વાળે .છે ,’ બ્રહ્મવેત્તાને નમસ્કાર. મારે ગાયોની જરૂર છે તેથી લઇ જાઉં છું.’

    કદાચ સમાજની મોટાભાગની વર્તમાન સમસ્યાઓના મૂળમાં જ જે કારણ છે તે શિષ્ય ગુરુની ક્યાંકને ક્યાંક રહી જતી કચાશ જ છે. ઉપનિષદો પાસેથી લેવાની શીખ એ કે ગઈકાલની ઉત્તમ ગુરુ-ઉત્તમ શિષ્ય પરંપરા શરુ કરવા સનિષ્ઠ પ્રયાસ કરીએ.


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૫૨

    ચિરાગ પટેલ

    उ. २१.१.८ (१८५६) इन्द्र आसां नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुर एतु सोमः । देवसेनानामभिभञ्जतीनां जयन्तीनां मरुतो यन्त्वग्रम् ॥ (अप्रतिरथ ऐन्द्र)

    અમારી સેનાના નેતા ઇન્દ્ર હોય, બૃહસ્પતિ આગળ ચાલે, દક્ષિણા-યજ્ઞ સંચાલક સોમ પણ આગળ જાય, શત્રુનાશક મરુદ્ વિજયી દેવસેનાની આગળ હોય.

    આ સામ છેલ્લા ૨૧મા સૂક્તનો છે, જેમાં યુદ્ધને લાગતા મંત્રો છે. આ સામ દ્વારા ઋષિ યુદ્ધમાં વિવિધ દેવો દ્વારા રક્ષા મેળવવાની ઈચ્છા ધરાવે છે. આમ તો અહિ સર્વે દેવો છે પણ જ્યોતિષ રૂપકની રીતે જોઈએ તો ઇન્દ્ર એટલે સૂર્ય જે દેવોના નેતા છે, બૃહસ્પતિ એટલે ગુરુ ગ્રહ, સોમ એટલે ચંદ્ર અને મરુદ્ અર્થાત વાદળો એટલે રુદ્રના પુત્ર કાર્તિકેય અને તેમની સાથે સંકળાયેલું નક્ષત્ર એટલે કૃતિકા. આમ, જ્યારે કૃતિકા નક્ષત્રમાં સૂર્ય, ગુરુ અને ચંદ્ર હોય એ સમય યુદ્ધ માટેનો નિર્ધારિત થયેલો આ સામ પ્રમાણે જણાય છે.

     

    उ. २१.१.१५ (१८६३) अवसृष्टा परा पत शरव्ये ब्रह्मसँशिते । गच्छामित्रान्प्र पद्यस्व मामीषां कं च नोच्छिषः ॥ (पायु भारद्वाज)

    હે વેદમંત્રોથી પ્રેરિત બાણ! છોડ્યા પછી દૂર રહેલાં શત્રુ પર પડ. એ શત્રુઓમાં કોઈ શેષ ના રહે.

    આ સામ પરથી જણાય છે કે, યુદ્ધમાં શત્રુ પર છોડવામાં આવતાં બાણને વેદમંત્રોથી ઊર્જાવાન કરવાની ભાવના વ્યાપક હશે. આધ્યાત્મિક અર્થમાં વેદ મંત્રોમાં રહેલી ઊર્જા કે શક્તિની અસરથી સાધક પોતાની નકરાત્મક લાગણીઓરૂપી શત્રુઓનો નાશ કરી આત્મ પ્રાપ્તિનું યુદ્ધ જીતવા માંગે છે, એમ કહી શકાય.

     

    उ. २१.१.२६ (१८७४) भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः । स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥ (गोतम राहूगण)

    હે દેવો! કાનો વડે અમે મંગળ વચનોનું શ્રવણ કરીએ. નેત્રોથી કલ્યાણકારી દ્રશ્યો જોઈએ. હાથ-પગ વગેરે પુષ્ટ અંગોથી આપની સ્તુતિ કરીએ. દેવો દ્વારા નિર્ધારિત આયુષ્ય મેળવી એનો સારી રીતે ઉપયોગ કરીએ.

    વેદોના મુખ્ય અને અતિ વિખ્યાત મંત્રોમાંનો આ એક મંત્ર છે. આ સામમાં ઋષિ પોતાના વિવિધ અંગો દ્વારા શુભ કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરે છે. એ ભાવનાથી સાધક ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી શકે અને એ જીવનમાં વિવિધ હકારાત્મક કાર્યો કરી શકે એમ ઋષિ ઈચ્છે છે.

     

    उ. २१.१.२७ (१८७५) स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥ (गोतम राहूगण)

    અતિ યશસ્વી ઇન્દ્ર અમારું કલ્યાણ કરો. સર્વજ્ઞાતા પૂષા અમારું કલ્યાણ કરો. અહિંસક આયુધવાળા ગરુડ અમારું કલ્યાણ કરો. જ્ઞાનના અધીશ્વર બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો.

     

    યજ્ઞ કાર્યો અને માંગલિક પ્રસંગોમાં આ મંત્ર આવશ્યક એવો અત્યંત પ્રખ્યાત છે. સામવેદ સંહિતાનો આ અંતિમ સામ છે. આ સામમાં ઋષિ ઇન્દ્ર, પૂષા, ગરુડ અને બૃહસ્પતિ પાસે કલ્યાણની યાચના કરે છે. અહિ ગરુડ માટે અરિષ્ટનેમિ શબ્દ છે. અરિષ્ટનેમિ એટલે સર્વેને બાંધતું કે આધાર આપતું ચક્ર, એમ પણ કહી શકાય. એ અર્થમાં અરિષ્ટનેમિ એટલે વિષ્ણુ. પૂષા અર્થાત પોષણ કર્તા એટલે કે સૂર્ય એવો અર્થ પણ કરી શકાય.

    ઇન્દ્ર યશસ્વી છે, સૂર્ય સર્વેના જ્ઞાતા છે, વિષ્ણુ અહિંસક શક્તિ ધારક છે, બૃહસ્પતિ જ્ઞાનના મૂળ છે.

    અસ્તુ!

     

    ——————————————————–

    આ સાથે સામવેદના આધુનિક દર્શનની શ્રેણીનો અંત થાય છે. સપ્ટેમ્બર ૨૦૧૭થી આરંભ કર્યા પછી મારા અનેક વિચારોમાં પરિવર્તન આવ્યું છે. વેદોને સમજવાની એક નવી દૃષ્ટિ મળી છે. આ દર્શન પૂરું થયેલું તો ના કહેવાય. જ્યારે પણ વેદોનું પઠન અને મનન કરીએ ત્યારે એમાં કોઈ નવાં જ અર્થ ઉઘડીને સામે આવે છે.

    સામવેદને મારી દૃષ્ટિએ મૂલવવામાં અનેક ક્ષતિઓ રહી છે અને ઉત્તરોત્તર સુધારાને અવકાશ છે જ. પણ, એટલું ચોક્કસ કહીશ કે અનેક રીતે આ દર્શન મૌલિક છે અને વાચકોને એક નવો વિચાર માર્ગ સૂચવનાર તો ચોક્કસ છે. અનેક ઋષિઓની સાધનાના આશિર્વાદ અને કૃપાથી જ આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે એમ હું ચોક્કસ માનું છું.

    પુનઃ મળીશું અન્ય શાસ્ત્રીય ગ્રંથોના આ પ્રકારના આધુનિક દર્શન સાથે.


    શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

  • રાઈનો પર્વત (૧૯૧૩) – પડદો ઉઘડતાં પહેલાં

    પ્રશિષ્ટ નાટ્યકૃતિ

    ‘રાઈનો પર્વત’ શબ્દપ્રયોગ રૂઢ અર્થમાં નાની વાતને મોટું સ્વરૂપ અપાતું  હોય – રજનો  ગજ થતો હોય – ત્યારે વપરાતો હોય છે.

    જોકે રાઈનો પર્વત એ રમણભાઈ નીલકંઠ દ્વારા લિખીત, ૧૯૧૪માં પ્રગટ થયેલ, ગુજરાતી નાટક છે. આ નાટકની ગણના ગુજરાતી ભાષાના પ્રશિષ્ટ નાટકોમાં થાય છે. આ નાટકમાં રાઈ કિસલવાડીમાંના માળીના પાત્રનું નામ છે. ‘રાઈ’ તર્રીકે રજૂ થતો માળી ખરેખર તો મૂળ રાજા રત્નદીપદેવની રાણી અમૃતદેવીનો પુત્ર છે. ર્તનદીપદેવની હત્યા કરીને હાલના આરાજા પ્રવતરાયે ગાડી પચાવી પાડેલી. આમ નાટકના સંદર્ભમાં ‘રાઈનો પર્વત’  માળી ‘રાઈ’નાં ‘પર્વત’માં રૂપાતરની કથા છે.

    મણિલાલ દ્વિવેદીનું નાટક કાન્તા વાંચ્યા પછી એનાથી પ્રભાવિત થયેલા રમણભાઈએ એક નાટક લખવાનો નિર્ણય કર્યો હતો. ૧૮૯૫માં એમણે રાઈનો પર્વત નાટક લખવાની શરૂઆત કરી, પણ પહેલો પ્રવેશ લખ્યા પછી તેઓ એ નાટક આગળ લખી શક્યા નહી. ૧૯૦૯ ના મે મહિનામાં એમણે આ નાટક પુરું કરવાનો નિર્ણય કરી ફરી લખવાનો આરંભ કર્યો, પરંતુ એમની બીજી બધી પ્રવૃત્તિઓને લીધે આ નાટક અધૂરું જ રહેતું હતું. અંતે, ચાર વર્ષ પછી ૧૯૧૩ના અંત ભાગમાં આ નાટક એમણે પુરું કર્યું અને ૧૯૧૪માં પુસ્તક રૂપે પ્રકાશિત કર્યુ.

    સાત અંક અને ૩૬ પ્રવેશમાં વહેંચાયેલું આ નાટક શૅક્સપિયરી નાટ્યશૈલી અને સંસ્કૃત નાટ્યશૈલીનું મીશ્રણ કરી તૈયાર કરવામાં આવ્યું છે. નાટકનું કથાવસ્તુ પ્રાચીન કથા પરથી લેવામાં આવ્યું છે, પરંતુ રમણલાલે એમાં અર્વાચિન ભાવોને પૂરવાનો પ્રયત્ન કર્યો છે. નાટકનું કથાવસ્તુ રમણલાલના પિતા મહીપતરામ નીલકંઠ દ્વારા સંગ્રહિત ‘ભવાઈસંગ્રહ’માં આવતાં ‘લાલજી મનીયાર’ના વેશમાં આવેલા એક દુહા અને એની નીચે ટીપ્પણીમાં આપેલી વાર્તા ઉપરથી લેવામાં આવ્યું છે. એ દુહો નીચે મુજબ છે:

    “સાઈઆંસે સબકુચ હોતે હે, મુજ બંદેસે કચુ નાહીં;
    રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.”

    — લાલજી મનીઆર વેશ, મહીપતરામ નીલકંઠ

    આ દુહા પરની આખી વાર્તા પુસ્તકના પરિશિષ્ટમાં આપી છે., જે આપણે હવે પછીના મણકામાં વાંચીશું.

    પાંચમી આવૃત્તિનું મુખપૃષ્ઠ, ૧૯૨૩

    આ દુહા પરથી લેખકે પુસ્તકનાં  મુખપૃષ્ઠ ઉપર દોહરો મૂક્યો, તે એ દુહા ઉપરથી રચ્યો છે.

    પ્રભુથી સહુ કાંઈ થાય છે, અમથી થાય ન કાંઈ
    રાઈનો પર્વત કરે, પર્વત બાગનિ માંહિ

    એ દોહરો સૂત્ર સ્વરૂપે લઈ અને એ વાર્તામાં ફેરફાર તથા  વધારો કરી આ નાટકની રચના ગૂંથી છે. શુદ્ધ સાધ્યને પ્રાપ્ત કરવા અશુંદ્ધ સાધનનો સ્વીકાર કરવાથી નોતરી લેવાયેલા સંધર્ષ અને પછી એ સંઘર્ષમાંથી છેવટે સુપ્રાપ્ય બનતી સર્વાંગશુદ્ધિ આ નાટકનાં કથાવસ્તુનું હાર્દ છે.

    સાહિત્યિક સજ્જતાથી નોખા તરી આવતા આ નાટકની પ્રભાવક નાટ્યક્ષમતાથી પ્રેરાઈને ચિનુ મોદીએ નાટકના પાત્ર જાલકાને કેન્દ્રમાં રાખી જાલકા નામનું નાટક ૧૯૮૫માં લખ્યું હતું, તેમજ નાટ્યકાર હસમુખ બારાડીએ આ જ નાટક પરથી રાઈનો દર્પણરાય નામનું નાટક ૧૯૮૯માં પ્રગટ કર્યું હતું.

    એ સમયમાં પ્રણયલગ્ન અને વિધવાપુંનર્લગ્ન જેવી સામાજિક સમસ્યાઓને આ નાટકમાં સમાંવાઈ લેવાઈ છે. તે જ રીતે નીતિ અને અનિટી, ધર્મ અને અધર્મના સંઘર્ષની વાત પણ બહુ સ્વાભાવિક સ્વરૂપે રજૂ થઈ છે. ખાસ તો નોંધપાત્ર બાબત એ છે કે  આજના આત્યંતિક સાંપ્રદાયિક અને સ્ત્રી સન્માનના ઘટતાં જતાં વાતાવરણમાં પણ આ  દીર્ઘનાટકની વ્યંગાત્મક શૈલી એટલી જ પ્રસ્તુત કહી શકાય એમ છે.

    હવે પછીના મણકામાં લાલજી મનીઆર વેશના દુહાની રમણભાઈ નીલકંઠે વિસ્તારપૂર્વક કરેલી ચર્ચા વાંચીશું અને તે પછી દર મહિને બીજા ને ચોથા રવિવારે ‘રાઈનો પર્વત’ના ૭  અંકો અને ૩૫ પ્રવેશો ક્રમશ: વેબ ગુર્જરી પર પ્રકાશિત કરીશું.  

  • કોઈ મુજને હજુ ભણાવે છે

     

    મારે ભણવું નથી છતાં પણ કોઈ મુજને હજુ ભણાવે છે.
    હું જેને પળપળ બનાવું છું, મારું બગડ્યું બધું બનાવે છે.

     

    બસ, યાદ નથી પ્રસાદ વગર, મેં કશું એને આપ્યું હોય,
    તો પણ, શબરીનો રામ, કો’કની પ્રીતે જમ્યું જમાડે છે.

     

    મારો કાળ નથી તે છતાં, મને એ ભીમ બની સતાવે છે.
    દુર્યોધન સમજી જન્ઘા ઉપર, પાટું પર પાટું જડાવે છે.

     

    નશ્વર શરીર, બનામ નામ, રિશ્તા માયા, રસમો છળ,
    હવે, જાણ થઈ, દરગાહ ઉપર નામ નકામું ચઢાવે છે.

     

    અન્ધ માતાના બાળક ને એ જુવાનીમાં જો લઈ લે છે,
    અણધાર્યો પડદો પાડીને, એ નાટક અધૂરું બતાવે છે.

     

    જો ઘો મરવાની થાય તો, એ ક્યાં એને લઈ જાય છે?
    બસ, એ જ રોગીને હકીમના ઘરનું ઠેકાણું બતાવે છે.

     

    મારી ધડકનમાં, મારા શ્વાસમાં, લય છે એ હું જાણું છું,
    મારે નાચવું નથી ‘મનુજ’, કોઈ અમથું અમથું નચાવે છે.

    ‘મનુજ’ હ્યુસ્તોનવી

    ૦૩/૨૪/૨૦૨૩