-
ક્યાંથી ઉઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પક્ષી આદિકાળથી મનુષ્યનું પ્રિય રહ્યું છે. નાનકડું, નિર્દોષ અને નાજુક જણાતું પક્ષી ખાસ કશો ઉપદ્રવ કરતું નથી. ઘણાં પક્ષીઓ આંગણે, સીમમાં તેમજ વગડામાં આવતાં રહે છે. આને કારણે પોતાના મનની અનેક લાગણીઓ કવિઓ પક્ષી થકી વ્યક્ત કરતા આવ્યા છે. અલબત્ત, મનુષ્યની એ પ્રકૃતિ રહી છે કે તે જેને ધિક્કારે એનું નિકંદન કાઢી નાખે, પણ જેને પ્રેમ કરે એનોય સફાયો કરી દે. ‘ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો’ જેવી પંક્તિઓ ચકલીનું માનવ સાથે સદીઓ જૂના સહઅસ્તિત્વનું પ્રતિબિંબ છે. એક સમયે ઘરઆંગણે પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી આ ચકલીઓની સંખ્યા ઘણા વરસોથી ચિંતાજનક રીતે ઘટી રહી છે. પણ આ હકીકત કેવળ ચકલીઓને જ લાગુ નથી પડતી. અનેક પક્ષીઓની સંખ્યા વિવિધ કારણોસર ઘટી રહી હોવાનું જણાયું છે.
સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ બર્ડ્ઝ રિપોર્ટ ઑગષ્ટ, ૨૦૨૩ના છેલ્લા સપ્તાહમાં બહાર પાડવામાં આવ્યો. બૉમ્બે નેચરલ હીસ્ટ્રી સોસાયટી, ‘વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા, ઝૂલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા, વર્લ્ડવાઈડ ફન્ડ ફોર નેચર જેવાં પ્રતિષ્ઠિત સરકારી અને બિનસરકારી મળીને કુલ તેર સંગઠનોના સંયુક્ત પ્રયાસના પરિણામસ્વરૂપ આ અહેવાલ આપણા દેશનાં મુખ્ય પક્ષીઓની પ્રજાતિની જાળવણીનું મૂલ્યાંકન દર્શાવે છે. વૈજ્ઞાનિક ઢબે કરાયેલી સર્વેક્ષણ પદ્ધતિ અનુસાર તૈયાર થતો આ અહેવાલ નિષ્ણાતો અને સામાન્ય માણસો માટે એક આધારભૂત માર્ગદર્શિકા બની રહે છે.
આ વખતના અહેવાલમાં એવી અનેક બાબતો ઉજાગર થઈ છે જે ચિંતાજનક છે. અલબત્ત, એ અણધારી નથી, કેમ કે, અગાઉના અહેવાલોમાં વિશ્વભરમાં પક્ષીઓની સંખ્યા ઘટી રહી હોવાનું જણાવાયું છે.

રેખાંકન – સૌમિત્ર દેશમુખ । સ્રોતઃ https://stateofindiasbirds.in/ અહેવાલ અનુસાર, કુલ ભારતમાં જોવા મળતી પક્ષીઓની ૩૩૮ પ્રજાતિઓમાંથી ૬૦ ટકા પ્રજાતિની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ૨૯ ટકા પ્રજાતિની સંખ્યા સ્થિર છે, જ્યારે ૧૧ ટકા પ્રજાતિની સંખ્યામાં વધારો થયો છે. આ ૩૩૮ પ્રજાતિઓનો અભ્યાસ લાંબા ગાળાથી થઈ રહ્યો છે. તેની સરખામણીએ, પ્રવર્તમાન સમયમાં અભ્યાસ કરાયો હોય એવી ૩૫૯ પક્ષીઓની પ્રજાતિ પૈકી ૩૯ ટકા પ્રજાતિઓ ઘટી છે, ૧૮ ટકા પ્રજાતિઓની સંખ્યા ઝડપભેર ઘટી રહી છે, જ્યારે ૫૩ ટકા પ્રજાતિઓની સંખ્યા સ્થિર છે. આમ, સમગ્રપણે જોતાં ઘટી રહેલી પ્રજાતિઓની સંખ્યા વધી રહેલી પ્રજાતિઓની સંખ્યાને સરખામણીએ અનેકગણી વધુ છે. ખાસ કરીને આર્દ્રભૂમિ, વર્ષાવન, ઘાસિયા ભૂમિ વગેરે જેવાં વિશિષ્ટ અને મર્યાદિત સ્થળોએ વસવાટ કરતાં વિશેષ પક્ષીઓની સંખ્યામાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો છે. તેમની સરખામણીએ વૃક્ષો, બગીચા કે ખેતર જેવા વધુ વિસ્તાર ધરાવતા પ્રદેશોમાં વસવાટ કરતાં સામાન્ય પક્ષીઓની સંખ્યામાં ખાસ ફેરફાર નથી જણાયો. આમ થવાનું કારણ આ બન્ને પ્રકારના પક્ષીઓની પ્રકૃતિ છે. વિશેષ પક્ષીઓના આવાસ સંકોચાવા લાગે ત્યારે તેમને ટકી રહેવું મુશ્કેલ પડે છે, જ્યારે સામાન્ય પક્ષીઓ નવા પર્યાવરણમાં પ્રમાણમાં સહેલાઈથી અનુકૂલન સાધી લે છે. ઘાસિયા ભૂમિ પરનાં તેમજ ઘણાં યાયાવર પક્ષીઓ તથા પશ્ચિમ ઘાટમાં જોવા મળતાં સામાન્ય પક્ષીઓની સંખ્યામાં ઝડપભેર ઘટાડો થયો છે. સામાન્ય પક્ષીઓની ૨૩૨ પ્રજાતિઓ પૈકી ઘણાં વર્ષાવનના રહેવાસી છે અને તેમની સંખ્યા સતત ઘટી રહી છે. ખાસ કરીને પૃષ્ઠવંશી સજીવો તથા મૃત સજીવોના માંસ પર નભનારા પક્ષીઓની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો થયો છે. ગીધ ૯૫ ટકા લુપ્તતાને આરે પહોંચી ગયા છે. ઘણા કીટકભક્ષી પક્ષીઓની સંખ્યા પણ ઘટી રહી છે. અહેવાલ અનુસાર, સમગ્રપણે જોઈએ તો ૧૪૨ પ્રજાતિઓની સંખ્યા ઘટી રહી છે, તેની સરખામણીએ 28 પ્રજાતિઓની સંખ્યા વધી રહી છે.
શું કારણ છે આ પ્રજાતિમાં થઈ રહેલા ઘટાડાનું? પક્ષીઓના આવાસ તેમજ ખોરાકના સ્રોત સંકોચાવા, જળવાયુ પરિવર્તન, અમુક રોગો તેમજ શહેરીકરણને મુખ્ય પરિબળ ગણાવાયા છે. એવું જોવા મળ્યું છે કે શહેરીકરણને લઈને પક્ષીઓનું એકરૂપીકરણ થાય છે, એટલે કે એકસમાન પ્રજાતિનાં પક્ષીઓ જ વસવાટ કરતા થાય છે. એ પણ હકીકત છે કે સંવર્ધનના પ્રયાસ મુખ્યત્વે વાઘ, સિંહ, ચિત્તા જેવાં મોટાં અને તરત નજરે પડતાં પ્રાણીઓ માટે જ થાય છે. પક્ષીઓના સંવર્ધન તરફ ખાસ ધ્યાન રખાતું નથી.
હકીકતે પક્ષીઓ માનવજીવનનાં અભિન્ન અંગ છે. પરાગરજના વહનથી લઈને સફાઈ સુધીનાં અનેક કામ થકી તેઓ માનવ માટે ઊપયોગી છે. પક્ષીઓ બે પગવાળા ડાયનોસોરના વિશિષ્ટ પ્રકારના પેટાજૂથ છે, જે સૂચવે છે કે તેમણે અનેક રૂપાંતરો થકી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. હવે માનવજાતની દખલથી તેમના અસ્તિત્વ પર જોખમ તોળાવાનો આરંભ થયો છે.
પક્ષીઓની વિવિધ પ્રજાતિના સંવર્ધન માટે વિવિધ પગલાં સૂચવાયેલાં છે. એ મુજબ, તેમના આવાસની જાળવણી અથવા પુન:સ્થાપન, આરક્ષિત વિસ્તાર ઊભા કરવા અને તેનું વ્યવસ્થાપન, પ્રદૂષણમાં ઘટાડો, જળવાયુ પરિવર્તનની અસરમાં ઘટાડો, માનવજાતની દખલને મર્યાદિત કરવી વગેરે છે. આ ભલામણો વાંચીને જ ખ્યાલ આવી જાય કે એ કાગળ પર રહેવા જ સર્જાઈ છે.
જોશભેર ચાલી રહેલાં વિકાસનાં કામોમાં માનવજીવન પ્રત્યેની નિસ્બત પણ કોરાણે મૂકાઈ જતી હોય ત્યાં પક્ષીઓના અસ્તિત્વની ફિકર કોણ કરે? એવું નથી કે આ વલણ કેવળ આપણા દેશ પૂરતું સીમિત છે. વિશ્વભરમાં પક્ષીઓની મોટા ભાગની પ્રજાતિની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. કેમ કે, વિકાસની દોટ વિશ્વભરમાં ચાલી રહી છે, જેનો છેડો આવે એમ લાગતું નથી. આશ્વાસન એટલું કે આવા અભ્યાસ થાય ત્યારે ખબર તો પડે છે કે અધ:પતનની ગતિ કેટલી છે!
(શિર્ષકપંક્તિ: કલાપિ)
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫ – ૧૦ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
સર્જન એક પ્રક્રિયા છે. તે વડે પરિણામ પર પહોંચવાનું હોય છે. આ પરિણામ તે કલાનુભવને શક્ય બનાવનારી શક્ય કશી પણ રચના. એ રચના વડે ભાવકને કલાનો અનુભવ થાય છે; રસાનુભવ, આનંદાનુભવ (સુમન શાહ, કલામીમાંસા, પૃ.૧૪૫) આવો રસાનુભવ કે આનંદાનુભવ જે કૃતિ કરાવે તે સ્વાભાવિક રીતે સર્જનાત્મક કૃતિ ગણાય. આવી કૃતિઓમાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક આદિનો સમાવેશ થાય.
સાહિત્યની આ પ્રકારની સર્જનાત્મક કૃતિઓ એની ક્ષમતાને લઈને વિવિધ ભાષાઓમાં અનુવાદિત થતી રહેતી હોય છે. આ પ્રકારના અનુવાદો આ કૃતિઓનાં વ્યાપને સિદ્ધ કરતા હોય છે. સાથોસાથ આ પ્રકારના અનુવાદો એક મહત્વનું અને એટલું જ મુશ્કેલ કામ બનતું હોય છે. શ્રીમતી દુર્ગાભાગવત ઉચિત રીતે નોંધે છે તેમ “… ઉત્કૃષ્ટ અનુવાદ દુર્લભ વસ્તુ છે. કલાપૂર્ણ સાધના દ્વારા એનો જન્મ શક્ય છે એ ભૂલવું ન જોઈએ. અભિજાત કલાકારની જેમ જ અભિજાત અનુવાદક પણ કયારેક જ પેદા થાય છે….”
કવિની સાધનામાં ‘પદ્યાનુવાદની સમસ્યા’ એ લેખમાં ઉમાશંકર નોંધે છે તેમ બીજી ભાષાની કૃતિને સ્વભાષામાં ઉતારવાની ક્રિયા માટે આપની પાસે બે શબ્દો છે : ભાષાન્તર અને અનુવાદ. આ બે શબ્દો જરીક ખોલીને જોવા જેવા છે. એમ કરતાં કૃતિને સ્વભાષામાં ઉતારવાની આખીય સરણી સુરેખ રીતે સમજવામાં મદદ મળવા સંભવ છે. ભાષાન્તર એટલે અન્ય ભાષા. ભાષાન્તર શબ્દ કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉપર ભાર મૂકે છે. અનુવાદ એટલે મૂળની પાછળ પાછળ – મૂળને અનુસરીને બોલવું તે. ‘અનુવાદ’ શબ્દ ભાષાન્તર કેવી રીતે થયું તેની આંતરપ્રક્રિયા તરફ લક્ષ ખેંચે છે. કૃતિની ભાષા પલટાય – ‘ભાષાન્તર’ થાય એટલું પૂરતું નથી, મૂળ કૃતિનો જે અવાજ છે તે ઝિલાવો જોઈએ. ભાષાપલટો કરી દેવો – ‘ભાષાન્તર’ આપવું એટલો જ આશય હોવો ન જોઈએ, ‘અનુવાદ’ કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. દરેક અનુવાદ ભાષાન્તર તો હશે જ, દરેક ભાષાન્તર અનુવાદ હશે જ એમ કહી ન શકાય.
કલાતત્ત્વજ્ઞ ક્રોચે સિદ્ધાન્તદૃષ્ટિએ ‘અનુવાદની અશક્યતા’ (‘impossibility of translations’- Aesthetic પૃ.૬૮) ની વાત કરે છે. પ્રત્યેક અભિવ્યક્તિને પોતાનું નોખું વ્યક્તિત્વ હોય છે. કલાકારને હાથે એને મળેલા વિશિષ્ટ ભાષાઘાટમાં એનું જેવું વ્યક્તિત્વ છે તેવું ને તેવું બીજા કોઈ ઘટમાં પણ શી રીતે પ્રગટ થાય? શબ્દને બદલે શબ્દ મૂકવામાં આવે છે તો અસુંદર ખોખું માત્ર નીપજે છે, સુંદર કલાકૃતિ બનાવવા પ્રયત્ન થાય છે તો મૂળ પ્રત્યેની વફાદારીમાં શિથિલતા આવે છે – મૂળ કૃતિની મદદથી લાધેલું નવું જ દર્શન અનુવાદક પાસેથી મળે છે. મૂળ કૃતિ મળવી અશક્ય છે. ‘વફાદારીપૂર્વકની અસુંદરતા અથવા બિનવફાદાર સુંદરતા’એ બે વચ્ચે જાણે કે અનુવાદકે પસંદગી કરવાની રહે છે ! તેમ છતાં કલાકૃતિઓને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ લેખનાર ક્રોચે તેઓની વચ્ચે ઐતિહાસિક આદિ કારણે કૌટુમ્બિક સરખાપણું (family likeness) સ્વીકારે છે અને તેના અનુસંધાનમાં અનુવાદોની ‘सापेक्ष’ શક્યતા(‘relative possibility of translations’)નો નિર્દેશ કરે છે. મૂળ અભિવ્યક્તિના પુનનિર્માણરૂપ અનુવાદ અજમાવવા વ્યર્થ છે પણ મૂળને થોડીવત્તી લગભગ – મળતી – આવતી સાદૃશ્ય (સરખાપણા) વાળી (Similar) અભિવ્યક્તિઓ નિપજાવી શકાય. ક્રોચે ઉમેરે છે કે સારો લેખાતો અનુવાદ તે આવું લગોલગ સરખાપણું ધરાવનારી – અને જેને કલાકૃતિ તરીકે મૌલિક મૂલ્ય હોય અને જે પોતાની મેળે ઊભી રહી શકે એમ હોય એવી – કૃતિ હોય છે.
આ સંદર્ભમાં પોતાના અનુભવને ટાંકતા ઉદાહરણ સાથે ઉમાશંકર એમણે કરેલા ‘ઉત્તરરામચરિતમ’નાં સમશ્લોકી અનુવાદની વિગત ટાંકતા નોંધે છે. ક્યારેક મૂળ રવાનુકારી શબ્દનો તે ને તે રૂપે આપણી ભાષામાં ઉપયોગ ન થઇ શકવાને કારણે પણ મુશ્કેલી ઊભી થાય છે ઉતરરામચરિતનાં બીજા અંકના છેલ્લા શ્લોકની પંકિતમાં ધસારાભેર વહેતાં સરિદ્વારીનો ઘોષ સંભળાય છે, પણ તેમાં મુખ્ય ફાળો આપનાર શબ્દ ‘ગદગદ’ ગુજરાતીમાં ‘ગળગળું’ અર્થ સૂચવી ન બેસે એનું ધ્યાન રાખવાનું રહે.
સર્જનાત્મક કૃતિઓના થયેલા અનુવાદોનાં આવા ઉદાહરણોને ક્રમશઃ તપાસીએ તો ગુજરાતીના સમર્થ અનુવાદકાર અને સ્વાનુભવના બળે અનુવાદ સિદ્ધાંતના ઉત્તમ વિવેચક અને વિચારક એવા શ્રી નગીનદાસ પારેખ. એમણે કરેલા અનુવાદો અંગે સદ્રષ્ટાંત ચર્ચા કરતાં પોતાના અનુભવને આમ વર્ણવે છે : ‘ઘણી વાર લેખક જે વિષયની ચર્ચા કરતો હોય છે તેને વિશેના પોતાના મનોભાવ પણ પોતે યોજેલા શબ્દો દ્વારા વ્યક્ત કરતો હોય છે, એટલે પોતાની ભાષામાં શબ્દ પસંદ કરતી વખતે અનુવાદકે આ વાત પણ ધ્યાનમાં રાખવી પડે છે. ‘કલ્કી’ના મારા અનુવાદમાં એક ઠેકાણે trial marriage માટે મેં ‘જાંગડ લગ્ન’ શબ્દ વાપરેલો છે. તે વિષે સ્વ. મુ. શ્રી નરહરિભાઈ પરીખે મને કહ્યું હતું કે એ પ્રયોગમાં મૂળમાં નથી એવો એ વસ્તુ પ્રત્યેની સહેજ નાપસંદગીનો ભાવ આવે છે તે બરાબર નથી. ખરેખર એમ થાય છે કે નહિ એ વાત બાજુએ રાખીએ તો, એમણે ઉઠાવેલો આ મુદ્દો ખરેખર મહત્ત્વનો છે. મૂળમાં ન હોય એવી અર્થછટા અનુવાદમાં વ્યક્ત ન થાય એ પણ દોષ ગણાય. પણ કેટલીક છટાઓ બીજીભાષામાં દર્શાવી શકાતી જ નથી, અને ત્યાં મૂળની ભૂમિકા સમજી લઈ અર્થગ્રહણ કરવાનું રહે છે. આપણે એક સામાન્ય દાખલો લઈએ. બંગાળમાં પુત્રી, પૌત્રી કે પુત્રવધુને ‘મા’ કહીને સંબોધવામાં આવે છે. એ દેશમાં બહુ પ્રચલિત દેવીપૂજા અને એવાં બીજાં કારણોને લીધે સ્ત્રીજાતિ પ્રત્યે જે એક પ્રકારનો મનોભાવ સેંકડો વર્ષોની પરંપરાથી અસ્તિત્વમાં આવેલો છે. તેની ભૂમિકા ઉપર અ એક નાનકડા સંબોધન દ્વારા વ્યક્ત થતો આદર, હેત, લાડ વગેરેનો સંમિશ્ર ભાવ બીજી ભાષામાં કોઈ એક શબ્દ દ્વારા વ્યક્ત થઈ શકે એમ નથી. આપણે ગુજરાતીમાં ‘મા’ સંબોધન રાખીએ છીએ તો બંગાળ જેવી ભૂમિકા આપણે ત્યાં ન હોવાથી તે વિચિત્ર લાગે છે. આપણે ત્યાં પ્રચલિત ‘બહેન’, ‘બેટા’ વગેરે સંબોધનો વાપરીએ છીએ તો મૂળની છટા આવતી નથી. આવે સ્થળે મૂળ સંબોધન કાયમ રાખી તેની સામાજિક ભૂમિકા ટીપમાં સમજાવવી એ જ ઉપાય ઠીક લાગે છે. કેટલીક વાર આવી મુશ્કેલી ટાળવા રૂપાંતરનો માર્ગ લેવામાં આવે છે, પણ તેમ કરવા જતાં મૂળનું ઘણું સૌંદર્ય જતું કરવું પડે છે, અને કરેલા ફેરફારથી મૂળ કૃતિને ઘણું સોસવું પડે છે. આપણે ત્યાં પશ્ચિમની અનેક કૃતિઓનાં રૂપાંતરો કે વેશાંતરો થયેલાં છે, તેને મૂળ સાથે સરખાવી જોવાથી આ વાતની ખાતરી થશે.
આવા કોઈ અનિવાર્ય અપવાદો બાદ કરતાં અનુવાદની ભાષા રૂઢ ગુજરાતી રહેવી જોઈએ. બીજી ભાષાના રૂઢિપ્રયોગોનો અનુવાદ કરવો ન જોઈએ, જોકે આપણા દેશની ભાષાઓમાંથી અનુવાદ કરવામાં કોઈ વાર આપણે રૂઢિપ્રયોગોનો અનુવાદ કરીએ તોયે અર્થ સમજાય એવો રહે એમ બનવા સંભવ છે, પણ એની ગણના અપવાદમાં થવી જોઈએ. મૂળની વાક્યરચના વગેરેને ખૂબ વફાદાર રહેવા જતાં અનુવાદસમજાય એવો જ ન રહે તો અનુવાદનું પ્રયોજન જ માર્યું જાય. આથી અનુવાદમાં ભાષાની સ્વાભાવિકતા અને અર્થની વિશદતા અથવા પ્રાસાદિકતા સચવાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વાર્તા કે નાટકમાંના સંવાદોના અનુવાદમાં વિશેષ કાળજી રાખવી પડે છે. એવે પ્રસંગે ભાષા વધારે ઘરગથ્થું, સંક્ષિપ્ત, વેગવતી અને ચોટદાર હોય છે. એને બીજી ભાષામાં ઉતારતાં વાક્યો અરૂઢ, કઢંગાં કે અસંબંદ્ધ ન લાગે એ જોવાનું હોય છે. સંવાદમાં શબ્દોના ક્રમ ઉપર, વિશેષણો, ક્રિયાવિશેષણો વગેરેનાં સ્થાન ઉપર ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર સહેજ અમથા ફેરફારથી આખો અર્થ માર્યો જાય છે અથવા ચોટ રહેતી નથી. ઉપરાંત, સંવાદમાં પાત્રોનો સામાજિક દરજ્જો તેમની ઉક્તિઓમાં પ્રતિબિંબિત થતો હોય છે, એ સમજીને જાળવવો જોઈએ.
અનુવાદ એ બરાબર બંધબેસતો થાય એવો શબ્દ શોધી કાઢવાની કળા છે. અને એવો બરાબર બંધબેસતો શબ્દ મળી જાય છે, ત્યારે અનેક શબ્દો વાપરવાના દોષમાંથી ઊગરી જવાય છે, અને શૈલી સચવાય છે. વળી, અનુવાદ માટે બુદ્ધિની અમુક મંદતા પણ જરૂરની હોય છે, અને ‘બુદ્ધિના ચમકારાભર્યા’ અર્થઘટનો માટે જે આડે રસ્તે ફંટાતો નથી એવો મંદબુદ્ધિ અનુવાદ જ શ્રેષ્ઠ અનુવાદ હોય…. કારણ મંદબુદ્ધિ માણસમાં જ વફાદારી હોય છે. (પૃ.૨૭)
પંચતંત્રના અનુવાદના એક શ્લોકનો થયેલો અનુવાદ આ પ્રમાણે છે, “વાદળથી ઘેરાયેલા ચોમાસાના દિવસે, અંધારા પખવાડિયામાં, જેમાં મુશ્કેલીથી ફરી શકાય એવી નગરની ગલીઓમાં, પતિ જ્યારે વિદેશ ગયો હોય ત્યારે વ્યભિચારિણી સ્ત્રીને પરમ સુખ થાય છે.” (પૃ.૪૦)
અહીં અર્થ કંઇક આમ કરવો જોઈતો હતો એમ લાગે છે:
“વાદળથી ધેરાયેલો દિવસ હોય, અંધારિયું પખવાડિયું હોય, નગરની ગલીઓ મુશ્કેલીથી ફરી શકાય એવી થઈ ગઈ હોય, અને પતિ વિદેશ ગયો હોય ત્યારે…”
કાલીદાસ કૃત ‘શાન્કુન્તલ’ ના શ્રી કે.કા. શાસ્ત્રીએ કરેલા અનુવાદનું ટીપ્પણ કરતા નગીનદાસે નીરપ્યું છે તેમ ‘પ્રિયંવદા જ્યારે એમ કહે છે કી શકુંતલા વનજ્યોત્સ્નાને ધારી ધારીને નજોઈ રહી છે તેનું કારણ એ છે કે એના મનમાં એમ છે કે “વનજ્યોત્સ્ના જેમ પોતને અનુરૂપ વૃક્ષની સાથે જોડાઈ તેમ હું પણ મને અનુરૂપ વરને મળવું.” ત્યારે શંકુતલા કહે છે : એનો અનુવાદ આ પ્રમાણે કર્યો છે : एष नूनं तवात्मगतो मनोरथः | ‘એ તો તારા મનમાંથી ઊભા કરેલા ઘોડા છે.” એ બરાબર નથી. એનો અનુવાદ “એ તો તારા પોતાના મનોરથ છે “ કે એવો કંઇક થવો જોઈએ. (પૃ.૪૩)’
શ્રી સર્વાન્તેસની સ્પેનીશ નવલકથા દોન કિહોતેના બે જુદા જુદા અનુવાદોને (શ્રી ચંદ્રવદન મહેતા અને એક અનામી પારસી લેખકે કરેલા અનુવાદો સાથે સાથે મૂકી આપીને શ્રી જયંત મેઘાણીએ એનું રસપ્રદ તારણ આપવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.
આવી બધી તૈયારીઓ કર્યા પછી હવે આપણા વીર બહાદુરને થયું, કે આ દુઃખોથી ભરેલી દુનિયામાં, જો પોતે હવે કમ્મર કસીને મેદાને નહીં પડે તો એક ભારે ગુનો કર્યો ગણાશે. દુનિયા આજે બચાવવા આવા વીર પુરુષોની જ જરૂર છે. કેટલાય અન્યાયોને પોતે દૂર કરી શકશે; ત્રાસ, અપમાન, પાપ, અનીતિથી ખદબદતી દુનિયાને પોતે એકલા જ તારી શકશે; કેટલી મહાન અને પવિત્ર ફરજ પોતે બજાવી શકશે, એનો જ્યારે એમણે મન સાથે તાળો મેળવી લીધો, ત્યારે પોતાના મનસૂબાને અમલમાં મૂકવાનો સમય હવે પાકી ચૂક્યો છે એમ એમણે ઠરાવ્યું. એટલે જયારે જુલાઈ મહિનાનો તાપ બરાબર પડવા માંડ્યો હતો ત્યારે, હજી તો પ્હો ફાટ્યો નથી તે પહેલાં, સવારે, એકાદ ચલીઆચક્કુને પણ કહ્યા વિના, કોઈ કલ્પી પણ ન શકે એટલી ચુપકીદીથી પગથી માથા સુધી પોતાની જાતને બખ્તરમાં મઢી લઈ, પોતાના કનોરા કોઠાને હેલમેટમાં જડી, ઢાલ અને ભાલો સજી રોઝીનાન્ટ ઘોડા ઉપર સવાર થઈ, ઘરના વાડાના પાછલા દરવાજા આગળથી આપણા વીર અસવાર, મેદાને જંગમાં, જંગ જીતવા સરકી પડ્યા. કેવું સુંદર મંગળાચરણ થયું છે એમ એક બાજુએ વિચાર કરે છે, ત્યાં એમની ખોપરીમાં એક બીજો જ વિચાર ખટક્યો. હજી તો ચાર ચરણ મંડાયાં નથી એ પહેલાં એ આ વિચારના દાવાનળમાં સીઝી ગયા, અને ઘડીભર તો માથે લીધેલા આ સાહસને પડતું મુકવાનું પણ એને મન થઈ ગયું.
જેવી એ સઘળી ગોઠવણો તમામ થઈ તેવો જ તેને પોતાનો ઈરાદો અમલમાં લાવવાનો વખત લગાડ્યો નહી, ઉલટો તે તેની ઉતાવલમાં પડ્યો, તેને વીચાર આવ્યો કે જગતમાં એટલા તો શીતામોના તેને ઉપાયો કરવાના હતા, એટલાંતો નુકશાનોના તેને બદલા અપવાના હતા, એટલી તો ભુલો તેને સુધારવાની હતી, એટલી તો ખરાબ રીતે તેને સારી કરવાની હતી, અને એટલાં તો કરજ તેને ફીટાડવાનાં હતાં કે તેની ધીલથી આખી આલમને કોણ જાણે કેટલાં દુખો વેઠવાં પડતાં હશે ! તેથી હવે પોતાની ધારણા જોઈનેબી જણાવ્યા વગર, અને કોઈબી તેને જોય નહી તેમ જુલાઈ મહીનાના એક ઘણા જ ગરમ દીવશે શહવારનાં માથાંથી તે પગ શુધી હથીયારબંધ બની, પેલી જંજીરી ટોપ માંથે બેશાડી, ઢાલને ગળે ઓલવી, હાથમાં ભાલો પકડી અને ‘રોઝીનાંત’ ઉપર સવાર બની વાડીને પછવાડે ને રસ્તે એક ગુપ્ત દરવાજેથી બાહેર નીકલી ખોલ્લાં મેદાનમાં તેને પોતાની શવારી ચલાવી, અને તેવી એવા જ હરખના ઉછાળા સાથે કે એવા માન ભરેલાં તેમજ જોખમ ભરેલાં તેને ઉઠાવેલાં કામની શરૂઆતમાં કસીબી તરેહની અડચણો તેને નડી નથી. પણ તે મેદાનમાં થોડેક તે આગલ વધ્યો નહી એટલામાં તો એક એવી ભયભરેલી યાદ તેને આવી કે તેથી પોતાનો ઈરાદો માંડી વાળી પાછો ઘર તરફ ફરવાની અણી ઉપરબી તે લગભગ આવી ગયો.
શ્રી હિમાંશી શેલત એમના એક અભ્યાસ લેખમાં કવિતાનો મિજાજ અન્ય ભાષામાં કેવી રીતે ઉતરી શકે એની ચર્ચા કરતા કહે છે ‘મૂળના ભાવપ્રસારને અનુસરતો લય પોતાની ભાષામાં પ્રગટાવવાના આદર્શ અંગે તો કંઈ કહેવાપણું ન હોય, પણ પોતાની ભાષામાં જયારે અનુવાદકે ‘સમાન્તર ભાવસ્થિતિની શોધ કરી’ હોય ત્યારે લય પણ એ સમાન્તર ભાવસ્થિતિને કેમ ન અનુસરે. દા.ત. કેથેલીન રેઈને થે હાઉસ કાવ્યની આ પંક્તિઓ –
‘In My loves house,
There are hills and pastures
Covered with flowers…’
મકરંદ દવેમાં આવું અનુવાદરૂપ ધરીને આવે છે –
મારા પ્રીતમના ઓરડા ઊંચા
કે ઓરડા ઓહો કર્યા રે લોલ,
હરિયાળા ડુંગર ને ગોચરમાં પાથરી
ફૂલ ભરી જાજમની ભાત.’
‘He has married me with a ring’ માટે અહીં ‘મારા પ્રીતમનો હાર મારે કંઠે’ જ થયું છે. પશ્ચિમમાં અદ્વૈતની ધન્ય પળના પ્રતીક સમી વીંટી, તો આપણે ત્યાં હાર- મંગલસૂત્ર. આટલી છૂટ તો મૂળ કાવ્યના પ્રાણને રક્ષવા માટેય લેવી પડે.
આવા જ એક સુંદર તૈલુગુ દીર્ઘ કાવ્ય જલગીતનો હિન્દીમાંથી અનુવાદ કરતાં કવિશ્રી રમણીક સોમેશ્વરની આ મથામણ આજના વિષય સંદર્ભમાં જોવા જેવી છે.
किन ब्राह्माण्डों के अन्तराल से
ढुलक आया पानी,
कल्पनामें न समाने वाली
किन विशालताओं से
इनका यह चिरन्तन प्रयाण है ।
किन विश्तान्तरालों से
इनका यह चिरन्तन प्रयाण है । किन विश्तान्तरालों से
प्रादिम – ध्वनि ये ढोकर लाये है ! (પેજ ન.૭૩)
આદિકાળના
કયા બ્રહ્મ – અંડને ભેદી
દડી પડ્યું આ પાણી !
કલ્પી પણ ના શકાય એવી –
કઈ વિરાટ ધારાથી એનું
છે આ નિત્ય પ્રયાણ !
કયા અગમ ઊંડાણેથી એ
વહન કરી લાવ્યું
આ આદિમ ધ્વનિ !
जल का मातृ हृदय
द्रवण शीजता का निलय है ना !
मेघों को ऊँचाईयों तक फ़ेक दिया तो
निश्चल पर्वतशिखरों पर
बदलियाँ पगडियों जैसी बैठ गयीं
જળનું તો કોમળ માતૃહૃદય
આલય કરુણાનું !
એણે ગગન ઉછાળ્યા મેઘ
બની વાદળના સાફા
અચલ ઊભા પર્વતના –
મસ્તક ઉપર સોહે.
અનુવાદને અવઢવનું કાવ્યશાસ્ત્ર ગણાવતાં શ્રી હરીશ મીનાશ્રુ આ મથામણને દીર્ઘ ચર્ચા ઉદાહરણ સાથે નોંધે છે, ‘પરકીયા’માં જયંત પારેખનું એક માર્મિક વિધાન છે : મૂળ ભાષામાં થતો કાવ્યનો પરિચય એ એક પ્રકારનું ‘approximation’ જ હોય, તો બીજી ભાષામાં થતો એનો પરિચય એ પણ એક પ્રકારનું approximation જ હોઈ શકે ને? હવે જો આ સુવર્ણતુલામાં પરભાષાના approximationની સામેના પલ્લે સ્વભાષાનું approximation મૂકવાનું છે એ વાતનો મર્મ સમજાઈ જાય તો કામ જરા આસાન બની જાય છે. અનુવાદકની ભીતિ પ્રમાણમાં ઘટી જાય છે ને પરભાષાની કવિતામાંથી પોતાની ભાષામાં કવિતાનું approximation શોધી લેવાનો નિજધર્મ તે કેવળ પ્રીતિપૂર્વક બજાવી શકે છે.
ઉપર કહ્યા તેવા, ગળે ઊતરે તેવા નીતિ –નિયમો હોવા છતાંય દુનિયાભરનાં અનુવાદકો એનો ક્યારેક ‘સવિનય’ તો ક્યારેક ‘ધૃષ્ટતાપૂર્વક ભંગ’ કરતાં રહેતાં હોય છે. ‘ટાગોર પોતાની કૃતિઓના અંગ્રેજી અનુવાદ કરતી વખતે એમાંથી ખાસા ખંડો ક્રૂરપણે કાઢી નાખતા’ એ વાતનો ઉલ્લેખ કરીને ઉમાશંકર કહે છે. “પૌરત્સ્ય રચનાઓની ઘેઘૂર પલ્લવિતતા તે વળી અસ્થાને લાગે છે જયારે અલ્પકથનની ફૂલતીફાલતી અંગ્રેજી જેવી ભાષામાં એને એ જ રૂપે રજૂ કરવામાં આવે.’ અહીં હું મૂંઝવણ અનુભવું છું : કોઈ બીજા અનુવાદકે આવું કર્યું હોત તો ટાગોરને ગમ્યું હોત ? આવા hypothetical પ્રશ્નો અનુત્તર રહેવા માટે જ સર્જાયા હોય છે. આવું શાથી?ઘેઘૂર પલ્લવિતતા જો સંસ્કૃત ભાષાની લાક્ષણિકતા હોય તો એનો અનુવાદ પણ એવી સમજણ સાથે જ સ્વીકારવો ઘટે ને ! એ લાક્ષણિકતાને ગાળી નાખવાની શી જરૂર ? આપણે જયારે ચીની કે જાપાની કવિતા પાસે જઈએ છીએ ત્યારે એની મિતકલ્પનભાષિતા, ભાષાની નીરવતા અને નિસર્ગના આલંબને હૃદયને વ્યક્ત કરવાની રચનારીતિ આદિની – જે એ ભાષાની કવિતાનાં લક્ષણવિશેષ છે તેની પૂરી સમજ, સ્વીકૃતિ અને પ્રતીતિ સાથે, એને માણીએ – પ્રમાણીએ છીએ. અંગ્રેજી કવિતાનું અલ્પકથન પણ આપણને વ્યવધાન બનતું નથી. એવી કવિતાનો અનુવાદ કરતી વખતે, પૂર્વના વાચકને અનુકૂળ પડે તેમ કશી ‘પલ્લવિત ઘેઘૂરતા’ રચવાની, કહો કે ઉમેરવાની ચેષ્ટા આપણે તો કરતા નથી, તો પૂર્વની કવિતાને પશ્ચિમભોગ્ય બનાવવા પેલા નીતિનિયમોનો ભંગ કરવાની શી જરૂર એ.કે, રામાનુજને સદીઓ જૂની કન્નડ કવિતાઓ સફળતાપૂર્વક અંગ્રેજીમાં મૂકી. કેવી રીતે? કદાચ પુરાણી કન્નડ કવિતાના આધારે નવી અંગ્રેજી કવિતા રચીને, ભારે કાપકૂપ કરીને – પશ્ચિમને અનુકૂળ રીતિએ. એક અંગત દાખલો આપું : મારાં ‘નારંગીગાથા’નાં કાવ્યોના અંગ્રેજી અનુવાદ બ્રિટીશ કવિઓ, -જુલી બોડન બ્રાયન લૂઈશે તપાસ્યાં ત્યારે એમનો અભિગમ પણ આવો જ રહ્યો હતો. આ પદ્ધતિથી, બને કે કવિતાની સામે સરી કવિતા મળે, પણ અનુવાદવિદ્યા અંગે ઘણા બધા એવા ઝીણા પ્રશ્નો પણ ઊભા થાય કે જેના પ્રતીતિકર ખુલાસા ન મળે.
શ્રી જયંત મેઘાણીએ ‘અનુકૃતિ’માં રવીન્દ્રનાથના કાવ્યો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં બંનેને સામસામે મૂકીને ઉતાર્યા છે. એમાં એમણે કરેલી શબ્દ પસંદગી ભાવને લયને ગુજરાતીમાં ઉતારવાની કરેલી મથામણને એમાં પ્રાપ્ત કરેલી ક્ષમતા એમની અનુવાદ સજ્જતા ની પરિચાયક બને છે.
It was growing dark when I asked her,
‘What strange land have I come to ?’
તિમિર ઘેરાતું હતું :
મેં પૂછ્યું, ‘કયા અજાણ્યા મુલકમાં હું આવી ચડ્યો છું?’
Let me seek rets in this strange land, dimly lying under the strs,
Where darkness tringles with
the tinkle of a wristlet knocking against a water – jar.
‘ઝાંખા તારક – ચંદરવાની છાયામાં મારો વિશ્રામ છે,
કારણ, તિમિરસ્પર્શે પેલા ઘડૂલિયે કંકણ – ઝણકાર ગુંજ્યા કરે છે,
ગુંજ્યા જ કરે છે…
આ વિષયની ચર્ચા કરતાં કરતાં સ્વાનુભવની વાત ઉમેરું તો દામોદર માવઝોકૃત મૂળ કોંકણી નોવેલ ‘કાર્મેલીન’ નો અનુવાદ કરતા કરતા આવી જ મથામણ અનુભવાતી રહી.
કૃતિ ગોવાના વાતાવરણથી રસાયેલી હોવાથી વ્યક્તિનામો પણ જાણે રૂપાંતરિત કરતી હોઉં એવું લાગતું હતું. કાર્મેલીનનો પતિ જૂજે, જેઠ બત્સ્યાંવ, જેઠાણી ઈજાબેલ – જેવાં નામો સાથે વિભક્તિ પ્રત્યયો ગોઠવતી વેળા વાક્યરચનાની રીતસરની ગોઠવણી કરવાની આવતી રહી. શબ્દપસંદગીમાં ભાવાનુસાર પર્યાય પસંદ કરવા માટે મથામણ કરવાનું બનતું રહ્યું. શબ્દપસંદગી કરતીવેળા બંને ભાષાની ક્ષમતાનો, એની અનોખી મુદ્રાનો જાણે નવી રીતે સાક્ષાત્કાર થતો રહ્યો. કેટલાક વાક્યપ્રયોગોનું ભાષાન્તર બંને ભાષાના આગવાપણાને ધ્યાનમાં લઈને આ રીતે અવતર્યું. કેટલાંક દ્રષ્ટાંતો નોંધું :
ગલતી સે કલ તક રહ જાતી તો આજ ચિઠ્ઠી ન મિલને સે સારા મજા કિરકિરા હો જાતા ! જી ઉચાટ રહ જાતા ! (પૃ.૧, હિન્દી કૃતિ). જેનો અનુવાદ આમ અવતર્યો.
ભૂલથીય જો પત્ર કાલ સુધી પડ્યો રહેત તો આજે એ ન મળવાથી બધી મજા મારી જાત, ને જીવ ઊંચો જ રહેત. (પૃ.૧)
આંદ્રિતા કી સલાહ સુન કાર્મેલીન જલભુન કર રહ ગઈ ! (પૃ.૧૬, હિન્દી કૃતિ)
આંદ્રિતાની સલાહ સાંભળીને કાર્મેલીન બળુંબળું થઈ ગઈ. (પૃ.૧૬)
લંબી પેન્ટ પહના કરતા ઔર ‘યેસ ફૈસ’ કરતા વહ અંગ્રેજી કી ધજ્જિયાં ઉડા દેતા થા. (પૃ. ૩૪, હિન્દી કૃતિ)
પ્રકૃતિ કા નિતાન્ત રમણીય દ્રશ્ય ઉસકો મોહિત કર રહા થા. યહાં સે વહાં તક છોટી – બડી હરી-ભરી-નીલી પહાડિયાં બિખરી થી. દૂર તક ફૈલે સુપારી કે વન, લહલહાતે હરેભરે ધાન કે ખેત સબ કુછ અસ્તગામી સૂર્ય કી સુનહરી – કિરણોં મેં ચમક કર અદભુત દ્રશ્ય પૈદા કર રહે થી. કાર્મેલીન મુગ્ધ –સી રહ ગઈ. ઉસ શોભા કો વહ આંખો મે સંજોના ચાહતી થી. ઇસ સૌંદર્ય કા પણ કરકે વહ તૃપ્તિ કા અનુભવ કર રહી થી. જૂજે સે બાતે કરતે સમય વહ ઘાયલ – સી હો જાતી થી. બેલિંદા કો સંભાલતે – સંભાલતે વહ બેદમ હો રહી થી. પ્રકૃતિ કી સુંદરતા ને ઉસ પર મિહિની –સી ડાલ દી થી. યહ ચિર યૌવના ધરતી ઉસકા હાથ પકડ અપની ઔર ખીચ રહી થી. રાહ કે નારિયલ કે પૌંધો કે પત્તે આગે બઢ ઉસકે સાથ ખિલવાડ સે કર રહે થે સીને સે લગ-લગ કર…! (પૃ.૧૦૦૦, હિન્દી કૃતિ)
નિતાંત રમણીય પ્રકૃતિ એને મોહ પમાડી રહી હતી. બંને બાજુ નાની, મોટી, હરીભરી નીલ પર્વતમાળા વિખરાયેલી હતી. દૂર સુધી ફેલાયેલાં સોપારીનાં વન, હર્યાભર્યા ધાન્યથી લહેરાતાં ખેતરો, સઘળું કંઈ અસ્તાચળે જઈ રહેલા સૂર્યનાં કિરણોમાં સ્નાન કરીને અદભુત દ્ર્શ્યાવલિ સર્જતું હતું. કાર્મેલીન મુગ્ધ થઈ ગઈ. આ શોભાને એ આંખમાં આંજી દેવા માગતી હતી. કુદરતના આ સૌંદર્યનું પણ કરીને એ તૃપ્તિનો અનુભવ કરી રહી હતી. જૂજેનીસાથે વાતચીત કરતી વખતે એ પ્રભાવિત થઇ જતી હતી, તો બેલિંદાને સાંભળતાં – સાંભળતાં એ ખૂબ થાકી જતી હતી. પ્રકૃતિના સૌંદર્યે એના પર મોહજાળ પાથરી દીધી હતી. આ ચિરયૌવના ધરતી કાર્મેલીનનો હાથ પકડીને એને પોતાના તરફ ખેંચી રહી હતી. રસ્તામાં આવતાં નાળિયેરનાં વૃક્ષોનાં પાન આગળ વધીને એની સાથે રમત કરી રહ્યાં હતાં…(પૃ.૧૦૨)
આ મુદ્દાને ચર્ચતા કેટકેટલા દ્રષ્ટાંતો યાદ આવે છે ! તારાશંકર કૃત ‘આરોગ્ય નિકેતન’ વિભૂતિભૂષણ કૃત ‘આદર્શ હિન્દુ હોટલ’ જેવી નવલકથાઓ ; અંતરનાદ જેવી આત્મકથા જેવું કંઈ કેટલુય જેના અનુવાદકોએ આ પ્રકારની સર્જનાત્મક કૃતિઓના અનુવાદના પ્રશ્નો અનુભવ્યા છે ને એનો ઉત્તમ અનુવાદ આપવા મથામણ કરી છે.
ડૉ. યોગેન્દ્ર વ્યાસ જેવા સમર્થ ભાષાવિદ પોતાનો આ અંગેનો અનુભવ જે રીતે નોંધે છે તેમાં સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો અંગેની મથામણને તેનો ઉપાય બંને સાંપડી રહે છે.
હમણાં બારમા ધોરણના ગુજરાતીના એક પાઠયપુસ્તકમાં ‘મારે ચાંદો જોઈએ’ એ અનુવાદના બીજા પ્રકરણ ‘સપ્તરંગી ઇન્દ્રધનુષ’નો સમાવેશ કરવામાં આવ્યો. વસ્તુની રીતે સત્તર – અઢાર વરસની રૂઢિચુસ્ત પરિવારના સંઘર્ષો અને સામાજિક રૂઢિઓનો સામનો કરતી, ઘરમાં તિરસ્કૃત અને બીકણ –સંકોચનશીલ છોકરી “પોતે કંઈક કરી શકે એમ છે એવો આત્મવિશ્વાસ જાગતાં (એ આત્મવિશ્વાસ આ પ્રકરણમાં જાગે છે) પોતાનો કેવો વિકાસ કરે છે તેની કથા છે. અનુવાદને મૂળ સાથે સરખાવતાં ઘણું બદલવા જેવું લાગ્યું તેથી અનુવાદકને ફરીથી એ પ્રકરણનો અનુવાદ કરી આપવાની વિનંતી કરી. એ આખી પ્રક્રિયા અહીં રજૂ કરવી શક્ય નથી પણ અનુવાદની પ્રક્રિયામાં ભાષાકીય સજ્જતા (અને ૨૦૦૩માં અનુવાદકની બંને ભાષાની સૂઝ અને ૨૦૧૬માં એ જ અનુવાદકની બંને ભાષાની સૂઝમાં પડેલો ફરક) કેવી ભૂમિકા ભજવે છે તે થોડાં ઉદાહરણોથી સમજીએ.
૧. ‘કિશોર ગર્મ કોટ કે લિયે ચૌખાને કા મનપસંદ કપડે કા આગ્રહ કરતે હુએ દિનભર સિસકતા રહા થા !’
‘કિશોર ગરમ કોટ માટે ચોકડીવાળા મનપસંદ કાપડની માગણી કરતાં કરતાં આખો દિવસ ડૂસકાં ભરતો રહ્યો.’ (૨૦૦૩માં થયેલો અનુવાદ)
‘કિશોર ગરમ કોટ માટે ચોકડીવાળા મનપસંદ કાપડની માગણી કરતાં કરતાં આખો દિવસભાર ડૂસકે ચડેલો રહ્યો.’(૨૦૧૬માં થયેલો અનુવાદ)
ઉપરછલ્લી રીતે તેર વરસના ગાળા પછી થયેલા અનુવાદમાં કંઈ બહુ મોટો ફરક જણાતો નથી. પણ જરા ઝીણવટથી એ ફરકને સમજવા જેવો છે.
‘ચોકડીવાળા મનપસંદ કાપડ’(૨૦૦૩)ની જગ્યાએ ‘મનપસંદ ચોકડીવાળા કાપડ’ (૨૦૧૬) અનુવાદે ધ્યાન ખેંચ્યું ?મૂળ હિન્દીમાં “ચૌખાને ક મનપસંદ કપડા’- છે તેથી ૨૦૦૩માં ‘ચોકડીવાળા મનપસંદ કાપડ’ એવો બેઠો અનુવાદ – ચૌખાનેકા નું ચોકડીવાળા, મનપસંદનું મનપસંદ અને કપડાનું કાપડ – થયો છે. ૨૦૧૬માં ‘મનપસંદ’ વિશેષણ સૌથી આગળ આવી ગયું અને ‘ચોકડીવાળા કાપડ’ એમ ‘ ચોકડીવાળું’એ સંબંધક વિશેષણ વિશેષ્યની તરત પહેલાં આવી ગયું. ગુજરાતી ભાષામાં વિશેષણોનો જે ક્રમ હોય છે તે વિશેની અનુવાદકની સૂઝ કેળવાઈ. કાપડ મનપસંદ નથી, ‘ચોકડીવાળું કાપડ’ જ મનપસંદ છે.
‘આગ્રહ કરતે હુએ’નું ‘માગણી કરતાં કરતાં’(૨૦૦૩)ની જગ્યાએ ‘હઠ પકડીને’ (૨૦૧૬) થયું. હિન્દીના ‘આગ્રહ’ શબ્દના ‘હઠ અને જીદ’ એવા અર્થ પણ થાય છે. અહીં જીદને બદલે હઠ એટલા માટે પસંદ થયો કે ‘જીદ’ શબ્દ ક્યારેક સમજપૂર્વકના આગ્રહ માટે પણ વપરાય જયારે આ તો ‘બાળહઠ’ જ છે.
હવે જો એ ‘હઠ’ છે (એમાં કોઈ તર્ક નથી) તો ‘ડૂસકાં ભરતો રહ્યો’ને બદલે ‘ડૂસકે ચડેલો રહ્યો’- સહજ રીતે, સ્વાભાવિક રીતે એવું સૂચવવું વધુ યોગ્ય છે ‘ડૂસકાં ભરવા’માં તો કર્તૃત્વની થોડી પણ શંકા જાય પણ ડૂસકે ચડેલો રહ્યોમાં સહજ રીતે, હઠને કારણે અવશ રીતે એવો અર્થ પણ સૂચવાય.
‘દિનભર’નું તો ‘આખો દિવસ’ (૨૦૦૩) બરાબર ન જ હતું. ‘દિવસ આખો’ અથવા ‘આખો દિવસ’ અથવા હિન્દીની અસર સ્વીકારીને ‘દિવસભર’ યોગ્ય ગણાય એ તો સાવ ચોખ્ખું છે.
૨. “યહ અવાંતર હૈ કિ અસ્સી રુપયે કી યહ ગગનચુંબી માંગ ફિર ભિ પૂરી નહીં હો પાઈ !”
“મોટામાં મોટી મુશ્કેલી એ હતી કે એંશી રૂપિયાની આ ગગનચુંબી માંગ તોય પૂરી તો ના જ થઈ શકી.” (૨૦૦૩માં થયેલો અનુવાદ)
‘એ વાત જુદી છે કે તોપણ એંશી રૂપિયાની આ આભઊંચી માગ પૂરી તો ન જ થઇ શકી.’ (૨૦૧૬માં થયેલો અનુવાદ)
નોંધી શકાય એમ છે કે ‘મોટામાં મોટી મુશ્કેલી એ હતી’ એવો અનુવાદ ઈ.સ. ૨૦૦૩માં સાવ અડસટ્ટે થયેલો છે. મૂળમાં કે મૂળ લેખકના મનમાં એવું તો કશું છે જ નહીં. ‘યહ અવાંતર હૈ’ – એમ લખવા પાછળ મૂળ લેખકના મનમાં ‘એ વાત જુદી છે કે’નો ખ્યાલ છે એમ માનવું વધારે તર્કપૂર્ણ છે. ‘ફિર ભી’ તો સાવ ગાયબ જ થઈ ગયેલું તે ૨૦૧૬ના અનુવાદમાં ‘તોપણ’ને મુખ્ય વાક્યની આગળ ગોઠવવામાં આવ્યું. ‘ગગનચુંબી’નું ‘ગગનચુંબી’ કંઈ અયોગ્ય ન હતું છતાં ‘આભઊંચી’ એવા વિશેષણનું ગુજરાતીપણું વધુ મેળ ખાય તેવું છે.
(૩) “શામ ઢલે વર્ષા કો હી દુહાર કે સાથ કિશોર કો ચૂપ કરાના પડા થા !”
“સાંજ પડ્યે વર્ષાએ જ કિશોરને વહાલથી છાનો રાખવો પડ્યો હતો.” (૨૦૦૩નો અનુવાદ)
“ઢળતી સાંજે વર્ષાએ જ હેત વરસાવી કિશોરને છાનો રાખવો પડેલો.” (૨૦૧૬નો અનુવાદ)
“શામ ઢલે’નું સાંજ પડ્યે’ કરવું એ અસલ અનુવાદ જ લાગે. પણ ‘ઢળતી સાંજે’ (કારણ હિન્દીમાં પણ ‘ઢલે’ તો છે જ) એવું કરવાથી એ મૂળની સાવ નજીક પહોંચી જાય છે. વળી ‘દુલાર કે સાથ’નું ‘વહાલથી’ અથવા લાડપૂર્વક’ એવું ગુજરાતી કરવું અત્યંત સ્વાભાવિક લાગે. પણ પાત્રનું નામ વર્ષા છે, ‘ઢળતી સાંજ’નો સંદર્ભ છે તો ‘હેત વરસાવી’ કરીએ એમાં બહુ મોટી છૂટ લેતા નથી. અનુવાદમાં સાહિત્યિકતા સહજ ભળતી રહે એ પણ બિનજરૂરી નથી.
(૪) “જો કામ ઘરવાલે, દિનભર મેં નહીં કર પાયે, વહ વર્ષાને એક મિનિટ મેં સંપન્ન કર દિયા !”
જે કામ ઘરવાળા આખા દિવસમાં ન કરી શક્યાં તે વર્ષાએ એક જ મિનિટમાં પતાવ્યું’ (૨૦૦૩નો અનુવાદ)
“જે કામ પરિવારજનો દિવસ આખામાં જે નહોતા કરી શક્યાં, એ વર્ષાએ એક મિનિટમાં જ સંપૂર્ણ કરી લીધું.” (૨૦૧૬નો અનુવાદ)
‘ઘરવાલે’નો અનુવાદ ‘ઘરવાળા’ ઉચિત છે ? ગુજરાતીમાં ‘ઘરવાળા’નો સંદર્ભ જ જુદો છે. એ શબ્દ અનુવાદ વાંચનારના મનમાં ગેરસમજ ઊભી કરી પણ શકે. મૂળ લેખકના મનમાં ‘પરિવારજનો’ છે જ અને અનુવાદમાં ઔપચારિક શબ્દપ્રયોગો ઘણી વાર વધુ પ્રભાવી સાબિત થાય.
‘સંપન્ન કર લિયા’ અને ‘પતાવી દીધું’ને સાથે સાથે મૂકો તો સમજાશે કે ગુજરાતીમાં ‘પતાવી દીધું’- જેમતેમ પૂરું કર્યું, કદાચ કમને અથવા અણગમાથી પૂરું કર્યું એવા અર્થો તરફ દોરી જાય છે. ‘સંપન્ન કર લિયા’માં જે grace છે, જે ઉમળકો છે તેની નજીક પહોંચવામાં કદાચ ‘સંપૂર્ણ કરી લીધું’ એ અનુવાદ વધુ સફળ થાય. ‘સંપૂર્ણ કરી દીધું’ને બદલે ‘સંપૂર્ણ કરી લીધું’ એમ વાપરવાથી એ ઉમળકો, એ કામમાંથી મળેલો (લીધું) સંતોષ અને સમાધાન સરળતાથી સમજાય.
આમ, સર્જનાત્મક કૃતિના અનુવાદને આ રીતે સમજવામાં આવે અને ડૉ. વ્યાસ નોંધે છે તેમ અનુવાદક આવી ઝીણી ચીવટ રાખે તો આવી ઉત્તમકૃતિઓને માણતો આસ્વાદતો એ પોતાના આનંદ ને પોતાના અનુવાદના અનુસર્જન કે પુનઃ સર્જન જેટલો જ માણી શકે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સ્મરણ શ્યામજીનું, એમને એક સો છાસઠમે, સાદર, સવિનય…અને સતર્ક!
તવારીખની તેજછાયા

શ્યામજી રાષ્ટ્રવાદી હશે, ટેરરિસ્ટ નહોતા. એમને બારમાંથી કમી કરવાપણું નહોતું. કેમકે એમણે કોઇ ક્રિમિનલ કામગીરી કરી નહોતી. હકીકતે, એ સમયે એમને કોઇએ ધોરણસર સાંભળ્યા જ નહોતા
પ્રકાશ ન. શાહ
વચ્ચે વાત વાતમાં અમદાવાદમાં સેકન્ડહેન્ડ પાઠ્યપુસ્તકોની દુકાન, મહાજન બુક ડીપોનું સ્મરણ કરવાનું બન્યું હતું. એ રીચી રોડ (ગાંધી માર્ગ) પર ફર્નાન્ડીઝ પુલ નીચે હતી. સાઠ-સિત્તેર વરસ પાછળ જઇને સંભારું છું તો રિલીફ રોડ (તિલક માર્ગ) પર પથ્થર કુવાથી શરૂ થતો ટુકડો સાંભરે છે. સસ્તું કિતાબઘર? અને પીપલ્સ વગેરે પુસ્તકઠેકાણાં હતાં. ત્યાં ‘એન્કાઉન્ટર’નું વાર્ષિક લવાજમ (આખું અઢાર રૂપિયા) ભર્યાનું યાદ છે.
આ જ ફૂટપાયરી પર જૂનાં નવાં અંગ્રેજી પુસ્તકો પણ મળતાં. એમાં એકવાર ધનવંત ઓઝાનું ‘વિલ્કીઝ વન વર્લ્ડ’ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ‘શ્યામજી કૃષ્ણ વર્મા’ જોવાનાં બન્યાં. ઇન્દુચાચાની ઠીક ઠીક પૃષ્ઠસમૃદ્ધ વિગતખચીત પાકા પૂંઠાની ચોપડી પડી પડી વણખપી ત્યારે રૂપિયે રૂપિયે મળતી. પછી તો રસ પડ્યો અને અમે મિત્રોએ ઇન્દુચાચાને અમારી યુવા પ્રવૃત્તિ અન્વયે શ્યામજી વિશે વાર્તાલાપ સારુ નિમંત્ર્યા. એ તારીખનાં ઓસાણ છૂટી ગયાં હતાં, પણ આ લખવા બેઠો ત્યારે એમની આત્મકથાના છઠ્ઠા ભાગમાં ડાયરીનાં પાનાં જોતાં જડ્યું કે ૧૯૬૧ની ૧૮મી ઓક્ટોબરે પ્રેમાભાઇ હોલમાં એમણે આ વાર્તાલાપ આપ્યો હતો. એમના વાર્તાલાપમાં જ એમણે આ પુસ્તક લેખનની જવાબદારી ભણાવનાર સરદાર સિંહ રાણાના ક્રાંતિકાર્યનોયે ખયાલ આપ્યો હતો.
અલબત્ત, આજે ૨૦૦૩ની વીરાંજલિ યાત્રાની મોદીપહેલ અને પૂર્વસાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ સરદાર સિંહની વેબસાઇટ સુલભ કરી તે પછી આ નામો સ્વાભાવિક જ પરિચિત થયેલાં છે. (જોકે, સરદાર સિંહ રાણાએ ઇન્દુલાલને બોમ્બ-તાલીમ સારુ રશિયા મોકલ્યાની વાત ઇતિહાસ સમ્મત જણાતી નથી.)ખાસ કરીને લંડનના ‘ઇન્ડિયા હાઉસ’થી અને ‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્રથી, વિદેશની ધરતી પર જંગે આઝાદીના એક કર્મી ને કલમી તરીકે શ્યામજી સુપ્રતિષ્ઠ છે. દેશની એમની કામગીરી રિયાસતી દીવાન તરીકેની તેમ આર્યસમાજના અગ્રણી અને પંડિત તરીકેની રહી. કાશીના પંડિતોએ કોઇ બ્રાહ્મણ નહીં એવી પ્રતિભાને ‘પંડિત’ તરીકે વિધિવત્ પોંખી હોય તે શ્યામજી હતા.
સ્વાતંત્ર્યસંગ્રામ સાથે આ કચ્છીમાડુનું આગળ પડતું સંધાન અલબત્ત એમના વિદેશવાસ પછીનું છે. એમણે ઊભું કરેલું ‘ઇન્ડિયા હાઉસ’ મેડમ કામાથી માંડી વિનાયક દામોદર સાવરકર સહિતનો હિંદવી જોવનાઇનું અગનથાણું હતું. વતનમાં દયાનંદે સંમાર્જેલ શ્યામજીની બ્રિટનવાસની વિચારમાનવજત ઠીક ઠીક પ્રમાણમાં હર્બર્ટ સ્પેન્સરને આભારી છે. ‘આક્રમણનો પ્રતિકાર’, શ્યામજી સ્પેન્સરને ટાંકીને કહેતા, ‘વાજબી છે એટલું જ નહીં અનિવાર્ય આદેશવત્ છે.’ બાય ધ વે, એમણે લંડનના જે વિસ્તારમાં ‘ઇન્ડિયા હાઉસ’ ખડું કર્યું એની બરાબર સામે હાઇગેટ સિમેટ્રી છે જેમાં સ્પેન્સર ને માર્ક્સ સહિતના વીરલાઓ પોઢેલા છે.
૧૯૦૫માં વતનઆંગણે બંગભંગના દિવસોમાં ને દ. આફ્રિકામાં સત્યાગ્રહનાં ઊગું ઊગું કિરણોના ગાળામાં જ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ ઊભું થયું. મદનલાલ ઢીંગરાના વીરકર્મથી માંડી સ્ટુટગાર્ટમાં પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાની વાત હોય કે 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પચાસીનો અવસર હોય, બધાંનું પગેરું તમને ‘ઇન્ડિયા હાઉસ’માં મળશે. ભારત બહાર સાવરકર જે કોળ્યા તે તિલકની ભલામણે શ્યામજીદીધી સ્કોલરશિપને કારણે.‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્ર ૧૯૦૫માં, શરૂ શરૂમાં માસિક રૂપે લંડનથી, પછી પેરિસથી, અનિયમિત થતે થતે છેલ્લે છેલ્લે જીનીવાથી એમ ૧૯૨૨ સુધી પ્રગટ થતું રહ્યું. આ પત્ર પોતાને સ્વાતંત્ર્યના તેમજ રાજકીય, સામાજિક ને ધાર્મિક સુધારાના પત્ર (ઓર્ગન) તરીકે ઓળખાવતું. ક્રાંતિકારી હત્યાઓનું એ બેધડક સમર્થન કરતું. અલબત્ત, શ્યામજીનું પોતાનું (જેમ સાવરકર વગેરેનું હશે, તેવું) કોઇ સીધું સંધાન એમાં નહોતું. જીનીવામાં એમનાં છેલ્લાં વર્ષો સ્વાસ્થ્યવશ સ્વાભાવિક જ ખાસ સક્રિય નહોતાં. વતનપ્રેમમાં ઝૂરતા આ જીવે જીનીવાની એક સંસ્થામાં સ્વખર્ચે પોતાનાં ને પત્ની ભાનુમતીનાં અસ્થિ સચવાય એવી વ્યવસ્થા કરી હતી અને સૂચના આપી હતી કે હિંદ આઝાદ બને ત્યારે ત્યાં તે મોકલવાં.
૨૦૦૩ની વીરાંજલિ યાત્રાની આ પૃષ્ઠભૂ છે. હવે તો કચ્છમાં યુનિવર્સિટીનું નામ અપાયેલું છે અને ક્રાંતિતીર્થનુંયે નિર્માણ થયેલું છે. વળી ભારત સરકારે ખાસ ટપાલ ટિકિટ તો છેક ૧૯૮૯માં પ્રગટ કરી હતી. સન્માન્ય શ્યામજીના મહિમામંડનની જોડે જોડે આઝાદીના ઓછા જાણીતા લડવૈયાઓને સંભારવાનો આવકાર્ય ઉપક્રમ છે તો કંઇક અતિરંજની રજૂઆતથી બાકીનાં ઠીક ઠીક સ્થાપિત વ્યક્તિત્વો કરતાં આગળ ધરવાની અન્ ઐતિહાસિક ગણતરી પણ જણાય છે. એમને માટે ૨૦૦૩માં ખાસ આગળ કરાયેલો પ્રયોગ ‘ક્રાન્તિગુરુ’ આ સંદર્ભમાં જોવાતપાસવા જેવો છે. પૂર્વ સાવરકરની ક્રાંતિકારી પ્રતિભા લંડન પહોંચ્યા પહેલાની અંકે થયેલી છે. ઉત્તર સાવરકરના હિંદુત્વ થીસિસને અને શ્યામજીની વૈચારિક ભૂમિકાને છત્રીસનો સંબંધ છે.
૧૯૩૦ના માર્ચની ૩૦મીએ જીનીવામાં શ્યામજીએ દેહ છોડ્યો તે પછીની એક નોંધપાત્ર અંજલિ બેઠક ભગતસિંહ અને સાથી કેદીઓએ લાહોર જેલમાં યોજી હતી, પણ ભગતસિંહની જેલ નોટબુક્સ જોતાં તેના પર શ્યામજીના ચિંતનનો કોઇ ખાસ પ્રભાવ જણાતો નથી. ‘ક્રાન્તિગુરુ’ કહેતાં જો સશસ્ત્ર ક્રાન્તિના કોઇ એકાન્તિક સમર્થનનો ખયાલ હોય તો તે દુરસ્ત નથી; કેમકે અસહકારનો વિશાળ પાયા પરનો પ્રયોગ પણ શ્યામજીના અભિગમમાં સ્વીકાર્ય હતો. ૧૯૨૦-૨૧ના વિરાટ ઘટનાક્રમ પછી શ્યામજી ઇચ્છતા હતા કે એમની યોજના અન્વયે લંડન મોકલવાના વક્તાઓ ગાંધીજી સૂચવે. ૧૯૩૦ના દાંડીકૂચના લોકજુવાળે એમને અતિશે આંદોલિત-ઉલ્લસિત કર્યા હોત. પણ એ ઝંઝાવાતી એટલી જ ઠંડી તાકાતના દિવસોમાં શ્યામજી બહારની દુનિયાથી બેખબર એવી બિલકુલ મરણોન્મુખ અવસ્થામાં હતા.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૪ – ૧૦ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
નિગાર શાજી નિમિત્તે વાત મહિલા વૈજ્ઞાનિકોની
નિસબત
ચંદુ મહેરિયા
જેટલી ચર્ચા આપણે ત્યાં ચંદ્રયાન-૩ની થઈ છે તેટલી દેશના પહેલા સૂર્ય મિશનની થતી નથી. ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઈસરો) એ ચંદ્રયાન – ૩ પછી બહુ ટૂંકા સમયના અંતરાલમાં દેશના પહેલા સન મિશન આદિત્ય એલ વનનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાવ્યું છે. ચંદ્રયાનની જેમ સૂર્ય મિશનમાં પણ મહિલા વૈજ્ઞાનિકોનું મોટું અને મહત્વનું યોગદાન છે. સૂર્ય મિશનના પ્રોજેકટ ડાયરેકટર ૫૯ વરસના મુસ્લિમ મહિલા વૈજ્ઞાનિક નિગાર શાજી છે. તમિલ ગ્રામીણ પ્રુષ્ઠભૂમિ ધરાવતા નિગાર શાજીના નેતૃત્વમાં દેશનું પ્રથમ સૂર્ય મિશન પાર પડ્યું છે. ખેડૂત પરિવારના દીકરી નિગાર શાજીએ ઈલેકટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન એન્જિનીયરીંગમાં માસ્ટર્સ કર્યું છે. ૧૯૮૭માં સતીષ ધવન સ્પેસ સેન્ટર સાથે જોડાયા હતા. તેઓએ યૂ આર રાવ સેટેલાઈટ ટીમના સભ્ય , પ્રત્યાયન અને આંતરગ્રહીય ઉપગ્રહ કાર્યક્રમોના નિષ્ણાત અને ભારતના રિમોટ સેન્સિંગ સેટેલાઈટ રિસોર્સ સેટ -૨ એના મદદનીશ પ્રોજેકટ ડાયરેકટર તરીકે પણ કાર્ય કર્યું છે.
નિગાર શાજીની જેમ જ કેરળના ગ્રામીણ પૃષ્ઠભૂમિના મહિલા વૈજ્ઞાનિક અન્નાપૂર્ણી સુબ્રમણ્યમનું પણ સૂર્ય મિશનમાં મહત્વનું પ્રદાન છે. અન્નાપૂર્ણી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિકસ, બેંગલૂરુના નિયામક છે. આ સંસ્થાએ અન્નાપૂર્ણીના નેતૃત્વમાં સૂર્યનું અધ્યયન કરવા માટેના મુખ્ય પેલોડ ડિઝાઈન કર્યા છે. ભૌતિકશાસ્ત્રમાં ડોકટરેટ થયેલાં ડો.સુબ્રમણ્યમના માર્ગદર્શન અને નેતૃત્વમાં આદિત્ય એલ -૧ માં લાગેલા વીઈએલસી( વિઝિબલ લાઈન એમિસિયન કોરોનાગ્રાફ) ની ડિઝાઈન તૈયાર થઈ છે. અન્નાપૂર્ણીએ ડિઝાઈન કરેલ કોરોનાગ્રાફ સૂર્યગ્રહણ દરમિયાન પણ સૂર્યને જોઈ શકશે. આ મિશનમાં પહેલીવાર સૂર્યને અંદરથી પણ જોઈ શકાશે. સૂર્ય મિશનના ભારતના પહેલા પ્રયાસમાં મહિલા વૈજ્ઞાનિકોનો સિંહફાળો ગૌરવ અને આનંદની બીના છે.જોકે પિતૃસત્તાક સમાજમાં વૈજ્ઞાનિક સંશોધનનો ગઢ પુરુષો માટે અનામત છે. થોડાં મહિલાઓ આ અભેધ્ય ગઢમાં ગાબડાં જરૂર પાડી શક્યાં છે અને તેમનો વિસ્તાર પણ થઈ રહ્યો છે પરંતુ હજુ મહિલાઓ માટે વૈજ્ઞાનિક સંશોધનમાં બરાબરની હિસ્સેદારી બહુ દૂરની વાત છે. હવે વિજ્ઞાનની દુનિયામાં મહિલાઓનો માણેકથંભ રોપાયો છે અને નાસાથી નોબેલ સુધી તે પહોંચ્યા છે. તો પણ વિજ્ઞાનમાં કારકિર્દી ઝંખતી મહિલાઓ માટે બહુ ઓછા મહિલા રોલ મોડેલ છે. લીલાવતી, આનંદીબાઈ જોશી, જાનકી અમ્માલ, અસીમા ચેટર્જી, કમલા સોહાની, અન્ના મણિ જેવા ગઈકાલના અને મુથૈયા વનિતા, રિતુ કરિઘલ, સૌમ્યા સ્વામીનાથન, એન કલાઈસેલ્વી, ટેસી થોમસ, ગગનદીપ કાંગ, મીનલ ઢકાવે ભોંસલે, નિગાર શાજી અને અન્નાપૂર્ણી સુબ્રમણ્યમ જેવા આજના મહિલા વૈજ્ઞાનિકોના નામો જરૂર સાંભરે છે.પણ તે પુરુષોએ મહિલાઓ માટે વાસી રાખેલા વિજ્ઞાન કિલ્લામાં અપવાદરૂપ છે.
વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓની ઓછી હિસ્સેદારી કે તેમની ઉપેક્ષા ભારત પૂરતી મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક બાબત છે. લગભગ એકસો વીસ વરસો( ૧૯૦૧ થી ૨૦૧૯) માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેડિસિનના ક્ષેત્રે ૬૧૬ લોકોને ૩૩૪ નોબેલ પુરસ્કાર મળ્યા છે. આ ૬૧૬ લોકોમાં માત્ર ૨૦ જ મહિલા છે. અત્યાર સુધીમાં માત્ર ત્રણ મહિલાઓને ફિઝિક્સનું નોબેલ મળ્યું છે. ભારતમાં યુવા વૈજ્ઞાનિકો માટે ૧૯૫૭માં સ્થાપિત પ્રતિષ્ઠિત શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ મેળવનાર પાંચસોમાં સોળ જ મહિલાઓ છે તે પૈકી કોઈને હજુ ફિઝિક્સમાં આ એવોર્ડ મળ્યો નથી. બીજી તરફ નવાઈ પમાડે તેવું વાસ્તવ એ છે કે યુ.કે., યુ.એસ. એ.માં ૨૦ ટકા થી ઓછાં મહિલા ફિઝિક્સ ગ્રેજ્યુએટ છે જ્યારે ભારતમાં ૩૨ ટકા મહિલાઓ ફિઝિક્સ ગ્રજ્યુએટ છે ! ૪૩ ટકા મહિલાઓ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરીંગ અને મેથ્સમાં સ્નાતક છે. જે અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનની તુલનામાં પણ વધારે છે. એટલે મહિલાઓમાં પ્રતિભાની ખોટ નથી.
તો પછી મહિલાઓની સંખ્યા વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે ઓછી કેમ છે ? સૌથી મોટું કારણ તો સમાજનું મહિલા વિરોધી વલણ અને પિતૃસત્તાત્મક માનસિકતા છે. ઘર ગૃહસ્થી, માતૃત્વ અને બાળઉછેરનો સ્ત્રીના માથે થોપી દીધેલો બોજ, રોજગારમાં થતો અન્યાય, રૂઢિવાદી લૈંગિક ધારણાઓ, વધુ મહેનત અને જ્ઞાનના કામો પુરુષો જ કરી શકે તેવી ખોટી માન્યતા જેવા કારણોને લીધે પણ મહિલાઓનું પ્રમાણ બહુ ઓછું હોય છે. ઈસરોના ૨૦૧૬-૧૭ના એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે અંતરિક્ષ વિભાગમાં સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ કેટેગરીમાં કુલ ૧૨,૩૦૦ વૈજ્ઞાનિકોમાં ૧૮૯૦ મહિલાઓ છે. અર્થાત માંડ છ ટકા . જો સંશોધનોમાં જ પ્રવેશ વર્જ્ય હોય તો પછી પુરસ્કારમાં તો ના જ હોય ને ? વળી પુરસ્કારોમાં પારદર્શિતાનો અભાવ પણ તેમને વંચિત રાખે છે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અહેવાલ પ્રમાણે હવે વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષ ૨૦૦૦-૦૧ માં વિજ્ઞાન સંશોધનમાં ૧૩ ટકા જ મહિલાઓ હતી જે ૨૦૧૮-૧૯માં વધીને ૨૮ ટકા થઈ છે. STEM ( સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરીંગ અને મેથ્સ) ના શિક્ષણમાં મહિલાઓનો પ્રવેશ વધે તે માટે સરકાર પ્રયાસરત છે. શિક્ષણ પ્રધાના ધર્મેન્દ્ર પ્રધાનના જણાવ્યા મુજબ ૨૦૧૭-૧૮માં સ્ટેમ એજ્યુકેશનમાં ૧૦.૦૨ લાખ મહિલાઓ હતી, જેમાં બે વરસ પછી ૨૦૧૯-૨૦માં ૫૪ હજારનો વધારો થયો છે. જોકે આ જ વરસે આ ક્ષેત્રે મહિલા રોજગારીની ટકાવારી ૧૪ ટકા જ હતી. તેથી નોકરી અને ડિગ્રી વચ્ચે ઘણું મોટું અંતર છે.
જરૂરિયાત એ શોધખોળની જનની છે તે કહેવત પ્રમાણે ભારતીય સમાજમાં ઘરકામ થી આરોગ્ય સુધીના કામોમાં મહિલાઓને જ વધુ શોધખોળ અને વિકલ્પોની જરૂર છે. ઘણી મહિલાઓએ આ બાબતે કામ કર્યું છે.પરંતુ તેમના યોગદાનને કોઈ મહત્વ મળ્યું નથી. હવે મહિલાઓના વિજ્ઞાન ક્ષેત્રે યોગદાનની માહિતી આપતા પુસ્તકો પ્રગટ થયા છે. એટલે તે ખોટ પૂરી થશે.
રોયલ સોસાયટી ઓફ લંડનની સ્થાપના ૧૬૬૩માં થઈ હતી પરંતુ ૨૮૧ વરસ પછી ૧૯૪૪માં પહેલી મહિલા ફેલો બની હતી. ૧૬૬૬માં સ્થપાયેલી પેરિસ એકેડેમી ઓફ સાયન્સિસમાં મહિલાને પહેલો પ્રવેશ ૩૧૩ વરસ પછી ૧૯૭૯માં મળ્યો હતો. પરંતુ ભારતમાં ૧૯૩૪માં સ્થાપના થયાના બીજા જ વરસે (૧૯૩૫માં ) ઈન્ડિયન એકેડેમી ઓફ સાયન્સિસે ઈ.કે.જી. અમ્માલને ફૈલો તરીકે પસંદ કર્યા હતા. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઓફ ઈન્ડિયા(સ્થાપના ૧૯૩૫)માં ૧૯૯૫-૯૬માં ડો.મંજૂ શર્મા પ્રેસિડેન્ટ તરીકે પસંદ થયા હતા.
સામાજિક વિજ્ઞાનના સંશોધનોની તુલનામાં ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનોમાં રાજકીય ચંચૂપાત ઓછો છે કે તે થોડો વધુ લોકતાંત્રિક છે તે બાબત વખાણવા યોગ્ય છે. મહિલાઓના પ્રવેશથી તે વધુ લોકતાંત્રિક બની શકે છે. જોકે ઈસરોના અત્યાર સુધીના તમામ ચેર પર્સન પુરુષો જ છે. તે મહેણું પણ આપણે ભાંગવાનું છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ . ૨ # અંશ ૩
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪.૨ ખર્ચ
અંશ ૨ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
ખર્ચ અને આવકના અંકોડા કેમ મેળવવા
સતત વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા આર્થિક ઉપાય તો આવકમાં પણ એ જ દરે વૃદ્ધિ કરવાનો છે. સ્વાભાવિક જ છે કે અર્થશાસ્ત્રીઓનાં પાઠ્યપુસ્તકોમાં આવો તર્કકેન્દ્રી, વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો, પરિગ્રહલક્ષી ઉપાય જ હોય, કેમકે તેમની માન્યતાનું મૂળ જ માનવજાતની વધતી રહેતી જરૂરિયાતો જ માનવ સભ્યતાના વિકાસનું ઈંધણ છે એ છે. આ માનવજાતની વધતી રહેતી જરૂરિયાતોની સ્વાભાવિક અપેક્ષા જ્યારે લોભનાં દૂષણથી ખરડાય છે ત્યારે ત્યારે વાત વણસતી પણ હોય છે !
જરૂરિયાતોને આવકની મર્યાદામાં રાખવી, અને જે મળે છે તેનાથી સંતુષ્ટ રહેવું એવો લગભગ સામેના છેડાનો કહી શકાય એવો ઉપાય ધાર્મિક અને સામાજિક સુધારાકો સુચવે છે. જેમ કોઈ પણ પશુ ભૂખ્યું ન હોય તો સ્વબચાવ સિવાય, શિકાર નથી કરતું. એમ લોભ પણ કોઈ પણ સરેરાશ માનવીનું લક્ષણ નથી. સામાની માનવી તો જે છે તેમાં જ સંતોષ માનીને સુખી રહી લેશે.
સામાન્ય માનવી સ્વભાવગત, કે સંજોગવશ, ખર્ચ અને આવકનાં અર્થશાત્રના ચક્રવ્યૂહથી દૂર રહે છે અને સાદી જિંદગીમાં બે વખતના રોટલાં ભોજનની મિઠાશ માણે છે. દરેક પ્રદેશમાં, દરેક સમયે, ટાંચામાં ટાંચાં આવકનાં સાધનો ધરાવતા સંતોને ત્યાંથી પણ કોઈ અભ્યાગત ભૂખ્યું નહોતું જતું એવી અનેક કથાઓથી ભારતની લોકસંસ્કૃતી સમૃદ્ધ છે. આપણી જ પેઢીના વિદ્યાર્થીકાળના દિવસો યાદ કરો – કેવી સાદાઈથી એ સમયની કેટલી મજાઓ આપણે માણી છે તેની ચિત્રપટ્ટી આંખો સામે તરી રહેશે. પોતાના આત્મસંતોષને અનુરૂપ ઓછા પગારની, પણ, ખુશી ખુશી નોકરી કરતાં લોકોના દાખલાઓ તો હવે સામાન્ય જ થઈ થયેલા ગણાય છે
જોકે બધાંએ સાધુસંતની જેમ જીવવું જરૂરી નથી, કે નથી પેટે પાટા બાંધીને જીવવાની જરૂર. જરૂર છે માત્ર અપેક્ષાઓ અને જરૂરિયાતોને બહેકી ન જવા દેવાની – આવકની વર્તમાન માર્યાદાને સ્વીકારી અને ખર્ચાઓને એ સીમાની અંદર ગોઠવી લેવાની. હા, એ માટે આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં જે આર્થિક શોષણની એક વૃત્તિ છે તેની ઓછામાં ઓછી અસર થાય તો આપણી આવક આપણી ક્ષમતા અનુસાર રહે એ આવશ્યક છે ખરૂં. તો વળી, જરૂરિયાતોની આપણી સાદગી બીજાંઓનાં શોષણ અને લોભની વૃત્તિને પ્રોત્સાહન આપી તેમની પોતાની આવક વધારવાનો સ્રોત ન બની જાય એ પણ એટલું જ જરૂરી છે. એટલેકે, આપણે જેટલાં સાદાં રહીએ અને આપણી આસપાસનાં લોકો લોભથી મદાંધ ન બને એવી સમાજ વ્યવસ્થાની આ કલ્પના છે. કમનસીબે, આદર્શ જીવનશૈલી અનુસરે એવાં લોકો બહુ જ અલ્પ સંખ્યામાં જ રહ્યાં છે. મોટા ભાગનાં લોકો તો થોભ વિનાની લોભ વૃત્તિથી જ પ્રેરાયલાં હોય છે.
આવા સંજોગોમાં શું કરી શકાય?
અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક તરીકે ‘ખર્ચ’ને લગતાં મહત્ત્વના પાસાંઓની ચર્ચાની સમાપ્તિમાં હવે પછીના મણકામાં, લોભથી ચાલતી અર્થવ્યવસ્થાની જગ્યાએ સંતોષનો માર્ગ – જીવનની નવી અર્થવ્યવસ્થા,ખર્ચશક્તિનું અર્થતંત્ર, ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ પર આધારિત સમાજની રચનાની વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઉલ્કા પિંડની ઉડતી મુલાકાત
પરેશ ૨. વૈદ્ય
ગયા અઠવાડિયે અમેરિકાની અવકાશ સંસ્થા ‘નાસા’એ કૈંક જુદું જ કરી બતાવ્યું. કરોડો માઈલ દૂર ના એક ઉલ્કાપિંડ (Asteroid) ‘બેન્નુ’ ની સપાટી પરથી થોડી ધૂળ અને કાંકરા એકઠા કરીને પૃથ્વી પર લઇ આવ્યા. અવકાશમાંથી આમ પદાર્થ લઇ આવવાનું તો પહેલા બન્યું જ છે.

તસવીર ‘નાસા’ની વેબસાઈટ પરથી 
ચંદ્ર પરથી માટી અમેરિકન અવકાશયાત્રીઓ લાવ્યા અને રશિયનોએ તો ત્યાં ગયા વિના ઘેર બેઠે જ એવાં સેમ્પલ મેળવ્યાં. એ પાછળની મહેનત અને ટેકનોલોજી પ્રશંસા પામ્યાં જ છે. બેન્નુ ચંદ્ર કરતા અનેક ઘણો દૂર છે. તેથી ય વધુ રસભરી વાત એ છે કે નાસા નું અવકાશયાન આ માટી ભરેલું પાત્ર કે કેપ્સ્યુલ લઇને પૃથ્વી પર આવ્યું નથી. એ તેને ફેંકી ને આગળ વધી ગયું છે, જેમ સવારે છાપાવાળો છાપાની ભૂંગળી તમારી બાલ્કનીમાં નીચેથી જ ફેંકે તેમ.

A sequence of images showing TAGSAM collecting dirt on Asteroid Bennu. (NASA/Goddard/University of Arizona, Public Domain/Wikimedia Commons) આપણા ચંદ્રયાનની તાજેતરની સફળતા બાદ આપણને નાસાનાં આ મિશનની વાતમાં વધુ સમજ પડશે. ચન્દ્રયાન-૩ નું લેન્ડર ‘વિક્રમ’ જયારે ચંદ્ર ઉપર ઉતરતું હતું તેને છેલ્લી ૧૫ મિનીટ દરમ્યાન ૬૦ થી ૭૦ કરોડ ભારતીયોએ શ્વાસ રોકીને જોયું. ચંદ્ર તરફ , એટલે કે ઉલટી દિશામાં રોકેટ ફોડીને લેન્ડરની ગતિ ધીમી કરી તે આપણને સમજાયું. એ હળવેથી ઉતરી શકે છે કે કેમ તે મુદ્દા પર બધાનું ધ્યાન હતું. આ ઉત્કંઠા પાછળ ચંદ્રયાન-૨ ની નિષ્ફળતા હતી. એ ધડામ દઈને પછડાયું હતું, તેવું તો નહિ થાય તેવી ભીતિ હતી. નાસાનાં ઉલ્કા મિશનની વાત આ પશ્ચાદભૂમાં રસપ્રદ છે.
ખગોળશાસ્ત્રીઓને ઉલ્કાઓમાં એ માટે રસ છે એ લગભગ સૂર્યમાળાના જન્મ જેટલી જ જૂની છે. એમ મનાય છે કે મંગળ અને ગુરુની વચ્ચે એક ગ્રહ હતો જે તૂટી ગયો અને તેના ટૂકડાઓ એક ભ્રમણ કક્ષામાં ફરે છે. તેને Asteroid belt કહે છે. મોટાભાગની ઉલ્કાઓ આ પ્રદેશમાં વસે છે. કેટલીક વળી એમાંથી છટકીને પોતાની આગવી ભ્રમણકક્ષામાં માં ફરે છે અને પૃથ્વીની મુલાકાતે પણ આવે છે. અમુક મીલીમીટર થી દશ બાર કિલોમીટર ના વ્યાસ ઉલ્કાના હોય છે. નાની હોય તે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતાં ઘર્ષણના કારણે સળગી જાય છે તો કોઈનો બચેલો ભાગ જમીન પર પડે પણ છે. બહુ જ મોટી ઉલ્કા ૬૫ કરોડ વર્ષ પહેલા ખાબકી અને તેનાથી ઉડેલી ધૂળ ના કારણે સુરજ ઢંકાઈ ગયો. ઘણી જીવસૃષ્ટિ નાશ પામી જેમાં ડાયનોસોર પણ ગણાય છે. મહારાષ્ટ્રમાં લોણાર નામની જગ્યાએ ઉલ્કાપતન ના ખાડામાં તળાવ બન્યું છે જે ખગોળરસીયાઓ નું યાત્રાધામ છે.
સમગ્રપણે ઉલ્કાના અભ્યાસ માં રસ એ જ છે કે તેમાં રહેલ દ્રવ્યો અને ખડકોનાં બંધારણની તુલના પૃથ્વી અને બીજા ગ્રહો સાથે કરી શકાય. એમાંથી સુર્યમાળાના અસ્તિત્વનો ઈતિહાસ જાણી શકાય. કેટલાક એમ માને છે કે પૃથ્વી પર જીવન શરુ કરવામાં આવી કોઈ ઉલ્કા નો ફાળો હોય. જેમ કે બેન્નુ ઉલ્કાપિંડ નું બંધારણ સેન્દ્રીય (કાર્બોનિક) છે. તો એના અભ્યાસ થી અહીનાં જીવનની ઉત્પત્તિ બાબત પ્રકાશ પડી શકે. આ રીતે નાસાએ અગાઉ પણ ઉલ્કાને સમજવાના પ્રયનો કર્યા છે. ૧૯૯૮ થી ૨૦૦૧ વચ્ચે ઈરોસ નામના પિંડ ની આસપાસ એક યાનને ફેરવ્યું. એના બધા અભ્યાસ થઇ ગયા પછી યાનને એ ખડક ઉપર જ ઉતાર્યું. એમાંથી ઘણું જાણવા મળ્યું. હાલ માં એક બીજો જુદા પ્રકાર નો પ્રયોગ કર્યો. જો કોઈ વિનાશકારી ઉલ્કા આપણા તરફ આવતી હોય તો તેનો માર્ગ બદલી શકાય? એ પ્રશ્ન નો જવાબ શોધવા માટે ૨૦૨૧માં એક યાન ડીડીમોસ (Didymos) નામના ઉલ્કા પિંડ તરફ મોકલાયું. ડીડીમોસનો એક જોડીઓ પિંડ દીમોરફસ (dimorphos) તેની પ્રદક્ષિણા કરે છે. આ જોડિયા ભાઈ સાથે કલાકે ૨૨૦૦૦ કિમી ની ઝડપે ધસતું આપણું યાન DART (Double Asteroid Redirection Test) જાણી જોઈને અથડાયું (સપ્ટેમ્બર ૨૦૨૨). માત્ર ૧૬૦ મીટરના આ લઘુચન્દ્રમાંથી ઘણો પદાર્થ વિખેરાઈ ગયો અને તેની ગતિ માં ફેરફાર થયો. એની પ્રદક્ષિણાનો સમય ૩૨ મિનીટ ઘટી ગયો.

કેપ્સ્યુલ આવીને પડી આપણે પાછા બેન્નુ ની વાત પર આવીએ. ૪૦૦ મીટર વ્યાસનો ધૂળ માટીનો બનેલો એ એટલો નરમ પિંડ છે કે એના ઉપર યાન ઉતરી ને પાછું ઉડી શકે કે કેમ તે પ્રશ્ન છે. એટલે તેને છરકતું અડકીને યાન જાય અને તે વખતે જ તેની માટીનો નમૂનો એકઠો કરે તેવી યોજના કરી. સમડી ઉડતી આવીને છાપરા પર થી સર્પને ઉપાડી લે તે રીતે. પ્રયોગને નામ અપાયું OSIRIS Rex ( Origins, Spectral Interpretation, Resource Identification, Security, Regolith Explorer.) પ્રત્યેક શબ્દ પ્રયોગ નો એક એક હેતુ વર્ણવે છે. જમીન ખોદવાના કોસ જેવું ડંડા ના આકારનું હથિયાર

કેપ્સ્યુલ ઉઘાડીને જમીનમાં ઘુસાડ્યું અને તે ક્ષણે વાયુનો જોરદાર બ્લાસ્ટ કર્યો. એથી ધૂળ કાંકરાનું મિશ્રણ ઉડીને એક પાત્રમાં જમા થયું. (એવા મિશ્રણને અંગ્રેજીમાં Regolith કહે છે). આ ક્ષણિક પ્રક્રિયા કરતુંક યાન આગળ વધી ગયું. પેલાં પાત્રને એક કેપ્સ્યુલમાં બંધ કર્યું. ૩૦ કરોડ કી.મિ. અને બે વર્ષ ની મુસાફરી કરીને આ પદાર્થો ૨૪ સપ્ટેમ્બરે પૃથ્વી પર આવી મળ્યા. એ માટે અવકાશયાન પૃથ્વી પર આવ્યું નથી. એને જવાનું છે એપોફીસ (Apophis) નામના બીજા ઉલ્કાપિંડ તરફ. એટલે પૃથ્વીથી એક લાખ કી.મિ. દૂરથી જ તેણે કેપ્સ્યુલને ફેંકી. કહો કે છોડી દીધી. કેપ્સ્યુલ સાથે એક પેરાશૂટ બાંધેલી જે વાતાવરણમાં આવતા ઉઘડી. કલાકે ૪૪૫૦૦ કી.મિ. ની ગતિ થી ફેકાયેલી કેપ્સ્યુલની ગતિ જમીનને અડતી વેળા પણ ૧૮ કી.મિ. હતી. ચંદ્રયાન લેન્ડર કરતા એ વધારે હતી પણ તેમાં માત્રા ધૂળ અને ઢેફાં હોવાથી એ અથડાય તેનો વાંધો નહોતો. લેન્ડરે હજુ પોતાનું કામ કરવાનું બાકી હતું તેથી તેને ઈજા પહોચાડવી ન પોષાય. અમેરિકામાં જ સોલ્ટ લેક સિટી નજીક ઉટાહના રણમાં એ પડી. રડારની મદદથી એ ક્યાં પડી તે જાણી એક હેલીકોપ્ટરથી ઉપાડી લેવામાં આવી. પૃથ્વીનાં વાતાવરણ નાં જીવાણું વગેરે તેને લાગુ ન પડી જાય તે માટે તેને નાઈટ્રોજન વાયુ થી ‘ધોઈ’ અને પછી સુરક્ષિત રીતે હાઉસ્ટન ખાતે જોન્સન સ્પેસ સેન્ટર લઇ ગયા છે.
ઓક્ટોબરની ૧૧ તારીખે (૩ pm UTC) આ ડબ્બો ખોલવામાં આવશે. તેનું જીવંત પ્રસારણ નાસા ના NASATV ઉપર કરાશે.* યોજના તો માત્ર ૬૦ ગ્રામ માટી લાવવાની હતી પરંતુ આશા છે કે તેમાં ૨૫૦ થી ૩૦૦ ગ્રામ પદાર્થો મળશે. જુદી જુદી ૩૮ પ્રયોગશાળાઓને તે વહેચવામાં આવશે જેથી દરેક લેબ પોતપોતાના અવલોકનો કરે. એમાંથી શું પરિણામો આવશે તે માટે તો બહુ રાહ જોવી રહી. દરમ્યાન OSIRIS Rex હવે નવા નામ OSIRIS APEX સાથે આગળ ગયું છે. વર્ષ ૨૦૨૬માં પહોચે પછી એના કામ નો રીપોર્ટ મળશે.
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
*
આ જીવંત પ્રસારણ સમયે થયેલી ચર્ચાઓનો વિડીઓ નાસાએ પ્રકાશિત કરેલ છે.
-
કાર્ટૂનકથા : [૮]
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના સાતમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. આ અંકમાં પણ મેં માત્ર કાર્ટૂન દોરીને મોકલ્યાં હતાં, જ્યારે સંવાદ હાથે લખવાને બદલે મુદ્રિત સ્વરૂપે મૂકાયા હતા. અહીં એ મૂળ કાર્ટૂન અને તેની નીચે સંવાદ મૂકેલાં છે.
વાર્તાવ્યંગ્ય


ઉધઈ ઉવાચ


(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
નૃત્યભંગિમાઓનાં રેખાંકનો – ૨
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક બીજો:પ્રવેશ ૧

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક પહેલો: પ્રવેશ ૫ થી આગળ
પ્રવેશ ૧ લો
સ્થળ : કનક્પુરની કચેરી
[કલ્યાણકામ અને પુષ્પસેન કચેરીમાં બેઠેલા પ્રવેશ કરે છે.]
કલ્યાણકામ: પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું?
પુષ્પસેન: કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો તો મંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ.
કલ્યાણકામઃ આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે સંદેશો મોકલેલો. તે પરથી તો જણાતું હતું કે દંગાથી એ બહુ ચિંતાતુર થયેલો હતો.
પુષ્પસેનઃ હું સૈન્ય લઇ જઇ પહોંચ્યો ત્યારે સ્થિતિ બહુ વિષમ હતી, અને એની ચિંતા સકારણ હતી એ ખરું. પરંતુ દોરી એના હાથમાંથી ખસી ગઇ હતી, તેથી એને ભય અને ચિંતા થયાં હતાં. શરૂઆતમાં તો દંગો કરનાર લોકોને એણે નાણાં આપેલાં અને હથિયાર આપેલાં એ હકીકત ચોખ્ખી રીતે મને માલમ પડી, અને લોકોને બેદિલ કરવા સારુ એણે કર ઉઘરાવનારાઓના જુલમ વિશેની ફરિયાદો ગણકારેલી નહિ. એટલું જ નહિ, પણ તેઓ જુલમ કરી શકે એવા નવા ધારા એણે કાઢેલા.
કલ્યાણકામ : એ બધામાં એનો હેતુ શો?
પુષ્પસેન : પર્વતરાય મહારાજ હાલ એકાંતમાં છે અને દેશને માથે રાજા નથી, તેવે સમયે દંગો કરાવીને ઉત્તર મંડળમાંના સૈન્યને પોતાના કાબૂમાં લઇ સૈનિકોને લૂંટફાટ કરવા દઇ, રાજૂ કરી આખરે તેમની મદદથી ઉત્તર મંડળના સ્વતંત્ર ઘણી થઇ બેસવું, એવો એનો ઉદ્દેશ હતો. આપે એની મહાત્વાકાંક્ષી લોભની પરીક્ષા કરી છે, તે યથાર્થ છે.
કલ્યાણકામ : એની એ યોજના કેટલેથી ભાંગી પડી?
પુષ્પસેન : દંગો તો એ જગાવી શક્યો, પણ પછી દંગાખોરો વશ રહ્યા નહિ. દુર્ગેશના મદદગારો ઉપર તેમણે હલ્લા કર્યા અને દંગાખોરો તથા સૈનિકોએ એવી અતંત્ર લૂંટફાટ ચલાવી કે આખું મંડળ ત્રાહિ ત્રાહિ કરવા લાગ્યું. પછી, લૂંટની વહેંચણી બાબત દંગાખોરો અને સૈનિકો વચ્ચે લડાઇઓ ચાલી, અને, તેઓ એક બીજાની કાપાકાપી કરવા લાગ્યા. દુર્ગેશ એક્નો પક્ષ લે તો બીજા ક્રોધાયમાન થાય, એમ બનવા લાગ્યું, અને, ન ટકાયું ત્યારે આપની પાસે મદદ મંગાવી.
કલ્યાણકામ :
(ઉપજાતિ)
દુર્વૃત્તિઓ જે જગવે જનોની,
તે ખેલ માંડે ભયનો કરેલો;
ભર્યાં તળાવોતણિ પાળ ખોદી,
રોકી શક્યા છે જલધોધ કોણ? ૧૯કડવા અનુભવથી દુર્ગેશને શિખામણ તો મળી; પણ ઉત્તરમંડળનું અધિપતિપણું એના હાથમાં હવે રહેવા દેવું હિતકર છે?
પુષ્પસેન : દંગો બેસાડી દેવામાં તો એણે મને ખરા અંતઃકરણથી મદદ કરી હતી, અને, એ મંડળમાં હવે સંપૂર્ણ શાંતિ થઈ ગઈ છે. પણ ચિત્તમાં એક્વાર પેઠેલું રાજદ્રોહનું વિષ પૂરેપૂરૂં નીકળી જવું બહુ કઠણ છે. અને, રાજ્યલોભનો કીડો એવો છે કે નરમ પડી ગયા પછી તે પાછો ફરી ફરી ચળવા આવે છે અને ચિત્તને કોરે છે. આપની મના ન હોત તો હું એનો શિરચ્છેદ કરત અથવા એને બંદીવાન કરત.
કલ્યાણકામ : દુર્ગેશનો પૂરેપૂરો વિશ્વાસ ન થાય એ ખરું છે, પણ એને હાલ સંકટમાં ઘેરીએ તો એની નિષ્ફળતાથી અસંતુષ્ટ થયેલા એના મિત્રો અને મદદગારો પાછા એને જઇ મળે. વળી એવા યુવકની ઉત્કૃષ્ટ બુધ્ધિશક્તિ રાજયના ઉપયોગમાં કદી પણ ન આવે એમ સદાને માટે રદ કરવી, એ પણ ઉચિત નથી. એને કનકપુરમાં ઉપમંત્રીને પદે બોલાવીશું તો અત્યારે તે ઉત્તર મંડળ છોડીને અહીં ખુશીથી આવશે. રાજ્યને ત્યાંનું ભયકારણ દૂર થશે, અને, પાટનગરમાં એ અંકુશમાં રહેશે.
[દ્વારપાળ પ્રવેશે કરે છે.]
દ્વારપાળ : (નમન કરીને) ભગવન્ત! રાણી સાહેબ તરફથી દાસી મંજરી સંદેશો લઇ ને આવી છે.
કલ્યાણકામ : આવવા દે.
[દ્વારપાળ જાય છે.]
પુષપસેન : પ્રધાનજી, ત્યારે હું રજા લઇશ.
કલ્યાણકામ : બેસો પુષ્પસેનજી, આપની સલાહની જરૂર પડશે.
[મંજરી પ્રવેશ કરે છે.]
મંજરી : (ઓવારણાં લઇને) સૌભાગ્યવંતા રાણીસાહેબે ભગવન્ત પ્રધાનજીને નમસ્કાર કહ્યાં છે, અને, કહેવડાવ્યું છે કે દક્ષિણથી ઝવેરી આવ્યો છે. તેની પાસેથી હીરા અને મોતી લીધાં છે. તેના એક લાખ દામ આપવા કોશાધીશને આજ્ઞા કરશો.
કલ્યાણકામ : ગયા માસમાં રાણીસાહેબને એક લાખ દામ મોકલ્યા હતા.
મંજરી : તે તો ઘણે ભાગે કાશીથી આવેલાં કસબનાં લૂગડાં લેવામાં ખરચાઇ ગયા, અને થોડા વધ્યા તે કોઠાર ખર્ચમાં વપરાયા. ઝવેરાત મંગાવી આપવાનું આપને રાણી સાહેબે પ્રથમ કહેવડાવ્યું હતું, પણ આપે ઉત્તર મોકલેલો કે દંગો વખતે લાંબો ચાલે તો નાણાંની જરૂર પડે, તેથી હાલ ઝવેરાત માટે ખરચ થાય તેમ નથી. પણ હવે તો દંગો શમી ગયો છે, અને ઝવેરી સારો માલ લઇ આવી પહોંચ્યો, તેથી રાણીસાહેબે ઝવેરાત ખરીદ કર્યું છે.
કલ્યાણકામ : પુષપસેનજી! દંગા સંબંધીનો બધો હિસાબ ચૂકી ગયો છે?
પુષ્પસેન : ઉત્તર મંડળમાં ચતુરંગ સેના માટે લીધેલા ધાન્ય અને ઘાસના બે લાખ દામ વેપારીઓને હજી આપવાના બાકી છે. વળી, સૈનિકો માટે લીધેલા ઘોડા અને શસ્ત્રના ત્રણ લાખ દામ આપવાના બાકી છે.
મંજરી : રાજ્ય હોય ત્યાં ખરચ તો ચાલ્યાજ જાય. મહારાજ એકાન્તવાસમાં હોવાથી રાણી સાહેબને આમ નાણાં માટે સંદેશા મોકલવા પડે છે, તેથી એમને બહુ ઓછું આવે છે. ભગવન્તે ઝવેરાત મંગાવવાની ના કહી ત્યારે રાણી સાહેબ રોયાં હતાં.
કલ્યાણકામ : રાણી સાહેબને અમારા નમસ્કાર કહેજો, અને ઝવેરીને અમારી પાસે મોકલી આપવા વિનંતિ કરજો. એને નાણાં ચુકાવી આપીશું.
[મંજરી નમન કરીને જાય છે.]
પુષ્પસેન : કોશાધીશ કહેતા હતા કે આવતી મોસમમાં કરનું ઉઘરાણું આવશે ત્યાં સુધી નાણાંની ટાંચ રહેશે.
કલ્યાણકામ : મંજરીએ છેવટે અશ્રુપાતનો ભય બતાવ્યો એટલે નિરૂપાય થઇ ગયો.
(ચામર)
સામ દામ દંડ ભેદ, જે ઉપાય છે લખ્યા,
ચાર તે નરોની બુધ્ધિશક્તિથીજ છે રચ્યાં;
રાજનીતિશાસ્ત્રકાર હોત તો સ્ત્રિઓ કદી,
અશ્રુપાત પાંચમો લખાત શાસ્ત્રમાં નકી.પુષ્પસેન : રાજકાર્યોના કઠણ અભ્યાસથી સ્ત્રીજાતિની મૃદુતાની આમાં અવગણના થઇ છે.
(તોટક)
મૃદુતા લલનાહૃદયે વસતી,
પ્રતિ અશ્રુ વિશે થતિ મૂર્તિમતી;
વિણ સિંચન એ મૃદુતારસના,
સૂકી કર્કશ આ બનિ જાય ધરા.[દ્વારપાળ પ્રવેશ કરે છે.]
દ્વારપાળ : (નમન કરીને) કોટવાળ સાહેબ અંદર આવવાની રજા માગે છે.
કલ્યાણકામ : એકલા છે?
દ્વારપાલ : સાથે સિપાઇઓ છે અને પકડેલા માણસો છે.
કલ્યાણકામ : સહુને અંદર આવવા દે.
[દ્વારપાળ જાય છે.]
[કોટવાળ, સિપાઈઓ અને હાથ બાંધેલા બે માણસો પ્રવેશ કરે છે.]
કોટવાળ : ભગવન્તને નમસ્કાર કરું છું.
કલ્યાણકામ : કોટવાલજી! આ બે માણસોનો શો અપરાધ છે?
કોટવાળ : આ બન્ને શખસો રાજમાર્ગ ઉપર ગાળાગાળી અને મારામારી કરતા હતા. તેમની મદદે તેમના પક્ષનાં માણસો આવ્યાં અને રસ્તામાં બહુ તોફાન થયું. સિપાઈઓએ તેમને રોક્યા પણ માન્યું નહિ, અને ઊલટા તેઓ સિપાઈઓને મારવા ધસ્યા.
કલ્યાણકામ : (પકડાયેલા માણસોને) તમને ઘેર અણગમો થતો હોય, તોપણ તુરંગમાં જવા શા માટે આતુર થાઓ છો? જાત્રાએ જાઓ.
પહેલો માણસ : ભગવન્ત! તુરંગમાં જવા જેવું કાંઇ કૃત્ય કર્યું નથી.
બીજો માણસ : ભગવન્ત! એ તુરંગમં જવાને પાત્ર છે. હું નિર્દોષ છું.
કલ્યાણકામ : જે નિર્દોષતા રાજદરબારમાં આવી ધારણ કરો છો તે ઘેર ધારણ કરી હોત તો કોટવાલજીને આટલી મહેનત પડત નહિ. તમારા વચ્ચે કલહ શાથી થયો?
બીજો માણસ: ભગવન્ત! આ મારો ગોર છે, હું એનો જજમાન છું. મારી દીકરી માટે સારો વર ખોળી લાવવા મેં એને પરગામ મોકલ્યો હતો. એ મારો વંશ પરંપરાનો ગોર છે. મારા તરફથી સારી રીતે દાનદક્ષિણા એને મળે છે. તે છતાં, મારી નવ વરસની બાળકીનું વેવિશાળ એંસી વર્ષના ઘરડા ડોસા સાથે એ કરી આવ્યો છે. ડોસાના પૈસા ખાઇને મારી દીકરીનો ભવ બગાડ્યો છે.
કલ્યાણકામ: ભવ બગાડ્યો શાનો? તું વેવિશાળ રદ કર.
બીજો માણસ: ગોર ચાંલ્લો કરી આવ્યા પછી વેવિશાળ કંઇ તોડાય?
કલ્યાણકામ: અન્યાયનાં બંધન છોડી ન નંખાય?
બીજો માણસ: ભગવન્ત! નાતની રૂઢિ પડી, તે શું કરીએ? અમારી નાતમાં વેવિશાળ કોઇ કારણથી તોડાતાં નથી. કોઇ તોડે તો નાતવાળા નાતબહાર મૂકે, અને કન્યાને બીજું કોઇ લે નહિ.
કલ્યાણકામ: યોગ્ય-અયોગ્યનો નાત વિચાર નહિ કરે?
બીજો માણસ: નાત તે વળી એવો વિચાર કરે ભગવન્ત?
કલ્યાણકામ: નાત સત્ – અસત્ પણ જુએ નહિ?
બીજો માણસ: શી રીતે જુએ?
કલ્યાણકામ: (પહેલા માણસને) ભૂદેવ! તમે કન્યાના પિતાતુલ્ય છો અને બિચારી કન્યાને કૂવામાં કેમ નાખી આવ્યા?
પહેલો માણસ: ભગવન્ત! કૂવામાં નથી નાખી. વર તો શ્રીમંત છે. બીજવર છે એટલે ઉમર તો સહેજ વધારે હોય. પણ કન્યા બેઠી બેઠી રોટલો ખાશે. અને, પરદેશી વૈદ્યરાજ આવ્યા છે તે મહારાજ પર્વતરાજનો ઉપચાર કરી રહે એ પછી એ વૈદ્યને રાખીને એ જ ઉપચાર આ વર કરશે, તો એ પણ જુવાન થઇ જશે.
બીજો માણસ: ભગવન્ત! આ ગોરે એવું કહ્યું તેથી જ લઢાઇ થઇ.મેં ગોરને કહ્યું કે તમને ડોસાએ પૈસા આપ્યા છે, તેના ચાર ભાગ કરો. એક ભાગ તમે રાખો, અને ત્રણ ભાગ મને આપો કે તેમાંથી એક ભાગ ડોસાને જુવાન કરવામાં ખરચીએ, અને બાકીના બે ભાગ મારે ઘડપણમાં ગુજરાન માટે ચાલે. મેં પૈસા માગ્યા ત્યારે ગોર સામી ગાળો દેવા લાગ્યા અને મારવા આવ્યા. એથી લોકો ભરાઇ ગયા અને હોહો થઈ ગઈ.
પહેલો માણસ: ભગવન્ત! મારા પૈસામાંથી હુ શેનો ભાગ આપું? મેં તો કામ જ કરી આપ્યું. વરને જુવાન થવું હોય તો વર પૈસા ખરચે, અને, કન્યાના બાપને નાણાં જોઇતાં હોય તો વર પાસે કઢાવે.
બીજો માણસ : ડોસાની પહેલી વારની બાયડીના છોકરા છે, તે હવે એક બદામ આપવા દે તેમ નથી.
કલ્યાણકામ : કોટવાલજી! અત્યારે અમારા ચિત્તને બહુ ક્ષોભ થયો છે. કાલે આ માણસોને હાજર કરજો. એમનાં બંધન કાઢી નાખજો. એમના દુરાચરણે એમને બાંધ્યા છે તે બસ છે.
કોટવાળઃ જેવી આજ્ઞા.
[કોટવાળ, સિપાઇઓ અને બન્ને માણસો જાય છે.]
પુષ્પસેનઃ મંત્રીશ્વર! નિત્યની આવી વસમી માથાઝીક આપને બહુ વ્યગ્ર કરતી હશે. અમારો તરવાર ફેરવવાનો ધંધો સહેલો અને ટૂંકો.
કલ્યાણકામઃ આવા આચારથી દેશની દુર્દશા થવા બેઠી છે, તે તરવાર ફેરવવાથી મટે તેમ નથી. મહારાજે ઘડપણમાં લગ્ન કર્યું ત્યાં પ્રજાજનનો એવા કૃત્ય માટે શી રીતે દોષ કઢાય? અને વૃધ્ધત્વ માટે માડેલા ઉપચારથી તો હજું જોણ જાણે કેટલાએ ફણગા ફૂટશે! હવે અત્યારે તો કચેરી બરખાસ્ત કરીશું.
[બન્ને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર – માધવ રામાનુજ / દીપ જલે…. – દેવિકા ધ્રુવ
(૧) એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર..
માધવ રામાનુજ
એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યાં છે નુપૂર… એકવાર યમુનામાં…ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં(૨) દીપ જલે….
દેવિકા ધ્રુવ
દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.કાચું કોડિયું વાત આ જાણે,
પરમ પુનિત ને પાવન.
મન – બરતનને માંજી દઈએ,
દર્પણ સમ દિલ ભાવન.
પછી ખીલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.નાની અમથી સમજી લઈએ,
ક્ષણની આવનજાવન.
આસોની અજવાળી અમાસે,ઝગમગ દીપ સુહાવન.
ૐકારના ગીતો ધરીએ,
સૂરીલી વાગે ઝાલર.અખંડ જ્યોતે ઝળહળ સૌને,
વંદન સહ અભિનંદન.
અભિનંદન, અભિનંદન.
