-
એસ ધમ્મો સનંતનો – આ ધર્મ સનાતન છે : પ્રવેશક
પ્રવાસી યુ. ધોળકિયા
ભગવાન બુદ્ધનાં પ્રવચનોના સંગ્રહ – ધમ્મપદ /ધર્મપદ- ને એસ ધમ્મો સનંતનો – આ ધર્મ સનાતન છે એવું શીર્ષક આપવામાં આવ્યું છે.
જે દિવસે ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને પરિનિર્વાણમાં પ્રવેશ કર્યો તે સમયગાળા દરમિયાન તેમણે જે કોઈને, જે કાંઈ, ઉપદેશ રૂપે કહ્યું તેનો સંગ્રહ બૌદ્ધ ધર્મના આગમ ગ્રંથો तिपिटक(त्रिपिटक)માં કરવામાં આવ્યો છે. બુદ્ધે પોતાનો ઉપદેશ મૌખિક રીતે આપ્યો હતો. તેમના પરિનિર્વાણના ચાર માસ પછી એટલે કે શ્રાવણ માસમાં રાજગૃહનગરમાં મહાકશ્યપના સભાપતિત્વ હેઠળ એક સંગતિ મળી, જેમાં ૫૦૦ બૌદ્ધભિક્ષુઓ સંમિલિત થયા. તેમાં ઉપાલિને વિનય સંબંધિત અને આનંદને ધર્મ સંબંધિત પ્રશ્નો પૂછી જે પ્રશ્નોત્તરી થઈ તે પહેલી સંગતિ. તે પછીનાં ૧૦૦ વર્ષ પછી મહાસ્થવિર રેવતના સભાપતિત્વ હેઠળ વૈશાલીમાં બીજી સંગતિ થઈ. જેમાં ૭૦૦ બૌદ્ધભિક્ષુઓ સંમિલિત થયા. તે આઠ માસ સુધી ચાલી અને તેમાં ત્રણ પિટક, પાંચ નિકાય, નવ અંગ અને ૮૪,૦૦૦ સ્કંધોમાં બુદ્ધવચનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. બુદ્ધના પરિનિર્વાણ પછી ૨૩૬ વર્ષે સમ્રાટ અશોકના સમયમાં પાટલિપુત્રમાં બૌદ્ધ વિદ્વાન સાધક तिस्स मोग्गलिपुतના સભાપતિત્વ હેઠળ ત્રીજી સંગતિ થઈ. તેમાં અનેક પ્રાંતોમાંથી બૌદ્ધભિક્ષુઓએ ભાગ લીધો, જે દરમિયાન ‘मोग्गलिपुते ‘कथा वत्थु’ ગ્રંથની રચના કરી. આમ, આ ત્રણ સંગતિઓ દરમિયાન त्रिपिटक અસ્તિત્વમાં આવ્યા. તેનો સમય ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્દીનો માની શકાય. તેમાંથી ઈ. પૂ. પાંચમી-છઠ્ઠી સદીના ભારતીય જીવનની ઝલક મળે છે.
આ પાંચ નિકાય પૈકી એક ખુદ્રક નિકાય છે, જે ક્ષુદ્ર એટલે કે નાના ઉપદેશોનો સંગ્રહ છે. તેમાં ખુદ્રકપાઠ, ધમ્મપદ, ઉદાત્ત, સુત્તનિપાત, વિમાનપત્થ, પેતવત્થુ, થેર- ગાથા, થેરીગાથા, નિર્દેશ, અવદખા, બુદ્ધવંશ, ચરિયાપિટક જેવા ગ્રંથોનો સમાવેશ છે. જાતકગ્રંથ ભગવાન બુદ્ધના પૂર્વજન્મના સદાચારોને વ્યક્ત કરતી ૫૪૭ કથાનો સંગ્રહ છે. તે કથાવસ્તુ અને નીતિશિક્ષણની ર્દષ્ટિએ મહત્વપૂર્ણ છે.[1]
હિંદુ પુરાણોની વાત કરીએ તો વાલ્મિકી રામાયણમાં સનાતન પરંપરાનો આઠ સ્થાને ઉલ્લેખ થાય છે, જે નીતિમય જીવનના સંદર્ભે પ્રયોજાયેઅલ છે. પાલિ त्रिपिटकની ગાથામાં પ્રયુક્ત છંદો વાલ્મીકિ રામાયણથી પણ અધિક પ્રાચીન મનાય છે.
પ્રસ્તુત લેખમાળામાં, ફક્ત બુદ્ધ ધર્મ પર જ નહીં પણ ભારતની સર્વ સનાતની પરંપરાઓ પર એક સંક્ષિપ્ત વિવેચન આપવાનો આપણે પ્રયાસ કરીશું.
+ + +
સનાતન ધર્મ અને અધ્યાત્મ પરંપરા વિશ્વમાં પ્રાચીનતમ છે. જોકે તે શું છે એ પ્રશ્ન કોઈ ભારતીયને અત્યારે કરવામાં આવે તો તે સમજાવી નથી શકતા નથી. આ પરંપરા એક પ્રાચીન વટવૃક્ષ સમાન છે. વૈદિક પરંપરા તેનું થડ છે અને
૧) શ્રમણ
૨) પૌરાણિક હિંદુ
૩) આગમિક – તાંત્રિક, અને
૪) ભક્તિ-સંત
તેની શાખાઓ છે. તે સનાતન , એટલે કે સર્વદા નૂતન, છે. સમય અને કાળ અનુસાર તેમાં આપમેળે સુધારા થયા કરે છે. તેની આ પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોવાને કારણે સનાતન પરંપરા અડીખમ છે.
સનાતન પરંપરા વિશેની અજ્ઞાનતા સર્વવ્યાપી છે. આવી પરિસ્થિતિમાં ડેવિડ ફ્રાઉલી (www.vedanet.com)એ કરેલી સનાતન પરંપરાની વ્યાખ્યા અતિ સટીક અને સુંદર છે. ડેવિડ ફ્રાઉલી જન્મે અમેરિકન હોવા છતાં કોઈ પણ ભારતીય કરતાં વધારે ભારતીય કહી શકાય તેમ છે. તેથી તેમને વૈદિક ઋષિ ‘વામદેવ શાસ્ત્રી’ એવું નામાભિધાન પણ કરાયેલ છે. તેમનાં પુસ્તક “સનાતન ધર્મ” (Hinduism and the Clash of Civilizations) તેઓએ જે વિચારો રજૂ કર્યા છે તે અહીં ટૂંકમાં સાદર છે.
સનાતન ધર્મને કોઈ વ્યાખ્યામાં બાંધવો મુશ્કેલ છે. છેલ્લાં હજારો વર્ષથી પણ પ્રાચીન એવી આ પરિપાટી એક અદ્વિતીય ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરા છે. તેનું પ્રાગટ્ય પવિત્ર ભારત ભૂમિમાં થયેલ છે. યહુદીઓની રહસ્યવાદી પરંપરા અને ચીનની તાઓવાદી પરંપરા સાથે તે એક ચોક્કસ નાતો ધરાવે છે. સનાતન ધર્મને આપણે હિમાલયની પરંપરા તરીકે ગણાવી શકીએ. તેનો શાબ્દિક અર્થ સાર્વત્રિક શાશ્વત સત્ય અને શાશ્વત તત્ત્વજ્ઞાન થાય છે. તે વૈશ્વિક ચેતનાનો હિસ્સો છે. સાર્વત્રિક જીવન (Universal Life ) અને ચેતના વિશેનાં સત્યો અહીં શીખવાય છે. સનાતન ધર્મ ધર્મ, યોગ, તંત્ર ગુરુવાદ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને કળાનો સમન્વય છે.
સનાતન ધર્મ સત્યનો ઉપાસક છે. सत्यमेव जयते તેનો મુળ મંત્ર છે. અહીં અંધવિશ્વાસ કે કોઈ ચોક્કસ માન્યતામાં આસ્થા રાખવાનો જડ આગ્રહ નથી. કોઈ પયંગબર કે પુસ્તકને અહીં વિશિષ્ટ દરજ્જો નથી. સનાતન ધર્મ શાશ્વત, સાર્વત્રિક સત્યની વ્યક્તિગત અનુભૂતિમાં માને છે. તેનો મુખ્ય આગ્રહ આત્મજ્ઞાનનો છે. સનાતન ધર્મની સાધના યોગ સાધના છે. યોગ દ્વારા માનવીય ચેતના ઈશ્વરીય ચેતના સાથે જોડાઈ શકે છે. આ ધર્મ સ્વાનુભવમાં જ વિશ્વાસ ધરાવે છે. તે માટે આપણે મનથી મુક્ત થવાનું છે. યોગ સાધના મન મુક્તિ માટે છે. સનાતન ધર્મમાં કોઈ અન્યનાં આધ્યાત્મિક અનુભવને આધારે બેસી રહેવાનું નથી. દરેક પળે આપણે આપણી પોતાની ચેતનામાં જીવવાનું છે.
વેદાંત તેનું તત્ત્વજ્ઞાન છે. આત્માનું પરમાત્મા સાથે ઐક્ય એ તેનું અંતિમ, ચરમ શિખર છે. સનાતન ધર્મનો પ્રથમ ગ્રંથ ઋગ્વેદ છે. અહીં પ્રાકૃતિક કાનૂનને – ઋતને – શિરોધાર્ય માનવામાં આવે છે. કર્મ ફળ પણ આવો એક કુદરતી કાનૂન છે. આ કાનૂન કહે છે કે તમે જેવું કરશો તેવું પામશો. જો આ જન્મમાં નહીં તો આવતા જન્મોમાં પણ કર્મનું ફળ માનવીને મળવાનું જ છે. આમ છતાં સનાતન ધર્મમાં કોઈ દૈવી નીતિશાસ્ત્રને સ્થાન નથી. તે માને છે કે આપણે આપણાં સદ્વર્તનથી ઊંચા ઊઠી શકીએ છે અને દુષ્કર્મથી અધઃપતન પામીએ છીએ. તે એ વાત વિશે ચિંતિત નથી કે આપણે શું માનીએ છીએ પણ આપણે કઈ રીતે જીવીએ છીએ તે વધારે અગત્યનું છે. સનાતન ધર્મ આપણને શીખવે છે કે આપણે બધાં જ દૈવી છીએ.
આ ધર્મ કોઈ વ્યક્તિ દ્વારા સ્થાપિત નથી. તેની પ્રસ્થાપના ઋષિમુનિઓએ આત્મદૃષ્ટિથી પ્રાપ્ત કરેલું દૈવી દર્શન છે. આ પરંપરા સદૈવ જીવંત છે તેની સાબિતી એ છે કે દરેક સદીમાં, અને દરેક દાયકામાં, તેની યથાર્થતા અને સાર્થકતા સાબિત કરતાં રહેતાં અનેક નર નારીઓ ભારત ભૂમિને અજવાળતાં રહ્યાં છે.
સર્વવ્યાપ્ત બ્રહ્મને આધાર માનીને જ આ પરંપરા ચાલે છે. આ પરંપરા એવું માને છે કે વિશ્વ એક એવી માયા છે જેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. વિશ્વનો કણેકણ બ્રહ્મથી વ્યાપ્ત છે.
અહિંસા અને શાકાહાર પણ સનાતન ધર્મની ઢાલ છે. અહિંસા વિના માનવીનું ઊર્ધ્વીકરણ શક્ય નથી. આ ધર્મ સંસારથી દૂર ભાગવાનું, તેને છોડી જવાનું કહે છે. જોકે આ માન્યતા અણસમજથી ઊભી થયેલ છે, કેમકે સનાતન ધર્મ જ માણસને સત્ ચિતાનંદના અનુભવને લાયક ગણે છે અને મોક્ષનો અધિકારી ગણે છે.
સનાતન ધર્મ એક એવી આધ્યાત્મિક પરિપાટી છે કે જેને વિશ્વનો કોઈ પણ માનવી ગ્રહણ કરી શકે છે. સનાતન ધર્મ વિશ્વના બધા ધર્મોની માતા છે. પણ આ જ્ઞાન કોઈ સીમામાં બંધાઈ જવા તૈયાર નથી. તેથી, જ તેમાં સદાય પરિવર્તન ચાલતું જ રહે છે અને સુધારણાને હમેશાં અવકાશ હોય છે.
આ પરંપરામાં અસંખ્ય દેવી દેવતાઓને માટે સ્થાન છે. તેનું કારણ એ છે કે તે આ બધાં દેવી દેવતાઓને વિશ્વમાં વહેતી પરમ ચેતના શક્તિની દૃષ્ટિએ જૂએ છે. એ શક્તિની કૃપા મેળવીને માનવી ધન્ય બને છે. આજના યુગમાં સનાતન ધર્મ જ ચાલી શકે. વ્યક્તિગત સ્વતંત્રતા આ યુગમાં દરેક માનવીને પોતાને ગમે તે ધર્મ કે આધ્યાત્મિક આસ્થા રાખવાનો અધિકાર છે. તમામ પ્રકારની વિવિધતાઓ અને પરસ્પર વિરોધી વિચારધારાઓને ફક્ત સનાતન ધર્મ જ સ્વીકારીને ચાલી શકે. આ પરંપરામાં ઈશ્વરને નિરંકારી સહિત કોઈ પણ રૂપ કે નામથી ઉપાસી શકો છો. આ એક પરંપરા જ એવો દાવો કરી શકે એમ છે કે તેમાં દરેક ધર્મને આવરી લેવામાં આવેલ છે. તેનો વિસ્તાર અને દર્શન વિશ્વસ્તરનાં છે.
સનાતન ધર્મ વિશેનો ફ્રાઉલીનો ઉપસંહાર કોઈ પણ ભારતીયને પોતાનું મસ્તક ગર્વભેર ઊંચું રાખવા પ્રેરણા પૂરી પાડે છે. તેઓ કહે છે કે:
સનાતન ધર્મ એ એક મુક્ત પરંપરા છે જેને બધું જ સ્વીકાર્ય છે. દરેક ઘટકને તે પોતાની મેળે જ પોતાનો ધાર્મિક મને આધ્યાત્મિક માર્ગ ખોળી લેવાની સ્વતંત્રતા આપે છે. સહિષ્ણુતા તેનો આધાર છે.
આજે જ્યારે નવા ધર્મની શોધ ચાલી રહી છે ત્યારે કોઇ નવું ચર્ચ તે સ્થાન ન લઈ શકે. આજના વૈશ્વિક યુગમાં બધા ધર્મો અને આસ્થાઓથી ઉપર ઊઠી શકે એવી વ્યાપક ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાની આવશ્યકતા છે. એ પરંપરા એવી હોય જે ગમે તે માન્યતા ધરાવતા દરેક માનવીને પવિત્ર માને. છેલ્લાં હજારો વર્ષોથી જીવિત હોય એવી આવી એક જ પરંપરા ભારતીય સનાતન ધર્મની જ પરંપરા છે.
હવે પછીના મણકામાં સતત વહેતી આ ધારાઓમાં કઈ ધારા પ્રાચીનતમ છે તે પ્રશ્નનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
[1] સંદર્ભઃ કલ્પના કનુભાઈ શેઠ લિખિત ગુજરાતી વિશ્વકોશનું અધિકરણ – ‘ત્રિપિટક’
-
ભૂતની ચોટલી !
હરેશ ધોળકિયાઆપણા દેશમાં થોડાં વર્ષો પહેલાં એક બહુ જ જાણીતા ગણિતશાસ્ત્રી થઈ ગયા. રામાનુજમ તેમનું નામ. ભારતમાં તો તેમની જરા પણ કદર ન થઈ, પણ ઈગ્લેંડની યુનિવર્સિટીના ગણિતના પ્રાધ્યાપકે જયારે તેમનાં સમીકરણો જોયાં ત્યારે તે ચકિત થઈ ગયા અને તેમને ત્યાં બોલાવી લીધા. બન્નેએ મળીને ગણિત પર અદભુત કામ કર્યું. પણ મહત્વની વાત એ છે કે પેલા પ્રાધ્ધાપકને પણ જયારે કોઈ સમીકરણ ન સમજાતાં, ત્યારે તે રામાનુજમને આપતા અને રામાનુજમ થોડી જ વારમાં તેને સમજાવી દેતા. પેલા પ્રાધ્યાપક તો જોઈ જ રહેતા કે આવું કઠિન સમીકરણ તે કેમ સરળતાથી કરી શકયા ? તે રામાનુજમને તેનું – તેમની પ્રતિભાનું – રહસ્ય સમજાવવા પૂછતા. તો તે જવાબ આપતા કે તે પળે તેમનાં દેવી તેમના સામે આવે છે અને સમીકરણ ઉકેલી દે છે. હવે આ તો રહસ્યમય જવાબ હતો. પેલા સમજી ન શકતા. રામાનુજમ પણ પોતાનો જવાબ ન સમજી શકતા.
પણ આ જવાબ પર ચિંતન કરવા જેવું છે. દેવી સમસ્યા ઉકેલી દે છે એ જવાબ ભકતનો છે. કદાચ રામાનુજમને પણ સાચો જવાબ ખબર ન હતો. એટલે તે પોતાની ભકિત આ રીતે પ્રગટ કરતા હતા. પણ હકીકતે આ જવાબનું રહસ્ય અલગ છે.
આનો એક જવાબ મળે છે ભારતના પ્રાચીન મનોવિજ્ઞાની એવા મહર્ષિ પતંજલિ પાસેથી. તેમણે ‘યોગસૂત્ર’ નામનો યોગ પર અદભુત ગ્રંથ લખ્યો છે. તેને શુધ્ધ ભારતીય મનોવિજ્ઞાન કહી શકાય તેવો. તેમાં તેમણે લખ્યું છે કે ” જયારે તમે કોઈ મહાન ઉદેશ્ય કે કાર્યથી પ્રેરિત થાવ છો, ત્યારે તમારા બધા વિચારો બધાં બંધનો તોડી દે છે. તમારુ મસ્તક સીમાઓને પાર કરી જાય છે. તમારી ચેતના ચારગણી વિસ્તૃત થાય છે અને તમે પોતાને નૂતન, મહાન અને આશ્ચર્યજનક જગતમાં હોવાનો અનુભવ કરો છો. તમારી સુષુપ્ત શક્તિઓ,માનસિક ઊર્જાઓ અને દક્ષતાઓ જાગૃત થઈ જાય છે. તમે અનુભવો છો કે હવે તમે વ્યકિતરુપે એક એવી મહાશકિત છો, જેની તમે પોતા વિશે કયારેય કલ્પના કરી ન હતી.”
આનો અર્થ એ કે જયારે વ્યકિત કોઈ અગત્યના મુદા પર વિચાર કરવાનું શરુ કરે છે અને તેમાં આત્યંતિક તલ્લીન થઈ જાય છે, ત્યારે તે કયારેક મનને અતિક્રમીને કોઈ એવા પ્રદેશમાં ચાલી જાય છે જેની તેને પણ ખબર નથી. ત્યાં વિચાર કરવાની જરુર પડતી નથી. ત્યાં આપોઆપ જવાબ મળે છે. મનોવિજ્ઞાનના શબ્દમાં તેને કદાચ ” સુપર કોન્શ્યસ’-ઉર્ઘ્વ ચેતના કહી શકાય. માણસનું મન અનંત છે. તેનું કોઈ તળીયું જ નથી. જેમ જેમ તેમાં ઊંડા ઉતરાય, તેમ તેમ તેની શકિત વધતી જાય છે.
આ વાતને વધારે સરસ રીતે સમજાવે છે ભારતના જ પણ અમેરિકામાં રહેતા એક ઉતમ ડોકટર દીપક ચોપરા. તેમણે એક પુસ્તક લખ્યું છે ‘ સિન્ક્રો-ડેસ્ટીની.” સિન્ક્રો એટલે ” જોડાવું.” અને ડેસ્ટીની એટલે નિયતિ. આ બાબતે તે લખે છે કે જયારે કોઈ માણસ કોઈ એક ધ્યેય નકકી કરે છે અને તેના પર પૂરા સમર્પણભાવથી કામ કરવાનું શરુ કરે છે, ત્યારે તેની માનસિક ક્ષમતા આપોઆપ વધવા લાગે છે. જેમ જેમ તેની કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા વધતી જાય છે, તેમ તેમ આ માનસિક ક્ષમતા પણ વધતી જાય છે. દાખલા તરીકે પ્રતિબધ્ધતા પચાસ ટકા થઈ, તો ક્ષમતા પણ પચાસ ટકા થાય છે. પ્રતિબધ્ધતા નેવુ ટકા થઈ તો ક્ષમતા પણ નેવુ ટકા. એમ કરતાં જયારે પ્રતિબધ્ધતા નવ્વાણુ ટકાએ પહોંચે છે, ત્યારે ક્ષમતા પણ નવ્વાણુ ટકાએ પહોંચે છે. પણ અહીં સુધી તે સફળ સાથે નિષ્ફળ પણ જઈ શકે છે.
પણ જેવી વ્યકિત નેવુથી સોમા ટકે કૂદકો મારે છે, તેવી એક અદભુત ઘટના બને છે. જેમ નવ્વાણું ડિગ્રીએ પાણી ઉકળે ત્યાં સુધી પાણી પણ નવ્વાણુ ટકા ગરમ તો થાય છે, પણ તે રહે તો પાણી જ છે. પણ પાણી જેવું સોમી ડિગ્રીએ જાય છે કે તે પાણી ન રહેતા વરાળ બની જાય છે. તેનું રાસાયણિક સ્વરુપ જ બદલી જાય છે. આવું જ વ્યકિતના કિસ્સામાં બને છે. જેવું તેનું ભન, એટલે કે પ્રતિબધ્ધતા, સોમા ટકે કૂદકો મારે છે કે અત્યાર સુધી રહેલ તેનું વ્યકેતગત મન પીગળી જાય છે અને વૈશ્વિક
ભનમાં- ચેતનામાં- ભળી જાય છે. હવે તે વૈયકિતક મન રહેતું નથી. તે વૈશ્વિક મન બની જાય છે. અને વૈશ્વિક મન કયારેય નિષ્ફળ ન જાય. તે જરુરી કામ જ કરે અને તેમાં સફળ જ જાય. એટલે હવે તે જે કરે છે, તેમાં તેને સફળતા જ મળે છે. હવે તે જે બોલે છે કે વિચારે છે, તે સત્ય જ ઠરે છે. તેના મોમાંથી જે પણ વાકય નીકળે છે, તે સાચું જ ઠરે છે. એટલે કે હવે તે ધાર્યું કરી શકે છે. અને, ચોપરા કહે છે, એનો અર્થ એ થયો કે તે પોતાનું ભાવિ નકકી કરી શકે છે. તે વૈશ્વિક મન સાથે “સિંકોનાઈઝ” થવાથી-
જોડાઈ જવાથી-પોતાની માલિક બની જાય છે. માટે તે ધાર્યું કરી શકે છે.આનો એક ત્રીજો જવાબ પણ અપાયો છે. રોન્ડા બાયરન નામનાં એક લેખિકાએ એક અદભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેનું નામ છે ” સિક્રેટ.” ગુજરાતીમાં તે “રહસ્ય” નામે પ્રગટ થયેલ છે. પાનેપાનું વાંચવા જેવું છે. તેના પહેલા જ પાને તે લખે છે, ” વ્યકિત જેવું વિચારે છે, તે બાબતને તે આકર્ષે છે. બહુ નાનું વાકય છે, પણ તેમાં ઠાંસી ઠાંસીને રહસ્ય ભર્યું છે. તેનો અર્થ એવો છે કે જે વિચાર જગત છે, તે અવ્યકત છે. આ વિચારો સમગ્ર જગતમાં ત્રણે કાળ ઘૂમ્યા કરે છે. આ વિચારોને કોઈ જ સમય કે સ્થળની ભૌતિક મર્યાદા નડતી નથી. તે સમગ્ર અસ્તિત્વમાં ઘૂમે છે અને એક પળમાં ગમે ત્યાં પહોંચી જઈ શકે છે. તેનું એક લક્ષણ એ છે કે જે વિચાર હોય તેવો જ વિચાર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ કરતું હોય, તો તે વિચાર ક્ષણના લાખમાં ભાગમાં તેના તરફ આકર્ષાય છે અને પહોંચી જાય છે.
માની લઈએ કે એક વ્યકિત ” અ ” નામનો વિચાર કરે છે. તો આજ સુધી વિશ્વમાં જેણે પણ આ “અ” પ્રકારનો વિચાર કર્યો હશે, તે બધા જ વિચારો આકાશમાં ઘૂમ્યા કરતા હોય છે. એટલે જેવી આ વ્યકિત ”અ” વિચાર કરે છે કે તરત, પળમાં, આ બધા જ “અ” વિચારો તેના તરફ આકર્ષાય છે અને ઝડપથી તેના મનમાં ઘૂસી જાય છે. એટલે તેના મૂળ વિચારને અગણિત બળ ભળે છે. તે વિચાર પાકો થઈ જાય છે. એટલે પછી આ વિચારના આધારે તે જે કામ કરવા માગે છે, તે આ સમગ્ર બળના કારણેતરત થઈ જાય છે. અથવા સરળ થઈ જાય છે. એટલે કોઈ વ્યકિત સમર્થ રીતે એક વિચાર કરે અને વાગોળે, તો તે વિચાર સાકાર થવા લાગે છે. તેનો અમલ થવો શરુ થાય છે. અને સિધ્ધ થાય જ છે. દાખલા તરીકે લિંકને નકકી કર્યું કે અમેરિકામાંથી ગુલામી દૂર થવી જોઈએ, તો તરત આ વિચાર સાકાર થવા લાગ્યો અને થોડા જ વર્ષોમાં અમેરિકામાંથી ગુલામી દૂર થઈ ગઈ. ગાંધીજીએ પ્રબળ રીતે અંગ્રેજોને કહ્યું કે ‘ ભારત છોડો” કે તરત આ પ્રક્રિયા શરુ થઈ ગઈ અને અંગ્રેજોને ભારત છોડવું પડયું. નેલ્સન મંડેલા પણ પોતાના દેશમાંથી પરદેશીઓને દૂર કરવા માગતા હતા. સતાએ તેમને સત્યાવીશ વર્ષ જેલમાં નાખી દીધા, પણ આ સમય દરમ્યાન તે તેમનો આ વિચાર સેવતા જ રહ્યા એટલે તેમનો દેશ સ્વતંત્ર થઈ ગયો.
એટલે રામાનુજમનો જવાબ ધર્મની દષ્ટિએ ન જોતાં આ રીતે જોઈએ તો જવાબ મળે છે કે રામાનુજમ પોતાના મુદામાં એટલા તો તલ્લીન થઈ જતા હતા- સો ટકા- કે તે સીધા જ વૈશ્વિક મન સાથે જોડાઈ જતા હશે. એટલે ત્યાંથી સીધો જવાબ તેમને મળતો હશે.
છતાં કોઈ ભકત કહે કે રામાનુજમનો જવાબ સાચો હતો, તો કહી શકાય કે હા, સાચો છે. તેને ભકિતની ભાષામાં પણ જવાબ આપી શકાય. જેમ જેમ ભકતનું મન ભગવાનમાં પરોવાતું જાય, એકાગ્ર થતું જાય, તેમ તેમ આ જ પ્રક્રિયા થવા લાગે છે. ભગવાન (વૈશ્વિક ચેતના ) તેની નજીક આવવા લાગે છે અને તેના પ્રશ્નોને ઉકેલવા લાગે છે. ગીતામાં પણ કહે છે કે ” જે મને જેવી રીતે ભજે છે, તેવી જ રીતે હું તેને ભજું છું.” (યે યથા માં પ્રપધન્તે તાંસ્તથેવ ભજામ્યહમ.) આ જ જવાબ ! બીજી જગ્યાએ કહે છે કે ” જે મને નિત્યયુકત થઈ ભજે છે, તેનું યોગક્ષેમ હું કરું છું.”ફરી આ જ જવાબ. તે શ્રધ્ધાના સંદર્ભમાં જવાબ છે. ચોપરા વગેરે વિજ્ઞાનના સંદર્ભમાં જવાબ આપે છે. મૂળ સમાન છે.
મૂળ વાત એ છે કે વ્યકિત પોતાના ધ્યેયમાં જો એકરુપ થઈ જાય, સંપૂર્ણ તલ્લીન થઈ જાય, તે માટે સમગ્ર જગતને ભૂલી જાય, તો તેના મનની શકિત અનંત થઈ જાય છે. તે વ્યાપક બની જાય છે. આ વ્યાપકતામાં જ જગતના બધા સવાલોના જવાબો છે. તે આપોઆપ મળી જાય છે. આમાં કોઈ ચમત્કાર નથી. માણસનું મન પણ અંતે તો અસ્તિત્વનો જ એક ભાગ છે. અને અસ્તિત્વ સર્વત્ર અને સર્વજ્ઞ છે. એટલે જો અંશ મૂળ સાથે જોડાઈ જાય, તો તેને મૂળમાંથી જવાબ મળી જાય છે.
આને જ “યોગ” કહે છે. યોગ એટલે જોડાવું. શેના સાથે જોડાવું ? અસ્તિત્વ સાથે. એક વાર અસ્તિત્વ સાથે સંલગ્ન થઈ જવાય, તો તે તો ” ચૈતસિક ગુગલ” છે. બધા જવાબો આપશે. એટલે ભારતે યોગને મહત્વ આપ્યું છે. એટલે અહીં ઘ્યાન વગેરેનો વિકાસ થયો. આજે હવે સમગ્ર વૈજ્ઞાનિક જગત તેનો સ્વીકાર કરે છે.
આ મુદા પર ઊંડા ઉતરવાની જરુર છે. જેને પણ વ્યાપક પ્રગતિ કરવી છે, ખૂબ જ આગળ વધવુ છે, તેણે આ મુદા પર ગાઢ રીતે ચિંતન કરી તેનો અમલ કરવાની જરુર છે. આ વિચાર સફળતાના ભૂતની ચોટલી છે. ચોટલી પકડાઈ ગઈ તો આખું ભૂત હાથમાં.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com -
દુર્ગાપૂજાના દિવસો શ્રી અરવિંદની સ્મૃતિને જુદેસર ઝકઝોરી ગયા
તવારીખની તેજછાયા

‘હવે હું પહેલાંની જેમ એવું નથી કહેતો કે રાષ્ટ્રવાદ એક ધર્મ છે, એક આસ્થા છે. હું કહું છું કે જે સનાતન ધર્મ છે એ સ્તો રાષ્ટ્રવાદ છે.’
પ્રકાશ ન. શાહ
વિ જયાદશમીની વળતી સવાર સારુ લખી રહ્યો છું ત્યારે કેમ જાણે કંઈક સ્વરાજચિંતન ચિત્તનો કબજો લઈ બેઠું છે. ખરેખર તો બેસતે નોરતે જ ઈ-સ્વરમ્ (રાજકોટ)ના સદ્ભાવથી પરેશ ભટ્ટના સ્વરાંકનમાં ‘માત ભવાની દુર્ગે’ના સમૂહગાન સાથે સહજ ક્રમે આ વિચારચક્ર ચાલવા લાગ્યું હતું. ભવાની આમ તો હિંદવી સ્વરાજ વાસ્તે શિવસંકલ્પ આસપાસનાં સ્પંદન જગવે છે… અને વીસમી સદીના પહેલા દસકામાં, એમ તો, ૧૯૦૪થી ૧૯૦૮ના ગાળામાં સંસ્કૃતમાં જે રચના અરવિંદ થકી ઉતરી આવી, એ પણ ભવાની ભારતી જ છે ને.
કહે છે કે રામકૃષ્ણ પરમહંસનાં વર્તુળોમાંથી ભાઈ બારીન્દ્ર મારફતે અરવિંદને જે પ્રેરણા પહોંચી તે એની પૂંઠે હતી. ભવાની ભારતી આમ તો શક્તિનું, રાષ્ટ્રમાતાનું, બલકે રાષ્ટ્ર સ્વયંનું ગાન કહો તો ગાન, આવાહન કહો તો આવાહન છે… આવાહન પણ અને આહ્વાન પણ ! મૂળે એ શક્તિગાન છે, જેમ પરમહંસદેવે વિવેકાનંદને ‘કાલી’ ભણી સમર્પણભાવ પ્રેર્યો હતો.
કેમ કે, આપણે હમણાં જ દુર્ગાપૂજાના ઉત્સવમાંથી પસાર થયાં છીએ, ભવાની ને કાલીના સ્મરણ સાથે આપણી પરંપરા આખા ચિત્તમાં ધ્રોપટ ઉતરી આવવા કરે છે. જે જમાનો હજુ આરણ્યક શો હશે, કેનોપનિષદમાં ઉમા થકી કે મુંડકોપનિષદમાં કાલીકરાલી થકી આપણે એને પહેલ પ્રથમ કદાચ મળ્યા હોઈશું. પણ ૧૯મી સદી ઊતરતે એકદમ જે નવરૂપ ધરે છે, બંકિમ ને અરવિંદ આદિ વાટે: માતા, ભારતી, ભારતમાતા. ‘ભવાની ભારતી’ લખાયું,
હમણાં કહ્યું તેમ ૧૯૦૪ – ૧૯૦૮નાં વરસોમાં પણ એ પોલીસ જપતીમાં ચાલી ગયેલું તે પૂરો પાઠ હાથ લાગ્યો અને ૧૯૮૫માં અરવિંદ આશ્રમે એ પ્રગટ કર્યો. પણ આ ધોરણે અરવિંદના વિચારો તો કે’દીના વહેતા થઈ ચૂક્યા હતા. વડોદરા કોલેજના એમના છાત્ર કનૈયાલાલ મુનશીએ આગળ ચાલતાં ‘સ્વપ્નદૃષ્ટા’ નવલકથાના નાયક સુદર્શનના મોંમાં મવાળ પરિવારની સૂચિત વાગ્દત્તા સુલોચના જોગ એ ઉદ્્ગારો મૂક્યા છે કે તમે જેને ‘ઈન્ડિયા’ કહો છો તે તો ‘મા’ છે. આ જ નવલકથામાં ‘ભારતીની આત્મકથા’નું યાદગાર પ્રકરણ પણ આવે છે. ‘ભવાની ભારતી’ની જિકર કરો કે ‘ભવાની મંદિર’ની, અરવિંદનો સીધો સંદેશ શક્તિનો છે. અલીપુર જેલના દિવ્ય અનુભવ બાદ છૂટ્યા પછીનું ઉત્તરપારા અભિભાષણ એમનાં શક્તિચિંતન અને રાષ્ટ્રચિંતનને આગળ ચલાવે છે, અને આખોયે સ્વરાજવિમર્શ ચાલુ રાષ્ટ્રવાદના ચોકઠા અને ડામણાંડાબલાંમાં નહીં સમાતો એકદમ આગળ ચાલી જાય છે.
દુર્ગોત્સવના મંડપમાં રામ મંદિરનું મોડેલ રજૂ કરી કશુંક હાંસલ કીધાનું અનુભવતી હિંદુત્વ રાજનીતિને કદાચ એનો અંદાજે અહેસાસ ન પણ હોય. ઉત્તરપારા અભિભાષણ અને અલીપુર જેલની અનુભૂતિ આગમચ અરવિંદના નાસિક પ્રવચનમાં એના સંકેતો પડેલા છે. એમાંથી એના ઉત્તરપારા અભિભાષણમાંથી એમનું જે ચિંતન ફોરવા કરે છે એને તમે વંશીય (એથ્નિક) અગર સાંસ્કૃતિક (કલ્ચરલ) રાષ્ટ્રવાદના ચાલુ ચોકઠામાં ફિટાડી શકતા નથી. બલકે, એક વાર આ વાનું લક્ષમાં લઈએ તો તરત સમજાશે કે કોઈક સંકીર્ણ દાયરામાંથી બહાર જવાની દૃષ્ટિએ એમણે ચાલુ રાજનીતિથી અને કથિત ‘રાષ્ટ્ર’વાદથી પરહેજ કરવાપણું જોયું હશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હેડગેવાર એમને કોંગ્રેસ નેતૃત્વ માટે વિનંતી કરવા ગયા ત્યારે એમણે જે ઈનકાર કર્યો તેને એમને અભીષ્ટ સાધના સહિતના આ વ્યાપક સંદર્ભમાં જોવો જોઈશે.
વર્તમાન શાસન હેઠળ સિમલાના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝના નિયામક રહેલા મકરંદ પરાંજપેએ વચ્ચે એક લેખમાં અરવિંદના ગીતા પરના નિબંધોમાંથી મજેનું ઉધ્ધરણ ટાંક્યું હતું કે ‘આપણે ભૂતકાળના પ્રભાતોમાં નિવસતા નથી. આપણો મલક તો ભાવિનાં મધ્યાહનોમાં વિલસે છે.’ રૂંવે રૂંવે ભારતભક્તિ જરૂર ઉભરાય છે, પણ અરવિંદની ચેતના એને ક્યાંય લાંઘી ચાહે છે. એમના મતે મનુષ્યજાતિ વ્યાપક ચેતનાના શૃંગ પર આરોહણ કરે તે આપણી રાષ્ટ્રચેતનાને અભીષ્ટ છે. નવસર્જન એક નવી ચેતના માગે છે જે કેવળ ભૂતકાળમાંથી પ્રગટી શકે નહીં.
આ સંદર્ભમાં જોઈએ વિચારીએ તો અરવિંદની વૈચારિક ચળવળ અત્યારે રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મને નામે જે રાજનીતિ ચાલે છે એના કરતાં તત્ત્વત: જુદાં પરિયાણ સૂચવે છે. પરંપરાગત રાષ્ટ્રવાદને અંગે એ નિર્ભ્રાન્ત નહીં તો પણ નવ્ય અભિગમ પર કર્યા છે : ‘હું હવે પહેલાંની જેમ એમ નથી કહેતો કે રાષ્ટ્રવાદ એક આસ્થા છે, એક ધર્મ છે, એક માન્યતા છે. હું કહું છું કે જે સનાતન ધર્મ છે એ સ્તો આપણે સારુ રાષ્ટ્રવાદ છે.’ અને વળી ‘જો કોઈ ધર્મ સાર્વત્રિક ને વૈશ્વિક ન હોય તો તે ચિરંતન કે સનાતન નથી. સનાતન ધર્મ તો વિજ્ઞાનની શોધોને સમાવતો ને આગળથી જોતો ચાલે છે તેમજ દાર્શનિક તત્ત્વચિંતનોયે એમાં અમાસ થાય છે.’
દેખીતી રીતે જ, અરવિંદની ધર્મચર્યા અને ધર્મચર્ચા ‘રિલિજિયન’માં બદ્ધ નથી અને પશ્ચિમના કોશેટામાં બદ્ધ જે રાષ્ટ્રવાદ, તેને પણ એમાં સ્થાન નથી. હિંદુત્વ રાજનીતિને સેમેટિક સાંસ્થાનિક વારસાનો જે વણછો લાગેલો છે તેની અને ‘સનાતન ધર્મ’ વચ્ચે કોઈ સંગતિ હોય તો તે શોધનો વિષય છે.
વાત કરતે કરતે હું ખાસો આગળ ચાલી ગયો. પણ જ્યાં મેં અટકવા જેવું કર્યું, સનાતન ધર્મ વિ. સાંસ્થાનિક અસર તળેનો રાષ્ટ્રવાદ, ત્યાં પણ ખરેખર અટક્યું અટકાય એમ નથી, કેમ કે અરવિંદની ભૂમિકા, દુર્ગા ધારાનું એમનું અભિનવ અર્થઘટન જો જાતિગત કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં બંધબેસતું નથી તો કદાચ નાગરિક/બંધારણીય (સિવિક/કોન્સ્ટિટ્યુશનલ) રાષ્ટ્રવાદ સાથે પણ એ પરબારું ગોઠવ્યું નયે ગોઠવાય. બને કે બિનસાંપ્રદાયિકતાના ખયાલને પણ, એની બિનકોમી તાસીર જાળવીને નવેસર સમજવો પડે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૫ – ૧૦ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
દિવાળી આવી
દિવાળી
ખલિલ ધનતેજવી
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.તમને જોઈને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જત ના સમજાવ મને,
માથે આખો સૂરજ લઈને સાંજ બપોરે ગાળી છે.કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.લ્યો આવી ગઈ દિવાળી
અનિલ ચાવડા
લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ. -
રંગોનો ચોર
ઈશ્વરી ડૉક્ટર
સવારનો સોનેરી તડકો. રૂનાં ઢગલાં જેવા વાદળો. વાદળો વચ્ચેથી ડોકાતો, છુપાતો સૂર્ય.
સવારથી વરસી રહેલો વરસાદ હમણાં જ થંભ્યો હતો. પક્ષીઓ ભીની પાંખ ખંખેરીને ચણની શોધમાં ઊડી રહ્યા હતા. સૂર્યનાં આગમન સાથે જ વરસીને ચોખ્ખા થયેલાં આકાશમાં વિશાળ મેઘધનુષ રચાઈ ગયું.
પરંતુ, આ શું…….? મેઘધનુષમાંથી બધાં રંગો જ ગાયબ! મેઘધનુષનાં સાતે ય રંગો કોણ ચોરી ગયું?
હવાની પાંખ પર બેસીને સંદેશો પહોંચ્યો છેક મેઘરાજાનાં દરબારમાં….
મેઘધનુષનાં સાતે રંગો ગાયબ છે…….
મેઘરાજાએ વાદળોનાં પડઘમ વગાડી સંદેશો છેક ધરતી સુઘી મોકલ્યો: વરસાદી રાતે મેઘધનુષનાં રંગો ચોરી જનાર ચોરને શોધો:
ધરતી પણ ચિંતામાં પડી ગઈ. મેઘધનુષનાં રંગો કોણ ચોરી ગયું?ધરતીએ આકાશમાં નજર કરી તો રંગો વગરનું મેઘધનુષ સાવ ફિક્કું લાગી રહ્યું હતું.
રંગો ગયા તો ગયા કયાં?
મેઘરાજાએ હવા, પાણી, ધરતી સૌને કામે લગાડી દીધા.
મેઘધનુષનાં રંગો શોધો…….
રંગવિહીન મેઘધનુષથી મારો દરબાર કેવી રીતે શોભે?
હવા અને પાણીએ સવાલ કર્યો:”કયા કયા રંગો હતાં?”
મેઘરાજાએ વાદળ પર સંદેશો લખીને મોકલ્યો.
રંગોની યાદી: જાંબલી, નીલો,વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો.
હવા બોલી:” રાજાજી,આ તો બહુ મોટી યાદી છે. અમને તો યાદ ના રહે.”
મેઘરાજા બોલ્યાં:”તમે ટૂંકમાં યાદ રાખો. જા, ની, વા, લી, પી, ના, રા…..આ રીતે યાદ રાખવું એકદમ સરળ છે.”
સૌ રંગોની શોધમાં નીકળી પડ્યા: ચોરે ક્યાં છુપાવ્યા હશે?:
સૌ પ્રથમ બધાં જાંબલી રંગની શોધ કરવા લાગ્યા.
હવાની નજર જાંબુનાં ઝાડ પર પડી. ઝાડ પરથી પાકાં જાંબુ જમીન પર પડી રહયા હતા. જમીન પર જાંબલી રંગ ફેલાઈ રહ્યો હતો. જાંબુના ઝાડે ચોર્યો છે જાંબલી રંગ….. સૌ ઝાડને પકડવા દોડ્યા. જાંબુનું ઝાડ બોલ્યું:”મારા પર વિશ્વાસ કરો. આ જાંબલી રંગ તો મારો પોતાનો છે. કુદરતે મને ભેટમાં આપ્યો છે. વરસોથી મારી પાસે છે.”
સૌ નિરાશ થઈ ને નીલા રંગની શોધમાં આગળ વધ્યાં. ધરતીએ ઉપર નજર કરી તો વિશાળ આકાશમાં ભરપૂર નીલો રંગ ફેલાયેલો હતો.
: નીલા રંગનો ચોર મળી ગયો…….:
સૌ આકાશ તરફ દોડ્યા. આકાશ બોલ્યું:”નીલો રંગ તો જનમથી મારી પાસે છે. મારા અસ્તિત્વની નિશાની છે.” સૌ દુઃખી થઈ ગયા: ચોરે સંતાડેલા રંગો શોધવા ક્યાં?
ત્યાં જ, આકાશમાં વાદળો દેખાયાં. હવા બોલી:” અરે! વાદળી રંગ તો આ રહ્યો.ચોરે વાદળમાં સંતાડ્યો છે.”
વાદળ બોલ્યુ: ” મિત્રો, વાદળી રંગ તો મારી આગવી ઓળખ છે. એટલે તો મને વાદળ નામ આપવામાં આવ્યું છે.”
સૌ હતાશ થઈને લીલા રંગની શોધમાં જંગલ સુઘી પહોંચી ગયા. જંગલ આખામાં લીલો રંગ પથરાયેલો હતો. અધીરા થયેલાં હવા, પાણી અને ધરતી એક સાથે પૂછી બેઠાં:”તારી પાસે આ લીલો રંગ ક્યાંથી આવ્યો? ચોરે તારામાં છુપાવ્યો છે ને?”
જંગલ:”લીલો રંગ તો મારા જીવનની નિશાની છે. સૂર્ય દેવે મને ભેટમાં આપેલો છે.”
હવા ચિંતિત થઈને બોલી:”જંગલ, તેં પીળો રંગ ક્યાંય જોયો? લીલા રંગ સાથે અમે એને પણ શોધી રહ્યા છીએ.”
ત્યાં જ, તેની નજર સૂર્યમુખીનાં ફૂલ પર પડી. તેનો પીળો રંગ જોઈને હવા બોલી ઊઠી:”મેઘધનુષનો પીળો રંગ મળી ગયો. ચોરે સૂર્યમુખીમાં છુપાવ્યો છે.” હવા તો પાણીનો હાથ પકડી ને સૂર્ય મુખી તરફ દોડી.
પાણી બોલ્યુ:”સૂર્યમુખી, મેઘધનુષનો પીળો રંગ ચોરે તારામાં છુપાવ્યો છે. મેઘરાજાનો આદેશ છે કે ચોરાયેલા રંગો શોધી ને પાછાં લઈ આવો. મેઘધનુષનો પીળો રંગ અમને પાછો આપી દે. નહીંતર, મેઘરાજા તને સજા કરશે.”
સૂર્યમુખી:”અરે!આ પીળો રંગ તો મારી ખાસિયત છે. સૂર્ય દેવ એમનાં કિરણો દ્વારા મને પીળો રંગ આપતા રહે છે. સૂર્ય જે દિશામાં જાય એ દિશામાં હંમેશા હું મારું મોઢું રાખું છું. સૂર્ય જ મારું ધ્યેય છે. મારા ધ્યેય પર જ મારું લક્ષ હોય છે. તમને શંકા હોય તો સૂર્ય દેવને પૂછી જુઓ.”
હવા: “ના, ના સૂર્યમુખી અમને તારામાં વિશ્વાસ છે. અમને થોડી મદદ કરીશ?”
સૂર્યમુખી:”બોલ મિત્ર, હું તને શું મદદ કરી શકું?”
હવા:”અમે જાંબલી, નીલો, વાદળી, લીલા અને પીળા રંગની શોધ કરી પણ અમને મળ્યો નથી. મેઘરાજાએ આપેલી રંગોની યાદીમાં હવે ફકત નારંગી અને રાતા રંગની શોધ માટે પ્રયત્ન કરવાનો બાકી છે.તું એ રંગોની શોધમાં કંઈ મદદ કરી શકે?”
સૂર્યમુખી :”હા, હું હંમેશા મારું મુખ સૂર્ય તરફ રાખું છું. સવારે સૂર્ય ઊગતો હોય ત્યારે મારું મોઢું પૂર્વ તરફ રાખું છું. સાંજે આથમતો હોય ત્યારે પશ્ચિમ તરફ રાખું છું. સવારે ઉગતા સૂર્ય સાથે ખીલતી ઉષા મેં જોઈ છે. આથમતાં સૂર્ય સાથે ઢળતી સંધ્યા પણ જોઈ છે. ઉષા અને સંધ્યા પાસે નારંગી અને રાતો રંગ ભરપૂર છે.ચોરે એ બંને રંગો તેમાં છુપાવ્યા હોઈ શકે.”
હવા ને પાણી,ઉષા અને સંધ્યા પાસે દોડી ગયા. અધીરા થયેલાં હવા, પાણી બોલી ઊઠ્યા:
“ઉષા, સંધ્યા મેઘધનુષનાં રંગોનાં ચોરે નારંગી અને રાતો રંગ તમારામાં છુપાવ્યાં છે. જલદી પાછા આપી દો. નહીંતર, મેઘરાજા તમને સજા કરશે.”
ઉષા અને સંધ્યા એકસાથે બોલી ઊઠ્યા:”ના, ના આ રંગો તો અમારાં મનમાં રહેલી આશા છે. ઊગતો અને આથમતો સૂર્ય અમને રોજ આપતો રહે છે.
નવજીવનની આશા……સૂર્ય રોજ આથમે છે છતાં સવારે એક નવી આશા સાથે ઊગે છે. નારંગી અને રાતો રંગ તો આશાની નિશાની છે. યુગોથી મારી પાસે છે.”
ઉષા અને સંધ્યાની વાત સાંભળીને હવા અને પાણી નિરાશ થઈ ગયા. હવે મેઘધનુષનાં રંગોને શોધવા ક્યાં? ચોરે ક્યાં છુપાવ્યા હશે? મેઘરાજાને શું જવાબ આપવો?
ત્યાં જ, સૂર્યદેવે વાદળોની વચ્ચેથી દર્શન દીધા.
સૂર્યદેવ:”ઉષા અને સંધ્યા પાસે તેમનાં પોતાનાં જ રંગો છે. ચોરે આપેલાં રંગો તેમણે છુપાવ્યા નથી. તમે મેઘધનુષનાં રંગો શોધો છો. પરંતુ, જાણો છો? મેઘ ધનુષનાં રંગો એ એની ખૂબીઓ છે. નવજીવનની આશા, ખુશી,ધ્યેય, વગેરે ખૂબીઓથી ભરેલાં રંગો કોઈએ ચોર્યા નથી. તે બધાં રંગો તો મેઘધનુષમાં પોતાનાંમાં જ છુપાયેલા છે. જરા ધ્યાનથી જુઓ. હું આત્મવિશ્વાસ રૂપી કિરણો મેઘધનુષને આપું છું. પછી જુઓ કમાલ………….”
સૂર્યદેવે કિરણો ફેકતાં જ મેઘ ધનુષમાં આત્મવિશ્વાસ ઝળકી રહયો. મેઘધનુષ સોળે કળાએ ખીલી ને સાતે ય રંગો સાથે પ્રકાશિત થઈ ઊઠ્યું.
કુદરત ખુશ થઈ ને બોલી ઊઠી:”મેઘધનુષનાં ચોરાયેલા સાતે રંગો પાછાં મળી ગયાં………”મેઘધનુષનાં રંગો પાછાં મળતાં મેધરાજા પણ આનંદિત થઈ ગયા.
મેઘધનુષ પણ આનંદથી નાચી ઉઠ્યું. એને સમજાઈ ગયું હતું કે,
“આંતરિક ખૂબીઓને ઉજાગર કરવા માટે આત્મવિશ્વાસ એ પ્રથમ પરિબળ છે.”
-
વાદ્યવિશેષ : (૮) – તંતુવાદ્યો (૩) – મેન્ડોલીન (૨)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
મેન્ડોલીન વિશેની આ કડીની શરૂઆત એક વિશિષ્ટ પ્રસ્તુતિથી કરીએ. એક ફિલ્મી સંગીતનિર્દેશક તરીકે સજ્જાદ હુસૈનનું નામ બહુ સફળ નહીં થયેલા પ્રતિભાશાળી સંગીતકારોમાં આવે. પણ, એક કાબેલ મેન્ડોલીનવાદક તરીકે તેમનું નામ શાસ્ત્રીય સંગીતના જાણકારોમાં બહુ જ આદરપૂર્વક લેવાય છે. આધારભૂત માહીતિ મુજબ ખ્યાતનામ ગાયક ઉસ્તાદ બડે ગુલામઅલી ખાને સજ્જાદના વાદનને બીરદાવતાં કહેલું કે આ કલાકાર મેન્ડોલીન જેવા પ્રમાણમાં નાના વાદ્ય પાસેથી સરોદ જેવી અસર ઉપજાવી જાણે છે! આ શબ્દોને સાર્થક કરતી હોય તેવી સજ્જાદે વગાડેલી એક ગત સાંભળીએ.
અગાઉની કડીમાં ઉલ્લેખેલી મેન્ડોલીનની એક ખાસિયત ફરી એકવાર યાદ કરી લઈએ કે આ વાદ્યના સૂર ત્ર્ર્ટક ત્રૂટક હોય છે અને તેનું ગૂંજન ઘણું ઓછું હોય છે. આથી તેમાં સળંગસૂત્રતા આવે એ રીતે વગાડવું ખુબ મુશ્કેલ હોય છે.
હવે સાંભળીએ ચુનંદાં મેન્ડોલીન પ્રધાન ફિલ્મી ગીતો-
૧૯૫૧માં રજૂ થયેલી ફિલ્મ ‘ઢોલક’નાં ગીતો સંગીતકાર શ્યામસુંદરના નિર્દેશનમાં બન્યાં હતાં. પ્રસ્તુત ગીત ચોરી ચોરી આગ સી દિલ મેં લગા કર ચલ દીયે સાંભળતાં જ તેમાં સતત વાગતા મેન્ડોલીનના સૂર પરખાઈ આવે છે.
ફિલ્મ ‘ચાંદની ચોક’ (૧૯૫૪)માં રોશનનું સંગીતનિર્દેશન હતું. આ ફિલ્મના ગીત તેરા દિલ કહાં હૈમાં એ હદે મેન્ડોલીન સાંભળવા મળે છે કે જાણે ગાયકી મેન્ડોલીનની સંગત કરતી હોય! એક રસપ્રદ નોંધ…. પ્રસ્તુત ગીત સાંભળતી વેળા ચાહકોને આવી જ તરજ ઉપર બનેલાં અન્ય ત્રણ ફિલ્મી ગીતો યાદ આવી શકે છે.
૧૯૫૫ની ફિલ્મ ‘રેલ્વે પ્લેટફોર્મ’માં મદનમોહનનું સંગીત હતું. તેના અતિશય લોકપ્રિય બની રહેલા ગીત બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયેમાં પૂરા ગીતમાં મેન્ડોલીનના કર્ણપ્રિય અંશો સંભળાયા જ કરે છે,
https://www.youtube.com/watch?v=6KdBxkdDvuo
ફિલ્મ ‘દીલ્લી કા ઠગ’ (૧૯૫૮)નાં ગીતો સંગીતકાર રવિના નિર્દેશનમાં બન્યાં હતાં. તે પૈકીના પ્રસ્તુત ગીત યેહ રાતેં યેહ મૌસમ નદી કા કિનારા સાંભળતાં જ તેમાં ગૂંથાયેલા મેન્ડોલીનના ટૂકડાઓ તરત જ પરખાઈ આવે છે.રવિનું જ સ્વરબદ્ધ કરેલું વધુ એક ગીત સાંભળીએ. ફિલ્મ ‘ચૌદહવી કા ચાંદ’ (૧૯૬૦)ના ટાઈટલગીતમાં મેન્ડોલીનના યાદગાર અંશો કાને પડતા રહે છે.
https://www.youtube.com/watch?v=wRbBORKhGYg
૧૯૬૦ના વર્ષે જ પ્રદર્શિત થયેલી વધુ એક ફિલ્મ ‘છબીલી’નું મેન્ડોલીન પ્રધાન ગીત લહરોં પે લહર પ્રસ્તુત છે. આ ફિલ્મનું સંગીત સ્નેહલ ભાટકરે તૈયાર કર્યું હતું.૧૯૬૩ના વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘મેરી સૂરત તેરી આંખેં’નાં ગીતો સચીનદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં. તેના પ્રસ્તુત ગીત યે કીસ ને ગીત છેડા સાથે વાગી રહેલા વાદ્યવૃંદમાં સમય સમયે મેન્ડોલીન હાજરી પૂરાવી જાય છે. ખાસ કરીને પ્રિલ્યુડમાં વાંસળી અને સંતૂરના હળવા સૂરો વડે થતા ઉઘાડ પછી એકાએક જ ઝડપથી વાગવા લાગતા મેન્ડોલીનના અંશો અનોખી અસર ઉપજાવી જાય છે.
૧૯૬૩ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ ‘બંદીની’માં પણ સચીનદેવ બર્મનનું સંગીત હતું. તેના ગીત મોરા ગોરા અંગ લઈ લે માં મેન્ડોલીનના યાદગાર ટૂકડાઓ છે.
મદનમોહનના સંગીતનિર્દેશનમાં બનેલાં ફિલ્મ ‘વોહ કૌન થી’ (૧૯૬૪)નાં ગીતો પૈકીનું લગ જા ગલે કે ફીર યે હંસી રાત હો ન હો ની લોકપ્રિયતા આજે છ દાયકા પછી પણ બરકરાર છે. આ ગીતના વાદ્યવૃંદની સજાવટમાં મેન્ડોલીનનું પ્રદાન મહત્વનું છે.
https://www.youtube.com/watch?v=TFr6G5zveS8
બહુ જાણીતા ન થયા એવા એક સંગીતકાર બુલો સી રાની(બુલો ચંદીરામાની) તેમની સુમધુર ધૂનો દ્વારા ચાહકોના હ્રદયમાં આગવું સ્થાન ધરાવે છે. ફિલ્મ ‘સુનહરે કદમ’ (૧૯૬૬) માટે તેમણે બનાવેલું ગીત માંગને સે જો મૌત મીલ જાતી સાંભળતાં ખ્યાલ આવે છે કે પ્રિલ્યુડ અને ઈન્ટરલ્યુડમાં તો ખરા જ, ગાયકી દરમિયાન પણ મેન્ડોલીનના ટહૂકા કાને પડતા રહે છે.ફિલ્મ ‘પ્યાર કા મૌસમ’ (૧૯૬૮)નાં ગીતોને રાહુલદેવ બર્મને સ્વરબધ્ધ કર્યાં હતાં. તેનું એક ગીત તુમ બિન જાઉં કહાં બે અલગ અલગ ગાયકો – મહંમદ રફી અને કિશોરકુમાર – ના અવાજમાં રેકોર્ડ થયું હતું. તે બન્ને ગીતોમાં મેન્ડોલીનના યાદગાર અંશો છે. એમાં પણ રફીના અવાજમાં રેકોર્ડ થયેલા ગીતમાં તો મેન્ડોલીનનું ખાસ્સું પ્રાધાન્ય છે.
https://www.youtube.com/watch?v=TKxirYqKfdU
ફિલ્મ ‘ગેમ્બલર’ (૧૯૭૧)નું સચીનદેવ બર્મનનું સ્વરબધ્ધ કરેલું ગીત દિલ આજ શાયર હૈ ગમ આજ નગ્મા હૈ’ સાંભળીએ. નોંધનીય છે કે સમગ્ર ગાયકી દરમિયાન મેન્ડોલીન સંભળાતું જ રહે છે. યાદ કરીએ કે આ પ્રકારની સંગત ‘કાઉન્ટર્સ’ અથવા તો ‘ઓબ્લિગેટોઝ’ તરીકે ઓળખાય છે.૧૯૭૮માં રજૂઆત પામેલી ફિલ્મ ‘શાલીમાર’નું ગીત દો લબ્ઝોં કી હૈ દિલ કી કહાની ખુબ જ લોકપ્રિય બન્યું હતું. સંગીતનિર્દેશન રાહુલદેવ બર્મનનું હતું. ગીતના વાદ્યવૃંદમાં મેન્ડોલીનનું ખાસ્સું પ્રાધાન્ય જણાઈ આવે છે.
આખરમાં માણીએ એક યાદગાર મેન્ડોલીનપ્રધાન ગીત. ૧૯૭૯માં રજૂ થયેલી ફિલ્મ ‘સરગમ’નાં ગીતો લક્ષ્મીકાત-પ્યારેલાલના સંગીતનિર્દેશનમાં બન્યાં હતાં. દરેક ગીતની વાદ્યવૃંદ સજાવટ યાદગાર બની છે. તે પૈકીનું ગીત પરબત કે ઈસ પાર પરબત કે ઉસ પાર સાંભળતાં જ અવારનવાર મેન્ડોલીનની હાજરી પરખાતી રહેશે.
https://www.youtube.com/watch?v=uXwmiddQ8DI
મેન્ડોલીનપ્રધાન ફિલ્મી ગીતો વિશે આટલેથી અટકીએ. આવતી કડીમાં નવા વાદ્ય સાથે મળશું.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
શીર્ષક આવરતા ગીતો – ૧
નિરંજન મહેતા
અગાઉની ફિલ્મોમાં તે ફિલ્મના શીર્ષકને તેના કોઈ એક ગીતમાં આવરી લેવાતું. આમ તો એવા કેટલાય ગીતો આપને ધ્યાનમાં આવતા હશે પણ તેમાંના થોડાનો ઉલ્લેખ આ લેખ દ્વારા કર્યો છે. ગીતોની સંખ્યા વધુ હોય તેને ચાર ભાગમાં રજુ કરાશે.
સૌ પ્રથમ પ્રસ્તુત છે ૧૯૪૯નુ ફિલ્મ ‘બરસાત’નુ સદાબહાર ગીત
बरसात में हम से मिले तुम ही सजन
तुम से मिले हम बरसात में
પ્રેમનાથ અને રાજકપૂરની આગળ પોતાના ભાવ વ્યક્ત કરતી નિમ્મી પર આ નૃત્યગીત રચાયું છે. છેવટના ભાગમાં પ્રેમનાથને છોડીને જતાં જોઈ ગીતનો સ્વર આજીજીમાં બદલાઈ જાય છે. શૈલેન્દ્રનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિશને. હલકભર્યો સ્વર છે લતાજીનો.
૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’નુ ગીત એક બેફીકરા યુવાનના ભાવ વ્યક્ત કરે છે
आवारा हु आवारा हु
या गर्दिश में हूँ आसमां का तारा हूँ
રાજકપૂર પર રચાયેલ આ ગીત પણ શૈલેન્દ્રની રચના છે અને સંગીત આપ્યું છે શંકર જયકિશને. સ્વર છે મુકેશનો.
૧૯૫૫ની ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’નુ આ ગીત જ શીર્ષક ગીત છે.
झनक झनक पायल बाजे
पायलिया की रुनक जूनक पे
छम छम मनवा नाचे
ગીતમાં કોઈ કલાકાર નથી દેખાડાયા પણ બે નૃત્ય કલાકારોના પગ દેખાય છે જે તેમના ઠુંમકાથી રંગ ઉડાડે છે અને ત્યારબાદ ફિલ્મનુ ટાઈટલ અને અન્ય માહિતી આ ગીત દરમિયાન દર્શાવાય છે. આ પાર્શ્વગીત ઉસ્તાદ આમીરખાનનાં કંઠે મુકાયું છે જેને સંગીતબદ્ધ કર્યું છે વસંત દેસાઈએ. ફિલ્મના મુખ્ય કલાકારો છે સંધ્યા અને ગોપીકિસન.
https://youtu.be/CY31dAHoXFY
૧૯૫૫ની ફિલ્મ ‘ઉડનખટોલા’નુ ગીત છેमेरा सलाम लेजा
दिल क पयाम लेजा
उल्फत का जाम लजा
उड़न खटोलेवाले राही
અજાણ્યા પ્રદેશમાં દિલીપકુમારનું વિમાન તૂટી પડે છે અને નિમ્મી તેને બચાવે છે જે પ્રેમમાં પરિવર્તિત થાય છે. આ ગીત દિલીપકુમારના વિમાનને જતાં જોઈ નિમ્મી ગાય છે. શકીલ બદાયુનીનાં શબ્દો અને નૌશાદનુ સંગીત. ગાનાર કલાકાર લતાજી.
૧૯૫૭ની ફિલ્મ ‘કઠપૂતલી’નુ આ ગીત સાંકેતિક ગીત છે.
बोल री कठपुतली डोरी कौन संग बाँधी
सच बता तूं नाचे किस के लिये
કઠપુતળી કોઈના સંચારથી નાચતી હોય છે તેને અનુરૂપ આ ગીતમાં દર્શાવાયું છે જે વૈજયંતીમાલા પર રચાયું છે. શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે લતાજીનો.
૧૯૫૯ની ફિલ્મ ‘પૈગામ’નુ ગીત એક પ્રોત્સાહક ગીત છે,.
इंसान का इनसान से हो भाईचारा
यही है पैगाम हमारा
નિરાશ મોતીલાલને પ્રોત્સાહિત કરતા દિલીપકુમાર પર આ ગીત રચાયું છે. રચના છે કવિ પ્રદીપજીની અને સંગીતકાર છે સી. રામચંદ્ર જેના ગાયક છે મન્નાડે.
૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’નુ ગીત એક ભોળા યુવાનના મનોભાવ વ્યક્ત કરે છે.
सब कुछ सिखा हमने
ना सीखी होशियारी
कहते है दुनियावालो
के हम है अनाडी
સાદી સીધી વ્યક્તિને દુનિયા અનાડી સમજે છે તે આ ગીતનો મતલબ છે જે રાજકપૂર પર રચાયું છે. શૈલેન્દ્રના શબ્દો છે અને શંકર જયકિશનનુ સંગીત. ગાયક મુકેશ.
૧૯૬૦ની ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’નુ ગીત જોઈએ.
दिल अपना और प्रीत पराई
किसने है ये रीत बनाई
પ્રણય ત્રિકોણ પર રચિત ફિલ્મનુ આ ગીત પોતાના પ્રેમીને અન્ય સાથે લગ્ન કરેલા જોઈ હતાશ મીનાકુમારી પર રચાયું છે. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિશનનુ સંગીત જેને સ્વર આપ્યો છે લતાજીએ.
૧૯૬૦ની ફિલ્મ ‘છલિયા’નુ આ ગીત જુદા જ પ્રકારની ભાવના વ્યક્ત કરે છે
छलिया मेरा नाम छलिया मेरा नाम
हिन्दू मुस्लिम सिख इसाई सब को मेरा सलाम
ખીસાકાતરૂ તરીકે રાજકપૂર પર આ ગીત રચાયું છે જેમાં તે એક સંદેશો પણ આપે છે. કમર જલાલાબાદી આ ગીતના રચયિતા છે જેને સંગીત આપ્યુ છે કલ્યાણજી આણંદજીએ. ગાયક છે.મુકેશ.
૧૯૬૦ની ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’નુ આ ગીત એક રોમાન્ટિક ગીત છે.
चौदहवी का चाँद हो या आफताब हो
जो भी हो तुम खुदा की कसम लाजवाब हो
સુતેલી વહીદા રહેમાનના રૂપને જોઇને ગુરુદત્ત આ ગીત ગાય છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે રફીસાહેબનો.
https://youtu.be/wRbBORKhGYg?si=KE6RewP9FIGbwUjb
૧૯૬૦ની ફિલ્મ ‘બરસાત કી રાત’નુ ગીત પ્રેમીને આવતી યાદને રજુ કરે છે.जिंदगी भर नहीं भूलेगी वो बरसात की रात
एक अनजान हसीना से मुलाक़ात की रात
ભારત ભૂષણ પર રચાયેલ આ ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને રોશનનુ સંગીત. ગાયક રફીસાહેબ.
આ જ ગીત બીજીવાર એક યુગલ ગીત તરીકે મુકાયું છે
जिंदगी भर नहीं भूलेगी वो बरसात की रात
एक अनजान मुसाफिर से मुलाक़ात की रात
મધુબાલા અને ભારતભૂષણ આ ગીતના કલાકાર છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને રોશનનુ સંગીત. લતાજી અને રફીસાહેબ ગાયક કલાકારો.
૧૯૬૧ની ફિલ્મ ‘આસ કા પંછી’નુ ગીત એક સકારાત્મક ગીત છે.
दिल मेरा एक आस का पंछी
उड़ता है ऊंचे गगन पर
पहुचेगा एक दिन कभी तो
चाँद की उजली जमीं पर
રાજેન્દ્ર કુમાર સૈનિકના રૂપમાં છે અને આ ગીત દ્વારા પોતાના ભાવ વ્યક્ત કરે છે જેના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયક કલાકાર સુબીર સેન.
૧૯૬૧ની ફિલ્મ ‘જંગલી ‘નુ આ ગીત પણ પ્યારમાં પડેલા યુવાનોનુ માનીતું ગીત છે.
चाहे कोई मुझे जंगली कहे
कहने दो जी कहता रहे
हम प्यार के तुफानो में गिरे है
हम क्या करे
શમ્મીકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ખુલ્લા દિલે ગાનાર છે રફીસાહેબ
૧૯૬૧ની ફિલ્મ ‘સારંગા’નુ આ ગીત એક વિરહગીત છે.
सारंगा तेरी याद में नैन हुए बेचेन
मधुर तुम्हारे मिलन बिना
दिन कटते नहीं रैन
સુદેશકુમાર પોતાની વેદના ભરત વ્યાસના શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. સરદાર મલિકનુ સંગીત અને ગાયક મુકેશ.
૧૯૬૧ની ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ના આ ગીતમાં પ્રેમમાં પાગલ વ્યક્તિ પોતાના મનોભાવને વાચા આપે છે.
हो हो हो जिया हो जिया दोबोल दो
अरे ओ दिल का पर्दा खोल
जब प्यार किसी से होता है
तो दर्द सा दिल में होता है
ટ્રેનમાં મુસાફરી કરતી રિસાયેલી આશા પારેખને મનાવવા દેવઆનંદ કારની છત પર બેસી આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. રફીસાહેબનો સ્વર.
૧૯૬૧ની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’નુ આ ગીત દેશભક્તિના ગીતના પ્રકારનુ છે.
होठो पे सच्चाई रहती है
दिल में सफाई रहती है
हम उस देस के वासी है
जिस देस में गंगा बहती है
કલાકાર છે રાજકપૂર. ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. ગાનાર કલાકાર છે મુકેશ.
૧૯૬૨ની ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા’નુ આ ગીત જોઈએ.
बोल मेरी तकदीर में क्या है
मेरे हमसफर अब तो बता
जीवन के दो पहेलु है
हरियाली और रास्ता
માલા સિંહા કલાકાર છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયિકા લતાજી.
આજ ગીત બીજી વાર પણ આવે છે જેમાં માલા સિંહા સાથે મનોજકુમાર પણ દેખાય છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિશને. સ્વર આપ્યો છે લતાજી અને મુકેશે.
૧૯૬૨ પછીની ફિલ્મો ભાગ બેમાં
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૨૨. ફારૂક કૈસર
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સોથી વધુ ફિલ્મોમાં ચાર સોથી વધુ ગીતો લખનાર ફારૂક કૈસરની યાદ નવી પેઢીને આપવી હોય તો એમ કહેવાય કે મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ ડિસ્કો ડાંસર ‘ નું ધૂમ ચાલેલું ગીત ‘ ઔવા ઔવા કોઈ યહાં ઓહો નાચે નાચે ‘ એમણે લખેલું ! કેવી વિડંબના ?
ફારૂક કૈસરની કારકિર્દી શરુ થઈ છેક ૧૯૫૦ થી પણ એમને ખ્યાતિ મળી ફિલ્મ અજી બસ શુક્રિયાના ગીત ‘ સારી સારી રાત
તેરી યાદ સતાએ ‘ થી. એ પછી પણ ‘ દિલ લૂટને વાલે જાદૂગર ‘ ( મદારી ), ‘ સાઝે દિલ છેડ દે ક્યા હંસી રાત હૈ ‘ ( પાસપોર્ટ ), ‘ તુમ કો પિયા દિલ દિયા કિતને નાઝ સે અને ચમન કે ફૂલ ભી તુજકો ગુલાબ કહતે હૈં ‘ ( શિકારી ) , ‘ હંસતા હુઆ નૂરાની ચેહરા ‘ (પારસમણિ), ‘ બાત જરા હૈ આપસ કી ‘ ( જહાં પ્યાર મિલે) , ‘ તુજ પે કુરબાન મેરી જાન ‘ (કુરબાની) અને ‘ નઝર મેં બિજલી અદા મેં શોલે ‘ ( પ્રિંસ ) ખાસ્સા લોકપ્રિય થયા. ૭૦ અને ૮૦ ના દાયકામાં મિથુન ચક્રવર્તી અને દિગ્દર્શક રાકેશ રોશનના એ માનીતા ગીતકાર હતા .એમણે ગઝલો લખી પણ નહીંવત. જે હાથ લાગી તે દુર્લભ છે અને બહુ જ ઓછી સંભળાતી પણ. અહીં આપી છે એ પહેલી ગઝલ તો સુલોચના કદમ નામની ગાયિકાએ અદ્ભૂત ગાઈ છે ! પેશ છે :
વો આએ હૈં દિલ કો કરાર આ ગયા હૈ
મુહોબત સે દિલ પે નિખાર આ ગયા હૈહુએ પૂરે અરમાં ખિલી દિલ કી કલિયાં
મેરા આજ રશ્કે બહાર આ ગયા હૈટપકને લગી હૈ અદાઓં સે મસ્તી
નિગાહોં મેં દિલ પે ખુમાર આ ગયા હૈમૈં અપની વફાઓં કે કુરબાન જાઉં
મેરા ચૈન મેરા કરાર આ ગયા હૈ ..– ફિલ્મ : મલ્લિકા સલોમી ૧૯૫૩
– સુલોચના કદમ
– કૃષ્ણ દયાલ
( નવા ગીતોના શોખીનોને ‘ બહોત પ્યાર કરતે હૈં તુમકો સનમ ‘ યાદ ન આવે તો જ નવાઈ ! )
તુમ સે કરતે ન અગર પ્યાર તો અચ્છા હોતા
દિલ કો લગતા ન યે આઝાર તો અચ્છા હોતાદિલ કી ઝિદ ને હમેં બદનામ ઝમાને મેં કિયા
પહલે હી માનતે ગર હાર તો અચ્છા હોતાસુખ કી દો ચાર ઘડી હાએ બિતાતે હમ ભી
ગૈર બનતે ન જો દીવાર તો અચ્છા હોતામૌત સે પહલે હૈ અબ એક તમન્ના દિલ કી
દેખ લેતે તુમ્હેં એક બાર તો અચ્છા હોતા..– ફિલ્મ : સખી લુટેરા ૧૯૫૫
– આશા ભોંસલે
– ઈકબાલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
બાળ ગગન વિહાર – મણકો – ૨૯ – વાત અમારા દીમાન્તેની
શૈલા મુન્શા
આંધળાની સામે તમે મૂક્યો અરીસો,
ને પાંગળાની પાસે મૂક્યો પહાડ;
બહેરાની આસપાસ સૂનમૂન ઊભા છે અહીં
પંખીના ટહુકાના ઝાડ!– સુરેશ દલાલ
દીમાન્તે જેવા અબૂધ બાળકની પણ એવી જ કોઈ વિડંબણા હતી. માબાપના છૂટાછેડાનુ પરિણામ એ ભોગવી રહ્યો હતો.
દીમાન્તે એક આફ્રિકન બાળક દશ વર્ષની ઉંમર પણ ઉંમરના પ્રમાણમાં થોડો મોટો લાગે. ઍટલાન્ટા દાદી સાથે રહેતો હતો કારણ, મમ્મી-પપ્પા અલગ થયા અને મમ્મીએ બીજા લગ્ન કર્યાં. પપ્પાનુ કામ એવું કે કામધંધા અર્થે બહારગામ વધુ જવું પડે. આ કારણસર દાદીએ દીમાન્તેને સંભાળવાની જવાબદારી લીધી. થોડા સમય પહેલાં દાદીનું અવસાન થયું, એટલે દીમાન્તે હ્યુસ્ટન આવ્યો હતો એના પપ્પા પાસે.
બાળપણથી જ કોઈ પણ જાતના પ્રેમ લાગણી વગર ઉછરેલા દીમાન્તેની જિંદગી ફુટબોલની જેમ જ આમતેમ ફંગોળાતી રહી હતી. દીમાન્તે દિવ્યાંગ બાળક હતો, પણ આવી પરિસ્થિતિને કારણ દિવસે દિવસે એનું વર્તન આક્રમક બનતું ગયું.
દીંમાન્તેની વય દશ વર્ષની હતી એટલે એને અમારા “Life skill” ના ક્લાસમાં દાખલ કરવામાં આવ્યો હતો.
“Life skill” ના વર્ગમાં એકથી પાંચમાં ધોરાણના બાળકો એક સાથે જ હોય, ફક્ત હર વર્ષ એમની ઉંમર પ્રમાણે એમની ફાઈલ બદલાતી જાય અને લેબલ પણ! પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં. દીમાન્તેને એની વય અનુસાર પાંચમાં ધોરણમાં દાખલ કરવામાં આવ્યો હતો.જે વર્ષે દીમાન્તે અમારા ક્લાસમાં આવ્યો ત્યારે બાર બાળકો પહેલેથી જ ક્લાસમાં હતા અને જુદી જુદી વયના હતા. ઉંમરના હિસાબે દીમાન્તેને પાંચમા ધોરણ નુ લેબલ લાગ્યું હતું પણ એના વર્તનને અને પાંચમા ધોરણનો કોઈ તાલમેલ નહોતો. માનસિક રીતે એ ઘણો બાળક બુધ્ધિ હતો.
બેચાર દિવસ તો દીમાન્તેનું વર્તન બહુ ચિંતાજનક નહોતું. એ નવો હતો અને એને માટે આ જગ્યા, આ વાતાવરણ પણ નવું હતું, પણ બે ચાર દિવસમાં જ એના તોફાને માઝા મુકી. ક્લાસમાં કબાટ પર ચડી જતો, ખુરશી ઉપાડીને છૂટ્ટો ઘા કરતો,અચાનક ચીસાચીસ કરે અને સહુ ડરી જતા.. પહેલીવાર જ્યારે એ ટેબલ પર ઊભો થઈ કબાટ પર ચડ્યો કે બીજા બધા બાળકો ડરના માર્યા બાજુના નાના બાળકોના ક્લાસમાં દોડી ગયા. દિવ્યાંગ બાળકોના બંને ક્લાસ હમેશ એક કૉમન દરવાજાથી જોડાયેલા રહેતા. દિવ્યાંગ બાળકોને સદા વધુ મદદની જરૂર હોય અને અમે બધા શિક્ષકોને પરિસ્થિતિ કેમ સંભાળવી અને બાળકોને કેવી રીતે મદદરૂપ થવાનું શિક્ષણ હમેશા અપાતું.
દીમાન્તેના એ વર્તનથી અને દોડી આવેલા મોટા બાળકોને જોઈ બાજુના ક્લાસના નાના બાળકો ગભરાઈને રડવા માંડ્યા હતા. મને બરાબર યાદ છે કે અમારો નાનો મિકેલ તો ડરીને ટેબલ નીચે સંતાઈ ગયો હતો અને બીજા બાળકો પણ અમારી પાછળ કે અમારો હાથ પકડી, અમારી સોડમાં લપાઈ ગયા હતાં.
બે ત્રણ દિવસો તો બહુ કપરાં ગયા. ભૂકંપ કે સુનામી આવે ને જેવી દશા થાય એવી દશા અમારા બાળકોની હતી. આવા દિવ્યાંગ બાળકો માટે અમેરિકામાં ખૂબ જ તકેદારી અને સવલતો હોય છે. તરત જ સાયકોલોજીસ્ટ, Social worker, Special Ed Dept. Head બધાનો શંભુમેળો ભેગો અમારી સ્કૂલમાં ભેગો થયો. વારાફરતી બધા ક્લાસમાં આવતા દીમાન્તેને ચૂપચાપ જોયા કરતા પણ આ દિવ્યાંગ બાળકોની મનઃસ્થિતિ સમજવી ખૂબ જ અઘરી હોય. તકલીફ એ થઈ કે જ્યારે જ્યારે બધા આવ્યા હતા ત્યારે દીમાન્તે સામાન્ય બાળકની જેમ શાંતિથી પોતાનું કામ કરતો હતો.
અમેરિકાની શૈક્ષણિક પધ્ધતિની ખૂબી સાથે ખામી પણ છે. બધું કામ પધ્ધતિસર થવું જોઈએ. કાગળ પર જે લખાયું તે વંચાયું. દીમાન્તે ઍટલાન્ટાથી આવ્યો હતો એટલે ત્યાંથી એના રિપોર્ટ તો આવ્યા હતા પણ પાછા હ્યુસ્ટનમાં નવા રિપોર્ટ કાઢ્યા. આમાં દીમાન્તેની મનઃસ્થિતી સમજવાનો પ્રયાસ જ કોઈએ કર્યો નહીં.
દીમાન્તે જેવા બાળક માટે એક વાત તો નક્કી હતી કે એના માટે દસ બાર બાળકો હોય એવો ક્લાસ યોગ્ય નહોતો. અણજાણતા એ કોઈને અથવા પોતાને પણ હાનિ પહોંચાડી બેસે પણ આ બધું સાબિત થવું જોઈએ, જ્યારે આ બધું સાબિત કરવા માટે કાગળીયાં કરવામા જ એટલો બધો સમય ગયો અને એ દરમિયાન અમે સતત ચિંતિત રહેતા કે કોઈને હાનિ ના પહોંચે કારણ બધા બાળકોની સલામતી એ અમારો પ્રથમ ધ્યેય હતો.
ઍટલાન્ટામાં એ ખાસ ક્લાસમાં હતો જ્યાં બે થી ત્રણ બાળકો ક્લાસમાં હતા અને બે શિક્ષક ધ્યાન રાખનારા હતા. દીમાન્તે અચાનક બેત્રણ ને બદલે દશ બાર છોકરાઓના ક્લાસમાં આવી ગયો હતો અને એ ક્લાસમાં પહેલેથી જ બે ત્રણ મોટા છોકરાં આક્રમક વલણવાળા હતા.
એવું કહેવાય છે કે સરકારી ઑફિસોમાં માણસો જેમ જૂના થાય તેમ ખાઈ બદે. સરકારના જમાઈ બની જાયને દાદાગીરી કરતાં થઈ જાય તેમ “Life skill” ના ક્લાસમાં જે બાળકો પાંચ વર્ષ એક જ ક્લાસમાં હોય એટલે એમનામાં પણ થોડો માલિકી ભાવ આવી જાય અને પોતાનુ ધાર્યું કરવાનો પ્રયત્ન કરે. સમજ તો બહુ હોય નહીં અને અનુકરણ જલ્દી શીખી જાય આ બધું દીમાન્તેને ઉશ્કેરવા માટે પૂરતું હતું.
ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને દીમાન્તેને થોડા વખતમાં જ જેને Special need Behaviour class કહેવાય ત્યાં મોકલવાની વ્યવસ્થ થઈ.
આવા દિવ્યાંગ બાળકોનું ભવિષ્ય સુધરે એનો અમે સતત પ્રયાસ કરતાં અને જ્યારે જ્યારે એમને યોગ્ય માર્ગદર્શન મળતું એમની પ્રગતિ થતી અને અમને માતાપિતા અહોભાવથી એ વાત કરતાં ત્યારે એમની આભારવશ આંખો અમારું મનોબળ વધુ મજબૂત કરતી.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
” જેવા સાથે તેવા “, એટલે ?
હરેશ ધોળકિયાસામાન્ય રીતે કોઈ મોટા માણસનાં વિધાન વાંચીએ તો તેમાંથી પ્રેરણા મળે છે. જીવવાનું બળ મળે છે. પણ કયારેક તેમનું કોઈ વિધાન વિચારમાં નાખી દે છે. એ વિધાન સાચું છે કે બિનજરુરી, તેવો વિચાર આવે છે. પણ બોલનાર વ્યકિત બહુ જ વિચારક હોય તો સીધું તેને નકારી પણ ન શકાય. એટલે તે બાબતે ઝીણવટથી વિચાર કરવો પડે છે.હમણાં સ્વામી વિવેકાનંદનું એક વિધાન વાંચ્યું. વિવેકાનંદને વાંચવા એ જીવનનો એક અલભ્ય લહાવો છે. તેમનું એક એક વિધાન સમગ્ર અસ્તિત્વને રણઝણાવી નાખે તેવું હોય છે. છેલ્લા છ દાયકાથી તેનું સેવન ચાલે છે એટલે તેનું મહત્વ બરાબર ખ્યાલ છે. એટલે જરા વિચિત્ર લાગે તેવું વિધાન વાંચ્યું એટલે વિચારમાં પડી જવાયું.આ વિધાન શિક્ષણ સંદર્ભે છે. વિવેકાનંદે શિક્ષણ વિશે ઊંડું ચિંતન કરેલ છે. તેમનું વિધાન ” શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલ પૂર્ણતાની અભિવ્યકિત” શિક્ષણની સર્વોતમ વ્યાખ્યા છે. આવી વ્યાખ્યા આજ સુધી કોઈએ નથી આપી. આ સંદર્ભે ” પૂર્ણતા”, ” ચારિત્ર્યનું શિક્ષણ” ” મનુષ્ય બનાવતું શિક્ષણ” વગેરેની તેમણે વિસ્તૃત રીતે વિચારણા કરી છે. એ તો વાંચીએ તો જ સમજાય. પણ તેમણે શિક્ષણ અને શિક્ષક બાબતે ઉતમ ચર્ચા કરી છે. ત્યારે આ વિધાન જરા વિચારમાં પાડી દે તેવું છે.વિધાન આમ છે : ” જો કોઈ છોકરાઓ સાથે લાબા સમય સુધી શિક્ષણ આપવાનું કામ કરે, તો એ વ્યકિતની બુધ્ધિ બુઠ્ઠી બની જાય છે. તેને કારણે તેની બુધ્ધિની પ્રતિભા નથી પ્રગટતી. જો કોઈ છોકરાઓનાં ટોળાં વચ્ચે રાત દિવસ રહે, તો તે મંદ બુધ્ધિના બની જાય છે.”આ તો ભારે વિચિત્ર વિધાન છે. શિક્ષણ આપવા માટે છોકરાઓ સાથે તો રહેવું જ પડે. લાંબો સમય પણ રહેવું પડે. તેમના સાથે જ રહીને કામ કરવું પડે. તો શું ” આવા” શિક્ષકોની બુધ્ધિ બુઠ્ઠી કે મંદ થઈ જતી હશે ? વિચારમાં પડી જવાય તેવું વિધાન છે.આપણે તો સદીઓથી ઉતમ શિક્ષકોને જોતા આવ્યા છીએ. અનેક શિક્ષકોએ જ તેના વિદ્યાર્થીઓને મહાનતા તરફ વાળ્યા હોય છે. ખુદ વિવેકાનંદને રામકૃષ્ણ તરફ આકર્ષનાર તેના કોલેજના આચાર્ય જ હતા. રામકૃષ્ણ પાસે મહેન્દ્રનાથ ગુપ્ત હતા જેની પ્રેરણાથી અનેક યુવકો રામકૃષ્ણ વિવેકાનંદ તરફ આકર્ષાયા હતા અને સન્યાસીઓ બન્યા હતા. તે મહેન્દ્રનાથ પણ શિક્ષક જ હતા. ટાગોર પણ શિક્ષક હતા. તેમની બુધ્ધિ તો પ્રજ્ઞા જ હતી. ભૂતકાળમાં પણ સાંદીપની, દ્રોણ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ચાણકય-આ બધા પણ શિક્ષકો જ હતા. કોની બુધ્ધિ વધારે પ્રતિભાશાળી હતી તે કહેવું પણ મુશ્કેલ છે. આજે પણ દર વર્ષે અનેક શિક્ષકો રાજય કે રાષ્ટ્ર સ્તરે ઉતમ શિક્ષકો જાહેર થાય છે. તે બધા મંદ બુધ્ધિના ?બરાબર, પણ વિવેકાનંદ પણ સમજયા-વિચાર્યા વિના તો ન જ બોલેને ? એ કંઈ ફેંકાફેંક કરનારા વિચારક ન હતા. પોતા તરફ ધ્યાન ખેંચાય એટલે ગમે તેવાં વિધાનો કરનારા પણ ન હતા. તેમના મોમાંથી નીકળતો એક એક શબ્દ ઉપનિષદ-ગીતા-તત્વજ્ઞાનમાં બોળાઈને બહાર આવતો હતો. તેમના દરેક શબ્દની અમૂલ્ય કિંમત હતી. એટલે સીધી ટીકા કરવા બદલે આ વિધાન પર વિચાર કરવાની જરુર છે.પહેલો મુદો એ છે કે છોકરાઓની સંગત શિક્ષકને મંદ બુધ્ધિના બનાવે છે.આનો અર્થશું?એક કહેવત કહે છે કે જેવા સાથે રહો, તેવા થઈ જવાય. અહીં ‘ જેવા’ એટલે ‘છોકરા’ મનાય. એટલે પહેલો અર્થ તો એ થયો કે છોકરાઓ, અથવા તો વિદ્યાર્થીઓ, મંદ બુધ્ધિના હોય તો જ શિક્ષક તેવા થાય.શું વિદ્યાર્થીઓ મંદ બુધ્ધિના હોય છે ?વિદ્યાર્થીઓ મંદ બુધ્ધિના તો નથી હોતા, પણ શરુઆતમાં “અજ્ઞાની” હોય છે. શિક્ષકના કામની શરુઆત અજ્ઞાની બાળકો સાથે થાય છે. આ વિધાન પ્રમાણે શિક્ષક પણ આવાં બાળકોની સંગતથી અજ્ઞાની થઈ જાય છે.થઈ જાય છે ? અથવા તો થવાય?થવાય, જો ધ્યાન ન રખાય તો.ઘ્યાન રાખવું એટલે શું?શિક્ષક વર્ગમાં જાય ત્યારે તેને ખ્યાલ હોવો જોઈએ કે બાળકો અજ્ઞાની છે. તેમને તેણે જ્ઞાન તરફ દોરવાનાં છે. પણ મોટા ભાગના શિક્ષકો બાળકોને જ્ઞાન તરફ દોરવાને બદલે બાળકોના અજ્ઞાન પર અટકી પડે છે. બાળકને ન આવડે તો ધીરજ રાખી ક્રમશઃ તેને જ્ઞાન તરફ દોરવાને બદલે તેના અજ્ઞાનની ટીકા કરવા પર અટકી પડે છે. જો આમ બને, તો વિવેકાનંદ કહે છે તેવી ઘટના બનવાનો સંભવ છે. આવો શિક્ષક જો રાત દિવસ કે લાંબો સમય બાળકો સાથે રહે, તો તે બાળકોની મર્યાદાઓ જ જોયા કરશે અને તેની ટીકા કર્યા કરશે.ટીકા કરવાથી તો બાળક સુધરવાનું નથી. ટીકાથી તેના જ્ઞાનમાં પણ વધારો થવાનો નથી. ટીકાથી તો બાળક હતાશ થઈ જાય તેવો સંભવ છે. અને જો વારંવાર આવી ટીકા કર્યા કરાય, તો તો બાળક વધારે મંદ પડતું જશે. આવી પરિસ્થિતિમાં લાંબો સમય રહેનાર પોતે પણ મંદ પડતા જશે. શિક્ષકને ભણાવવાની ઈચ્છા જ નહીં થાય. પરિણામે તે પણ વાસી બનતો જશે. વિવેકાનંદનું વિધાન સાચું ઠરશે.પણ જો શિક્ષક જાગૃત હશે, તો તે બાળકના અજ્ઞાનને ચોકકસ જોશે, પણ તેની ટીકા નહીં કરે. તે જાણતા હશે કે બાળક ભલે અજ્ઞાની છે, પણ તેના પાસે જિજ્ઞાસા પણ છે. તેનામાં શીખવાની તત્પરતા પણ છે. એટલે તે બાળકની મર્યાદા જોવા બદલે તેની જિજ્ઞાસા પર ધ્યાન આપશે. તે તેની જિજ્ઞાસાને ઉશ્કેરશે. જ્ઞાન તરફ દોરશે. વિચારવા પ્રેરશે. આવું થશે તો બાળકની જિજ્ઞાસા પ્રદિપ્ત થશે અને તે વધારે જ્ઞાન મેળવવા તરફ દોરાશે. આવાં બાળકો વચ્ચે શિક્ષક ગમે તેટલો લાંબો સમય રહે તો પણ તે મંદ બુધ્ધિનો નહીં બને.પણ તેની શરત છે શિક્ષકની ”જાગૃતિ.” જાગૃત શિક્ષકને જમીની હકીકતની ખબર છે. તેને બાળકના અજ્ઞાનનો પણ ખ્યાલ છે. તેને એ પણ ખબર છે કે જો તે પ્રયાસ નહીં કરે તો બાળક અજ્ઞાન જ રહેશે. અને આવાં બાળકો સાથે પોતે રહેશે તો, સમય જતાં, તેનું પણ અજ્ઞાન વધતું જશે. એટલે તે બાળકો પાસે જવા પહેલાં જ જાગૃત થઈ જાય છે. બાળક સામે કઈ રીતે જ્ઞાન પીરસવું તેની તૈયારી કરે છે. બાળકની જિજ્ઞાસાને કેમ ઉશ્કેરવી તેનો પણ અભ્યાસ કરે છે. તાલીમ લે છે. જિજ્ઞાસા ઉશ્કેરાય પછી તેને કેમ સંતોષવી તેનાં પગથિયાં ( પઘ્ધતિ) પણ તે જાણે છે. એ પ્રમાણે જ તે શિક્ષણ આપે છે.બીજું, જાગૃત શિક્ષકને બાળકના અજ્ઞાનની ચોકકસ ખબર છે. પણ તેથી પોતે પણ અજ્ઞાની રહેવાનું છે તેમ નથી માનતા. અજ્ઞાન સામે લડવાનો એક માત્ર ઉપાય વધારે જ્ઞાન મેળવવાનું છે. ” જેવા સાથે તેવા” કહેવતને તે બરાબર સમજે છે. જેમ કોઈ સામે કોઈ તલવારથી લડવા આવે અથવા હુમલો કરે, તો સામે તલવાર ચોકકસ લેવાની છે, પણ ‘ જેવા સાથે તેવા’ ન્યાયે સાથે ઢાલ પણ રાખવાની છે. લડવા સાથે પોતાનો બચાવ પણ કરવાનો છે. માટે ઢાલ. અથવા અત્યારે બુલેટ પ્રૂફ જેકેટ.એટલે જાગૃત શિક્ષક, બાળક ગમે તેટલું અજ્ઞાની હોય છતાં, પોતે તો સતત જ્ઞાન મેળવતા રહેશે. આ જ્ઞાન તે બાળકને આપશે. શિક્ષકનું સતત વધતું જ્ઞાન અને જાગૃતિ જ બાળકને પ્રેરશે અને તે પણ જ્ઞાન મેળવવા તરફ પ્રેરાશે. બાળકના અજ્ઞાન સામે શિક્ષક જ્ઞાનથી લડશે. એટલે, સંભવ છે, બાળકને તો જ્ઞાન મેળવવામાં સમય લાગશે. ઘણો સમય તે અજ્ઞાનમાં પણ રહેશે.પણ તેથી શિક્ષક જ્ઞાન મેળવવાની પ્રક્રિયામાં ઢીલ નહીં કરે. પોતે તો સતત જ્ઞાન વધારતો જશે. તેની આ જ્ઞાન સાધના જ બાળકને વધારેને વધારે પ્રેરશે. આવા જાગૃત અને જ્ઞાનપ્રેમી શિક્ષકો જો લાંબો સમય પણ બાળકો સાથે રહેશે તો પણ મંદ બુધ્ધિના નહીં થાય. તેમની બુધ્ધિ બુટ્ટી નહીં બને. ઉલટું મંદ બુધ્ધિનાં અજ્ઞાની બાળકો તેમના સંપર્ક અને સંસર્ગથી જ્ઞાન તરફ દોરાશે અને આગળ વધશે.જો આવું થતું હોય, તો સ્વામીજીએ આવું વિચિત્ર વિધાન કેમ કર્યું હશે ?સ્વામીજીએ માનવ મનનો અભ્યાસ કર્યો હતો. મોટા ભાગનાં માનવ મન સામાન્યતામાં અને અભાનતામાં રહે છે. તેમનામાં જાગૃતિ કાં તો હોતી નથી અથવા તો મંદ હોય છે. પાછા આ બાબતે પણ તેઓ જાગૃત નથી હોતા. ” આ તો એમ જ હોય” એમ માનીને જ જીવતા હોય છે. ‘ આવા” લોકોમાંથી જો કોઈ શિક્ષક થાય અને લાંબો સમય બાળકો સાથે રહે, તો તે, સંભવ છે, મંદ બુધ્ધિના થવાના. તે બાળકોને જ્ઞાન તરફ દોરવાને બદલે બાળકોના અજ્ઞાનથી પ્રભાવિત થવાના અને તેની ટીકા-નિંદા કરવામાં સમય બગાડતા હોવાથી તેમનું જ્ઞાન પણ નથી વધતું અને બાળકોના જ્ઞાન વધારવામાં પણ તેઓ મદદરુપ થઈ શકતા નથી.એટલે બાળકોના સંસર્ગથી શિક્ષકની બુધ્ધિ બુઠ્ઠી કે મંદ બનતી નથી, પણ શિક્ષકની બુધ્ધિ જો જાગૃત ન હોય તો આવું બનવું સંભવ બને છે. બાળકોના સંસર્ગથી નહીં, જાગૃતિના અભાવે તે બુટ્ઠા રહે છે. બાળકો તો બાળકો છે. અજ્ઞાની જ છે. પણ તેઓ તો જ્ઞાન મેળવવા માગે છે. પણ તેમની જિજ્ઞાસા સુષુપ્ત છે. તમને ખ્યાલ નથી કે તેને કેમ જાગૃત કરવી. તે તો માત્ર શિક્ષક જ કરી શકે. પણ શિક્ષક પોતે જ જો અજાગૃત હોય, બાળક માનસ જાણતો ન હોય, કેવળ નોકરી કરવા જ આવ્યા હોય, જ્ઞાનપ્રેમી ન હોય, તો તે બાળકમાં જિજ્ઞાસા પ્રદિપ્ત કરી નહીં શકે. ઉલટું ટીકા-નિંદાથી બાળકની મૂઢતા વધારશે. તેની પણ સતત ટીકા તેને પોતાને પણ મૂઢ બનાવશે. મંદ બુધ્ધિના બનાવશે. એક વિચિત્ર વિષચક ઊભું થશે.એટલે આ વિધાન અજાગૃત શિક્ષકના સંદર્ભમાં છે. અને, કમનસીબે, મોટા ભાગના અજાગૃત સ્થિતિમાં રહે છે. પોતાની સામાન્યતા બાબતે સજાગ નથી હોતા. પોતામાં રહેલ અસામાન્યતા વિશે તેમને ખબર હોતી નથી. પરિણામે પણ અજાગૃત રહે છે. “આવા”, ફરી, કમનસીબે, બહુમતિમાં હોય છે. માટે વિવેકાનંદનું વિધાન સાચું ઠરે છે.તેને ખોટું પાડી શકાય છે. જાગૃતિ હોય તો !
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
