-
સોળ ઝંઝાવાતી દિવસો
પુસ્તક પરિચય
નરેશ પ્ર. માંકડ

Sixteen Stormy Days: The Story of The First Amendment to The Constitution of India
Author: Tripurdaman Singh
Publisher: Penguinસ્વાતંત્ર્યના ઉગમ સાથે સુદીર્ઘ કાળ પૂર્વે હિંદવાસીઓએ ભારતભાગ્યવિધાતા સાથે નિયત કરેલ કરારને નિભાવવાની ઘડી આવી પહોંચી અને પ્રથમ વડાપ્રધાને પુરાતનમાંથી નવી દિશાઓમાં પગલાં માંડવાનું એલાન કર્યું. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને મૂળભૂત અધિકારોના તરેહ તરેહના ખ્યાલોમાં દેશવાસીઓ રાચતા હતા અને નૂતન ભારતની રાજ્યવ્યવસ્થાને વ્યાખ્યાયિત કરતાં બંધારણની રચનાનું ભગીરથ કાર્ય સંપન્ન થયું ત્યારે એ પ્રસંગ શાનદાર રીતે ઉજવાયો. બંધારણને સુશોભિત કરવા દેશના નામી ચિત્રકાર નંદલાલ બોઝને જવાબદારી સોંપાઈ. નાગરિક સ્વાતંત્ર્યના ઉચ્ચ આદર્શો આઝાદ હિંદની નવી સરકારને સંસ્થાનવાદી પુરોગામીથી અલગ પાડતી મહત્ત્વની બાબત હતી. દમનકારી વિદેશી શાસનની જેમ સ્વતંત્રતાઓ પર નિયંત્રણો મૂકવાની બદલે નવી સ્વતંત્ર દેશની સરકાર એના રક્ષણ માટે પ્રવૃત્ત રહે એવી અપેક્ષા બંધારણ પાસે રાખવામાં આવતી હતી. મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય અંગેના વિચારો સદીઓથી એક આદર્શ સમાજ અને રાજ્યવ્યવસ્થાની કલ્પનામાં સર્વોચ્ચ સ્થાન પર હતા. હવે દેશ સ્વતંત્ર બની જતાં આ ઉચ્ચ આદર્શોએ નેતાઓ અને ખાસ કરીને જનતાના માનસમાં અતિ મહત્ત્વનું સ્થાન મેળવ્યું.
વિદેશી ધૂંસરી ફગાવી દઈને આંતરરાષ્ટ્રીય તખ્તા પર સીધો જ મહારથીની અદાથી ખડો થઈ ગયેલો જંગી જનસંખ્યા ધરાવતો દેશ અનેક વિડંબનાઓ અને વિરોધાભાસોનું મૂર્તિમંત સ્વરૂપ હતો. નબળા સ્વાસ્થ્યના ધોરણો ધરાવતી ગરીબ, નિરક્ષર વસ્તીને અચાનક જ એમની માગણી મુજબ એની જાત પર છોડી જવામાં આવી હતી. વિશ્વના અન્ય દેશો માટે આ કરુણ અચંબા જેવું દૃશ્ય હતું. લોકોના માનસમાં હક્કોને આંચ ન આવે એ અંગે વધુ રક્ષણાત્મક લાગણી પ્રવર્તતી હતી. એક કાનૂની દસ્તાવેજને કોઈ ધર્મના સર્વોચ્ચ ગ્રંથ જેવું સ્થાન અપાયું હતું. ડો. આંબેડકરે તો વ્યક્તિના અધિકારો અને તેના અમલ અને સલામતી માટેના બંધારણીય ઉપાયોને બંધારણના હૃદય અને આત્મા સમાન ગણાવીને કહ્યું હતું કે નવા બંધારણમાં જો કોઈ બાબત મુશ્કેલી ઊભી થાય તો બંધારણ ખરાબ હતું એવું કારણ નહીં હોય; આપણે એમ કહેવું પડશે કે માણસ નિકૃષ્ટ હતો. સરદાર પટેલે કહ્યું, ‘ આપણી આઝાદી માટે આપણે સખત મહેનત કરી છે. એને યોગ્ય ઠરાવવા માટે આપણે વધારે મથવું પડશે.”
આવી પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડના હવામાનની જેમ અચાનક પલટો આવ્યો, જે દૂરગામી તોફાનના વરતારા જેવો હતો.
“અમને ખબર પડી કે અમે સર્જેલાં આ ભવ્ય બંધારણનું અપહરણ કરીને વકીલો દ્વારા તેની ઉઠાંતરી કરી જવામાં આવી છે.” આ શબ્દો જવાહરલાલ નહેરુએ ૧૬મી મે ૧૯૫૧ ના રોજ બંધારણ (પ્રથમ સુધારો) ખરડો Constitution (First Amendment) Bill સંસદની સ્ટેન્ડિંગ કમિટીને રિફર કરવા માટે મૂક્યો ત્યારે કહ્યા હતા. તેમણે બંધારણીય સમિતિમાં ઉચ્ચારેલી ભાવનાઓથી વિપરીત, આશ્ચર્ય અને આઘાતજનક ઉલટો વળાંક લઈને કહ્યું કે મૂળભૂત અધિકારો, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સ્વતંત્રતા ઓગણીસમી સદીના પ્રભુત્વ ધરાવતા, બિનગતિશીલ રૂઢિચુસ્ત યુગના અવશેષ હતા, જે પ્રવર્તમાન સામાજિક સંબંધો અને અસમાનતાઓને ટકાવી રાખતા હતા. હવે આ ખયાલો જૂનવાણી થઈ ગયા છે; એનું સ્થાન સામાજિક સુધારા અને સોશિયલ એન્જિનિયરિંગના ગતિશીલ વિચારોને લઈ લીધું છે. નવા સ્વતંત્ર દેશ માટે આ વિચારોને રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અને કોંગ્રેસ પક્ષના ભવ્ય કાર્યક્રમોમાં અપનાવવામાં આવ્યા છે.
નેહરુના આ બદલાયેલા તેવર પાછળ છેલ્લા ચૌદ માસ દરમિયાન એમને વિક્ષુબ્ધ કરી નાખતા બનાવોની ચાલેલી હારમાળા કારણભૂત હતી. એમની સમાજવાદી સમાજ રચનાની કલ્પના કોંગ્રેસની નીતિઓમાં અમલમાં મૂકવા માગતા નહેરુને માટે નવનિર્મિત બંધારણ જ અવરોધ બનીને ઉભું થયું. જમીનદારી નાબૂદી અને જમીન સુધારા, ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ, નોકરી અને કેળવણીમાં પછાત વર્ગો માટે અનામત, કહ્યાગરા અખબારો – ‘સોશિયલ એન્જિનિયરિંગ’ની એમની યોજનાઓ ઝડપભેર અમલમાં મૂકવાની એમને ઉતાવળ હતી પણ બંધારણમાં મૂળભૂત અધિકારોનું વચન આપેલું એનો સહારો લઈને પત્રકારો, નાગરિકો, ઉદ્યોગ અને વ્યાપારના અગ્રણીઓ સરકારને અદાલતમાં ઘસડી જવા લાગ્યા.
દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખબાર ઓર્ગેનાઈઝરને સેન્સર કરવાના હુકમને ઉથલાવી દેવામાં આવ્યો. ‘ઓર્ગેનાઈઝર’ના સમર્પિત તંત્રી કે. આર. મલકાનીને સરકારની પૂર્વમંજૂરી પછી જ કોમી બાબતો અને પાકિસ્તાન અંગે લખાણો અને કાર્ટૂનો છાપવાનું ફરમાન કરવામાં આવ્યું. મલકાની, જેઓ પછીથી ઈન્દિરાની કટોકટી દરમિયાન સહુથી પહેલાં ધરપકડ થવાનો રેકોર્ડ ધરાવતા હતા એમણે આ હુકમથી છંછેડાઇને વધારે ઉગ્રતાથી વિરોધનું રણશિંગું ફૂંક્યું.
એવો જ કિસ્સો ડાબેરી વિચારધારા ધરાવતાં સાપ્તાહિક મેગેઝિન Cross Roads ના યુવાન તંત્રી રમેશ થાપરનો હતો.
મદ્રાસ પ્રાંતમાં ૨૦૦ સામ્યવાદીઓને જેલમાં નાખ્યા હતા, તેઓએ રાજકીય કેદી ગણવાની માગણી સાથે જેલમાં વિરોધ આંદોલન શરૂ કર્યું. પોલીસદળે એમના પર દબાણનો ઉપયોગ કરતાં મારામારી શરૂ થઈ, શક્તિશાળી રાજ્યની સામે નાફરમાનીથી ઉશ્કેરાઇને પોલીસે ૨૦૦ જેટલા ગુનેગારોને એક હૉલમાં પૂરી દઈને એમના પર ગોળીબાર કર્યો, જેમાં બાવીસ લોકોનું ઠંડા કલેજે મોત નિપજાવ્યું, ૧૦૭ ઘાયલ થયા. સામ્યવાદી પક્ષ વારંવાર કહેતો હતો કે અંગ્રેજોના હાથમાંથી કોંગ્રેસના હાથમાં સત્તાંતરણ થાય એનો અર્થ લોકોની સ્વતંત્રતા નથી થતો. મદ્રાસ સરકારનું નિષ્ઠુર વલણ આ વાતની પુષ્ટિ કરતું હતું. અન્ય કેદીઓ ભૂખહડતાળ પર ઊતરી ગયા. સરદાર પટેલે મદ્રાસ સરકારને ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો. નહેરુએ સરદારને લખેલ પત્રમાં સરકાર વિરુદ્ધ વધતી જતી લાગણી માટે ચિંતા વ્યક્ત કરી.
આ બનાવોથી ક્રોસ રોડ્સના તંત્રી રમેશ થાપર વ્યથિત અને ક્રોધિત થઈ ગયા અને એમના અખબારમાં મદ્રાસ સરકારની આવી સખ્તાઈનો ઉધડો લેતા લેખો છપાયા. વધતા જતા સરકારવિરોધી જુવાળથી ચિંતિત સરકારે એ અખબારના સર્ક્યુલેશન અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યા. અખબારે ઉગ્ર વિરોધ કર્યો. આ રમેશ થાપર નહેરુના દૂરના સંબંધી જનરલ પી. એન. થાપરના ભત્રીજા થાય. પત્રકાર વર્તુળમાં એમના સારા સંપર્કો હતાં. ૧૯૬૦ અને ૧૯૭૦નાં દશકોમાં થાપર કૂણા પડી ગયા હતા અને કોંગ્રેસી સત્તાની નજીક આવ્યા હતા તેમ જ સત્તાના ઘણા લાભકારી સ્થાન પણ મળ્યાં હતાં. ૧૯૫૦માં એ ઉગ્ર વિચારધારા ધરાવતા સામ્યવાદી હતા.
સામ્યવાદી પક્ષના મજબૂત ટેકા સાથે સરકારના સામર્થ્યનો મુકાબલો કરવા માટે એમણે બંધારણનો સહારો લીધો. પ્રતિબંધને પડકારવા માટે ભંડોળ ઉભું કરવા અપીલ કરી અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી. રસપ્રદ વાત એ છે કે મજદૂર યુનિયન સામે પોલીસની કાર્યવાહીની નિંદા કરવા માટે મુંબઈમાં પણ ક્રોસ રોડ્સ પર પ્રતિબંધ મુકાયો. એ વાંધાજનક લેખની હેડલાઇન રજાઓમાં મુંબઈની મુલાકાતે આવેલી કોલેજીયન યુવતી- રમેશની બહેન રોમિલા થાપર – એ લખેલી. આગળ જતાં હિન્દુસ્તાનના સહુથી પ્રતિષ્ઠિત ઇતિહાસકારોમાં રોમિલા થાપરની ગણના થઈ. રોમિલા થાપરે અદાલતમાં પિટિશન દાખલ કરી. થોડા દિવસોમાં ઓર્ગેનાઈઝરના તંત્રી મલકાની અને મુદ્રક પણ સુપ્રીમ કોર્ટમાં ગયા. બે વિરોધી ધ્રુવ સમાન લડાઈમાં જોડાયા. આ બધી રસપ્રદ ઘટનાઓ એક સાથે બની રહી હતી. ભવિષ્યના અગ્રણી સામ્યવાદી નેતા સોમનાથ ચેટરજીના પિતા, હિન્દુ મહાસભાનાં ભૂતપૂર્વ પ્રમુખ એન. સી. ચેટર્જી ઓર્ગેનાઈઝરના પક્ષે લડતા હતા. હિન્દુ રાષ્ટ્રવાદી ચળવળની અંદર પણ રહેલી ઉદારમતવાદી વિચારધારાનું આ ઉદાહરણ હતું. એનું બીજું જ્વલંત ઉદાહરણ સંસદની ઉગ્ર ચર્ચાઓમાં સંસદ ના શ્રેષ્ઠ વક્તા શ્યામાપ્રસાદ મુખરજી પૂરું પાડવાના હતા.
ઓર્ગેનાઈઝર અને ક્રોસ રોડ્સના કેસમાં સરકારની હાર થઈ.
જમીનદારી નાબૂદ કરવાનું વચન કોંગ્રેસની કાર્યસૂચિમાં અગ્રતા ધરાવતી બાબત હતી. ઉત્તર પ્રદેશ અને બિહારના કોંગ્રેસી નેતાઓ એમના કાર્યક્રમને સત્વર અમલમાં મૂકવા માગતા હતા અને એ માટેના એમના પ્રયત્નોમાં વિરોધને કારણે થતી રુકાવટથી અધીરા બની રહ્યા હતા. ચરણસિંહ જનમતનો ટેકો મેળવવા મથી રહ્યા હતા. પરંતુ, ઉત્તર પ્રદેશમાં જમીનદારી નાબૂદી કાનૂન પર કાર્યવાહી કરવા સરકાર પર અલ્લાહાબાદ હાઈકોર્ટે રોક લગાવી દીધી. બિહાર કોંગ્રેસ તો ભોંઠપ અને પ્રતિશોધની ભાવનાથી કોઈ પણ પ્રકારના સમાધાનના મૂડમાં ન હતી. સ્ટેટ મેનેજમેંટ ઓફ એસ્ટેટ્સ એન્ડ ટેન્યોર્સ એક્ટને અદાલત દ્વારા ગેરકાનૂની ઠરાવવામાં આવ્યો એ કારણે તેઓમાં રોષની લાગણી ફેલાઈ હતી.
મધ્યપ્રદેશમાં બીડી ઉત્પાદન પર નિયમો લાદવાના કાયદાને અદાલતે રદ કરી દીધો.
ભવિષ્યના ડી. એમ. કે.ના પુરોગામી પક્ષ જસ્ટિસ પાર્ટીની દૃષ્ટિએ નોકરી અને શિક્ષણમાં બ્રાહ્મણ જ્ઞાતિનું વધારે પડતું પ્રતિનિધિત્વ હતું, એ ટાળવા માટે અનામતનો કાયદો બનાવવામાં આવ્યો. એ મુજબ દર ત્રીસ બેઠકોમાંથી છ કેટેગરીમાં આ મુજબ બેઠક ફાળવવામાં આવી:
બિન – બ્રાહ્મણ હિન્દુ – ૫, મુસ્લિમ – ૨, ઍન્ગ્લો ઇન્ડિયન – ૨, ભારતીય ખ્રિસ્તી – ૨, બ્રાહ્મણ – ૧, અન્ય દલિત વર્ગો – ૧.
આમ વિદ્યાલયોમાં અને સરકારી ખાતાંઓમાં બેઠકની વ્યવસ્થા ચુસ્ત રીતે અમલી બનાવાઇ. આ હુકમ કોમી આદેશ તરીકે જાણીતો બન્યો. કોમી આદેશ ન હોય તો પરિસ્થિતિ કેવી હોય એ જાણવું રસપ્રદ છે. સામાન્ય સંજોગોમાં, આ આદેશ વગર બેઠકો આ મુજબ ફાળવવામાં આવી હોત:
૨૪૯ બ્રાહ્મણ, ૧૧૨ બિન બ્રાહ્મણ, ૨૨ ખ્રિસ્તી, ૩ મુસ્લિમ અને ૦ હરિજન.
આ સ્થિતિ ટાળવા માટે કોમ અને વર્ગનો આધાર લેવો જરૂરી હતો એવી દલીલ રાજ્ય તરફથી કરવામાં આવી.
“દક્ષિણ ભારતના અગ્રણી કોંગ્રેસી નેતાઓએ જસ્ટિસ પાર્ટીની સંપૂર્ણ રીતે કોમવાદી નીતિનો ઉગ્ર વિરોધ કર્યો હતો પણ જ્યારે કોંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો ત્યારે આ પગલાંઓને કાનૂની રૂપ આપવામાં આવ્યું, એટલું જ નહીં, એની સામેના વિરોધને કચડી નાંખવામાં આવ્યો,” એવો આક્રોશ સામાન્યજન તરફથી વ્યક્ત કરવામાં આવ્યો.
મદ્રાસ હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે ચુકાદો આપતાં જણાવ્યું કે ધર્મ, વંશ અને જ્ઞાતિના આધારને પ્રવેશના ધોરણ તરીકે અપનાવવું એ ભેદભાવ બંધારણની કલમ ૧૫(૧) અને ૨૯(૨)નું ઉલ્લંઘન છે. કોઈ ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે નાગરિકના સ્વાતંત્ર્યને કચડી નાંખવું એ સામાજિક ન્યાય છે? આવા lynch spirit ને રાજ્યની નીતિ દ્વારા પ્રોત્સાહન અને માન્યતા આપવાની છે?
અદાલતે આ આદેશને તોડી પાડ્યો અને જણાવ્યું કે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો સ્પષ્ટ રીતે જ મૂળભૂત અધિકારોથી ગૌણ સ્થાન ધરાવે છે અને એ હક્કો માટેના બંધારણના ભાગ ૩ નાં પ્રાવધાનોએ પ્રતિબંધિત કરેલ બાબતને ભાગ ૪ ના માર્ગદર્શક સિદ્ધાંતોના પાછલા બારણેથી પ્રવેશ ન આપી શકાય.
મદ્રાસ કોંગ્રેસના નેતાઓએ ભારત સરકારને દરમ્યાનગીરી કરવાની અને ચુકાદાને ઉલ્ટાવવાની માગણી કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે મદ્રાસ કોંગ્રેસ ઈચ્છે છે, એવો ઉકેલ તો કેવળ બંધારણીય સુધારાથી જ લાવી શકાય જે બંધારણના વર્તમાન લોકશાહી અને સેક્યુલર ચરિત્રનો નાશ કરશે; એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈ કોર્ટનો ચુકાદો કાયમ રાખવામાં આવે તો પણ કોઈ હેતુ સરશે નહીં.
દરમ્યાનમાં, ઉત્તર પ્રદેશમાં જમીનદારી નાબૂદીનું બિલ ધામધૂમથી તાળીઓના ગડગડાટ સાથે પાસ થઈ ગયું. આ આનંદ અલ્પજીવી હતો. બન્ને પક્ષ બિહાર અને મદ્રાસના કાનૂની લડાઈના બનાવોનો ઓછાયો ઝળૂંબી રહ્યો હતો, એનાથી વાકેફ હતા. સરકાર અને જમીનદારો પોતાની તલવારોની ધાર કાઢી રહ્યા હતા.
આ કેસ ચાલી રહ્યા હતા ત્યારે અદાલતની બહાર મૂળભૂત અધિકારો પ્રત્યેનો સરકારનો અણગમો અને સાંસ્થાનિક યુગના પ્રતિબંધક કાયદાના ઉપયોગ સામે ચિંતા વધતી જતી હતી. ખુદ વડાપ્રધાનની માન્યતાઓ પર પણ વિરોધ ઉઠવા લાગ્યા. જયપ્રકાશ નારાયણે વડા પ્રધાન સરમુખત્યારની ભાષા બોલતા હોવાનો આક્ષેપ મૂક્યો. મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમ. સી. ચાગલાએ કહ્યું કે બંધારણ સર્વોચ્ચ છે, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો કોઈ પણ ધારો ગેરકાયદેસર છે અને ન્યાયાધીશો જ બંધારણનું આખરી અર્થઘટન કરી શકે છે.
નહેરુની ટીકા કરનાર અનેક લેખકો અને કવિઓ હતા, જેમને જેલમાં નાખવામાં આવ્યા. આવા આપખુદી વલણના ભોગ બનનારાઓમાં એક હતા મજરૂહ સુલતાનપુરી. નહેરુને હિટલર અને મુસોલિની સાથે સરખાવીને એમણે લખ્યું :
ये भी कोई हिटलर का है चेला
मार ले साथी जाने न पाए!
कॉमनवेल्थ का दास है नेहरु
मार ले साथी जाने न पाए।અન્ય કેટલાક સામ્યવાદીઓની જેમ મજરુહને પણ ૧૯૫૧માં હવાલાતની હવા ખાવી પડી.
૧૨ મે ૧૯૫૧ ની સવારે બરાબર ૯:૩૧ કલાકે લાંબા સમયથી ચાલતી ચર્ચાને અધવચ્ચે અટકાવીને નહેરુએ કોંસ્ટીટ્યુશન (ફર્સ્ટ એમેન્ડમેન્ટ) બિલ સંસદમાં પ્રસ્તુત કર્યું. સરકારે શું કરવા માગે છે એની અધિકૃત માહિતી આપી જ નહોતી. બિહાર મુસ્લિમ લીગના સભ્યો મૂંઝવણની સ્થિતિમાં જ ઉભા થઈને બોલ્યા, ” શું સુધારવાનું છે? શું સુધારવાનું છે?” બીજા ઉકળી ઉઠેલા કેટલાક સભ્યો એમને ટેકો આપતા ઊભા થઈ ગયા. આશ્ચર્યચકિત થઈ ગયેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકરે તરત કહ્યું, ” આપણે અત્યારના તબક્કે એ વાત ન ઉઠાવીએ, બિલ અભ્યાસ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.”
સંસદમાં નાના અને વિખરાયેલા પરંતુ મુખરિત અને જુસ્સાદાર વિરોધ પક્ષે નાગરિક સ્વાતંત્ર્યની રક્ષાનો પડકાર ઉઠાવી લીધો. આઝાદીની ચળવળના તેમ જ મૂળ બંધારણીય સભાના દિગ્ગજો શ્યામાપ્રસાદ મુખરજી, આચાર્ય જીવતરામ ભગવતરામ કૃપલાણી, એચ. વી. કામથ, નઝીરુદ્દીન અહમદ અને હૃદયનાથ કુંઝરુએ ખરડો રજૂ થયો ત્યારે ચર્ચામાં તેનાં ચિથરા ઉડાડી દીધાં અને સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા. છંછેડાયેલા નહેરુએ તેઓને ” અહીં, ભરબજારમાં, દેશમાં, દરેક જગ્યાએ અને કોઈ પણ સ્તરે લડાઈ” માટે પડકાર ફેંકયો. તીખા વાદવિવાદમાં નહેરુએ મુખરજી પર જૂઠાબોલા હોવાનો આક્ષેપ કર્યો, મુખરજીએ નહેરુને સરમુખત્યાર કહ્યા. ચર્ચાની ઉગ્રતામાં આકરાં ભાષણો કરવામાં આવ્યાં જેને એક અખબારે સંસદની ગરિમાના સહુથી નિમ્ન સ્તરના ગણાવ્યાં.
પ્રેસ અને પ્રજાને તો સંસદમાં રજૂઆત થઈ ત્યારે બિલની પ્રથમ ઝાંખી મળી હતી. તેની વીજળીક અસરથી વિરોધ એકદમ ઉત્તેજિત બની ગયો. ભગતસિંહનો લાહોર કાવતરાં કેસમાં બચાવ કરનારા, ભારતના સહુથી સન્માનનીય ધારાશાસ્ત્રીઓમાંના એક, પી. એન. મહેતાએ સ્વતંત્રતા પરના આ આક્રમણને મારી હઠાવવા હાકલ કરી. પરિણામે કાનૂની વર્તુળોમાં હલચલ મચી ગઇ. દિલ્હીમાં એન. સી. ચેટરજી (ભાવિ સામ્યવાદી નેતા સોમનાથ ચેટરજીના પિતા) અને ગોપીનાથ કુંઝરુ (હૃદયનાથ કુંઝરુના ભાઈ) ની નેતાગીરી હેઠળ પચાસથી વધુ વકીલોએ તેમના સાથી વકીલો અને દેશભરના બાર એસોસિયેશનોને મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવાની દરખાસ્તનો વિરોધ કરવાની અપીલ કરી.
૧૬મી મે ૧૯૫૧ના રોજ વડા પ્રધાન નહેરુએ પોતાની નેતાગીરી નીચે મુખરજી, કુંઝરુ, પ્રો. કે. ટી. શાહ ( તેજ બુદ્ધિ ધરાવતા, રાજેન્દ્રપ્રસાદ સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડનારા એકલવીર કચ્છીમાડુ), રાજગોપાલાચારી અને બી. આર. આંબેડકર સહિત એકવીસ સભ્યોની સિલેક્ટ કમિટીને ચર્ચાવિચારણા કરવા માટે બિલ મોકલવાનો ઠરાવ પ્રસ્તુત કર્યો અને બિલની તરફેણમાં દલીલો કરી.
નેહરુના દીર્ઘ, કંઇક અંશે અસંબદ્ધ ભાષણના ઉત્તરમાં અપાયેલું મુકરજીનું વક્તવ્ય ધારદાર અને જોરદાર હતું.
૧૯૬૦ના દશકના ઉત્તરાર્ધમાં કોંગ્રેસના સંસદ સભ્ય જોઆકીમ આલ્વાએ ઇન્ડિયન એક્સપ્રેસના સેન્ટર પેજ પર છપાયેલા લેખ Life in The Day of Parliament માં સંસદના અતિ પ્રવૃત્ત અને પ્રસિદ્ધ સભ્યો વિષે લખતાં જણાવ્યું હતું કે ” સંસદમાં વકતૃત્વકલા શ્યામાપ્રસાદ મુખરજીના અવસાન સાથે જ મૃત્યુ પામી.” આવા સમર્થ વક્તાની વકતૃત્વશક્તિ નહેરુને પ્રત્યુત્તર આપતી વખતે સોળે કળાએ ખીલી ઉઠી. નહેરુએ ભારતના લોકો સામે પડકાર ફેંકયો છે. નહેરુના દાવાઓનું તેઓ સ્વસ્થતાથી ખંડન કરતા ગયા.
બિલની અસાધારણ અને અત્યંત વાંધાજનક જોગવાઈ હેઠળ ગેરબંધારણીય કાયદાઓને અદાલતી પડકારોથી સુરક્ષિત રાખવા માટે નવમું શેડ્યુલ બનાવવામાં આવ્યું. આ શેડયુલમાં ઉલ્લેખિત કાયદાઓ બંધારણની કોઈ જોગવાઇઓનો ભંગ કરતા હોય તો પણ તે અધિકૃત અને અસરકારક રહેશે, એટલે કે ગમે તેવો ખરડો પસાર કરવામાં આવે તે કાયદો જ ગણાશે. શ્યામાપ્રસાદ મુખરજીએ પૂછ્યું ” તો પછી તમારે બંધારણ શા માટે જોઈએ છે? મૂળભૂત અધિકારો શા માટે જોઈએ છે? તમારી સમક્ષ અત્યારે પડેલા કાયદાઓની જ વિચારણા હોય તે હું સમજી શકું છું. પણ તમે કહો છો કે ભવિષ્યમાં આ વિષયો પર કાયદો પસાર થશે, એને પણ માન્ય ગણવામાં આવશે. આનાથી વધારે વિચિત્ર અને હાસ્યાસ્પદ કંઈ હોય શકે?” તમે બંધારણને કાગળના ટુકડાની જેમ ગણો છો. તમે અનંતકાળ સુધી કદાચ ચાલુ રહેશો, આવતી પેઢી અને હજી ન જન્મેલી પેઢી સુધી રહેશો, પરંતુ બીજો કોઈ પક્ષ સત્તા પર આવશે તો? તમે કઈ પ્રથા-પરંપરા સ્થાપિત કરી રહ્યા છો? લોકોના સ્વાતંત્ર્ય પર થતા દબાણ સામે અડગ ઊભા રહેવા અને પ્રતિકાર કરવા માટે અનુરોધ કરતાં એમનાં અદભુત વક્તવ્યના અંતે હૃદયને સ્પર્શી જાય એવા શબ્દોમાં કહ્યું,” લુપ્ત થયેલી સ્વતંત્રતા માટે સહુથી દુઃખદ એપીટાફ (સ્મૃતિલેખ) એમ લખી શકાશે કે એ સ્વતંત્રતાના માલિકો સમયસર તેને બચાવવા માટે હાથ લંબાવવામાં નિષ્ફળ જવાના કારણે તેને ગુમાવી.”
શ્યામા પ્રસાદના અસ્ખલિત, જુસ્સાદાર વકતૃત્વને સાર્વત્રિક -કોંગ્રેસી સભ્યો સહિત- આવકાર મળ્યો. એમના પછીના વક્તા (ભવિષ્યના સ્વતંત્ર પક્ષના નેતા) એન. જી. રંગાએ શ્યામાપ્રસાદના વક્તવ્યની પ્રશંસા કરતાં એમને બ્રિટિશ સંસદના ધુરંધર વક્તા એડમન્ડ બર્ક સાથે સરખાવ્યા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ મુખરજીના ભાવપૂર્ણ તર્કને નહેરુની લાગણીઓ કરતાં ચડિયાતો ગણાવ્યો.
કેટલાક કોંગ્રેસી સભ્યોના બિલને ટેકો આપતાં ભાષણો વચ્ચે વિરોધીઓના અને વિદ્રોહી કોંગ્રેસીઓ એચ.વી. કામથ, દેશબંધુ ગુપ્તા અને શ્યામનંદન સહાયના આક્રમણે નહેરુની દલીલોને નબળી પડી દીધી. કુંઝરુએ જાહેર કર્યું કે કલમ ૧૯ અને ૩૧ માં સુધારો નહોતો થઈ રહ્યો, એને અસરકારક રીતે રદ કરવામાં આવી રહી હતી. એચ. વી. કામઠે કહ્યું, ” સુધારાની જરૂર બંધારણને નહીં પણ સરકારની નીતિઓને હતી.”.
૧૯૪૭થી અપ્રમાણસર અને નિરંકુશ સત્તા ભોગવનારા – બંધારણીય ઇતિહાસકાર હર્ષન કુમારસિંઘમ જેને “મહાજનોનું જૂથ” (cluster of notables) કહે છે, એવા- પોતાનું સ્થાન સહેલાઈથી જતું કરવાના ન હતા.
(નોંધ: notables નો એક અર્થ વિશિષ્ટ છે, એ પણ અહીં લાગુ પડી શકે. રાજા અમુક પદની નિમણૂંકની પદ્ધતિ નક્કી કરવા માટે ઉચ્ચસ્થાને બેઠેલા ઉમરાવ અને રાજ્યના અધિકારીઓની સભા બોલાવે તેઓને notables અથવા Assembly of Notables કહેવામાં આવતા.)
કૃપલાણીના શબ્દો યાદગાર હતા: આ તબક્કે બોલવું નિરર્થક છે. સરકાર પાસે મજબૂત બહુમતી છે, જે પ્રસ્તાવ આવશે તે પસાર થઈ જશે. વ્યક્તિપૂજાના આરોપ અંગે એમણે કહ્યું, મને ખાતરી છે કે આ idol worship નો સહુથી વધુ ફાયદો મેળવનાર આપણા વડાપ્રધાન અને કોંગ્રેસ છે.
એ સમયે વિરોધપક્ષે કોંગ્રેસ માટે વાપરેલા શબ્દો અત્યારે કોંગ્રેસ સત્તાધારી પક્ષ સામે વાપરે છે એ વિધિની વક્રતા છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને છીનવી લેવાની વ્યવસ્થા બંધારણમાં સુધારા વડે જેઓએ કરી હતી, તેઓ આજે ફરિયાદી બની ગયા છે. આવાં તો ઘણાં ઉદાહરણો આ ઘટનામાં જોવા મળશે. સરકારના સમર્થનમાં સી. રાજગોપાલાચારી, જેઓ પછીથી સ્વતંત્ર પક્ષના નેજા હેઠળ સ્વતંત્રતા માટે અને સરકારી અધિકારક્ષેત્રના વધતા જતા વિસ્તારની વિરુદ્ધ લડવાના હતા – અને આંબેડકર જેવા નેતાઓએ સરકારના સમર્થનમાં સામાન્ય બુદ્ધિ ન સ્વીકારે એવી દલીલો કરી. આવા નેતાઓમાં ઘણા પ્રખ્યાત નામ છે. ત્રિપુરદમને એવા લોકો માટે યોગ્ય રીતે કરણ થાપર સાથેના ટીવી ઇન્ટરવ્યૂમાં “માટીપગા” શબ્દ વાપર્યો છે.
વિરોધના વંટોળને ખાળવા અસમર્થ નહેરુએ કાયદાપ્રધાન બી. આર. આંબેડકરને આગળ ધર્યા. અઢી કલાક સુધી આંબેડકરે બચાવમાં રજૂઆત કરી. નવમું શેડ્યુલ જેના માધ્યમથી ઉમેરવામાં આવ્યું હતું, એ કલમ ૩૧ B જેવી વાંધાજનક વ્યવસ્થા વડે ખરાબ અને સંભવતઃ બિનબંધારણીય કાયદાઓને રક્ષણ આપવા સામે સવાલ ઉઠાવ્યા.
સમાપન-વક્તવ્યમાં નહેરુએ માર્ગદર્શક સિદ્ધાંતોનો હવાલો આપ્યો.
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સંસદની અંદર અને બહાર ફૂંકાતા વિરોધના વંટોળ પર નજર રાખી રહ્યા હતા. નહેરુને સમજાવવાના એક આખરી પ્રયાસ રૂપે એમણે એક નોંધ મોકલી. એમાં તેઓએ સારી પ્રણાલિકાઓ (conventions) સ્થાપીને ઉદાહરણ દ્વારા દોરવણી આપવાની ડહાપણભરી સલાહ આપી. બંધારણીય સુધારા દ્વારા ન્યાયતંત્રના ચુકાદાઓને ઉલ્ટાવવાના પ્રયાસ સામે ચેતવણીનો સૂર ઉચ્ચારતાં તેમણે જણાવ્યું કે એનાથી ધારાસભા અને ન્યાયતંત્રના અલગ કાર્યક્ષેત્રને લગતા પાયાના પ્રશ્નો ખડા થશે.
જંગી બહુમતીથી ખરડો સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યો. ઘર્ષણમાં વધુ તનાવ ઊભી કરતી ઘટના હતી, કોંગ્રેસમાંથી આચાર્ય કૃપલાણીનું રાજીનામું. સરકાર સામે યુદ્ધની ઘોષણા કરતાં તેમણે બધાં વિરોધી બળોને એકજૂટ કરવાનો ઉદ્દેશ પણ જણાવ્યો. નહેરુના પ્રધાનમંડળમાંથી ત્રણ પ્રધાનોએ રાજીનામું આપ્યું: શ્યામાપ્રસાદ મુખરજી, કે. સી. નિયોગી અને નાણા પ્રધાન જ્હૉન મથાઈ. આમ નહેરું બધી બાજુએ વિરોધથી ઘેરાઈ ગયા હતા.
સિલેક્ટ કમિટીને મોકલાયેલો ખરડો ૧૮ પાનાના રિપોર્ટ સાથે આવી ગયો. કમિટીના પાંચ વિરોધી સભ્યોએ રિપોર્ટમાં પોતાની અસંમતિ નોંધાવી હતી. શ્યામાપ્રસાદ મુખરજીએ ધારદાર દલીલ રજૂ કરતાં કહ્યું કે બંધારણમાં ફેરફાર કરવાની આવશ્યકતા સાબિત કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવામાં આવી નથી; પ્રવર્તમાન અંકુશો જ પૂરતા કરતાં વધારે પ્રતિબંધક છે એટલે કોઈ નવાં નિયંત્રણો ન મૂકવાં જોઈએ.
હૃદયનાથ કુંઝરુએ પ્રશ્ન કર્યો કે વિશ્વયુદ્ધ સમયે સમાચારની પ્રિ-સેન્સરશિપ જેવાં નિયંત્રણો મુકાયાં હતાં, તેનો શાંતિના સમય દરમ્યાન અંગ્રેજી શાસનમાં પણ ઉપયોગ નહોતો થયો, તો સ્વતંત્ર ભારતમાં કોંગ્રેસી સરકારને શા માટે એની છૂટ આપવી જોઈએ?
અનામતના મુદ્દામાં “સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત” સિવાયના આર્થિક પછાતના ઉલ્લેખો દૂર કરી નાખવામાં આવ્યા, અતિશય વિવાદાસ્પદ નવમા શેડ્યુલ જેવા મુદ્દા પર દુર્લક્ષ કરવામાં આવ્યું અને સરકારી ખરડાને કમિટીની બહુમતીએ મંજૂરી આપી દીધી.
કડવાશભરી અને ઉગ્ર ચર્ચા તરફેણમાં ૨૨૮ મત, ૨૦ વિરુદ્ધમાં અને મતદાનથી દૂર રહેલ ૫૦થી વધારેની સંખ્યા સાથે આખરે બિલ પાસ થયું. એ આંકડા વિવાદની ઉગ્રતાને અસ્પષ્ટ બનાવે છે. તોફાન ઊભું થયું એટલી જ ઝડપે શમી ગયું. આ કારણે એની ગંભીરતા ઢંકાઈ ગઈ, પણ કોઈ એનાથી છેતરાયા નહીં.
આ એક રીતે બંધારણના ભાગ ૩ નું પુનઃઘડતર હતું. મૂળભૂત અધિકારોની મૂળ જોગવાઈઓને અસરકારક રીતે નષ્ટ કરવામાં આવી. બંધારણને તદ્દન સામાન્ય રીતે, સરળતાથી સુધારવાની મિસાલ બેસાડવામાં આવી. ન્યાયતંત્રના પુનરવલોકન (judicial review)ને બાજુએ મૂકી દેવાની તંત્રવ્યવસ્થા ઊભી કરવામાં આવી. ઇન્ડિયન પિનલ કોડના સેક્શન ૧૨૪A ના sedition (રાજદ્રોહ) જેવા કાયદા પુનર્જિવિત કરવામાં આવ્યા. પૂરા માહિતગાર ન હોય એવા લોકો ઘણી વાર આ કાયદાને સંસ્થાનવાદી ભૂતકાળના અવશેષ તરીકે ગણાવે છે, પણ હકીકત એથી વિરુદ્ધ છે. આવા બધા પ્રતિગામી કાયદાઓના મૂળ બંધારણના પ્રથમ સુધારામાં રહેલાં છે. એ ત્રિપુરદમનના મતે સિડિશનનો કાયદો “સંસ્થાનવાદી અવશેષ તો નથી જ, બલ્કે, નહેરુવાદી રાજ્યસત્તાના રાજકીય વિકલ્પોને દબાવી દેવાના નિર્ધારનું પરિણામ છે, નહેરુવાદનો એક મહત્વનો ભાગ છે”. એમનાં નિરીક્ષણ પ્રમાણે “નવા ભારતના વિઝનમાં નહેરુની રાજકીય કારકિર્દીનાં મૂળ હતાં. નહેરુનું સંકુલ અને એટલું જ વિરોધાભાસી વ્યક્તિત્વ એમના રાજકારણ પર ભારે પ્રભાવ પાડતું હતું.”
આ બધું ચૂંટાયેલી નહીં, એવી કામચલાઉ સંસદ દ્વારા પાર પાડવામાં આવ્યું એ પણ એને સંમતિ આપનારાઓ માટે અસાધારણ શરમની વાત છે.
આ સુધારા સામેની લડત એ ભારતીય ઉદારમતવાદી પ્રથમ લડત હતી. જેમાં પરસ્પર વિરુદ્ધ દિશાના મત ધરાવતા મહાનુભાવો સંગઠિત થયા હતા. એ પણ અદભુત ઘટના હતી. એ આગેવાનોમાં શ્યામાપ્રસાદ મુખરજી અને એમ. આર. જયકર જેવા હિન્દુ રાષ્ટ્રવાદીઓ, આચાર્ય કૃપલાણી જેવા ગાંધીવાદીઓ, શિબ્બનલાલ સક્સેના અને જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદીઓ, એચ. વી. કામઠ, શ્યામનંદન સહાય અને કે. કે. ભટ્ટાચાર્ય જેવા સંનિષ્ઠ કોંગ્રેસી બળવાખોરો, પ્રાણનાથ મહેતા અને એમ. સી. ચાગલા જેવા ધારાશાસ્ત્રીઓ, પ્રેસનાં સંગઠનો, તંત્રીઓ, વકીલો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થતો હતો.
જે કોંગ્રેસી સભ્યો સુધારાનો વિરોધ કરતા હતા, એમાંથી બહુ થોડા ડીવીઝનનો બેલ વાગ્યા પછી વિરોધમાં ઊભા રહ્યા. આવું થવાનું મુખ્ય કારણ સંસદસભ્યો પર તોળાઈ રહેલી ચૂંટણીની ડેમોકલિસની તલવારનું હતું. બીજું કારણ એ પણ હતું કે સ્વાતંત્ર્યને દેશના સ્વાતંત્ર્ય તરીકે જોવાતું હતું, વ્યક્તિસ્વાતંત્ર્ય અને ઉદારમતવાદી લોકશાહીની પૂરતી સમજ ન હતી.
દુર્ભાગ્યે પોતાનું ધાર્યું કરવાના અને આપખુદશાહીના નહેરુના વલણનો સામનો કરી શકે અથવા એને નિયંત્રિત કરી શકે એવા એક માત્ર શક્તિશાળી નેતા સરદાર પટેલ ૧૫ મી ડિસેમ્બરે અવસાન પામ્યા. સરદારે જ નહેરુને શ્યામાપ્રસાદ પર ઉશ્કેરણી સાથે બગાવત ઉશ્કેરણીનો (sedition) આરોપ મૂકવાના પગલાં લેતાં અટકાવ્યા હતા.
સરદારે બંધારણ સુધારવાના વિચારનો વિરોધ કર્યો હોત, કે નહેરુ જે હદે એ પગલાં લેવા વિચારતા હતા, એને હળવાં બનાવ્યાં હોત? એ વિષય હવે કેવળ ધારણાનો જ રહ્યો છે. ત્રિપુરદમનના અભિપ્રાય પ્રમાણે નહેરુના આવેગોને ઘણી વાર સરદારે નિયંત્રિત કર્યા હતા. તો એટલા જ પ્રસંગોએ એમને અનુસરવાનું પસંદ કર્યું હતું. એમ છતાં તેઓ ફર્ક જરૂર પાડી શક્યા હોત. એમની ગેરહાજરીથી નહેરુનો માર્ગ પ્રમાણમાં સરળ બની ગયો.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના રાજનીતિશાસ્ત્રના અધ્યાપિકા નિવેદિતા મેનનના મંતવ્ય પ્રમાણે પ્રથમ સુધારાની બીજી અસર એ હતી કે તેણે ભારતીય બંધારણમાં વ્યક્તિનું મહત્ત્વ ઘટાડ્યું.
બંધારણવિદ ઉપેન્દ્ર બક્ષી પ્રથમ સુધારા પછીના બંધારણને બીજું બંધારણ અથવા નહેરુવીયન બંધારણ કહે છે.
આ બનાવોની સ્મૃતિ ઝાંખી થતી જાય છે, તો પણ વર્તમાન રાજકારણ, કાયદા અને જાહેર ચર્ચામાં એની પ્રસ્તુતતા વધતી જાય છે. બધી સરકારો દબાણ અને દમનકારી કાયદાઓ બનાવવા માટે તૈયાર જ હોય છે, એથી પ્રથમ સુધારા દ્વારા એવા કાયદાઓ માટે કેવી રીતે બંધારણીય આધાર ઊભો કરવામાં આવ્યો હતો એ સમજવું વધુ જરૂરી બનતું જાય છે. આ બાબતની પુષ્ટિ ૨૦૧૮માં નાણામંત્રી અને ધારાશાસ્ત્રી અરુણ જેટલીએ એવો ઇશારો કર્યો હતો કે તેઓનું માનવું છે કે પ્રથમ સુધારો આપણા કાયદાશાસ્ત્રના ઉદ્વિકાસમાં વિરોધાભાસ છે અને પડકારી શકાય તેમ છે.
નહેરુએ બંધારણમાં જે ધરખમ ફેરફાર કર્યા, એને વર્તમાન સંદર્ભ સાથે જુઓ. કાશ્મીરને લગતી કલમ ૩૭૦ વર્તમાન સરકારે નાબૂદ કરી ત્યારે કોંગ્રેસપક્ષે એ પગલાને વખોડી કાઢ્યું હતું, પણ નહેરુએ બંધારણના હૃદય અને આત્મા સમાન મૂળભૂત અધિકારોની વ્યવસ્થાને તોડીફોડીને પોતાની જરૂરત પ્રમાણેનું સ્વરૂપ આપ્યું હતું. બન્ને વડાપ્રધાનોએ ‘હાથચાલાકી’ કરી હતી, એવું કરણ થાપર સાથે વાત કરતાં ત્રિપુરદમને સ્વીકાર્યું. તેમણે એમ પણ કહ્યું કે નહેરુવીયનવાદ બીજું જે હોય તે પણ ઉદારમતવાદ તો નથી જ. રાષ્ટ્રપતિનું પદ સત્તા વગરનું જણાતું હોવા છતાં વડાપ્રધાને એમની સાથે સલાહ-સૂચન માટે અને અણધારી કટોકટી સમયે બંધારણ મુજબ એ મહત્વનું હતું પરંતુ નહેરુને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ કોઈ મુદ્દા પર પ્રશ્ન ઉઠાવે એ બિલકુલ પસંદ ન હતું. એમનાથી ભિન્ન વિચારને તેઓ સહન નહોતા કરી શકતા.
આ સમગ્ર ઇતિહાસના પ્રકરણનું મુખ્ય પાત્ર નહેરુ હતા. એમનો વારસો મિશ્ર વસ્તુઓનો છે. સંસદમાં નિયમિત હાજરી, સલાહસૂચન, એ બધા ગુણોની સામે એમનું ગુમાન, પોતાનું ધાર્યું કરવા માટે આપખુદ પણ બને, એ તેમની નબળાઈઓ હતી. તેમનું વ્યક્તિત્વ આત્યંતિક વિરોધાભાસોનાં મિશ્રણ જેવું હતું.
સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની નજીકના વર્ષોમાં નહેરુ કેટલીક બાબતોમાં પોતાનો મત હઠપૂર્વક પકડી રાખતા. મહમદઅલી જીન્ના નહેરુના ગુણો વગર કેવળ હઠાગ્રહી હતા. નહેરુની અને જિન્નાની ખાસિયતોએ ઉપખંડના ઇતિહાસ પર કાયમી અસરો છોડી. લોર્ડ વેવેલ પણ ઉપખંડના ઘણા લોકોની જેમ વિચારે છે અને એમની ડાયરીમાં લખે છે, “નહેરુ અને જિન્ના સિવાયના કોઇએ આખો મામલો (ભાગલાનો અને સંલગ્ન બાબતોનો) સંભાળ્યો હોત તો બધી વસ્તુઓ કેટલી જુદી જ હોત!”
પુસ્તકનાં ચોથા કવર પર આપેલાં ત્રણ ઉદ્ધરણો પુસ્તકને મૂલવવા કે સમજવા માટે વાંચવા જેવાં છે. ભા.જ.પ.ના ભૂતપૂર્વ સાંસદ અને અંગ્રેજીમાં સુંદર પ્રવાહી શૈલીમાં નિયમિત લેખો લખનારા સ્વપન દાસગુપ્તા સરસ વિધાન કરે છે: “સ્વતંત્રતાના પ્રારંભિક વર્ષોનું સુષ્ઠુ ચિત્રણ અને રાજકારણની ભદ્દી વાસ્તવિકતા વચ્ચેની ખાઈની વિગતોનો આ પુસ્તકમાં ત્રિપુરદમન સિંહે રસાળ દસ્તાવેજ રજૂ કર્યો છે. આ પુનર્લેખન કે સુધારણાવાદી ઇતિહાસ નથી. પરંતુ, બંધારણીયમૂલ્યો અને રાજકીય અગ્રતાઓ વચ્ચેના પ્રથમ તનાવોની સ્પષ્ટ તસવીર છે. નહેરુ વિલન તરીકે નહીં, પણ દૃઢ વાસ્તવવાદી તરીકે બહાર આવે છે.”
**************
અનુસંધાન
ભારતીય બંધારણના ઇતિહાસના આ સહુથી મહત્ત્વના પ્રકરણ સાથે સંકળાયેલા અને તેની યાદને સંકોરનારા બે ચકચારી કેસ ભવિષ્યમાં ઊભા થવાના હતા. એમાંનો એક હતો ગોલકનાથ કેસ (૧૯૬૭) અને બીજો હતો કેશવાનંદ ભારતી કેસ (૧૯૭૩). આપણે તેની વધારે વિગતથી ચાતરીને મુખ્ય અને સંબંધિત મુદ્દાઓની કેવળ પરિચય પૂરતી માહિતી જોઈએ.
ગોલકનાથ કેસમાં ચીફ જસ્ટિસ સુબ્બારાવે તેનું મહત્ત્વ સમજીને અગિયાર ન્યાયાધીશોની બેન્ચ બનાવી.
આ પહેલાના બે કેસ – શંકરી પ્રસાદ અને સજ્જન સિંહમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે સંસદને બંધારણ સુધારવાની અમર્યાદ સત્તા છે. આવા ચુકાદાથી કેટલીક હાસ્યાસ્પદતાની હદને સ્પર્શતી વિચિત્ર અને અસ્વીકાર્ય પરિસ્થિતિઓ ઊભી થવાની સંભાવનાઓ નરી આંખે દેખાઈ આવતી હતી. એક સ્થિતિ એવી પણ શક્ય હતી કે કોઈ સામાન્ય કાયદો કેવળ એક મૂળભૂત અધિકારની વિરુદ્ધ જતો હોય તો એ બિનબંધારણીય ઠરે પણ કોઈ સુધારો તમામ મૂળભૂત હક્કોને રદ કરી નાખે તો એ સ્વીકાર્ય બનતું હતું!
બહુમતીએ ઠરાવ્યું કે સુધારો કરવાની સત્તા તેના પરના પ્રગટ કે ગર્ભિત મર્યાદાઓની ઉપરવટ જવાની શક્તિ નહીં આપે અને સંસદ ભાગ ૩ (મૂળભૂત અધિકારો)માં સુધારો નહીં કરી શકે. શંકરીપ્રસાદના તથા સજ્જનસિંહના કેસની વિરુદ્ધના છેડે લોલક ફરી ગયું. એક જ વખતના ઉપયોગ માટે અને કૃષિવિષયક સુધારાઓ માટે જ ઉભું કરેલું નવમું શેડયુલ ખોટી રીતે અને વારંવાર વપરાયું હતું. કદાચ જસ્ટિસ સુબ્બારાવ વધુ પડતા આગળ વધી ગયા હતા પણ એમના માટે કોઈ રસ્તો પણ રહ્યો નહોતો. જૂના કેસમાં આ ચુકાદાને લાગુ પાડવાથી ભારે ઊથલપાથલ અને અંધાધૂંધી થઈ જતો, ઘડિયાળને પાછું ફેરવવાનું શક્ય નહોતું, એ બાબતને ધ્યાનમાં લઈને અદાલતે અમેરિકન બંધારણના ‘prospective overruling ‘ નો બંધારણીય સિદ્ધાંત અપનાવ્યો.
દુર્ભાગ્યે આ બહુમતી નિર્ણય સંસદને સાવ જ સત્તાહીન બનાઈ દેતો હતો. પરિણામે આ ચુકાદાની વ્યાપક રીતે ટીકા કરવામાં આવી. છ વર્ષ પછી કેશવાનંદ ભારતીના ઐતિહાસિક કેસના ચુકાદામાં તમામ તેર જજોની સર્વાનુમતિથી ગોલકનાથ કેસને ઓવરરૂલ કરવામાં આવ્યો.
૧૯૭૩માં અત્યંત મહત્વનો, નાટ્યાત્મક, સુદીર્ઘ દલીલો અને વિશાળ ક્ષેત્રને આવરી લેતો કેસ કેશવાનંદ ભારતી વિ. કેરાલા રાજ્યનો કેસ આવ્યો જે સર્વોચ્ચ અદાલતની તવારીખમાં સહુથી મોટી – ચીફ જસ્ટિસ સિક્રી સહિત ૧૩ જજોની બેન્ચ સમક્ષ રજૂ થયો. આ કેસના ચુકાદાએ, ત્રિપુરદમનના શબ્દોમાં, ભારતીય ગણતંત્રનું ભવિષ્ય બદલાવી નાખ્યું.
નોંધપાત્ર વાત તો એ છે કે કાલ્પનિક વાર્તા કરતાં પણ વધુ વિચિત્ર વિધિના વળાંકની એક ઘટના બની. જસ્ટિસ ખન્ના સંસદના દાવાને અત્યાર સુધી સમર્થન આપતા હતા એમણે છેલ્લી ઘડીએ એવું ઠરાવ્યું કે સંસદની બંધારણ સુધારવાની સત્તામાં બંધારણનું મૂળભૂત માળખું ( basic structure) કે આવશ્યક લાક્ષણિકતાઓ (essential features) માં ફેરફાર કરવાની સત્તાનો સમાવેશ નહીં થાય. ભવિષ્યના બનાવો બતાવી આપવાના હતા કે જસ્ટિસ ખન્ના ના નિર્ણયે ભારતની લોકશાહીને ઉગારી લીધી.
મૂળભૂત અધિકારોના કેસ તરીકે વધુ જાણીતા આ કેસમાં પાલખીવાલાની ભૂમિકા યાદગાર બની ગઈ. એકદમ સાંકડી બહુમતી ૭:૬ થી સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે સંસદની સુધારા કરવાની સત્તા અમર્યાદ નથી અને એ સત્તા બંધારણના માળખાને કે અનિવાર્ય રીતે આવશ્યક લાક્ષણિકતાઓને સુધારવા માટે નહિ ઉપયોગમાં લઈ શકાય. આ ચુકાદાથી સુપ્રીમ કોર્ટે નહેરુ દ્વારા ન્યાયતંત્રની છીનવી લેવાયેલી સત્તાઓમાંથી ઘણી પાછી મેળવી લીધી.
આ કેસની સુનાવણી સહુથી મોટી બેન્ચ સમક્ષ અને સહુથી લાંબા સમય, ૬૮ દિવસ સુધી ચાલી. આ કેસ સાથે સંકળાયેલ વ્યક્તિવિશેષ – જજો, સમર્થ ધારાશાસ્ત્રીઓ વિશેની અને બીજી ઘટનાઓની વાત બહુ રસપ્રદ હોઈ ભવિષ્યમાં ક્યારેક વાત કરશું.
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે
-
સ્મરણ શહાદતના સંગમતીર્થનું અમન, એખલાસ, ઇન્સાફનું
તવારીખની તેજછાયા
પ્રકાશ ન. શાહ
પહેલી જુલાઈએ ગુજરાતના જાહેર જીવનની અનન્ય ને અનેરી કર્મબાંધવી, વસંત-રજબની બલિદાની સ્મૃતિ દિલને દરવાજે દસ્તક દેતી ગઈ. ૧૯૪૬6ની કોમી હુતાશનમાં એમણે પવિત્ર શ્રીફળની પેઠે હોમાવું પસંદ કર્યું હતું. એમના પંચોતેરમા સ્મૃતિપર્વે જમાલપુર ખાંડની શેરીના સ્મારક પર યાત્રાભાવે હાજરી ભરનારાઓમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પણ હતા; કેમ કે ૧૯૪૬ની પહેલી જુલાઈએ રથયાત્રાનું પર્વ પણ હતું.

વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી ઓળખવા જેવાં છે આ બે પાત્રો. વસંતરાવ હેગિષ્ટે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર, પેઢીઓથી અમદાવાદ-ગુજરાતમાં સ્થાયી થયેલો. એમની જાગુષ્ટેની પુસ્તકદુકાન જૂની ને જાણીતી. વસંતરાવ સેવાદળના કાર્યકર. એ તો ૧૯૪૬માં ગયા પણ હેગિષ્ટે પરિવારની હાજરી આપણા જાહેર જીવનમાં અન્યથા પણ ચાલુ રહી, એમનાં બહેન હેમલતા જ્યોતિસંઘમાં આગળ પડતાં હતાં. રજબઅલી વયમાં નાના. લીંબડીમાં રહેતો પરિવાર ને કરાચીમાં ભણતર. વળી સૌરાષ્ટ્રમાં આવવાનું થયું અને અવનવા સંપર્કો થયા.
‘સમય’ખ્યાત ભાનુભાઈ શુક્લે સંભાર્યું છે કે ભાવનગર કોલેજની એમની હોસ્ટેલ રૂમમાં એક વાર ટકોરા મારીને કોઈ છાત્રે પ્રવેશ કર્યો. એ રજબભાઈ હતા, બારણા પર રૂસી ક્રાંન્તિની (સામ્યવાદની) યાદી રૂપ હથોડી ને દાતરડું ચિતરાયેલાં જોઈને! નવા વિચારોનો પરિચય કેળવવો એ રજબઅલીનું સહજ વલણ હતું. જોકે એ ઠર્યા હતા ગાંધીવિચારમાં. ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટના ઘરે જે જુવાનિયા પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા લેવા એકત્ર થયા તેમાંના એ એક હતા.
વસંતરાવ રાષ્ટ્રીય ચળવળ ને કંઈક સાવરકરી ખેંચાણ છતાં ગાંધીવિચારમાં ઠર્યા હતા. સેવાદળની કામગીરી, વ્યાયામ પ્રવૃત્તિ, જયન્તિ દલાલ જેવા બૌદ્ધિક સ્વાતંત્ર્યસૈનિકો સાથે ગતિ-રેખા પ્રકારની પ્રવૃત્તિમાં પણ સક્રિય સહભાગિતા. પછાત વિસ્તારમાં નીરુ દેસાઈ સાથે મળીને રાત્રિવર્ગો ચલાવતા. બંને મિત્રો, દેશમાં બગડતા માહોલ વચ્ચે ફૈઝપુર કોંગ્રેસે મુસ્લિમ વ્યાપક સંપર્કનો જે કાર્યક્રમ લીધો એના ઉત્કટ સમર્થક હતા.
વસંતરાવના જેલસાથી મગનભાઈ પ્ર. દેસાઈએ નોંધ્યું છે કે જેલના પઠાણ સાથી સાથે વસંતરાવનો ખાસો ઘરોબો હતો. હેમલતાબહેને લખ્યું છે કે અમે ભાઈને મળવા જેલ પર ગયા તો હતાં કુટુંબના સભ્ય તરીકે, પણ એક મુસ્લિમ ભાઈ પણ જોડાઈ ગયા ને જેલરે રોક્યા તો કહ્યું કે હું એમનો મુલાજિમ (નોકર) છું, ને દાખલ થઈ ગયા! વસંતરાવ બૌદ્ધિક ક્ષમતાપૂર્વક પણ કર્મઠ કાર્યરુઝાનનો જીવ. રજબઅલી કામમાં પડે, ઉપાડે; પણ બૌદ્ધિક પ્રતિભા અનન્ય. સૌરાષ્ટ્રના એમના મિત્રોને હતું કે જવાહરલાલ નેહરુએ જેમ લોહિયા, જયપ્રકાશ જેવાને કોંગ્રેસની વડી કચેરીમાં નોંતર્યા ને તેઓ ઝળકી ઊઠ્યા તેમ રજબભાઈએ પણ રાષ્ટ્રીય સ્તરે જવું જોઈએ. ગમે તેમ પણ, બબલભાઈ અને બીજાઓએ સૂચવ્યું ને રજબઅલી અમદાવાદ આવીને રહ્યા- ને એમના ને વસંતરાવનાં દિનરાત એક બની રહ્યાં.
પણ મને લાગે છે કે રજબભાઈએ જે પુસ્તકો જેલવાસમાં અનુવાદ સારુ પસંદ કર્યાં હતાં એની થોડીક વાત એમના પ્રતિભાદર્શન સારુ જરૂર કરવી જોઈએ. આ ત્રણ પુસ્તકો તે ‘એલોન’, ‘કોમ્યુનલ ટ્રાયેન્ગલ’ અને ‘પાવર ઓફ નોન-વાયોલન્સ.’ ‘એલોન’ (‘એકાંતનું સામ્રાજ્ય’) એ દક્ષિણ ધ્રુવના એકલવીર પ્રવાસીની અદ્્ભુત સાહસકથા છે. અનુવાદની પ્રસ્તાવનામાં એમણે ગુજરાતના જુવાનો આવાં સાહસ-સંસ્કાર દ્વારા બળવાન, વીર્યવાન ને શૂરવીર બને એવી ઝંખના પ્રગટ કરી છે. દેખીતી રીતે જ ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ ત્યારે જડી રહે એવું આ પુસ્તક હતું. તો, અશોક મહેતા અને અચ્યુત પટવર્ધન કૃત ‘કોમ્યુનલ ટ્રાયેન્ગલ’ (‘હિંદનો કોમી ત્રિકોણ’) એ સ્વરાજ સારુ થનગનતી ને પાંખ વીંઝતી તરુણાઈ સામેનું વાસ્તવચિત્ર હતું. ‘પાવર ઓફ નોન-વાયોલેન્સ’નો અનુવાદ એમણે સ્વયંસેવી હૈયાઉલટથી હાથ ધર્યો. એમાંથી એમની વૈચારિક પ્રતિબદ્ધતાનો એક સંકેત અવશ્ય મળે છે. માત્ર, ‘નવજીવન’ તરફથી તે સ્વતંત્રપણે બહાર પડવામાં હતો એવું જાણતાં અડધેથી પડતો મૂકેલો.
૧૯૪૬ની પહેલી જુલાઈનું તંતોતંત ચિત્ર અહીં નહીં આપતાં એટલું જ કહીશું કે હિંદુઓ વચ્ચેથી મુસ્લિમને અને મુસ્લિમો વચ્ચેથી હિંદુને બચાવતાં, શાંતિ માટે સમજાવતાં ને હુમલો કરવો હોય તો પહેલો અમારા પર કરો એમ આડશ ધરતા બેઉએ એક તબક્કે જીવ ખોયો, કહો કે જીવી જાણ્યું. બેઉનાં લોહી જ્યાં એકમેકમાં ભળી ગયાં તે સંગમતીર્થે આજે સ્મારક ઊભું છે. ગોમતીપુરના ચારવાટ કબ્રસ્તાનમાં રજબઅલીની મજાર હવે સોજ્જી સાફસફાઈ ને રાખરખાવટ સાથે જીવતી થઈ છે અને શહાદત દિને સૌ યાત્રાભાવે જેમ સ્મારક પર તેમ ત્યાં પણ જતા થયા છે.
સેવાદળનું પ્રતિવર્ષ સ્મારકે જવું અલબત્ત જારી હતું. પણ વરસોનાં વા’ણાં વાયાં તેમ એમાં સ્વાભાવિક જ મંદતા આવી. એવામાં ૧૯૯૨-૯૩થી કાર્યરત સેક્યુલર લોકશાહી આંદોલને એ પ્રણાલિકા જીવંત ને બલવતી કરી. યાત્રાભાવ સાથે વ્યાપક નાગરિક અર્થમાં રાજકીય સંકલ્પ જોડ્યો અને આ શહાદતને વ્યાખ્યાયિત કરી, અમન-એખલાસ-ઈન્સાફ રૂપે. શાંતિ ખરી પણ ન્યાયમંડિત. અહીંથી જ ૨૦૦૨માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના હેવાલને પગલે ન્યાયિક પ્રક્રિયા વાસ્તે સહીઝુંબેશ પણ શરૂ થઈ.
સ્વરાજના એક વરસ અને એક મહિના આગમચ ઘટેલ આ ઘટના કોઈ ક્ષણાવેશી વીરમૃત્યુની નથી. જેમને આર્થિક-સામાજિક રસકસે ભરી સમાનતા ને સ્વતંત્રતાની આઝાદ જુગલબંદી ખપતી હતી એમણે નવી ને ન્યાયી દુનિયા માટે નિમંત્રેલ કુરબાનીની આ કથા છે. જયન્તિ દલાલ અને ઈન્દ્રવદન ઠાકોરે એકત્ર કરેલી આરંભિક સામગ્રીમાં ઝવેરચંદ મેઘાણીએ સ્વીકારેલી સંપાદકીય જવાબદારી સાથે મૂલ્યવાન ઉમેરાપૂર્વક એક સમૃદ્ધ સ્મૃતિગ્રંથ સુલભ થયો છે તે આપણી સમજ ને સંવેદનાને સંકોરતો રહે છે.
વસંત-રજબને
વીરા તેં તો રંગ રાખ્યો :
પ્રથમ વખત તેં મુક્તિનો સ્વાદ ચાખ્યો;
‘બી ના! બી ના!’ પુકારી
નિજ બંધુજનને ભવ્ય પેગામ ભાખ્યો.‘તેં સાધ્યું કાંઈયે ના!’
કહી કદી અધીરો આપશે ક્રૂર મેણું;
કે’જે પ્રત્યુત્તરે કે
‘અભય બની પ્રજા:’ લૈશ હું સર્વ લેણું.– ઝવેરચંદ મેઘાણી
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૮-૬-૨૦૨૩ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કંટકવનનાં ફૂલ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ફાગણ મહીનાની સાંજ અને એ ગુલાબી ઠંડી. સવારથી પોતાના ચણની શોધમાં નીકળેલાં પંખીઓનું ટોળું લયબદ્ધ રીતે પોતાના માળા તરફ પાછું ફરી રહ્યું હતું. ઘેરાયેલાં વાદળોથી ઓથેથી રેલાઈ આવતાં સૂર્યકિરણોની લાલિમા ઓછી થવા માંડી હતી. પશ્ચિમ દિશામાં રંગોનો આ ઉત્સવ હું જોઈ રહી હતી અને અચાનક નોકરે આવીને કહ્યું કે બહાર કોઈ વૃદ્ધ સજ્જન મને મળવા માટે આવ્યા છે.
હજુ તો કવિતાની પ્રથમ કડી લખાઈ હતી. મન થોડું ખાટું થઈ ગયું. મારા કામથી વધીને, અન્ય બીજું કઈ કામ હોઈ શકે ભલા? પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલા મૂર્તિ ખંડિત થઈ હોય એવા ભાવથી મન ખિન્ન થઈ ગયું. કવિ હોવાનો મદ મન પર છવાયેલો હતો. સારું થયું કે સાથે માણસ છું, એ યાદ આવ્યું અને એ વૃદ્ધને મળવા બહાર આવી. અનપેક્ષિત આગંતુકને જોઈને હું સ્તબ્ધ બની ગઈ. નાનપણમાં કોઈ ચિત્રકારે બનાવેલું કણ્વ ઋષિનું ચિત્ર જાણે સજીવ બનીને મારી સામે ઊભું હતું. સફેદ દૂધ જેવા વાળ અને એવી જ સફેદ પૂણી જેવી દાઢી ધરાવતા એ ચહેરા પર સમયના થપેડા ચઢી ચૂક્યા હતા. ક્યારેક સતેજ લાગતી આંખો એવી લાગતી હતી કે, કોઈએ ચમકતા દર્પણ પર ફૂંકથી એને ધૂંધળો ના બનાવી દીધો હોય? ધૂળથી ખરડાયેલાં પગ, ઘસાઈ ગયેલી ચંપલ, પરસેવા અને મેલથી કાળી પડી ગયેલી ખાદીની ટોપી જોઈને મેં કહી દીધું, “ હું તમને ઓળખતી નથી.”
અનુભવથી મલિન પણ આંસુઓથી ઉજળી, એમની દૃષ્ટિ પળવાર મારી સામે મંડાઈ. પછી જાણે વ્યથાના ભાર કે લજ્જાના ભારથી એ ઝૂકી ગઈ.
ક્લાંત પણ શાંત કંઠે એ બોલ્યા, “બારણે આવીને ઊભેલા માંગવાવાળાનો શું પરિચય હોઈ શકે? મારી પૌત્રી એક વાર તમને મળવા અતિ વ્યાકુળ છે. આજે સાહસ એકત્રિત કરીને આવ્યો છું. એને મળવાનું સ્વીકારશો? કષ્ટ આપવા બદલ માફી માંગું છું. બહાર ટાંગાવાળો ઊભો છે.”
આશ્ચર્યથી હું એ વૃદ્ધને તાકી રહી. સૌ જાણે છે કે હું ક્યાંય આવતી-જતી નથી.
“કેમ એ આવી શકે એમ નથી ?”
એમની બીમાર અને હતભાગી પૌત્રીએ આઠ વર્ષની ઉંમરે માતા-પિતા ગુમાવી બેઠી અને અગિયાર વર્ષે વિધવા થઈ હતી. એવું એ બોલ્યા પછી હવે, વધુ તર્ક-વિતર્કનો અવકાશ નહોતો. માની લીધું કે એમની પૌત્રી મરણાસન્ન હશે. હું કોઈ ડૉક્ટર કે વૈદ નહોતી તેમ છતાં એમના ચહેરા પરના ભાવ જોઈને હું જવા તૈયાર થઈ.
દુષિત પાણી ભરેલાં નાળાં, રોગના કીટાણું જેવા આમ તેમ ઘૂમતાં નાગાપૂગા છોકરાંઓથી ઊભરાતી સાંકડી ગલીઓ વટાવતાં અમે એમના ઘેર પહોંચ્યાં. ત્રણ સીડીઓ ચઢીને ઊપર ગયાં. સામે જ મેલી ફાટેલી ચટાઈ પર દીવાલના ટેકે બેઠેલી સ્ત્રીને જોઈ. જેના ખોળામાં એવાં જ મેલા કપડાંમાં લપેટાયેલા પિંડ જેવું કંઈક હતું.
“આવો.” એક ઉદાસ સ્વર સંભળાયો. એ આવકાર આપનારની મુખાકૃતિ આશ્ચર્યજનક રીતે એ વૃદ્ધ સાથે મળતી આવતી હતી. જાણે એ જ ચહેરો, ક્યારેક ચમકતી પણ આજે ધૂંધળી દેખાતી આંખો, એવા જ કાંપતા હોઠ. સૂકા વાળ અને મેલાં વસ્ત્રો.
“ઘણી મહેરબાની કરી આપે. ભગવાન જાણે છે કે છેલ્લા પાંચ મહિનાથી કેટલું કષ્ટ ઊઠાવી રહ્યાં છીએ. પણ આ છોકરીની જીદ તો તોબા. અનાથાલયમાં મૂકીને આવવા કે ક્યાંક પણ મૂકીને આવવાની વાત કરીએ તો અન્ન-જળનો ત્યાગ કરી દે છે. કેટલી વાર સમજાવ્યું કે ન જાન- ન પહેચાન અને આવી મુસીબતને ઘરમાં ક્યાં સુધી રાખવાની, પણ સાંભળે છે કોણ? હવે તો તમે સમજાવો તો ઉદ્ધાર થાય.” આટલી લાંબી-ચોડી પ્રસ્તાવનાથી હવે જરા વસ્તુસ્થિતિ મને સમજાવા માંડી.
સામાજિક વિરૂપતાનું નિરુપણ મેં અનેકવાર કર્યું છે, પણ જીવનની કઠોર ભીષણતાનો આજે પહેલી વાર પરિચય થયો. મારા સમાજ સુધારાવાદી દૃષ્ટિકોણને લક્ષ્યમાં રાખીને આ પરિવાર મારી પાસે કોઈ અપેક્ષા સેવી રહ્યો હતો. અનેકવાર સૌને કહ્યું છે કે, કીચડ ધોવા માટે કીચડ કામમાં ન આવે. એના માટે તો નિર્મળ જળ જ જોઈએ. પોતાની પાંખડીઓ પર પાણીનું બિંદુ પણ ન ટકવા દેતી કમળ જેવી સ્વચ્છતા જ એને કાદવમાં ખીલવાની શક્તિ આપે છે. પણ અહીં એવું કહેવાનો અર્થ નહોતો.
વૃદ્ધ મને ત્યાં જ મૂકીને ઓરડાની બીજી બાજુ બહાર છજામાં જઈને ઊભા, જ્યાંથી એમના થાકેલા તન અને તૂટેલા મનની ધૂંધળી છાયા દેખાતી હતી. આખું ચિત્ર કરુણ લાગતું હતું.
હવે મને મારી જાત પર શરમ આવતી હતી. પેલી સ્ત્રીના ખોળામાંના એ પિંડને જોવા શાલ ખસેડી. જાણે અંદર-બહાર પ્રલય મચ્યો હોય એવો શોર અનુભવી રહી. મલિન આવરણ નીચે કોમળ મુખ, પસીનાથી ચીકણાં કાળા ટૂંકા વાળ, અર્ધ મિંચાયેલી આંખો, લાલ કળી જેવા હોઠ પર જાણે કોઈ સુંદર સ્વપ્ન જોઈ રહ્યુ હોય એમ વિચિત્ર લાગતું સ્મિત. એના આવવાથી કેટલાંયના હૃદય દ્રવી ઊઠ્યાં હશે, કેટલાંયની સૂની આંખોમાં પૂર આવ્યું હશે, એનું આ અવાંછિત અતિથિને જ્ઞાન હશે ખરું? એના આગમનથી કોઈની દૃષ્ટિમાં એના માતા પ્રત્યે આદર નહીં રહ્યો હોય. એના સ્વાગતમાં મેવા-મીઠાઈ નહીં વહેંચાયા હોય કે નહીં વધાઈના ઉમંગભર્યા ગીતો ગવાયા હોય. કોઈએ એનું નામકરણ કર્યું હશે કે કેમ? માત્ર એટલું જ નહીં, એના ફૂટેલા નસીબમાં વિધાતાએ પિતાનું નામ પણ નહીં લખ્યું હોય.
એને જન્મ આપવા સમાજના ક્રુર વ્યંગબાણથી બચવા ઘોર નરક જેવા અજ્ઞાતવાસમાં કેટલુંય એની મા પીડાઈ હશે. એવી માતાના દહેકતાં અંગારા જેવા શ્વાસોથી જાણે આ કોયલા જેવો બની ગયો હશે! આ કેવી રીતે જીવશે એની ચિંતા કોઈને હશે ખરી? પોતાના માથે હત્યાનું પાપ લીધા વગર જ એને જીવનથી મુક્તિ મળે એવું જ વિચારતાં હતાં આ લોકો. જ્યારે મારા મન પરનો વિષાદ અસહ્ય બની રહ્યો ત્યારે મેં એ બાલિકાને જોવાની ઇચ્છા પ્રગટ કરી. ઉત્તરમાં પેલી વિરક્ત જેવી સ્ત્રીએ પરસાળની બીજી તરફ એક અંધારી કોઠરી તરફ આંગળી ચીંધી.
અંદર ગઈ તો પહેલાં કશુંજ સ્પષ્ટ દેખાયું નહીં. કેવળ કપડાંની સરસરાહટથી ખાટલા પર કોઈ છે એવું સમજાયું. અંધારાથી આંખો ટેવાઈ. પાસે પડેલો દીવો સળગાવ્યો.
ખાટલા પર મેલી ચાદર, તેલના ધબ્બાવાળું ઓશીકું અને એક અત્યંત દયનીય ચહેરો દેખાયો. યાદ નહોતું અવતું કે આવી કરુણા બીજે ક્યાંય જોઈ હોય! જે દૃશ્ય નજર સામે હતું એનું ચિત્ર પણ રજૂ કરવું કપરું છે. એ માંડ અઢારે પહોંચી હશે એવું લાગ્યું. સૂકા હોઠ, શ્યામળો પણ પૂરતા પોષણના અભાવે પીળો લાગતો ચહેરો. એની આંખો જાણે તેલ વગર બળતો દીવો.
એની અસ્વાભાવિક લાગતી નિસ્તબ્ધતાથી એની માનસિક સ્થિતિનું અનુમાન કરી શકાતું હતું. અચાનક અકારણ મારા મનનો વિષાદ ક્રોધમાં પલટાવા માંડ્યો.
એના અકાળ વૈધવ્ય માટે એને દોષ ન દઈ શકાય. એની સાથે કોઈએ દગો કર્યો એની જવાબદારી પણ એની નથી. ફક્ત એના આત્માનો, એના હૃદયનો અંશ જે એની સામે હતો, એના જીવન-મરણનું ઉત્તરદાયીત્વ એનું હતું. કોઈ પુરુષે એનો સ્વીકાર નથી કર્યો એટલા માટે થઈને, જીવનના સત્યનો, આ બાળકનો એણે અસ્વીકાર કરવાનો?
સંસારમાં એને કોઈ કોઈ પરિચાત્મક વિશેષણ ન મળે પણ બાળકની માતા તરીકેની ગરિમા તો એ પામી જ શકે. આ લોકો એના કર્તવ્યના અસ્વીકારનો પ્રબંધ કરી રહ્યાં હતાં. માત્ર એટલા માટે કે એ સમાજમાં સતી વિધવાના સ્વાંગમાં પાછી ફરીને ગંગા-સ્નાન, વ્રત-ઉપવાસ, પૂજા-પાઠ કરી શકે. અથવા કોઈ વિધવાશ્રમમાં પશુની જેમ લિલામી પર ચઢીને ક્યારેક ઊંચી-નીચી બોલી પર વેચાય. અથવા ઝેરનું એક એક ટીપું પીને ધીમે ધીમે પ્રાણ આપે.
સ્ત્રી પોતાના બાળક સાથે જેટલી નિર્ભર છે એટલી બીજી કોઈ અવસ્થામાં ન હોઈ શકે. એ પોતાના સંતાનની રક્ષા માટે ઉગ્ર રણચંડી બને એવી ભૂમિકા બીજી કઈ હોઈ શકે? કદાચે આ લોપુપ સંસાર એનું આ કવચ છીનવી લેવા મથે ત્યારે કાશ એ પોતાના શિશુને ગોદમાં લઈને કહેવાની તાકાતથી કહી શકે કે, “ઓ હેવાનો, તમે મારું પત્નીત્વ, નારીત્વ છીનવી શકશો પણ મારું માતૃત્વ કોઈ સંજોગોમાં નહીં છીનવવા દઉં.” તો એમની સમસ્યા ઉકલી જાય.
જે સમાજ એમની વીરતા, સાહસ અને ત્યાગસભર માતૃત્વનો સ્વીકાર નથી કરી શકતો એ સ્ત્રીઓની કાયરતા કે દીનતાની પૂજા પણ નહીં કરે. યુગોથી પુરુષ સ્ત્રીને એની શક્તિ માટે નહીં, સહનશક્તિ માટે દંડ આપતો રહ્યો છે.
હું મારા ભાવાવેશમાં સ્થિર હતી ત્યારે એણે ખાટ પરથી ઊઠીને એના દુર્બળ હાથોથી મારા પગ પકડી લીધા. ચૂપચાપ વરસતી આંખોના અનુભવથી મારું મન પશ્ચાતાપથી વ્યાકુળ થઈ ઊઠ્યું.
એના અસ્ફૂટ સ્વર મારા સુધી પહોંચતા હતા. એ કહેતી હતી કે એનું સંતાન એ આપવા નથી માંગતી. એના દાદા રાજી ન હોય તો એના માટે પ્રબંધ કરવા મને વિનવી રહી હતી. દિવસમાં સૂકો રોટલો મળી જાય, મારા ઉતરેલા કપડાં મળી એનાથી વિશેષ કોઈ ખર્ચ પણ માંગતી નહોતી. એનું બાળક મોટું થાય ત્યારે જે કામ કહું, એ જીવનભર કરતી રહેશે એવો વિશ્વાસ આપતી હતી.
એ ફરી કોઈ અપરાધ ન કરે તો એને હું દીકરીની જેમ રાખુ કે મમતાભરી ઓથ આપું એટલું એ માંગતી હતી જેથી એના બાળક સાથે એ સુરક્ષિત રહી શકે. આવી યાચના કરતી સ્ત્રી એવું ક્યાં જાણતી હતી કે, પાનખરમાં ફૂલો નહીં મળે. પણ, સ્ત્રીને ક્યારેય કાદવની અછત નહીં રહે.
અને ૨૭ વર્ષની ઉંમરે મારે ૧૮ વર્ષની છોકરી અને ૨૨ દિવસના સંતાનનો સ્વીકાર કરવો જ પડ્યો.
પેલા વૃદ્ધને પોતાના કઠોર-નઠોર, સંવેદનાહીન સમાજમાં પાછા ફરવું હતું. ક્રુર સમાજ વ્યવસ્થાનો સ્વીકાર હતો, પણ માનવતાની માંગનો સ્વીકાર નહોતો.
આજે તો કોણ જાણે એ કયા અજ્ઞાત લોકમાં હશે. પણ મલયાનિલની જેમ આવ્યા અને મને એવા કંટક-વનમાં ખેંચી લાવ્યા અને બે ફૂલની ધરોહર સોંપી. જેનાથી મને સ્નેહની સુરભિ પ્રાપ્ત થઈ. એમાંથી એક ફૂલની ફરિયાદ છે કે મને એની ગાથા સાંભળવાનો અવકાશ નથી મળતો અને બીજા ફૂલની ફરિયાદ છે કે હું એને રાજકુમારની કથા નથી કહેતી.
મહાદેવી વર્મા લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ગજબ કર્યો, દીકરી !
વલીભાઈ મુસા
એ દિવસોમાં ઔદ્યોગિક નગરી મુંબઈમાં ગુજરાતીઓ અને મારવાડીઓની માલિકીની અનેક મિલો… કામદારોની પરિણામશૂન્ય ચાલેલી લાંબી હડતાલ…અસંખ્ય કામદારો બેકારી અને ભૂખમરાના ખપ્પરમાં… ઔનઅલી પણ એમાંના એક…દસદસ વર્ષો સુધી વિવિંગ વિભાગમાં બદલી કામદાર તરીકેની અસ્થાયી નોકરી… પછી તો કાયમી થયા…માંડ એક જ વર્ષ થયું હશે અને આ કાયમી આફત… એ તો સારું હતું કે બદલી કામદારો માટેની ખાસ ચાલીમાં એક રૂમ રસોડાવાળી તેમને ખોલી મળી હતી, જે કાયમી થયા પછી પણ તેમના હસ્તક જ રહી હતી. ઔદ્યોગિક અદાલતના ચુકાદા અનુસાર તેમનો ભોગવટાહક ચાલુ…આમ દીકરોદીકરી અને પતિપત્નીના એવા ચાર જણના એ નાનકડા પરિવારને રસ્તા ઉપર તો આવી જવું પડ્યું ન હતું, પણ રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો હતો.
ઔનઅલી અને મોહસીનાએ ઘરવખરી વેચીને થોડાક દિવસો ટૂંકા કર્યા…પણ, પછી છેવટે મુંબઈથી વીસેક કિલોમીટર દૂરના ઔદ્યોગિક શહેર ભિવંડીમાં એક પાવરલુમ ફેક્ટરીમાં કામ મળ્યું…આઠ કલાકની આખી પાળી…મહિનામાં દશેક દિવસ તો ચારચાર કલાકનું દોઢા પગારે ઓવરટાઈમ કામ પણ મળે…ફેક્ટરી એક્ટ પ્રમાણે પ્રોવિડન્ટ ફંડ કે અન્ય લાભો ન આપવા પડે એટલે શેઠિયાએ મૌખિક રીતે તો કાયમી નોકરીનું આશ્વાસન આપ્યું હતું, પણ તેમની નોકરી રોજમદાર તરીકેની જ … ઔનઅલી રોજેરોજ મળતો પગાર પત્ની મોહસીનાના હાથમાં આપી દે…ઓવરટાઈમનું મહેનતાણું નજીકની બેંકના બચત ખાતામાં… ભવિષ્યે ઘરનું ઘર મેળવવા માટેની લોનના ડાઉન પેમેન્ટ માટેની એ હતી આગોતરી યોજના..
ભિવંડી અને કલ્યાણ વચ્ચેની ટ્રેઈન અને કલ્યાણથી ઘર સુધીની બેસ્ટની સફર…રોજનું બેથી ત્રણ કલાકનું ટ્રાવેલીંગ…નિશાળમાં ભણતાં છોકરાંનું ખર્ચ અને કમરતોડ મોંઘવારીમાં પણ કરકસર કરીને મોહસીના થોડીક બચત પણ કરી લેતી, જે દીકરી નૂરુન્નિસાના રીકરીંગ બચત ખાતામાં ભરાય…. ભવિષ્યે તેની શાદી માટેનું આયોજન હતું…તો વળી નજીકના લેડીઝ ગારમેન્ટ સ્ટોરમાંની મોહસીનાની પાર્ટટાઈમ નોકરીનો આખેઆખો પગાર પણ દીકરા ખુરશીદના ખાતામાં ભરી દેવાય, જે હતી તેના ઉચ્ચ શિક્ષણ માટેની આગોતરી વ્યવસ્થા…કશ્મકશ અને મહેનતકશ જીવન જીવતા એ યુગલનો સંઘર્ષ *કાબિલેદાદ…ઓલાદ પણ ભણવામાં તેજસ્વી, મોડી રાત સુધી અભ્યાસ કરે અને *વાલદૈનને આશ્વસ્ત જોમ પૂરું પાડે. ચારેય જણ ધાર્મિક બાબતે પરહેજગાર…રાત્રે સૂવા પહેલાં દિવસભરની બાકી રહી ગએલી નમાજોની અદાયગી કરી લે…દુઆઓ માટે હાથ ફેલાવે…કાકલૂદીભર્યા સ્વરે પરવરદિગારનો શુક્રિયા અદા કરે…યથાશક્તિ ખૈરાતો પણ કરે…આમ મધ્યમવર્ગીય આ પરિવારના દિવસો સુખમય રીતે પસાર થઈ રહ્યા હતા…વળી પાછી *બારગાહે ઈલાહીમાંથી એક ઑર નયામત ઊતરી અને ઔનઅલીને કામદારોને મળતા બધા જ લાભો મળવા પણ શરૂ થઈ ગયા હતા.
આમ ને આમ દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં વીંટળાતા રહ્યા. ખુરશીદને મેડિકલમાં પ્રવેશ મળી ગયો હતો અને નૂરુન્નિસાએ તેનું ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું. ખુરશીદની સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજના ખર્ચાળ શિક્ષણને પહોંચી વળવામાં પેલા ‘ઘરનું ઘર’ના ખ્વાબને તેમણે ભૂલી જવું પડ્યું હતું અને નૂરુન્નિસાએ પણ કોમર્સમાં પોસ્ટગ્રેજ્યુએશનનો વિચાર પડતો મૂકીને બેંક કરતાં પણ સારી કામગીરી બજાવતી એક પ્રતિષ્ઠિત ‘એ’ ગ્રેડ ધરાવતી મહિલા શરાફી મંડળીમાં મેનેજર તરીકેની નોકરી સ્વીકારી લીધી હતી. પગારધોરણ રાષ્ટ્રીયકૃત બેંકો જેટલું જ હોઈ નવી કોઈ નોકરી મેળવવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. મંડળીની વાહન માટેની સ્ટાફધીરાણ યોજના હેઠળ શુન્ય વ્યાજદરે નૂરુન્નિસાએ સ્કુટી વસાવી લીધું હતું.
આ તો હતી જગતભરનાં મધ્યમવર્ગી કે ગરીબ માણસો દ્વારા થતા રહેતા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેના સંઘર્ષો જેવી જ આ ઔનઅલીના પરિવારની શારીરિક, પારિશ્રમિક કે આર્થિક સંઘર્ષકથા; પરંતુ હવે જે કથા શરૂ થવાની હતી તે તો હતી આદર્શોના સંઘર્ષની કથા, કુટુંબભાવનાની કથા, સમજદારીની કથા, નૈતિક મૂલ્યોની કથા, લગ્નસંસ્થાના પ્રશ્નોની કથા, ત્યાગની ભાવનાની કથા.
વર્ષ દરમિયાન માત્ર દિવાળીના તહેવારોમાં જ સતત બોતેર કલાક બંધ રહેતી એ પાવરલુમ ફેક્ટરીના ઔનઅલીના રજાના ત્રણ દિવસો હતા, ખુરશીદને કોલેજનું વેકેશન હતું, નૂરુન્નિસાને પણ રજાઓ હતી અને મોહસીનાએ તહેવારની ઘરાકી હોવા છતાં સ્ટોરમાલિકને વિનંતી કરીને ત્રણ દિવસની રજાઓ મેળવી લીધી હતી. આ ત્રણેય દિવસો માટેની પંચગીની અને મહાબળેશ્વર માટેની ફેમિલિ ટુરનું આયોજન થઈ ચૂક્યું હતું. આ ટુર કંઈ આમોદપ્રમોદ માટેની ન હતી, આ દિવસો દરમિયાન નૂરુન્નિસાના લગ્ન માટેની ચર્ચાઓ કરવાની હતી, તેને સમજાવવાની હતી, તેને સાંભળવાની હતી અને યોગ્ય ઉકેલ કાઢવાનો હતો. ત્રણેય દિવસો દરમિયાન સહેલગાહનાં સ્થળોની મુલાકાતો લેતાં રહીને વચ્ચેવચ્ચે ચર્ચાઓ પણ કરી લેવાની હતી. આ એવી ચર્ચાઓ રહેવાની હતી કે જેમાં કોઈનો ઊંચો અવાજ નહિ હોય, કકળાટ નહિ હોય, કાલાવાલા નહિ હોય કે કોઈના ઉપર કોઈનાય વિચારો લાદવાના પ્રયત્નો પણ નહિ હોય. મુક્ત મને અને નિખાલસતાભર્યા માહોલમાં થતી રહેનારી ચર્ચાઓનો અંતિમ નિષ્કર્ષ મેળવીને જ એ ટુરની સમાપ્તિ કરવાની હતી. પહેલા જ દિવસે પંચગીનીની એ હોટલમાં સાંજના ચારેક વાગ્યાના સમયે એ ચારેય જણ વચ્ચેના સંવાદો કંઈક આ પ્રમાણે રહ્યા હતા :
‘બેટા, ગુલામહુસેન ભાયાણી પરિવારમાંથી તેમના *ઇકલૌતા દીકરા અલીરઝા માટે તારા માગાની તને જાણ તો કરી જ દીધી છે; હવે આપણે તેમને શો જવાબ આપવો તે આપણે આ ત્રણ દિવસો દરમિયાન નક્કી કરી લેવાનું છે.’ મોહસીનાએ ચર્ચાની શરૂઆત કરી હતી.
‘જુઓ અમ્મા, પસંદગી કે નાપસંદગી પહેલાં હાલ શાદી માટેની મારી તૈયારી છે કે નહિ; તે તમારે જાણી લેવું જોઈએ.’ નૂરુન્નિસાએ આંખો ઢાળીને જવાબ આપ્યો.
‘હા બેટા, એ વાત તો પહેલી જ આવે અને પછી જ બીજું.’ ઔનઅલીએ કહ્યું.
‘તો સાંભળી લો કે હાલમાં તો મારી ના છે. ખુરશીદ જ્યાં સુધી મેડિકલનું ભણી ન રહે ત્યાં સુધી મને આગ્રહ ન કરો તો સારુ.’
‘દીદી, તું મારી નકામી ફિકર કરે છે. મેં તને કહ્યું ન હતું કે જરૂર પડશે તો આપણે બેન્કની ઓછા વ્યાજવાળી શૈક્ષણિક લોન લઈશું. વળી તું જાણે જ છે કે એકલું એમ.બી.બી.એસ. કરવાનો કોઈ મતલબ નથી. પી.જી. અને સ્પેશ્યાલ્ટી કોર્સ કરવા સુધીનો સમયગાળો પૂરાં દસ વર્ષનો ગણાય અને ત્યાં સુધીમાં તારી કેટલી ઉંમર થશે તેનો તેં વિચાર કર્યો છે ખરો ?’
‘તેથી શું ? વળી *વાલિદસાબ ગમે તેવા દુ:ખમાં પણ વ્યાજના ચક્કરમાં પડ્યા નથી, એ તો આપણે જાણીએ જ છીએ ને !’
‘નૂરુન, પેલી તારી ઉંમરની વાત કેમ ઊડાડી દે છે ? તું પૂરી એકત્રીસ વર્ષની થશે ! એ ઉંમરે સારો મુરતિયો ન જ મળી શકે અને પછી તો કેટલાં બધાં સમાધાન કરી લેવાં પડે ! બેટા, શાદીની પણ એક ઉંમર હોય છે.’
‘જો નૂરી, એક વાત તો આપણા ધ્યાન બહાર રહી જાય છે. આપણે એમ.બી.બી.એસ. સુધી જ ખર્ચની ચિંતા રહેશે. ઈન્ટર્નશિપમાં સ્ટાઈપન્ડ મળે અને પી.જી.માં પણ રેમ્યુનરેશન મળતું જ હોય છે ને !’ ખુરશીદે કહ્યું.
‘લે, તેં તો આપણી ચિંતાનાં પાંચ વર્ષ ઘટાડી આપ્યાં ! જુઓ મમ્મા, ભાઈને પાંચ વર્ષ પૂરાં કરવા દો, પછી વાત.’ નૂરુન્નિસાએ હોંશભેર કહી દીધું.
મોહસીનાએ ગળગળા સાદે કહ્યું, ‘જો બેટા, તું તો અમારો મોટો દીકરો છે; એટલે જ તો તું અમારી આટલી બધી ફિકર કરે છે ! પણ એક વાત આપણે સૌએ સમજવી પડશે કે અલીરઝા જેવો *અખલાકી દામાદ અને ગુલામહુસૈનભાઈ તથા કુબરાબહેન જેવાં નેક અને પરહેજગાર સગાં આપણને બીજે ક્યાંય નહિ મળે. એ લોકો આપણાં પાંચ કે દસ વર્ષો સુધી થોડાં રાહ જુએ !’
‘જુઓ અમ્મા, માની લો કે હું હાલમાં શાદી કરવા તૈયાર છું; પણ તમે કઈ રીતે ધારી લો કે હું તમારી જ પસંદગીને સ્વીકારી લઈશ ! અમારે મુલાકાત કરવી પડે, એકબીજાના વિચારો જાણી લેવા પડે અને પછી જ બધું નક્કી થાય ને ! વળી બ્લડ ટેસ્ટનું પરિણામ ઊંધું આવે તો !’
‘એ વળી શાનો ટેસ્ટ ? તારા અબુએ અને મેં તો એવા કોઈ ટેસ્ટ કરાવ્યા નથી અને છતાંય અમારો સંસાર તો નભી જ ગયો ને !’ મોહસીનાએ કહ્યું.
‘એ તો તમે નસીબદાર કે અમે બંને ભાઈબહેન જીવી ગયાં ! કેમ ડોક્ટર ખુરશીદ, હું શું કહેવા માગું છું તે સમજાય છે ?’
‘ઓ ભલી બહેના, હજુ તો મેડિકલમાં દશેક દિવસ જ ભણ્યો છું અને તું તો મારી પરીક્ષા પણ લેવા માંડી ! તું કોમર્સ ગ્રેજ્યુએટ હોવા છતાં મેડિકલનું આટલું બધું નોલેજ ધરાવે છે, તેની મને તો નવાઈ લાગે છે !’
‘અરે ગાંડા ભાઈ, આ બધું તો અખબારોમાં આવે જ છે. તું ભણતર સિવાયનું કંઈ વાંચતો જ નથી એટલે તને આ બધી ખબર ક્યાંથી હોય ? એ સમય આવશે એટલે તારે અને મારાં ભાવી ભાભીએ પણ ટેસ્ટ કરાવી લેવો પડશે. જો બંનેનો થેલેસેમિઆ માઈનર રિપોર્ટ આવે તો જે તે પાત્ર સાથેની શાદીની વાત ભૂલી જવી પડે ! કોઈ એકને માઈનર હોય તો ચાલે. બે માઈનર હોય તો ભાવી સંતાન થેલેસેમિઆ મેજરવાળું જન્મે અને તેનું આયુષ્ય બેત્રણ વર્ષથી વધારે ન હોય ! મારા કિસ્સામાં મારે માઈનર છે જ. અમારી કોલેજમાં બ્લડ ટેસ્ટનો ફ્રી કેમ્પ થયો હતો, એટલે કહું છું. હવે સામેવાળાનો ટેસ્ટ ફરજિયાત કરાવી જ લેવો પડે. જો મારે માઈનર ન હોત તો સામે કોઈ ટેસ્ટ કરાવવો જ ન પડત; કેમ કે પછી તો એ ગમે તે હોય, કોઈ ફરક પડે નહિ. ટૂંકમાં બંને માઈનર ભેગા થવા જોઈએ નહિ.’
‘ચાલો, આપણે એ *મસલિહતે ઈલાહી ઉપર છોડીએ અને મૂળ વાત ઉપર આવીએ.’ ઔનઅલી બોલ્યા.
‘અબ્બુ, તમે મારા ઉપર સાયકોલોજિ અજમાવો છો, હોં કે ! પરંતુ તમારા બધાંની કલ્પનામાં પણ નહિ હોય એવી મારી કેટલીક શરતો એ લોકો માન્ય રાખે તો જ વાત બનશે !’ નૂરુન્નિસાએ આંખો ઊલાળતાં કહ્યું.
મોહસીનાએ કહ્યું, ‘જો બેટા, શાદી પહેલાં આવી બધી શરતો આવે; તો એ તો વેપારધંધા જેવી વાત થઈ ગણાય. આવી શરતો કબૂલ કરવી કે કરાવવી એને પણ હું તો દહેજ જ ગણું છું અને આપણાથી દહેજ તો ન જ લેવાય ને !’
‘વાહ, મમ્મા વાહ ! દહેજની કેવી સૂક્ષ્મ વાત લાવ્યાં ! સાત જ ધોરણનું ભણતર ઝળક્યું ખરું !’ ખુરશીદે હળવી મજાક કરી.
‘હવે, તમે બેઉ માદીકરો એકબીજાંની મજાક રહેવા દો અને નૂરુનને સાંભળો; એ શું કહેવા માગે છે?’
‘પપ્પા, પહેલી વાત તો એ કે એ લોકોના બદલે તમે બીજે ક્યાંક શોધખોળ ન ચલાવી શકો ?’
‘લ્યો, કહેજો વાત ! તારે શરતો સંભળવવાની હતી અને આ તો તું આસામી જ બદલી દેવાની વાત કરે છે ! એવું કેમ, બેટા ? શું તું અમારી પસંદગી ઉપર શંકા કરે છે ? અમે તારાં વાલદૈન છીએ, દીકરા ! અમે કંઈ ઓલાદનું ભૂડું ઇચ્છીએ ખરાં ? અમે છોકરાની પસંદગી નથી કરી, એ લોકોએ આપણને પસંદ કર્યાં છે. શરઈ કાનૂન તો એવી ભલામણ કરે છે કે *મંગનીની માગણી વરપક્ષ તરફથી જ થાય ! એમાં જ કન્યાની શાન જળવાય છે અને તેનું અહિત થવાની કોઈ શક્યતા રહેતી નથી. ક્ન્યા મંગનીનો અસ્વીકાર કરી શકે છે અને એમાં છોકરાવાળાને કોઈ ફરક પડતો નથી, કેમ કે તેને બીજી છોકરી મળી રહેશે. પરંતુ છોકરી તરફની દરખાસ્ત મુકાય અને સામેવાળાં ના પાડે તો છોકરીને ઘણો ફરક પડતો હોય છે. એક જગ્યાએથી ના પડતાં બીજાં શંકાકુશંકાઓ કરીને દૂર ભાગતાં હોય છે. આપણે નસીબદાર છીએ કે છોકરા પક્ષેથી ખબર આવી છે. આપણે અલ્લાહનો શુક્રિયા અદા કરીએ અને તું રાજી હોય તો આપણે વાતને આગળ વધારીએ.’
‘તમે બધાં કહો છો અને હું પણ એ લોકો વિષે કેટલુંક જાણું છું કે એ લોકોનો પણ *કિરદાર ઘણો ઊંચો છે. મારા મનમાં એક જ બાબત ખટકે છે કે તેઓ આપણા કરતાં ખૂબ જ વધારે ધનિક છે. સગું તો બરાબરનું જ શોભે ને !’
‘આ તો તું નવી વાત લાવી ! ધનિક હોવું એ કંઈ ગેરલાયકાત બને છે ? હા, તારી વાત એટલી સાચી કે બેઈમાનીથી કે હરામ કમાણીએ કોઈ ધનવાન થયું હોય તો એની પાસે ગમે તેટલા રૂપિયા હોય તે કોઈ કામના નથી. તો તો પછી એવું પણ બને કે ખુરશીદ ડોક્ટર થઈને સુખી કે ધનવાન બને તો તારી વ્યાખ્યા મુજબ તેના માટે ગરીબ કન્યાઓનાં માબાપ માગું ન જ મોકલે ને ! માણસ અમીરી કે ગરીબીથી મોટો કે નાનો નથી બનતો; મોટો કે નાનો બનતો હોય છે તો *અખલાકથી, અલ્લાહની નજરમાં અને પરહેજગાર લોકોની નજરમાં પણ ! લે, હું હવે તને પૂછું કે તને આવો વિચાર કેમ આવ્યો ?’
નૂરુન્નિસાએ ગળગળા સાદે કહ્યું, ‘પપ્પા, આપણો-તમારો વિચાર કરીને જ તો ! આપણે એમના આગળ કેવાં વામણાં લાગીએ ?’
‘તું ભણેલીગણેલી અને મજહબમાં પાબંધ હોવા છતાં તારી આવી દલીલથી મને આશ્ચર્ય થાય છે. આપણે જાતે જ કેમ વામણાં બનીએ ? આપણને એ લોકો પસંદ કરે છે અને *ખુદાના ખાસ્તા વામણા કે ચઢિયાતા હોવાનું જો વિચારવાનું થાય તો એ વાત એ લોકોને લાગુ પડે, આપણને નહિ !’
‘માફી ચાહું છું અને શરમિંદગી પણ અનુભવું છું, મારી આ દલીલથી; પણ અબુ તમારે મારી એક વાતનું તો સમાધાન કરી આપવું પડશે.’
‘પૂછ દીકરા, જે પૂછવું હોય તે વિના સંકોચે પૂછી લે. અમે અમારા વિચારો તારા ઉપર લાદીશું નહિ અને તારી એક તો શું, તું પૂછશે એવી તારી બધી વાતોનું અમે સમાધાન કરી આપીશું.’
નૂરુન્નિસાથી પોક મુકાઈ ગઈ અને બોલી ઊઠી, ‘પપ્પા, તમે લોકો કશ્મકશભરી જિંદગી બસર કરતાં હો અને મારે ત્યાં સુખમાં મહાલવાનું !’
ઔનઅલીએ આંખોમાં ઝળહળિયાં સાથે નૂરુનના માથે હાથ પસવારતાં કહ્યું, “આ જ તો ઓરતના જીવનની ખૂબી છે, મારા દીકરા ! કહેવાય છે કે ’સ્ત્રીનું ભાગ્ય પાંદડે અને પુરુષનું ભાગ્ય પરગણે.’ દીકરી શાદી કરે એટલે પવનની હળવી લહેરથી જેમ પાંદડાનું પાસું ફેરવાઈ જાય, બસ તેવી જ રીતે તે રાતોરાત અમીર કે ગરીબ બની જાય ! અને પુરુષે તો પોતાના ભાગ્યને બદલવા માટે ખૂબ જ પુરુષાર્થ કરવો પડે અને રોજીરોટીની તલાશ માટે જરૂરી લાગે તો પરગણે એટલે કે પરદેશ પણ જવું પડે.’
‘અબુ, તમારા કેવા મહાન વિચારો છે. ખરે જ, યુ આર માય ગ્રેટ પપ્પા ! હવે, મારી પેલી કેટલીક શરતો ઉપર આવું ?’
‘ખુશીથી બેટા, તારી શરતોને અમે ચકાસીશું અને વ્યાજબી હશે તો તેના ઉપર મહોર મારી આપીશું. બોલ, એનાથી વધારે તો શું કહીએ ?’
‘સામેવાળાંને કહી દેવાનું કે બંને પક્ષે સાદગીથી શાદી પતાવવાની, અમારા નિકાહ મસ્જિદમાં કે મદરસામાં જ થાય; અને જ્યાં સુધી ખુરશીદ કમાતોધમાતો થઈને તમને બધાંયને આપણી ખોલીમાંથી બહાર ન કાઢે, ત્યાંસુધી વસ્ત્રપરિધાનમાં સાદગી અપનાવીશ અને મારા અંગ ઉપર મૂલ્યવાન દરદાગીના પણ ધારણ નહિ કરું.’ નૂરુન્નિસાએ મક્કમતાપૂર્વક પોતાની શરતો જાહેર કરી દીધી.
‘જા દીકરા તારી શરતો વ્યાજબી જ છે, જેને અમે સ્વીકારી લઈએ છીએ; અને સામેવાળાંઓ એ માન્ય રાખશે તો જ આપણે રિશ્તો બાંધીશું, બસ ! ફક્ત તારી વાતમાં સુધારો એટલો જ સૂચવું છું કે આપણે શા માટે આપણી આંતરિક વાતની તેમને જાણ થવા દેવી. આપણે તો એમ જ કહેવાનું કે અમારી દીકરી ઇચ્છશે ત્યાં સુધી સાદગી અપનાવશે.’
ઔનઅલીએ ચુકાદો આપતા હોય તેમ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો કે તરત જ નૂરુન્નિસા નાના બાળકની જેમ મમ્મીને બાઝી પડતાં હૈયાફાટ રડવા માંડી. મોહસીનાએ અશ્રુછલકતી આંખે નૂરુન્નિસાની પીઠ થાબડતાં કહેવા માંડ્યું, ‘પગલી, પપ્પાએ તારી વાત તો સ્વીકારી લીધી છે અને હવે શું થયું ? તું ચૂપ નહિ થાય તો એ પણ રડી પડશે ! તને ખબર તો છે જ કે એ તારી આંખમાં આંસુ નહિ જોઈ શકે !’
મમ્મીથી અળગી પડીને હીબકાં ભરતાંભરતાં નૂરુન્નિસાએ કહ્યું, ‘વાલદૈન, હું તમારી ગુનેગાર છું. આ રિશ્તા અંગેના મારા વિચારો તમને લોકોને માન્ય રહેશે કે કેમ તે જાણવા માટે મેં નિર્દોષભાવે તમારી સાથે થોડુંક છળ કર્યું છે. મને માફ કરશો. મમ્મીએ આ રિશ્તા અંગેની મને પહેલીવહેલી જાણ કરી હતી, ત્યારે જ તેમની આંખમાં મેં વાંચી લીધું હતું કે મારી સંમતિ તમને લોકોને જન્નતની ખુશખબરી જેવી લાગશે. પછી તો મેં મારી જિગરી બહેનપણી સુકયનાને સાથે રાખીને અલીરઝાની રૂબરૂ મુલાકાત લઈ લીધી હતી. ખરે જ તમે લોકોએ એક એવા ઉમદા માણસની મારા માટે પસંદગી કરી છે કે જ્યાં હું ખુશ રહીશ. પછી તો અમારી ટેલિફોનિક ઘણી વાતો થતી રહી અને તેમના આખા પરિવાર વિષે મેં જાણી લીધું. એ લોકો સાધનસંપન્ન હોવા છતાં Down to Earth છે. નાનકડી ખોલીમાં રહેતા એક મધ્યમવર્ગી કામદારની દીકરીને તેઓ પુત્રવધૂ બનાવવા તૈયાર થાય એમાં જ એ કુટુંબ વિષેનું સઘળું જાણવા મળી રહે છે. અલીરઝા અને એમનાં કુટુંબીજનોએ તમને કહી સંભળાવેલી મારી સઘળી વાતને માન્ય કરી દીધી છે. ખુરશીદના અભ્યાસ દરમિયાન કોઈ નાણાંકીય જરૂરિયાત ઊભી થશે તો મારી શરતને મંજૂર રાખીને તેમણે આપણને *કર્ઝે હસના રૂપે મદદ કરવાની તત્પરતા બતાવી છે. હવે રહી બ્લ્ડ ટેસ્ટની વાત, તો તે પણ આપ સાંભળી લો કે હકતઆલાના ફજલોકરમથી તેનું પરિણામ પણ આપણી તરફેણમાં જ આવ્યું છે.’
‘ગજબ કર્યો દીકરી, તેં તો સાચે જ અમને મોટી સરપ્રાઈઝ આપી ! અમારી ખુશીનો કોઈ પાર નથી અને આપણે ચારેય જણ પાકોપાકીઝા જ હોઈ અલ્લાહનો શુક્રિયા અદા કરવાની હાલ જ બબ્બે *રકાત નમાજ પઢી લઈએ !’ આમ કહેતા ઔનઅલીએ દીકરીને બાથમાં લઈને તેના કપાળે ચુંબન જડી દીધું.
નૂરુન્નિસાએ વળી એક ઓર ધડાકો કરતાં કહી દીધું કે, ‘બધાં જલ્દીજલ્દી નમાજ પઢી લેજો. આપણે બધાંએ આજનું સાંજનું ડિનર અલીરઝાના પરિવાર સાથે હોટલ પ્લાઝામાં લેવાનું છે. એ લોકો આવી ગયાં છે !’
ઔનઅલી અને મોહસીના નૂરુનને ફરી પાછાં ભેટી પડતાં એકીસાથે બોલી ઊઠ્યાં, ‘અલી એ છોકરી, તેં તો હદ કરી નાખી !’
દૂર ઊભેલો ખુરશીદ હોઠોમાં મલકતો તમાશો જોઈ રહ્યો હતો. મોહસીનાએ તેને સંબોધીને કહ્યું, ‘ત્યાં શું ઊભો રહ્યો છે ! દીદીને મુબારકબાદી તો આપ !’
‘વારંવાર મુબારકબાદી થોડી અપાય ! કેમ, નૂરુન ખરું ને !’
‘મતલબ ?’ મોહસીના બોલી ઊઠ્યાં.
‘હજુસુધી તને એટલી પણ ખબર નથી પડતી, મોહસીના ! આ બે લુચ્ચાં ભાઈબહેને આપણને જ અંધારામાં રાખ્યાં છે !’ આમ કહીને ઔનઅલીએ ખુરશીદના ગાલે ચીમટી ભરતાં ભાવાવેશમાં આવીને એટલું જ કહ્યું, ‘મોટો થઈ ગયો, નહિ ? સાચે જ તેં અમારી ફરજ નિભાવી !’
અને એ ચારેય જણે ટપોટપ હોટલના રૂમની ફર્શ ઉપર નમાજ માટેના પોતપોતાના મસલ્લા બિછાવી દીધા.
* * *
[કાબિલે દાદ = વખાણવા લાયક; વાલદૈન = માતાપિતા; બારગાહે ઈલાહી = ઈશ્વરીય દરબાર; ઇકલૌતા = એકનો એક; વાલિદ = પિતા; અખલાકી દામાદ = સંસ્કારી જમાઈ; મસલિહતે ઈલાહી = ઈશ્વરની મરજી; મંગની – સગાઈ; કિરદાર = ચારિત્ર્ય; અખલાક = સંસ્કાર; ખુદાના ખાસ્તા= ઈશ્વર કરે; કર્ઝે હસના = વગર વ્યાજે અને પૈસા લેનારની મરજી પડે ત્યારે પરત ચૂકવણી કરી શકાય તેવું દેવું; રકાત = Unit (ભાગ)]
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ – +91 93279 55577નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા
દો | હળવા મિજાજે -
‘ઝા તો સારા મીના કવામ’
ગિરિમા ઘારેખાન
ધડામ ધડામ ધડામ –થોડા જ સમયના અંતરે ઉપર ઉપરી બે ભયંકર ધડાકા થયા. એરપોર્ટની આજુબાજુના પહાડો તૂટ્યા કે શું? ક્યાંક ધીમા ધીમા અવાજમાં મૂંઝવણભરી વાતચીત કરતી, ક્યાંક બૂમાબૂમ કરી રહેલી, તો ક્યાંક સ્તબ્ધ ચુપકીદીના વર્તુળમાં બેઠેલી, ઊંચા મન લઈને ઊભેલી, બહાવરી થઈને ફરતી કે ભાગાભાગ કરતી મેદની થોડી પળો તો શું થયું એ સમજી જ ન શકી. સામુહિક હિપ્નોટીઝમ થાય એવી રીતે પેલા અવાજોને લીધે સામૂહિક રીતે મગજ બહેર મારી ગયાં. એરપોર્ટની હવા એક શાંત કોલાહલને શ્વસી રહી.
પછી અચાનક એ હવામાં ભરાયા ધુમાડાના ગોટેગોટા, અવાજમાં આગ અને વેદના ભરેલી ચીસો અને ભૂતાવળ જોઈ હોય એવી રીતે ભાગી રહેલાં પગલાંના અવાજો. સાથે ભળી હતી સ્ત્રીઓ અને બાળકોની હૃદયદ્રાવક ચિચિયારીઓ.
કાબુલના ખ્વાજા રવાશ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર બેઠેલી સ્ટેલાને પણ બાકીના લોકોની જેમ થોડીક પળો તો શું થયું એની ખબર જ ન પડી. એના સાવ સુન્ન બની ગયેલા કાનની અંદર થોડી વાર પછી ‘બોમ્બ! બોમ્બ!’ એવા અવાજો ગયાં અને એમણે આધાતથી બધિર બની ગયેલા એના મગજને ઢંઢોળીને જાગૃત કર્યું. એ પોતે તો મુખ્ય ગેટથી ખાસી દૂર બેઠી હતી પણ માઈકલ! માઈકલ ક્યાં? એ “હું ડેવિડની તપાસ કરીને આવું” કહીને થોડી વાર પહેલાં જ બાજુમાંથી ઊઠીને ક્યાંક ગયો હતો. એ કઈ તરફ ગયો હશે? આ બોમ્બના અવાજો આવ્યા એ તરફ તો નહીં ગયો હોય ને?
સ્ટેલા સફાળી ઊભી તો થઈ, પણ તરત જ એણે ખુરશીના હાથાનો ટેકો લઈને બેસી જવું પડ્યું. જવું તો જવું ક્યાં? આખા એરપોર્ટ ઉપર ભયંકર દોડધામ હતી. ડરથી સફેદ થઈ ગયેલા ચહેરાવાળા અને ફાટેલી આંખોવાળા લોકો દોડીદોડીને એ બેઠી હતી એ તરફ આવતા હતાં. આ ખદબદતા માનવમહેરામણની વચ્ચે માઈકલ નામના ટીપાને શોધવું કેવી રીતે? એની ખુરશીની આજુબાજુ જ એટલું મોટું ટોળું હતું અને માણસોના ઉછળતાં મોજાં એકબીજા સાથે એવી રીતે અથડાતાં હતાં કે સ્ટેલાએ પોતાના શરીરને બને એટલું અંદર ખેચીને ટટાર બેસી જવું પડ્યું હતું. એણે પોતાના પગ પણ ખુરશીની નીચે ખેંચી લેવા પડ્યા હતા. તો પણ એને ઊભા તો થવું જ હતું, માઈકલને શોધવા જવું હતું. એ થોડો પ્રયત્ન કરીને ખુરશીમાંથી થોડી અધ્ધર પણ થઇ. પણ કોઈ દોડતા જતા માણસનો હડદોલો વાગ્યો અને એણે પોતાના ઉપસેલા પેટ ઉપર હાથ મૂકીને પાછા બેસી જવું પડ્યું.
જેમ જેમ સમય પસાર થતો હતો એમ એમ ચીસો અને રાડારાડ વધતી જતી હતી – “ગેટ ઉપર બોમ્બ ફોડવામાં આવ્યા છે, ઘણા બધા માણસો મરી ગયાં લાગે છે,” વગેરે અવાજો ભાલાની અણીની જેમ કાનમાં પેસી જતા હતાં. હવે તો ચીસોમાં આક્રંદ પણ ભળ્યું હતું. એરપોર્ટની અંદર અને બહાર લાખોની મેદની હોય અને એમની વચ્ચે, બરાબર ગેટ ઉપર જ બોમ્બ ફૂટે તો હાજર લોકોની શું દશા થાય? સ્ટેલાના મગજમાં અત્યારે એ જ વિચાર હતાં- માઈકલ ક્યાં હશે? એને અત્યારે જ કેમ બહાર જવાનું સૂઝ્યું? એને કંઈ થઇ ગયું હશે તો!
એ ‘તો—’ની આગળ શું એ સ્ટેલા વિચારી જ શકતી ન હતી. એના મગજમાં અનેક ડરામણા વિચારોના અણું પરમાણું સંયોજિત થઈ રહ્યાં હતાં અને એ સંયોજન છેવટે અવાજમાં પરિવર્તિત થઈને ચીસો રૂપે બહાર આવ્યું-‘મા—ઈ—ક—લ’, ‘માઈ —ક—લ—’. ઘેરથી નીકળી ત્યારથી છાતીમાં ભરાઈ રહેલી લાચારી, હતાશા, વેદના, આક્રંદ, બધાનો ગુણાકાર થતો હોય એવી રીતે એના ગળામાંથી માઈકલના નામની બૂમો નીકળતી હતી. બાજુમાં બેઠેલી એક બુરખાવાળી સ્ત્રીએ એનો હાથ પકડી ન લીધો હોત તો સ્વરપેટી ફાટી જાય ત્યાં સુધી સ્ટેલા એ બૂમો પડતી રહેત. કોઈનો સહાનુભૂતિભર્યો સ્પર્શ થયો એટલે કીકીઓની પાછળ બંધમાં બંધાઈ ગયેલો દરિયો ગાલના પર્વત ઉપરથી ગગડવા માંડ્યો. એની હૃદયની હચમચાવી નાખતી બૂમો બંધ થઈ એટલે આજુબાજુના બીજા નહોર જેવા શબ્દો કાનમાં પ્રવેશવા ધક્કામુક્કી કરવા માંડ્યા:
“ઘણા બધા લોકો મરી ગયાં લાગે છે.”
“લોહીની તો નદીઓ વહે છે.”
“કહે છે કે ઘાયલ થયેલા લોકોના ઢગલા પડ્યા છે.”
થોડે દૂર ઊભેલો એક માણસ મોટેમોટેથી બોલતો હતો, “સાંભળ્યું છે કે મરનારાઓમાં અફઘાનીઓ વધારે છે પણ થોડા અમેરિકન પણ છે.”
અમેરિકન? સ્ટેલાએ ચારેબાજુ જોવા માંડ્યું. એરપોર્ટ ઉપરની ઝગઝગાટ લાઈટો ખીખિયાટા કરીને એની ઉપર હસતી હોય એવી એને લાગતું હતું – બધાએ કીધું’તું. સમયસર કેમ પોતાને દેશ પાછા ના જતા રહ્યાં? એણે ચહેરો પોતાની બે હથેળીમાં છૂપાવી દીધો અને આખું શરીર હીબકે ચડ્યું. બાજુમાં બેઠેલી બુરખાવાળી સ્ત્રીએ ફરીથી એનો હાથ પકડી લીધો. બીજી બાજુ બેઠેલી એક સાડી પહેરેલી પ્રૌઢ સ્ત્રી એની પીઠ પર હાથ ફેરવવા માંડી. સ્ટેલાના ધ્રૂજતા શરીરમાં દાખલ થવાનો પ્રયત્ન કરી રહેલા સહાનુભૂતિના બે પ્રવાહોના છાંટા આજુબાજુ ઊભેલી વ્યક્તિઓને પણ ભીંજવતા હતા.
ત્યાં જ એના પગ ઉપર પરિચિત આંગળીઓનો સ્પર્શ થયો અને સ્ટેલાએ ચમકીને ઊંચું જોયું. માઈકલ એના ઢીંચણ ઉપર હાથ મુકીને એના પગ પાસે જ નીચે ઉભડક બેસી ગયો હતો.
‘માઈકલ— !’
હવે આંખોની સાથે હૃદય પણ છલકાયું. સ્ટેલા સામે બેઠેલા પતિના ગળામાં હાથ નાખીને એના ગળાને, કપાળને, આંખોને ચૂમતી રહી. અત્યારે એ ક્યાં બેઠી હતી, એની આજુબાજુ કોણ અને કેટલાં લોકો હતાં, કોણ એની સામે જોઈ રહ્યું હતું –એ કશું જ ભાન એને ન હતું. અત્યારે એના વિશ્વમાં માત્ર એ હતી અને સામે બેઠેલો, જીવતો-જાગતો એનો પતિ માઈકલ હતો. આંખમાંથી આંસુ તો વહેવાના બંધ ન હતા થયાં પણ એની ખારાશમાં સાકર ભળી ગઈ હતી.
માઈકલના વાળમાં હાથ ફેરવતી સ્ટેલા બોલતી હતી, ‘આઈ થોટ —, આઈ થોટ—’
‘’આઈ નો ડાર્લિંગ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ હાઉ યુ ફીલ. બટ ગોડ સેવ્ડ મી, ગોડ સેવ્ડ મી. તને ખબર છે બોબ્મ બ્લાસ્ટ થયાં એ જગ્યાએથી હું થોડેક જ દૂર હતો. ભીડને લીધે આગળ વધાતું જ ન હતું. ડેવિડ હજી અહીં પહોંચ્યો કેમ નહીં એ જોવા હું ગેટ તરફ જતો હતો અને ત્યાં જ—. પણ ઈશ્વરે મને બચાવી લીધો, ફોર યુ એન્ડ ફોર અવર બેબી. બાકી ત્યાં તો –મેં જે જોયું એ —’
બોલતે બોલતે અચાનક માઈકલનું શરીર ધનુષની પણછની જેમ ખેંચાઈ ગયું, તૂટેલી કાચની બંગડીના ટુકડાઓની જેમ કરચલીઓ ચહેરા ઉપર પથરાઈ રહી. પછી એ પૂતળું બની ગયો. આંખો હવામાં તાકી રહી, જાણે અત્યારે એની આંખો સામે રૌરવ નર્કના કમાડ ખૂલી ગયાં હોય.
‘શું થયું ડીયર?’
સ્ટેલાના બે વાર પૂછવા છતાં માઈકલ ધ્યાનાવસ્થાની બહાર ન આવ્યો એટલે સ્ટેલાએ એને હચમચાવ્યો. એણે નજર સ્ટેલા તરફ ફેરવી, એની આંખોમાં તાકી રહ્યો અને થોડીક વાર એની આંખોમાં એક શૂન્યાવકાશ સર્જાયો. બરફની લટકી રહેલી પાતળી શિલાઓની જેમ પાંપણો આંખોની ખીણ ઉપર સ્થિર ગઈ ગઈ. એ પછી દૂર દૂર કંઇક જોતો હોય એવી રીતે એ બોલવા માંડ્યો, ‘મેં એ બધું જોયું સ્ટેલા, મારી આ આંખોથી એ ભયાનક દ્રશ્ય મેં જોયું. મેં એ અગનજ્વાળાઓને ઊઠતી જોઈ, મેં એમાં લોકોને ભૂંજાતા જોયાં. બાળકો તો ઊછળી ઊછળીને બાજુમાં પડતાં હતાં એવો ભયંકર ધડાકો હતો એ.
કેટલાં બધા માણસો! કેટલાં બધાં! પોતાનું બધું જ પાછળ છોડીને ક્યાંક બીજે ભાગી જવા અહીં આવી ગયેલા માણસો, પોતાની જિંદગી સારી રીતે જીવવા માંગતા માણસો જિંદગીથી જ હાથ ધોઈ બેઠાં! બધાં ત્યાં પડ્યાં છે. બાજુમાં એક નાળું છે. કેટલીક લાશો તો એમાં તરી રહી છે. સાક્ષાત નર્ક જેવું દૃશ્ય છે. ઘણાં ઘાયલ માણસો પણ છે. દર્દનાક ચીસો પાડતાં, શરીરની આગ ઓલવવા આમતેમ આળોટતા એ માણસો સામે હું જોઈ જ ન હતો શકતો. ત્યાં—’.
માઈકલ બોલતો હતો અને સ્ટેલા એની આંખોમાં જોઈ રહી હતી. ન બોલાયેલા શબ્દો એ આંખોમાં તરતા હતાં. એણે એ ભૂરી આંખોમાં ભૂખરા ધૂમાડાના ગોટેગોટા અથડાતા જોયા, નારંગી અગન જ્વાળાઓ ઊઠતી જોઈ, સળગતા માણસો જોયાં – કોઈ તરત જ અગ્નિને શરણે ગયેલા કાળા શરીરો, કોઈ મૃત્યુની રાહ જોતાં લાલ શરીરો. એણે એ આંખોમાંથી નીકળતી ચીસો પણ સાંભળી – મરી રહેલા, જીવ બચાવવા આમતેમ ભાગતાં માણસોની ચીસો, પોતાના બાળકોને શોધતાં મા બાપના હૈયામાંથી ઊઠતી ચીસો અને અવાચક થઇ ગયેલાં બાળકોની છાતીમાં રૂંધાઇ ગયેલી ચીસો. સ્ટેલાને લાગ્યું કે એની નાભિમાંથી કંઈક ચિત્કારો ઊઠી રહ્યાં છે.
માઈકલે પોતાનું માથું સ્ટેલાના ઘૂંટણ ઉપર મૂકી દીધું અને રડતો રહ્યો. સાથે સાથે એના આંસુથી તરબતર શબ્દો છૂંદાઈ છૂંદાઈને બહાર આવતાં રહ્યાં, ‘હું સમજું છું કે મારે અત્યારે તને આ બધું ન કહેવું જોઈએ. પણ હું નહીં બોલું તો પાગલ થઇ જઈશ. મને લાગે છે, મને લાગે છે કે, કે કદાચ મેં એ વખતે ડેવિડને પણ જોયો હતો. જેણે જીવનું જોખમ લઈને આપણને ઘેરથી અહીં સુધી પહોંચાડ્યા એને હું કંઈ જ મદદ ના કરી શક્યો. હું કાયર છું સ્ટેલા, એકદમ કાયર.’
સ્ટેલા એને માથે હાથ ફેરવતી રહી. આંસુ તો એના પણ અટકતાં ન હતાં. પણ એ સમજી ગઈ હતી કે માઈકલના હૃદયમાં અત્યારે આઘાતનો જ્વાળામુખી ફાટ્યો હતો. એનો લાવા બહાર નીકળીને વહી જાય એ જ યોગ્ય હતું.
‘તું અહીં આવી શક્યો એ બહુ છે માઈકલ. અત્યારે સમય જ કહોવાઈ ગયો છે ત્યાં કોઈ હવાની દુર્ગંધને કેવી રીતે રોકી શકે? પણ મને તારી જરૂર છે. આપણા બેબીને તારી જરૂર છે. જો, બેબી કેટલું હાલી રહ્યું છે!’
સ્ટેલાએ માઈકલનો હાથ લઈને પોતાના પેટ ઉપર મૂક્યો. થોડી વાર સુધી જાણે વિશ્વ વિસરાઈ ગયું. સમય ત્યાં જ થંભી ગયો. એ સમયે ત્યાં માત્ર એક નવી સૃષ્ટિને દુનિયામાં પ્રવેશવા જોવા માંગતા આશાસ્પદ માતા-પિતા હતાં અને આ જગતને પોતાની આંખોથી જોવા માંગતું એક થનગનતું નાનકડું બાળ હતું.
અચાનક સ્ટેલાને લાગ્યું કે એનું બાળક કૈંક વધારે પડતું થનગની રહ્યું હતું. પેટની નીચે આટલું બધું હલનચલન! અંદર મિક્સરની જેમ કશુંક ગોળ ગોળ ફરી રહ્યું હતું. આ આઠ મહિનામાં આવું તો ક્યારેય થયું ન હતું. એ આંખો બંધ કરીને બેસી રહી. ઊંડા ઊંડા શ્વાસ લેતી રહી.
એના પેટ ઉપર હાથ મૂકીને બેઠેલા માઈકલના હૃદયનું દર્દ જાણે એના હાથમાંથી વહીને ધીરે ધીરે એની નાભિમાં પહોંચતું હતું. પછી તો પેટમાં શૂળ ભોંકાતી હોય એવી પીડા ઊઠી. એ પીડા એની પીઠમાંથી પસાર થઈને આખા શરીરમાં ફેલાતી હોય એવું લાગ્યું. આખા અફઘાનિસ્તાનના પહાડો એને ભીંસતા હોય એવી અનુભૂતિ થવા માંડી. એનું શરીર ધ્રૂજવા માંડ્યું.
‘માઈક —લ!’ સ્ટેલાથી ચીસ પડાઈ ગઈ.
‘શું થયું ડાર્લિંગ?’
‘માઈકલ, અવર બેબી—’
સ્ટેલાએ વધારે બોલવાની જરૂર ન હતી. જે થઇ રહ્યું હતું એ એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતું હતું. એ સુંદર ચહેરા ઉપર અત્યારે વેદનાના થર પથરાઈ ગયા હતા. માઈકલ ઊભો થઇ ગયો. હવે શું કરવું? ક્યાં જવું? જયારે દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવામાં પડી હોય ત્યારે કોણ એમની મદદ કરે? એરપોર્ટ મેનેજર? એ ક્યાં હશે?
માઈકલની સાથે પેલી બુરખાવાળી અને સાડી પહેરેલી સ્ત્રીઓ પણ ઊભી થઈ ગઈ હતી. બુરખાવાળી સ્ત્રીએ માઈકલને આંગળીઓથી પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો અને બે હાથ પહોળા કરીને ‘વાબા ખાઈ’, ‘વાબા ખાઈ’[excuse me] બોલતી બોલતી, સ્ટેલા માટે રસ્તો કરતી આગળ ચાલવા માંડી. એની પશ્તો ભાષામાં એ શું બોલતી હતી એ તો આ લોકોને સમજાતું ન હતું પણ એને સાંભળીને લોકો બાજુમાં જરૂર ખસી જતા હતા. જરૂર પડે ત્યારે થોડા ધક્કા મારીને પણ પેલી સ્ત્રી રસ્તો કરી લેતી હતી. એની પાછળ સાડી પહેરેલી સ્ત્રી સ્ટેલાનો હાથ પકડીને ચાલતી હતી અને માઈકલ ‘ઈઝ ધેર એ ડૉક્ટર હિઅર?’ એવી બૂમો પાડતો પાડતો રઘવાયો થઈને વંટોળની સાથે ખેંચાતા તણખલાની જેમ એમની પાછળ પાછળ જતો હતો.
પેલી સ્ત્રી એમને એરપોર્ટ મેનેજરની કેબીન સુધી લઇ ગઈ. સ્ટેલાની હાલત જોઇને એને ખાસ કશું સમજાવવું પડે એમ ન હતું. એટલે જ એ પ્રૌઢ મેનેજરના કપાળ ઉપર છેલ્લા બે દિવસથી સ્થાઈ થઇ ગયેલી ચિંતાની રેખાઓ ક્ષણભર તો આખા ચહેરા ઉપર પથરાઈ ગઈ. પણ કટોકટીનો ઉકેલ લાવવાના વર્ષોના અનુભવે તરત સાથ આપ્યો. એમણે એમની મોટી કેબિનની અંદરની જગ્યા તરફ ઈશારો કર્યો જ્યાં એક સોફા કમ બેડ રાખેલો હતો. સામે ઈલેકટ્રીક કીટલી પણ હતી જેમાં છેલ્લા બે દિવસથી એની જીવાદોરી બનેલી ચા માટેનું પાણી ઉકળી રહ્યું હતું.
પેલી સ્ત્રીઓ સ્ટેલાને એ બેડ તરફ લઇ ગઈ. મેનેજરે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને ત્યાંથી તરત જ કોઈ ડૉક્ટર ત્યાં હોય તો એને કેબિનમાં પહોંચી જવા માટે માઈક ઉપર જાહેરાત કરવામાં આવી. ગણત્રીની મિનિટોમાં હમેશા એમની સાથે જ રહેતી બેગ સાથે બે ડૉક્ટર કેબિનમાં હાજર હતા. એમની સાથે માઈકલ અને પેલી ભારતીય લાગતી સ્ત્રી કામે વળગ્યાં. બુરખાવાળી બહાર ગઈ અને થોડી જ વારમાં ક્યાંકથી ઉઘરાવીને બે ચાર ટુવાલ અને નાના બાળકના બે જોડ કપડાં લઈને આવી ગઈ.
ડૉક્ટર હતા, મદદનીશ હતી, કીટલીમાં ગરમ થતું પાણી હતું અને દરેક વ્યક્તિએ બોલાવી લીધેલા ભગવાન, અલ્લા અને જીસસ પણ હાજર હતાં. પંદર વીસ મિનિટ પછી મેનેજરે અંદરથી થોડી દબાયેલી ચીસોની વચ્ચેથી જગ્યા કરીને આવેલી, ‘ઉંવા ઉંવા’ના અવાજ સાથે એક નવા જીવનના શ્વાસ લેવાની મધુર સુરાવલી સાંભળી અને આટલા ટેન્શનમાં પણ એમના ચહેરા ઉપર સ્મિતની એક લહર ફરકી ગઈ.
થાકને લીધે અડધી બેહોશ જેવી સ્ટેલાએ પણ એ રુદનનો અવાજ સાંભળ્યો. એના ચહેરા ઉપર સ્મિતની સાથે નિરાંતના ભાવ આવી ગયા. પણ એ સ્મિત લાંબુ ન ટક્યું. એણે એની રડતી બાળકી તરફ નજર નાખી અને અચાનક જ આંખોમાં ભરાઈ ગયેલા કેટલાંક અણગમતા દૃશ્યોના ઓરડા ખૂલી ગયાં. બાળકીનો “ઊંવા ઊંવા” અવાજ એને ‘વ્હાય વ્હાય’ જેવો સંભળાવા માંડ્યો. શું આ નવજાત એને એમ પૂછતી હતી કે “મા, જ્યાં ચારેબાજુ દાવાનળ સળગી રહ્યો છે એવા વિશ્વમાં તું કેમ મને લઈ આવી?” આ સળગતી આગમાં એક ઝાકળબિંદુનું રક્ષણ કેવી રીતે થશે? એના ઘેરથી એરપોર્ટ પહોંચતા સુધી રસ્તામાં જોયેલા, હાથમાં બંદૂકો લઈને જ્યાં ત્યાં ગોળીબાર કરતા માણસો સ્ટેલાની નજર સામે તરી રહ્યાં. લોહીના રંગે લાલ થઈ ગયેલા રસ્તા એની કીકીઓમાં ભરાઈ ગયા હતા. એમના તરફ રોકેટ લોન્ચર્સ તાકીને “બર્રો- બર્રો”[ જતા રહો] કહેતા ઘૃણા વરસાવતા અવાજો હજી કાનમાં પડઘાતા હતા. આ બાળકીને આ કાંટાળા વિશ્વમાં લાવીને પોતે એની ગુનેગાર તો ન હતી બની ને?
સ્ટેલાએ પોતાની બાળકી તરફ નજર કરી. એણે જોયું કે એને સાફ કરીને પેલી બુરખાવાળી સ્ત્રી એને કપડાં પહેરાવી રહી હતી. સાથે સાથે એ બોલતી હતી- “ઝા તો સારા મીના કવામ.” આટલો સમય આ દેશમાં રહ્યા પછી એ હવે દુનિયામાં સહુથી વધુ બોલાતા આ શબ્દોનો અર્થ સમજતી હતી –“I Love You”. પેલી ઇન્ડિયન સ્ત્રી સ્ટેલાને જોઈતી મદદ કરીને હવે એના માથે હાથ ફેરવતી બેઠી હતી. બંને સ્ત્રીઓ, બાજુમાં ઊભા રહેલા ડૉક્ટર અને દૂરથી એને જોઈ રહેલા પેલા મેનેજરની આંખોમાંથી નીતરતા સ્નેહની ધારાઓથી સ્ટેલાને પજવી રહેલાં બીજા બધાં દૃશ્યો ધોવાઈ ગયાં.
‘આ બાળકી ઈશ્વરના માનવજાત ઉપરના વિશ્વાસ અને પ્રેમનો સંદેશો લઈને તો આવી છે!’ સ્ટેલાએ વિચાર્યું અને સંતોષથી આંખો બંધ કરી. કોઈ એના કાનમાં કહેતું હતું, ‘God is in His heaven. All is right with the world.
બાળકીએ પણ હવે એનું રુદન સંકેલી લીધું હતું. એને કદાચ એના “વ્હાય” નો જવાબ મળી ગયો હતો.
ગિરિમા ઘારેખાન
૧૦, ઇશાન બંગલોઝ
સુરધારા –સતાધાર રોડ, થલતેજ
અમદાવાદ-૩૮૦૦૫૪ફોન-૮૯૮૦૨૦૫૯૦૯
-
મહેન્દ્ર શાહનાં જૂન ૨૦૨૩નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah June 2023 Creations
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સમ્બંધ (૧૯૬૯)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
ગીતકાર-સંગીતકારની આ યુતિ કેવળ એક જ ફિલ્મ પૂરતી બની, પણ તેમણે એવાં યાદગાર ગીતો આપ્યાં કે આજે પચાસ પચાસ વર્ષ વીતવા છતાં એ તરોતાજાં લાગે છે. આ યુતિ સર્જાઈ એ સમયગાળો બન્ને સર્જકોની ઉત્તરાવસ્થાનો કહી શકાય એવો હતો. એ યુતિ એટલે ગીતકાર પ્રદીપ અને સંગીતકાર ઓ.પી.નય્યરની.
૧૯૬૯માં રજૂઆત પામેલી, રામ મુખર્જી નિર્મિત, અજય વિશ્વાસ નિર્દેશીત ‘સમ્બન્ધ’ તેનાં અમુક ગીતોને કારણે યાદગાર બની રહી છે. દેવ મુખર્જી, અંજના મુમતાઝ, પ્રદીપ કુમાર, અનિતા દત્ત, સુલોચના જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મનાં કુલ ૧૨ ગીતો હતાં.

મહેન્દ્ર કપૂરનો સ્વર (યુગલ ગીત સહિત) ચાર ગીતોમાં અને હેમંત કુમારનો સ્વર (યુગલ ગીત સહિત) ત્રણ ગીતોમાં હતો. આશા ભોંસલેનાં પાંચ એકલગીતો હતાં.
મહેન્દ્ર કપૂર દ્વારા ‘અંધેરે મેં જો બૈઠે હૈ‘, ‘યહ ખુશી લે કે મૈં ક્યા કરું‘ અને ‘અબ તો શમશાન કી માટી હી તેરી માતા હૈ‘ ગીતો એકલગીત હતાં, જ્યારે ‘જો દિયા થા તુમ ને એક દિન મુઝે ફિર વહ પ્યાર દે દો‘ હેમંતકુમાર સાથેનું હતું. ‘અકેલી હૂં મૈં, પિયા આ‘, ‘અપની માં કી કિસ્મત પર મેરે બેટે તૂ મત રો‘, ‘દર્દ કે ગાંવ સે નિકલો’, ‘તુમકો તો કરોડોં સાલ હુએ, બતલાઓ ગગનગંભીર‘, ‘તૂ હી મેરે દિન કા સૂરજ’ ગીતો આશા ભોંસલે દ્વારા ગવાયેલાં હતાં. ‘હે જગત પિતા પરમાત્મા‘ આશા અને હેમંતકુમારના સ્વરમાં હતું. ‘અબ તો ઈસ દેશ કી માટી હી તેરી માતા હૈ‘ હેમંતકુમારના સ્વરમાં હતું.
આ અગિયારે અગિયાર ગીતો કર્ણપ્રિય હતાં. તેમાં ઓ.પી.નય્યરની મુદ્રા છે, એમ પ્રદીપજીની મુદ્રા પણ સુપેરે પામી શકાય છે. આમ છતાં, આ તમામ ગીતોને પાછળ મૂકી દે એવું ગીત હતું મુકેશ દ્વારા ગવાયેલું ‘ચલ અકેલા ચલ અકેલા’ ગીત, જેનો ઉપયોગ ફિલ્મમાં ટાઈટલ સોન્ગ તરીકે કરવામાં આવ્યો હતો. આ ગીતના શબ્દો પ્રદીપજીની શૈલીના હતા, પણ સંગીત જાણે કે ઓ.પી.નય્યરે પોતાની શૈલીથી હટીને આપ્યું હોય એમ લાગતું હતું. ફ્લુટથી થતો ગીતનો આરંભ તેમજ વચ્ચે વાગતા અંશો કર્ણપ્રિય બની રહે છે.
ફિલ્મના નાયકની કથા આ શબ્દો થકી રજૂ થઈ હોય એમ જણાય છે, પણ આખરે આ ગીત નાયકની કથા પૂરતું મર્યાદિત ન બની રહેતાં સાર્વત્રિક બની રહે છે. જીવન જીવવાનો રાહ કવિ પોતાની રીતે ચીંધે છે.

પ્રદીપ અને ઓ.પી.નય્યરે વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું હોત તો? એ કલ્પના મઝાની લાગે છે.
આ ગીતની મઝા એવી છે કે તેમાં ‘ચલ અકેલા’ શબ્દસમૂહ આવર્તન પામતો રહે છે. મુખડાની પ્રથમ પંક્તિમાં એ ત્રણ વાર અને બીજી પંક્તિમાં એક વાર, એમ મુખડાની બે પંક્તિમાં જ તેનો ઉપયોગ કુલ ચાર વખત થાય છે. ‘એકલા ચાલવા’ પર જે ભાર મૂકવાનો છે એ આ રીતે મૂકાતો જણાય છે.
ગીતના શબ્દો આ મુજબ છે.
चल अकेला, चल अकेला, चल अकेला
तेरा मेला पीछे छूटा राही चल अकेला
चल अकेला, चल अकेला, चल अकेला
तेरा मेला पीछे छूटा राही चल अकेलाहज़ारों मील लम्बे रास्ते तुझको बुलाते
यहाँ दुखड़े सहने के वास्ते तुझको बुलाते
है कौन सा वो इंसान यहाँ पर जिस ने दुख ना झेला
चल अकेला, चल अकेला, चल अकेला
तेरा मेला पीछे छूटा राही चल अकेला (2)तेरा कोई साथ न दे तो तू खुद से प्रीत जोड़ ले
बिछौना धरती को करके अरे आकाश ओढ़ ले
यहां पूरा खेल अभी जीवन का तूने कहाँ है खेला
चल अकेला, चल अकेला, चल अकेला
तेरा मेला पीछे छूटा राही चल अकेला
चल अकेला, चल अकेला, चल अकेला
तेरा मेला पीछे छूटा राही चल अकेलाઆ આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.
એટલી પૂરક વિગત જરૂરી કે સમ્બન્ધ નામની આ ઉપરાંત કુલ ત્રણ ફિલ્મો બની હતી, જે અનુક્રમે ૧૯૮૨ , ૧૦૦૫ અને ૨૦૦૪ (સમ્બન્ધ- ધ રિલેશન) માં રજૂઆત પામી હતી.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ફિલ્મી ગઝલો – ૫. રાજેન્દ્ર કૃષ્ણ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી
ફરીથી દોહરાવીએ કે આ શૃંખલામાં ૧૯૭૦ પહેલાંના માત્ર એવા કવિઓની બબ્બે ગઝલની વાત કરીશું જે રચનાઓ વિષે આપણે ભાગ્યે જ સભાનપણે વિચારેલું કે આ ગઝલ છે ! હા, આ પ્રયત્નમાં ક્યારેક મજબૂરન એવી રચનાઓ પણ શામેલ કરવી પડશે જેના વિષે ભાવકો જાણે જ છે અને અંદાઝે – અદાયગી પણ જતાવે છે કે એ ગઝલ છે .
આજે વાત રાજેન્દ્ર કૃષ્ણની. બેહતરીન ગીતકાર તો એ હતા જ, આલા દર્જાના પટકથાકાર અને સંવાદ લેખક પણ ખરા. ગહન ગંભીર ગીતો – ગઝલો લખ્યા તો સાથે – સાથે હલકી – ફુલકી – વિશુદ્ધ મનોરંજક ફિલ્મોના ગીત – સંવાદો પણ ! ( પડોસન, પ્યાર કિયે જા ) સંગીતકાર મદન મોહન માટે એમણે બારીક શબ્દોના મોતી પરોવી લખેલી ફિલ્મ ‘ અદાલત ‘ ની ત્રણ ગઝલો કોણ ભૂલી શકે ! ( ઉનકો યે શિકાયત હૈ, જાના થા હમ સે દૂર અને યૂં હસરતોં કે દાગ ).
એમના લેખન ઉપરાંત પણ એ જમાનામાં એ ઘોડદોડમાં પચાસ લાખનું જેકપોટ જીત્યા બદલ પણ ચર્ચામાં રહ્યા ! ( ૧૯૬૦ ના દાયકામાં એ અધધધ રકમ કહેવાતી ! )
એમની બે વિલક્ષણ ગઝલો :
૧.
ન હંસો હમ પે ઝમાને કે હૈં ઠુકરાએ હુએ
દર-બ-દર ફિરતે હૈં તકદીર કે બહકાએ હુએક્યા બતાએં તુમ્હેં કલ હમ ભી ચમન વાલે થે
યે ન પૂછો કિ હૈં વીરાને મેં ક્યોં આએ હુએબાત કલ કી હૈ કે ફૂલોં કો મસલ દેતે થે
આજ કાંટોં કો ભી સીને સે હૈં લિપટાએ હુએઐસી ગર્દિશ મેં ન ડાલે કભી કિસ્મત તુમ કો
આપ કે સામને જિસ હાલ મેં હૈં આએ હુએએક દિન ફિર વહી પહલી – સી બહારેં હોંગી
ઈસી ઉમ્મીદ પે હમ દિલ કો હૈં બહલાએ હુએ..– ફિલ્મ : ગેટ વે ઓફ ઈંડીયા – ૧૯૫૭
– લતા
– મદન મોહન
પહેલા ચાર શેરમાં નૈરાશ્ય ઘૂંટ્યા પછી આખરી શેરમાં કવિ આશાવાદ ભણી વળે છે એ શાતાદાયક છે.
૨.
તુમ ચાંદ કે સાથ ચલે આઓ યે રાત સુહાની હો જાએ
કુછ તુમ કહ દો કુછ હમ કહ દેં ઔર એક કહાની હો જાએખામોશ કિનારે સોએ હૈં ચુપચાપ હૈં નદિયા કી લહરેં
ઈઠલાતે હુએ તુમ આ જાઓ લહરોં મેં રવાની હો જાએબીતી હુઈ ઘડિયોં કી યાદેં ઐસે મેં અગર હમ દોહરાએં
માસૂમ મુહબ્બત મુસ્કાએ બેદાર જવાની હો જાએ ..( બેદાર = અનિદ્રાગ્રસ્ત )
– ફિલ્મ : આશિયાના – ૧૯૫૨
– લતા
– મદન મોહન
ચિર – પ્રતિક્ષાની ગઝલ. એ પ્રતિક્ષા કદી પૂરી થવાની નથી એ ધુનમાં સમાયેલ મદનમોહની વિષાદ અને લતાના અવાજની બેચેની જતાવી દે છે !
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
સબકા દુલારા, હમારા પ્યારા “Mr. Wash’
વાર્તામેળો – ૫
ધ્રુવિષા વાઘેલા,
વિવેકાનંદ વિદ્યાલય, વડોદરા
Varta Melo 5 – 6 – Sab ka Dulara Sab Ka Pyara Mr. Wash- Dhruvisha Vaghela
સંપર્ક : દર્શા કિકાણી – darsha.rajesh@gmail.com
-
અનાસક્તિ આશ્રમ
નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
પહેલાના સમયમાં રાજાઓ-મહારાજાઓ, શહેનશાહો કોઈ સૌમ્સર્યવાન સ્ત્રીની વાત સાંભળે તો એને નિહાળવા આકુળ—વ્યાકુળ થઈ જતાં. એમ અમે પણ કૌસાનીનાં પ્રાકૃતિક સૌંદર્ય, ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિષે એટલી બધી વાતો સાંભળેલી કે અમે પણ ત્યાં પહોંચવા વ્યાકૂળ બની ગયાં હતાં. તે ઉપરાંત અહીની ભૂમિ સાથે કેવી કેવી મહાન વ્યક્તિઓનાં નામ પણ જોડાયેલાં છે. એવી વિભૂતિઓની પદરજથી પાવન થયેલી આ ભૂમિ પાવન થયેલી છે તેથી હવે આ ભૂમિમાટે અહોભાવ પણ જાગેલો.
જેમણે જિંદગીભર ગાંધી કાર્યને પોતાનું ગણીને કૌસાનીમાં ધૂણી ધખાવેલી અને લક્ષ્મી આશ્રમની ૧૯૪૬માં સ્થાપના કરેલી એવાં સરલાબેન (મૂળ નામ કેથરીન મે હૈલમેન (લંડન)) કે પછી સ્વામી આંનંદ જેમણે અહીં રહીને કેટકેટલું સાહિત્ય રચ્યું હતું કે ખુદ ગાંધીજી જેમને ૧૯૨૯માં અહીં જ ‘અનાસક્તિ યોગ’ લખેલ એવું આ સ્થળ છે. તે ઉપરાંત હિંદી ભાષાના પ્રસિદ્ધ કવિ સુમિત્રાનંદન પંતનું પાણ આ જન્મસ્થળ છે. તેમની સ્મૃતિમાં પણ અહીં એક મ્યુઝીયમ બનેલું છે.

સાંદર્ભિક તસ્વીર – નેટ પરથી અમે એ અનાસક્તિ આશ્રમ પર જ સીધાં પહોંચ્યાં. ખુલ્લાં, વિશાળ ચોગાનની વચ્ચોવચ્ચ આશ્રમ આવેલો છે. આશ્રમમાં ગાંધીજીના જન્મથી માંડીને મૃત્યુ સુધીના અનેક પ્રસંગો, તેમની સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓ અને સ્થળોના ફોટાઓ અને લખાણો અહીં સચવાયેલાં છે. દરરોજ સમજે છ વાગે ત્યાં પ્રાર્થના થાય છે. ત્યાંના બે ભાઈ સાથે અમે પણ એ પ્રાર્થનામાં જોડાયાં.

આશ્રમનાં પ્રાંગણમાંથી નંદાદેવી, ત્રિશૂલ અને પાંચ પાંડવોની હિમાલય પર્વતમાળા હારબંધ ઊભેલી જોવા મળે છે.

સાંદર્ભિક તસ્વીર – નેટ પરથી એ પર્વતોની પછીતે હળવે પગલે વિદાય થઈ રહેલા સૂરજદાદાની એ સમયની આભાની અંગછટા સ્તબ્ધ અને નતમસ્તક કરી દેતી હતી. સૃષ્ટિના સર્જનહારને અનાયાસે જ બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને પ્રણામ થઈ જાય એવું દિલ થંભાવી દેવું એવું એ યાદગાર દૃશ્ય હતું.

અહીં લગભગ બે કલાક જેટલો સમય ગાળીને અમે હોટલ પર પહોંચ્યાં. કૌસાનીમાં હજુ થોડો સમય વ્યતીત કરવાની ખૂબ ઇચ્છા હોવા છતાં બીજે દિવસે સવારમાં નાસ્તો કરીને નીકળી જવાનું અમારે નક્કી કરવું પડ્યું.
ક્રમશ:
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
