વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • બીજી ઓક્ટોબર કે’દીની ગઈ, પણ રેંટિયા બારસ તો હજી અગિયાર ઓક્ટોબરે જ ગઈ

    તવારીખની તેજછાયા

    ‘નેહરુ પછી કોણ’ એ પ્રશ્નના સંભવિત ઉત્તરોમાં જયપ્રકાશનું નામ લેવાતું રહ્યું, ને અંતકાળે ઉભર્યા એ ‘ગાંધી પછી કોણ’ના જવાબમાં…

    પ્રકાશ ન. શાહ

    બીજી ઓક્ટોબરનાં ઉજવણાં આછર્યાં ન આછર્યાં, સરકારી શોર શમ્યો ન શમ્યો ત્યાં વલસાડના ગાંધી વિચાર મંચ તરફથી આજે અગિયારમી ઓક્ટોબરે રેંટિયા બારસ નિમિત્તે સંમેલનના સમાચાર છે. જેમ મીરાંને રામ રમકડું, ગાંધીને તેમ રેંટિયો જડ્યો હતો. વ્યક્તિગત ઉજવણાંથી પરહેજ કરનાર એણે રેંટિયા જોડે જોડાવામાં સાર્થકતા જોઈ હતી.

    ‘જોડાવું’ અને ‘સાર્થકતા’ એ બેઉ શબ્દો મેં અહીં સાભિપ્રાય મૂક્યા છે. માર્ક્સવાદપૂર્વ માર્ક્સની ચાલના સંભારો. એની દાર્શનિક છટપટાહટની પૂંઠે એક ધક્કો એ હતો કે માણસ પોતાને વિખૂટો પડેલો, કપાયેલો સમજે છે એવું કેમ. જરી ઉતાવળે, કંઈક જાડી રીતે કહીએ તો કૃષિ સમાજમાંથી જે યંત્ર ઔદ્યોગિક સભ્યતામાં આપણે આવ્યાં- ‘ફ્રોમ ફાર્મ ટૂ ફેક્ટરી’ એ જે સંક્રાન્તિ થઈ એમાં ઉત્તરોત્તર સંકુલ બનતા જતા સમાજમાં આપણા કામ જોડે સહજ સંબંધ છૂટતો ગયો.

    બધું જ વાયા વાયા ને દ્વૈતીયિક. એસેમ્બલી લાઈન ચાલે ત્યાં વ્યક્તિગત કામદાર સામે પૂરું ચિત્ર ક્યાંથી હોય. તમે તમને છૂટા પડી ગયેલા અનુભવો. રેંટિયાના અર્થકારણની વાત પળભર છોડો, પણ એની સાથે જોડાતાં, તમે ‘એલિયેનેટેડ’ મટી જાઓ છો. (ઉમાશંકરે ‘ગોષ્ઠી’માં રેંટિયાનો જે આનંદ પ્રગટ કર્યો છે તે આ સંદર્ભમાંયે જોવા જેવો છે.)

    વળી, માર્ક્સ પાસે જઈશું જરી? એના અભિન્નસખા લેખે એન્ગલ્સનું નામ ઈતિહાસપ્રતિષ્ઠ છે. આ એન્ગલ્સે લંડન સ્લમ્સનો અચ્છો અભ્યાસ કીધો છે. ખુલ્લા ખેતરાઉ મલકમાંથી આવી કારખાને કેદ અને સાંકડી અસૂર્યપશ્યા ચાલોમાં ઘોલકાતાં જીવતરની એ અનવસ્થા માટે એન્ગલ્સે કરેલો મર્મવેધી પ્રયોગ ‘અનફીલિંગ આઈસોલેશન’- લાગણીહીણા એકાકીપણાનો છે.

    વિખૂટાપણા કે અનાત્મીકરણ કહેતાં ‘એલિયેનેશન’ના ખયાલે પરિચાલિત માર્ક્સની તાત્ત્વિક શોધ અને એન્ગલ્સ પ્રકારના અભ્યાસમાંથી મળતું વાસ્તવિક ચિત્ર મળીને આપણી સામે એક વિચારવલણથી માંડીને દર્શન શી શક્યતા લાવે છે. સંકુલસમાજના આ વાસ્તવ સામે ગાંધીની મથામણ સરલ, મુખોમુખ સમાજ વાસ્તે છે.
    લાંબી ચર્ચામાં જવાનો અહીં આશય અલબત્ત નથી. માત્ર બીજી ઓક્ટોબરમાં સમાતી ચાલેલી ગાંધી જયંતી, ક્યાંક ક્યાંક હજીયે રેંટિયા બારસ રૂપે શ્વસતી ને ધબકતી માલૂમ પડે છે એવા એક સહજ કૌતુક સાથે બીજા પણ એક જોગાનુજોગ નિમિત્તે થોડીકેક નુક્તેચીની કરવી છે. આ જોગાનુજોગ ભાદરવા વદ બારસને દહાડે અગિયારમી ઓક્ટોબરનો એટલે કે જેપી જયંતીનો છે.

    ઓગસ્ટ ક્રાંતિના વીરનાયક લેખે ઉભરેલા જયપ્રકાશ સ્વાતંત્ર્યોત્તર વરસોમાં ઉત્તરોત્તર પક્ષીય રાજકારણથી પરહેજ કરતા ગયા અને એક અર્થમાં કદાચ ખોવાઈ ગયા ને પછી પાછા ઝળક્યા તે ૧૯૭૪ – ૧૯૭૭માં બીજા સ્વરાજના વીર સેનાની તરીકે.

    વચલાં વરસોમાં એ ક્યાં હતા- બલકે, ક્યાં ક્યાં નહોતા! મુખ્યત્વે, અલબત્ત ભૂદાન આંદોલનમાં. અને, વિનોબાએ એક દીનહીન દલિત બાંધવને જમીન અપાવવાથી શરૂ કરેલ આંદોલનના વિરાટ સ્વરૂપમાં જયપ્રકાશ પૂરેવચ ખૂંપેલા સહભાગી હતા. એક તબક્કે ભૂદાન યજ્ઞે ભૂમિહીનો સારુ સુલભ કરેલ જમીનનો આંક સરકારોએ ટોચમર્યાદા હેઠળ કરેલ જમીન સંપાદનને વટી ગયો હતો તેમ શ્રીમન્નારાયણ આદિએ નોંધ્યું પણ છે. ક્યાંક ક્યાંક તો ગ્રામદાનને વટીને જિલ્લાદાન સુધી વાત પહોંચી હતી.

    સાંભળ્યા તો ઘણી વાર હશે, પણ જયપ્રકાશના એ કથિત બિયાવ્યાં વરસોમાં પહેલ પ્રથમ રૂ-બ-રૂ મળવાનું થયું તે 1966ના જુલાઈમાં, આપણા એકાંકીકાર ને એક કાળના ધારાસભ્ય જયન્તિ દલાલને ત્યાં. રવિશંકર મહારાજ (૮૨), ઉમાશંકર જોશી (૫૫)થી પ્રકાશ (૨૬) એમ આઠ-દસ મિત્રો હોઈશું. આપણે રાજ્યશાસ્ત્રના નવાસવા અધ્યાપક એટલે લગીર અદકપાંસળા પણ ખરા. જેપીને પૂછી પાડ્યું કે જ્યાં જિલ્લાદાન થયું (જેમકે કોરાપુટ) ત્યાં કોઈ રાજકીય સૂરતમૂરત બદલાઈ છે, કોઈ પ્રજાસૂય કિરણો વરતાય છે.

    જયપ્રકાશે સહજ સરળ શબ્દોમાં કહ્યું કે કોઈ અભ્યાસ થયો નથી. બિલકુલ નિખાલસ જવાબ હતો, પણ મને કેમ એ કંઈ અન્કન્સર્ડ લાગતા હશે? અતિસ્નેહ પાપશંકી? અત્યંત પ્રેમાદરવશ મારી અપેક્ષા સામે સરળ ઉત્તર ઊણો ઊણો લાગતો હતો. થયું, સન બયાલીસના વીરનાયક ક્યાં?

    જોકે એ બધાં વર્ષો સતત સક્રિયતાનાં ચોક્કસ હતાં. કાશ્મીર ને નાગાલેન્ડમાં ઠેકાણું પડ્યું એમાં એ ગાળાના જયપ્રકાશની કામગીરીનો ખાસો હિસ્સો હતો. બીજું પણ એમને નામે જમે બોલે છે- એમાં પણ ખાસ તો એક વરસના આરામનો સંકલ્પ છોડીને મુસહરીના અંતરિયાળ પંથકમાં ખૂંપીને ન્યાયકારી સહભાગી વિકાસ વાસ્તે મથવાનું થયું, અને બાંગ્લાદેશની મુક્તિ માટે વિશ્વમત કેળવવાનું થયું, એ એમના સાર્વજનિક જીવનનાં સોનેરી પાનાં બની રહેશે.

    તો, એમણે છોડ્યું’તું એ રાજકારણ રાજકીય પક્ષોની સત્તામારીનું જરૂર હતું, પણ પબ્લિક અફેર્સથી વ્યાપક અર્થમાં એમણે કદી કિનારો કર્યો ન હતો. સીધું પડવા જેવું લાગ્યું ત્યારે પણ વ્યક્તિગત સત્તાથી ઉફરાટે પરિવર્તનની રાજનીતિનો ધક્કો હતો. જ્યારે જોયું કે તળ રચનાકાર્ય પર સ્થાપિત સત્તા સવાર થઈ જાય છે, અને હવે તો એક અધિનાયકવાદી રુખ વરતાય છે ત્યારે એમણે સંપૂર્ણ ક્રાંતિના અભિગમ સાથે રાજકીય મોરચો ખોલ્યો. થયું, સન બયાલીસના વીરનાયક હાજરાહજૂર છે.

    વિનોબાએ સર્વ સેવા સંઘમાં સરસ કહ્યું હતું કે ગંગા (રચનાકાર્ય) હો કે બ્રહ્મપુત્રા (રાજકારણ) આપણ સૌને પસંદગીનો અખત્યાર છે. પણ વાત બની નહીં, કેમ કે જયપ્રકાશ હવે રચનાકાર્ય અને રાજનીતિના અનુબંધ વાટે વ્યાપક પરિવર્તનની લડાઈમાં હતા. હવે એ ગોઆલંદોના એ સંગમતીર્થે હતા જ્યાં ગંગા ને બ્રહ્મપુત્રા બેઉ મળી પદ્મા રૂપે વિરાટ બની વિલસે છે.

    નેહરુ પછી કોણ, વારંવાર પૂછાતું હતું અને જવાબમાં જયપ્રકાશ વખતો‌વખત ઝળકતા. જોકે, જયપ્રકાશ, ચોક્કસ અર્થમાં, ગાંધી પછી કોણ એ પ્રશ્નનો ૧૯૭૪ – ૭૭નો ઉત્તર હતા, અને એના અનુસંધાનમાં આજનો ધ્રુવતારક પણ.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧ – ૧૦ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • પ્રસિદ્ધિ

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    એક ઘટના વારંવાર વાંચવામાં કે સાંભળવામાં આવતી. વિમાનમાં એક ખૂબ જ પ્રખ્યાત અભિનેતાની બાજુમાં એક મોટા ઉદ્યોગપતિ બેઠા હતા. પેલા અભિનેતાએ ઉદ્યોગપતિને કહ્યું કે આપ તો મને જાણતા જ હશો, હું ફલાણો ફલાણો અભિનેતા છું. પરંતુ  ઉદ્યોગપતિએ જવાબમાં કહ્યું કે માફ કરજો હું આપને ઓળખતો નથી અને આપનું નામ પણ કદી સાંભળ્યું નથી. અહીં અભિનેતાને બદલે કોઇ જાણીતા ક્રિકેટર કે અન્ય કોઇ મોટી હસ્તીનું નામ અને બીજા કોઈ મોટા ઉદ્યોગપતિનું નામ લખીને પણ વાત કરી શકાય છે, મૂળ હેતુ તો પોતાની પ્રસિદ્ધિમાં રાચતી કોઈપણ જાણીતી હસ્તીને નહિ જાણતા લોકો પણ હોય છે એમ જણાવવા ઉપરાંત પેલી જાણીતી હસ્તીનો અહમ ઘવાયો હશે તેવી કલ્પનાનો આનંદ લેવાનો જ  છે.

    પ્રસિદ્ધિની ઝંખના નાનામોટા દરેકને હોય છે. પરંતુ માંડમાંડ પોતાનું પેટિયું ભરતા માણસને ‘કોઠીમાં જાર’ નામે ઓળખાતું અને મેરિટમાં બીજા નંબરનું સુખ કહેવાય છે તે પ્રાપ્ત થાય ત્યાં સુધી પોતાની  પ્રસિદ્ધ થવાની મનોકામના સુષુપ્ત અવસ્થામાં રાખવી પડે છે. આથી જ કહેવાય છે કે માણસને સંપત્તિનું સુખ મળ્યા પછી તેનો ડોળો  કીર્તિ પર જાય છે. કીર્તિ મેળવવા માટે વધારે લોકોમાં તે પ્રસિદ્ધ થાય તે જરૂરી છે. ક્યારેક પ્રસિદ્ધિ અને કીર્તિ એકરૂપ બની જતા હોય છે.

    મહાન હાસ્યલેખક જ્યોતિ‌ન્દ્ર દવેએ એક પ્રસંગ લખેલો છે. તેમના એક જૂના મિત્ર તેમના ઘરે પહેલી જ વખત આવવાના હતા. પોતે એક મોટા લેખક હોવાથી જ્યોતિ‌ન્દ્ર દવેને એવો ખ્યાલ હતો કે  મુંબઈ શહેરમાં અને ખાસ કરીને તેમના વિસ્તારમાં તો બધા તેમને જાણતા જ હશે. લોકભાષામાં કહીએ તો નાનું છોકરુંય તેમનું ઘર બતાવી શકે. આથી મિત્રને તેમણે જણાવેલું કે મારું ઘર શોધવામાં તમને તકલીફ નહિ પડે. અમારા વિસ્તારની કોઇપણ વ્યક્તિને તમે પૂછશો કે પેલા હાસ્ય લેખક  દવે ક્યાં રહે છ?  તો તે તરત આપને મારા ઘર સુધી દોરી જશે.

    પરંતુ પેલા મિત્રને અનુભવ થયો કે જે તે વિસ્તારમાં તો ઠીક, જ્યોતિ‌ન્દ્ર દવેને તેમનાં પોતાનાં બિલ્ડીંગમાં પણ  કોઈ ઓળખતું ન હતું!

    જો કે આપણા એ હાસ્ય લેખકે તો રમૂજમાં આ વાત કરી હતી. પણ ઘણાખરા લોકોને   પ્રસિદ્ધ થવાની ઝંખના હોય છે. માત્ર એટલું જ નહિ પોતે કેટલા પ્રસિદ્ધ છે તે જણાવવા આતુર હોય છે.  જ્યાં કોઇપણ પ્રકારનો લાભ થવાની શક્યતા જ ન હોય તેમાં મનુષ્યને પ્રસિદ્ધ થવા માટેની ઝંખના કેમ હશે તે સમજાતું નથી. કોઇ માણસને વધુ ને વધુ માણસો જાણે તો તેથી તેને થતા આનંદનું રહસ્ય મનોવૈજ્ઞાનિકોએ શોધવું રહ્યું.

    કોઇ વ્યક્તિને થોડા લોકો જાણે કે વધારે તેથી તેમની ભૌતિક કે આધિભૌતિક સ્થિતિમાં શું ફરક પડે છે તેનો ખ્યાલ નથી આવતો. વળી ચોક્કસ કેટલી સંખ્યામાં લોકો જાણે તો પ્રસિદ્ધ થયા કહેવાય તેવો કોઈ માપદંડ હજુ સુધી શોધાયો નથી.

    છાપામાં કોઇ સામાયિકમાં પોતાનું નામ છપાય તેથી થતો આનંદ પ્રસિદ્ધિનાં કુળનો હરખ છે.  મારા એક મિત્ર  નવાસવા લેખક બની બેઠા છે. કોઇ એક સામાયિકમાં એટલે કે પ્રિન્ટ મિડિયામાં સૌ પ્રથમ તેમનો એક લેખ પ્રસિદ્ધ થયો. આ બાબતે વધામણી કરતો તેમનો ફોન એક સવારે મારા મારા પર આવ્યો.

    .”આ મહિનાનું ‘સાહિત્યવાટિકા’ તમે વાંચ્યું?”

    “આવા કોઇ સામાયિકનું નામ પણ  મેં સાંભળ્યું નથી”

    “શું ભલા માણસ, મારી વાર્તા જેમાં છપાઈ છે તે સામાયિકનું નામ પણ તમે જાણતા નથી? તમે કેવા મિત્ર છો?”

    મેં દિલગીરી વ્યક્ત કરીને મિત્રને આશ્વસ્ત કરતા જણાવ્યું ”હું કોઇની પાસેથી મંગાવીને વાંચી લઈશ.” પછી તેમને પુરસ્કાર કેટલો મળ્યો તેમ પૂછતા તેમણે જણાવ્યું. “કોઇ સામાયિકમાં આપણું નામ છપાય તે કાંઈ ઓછો પુરસ્કાર છે!” આ રીતે તેમને કોઈ પુરસ્કાર મળ્યો નથી એ વાત બીટવીન ધ લાઈન જણાવી દીધી.

    પછીથી  મેં તે સામાયિક મેળવવા ઘણી જગ્યાએ તપાસ કરી. પરંતુ ક્યાંયથી મને મળ્યું નહિ.

    પરંતુ મિત્રે  કહ્યું કે ચિંતા ન કરો. મેં મિત્રો માટે વીસેક નકલો ખરીદી લીધી છે. તમને પણ  હું મોકલી આપીશ.

    આમ કોઇ કૃતિ માટે પુરસ્કારની આશા તો એક બાજુએ રહી પરંતુ  માત્ર ને માત્ર પોતાનું નામ છપાય તેથી કૃતાર્થ થઈ શકાય છે, પોતાને મળેલી આ સિદ્ધિની જાણ વધુ ને વધુ લોકોને થાય તે માટે ગાંઠના પૈસા ખર્ચીને પણ પ્રસિદ્ધ થઇ શકાય છે. આ જ પ્રમાણે ધન ખર્ચીને કોઇ સંસ્થા કે સભાના પ્રમુખ બનવાનો હેતું પણ પ્રસિદ્ધિનો જ હોય છે.

    ઉપર દર્શાવેલા ઉપાયો વડે સામાન્ય જનતાને પ્રસિદ્ધ થવું મુશ્કેલ હોય છે. આથી તેઓ યાત્રાધામામાં કે કોઇ પ્રવાસના સ્થળે પોતાના નામો લખીને કે કોતરીને ‘કીર્તિ કેરા કોટડા’ ઊભા કરવાના ઉપાયો અજમાવતા હોય છે.

    પ્રસિદ્ધ થવાની ઝંખનાથી હું પોતે મુક્ત નથી. એક જ બિલ્ડિંગમાં મેં સળંગ દસ વર્ષ નોકરી કરી અહીં બહુ જ ઓછા લોકો મને ઓળખતા હતા તેની જાણ તો હતી જ, પરંતુ એક દિવસે મારા માટે  એક કરુણ બનાવ બન્યો. તે  દિવસે હું સ્ટાફ માટેના સાયકલ સ્ટે‌ન્ડ પર મારી સાયકલ મૂકવા જતો હતો તે સમયે ત્યાંના વોચમેને મને એમ કહીને રોક્યો કે આ જ્ગ્યા તો સ્ટાફના લોકો માટે છે. તમે અહીં સાયકલ મૂકી શકો નહિ! પછી મેં મારી ઓળખાણ તો આપી. પરંતુ  મને આઘાત તો બહુ મોટો લાગ્યો. હું કોઇ જૂના જમનાના રાજાની જેમ વેશપલ્ટો કરીને તો આવ્યો ન હતો કે મને દરવાન ઓળખી ન શકે. પરંતુ મિત્રોએ આ માટે મારાં વ્યક્તિત્વને જવાબદાર ગણ્યું. પરંતુ મનોમન નિશ્ચય કર્યો કે કોઈપણ ઉપાયે વધુ ને વધુ લોકો મને ઓળખે તેવા ઉપાયો અજમાવવા. જો કે કોઇ  હજુ સુધી કોઈ  ઉપાય કારગત નીવડ્યો નથી.

    એવામાં ફેસબુક જેવા સોશિયલ મિડિયાનો પાદુર્ભાવ દેશમાં થયો. અહીં નવાનવા મિત્રો બનાવીને  તેમજ જેવા પણ આવડે તેવા લખાણ લખીને તેમનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો. અહીં પણ નિરાશ થવાના યોગ હતા. ફેસબુકના કોઇ મિત્ર રૂબરૂ મળે ત્યારે તો એમ જ કહેતા ”ઓળખાણ ન પડી તમારી”.  કેટલાક મિત્રોના અનુભવે એવો ખ્યાલ આવ્યો કે ફેસબુક પર પ્રસિદ્ધ થવા માટે પોતાના ફોટા  મૂકવા જોઈએ. જો બુઢ્ઢા થઈ ગયા હોઈએ તો યુવાનીનો ફોટો મૂકવો જોઈએ. એથી મેં મારા જૂના  જમાનાના શ્વેતશ્યામ ફોટા ફંફાસ્યા. પરંતુ એ તો જાણે મારા એક્ષ રે હોય  તેવા  લાગ્યા. એક મિત્રે સલાહ આપી કે બ્યુટી પાર્લરમા  બારાબર તૈયાર થઈને એક નવો જ ફોટો પડાવો. બ્યુટી પાર્લરવળા ભાઈએ કહ્યું  “આ વદન જે આકૃતિને પામ્યું છે તે જોતા જગતમાં કોઇ તેને સુંદર બનાવી શકે તેમ નથી. એક કામ કરો, પ્લાસ્ટિક સર્જરી કરાવો”. પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાતે પ્રયાસ કરવાનું સ્વીકાર્યું પણ ગેર‌ન્ટી આપવાની ના પાડી. આખરે મને લાગ્યું કે તસવીરવાળી યુક્તિ કામ નહી લાગે આથી બીજું કશું વિચારવું જોઈએ અને હજુ એ વિચારણા ચાલુ જ છે.

    મારી  એ વિચારણાને સમાંતર બીજી એક વિચારણા પણ ચાલુ છે. માણસને જાણીતા થવાનો ધખારો કેમ થતો હશે? શાસ્ત્રો અને ઉપદેશકોએ ભલે પ્રસિદ્ધ થવાની લાલસાને લોકૈષણા કહી હોય પરંતુ એ લોકૈષણાના મૂળ માણસનાં સામાજિક પ્રાણી હોવામાં છે. મારા અસ્તિત્વને કોઇ માન્યતા આપે તેથી જ મને મારા હોવાપણાની ખાતરી થાય છે. વધારે ને વધારે લોકો મારા અસ્તિત્વને માન્યતા આપે તેને જ આપણે પ્રસિદ્ધિ કહીએ છીએ. અને જીવન બીજું છે પણ શું? જેમ કોઇ પ્રવાસના સ્થળે જઈ આવ્યાની  જાણ વધુ ને વધુ લોકોને થાય તેવા પ્રયાસો  કરીને પ્રવાસને સાર્થક બનાવીએ છીએ તે રીતે આ પૃથ્વીના આપણે પણ પ્રવાસી છીએ તેની જાણ વધુને વધુ લોકોને થાય તેમાં જં આપણા જીવનની સાર્થકતા છે, ઇતિ મે મતિ.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • રિટર્ન ગિફટ

    વસુધા ઈનામદાર

    વહાલા ડૅંડી

    તમારી દૈહિક ગેરહાજરીને આજે પંદર વર્ષ થયાં. હું ત્યારે દસ જ વર્ષની હતી. એ ગોજારો દિવસ મને આજે પણ અકબંધ યાદ છે. આપણે બંને જણાં મારી બર્થ ડે પાર્ટીનું શોપિંગ કરવા જતાં હતાં, એ વરસાદી સાંજ હતી. મમ્મી આપણને ન જવા માટે મનાવી રહી હતી, પણ તમે ને હું શોપિંગ કરવાના મૂડમાં હતાં.

    તમે મમ્મીને મનાવવાના સૂરમાં કહ્યું હતું, “જો તારે ના આવવું હોય તો તું ના આવીશ, પણ મારી આ દીકરી માયા, મારી પરી.દસ વર્ષની થવાની ને એનું બર્થ ડે સેલિબ્રેશન તો એવું કરીશું કે બધાં જોતાં રહી જાશે. એ ધોધમાર વરસતો વરસાદ બંધ થતા જ, તમે ને હું નીકળી પડયાં. હજી તો માંડ વીસેક મિનિટનું ડ્રાઇવિંગ કર્યું હશે ને બાજુમાંની લેનમાંથી બેકાબૂ થયેલી ટ્રકે આપણી કારને ટક્કર મારી! જ્યારે હું ભાનમાં આવી ત્યારે આપણે હૉસ્પિટલમાં હતાં! મને ખાસ વાગ્યું નહોતું, પણ તમને માથામાં ઇજા થઈ હતી. ચાર દિવસ ડૉક્ટરે કરેલા બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. કોઈ તમને બચાવી શકયાં નહીં. જ્યારે પણ હું તમારી રૂમમાં આવતી ત્યારે તમારી નજર જાણે મને પૂછતી, ” બેટા, તું સહી સલામત છે ને ?” તમારી કરુણા વેરતી દૃષ્ટિ જ જાણે મારું કવચ બનીને મને સલામત રાખી. તમારી સાથેની એ અંતિમ ક્ષણો અમારાં સહુ માટે આશા -નિરાશાનું ભયંકર રોલર કોસ્ટર હતું.

    ડેડી ,મને યાદ છે હું નાની હતી ત્યારે તમે મને તમારા સ્ટેથસ્કોપથી તમારા કે મારા હૃદયનાં ધબકારા સંભળાવતા . ક્યારેક એ સાંભળવા મારા કાન સરવા થઈ જતા. કેટલી વાર મેં મારા કાન તમારી છાતી પર દબાવીને એ ધબકાર સાંભળ્યા છે. તમે કહેતા, “હું તમારા હૃદયનો ધબકાર છું.”

    ડૅડી એ સ્પર્શ, એ ઘબકાર મારા જીવનની સુવર્ણમય ક્ષણો હતી. એ પિતૃવાત્સલ્યની અમૂલ્ય ભેટ મેં મારા અંતરમા હજી સુધી જાળવી રાખી છે. હૉસ્પિટલમાં તે દિવસે હું તમારી રૂમમાં આવી હતી, મેં હળવેથી મારા કાન તમારી છાતી પર મૂક્યા તમારા ધીમા થઈ રહેલાં હાર્ટબીટ સંભળાવવામાં મને મમ્મીએ અને ડૉકટરે મદદ કરી હતી. તમારા એ ધબકારનાં ધાગા મારી જીવાદોરી બની છે. તમારા ગયા પછી મારી કોઈ બર્થ ડે મેં મમ્મીને ઉજવવા નથી દીધી. તમારી સાથે વિતાવેલી એક દાયકાની સ્મૃતિઓ વાગોળવાનો એ દિવસ, પણ મારી તેરમી વર્ષગાંઠને દિવસે મારી ઉદાસીનતાને દૂર કરવા મમ્મીએ એક સરસ મજાનું લાલ વેલ્વેટનું હાર્ટ આપ્યું.   તે મારી નજીક બેસીને બોલી ,” માયા, તું કલ્પના કર કે આ તારા ડેડીનું હાર્ટ છે….એની પર લખ, ‘આઈ લવ યુ ડૅંડી.’ હું મમ્મીને વિચિત્ર નજરે જોઈ રહી, મને થયું કે તે ગાંડી થઈ ગઈ છે!

    મમ્મી મને મનાવતી હોય તે રીતે બોલી, “જો તું તારા સુંદર હસ્તાક્ષરથી આ હાર્ટ ઉપર મેં કહ્યું તે પ્રમાણે લખીશ તો હું તને બર્થ ડે સરપ્રાઇઝ આપીશ”.

    માનું મન રાખવા મેં એ પ્રમાણે લખ્યું.

    મારા આશ્ચર્ય વચ્ચે તે બોલી ,”માયા, આ તારા હસ્તાક્ષરથી લખેલું વેલ્વેટનું હાર્ટ લે, ને મારી સાથે ગાડીમાં બેસ.”

    મેં કહ્યું, “મમ્મી, તું ભૂલી ગઈ કે ડેડીના ગયા પછી હું તારી સાથે ગાડીમાં નથી બેસતી, કેમ કે મને હંમેશા ડર રહે છે કે આપણને અકસ્માત થાય ને તું પણ પપ્પાની જેમ મને મૂકીને જતી  રહે તો?”

    મમ્મીએ મને સમજાવીને બહુ મોટી સરપ્રાઇઝની લાલચ આપી. મમ્મીએ આપેલું હાર્ટ હાથમાં લઈને હું ડરતી ડરતી ગાડીમાં બેઠી. ગાડીમાં બેસીને હું તમારા વિશે વિચારતી રહી, ડૅડ મને યાદ આવ્યું કે હું ને તમે પકડદાવ રમતાં. હું તમને ખૂબ દોડાવતી પછી તમે મને ઝટ દઈને પકડીને ઊંચકી લેતા ને વહાલથી હૃદયસરસી ચાંપી દેતા. હું પણ તમને વળગીને ચૂપચાપ તમારા હૃદયનાં ધબકાર સાંભળતી! ધક્‌ ધક્‌ , ઘક્‌ ધક્‌!! તમારા વિશે વિચાર કરવામાં સમય ક્યાં નીકળી ગયો ને એકાદ કલાકમાં તો અમે સરસ મજાના નાનકડાં મકાન આગળ આવ્યાં.

    ત્યાં અમને એક સુંદર યુવતીએ આવકાર્યા, ને સરસ મજાનું હુંફાળું ‘હગ’ આપીને અમને બેસાડ્યા. ને હળવા સાદે તે બોલી ‘ ડૅડ તમને મળવા કોઈ આવ્યું છે.’ તમારા કરતા ઉંમરમાં થોડાક મોટા એવા એક ઉમદા માણસે પણ હસીને અમારું સ્વાગત કર્યું. અમે એકબીજાના ખબરઅંતર પૂછયાં. મને ત્યારે જ ખબર પડી કે મમ્મી એમને ઓળખતી હતી.

    મમ્મીએ કહ્યું, “માયા,તારી સાથે તું જે લાવી છે તે તું એમને આપ.”  હું આશ્ચર્યથી મમ્મીને જોઈ રહી. મમ્મી બોલી, “તારા ડૅડીનું હૃદય આ અંકલને આપ્યું છે.”  હું અંકલની પાસે દોડી ગઈ. એમણે મને તમારી જેમ હદયે ચાંપી. મેં મારા વહાલસોયા પિતાના હૃદયની ધકઘક સાંભળી, મારી આંખમાંથી આંસુ સરી પડયાં સુખના કે દુઃખનાં ખબર ના પડી!

    ત્યારે મને સમજાયું નહોતું કે હું ખુશ હતી કે નાખુશ? પણ, હું એવું કાંઈક વિચારું તે પહેલાં એમની મોટી દોકરીએ કહ્યું, “આઈ એમ સો સૉરી ફોર યૉર લોસ,બટ યોર ! ફાધર ગેવ મી એ ગિફટ ઓફ માય ડૅડ. જો તમે એમનું હૃદય ડોનેટ ન કર્યું હોત તો આજે હું અને મારી અપંગ બહેન અનાથ હોત, વર્ષો પહેલાં અમારી માને અમે ગુમાવી દીધી છે.”

    હું કશું કહું તે પહેલાં એમની નાની દીકરી વીલ ચેરમાં આવીને મને અને મમ્મીને થેંક્યુ કહીને રડવા લાગી! મારાથી પણ મમ્મીને થૅકયું કહેવાઈ ગયું. તમે અંકલના હૃદયસ્થ છો જાણ્યા પછી તમારા હૃદયની ધક્‌ ધક્‌ સાંભળવા મારું મન ઘેલું બની જતું. સુખ દુઃખની અશબ્દ લાગણીથી હું ભીંજાઈ જતી! મારી અને તમારી ઘણી વાતો મમ્મીએ એમને કરી હશે એટલે જ કદાચ તેઓ જ્યારે હું એમને મળવા જઉં ત્યારે હળવેથી મારું માથું તમારા હૃદય પર મૂકતા. એ હૃદયની ધક્‌ ધક્‌ જાણે મને પૂછતી,  “માયા તું સલામત છે ને?”

    આજે એ વાતને વર્ષો થઈ ગયા. એમની દીકરીઓ હવે મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. અંકલ પણ મારા, ‘દોસ્ત ડૅંડ’ બન્યા છે. હું મારી બર્થ ડેના દિવસે એમને મળવા અચૂક જઉં છું  ને ફાધર્સ ડેનું કાડ ભૂલ્યાં વગર મોકલું છું. એમણે મને એક દિવસ કહ્યું ,”તું તારા પિતા વિશે વાત કર.” મેં એમને કહ્યું, “મારા પિતાએ મને જીવન આપ્યું છે. મારા પર અગણિત સ્નેહ વરસાવ્યો. તેઓ મારી દૃષ્ટિએ ખૂબ શક્તિશાળી ને કરુણાવંત હતા. હી વૉઝ માય સ્ટાર એન્ડ હી વૉઝ માય સુપર હીરો!!”

    અમે પહેલી વાર મળ્યા પછી હૃદય પિતા તરફથી સુંદર પત્ર આવ્યો હતો. તેમણે લખ્યું હતું, “તારા પિતાની વહાલી દીકરી,  હું ભલે તારો જન્મદાતા નથી, પણ તારા પિતા મારા પુનર્જન્મદાતા છે એ વાત હું ક્યારેય નહી ભૂલું! હું મારી બે દીકરીઓનો તો પિતા છું જ, પણ તારોય ‘હૃદય પિતા’ છું! તારા પિતાના હૃદયમાં તારા વિશે વહેતી સ્નેહ સરવાણી મારી પાસે અકબંધ છે. મારા પુનર્જન્મ સાથે જ તારું પણ આગમન મારા જીવનમાં થયું છે. આ હૃદયનાં ધબકારા તને કહેતા રહેશે ‘ બેટા તું સલામત રહેજે.”

    તેઓ ચિત્રકાર છે. એમણે મારો અને તમારો પોર્ટરેટ દોરીને મને કૉલેજ ગ્રેજયુએશનની ગિફટમાં આપ્યો છે!! ત્યારે મેં તમને ખૂબ મિસ કર્યા હતા!! હવે એ ‘હૃદયપિતાને’ હું ‘ દોસ્ત ડૅંડ ‘ કહું છું!!

    મારા જીવનના હરેક વળાંકે હું તમારી ખોટ અનુભવું છું. હવે હું નોકરી કરું છું. થોડા સમયમાં હું લગ્ન કરવાની છું. મેં મારા ‘દોસ્ત ડૅડ’ ને જઈને વાત કરી ને પૂછ્યું કે “તમે લગ્નમાં હાજરી આપશો ને? તમને મારું કન્યાદાન કરવું ગમશે ને?” સજલ નેત્રે એમની સંમતિ મળી . એમણે હંમેશની જેમ સ્ટેથસ્કોપ કાઢીને મને આપતા હસીને કહ્યું , “આજે બે ડૅડ એક જ હદયમાં બેસીને તને પૂછવાના છે કે બેટા તું સલામત છે ને? બેટા તું ખુશ છે ને? હૃદયની ધક્‌ ધક્‌ વધારે સંભળાય તો તું ગભરાતી નહીં.”

    મારું મન બોલી ઊઠ્યું, “થેંક યુ ડૅડ, ફૉર બીઇંગ ધેર્‌ ફૉર માય કન્યાદાન !! ” અને બાજુમાં બેઠેલી મમ્મીને હળવે રહીને કહ્યું , “થૅકયુ ફૉર હૃદયદાન”! મમ્મીએ તમારી અંતિમ ઇચ્છા પૂર્ણ કરી, તેનો મને આનંદ છે અને એ વાતનો મને ગર્વ છે.

    એકવાર મારા મિત્રે મને તમારા વિશે ખૂબ સરસ વાત કહી હતી. એણે કહ્યું હતું, ‘કેટલીક પાર્ટીઓમાં ‘રિટર્ન ગિફટ ‘ આપતા હોય છે તેમ તારા પિતા પૃથ્વી પરથી સ્વર્ગમાં જતા જતા ‘હૃદયદાન’  કરીને ‘રિટર્ન ગિફટ’ આપતા ગયા છે.

    ડૅડી આજે મારા મનની વાત તમને પત્ર દ્વારા જણાવીને હું ખુશ છું. આ સાથે મારા લગ્નમાં તમારી આત્મિક હાજરીની અપેક્ષા સાથે વિરમું છું.


    વસુધા ઈનામદાર | Email- mdinamdar@hotmail.com

  • પોષની એ રાત

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    કેટલાક લોકો એમનાં નસીબમાં સુખ લખાવીને નથી આવતા. હલ્કૂ પણ આવા દલિત લોકોમાંનો એક હતો. એનાં સંઘર્ષમય જીવનમાં સદા ત્રણ સાંધતા તેર તૂટે એવા સંજોગોનો સામનો કરવાનું લખાયેલું હતું. આખા દિવસની મજૂરી પછી પાછા આવેલા હલ્કૂએ ઘરમાં પેસતા જ એની સ્ત્રીને કહ્યું, “સહના આવ્યો છે તારી પાસે જે રૂપિયા હોય તે આપ, એને આપી દઉં એટલે બલા ટળે.”

    મુન્ની ઘરની સફાઈ કરી રહી હતી. રૂપિયા આપવાની વાત એને ઘા જેવી લાગી. પાછળ વળીને પતિ સામે જોતા બોલી, “ માંડ ત્રણ રૂપિયા ભેગા થયા છે, એ આપી દેશો તો કામળો ક્યાંથી આવશે? આ શિયાળાની રાતો કેવી રીતે કાઢશો? તેને કહો, તે પાક તૈયાર થશે એટલે આપી દઈશ.”

    હલ્કુ અનિશ્ચિત સ્થિતિમાં એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. પોષ મહિનો માથા પર આવી રહ્યો છે. વાત તો સાચી હતી ને કે કામળી વિના ખુલ્લા આસમાન નીચે ખેતરમાં રાતો કાઢવી કપરી થશે સાથે એને એ પણ ખબર હતી કે, એનો લેણદાર સહના માનશે નહીં ને કેટલીય તો ગાળો દેશે. આજે રૂપિયા નહીં આપે તો કાલે અડ્ડો જમાવી માથા પર ઊભો રહેશે. ઠંડીમાં ઠૂંઠવાનું સહી લેવાશે પણ આ સહનાની પઠાણી ઉઘરાણી નહીં સહન થાય. એવું વિચારીને કે તેણે ભારે મન સાથે સમાધાન કરી તેની પત્નીને કહ્યું, “આપ જોઉં કામળી માટે અન્ય કોઈ ઉપાય કરશું.”

    સહના હલ્કૂનો લેણદાર હતો. એની પઠાણી ઉઘરાણીને હલ્કૂ ક્યાં ટાળી શકવાનો હતો!

    મુન્ની આંખોમાં આંસુ સાથે બોલી “ખાક ઉપાય કરશો! કોણ આપશે તમને કામળી દાનમાં? કોણ જાણે કેટલા ઉધાર બાકી છે કે ચૂકવાતા જ નથી! હું કહું છું આ ખેતી કેમ છોડી નથી દેતા? આખો દિવસ મરી મરીને કામ કરો તોય દેવું ચૂકવાતું નથી. એને કહી દો ઉપજ થાશે ત્યારે બાકીના ચૂકવીશ અત્યારે એને રવાના કરો. પૈસા ચૂકવવા માટે તો આપણે જન્મ્યા છે,પણ અત્યારે હું રૂપિયા નહીં આપું.”

    હલ્કુએ ઉદાસીથી કહ્યું, “તો મારે શું ગાળ ખાવાની ?

    મુન્નીએ વેદનાથી કહ્યું, “તમને શું કામ ગાળો આપે એનું રાજ ચાલે છે ? પત્નીની ઉગ્રતા જોઈ હલકું થોડો ઢીલો પડી ગયો.

    પણ, બંનેના જીવનનું એક કઠોર સત્ય તેમને ઘૂરકિયા કરીને જોઈ રહ્યું હતું. ઘીસ ખાઈને મુન્નીએ અંદર જઈ સાચવેલા રૂપિયા હલ્કૂને આપતા બોલી, “તમે ખેતી છોડી દયો ને આપણે મજૂરી કરી રોજેરોજનું પેટ્યું રળશું. મજૂરીમાં બે રોટલી તો ખાવા મળશે. કોઈના લાળા તો ચાવવા નહીં પડે. એક તો ખેતી કરો અને ઉપરથી આ બધાનો રૂવાબ.”

    હલ્કૂ જાણે રૂપિયા નહીં હૃદય કાઢીને આપતો હોય તેમ સહનાને આપવા ગયો. બીચારી મુન્નીએ એક એક પાઈ ભેગી કરીને માંડ ત્રણ રૂપિયા બચાવ્યા હતા. હતી. દરેક પગલાં સાથે, અપમાનના વજન અને ગરીબીની શરમથી તેનું માથું ઝૂકી રહ્યું હતું પણ ધાબળો લેવા એકઠા કરેલા રૂપિયા સહાનાને હલ્કૂના દેવા પેટે આપી તો દેવા જ પડ્યા

    મુન્નીએ કોઈ ફાટેલાં કપડાંના ટુકડાઓથી ધાબળામાં થીગડાં મારીને કામચલાઉ કે આંશિક ઉકેલ આણી તો દીધો. છૂટકો ક્યાં હતો?

    રાત પડે ખેતરે પહોંચેલા હલ્કૂએ જોયું કે, પોષ મહિનાની રાતની કારમી ઠંડી આવા ફાટેલા ધાબળાથી તો સહન થાય એવી નથી એટલે બે-ચાર છાણાંનું તાપણું કરીને કે ચલમની બે-ચાર ફૂંક મારીને, એણે થોડી રાહત મેળવવાના વ્યર્થ ફાંફા મારતા ઠંડીમાં ઠુંઠવાતા માંડ રાત પસાર કરવા માંડી.

    અતિ દરીદ્રતામાં જીવતો હલ્કૂ એક વાતે સમૃદ્ધ હતો. કોઈ એની સાથે હોય કે ન હોય પણ આવી કપરી રાતમાં એની આસપાસ ફરતો એક માત્ર એનો સાથી કૂતરો હંમેશાં એને સાથ આપતો. જબરો એનું નામ. આવી કારમી ઠંડીવાળી રાત પૂરી કરવા આ એક જબરો જ તો હતો જેની સાથે હલ્કૂ વાત કર્યા કરતો.

    “ખબર નથી પડતી આ ઠંડી ક્યાંથી આવે છે ?, જાગવું તો પડશે, રાત કંઈ એમને એમ પૂરી થવાની નથી.” ચિલ્લમ પીતા હલ્કૂ સ્વગત બબડ્યો. “ખેતીની આજ જ તો રામાયણ છે, જબરા. ગરીબને છોડીને ભગવાન બાકી સૌની સાથે છે. કશો વાંધો નહીં આ શિયાળો પસાર થવા દે. ભાગ્યનું ગાડું ચાલશે તો આપણે પણ મજા કરીશું , ચાલ અત્યારે તો આવી જ મજા કરીએ! ”

    હલ્કૂ ઊભો થયો, ખાડામાંથી એક નાનો અંગાર લેતા તેના કૂતરા જબરાને કહ્યું, “જબરા આજનો દિવસ ઠંડી ખાઈ લે કાલે કૈંક વ્યવસ્થા કરશું. એવું હોય તો મારી જોડે ચલમ પી. ઠંડી તો જવાની હશે તો જશે પણ મનને સારું લાગશે.”

    જબરો પ્રેમથી એના માલિકને જોઈ રહ્યો અને જરા ખસીને એના માલિકની નજીક ગયો અને હલ્કૂએ જબરાના શરીરની ઉષ્માથી ગરમાટો અનુભવ્યો. ચલમ પીને હલ્કૂએ એક નિર્ણય સાથે લંબાવ્યું કે, “બસ હવે હું સૂઈ જઈશ.” પણ, ઠંડી ભૂતની જેમ એને વળગી. એ સૂઈ ન શક્યો એણે જબરાને પોતાની બાજુમાં કામળીની અંદર લઈ લીધો. કૂતરાના શરીરમાંથી ગંધ આવવા છતાં તેને ખોળામાં લેતા હલ્કૂને જે આનંદની અનુભૂતિ થઈ રહી હતી. આવી અનુભૂતિ મહિનાઓથી જાણે તેને મળી નહોતી. હલ્કૂ જબરાને તેના કોઈ પણ મિત્ર અથવા ભાઈ હોય એવા ઉત્સાહથી ગળે લગાડતો. જબરાના શરીરની ગંધથી એને ક્યારેય નફરત નહોતી થતી.

    એક કલાક વીતી ગયો. રાત્રે પવન સાથે ઠંડીનો કડાકો શરૂ થયો. હલ્કૂએ બેઠા બેઠા બંને ઘૂંટણને છાતી સુધી ખેંચીને તેમાં પોતાનું માથું છુપાવી દીધું છતાં ઠંડી ઓછી થતી ન હતી. એને લાગ્યું કે શરીરમાં લોહી થીજી રહ્યું છે. ધમનીઓમાં લોહીને બદલે બરફ વહી રહ્યો છે. તેણે ઊંચે નજર કરીને આકાશ તરફ જોયું, હવે કેટલો સમય બાકી છે! સપ્તર્ષિ આકાશમાં અડધો પણ ચડ્યો નથી. હજી રાત ઘણી બાકી છે.

    વળી એ જબરા સામે જોઈ રહ્યો, “જબરા આ ઠંડી સહન નથી થતી ચાલ પાંદડા ભેગા કરી આગ પેટાવીએ.” અને હલ્કૂએ બબડતા બબડતા બગીચા તરફ ચાલવા માંડ્યું.

    “જબરા તને સુગંધ આવે છે?”  ઝાડમાંથી ટપકતાં ઝાકળનાં ટીપાં, મહેંદીનાં ફૂલોની ગંધ સાથે એક એક પગલે હલ્કૂના શ્વાસનો નિસાસો સંભાળતો હતો. પણ જબરો તો પાંદડાના ઢગલામાંથી મળેલો હાડકાનો ટુકડો ચૂસવામાં મસ્ત હતો. પાંદડા એકઠાં કરીને હલ્કૂએ આગ પેટાવી. થોડો ગરમાટો મળ્યો અને એણે શરીરને પડતું મૂકી લંબાવ્યું.

    “તારે જે કરવું હોય તે કરી લે હું તો આ સૂતો.” જાણે ઠંડીને કહેતો ન હોય એમ કહીને એ હસ્યો. કડકડતી ઠંડીના જોરને જીતીને વિજયનો ખુમાર ચઢ્યો હોય એમ એણે લંબાવ્યું

    આગ બુઝાવા આવી હતી. હલ્કૂ કામળી ઓઢી ગીત ગાતો બેસી રહ્યો. ઠંડી વધતી જતી હતી. ત્યાં કોઈ સંચારનો અણસાર આવતા જબરો જોરથી ભસ્યો અને ખેતર તરફ દોડી ગયો. હલ્કૂને ખ્યાલ તો આવ્યો કે સંભવતઃ પ્રાણીઓનું ટોળું ખેતરમાં આવી ગયું છે. મોટાભાગે નીલગાયનો ટોળું હશે એવું પણ એને સમજાયું. તેમના કૂદકા અને દોડવાના અવાજો સ્પષ્ટ કાનમાં આવી રહ્યા હતા.  થોડી વારમાં કંઈક ચાવતા હોય એવો અવાજ સંભળાયો તેમ છતાં મનોમન આશ્વાસન લેતા બોલ્યો, “ હું ખોટી મૂંઝવણમાં છું. મારે શું ચિંતા! જબરો છે ને! એના લીધે કોઈ પ્રાણી મેદાનમાં આવી શકવાનું નથી. મને પણ કેવા કેવા ખોટા ભાસ થાય છે!”

    વળતી પળે એણે જબરાને બોલાવા બૂમો પાડી, “જબરા, જબરા.”

    જબરો ભસતો રહ્યો, પણ તેની પાસે ન આવ્યો તે ના જ આવ્યો. હલ્કૂને થયું કે એણે પણ ખેતરમાં આંટો મારવો તો જોઈએ પણ આ શિયાળાની ઠંડીમાં ખેતરમાં જવું અને પ્રાણીઓની પાછળ દોડવું એને અસહ્ય લાગ્યું. તે તેની જગ્યાએથી હટ્યો નહીં.

    પ્રાણીઓ નિરાંતે ચરવા લાગ્યા હશે એવું એને લાગ્યું તો ખરું. ખેતરમાં પાક તૈયાર હતો, ખરેખર ખેતી સારી થઈ હતી, પરંતુ આ દુષ્ટ પ્રાણીઓ તેનો નાશ કરી નાખશે એમ વિચારી એ મન મક્કમ કરી બચાવવાના સંકલ્પ સાથે ઊભો થયો અને બે-ત્રણ પગલાં ચાલ્યો, પણ અચાનક ઠંડીનો ચમકારો આવ્યો. ઠંડીના સૂસવાટામાં વીંછીના ડંખ જેવો અનુભવ થયો. રહીસહી હિંમત ઓસરી ગઈ ને ફરીથી તાપણા પાસે બેસી ગયો. આમ તો તાપણું ઠરી ગયું હતું પણ એની વેરાયેલી થોડી હૂંફાળી લાગતી રાખ પર પોતાના ઠંડા શરીરને ગરમ કરવાનું શરૂ કર્યું. જબરો ગળું ફાડીને ભસતો રહ્યો. નીલગાય આખા ખેતરને સાફ કરી ગઈ. હલ્કૂને લાગ્યું કે ઠંડા પડી ગયેલા શરીરની નિષ્ક્રિયતાનાં દોરડાંએ તેને બધી બાજુથી પકડી રાખ્યો હતો. કોઈ લાંબા વિચાર વગર ઠંડીથી થથરતો રાખની નજીકની ગરમ જમીનની હૂંફને પથારી સમજી સૂઈ ગયો.

    મુન્નીના ઢંઢોળવાથી માંડ હલ્કૂ જાગ્યો ત્યારે સૂર્યપ્રકાશ ચારેબાજુ ફેલાઈ ગયો હતો. ક્રોધ અને હતાશાથી કાંપતી મુન્ની એને હડબડાવતી, ચીસો પાડીને, કહેતી હતી કે, ‘હજી ક્યાં તમે ઊંઘતા રહેશો? આ જો આખું ખેતર ચવાઈ ગયું!”

    હલ્કૂ ઊભો થયો અને બોલ્યો, “તું ખેતરમાં થઈને આવી?”

    “હા, આખું ખેતર નાશ પામ્યું ને તમે દારૂના નશામાં પડ્યા રહ્યા?” મુન્ની હજી જાણે ચીસો પાડતી હતી.

    હલ્કૂ નિરાંતવા જીવે વ્યંગ કરતા બોલ્યો , “હું મરીને બચી ગયો, તને ખેતરની પડી છે. મારા પેટમાં કેવું શૂળ ઉપડ્યું હતું એની તને કેવી રીતે ખબર પડે આ ફક્ત હું જ જાણું છું!”

    પતિ-પત્ની ખેતરની હાલત જોઈ રહ્યા હતા. મુન્નીના ચહેરા પર ઉદાસી હતી, પરંતુ હલ્કૂ ખુશ દેખાતો હતો .

    મુન્ની હૈયાફાટ રડતી હતી એને આવતીકાલની ચિંતા હતી..એ બોલી “હવે તમારે મજૂરી કરવી પડશે.”

    હલ્કૂએ ખુશહાલ ચહેરા સાથે કહ્યું, “હા, હવે મારે રાત્રે ઠંડીમાં અહીં સૂવું નહીં પડે.” અને ફરી એ તદ્દન નિશ્ચિંત થઈને કામળો માથે ઓઢી પડખું ફરીને સૂઈ ગયો.”

    જરાક અમસ્તા કપરા ચઢાણ આવે તોય માણસની હિંમત તૂટી જાય એવા સમયે એક અભણ, દલિત વ્યક્તિની સહજભાવે સંજોગો સ્વીકારી લેવાની તાકાત, અલગ મિજાજને જોઈને પોષ મહિનાનો સૂર્ય હૂંફાળો તડકો વેરી રહ્યો.


    પ્રેમચંદ મુનશી લિખીત વાર્તા -પૂસ કી રાત- ને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૨૦. રવીન્દ્ર જૈન

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    એવા સંગીતકારો બહુ ઓછા જે સંગીત ઉપરાંત ગીતલેખન પણ કરતાં હોય. સંગીતકાર રવિએ એકલદોકલ ગીત લખેલા, કેટલાક ગાયેલા પણ. મૂલત: ગીતકાર એવા પ્રેમ ધવને કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપેલું. આપણા ગુજરાતના અવિનાશ વ્યાસ ગુજરાતી ભાષાના ઉત્તમ ગીતકાર અને સંગીતકાર હતા. એમણે અનેક હિંદી ફિલ્મોમાં પણ સંગીત આપેલું.

    રવીન્દ્ર જૈન એક અપવાદ હતા. જેટલા ગુણી સંગીતકાર એટલા જ ઉત્કૃષ્ટ કવિ પણ ! પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં એમની આ બેવડી ક્ષમતા ( આમ તો ત્રેવડી, એ અચ્છા ગાયક પણ ખરા ! ) ચકિત કરનારી હતી. તારાચંદ બડજાત્યા ( રાજશ્રી પ્રોડક્શન ) ની અનેક ફિલ્મોમાં એમણે ઉત્તમ ગીત-સંગીત પીરસેલું. જોકે એમને સૌથી વધુ ખ્યાતિ મળી રાજકપૂરની ‘ રામ તેરી ગંગા મૈલી ‘ થી.

    બહુધા જે ફિલ્મોમાં એમનું સંગીત હોય એમાં ગીતો પણ એ જ લખતા. એમની આ બેવડી ઉપલબ્ધિવાળી કેટલીક લોકપ્રિય ફિલ્મો એટલે સૌદાગર, ચોર મચાએ શોર, ગીત ગાતા ચલ, ચિત્તચોર, ફકીરા, તપસ્યા, અખિયોં કે ઝરોખે સે, સુનયના, નદિયા કે પાર, હિના વગેરે.

    એમના લખેલા મોટા ભાગના ગીત શુદ્ધ હિંદીમાં પ્રાદેશિક ભાષાઓની છાંટવાળા રહેતા. આશ્ચર્યની વાત એ કે એક નીવડેલા ગઝલકારની જેમ એમણે આ બે ગઝલો પણ આપી :

    અબ રંજ સે, ખુશી સે, બહારો – ખિઝાં સે ક્યા
    મહ્વે – ખયાલે – યાર* હૈં, હમકો જહાં સે ક્યા

    ઉનકા ખયાલ, ઉનકી  તલબ, ઉનકી આરઝૂ
    જિસ દિલ મેં વો હોં, માંગે કિસી મેહરબાં સે ક્યા

    હમને  ચિરાગ  રખ દિયા તૂફાં કે સામને
    પીછે હટેગા ઈશ્ક કિસી ઈમ્તેહાં સે ક્યા

    કોઈ  ચલે,  ચલે  ન  ચલે, હમ  તો  ચલ  પડે
    મંઝિલ કી ધુન હો જિસકો ઉસે કારવાં સે ક્યા

    યે બાત સોચને કી હૈ, વો હો કે મેહરબાં
    પૂછેંગે હાલે દિલ તો કહેંગે ઝુબાં સે ક્યા..

    ( *પ્રેમીના વિચારોમાં મગ્ન )

     

    – ફિલ્મ : દુલ્હન વોહી જો પિયા મન ભાએ ( ૧૯૭૭ )

    – હેમલતા

    – રવીન્દ્ર જૈન

     

    ક્યા  લિખું  કૈસે  લિખું  લિખને કે ભી કાબિલ નહીં
    યૂં સમજ લીજે કિ મૈં પથ્થર હું, મુજ મેં દિલ નહીં

    હર કદમ પર આપને સમજા સહી, મૈને ગલત
    અબ સફાઈ પેશ કર કે ભી કોઈ હાસિલ નહીં

    ઈસ તરહ  બઢતી ગઈં કુછ રાસ્તે કી ઉલઝનેં
    સામને મંઝિલ થી, મૈં કહતી રહી – મંઝિલ નહીં

    મૈં યે માનું યા ન માનું, દિલ મેરા કહને લગા
    અબ મેરી નઝદીકિયોં મેં દૂરિયાં શામિલ નહીં..

     

    – ફિલ્મ : માન અભિમાન ( ૧૯૮૦ )

    – હેમલતા

    – રવીન્દ્ર જૈન


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ – ૧૯૫૬ (૩)

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    શંકર (સિંઘ રઘુવંશી) – જન્મ ૨૫-૧૦-૧૯૨૨ – અવસાન ૨૪-૪ -૧૯૮૭ – જયકિશન જોડીમાંના શંકર અને શૈલેન્દ્ર-હસરતની ભાગીદારીવાળા શૈલેન્દ્ર (મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ – અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) ની શૈલીનો એક સ્વાભાવિક સુમેળ હતો એ વાત તો હવે બહુ સુવિદિત છે. તેની સામે મજાની વાત એ રહી છે કે શંકર અને જયકિશન તેમ શૈલેન્દ્ર અને હસરતની સ્વાભાવિક શૈલીમાં દેખીતો જરાપણ સુમેળ ન હોવા છતાં  બન્ને જોડીઓને કોઈ અકળ બળ જ આટલી બધી ઘનિષ્ઠ રીતે જોડી રાખતું હતું.

    ‘બરસાત’ (૧૯૪૯) માં આ ટીંમે ફિલ્મ સંગીતમાં એક નવો પ્રવાહ જ વહેતો કર્યો. એ સમયે ઉત્તર ભારતીય મૂળના સંગીતકારો પર ઉત્તર ભારત, તેમાં પણ પંજાબની, લોક સંસ્કૃતિ પર નોંધપાત્ર પ્રભાવ હતો.  એ સમયના મુખ્ય ગીતકારો ફારસી/ઉર્દુ પ્રચુર ગીતો લખતા. આવા પ્રચલિત વાતાવરણમાં શંકરના તેલુગુ ઉછેરના સંકારો અને જયકિશનના પાશ્ચાત્ય સંગીત અભ્યાસુ ઝોક તરફની કારણે આ જોડીનાં સંગીતે ભારતીય લોક ગીતો અને પાશ્ચાત્ય વાદ્યસજ્જાનું એક અનોખું જ વાતાવરણ ખડું કર્યું. શૈલેન્દ્ર અને હસરતની સ્વાભાવિક શૈલીઓએ આ નવા પ્રવાહને પોતપોતાની રીતે સીંચી. તે ઉપરાંત બરસાત (૧૯૪૯) અને આવારા (૧૯૫૧)ની સફળતા બાદ શંકર જયકિશને વર્ષે સાત સાત  આઠ આઠ ગીતોવાળી, અને અલગ અલગ નિર્માણ ગૃહોની, બબ્બે ત્રણ ત્રણ ફિલ્મો પણ કરવા માંડી. પરિણામે તેમનાં સંગીતમાં વૈવિધ્યનું તત્ત્વ પણ વધતું ગયું. દરેક ફિલ્મનાં લગભગ બધાં જ ગીતો સફળ રહે તે માટે તેઓ ખુબ મહેનત પણ કરતા.  લાગલગાટ પંદર વીસ વર્ષો સુધી આટલી બધી મોટી સંખ્યામાં આટલું બધું વૈવિધ્યપૂર્ણ, અને સફળ પણ, કામ કરતા રહેવાની તેમણે એક બહુ જ અનોખી કેડી કોતરી આપી.

    શંકર સિંધ રઘુવંશીના જન્મના મહિનામાં તેમની યાદને વધુ તાજી કરવાના આશયથી શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણી ઓક્ટોબર ૨૦૧૮થી આ મંચ પર શરૂ કરી હતી. તેમનાં બધાં જ ગીતોમાંથી ઓછાં સાંભળવા મળેલ ગીતોને અલગ  તારવવા માટે બધાં ગીતોને ફરી એક વાર બહુ ધ્યાનથી સાંભળવાની જે તક મળી એ જ મારા માટે બહુ જ આનંદનો વિષય બની ગયો.. અત્યાર સુધી

    ૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

    ૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

    ૨૦૨૦ માં ૧૯૫૪

    ૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક) અને,

    ૨૦૨૨માં ૧૯૫૬ (આંશિક – ૨) 

                                                 નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

    ૧૯૫૬નું વર્ષ સંકર જયકિશન માટે  તેમની મહેનતનાં ફળ રૂપ અત્યંત વ્યસ્ત અને સફળ વર્ષ હતું. આ વર્ષે તેમણે  સાત ફિલ્મો કરી. આ દરેક ફિલ્મની વાર્તા સાવ અલગ હતી એટલે ફિલ્મનાં દરેક ગીત માટે તેમણે નવો જ દૃષ્ટિકોણ સામે રાખવાનો થતો હતો. તેમ છતાં દરેક ફિલ્મનાં લગભગ ગીતો એ સમયે તો સફળ રહ્યાં જ,  તેમજ આજે પણ યાદ કારાય છે. ૨૦૨૧ના મણકામાં આપણે શંકર જયકિશને સ્વરબદ્ધ કરેલી ત્રણ ફિલ્મો, હલાકુ, કિસ્મતકા ખેલ અને બસંત બહાર,નાં ચુંટેલાં ગીતોની અને ૨૦૨૨ના મણકામાં ચોરી ચોરી, ન્યુ દિલ્હી અને રાજહઠ એમ બીજી ત્રણ ફિલ્મોનાં ગીતોની યાદ તાજી કરી હતી.

    હવે આજના મણકામાં તેમની ૧૯૫૬નાં વર્ષની સાતમી ફિલ્મ ‘પટરાણી’નાં ગીતો સાંભળીશું.

    પટરાણી (૧૯૫૬)

    ૧૯૫૩માં ‘બૈજુ બાવરા’ જેવી ઐતિહાસિક પૂષ્ઠભૂ પર શાસ્ત્રીય સંગીત પ્રચુર વિષયવાળી બેહદ સફળ પામેલી ફિલ્મના નિર્માતા પ્રકાશ પિક્ચર્સે હવે ગુજરાતના ઇતિહાસની પૃષ્ઠભૂવાળી વાર્તા પર રચિત ‘પટરાણી’ માટે શંકર જયકિશન પર પસંદગી ઉતારી. શંકર જયકિશનની સંગીત ક્ષમતાનું એક બહુ મોટું પ્રમાણ હોવા ઉપરાંત એક નવા જ  વિષય માટે સંગીત આપવાનો આ જોડી માટે આ બહુ મોટો પડકાર પણ હતો. જોકે, તેઓએ પોતાનાં પોર્ટફોલીઓના પાયાને વધારે વિશાળ બનાવવા માટે આવા પડકારો સામે ચાલીને ઝીલી લેવાની અપનાવેલી વ્યૂહરચના સાથે આ ફિલ્મ કરવી એ નિર્ણય સુસંગત પણ હતો.

    ફિલ્મમાં ૧૧ ગીતો હતાં. ફિલ્મના વિષયને કારણે જે પૈકી ૧૦ ગીતો શંકરે પોતા પાસે રાખ્યાં, એટલે એ દસ ગીતો લખ્યાં શૈલેન્દ્રએ.

    અરી કોઈ જાઓ રી પિયા કો બુલાઓ ગોરીકી પાયલ બાજે છમ છનનછમ – લતા મંગેશકર, ઉષા મંગેશકર, મીના મંગેશકર, કોરસ

    લગની તૈયારીઓ ચાલી રહી હોય ત્યારે સહેલીઓ દ્વારા દુલ્હનની મિઠી છેડછાડનું આ ગીત  કોરસ નૃત્ય ગીતનો એક બહુ પ્રેક્ષણીય નમૂનો છે.

    ચંદ્રમા મદ ભરા જ઼ૂમે બાદરમેં વો ખુશી અબ કહાં મુઝ બિરહનકે ઘરમેં – લતા મંગેશકર

    આમ તો ઊંચા સુરમાં વિરહની પીડા વ્યક્ત કરતું આ ગીત છે. ગીતમાં પૂર્વાલાપમાં અને પછીથી કાઉંટર મેલોડીમાં સરોદનો બહુ અભિનવ પ્રયોગ કરાયો છે.

    આ સરોદને વગાડનાર છે લલ્લુભાઈ. લલ્લુભાઈ એક સમયે પ્રકાશ પિક્ચર્સના મુખ્ય સંગીતકાર હતા. પરંતુ પછી કૃષ્ણ રાવ વ્યાસ અને નૌશાદ જેવા સંગીતકારોને સંગીત નિદર્શન સોંપાવા લાગ્યું એટલે લલ્લુભાઇની આર્થિક સ્થિતિ કથળતી ગઈ.  (શંકર) જયકિશનમાં પોતાનાં અમુક સંગીત માટે શ્રેષ્ઠ રીતે વાદ્ય કોણ વગાડી શકશે તે પારખવાની અજબ સૂઝ હતી. એટલે આકાશપાતળ એક કરીને પણ એ વાદકને જ તેઓ એ કામ સોંપતા. વળી તેઓ તેમના સાથીદારોને યોગ્ય મહેનતાણું સમયસર ચુકવાય એ બાબતે પણ બહુ સજાગ હતા. એટલે ‘પટરાણી’માં સહાયક સંગીતકાર તરીકે લલ્લુભાઈને બોલાવીને તેમણે એક કાંકરે બે પક્ષી માર્યાં. લલ્લુભાઈને થોડી આર્થિક મદદ મળી અને શંકર જયકિશનને આ ફિલ્મને અનુરૂપ ગીતોની બાંધણી અને વાદ્યસજ્જા ગોઠવવામાં લલ્લુભાઈની નિપુણતાનો પુરેપુરો લાભ મળ્યો. અહીં સરોદ વાદન પણ લલ્લુભાઈએ જ કરેલ છે.

    દુલ્હન ગોરી ઘુંઘટમેં મુસ્કરાએ દેખોજી કહીં ઉનસે ભી શરમાએ – સમુહ ગાયકો

    દુલ્હનને લગ્ન મડપમાં લાવવાની વિધિ દર્શાવતો એક નાનો પ્રસંગ જ છે, પરંતુ શંકર જયકિશને તેને માટે લગ્નગીતના ઢાળમાં માત્ર સમુહ ગાયકોના જ સ્વરમાં આ રચના કરી . અને એટલી જ પંક્તિઓ પણ શૈલેન્દ્ર પાસે જ લખાવી. અમુક સંવાદો બાદ માત્ર સંગીત જ પ્રસંગને આગળ ધપાવે છે. પોતાનાં સંગીતમાં ઝીણામાં ઝીણી બાબત પ્રત્યે તેઓ આટલી ચીવટ દાખવતા.

    કભી તો આ સપનોંમેં આ કે જાનેવાલે – લતા મંગેશકર

    શંકર જયકિશનના પ્રિય રાગો પૈકી ભૈરવીમાં આ ગીતની બાંધણી કરવામાં આવી છે.

    ન જાને તુમ કૌન મેરી આંખોમેં સમા ગયે….. સપનોંમેં મેહમાન બનકે મેરે દિલમેં આ ગયે – લતા મંગેશકર

    નાનપણથી સ્વપ્નાંઓમાં છવાઈ ગયેલ મૂર્તિને માટે પ્રેમની કબુલાતનો આનંદ ગીતમાં છલકાય છે.

    ઓ બલમા તુમ બેદર્દી …. મુંહ દેખી પ્રીત તુમ્હારી હમને દિલ સે પ્યાર કિયા  – લતા મંગેશકર

    અહીં પણ જેને નજરે જ જોયા છે એવા પ્રેમીની સાથે મીઠી ફરિયાદની વાત છે.

    ઊંચે મહલમેં રહનેવાલે કભી તો ઈધર દેખ લે …. દિલ દીયા દર્દ રહા સીને મેં – લતા મંગેશકર

    વિરહનાં ગીત માટે શંકર જયકિશને તેમની આગવી છાપ સમી વાદ્યસજ્જામાં ગીતની બાંધણી કરી છે.  પરંતુ પિયાનો સાથે સિતાર કે વાયોલિનના સમુહોના સુર ફિલ્મની વાર્તાના મૂળ ભાવને અનુરૂપ જ બની રહે છે..

    પાવન ગંગા સર પે સોહે માથે પે ચંદ્ર છત્ર છટા પ્યારી રે – લતા મંગેશકર

    આ નૃત્ય ગીત શિવની સ્તુતિ રૂપે મુકાયું છે. શરૂઆતના પૂર્વાલાપમાં નૃત્યના તાલને બોલમાં રજુ કરનાર પુરુષ ગાયકનું નામ નથી ખબર પડી. તે જ રીતે, સ્વાભાવિકપણે, સમુહ ગાયકો પણ ગીતમાં સાંભળવા મળે છે.

    શંકર જયકિશને ગીતની બાંધણી તરાના શૈલીમાં કરી છે. અમુક શબ્દોને પુનરાવર્તિત કરીને રાગને રજુ કરવાની શૈલી તરાના તરીકે ઓળ્ખાય છે, જેના શોધક તરીકે અમિર ખુશરૂને શ્રેય મળે છે, ઉસ્તાદ આમીર ખાં સાહેબે તરાનાને પોતાના અંદાજમાં રજૂ કરીને તેને વધારે પ્રચલિત કરેલ ગણાય છે. તેમણે અનેક રાગોને આ શૈલીમાં પ્રસ્તુત કરેલ છે, તે પૈકી રાગ હંસધ્વનિમાં તરાના સંભળીએ

    આ શૈલીને મળતો પ્રકાર કર્ણાટકી સંગીતમાં તિલ્લાના કહી શકાય જે સામાન્યતઃ નૃત્ય સમારોહના  અંતમાં વપરાય છે. શંકર જયકિશને આ પ્રકાર ‘ચોરી ચોરી (૧૯૫૬)માં પ્રયોજેલ છે.

    રાજા પ્યારે મત કરો પ્યાર …. ઈસ દુનિયામેં યહી ચીઝ અનમોલ – લતા મંગેશકર, ઉષા મંગેશકર, કોરસ

    રાજાના મનને બહેલાવવા માટે નૃત્ય સંગીતના કાર્યક્રમો યોજાતા રહેવાની પ્રથા બહુ સામાન્ય હતી.

    રંગ રંગીલે પગીયા બાંધે આયે રિતુ રાજ…. ડાલીયોં પર કલીયાં નાચે તાલી બજા – લતા મંગેશકર, કોરસ

    નૃત્ય ગીતમાં કોરસનો એક વધુ અભિનવ પ્રયોગ ….

    આટલાં વૈવિધ્ય સભર સંગીતને લોકપ્રિયતાનાં રૂપમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હશે એમ જરૂર માની શકાય.

    શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની આ શ્રેણી હજૂ આગળ ચાલતી રહેશે……

  • ફિલસુફીભર્યા ગીતો – ૧૫ – ये रंग बदलती दुनिया है, तकदीर से अपनी रूठो ना

    નિરંજન મહેતા

    ૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’નુ આ ગીત બહુ જ સંદેશાત્મક ગીત છે.

     

    बात बात में रूठो ना, अपने आप को लूटो ना
    ये रंग बदलती दुनिया है, तकदीर से अपनी रूठो ना

     

    लाज की लाली आज बनी है, भीगी पलकें अबरू तानी हुई है
    आँखों में सुर्खी दिल में मुहब्बत, होंठो में छूपी हंसी है

     

    ढलती है राते ले कर अँधेरा, लायी बहारे नया सवेरा
    जीवन सफर में दुःख होया सुख हो करना है फिर भी बसेरा

     

    फुल ख़ुशी के हर कोई ले ले, कोई ना देखे आंसू के मेले
    तुम जो हँसे तो हंस देगी दुनिया, रोना पडेगा अकेले

     

    રિસાઈ ગયેલી નૂતનને શોભા ખોટે સીધેસીધું મનાવવાને બદલે આ સંદેશાત્મક ગીત દ્વારા તેને જીવનની સચ્ચાઈ દર્શાવવા પ્રયત્ન કરે છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન. સ્વર છે લતાજીનો.

    કેટલાક લોકોને વાત વાતમાં ખોટું લાગવાની અને રીસાવાની ટેવ હોય છે. તેમને માટે આ ગીત એકદમ બંધ બેસે છે. કહે છે કે આ દુનિયા બધાને બધી રીતે અનુકુળ ન પણ હોય કારણ તે અતરંગી છે. એટલે તમારા નસીબમાં જે લખાયું છે તેનાથી મોં ન ફેરવો. જે તમારા ભાગ્યમાં લખાયું છે તે તો બનીને જ રહેવાનું.

    બીજી કડીમાં નૂતનના મુખના હાવભાવને વર્ણવાયા છે કે તેના મુખ પર લાજની લાલી છવાઈ છે, ભીની પાંપણો તેના ભવાંને તાણે છે, આંખોમાં સુરખી અને દિલમાં પ્રેમ છે તો હોઠો પર છુપાયેલું સ્મિત છે.

    એ તો વિદિત છે કે રાત પછી દિવસ આવે છે, એટલે કે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ નિશ્ચિત છે. આમ જાણવા છતાં વ્યક્તિ અફસોસ કરે છે અને પોતાના દુઃખના રોદણા રડે છે. તેમને સમજવું જોઈએ કે ગમે કે ન ગમે એવું જીવન જીવવું પડે છે.

    ખુશીની ઝંખના હરકોઈને હોય છે પણ કોઈના આંસુ કોઈ લેતા નથી. એટલે કે અન્યના દુઃખમાં ભાગ્યે જ લોકો ભાગીદાર બને છે કારણ તમે જો હસશો તો અન્યો તમારા હાસ્યમાં એટલે કે સુખમાં સાથ આપશે પણ જો તમે દુખી હશો અને રડવા બેસશો તો કોઈ તમને તેમાં સાથ નહિ આપે.

    સાર એટલો જ કે આ જિંદગી જેવી છે તેવી સ્વીકારો અને તેને માણો. અન્યો પાસે કોઈ અપેક્ષા વગર જીવશો તો તમારું જીવન સુખમય અને સાર્થક થઇ રહેશે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ઘુઘરી જેવો અવાજ, નમણું અને મીઠડું એટલે શ્વેતનયના

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    ઘણું તરવરાટ વાળું નાનું પણ મીઠડું પક્ષી એટલે બબુના/ શ્વેતનયના, મીઠો ઘંટડી જેવો અવાજ હોય. નાનું, નમણું અને કોમળ પક્ષી છે જેને જોઈને તરત તેના રંગરૂપ અને તરવરાટને કારણે  ધ્યાન પોતાની તરફ  ખેંચે. કદ નાનું હોય પણ તરવરાટ ઘણો હોય છે. તેઓ ૧૫ થી ૨૦ ની સંખ્યામાં એક વિસ્તારમાં વૃક્ષોમાં રહેતા હોય છે . તેવા સમયે જ્યારે ઘણા બધા એક સાથે ઘંટડીના રણકારની જેમ બોલવા લાગે તો શાંત વાતાવરણ પણ એકદમ જીવંત થકરી દે છે. ૧૮૨૪ ની સાલમાં કોર્નાર્ડ જેકોબ તેનું નામ ઓરિએન્ટલ વ્હાઈટ આઈ આપ્યું હતું પરંતુ ભારતમાં તેમની પ્રજાતિ જુદી હોઈ પછીથી તેનું નામ ઇન્ડિયન વહાઇટ આઈ રાખવામાં આવ્યું.

    શ્વેતનયના/ બબુના /Indian White-eye /Oriental White – eye /Zosterops palpebrosa / हिंदी: मोतीचूर /बबुना / संस्कृत: चटकीका/ पुत्रिका
    કાળ: ૧૧ સે.મી – ૪ ઇંચ.

    મુખ્યત્વે ઉપરનું શરીર સુંદર ચમકીલા પીળાશ પડતું લીલું શરીર અને આંખને ફરતી સ્પષ્ટ સફેદ રિંગનો / વલય એમ પીળો અને આંખની રિંગનો સફેદ સમન્વય એ ભેગા મળી આ નાના પક્ષીને સુંદર બનાવી દીધું છે. દાઢી, ગળું અને પૂંછડીનો પેટાળ તરફનો ભાગ ચમકતા પીળા રંગના હોય છે. આંખની નીચે અને આગળ તરફ થોડો કાળો ભાગ જાણે આંખની પાસે ભારતીય નૃત્યઆંગના જેમ મેકઅપ કર્યો હોય તેવો દેખાવને ઓપ આપે. છાતી અને પેટાળ તેમજ પગ રાખોડી, ચાંચ કાળી હોય છે. તેઓમાં નર અને માદા બંને હંમેશા સરખા દેખાય છે.

    પોતાના નિભાવ માટે બીજા ઘણા પક્ષીની જેમ ફૂલનો મધુરસ એટલેકે વનસ્પતિજન્ય પુષ્પરસ પીતાંપીતા  પરાગનયનની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે અને કીટભક્ષી હોઈ જીવાત વ્યવસ્થાપનમાં સીધો ભાગ ભજવે છે કારણકે તેઓ કીટકો ઉપર પણ નભે છે. કીટકની વસ્તી નિયંત્રણ કરવામાં પોતાનું યોગદાન આપે છે. આ કારણે કીટનાશક દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત નહિવત થઇ જાય છે. ખોરાકમાં મુખ્યત્વે મધુરસ પીવાના શોખીન હોય છે અને ઝીણી જીવાત ખાવા માટે જીભ લાંબી હોય છે. જીભ ચાંચની બહાર નીકળી શકે તેટલી લાંબી હોય છે જેમાં આછી રૂંવાટી પણ હોય છે. પોતાનો ખોરાક શોધવા માટે પાંદડાની પાછળ તેમજ વૃક્ષના થડ ની તિરાડો ફેંદી વળે છે અને તેના માટે ઊંધા માથે લટકી શકે છે. આવા સમયે જીવાત શોધતી જાય, ખાતી જાય અને સુમધુર ગાતી જાય. આ દ્રશ્ય જુવો તો એક નાના પક્ષીની કાબેલિયત દેખાઈ આવે છે.

    તેઓ પોતાની બોલીથી પોતાના ઝુંડની સાથે સતત સંપર્કમાં રહે છે અને સતત બોલતા અને તરવરતા વૃક્ષમાં કાર્યશીલ રહે છે. વૃક્ષોમાં ફરનારું આ પક્ષી ખાસ કરીને જમીન ઉપર આવતું નથી. તેઓ ઘટાદાર વૃક્ષો અને ફૂલોવાળા બગીચાનું બારમાસી ભારતીય વ્યાપક પક્ષી છે.

    ભારતના જુદા જુદા પ્રદેશમાં ઋતુ પ્રમાણે ફેબ્રુઆરીથી  સપ્ટેમ્બર મહિના સુધી તેમની પ્રજનનની ઋતુ હોય છે જેમાં મોટા ભાગના વિસ્તારમાં મે મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન પ્રજનની ઋતુ રહે છે. એક વાટકી/ કપ આકારનો જલ્દી દેખાય નહિ તેવી જગ્યાએ કરોળિયાના જાળા થી લઈને વૃક્ષમાંથી ખેંચેલા રેસાઓ વગેરેમાંથી મુખ્યત્વે ૬ થી ૮ ફૂટની ઊંચાઈ ઉપર માળો બનાવે છે. ક્યારેક ઘણી ઊંચાઈ ઉપર પણ માળા જોવા મળે છે.

    એક ઋતુમાં માદા ૨ થી ૪ ઈંડા એક સાથે મૂકી શકે છે જે ઈંડા સેવવાનું કામ કરે છે.

    તેઓ ભારતવર્ષ ઉપરાંત એશિયા ના બાંગ્લાદેશ, મ્યાનમાર તેમજ શ્રીલંકામાં જોવા મળે છે.

       *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

       *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

        *Love – Learn  – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : સરુ

    ગિજુભાઈ બધેકા

    તમે કોઈ વાર ઊંચું ઊંચું સીધું સીધું જાણે આકાશ સુધી વધેલું અને લીલુંછમ એવું ઝાડ કોઈ બાગમાં જોયું હોય તો તે સરુનું ઝાડ છે એમ સમજવું.

    તમે દિલરુબા કે સારંગી વગાડનારને કામઠીના ઉપર પીળો કટકો ઘસતાં જોયો છે ? એ કટકાને બેરજો કહે છે. એ સરુ ઝાડના દૂધમાંથી બને છે.

    કેટલાએક લોકો સરુને પીળા બેરજાનું ઝાડ કહે છે. એનું બીજું નામ હિંદીમાં ધૂપસરમ છે. એનું દૂધ અગ્નિ ઉપર નાખવાથી ધૂપ જેવી સુગંધ આવે છે.

    તમારે માથેથી કોઈ વાર વાળ ચાલ્યા જાય તો સરુનાં પાંદડાં પાણીમાં વાટીને ચોપડવાં, એમ એક ચોપડીમાં લખેલું છે. તમે તો નાનાં છો એટલે તમારા વાળ તો ભાગ્યે જ જાય પણ તમારા દાદાને માથે તાલ પડી હોય તો તેમને આ વાત કહેજો.

    સરુનું ઝાડ બાગની શોભા છે. કોઈ સારા બાગમાં જઈ તેને શોધી કાઢજો.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • કોઈનો લાડકવાયો (૩૩) – વિદ્રોહનો નવો દોર

    દીપક ધોળકિયા

    ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટનની રાણીએ જાહેરનામું બહાર પાડીને ઈસ્ટ ઇંડિયા કંપનીની જગ્યાએ ભારતનું આધિપત્ય પોતાના હાથમાં લઈ લીધું.  રાણીએ રાજાઓને ખાતરી આપી કે બ્રિટન હવે એમના પ્રદેશો પર કબજો નહીં કરે, બદલામાં રાજાઓએ પણ બ્રિટન હસ્તકના મૂળ ઈસ્ટ ઇંડિયા કંપનીએ પ્રાપ્ત કરેલા પ્રદેશો પર હુમલા ન કરવા. રાજાઓની હિંમત તો નહોતી  કે એ બ્રિટિશ ઇંડિયાના પ્રદેશો પર હુમલા કરીને પોતાના ગુમાવેલા પ્રદેશો પાછા લઈ લેવાની કોશિશ કરે, પણ એમને પોતાનાં રાજ્યો અકબંધ રહેશે એવી ખાતરી મળી ગઈ. તે ઉપરાંત હવે એમને પાડોશી રાજ્ય સાથે લડાઈ થવાનો ભય પણ નહોતો કારણ કે એમના સંરક્ષણની જવાબદારી પણ રાણીએ લઈ લીધી હતી એટલે એમણે સૈન્યો પણ રાખવાનાં નહોતાં. ક્યાંય પણ વિખવાદ ઊભો થાય તો એમના ઉપરની સર્વોપરિ સત્તા સમક્ષ  ફરિયાદ કરવાનો એમને અધિકાર હતો. આમ રાજાઓએ ગવર્નર જનરલોની ખુશામત કરવાથી વધારે કંઈ કરવાપણું નહોતું રહ્યું. ૧૮૫૭ કરતાં તદ્દન જુદી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું, આથી રાજાઓ મોજમસ્તીમાં પડી ગયા અને બ્રિટન પ્રત્યે વફાદાર રહેવું એ હવે એમના લાભમાં હતું.  છેક ૧૯૪૭ સુધી એમનું એ જ વલણ રહ્યું. આથી બ્રિટનની સત્તાનો વિરોધ કરવાની જવાબદારી ફરી રૈયતના હાથમાં આવી ગઈ.

    (૧) ૧૮૫૯નો ગળી વિદ્રોહ

    ૧૮૫૭ના વિદ્રોહના પડઘા શમે તે પહેલાં જ બંગાળના ગરીબ ખેડૂતોએ વિદ્રોહના નવા દોરનો ધ્વજ સંભાળી લીધો.

    ઔદ્યોગિક ક્રાન્તિને પરિણામે બ્રિટનમાં કાપડ ઉદ્યોગનો ઝડપભેર વિકાસ થયો. એમાં કપડાંને રંગવા માટે ગળીની બહુ જરૂર રહેતી. ઈસ્ટ ઇંડિયા કંપનીએ આથી બિહાર અને બંગાળમાં ગળીનું વાવેતર કરવા માટે ખેડૂતોને ફરજ પાડી. દરેક ખેડૂતે પોતાની જમીનનો એક ભાગ  જમીનદારને કે ગોરા પ્લાંટરને (ગળીનું કારખાનું ચલાવનારને) ગળીના વાવેતર માટે આપવાનો હતો.ધીમે ધીમે બ્રિટિશ પ્લાંટરોનું જોર એટલું વધી ગયું કે એ ખેડૂતોને અનાજને બદલે ગળીનો પાક લેવા માટે ફરજ પાડવા લાગ્યા. પ્લાંટરો નધણિયાતી જમીન પર ગળી ઉગાડતા અને ખેડૂત બિનવારસ મરી જાય કે ગામતરું કરી ગયો હોય તેની જમીન પર પણ એ કબજો કરી લેતા.ગળીનો પાક લેવા માટે એ ખેડૂતોને આગોતરા પૈસા પણ લોન તરીકે આપતા. પરંતુ ખેડૂત એ રકમ લેવાનો ઇનકાર ન કરી શકતો.  વાવેતર થઈ જાય તે પછી ફાલ ઊતરે ત્યારે ખેડૂતે એ પ્લાંટરના કારખાનામાં પહોંચાડી દેવો પડતો અને ગળી કાઢી આપવી પડતી. એના બદલામાં એમને નજીવું વળતર મળતું, એમાંથી એ લોન તરીકે મળેલી આગોતરી રકમ પણ ભરપાઈ ન કરી શકતા. ખેડૂતો પર દેવાનો ભાર વધતો જતો.

    ૧૮૫૯ના માર્ચમાં બંગાળના નાદિયા જિલ્લાના  એક ગામના ખેડૂતો અહિંસક રીતે સંગઠિત થયા અને ગળીના વાવેતર માટે ના પાડી દીધી. તરત જ આ આંદોલન બીજા જિલ્લાઓમાં પણ ફેલાઈ ગયું. આ આંદોલનને શરૂઆતમાં જમીનદારોએ પણ ભારે ટેકો આપ્યો કારણ કે પ્લાંટરો જમીનદારો કરતાં પણ વધારે શક્તિશાળી બની ગયા હતા.

      જો કે, આંદોલન જેમ ફેલાતું ગયું તેમ હિંસાની ઘટનાઓ પણ બની. પ્લાંટરોની બળજબરીનો લોકો જવાબ પણ દેવા લાગ્યા.  ખેડૂતોએ માટે લોન લેવાની ના પાડી એટલું જ નહીં પ્લાંટરોના ગુમાસ્તાઓનો પણ બહિષ્કાર કર્યો. એમને ગામની દુકાનોએ ચડવાની મનાઈ ફરમાવી. એટલે એમને રસોડા માટે જોઈતો સામાન પણ મળતો બંધ થઈ ગયો. ખેડૂતોને દબાવી દેવા માટે પ્લાંટરો હિંસાનો માર્ગ લેવા લાગ્યા પણ ખેડૂતો નમતું નહોતા આપતા. સ્ત્રીઓ પણ ઈંટ-પથ્થર, જે કંઈ હાથમાં આવ્યું તે છૂટથી વાપરતી. કંઈ ન મળે તો રસોડાનાં વાસણો પણ કામે આવતાં. ખેડુતોને જૂથ બનાવીને કારખાનાં પર હુમલા કર્યા અને ક્યાંક પ્લાંટરોએ વિરોધ કર્યો તો એ માર્યા ગયા

    ભદ્રલોકનો પણ ગળીના ખેડૂતોને ટેકો મળ્યો. ૧૮૬૦માં દીનબંધુ મિત્રાએ ‘નીલ દર્પણ’ નાટક લખ્યું અને એનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયો. આથી યુરોપમાં પણ બંગાળના ખેડૂતોની હાલત વિશે લોકોનું ધ્યાન દોરાયું, ૧૮૬૧માં બ્રિટને આની સામે નમતું મૂક્યું અને ગળીના ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરવા પંચ નીમ્યું. પંચે ૧૩૪ સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યાં અને ગળીના વાવેતરમાં થતા શોષણ પર પ્રકાશ પાડ્યો. પરિણામે બંગાળમાં તો ધીમે ધીમે ગળીનું વાવેતર બંધ પડ્યું પણ બિહારમાં ચાલુ રહ્યું તે છેક ૧૯૧૭માં મહાત્મા ગાંધીએ ચંપારણમાં સત્યાગ્રહ કર્યો તે સાથે બંધ થયું.

    ૦૦૦

    સંદર્ભઃ

    ૧. https://www.britannica.com/topic/Indigo-Revolt

    ૨. https://www.worldhistory.org/Indigo_Revolt/

    ૩. https://indianculture.gov.in/stories/indigo-revolt-bengal#

    ૦૦૦

    (૨) એબરડીનની લડાઈ (આંદામાન) અથવા દૂધનાથ તિવારીની દગાબાજી

    ૧૮૫૯નું વર્ષ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી માત્ર ગળીના ખેડૂતોના વિદ્રોહ માટે જ નહીં પણ આંદામાન ટાપુ પર ઍબરડીનમાં ગ્રેટ અંડમાનીઝ જાતિએ અંગ્રેજો વિરુદ્ધ છેડેલા યુદ્ધ માટે પણ જાણીતું છે. ૧૮૫૭ પછી આદિવાસીઓના જેટલા બળવા થયા તેમાં ઍબરડીનની લડાઈ સૌથી પહેલી હતી.

    આંદામાન ટાપુઓ ત્યારે ‘કાલા પાની” તરીકે ઓળખાતા.  ૧૮૫૭ના  વીરોને કાં તો ફાંસી આપી દેવાતી અથવા કાલા પાની મોકલી દેવાતા. એમને કઠોર પરિશ્રમની ફરજ પાડવામાં આવતી.  જેમને તરીપારની સજા કરાતી તે ફાંસીએ ચડાવેલા લોકો કરતાં વધારે નસીબવાળા નહોતા. મોટા ભાગે તો એક કે બે વર્ષની અવધિમાં અત્યંત જુલમ અને કાળી મજૂરીને કારણે મોતને ભેટતા. કોઈક એવા હતા કે જંગલમાં કામ કરવા જતા ત્યારે ભાગી છૂટવામાં સફળ થતા અને નિષ્ફળ જાય તો ગાર્ડો એમને ગોળીએ દઈ દેતા.  આવા કેદીઓનો સામનો આદિવાસીઓ સાથે થતો. આદિવાસીઓ એમને જોતા અને મોટા ભાગે તો મારી નાખતા. પરંતુ એમને એક વાત સમજાઈ હતી કે તળભૂમિના આ લોકો બે પ્રકારના હતા – એક તો બેડી ડસકલાંવાળા હતા અને  એમની સાથે કોઈ મુક્ત લોકો પણ હતા.  મોટાભાગે તો એ મુક્ત લોકો એટલે કે ગાર્ડોને જ પોતાના તીરકામઠાંનું નિશાન બનાવતા અને બેડીઓમાં ઝકડાયેલા લોકોને ઉપાડી જતા. તે પછી એમનો વ્યવહાર જોઈને એમને પોતાની જાતિમાં ભેળવી લેતા અથવા મોતને ઘાટે ઉતારી દેતા.

    આવો એક કેદી દૂધનાથ તિવારી ૧૮૫૮માં આંદામાન પહોંચ્યા પછી બે જ અઠવાડિયાંમાં ભાગવામાં બીજા નેવું કેદીઓ સાથે  સફળ થયો.  એ બધા જંગલમાં ભોજન અને પાણીની શોધમાં ભટકતા હતા ત્યારે આંદામાનીઓએ એમને જોઈ લીધા અને બધાને  મારી નાખ્યા પણ દૂધનાથ  અને બીજા બે કેદી બચી ગયા અને ભાગી છૂટ્યા. એમને પણ ગંભીર ઈજાઓ થઈ હતી, પણ જંગલમાં ભટકતા રહ્યા.  ફરી એમનો ભેટો આંદામાની સ્ત્રીઓ અને બાળકોના એક જૂથ સથે થયો. ભારે સકહ્ત હુમલામાં બે જણ મર્યાગયા પણ દૂધનાથ મરવાનો ડોળ કરીને પડ્યો રહ્યો.

    હવે એને જીવતો જોઈને આંદામાનીઓને નવાઈ લાગી અને મારી નાખવાની તૈયારી કરતા હતા પણ દૂધનાથે દયાની ભીખ માગી એટલે એને  બદલે એને પોતાની સાથે લઈ ગયા અને એને મિત્ર માન્યો. એ એમની સાથે જંગલમાં ખાવાનું શોધવા કે શિકાર કરવામાં પણ સાથે જતો. એમની ચર્ચાઓ અને લડાઈની તૈયારીઓમાં પણ સામેલ થવા લાગ્યો.  જૂથ સાથે ભટકતાં એ જંગલના રસ્તાઓનો ભોમિયો બની ગયો અને આંદામાનીઓની ભાષા પણ શીખી ગયો. પરંતુ હજી એને  શસ્ત્રાગાર સુધી જવા નહોતા દેતા. એમ ઘણા મહિના કાઢ્યા પછી. આંદામાનીઓને દૂધનાથ પર સંપૂર્ણ ભરોસો બેઠો. એમણે પોતાની જાતિની જ એક છોકરી સાથે એને પરણાવી દીધો.

    આંદામાનીઓ સાથે લગભગ એક વર્ષ રહ્યા પછી એને ખબર પડી કે  એમણે ઍબરડીનમાં અંગ્રેજોની છાવણી પર હુમલો કરવાની યોજના બનાવી છે. દૂધનાથને એમાં પોતાની મુક્તિ જોવા મળી.

    એ પણ હુમલા માટે જતા જૂથ સાથે હુમલા માટે જોડાયો. પરંતુ છેલ્લી ઘડીએ એ સૌની નજર બચાવીને અંગ્રેજો પાસે પહોંચી ગયો અને એમને સાવધ કરી દીધા. આદિવાસીઓ  હુમલો કરે તે પહેલાં જ અંગ્રેજી ફોજ તૈયાર થઈ ગઈ.  તીરકામઠાં બંદુકો અને તોપો સામે નિષ્ફળ ગયાં અને હજારો આંદામાનીઓ માર્યા ગયા.  અંગ્રેજોએ એને પોતાની સાથે લઈ લીધો અને એની જનમટીપની સજા માફ કરી.

    સવાલ એ છે કે દૂધનાથ ને અંગ્રેજોએ જ સજા કરીને આંદામાન મોકલ્યો હતો. તે પછી એને આદિવાસીઓએ માનભેર સ્વીકાર્યો. તેમ છતાં એણે એમને દગો દીધો અને એના શોષક અંગ્રેજોની સાથે મળી ગયો.  કદાચ એને  અંગ્રેજો વધારે પોતાના જેવા લાગ્યા!

    ગમે તેમ, આ આપણા જેવા સુધરેલાઓના માથે એક કલંક છે.

    માનો કે અંગ્રેજોએ એની સજા માફ ન કરી હોત તો એ કઈ રીતે બચી શક્યો હોત?

    ૦૦૦

    સંદર્ભઃ

    https://utkarshrai.com/battle-of-aberdeen-andaman-1859-ad/


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી