વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • અંતરવ્યથા

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    “આ કથા એવી વ્યક્તિની છે જે પોતાના જીવન સાથે જોડાયેલ નામ કોઈ એક વ્યક્તિ સુધી પહોંચાડવા માંગતી હતી.

    “જેના મનની પીડા લઈને આ વાર્તા લખી છે એની સાથે એક વાર જ મુલાકાત થઈ હતી. હવે તો એનું નામ પણ યાદ નથી. એ જ્યારે મળવા આવી ત્યારે બીમારીના લીધે એનો સુંદર ચહેરો અને મનનો રંગ ફિક્કો પડી ગયો હતો. એને વિશ્વાસ હતો કે એની વ્યથા પર હું કથા લખીશ.

    “એને લાગતું હતું કે એ લાંબુ નહી જીવે એટલે એવી આશાએ એની વ્યથાની કથા કપડાં સાથે મૂકી દેવા ઇચ્છતી હતી જેથી એ પત્ર કોઈ વાંચે ત્યારે સાથે એની કથા જાણે. અત્યારે એને જે સમજી નથી શકતાં, શક્ય છે એ વાંચીને એને, એની પીડા સમજી શકે. એને બીજા કોઈની પરવા નહોતી, એનો દીકરો, જે અત્યારે નાનો છે, એ મોટો થઈને એને સાચી રીતે સમજે, એવું એ કહેતી હતી.

    “એના જીવનની હાલત બહુ ગૂંચવાયેલી હતી. એને કેવી રીતે કથામાં સમાવવી એ સમસ્યા હતી. વચન કે વાયદો આપી શકાય એમ નહોતો, પણ લખવાનો પ્રયાસ કરીશ એમ આશ્વાસન આપ્યું. ઘણાં સમય સુધી એના વિશે લખી શકી નહીં.

    “અંતે કથા પ્રકાશિત થઈ. એનો કોઈ અતો-પતો મારી પાસે હતો નહીં એટલે આ કથા એના સુધી કેવી રીતે પહોંચશે એની ખબર નહોતી.

    “ઘણાં લાંબા સમય પછી દિલ્હીની બહારથી આભાર માનવા મારી પર ફોન આવ્યો. એ કહેતી હતી કે એની કથા “આંતઃવસ્ત્ર” એણે ઇચ્છી હતી ત્યાં મૂકી દીધી છે.

    “વાત જાણે ખાના-બદોશ (ઘર-વખરી સાથે લઈને ફરનારી) જાતિની હોય એવી લાગતી હતી. ક્યાંક વાંચ્યું હતું કે આ લોકો કમરથી નીચે કોઈ વસ્ત્રો પહેરતાં નહોતાં. આ જાતિની સ્ત્રીઓ ઘાઘરી ઊતારતી નથી. મેલી ઘાઘરી બદલવી હોય તો માથેથી નવી ઘાઘરી પહેરીને અંદરથી મેલી ઘાઘરી ઊતારે. એમનું મૃત્યુ થાય ત્યારે સ્નાન કરવતાં નીચેની ઘાઘરી પહેરાવેલી રાખે. કહે છે, એમની ઘાઘરીના નેફાની ધારમાં પોતાના પ્રેમનું રહસ્ય સંતાડી રાખે છે. ત્યાં એ પોતાની પસંદગીના મર્દનું નામ કોતરાવીને રાખે, જેને ઈશ્વરની આંખ સિવાય કોઈ ન જોઈ શકે. કદાચ આ રિવાજ મર્દોમાં પણ હશે.

    “પણ, આ નામ કોતરવાવાળો તો સ્ત્રી કે મર્દની કમરની ધારે નામ જોઈ શકે. કદાચ એક ક્ષણ માટે એને ઈશ્વરની આંખ નસીબ થતી હશે?

    “અંતે એના દીકરાને જે પત્ર પહોંચડવા માંગતી હતી, એ પત્ર મળી ગયો..

    “હવેની વાત એ દીકરાના શબ્દોમાં……..

    “કાલથી મા હોસ્પિટલમાં છે. એના શ્વાસ સાથે પ્રાણ નીચે ઊતરી રહ્યો છે. આવું પહેલાં બે વાર થયું હતું. પણ લાગે છે આ વખતે એને પોતાને જ જીવવાની ઇચ્છા નથી રહી. હોસ્પિટલમાં પાપા, મોટો ભાઈ, દાદી સૌ હતાં. છતાં એણે એની આંગળી પરની હીરાની વીંટી મને કબાટમાં મૂકવા આપી. એની પાસે કબાટની બે ચાવી હતી એમાંની એક ચાવી આપી. એક એણે પોતાની પાસે રાખી. પણ જેમ નસીબ બદલાઈ જાય છે એમ ચાવી બદલાઈ ગઈ. આપવાની ચાવી એની પાસે રહી અને પાસે રાખવાની ચાવી મને આપી. સાથે મુંબઈવાળા કાકાને દિલ્હી બોલાવવા એક પત્ર લખવાનું કહ્યું.

    “ઘરમાં એક મા ની અને બીજી વધારાની ચીજો મૂકવાનાં એમ બે કબાટ હતાં. એમાં જૂના કપડાં હતાં. ઘેર પહોંચીને હું માનું કબાટ ખોલવા મથ્યો, પણ એ ખૂલ્યું નહીં. અંતે એ ચાવીથી કોઠારનું કબાટ ખૂલ્યું. કબાટ સાવ જૂનું થઈ ગયું હતું. ખબર નહીં કેમ પણ મા એ એને ફેંક્યું નહોતું. કબાટ ખોલીને જૂનાં-ફાટેલાં કપડાંની ગડીઓ ખોલતો ગયો. જૂનાં પણ સાચી જરીનાં વણાંટવાળા કપડાં હતાં. પાપાનો ગરમ કોટ હતો. કદાચ માએ આ કપડાંની સામે વાસણો લેવાં સાચવ્યાં હતાં. એ તો સમજી શક્યો પણ એમાં મારા તૂટેલાં રમકડાં હતાં એ જોઈને બહુ નવાઈ લાગી. ચાવીથી ચાલતી ટ્રેન એવી રીતે ઊંધી પડી હતી, જાણે ભયાનક દુર્ઘટનાના લીધે ટ્રેક પરથી ઊતરી ના ગઈ હોય? જાણે બધા મુસાફરો ઘાયલ અવસ્થામાં હતાં. પ્લાસ્ટિકની ઢીંગલીની એક આંખ કાણી થઈ ગઈ હતી. હાથીની સૂંઢ વચ્ચેથી તૂટી હતી, માટીના ઘોડાના આગલા પગ કપાઈ ગયા હતા. કેટલાક રમકડાંના હાથ, પગ, ધડ કે માથું માત્ર છૂટાંછવાયાં પડ્યાં હતાં. આ ઘાયલ રમકડાંની સાથે માટીની બનેલી શિવજીની મૂર્તિ હતી, જે બંને હાથોથી લૂલી પડી ગઈ હતી. એવું લાગ્યું કે મારા દેવ અપાહિજ ના થઈ ગયા હોય?

    “જ્યાં સુધી મને યાદ હતું ત્યાં સુધી મારું બાળપણ આનંદમાં પસાર થયું હતું. મોટા ભાઈના જન્મ પછી સાત વર્ષે મારો જન્મ થયો, એટલે હું બહુ લાડ પામ્યો. પાપાની પદોન્નતિ થવા માંડી હતી. મારા માટે રમકડાંથી માંડીને કપડાંય સરસ મઝાના આવતાં..તો આ જૂના તૂટેલાં રમકડાં, ફાટેલાં કપડાં મા એ કેમ સંઘર્યા હશે? જાણે અભાનાવસ્થામાં મે મારી જાતને ગોટો વળીને એમની વચ્ચે પડેલો જોયો. મને જાણે કશી સમજણ નહોતી પડતી.

    “હવે કબાટનાં ખાનામાં કાગળો જોયા. હર એક કાગળ પર કેટલીય વ્યથાઓ આલેખાયેલી હતી. હર એક તનના તાપની, હર એક તનના પસીના જેવી, જાત જાતની ગંધ એમાંથી ઊઠીને મારા શ્વાસમાં ભળી રહી હતી.

    “આ બધા કાગળો મુંબઈવાળા કાકા અને મારી માના નામે હતા. કોઈક પત્રમાં ખુશી અને ઉદાસી મિશ્રિત ગંધ હતી. લખ્યું હતું, “વીનુ, જે આદમ અને ઈવનું ઈશ્વરે સર્જન કર્યું છે, એ આદમ હું અને ઈવ તું હતી. વીનુ, હું સમજુ છુ કે તું તારા પતિને અવગણી નહીં શકે. પણ મારી નજરે તારું શરીર ગંગાની જેમ પવિત્ર છે જેને શિવજીની જેમ હું જટામાં ધારણ કરી શકીશ.”

    “કોઈ પત્રમાં લખ્યું હતું. “હું એવો રામ છું જે પોતાની સીતાને રાવણ પાસેથી નથી છોડાવી શકતો. કેમકે ઈશ્વરે આ જન્મમાં રામ અને રાવણને સગા ભાઈ બનાવ્યા છે.”

    “ક્યાંક દિલાસાના ભાવમાં લખાયું હતું કે, “વીનુ, તું મનમાં ગુનાનો ભાવ ન અનુભવીશ. ગુનો તો એણે કર્યો હતો જેણે મિસિસ ચોપ્રા જેવી સ્ત્રી માટે તારા જેવી પત્નીને વિસારે પાડી?”

    “અચાનક એક પત્ર વાંચીને હું દંગ રહી ગયો. લખ્યું હતું કે, “તું કેટલી નસીબદાર કે આપણાં દીકરાને તું દીકરો કહી શકે છે, પણ હું ક્યારેય એને દીકરો નહીં કહી શકું. છતાં તું ઉદાસ ના થઈશ, હું અક્ષયની સૂરતમાં હંમેશા તારી પાસે રહીશ. દિવસે તારા ખોળામાં રમુ છુ, રાત્રે તારી સાથે સૂઈ જઉં છું.”

    “એ ક્ષણે એવું લાગ્યું કે કદાચ આને જ પ્રલયની ક્ષણ કહેવાતી હશે. જે વ્યક્તિને આટલા વર્ષોથી પાપા કહેતો હતો, આજે એને પાપા કહેવા માટે મારી જીભ ખોટી પડતી હતી. બાકીના પત્રો વાંચવા જેટલી સૂધ હું ખોઈ બેઠો. પણ એટલું સમજાયું કે જન્મથી આજ સુધી મેં જે કપડાં પહેર્યાં હતા એ કપડાં, મારા રમકડાં માએ એના પતિની કમાણીમાંથી ખરીદ્યાં નહોતા. અરે! સ્કૂલ કે કૉલેજની ફી પણ ઘરખર્ચમાંથી આપી નહોતી. મુંબઈ રહેતા એ આદમીના પત્રોમાં માની ઝાટકણી,માફી, એવું ઘણું બધું હતું  માત્ર મા અને એ આદમીની અંગત કહેવાય એવી વાતો હતી. મા, પાપા, કાકા, મિસિસ ચોપ્રામાંથી કોઈ પેલી ખાના-બદોશ જાતિના નહોતાં, પણ એવું લાગે છે કે કદાચ એ જાતિની પરંપરા સમગ્ર મનુષ્ય જાતિને ક્યાંક લાગુ તો પડે જ છે. સૌનાં નીચેના અંતઃવસ્ત્રના નેફાની ધારીએ કોઈક એક નામ તો હશે, જે માત્ર ઈશ્વર જ જોઈ શકે છે. જો ઈશ્વર જોઈ શકે તો એ એના માટે વરદાન છે, પણ કોઈ માનવીની આંખે ચઢે તો એના માટે શાપ બની જાય. એ સમયે એવું લાગ્યું કે એ શાપનો તાપ મારા જ નસીબમાં કેમ લખાયો હશે?”


    અમૃતા પ્રિતમની વાર્તા “અંતરવ્યથા” પર આધારિત અનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • રંગ રંગનો સ્નેહ

    દરિયા-પારની  વાર્તા

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ઘણી વાર બે હાથથી માથું પકડીને નયનાબેન ઘરમાં બેસી રહેતાં. તો ક્યારેક બબડતાં, “આ તો ભયાનક રાક્ષસ છે. મને ભરખી જશે ત્યારે એને જંપ વળશે”, ને પછી માઇગ્રેનની પીડા અસહ્ય લાગે ત્યારે બે હાથે માથું કૂટતાં. સુકુભઇ તરત ઊઠીને એમને રોકતા, માથું પોતાના ખભા પર ટેકવતા, ને કહેતા, “બસ કર, નયનુ. આ મારાથી નથી જોવાતું. થોડું તો સહન કરી લે.”

    કોઈ દિવસે વળી સારું હોય ત્યારે નયનાબેન પૂજા-પ્રાર્થના પછી ફરિયાદના સૂરમાં કહેતાં, “સાધારણ જેવા અમારા જીવનને આમ રફેદફે કરી દીધું, લાલજીબાવા. જીવમાં જરાયે શાંતિ રહેવા ના દીધી.” આંખોમાં છલકાઇ આવેલાં આંસુને સાલ્લાના છેડાથી લુછીને એ રસોડા તરફ જતાં.

    એમની દીકરી રુચિરા હજી અમેરિકન કૉલૅજમાં ભણતી હતી. પહેલાં બે વર્ષ તો ઘેર રહી, પણ હવે બે બહેનપણીઓ સાથે ભાડાના ફ્લૅટમાં રહેવા માંડી હતી. એમાંની એક સ્પૅનિશ હતી, ને બીજી આફ્રીકન-અમેરિકન હતી. એમને મળ્યા પછી નયનાબેન નિરાશ થયાં હતાં. એમણે રુચિરાને કહ્યું હતું, “કોઈ ઇન્ડિયન છોકરીઓ ના મળી સાથે રહેવા માટે? આ કાળિયણો જ મળી તને?”

    રુચિરા તરત ચિડાઇને બોલી હતી, “આવા શબ્દો તારા મોઢામાંથી નીકળે છે કઈ રીતે? એમને માટે બ્રાઉન ને બ્લૅક શબ્દ વાપરવાના હોય છે, તને ખબર તો છે. ને નયનુ, આપણે વળી કયાં દેવનાં દીધેલાં છીએ તે? અહીંના ગોરા લોકો માટે તો આપણે પણ કાળાં જ છીએ. એ ક્યારેય વિચાર્યું તેં?”

    એ હજી ભણતી હતી, ને કોઈ ખાસ છોકરા સાથે એને ઓળખાણ થયેલી લાગતી નહતી, તેથી નયનાબેન બહુ ગભરાટમાં નહતાં. પણ એમના રાજા માટે સરસ છોકરી શોધવાનું એમણે ક્યારનું ચાલુ કરી દીધેલું. એ અને સુકુભઇ ગુજરાતી સમાજના કોઈ પણ પ્રોગ્રામમાં જાય એટલે નયનાબેનની નજર યુવાન છોકરીઓ અને સારાં દેખાતાં મા-બાપ ઉપર ફરવા માંડે. કોઈ વાર પરાણે રાજાને સાથે ખેંચી જાય, ત્યારે એ બીજાં છોકરા-છોકરીઓ સાથે વાતો કરે, પણ કોઈ છોકરી એને પસંદ પડતી લાગે જ નહીં.

    સુકુભઇ કહે, “તું ઉતાવળ ના કર. છોકરો હોશિયાર છે, વખત આવ્યે પોતાને લાયક એ શોધી લેશે.” નયનાબેન વિચારે, “હા, વાત સાચી છે. જેને પરણવાનું છે એને ગમવી જોઇએ. આપણે તો સાથ આપવાનો.” છેવટે એક વાર રાજારામે આવીને કહ્યું કે એને એક છોકરી ગમી છે, ને એની સાથે એ પરણવા માગે છે. નયનાબેને એક શ્વાસે એને કેટલાયે પ્રશ્નો પૂછ્યા -કોણ છે, ક્યાંની છે, દેખાવમાં કેવી છે, ક્યાં નોકરી કરે છે, નામ શું છે, એનાં મા-બાપને ક્યારે મળવાનું છે?

    “નયનુ, તું શ્વાસ તો લે. જો, એનાં મા-બાપ અહીં નથી રહેતાં. ને એનું નામ સોફિયા છે.”

    નામ સાંભળીને જ નયનાબેન ચમક્યાં. તોયે પૂછ્યું, સોફિયા? આવું નામ હવે ઇન્ડિયનોમાં હોય છે?

    “હોય કે નહીં તે ખબર નથી, મમ્મી, પણ સોફિયા ઇન્ડિયન નથી.”

    પણ પછી રાજારામે જ્યારે કહ્યું કે એ સેનેગાલની છે, ત્યારે નયનાબેનનો વિવેક છૂટી ગયો. “આફ્રીકન? એટલેકે કાળી ભૂત? એટલેકે મારાં ગ્રાન્ડ-ચિલ્ડ્રન પહોળાં નાકવાળાં, જાડા હોઠવાળાં, ગુંચળાં ગુંચળાં વાળવાળાં થવાનાં. હું કોઈ દિવસ એવાં છોકરાંને વહાલ નહીં કરી શકું, કે મારાં ગણી નહીં શકું.”

    હજી એક વાર રાજારામે સમજાવી જોયાં એમને. “નયનુ, તું સોફિયાને એક વાર મળી તો જો. તને એ જરૂર ગમશે. બરાબર આપણાં જેવી જ છે.”

    “અરે શું આપણાં જેવી? આપણાં જેવી એ હોઈ જ કઈ રીતે શકે? કોણ જાણે કેવું લોહી હોય એનાં બાપદાદાનું.”

    સાવ સ્તબ્ધ થઈ ગયેલા રાજાને પટાવતાં હોય તેમ નયનાબેન કહેવા માંડ્યાં, “તું તો મારો રામ જેવો દીકરો છું. તું જોજેને, હું તારે માટે સીતા જેવી સરસ, ગોરી ગોરી છોકરી શોધી લાવીશ. એ દરમ્યાન તારે પેલીની સાથે હરવું-ફરવું હોય તો ફર ને. અહીં તો એમ જ ચાલતું હોય છેને.”

    “ના, નયન, હું એવું કરી નહીં શકું. હું સોફિયાને પ્રેમ કરું છું, ને મારે લાયક એ એક જ છોકરી છે. હું એને જ પરણવાનો છું, અને —-”

    “તને ખબર છે અમેરિકામાં મેં અને તારા પપ્પાએ તને મોટો કરવા, ભણાવવા કેટલી મહેનત કરી છે? અમે જાતે કોઈ શોખ ના કર્યા, કશા ખર્ચા ના કર્યા, તને ને તારી બહેનને જે જોઇએ તે આપવા માટે અમે કરકસર કરતાં રહ્યાં. તારે માટે અમે કેટલી આશા રાખી એનો ખ્યાલ આવે છે? કે અમે ઘરડાં થઈશું ત્યારે તું અને તારી સરસ વહુ અમારી કાળજી રાખશો. હવે એ સમય આવ્યો ત્યારે તું —”

    જરા શ્વાસ લેવા રોકાઈને, ધ્રુસકું રોકીને નયનાબેન બોલ્યાં, “જો તું મારી -એટલેકે અમારી -ઇચ્છાની વિરુદ્ધ જઈને લગન કરીશ, તો તને કહી દઉં છું, હું તારું મોઢું નહીં જોઉં. તું મને મરી ગયેલી માનજે.”

    “નયનુ, આ શું બોલે છે?”, સુકુભઇ જરા ઊંચે અવાજે બોલ્યા. નયનાબેન ચૂપ થયાં, પણ બીજા રૂમમાં જઈને બારણું બંધ કરી દીધું. રાજા ઘરની બહાર નીકળી ગયો. સુકુભઇનું કશું જ ચાલ્યું નહીં.

    સોફિયા સાથે કૉર્ટમાં જઈ સાવ સાદાઇથી લગ્ન કરી લીધા પછી, ફોનથી જણાવીને, મા-બાપને પગે લાગવા રાજારામ સજોડે આવ્યો હતો. ઘરને બારણે તાળું હતું. કાળી વહુને આવકારવાને બદલે માતાએ ઘર બંધ કરીને બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું. પિતા પરવશ હતા.

                    .                 .                 .                  .                 .

    સુકુભઇ રિટાયર થયા તે પછી એ લોકોએ ઘર કાઢી નાખ્યું. મોટા ઘરની હવે ક્યાં જરૂર રહી છે?, કરીને એમણે એક કૉમ્પ્લેક્સમાં ફ્લૅટ લઈ લીધો. નયનાબેનના મનમાં અન્યાય જેવો ભાવ લાંબો રહ્યો હોત જો ચાર-પાંચ દિવસમાં જ એમની ઓળખાણ રત્ના સાથે ના થઈ હોત.

    એ દિવસે ડોરબેલ વાગ્યો, ને એમણે બારણું ખોલ્યું તો એક યુવતી હાથમાં ફૂલોનો ગુચ્છ લઈને હસતી હસતી ઊભી હતી. સાથે ચારેક વર્ષનો લાગતો બાબો હતો. નયનાબેનને જોઈ તરત એણે કહ્યું, “આ રહેવાસમાં તમારું સ્વાગત છે”. બાબાને આન્ટીને ફૂલો આપવા કહ્યું, ને આગળ બોલી, “હું રત્ના છું, ને આનું નામ ક્રિશ છે”.

    કદાચ પહેલી જ વાર નયનાબેનની જીભ ચાલી નહીં. આ છોકરી સાવ કાળી છે. ના, કાળી-કથ્થાઇ લાગે છે એનો રંગ. પણ કેટલી સરસ લાગે છે. મનોમન જ કહેવા ગયાં હશે, પણ એ બોલી બેઠાં, “રત્ના? આ નામ તો—આ તો ઇન્ડિયન નામ છે.”

    “હા, તે હું ઇન્ડિયન જ છું ને. કેમ, લાગતી નથી?”

    નયનાબેન વિચારે કે આ કાળી છે, પણ જાણે એવી દેખાતી નથી. તે કેમ? એની ચામડીનો રંગ જાણે વચમાં આવતો જ નથી. તે કેમ? એનું મોઢું આવું હસતું છે તેથી હશે? એની આંખોમાં લાગણીના ભાવ છે તેથી હશે? ને આ બાબો પણ કાળો છે. ના, ના, શ્યામ કહેવાય. એ પણ મીઠું મીઠું હસતો ઊભો હતો. નયનાબેને એને ઝટ તેડી લીધો.

    આ પછી રત્ના અને ક્રિશ ક્યારે સુકુભઇને ‘દાદા’ અને નયનાબેનનું ‘નયનુ’ સંબોધન સાંભળીને ભૂલમાં    “નાનુ” કહેતાં થઈ ગયાં એનો કોઈને ખ્યાલ રહ્યો નહીં. કોઈ વાર રત્ના ના દેખાય, કે ક્રિશને વહાલ ના કરે તો નયનાબેનને ચેન ના પડે. રત્નાના વરને ગુજરાતી ખવડાવવાનો એમને બહુ શોખ થતો. ત્યારે દીકરાની યાદ આવતી હશે કે નહીં તે સુકુભઇ પણ કહી શકતા નહીં.

    એક દિવસે રત્નાએ કહ્યું કે ક્રિશના પપ્પાની ઇચ્છા હવે એને બાળ-કેન્દ્રમાં મૂકવાની છે. હજી છે નાનો, પણ બીજાં છોકરાં સાથે રહે-રમે તો કંઇક શીખતો થાયને. વળી, રત્ના એની સાથે કેન્દ્રમાં જશે, અને ત્યાં થોડા કલાક મદદરૂપ થશે, એમ વિચાર્યું હતું. નયનાબેને બતાવી તો ખુશી, પણ મનમાં એ ગભરાઈ ગયાં. જાણે પોતે એકલાં પડી જવાનાં ના હોય. ફરી માઇગ્રેન નામના રાક્ષસનો પણ ડર લાગવા માંડ્યો.

    કેન્દ્રમાં જવાનું શરૂ કર્યાના બીજા-ત્રીજા દિવસે રત્નાએ નયનાબેનને કહ્યું કે “કેન્દ્રમાં તો મદદની ઘણી જરૂર છે, નાનુ. તમે પણ આવોને અમારી સાથે.” પહેલે દિવસે એ સંકોચ અનુભવતાં ગયાં, પણ ત્યાં વાતાવરણ સહજ હતું, બાળકો રમતિયાળ હતાં, અને લંચ વખતે એમની ઝડપ બહુ કામમાં આવવા માંડી. રત્નાએ એમને કહેલું તેમ બાળકો ઓછી આવકવાળાં કુટુંબોનાં હતાં -લગભગ બધાં સ્પૅનિશ અને આફ્રીકન-અમેરિકન હતાં. બ્રાઉન, બ્લૅક, વ્હાઇટ -પણ નયના સુકુમાર શોધનને કદાચ પહેલી જ વાર કશો ફેર પડ્યો નહીં. નાનકડાં, સરખે સરખાં બાળકો એમને વહાલાં લાગ્યાં, અને બધાં ત્યાં પણ એમને ‘નાનુ’ જ કહેવા માંડ્યાં.

    ત્યાં ક્રિશનો ખાસ ભાઇબંધ હતો ત્રણેક વર્ષનો રાગુ. દેખાવે જરા ઘેરો ઘઉંવર્ણો, હસમુખો, કાલુ કાલુ બોલે, દરરોજ નાનુને વળગી આવે. નયનાબેનને થાય, જાણે મારા લાલજીબાવા. રાગુને એમણે ઘણી વાર બોલતો સાંભળ્યો હતો -જાણે ગાતો હોય તેમઃ “મારા પાપા કિન્ગ છે. મારી મામ ક્વીન છે.” કેન્દ્રમાંનાં બીજાંની જેમ નયનાબેન પણ વિચારતાં કે એ શું કહેતો હશે? પણ કોઈનાં મા-બાપને મળવાનું એમને થતું નહીં, કારણકે લંચ પછી છોકરાં સૂવા જાય ત્યારે એ ઘેર જતાં રહેતાં.

    એક બપોરે એક સુંદર યુવતીને કેન્દ્રમાં આવતી એ જોઈ રહ્યાં. ઊંચી, પાતળી, ખભા સુધીના સીધા વાળ, લાંબી આંખો, તીણું નાક, ને સુરેખ લંબગોળ મોઢા પર સૌજન્ય દેખાય. એની ત્વચાનો રંગ કાળો કહી શકાય, તેવું એમને સૂઝ્યું પણ નહીં. “લગભગ મારાથી જરાક વધારે ઘઉંવર્ણી છે”, એમણે વિચાર્યું. એટલાંમાં રાગુ નાચતો ને ગાતો આવ્યોઃ “મારા પાપા કિન્ગ છે. મારી મામ ક્વીન છે”, અને એ યુવતીએ એને ઊચકી લીધો.

    ઓહ, તો આ રાગુની મામ છે. મા-દીકરો બંને સરખાં જ દેખાવડાં ને ગમી જાય તેવાં છે, નયનાબેનને થયું. રત્ના તો એને ઓળખતી હતી, તેથી એ વાત કરવા આવી. રાગુને આજે વહેલો લઈ જવાનો છે, તેથી એની મામ એને લેવા આવી છે, એણે નયનાબેનને કહ્યું. યુવતી નયનાબેન સામે ‘કેમ છો?’નું હસી, ને નયનાબેનથી પુછાઇ ગયું, “આ રાગુ શું ગાતો ફરે છે?”

    “ઓહ, સૉરી, બહુ હેરાન કરે છે અહીં બધાંને?”

    ના. ના, જરાયે નહીં. આ તો ‘પાપા કિન્ગ છે’ તે અમે સમજતાં નથી એટલે —

    યુવતીનું સ્મિત એના મુખને શોભાવતું હતું. એણે કહ્યું, એ તો એના પાપાનું નામ રાજા છે, ને રાગુને એક વાર કહ્યું હશે કે ‘રાજા એટલે કિન્ગ’ એટલે એને યાદ રહી ગયું લાગે છે.

    “રાજા?”, નયનાબેનના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો.

    હા, આન્ટી, એના પાપાનું આખું નામ તો રાજારામ છે, પણ અહીં તો જાણો છોને. નામો કેવાં ટુંકાવી દેવાય છે. બાબાનું નામ રાઘવ છે. કેવું સરસ નામ છે. એના પાપાએ ખાસ મમ્મીને યાદ કરીને પાડ્યું, પણ થઈ ગયું છે રાગુ. ને મને બધાં સોફી કહે છે, પણ મારું નામ સોફિયા છે.

    રત્ના પણ કહેવા માંડેલી, “હા, જુઓને, અમે બાબાનું નામ ક્રિષ્ણ પરથી ‘ક્રિશન’ પાડેલું. તે ‘ક્રિશ’ થઈને રહ્યું છે.”

    નયનાબેનનું આખું અસ્તિત્વ ધ્રૂજવા માંડેલું. રત્ના ને સોફિયા વાતો કરતાં હતાં, ને એ માંડ માંડ ત્યાંથી સરકી ગયાં. ક્યારે નીકળીને ઘેર જતાં રહ્યાં તેની ખબર રત્નાને પણ પડી નહીં. એ પછી એમણે કેન્દ્રમાં જવાનું બંધ કરી દીધું. રત્નાએ બહુ કહ્યું, “નાનુ, ચલોને. બાળકો યાદ કરે છે, રાગુ તો નાનુ-નાનુ કરીને રડે છે ક્યારેક.” પણ નયનાબેન “બસ, હવે થાક લાગે છે”, એ જ કારણ આપતાં રહ્યાં. એમનું માઇગ્રેન પણ પાછું આવવા માંડ્યું, પણ હવે એ ના તો માથું કૂટતાં, ના તો લાલજીબાવા પાસે કશી ફરિયાદ કરતાં. ચૂપચાપ બેસી કે પડી રહેતાં. સુકુભઇને ચિંતા થવા માંડી. રુચિરાને બોલાવવી જોઇએ એમ એમને લાગવા માંડ્યું.

    પણ રુચિરાને ચિંતા કરાવતાં પહેલાં, છેવટે એમણે રત્નાને પૂછ્યું કે કેન્દ્ર પર કાંઈ થયું હતું? એમની પૂછપરછ અને રત્નાની યાદદાસ્ત પરથી એ છેલ્લી બપોર વિષે વાત થઈ. રાજારામ, રાઘવ, સોફિયા જેવાં નામો સાંભળીને સુકુભઇ સમજી ગયા, કે હકીકત શું હતી. પણ હવે નયનાબેનની તબિયતની ચિંતાને બદલે એમનું મન આનંદ અને આશાથી ભરાઈ ગયું. રત્ના પણ આખી વાત સાંભળ્યા પછી નિશ્ચિંત થઈ ગઈ.

              .                  .                   .                 .                .

    એક સાંજે નયનાબેન ચ્હા પી રહ્યાં હતાં ત્યારે બારણા પર ધબ ધબ અવાજ થયો. કોણ આવું કરે છે, કહેતાં ભવાં ચઢાવીને એમણે બારણું ખોલ્યું. ચાર નાના હાથ એમને વળગી પડ્યા. “નાનુ, નાનુ”નો ઘોંઘાટ થઈ ગયો. એક તરફથી ક્રિશ અને બીજી તરફથી રાગુ એમને ખેંચતા અને વળગતા રહ્યા. સુકુભઇએ તો બિસ્કીટનો મોટો ડબ્બો કાઢ્યો. આ જ સાંજ માટે છાનામાના એ લઈ આવેલા. રત્નાએ ફ્રિજ ખોલીને દૂધ બહાર કાઢ્યું. નયનાબેનને બંને છોકરા છોડે શાના? એમને પણ દૂધ અને બિસ્કીટ ખાવાં પડ્યાં.

    કલાકેક પછી બારણા પર સહેજ ટકોરા થયા. રાહ જ જોઈ રહેલા સુકુભઇએ જલદી બારણું ખોલ્યું. સામે વહાલો દીકરો ને સુશીલ વહુ ઊભાં હતાં. કેટલાં વર્ષે બાપ-દીકરો સામસામે આવ્યા હતા. બંને ભેટ્યા ત્યારે બંનેની આંખોમાં આંસુ હતાં. સોફિયાએ નીચા વળીને પ્રણામ કર્યા, ત્યારે સુકુભઇએ એને પણ વહાલી કરી. હજી કશા શબ્દો બોલાયા નહતા. કદાચ અત્યારે એવી જરૂર પણ નહતી. રત્નાએ પણ બંનેને ચૂપ રહેવાનો ઇશારો કરતાં આવકાર્યાં.

    અંદરથી નયનાબેનના ગાવાનો અવાજ આવતો હતો. રત્નાએ ધીરેથી રૂમનું બારણું ખોલ્યું. રાજારામે જોયું તો નયનુ ખાટલાની વચમાં બેઠી હતી. બંને બાજુ નાના દીકરા સૂતા હતા -એક તરફ ક્રિશ, બીજી તરફ રાઘવ. નયનુ બંનેના માથા પર હળવેથી હાથ ફેરવતી હતી. એની ભીની આંખો બંધ હતી, ને એ ભાવપૂર્વક ગાઈ રહી હતીઃ  રઘુપતિ રાઘવ રાજારામ, પતીતપાવન સીતારામ —–


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૭. આનંદ બક્ષી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આપણે જેને કવિતા માનીએ છીએ એ અને ફિલ્મી ગીતોવાળી કવિતામાં ખાસ્સું અંતર છે અને આ અંતર જરૂરી છે. પહેલેથી (અને હજી પણ !) ફિલ્મી ગીતોમાં ગીતકાર પર સંગીતકાર હાવી હતા, સાહિર લુધિયાનવી જેવા અપવાદને બાદ કરતાં ! આ ગીતકારો બહુધા સંગીતકારોએ પહેલેથી બનાવેલી ધુનમાં ધુનના માપ પ્રમાણે શબ્દો ફિટ કરી આપતાં . એમાં એમણે ફિલ્મની સિચ્યુએશન, દ્રષ્ય અને દર્શકોની સમજદારી અને ગ્રહણ – ક્ષમતાને પણ ધ્યાનમાં રાખવાની !

    સંક્ષેપમાં, ફિલ્મી ગીતકારોની મુશ્કેલીઓ અસીમ છે. આ મજબૂરીઓને (અને એમાં સમાયેલી તકને !) ગીતકાર આનંદ બક્ષી શરૂઆતથી જ સમજી અને પચાવી ચૂક્યા હતા. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને રાહુલ દેવ વર્મન સાથે મળીને એમણે જે સંખ્યા અને તુકબંદીના વિક્રમો સર્જ્યા એ આજ લગી અકબંધ છે ! આનંદ બક્ષી સાહેબ આવું લખી આપે અને એ ધૂમ ચાલે ! – ‘ સુન મેરે હમજોલીમૈને ખિડકી ખોલીતુમ હો કિતની ભોલીભીગી તેરી ચોલીઆ ખેલેં હમ હોલી ‘ ! 

    પરંતુ એ પણ નિર્વિવાદ કે એ કવિતાનો સાચો કસબ સુપેરે જાણતા હતા. કેટલીક સુંદર રચનાઓ પણ એમણે લખી ( એમના લખેલા ‘ ગમે હસ્તી સે બસ બેગાના હોતા વલ્લાહ ક્યા બાત હૈ ૧૯૬૨ અને ‘ આજ દિલ પે કોઈ જોર ચલતા નહીં ‘ – મિલન ૧૯૬૭ સાંભળી જોજો ! ) પણ એ અસલિયત ધંધા પાછળ સાવ ઓઝપાઈ ગઈ !

    ફિલ્મ ‘ દેવર ‘ ની એમની આ બે ગઝલોને આપણે ભાગ્યે જ ગઝલ તરીકે પ્રમાણી છે. એ ગઝલો છે એ સમજવા એના શબ્દો અને બંધારણ ધ્યાનથી તપાસવા પડે. બન્ને રચનાઓ બક્ષી સાહેબની સર્જકતાનું પ્રમાણ છે :

    ૧.

    બહારોં ને મેરા ચમન લૂટ કર, ખિઝાં કો યે ઈલઝામ ક્યોં દે દિયા
    કિસી ને  ચલો  દુશ્મની  કી મગર, ઈસે દોસ્તી નામ ક્યોં દે દિયા

     

    મૈં સમઝા નહીં ઐ મેરે હમનશીં, સઝા યે મિલી હૈ મુઝે કિસ લિયે
    કે સાકી ને લબ સે મેરે છીન કર, કિસી ઔર કો જામ ક્યોં દે દિયા

     

    મુઝે ક્યા પતા થા કભી  ઈશ્ક મેં, રકીબોં કો કાસિદ બનાતે નહીં
    ખતા  હો  ગઈ  મુજસે કાસિદ મેરે, તેરે હાથ પૈગામ ક્યોં દે દિયા

     

    ખુદાયા  યહાં  તેરે  ઈંસાફ  કે, બહુત  મૈને  ચર્ચે  સુને  હૈં  મગર
    સઝા કી જગહ એક ખતાવાર કો, ભલા તૂને ઈનામ ક્યોં દે દિયા ..

     

    – ફિલ્મ : દેવર ૧૯૬૬

    – મુકેશ

    – રોશન

    ૨.

    આયા હે મુઝે ફિર યાદ વો ઝાલિમ, ગુઝરા ઝમાના બચપન કા
    હાએ  રે  અકેલે  છોડ  કે  જાના,  ઔર  ન  આના બચપન કા

     

    વો  ખેલ  વો સાથી વો ઝૂલે,  વો  દૌડ  કે  કહના  આ છૂ લે
    હમ આજ તલક ભી ના ભૂલે, વો ખ્વાબ સુહાના બચપન કા

     

    ઈસકી  સબ  કો  પહચાન નહીં, યે દો દિન કા મહેમાન નહીં
    મુશ્કિલ હૈ બહોત આસાન નહીં, યે પ્યાર ભુલાના બચપન કા

     

    મિલ  કર  રોએં  ફરિયાદ કરેં, ઉન બીતે દિનોં કી યાદ કરેં
    ઐ કાશ કહીં મિલ જાએ કોઈ, વો મીત પુરાના બચપન કા ..

     

    – ફિલ્મ : દેવર ૧૯૬૬

    – મુકેશ

    – રોશન


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મોહમ્મદ રફીનાં ઉસ્તાદ તાજ અહમદ ખાન રચિત ગૈર-ફિલ્મી ગીત અને ગઝલ – એક હી બાત જમાનેકી કિતાબોમેં નહીં

    મોહમ્મદ રફી (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ – ઇંતકાલ: ૩૧ જુલાઈ ૧૯૮૦)ની ૪૩મી પુણ્યતિથિની યાદાંજલિ

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    એમની ગૈર ફિલ્મી રચનાઓમાં પ્રાધાન્ય રચનાના ભાવને જ હોય, એટલે   મોહમ્મદ રફીનાં ગૈર ફિલ્મી ગીતો સાંભળવાની મજા અનોખી જ રહી છે. ‘૬૦ના દાયકાના અંતભાગમાં રેડિયો પર સાંભળવાં મળેલ આવાં ગૈર ફિલ્મી ગીતોએ મને પછીથી રેકોર્ડ્સ અને કેસેટ્સ તેમ જ સીડી ખરીદવા ભણી પણ પ્રેર્યો. તે પછીથી નેટ પર ગીતો ડીજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થવા લાગ્યાં ત્યારે સમજાવા લાગ્યું કે અત્યાર સુધી મોહમમ્દ રફીનાં જેટલાં પણ ગૈરફિલ્મી ગીતો સાંભળ્યાં છે તે તો હવે ઉપલબ્ધ ગીતોની હિમશીલાનાં ટોચકાં જેટલાં જ છે. એટલે ૨૦૨૧માં મોહમ્મદ રફીનાં નેટ (યુ ટ્યુબ) પર મળતાં ગીતોને શોધી શોધીને સાંભળવાં અને તેમની જન્મ જયંતિ અને પુણ્ય તિથિઓના દિવસોની અંજલિ સ્વરૂપે મોહમ્મદ રફીનાં ગૈર-ફિલ્મી ગીતોને એક જગ્યાએ સંગ્રહ કરવાં એમ નક્કી કર્યું.

    અત્યાર સુધી

    ૨૦૨૧માં

    ૪૧મી પુણ્યતિથિ પ્રસંગે ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે  

    અને

    ૯૭મી જન્મ જયંતિ પ્રસંગે મેરે ગીતોંકા સિંગાર હો તુમ

    અને પછી

    ૨૦૨૨માં

    ૯૮મી જન્મજયંતિ પ્રસંગે ભૂલે ચૂકે મળે તો મુલાકાત માગશું

    શીર્ષકો હેઠળ કેટલાંક ગૈર-ફિલ્મી ગીત અને ગઝલ ગીતો આપણે યાદ કરી ચુક્યાં છીએ.

    આ ગીતો સાંભળતી વખતે ખય્યામ અને તાજ અહમદ ખાન દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં ગીતો શ્રવણીય પાસાંઓ અને સંખ્યાએ ધ્યાન ખેંચેલ. ખય્યામ દ્વારા રચિત મોહમ્મદ રફીનાં  ગૈર ફિલ્મી ગીતો વધારે સાંભળેલ હતાં, પણ દિલકી બાત કહી નહીં જાતી (ગીતકાર મિર તકી મીર), હાયે મહેમાન કહાં તે ગ઼મ-એ-જાના હોગા (ગીતકાર: દાગ દહેલવી) અને દિયા યે દિલ અગર ઉસકો બશર હૈ ક્યા કહિયે (ગીતકાર: મિર્ઝા ગ઼ાલિબ) જેવી  રચનાઓ જે ખુબ સાંભળેલી હતી, પણ તેમના સંગીતકાર તાજ અહમદ ખાન છે તે તો ઉપરોક્ત પ્રસંગો નિમિત્તે મોહમ્મ્દ રફીનાં ગૈર-ફિલ્મી ગીતોને વ્યવસ્થિત રીતે દસ્તાવેજિત કરતી વખતે જ ધ્યાન પર આવ્યું. એટલે મોહમ્મદ રફીની ૪૩મી પુણ્યતિથીની અંજલિ માટે મોહમ્મદ રફીનાં ઉસ્તાદ તાજ અહમદ ખાન દ્વરા સંગીતબદ્ધ કરાયેલાં ગૈર-ફિલ્મી ગીતોનો એક અલગ મણકો કરવો એમ નક્કી કર્યું.

    નેટ પર ઉસ્તાદ તાજ અહમદ ખાન વિશેની શોધખોળ પછી પણ તેઓ એક સંગીતકાર, ગાયક અને હાર્મોનિયમ વાદક હતા તે સિવાય તેમને વિશે ખાસ કોઈ માહિતી નથી મળી શકી. કોઈ કોઇ જગ્યાએ એવું જણાવાયું છે કે તેઓએ શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા શુભા જોશી, મોહમ્મદ રફી, તલત મહમુદ વગેરે જેવાં ઘણાં ગાયકોને સંગીતની તાલીમ આપેલી. જોકે તેમણે સ્વરબદ્ધ કરેલ, અપનોંકે સિતમ હમ સે બતાયેં નહીં જાતે (બેગમ અખ્તર – ગીતકારઃ સુદર્શન ફકીર), હમ તો યું અપની ઝિંદગીસે મિલે (શોભા ગુર્તુ – ગીતકારઃ સુદર્શન ફકીર), દિલમેં અબ યું તેરે દિયે ગમ યાદ આતે હૈ (શુભા જોશી – ગીતકારઃ ફૈઝ અહમદ ફૈઝ),  કોઈ આરઝૂ નહીં અને દિલકે બહેલાનેકી તબદીર તો હૈ (તલત મહમુદ – ગીતકારઃ શકીલ બદાયુની) જેવા જાણીતાં ગાયકો દ્વારા ગાયેલી કેટલીક રચનાઓ યુ ટ્યુબ પર તો મન ભરીને સાંભળવા મળે છે.

    તાજ અહમદ ખાને જે ગઝલો મોહમ્મદ રફીના સ્વરમાં રજુ કરી છે તે બધી જ શુદ્ધ ઉર્દુ કે ફારસી ભાષામાં લખાયેલ પદ્યરચનાઓ છે. એટલે એ શબ્દોના અર્થ જાણવા માટે ક્યાં તો ઉર્દુ શબ્દકોશ કે પછી ગુગલની જ મદદ લેવી પડે. પણ એમ કરતાં ગઝલની શ્રવણીયતા  માણાવાનું એક તરફ રહી જાય. એટલે ગઝલનો ભાવ જાણી શકાય એટલી જ વિગત મુકીને સંતોષ માની લીધો છે. આમ પણ આપણો મુળ આશય તો તાજ અહમદ ખાનની  ગૈર – ફિલ્મી રચનાઓનું વૈવિધ્ય ઝીલવામાં મોહમ્મ્દ રફી પણ કેવા સહજ બની જાય છે એ માણવાનો છે ને ! તો ચાલો, હવે આપણે આજના વિષય, મોહમ્મદ રફીનાં ઉસ્તાદ તાજ અહમદ ખાન દ્વારા સંગીતબદ્ધ કરાયેલાં ગૈર-ફિલ્મી ગીતો અને ગઝલો તરફ આપણું ધ્યાન કેન્દ્રીત કરીએ.

    એક હી બાત ઝમાનેકી કિતાબોંમેં નહીં…. જો ગ઼મ -એ – દોસ્તમેં નશા હૈ શરાબોંમેં નહીં – રચનાઃ સુદર્શન ફ઼ાક઼ીર

    વાંસળીના મૃદુ સુરની સાથે રફીનું હં… અ .. અ નું મનોમન ગણગણવું આપણને પણ મનોવિચારમાં ઉતારી લઈ જાય છે. બસ, પછી તો શાયરની સાથે સાથે આપણે પણ જીવનની કિતાબમાં ન લખાયેલ વાતોની યાદમાં ખોવાઈ જઈએ છીએ.

    https://youtu.be/RTr50Zv7aqc

    ફ઼લસફે ઈશ્ક઼ મેં પેશ આયે સવાલોંકી તરહ, હમ પરેશાં હી રહે અપને ખયાલોં કી તરહ – રચનાઃ સુદર્શન ફ઼ાક઼ીર

    વિચારમગ્ન દશામાં ખોવાયેલ શાયરની એક બીજી ગઝલ, પણ તાજ અહમદ ખાન તેને ગમની વ્યથાની ધીમે ધીમે ઝુલસતી તડપના ભાવમાં રજુ કરે છે.

    https://youtu.be/hG7jJo9kjpA

    તલ્ખી-એ-મય મેં ઝરા તલ્ખી-એ-દિલ ભી ઘોલેં.. ઔર કુછ દેર યહાં બૈઠ કર પી લેં રો લેં – રચનાઃ કૃષ્ણ અદીબ

    મદ્યની કડવાશના નશામાં દિલની કડવાશ પણ ઘોળી જઈને બે ઘડી રોઈ લેવાની કોશિશ સમયે જે થોડો સમય બેફિકરાશની અનુભૂતિ થાય તેને મોહમ્મદ રફી પોતાની ગાયકીમાં વ્યક્ત કરી રહે છે.

    ન શૌક઼ -એ – વસ્લ કા મૌકા ન જ઼િક્ર -એ-આશ્નાઈ કા, મૈં એક નાચીજ઼ બંદા ઔર ઉસે દાવા ખુદાઈ  કા – રચનાઃ અમીર મીનાઈ

    મોહમ્મદ રફીના સ્વરની આવી મિઠાશ ફિલ્મી ગીતોમાં ભાગ્યે જ સાંભળવા મળતી હશે.

    https://youtu.be/PA_j0WAxgSw

    સાક઼ી કી હર નિગાહ પે બલ્ખા કે પી ગયા લહરોં સે ખેલતા હુઆ લેહરોંકો પી ગયા  – રચનાઃ જિગર મોરાદાબાદી

    પ્યાલીઓ પર પ્યાલીઓ પી જવા માટે સાક઼ીની મદહોશ કરતી નજરનું બહાનું ભલે કરે પણ ખરેખર તો જમાનાની આસર હેઠળ કરેલ પોતાની ભુલો માટે માફી માગવામાં દિલની વ્યથા ઠલવાઈ રહી છે.

    રાજન પી પર્રિકરના બ્લોગ પર ગઝલની રચનાને રાગ તોડીમાં બતાવાઈ છે.

    મોહમમ્દ રફીનાં ગીતો બહુ અભ્યાસપૂર્ણ રીતે પોતાના અવાજમાં રજુ કરતા કલાકાર સંજીવ રામભદ્રને મોહમ્મદ રફીની ૪૦મી પુણ્યતિથિ જે ૪૦ ગીતો રજુ કર્યાં હતાં તેમાં આ ગઝલની પસંદગી કરી હતી. તેના પરથી આ ગઝલ પણ મોહમ્મદ રફીની ગાયકીનો કેવો આદર્શ નમુનો હશે તે કલ્પી શકાય.

    https://youtu.be/yj_K8ufPG7U

    હળવે હાથે આડવાતઃ 

    જગજિત સીંઘે  આ ગઝલને પંજાબી થાટમાં મૈં ઝિંદગીકા સાથ નિભાતા ચલા ગયાની ધુન પર પોતાના એક કાર્યક્રમમાં રમતી મુકી હતી.

    હમકો મિટા સકે યે જ઼માનેમેં દમ નહીં, હમસે જ઼માના ખુદ હૈ જ઼માને સે હમ નહીં – રચનાઃ જિગર મોરાદાબાદી

    પોતાના હોવા માટે જે ગરૂર ગઝલમાં વ્યક્ત થાય છે તેને મોહમ્મદ રફી આત્મવિશ્વાસપૂર્ણ બેફિકરાઈથી રજુ કરે છે. અંતરામાં આવતાં આ બેફિકરાઈની સાથે વિચારમગ્ન થવાની અનુભૂતિ પણ ભળે છે.

    https://youtu.be/q9MivkGOHjM

    જલવા બક઼દ્ર-એ-ઝર્ફ-એ-નજ઼ર દેખતે રહે ક્યા દેખતે હમ ઉનકો મગર દેખતે રહે – રચનાઃ જિગર મોરાદાબાદી

    અહીં જિગર મોરાદાબાદી રોમેન્ટીક ભાવમાં છે. તેઓ કહે છે કે એમનાં દર્શનની ભવ્યતાને કદરભરી નજરથી જોઈ રહ્યા સિવાય બીજું કશું કરી જ શકાય તેમ નહોતું. તાજ મોહમ્મ્દ ખાન મોહમ્મદ રફીના સ્વરમાં આ અભિભૂતિને સાકાર કરે છે.

    https://youtu.be/Ba9asrjaWak

    તાજ અહમદ ખાન અને રફીનાં સંયોજનની ખુબીને સમજવા માટે આપણે આ જ ગઝલને આબીદા પરવીનના સ્વરમાં સાંભળીએ –

    ગઝલ ગાયકીની આ શૈલીમાં પદ્યના ભાવને બદલે ગાયકીને વધુ મહત્ત્વ અપાતું હોય છે.

    મૈને જબ સે તુજ઼ે જાન -એ-ગઝલ દેખા હૈ … મુસ્કુરાતા હુઆ ઈસ દિલમેં કમલ ખિલતા હૈ – રચનાઃ સબા અફઘાની

    જેને જોતાંવેંત દિલમાં કમલ ખીલવા માંડે, એની નજર સાથે નજર મળે તો એની પલકોંની ઘેરી છાયામાં તાજ મહલ દેખાય, જેમનાં સ્મિતમાં નવપલ્લવિત કળીયોની તાજગી છે, જેમની અવાજમાં મસ્તીથી વહેતાં ઝરણાંનો કલકલાટ છે, જેના હોઠ પરનું સ્મિત, કપાળમાં પડતા સલ કે લહરાતી ઝુલ્ફમાં પ્રભાતની હવાની ખુશનુમા આત્મા છે  એવી પ્રિયતમાની યાદને વર્ણવતી આ ગઝલ રફી એક અનોખી મૃદુતાથી રજુ કરે છે.

    જીને કા રાઝ મૈંને મોહબ્બતમેં પા લિયા … જિસકા ભી ગમ હુઆ ઉસે અપના બના લિયા – રચનાઃ મિર્ઝા ગાલિબ

    પ્રેમનું રહસ્ય સંબંધોમાં દિલને પહોંચતી ઠેસને સ્વીકારી લેવામાં છે. એ દુખની અસર રોવાથી ઓછી નથી થતી પણ હાસ્યની આડશ તેને સંતાડવામાં  અસરકારક નીવડે છે.  જો આપણી વાત સાંભળનાર ન મળે તો સામે અરીસો રાખીને વાત કહી જ દેવી. ગાલિબની આ જિંદાદીલ જીવનદૃષ્ટિને મોહમ્મદ રફી એટલી સહજતાથી કહી શકે છે.

    મૈંને સોચા થા અગર મૌત સે પહલે પહલે, મૈંને સોચા થા અગર દુનિયા કે વીરાનોંમેં,  મૈંને સોચા થા અગર હસ્તીકે શમશાનોંમેં,  કિસી ઇન્સાન કો બસ એક ભી ઇન્સાનકી ગર સચી બેલાગ મુહબ્બત મિલ જાય – રચનાઃ મિર્ઝા ગાલીબ

    માણસની અપેક્ષાઓ તો અપાર, અનંત, અખૂટ જ હોય છે. મોટા ભાગની એવી અપેક્ષાઓ અધુરી જ રહેવા પામતી હોય છે, તો પણ માનવીનું મન એ ઉમ્મીદોને ટેકે ટેકે જીવન સાગર પાર કરી લેવાની મનસા છોડી નથી શકતો. ગાલિબની ગઝલોમાં જે ગહન જીવનદૃષ્ટિ હોય છે તે અહીં પણ એટલી જ ઊંડાણથી કહેવાઈ છે.

    યું બેખુદી સે કામ લિયા હૈ કભી કભી અર્સ-એ- બરી કો થામ લિયા હૈ કભી કભી …. મૈંને તુમ્હેં પુકાર લિયા હૈ તો ક્યા જ઼ુલ્મ કિયા તુમને ભી મેરા નામ લિયા હૈ કભી કભી   – રચનાઃ મિર્ઝા ગાલીબ

    પ્રિયતમાને યાદ કરી લેવાની મુર્ખતા કરી લીધી તો એવડો કયો મોટો ગુનો કરી નાખ્યો એવી ફરિયાદ મોહમ્મ્દ રફીના સ્વરની તડપમાં ધારદાર અનુભવાય છે.

    નક઼ાબ રૂખસે ઉઠાયે મેરે નસીબ કહાં, વો મુજ઼કો અપના બનાયે મેરે વો નસીબ કહાં – રચનાકાર જાણી નથી શકાયા

    પ્રિયતમાની એક ઝલક માટે પણ સમાજનાં જે બંધનો આડે આવે છે, તેમ છતાં જો એ, બસ, એક પળ  પણ મળે તો પણ કેવાં સદનસીબ …. બીચારો પ્રેમી આનાથી વધારે દાદ પણ શું માગે !

    કિતની રાહત હૈ દિલ ટૂટ જાને કે બાદ .. જિંદગીસે મિલે મૌત આને કે બાદ – રચના : શમીમ જયપુરી

    દિલ તૂટ્યા પહેલાની પીડા ભોગવતા રહેવા કરતાં એક વાર તે તૂટી જાય તો જે કાયમની રાહત મળવાની પણ જે નિરાંત છે તેની ટીસ મોહમ્મદ રફીના સ્વરમાં ઘુંટાય છે.

    છેલ્લે એક ગીત સાંભળીએ –

    ફલક સે ઉતરે ઝમીં પર તારે  …  ચિરાગ બન બનકે ઝીલમીલાયે … કહાંસે આયી હૈ યે દિવાલી ખુશી કે નગમેં દીલોંને ગાયે – રચનાઃ મધુકર રાજસ્થાની

    દિવાળીના અવસરની ખુશીને મધુકર રાજસ્થાનીએ જેટલા અલગ અંદાજમાં વર્ણવી છે એટલા જ અનોખા ભાવમાં તાજ અહમદ ખાન એ ખુશીને સંગીતમાં ઝીલી લે છે.

    હાલ પુરતી તો મને આટલી જ રચનાઓ મળી છે, પણ મોહમ્મદ રફીએ ગાયેલ તાજ મોહમ્મ્દ ખાનની અન્ય રચનાઓ પણ આપ સૌનાં ધ્યાનમાં આવે તો જરૂર જણાવશો.

  • સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ (૨૮) આંકડાબાજી

    {નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

    પિયૂષ એમ પંડ્યા

    સૌથી વધુ ગીતો ધ્વનિમુદ્રિત કરાવનારા કલાકાર તરીકે લતા મંગેશકરનું નામ ગીનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દાખલ કરવામાં આવ્યું. તે માટે મહંમદ રફીએ પણ પોતાનો દાવો રજૂ કર્યો. એવું માનવામાં આવતું હતું કે આશા ભોંસલે જેમતેમ પણ ત્રીજા ક્રમાંકે હોવાં જોઈએ. ગીતોની સંખ્યામાં ક્યાંય પાછળ એવા મુકેશની કે તલત મહમૂદની કોઈએ નોંધ પણ ન લીધી. આ વિવાદ ચગી રહ્યો હતો ત્યારે કોઈએ એક કલાકારની કારકીર્દિમાં આંકડાનું શું મહત્વ હોઈ શકે તે બાબતે વિચાર્યું નહીં.

     

    કારકીર્દિના શરૂઆતના તબક્કામાં ગાયકે કેટલાં ગીતો ગાયાં તે બાબત મહત્વની  હોઈ શકે. પણ આખરે તો એણે શું ગાયું છે તે મહત્વનું બની રહે છે, નહીં કે કેટલું ગાયું. માણસ પાસે ગણાવવા જેવું કશું જ રહેતું નથી ત્યારે તે પોતાની ઉમરનાં વર્ષો ગણાવવા લાગે છે. તે જ રીતે નામાંકિત ગાયકો પોતે ગાયેલાં ગીતોની સંખ્યાને એક સિદ્ધી તરીકે ગણાવે તે દયનીય સ્થીતિ છે.

    મુકેશ અને તલત મહમૂદે ગાયેલાં મોટા ભાગનાં ગીતો યાદગાર બની રહ્યાં છે અને હજી પણ ગૂંજતાં રહે છે. લતા, આશા અને રફીએ હજારોની જગ્યાએ સેંકડો ગીતો જ ગાયાં હોત તો પણ તે લોકોએ સમયની રેતમાં તેમનાં પગલાંની છાપ છોડી જ હોત. લતા એવાં કલાકાર હતાં, જેમણે પોતાના કાર્યના જથ્થા બાબતે ફિકર કરવાની જરૂર નહોતી. તેમની કારકીર્દિના પહેલા પ્રથમાર્ધમાં અને તેમાં પણ પહેલા દશકમાં લતાએ ગાયેલાં ગીતોની ગુણવત્તાની સરખામણીએ તે પછીનું તેમનું કામ ખાસ નોંધપાત્ર ગણાવી શકાય એમ નથી. તે શરૂઆતના ગાળામાં સંગીતની  દૃષ્ટીએ તેમને સામાન્ય લાગી હોય તેવી બાબતો પણ સમય વિતવાની સાથે દુર્લભ બની ગઈ છે.

    લતા કે જેમણે પોતાનું સ્થાન જમાવવા માટે અને ત્યાં ટકી રહેવા માટે સંઘર્ષ કર્યો છે, તેમને બરાબર જાણ હોવી જોઈએ કે ગમે તેટલા વ્યસ્ત ગાયક પણ આખરે કેટલી માત્રામાં ગાઈ શકે. ગીનીઝ બુકમાંથી હવે હટાવી દેવાયેલી એન્ટ્રી કદાચ બિનઆધારભૂત અખબારી અહેવાલો થકી પ્રવેશપાત્ર ઠરી હશે. આ બાબતનો ઉલ્લેખ જોરશોરથી તેમનાં ગીતોની વીડિઓ ફિલ્મ્સમાં કરવામાં આવ્યો. ઉપરાંત HMV કંપનીએ તેનો પ્રચાર કર્યો ત્યારે કે પછી લંડનમાં તે વિશે ટીપ્પણીઓ થઈ ત્યારે લતાએ આ બાબતે અલગ મત ન દર્શાવ્યો કે તેને રદીયો પણ ન આપ્યો. તે દાવાની સચ્ચાઈ ઉપર શંકા કરવી જરૂરી ન લાગી કેમ કે તે પોતે જ એમ માનતાં હતાં અને તે બાબતે તેમણે ગૌરવ અનુભવ્યું હશે,

    ચકાસણીની એરણે ન ચડે ત્યાં સુધી એક કલાકારના ગમે તેવા અતિશયોક્તિભર્યા દાવા પણ ચાલી જાય. હિન્દી ફિલ્મી ગીતોના સર્વસમાવેશક કોશ જેવું હરમંદીર સીંઘ ‘હમરાઝ’નું કાર્ય પ્રકાશિત થતાં જ આખોતખ્તો બદલાઈ ગયો. આગળ જતાં અન્યોએ તૈયાર કરલા ગીત કોશોમાં થતા રહેતા પૃથક્કરણની મદદથી દરેક કલાકારના કાર્યવિસ્તારનું માપન સહેલું થઈ ગયું. આ રીતે મળેલી માહીતિ વડે જણાયું કે આશાએ ૭૬૦૦ હિન્દી ફિલ્મી ગીતો ગાયાં છે. લતાએ ૫૦૦૦ કરતાં થોડાં વધુ અને રફીએ માત્ર ૪૫૦૦ જેટલાં ગીતો ગાયાં છે.

    ૧૯૮૨માં હિન્દી ફિલ્મી ગીત કોશના વિમોચન સમયે હરમંદીર સીંઘ લતા મંગેશકરને મળ્યા ત્યારે લતા પોતે ગાયેલાં ગીતોની સંખ્યા જાણવા ઉત્સુક હતાં. તે સમયે ગાયક અનુસાર વર્ગીકરણ ઉપલબ્ધ ન હોવાથી હરમંદીરે સાવધાનીપૂર્વક ૧૦,૦૦૦ આસપાસ ગીતોનો આશરો જણાવ્યો. આ જવાબ લતાને અનુકૂળ ન આવ્યો. એ આંકડો તે સમયે પ્રવર્તી રહેલા ૩૦,૦૦૦થી વધુ ગીતોના આંકડા કરતાં ક્યાંયે ઓછો હતો. હકીકતે તે આંક તો ફિલ્મો માટે સર્જાયેલાં કુલ ગીતો સાથે મેળ પાડતો હતો. આખરી અભિપ્રાય તો લતાનો જ રહ્યો, જ્યારે તેમણે લગભગ તોછડાઈથી કહ્યું કે  આફ્રીકાના સ્વાઝીલેન્ડમાં રહેતા તેમના એક મિત્ર પાસે પોતાનાં ૨૫.૦૦૦ ગીતો છે!

    બીજા દિવસે હરમંદીર સીંઘ ‘હમરાઝ’ને મળતી વેળા આશા ભોંસલેએ કોઈએ ૨૦,૦૦૦ ગીતો પણ ગાયાં હોય તેવા દાવાને હસી કાઢ્યો. તેમણે કહ્યું કે પોતે માત્ર હિન્દી જ નહીં, અન્ય ભાષાઓમાં પણ સૌથી વધારે ગીતો ગાયાં છે. ગીતોની સંખ્યાની ગણતરી ઉપર મદાર રાખનારાંઓમાંથી કોઈએ સહેજ થોભી ને વિચાર્યું નહીં કે તેનું વજૂદ કેટલું હતું. મુકેશ અને તલત મહમૂદે અનુક્રમે લગભગ ૧૦૦૦ અને ૭૫૦ ગીતો ગાયાં હશે. પણ એમાંનાં મોટા ભાગનાં એટલાં લોકપ્રિય થયાં છે કે જેથી એવું લાગે કે તે બન્નેએ ઘણાં વધારે ગીતો ગાયાં હશે. લતાએ ગમે તેટલાં ગીતો ગાયાં હોય, ૧૯૪૮ થી ૧૯૫૨ના પાંચ વર્ષના ગાળામાં તેમણે ગાયેલાં ગીતો તેમને અમર બનાવી દેવા માટે પૂરતાં છે. ગર્વ કરવો જ હોય તો તેમણે એ સિદ્ધી માટે ગર્વ કરવો જોઈતો હતો

    ઉદાહરણ તરીકે માસ્ટર મદને પોતાના ટૂંકા જીવનકાળમાં માંડ દસ ગીતો રેકોર્ડ કરાવ્યાં હશે.

    પણ તેના ૧૪ વર્ષની નાની વયે થયેલા દેહાંતના દાયકાઓ પછી પણ તે પૈકીના એક જ ગીત યૂં ના રહ રહ કર હમેં તરસાઈએ ની પ્રચંડ લોકપ્રિયતા થકી તેમની યાદગીરી જળવાઈ રહી છે. ૪૨ વર્ષની નાની ઉમરે દુનિયા છોડી જનારા કે.એલ.સાયગલે તેમની ૧૬ વર્ષની ટૂંકી કારકીર્દિમાં લગભગ ૨૦૦ જેટલાં ગીતો ગાયાં હશે. પણ   સાયગલ એક બેજોડ ગાયક તરીકે દંતકથા સમાન બની રહ્યા છે. તડપત બીતે દિન રૈન (‘ચંડીદાસ’, ૧૯૩૪) થી લઈને તૂટ ગયે સબ સપને મેરે (‘પરવાના’, ૧૯૪૭) સુધીની તેમની સ્વરયાત્રામાંનાં માત્ર ૨૫ ગીતો તેમને ફિલ્મી સંગીતની દુનિયામાં અમર બનાવવા માટે કાફી છે. અને આ હકીકત સાયગલના એક ચાહક તરીકે લતા કરતાં બહેતર કોણ સા  જાણતું હોય!


    નોંધ :

    તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.

    મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.


    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

     

  • વનવૃક્ષો : બહેડાં

    ગિજુભાઈ બધેકા

    બોરડી કરતાં બાવળ ઊંચો ને બાવળ કરતાં આંબલી ઊંચી. પણ આંબલી કરતાં ને ઘણાં ઘણાં ઝાડ કરતાં બહેડાનું ઝાડ ઘણું જ ઊંચું.

    પણ ઝાડ ઊંચું એટલે ફળ ઊંચાં એવું કાંઈ નથી. લાંબો તો તાડે ય થાય છે પણ ઉપરથી તાડિયાં ખેરે છે; ભલે આંબો નીચો થાય છે, પણ ઉનાળે ઉનાળે મીઠી ને મધુરી કેરી જમાડે છે.

    તો ય ઊંચાં ઝાડનો મહિમા તો છે. આપણે પેલા રૂપાળાં શીંગડાંવાળા સાબર જેવા ન થવું જોઈએ. પગ કામના છે, પણ શીંગડાં ય કાંઈ નકામાં નહિ હોય. આંબો ફળ આપે છે; પણ પાંચ ઝાડ એવાં ય જોઈએ ને, કે જે ઘટાદાર હોય, જે જંગલની શોભારૂપ હોય, જે જંગલમાં ચંદરવારૂપ હોય, ને બીજા છોડ નાના હોય ત્યાં સુધી બહુ તડકામાંથી જે તેમને બચાવતાં હોય.

    ઊંચા ઝાડે ચડીને કહો જોઈએ કેટલે બધે દૂર સુધી દેખી શકાય ? મિનારો ચણવા બેસવું પડે એના કરતાં બહેડાં ઉપર ચડી આકાશ સાથે વાતો કરવી શી ખોટી ? સાત માળની હવેલીએ ચડીને મુંબઈ જોવા કરતાં બહેડાં ઉપર ચડીને આખી સીમ ને જંગલ જોવામાં મજા છે. કોઈ વાર જંગલના ગોવાળિયા મળે તો પૂછજો : “અલ્યા બહેડાંના ઝાડે ચડવું કેવું મજાનું ?”

    એમ સાવ કાંઈ બહેડાં કાઢી નાખવા જેવાં નથી. બહેડાંને ફળ આવે છે અને પાકીને નીચે પડે છે ત્યારે ઢગલેઢગલા થાય છે.

    વૈદોની ચોપડીમાં જુઓ તો ખબર પડે કે બહેડો કેટલો ઉપયોગી છે. ખૂબખૂબ ખાધાથી માંદા પડીએ એ ચીજો સારી, કે જુદા જુદા રોગોને મટાડે એ ચીજો સારી ?

    તમે કહેશો કે રોગોને મટાડે એ ચીજો સારી. પણ હું કહીશ કે ખૂબ ખૂબ ખાઈએ ત્યારે રોગ થાય ને ? રોગ કરે ય નહિ ને મટાડે ય નહિ તે ચીજો શી ખોટી ?

    પણ આપણે તો બહેડો કેટલો બધો કામનો છે તેની વાત કરતા હતા. ઉપર તો જરા આડી વાત થઈ ગઈ. કોઈ વાર વાત કરતાં એમ પણ થઈ જાય. લખનાર પણ માણસ છે ને ! આડુંઅવળું ન લખે ?

    ત્યારે બહેડાંની દવાઓ સાંભળો. એક તો તમે જાણતા હશો કે આંબળા ને હરડાં સાથે બહેડાંને પલાળી તેનું પાણી આંખે છંટાય. બાકી બહેડું કફ ઉપર કામ આવે, ઉધરસ ઉપર કામ આવે, ઢોરોને વાગ્યું હોય તેના ઉપર આવે; એમ બહુ કામમાં આવે.

    એમ ન સમજતા કે આંબળાનો જ મુરબ્બો થાય છે. બહેડાંનો પણ મુરબ્બો થાય છે ને તે આંબળાના મુરબ્બાની પેઠે જ.

    માણસો કાંઈ મોળાં નથી. કુદરતની અનેક ચીજોનો તેમણે જાતજાતનો ઉપયોગ કર્યો છે. અને આ ઉપયોગ શોધતા કેટલી બધી વાર લાગી હશે ? ને કેટલા બધા પ્રયોગો કર્યા હશે ? ને કેટલો બધો ગોટાળો થયો હશે ? એ તો હવે ફરી આપણે આંબળાં ને બહેડાં લઈએ ને મુરબ્બા બનાવીએ ને ખાઈએ.

    જુના લોકોએ બહુ શોધી રાખ્યું લાગે છે. આપણે તેમનો ઉપકાર માનીએ તો ?


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • ભગવાનનું ધામ અને ચકલીઓની પ્રાર્થના

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    જગતભાઈ, વાત એવી છે  ને કે ગામથી ફોન આવ્યો છે કે અમદાવાદ નજીકના એક (નામ નથી લખ્યું) મંદિરમાં ખુબ ચકલીઓ છે.

    મંદિરની અંદર ગુંબજમાં ચકલઓની વસાહત છે અને તેઓ ઉનાળામાં વર્ષોથી માળા બનાવે છે. સ્વાભાવિક છે કે માળા બનાવતા તેમનાથી થોડો કચરો પણ પડે!

    મંદિરનું રીપેરીંગરીં કામ મોટા પાયે ચાલે છે, રંગરોગાન કરવાના છે અને તેના ભાગરુપે છતમાં જાળી નાખવાના છે, જેથી ચકલા ગુંબજના નક્શી કામમાં માળો બનાવી શકે નહિ!

    તો  પછી અહીંથી ચકલીની આખી વસાહત ક્યાં જશે અને નિરાકરણ આવી શકે? નજીકના ગામના ચકલી પ્રેમી, મેહુલભાઈ પંચાલ, એક દર્શનાર્થી જેઓ ત્યાં દર્શન કરવા ગયા હતાં તેમને ખબર હતી કે તેમના સગા  શ્રી તૃપ્તિબેન સંજયભાઈ પટેલ, અમદાવાદના ચકલી બચાવો અભિયાનમાં નિયમિત કામ કરી ચકલીની સંખ્યા વધારવાના અભિયાનમાં સંકળાયેલા છે. મેહુલભાઈએ તાત્કાલિક શ્રી તૃપ્તિબેનને ફોન કર્યો. તૃપ્તિબહેને વિહવળ થઇ મને ફોન કર્યો. વાત કરતાં કરતાં તેમને ગળામાં ડૂમો ભરાઈ ગયો.

    મેં તેમની પાસેથી મેહુલભાઈનો નંબર માંગી વાત કરી. મેં કહ્યું, મને ફોટા મોકલો અને કોલ કરો. પરિસ્થિતિની ગઁભીરતા સમજવા માટે ફોટા પ્રમાણે પોતપોતાની જગ્યાએ દર વર્ષે માળા બનાવતી હોય. અચાનક છતમાં માળા તોડી નાખે તેટલી નજીકની જગ્યાએ એક સાથે ૫ થી ૬ માણસો કામ કરતાં જોઈ ચકલીઓ ગભરાઈ જાય, ચીસાચીસ કરતી હાંફળી ફાફળી થઇ પોતાના માળા, ઈંડા અને બચ્ચાનું શું થશે તેવો ભય વ્યાપી જાય અને નિસહાય બની જાય તેવું જોયું. ચકલીઓની ચીસાચીસ સાંભળી મેં વિડિયો મેહુલભાઈને કોલ કરી આખી ભયાવહ પરિસિથતિનો તાગ મેળવ્યો.

    તેમના થકી તેમના ફોનથી મંદિરના પૂજારી સાથે વાત કરી. પુજારીને વિનંતી કરી, પરંતુ નિ:સહાય જવાબ મળ્યો કે ટ્રસ્ટની સૂચનાથી આ બધા કામ થઇ રહ્યા છે. સર્વેના નસીબ સારા કે તે સમયે બહાર ટ્રસ્ટની ઓફિસમાં  ટ્રસ્ટની મિટિંગ ચાલુ હતી. પૂજારી મેહુલભાઈને ટ્રસ્ટની મિટિંગના રૂમમાં લઇ ગયા અને વાત કરીકે આ ભાઈ આપ સહુને મળવા માંગે છે.

    મેહુલભાઈએ ગળગળા થઇ વિનંતી કરી કે મંદિરમાં થતા કામના લીધે મોટી જીવ હિંસા થશે અને ચકલી જે નામશેષ થઇ રહી છે. તેમની એક કાયમી મોટી વસાહત નાશ પામશે. સાહેબ, આ કામ ન કરો અને બંધ કરાવો.

    આશ્ચર્યમાં પડી એક ટ્રસ્ટીએ કહ્યું કે નવી બનાવેલી ડિઝાઇન પ્રમાણે અમારે જાળીનું કામ કરવું પડે તેમ છે. મેહુલભાઈએ તેમને મારી સાથે વાત કરવા વિનંતી કરી કે આ “સ્પેરોમેન” કોઈક રસ્તો બતાવે  માટે તેમની સાથે તમે વાત કરવા વિનંતી!

    ટ્રસ્ટીગણમાં પ્રભુ વસ્યા અને મારી સાથે વાત કરી. તેમને ચકલીઓની કઠણાઈ અને જીવદયાની થોડીક વાત કરી. મને કહ્યું કે ઉપર ગુંબજમાં માળો ન બનાવે અને ચકલીઓ બચે તેવું શું કરી શકાય? મેં સરળ રસ્તો બતાવ્યો કે જાળી લગાવો છો તેની નીચેના ભાગમાં માળા લગાવવા. તેમણે કહ્યું કે તે કેવી રીતે થાય? તાતકાલિક તમો કરાવી આપો તો કરી જુવો, જગતભાઈ બધું તમારે કરવાનું.

    તેમની વાતને મેં વિચારી, મગજમાં ડિઝાઇન વિચારી તેમની ચેલેન્જ સ્વીકારી કે  મને ત્રણ દિવસનો સમય આપો ને હું ચકલીઓની સુંદર વસાહત બચાવવા માટે વ્યવસ્થા ગોઠવી મહેનત કરીશ તેમ વિનંતી કરી. તેમણે બે દિવસમાં તમે કરાવી આપો તેમ કહ્યું. અમે તેમણે ગુંબજમાં કામ કરવા માટેનું સ્કેફોલ્ડિંગ વાપરવા દેવાની પરવાનગી માંગી તે પણ અમને મળી.

    સમય ન બગાડતા હું, મારી પત્ની અને બીજા બે યુવાન વૉલ્યૂન્ટર તેમજ સંજયભાઈ, તૃપ્તિબેન, તેમનો દીકરો ઓમ અને મેહુલભાઈ અમે સર્વે માળા, વાયર અને બીજો ઉપયોગી સમાન લઇ બીજે દિવસે ત્યાં પહોંચી ગયા.

    ચક્લીઓનો કલબલાટ સાંભળી મન હળવું થઇ ગયું. ભગવાનના દર્શન કરી અને વૉલ્યૂન્ટરને  શીખવાડી સ્કેફોલ્ડિંગ ઉપર ચઢાવ્યા. સ્વાભાવિક રીતે ચકલીઓ ગભરાઈ ગઈ અને વધારે ઉડાઉડ કરવા માંડી. દર્શનાર્થીઓ પણ આશ્રય પામી ટોળે વળ્યાં. ત્રણ માળ જેટલી ઊંચાઈએ ચઢવાની પણ બીક લાગે તેવું, પરંતુ હિમ્મત કરી ઉપર માણસો ઉપર ચઢ્યા.

    સમજાવ્યું હતું તેમ પહેલા એક માળો બંધાવ્યો અને વ્યવસ્થિત લાગ્યો તેટલામાંજ ચકલી નજીક આંટા મારવા માંડી. સફળ થશે તેવી શ્રદ્ધા જાગી અને આકરી મહેનત પછી બધા કોલમ ઉપર એક એક માળો બાંધ્યો જેણે   ગુંબજના  દેખાવમાં ઉમેરો કર્યો.

    હજુ બધા ભેગા થઇ આનંદ વહેંચીએ ત્યાંતો તરત એક દર્શનાર્થીએ બુમ પાડી, કે સાહેબ માળામાં અંદર ચકલી જોઈ. હરખ વ્યાપી ગયો અને પૂજારી જઈને ટ્રસ્ટીને બોલાવી લાવ્યા. ત્યાં સુધીમાં બીજા બે માળામાં ચકલી ગઈ અને બસ બધામાં આનંદનો ઉભરો આવી ગયો!

    મેં પૂછ્યું, કે મહારાજ આરતી કરો અને પ્રસાદ વહેંચો! વાહ રે વાહ, એક અદભુત અનેરો અસ્વમરણીય    પ્રસંગ ઉજવાઈ ગયો. લોકો આરતીમાં જોડાયાં અને ચકલીઓ પણ ચીં.. ચીં.. ચીં….  કરી આરતી કરતી હોય તેમ આનંદ વ્યક્ત કરવા માંડી, ટ્રસ્ટીને કહ્યું કે આજની તિથિને મંદિરની ચકલીની વસાહતની વર્ષગાંઠની ગણી કાયમી તિથિ તરીકે લખી લો.  વર્ષગાંઠ દર વર્ષે ઉજવો અને તેના રૂપિયા હું ભરી દઉં છું.

    હાલમાં, ત્રીજા વર્ષે ફરીથી આનંદનો ભાવભીનો માહોલ તેજ જગ્યાએ ફરીથી સર્જાયો.

    એક લેખક અને કવિ સ્પેરોના થાકી બનેલા નવા મિત્ર સુરેશ રાવલ ત્યાં કુટુંબ સાથે દર્શન કરવા ગયા હતા. દર્શન કરતાંકરતાં પૂજા વખતે ચકલીઓની ચીં ચીં નો સતત કર્ણપ્રિય અવાજ આવતો હતો, ભગવાનના દર્શન કરી ઊંચે જોયું તો છક્ક થઇ ગયા. અરે અહીંતો ગુંબજમાં સુંદર માળાની ભગવાનને ચઢાવેલું તોરણ હોય તેવી રીતે જગતભાઈના માળા છે અને બધા માળામાં ચકલીઓ ચી ચી કરતી બચ્ચા પાસે આવજા કરી રહી છે.

    *ઘર ચકલી – નર – ઘેરાંકથ્થઈ ચટા પટા વાળો અનેચાંચ નીચેડોક કાળી , માદા – ભૂખરા રંગની અને થોડીક નાજુક*ચકલી: કદ: ૬” – ૧૫ સે.મી., સરેરારે શ આયુષ્ય ૫ – ૬ વર્ષ, ચાલ – બે પગે ઠેકડા મારતી વિશિષ્ટ ચાલ.

    સંવેદનશીલ મિત્રની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા અને ભગવાનના દર્શનની સાથે મંદિરમાં પ્રકૃત્તિની જાણવણીની સફળતાનાં દર્શન થયા તેવા મનોભાવ સાથે કવિતા લખવાનું સ્ફૂર્યું. એક કવિતા લખવાના શબ્દોનો ભાવ તેમના મનમાં થઇ ગયો. તેમણે મને તરત મને ફોન કરી, શું વાત કરવી તેના શબ્દો ન જડે અને ભાવવિભોર થઇ ખુબ શુભેચ્છા પાઠવી કે જગતભાઈ ભગવાનના મંદિરમાં ચકલીઓ તમારા માટે રોજ પ્રાર્થના કરે છે.

    આનાથી વધારે સંતોષ કઈ વાતનો થાય ! જય હો ચકલી ગુરુની, તમારો ભવ સુધારી ગયો તેમ કહેતા કહેતા તેમને ગળામાં આનંદનો ડૂમો ભરાઈ ગયો. ચકલીઓની સંખ્યા વધારવાની ઝુંબેશની ખુબજ મોટી અને ભવ્ય સફળતા ભગવાનના ધામમાં જોઈ, તેમ વ્યક્ત કરી ફોન પુરો કર્યો.

    મારી આંખોમાં તે સાથે ભગવાન અને ચકલીઓના માળા, બચ્ચાં, ગુંબજની માળાનું તોરણ અને ભગવાનના દર્શન થયા.


    *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn  – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

     

  • કોઈનો લાડકવાયો (૨૭) : બહાદુર શાહ ઝફર (૧)

    દીપક ધોળકિયા

    મેરઠના વિદ્રોહી માત્ર કારતૂસો માટે નહોતા લડ્યા. એમનું લક્ષ્ય મોટું હતું. મેરઠમાં વિદ્રોહની આગ સળગાવીને એ મોટા લક્ષ્ય માટે દિલ્હી તરફ નીકળી પડ્યા. એ દિલ્હી પહોંચ્યા ત્યારે મોગલ સલતનતનો દીવો ૮૨ વર્ષના વયોવૃદ્ધ બહાદુર શાહ ઝફરના રૂપે અલપઝલપ થતો હતો. એની સત્તા માત્ર લાલ કિલ્લા અને એની બહાર પોતાના મહેરૌલીના મહેલ અથવા તો બેગમોના મહેલ પૂરતી રહી ગઈ હતી.

    બાદશાહ સલામત હઝરત ઝિલ-એ- સુબ્હાની ખલિફા-ઉર-રહેમાની અબૂ ઝફર સિરાજુદ્દીન મહંમદ બહાદુર શાહ સવારની નમાઝ પછી ઝૈર-એ-ઝરોખા (ઝરુખામાંથી દર્શન આપવા) માટે બેઠા છે. સમન બુર્જ નીચે ૨૦૦ ચુનંદા સૈનિકો અને ૩૦ હબસીઓ ખડેપગે છે. કિલ્લાની ઉપરથી ચોકિયાતે બૂમ પાડી. અમીર ફતેહ અલી દારોગા દૂર મીર બાહરીની જકાતચોકી નજીક નદીના પુલ તરફ આંગળી ચીંધી. ત્યાં આગ ભડકે બળતી હતી અને તિખારા ઊંચે સુધી ઊડતા હતાં. નદીકાંઠે ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. એણે નીચે હાક મારીને બે ઘોડેસવારોને પુલ તરફ દોડાવ્યા. બન્ને નદી સુધી પહોંચે તે પહેલાં જ એમને એક ટોળું મળ્યું અને ખબર આપ્યા કે ફોજ ઘૂસી આવી છે, અને મીર બાહરીને મારી નાખ્યો, જકાત ચોકીની તિજોરી લૂંટી લીધી અને ચોકીને આગ ચાંપી દીધી. અસવારો તરત પાછા વળ્યા અને સમાચાર આપ્યા. બાદશાહે તે જ ઘડીએ ફતેહ અલી અને હામિદ ખાનને તાબડતોબ પુલ તોડી નાખવા માટે હુકમ આપ્યો અને બધા દરવાજા બંધ કરી દેવા શહેર કોટવાળને ફરમાન કર્યું.

    પરંતુ પુલ તોડવા ગયેલી ટુકડી ત્યાં પહોંચે તે પહેલાં જ સામેથી કેટલાયે અસવારો પુલ વટાવીને આવી ગયા હતા. એટલે પુલ તોડવા ગયા તે તરત પાછા ફર્યા. એમની વાત સાંભળીને બાદશાહ તો શાંત રહ્યો પણ જનાનખાનામાં રોકકળ મચી ગઈ.

    બળવાખોર અસવારો ઝરૂખાની નીચે આવી પહોંચ્યા. કે તરત કિલ્લાનો કલકત્તા દરવાજો બંધ કરી દેવાયો. નિગમબોધ ઘાટ તરફનો દરવાજો પણ બંધ કરી દેવાયો, ત્યાં ઘાટ પર પૂજાપાઠ કરવા ગયેલાં સ્ત્રી-પુરુષો હાંફળાંફાંફળાં કિલ્લાની અંદર દાખલ થઈ ગયાં.

    આ બાજુ વિદ્રોહીઓના સરદારે બાદશાહ સામે લળીલળીને સલામ કરી અને આખી વીતક કહી સંભળાવી. બાદશાહે કહ્યું કે હું તો સૂફી છું. બાદશાહત તો મારા વડવાઓ સાથે ગઈ. હું બસ, મધ્યસ્થી કરી શકું. તે પછી એણે અંગ્રેજ રેસિડન્ટ ફ્રેઝરને બોલાવ્યો અને એને કહ્યું કે આ સિપાઈઓ તમારા છે. આજે તમારી સેવા કરતાં એમના ધર્મ પર આંચ આવી છે. ધાર્મિક અત્યાચાર અને કટ્ટરતા બહુ ખરાબ વાત છે. એને કારણે ઘણી રાજસત્તાઓ ડૂલ થઈ ગઈ છે અને કોણ જાણે કેટલાયનાં લોહી રેડાયાં છે. બહાદુર શાહ બાદશાહે ફ્રેઝરને ઠપકો આપ્યો.

    તે પછી ફ્રેઝર કિલ્લાના જુદા જુદા દરવાજા તપાસવા ગયો. એક જગ્યાએ એને પાંચ વિદ્રોહી મળ્યા. ફ્રેઝરે પોતાની બગ્ઘી પૂરપાટ દોડાવી. પાછળ અસવારો ખુલ્લી તલવારે ધસતા હતા. એક દરવાજાની નાની બારી ખુલ્લી હતી તેમાંથી એ અને કિલ્લેદાર અંદર ઘૂસી ગયા. અંદર જતાં જ એણે સંત્રીઓને પૂછ્યું કે “દરવાજો શા માટે ખુલ્લો રાખ્યો છે? તમે આ લોકો સાથે છો કે ધર્મ સાથે?” સંત્રીઓએ જવાબ આપ્યો કે “ધર્મ સાથે.” ફ્રેઝરે કંઈ બોલે તે પહેલાં એમણે આખો દરવાજો ખોલી નાખ્યો! ફ્રેઝર ઉપર ભાગ્યો. પાછળ વિદ્રોહીઓ અંદર ઘૂસી આવ્યા અને ફ્રેઝર વિશે પૂછ્યું. સંત્રીઓએ ઊંચે આંગળી ચીંધી. વિદ્રોહીઓ ઉપર ચડી ગયા. ફ્રેઝર દેખાયો. એક ગોળી ભેગી એની લાશ ઢળી ગઈ. વિદ્રોહીઓ પછી બહાર નીકળી ગયા અને ક્યાંય પણ કોઈ ગોરી ચામડી કે દેશી ખ્રિસ્તી નજરે ચડ્યો, ઝાટકે દેવા માંડ્યા.

    મહેલના દરવાજા બંધ થઈ ગયા અને બહાર સિપાઈઓ ટોળે મળીને દરવાજો ખુલવાની રાહ જોતા હતા.. શહેરમાં ઘણા ગોરાઓ માર્યા ગયા. બૅન્ક લુંટાઈ ગઈ અને બૅન્કના મેનેજરનું ખૂન થઈ ગયું

    અંગ્રેજોનો એક નોકર મોઇનુદ્દી બળવાખોરો સાથે ભળી ગયો અને કેટલાયે ગોરાઓનાં ખૂનમાં એનો હાથ હતો. એણે  પોતાના બયાનમાં બહુ તટસ્થતાથી લખ્યું છે કે અંગ્રેજો પોતાને જે માનવું હોય તે માને પણ દેશી લોકો એમને ઘૂસણખોર જ માનતા હતા અને અંગ્રેજ સરકારે એમના ધર્મ પર હુમલો કર્યો એટલે સિપાઈઓ ભડક્યા. ૧૧મીની સવારે એને મેરઠમાં બળવો કર્યા પછી સિપાઈઓ દિલ્હીમાં આવીને અંગ્રેજોની કતલ કરતા હોવાના સમાચાર મળ્યા. એ જ વખતે મૅજિસ્ટ્રેટ હચિન્સને આવીને એને તરત કોટવાળ (મુખ્ય પોલીસ અધિકારી) પાસે જઈને સાવધાન કરવાનો હુકમ આપ્યો. પણ કોટવાળે તો કહ્યું કે શહેરમાં તો શાંતિ છે. પછી બન્ને બહાર નીકળ્યા ત્યારે રાજઘાટ બાજુના કિલ્લાના દરવાજા તરફથી એક માણસે ભાગતો આવ્યો અને સમાચાર આપ્યા કે મેરઠથી સિપાઈઓ આવ્યા છે અને ભારે ધાંધલ છે.

    મોઇનુદ્દીન હચિન્સનને આ સમાચાર આપવા ગયો અને ત્યાંથી પહાડગંજ પાછો ફર્યો. એ જ વખતે જૉઇંટ મૅજિસ્ટ્રેટ થિઓપોલિસ મેટ્કાફ ઘોડા પર ત્યાં આવ્યો એણે પૂરતાં કપડાં પણ નહોતાં પહેર્યાં. એણે મોઇનુદ્દીન પાસેથી કપડાં લીધાં અને બગ્ઘીમાં દરિયાગંજ તરફ ગયો ત્યાં એના પર હુમલો થયો પણ એ બચી ગયો. આ બાજુ મૅજિસ્ટ્રેટ હચિન્સનને વિદ્રોહીઓએ મારી નાખ્યો હતો.

    એ લખે છે કે ઘરમાં સૌના હાલ જાણવા એ ઘર તરફ નીકળ્યો ત્યારે એણે મોટાં ટોળાં ફિરંગીઓનાં ઘરોમાં લૂંટફાટ કરતાં જોયાં. પણ વિદ્રોહીઓએ દારુગોળાનો ભંડાર લૂંટવાની કોશિશ કરી ત્યારે એના અફસરે તોપનો ઉપયોગ કર્યો. આમાં પચીસેક વિદ્રોહીઓ માર્યા ગયા પણ બીજા ચારસો જણ તમાશો જોવા એકઠા થયા હતા તે સાફ થઈ ગયા. પરંતુ હજી ટ્રેઝરી પર હુમલો નહોતો થયો.

    મોઇનુદ્દીન છેક મધરાત સુધી ફરતો રહ્યો. ઠેકઠેકાણે દુકાનો અને ઘરો ભડકે બળતાં હતાં અને રસ્તા પર લાશો રઝળતી હતી.

    સવારે નવ વાગ્યાના સુમારે ભારે વિસ્ફોટ થયો. તે પછી અંગ્રેજ કમાંડરે પોતાની ફોજને એકઠી કરવાની કોશિશ કરી પણ એમાંયે હિંદુસ્તાની સિપાઈઓ હતા. એમણે પોતાના વિદ્રોહી ભાઈઓ પર ગોળીઓ છોડવાની ના પાડી દીધી. એટલું જ નહીં, એમના અને વિદ્રોહીઓ વચ્ચે સારા સંબંધો જોવા મળ્યા, એ બધા એકબીજા સાથે હાથ મિલાવતા હતા!

    વિદ્રોહીઓ મેની ૧૧મીએ દિલ્હી આવ્યા તે જ દિવસે સાંજના ચાર વાગ્યે એમણે કાશ્મીરી દરવાજા પાસેના શસ્ત્રભંડાર પર હુમલો કર્યો. ચારે બાજુથી એને ઘેરી લીધો અને તોપના ગોળા છોડીને એની દીવાલ તોડી પાડી. પરંતુ એ લોકો શસ્ત્રાગારમાં ઘૂસી શકે તે પહેલાં જ શસ્ત્રાગારના સંત્રીઓએ પોતે જ એને ઉડાડી દીધો. આમાં તમાશો જોવા એકઠા થયેલા ઘણા લોકો માર્યા ગયા.

    હવે વિદ્રોહીઓને દિલ્હીમાં સંપૂર્ણ સફળતા મળી ચૂકી હતી. તે પછી એમણે વહીવટ પર ધ્યાન આપ્યું. શહેનશાહ બહાદુર શાહ ઝફરને નામે એમણે કારભાર શરૂ કરી દીધો. જો કે, બહાદુર શાહના હુકમો માનવા માટે વિદ્રોહીઓ બહુ તત્પર નહોતા

    ૧૧મીની બપોર સુધીમાં જેલ સુધી સમાચાર પહોંચી ગયા હતા કે અંગ્રેજો સામે સિપાઈઓએ જીત મેળવી લીધી છે. કેદીઓએ ઉત્સાહમાં બૂમરાણ મચાવી દીધી પણ જેલર લાલા ઠાકુર દાસે શિસ્ત જાળવી રાખી. સાંજ થતાં સુધીમાં તો સંત્રીઓએ પણ સ્પષ્ટ દેખાડી દીધું કે તેઓ વિદ્રોહીઓના પક્ષમાં છે. કેદીઓ અને સંત્રીઓને કાબુમાં રાખવા માટે જેલરને આશા હતી કે એને અંગ્રેજ હકુમત કુમક મોકલશે, પણ છેવટે સાંજે પાંચ વાગ્યે એ બધું જેમનું તેમ છોડીને ઘરે ચાલ્યો ગયો.

    બીજા દિવસે, ૧૨મીની સવારે અંગ્રેજોની ફોજના બધા દેશી અફસરો બાદશાહ સમક્ષ હાજર થયા, નજરાણું ધર્યું અને કહ્યું કે તેઓ બાદશાહના હુકમનું પાલન કરશે. બાદશાહના સલાહકારોને પુરબિયા સિપાઈઓ પર ભરોસો બેસતો નહોતો પરંતુ શહેરમાં વ્યવસ્થા તો જાળવવી જ પડે તેમ હતું. આથી એમણે એક કાઉંસિલની રચના કરી. અને પટિયાલા, જજ્જર, બલ્લભગઢ, બહાદુરગઢ અને એલોરેના રાજાઓને પત્રો મોકલીને અંગ્રેજોના હુમલાને ખાળવા માટે લશ્કરો સાથે આવીને દિલ્હીની ફોજમાં સામેલ થઈ જવાના હુકમો કર્યા.

    આખો દિવસ લાલ કિલ્લો સિપાઈઓથી ધમધમતો રહ્યો. કાઉંસિલે દુકાનો તો ખોલાવી પણ દુકાનો ખાલી થઈ ગઈ હતી. સિપાઈઓનો આગ્રહ હતો કે બાદશાહ જાતે શહેરમાં ફરે અને લોકોને પોતાનાં કામકાજ રાબેતા મુજબ શરૂ કરવા સમજાવે. બહાદુર શાહ બાદશાહે એમની વાત માનીને હાથી પર બજારોમાં ફરીને લોકોને સમજાવ્યા. કોઈએ દુકાનો ખોલી પણ પાછી બંધ કરી દીધી અને મોટા ભાગનાએ તો બાદશાહની વાત સાંભળી, ન સાંભળી કરી નાખી.

    ૧૩મી અને ૧૪મી તારીખે પણ શહેરમાં અંધાધૂંધી ચાલુ રહી અને બાદશાહ વ્યવસ્થા સ્થાપવાના નિષ્ફળ પ્રયત્નો કરતો રહ્યો. ૧૫મી તારીખે બાદશાહે શહેરમાં શાંતિ જાળવવા માટે એકસો સિપાઈઓની ટુકડી ઊભી કરી. સિપાઈઓએ ખાસ કરીને અનાજ માટે શ્રીમંત શેઠો અને શરાફોને નિશાન બનાવ્યા અને એમને મજૂરોની જેમ કામ કરવાની ફરજ પાડી.

    આ બાજુ, સમાચાર મળ્યા કે ગોરખા રેજિમેન્ટે કંપની બહાદુરની સરકારની પડખે રહેવાનું નક્કી કર્યું છે અને અંગ્રેજો અને ગોરખાઓની સંયુક્ત ફોજ શિમલાથી દિલ્હી આવવા નીકળી પડી છે. પટિયાલાના મહારાજાને બાદશાહની ફોજમાં જોડાવા માટે બાદશાહના નામે પત્ર ગયો હતો પણ એ અંગ્રેજો સાથે જોડાયો અને એના લશ્કરે અંબાલા પાસે બળવાખોરો પર આક્રમણ કર્યું. આમાં વિદ્રોહીઓ હાર્યા.

    મે મહિનાની વીસમીએ અંગ્રેજ ફોજ આવતી હોવાના પાકા સમાચાર મળતાં બાદશાહના લશ્કરમાં ઉત્તેજના ફેલાઈ ગઈ. તેમાં કોઈ મુસલમાન સરદારે જેહાદનું નામ આપીને હિન્દુઓ સામે લડવાનું એલાન કર્યું. બાદશાહ બહાદુર શાહ પાસે આ વાત પહોંચતાં એણે કહ્યું કે આ હિન્દુઓ વિરુદ્ધની લડાઈ નથી અને બળવાખોરો સિપાઈઓમાં મોટા ભાગના હિન્દુઓ છે. એ જ દિવસે બાદશાહે શાહજાદા મિર્ઝા મોગલની આગેવાની હેઠળ એક રેજિમેન્ટ અંગ્રેજી ફોજનો મુકાબલો કરવા માટે મેરઠ તરફ મોકલી.

    વિદ્રોહીઓએ બહાદુર શાહ પર શહેનશાહત લાદી દીધી અને એના માટે એ તૈયાર નહોતો પરંતુ એક વાર સ્વીકારી લીધા પછી એ મને કે કમને ભારતના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય હતો. આપણી સમક્ષ એવું ચિત્ર રજૂ થતું હોય છે કે એ માત્ર નામનો જ હતો, પરંતુ એ સંપૂર્ણ સાચું નથી. એની સત્તા મર્યાદિત હતી તેમ છતાં એ સતત અંગ્રેજો વિરુદ્ધની લડાઈને વ્યવસ્થિત રૂપ આપવાની કોશિશો પણ કરતો રહ્યો.

    વધુ આવતા પખવાડિયે…


    સંદર્ભઃ

    (1) Two Native Narratives of Mutiny in Delhi. Charles theopolis Metcalfe, 1898 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

    (2) Dastan-e- Ghadar, Zahir Dehlavi (English translation by Rana Safvi) Penguin Books, 2017 ISBN 978067008891.

    ()()()()()

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

     

  • સ્મિત પ્રસરાવવાનો વ્યવસાય પૂરેપૂરો ગંભીર છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    એમ મનાય છે કે હસવાનું વરદાન કેવળ મનુષ્યોને જ મળેલું છે. અન્ય કોઈ જીવો હસી શકતા નથી. અલબત્ત, અમુક પ્રાણીઓ હસતાં હોવાનું જણાયું છે ખરું, પણ મનુષ્યમાં હાસ્યનું જેટલું વૈવિધ્ય જોવા મળે છે એવું એ પ્રાણીઓમાં નથી. આમ છતાં એ હકીકત છે કે હાસ્ય, અને એથી આગળ વધીને કહીએ તો હાસ્યવૃત્તિ તમામ મનુષ્યો માટે સહજ નથી હોતી. હાસ્યલેખનથી લઈને હાસ્યની મંચ પરથી રજૂઆત વિવિધ સ્તરે થતી જોવા મળે છે. અને હાસ્યપ્રેમીને પોતપોતાના સ્તરનું હાસ્ય મળી રહે છે. હસવાથી ચહેરાના ઘણાબધા સ્નાયુઓને કસરત થાય છે એ હકીકત હાસ્યના તબીબી મહત્ત્વને ઉજાગર કરે છે. પરિણામે ઘણાં શહેરોમાં ‘લાફિંગ ક્લબ’ જોવા મળે છે. તેનો મુખ્ય હેતુ હાસ્ય દ્વારા કસરતનો છે. તેનો તબીબી લાભ જે થતો હોય એ, પણ એ નિમિત્તે અનેક લોકો હળેમળે છે.

    આ બાબત કદાચ ભારત પૂરતી છે, પણ જાપાન હવે એ દિશામાં એક પગલું આગળ વધ્યું છે. અહેવાલ અનુસાર જાપાનીઓએ હવે ‘સ્માઈલ કોચ’ એટલે કે ‘સ્મિત પ્રશિક્ષક’ની સેવાઓ લેવાનું શરૂ કર્યું છે. કારણ? ખાસ કરીને કોવિડની મહામારી અને એ પછીના સમયગાળામાં માસ્ક વડે મોં ઢાંકી ઢાંકીને સૌ ત્રાસી ગયા હતા. આ અરસામાં સ્વાસ્થ્ય ઉપરાંત રોજગાર, શાળા, પારિવારિક અને એવી તમામ બીજી જવાબદારીઓનો બોજો સૌએ એ હદે અનુભવ્યો કે તેઓ હસવાનું સાવ ભૂલી ગયા હતા.

    સાંદર્ભિક તસવીર – નેટ પરથી

    આ સમસ્યાનો સામનો કંઈ જાપાનીઓને એકલાને કરવાનો નહોતો આવ્યો. વિશ્વભરમાં સહુ કોઈને આ મહામારીએ ઓછેવત્તે અંશે અસર કરી હતી. સૌએ પોતપોતાની રીતે તેનો સામનો પણ કર્યો. ધીમે ધીમે હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે. આવામાં ઘણા જાપાનીઓએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે મોં પર માસ્ક પહેરી પહેરીને તેઓ જાણે કે હસવાનું ભૂલી ગયા છે. આવી ફરિયાદ ઘણી વાર અતિશયોક્તિયુક્ત અથવા તો અભિવ્યક્તિની એક રીત લાગી શકે, પણ જાપાનીઓ આ બાબતે ગંભીર જણાય છે. કેમ કે, તેમણે વ્યાવસાયિક ધોરણે સ્મિતનું પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું છે. સાવ પ્રાથમિક કહી શકાય એ પ્રકારના ચહેરાના હાવભાવ શી રીતે દર્શાવવા એ તેઓ ફરીથી શીખી રહ્યા છે.

    હસવાના પણ અનેક પ્રકાર હોય છે. સ્મિત એટલે કે માત્ર હોઠ સહેજ પહોળા કરીને મલકાવું એ ઘણાબધા ઉદ્યોગોની, ખાસ કરીને વિવિધ સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગોની અનિવાર્ય લાયકાત ગણાય છે. સ્મિત સહજ અને સાચુકલું હોય તો જ તે એના સાચા ભાવ સાથે સામેવાળા સુધી પહોંચે. પણ જો એ પરાણે અને અંદરના ઉમળકા વિના કરાયું હોય તો તેની વિપરીત અસર થતી હોવાનું એક અભ્યાસમાં જણાયું હતું. આ અસર એમ કરનારને વધુ પડતું પાણી પીવા માટે પ્રેરે છે.

    માસ્ક ન પહેરવાની છૂટ મળ્યા પછી પણ ઘણા જાપાનીઓ જોખમ લેવા તૈયાર નથી. તેઓ માસ્ક પહેરી રાખવા ઈચ્છે છે. જૂજ લોકો એવા છે કે જેઓ કોઈ પણ સંજોગોમાં માસ્કથી મુક્તિ ઈચ્છે છે.

    આ પરિસ્થિતિમાં સ્મિત પ્રશિક્ષણને જાપાનીઓએ એટલી ગંભીરતાથી લીધું છે કે આ ક્ષેત્રે કાર્યરત એક કંપનીના પ્રશિક્ષકના જણાવ્યા મુજબ તેમાં ભાગ લેનારા લોકો અરીસામાં પોતાનો ચહેરો જોઈને નક્કી કરે છે કે પોતે કેટલી પ્રગતિ કરી છે. અરીસામાં જોઈને તેઓ પોતાના ચહેરા પર હાવભાવ લાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાનું નૈસર્ગિક, માસ્ક પહેરતા થયા એ સમયગાળા પહેલાંનું સ્મિત ન આવે ત્યાં સુધી મથતા રહે છે. ખાસ કરીને જાપાની મહિલાઓમાં આ પ્રકારના વર્ગો વધુ લોકપ્રિય છે.

    ટી.વી. અને સામાજિક માધ્યમ પરનો જાણીતો ચહેરો એવાં કવનોએ છેલ્લાં છ વર્ષમાં ચારેક હજાર લોકોને સ્મિતની કળાનું પ્રશિક્ષણ આપ્યું છે. અનેકોને પ્રમાણિત ‘સ્માઈલ સ્પેશ્યાલિસ્ટ’ બનવામાં તેમણે સહાય કરી છે. હવે સમગ્ર જાપાનમાં વીસેક જેટલા પ્રશિક્ષકો દ્વારા તેઓ સ્મિત માટેના વર્ગો ચલાવે છે.

    આ બધું જાણીને એમ લાગે કે જાપાનીઓ વધુ પડતા સંવેદનશીલ હશે. આપણા દેશ પાસેથી તેમણે કમ સે કમ આ બાબતે ઘણું શીખવા જેવું છે. નાગરિકોને બહાર નીકળવા પર પ્રતિબંધ હતો એની સમાંતરે જ આપણા વડાપ્રધાન ચૂંટણી માટેની પ્રચાર સભામાં એકઠી થયેલી મેદનીને જોઈને હરખના ઉચ્ચાર વ્યક્ત કરી રહ્યા હતા. એક તરફ આવી ગંભીર મહામારી સામે શા પગલાં ભરવાં એ સમજાતું નહોતું અને બીજી તરફ આપણે એના ઓઠા હેઠળ ધર્મનું રાજકારણ રમવાનું શરૂ કરી દીધું હતું. રાતોરાત ઘોષિત કરાયેલા લૉકડાઉનને કારણે જે તે સ્થળે ફસાઈ ગયેલા લોકોને ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે સરકારી સેવાઓ ઉપલબ્ધ નહોતી ત્યારે વ્યક્તિગત સ્તરે અમુક લોકોએ એ અઘરું કાર્ય હાથ ધર્યું હતું. વડાપ્રધાને થાળી ખખડાવવાનું, તાળી વગાડવાનું એલાન આપ્યું અને લોકોએ એનું પાલન કર્યું. પણ તેમણે દીવા પ્રગટાવવાની અપીલ કરી ત્યારે કેટલાય ઉત્સાહીઓ તેની વૈજ્ઞાનિક અસરનું પૃથક્કરણ કરવા લાગી ગયા હતા. સ્થળાંતરિત થઈને ગયેલા લોકો માટે બીજી કશી વ્યવસ્થા ઊભી કરવાને બદલે તેમની પર સામૂહિક ધોરણે પાઈપ વડે સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવેલો. શ્રમજીવીઓને બેસાડીને ઊપડેલી ટ્રેન પોતાનો રસ્તો ભૂલીને અન્યત્ર ભટકતી રહી હતી. જે નાગરિકો કરાતી સરકારની ટીકાનો જવાબ સરકારના પ્રવક્તા હોય એમ બીજા નાગરિકો જ આપી દેતા હતા.

    ભલે આપણે કોવિડના સમયગાળા દરમિયાન માસ્ક પહેરેલો હોય, પણ મોં પર સ્મિત લાવવા માટે આ વિરોધાભાસ પૂરતા ન ગણાય? જાપાનીઓને બિચારાઓને આ બધું ક્યાંથી નસીબ થઈ શકે? આવા વેવલાવેડા તેઓ કર્યે રાખે તો તેમણે વિશ્વગુરુને નાણાં અને સેવાઓ જ આપતા રહેવું પડે ને!


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૬ – ૦૭ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • હે ભગવાન આવતે ભવ મને ગધેડો કરજે

    સોરઠની સોડમ

    ડૉ. દિનેશ વૈશ્નવ

    યુ.એસ.માં મારા રાજ્યમાં વસંત ઋતુ ઉતરીને ઉનાળો મજરુમજરુ આવી રયો છ, જાડપાન વધુ ને વધુ લીલાં થાય છ, રોજ નવી કળીયું ફૂટે છ ને ભાતીગળ ફૂલો ખીલે છ. મારા ઘરની પાછળના એક એકરથી વધુ ઘેરાવાના લોનથી બિછેલ લીલાછમ આંગણે (બેકયાર્ડમાં) હયણાં ને સસલાનાં ટોળાં, શિયાળના જૂંડ, જગલ બિલાડા અને જાતભાતના પંખીઓ દેખાય છ ને કુદરતનું આ રાચરચીલું હું દી’ આખો આંખે આંજું છ ને પાંપણે પંપાળું છ. મારો આ આકાશે ઉડતા, જમીને ફરતા ને પાણીમાં તરતા હજારે વરણના જીવો જોવા-સાંભળવાનો ને ઝાડપાન માલવામલાવાનો શોખ સાસણગર્યના નાકાં સમાં ગામડાંઓમાં મારો ઉછેર છે.

    હું હિન્દૂ વિચારધારાથી વિરુદ્ધ જઈ પુનર્જનમમાં નથી માનતો પણ મારા જેવો નિવૃત ને નવરો માણસ નખોદિયું કે નકામું વિચારે એટલે મને પણ બે’ક દી’ પે’લાં મારા બેકયાર્ડમાં પંખી ને પશુધન જોઈને વિચાર આવ્યો કે જો હું આગલે ભવ પશુ કે પંખી તરીકે પેદા થાંઉં તો સું થાવું મને ગમે. એટલે આજની મારી વાત આ વિચિત્ર વિચારવમળમાં મેં જે દી’રાત ઘૂમરા ખાધા છ એમના થોડાક ઘૂમરાની છે.

    પે’લાં તો જાણે થ્યું કે હું હાથીની ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ કે સુપ્રતીક જેવી જાતો માંથી એકાદ જાતનો હાથી થઈને આસામના ગીચ જંગલમાં જન્મું. પછી તરત જ થ્યું કે મારા કદાવર કદે મારે તોતીંગ જાડવાં દી’ ઉગ્યાથી સારવાં પડે, માથે ચડેલ માવતના અંકુશના ઘોદા ખાવા પડે ને આ બધા પછી પણ મારે ખાવાં તો કોરાં જાડવાં ને બે ઘડી બેસવું પણ કાદવે ભરેલ માદરામાં જ. ઉપરાંત ક્યારે મારા જીવતાં કે મને મારીને કોક દાંત પાડી નાખે ઈ પણ કે’વાય નહીં એટલે હાથી નથી થાવું એમ નક્કી કર્યું. પછી બીજી જ મિનિટે થ્યું કે થાવું તો ગાંડી ગર્યનો રાંટાપગો “ચાંપલો, કપાળે ચોથના ચાંદ જેવા ધોળા ચાઠા વાળો “ટીલીયો” કે પછી ગરીબ ગાય જેવો “બાપુડિયો” સાવજ જ થાવું કારણ કે:

    કરાલ ચાલ કેશવાળ કાળ હાલતા વને
    ઝળાહળા ઝળાહળા ઝબૂક નૈન લોચને
    ઝનૂન ખૂન અંગ અંગ તંગને મચાવતા
    વિહાર કેસરી કરા જરા જટા હલાવતા.”

    પણ સાવજ થાવાનું પણ ભારે પડે કારણ કે મારે ખાવા સારુ સાંજ પડે હયણાં, નીલગાય, રોજડાં, ગાય કે ભેંસ પાછળ હડીયાપટ્ટી કરવી પડે ને જો ઈ ન પકડાય તો પેટે પગ ભરાવીને ડુવામાં ભુખ્યું સુવું પડે. વળી મને જોવા સારુ દી’રાત માણસ ઉમટે એટલે મારી નીંદર પણ હરામ કરીદે.

    પછી ઈ વિચાર આવ્યો કે કાં હું સુરતી, મહેસાણી, જાફરાબાદી, મુરાહ, મરાઠવાડી, નીલીરાવી, નાગપુરી, પંઢરપુરી, ભદાવરી, ટોડા, દાડમી, ભગર, નવચંદરી કે બન્ની કુંઢી ભેંસ થઈને જન્મું અથવા તો પછી કાંકરેજી, ગીર, ડાંગી, સાહિવાલ, લાલ સિંધી, રાઠી કે થરપાર્કર જેવી ગાય થઈને. વળી પાછો વિચાર બદલાણો ને થ્યું કે માણકી, હિરાળ, પ્રવાલ, પારેબી, જબાદ, ટીલાત, રેડી, વીજળી, માછલી, મારૂત, કેસર, હિરણ્ય, ઝડપી, સેંતી, રેશમ, સેનાની, વાંગળી, બગી, વાંદરી, વાઘણ, તાજણ, મની, ખેંગ, ઢેલ, શીંગાળી, દેવમણી, લાડી, સપનાશ, લખી, ભુતડી, બોદલી, ચમરઢાળ, મુગટ, માતંગી, બાઝ, વાલઈ, ફુલમાળ, સિંયણ, હેમન, રીમી, નોરાળ, દાહલી, બેરી, મુંગલી, અટારી, છોગાળી, પાંખાળ., લાંહી, બાંય, પીયુડી કે પટ્ટી જેવા ઘોડા તરીકે જ સુ કામ આવતો ભવ ન ભોગવવો.

    પણ હું તો મારા આવતા ભવના જનમના વિચારે એવો અટવાણો તો કે ઘડીક સૂરતી, જમનાપારી, ઝાલાવાડી, મારવાડી, જંગલી, કાળીયાર, સિરોહી, મહેસાણી, કાશ્મીરી બકરી કે કારનાહો, ગડ્ડી, ગુરેઝ, ચાંગથાંગી, પુંચી, રામપુર, બુશિયાર, ચોકલા, જેસલમેરી, નાલી, નીલગિરિ, પુગલ, માગરા, મારવાડી, મુઝ્ઝફરનગરી, કેનગુરી, કોઇમ્બતૂરી, ત્રિચી, દખ્ખણી, નેલ્લોર, બેલ્લારી, માંડયા, મચ્છેરી, રામનાડ, વેમ્બુર, હસન, ગંજમ, છોટાનાગપુરી, તિબેટી, બેલનગીર, બેનપાલા કે શાહબાદી ઘેંટા કે ઘેંટી થઈને જ અવતરવાનું નક્કી કર્યું. પણ જેવું ઈ નક્કી કર્યું ને બીજી જ મિનિટે થ્યું કે મારા વાળ કાપીને લોકો શિયાળે પે’રવા કિંમતી કપડાં બનાવસે, ઘણી જગ્યાએ મારો ભોગ ચડાવસે ને કાંઈ નહીં તો પણ મને લોકો કાપીકુપીને ખાસે ને છેલ્લે બાયું મારા ચામડાના હાથમાં થેલા જાલીને ભરબજારે રખડસે. એટલે આમ ઘેંટાબકરાં થાવાનો વિચાર પણ મેડે મુક્યો.

    બસ, આવા મારા બીજા ભવના જનમના ગોથે ગુંથાણો તો યાં ઉનાઉના ચાનો પ્યાલો મને દઈ પોતે લઈને મોરપીછ રંગના બાંડિયામાં મારાં ઘરવાળાં સામે ગોઠવાણાં ને મને યાદ કરાવ્યું કે “આજ અષાડ સુદની ‘હરિનોમ” છે. બસ, એને “અષાડ” કીધું ને મારા હૈયે:

    અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ
    દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્…” ને

    તવ ડમક ડમક દાદુરદ્રાંવ ડમકત ડેહકત મોર મલ્હાર ગીરા
    તવ પિયુપિયુ શબ્દ પુકારત ચાતક કિયુંકિયું કોકિલ કંઠ ગીરા
    તવ ઘડડ ઘડડ નભ હોત કડાકા ને ગણણ ગિરિવર શિખર દડે
    તવ રૂમ્જુમ રૂમ્જુમ બરસત બરખા ને ઘરર ઘરર ઘનઘોર ગજે.”

    જેવા રેણુકી છઁદોના નળિયાં ચૂવા મંડ્યા ને મને સોળે કળાયે ખીલીને ઘનઘોર ગર્યમાં ઘેઘૂર વડ તળે મોરલો થઈને બે ઘડી નાચવાનું મન થ્યું પણ એને પણ તત્કાલ પાછું વાળ્યું કારણ કે મોરલો થઈને જન્મું કે “શોભાનો ગાંઠિયો થઈને ઈ બેય મારે મન તો બિનઉપીયોગી ને સરખાં જ. આ મોર ને ગર્યના વિચારમાં મને અમારી “હિરણ” નદી દેખાણી ને ઘડીક થ્યું કે હું મઘર તરીકે આવતો ભવ લઉં કારણ કે:

    ડેડાં ડળવળતાં ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી
    જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી
    માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી
    હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી”

    પણ એમાં પણ દખ જ દેખાણું કે મારે જાડે, કાંટાળે ચામડે ને મોટા પૂંછડે આખો દી’ પાણીમાં ફરવાનું, રે’વાનું ને શ્વાસ લેવા કાંઠે દોડવાનું એટલે ઈ અવતાર મેં ટાળ્યો. એમ જ ભાદરવે છાપરે બેસીને કોકના બાપદાદાના શ્રાદ્ધની ખીરના લૉંદા ખાવા કાગડો કે મણિશંકર ભટ્ટના “કાન્ત”ના “ચક્રવાક મૈથુન” કાવ્યનાં રતાંધળા ચકલો-ચકલી તો મારે નોતું જ થાવું.

    ટુંકમાં, આમઆમ કરતાં આવતે ભવ કેટલાંય પશુપંખી થાવાનું મેં વિચાર્યું પણ પછી સમજાણું કે લગભગ બધાંને પોતીકી જરૂરિયાતો છે. સાવજ કોક પશુને મારીને જ ખાય, ગાયભેંસને રાતે સૂકું નીણ જોયે, પરહ ચરવા જાય તીયે લીલું જ ઘાંસ ખાય ને દોવા દે ત્યારે એને બટકો ખોળ જ ખાવો પડે. હાથીને કોક લીલાછમ ઘેઘરું જાડવાની જાડી ડાળો, ઘોડાને રજકો ને ચંદી ને ઘેંટાબકરાંને ગદબ જોયેં. એટલે આમ સું અને ક્યારે ખાવું એની ખાસ જરૂરિયાત મને લાગી. ઉપરાંત આ બધાં પશુપંખીને ક્યાં રે’વું એની પણ ખાસ જરૂરિયાત છે જેમ કે સાવજ ડુવામાં જ રે,’ ગાયભેંસને ગમાણ ને ઢાળીયાં જોયેં, ધોડાને તબેલો જોયેં ને પંખીઓને અમુક જ માળા ને જાડવાં જોયેં.

    હવે પાણી – કે જે પ્રાણવાયુ જેટલું જીવવા જરૂરી છે – ઈ પીવા સારુ સાવજને દોડતી નદી કે ઘુનો જોયેં, ઢોરઘોડાને ગામને ગોંદરે હવેડો જોયેં તો પંખીને ખાબોચિયું જોયેં. પછી ઈ પણ વિચાર આવ્યો કે સાવજને નાવા સારુ વોંકળો જોયેં, ઢોરને રાડાંમાં આળોટવા જોયેં કે માદરામાં બેસવા જોયેં તો ઘોડાને વેકૂરમાં આળોટવા જોયેં. વળી ગર્યમા કે ગામમાં દુકાળ જેવું લાગે તો ઢોરને માણસના ફંડફાળા ને ગઢવીઓના ડાયરે કે ભજનિકોના ભજને નભવું પડે. આ ઉપરાંત લગભગ બધાં પશુપંખીઓ અલૌકીક તત્વોના તાબામાં પણ છે; જેમ કે માતાજીનું વહાન વાઘ, જમરાજાનું પાડો, કાર્તિકેયનું મોર, શંકરનું આખલો, બ્રહ્મા અને સરસ્વાતીનું બતક, લક્ષ્મીનું ઘુવડ, ગંગાનું મઘર, ભૈરવનું કૂતરો, ગણેશનું ઉંદર, વ. ટૂંકમાં હું ઈ નિર્ણયે આવ્યો કે આ બધા જીવો એની અને હિન્દુ ભગવાનોની અનોખી જરૂરિયાતોને લઈને સ્વંતંત્રત રીતે, બિનદાસ જીવન જીવતા નથી, જીવી સકતા નથી ને ઈ મને મંજુર નથી એટલે છેલ્લે માથું ખંજોળી, જાજુ વિચારી ને મેં મારા માતુશ્રીના દાદા મણિલાલ નાણાવટીની:

    કાળી તો એ સરસ રસની, વસ્તુ કસ્તૂરી સારી,
    ધોળું તો એ વિષમય દિસે થોરનું દૂધ ભારી
    ધોળું તો સૌ પય ન ગણજો ગુણ જોજો બધેના
    શું લેખાનું સરસ રૂપ છે કાર્ય કાળાં જ જેનાં …”

    કવિતામાંથી બોધ લીધો કે કાળું બધું અમલ નથી ને ધોળું અમૃત નથી. પરિણામે મેં નક્કી કર્યું કે જે પ્રાણીને ભાગ્યે જ કોઈ ચાહે છ, જેને જનમોજનમ મજૂરી જ કરી છ ને ઈ સારુ જ ભગવાને એને સર્જ્યો છ ને જેની ગણતરી અક્ક્લમઠામાં થાય છ ઈ “ગધેડા” તરીકે જ મારે આગલે ભવ અવતરવું. હવે, એમ ન માનતા કે મેં ગધેડો થાવાનો નિર્ણય કોઈ જલદબાજીમાં લીધો છ કે ઈ મારી છોકરમત છે. મેં આ અવતારના અનેક ફાયદાગેરફાયદાની તુલના કરી ને પછી જ આ નક્કી કર્યું છ. તો મારી તુલનના ગણ્યાગાંઠ્યા જ દાખલાઓમાં:

    ૧) ગધેડો શીતળામાતાનું વહાન છે ને ઈ રોગ હવે ભૂંડો ભૂતકાળ થઇ ગ્યો છ. બીજું આ માતાજીને વરસે એકવાર શીતળાસાતમે કેટલાક લોકો યાદ કરે છ. એટલે આમ આ એક દી’ સિવાય નવરો ને નવરો.

    ૨) ઈ ઘરની ફળીમાં કે ગમાણે પણ ટેસથી રે’ છ ને ડબ્બે પુરાય તો યાં પણ મોજે તોરા છોડે.

    ૩) એની ખાવાની ખાસ કોઈ જરૂરિયાત નથી. ઈ લીલુસૂકું જે ઘાંસ મળે ઈ ખાઈલે ને જો ઈ ન મળે તો ઉકયડો ને એઠવાડ પણ પાંચ પકવાન ખાતો હોય એટલી મોજે ખાય.

    ૪) ઈ માણસ કે જીવજંતુનું બોટેલું પાણી પી લે, હવડે પણ પાણી પીવે ને કાંઈ ન મળે તો કોકનાં ઉભરાતાં ગટરે કે ખાળે પણ એની તરસ ધરવી લે.

    ૫) ઈ વેકૂરમાં પણ પલોટ ને જો ઈ ન મળે તો કોકના ઘર કે દુકાનની દીવાલે ઘસાઈ લે.

    ૬) કોઈ પણ પ્રાણી એની સામે ભસે, ભોંકે, બણબણે, હણહણે કે ડણકે તો પણ જો એને સામું “હોંચીહોંચી” કરવું હોય તો જ કરે બાકી “હાથી પાછળ કૂતરાં ભસે” ઈ ગજરાજની અદાએ ઈ ઉભો રે’ ને જો કોઈપણ કારણે ઈ નિરાશ હોય તો સામે મોં વકાસીને ઊભો રે’. ટૂંકમાં, આજની રાજકીય બોલીએ ગધેડું “ટેફલોન કોટેડ” છે એને કોઈ ટીકાટિખળ કે વખાણ અડતાં નથી, પલાળતાં નથી.

    ૭) ગાંડો હાથી સૂંઢે ઉપાડીને માવતને ફેંકે, વણપલોટેલો ઘોડો અસવારને ઉલાળે કે ચોકઠું પેરાવતાં બટકું ભરી લે, વણહેવાયાં ગાયભેંસ એને દોતી વખતે લાત મારે કે આખલો ચોમાસે કે લાલ કપડું ભાળીને તોફાને ચડે  ને કોકને શિંગડે ચડાવે. ગધેડાને આવું કાંઈ નહીં કારણ કે ઈ એની દુનિયામાં મસ્તીમાં જ જીવતો હોય છ.

    ૮) ઈ નીચી મૂંડીએ પીઠે ધોબીએ ખડકેલ ઘોણનાં કપડાંની લાદી કે કુંભારે મુકેલ છાલકાનો ભાર વહેતો જનક રાજાની જેમ અનાસક્તભાવે હાલે છ. બીજું, લક્ષ્મણે નમાવેલા મસ્તકે સીતાનાં ઝાંઝર જ માત્ર જોયેલાં પણ બાપડું ગધેડું તો એમનાથીયે આગળ વધી પોતાના પગમાં ધોબી કે કુંભારે બાંધેલ દોરડાના ડામણને જ માત્ર જોઈ રહે છે. જે લાદી કે માટીનો એને ભાર વેઠવો પડે છે એના માટે એને ઈ મમતાય ભારે લાગે છે ને ઓછામાંઓછા વળતરે આજીવન, ગર્વથી મજૂરી કરતો રે’ છ.

    ૯) જે માણસે એની જિંદગીમાં અપશબ્દ ન ઉચ્ચાર્યો હોય એને પણ ગુસ્સામાં કમસેકમ કોકને “તું ગધેડા જેવો છ” એમ તો કીધું જ હશે. એટલે આમ એનું નામ સર્વવ્યાપી ને સર્વમુખી છે.

    ૧૦) છ્પનીયા જેવો દુકાળ પડે તો પણ એને કોઈ દી’ સાંભળ્યું નથી એની સારું ફંડફાળા થ્યા, ભીખુદાન જેવા એ ડાયરા કર્યા, કિર્તીદાન જેવાએ આખી રાત ગાયુ ને ઘોરનો વરસાદ થ્યો કે મોરારીબાપુ જેવા એ “રામકથા” કરી.

    ટૂંકમાં મિત્રો, ગધેડામાં કાંઈ ખૂટતું નથી ને ઈ પરગજ્જુ ને સેવાભાવી છે. બીજું, જમરાજા તો એના પાડે બારેમાસ ને ચોવીસે કલાક બેઠાબેઠા ફરતા હોય છ ત્યારે ગધેડે તો વરસે એક જ વાર શીતળામાં સવાર થાય છ એટલે આમ ઈ કોઈ દેવ કે દાનવના તાબામાં પણ નથી ને સંપૂર્ણ સ્વતંત્ર, નિસ્વાર્થ જિંદગી જીવે છ ને એટલે જ હું ભગવાનને પ્રાર્થના કરું છ કે મને આવતે ભવ ઈ ગધેડો બનાવે.


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.