-
‘વિજ્ઞાન વિચાર’ : પ્રથમ આવૃત્તિનું નિવેદન
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.આશા છે કે આજથી સો વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.સંપાદન મડળ – વેબ ગુર્જરી
પોપટલાલ ગોવિંદલાલ શાહ

ગુજરાતી ભાષામાં વિજ્ઞાન સંબંધી પુરતકો ધણાં જ થોડાં છે, તેમાં ઉમેરો કરતાં જરાયે ક્ષોભ થવો જોઇએ નહિ અને આવાં પુસ્તકોને માટે લાંબાં નિવેદનની જરૂર રહેતી નથી.
ગુજરાતીર્મા વિજ્ઞાનની વિવિધ શાખાઓ વિષે વર્ણનાત્મક પુસ્તકો પુસ્તક અનુવાદરૂપે અથવા સ્વતંત્ર રીતે તૈયાર થયેલાં છે; પણ વિજ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે સ્વતંત્ર વિવેચનાત્મક પુસ્તક મારી જાણમાં નથી. શિક્ષણમાં ઉપયોગી પુસ્તકોની માગણી વધારે થવાથી પ્રથમ પ્રકારનાં પુસ્તકો જલદીથી તેયાર થાય એ સ્વાભાવિક છે; પરંતુ સાધારણુ જનસમાજમાં વિજ્ઞાનને વધારે “જાણીતું” અને વધારે લોકપ્રિય કરવાને માટે વિજ્ઞાનના મુખ્ય યિદ્ધાન્તો સરળતાથી સમજાવનાર પુસ્તકોની ઘણી જરૂર છે. સન ૧૯૧૫ માં હોમ ચુનિવસિટી લાઇગ્રેરીનાં પુસ્તકમાં થોમસનનું “Introduction to Science” વાંચવાથી તેના જેવું એક સ્વતંત્ર પુસ્તક લખવાનું મને સ્ફુરણ થયું. એ પુસ્તક સુંદર શૈલીમાં લખાયુ’ હોવા છતાં તેનો તરજૂમો કે અનુવાદ ગુજરાતી વાયકતે અનુકૂળ નહિ યાય એ મને તરત સૂઝતું હતું. આ કામ હાથમાં લીધા પછી પૂરું થતાં ધણો સમય લાગવાથી અને તે સમયમાં બીજાં અનેક પુસ્તકો વાંચવામાં આવ્યાથી, થોમસનના પુસ્તકના કરતાં એક તદ્દન જુદું જ પુસ્તક લખાયુ’ છે અને ધારવા કરતાં લાબું પણુ વધારે યયુ’ છે. દરેક સ્થળે સંબંધિત પુસ્તકોનો ઉલ્લેખ કરવો અશક્ય હોવાથી તેમની યાદી જુદી આપવામાં આવી છે; તેમાંથી આ વિષયના વધારે અભ્યાસ કરનારને સાધન અને માહિતી મળશે.
આ પુસ્તકના મુખ્ય ત્રણ ભાગ પાડી શકાયઃ
પહેલા વિભાગમાં વિજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કરવાર્મા આવ્યું છે. વિજ્ઞાન એટલે શુ’?, વિજ્ઞાનની પદ્ધતિ, વૈજ્ઞાનિક વૃત્તિનાં લક્ષણો, વિજ્ઞાનના કેટલાએક મૌલિક સિદ્ધાંતો, વિજ્ઞાનની વિવિધ શાખાઓનો પરિચય કરાવનાર વિજ્ઞાનનો નકશો, વગેરે પ્રકરણો પહેલા વિભાગમાં સમાય છે.
બીજા વિભાગમાં વિજ્ઞાનના ઇતિહાસનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. વિજ્ઞાનનો ઇતિહાસ જાણ્યા વિના, વિજ્ઞાનની હાલની સ્થિતિ અને હાલના અગત્યના પ્રશ્નોનું’ વિવેચન સમજવુ મુશ્કેલ છે; પ્રાચીન ભારતમાં થયેલી વિજ્ઞાનની શોધો અને તેમનું તુલનાત્મક વિવેચન ગુજરાતી વાચકને ખાસ ઉપયોગી અને રસમય લાગશે એમ ધારીને “પ્રાચીન હિંદમાં વિજ્ઞાન” એ વિષયનું પ્રકરણુ જુદું પાડવામાં આવ્યુ’ છે. ખગોળવિદ્યા, ભૌતિકશાસ્ત્રો, રસાયનવિદ્યા, જીવવિદ્યા, માનસશાસ્ત્ર એ બધા વિષયોનું માત્ર વિહંગાવલેકત કરવા જતાં આ વિભાગ જરા લાંબો થયો છે. પરંતુ તે વાંચ્યા વિના છેલ્લા વિભાગમાં ચર્ચાયેલા વિજ્ઞાનના અગત્યના પ્રશ્નોનું વિવેચન કઠિન લાગશે.
વિજ્ઞાન અને રસવૃત્તિ, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને ધર્મભાવના એ ત્રણ પ્રકરણમાં છેલ્લો વિભાગ સમાપ્ત થાય છે. વિજ્ઞાનની વાસ્તવિક કિ’મત અને અર્વાચીન સંસ્કૃતિ્માં વિજ્ઞાને આપેલા ફાળાની સમજૂતી આ પ્રકરણોમાં અપાઈ છે. છેવટે “ગુજરાતને વિજ્ઞાનની જરૂર” એ પ્રકરણમાં વિજ્ઞાનની ઉપયોગિતા અને આવશ્યકતા દર્શાવીને પુસ્તકની સમાપ્તિ કરી છે.
આ ઉપરાંત વિજ્ઞાનની પધ્ધતિના ઉદાહરણુરૂપે વિજ્ઞાનની શાખાઓ અને ઉપશાખાઓના વિષયોનો પરિચય કરાવવાના હેતુથી મે’ જુદા લેખો સ્વતંત્ર રીતે લખેલા, પર’તુ આ પુસ્તક લાંબું થઈ જવાના ભયથી આ લેખસગ્રહ “વિજ્ઞાનવિનોદ” એ નામથી ગુજરાતી સાહિત્ય પરિષદ ભ’ડોળ કમિટી તરફથી જુદો પ્રકટ કરવામાં આવ્યો છે. આ બન્ને પુસ્તકો સ્વત’ત્ર હોવા છતાં પણ બન્નેનુ’ લક્ષ્ય એક જ હોવાથી તેમને સાથે વાંચવાથી વાચકને ઉપયોગી થઇ પડશે. આ પુસ્તકમાં વપરાયેલા પારિભાષિક શબ્દોનો કોષ અંતમાં આપવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક પરિભાષાના ઘણા ચર્ચાયેલા વિષયમાં હજુ વ્યવસ્થા અને નિશ્રિતતા પ્રાપ્ત થઈ નથી: આ વિષયમાં “સાહિત્ય” સપ્ટેંબર ૧૯૨૧ માં અપાયેલા મારા વિચારોમાં ફેરફાર કરવાની મને જરૂર લાગતી નથી. કેવળ નવીનતાને માટે ખાસ સસ્કૃત શબ્દો જ શોધવા જોઈએ, અને ફારસી કે અંગ્રેજી ભાષાના શબ્દોનો તદ્દન જ ત્યાગ કરવો જોઇએ એ અભિપ્રાય મને માન્ય નથી. પરિભાષા સરળ અને અર્થસૂચક હોવી જોઇએ એ દષ્ટિબિંદુ સર્વોપરિ રાખીને બીજી ભાષાના શબ્દોને સ્વીકારતાં અચકાવું જોઈએ નહિ.
આ નિવેદનમાં મારા પરમ મિત્ર ડૉ.. કાન્તિલાલ છગનલાલ પંડ્યા સંબંધી ઉલ્લેખ કર્યા વિના રહેવાય તેમ નથી. ૧૯૧૨ માં બેંગ્લોર સાયન્સ ઇંન્સ્ટીટયૂટમાં સાથે રહેવાનો પ્રસ’ગ પ્રાપ્ત થતાં તેમના તરફથી ઝુજરાતીમાં લખવાનું મને પ્રયમ સ્ફુરણુ મળ્યું હતું. આ સ્ફુરણના પ્રતાપે અને તેમના જ ઉત્સાહ અને ઉમંગને લીધે ૧૯૧૬ માં આ પુસ્તક લખવાનુ’ મેં માથે લીધુ’ હતું. ત્યાર પછી પણ તેમની તીવ્ર પણ ઉદાર વિવેચકબુદ્ધિનો લાભ મને અનેક વાર મળ્યો છે અને જો કે તેનો પૂરેપૂરો ઉપયોગ હું કરી શક્યો નથી તે છતાં આ પુસ્તક તેમનુ’ અનેક રીતે ઋણી રહેશે.
આ પુસ્તક લખાતી અને છપાતી વખતે અનેક ઉપયોગી સૂચનો કરવા માટે પ્રોફેસર સાંકળચ’દ જેઠાલાલ શાહનો અને પુસ્તકની છપામણીમાં કરેલી મદદને માટે સોસાયટીના બાહોશ આસિસ્ટંટ સેક્રેટરી રા. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખનો ઉપકાર માનવાની આ તક લઉં છું.
છેવટમાં મારે જણાવવું જોઈએ કે મારા જીવનવ્યવસાયમાંથી આ પુસ્તકને જોઇએ તેટલો સમય એકી વખતે આપી નહિ શકવાથી અનેક પ્રકારતી ત્રુટીઓ રહી જવા પામી હશે એમ હું કલ્પી શકું છું; તે દૂર કરવાની સૂચનાઓ મળશે તો તે ઉપર ધ્યાન આપવાને હું તત્પર રહીશ. ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાનનું ક્ષેત્ર ખેડવાનુ’ ધણુ’ બાકી છે; અને તેથી આના કરતાં સારુ પુસ્તક લખવાના પ્રયાસ બીજી વેળા બીજાના હાથે થશે એમ આશા રાખીને આ પુસ્તકને પ્રસિદ્ધિમાં મૂકતાં મને આનંદ થાય છે.
કલકત્તા પોપટલાલ ગોવિંદલાલ શાહ
૩ -૧ – ‘૨૬
-
ઉતાવળે કરેલા નિર્ણયો અમને યે ભારે પડી ગયા !
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
જીંદગીમાં સંજોગો બધા સાનુકૂળ રહ્યા હોય તો ‘પાસ’ તો જરૂર થવાતું હો ય છે, પરંતુ ‘નાપાસ’ થવાના પ્રસંગો પણ કાંઇ થોડા હોતા નથી. આજ નાપાસ થયાના થોડા પ્રસંગો યાદ કરવા છે.
[1] “સંબંધી-સગા” થવાની ઉતાવળ: વાત છે 1955ની સાલની. મારા કાકાના સસરાનું ગામ ભટવદર, અને ભટવદરમાં બીજાયે ઘણા સગા રહે. કુટુંબના વડીલ તરીકે મારા બાપાને અવાર-નવાર તેમને ત્યાં જવાનું થાય. આજે પણ ગામડા ગામનો એવો રિવાજ કે આડોશ-પાડોશ, સ્નેહી-સંબંધીને ત્યાં મહેમાનને ચા-પાણી પીવામાટે તેડી જાય. ભટવદરમાં ભગવાનભાઇ ગોરસિયા આબરૂદાર પટેલ. એમને ત્યાં તો મારા બાપાને ફેરે ફેરે ચા-પાણી અર્થે જવાનું બને જ ! મારા બાપા અને ભગવાનભાઇનો એવો જીવ મળી ગયો કે એક દિવસ ભગવાનભાઇએ દરખાસ્ત મૂકી કે “ ભીખાપટેલ ! મારે દીકરિયું છે પાંચ અને તમારે દીકરા છે પાંચ. હાલોને આપણે “સગા” થઈએ !” મારા બાપા કહે,” આતો ગોળ પેય ગળ્યું ! તો પછી…તમારી આ ‘ઢીંગલી’ મેં પાસ કરી લીધી. હવે હાલો મારી સાથે મારે ગામ.અને ભગવાનપટેલ આવ્યા અમારે ઘેર.મારાથી નાના મારા ભાઇ નરશીને દેખાડ્યો. [મારી સગાઈતો કહે છે કે ભાખણભરિયા હાલતા તે દિ’ કરી વાળેલી.] ઘડીક વિચાર કરી ભગવાનપટેલ કહે,” મને દીકરો બેક મોટો લાગે છે !” તો મારા બાપા કહે,” કંઇ વાંધો નહીં, આપણે સગા થવું એ વાત પાક્કી જ છે તો પછી એ ભલે બાકી રહ્યો, એ…. રામજી ! અહીં ઓરો આવ્ય, આ છોકરામાં ધ્યાન પડે છે તમારું ?” અને રામજીની સામું જોઇ ભગવાનપટેલ બોલ્યા કે “ હા, આ બરોબર ! આપણે દીકરી દીધી તમારા આ રામજી છોરા વેરે ! અને ચૂંદડી-ઘરેણું ચડાવી વેવિશાળ જાહેર કર્યું.
હવે બન્યું એવું કે પાંચમે વરસે ભગવાનપટેલના આવ્યા સમાચાર કે “મોટી બે દીકરિયુંની સાથોસાથ આ નાની દીકરી “સમુ” નાયે વીવા કરી વાળવા છે, એટલે લગ્ન લઈ બ્રાહ્મણ આવશે, વધાવી લેજો”. અમે મુંઝાયા. આ તો બાળલગ્ન કહેવાય ! અને રામજીને તો હજુ ભણવાનું ઘણું બાકી હતું. ભગવાન પટેલ જેવા સારા સગા હોવાછતાં અમારે એ સંબંધ ફોક કરવો પડ્યો. તમે જ કહો ! એકબીજાની લાગણીમાં આવી જઈ, આગળ-પાછળનું ઝાઝું વિચાર્યા વિના ઉતાવળે લીધેલા નિર્ણયથી સંબંધ તો વિંખાયો પણ ભગવાનભાઇ જેવા સાથેની ગાઢ મૈત્રીમાં ભંગ પડ્યો ! ભટવદર સગાને ત્યાં મારાબાપા જાય તો ભગવાનભાઇ મોઢું બતાવતા બંધ થઈ ગયા !
[2] હળદરની ખેતી બાબતે ઉલળી કૂદકો માર્યો : મહેંદ્રસિંહ શેખવા-અમારા ગ્રામસેવકની બદલી સાવરકુંડલા થયેલી. હું, બાબુભાઇ જાદવાણી, મગનભાઇ જોષી અને બીજા બે જણ- અમારે સાવરકુંડલા જવાનું થયું,અને શેખવાભાઇને મળવા બોલાવ્યા. શેખવાભાઇ તો ખેતીની સારી બાબતો સૌ ખેડૂતોને પહોંચાડવામાં ખરા માહીર ! કહે,”હીરજીભાઇ ! આટલા બધાનો તમારો મેળ જોઇ, અહીંની હળદરની ખેતી દેખાડવાનું મને મન થયું છે, છે ગાળો ?” મેં કહ્યું, તમે દેખાડતા હો એ જોવા-સમજવા ગાળો લેવો જ પડેને ? હા, આવી જાઓ જીપમાં.” અને અમે ગયા ગોપાળગ્રામ-ઢસા જ્યાં હળદર વાવી હતી તે ખેડૂતને ખેતરે. તો હળદર ખેંચી લીધેલી.ગયા ઘેર.ડેલીમાં ઘરતાં જ ફળિયાંમાં હળદરના ગાંઠિયાનો મોટો અણીશગ ઢગલો ભાળ્યો,ને માળું મન લલચાયું હળદરની ખેતી કરવા !
હળદર તલક છાંયડામાં થઈ શકતો પાક છે એવી માહિતી મેં મેળવેલી, એટલે સાગના પ્લાંટેશન વચાળે થોડીક હળદરનો પ્રયોગ કરી જોવાની ગણતરીથી મેં દસ મણ બિયારણનું બાનું આપ્યું. ત્યાંથી બહાર નીકળ્યા પછી અમારા વડીલ બાબુભાઇ કહે, મને વધુ વિસ્તારમાં હળદર વાવવાનું મન થાય છે, એ ભાઇને ફોન કરીને કહો કે તમારે જે ભાવ લેવો હોય તે લેજો, પણ અમારે તમારા હળદરના આખા ઢગલાની જરૂર છે.” અને સાચ્ચે જ, બે ટ્રેક્ટર લઈ બધી જ હળદર ભરી આવ્યા અને ખેતી કરી. હળદરની માવજત, સેવા-ચાકરી રસથી કર્યાં. હળદર થઈ ખુબ સારી પણ જે સમયે લીલી હળદરની માંગ બજારમાં હોય ત્યારે જો હળદરની કાપણી કરી હોય તો પૂરા ભાવ લઈ શકાય એવો અનુભવ નહીં ને એ વખત વીતી ગયો ! પછી તો કરી સૂકવણી,પણ કંઇ વળ્યું નહીં. નાનકડો પ્રયોગ કરી, બધી વિગતો જાણ્યા વિના જે મોટી બથ ભરાઇ ગઈ અને હળદરની ખેતી નુકશાની વહોરાવી ગઈ.
[3] “જથ્થાબંધ કામ” ના લોભે ઉધારીમાં ખેતીકામ કર્યું : વરસો પહેલાં મારા નાનાભાઇ નરશીએ એગ્રો સર્વિસ સેંટર શરૂ કરી ટ્રેકટરો દ્વારા ભાડેથી ખેડૂતોના ખેતીકામો કરવાનું ચાલુ કરેલું. બાજુના ગામ-ગઢાળીના એક ખેડૂતે એક મહિનો પૈસાની ખમત માગી ૧૦૦ વીઘા જમીનમાં ટ્રેકટરની ખેડ કરી દેવા માગણી કરી. અમારે કામની સિઝન ઢીલી હતી અને કામ સો વિઘા જેવું એક જ જગ્યાએ મળતું હતું,અને મહિના કેડે તો એ ભાડાના પૈસા કંઇ નથી દેવાનો એવું થોડું છે ? માની અમેતો ખેતીકામ કરી દીધું. ભાડાની રકમ કંઇક 1400-1500 જેવી થતી હતી. એણે કરેલા વદાડ પ્રમાણે મહિનો વિત્યો એટલે યાદ અપાવ્યું,તો કહે હજુ થોડા દિ’ ખમો. બે મહિના,અઢી મહિના, ત્રણ મહિના થયા પણ માળો પૈસા દેવામાં ગલ્લા તલ્લા કરે ! જણ હતો જાણીતો,પણ એનાં પેટમાં પાપ હશે એવી અમને ખબર નહીં. છેવટે એક દિવસ આકરા થઈ ઉઘરાણી કરી તો માળો ઉલળ્યો ! “હીરજીભાઇ ! પૈસાતો સામા તમારે દેવા પડે એમ છે.” કેમ ?” હું તો આભો જ બની ગયો.તે કહે-“ તમારા ટ્રેક્ટરે તો જમીન પોચી કરવાને બદલે એવી ટોરી નાખી હતી કે મારે લાકડાના હળનો હલસો [સમૂહ] કરી ઊખેડવી પડી ! ખરચો તો મારે થયો છે,ને ઉલટાના ઉઘરાણી કરો છો ?” બોલો,શું કહેવું આમને ? ત્રણ ત્રણ મહિના ટટળાવ્યા પછીયે બાંડો જવાબ દઈ દીધો ! દેવદેરાં ચડતાં ચડતાં અમારાથીયે જથ્થાબંધ કામની લાલચે ખોટી ઉતાવળ થઈ ગઈ ને હડમાનની હડીએ ચડી જવાયું. એ ખેડૂતનો સ્વભાવ-દાનત કેવા છે એ વિષે કોઇ અન્ય ઓળખીતાનો અભિપ્રાય લઈને પછી ઉધારે કામ કરવાને બદલે ઉલળી કૂદકો મારી દીધો ને ૧,૫૦૦ રૂપિયાનું આંધણ મૂકાઇ ગયું. પછીથી તો ધંધો ન થાય તો ન કરવો બાકી ઉધારે કોઇનું કામ કરવું નહીં તેવું નીમ લીધું.
[4] “સાગ” વાવી-સોનું લણવાની વાતમાં આવી ગયા : વરસો પહેલાં એક એવો જુવાળ ઊભો થયેલો કે “સાગ વાવો અને સોનું લણો” લોકો પાસેથી યુક્તિ પૂર્વક પૈસા ખંખેરાવાની એવી સ્કીમો યુક્તિબાજોએ કાઢેલી કે “૫૦૦ રૂપિયા રોકો,અને સાગનો છોડવો દોતી પંદર વરસે લાખો કમાઓ” અમે એવી પૈસા રળાવી આપતી કંપનીની સ્કીમોમાં તો નાણાં ન રોક્યા, પણ “સાગની ખેતીમાં ખૂબ કમાણી હશે” એવુ માની લઈ, અમારી વાડીમાં ૨૫ વીઘામાં બહારથી સ્ટંપ લાવી સાગ-સેવનનું વાવેતર કર્યું, અને ડ્રીપ બેસાડી, ખાતર-પોતરની માવજત આપવામાં કોઇ ખામી ન રહેવા દીધી. ગાદલું ને ગોદડું બે જ આપવાનું બાકી રાખેલું, પણ સાગે જોઇએ એવો હોંકારો ન આપ્યો. ઉંચાઇ પકડી ગયો,પણ માળો ડીલે લોંઠકો થાય તો કંઇ ઇમારતી બર નીકળે, અને તો કંઇક પૈસા ભળાય ! નીચે પથ્થરવાળી અમારી ચીકણી જમીન અને અમારું નપાણિયું અને ગરમ વાતાવરણ સાગને ફાવશે કે નહીં તેનો લાંબો અભ્યાસ કર્યા વિના કરી નાખેલી ઉતાવળ અમને નડી અને ૬-૭ વરસે સાગને જેસીબી મૂકી કાઢવો પડ્યો. જે અમારી ૨૫ વીઘા જમીનની ૭ વરસની કમાણી લઈને ગયો !
[5] પશુના બાહ્ય દેખાવમાં મોહી ગયા :
[અ]…… ખ્યાલ તો હતો જ કે “ ગાય-ભેંશ જેવું દુઝાણું ખરીદવું હોય તો તે વિયાંણેલું હોય તેવું ખરીદાય,અને નજર સામે દોહરાવીને એ શેલો વાળવા દે છે ને, એના ચારે આંચળ સરખા વરસે છે ને? દોહવામાં અકોણાઇ તો નથી કરતું ને ? એ હથવાર થઈ ગયેલ નથીને ? તે દૂધ કેટલું કરે છે ? વગેરેની જાત ખાતરી કરી પછી જ વહીવટ કરાય.અને આપણે જો વેચવાનું થાય તો બને ત્યાં સુધી વિયાંણા પહેલાં જ વેચી દેવાય,એવી વાતની ખબર હોવાછતાં 2012ની સાલમાં એક ગાય ખરીદવામાં ખોટી ઉતાવળ કરી ગયા અને દુ:ખી દુ:ખી થઈ ગયા. ગાય હતી બાજુના જ ગામના ખેડૂતની. વાને ગોરી, માથે-કાને-શિંગડે ‘ગિર’નાં જ લક્ષણો દેખાડતી, બાધલ અડાણ અને પૂરી હાડેતી. એણે કહ્યું કે “વિયાંવાને એક મહિનાની વાર છે” એ ભાઇના વેણ ઉપર વિશ્વાસ રાખી રૂપિયા ૩૨ હજાર રોકડા દઈ દોરી લીધી. એક મહિનો ઉતર્યો, બે મહિના ઉતર્યા, ત્રણ મહિના ઉતર્યા પણ ગાય વિયાંવાના એંધાણ જ વરતાવે નહીં ! છેવટે સાડા ત્રણ મહિને વિયાણીતો ખરી,પણ બચ્ચાં જણ્યાં બે ! દૂધ એને પાવું કે આપણે દોહવું ? અને દોહવા બાબતે એવી ગાંડાઇ આદરી કે ન શેલો વાળવા દે કે ન આંચળને અડવા દે ! એવા પાટા ઉલાળે કે કરવું શું ? પછી તો આગલા પગ ખીલા સાથે બાંધી પરાણે દોહવાય એટલું દોહીને વેતર પૂરું કરેલું બોલો ! થકવાડી દીધા એ ગાયે તો અમને. નીકળ્યા હતા “દૂઝણું“ ખરીદવા અને સામાના વિશ્વાસમાં આવી ગાય ખરીદવામાં અમે કરેલી ઉતાવળ અમને કેવી ભારે પડી ગઈ કે જેની વાત થાય તેમ નથી !
[બ]………. ખેડૂતોમાં એક એવીયે કહેવત છે કે ‘દૂઝાણું દોહીને લેવાય, અને બળદિયો અવાણીને ખરીદાય” વાત સાવ સાચી છે. અમારે ઘરની ગાયુના બે વાછરડા ઉછેરી એકરંગા બળદની જોડી બનાવેલી. એમાં જીવડું અડી જવાથી એક બળદ મરી ગયો ને જોડી ખંડિત થઈ ગઈ. અમે ચહેરે-મોરે અને રંગે-રૂપે અમારા બળદ જેવો હોય એવા બળદને ખરીદવાની તપાસમાં હતા અને વાવડ મળ્યા કે ગુંદાળામાં આવો એક બળદ વેચાવ છે. અમે ત્યાં ગયા.બળદ જોયો. રંગ,રૂપ, ઉંચાઇ,મોકલી, શિંગડાંનો ઘાટ અસ્સલ અમારા બળદ જેવા જોઇ, બળદ અમને ખૂબ ગમી ગયો, અને રૂપિયા ૪,૧૦૦ રોકડા આપી બળદ દોરતા જ આવ્યા.ઘેર આવી અમારા બળદની સાથે ઊભો રાખ્યો તો આંખ્યો ઠરી. માન્યું કે આપણે આપેલ ૪,૧૦૦ રૂપિયા વસૂલ !
પણ રજકાવાયું ખેડવા લોખંડી હળે નાંગળ્યાં,ને બે ઉથલ વળ્યા ત્યાં માળો બેસી પડ્યો ! અલ્યા ભારે કરી, આતો ખૂંટલ નીકળ્યો ! ધરમાંથી કાઢી-ફોહલાવી ઊભો કરી ફરી ધરમાં નાખ્યો તો આઘેરેક હાલી ફરી બેસી ગયો.અમે તો એ વેચનાર ભાઇને ફરિયાદ કરી કે ‘તમે અમને ખૂંટલ બળદ આપ્યો.’ તો કહે “ હેં ભાઇ ! તમે હતા તો ખેડૂત,કાંઇ કુંભાર નો’તા ! બળદિયાને ખરીદતાં પહેલાં અવાણીને લીધો હોતતો ? અમે ક્યાં અવાણવાની ના કીધી’તી ? હવે તો એ બળદ શેરાય ગયો ગણાય.તમે પાછો મૂકી જાઓ તો પછી કોઇ ખરીદે જ નહીં.તમારા કર્યાં તમે ભોગવો, આવજો !”
અમે છ મહિના સુધી શરૂઆતમાં હળવું સાંતી, પછી થોડું ભરતિયું ગાડું, અને છેલ્લે લોઢાનું હળ, એમ ધીરે ધીરે બળે વળગાડી માંડ ખૂંટલવેડા ભૂલવાડેલા ! બળદના રૂપ-રંગ જોઇ અવાણવાનું ભૂલી ગયા અને ખોટી ઉતાવળનું કેવું માઠું પરિણામ ભોગવ્યું તે અમારું મન જાણે છે.
[6] ભૂંડડાંના ત્રાસે ધીરજ ખોવરાવી : 2010ની સાલમાં મગફળીની ખેતીનો અભ્યાસ કરવા ચીન જવાનો મોકો મળેલો,અને ત્યાંની સફળ ખેતી પદ્ધતિને પંચવટી બાગમાં અમલમાં મૂકી મગફળીનું વાવેતર કર્યું. પણ ભૂંડનો એટલો બધો ત્રાસ શરૂ થયો કે ન પૂછો વાત ! બીજ વાવ્યાં ત્યારથી રાત્રિ-રખોપું શરૂ કરવું પડ્યું. એના ત્રાસથી ઉગરવા ફરતું કાપડ બાંધી જોયું, ઝટકો મૂકી જોયો, પણ બધામાં નાપાસ ! વિચાર આવ્યો કે આપણી વાડી ફરતું ફેન્સિંગ તો છે, તેની સાથે નીચેથી અઢી-ત્રણ ફૂટ ઊંચી લોખંડની ઝાળી-નેટ લગાવી દીધી હોય તો ભૂંડના ત્રાસમાંથી કાયમખાતે વાડી બચી જાય.
નાનોભાઇ વજુ રહે અમદાવાદ.એને કર્યો ફોન કે “તપાસ કરી અમદાવાદમાંથી ૧૦૦ વીઘા ફરતી લગાડી શકાય તેવી લોખંડની નેટ જલ્દી મોકલાવી દે. તેણે તો બીજા જ દાડે ૫,૦૦૦ રનીંગ ફૂટ નેટ મોકલી દીધી અને અમે ત્રણ-ચાર દિવસમાં વાડી ફરતેની ફેન્સિંગ સાથે લગાડી દીધી, ને થયું કે હાશ ! હવે ભૂંડના ત્રાસમાંથી તો બચ્ચ્યાં ? રાત્રિ-રખોપું બંધ કર્યું. પણ ત્રીજા દિવસે આંટો મારતાં મગફળીના પ્લોટમાં ભૂંડડાંએ કરેલું નુકશાન નજરે ચડ્યું. અરે ! ઘોળા દિવસે ચીકુડીના ઘેરામાંથી નીકળી, નેટના કાણાં સોંસરવા ગરકી ભૂંડના બચ્ચાંને ભાગતાં ભાળ્યા ! હવે સમજાયું કે “નેટ જલ્દી મોકલો” એવા અમારા આદેશ પાલનની ઉતાવળમાં નેટ નાનાં કાણાંવાળી છે કે મોટા કાણાંવાળી એનીયે ચોક્કસાઇ કરાયા વિના ઉતાવળથી નેટ ખરીદાઇ ગઈ અને પરિણામે નેટના કાણાં મોટાં આવી જતાં, બચ્ચાં નેટ સોંસરવા નીકળી જાય,અને મોટા ભૂંડ નેટમાં માથું મારે ત્યાં કાણું વધુ મોટું થઈ જતાં ભૂંડ પણ આરપાર આવી-જઈ શકે સગવડ સચવાઇ રહી. સવાલાખ રૂપિયા નેટ પાછળ ખર્ચાયા છતાં અમારાથી થઈ ગયેલ ઉતાવળ અમને ભૂંડના ત્રાસમાંથી ન બચાવી શકી.
[7].માપબારી ઉતાવળે તો બિયારણમાં “દગા” શરૂ કરાવ્યા: પાંચેક વરસ પહેલાં ધોળા તલની સરખામણીએ કાળા તલની જબરી માંગ ઊઠેલી. ખેડૂતો બસ કાળા તલનું બીજ…કાળા તલનું બીજ.. એમ કાળાતલના બિયારણની ગોતણે ચડી ગયેલા. પાડોશી દેવોભાઇ મોંઘાભાવે ખરીદી લાવેલ બીજમાંથી થોડો નમૂનો કાઢી મને બતાવતાં કહે, “ જૂઓ તો કેમ લાગે છે આબિયારણ ?“ મેં એ તલને બે હથેળી વચ્ચે ભીંસ આપી ચોળ્યા,તો હથેળીમાં રંગ ચોટ્યો, મેં કહ્યું,”દેવાભાઇ ! આમાં થોડું પાણી નાખોતો” અને થોડું પાણી નાખી, ખૂબ દબાણ આપી ઘસ્યા તો ઉપરથી કાળો રંગ જાંખો થઈ, અંદરથી તલનો રંગ ધોળો દેખાયો. એ બીજ વાવવાનું બંધ રખાવેલું બોલો ! કાળાતલ….કાળાતલ કરી કરી ખેડૂતોએ બિયારણ બાબતે એવી માંગ ઊભી કરેલી કે વેપારીઓ ધોળા માથે કાળો રંગ ચડાવી ખેડૂતોને છેતરવાના ધંધે ચડી ગયેલા.
માપથી જાજી ઉતાવળ વિવેકભાન ભૂલાવી નિર્ણય લેવામાં કેવી થાપ ખવરાવી જાય છે એના આ દ્રષ્ટાંતો પરથી ધડો લઈ ધ્યાન આપતા જે કોઇ થઈશું એને પછી પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે એટલું તો ખરું ને મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
-
વૃદ્ધાવસ્થાની ઝીણી ઝીણી ટીસ
મંજૂષા
વીનેશ અંતાણી
હું મારી જરૂરિયાતો સંતોષે તેવી થોડી સગવડો સાથે, સુખેથી અને મારી શરતે, કોઈ શાંત જગ્યામાં રહેવા માગું છું, જ્યાં મારા જેવા વૃદ્ધ લોકોનો સંગાથ મને મળે.

સાંદર્ભિક તસવીર – નેટ પરથી બદલાયેલા સમયમાં વૃદ્ધોની પરિસ્થિતિ બદલાઈ છે. સંતાનોને વૃદ્ધ માતાપિતા ભારરૂપ લાગતાં હોય, સંતાનો એમના પરિવાર સાથે વિદેશમાં અથવા દેશમાં જ દૂરના શહેરમાં વસતાં હોય, વૃદ્ધોને ફરજિયાતપણે વૃદ્ધાશ્રમમાં રહેવું પડતું હોય એવી જુદી જુદી પરિસ્થિતિ એમના માટે ઊભી થાય છે. કેટલાંક વૃદ્ધ સ્ત્રી-પુરુષો આ પરિસ્થિતિને સ્વીકારીને અલગ રીતે પણ વિચારે છે. એમની કેટલીક વાતો જાણવા જેવી છે. અહીં આપેલી વાતોમાં એમનાં નામ બદલાવ્યાં છે.
વરુણી રઘુનાથન કહે છે: ‘મેં આખી જિંદગી નોકરી કરી. મારા પતિના અવસાન પછી મારા જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. આ ઉંમરે મારી જરૂરિયાતો બહુ ઓછી થઈ ગઈ છે. હું મારી જરૂરિયાતો સંતોષે તેવી થોડી સગવડો સાથે, સુખેથી અને મારી શરતે, કોઈ શાંત જગ્યામાં રહેવા માગું છું, જ્યાં મારા જેવા વૃદ્ધ લોકોનો સંગાથ મને મળે. મારે કારણે મારાં સંતાનોએ એમની જીવનશૈલી બદલવી પડે એ મને ગમે નહીં. એમની પણ જિંદગી છે. એમને એમની રીતે જીવવાની મોકળાશ હોવી જોઈએ. આજે યુવાનપેઢીની જિંદગી બહુ ડિમાન્ડિન્ગ બની ગઈ છે. એ લોકોએ ખૂબ મહેનત કરવી પડે છે, એમના મનોરંજનના ખ્યાલ બદલાયા છે, પ્રાયોરિટી પણ બદલાઈ છે. એ લોકો મારી પેઢીના લોકો કરતાં અલગ પ્રકારનું જીવન પસંદ કરે છે. હું એમાં આડખીલી બનવા માગતી નથી.’
સરિતા રાય કહે છે: ‘મારો દીકરો મને પ્રેમ કરે છે, છતાં એ મારી આ ઉંમરની જરૂરિયાતોને સંતોષી શકે તેમ નથી. અમે એક જ ઘરમાં રહીએ છીએ, છતાં ક્યારેક લાગે કે અમે જુદા જુદા ગ્રહમાં વસીએ છીએ. હું એની સાથે નિરાંતે મારા જૂના દિવસોની વાતો કરવા માગું છું, પરંતુ એની પાસે સમય હોતો નથી. હું ટી.વી. પર સમાચાર જોવા માગું, એ લોકોને ફિલ્મ કે સિરિયલ જોવી હોય. બે રૂમમાં બે ટી.વી. લાવીએ તો સમસ્યા રહે નહીં, પરંતુ એક જ ઘરમાં બે ટી.વી.? હું એ વિચાર જ સહન કરી શકતી નથી. એવું કરું તો મને આખા દિવસમાં એમની સાથે બેસવા થોડોક સમય મળે છે તે પણ મળે નહીં. હું મારી રીતે એકલી બહાર નીકળી શકતી નથી, એ લોકોને મારા સમયે બહાર નીકળવાનું અનુકૂળ આવતું નથી. કદાચ એમને એ ગમતું પણ ન હોય. ના, મારે મારા દીકરા માટે આવું વિચારવું જોઈએ નહીં, પણ શું કરું? ક્યારેક ઓછું આવી જાય છે. મારે જ મારો માર્ગ શોધી લેવો પડશે.’
ગોપાલ શ્રીવાસ્તવનાં સંતાનો વિદેશમાં રહે છે. વૃદ્ધ દંપતિએ તે પરિસ્થિતિ હસતા મોઢે સ્વીકારી લીધી છે. શ્રીવાસ્તવ રમૂજમાં કહે છે: ‘દવાઓ પર એકસ્પાયરી ડેટ લખવી ફરજિયાત બન્યું છે તેમ ભગવાને દરેક માણસની એકસ્પાયરી ડેટ લખવી જોઈએ. તો મારા જેવા વૃદ્ધો પોતાની બધી પ્રવૃત્તિ સંકેલી, મોહમાયામાંથી છૂટી, બીજા લોકો પાસે વધારે પડતી અપેક્ષા રાખીને દુ:ખી થવાને બદલે આનંદથી સમય પસાર કરી શકે. જો કે દુનિયામાંથી ક્યારે વિદાય લેવાની છે તે આપણે જાણતા નથી તે વાત એક રીતે વરદાન જેવી છે. જીવનમાં કશુંય અગાઉથી નક્કી હોય તો જીવવાની મજા શું આવે? આ તો કેવું છે, સવારે ઊઠીએ ત્યારે ખબર ન હોય કે આજનો દિવસ છેલ્લો છે કે નથી. રાતે સૂઈએ ત્યારે આવતી કાલે સવારે ઊઠશું કે નહીં એ વાતનું રહસ્ય જ આ વયે એકમાત્ર રોમાંચ રહ્યો છે. હું રોજ રાતે મારી પત્ની સાથે શરત મારું: બોલ, આવતી કાલે આપણા બેમાંથી કોણ હશે અને કોણ નહીં હોય!’ એમની વયોવૃદ્ધ પત્ની ઠાવકાઈથી કહે છે: ‘કદાચ ભગવાને આપણા કપાળ પર એકસ્પાયરી ડેટ લખી તો છે, પરંતુ આપણે એની લિપિ ઉકેલી શકતાં નથી — અને ઉકેલવી પણ ન જોઈએ, આપણે કંઈ ભીષ્મ પિતામહ બનવાની જરૂર નથી કે આપણી વિદાયનો સમય નક્કી કરી શકીએ.’ એક નેવું વરસનાં વિધવા માજી એમનાં પુત્ર-પુત્રવધૂથી અલગ એકલાં રહે છે. એમણે કહ્યું: ‘મને લાગે છે કે યમરાજના દરબારમાં ચિત્રગુપ્તે મારો ફોલિઓ જ ખોઈ નાખ્યો છે.’
મૃત્યુના સંદર્ભમાં કરેલાં બધાં જ આગોતરાં આયોજન ખોટાં પડે છે. બેન્કની નોકરીમાંથી નિવૃત્ત થયેલો એક વૃદ્ધ પુરુષ અપંગ પત્ની સાથે એકલો રહેતો હતો. એનાં સંતાનો વિદેશમાં વસતાં હતાં. એ પત્નીથી પહેલાં મૃત્યુ પામે તો પાછળથી એકલી પત્નીને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે એણે ઘણી આગોતરી વ્યવસ્થા કરી રાખી હતી. એણે વસિયતનામા ઉપરાંત સગાસંબંધીઓ અને મિત્રોની યાદી તૈયાર રાખી હતી. એમના ટેલિફોન નંબર, ઈ – મેઈલ આઈડી વગેરેનું લિસ્ટ બનાવી રાખ્યું હતું, જેથી એના મૃત્યુ પછી પત્નીને એમની સાથે સંપર્ક સાધવામાં કોઈ તકલીફ પડે નહીં. પરંતુ બન્યું જુદું જ. પત્ની એનાથી પહેલી અવસાન પામી. વૃદ્ધ બેન્કરે કહ્યું: ‘મેં પત્ની માટે કરી રાખેલી વ્યવસ્થા મને જ કામ લાગી. અમારે વૃદ્ધાવસ્થામાં એકલા રહેવું પડતું ન હોત, અમે અમારાં સંતાનોની વચ્ચે સચવાયેલાં હોત, તો મેં આવી કોઈ વ્યવસ્થા વિચારી જ ન હોત.’
આવાં ઉદાહરણોમાં ઘરમાં ભરાયેલી કંસારી બોલતી હોય એવી ઝીણી ટીસ સંભળાય છે. એ પીડામાં એકલતા છે, નિ:સહાયતા છે, બદલાયેલા સમયની સાથે ગોઠવાઈ ન શકવાની મૂંઝવણ પણ છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
વિકાસનાં ફળ મારે કે તારે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માર્ગ અકસ્માત થવા માટેના મુખ્ય કારણો પૈકીનાં કેટલાંક કારણોમાં રસ્તાની બિસ્માર હાલત, તીવ્ર વળાંકો, માર્ગચિહ્નોનો અભાવ વગેરેનો સમાવેશ થઈ શકે. પણ ઠેરઠેર યોગ્ય માર્ગસૂચક મૂકેલા હોય એવી અત્યાધુનિક, તીરની જેમ સીધી સડક પર અકસ્માત થઈ શકે ખરા? અને અકસ્માત પણ એકલદોકલ નહીં, એ ખુલ્લી મૂકાયાના છ મહિનાના સમયગાળામાં રોજના સરેરાશ ત્રણ અકસ્માત લેખે! નવાઈ લાગે, પણ મુંબઈ અને નાગપુરને જોડતા ‘સમૃદ્ધિ એક્સપ્રેસવે’ બાબતે આમ બની રહ્યું છે.
મહારાષ્ટ્રના બે મહત્ત્વનાં શહેરોને જોડતો, આશરે સાતસો કિ.મી. લંબાઈ ધરાવતા આ માર્ગનો પ્રથમ તબક્કો ડિસેમ્બર, ૨૦૨૨માં એટલે કે માંડ છ મહિના પહેલાં ખુલ્લો મૂકાયો છે. નાગપુરથી શીરડી સુધીનો આ ભાગ આશરે પાંચસો કિ.મી.નો છે. આ માર્ગ પર છ મહિનામાં નાનામોટા થઈને કુલ ૬૧૬ અકસ્માત થયા છે, જેમાં 656 લોકોને નાનીમોટી ઈજાઓ થઈ છે, અને 39 લોકો મોતને ભેટ્યા છે. છેલ્લામાં છેલ્લો અકસ્માત ૧ જુલાઈ, ૨૦૨૩ની મધરાતે થયો, જેમાં એક થાંભલા સાથે અથડાઈને બસમાં આગ લાગી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસની આગળની એક્સલ આખી વળી ગઈ હતી. એ દર્શાવે છે કે બસ કેટલી ઝડપી દોડી રહી હશે. અલબત્ત, આ માર્ગ એક્સપ્રેસ વે છે, જેનો હેતુ જ વાહનો વધુ ગતિમાં દોડી શકે એ છે. બસમાં સફર કરી રહેલા તેત્રીસ પૈકીના પચીસેક મુસાફરો બળી મર્યા. આ અકસ્માતને પગલે આ અત્યાધુનિક માર્ગના સલામતિના પાસાં અંગે ફરી એક વાર ચર્ચા ચાલી છે.

મુંબઈ – નાગપુર ‘સમૃદ્ધિ એક્સપ્રેસવે’ :: સાંદર્ભિક તસવીર – નેટ પરથી આ ચોક્કસ અકસ્માતમાં જણાયું છે કે બસ હજી ત્રણેક વર્ષ જૂની હતી, અને તેની અન્ય તમામ સંલગ્ન બાબતો બરાબર હતી. હજી પૂરેપૂરો ઉપયોગમાં આવે એ અગાઉ આટલા વિપુલ પ્રમાણમાં આ માર્ગ પર અકસ્માત થઈ રહ્યા હોય તો શું સમજવું? આ માર્ગ સલામત કહી શકાય?
આ એક વિશિષ્ટ પ્રકારનો પ્રકલ્પ છે, તેથી તેની સાથે સંકળાયેલા વિવિધ મુદ્દા પણ વિચારણીય બની રહે છે. જે બાબતો તેની વિશેષતા છે, એ જ તેની નબળાઈ બની શકે છે. આ એક ગ્રીનફિલ્ડ પ્રકલ્પ છે. એટલે કે આ પ્રકલ્પ અગાઉના કોઈ પ્રકલ્પને સ્થાને, યા તેના વિસ્તરણ કે જોડાણ તરીકે નહીં, બલ્કે સાવ એકડે એકથી આરંભાયેલો છે. તદ્દન સીધી દિશામાં બનાવાયેલા રસ્તા વાહનો એકસો વીસ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એ રીતે તૈયાર કરાયેલા છે. સહ્યાદ્રિની ગિરિમાળામાંથી પસાર થતો આ માર્ગ આસપાસ અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. પણ પહેલી નજરે વિશેષતા લાગતી આ બાબતો તેની મર્યાદા પુરવાર થઈ શકે છે, અને અત્યાર સુધી એમ જ બની રહ્યું છે. આવું શાથી?
તદ્દન સીધાસપાટ અને એકસમાન ભૂપૃષ્ઠ ધરાવતા આ પ્રકારના માર્ગ પર વાહન હંકારતા ચાલકો ‘હાઈવે હિપ્નોસીસ’ અથવા ‘વ્હાઈટ લાઈન ફીવર’ તરીકે ઓળખાતા લક્ષણનો ભોગ બનવાની શક્યતા વધુ રહે છે. આ લક્ષણ માનસિક છે. એકધારી ઝડપે, કશા વળાંક વિના વાહન સતત એક જ દિશામાં આગળ વધતું રહે, આસપાસનાં દૃશ્યો સુંદર હોય, પણ તે એકસરખા જેવાં જ લાગે એ પરિસ્થિતિમાં વાહનચાલકો ગાફેલ બને છે અને તેમના પ્રતિક્રિયાસમયમાં વિલંબ થાય છે. તેમની નિર્ણયશક્તિ પર આની અસર થાય છે. અપૂરતી ઉંઘ, થાક ઉપરાંત એક જ પ્રકારનાં માર્ગચિહ્નો, એન્જિનની એકધારી ઘરઘરાટી જેવી બાબતો આમાં ઉમેરો કરે છે. આવા માર્ગ પર તેમનું ધ્યાન આકર્ષી શકે એવી ગતિવિધિઓનો અભાવ હોય છે. આ કારણોસર પેદા થતી ગાફેલિયત સરવાળે અકસ્માતનું નિમિત્ત બની શકે છે. જરા વિચિત્ર લાગે, પણ વાહનચાલકની સુવિધા માટે ઊભી કરાયેલી આ સવલત જ તેનો ભોગ લઈ શકે છે.
આ માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો મૂકાશે એ પછી આ બનાવોમાં ઓર વધારો થઈ શકે છે. આનું કોઈ નિવારણ ખરું?
આ સમસ્યા કેવળ આપણા દેશની નથી, આથી તેના ઉપાયો અંગે વિશ્વવ્યાપી ચર્ચા થતી રહે છે. સૌથી મહત્ત્વનું પગલું ડ્રાઈવરના વલણસંબંધી છે. લાંબી મુસાફરીનો આરંભ કરતાં અગાઉ તેમણે પૂરતી ઉંઘ લીધેલી હોય એ ઈચ્છનીય છે. તદુપરાંત નિયત અંતરાલે તેઓ થોભે, વિરામ લે, પોતાના સ્નાયુઓને સ્ટ્રેચ કરે અને એ રીતે મગજને તાજગી અનુભવાય એવા પ્રયત્નો કરતા રહે તો તેઓ એકવિધતાનો ભોગ બનતા અટકે છે. મગજને સક્રિય રાખવા માટે તેઓ વાત કરતા રહે, ઉર્જામય સંગીત સાંભળે તો પણ ઘણો ફરક પડી શકે છે.
રાજ્ય દ્વારા આ બાબતે વિવિધ પગલાં લેવાનો આરંભ થઈ રહ્યો છે. દર અડધો કલાક હંકાર્યા પછી વાહનચાલકનું ધ્યાન આકર્ષવા પરાવર્તક તેમજ પતાકાઓ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને બસના ચાલકો સલામતિના નિયમો અને માર્ગદર્શિકાને અવગણે છે. તેઓ લાંબા સમય સુધી બસ હંકારતા રહીને મુસાફરોના જીવને જોખમમાં મૂકે છે. હાઈવે પોલિસે કારચાલકોને પોતાની કારની સ્થિતિ ચકાસવાની, ખાસ કરીને વધુ વપરાયેલા ટાયરને બદલવાની, તેના ટાયરમાં યોગ્ય દબાણ જાળવવાની સૂચના આપી છે, કેમ કે, વાહનની વધુ ઝડપને કારણે ખાસ કરીને ઊનાળામાં ટાયર ફાટવાની સંભાવના વધુ રહે છે. આ ઉપરાંત કર્મશીલોના એક જૂથે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરીને આ માર્ગ પર વાહનોની ગતિમર્યાદા એકસો વીસ કિ.મી. પ્રતિ કલાકથી ઘટાડીને સો કિ.મી. પ્રતિ કલાક રાખવાની માગણી કરી છે. આ માર્ગ પર વધુ પડતી ઝડપથી વાહન હંકારવા બદલ ‘પકડાયેલા’ ચાલકોના કાઉન્સેલિંગ માટે રાજ્યના પરિવહન વિભાગે આઠ કાઉન્સેલિંગ કેન્દ્રો ઊભા કર્યા છે.
પ્રત્યેક વાહનચાલક પોતાનો નાગરિકધર્મ સમજીને ગતિને નિયંત્રણમાં રાખે એ અપેક્ષા પણ શી રીતે રાખવી! વાહનો ઝડપથી હંકારી શકાય એ માટે તૈયાર કરાયેલા માર્ગ પર વાહનોને ઓછી ઝડપે હંકારવા માટે અપીલ કરવી પડે એ વિકાસની કેવી વક્રતા કહેવાય!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩ – ૦૭ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
(૧૨૧) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૭ (આંશિક ભાગ –૨)
ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા (ગ઼ઝલ)
શેર ૧ થી ૩થી આગળ
(શેર ૪ થી ૬)
મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (રસદર્શનકાર)
ઉજ઼્ર-એ-વામાંદગી ઐ હસરત-એ-દિલ
નાલા કરતા થા જિગર યાદ આયા (૪)[ઉજ઼્ર-એ-વામાંદગી= થાકનું બહાનું; હસરત-એ-દિલ= દિલની ઇચ્છા; નાલા= ફરિયાદ]
રસદર્શન :
ગ઼ાલિબ કે કોઈપણ ગ઼ઝલકારની ગ઼ઝલોમાં જિગર, દિલ કે હૃદય પ્રયોજાતાં તો હોવાનાં જ, કેમ કે ગ઼ઝલને એની સાથે ગાઢ નાતો હોય છે. ગ઼ઝલ એ દિલની કવિતા છે. દિલના કેટકેટલા સંવેગો હોય છે, જેવા કે હર્ષપુલકિત થઈ જવું, રડવું, તડપવું, દ્રવવું, ઝુરાપો અનુભવવો, અકળાવું, તૃપ્ત થવું, દયાભાવ જાગવો, ફરિયાદી બનવું, તિરસ્કારવું વગેરે. ગ઼ાલિબ તેમની ગ઼ઝલોમાં શરીરશાસ્ત્ર સાથે સંબંધિત રૂધિરાભિસરણ તંત્રને સાહિત્યિક ઢબે પ્રયોજે છે. અહીં પ્રત્યક્ષ રૂપે તો નહિ, પણ સહેજ આડકતરી રીતે દિલની એ વાત આવે છે. દિલની લોહી ધકેલવાની સ્થુળ કામગીરી તો નહિ, પણ તેની અમૂર્ત એવી તેની સંવેદનાત્મક હાલતની આ વાત છે. ગ઼ાલિબ કાબિલે દાદ ગણી શકાય તેવી પરિકલ્પના કરે છે કે માશૂકા સાથેના મિલનની દિલમાં ઇચ્છાઓ તો ઘણી હતી, પણ કોણ જાણે એ ઇચ્છાઓ સિદ્ધ ન થવાના કારણે હવે એ દિલ થાકી ગયું છે. વાત પણ યથાર્થ છે કે આપણે કોઈ લક્ષની સિદ્ધિ માટે પુરુષાર્થ કરતા હોઈએ અને પરિણામનું કોઈ ચિહ્ન પણ આપણી નજરે ન આવતું હોય, ત્યારે આપણો ઉત્સાહ મંદ પડી જતો હોય છે અને આપણે થકાવટ અનુભવતા હોઈએ છીએ. શેરના પહેલા મિસરાને બીજા મિસરા સાથે સાંકળી લેતાં સંગૃહિત અર્થપ્રાપ્તિ એ થાય છે કે ઇચ્છાઓની અતૃપ્તિના કારણે હારી-થાકી ગયેલા એ દિલને હવે વધારે ન સંતાપવું જોઈએ, કેમ કે માશૂકને પોતાના જિગરની એ ફરિયાદ યાદ આવી જાય છે કે હવે તે વધારે વેદના સહન કરી શકશે નહિ.
* * *
જ઼િંદગી યૂઁ ભી ગુજ઼ર હી જાતી
ક્યૂઁ તિરા રાહગુજ઼ર યાદ આયા (૫)[રાહગુજ઼ર= પસાર થવાનો રસ્તો]
રસદર્શન :
અંતરને સ્પર્શતી સાવ સરળ અને વાતચીતમાં પ્રયોજાતી હોય તેવી શૈલીમાં લખાયેલો ગ઼ાલિબનો આ શેર ભવ્યાતિભવ્ય છે. માશૂકાને સંબોધીને કહેવાયેલા આ શેરમાંની હળવાશમાં ભારોભાર વેદના ઘુંટાયેલી છે. જીવનભર માશૂકાને પામવા માટે તેની પાછળ પાછળ રસ્તે ભટકવામાં અને તેના નિવાસસ્થાનની ગલીમાં આંટાફેરા મારવાના પોતાના નિષ્ફળ પ્રયત્નોની માશૂકને અચાનક યાદ આવી જાય છે અને મનોમન ‘ક્યૂઁ’ પ્રશ્નથી તે અફસોસ જાહેર કરે છે કે આ બધું કરવાની શી જરૂર હતી! માશૂકાનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવાના કોડ જ્યારે નિરાશામાં પરિણમ્યા જ છે, ત્યારે માશૂકને વિચાર આવે છે કે માશૂકા વગર પણ હાલ સુધીની જિંદગી પસાર થઈ છે અને હવે પછી પણ પસાર થઈ જ જવાની છે; તો માશૂકાની પ્રાપ્તિ માટેની એ દિવાનગી સાવ વ્યર્થ હતી, તો હવે તેને શા માટે યાદ કરીને વ્યથા અનુભવવી! આ શેરમાંના બીજા મિસરાને પહેલો ચર્ચીને પછીથી પહેલા મિસરાને સમજાવવાનો આશય માત્ર એ છે કે જેથી શેરનું અર્થઘટન સરળ અને સુગ્રાહય બની રહે. હાલ સુધી આપણે શેરના આંતરિક સૌંદર્યને માણ્યું, પણ તેના બાહ્ય સૌંદર્ય ઉપર નજર નાખીએ તો આપણને દેખાશે કે ગ઼ાલિબે ‘ગુજ઼ર’ અને ‘રાહગુજ઼ર’ શબ્દોને એકબીજા સાથે પડઘાવીને આપણને તેમના ધ્વનિસૌંદર્યની અનુભૂતિ કરાવી છે. ગ઼ઝલ હોય, કાવ્ય હોય કે કોઈ ગીત હોય; પણ તેમાંની સર્જકની ઉચિત શબ્દપ્રયોજના પણ ભાવક માટે હૃદયસ્પર્શી બની રહેતી હોય છે.
* * *
ક્યા હી રિજ઼વાઁ સે લડ઼ાઈ હોગી
ઘર તિરા ખ઼ુલ્દ મેં ગર યાદ આયા (૬)[રિજ઼વાઁ= જન્નતનો દ્વારપાળ; ખ઼ુલ્દ= જન્નત, સ્વર્ગ; ગર= અગર, જો]
રસદર્શન :
ગ઼ાલિબની નિસર્ગદત્ત કવનશૈલી એવીક તો છે કે તે લખે છે, સહજ; અને કોઈક ને કોઈક ભાષાશાસ્ત્રીય અલંકાર બની જાય છે. આ ગ઼ઝલના પ્રત્યેક શેરમાં તો વળી વિરોધાભાસ અને વ્યતિરેક અલંકારો એવી રીતે પ્રયોજાયેલા દેખાશે કે તેમને ઓળખવામાં પણ ભૂલથાપ ખાઈ જવાય. અલંકારશાસ્ત્રનો અહીં વ્યતિરેક અલંકાર પ્રયોજાયો છે, જ્યાં ઉપમેય (માશૂકાનું ઘર)ને ઉપમાન (જન્નત) કરતાં ચઢિયાતું બતાવાયું છે. આ શેરમાં જ જોઈએ તો માશૂકને જન્નતના સુખ કરતાં માશૂકાનું ઘર વધારે સુખદાયક લાગે છે. ગુજરાતી કવિ દયારામે પણ પોતાના એક પદમાં લખ્યું જ છે કે ‘વ્રજ વહાલું રે, વૈકુંઠ નહિ આવું!’ બીજી આ ગ઼ઝલના દરેક શેરની વિશેષતા એ છે કે તેના બંને મિસરાઓ કાર્યકારણના સંબંધથી જોડાય છે. ‘યાદ આયા’ રદીફથી આપણને હરીન્દ્ર દવેની આ પંક્તિ પણ યાદ આવ્યા સિવાય રહેશે નહિ કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’.
ઉપરોક્ત શેરને આનુષંગિક વાતો તો ઘણી થઈ, પણ હવે આપણે આપણા શેર ઉપર આવીએ. પહેલા મિસરામાંનો રિજ઼વાઁ એટલે કે રિજવાન શબ્દનો ઈસ્લામિક મજહબ અનુસાર અર્થ થાય છે, એ નામનો ફરિસ્તો કે જે જન્નતના દરવાન તરીકેની ફરજો બજાવે છે. અહીં ‘ક્યા હી’ શબ્દને ‘કેવીક તો’ એ અર્થમાં લઈશું તો શેર સારી રીતે સમજાશે. આમ આનો વાચ્યાર્થ થશે, ‘કેવીક તો રિજવાન સાથે લડાઈ થશે’, અર્થાત્ ‘રિજવાન સાથે જબરદસ્ત લડાઈ થશે.’ આમ આ મિસરામાં ‘કાર્ય’ એટલે કે એવી લડાઈની ઘટના સર્જાશે. હવે આનું કારણ બીજા મિસરામાં એ છે કે અગર જો જન્નતમાં માશૂકાનું ઘર યાદ આવી જશે, તો રિજવાન સાથે રકઝક થશે. અહીં ‘રકઝક’, ‘જીભાજોડી’ કે ‘બોલાચાલી’ શા માટે હશે તે અધ્યાહાર હોવા છતાં સમજી શકાય છે કે ‘જન્નતને છોડી જવા માટે તે હશે.’ રિઝવાન જન્નતી જીવને એકવાર જન્નતમાં પ્રવેશ આપ્યા પછી બહાર ન જવા દે અને માશૂક જન્નતમાંથી બહાર જવા દેવા માટેની જીદ કરે અને આમ એ બેઉ વચ્ચે ઝપાઝપી થવા માંડે. આપણને એ યાદ રહે કે આ વબાલ ‘ગર’ શબ્દ થકી શરતી હોવાનું સમજાય છે, તો વળી માશૂકના મતે માશૂકાનું નિવાસસ્થાન જન્નત કરતાં વધારે સુખદાયક હોવાનું પણ સમજાય છે. આ શેરમાં માશૂકની માશૂકા પરત્વેની દિવાનગીની પરાકાષ્ઠા અનુભવાય છે.
(ક્રમશ:)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977
નેટજગતનું સરનામુઃ William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો
-
રામભક્ત હનુમાનજી, સુગ્રીવ, અંગદ વગેરે કઈ જાતિનાં હતાં?
રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ

બાલ હનુમાન માતા અંજની દેવી जय हनुमान ज्ञान गुन सागर
जय कपीस तिहुँ लोक उजागर॥१॥राम दूत अतुलित बल धामा
अंजनि पुत्र पवनसुत नामा॥२॥પ્રભુ શ્રીરામનાં મિત્રોમાં જાંબુવાન સિવાયનાં અન્ય મિત્રો જેવા કે સુગ્રીવ, હનુમાન વગેરેને આપણે વાનર તરીકે જાણીએ છીએ. પણ એ પ્રશ્ન ખરેખર વિચારણીય છે કે, પ્રભુ રામ સાથે મનુષ્યની જેમ જ વાત કરતાં આ મિત્રો શું વાનર જાતિનાં જ હતાં કે કોઈ અન્ય જાતિના? કારણ કે વાનર અને મનુષ્ય વચ્ચે બહુ મોટો ફર્ક રહેલો છે. અલબત્ત બુધ્ધિની વાત કરીએ તો વાનરો આજે ય મનુષ્યોનાં સમકક્ષી જ કહેવાય છે, પણ તેમ છતાં યે વાનર એ વાનર છે અને મનુષ્ય એ મનુષ્ય છે. એય કેવળ દેખાવથી જ નહીં પણ વાણી અને વર્તનથી યે આપણે જુદા છીએ. વાનર વિષે વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે,वने भवं वानम्, राति गृहणाति ददाति वा –वानं वन सम्बन्धिनं फलादिक गृहणाति ददाति वा ।જે વનમાં ઉત્પન્ન થવાવાળા ફળોને ખાય છે તે વાનર કહેવાય છે. વર્તમાન સમયમાં જે જંગલો અને પહાડોમાં રહે છે અને ત્યાં જ ઉત્પન્ન થનારા ફળફૂલ ખાઈ ને તેના પર નિર્વાહ કરે છે તેમને વનવાસી અથવા ગિરિજન કહેવામાં આવે છે. આ પ્રકારે વનવાસીઓને વાનર વર્ગમાં ગણી શકાય છે. ‘વાનર’ શબ્દ ને કોઈપણ જાતિ, ઉપજાતિ કે પ્રજાતિમાં ગણવામાં નથી આવતો.
એક શોધ અનુસાર પ્રભુ શ્રીરામનો જન્મ જ્યારે થયો તે અગાઉ હનુમાનજીનો જન્મ થયેલો. અગર વર્ષમાન્યતાને માનીએ તો લગભગ ૭૧૨૯ વર્ષ પહેલાં હનુમાનજીનો જન્મ થયેલો. જ્યારે આર્કિયોંલોજિસ્ટ કહે છે કે, આજથી લગભગ ૯ લાખ વર્ષ પહેલાં અમુક વિલક્ષણ પ્રકારની માનવજાતિ પૃથ્વી અને જળમાં હતી જેને પૂંછ અથવા ફિન હતી. પણ જેમ જેમ કુદરત માનવ અસ્તિત્ત્વને બદલવા લાગ્યો તેમ તેમ આ પૂંછ અને ફિનનું કામ ઓછું થતું ગયું, જેને કારણે તેનું અસ્તિત્ત્વ પણ મટતું ગયું. પણ આ વાત છે ૯ લાખ વર્ષ પહેલાંની, અને આપણે વાત કરીએ છીએ તે ૭૦૦૦ વર્ષ પહેલાંની. આ સમય એવો હતો જ્યારે માનવોએ સુસભ્ય સમાજ બનાવવાની શરૂઆત કરી દીધી હતી તેનું પ્રમાણ આપણને રામાયણમાં જોવા મળે છે. અગર ૭૦૦૦ વર્ષ પછીની વાત કરીએ અથવા તો શાસ્ત્રોક્ત વાણી વિકસિત થયાં પછી જોઈએ તો જાણ પડે છે કે, જેનાં દ્વારા જાતિ એવં જાતિનાં ચિન્હોને પ્રગટ કરવામાં આવે છે તે પ્રાણીદેહનાં અવયવોની નિયત રચના એ જાતિનું ચિન્હ બનતી હોય છે. દા.ખ.ત બ્રાહ્મણોની શિખા તે તેમની જાતિનું ચિન્હ છે. તેજ રીતે હનુમાન, સુગ્રીવ, અંગદ વગેરેનું ચિત્ર જોવામાં આવે છે ત્યારે તેમની પૂંછ જોવા મળે છે, પણ તેમની સાથે રહેલી માદાને પૂછડી હોતી નથી ઉપરાંત તે માદાનું શરીર સ્ત્રી જેવું જ હોય છે. ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો હનુમાન અને તેની માતા અંજનીદેવીનું ચિત્ર કે સુગ્રીવ અને તેની પત્ની તારાનું ચિત્ર. બીજી રીતે કહીએ તો નર અને માદા વચ્ચે રહેલ આ ભેદ બીજા અન્ય કોઈપણ પ્રાણીવર્ગમાં જોવામાં નથી આવ્યો. આ કારણે આપણે એમ કહી શકાય કે, કેવળ પૂંછને કારણે હનુમાન, સુગ્રીવ આદી ને વાનર કે બંદર માની શકાય તેમ નથી. આ બાબતનું પ્રમાણ આપણને હનુમાન ચાલીસાની આ લાઇન ઉપરથી મળે છે.
जय हनुमान ज्ञान गुन सागर
जय कपीस तिहुँ लोक उजागर॥१॥અર્થાત:- ત્રણેય લોકને ઉજાગર કરનાર, કપિ નામની જાતિમાંથી આવનાર અને જ્ઞાન અને ગુણનાં સાગર એવા હનુમાનની જય હો.
જાતિને ઉજાગર કરવામાં પૂંછ સિવાય બીજી વસ્તુ “ભાષા” પણ આપણે ગણી શકી છીએ. અગર ભાષાની દૃષ્ટિએ જો જોઈએ તો ખ્યાલ આવે છે કે, હનુમાન આદી વાનરોની ભાષા મનુષ્યોને મળતી આવતી હતી. વાલ્મીકિ રામાયણમાં કહ્યું છે કે; ઋષ્યમૂક પર્વત ઉપર હનુમાન અને શ્રીરામ વચ્ચે પ્રથમ મિલન થયું. તે સમયે બંને વચ્ચે વાતચીત થઈ.
नानृग्वेदविनीतस्य नायजुर्वेदधारिणः।नासामवेदविदुषः शक्यमेवं प्रभाषितुम्॥नूनं व्याकरणं कृत्समनेन बहुधा श्रुतम्।बहुव्याहरतानेन न किञ्चिदपशब्दितम्॥संस्कारक्रमसंपन्नामद्र तामविलम्बिताम्।उच्चारयति कल्याणी वाचं हृदयहारिणीम्॥
( કિષ્કિંધાકાંડ ૩/૨૮,૨૯, ૩૦, ૩૨ )આ વાતચીત પછી રામચંદ્રજી લક્ષ્મણને કહે; ઋગ્વેદનાં અધ્યયનથી જે અનભિજ્ઞ છે, યજુર્વેદનો જેને બોધ નથી અને સામવેદનો જેણે અભ્યાસ કર્યો નથી તેવી વ્યક્તિ કોઈપણ પ્રકારથી આટલી વિવેકી વાત કરી શકતાં નથી. નિશ્ચયથી જ આમણે પૂર્ણ વ્યાકરણનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. કારણ કે આપણી સાથેની વાતચીત દરમ્યાન આમણે એકપણ અશુધ્ધ શબ્દ બોલ્યાં નથી. આમની સંસ્કાર સંપન્ન, શાસ્ત્રીય પધ્ધતિથી ઉચ્ચારીત કરેલી વાણી મને કલ્યાણી અને હૃદયને હર્ષિત કરનારી લાગે છે. આમ જ્યાં રામ વાત કરે છે; ત્યાં વાલ્મીકિજી એમ પણ કહે છે કે, હનુમાનજી ચતુર ભાષાવિદ્ છે, તેથી જ તેણે અત્યંત કુશળતાપૂર્વક રામચંદ્રજીને પોતાની અને પોતાના સ્વામી સુગ્રીવની ઓળખ આપી છે. જોવાની વાત એ છે કે, હનુમાનજીની ભાષાવિદ્વતાનો કે સમજદારીનો આ એક જ પ્રસંગ નથી, બીજો પ્રસંગેય સુંદર કાંડમાં બતાવતાં કહ્યું છે કે, જ્યારે હનુમાનજી અશોકવાટિકામાં પહોંચ્યાં ત્યારે તેમણે રાક્ષસીઓથી ઘેરાયેલ સીતાજીને જોયા. ભગવતી સીતાને જોઈ હનુમાનજી વિચારવા લાગ્યાં કે,यदि वाचं प्रदास्यामि द्विजातिरिव संस्कृताम्।रावणं मन्यमाना मां सीता भीता भविष्यति ।।१।।सेयमालोक्य मे रूपं जानकी भाषितं तथा।
रक्षोमिस्त्रासिता पूर्व भूयस्त्रासं गमिष्यति ।।२।।ततो जातपरित्रासा शब्दं कुर्यान्मनिस्विनी।
जानाना मां विशालाक्षी रावणं कामरूपिणम् ।।३।।( સુંદર કાંડ -૧૭/ ૧૮/ ૨૦/ ૩૦ )મારી વનવાસી જેવી કાયા સાથે જો હું બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય જેવી દ્વિજાતિ જેવી સુસંસ્કૃત સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરીશ તો ભગવતી સીતા મને રાવણ કે અન્ય અસુર સમજીને ડરી જશે અને કોલાહલ કરી મૂકશે આથી હું નાગરિકને યોગ્ય એવી પરિમાર્જિત પ્રાકૃત ભાષાનો જ પ્રયોગ કરીશ. આ વાતથી પ્રતીત થાય છે કે, હનુમાનજીમાં કેટલી બધી બુધ્ધિ હશે કે તેઓ સીતાજી સાથેનાં વાર્તાલાપ માટે પણ સ્વયં ને તૈયાર કરી રહ્યાં છે. આનાથી વિપરીત જો તેઓ વાનરપ્રાણીની કક્ષાનાં જ હોય તો તેઓ કેવી રીતે આટલો બધો વિચાર કરી શકે? બીજું આ બાબતમાં એ સમજવા મળે છે કે; એ સમયે રાવણનાં બ્રહ્મકુલને કારણે મોટાભાગનાં મંત્રી લોકો સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરતાં હશે જ્યારે સામાન્ય જનપદની ભાષા સંસ્કૃતથી ભિન્ન હશે. જનપદ ભાષાની વાત કરીએ તો, કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે અવધનાં પ્રાંતમાં હનુમાનજી આવાગમન હંમેશા થતું હોઈ આપ અવધિભાષાને પણ જાણનારા હતાં.
હનુમાન માતા અંજની દેવી સાથે મહારાજ સુગ્રીવ અને તારા સુગ્રીવ.. હનુમાનજીનાં સાથી સુગ્રીવને પણ વાલ્મીકિજીએ મધુરભાષી અને વિવેકી બતાવ્યાં છે, રામાયણમાં જેટલીવાર રામ સાથે કે અન્ય સમ જાતિના લોકો સાથે સુગ્રીવનો વાર્તાલાપ થયો છે તે તમામ વાર્તાલાપ શ્રી રામ અને લક્ષ્મણ બંને સમજી શક્યાં છે આ બાબત દર્શાવે છે કે, રામ અને સુગ્રીવની વાણી વચ્ચે સામ્યતા હોવી જોઈએ અન્યથા શ્રીરામને વાનરોની ભાષા શી રીતે સમજાય? મહર્ષિ વાલ્મીકિજીની જેમ બીજી તરફ તુલસીદાસજી પણ છે, જેમણે હનુમાનજી માટે “જ્ઞાનગુણ સાગર” શબ્દનો ઉપયોગ કર્યો છે, જે દર્શાવે છે કે હનુમાનજી કોઈ અવિચારી માંકડા જેવા નથી બલ્કે વનમાં રહેનારા વાનર-વનનર છે, અલબત્ત તેમણે પણ આ વાનર શબ્દ ઉપર પ્રકાશ નથી પાડ્યો તેથી પૂંછ જેવી શારીરિક રચના ધરાવતાં હનુમાનજી કોણ છે તેનાં પર પ્રશ્નચિન્હ તો ઊભું જ રહે છે.સીતાશોધ કરતાં શ્રી રામનો સુગ્રીવ, હનુમાન આદી વાનરોનો પરિચય થાય છે ત્યારે સુગ્રીવ પણ બતાવે છે કે, ભયંકર કર્મ કરવાવાળા એક રાક્ષસને મે આકાશમાર્ગે એક દેવીનું અપહરણ કરીને જતાં જોયેલો. આ દેવી હાં રામ, હાં લક્ષ્મણ વગેરે નામોનાં ચિત્કાર કરી રહી હતી. મને લાગે છે કે જરૂર એ દેવી ભગવતી સીતા જ હશે. આગળ વધતાં સુગ્રીવ કહે છે કે, જ્યારે અમે પાંચ જયારે આ પર્વતની ચોટી પર બેસેલાં હતાં તે સમયે તે દેવીએ અમને જોઈ પોતાનાં આભૂષણો અમારી પાસે નાખેલાં. હું એ આભૂષણો લાવું છું તે આપ ઓળખી લો. એમ કહી સુગ્રીવ ઊભા થયાં અને ગુફામાં સાચવી રાખેલ તે આભૂષણોની પોટલી લાવી રામનાં હસ્તમાં મૂકી. આ પ્રસંગમાં એ તરફ દોરાય છે કે, અગર સુગ્રીવ અને તેનાં સાથીઓ જો બંદરની જાતિનાં વાનરો હોય તો તેમને મનુષ્યની ભાષા શી રીતે આવડે છે, અને નારીનાં આભૂષણોમાં તેમને શું ખબર પડે? પણ સુગ્રીવ દ્વારા આભૂષણનું સાચવી રાખવું અને પછી રામનાં હસ્તમાં આભૂષણોની પોટલી પરત કરવી તે બાબત દર્શાવે છે કે; સુગ્રીવ, હનુમાન, અંગદ વગેરે બંદર જાતિનાં વાનર ન હતાં, પણ પૂંછ જેવી એક શારીરિક રચના ધરાવનાર વનમાં રહેનાર નરો હતાં.
મહર્ષિ વાલ્મીકિજી જેમ સુગ્રીવ, હનુમાન માટે વાત કરે છે તેમ વાલિપુત્ર અંગદને માટે પણ વાત કરે છે. આપ કહે છે કે; રામસેતુ બન્યાં પછી રાવણને આખરી મોકો આપવા જવા માટે તેનાં દરબારમાં કોને મોકલવા તે અંગે શ્રી રામની સેનામાં વાર્તાલાપ થતો હતો. તે સમયે હનુમાનજી વાલિપુત્ર યુવરાજ અંગદને ધ્યાનમાં રાખીને કહે છે કે,बुध्धया ह्याष्टांगअंगयुकतं चतुर्बलसमन्वितमम्चतुर्दशगुणं मेने हनुमान् बालिनः सुतम् ॥( કિષ્કિંધાકાંડ ૫૪ .૨)યુવરાજ અંગદમાં અષ્ટાંગ બુધ્ધિબળ છે. તે ચાર બળ અને ચાર અસ્ત્ર ધરાવનારો છે. ઉપરાંત તે વીર, વિદ્વાન અને રાજનીતિનાં ચૌદગુણોથી યુક્ત છે માટે મારી દૃષ્ટિએ અંગદ જ આ કાર્ય માટે સુયોગ્ય રહેશે. હવે હનુમાનજી કહેલાં ગુણો ઉપરે ય એક નજર કરી લઈએ.૧) અષ્ટાંગ બુધ્ધિબળ:-૧) સાંભળવાની ઈચ્છા અને સંભળાવવાની ઈચ્છા,૨) સાંભળીને જે મન-મગજમાં ઉતારે છે,
૩) જે સાંભળીને અયોગ્ય વાત પર ઉહાપોહ કરે છે,
૪) જે સતત સમજવાની કોશિશ કરતો રહે છે,
૫ ) જે અર્થ, તાત્પર્ય ને પોતાનાં ધ્યાનમાં લે છે,
૬ ) જે દરેક નાના -મોટા વિદ્વાનો અને મંત્રીઓની વાતમાં ધ્યાન આપે છે,
૭ ) જે વિજ્ઞાનને જાણે છે
૮) જે તત્ત્વજ્ઞાનનેય પારખે છે તે
૨) ચાર બળ અને ચાર અસ્ત્ર:-૧) જેની પાસે બાહુબળ, મનોબળ, બંધુબળ અને ઉપાયબળ પણ છે૨) જે શત્રુને વશ કરવા માટે સામ, દામ, દંડ અને ભેદ એ ચાર અસ્ત્ર છે જેને અંગદ જાણે છે.૩) રાજનીતિનાં ચૌદગુણો:-૧) દેશકાળનું જ્ઞાન,૨) કષ્ટસહિષ્ણુતા,
૩) સર્વવિજ્ઞાનતા,
૪) વાણીદક્ષતા, ઉત્સાહી,
૫) મંત્રગુપ્તીમાં યુક્ત,
૬) એકવાકયતામાં રહેનારો,
૭) શૂરવીર,
૮) દૃઢતા ધરાવનારો,
૯) કૃતજ્ઞતા રાખનારો,
૧૦) શરણાગતવત્સલ,
૧૧) અધર્મ પ્રતિ રોષ રાખનારો,
૧૨) એક જ સમય પર ચપળતા અને અચપળતા રાખનારો
૧૩) ગંભીરતાને સમજનારો
૧૪) પડકાર ફેંકવાની હિંમત કરનારો
આમ હનુમાનજીએ અંગદનાં ચૌદ રાજનૈતિક ગુણોને શ્રી રામ પાસે પ્રસ્તુત કર્યા છે. જોવાની વાત એ કે, મહર્ષિ વાલ્મીકિ અહીં જ નથી અટક્યાં. આપે તો એમ પણ કીધું છે કે, વાનરરાજ વાલિની પત્ની પણ અત્યંત વિદ્વાન છે, સૂક્ષ્મ વિષયોને જાણીને નિર્ણય કરનારી છે, નાના પ્રકારોના ઉત્પાતોનાં ચિન્હોને સમજવાવાળી અને સર્વ કાર્યમાં નિપુણ છે. મહર્ષિ વાલ્મીકિજીએ વાલિ પત્ની તારાનાં જે ગુણો દર્શાવ્યાં છે તે જોતાં ખ્યાલ આવે છે કે; આ તમામ ગુણો માનવકન્યાનાં ગુણો જેવા છે. પણ વાલિ એ વાનર રાજા છે. તો આ તારા કોણ છે જેમાં માનવગુણો ભર્યા છે. તારા માટેનું વિશેષ વિશ્લેષણ કરતાં રામાયણમાં કહ્યું છે કે; મેઘનાદ સાથેનાં યુધ્ધમાં મૂર્છિત થયેલ લક્ષ્મણજીને પાછા ઊભા કરવામાં મદદ કરેલી તે “સુષેણ વૈદ્યની પુત્રી તે વાલિની પત્ની છે. “આ વાતનું તાત્પર્ય એ થયું કે, જો સુષેણજી જો માનવ હોય તો તેની પુત્રી પણ માનવ જ હોવી જોઈએ અને માનવ કન્યાનાં વિવાહ માનવ સાથે જ થવા જોઈએ, પણ તેમ થયું છે કે નથી થયું તે બાબત વિચારણીય છે. કારણ કે વાત તો એટલી જ ઉજાગર થાય છે કે; કિષ્કિંધા નરેશ “વાનરરાજ” વાલિની પત્ની એ તારા છે. ( કિષ્કિંધાકાંડ ૨૫/૩૦ )
આગળ વધતાં કિષ્કિંધાકાંડમાં મુનિ વાલ્મીકિ કહે છે કે, વાલિવધ પછી મહારાજ બનેલા સુગ્રીવનાં રાજતિલક સમયે અક્ષત, અંગરાજ, ગોરોચન, મધુ, ધૃત આદિ લઈને આવેલી સોળ સુંદર કન્યાઓ સાથે યજ્ઞોને જાણનારા વિદ્વાન બ્રાહ્મણો ત્યાં આવ્યાં અને હવનયજ્ઞ પૂરો કર્યો. આમ સુગ્રીવનાં રાજતિલકમાં સોળ કુમારી કન્યાઓ અને જે બ્રાહ્મણોનો ઉલ્લેખ થયો છે તે સર્વે માનવજાતિનાં જ છે તે વાત અહીં સાબિત થઈ જાય છે. મહર્ષિ વાલ્મીકિનાં આ વર્ણન અને વિવરણ જાણ્યાં પછી અંતે હવે એક પ્રશ્ન તો રહે જ છે કે, સુગ્રીવ, હનુમાન અંગદ વગેરે કઈ જાતિનાં હતાં? મનુષ્ય જાતિનાં કે વાનરજાતિનાં??
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com
-
બીમલદા, સચીનદા અને ‘બાલની ખાલ’ પ્રકારની ચર્ચા
હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ …. મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગ્ત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્ક્રર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.
બીરેન કોઠારી
એક વાર સચીનદા (એસ.ડી.બર્મન), બીમલદા (બીમલ રોય) અને હું ચર્ચા માટે ભેગા થયેલા. બીમલદા સમજાવી રહ્યા હતા- ‘જુઓ, છોકરી કદી પોતાના ઘરની બહાર નીકળી નથી. લોકો તેના પિતાને મળવા આવે છે, અને આ મુલાકાતમાં તેઓ વૈષ્ણવ કવિતા વાંચે છે. છોકરી આ સાંભળે છે અને પ્રેરિત થાય છે.’ અચાનક સચીનદાએ આશ્ચર્ય દર્શાવતાં કહ્યું, ‘શું વાત કરે છે! છોકરી ઘરની બહાર નીકળી નથી તો પછી આ શી રીતે થશે? મેં એ રીતે સંગીત તૈયાર નથી કર્યું. ના, ના! તારે એને બહાર કાઢવી જ પડશે.’ અમે નવાઈ પામી ગયા! સચીનદા (સંગીતને બદલે) પાત્ર વિશે વાત કરી રહ્યા હતા, અને તેને બહાર કાઢવા માટે કહી રહ્યા હતા. ‘એને કહે કે બહાર નીકળે.’ પણ બીમલદા એને બહાર નહોતા જવા દેવા માંગતા. સચીનદાએ પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો, ‘તને કહી દઉં છું, એને બહાર નીકળવા દે.’ બીમલદાએ કહ્યું, ‘તમે શું કહી રહ્યા છો, કોરતા (સાહેબ)?’ મારા પાત્રે બહાર નીકળવાનું?’ આખરે સચીનદાએ પોતાનો મિજાજ અમુક અંશે ગુમાવ્યો, ‘એમ જ હોય તો તું સલીલ (ચૌધરી)ને સંગીત તૈયાર કરવાનું કહી શકે છે.’
ત્યાં સુધી બીમલદા પોતાનું હાસ્ય દબાવી રાખવાનો બરાબર પ્રયત્ન કરી રહ્યા હતા. ફિલ્મના સહલેખકો પૈકીના એક એવા પૉલ મહેન્દ્રે પૂછ્યું, બીમલદા, એ છોકરી પોતાના પિતાજીની હાજરીમાં શી રીતે રોમેન્ટિક ગીત ગાવાની?’ એ સાથે જ સચીનદાએ પોતાની હથેળીમાં તાળી આપી, ‘બિલકુલ! હું એ જ કહું છું!’ પોતાને પક્ષે રહી શકે એવું કોઈક એમને મળ્યું હતું. એટલે પરિસ્થિતિ એવી હતી કે બે વરિષ્ઠ લોકો એક ગીતના દૃશ્યાંકનની ચર્ચા કરી રહ્યા હતા, એમ કહો ને કે લગભગ ઝઘડી રહ્યા હતા, અને અમે નવોદિતો એ સાંભળી રહ્યા હતા. આ ‘બાલની ખાલ’ પ્રકારની ચર્ચામાં ખરેખર ઘણું શીખવા જેવું હતું. ગીત હતું ‘મોરા ગોરા અંગ લઈ લે…’ એ ‘બંદિની’ માટે લખાયેલું અને નૂતન પર ફિલ્માવાયેલું.બીમલદા માનતા કે ગીતના દૃશ્યાંકનમાં પોતે એટલા સારા નથી. પરિણામે, તેઓ આવી સિક્વન્સ પર એટલું ઝીણવટપૂર્વક કામ કરતા કે એ ગીત છેવટે નમૂનેદાર બની રહેતું. ગીતની મધ્યમાં સંગીતનું આયોજન બદલાય અથવા તો કશુંક નવું સંગીત ઉમેરાય તો તેઓ તરત કહેતા, ‘શૉટ બદલી નાખો. શૉટમાં તાલ અને વાદ્ય એના એ શી રીતે હોઈ શકે?’ તેમની ફિલ્મોમાં પહેલવહેલી વાર સાઉન્ડસ્કેપ (આસપાસનો માહોલ દર્શાવતા અન્ય જરૂરી નાનામોટા અવાજ)નો ઉપયોગ કરવામાં આવેલો. ઘંટનો રણકાર હોય કે કૂતરાના ભસવાનો અવાજ, બીમલદાના સાઉન્ડસ્કેપમાં આવો એકે એક અવાજ ગીતમાં સાંભળી શકાતો. તેઓ એવી વ્યક્તિ હતી કે જેમનું જીવન સિનેમાની આસપાસ હતું; તેઓ સિનેમા જીવતા અને સિનેમા શ્વસતા.– ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: ‘બંદિની’નું આ ગીત ગુલઝારે લખેલું, જ્યારે અન્ય ગીતોના ગીતકાર શૈલેન્દ્ર હતા. આ ગીતના દરેક ઈન્ટરલ્યુડમાં સંગીતની તરાહ અલગ અલગ છે, અને ગીતનાં દૃશ્યો પણ એ મુજબ બદલાતાં જાય છે. ગીતનું મુખડું, તેમજ ઈન્ટરલ્યુડની પહેલી બે પંક્તિઓ દરમિયાન નાયિકા નૂતનનો ક્લોઝ અપ બતાવાય છે, અને એ પછી સામાન્ય શૉટ બતાવાયા છે. સચીન દેવ બર્મનના સંગીત અનુસાર ગીતનાં દૃશ્યો શી રીતે ફિલ્માવવામાં આવ્યાં છે એ જોવાની મજા પડે એવું છે.ગુલઝારે વર્ણવેલી બીમલદાની ખાસિયતો આ ગીતમાં જોઈ શકાય છે.આ ગીતના શબ્દો અહીં આપેલા છે, અને આટલું વર્ણન વાંચ્યા પછી ગીતને એ દૃષ્ટિકોણથી જોવાની ઈચ્છા થાય તો એની લીન્ક આ રહી.मोरा गोरा अंग लै लेमोहे श्याम रंग दे देछुप जाऊँगी रात ही मेंमोहे पी का संग दै देमोरा गोरा अंग लै लेमोहे श्याम रंग दे देछुप जाऊँगी रात ही मेंमोहे पी का संग दै देएक लाज रोके पैयाँएक मोह खींचे बैयाँएक लाज रोके पैयाँएक मोह खींचे बैयाँजाऊं किधर न जानूंहम का कोई बताइ देमोरा गोरा अंग लै लेमोहे श्याम रंग दे देछुप जाऊँगी रात ही मेंमोहे पी का संग दै देबदरी हटा के चंदाचुप के से झाँके चंदाबदरी हटा के चंदाचुप के से झाँके चंदातोहे राहु लागे बैरीमुस्काये जी जलाई केमोरा गोरा अंग लै लेमोहे श्याम रंग दे देछुप जाऊँगी रात ही मेंमोहे पी का संग दै देकुछ खो दिया है पाइ केकुछ पा लिया गवाइ केकुछ खो दिया है पाइ केकुछ पा लिया गवाइ केकहाँ ले चला है मनवामोहे बाँवरी बनाइ केमोरा गोरा अंग लै लेमोहे श्याम रंग दे देछुप जाऊँगी रात ही मेंमोहे पी का संग दै दे
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ભારતીય સમાજમાં પરિવારનું બદલાતું સ્વરૂપ
નિસબત
ચંદુ મહેરિયા
કેટલીક વખત અખબારોમાં ત્રણ ચાર પેઢી સાથે રહેતી હોય તેવા કુટુંબની ફોટોસ્ટોરી જોવા મળે છે. આવા બહોળા પરિવારો સમાચાર બને તેનો અર્થ એ કે વસુધૈવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ ગણાયેલા સંયુક્ત કુટુંબો હવે અપવાદરૂપ બની ગયા છે. ભારતીય સમાજની સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે. વિભક્ત કે એકલ કુટુંબોનું પ્રમાણ વધી રહ્યું છે.

સાંદર્ભિક તસવીર – નેટ પરથી લેટિન શબ્દ ફૈમુલસનું આંગ્લ ભાષાના ફેમિલીમાં રૂપાંતર થયું છે. ગુજરાતીમાં તેના માટે કુટુંબ કે પરિવાર શબ્દ છે. લેટિન ફૈમુલસ શબ્દનો અર્થ એક એવો સમૂહ જેમાં માતા-પિતા, સંતાનો , નોકર અને દાસનો સમાવેશ થાય છે. ગુજરાતીમાં પણ આ શબ્દનો અર્થ એક બાપનો પરિવાર કે કુટુંબકબીલો થાય છે. એટલે પરિવાર મતલબ મોટું, બહોળું કે સંયુક્ત કુટુંબ. તે માનવ સમાજનું પૂર્ણત: મૌલિક, સાર્વભૌમિક અને સૌથી પાયાનું એકમ છે. પરિવાર વ્યક્તિના સમાજજીવનની પહેલી પાઠશાળા પણ છે.
વિસ્તૃત, સંયુક્ત, વિભક્ત કે એકલ કુટુંબવ્યવસ્થાનું સ્વરૂપ દુનિયાભરમાં તેજ ગતિએ બદલાઈ રહ્યું છે. પહેલા પશ્ચિમના અમીર દેશોમાં તેમાં મોટા ફેરફારો આવ્યા અને પછી વિકાસશીલ દેશોમાં પણ પરિવર્તન થયું છે. લગ્ન સંબંધો કુટુંબનો પાયો છે અને તે ઝડપથી બદલાઈ રહ્યા છે કે તૂટી રહ્યા છે તેની મોટી અસર કુટુંબ પર પડવી સહજ છે. ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે એટલે માત્ર તે જ કારણે સંયુક્ત કુટુંબોમાં બદલાવ આવ્યો નથી. પરંતુ વિશ્વમાં છેલ્લા છ દાયકામાં છૂટાછેડામાં જે અતિશય વધારો થયો છે તેણે કુટુંબ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાંખી છે
આપણે ત્યાં ઔધ્યોગિકરણ, શહેરીકરણ, આધુનિકીકરણ અને ઉદારીકરણે કુટુંબવ્યવસ્થામાં ફેરફાર આણ્યા છે. ગામડાઓમાં રોજગારીના અભાવને લીધે લોકોનું શહેરોમાં સ્થળાંતર પણ કુટુંબોમાં વિઘટનનું કારણ છે. વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને સ્વાર્થ, સ્ત્રીની સ્વતંત્રતા અને આર્થિક પગભરતા, એકાકીજીવનની ખુશી, વિસ્થાપન., બદલાતી જીવનશૈલી, બેરોજગારી, મોંઘવારી, કુટુંબના સભ્યોની અસમાન આવક, બે પેઢીઓ વચ્ચેનું અંતર જેવા કારણોથી સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબનું ચલણ વધ્યું છે.
વૃધ્ધો અને મહિલાઓની સામાજિક સુરક્ષા યોજનાઓનો અભાવ, કુટુંબમાં એકાદ ભાઈની નબળી આર્થિક સ્થિતિ, પુત્રોની માતૃ-પિતૃ ભક્તિ હજુ સંયુક્ત કુટુંબોને ટકાવી રાખે છે. ઘરની એકાદ નબળી વ્યક્તિ કે ઘરડા માબાપની સારસંભાળ સંયુક્ત કુટુંબમાં લઈ શકાય છે. બાળકોનો ઉછેર બધાની સંયુક્ત જવાબદારી હોઈ પતિ-પત્ની બંને નોકરી કરી શકે છે.
સંયુક્ત કુટુંબ સામંતી સમાજની દેન મનાય છે તો એકલ કુટુંબ આધુનિકતાની. સંયુક્ત કુટુંબનું તૂટવું આધુનિકતાની દ્રષ્ટિએ પ્રગતિ છે. આધુનિકતા વ્યક્તિને અધિકારસંપન્ન કરે છે, પારિવારીકતા અધિકારોને સીમિત કરે છે. એટલે ઘણા લોકો સંયુક્ત કુટુંબને વ્યક્તિની પ્રગતિમાં કે સ્વતંત્ર વ્યક્તિ વિકાસમાં બાધક માને છે. સંયુક્ત પરિવારમાં સ્વતંત્રતા અને સમાનતા, ખાસ તો મહિલાઓની, અશક્ય છે. જ્યારે વિભક્ત કુટુંબમાં તે ભારોભાર જોવા મળે છે. સંયુક્ત કુટુંબમાં ઘરના વડીલનું નિયંત્રણ હુકમ , જોહુકમી, વડીલશાહી કે તાનાશાહીની કક્ષાનું હોય છે. જ્યાં મોટી ઊમરના પુત્રનો જ અવાજ વડીલો ના સાંભળતા હોય ત્યાં ઘરની મહિલાઓ અને બાળકોના અભિપ્રાયનો તો સવાલ જ ના રહે એવી સ્થિતિ પણ જોવા મળી છે. સંયુક્ત કુટુંબમાં વ્યક્તિની આવક આખા કુટુંબની આવક ગણાય છે.એટલે સહિયારી આવક અને ખર્ચમાં વધુ કમાતી વ્યક્તિનું શોષણ થાય છે. માબાપ પોતાના બાળકોનું તેમની ઈચ્છાનુસાર લાલન-પાલન કે શિક્ષણ કરી શકતા નથી. કુટુંબના અન્ય બાળકોની સમકક્ષ તેમને પણ ગણવામાં આવે છે.એટલે બાળકોના વિકાસમાં માબાપનો અવાજ હોતો નથી. ગતિશીલતાનો પણ સંયુક્ત કુટુંબમાં અભાવ જોવા મળે છે. શિક્ષણ અને રોજગાર માટે બહાર જવું શક્ય ના હોય તો પ્રવાસ-પર્યટનનો તો પ્રશ્ન જ ઉઠતો નથી. આ બધા કારણોથી પણ ભારતમાં પરિવારનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.
જેટલી સંયુક્ત કુટુંબની વાહવાહી ભારતીય સમાજમાં જોવા મળે છે તેના કરતાં વાસ્તવિકતા જુદી છે તેવું ૨૦૧૧ના વસ્તીગણતરીના આંકડા દર્શાવે છે. ત્રણ પેઢી (દાદા-દાદી, માતા-પિતા, પુત્ર-પુત્રવધૂ અને તેમના સંતાનો) સાથે રહેતા હોય તેવા ઘર શહેરી ભારતમાં ૨ થી ૪ ટકા જ છે. માતા-પિતા અને દીકરા-વહુનું કુંટુબ સાથે રહેતું હોય તેવા ઘર ૮ થી ૧૨ ટકા છે. જ્યારે જેને ન્યૂક્લીયર કે એકલ કુટુંબ કહેવાય તેવા પતિ-પત્ની અને તેમના બાળકો( અમે બે અને અમારા બે કે હવે તો એક) વાળા ઘર સૌથી વધુ ૭૦ થી ૭૫ ટકા છે. આ હકીકત દર્શાવે છે કે ભારતમાં હવે સંયુક્ત કુટુંબોનું પ્રમાણ અતિ અલ્પ છે અને દેશના પોણાભાગના ઘર વિભક્ત કુટુંબના છે.
એક તરફ સંયુકતને બદલે વિભક્ત કુટુંબો વધ્યા છે તો બીજી તરફ તાજેતરના અદાલતી ચુકાદા પરિવારના દાયરાને વિસ્તૃત કરે છે. કુટુંબ કોઈ સ્થિર કે અપરિવર્તનીય સંરચના નથી કે બધી જ કુટુંબ વ્યવસ્થા સમાન હોતી નથી. તેમાં ફેરફારો થાય છે તે સર્વોચ્ચ અદાલતના ૨૦૨૨ના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું. નોકરી કરતાં એક મહિલાએ પતિના પ્રથમ લગ્નના બાળકોની સંભાળ માટે રજાઓ લીધી હોઈ તેમની પ્રેગન્સી વખતે માત્રુત્વની રજાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમના મેટરનિટી લીવના અધિકારને માન્ય રાખ્યો હતો. આ ચુકાદાથી અદાલતે અસામાન્ય પારિવારિક એકમોની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો હતો અને તેને વૈધાનિક સુરક્ષાને પાત્ર માન્યા હતા. .
પરિવારના પરિવર્તનીય સ્વરૂપને બહાલ રાખતા સુપ્રીમના માનવીય અને પ્રગતિશીલ ચુકાદા જેવો બીજો ચુકાદા આ વરસે મુંબઈ હાઈકોર્ટે આપ્યો છે. જિલ્લા અદાલતે નોકરી કરતી એકલ સ્ત્રી દત્તક બાળકની યોગ્ય સારસંભાળ લઈ શકે નહીં તેમ કહીને દત્તક લેવાના તેના અધિકારનો ઈન્કાર કર્યો હતો. પરંતુ વડી અદાલતે પતિ-પત્ની અને બાળકોનું બનેલું કુટુંબ એવી પરિવારની વ્યાખ્યાને પૂર્વગ્રહયુક્ત ગણાવી હતી. તે પરિવારનું માન્ય અને લોકપ્રિય સ્વરૂપ હોઈ શકે છે પરંતુ એકમાત્ર નથી. સભ્યોની સંખ્યા એ કુટુંબ નથી પણ પરસ્પરની ચિંતા, સહયોગ કુટુંબ છે તેમ પણ અદાલતે કહ્યું હતુ. આ અદાલતી ચુકાદા પરિવાર એટલે કાં સંયુક્ત , કાં વિભક્ત એથી આગળની દિશાના છે.
એકલ પરિવારને જીવનનો હિસ્સો બનાવવા માંગતા અને તે પ્રમાણે જીવતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. તો તેઓ ગામ-ઘર- માબાપ સાથે જોડાયેલા રહે છે અને વાર-તહેવાર, સાજે-માંદે કે લગ્ન-મરણ જેવા સામાજિક પ્રસંગોએ પરિવાર સાથે હોય છે. તેના પરથી ભારતમાં ફેરફારો છતાં કુટુંબવ્યવસ્થા સાવ પડી ભાંગી નથી તેમ કહી શકાય.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આચાર્ય હોવું શી વસ છે પૂછો કુંજવિહારી સી. મહેતાને ને બીજાઓને
તવારીખની તેજછાયા
પ્રકાશ ન. શાહ

આપણા આ આચાર્યો વર્ગખંડમાં, કૉલેજના સભાખંડમાં ભણાવતે છતે સીધા સિલેબસથી ઉફરાટે પલટાતી દુનિયાની વાત કરી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા અને નાનાવિધ પ્રવૃત્તિઓ ઉપાડી અગર ચીંધી એમને કૈંક અનુબંધ શા અનુભવ લગોલગ મૂકી આપતા.
મહાનગર સુરત આચાર્ય કુંજવિહારી સી. મહેતાને શતાબ્દી વંદના પાઠવી રહ્યું છે તે નવસારીના આ સંતાને સુરતમાં સ્વકીય ખીલો ખોડી જે કામગીરી બજાવી એ દક્ષિણ ગુજરાત સારુ એક મિસાલ જરૂર છે. પણ એમને વિશે, એમની કામગીરી ને કરતબ વિશે, થોડીક વાતો કરવા સાથે આ લખતી વેળાએ મારો ખયાલ મહાનગર ગુજરાતે હજુ હમણેના સૈકામાં જે આચાર્યો જોયા એમની હાજરી નગર જીવનમાં, કહો કે જાહેર જીવનમાં કેવી પ્રભાવક ને પ્રવર્તક હતી એની થોડીએક ચર્ચા કરવાનો છે.
ગયા સૈકામાં એક-દોઢ દાયકાના અંતરે આગળપાછળ આવેલા બીજા બે આચાર્યોને જો મારે નમૂના દાખલ સંભારવા હોય તો હું યશવન્ત શુક્લ અને જયેન્દ્ર ત્રિવેદીને યાદ કરવા પસંદ કરું. બીજાં પણ નામો ન સંભારી શકાય એમ નથી, પણ કે. સી. અગર મહેતાસાહેબ કહેતાં કુંજવિહારી મહેતા, યશવન્ત શુક્લ અને જયેન્દ્ર ત્રિવેદી એ ત્રણ નામો મને સૂઝી આવ્યાં તે એમની ચોક્કસ વિશેષતાને કારણે. સામાન્યપણે આચાર્ય કહેતાં કોઈ અભ્યાસી પ્રતિભા અને ઉત્તમ શિક્ષક, એવું તદ્દન સમજાઈ રહે છે જે આ ત્રણે પોતપોતાની રીતે હતા. યશવન્ત શુક્લ બહુપ્રતિભ અને સર્વવિષયવિહારી હતા. મૂળે વિજ્ઞાનના સ્નાતક જયેન્દ્ર ત્રિવેદીની કારકિર્દી હિંદી ભાષા સાહિત્યમાં વિશેષ રૂપે કોળી. કુંજવિહારી મહેતા વળી ગુજરાતી ને અંગ્રેજી સાહિત્યમાં રમેલા. આટલી ઓળખાણે આ ત્રણે સારુ અપૂરતી અલબત્ત નથી. બલકે, ઉમાશંકરને વર્ગ એ સ્વર્ગ લાગતો તેવી ઉત્તમ શૈક્ષણિક ક્ષણો, ભગવાન અને ભક્તને એક સાથે આલોકિત કરતી આરતી પેઠે, શિક્ષક ને વિદ્યાર્થી બેઉને સારુ સ્મરણીય અને સ્પૃહણીય બની રહે છે.
તો પછી, મને આ ક્ષણે અભીષ્ટ વિશેષતા શી વાતે છે? ભાઈ, ગઈ સદીએ ત્રીસનાં વર્ષોમાં અને તે પછી ખાસ તો ત્રીજી પચીસીનાં પાછલાં વરસોમાં વિશ્વભરમાં એક યુવા છટપટાહટ, કંઈક વિદ્રોહી છટા જોઈ. માર્ક્સનિરૂપ્યા વર્ગ સંઘર્ષને સ્થાને હવે માર્ક્સખ્યાત વય સંઘર્ષ નવપરિવર્તનનું ચાલકબળ બની રહેશે કે કેમ એવી એક સ્થિતિ પણ જાણે કે આપણી સમક્ષ આવી. આપણા આ આચાર્યો વર્ગખંડમાં, કોલેજના સભાગૃહમાં, સીધા સિલેબસથી ઉફરાટે પલટાતી દુનિયાની વાત કરી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા અને નાનાવિધ પ્રવૃત્તિઓ ઉપાડી અગર ચીંધી એમને જાહેર કામ સાથે કંઈક અનુબંધ શા અનુભવ લગોલગ મૂકી આપતા. એલિયેનેશનનું એક વિશ્વવલણ, કેમ જાણે સમજની રીતે, સાહિત્યકૃતિનાં બે પૂંઠાં બહાર લોક સાથે, લોકોના પ્રશ્ન સાથે, પ્રત્યક્ષ કૃતિની રીતે નહીં તો કંઈક પરિચયરૂપે એથી યુવજનોનું સહજ સંધાન થતું.
કુંજવિહારી મહેતા અને યશવન્ત શુક્લ અચ્છા કટારચી હતા. એમનું શિક્ષણ વર્ગની વંડી ઠેકીને છાપાં વાટે લોકશિક્ષણનું રૂપ લેતું. સુરતે મ્યુનિસિપલ કાઉન્સિલરો માટે પારસી લઢણનો એક સોજ્જો શબ્દ રૂઢ કરેલો છે- શહેરી બાવા. (હું ધારું છું, સિટી ફાધર્સનું અનુરણન હશે.) આપણા આ આચાર્યો વણચૂંટાયે શહેરી બાવા હતા, કેમ કે નગર જીવનના પ્રશ્નોમાં એમની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી હતી.
મેં હમણાં ગઈ સદીના ત્રીજા ચરણની જિકર કરી. 1968માં યુરોપ-અમેરિકાનાં કેમ્પસોએ છાત્ર ઉઠાવ જોયો, તે પછીનાં ત્રણ-ચાર વરસમાં આપણે નવનિર્માણનો છાત્ર યુવા ઉદ્રેક જોયો. આ ઉદ્રેકમાં આપણા આચાર્યો ક્યાં હતા? યુવાનો સાથે સંવાદ અને માર્ગદર્શનનો હૂંફાળો નાતો એમનો હતો. શિસ્તના પ્રશ્નો પણ અલબત્ત થયા હશે, પણ નાતો સમજનો. નવનિર્માણ આંદોલનના દિવસોમાંય મહેતાસાહેબે એમટીબી કેમ્પસમાં પોલીસપ્રવેશ થવા દીધો નહોતો એ શિક્ષણ ક્ષેત્રે એક સ્વરાજ સંદેશ લેખે ચિરયાદગાર લેખાશે. આમ જુઓ તો પાછલાં વર્ષોમાં એ ‘શિશુ સહાય ટ્રસ્ટ’માં નિમિત્ત બન્યા તે પણ કથિત નિમ્ન વર્ગના ઉત્કર્ષ માટે અગ્ર વર્ગ કને અપેક્ષિત સહૃદય સક્રિયતાની જ એક સ્વરાજયાત્રા છે.
હિમાંશી શેલતે ‘મુક્તિ-વૃતાંત’માં કટોકટીના દિવસોમાં કોલેજમાં દુર્ગા ભાગવતને નિમંત્રી શકાયાની કે મોહન ધારિયા સાથે અધ્યાપક ખંડમાં છેડાયેલી બહસની જિકર કરી છે. આ બધાંની પૂંઠે મહેતાસાહેબની હાજરી તમને ખસૂસ વરતાશે.કે. સી. અધ્યાપક ખંડમાં ચા વખતે સામેલ થવાનો આગ્રહ રાખતા. એ અનૌપચારિક વાર્તાલાપ ક્ષણોમાં કેવા વિષયો છેડતા હશે! યશવન્ત શુક્લના આચાર્યકાળમાં એચ. કે. આર્ટ્સ કોલેજનો અધ્યાપક ખંડ કેટલીયે વાર યુનિવર્સિટી શિક્ષણથી માંડી જાહેર બાબતોમાં એક પ્રકારે સમશોધન ગૃહ (ક્લીઅરન્સ હાઉસ) જેવો અનુભવાયાનું જાણ્યું-સાંભળ્યું છે. ભાવનગરમાં નવનિર્માણ-જેપી દિવસોમાં લોકશક્તિ સંગઠન પ્રકારની પ્રવૃત્તિ પહેલ શક્ય બની. એમાં જયેન્દ્ર ત્રિવેદીનીયે ચોક્કસ ભૂમિકા હતી. જયેન્દ્ર ત્રિવેદીનું સંવેદનવિશ્વ કેટલું વિશાળ હશે! બનારસ યુનિવર્સિટીના હિંદીના એમ. એ. એટલે પ્રેમચંદ-શિવરાણી દામ્પત્ય વિશે લખ્યું એમાં કદાચ નવાઈ ન લાગે… પણ બે અનોખાં દામ્પત્યની વાત કરતે કરતે એમણે માર્ક્સ અને જેનીને પણ યાદ કર્યાઁ છે.
હમણાં જ, ૧૦૩મે વિદેહ થયેલાં અધ્યાપિકા વિમલ નવલકરે વર્ષો પર કે. સી. વિશે લખતાં એમની પ્રિય પંક્તિઓ સંભારી હતી:
Come, my friends.
‘Tis not too late to seek a newer world…
Made weak by time and fate, but strong in will
To strive, to seek, to find, and not to yield.દોસ્તો, સફરના સાથીઓ, નવી દુનિયાની ખોજ વાસ્તે હજુ એટલું મોડું નથી થયું: કાળના સપાટાએ કંઈક નિર્બળ બનેલા આપણે ઈરાદાના પાકા છીએ… સતત મથવું, જોવું ને ખોજવું, ન કદાપિ ઝૂકવું!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨ – ૦૭ -૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ઇધિ સાહેબ: માનવતાની અજોડ મિસાલ
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
માનવતા કોઇ ધર્મ કે સંપ્રદાયની ઓશિયાળી નથી, એ જ રીતે તે કોઇ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયનો ઇજારો પણ નથી. ઉલ્ટાનું ક્યારેક સંકુચિત ધર્મસંપ્રદાય કટ્ટર બનીને માનવતાનો દુશ્મન બની જતો હોય છે. માનવતાનું ઝરણું પૃથ્વીનાં કોઈપણ સ્થળે ફૂટી નીકળી શકે છે અને આગળ જતા ક્યારેક તે નદીનું સ્વરૂપ ધારણ કરે છે. પછી તેને નદીની જેમ જ દેશની સરહદ ઓળંગતા રોકી શકાતું નથી.
આ વાતને ચરિતાર્થ કરનારાઓમાં ‘અબ્દુલ સત્તાર ઇધિ’ નું નામ ખૂબ જ આગળ પડતું હોવાછતાં તેની નોંધ પ્રમાણમાં ખૂબ જ ઓછી લેવાઈ છે. તેમનો જન્મ ગુજરાતમાં જૂનાગઢ પાસે આવેલા બાટવા ગામમાં તારીખ 28 ફેબ્રુઆરી ૧૯૨૮ના દિવસે એક મેમણ પરિવારમાં થયો હતો. માતાનું નામ કુબરા અને પિતાનું નામ અબ્દુલ શુકુર હતું. અબ્દુલ સત્તારની ઉંમર જ્યારે 11 વર્ષની હતી ત્યારે માતા કુબરા લકવા થવાથી પથારીવશ થયાં. માતાને નવરાવવાનું, તેમની પથારી સાફ કરવાનું, કપડાં ધોવાનું તથા તેને લગતું બધું જ કામ નાની ઉંમરના અબ્દુલે સંભાળી લીધું. સતત આઠ વર્ષ એટલે કે માતાનાં અવસાન સુધી તેમણે માતાની આ પ્રકારે સેવા ચાલું રાખી હતી.મહમદલી જિન્હાના ભાષણોની અસરમાં ભારતના ઘણાબધા મુસ્લિમોને લાગેલું કે દેશના ભાગલા પછી મુસ્લિમોનાં સ્વર્ગ સમાન પાકિસ્તાન બનશે. તેથી અન્ય કેટલાક મુસ્લિમોની જેમ પાકિસ્તાન બન્યાના આઠમાં દિવસે જ ઇધિ સાહેબ પોતાની 19 વર્ષની ઉંમરે કરાચી પહોંચ્યા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે અહીં તો પોતે હવે એક નિરાશ્રિત જ છે. હવે નિરાશ થયેથી ચાલે તેમ ન હતું. વળી મેમણ કોમ આખરે તો વેપારીનો જીવ. આથી ઈધિ સાહેબે કરાચીમાં ચાર રસ્તે ઉભા રહીને મેચિસબોક્ષ, પેંન્સીલ, હાથરૂમાલ જેવી પરચૂરણ ચીજવ્સ્તુઓ એક ટ્રેમાં રાખીને વેચવાનું શરૂ કર્યું. ક્યારેક ટેક્ષી ડ્રાઇવર તરીકે પણ કામ કર્યું. આગળ જતા કોઈ સ્થાનિક મેમણ વેપારીનો સાથ મળતા તેમણે નાનકડી કાપડની દુકાન શરૂ કરી.
વાસ્તવિકતાનો ખ્યાલ આવતા તેમને ધર્મની સંકુચિતતાનો સમજાઈ ગઈ હતી. ઉપરાંત બાળપણમાં માતાની સેવા કરતી વખતે પ્રગટેલી સેવાભાવના હવે વિસ્તરી રહી હતી. કોઇપણ ગરીબ માણસને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠતું. એમાંય કોઇ ગરીબ માણસ બીમાર પડે તો તેને કઈ રીતે મદદ કરવી તેનો વિચાર સતત પજવ્યા કરતો. એવામાં ઇ સ 1957માં પાકિસ્તાનમાં ફ્લુની મહામારી ફાટી નીકળી. ગરીબ દર્દીઓને મદદ કરવાના હેતુથી ઇધિ સાહેબે કેટલાક મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓની મદદ મેળવીને પોતાની દુકાનમાં જ એક નાનકડું દવાખાનું ખોલ્યું. આ કામમાં તેમને બિલ્કિસબાનુ નામના એક નર્સની મદદ મળી જે ઇધિ સાહેબનાં જીવનસાથી પણ બન્યા. તેમની સેવાભાવનાને જોઇને એક મેમણ ભાઈએ એમ્બ્યુલ્ન્સ દાનમાં આપી, જેને ઇધિ સાહેબ જાતે જ હંકારતા. જરૂરિયાત તો ઘણી વધારે એમ્બ્યુલંસોની હતી. એટલે નાણાની જરૂર પણ ખૂબ વધારે હતી. આથી ઇધિ સાહેબ કરાચીના ચાર રસ્તે અગાઉ જ્યાં ફેરિયા તરીકે ઊભા રહેતા ત્યાં ઝોળી ફેલાવીને બેસી ગયા. હંમેશા બનતું આવ્યું છે તેમ સુખી માણસો ગાડીમાંથી હાથ બહાર કાઢે નહિ પરંતુ સાધારણ માણસો તો પાંચ રૂપિયા, દસ રૂપિયા કે ક્યારેક પોતાનાં ગજા ઉપરાંત પણ પચાસની નોટ પણ આપી દે. ધીમે ધીમે તેમનું કામ અને નિષ્ઠા જોઈને દેશમાંથી અને પરદેશમાંથી પણ મદદનો પ્રવાહ વહેવો શરૂ થઈ .પરંતુ સરકાર પાસેથી તો રાતી પાઈ પણ લેવામાં ન આવી.ઇધિ સાહેબે પાંચેક હજારની મૂડીથી ‘ઇધિ ટ્ર્સ્ટ’ સ્થાપ્યું. પરંતુ પછીથી વધુ ને વધુ નાણાં સહાય રૂપે મળવા લાગ્યા. આથી તેમણે પ્રવૃતિઓનો વિસ્તાર વધાર્યો અને પત્નીનાં નામ પરથી ‘બિલ્કિસ ઇધિ ટ્રસ્ટ’ અને ‘ઇધિ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. તેમનાં ઉત્સાહ અને ધગશને કારણે અનેક જ્ગ્યાએથી સાથ મળતો ગયો. પરિણામે એક નાનકડા દવાખાનામાંથી આજે પાકિસ્તાનમાં ઇધિ સાહેબના ત્રણસો જેટલા ક્લ્યાણ કેન્દ્રો સેવારત છે. આ કેન્દ્રોમાં બધી મળીને પંદર હજાર જેટલી એમ્બ્યુલન્સો સેવા આપી રહી છે! સ્વાભાવિક છે કે આ કાંઈ રાતોરાત ન થયું હોય. તે માટે ઇધિ સાહેબને ખૂબ લંબા સમય સુધી બહુ મોટો પુરુષાર્થ કરવો પડ્યો, ઉપરાંત અનેક વિઘ્નો સામે સંઘર્ષ કરવો પડ્યો.
૧૯૬૫માં ભારત અને પાકિસ્તાનની લડાઇ દરમિયાન ઇજા પામેલા નાગરિકો માટે તેમની એમ્બ્યુલન્સો ઉપયોગમાં લેવામાં આવી. જ્યારે જ્યારે પાકિસ્તાનમાં ત્રાસવાદી હુમલાઓ થયા ત્યારે ઘાયલોને લઈ જવામાં એમ્બ્યુલન્સોને દોડવવામાં આવી. આ દરમિયાન મૃત્યુ પામેલા ૪૫ જેટલા નાગરિકોની અંત્યેષ્ટિ પણ ઇધિ દંપતિએ કરેલી
ટ્રસ્ટે આરોગ્ય ઉપરાંત બીજા અનેક ક્ષેત્રે પોતાની પ્રવૃતિઓ વિકસાવી. ત્યક્તા, વિધવા અને અન્ય દુ:ખી સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે તેમને વ્યવસાયિક તાલીમ આપવા માટે સંસ્થાઓ ખોલવામાં આવી. આ ઉપરાંત અસહાય વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો પણ ખોલવામાં આવ્યા.
પરંતુ સારા કામોમાં વિઘ્નો નાખનારા તો દરેક સમયે અને દરેક સ્થળે હાજર હોવાના જ. કેટલાક લોકોએ બિલ્કિસબાનુનાં બાળકો તેમનાં પોતાના નથી એવી અફવા ફેલાવી. આટલું ઓછું હોય તેમ ટ્રસ્ટનાં જ એક કેન્દ્રની ત્રણ મહિલાઓએ ઇધિ સાહેબના દોહિત્ર પર એસિડ ફેંક્યો અને તે બાળક મૃત્યુ પામ્યો. આમછતાં ઇધિ સાહેબના દિલમાં તે બહેનો પ્રત્યે લગીરે વેરભાવ થયો નહિ. કેટલાક લોકોની સલાહ અવગણીને પણ તેમણે એ મહિલાઓ પર ફરિયાદ ન નોંધાવી. તેમણે કહ્યું કે જેલમાં જશે તો તેઓ વધારે રીઢી ગૂન્હેગાર બનશે. કોઇના પર વેર વળવાને તેઓ માનવાતાની વિરુદ્ધનું કૃત્ય માનતા. ઘરમાં એક વાર ચાર લાખ રૂપિયાની ચોરી થઈ હતી તેની પણ તેમણે ફરિયાદ ના નોંધાવી.
અબોલ પ્રાણીઓ પર પણ તેમની કરુણા વરસી. વૃદ્ધાવસ્થાથી અશક્ત અને બીમાર એવા તરછોડાયેલા ખોડાં ઢોર માટે તેમણે એનિમલ કેર સેન્ટર પણ ખોલ્યું. કોઈ બીનવારસી લાશ મળે તો તેની અંત્યેષ્ટિ પણ ધર્મના કોઇ ભેદભાવ વિના તેઓ કરતા. એમ કહેવાય છે કે ઇધિ સાહેબે પોતાના હાથે એક હજાર જેટલા મૃતદેહોને સ્નાન કરાવ્યું હતું!
હિંદુઓ અને ખ્રિસ્તીઓને એમ્બ્યુલન્સની સેવા આપતા એ બાબત રૂઢિચૂસ્ત મુસ્લિમોને ખટકતી. આ પ્રકારના ધર્માંધ લોકોએ જ્યારે તેમનો વિરોધ કર્યો ત્યારે તેમણે અદભૂત જવાબ આપ્યો. “મારી એમ્બ્યુલન્સ તમારા કરતા વધારે મુસલમાન છે.” ઇધિ સાહેબના આ જવાબમાં ધર્મસંપ્રદાય કરતા માનવતાનું સ્થાન ઘણું ઊંચુ છે તેવી તેમની દૃઢ માન્યતા પણ દેખાય છે. અંગ્રેજ કવિ લેહ હન્ટના કાવ્યમાંના “અબુ બેન આદમ’ની જેમ માનવસેવાને જ પ્રભુસેવા માનતા હોવાથી અલ્લાનો રાજીપો મળ્યા પછી ધર્માંધ લોકોની નારાજગીની તેમને પડી ન હતી
આરોગ્ય ક્ષેત્રે સેવાની શરૂઆત કર્યા પછી તો ટ્ર્સ્ટે સેવાના અન્ય ક્ષેત્રોમાં પણ કામગીરી શરૂ કરી. અનાથ બાળકો માટે અનાથાશ્રમો શરૂ કર્યા. સમાજમાં કુંવારી માતાની કુખે જન્મેલા નવજાત શિશુને કલંક માનીને ગમે ત્યાં ફેંકી દેવાતાં હોય છે. આથી ઇધિ સાહેબે સંસ્થાની બહાર એક પારણું મૂકાવ્યું જેમાં કુંવારી માતા બાળકને મૂકી જતી જેની સારસંભાળ અનાથ આશ્રમમાં લેવામાં આવતી.
એક વખત બન્યું એવું કે આઠેક વર્ષની એક બહેરીમૂંગી બાળકી ‘સમજોતા એક્સ્પ્રેસમાં’ ભૂલથી ચડી ગઈ અને લાહોર પહોંચી ગઈ. સત્તાવાળાઓએ તેને ઇસ્લામાબાદના અનાથ આશ્રમમાં મૂકી. ત્યાંથી પછી તેને કોઇ કરાચીના અનાથ આશ્રમમાં લઈ આવ્યું. ઇધિ સાહેબેની બારીક નજરે જોયું કે આ બાળકી મંદિર પાસે થોભી જઈને હિંદુઓની જેમ હાથ જોડીને પ્રણામ કરે છે. તેથી તેમને ખાતરી થઈ કે બાળા જન્મે હિંદુ જ હશે. આથી તેનો ઉછેર પણ હિંદુ તરીકે થાય તે માટે તેનું નામ ગીતા રાખ્યું અને એક નાનકડું મંદિર પણ બનાવી આપ્યું. આ વાતની જાણ તે સમયના ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને થતા તેમણે ગીતાને ભારત લાવવાની ગોઠવણ કરી. ઇધિ સાહેબનો સમગ્ર પરિવાર ગીતાને વળાવવા આવ્યો. તેમનાં આ માનવતાનાં કાર્ય બદલ ભારત સરકારે ઇધિ સાહેબને એક કરોડ રૂપિયા આપવાની ઓફર કરી જેનો તેમણે ખૂબ જ નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો.
પછી તો ઇધિ સાહેબની સેવાપ્રવૃતિઓએ પાકિસ્તાનના સીમાડા ઓળંગી દીધા. અમેરિકા, બ્રિટન, જાપાન અને બાંગ્લાદેશમાં પણ ટ્રસ્ટની શાખાઓ કાર્યરત થઈ. ઈથોપિયામાં પડેલા દુષ્કાળમાં તેમણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરેલી. એમેરિકામાં આવેલા વાવાઝોડા ‘કેટરિના’ વખતે તેમણે દસ લાખ ડોલરની મદદ કરેલી. તેમની માનવતાની સુગંધ વિશ્વભરમાં પ્રસરતા. પાકિસ્તાન સરકારે તેમને દેશનો સર્વોચ્ચ ઇલ્કાબ ‘નિશાને પાકિસ્તાન’ આપ્યો. આ ઉપરાંત દુનિયાભરમાંથી તેમને ખિતાબો મળતા રહ્યા. ભારતે તેમને ‘ગાંધીશાંતિ’ પુરસ્કારથી નવાજ્યા. એશિયાનો સર્વોચ્ચ પુરસ્કાર “રોમન મેગ્સેસે એવોર્ડ” પણ તેમને મળ્યો. રશિયાએ 1998માં લેનિન પુરસ્કાર આપ્યો. આ પ્રકારના અનેક પુરસ્કારો ઉપરાંત બે યુનિવર્સિટિઓએ તેમને ડોક્ટરેટની માનદ પદવી પણ આપી.
અલ્લા કે ખુદાને બદલે તેમનું રટણ ઇન્સાનિયતનું જ હતું. ધર્મ કે સંપ્રદાય જોયા વિના જ તેઓ લોકોની સેવા કરતા રહ્યા. ધર્માંધ લોકોને આ શાનું રુચે? તેઓ તેમને બદદુવા આપતા કહેતા કે અલ્લા તેને જન્નત(સ્વર્ગ)માં પ્રવેશ નહિ આપે. આના જવાબામાં ઇધિ સાહેબ કહેતા “મારે ક્યાં સ્વર્ગમાં જવું છે? હું તો જહન્નુમ(નર્ક)માં જઈશ તો પણ ત્યાં દુ:ખિયારાઓની સેવા જ કરીશ!.
તેમનો સેવાયજ્ઞ અવિરત ચાલતો રહ્યો. 87 વર્ષની જૈફ ઉંમરે પણ તેમને સપનાઓ તો કોઇ દુ:ખી માનવ કે પ્રાણીની સેવા કરવાના જ આવતા. આટલા બધા ખિતાબો અને માન મળવા છતાં તેમનામાં ભારોભાર નમ્રતા હતી. તેઓ કહેતા “હું તો એક અભણ મુફલિસ છું. મને ગુજરાતી સિવાય કોઇ ભષાનું જ્ઞાન નથી અને લખવામા તો હું માત્ર મારી સહી જ કરી જાણું છું.” એ જ રીતે તે તેઓ કહેતા, “હું ન તો ધાર્મિક છું કે ન ધર્મનો વિરોધી છું.
તેઅની પાસે પહેરવા માટે માત્ર બે જોડ કપડાં અને રહેવા માટે એક નાનકડો ઓરડો હતો. રહેણાકનો ઓરડો પોતે જાતે જ સાફ કરતા અને જરૂર પડે ગટરની સફાઇ પણ જાતે કરતા. એક ગરીબ માણસને હોય તેવું સાદગીભર્યું જીવન તેઓ જીવતા. પરંતુ ભારોભાર માનવતાને કારણે પાકિસ્તનના સૌથી અમીર કહેવાયા. માનવતાના આ ફરિશ્તાએ આઠમી જુલાઈ 2016ના દિવસે અંતિમ શ્વાસ લીધા. મૃત્યુ પછી તેમની આંખોનું દાન કરવામાં આવ્યું જેથી બે વ્યક્તિઓની આંખોને રોશની મળી. પાકિસ્તાનની સરકારે તેમને રાષ્ટ્ર્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપી. તેમના ગયા પછી બિલ્કિસબાનુ અને તેમના પુત્ર ફૈજલ સહિત પરિવારના સભ્યોએ માનવતાની જ્યોત પ્રજવલિત રાખી. 15 એપ્રિલ 2022ના દિવસે બિલ્કિસબાનુના અવસાન થયા પછી ટ્રસ્ટની પ્રવૃતિઓ આજે પણ ચાલું છે. ઇધિ સાહેબ ગુજરાતી હતા. પરંતુ એક ગુજરાતી તરીકે તેમને માટે ગૌરવ અનુભવવાનો હક આપણને ત્યારે જ છે, જ્યારે આપણે ધર્મ, સંપ્રદાય અને સંકુચિત રાષ્ટ્રવાદથી ઉપર ઊઠીને માનવતાને જ અગ્રતાક્રમ આપીએ.
(આ લેખ લખવા માટે નવનીત સમર્પણ સપ્ટેમ્બર૨૦૨૦માં પ્રગટ થયેલા શ્રી યજ્ઞેશ દવેનો લેખ તથા ગૂગલનો આધાર લેવામાં આવ્યો છે.}
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
