વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • બાપ અને દીકરો, ભેગા પણ ખરા અને જુદા પણ ખરા!

    વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

    મુળ લેખક  શ્રી રામ મનોહર વિકાસ

    અનુવાદઃ  જગદીશ પટેલ

    “મને લાગે છે કે તે રામા પીરનો ફોટો છે,” મેં દિવાલ પર લટકેલા અને માળા પહેરાવેલા એક મોટી ફ્રેમવાળા ફોટા તરફ ઇશારો કરતાં કહ્યું. ચિત્રના કેંદ્રમાં રામદેવ પીરને સફેદ ઘોડા પર બેસાડવામાં આવ્યા હતા અને તેમના હાથમાં તલવાર ધારણ કરી હતી અને ઘોડાની ફરતે ઘડિયાળની દિશામાં એક વર્તુળમાં રામા પીરના જીવનના મહત્વના બનાવો ચીતરવામાં આવ્યા હતા. સાંજે 6 વાગ્યાની સ્થિતિમાં રામા પીરનું વિચ્છેદ કરાયેલું માથું, મોટી આંખો અને મોટી મૂછો સાથે દર્શક તરફ જોતું હતું.

    [જો તમે રામદેવ પીર વિશે જાણવા આતુર હો તો તમે ડોમિનિક-સિલા ખાન (૨૦૦૩) દ્વારા રચિત “કન્વર્ઝન્સ એન્ડ શિફ્ટિંગ આઈડેન્ટિટીઝ: રામદેવ પીર એન્ડ ધ ઈસ્માઈલીસ ઇન રાજસ્થાન” નો સંદર્ભ લઈ શકો છો.]

    “તેઓ તેની પૂજા કરે છે,” પુત્રએ તેના પિતા તરફ સંકેત કરતા કહ્યું.

    “અને તમે?”

    “હું નથી કરતો. હું બૌધ છું. હું બાબાસાહેબને અનુસરું છું,” પુત્રએ સ્મિત સાથે કહ્યું અને ઉમેર્યું, “હું પહેલા માળે રહું છું. મારા ઘરમાં કોઈ હિંદુ દેવી-દેવતાઓના ફોટા નથી. જો કે ઘરમાં કોઇ પ્રસંગ હોય તો હું જોડાઉં છું. મારો તેમનો (હિંદુ દેવી દેવતા) સામે કોઈ વિરોધ નથી પણ હું બૌધ્ધ છું.”

    બાજુમાં બેઠેલા પિતા શાંતિથી સાંભળાતા હતા.

    પલંગ પર બેઠેલા પિતા-પુત્રની જોડીની પાછળ દિવાલ પર કબાટમાં મેં બુદ્ધ અને બાબાસાહેબનો એક ફોટોગ્રાફ જોયો જે કપ-રકાબી અને સિરામિક પૂતળાંના સંગ્રહ પાછળ છુપાયેલો હતો.

    થાનગઢ સુરેન્દ્રનગરથી ટ્રેન દ્વારા લગભગ ૪૮ કી.મીટરને અંતરે છે જે એક્સપ્રેસ ટ્રેન 45 મિનિટમાં કાપે છે. એક સમયે થાન સિરામિક ક્રોકરી માટે પ્રખ્યાત હતું. થાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની સામેની બાજુએ પરશુરામ પોટરી નામનું મોટું કારખાનું હતું. તે હવે બંધ છે.

    થાન હવે સેનિટરીવેર ઉત્પાદન માટે પ્રખ્યાત છે.

    [ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશને એક કલાક અને પિસ્તાળીસ મિનિટ મોડી આવી. જનરલ કોચ ખચોખચ ભરેલા હતા. ચમારજ, દિગસર, મૂળી રોડ, રામપરડા અને વાગડીયા સ્ટેશન પર ઉભી ન રહેતાં ગાડી સડસડાટ થાન પહોંચી. વાગડિયામાં અને તેની આસપાસના વિસ્તારમાં મેં કાળા પથ્થરના ટેકરાની બાજુમાં મશીનો ગોઠવાયેલા જોયા. મને આ વિસ્તારમાં કોલસાની ખાણ – ઘણે ભાગે ગેરકાયદેસર ખાણો- વિશે જાણ કરવામાં આવી;. મને જાણીને આશ્ચર્ય થયું કે આ વિસ્તાર 200થી વધુ કોલસાની ખાણોથી ભરેલો છે.]

    “થાનમાં અને તેની આસપાસ લગભગ ૩૦૦ સેનિટરી ચીજોનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ છે. જો કે, તેમાંથી કોઈ પણ પરશુરામ જેટલું મોટું નથી,” વૃદ્ધ વ્યક્તિએ કહ્યું. તેણે પોતાની ઉંમર ૭૫ વર્ષ હોવાનું જણાવ્યું.

    “તમને સિલિકોસિસ ક્યારે થયો?” મેં પિતાને પૂછ્યું.

    “મેં સિરામિક ઉદ્યોગમાં ૪૦ વર્ષ કામ કર્યું. ત્રીસ વર્ષ સુધી મેં પરશુરામમાં અને પછી ૧૦ વર્ષ નાની ફેક્ટરીઓમાં કામ કર્યું,” તેમણે કહ્યું.

    “તમે ત્યાં શું કરી રહ્યા હતા?”

    “મૈં ભરાઈ કા કામ કરતા થા – હું ફિલિંગ વર્ક કરી રહ્યો હતો,” તેણે શુધ્ધ હિન્દીમાં કહ્યું.

    મેડિકલ રિપોર્ટમાં COPDનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ). સીઓપીડી એ શ્વસનતંત્રનો એવો રોગ છે જેમાં હવા બહાર કાઢવી મુશ્કેલ છે. હોસ્પિટલના ડિસ્ચાર્જ કાર્ડની આગળની લાઇન “સિલિકોસીસ” માં પ્રશ્ન ચિહ્ન સાથે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમનો બીડી પીવાનો ઇતિહાસ પણ હતો.

    “ભરાઈ કા કામ શું છે – ભરવાનું કામ?”

    “તેમાં તમારે માટીને મોલ્ડમાં ભરવી પડે, પછી મોલ્ડને કાઢીને આગળની પ્રક્રિયા માટે સપાટી સાફ કરવાની હોય છે. આ સફાઇ દરમિયાન સપાટી પર જામેલી ધૂળને દૂર કરવામાં આવે છે. સફાઇ કરવા માટે દબાણપુર્વક હવા ઉત્પાદનો પર ફૂંકવામાં આવે છે. આ ખાતામાં આસપાસની ઘણી બધી ધૂળ પણ હોય છે,” તેમણે જણાવ્યું.

    “તમને આ રોગ ક્યારે થયો?”

    “2017-18થી હું નિયમિતપણે દવા લઈ રહ્યો છું. અગાઉ જ્યારે હું કામ કરતો હતો ત્યારે મને નિયમિતપણે છીંક આવતી હતી અને ખાંસી આવતી હતી, પરંતુ તે દવાથી ઠીક થઈ જતી હતી. તે ધૂળને કારણે થતું,” તેમણે કહ્યું અને ઉમેર્યું, “૧૯૯૪ સુધી મેં પરશુરામમાં કામ કર્યું હતું. પછી 2006 સુધી નાની ફેક્ટરીઓમાં.”

    “આ રોગ વકરતાં ૧૨ વર્ષ લાગ્યા?” મેં પુછયું.

    “હા,” તેણે કહ્યું અને માથું હલાવ્યું.

    દીકરો ઉભો થયો અને ઉપલા માળે તેના ઘરેથી મેડિકલ રિપોર્ટ્સ લેવા ગયો. મોટા ડ્રોઈંગ રૂમની અંદરના પ્રવેશદ્વારની નજીક સુગરીના છ ત્યજી દેવાયેલા માળાઓ લટકાવવામાં આવ્યા હતા. એવું લાગતું હતું કે હોલમાં છ ફેફસાં લટકાવવામાં આવ્યાં હોય! તેમાંથી એકમાં રણશીંગી તુતી (ટ્રમ્પેટર ફિન્ચ) પક્ષીઓએ માળો બનાવ્યો હતો. એકાએક બચ્ચાઓ અવાજ કરવા લાગ્યા. એવું લાગે છે કે તેઓ ખોરાકની અપેક્ષાથી ઉશ્કેરાયા હતા. માળાની ટોચ પર એમની મા ખોરાક લઈને બેઠી હતી. બહાર આંગણામાં બેમોસમ પડી રહેલો વરસાદ આંગણાના પથ્થર પર પડવાને કારણે વિશિષ્ટ સંગીત રેલાવતો હતો. આગળ સાંકડા રસ્તા પર બાળકો રમતા હતા. એક નાનકડી છોકરી રડવા લાગી કારણ કે એક નાના છોકરાએ તેના પર પાણી ફેંક્યું. તે આંગણામાં આવીને રડતી ફરિયાદ કરવા લાગી. છોકરાની માતા બહાર આવી અને છોકરાને સોરી કહેવા કહ્યું. તેણે “માફ કરશો” કહ્યું અને આ મુદ્દો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો.

    દીકરો મેડિકલ રિપોર્ટ્સવાળી બેગ લઈને આવ્યો.

    “તારી ઉંમર કેટલી છે?  મેં તેને પૂછ્યું.

    “૫૦ વર્ષ,” તેણે ડોકટરોની ફાઇલ અને કેસ પેપેર અને રિપોર્ટ કાઢ્યા અને મારી સામે ધર્યા

    એક કેસપેપરમાં “ફાઇબ્રોસિસ” લખ્યું હતું.

    “સ્વાસ્થ્યની સમસ્યા ક્યારથી શરૂ થઈ?” મે પુછ્યુ.

    “ગયા વર્ષે મે મહિનામાં મને ખાંસી શરૂ થઈ. હું સરકારી મેડિકલ હોસ્પિટલમાં ગયો. તેણે મને ગળફાનો ટેસ્ટ કરાવવા કહ્યું. ગળાફાના ત્રણેય રિપોર્ટમાં રિઝલ્ટ નેગેટિવ આવ્યું એટલે કે તેમાં ટીબીના જંતુ દેખાયા નહી. પણ ડૉક્ટરે ટીબીની દવા શરૂ કરી. ખાંસી ઓછી થઈ પણ શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ. ત્યારપછી, હું સુરેન્દ્રનગરની સી. યુ. શાહ હોસ્પિટલમાં ગયો. તે એક મોટી ખાનગી હોસ્પિટલ છે,” તેમણે કહ્યું.

    “મારા ફેફસાંની અંદર પાણી હતું (તબીબી પરિભાષામાં તેને પલ્મોનરી એડીમા કહેવામાં આવે છે). તેઓએ તેને બહાર કાઢ્યું અને દવા આપી. ડૉક્ટરે મને નિયમિતપણે એક દવા લેવાનું કહ્યું. ડૉક્ટરે કહ્યું કે તે દવા ફેફસાંને વધુ નુકસાન થતું અટકાવશે. ડોક્ટરે જો કે એમ પણ કહ્યું કે સ્થિતિ સુધરશે કે નહીં તેની ખાતરી નથી પણ તેણે મને દવા લેવાનું ચાલુ રાખવા કહ્યું. તે ખૂબ જ મોંઘી દવા છે,” પુત્રએ કહ્યું.

    “તેની કિંમત કેટલી છે?”

    “આ વખતે હું બે મહિના માટે દવા ખરીદવા ગયો હતો તેની કિંમત રૂ. ૯,૦૦૦/- (માત્ર નવ હજાર રૂપિયા) હતી. મારી પાસે પૈસા ન હતા તેથી મેં માત્ર 10 દિવસ માટે રૂ. ૧,૫૦૦/-માં દવા ખરીદી હતી,” તેણે છેલ્લા પર ભાર મૂકતા કહ્યું.

    “શું તમારી પાસે MA કાર્ડ છે (મુખ્યમંત્રી અમૃતમ યોજના MA ના નામથી જાણીતી છે)?”

    “ના. મારી પાસે આયુષ્માન કાર્ડ છે, પરંતુ તે હોસ્પિટલમાં ચાલતું નથી (સી. યુ. શાહ),” તેણે કહ્યું.

    “કેમ?” મે પુછ્યુ.

    “તેઓ આયુષ્માન ભારત કાર્ડ સામે મફત દવા આપતા નથી. તેઓ નજીવું ડિસ્કાઉન્ટ આપે છે,” તેમણે કહ્યું અને ઉમેર્યું, “મેં બીજી વખત રૂ. ૨,૦૦૦ /-માં ૧૫  દિવસ માટે દવા ખરીદી. મેં હજુ સુધી એક મહિનાના ડોઝની દવા ખરીદી નથી, ” તેણે કીધુ.

    “તમે દવા કેવી રીતે ખરીદશો?” મે પુછ્યુ.

    “ધીમે-ધીમે હું દવા ખરીદીશ. શું કરૂં? મારી પાસે પૈસા નથી. હું કોઈ કામ કરી શકતો નથી. ડૉક્ટરે મને કોઈ કામ કરવાની મનાઈ કરી છે. તેમણે કહ્યું કે જો હું કામ કરીશ તો દવા કામ નહીં કરે,” તેણે કહ્યું.

    “તમારા પરિવારમાં બીજું કોઇ કમાનાર નથી?” મેં પૂછ્યું.

    “મારી પુત્રી એક મોલમાં જાય છે. તે દર મહિને રૂ. ૫,૦૦૦/- કમાય છે. મારી પત્ની ઘરકામ કરવા જાય છે. તે દર મહિને રૂ. ૩,૦૦૦/- કમાય છે. મારા ઘરની કુલ માસિક આવક રૂ. ૮,૦૦૦/- છે,”

    “જેમાંથી રૂ. ૪,૫૦૦/- તમારી દવા પાછળ ખર્ચવામાં આવે છે અને તમારી પાસે દર મહિને રૂ. ૩,૫૦૦/- બચે છે. તમે કેવી રીતે મેનેજ કરશો?” મે પુછ્યુ.

    “હું મારી છેલ્લી ફેક્ટરીના શેઠ (માલિક) પાસે ગયો જ્યાં મેં સાત વર્ષ કામ કર્યું અને તેમને મારા તબીબી ખર્ચ વિશે જણાવ્યું. અહીં ઘણી નાની ફેક્ટરીઓ છે. તેમાંથી કોઈ પણ કામદારોને કાયમી રોજગાર આપતું નથી. તેનાથી વિપરીત, તેઓ જાણીજોઇને કોઇને કોઇ બહાને કારખાનું થોડા દિવસ બંધ કરે છે. વર્ષમાં ૩ – ૪  મહિના ગેસ ન મળવો અથવા માલનો ભરાવો થયો જેવા બહાના અથવા અન્ય બહાને ફેક્ટરી બંધ કરે છે. વધુમાં, રોજમદાર કામદારની કોઈ વ્યવસ્થા નથી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે. ધારો કે તમે ભારાઈ (ફિલિંગ)નું કામ કરો છો. તમે જેટલા નંગ તૈયાર કરીને ગ્લેઝિંગ કરવા આગળ મોકલો તે નંગ મુજબ તમને ચૂકવણી કરવામાં આવે છે,” તેમણે કહ્યું.

    હું સાંભળતો હતો.

    “મેં માલિકને કહ્યું કે હું ખરાબ તબિયતને કારણે છેલ્લા છ-સાત મહિનાથી કામ કરી શકતો નથી અને તેને મારૂ મેડિકલ બિલ બતાવ્યું. તેણે મને રૂ. ૫,૦૦૦/- આપ્યા. મેં તેમને કહ્યું કે મેં દવા અને હોસ્પિટલમાં દાખલ થવા પાછળ લગભગ રૂ. ૩૦,૦૦૦/- ખર્ચ્યા છે. પરંતુ તેણે મને માત્ર રૂ. ૫,૦૦૦/- આપ્યા,” તેણે કહ્યું.

    “સી. યુ. શાહને બદલે તમારે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં (તે સરકારી હોસ્પિટલ છે) જવું જોઈએ. સિલિકોસિસના દર્દીઓને મફત દવા આપવાનો સરકારી આદેશ છે. વધુમાં, ગઈકાલે હું RMO, સુરેન્દ્રનગરને મળ્યો હતો. તેમણે પુષ્ટિ કરી કે ત્યાં તમામ દવાઓ વિનામુલ્યે આપવામાં આવે છે તે વાત તેમણે સ્પષ્ટ કરી. સિલિકોસિસનો કોઈ ઇલાજ નથી. ડૉક્ટરો માત્ર લક્ષણોને ધ્યાનમાં રાખી સારવાર આપે છે. તમને સિલિકોસિસ થયો હોવાથી તમારે નિયમિત દવાઓ લેવી પડે છે,   તેથી તમે મફત દવા માટે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો.” વરિષ્ઠ સાથીદારે વાત કરી.

    “તમે સરકારી દવાખાને નથી ગયા?” મેં પૂછ્યુ.

    “ના,” પુત્રએ કહ્યું અને માથું હલાવ્યું.

    “થાનમાં કોઈ સરકારી હોસ્પિટલ છે?”

    “તેઓ અહીં કંઈ કરતા નથી. તેઓ ફક્ત કેસને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરે છે. અહીં કોઈ ડૉક્ટરો નથી,” તેમણે કહ્યું અને ઉમેર્યું, “સી. યુ. શાહ એક ખાનગી હોસ્પિટલ છે. ત્યાં પ્રવેશ માટે કોઈ ફી નથી પરંતુ તેઓ જે દવાઓ લખે છે તે ખૂબ ખર્ચાળ હોય છે. જો તમને ત્યાં દાખલ કરે અને ત્યાં ૫  – ૬  દિવસ રહેવું પડે તો ઓછામાં ઓછા રૂ. ૧૨,૦૦૦/- નો ખર્ચ થઇ જાય.”

    “તમે સરકારી દવાખાને, સુરેન્દ્રનગર ગયા હતા?”

    “ના, ત્યાં તેઓ આ રિપોર્ટ્સ આપતા નથી. તેથી હું સી. યુ. શાહમાં ગયો. તે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે. તેઓ સંપૂર્ણ રિપોર્ટ આપે છે. અન્ય કોઈ હોસ્પિટલમાં મને આવી સારવાર મળતી નથી,” તેણે કહ્યું.

    “તમે ESI હોસ્પિટલમાં ગયા હતા?” મેં પૂછ્યુ. [તે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના કર્મચારીઓનું રાજ્ય વીમા નિગમ છે.]

    દીકરો મારી સામે તાકી રહ્યો. મેં ત્રણ વાર પ્રશ્નનું પુનરાવર્તન કર્યું. તેને મારો સવાલ જ સમજાતો ન હતો. એ મોં વકાસીને જોતો રહ્યો. તેના પિતાએ દરમિયાનગીરી કરતાં કહ્યું, “તે બંધ કરવામાં આવ્યું છે.”

    દીકરાએ તેની સામે જોયું. પછી તેણે પૂછ્યું, “તમે બીમા કા દવાખાના વિશે પૂછપરછ કરો છો?”

    “હા,” મેં કહ્યું.

    “તે ત્યાં પહેલા હતું પરંતુ હવે તે અસ્તિત્વમાં નથી. તે પરશુરામ ઇન્ડસ્ટ્રીઝની નજીક સ્થિત હતું. ફેક્ટરી બંધ થયા પછી વીમા દવખાનું પણ બંધ થઈ ગયું હતું. થાનમાં વીમાનું એ એક જ દવાખાનું હતું,” તેમણે કહ્યું.

    “તે કેમ બંધ કર્યું?”

    “મને ખબર નથી. મારા પિતા કદાચ જાણતા હશે. હું પરશુરામમાં કામ કરતો ન હતો. હું ખાનગી (નાની) કંપનીઓમાં કામ કરતો હતો,” તેણે કહ્યું.

    “એટલે?”

    “એવા મોલ્ડ હોય છે જેમાં તમારે માટીની સ્લરી રેડવાની હોય છે. મોલ્ડને થોડો સમય મુકી રાખવામાં આવે છે. પાણી ધીમે ધીમે ચુસાઇ જાય છે અને માટી કડક બને છે. પછી મોલ્ડને દૂર કરવામાં આવે છે અને સપાટીને કાગળથી સાફ  કરવામાં આવે છે. કાગળની સપાટીને ઘસ્યા પછી હવાના દબાણથી સાફ કરવામાં આવે છે. આખો ઓરડો ધૂળથી ભરાઈ જાય છે.” તેણે કહ્યું.

    તે બોલી રહ્યો હતો ત્યારે લાઇટ ગઇ. તેણે આગળ કહ્યું, “આખો શેડ ધૂળથી ભરેલો રહે. જો તમે માસ્ક ન પહેર્યો હોય તો તમારા શ્વાસમાં સીધી જ ધૂળ જાય. જો તમે માસ્ક પહેર્યા હોય તો પણ થોડી ધૂળ તો શ્વાસમાં જાય જ. થાનમાં સિરામિક સિવાય બીજું કોઈ કામ નથી.”

    “થાનમાં કેટલા કારખાના છે?”

    “નાના મોટા થઇ લગભગ ૩૦૦ ” તેમણે કહ્યું.

    “બધા કારખાનામાં ભારાઇનું કામ હોય?”

    “હા. પછી, તેઓ રંગ નાખે છે. તેને ગ્લેઝિંગ વર્ક કહેવામાં આવે છે. તે વધુ જોખમી છે. આખી જગ્યા ધૂળથી ભરેલી હોય. તેમાં ખતરનાક રસાયણો પણ હોય છે. જો તે ફેફસાંની અંદર જાય તો કામદારો મૃત્યુ પામે છે. ઘણા કામદારો મૃત્યુ પામ્યા છે. ૪૦  વર્ષ જેટલા નાના છોકરાઓ મૃત્યુ પામ્યા. સ્થાનિક લોકો તેના વિશે જાણે છે. હવે, ગ્લેઝિંગ વિભાગમાં લગભગ કોઈ ગુજરાતી કામ કરતું નથી. માત્ર સ્થળાંતરિત કામદારો ત્યાં કામ કરે છે,” તેમણે કહ્યું.

    “એક દિવસમાં કેટલા નંગ બને છે?”

    “૨૦ – ૨૫  નંગ,” તેમણે કહ્યું.

    “તેની મજુરી કેટલી મળે?” મે પુછ્યુ.

    “રૂ.૯,૦૦ /- થી રૂ.૧,૦૦૦ /-,” તેમણે કહ્યું.

    “આ તો મોટી રકમ કહેવાય,” મેં કહ્યું.

    તેના પિતાએ દરમિયાનગીરી કરી. મને તેમનું હિન્દી તેના પુત્રની સરખામણીમાં ઘણું સારું લાગ્યું પણ હું તેનું કારણ પુછવાનું ભૂલી ગયો. તેમનું હિન્દીનું વ્યાકરણ અને ઉચ્ચારણ દોષરહિત હતું. તેણે કહ્યું, “આ રકમ ત્રણ કામદારો વચ્ચે વહેંચવામાં આવે છે. એક મુખ્ય કામદાર અને બે હેલ્પર હોય.”

    “હિન્દી (કામદારો) વધુ ઉત્પાદન કરે છે. ૪ – ૫ ની ટીમમાં કામ કરે છે અને એક દિવસમાં તેઓ ૪૦  નંગનું ઉત્પાદન કરે છે,” તેમણે કહ્યું.

    “તમે રોજની કેટલી કમાણી કરતા હતા?”

    “એક દિવસમાં હું રૂ. ૧,૩૦૦ /- જેટલી કમાણી થાય તેટલા નંગનું ઉત્પાદન કરતો. જો કે, તમારે બીજા દિવસે રજા રાખવી પડે કારણ કે નંગ ભીના હોય. તે બે દિવસ પછી સુકાય ત્યાં સુધી વાટ જોવી પડે. કામ બે કામદારો દ્વારા પૂર્ણ થાય છે. તેથી સરેરાશ કમાણી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ રૂ.૩૨૫/- થાય,” તેમણે કહ્યું.

    હું સાંભળતો હતો.

    “મારી પત્ની મારી સાથે મારા હેલ્પર તરીકે કામ કરતી હતી. તે અહીંનો શિરસ્તો કે પરંપરા છે. પતિ અને પત્ની બંને ભેગા મળી ભરાઈ કામ કરે છે,” તેણે કહ્યું.

    “તમારા પત્નીને ધૂળની અસર નથી થઈ?”

    “તે કામ કરતી હતી ત્યારે તેને સતત ખાંસી આવતી હતી. મેં કામ છોડ્યું પછી તેણે પણ કામ કરવાનું છોડી દીધું. ત્યારથી તેને કોઈ સમસ્યા નથી,” તેણે કહ્યું.

    “શું સ્ત્રીઓને સિલિકોસિસ જલદી લાગુ પડતો નથી?” મે પુછ્યુ.

    “મને ખબર નથી પણ તેઓ આ કામમાં મોડેથી જોડાયા હતા. મારા પત્ની લગ્ન પછી મારી સાથે કામ કરવા જોડાયા. તે મારી સાથે ફેક્ટરીમાં જોડાઈ ત્યારે હું પહેલેથી જ ત્યાં કામ કરતો હતો. જ્યારે મેં કામ છોડ્યું ત્યારે તેણે પણ કામ કરવાનું છોડી દીધું હતું. તેથી તેણે માંરા કરતાં ઓછા વર્ષો કામ કર્યું. વળી, પુરૂષોની તુલનામાં મહિલાઓને  ધૂળનો સંપર્ક ઓછો હોય છે,” તેમણે સમજાવ્યું.

    “તમે એક મહિનામાં કેટલા કમાતા?’

    “રૂ. ૧૮,૦૦૦/-,” તેમણે કહ્યું.

    “તમે કોઈ પૈસા બચાવી શકતા ન હતા?” મે પુછ્યુ.

    “મારે ત્રણ દીકરીઓ છે. મોટી દીકરીના લગ્ન કરાવ્યા તેનો ખર્ચ કાઢ્યો. મારી બીજી દીકરીને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હતી તેથી મારે સુરેન્દ્રનગર તેની સારવારનો ખર્ચ થયો,” તેણે કહ્યું.

    “તમારે લોન લેવી પડી હતી?”

    “ના. મેં મારા સંબંધીઓ પાસેથી રૂ. ૨,૦૦૦/- અથવા રૂ. ૩,૦૦૦ /-ની મદદ લીધી છે પણ મેં કોઈ લોન લીધી નથી. મારા ઘરનો કુલ ખર્ચ રૂ. ૮,૦૦૦ /- પ્રતિ મહિને થાય છે,” તેણે કહ્યું.

    “ગયા વર્ષે છઠ્ઠા મહિનાથી મેં કામ કર્યું નથી. હું સંપૂર્ણ આરામમાં છું. જો હું કામ કરું તો મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. દવાને કારણે હું થોડું ચાલી શકું છું,” તેણે કહ્યું અને ઉમેર્યું, “નહાતી વખતે પણ મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.”

    “તમે હંમેશા પાતળા હતા?” મે પુછ્યુ. એટલામાં લાઇટ આવી ગઇ.

    “ના, પહેલા મારું વજન ૬૦ કિલો હતું. બીમાર પડ્યા પછી હવે મારૂં વજન માત્ર ૪૭ કિલો છે. મેં ૧૩ કિલો વજન ગુમાવ્યું છે,” તેણે કહ્યું.

    “તમને તાવ પણ આવે છે?”

    “ના.”

    થોડી વારે તેણે કહ્યું, “મને હાંફ ચડે છે.”


    (વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના વિષય પરની આ કોલમ ૨૦૧૮માં મે મહીનામાં શરૂ કરી તેની આજે પાંચ વર્ષ પુરાં થયાં. આ ૬૦મો લેખ. ગીતા કથ્યા ‘કર્મણ્યે વાધિકારસ્તે, ના ફલેષુ કદાચન’ આદર્શ તરીકે ઠીક હશે પણ મારી માન્યતા નથી. માણસ તરીકે આપણે સતત સજાગ રહી આપણે જે કરતા હોઇએ તેના પરિણામ જોવા તપાસવા જોઇએ, મુલ્યાંકન કરવું જોઇએ અને તે મુજબ ફેરફારો કરવા જોઇએ. આ લખાણો કેટલા લોકપ્રિય થયા, કેટલા સમાજોપયોગી થયા, થયા એવો દાવો કે ન થયા તેવો દાવો પણ શાના આધારે કરવો; એ માટે આપણી પાસે ઉપલબ્ધ સાધનો ક્યાં? એ બધું જોતાં આપણા સમય શક્તિનો વધુ સારો ઉપયોગ સમાજ માટે શી રીતે થઇ શકે? આ બધું વિચારતા હવે આ કોલમને વિરામ આપવા નક્કી કર્યું છે. વેબ ગુર્જરીએ આટલા લાંબા સમય સુધી સહયોગ આપ્યો તે માટે વહીવટ કરનારા તમામનો ખાસ આભાર. ખાસ કરીને બીરેન કોઠારીએ આગ્રહપુર્વક લખાવ્યું તે માટે અને અશોકભાઇ વૈષ્ણવનો લખાણને સાઇટ પર વ્યવસ્થિત ગોઠવવો અને અનુરૂપ તસ્વીરો શોધી મુકવી, લિંક મુકવી અને સરસ રીતે રજુઆત કરવા માટે, કેટલાક લેખોમાં ફોન્ટ બદલી  આપવા માટે ઉર્વીશ કોઠારીનો આભાર માની વીરમું.)

    જગદીશ પટેલ


    શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M – +91 942648685


    ‘વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી’ જેવા વિષયો વિશે સામાન્યપણે બહુ જાણ આપણને હોતી નથી. જગદીશભાઇએ પાંચ વર્ષ સુધી આ વિષય પર બહુ રસ લઈને ખંતથી આ શ્રેણી હેઠળ આપણને આ વિષયનાં ઘણાં પાસાંઓથી માહિતગાર કરેલ છે.
    વેબ ગુર્જરી શ્રેણીને વિરામ આપવાના તેમના નિર્ણયને સ્વીકારવાની સાથે આ તકે તેમનો આભાર પણ માને છે.
    આશા કરીએ કે સમયોચિત વિષયો પર તેઓ તેમના અનુભવનો લાભ વેબ ગુર્જરીના વાચકો સાથે વહેંચતા રહેશે.
    સંપાદક મંડળ – વેબ ગુર્જરી
  • નદી એટલે જળ નહીં, પણ પ્રદૂષિત જળ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    નદીને લોકમાતા કહેવામાં આવે છે, એ વાક્ય હવે કદાચ શાળાના નિબંધમાં પણ લખાતું બંધ થઈ ગયું હશે. કેમ કે, મોટા ભાગની વર્તમાન પેઢીના ભાગે નદીનો કોરો પટ કાં ધસમસતું વહેણ એમ બે જ અંતિમો જોવાનાં આવે છે. નદીઓ હવે પ્રદૂષણયુક્ત બની રહી છે. આ સંદર્ભે કેન્‍દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ (સી.પી.સી.બી.)નો વર્ષ ૨૦૨૨નો આ વર્ષે પ્રકાશિત અહેવાલના કેટલાક અંશ પર નજર કરવા જેવી છે.

    આ અહેવાલમાં બૉર્ડ દ્વારા દેશની કુલ ૨૭૯ નદીઓ પૈકીના ૩૧૧ સ્થાન(પટ)ને પ્રદૂષિત પટ તરીકે ઓળખાવાયા છે. આશ્વાસનરૂપ હકીકત એ છે કે ૨૦૧૮માં આ સંખ્યા ૩૫૧ હતી, જે ચાર વર્ષમાં ઘટી છે. આમ છતાં, ‘સૌથી પ્રદૂષિત’ પટની સંખ્યા એમની એમ રહી છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં ‘સૌથી પ્રદૂષિત’ પટનું પ્રમાણ વધુ છે.

    આ બધામાં પણ મહારાષ્ટ્ર સૌથી આગળ છે, જેમાં પ્રદૂષિત પટની સંખ્યા વધીને ૫૫ થઈ છે. દેશની વિવિધ નદીઓનાં પાણીની ગુણવત્તાને સમયાંતરે ચકાસવામાં આવે છે, અને ‘બાયોલોજિકલ ઑક્સિજન ડિમાન્‍ડ’ (બી.ઓ.ડી.)નું પ્રમાણ નિર્ધારીત કરતાં વધુ હોય તેને ‘પ્રદૂષિત’ની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આવાં સ્થાન પરનું પાણી પીવા કે સ્નાનને લાયક હોતું નથી. પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની માત્રાને માપવા માટે ‘બી.ઓ.ડી.’નો ઉપયોગ કરવામાં આવે છે. ‘પ્રદૂષિત’ અને ‘અતિ પ્રદૂષિત’ સ્થાન વચ્ચે ઝાઝો તફાવત નથી. માનવો તેમજ નદીના જળ પર આધારિત અન્ય જીવસૃષ્ટિ તેમજ વનસ્પતિસૃષ્ટિ માટે બન્ને નુકસાનકારક જ છે. આમ છતાં, આપણા દેશમાં વિશાળ સંખ્યામાં લોકો આવા પાણીનો ઉપયોગ પીવામાં તેમજ સ્નાન માટે કરે છે. આથી નદીઓનાં આવાં પ્રદૂષિત સ્થાન માનવસ્વાસ્થ્યને તેમજ અન્ય જળચરોને વિપરીત અસર કરે છે.

    સાંદર્ભિક તસવીર – નેટ પરથી

    નદીઓ પ્રદૂષિત શાથી થાય છે એ કંઈ કોઈ ગૂઢ બાબત નથી. ઔદ્યોગિક પ્રદૂષકોને સીધેસીધાં નદીમાં ઠાલવવામાં આવે છે, એમ શહેરોની ગટરની ગંદકી પણ નદીમાં જ છોડવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ઉદ્યોગો સૌથી વધુ છે, આથી ત્યાંની નદીઓના પ્રદૂષિત પટની સંખ્યા સૌથી વધુ હોય એમાં શી નવાઈ? દેશભરમાં હવે શહેરીકરણની માત્રા વધુ ને વધુ થઈ રહી છે. તેને કારણે નદીઓની સ્થિતિ બદતર થતી ચાલી છે. પેદા થતા કચરાનું પ્રમાણ ગુણાકારમાં હોય છે, જેનો સીધો યા આડકતરો ભોગ નદીએ બનવું પડે છે.

    નદીઓની સ્વચ્છતા બાબતે ઉપાયો અજમાવવામાં આવે છે ખરા, પણ એ મોટે ભાગે ટૂંકા ગાળાના હોય છે. તેમાં ખાસ સફળતા મળતી નથી. ગંગા અને યમુના જેવી મોટી નદીઓ સૌથી વધુ પ્રદૂષિત છે, અને તેને સ્વચ્છ કરવા માટે અતિશય ખર્ચાળ યોજનાઓ બનાવવામાં આવી છે. આમ છતાં, આ નદીઓના પ્રદૂષણમાં ખાસ કશો ફરક પડ્યો નથી. કારખાનાં પોતાના પ્રવાહી કચરાને નદીમાં ઠાલવે એ અગાઉ તેને યોગ્ય રીતે ‘ટ્રીટ’ કરે એવો નિયમ છે. આમ કરવા માટે કારખાનાંએ અલાયદું એકમ બનાવવું પડે. મોટા ભાગના કારખાનાંવાળા આવી ઝંઝટમાં પડતા નથી, અને પ્રદૂષકો ધરાવતો પ્રવાહી કચરો નદીઓમાં સીધેસીધો જ ઠાલવે છે. શહેરો અને નગરો પણ ગટરની ગંદકીને આ જ રીતે, કશી ‘ટ્રીટમેન્‍ટ’ કર્યા વિના મોટા ભાગે સીધેસીધી જ નદીમાં ઠાલવે છે. તેમની પાસે ‘ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ‘ હોય તો પણ તેની કાર્યક્ષમતા બાબતે સામાન્ય રીતે બેપરવાઈ જોવા મળે છે.

    આ સમસ્યા આજકાલની નથી, અને એટલી સહેલાઈથી ઊકેલાય એમ પણ નથી લાગતું. કેમ કે, પાણી અંગેની નીતિ કાગળ પર તૈયાર થાય તો પણ તેના અમલમાં જે સખ્તાઈ હોવી જોઈએ એ જણાતી નથી. હજી તો વિવિધ નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવાની અને નદીઓને એકમેક સાથે સાંકળવાની યોજનાઓ તૈયાર થઈ રહી છે. આ પ્રકારની કોઈ પણ યોજના વિચારતી વખતે કાગળ પર તેનાં દરેક પાસાંનું આયોજન હોય છે. ધારી લઈએ કે એ બધું આયોજન એકદમ યોગ્ય રીતે પાર પડે તો પણ તેની વિપરીત અસર જે થવાની એ થવાની જ. એ અસર થાય અને પછી તેને ઘટાડવા અંગેનાં પગલાં લેવાય તોય એ નુકસાન કર્યા વિના રહેતા નથી.

    એ હકીકત પણ સ્વીકારવી રહી કે આવી દેખરેખ સાતત્યપૂર્વક રાખી શકાતી નથી. સરવાળે થાય છે એવું કે વિકાસનાં ફળ સૌને નજર સામે દેખાય છે, અને તેની આડમાં પ્રદૂષણનો મુદ્દો સાવ કોરાણે મૂકાઈ જાય છે.
    અગાઉ ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ દ્વારા હુકમનામું બહાર પાડવામાં આવ્યું હતું કે સી.પી.સી.બી. અને જલશક્તિ મંત્રાલયે નદીઓના પ્રદૂષણ અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતો પર દેખરેખ રાખવી. પ્રત્યેક રાજ્યે સુનિશ્ચિત કરવું કે ઓછામાં ઓછા કોઈ પણ એક નદીના પટને ‘સ્વચ્છ’ કરવામાં આવે કે જેથી તે પાણી પીવા માટે નહીં તોય સ્નાન માટે ઉપયોગી બની શકે.

    ટૂંકમાં કહીએ તો, રાજ્ય અને રાષ્ટ્રની સંબંધિત એજન્‍સીઓ નદીઓના આ પ્રદૂષણ બાબતે સભાન છે, એટલું જ નહીં, તેને ઘટાડવા માટે કટિબદ્ધ પણ હોય એમ જણાય છે. કાગળ પર એ અંગેની વિગતો દેખાડવામાં આવે છે, એ આશ્વાસન ઓછું નથી. મુખ્ય સવાલ એ રહે છે કે કાગળ પરની આ કવાયતનો વાસ્તવમાં કશો અર્થ સરશે ખરો? શું નદીઓના પ્રદૂષિત જળની માત્રામાં ખરેખર ઘટાડો થશે ખરો? આ સવાલના જવાબ ન અપાય તો પણ ચાલે. એનું પરિણામ નજર સામે જોવા મળે તો ઘણું.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧ – ૦૫ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • નિર્ણય ન લેવાનો નિર્ણય ખોટો છે

    મંજૂષા

    વીનેશ અંતાણી

    નિર્ણય લેવાની પ્રક્રિયા સવારે ઊઠતાંની સાથે જ શરૂ થઈ જાય છે. એનો કોઈ અંત નથીએ અર્થમાં નિર્ણય લેવાની પ્રક્રિયા શ્ર્વાસોચ્છ્વાસની જેમ સ્વાભાવિક અને નિરંતર ચાલ્યા કરે છે

     

    દુનિયામાં કે જીવનમાં બધા રસ્તા વર્તુળાકારમાં જતા નથી કે ફરી એ જગ્યાએ જ મળે. આપણા માર્ગ પર આગળ જતાં બે ફાંટા પડે છે. ક્યારેક વધારે ફાંટા પણ પડે. આગળ વધીએ પછી તે માર્ગના પણ નવા ફાંટા પડે, કેટલાય વળાંક આવે. દરેક વળાંક અને ફાંટા પર પહોંચ્યા પછી આગળ જવા માટે કયો માર્ગ લેવો તેનો નિર્ણય લેવો પડે છે. રોબર્ટ ફ્રોસ્ટ જેવા કવિ ઓછા ખેડાયેલા રસ્તા પર જવાનો નિર્ણય કરી શકે, બધા એવું ન પણ કરી શકે.

    નિર્ણય લેવાની પ્રક્રિયા સીધી-સરળ હોવા છતાં અટપટી હોય છે. નિર્ણયના પરિણામની અનિશ્ર્ચિતતા રહેવાની જ. ક્યારેક લાંબી વિચારણા પછી લીધેલો નિર્ણય ખોટો પડે છે તો ઉતાવળમાં લીધેલો નિર્ણય સાચો પડે છે. ઘણી વાર સંજોગો બદલાય છે, નિર્ણય લેતી વખતે દેખાયેલા માર્ગ પર આગળ વધવાની ગણતરી અવળી ઊતરે છે. તેમ છતાં એવાં કારણોસર નિર્ણય લેવાનું ટાળવાની માનસિકતા એક પ્રકારની પીછેહઠ છે. નિર્ણય લેવામાં ઢીલ કરવાથી જીવનમાં મળતી નાની કે મોટી તક હાથમાંથી સરી જાય છે. નિર્ણય લેવાની તૈયારી મહત્ત્વની છે, નિર્ણયની યોગ્યતા કે અયોગ્યતા તો પછીની વાત હોય છે.

    આ સંદર્ભમાં ઘણાં દૃષ્ટાંત આપવામાં આવે છે. સાદું દૃષ્ટાંત પાંચ-છ વર્ષના છોકરાનું છે. એ એનાં માતાપિતા સાથે મોટા સ્ટોરમાં ગયો. છોકરાને કેન્ડી લેવી હતી. એ એક કેન્ડી જુએ અને બીજી કેન્ડી માટે મન લલચાય. પિતાને અગત્યની મીટિંગમાં જવાનું હતું એથી એ વધારે સમય રોકાઈ શકે તેમ નહોતો. પિતા ઉતાવળ કરતો હતો, પરંતુ દીકરો એક કેન્ડીનું બોક્સ ઉપાડે, પાછું મૂકે, નવી કેન્ડી શોધે. એમાં બહુ સમય ગયો. છેવટે પિતા કંટાળ્યો. એ દીકરાનો હાથ ખેંચીને સ્ટોરમાંથી બહાર લઈ  ગયો. તે દિવસે છોકરાને કેન્ડી ખાવાની મળેલી તક એની અનિર્ણયાત્મકતાને કારણે  હાથમાંથી સરી ગઈ.

    નિર્ણય લેવો એ એક પ્રકારની કળા છે. આજે આપણી સામે પસંદગીના ઘણા વિકલ્પો ખૂલ્યા છે. એક સમયે ભારતમાં કાર ખરીદનાર પાસે સીમિત બ્રાન્ડની જ કાર ઉપલબ્ધ હતી. એમાંથી જ પસંદગી કરવાની રહેતી. નિર્ણય લેવા માટે વિકલ્પ નહોતા. હવે અનેક પ્રકારની કાર બજારમાં આવી ગઈ છે. આ વાત લક્ઝરી આઇટેમ્સથી માંડીને જીવનજરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓને લાગુ પડે છે. તેમાંથી પસંદગી કરીને યોગ્ય નિર્ણય લેવો પડે છે. જો કે ઘણા લોકોને એક નિર્ણય લઈ લીધા પછી એની યોગ્યતા-અયોગ્તા વિશે અવઢવ જાગે છે. પડોશીના ઘરમાં આવેલું ટી.વી. જોતાં જ આપણે ખરીદેલા ટી.વી.નો નિર્ણય કારણ વિના ખોટો કે ઉતાવળિયો લાગવાની સંભાવના રહે છે.

    આ તો અંગત જીવનને સ્પર્શતા સાદા નિર્ણયોની વાત થઈ. મોટા નિર્ણય લેવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ખરી કસોટી થાય છે. સંતાનો માટે યોગ્ય જીવનસાથીની શોધ માતાપિતા માટે આવી એક મોટી કસોટી છે. કેટલાક નિર્ણય લેવાઈ ગયા પછી એમાંથી વચ્ચેથી પાછા વળવું શક્ય હોય છે, તો કેટલાક નિર્ણય લેવાઈ ચૂક્યા પછી એના પરિણામ સુધી રાહ જોવી જ પડે છે. ઘરનું ઘર લેવાનો નિર્ણય કે વ્યવસાયને લગતા નિર્ણયમાં પૂરતી સાવધાની રાખી ન હોય તો પાછળથી ફસાઈ ગયાની લાગણી કોરી ખાય છે.

    નિર્ણય લેનાર વ્યક્તિએ એનાં પરિણામની જવાબદારી પણ લેવી પડે. રાજકારણમાં ઘણી વાર નિર્ણય લેવાનું ટાળવામાં આવે છે તે પાછળ જવાબદારી ન લેવાની મનોવૃત્તિ પણ કામ કરતી દેખાય છે. લોકશાહીમાં તો ખાસ. તેવા વખતે નેતાઓ આમસહમતિનો મુદ્દો આગળ ધરે છે. એક અર્થમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં આમસહમતિનો મુદ્દો કોઈ પણ નિર્ણય ન લેવા જેવો જ હોય છે. બ્રિટનની ભૂતપૂર્વ વડાપ્રધાન માર્ગરેટ થેચરે કહ્યું હતું: ‘આમસહમતિ એટલે નિર્ણય લેવાની એવી પ્રક્રિયા, જેમાં ઝાઝી સંમતિ હોતી નથી, પરંતુ એના વિશે કોઈને ખાસ વિરોધ પણ હોતો નથી.’ સેલ્ફ હેલ્પનાં ઘણાં પુસ્તકોના જાણીતા અમેરિકન લેખક એન્ડી એન્ડ્રુસે નિર્ણય લેવાનું ટાળતા લોકોના સંદર્ભમાં હળવાશમાં કહ્યું હતું: ‘હું નિર્ણય લેવા માટે ભગવાનની વાટ જોતો બેસી રહું છું અને  ભગવાન મારા નિર્ણયની વાટ જોતા બેસી રહે છે.’

    મનોવૈજ્ઞાનિકો નિર્ણય લેવાની પ્રક્રિયાને વ્યક્તિની વૈચારિક ભૂમિકા સાથે જોડે છે, પણ ઘણા લોકો લાગણીથી દોરવાઈને કે અંત:સ્ફૂરણાથી પણ નિર્ણય લે છે. અલબત્ત એની પાછળ કોઈ તર્ક તો કામ કરતો જ હોય છે. જાણીતા ફિલ્મમેકર ટીમ બર્ટન કહે છે: ‘હું લાગણીથી દોરવાઈને કે મારી અંત:સ્ફૂરણાથી પ્રેરાઈને નિર્ણય લઉં છું ત્યારે મને મારી જાતની વધારે નજીક અનુભવું છું.’

    નિર્ણય લેવાની પ્રક્રિયા સવારે ઊઠતાંની સાથે શરૂ થઈ જાય છે. એનો કોઈ અંત નથી. એ અર્થમાં નિર્ણય લેવાની પ્રક્રિયા શ્ર્વાસોચ્છ્વાસની જેમ સ્વાભાવિક અને નિરંતર ચાલ્યા કરે છે. કોઈ પણ વ્યક્તિ એમાંથી બચી શકતી નથી. આપણે શ્ર્વાસ લેવાનું બંધ કરવાનો નિર્ણય લઈ શકીએ તો જ નિર્ણય ન લેવાનો નિર્ણય લઈ શકીએ.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

     

  • અઢાર પુરાણોનાં ઉપપુરાણો કયાં કયાં છે?

    રામાયણ – સંશોધકની નજરે

    પૂર્વી મોદી મલકાણ

    ક્યા ક્યાં પુરાણોમાં કેટલા શ્લોક છે અને આ શ્લોકમાં કેટલા મંત્રો છે તે વિષે જાણ્યાં બાદ હવે એ જોઈએ કે આ અઢાર પુરાણોનાં ઉપપુરાણો ક્યા ક્યા છે.

    ઉપપુરાણોની સંખ્યા:-

    1. દેવીપુરાણ ભાગવત *

    2. બૃહદ વાયુપુરાણ *

    3. સનતકુમારા નૃસિંહ પુરાણ *

    4. બૃહદ નારદીય પુરાણ *

    5. દુર્વાસય પુરાણ *

    6. શિવ ધર્મોત્તર *

    7. કપિલ પુરાણ *

    8. માનવ પુરાણ *

    9. ઉષનસ્ પુરાણ *

    10. વરુણ પુરાણ *

    11. આદિત્ય પુરાણ *

    12. કાલિકા પુરાણ *

    13. સામ્બ પુરાણ *

    14. નંદીકેશ્વર પુરાણ *

    15. સૌર પુરાણ *

    16. પરાશર પુરાણ *

    17. માહેશ્વર પુરાણ *

    18. વશિષ્ઠ પુરાણ *

    19. ભાર્ગવ પુરાણ *

    20. આદી પુરાણ *

    21. મુદલ પુરાણ

    22. કલ્કિ પુરાણ *

    23. મહાભારત પુરાણ *

    24. બૃહદધર્મોત્તર પુરાણ *

    25. પરાનંદ પુરાણ *

    26. પશુપતિ પુરાણ *

    27. હરિવંશ પુરાણ *

    પુરાણો અને ઉપપુરાણો વિષે જાણ્યાં પછી હવે જાણીએ કે પુરાણોનાં પ્રાગટ્યની શી વ્યાખ્યા છે.

    પુરાણોનું પ્રાગટ્યની વ્યાખ્યા:- પુરાણોનાં પ્રાગટ્ય વિશેનો પહેલો મત કહે છે કે, કર્મકાંડ ( વેદ ) થી જ્ઞાન ( ઉપનિષદ ) તરફની વિકાસની પ્રક્રિયામાં બહુદેવવાદ અને નિર્ગુણ બ્રહ્મની સ્વરૂપાત્ત્મક વ્યાખ્યા આવી. જેથી કરીને ધીરે ધીરે ભારતીય માનસ અવતારવાદ યા સગુણ ભક્તિથી પ્રેરિત થયો અને તેને કારણે પુરાણોનું પ્રાગટ્ય થયું. હવે આ મતમતાંતરમાંથી બહાર આવીને જાણીએ કે આચાર્યોએ પુરાણોનો ઉલ્લેખ શી રીતે કર્યો છે તે વિષે જોઈએ.

    આચાર્યો દ્વારા પુરાણોનો ઉલ્લેખ:- આચાર્ય યાસ્ક અનુસાર પુરાણની વ્યુત્પતિ સંસ્કૃત વાક્ય “पुरा नवं भवति“ માંથી થયો છે. આ વાક્ય અર્થ થાય થાય છે જે પ્રાચીન હોવા છતાં નવીન છે તે. “નવીન” આ અર્થમાં પુરાણના સમયમાં થતી યતિની સાથે સાથે નવી વાતોનો ય સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ પુરાતનકાળ થી લઈ આજનાં પોતાનાં સમયનો આખા ઇતિહાસ અને અતીતના પ્રસંગોને પોતાની ભીતર રાખી આગળ વધતાં પુરાણની આ લાંબી અવધિ એ અભ્યાસુઓ માટે વિશ્વકોષ બને છે. મહાવ્યાકરણ શાસ્ત્રી પાણિનિ અનુસાર પુરાણ શબ્દની ઉત્પતિ એ “पुरा भवं “ શબ્દમાંથી થઈ છે. આ શબ્દનો અર્થ પ્રાચીન સમયમાં “જે થયેલું” તેવો થાય છે. પાણિનિ સૂત્ર ४, ३, २३ માં “सायं चिरं प्राह्र्र्गे-प्रगेडव्ययेभ्यष्टयु टुलौ तुट् च એમ ઉચ્ચારતાં કહ્યું છે કે, પુરા શબ્દથી ટ્યુ પ્રત્યય થાય છે ત્યારે तुट् શબ્દનાં આગમનથી પુરાતન શબ્દ બને છે. આ નવો શબ્દ બનાવ્યાં છતાં યે મહર્ષિ પાણિનિએ પોતાનાં અન્ય બે સૂત્ર “पूर्वकालैक -सर्व -जरत्-पुराण नव केवला समानाधिकरणेन ( २, १, ४६ ) માં અને पुराणप्रोकतेषु ब्राह्मणकल्पेषु ( ४,३, १०५ )“ માં અને શબ્દपुराभवम् કહી પુરાણ શબ્દનો પ્રયોગ કર્યો છે. ભગવન પાણિનીના દ્વારા ઉચ્ચારેલ આ શબ્દને કારણે એ વાત પ્રત્યક્ષ થાય છે કે પુરાણ શબ્દ એ ખરેખર ઐતિહાસિક શબ્દ છે જે પોતાનાં ત્રણ અક્ષરમાં અનંતકાળના યુગને લઈને ચાલે છે. મહર્ષિ વાત્સાયને પોતાનાં ગ્રંથ ન્યાય ભાષ્યનાં ૪,૧, ૬૧ માં ઇતિહાસ અને પુરાણનો સ્વીકાર કરતાં ( “लोकवृत्तमितिहासपुराणस्य विषयः। इतिहासपुराणानि भिद्यन्ते लोकगौरवात् ।“ ) બે વાક્ય દર્શાવેલ છે.

    પુરાણોમાં પુરાણનો ઉલ્લેખ:- આતો જે તે સમયનાં વિદ્વાનોની વાત થઈ, પણ ખુદ પુરાણોએ પોતાનાં આ શબ્દની વ્યાખ્યા આપી છે. દા.ખ પદ્મપુરાણમાં કહ્યું છે કે; “पुरा परम्परा वष्टि कामयते “ અર્થાત્ જે પરંપરાની કામના કરે છે તેને પુરાણ કહે છે, જ્યારે બ્રહ્માંડપુરાણ કહે છે કે; “पुरा एतत् अभूत्” અર્થાત્ પ્રાચીનકાળમાં આવું થયું હતું. આમ આ સર્વે વ્યુત્પતિઓથી જાણવા મળે છે કે, પુરાણનો પ્રતિપદ્ય વિષય એ અતીતકાળની વાતો, ઘટનાઓ અને પ્રસંગો થકી છે. સ્કંદ પુરાણમાં પુરાણનો અર્થ પરંપરા તરીકે કરેલો છે. મત્સ્ય પુરાણમાં “पुराणं पुरा नव भवति “ ( અધ્યાય ૫૩/ -૩-૭ ) અને માર્ક્ન્ડેય પુરાણમાં ”पुराणं जगृहुस्वाधा मुनयस्त्स्य मानसाः” ( અધ્યાય ૪૫/ -૪૦-૨૩ ) કહી વ્યાખ્યા કરી છે.

    વેદોમાં પુરાણોનો ઉલ્લેખ:- પુરાણો સિવાય ઋગ્વેદની ઘણી ઋચાઓમાં પણ પુરાણ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે દા.ખ ઋગ્વેદમાં કહ્યું છે કે; ( सना पुराण मध्येभि ) પરંતુ ત્યાં આ શબ્દ એ પ્રાચીનતાનું બોધક માત્ર છે. ઋગ્વેદમાં એવું એકપણ સ્થળ નથી જેના આધાર પર પુરાણોની સત્તા નિર્વિવાદરૂપથી સ્વીકૃત કરી શકાય. અર્થવવેદમાં પુરાણ શબ્દ ઇતિહાસ, ગાથા અને વિદ્યા સાથે સંકળાયેલ છે. અર્થવવેદ અનુસાર ઋક્, સામ, છંદ અને યજુર્વેદની સાથે પુરાણનો જન્મ પણ પરમાત્માના અવશેષરૂપ યજ્ઞમાંથી થયો હોવો જોઈએ.

    બ્રાહ્મણસાહિત્યોમાં પુરાણોનો ઉલ્લેખ:- વેદોને બાદ કરતાં હવે બ્રાહ્મણ સાહિત્ય તરફ જઈએ. વૈદિક કાળ દરમ્યાન બ્રાહ્મણયુગ વિકસિત પામ્યો હતો, તે વાત ગોપથ બ્રાહ્મણ અને શતપથ બ્રાહ્મણનાં ગ્રંથોમાં જોવા મળે છે. ગોપથ બ્રાહ્મણનું કથન છે કે, કલ્પ, રહસ્ય, ઉપનિષદ, ઇતિહાસ અને પુરાણોની સાથે વેદો નિર્મિત થયેલાં. આ બાબતથી જાણવા મળે છે કે, ઇતિહાસ, પુરાણોનો સંબંધ વેદો સાથે છે તેથી જેટલું મહત્ત્વ વેદોનું છે તેટલું જ મહત્ત્વ ઇતિહાસ અને પુરાણોનું પણ છે. આરણ્યક અને ઉપનિષદમાં જે રીતે પુરાણોનો ઉલ્લેખ જોવા મળે છે, તે જોતાં ખ્યાલ આવે છે કે, આ યુગમાં ઇતિહાસ પુરાણ પૂર્વપેક્ષાથી અધિક જનપ્રિય અને પ્રચલિત થઈ ચૂક્યાં હશે. કારણ કે વેદોની ભાંતિ આ ગ્રંથોમાં પણ ઈશ્વર અને ઈશ્વરીય શક્તિ વસેલ હતી. આ ઉપરાંત તૈત્તરીય આરણ્યક ( ૨ અને ૬ ), બૃહદારણ્યક ઉપનિષદનાં ૨,૪,૧૧ તેમજ છાંદોગ્ય ઉપનિષદમાં પણ ઇતિહાસ પુરાણનો બહોળો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    સૂત્રગ્રંથોમાં પુરાણોનો ઉલ્લેખ:- વેદો, ઉપનિષદ, આરણ્યક પછી પુરાણોનો ઉલ્લેખ સૂત્રગ્રંથોમાં પણ જોવા મળે છે. જેમાં સર્વ પ્રથમ ગંગાસૂત્ર છે. આપસ્તમ્બ સૂત્ર ૨,૬, ૨૩, ૩-૬ માં ભવિષ્યપુરાણનાં બે શ્લોક આપવામાં આવ્યાં છે. આ બાબત એ એ સમયે થયેલો ભવિષ્યપુરાણનો વ્યાપ દર્શાવે છે.

    સ્મૃતિ શાસ્ત્રોમાં પુરાણોનો ઉલ્લેખ:- સ્મૃતિશાસ્ત્રોમાં પુરાણોનું સ્વરૂપ વધુ વિશાળ અને સ્પષ્ટ થયું છે, તેથી તેની મહત્તા પણ વધુ થયેલ છે. આ ગ્રંથમાં કહ્યું છે કે પુરાણોનો વ્યાપ શનૈ શનૈ થયો હોય જનસમુદાયને આ ગ્રંથને સમજવા માટે તેમજ તેમાં રહેલ સરળ કથા-ગાથાઓને હૃદયારૂઢ કરવા માટે પૂરતો સમય મળ્યો છે. સ્મૃતિશાસ્ત્રોની આ વાત પૂર્ણ સત્ય હોઈ આજે આપણે અન્ય શાસ્ત્રીય ગ્રંથો કરતાં પુરાણોની વધુ નજીક છીએ.

    રામાયણ, મહાભારત અને અન્ય વાઙ્ગ્મય ગ્રંથોમાં પુરાણોનો ઉલ્લેખ:- રામાયણમાં પુરાણોનો કેવળ નામઉલ્લેખ જ જોવામાં આવે છે ત્યાં મહાભારતમાં રહેલ અનુશીલનથી એ જાણ થાય છે કે, આ સમયમાં પુરાણોની કથાઓ, શરીર રચના અને અષ્ટાદશ સંખ્યા પણ નિર્ધારિત થઈ ચૂકી હતી. મહાભારત અનુસાર પુરાણરૂપી પૂર્ણ ચંદ્રમા દ્વારા શ્રુતિરૂપી ચંદ્રિકાનાં કિરણો ચારેબાજુ ફેલાઈ ગયાં હતાં. મહાભારત પછી વાઙ્ગ્મય અર્થશાસ્ત્રમાં જણાવ્યું છે કે, પુરાણોએ એ જે તે સમયનાં જનમાનસની શ્રધ્ધાનું પ્રતિક છે. કુમારિકા ખંડનાં ૪૦ -૧૬૮ માં સ્પષ્ટ કથન કરતાં કહેવાયું છે કે, ઇતિહાસ અને પુરાણમાં ઘટિત વૃતાંતોને કારણે સમાજમાં હંમેશા પરીવર્તન જોવા મળેલું છે અને આ પરીવર્તન સતત થતું રહેશે.

    પુરાણમાં રહેલ ઇતિહાસને (૧) સર્ગ, (૨) પ્રતિસર્ગ, (૩) વંશ, (૪) મન્વન્તર, (૫) વંશાનુંચરિત એમ પાંચ ભાગમાં વહેંચવામાં આવે છે.

    પુરાણોમાં એકવીસ આયુધસંજ્ઞાનો એટ્લે કે હાથમાં રહેલ સંજ્ઞાશસ્ત્રોનો ઉલ્લેખ થયો છે. :- જેમાં છે (૧) કમળ, (૨) અક્ષય માલા, (૩) શંખ, (૪) ચક્ર, (૫) ગદા, (૬) ત્રિશૂલ, (૭) પરશુ, (૮) ખડગ્, (૯) બાણ, (૧૦) ધનુષ, (૧૧) કલીશ, (૧૨) પરિઘ, (૧૩) ભૂશંડી, (૧૪) શૂળ, (૧૫) મૂસળ, (૧૬) હળ, (૧૭) પાત્ર, (૧૮) કાર્મુક, (૧૯) સાંગ, (૨૦) લાગલ, (૨૧) તોમર.

    પુરાણોમાં થયેલો ૧૪ લોકનો ઉલ્લેખ:- (૧) પાતાળ લોક, (૨) રસાતલ લોકો, (૩) મહાતલ લોક, (૪) સુતલ લોક, (૫) વિતલ લોક, (૬) અતલ લોક, (૭) ભૂલોક, (૮) મૃત્યુલોક, (૯) ભૂવઃલોક, (૧૦) સુરલોકો, (૧૧) મહાલોક, (૧૨) જનલોક, (૧૩) તપોલોક, (૧૪) સત્યલોક.

    પુરાણોમાં ચૌદ મનુનો ઉલ્લેખ:- (૧) સ્વયંભૂ, (૨) સ્વારોચીષ, (૩) ઉત્તમ, (૪) તામસ, (૫) રૈવત, (૬) ચાક્ષુષ્ (૭) વૈવસ્તત (૮) સાવર્ણી, (૯) દક્ષ સાવર્ણ, (૧૦) ધર્મ સાવર્ણ (૧૧) રુદ્ર સાવર્ણ, (૧૨) દેવ સાવર્ણ, (૧૩) ઇન્દ્ર સાવર્ણ, (૧૪) બ્રહ્મ સાવર્ણ.

    પુરાણોમાં ચૌદ વિદ્યાનો ઉલ્લેખ:- (૧) અભ્યાસ, (૨) નટ વિદ્યા, (૩) તોરીંગ વિદ્યા, (૪) વેદવિદ્યા, (૫) ઝવેરી વિદ્યા, (૬) જળ તરંગ, (૭) ડહાપણ વિદ્યા, (૮) ગારુડી વિદ્યા, (૯) નાડી વિદ્યા, (૧૦) શૃંગાર વિદ્યા, (૧૧) તસ્કર વિદ્યા, (૧૨) ગણિકા ભેદ, (૧૩) પગરપારખા, (૧૪) ભક્તિરસ વિદ્યા.

    પુરાણોમાં ઉલ્લેખિત કરાયેલ બ્રહ્માનાં ચૌદ યુગ:- (૧) અધિયુગ, (૨) ગોવિંદયુગ, (૩) બુધયુગ, (૪) રામયુગ, (૫) ધુખળ યુગ, (૬) મન્વન્તર યુગ, (૭) કલેસ યુગ, (૮) અસ્મિક્રમ યુગ, (૯) ધમધમાકર યુગ, (૧૦) વામન યુગ, (૧૧) અસોહમ યુગ, (૧૨) વિરોધ યુગ, (૧૩) અધોરું યુગ, (૧૪) હરિઅસ યુગ.

    પુરાણોમાં ૧૧ રુદ્રનો ઉલ્લેખ :- (૧) મન્યુ, (૨) મનુ, (૩) મહિનસ, (૪) મહાન, (૫) શિવ, (૬) કૃતધ્વજ, (૭) ઉગ્રરેત, (૮) ભવ, (૯) કલો, (૧૦) વામદેવ, (૧૧) દ્યુતવ્રત.

    પુરાણોમાં ૧૦ દિગપાળોનો ઉલ્લેખ:- (૧) ઐરાવત, (૨) પુંડરીક, (૩) વામન, (૪) કમદ, (૫) અંજન, (૬) પુષ્યદંત, (૭) સર્વભૌમ, (૮) સુપ્રતિક, (૯) અંબુ, (૧૦) કુરંભ.

    પુરાણોમાં ૧૨ સૂર્યનો ઉલ્લેખ:- (૧) વિસ્વાન, (૨) અર્યમા, (૩) પૂષા, (૪) ત્વષ્ટા, (૫) સવિતા, (૬) ભગ, (૭) ધાતા, (૮) વિધાતા, (૯) વરુણ, (૧૦) મિત્ર, (૧૧) સુરુ, (૧૨) ઉક્રમ.

    પુરાણોમાં આઠ વસુઓનો ઉલ્લેખ:- (૧) અગ્નિ, (૨) પૃથ્વી, (૩) વાયુ, (૪) અંતરિક્ષ, (૫) સૂર્ય, (૬) આકાશ, (૭) ચંદ્રમા, (૮) નક્ષત્ર.

    પુરાણોમાં ભગવાન વિષ્ણુનાં ચોવીસ અવતારો અને તેની જન્મભૂમિ:-

    (૧) મત્સ્ય -પુષ્પભદ્રા સમુદ્ર (૨) વરાહ -હરિદ્વાર, (૩) વામન- પ્રયાગ, (૪) રામ -અયોધ્યા, (૫) વ્યાસ -દ્વીપ, (૬) હરિ -ત્રિકુટાચલ પર્વત, (૭) મન્વન્તર -બિઠુર, (૮) ધ્રુવવરદેન – વિઠુર, (૯) ઋષભદેવ -અયોધ્યા, (૧૦) નરનારાયણ -બદ્રિકાશ્રમ, (૧૧) કપિલ દેવ- વિધ્યાંચલ પર્વત સમીપ, (૧૨) કૂર્મ – પુષ્પભદ્રા સમુદ્ર, (૧૩) નૃસિંહ -મુલતાન -પંજાબ આજે પાકિસ્તાનમાં, (૧૪) કૃષ્ણ -મથુરા, (૧૫) પરશુરામ -યમુનીયા ગ્રામ ( આજે જમુનીયા ગ્રામ) – ચંપારણ પાસે, (૧૬) પૃથુ – અયોધ્યા, (૧૭) હંસ – બ્રહ્મલોક, (૧૮) યજ્ઞઉરુકુરુમ – બદ્રિનાથ ધામ, (૧૯) હયગ્રીવ- કામરૂપ દેશ -આજે આસામ, (૨૦) ધન્વન્તરી દેવ – સમુદ્ર, (૨૧) સનકાદિક – બ્રહ્મલોક, (૨૨) ભગવાન દત્તાત્રેય- ચિત્રકૂટ, (૨૩) બુધ્ધ -કપિલવસ્તુ જનકપુર પાસે (આજે નેપાળમાં), (૨૪) કલ્કિ -મુરાદાબાદ.

    સર્વે ગ્રંથોની વાતમાં પુરાણોનો ઉલ્લેખ હોવા છતાં યે જોવાની વાત એ છે કે, પુરાણો પ્રાચીનત્તમ હોવા છતાં તેમાં રહેલ ગાથા, કથા, શૃંગાર, નિસર્ગ, સામાજિક મૂલ્યો, સમાજ વગેરેનું સ્વરૂપ ન તો પ્રાચીન છે કે ન અર્વાચીન. તેથી સમય સમય અનુસાર પરીવર્તન કે પરિવર્તિત થતાં પ્રત્યેક સમાજને માટે પુરાણ મદદરૂપ થાય છે.


    ક્રમશઃ


    © પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com
  • (૧૧૯) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૫ (આંશિક ભાગ – ૨)

    કોઈ દિન ગર જ઼િંદગાની ઔર હૈ

    (શેર ૧ થી ૩ થી આગળ)

    મિર્ઝા ગ઼ાલિબ
    વલીભાઈ મુસા
     (સંકલનકાર અને રસદર્શનકાર)

    દે કે ખ઼ત મુઁહ દેખતા હૈ નામાબર
    કુછ તો પૈગ઼ામજ઼બાની ઔર હૈ ()

    [નામા-બર= કાસદ, સંદેશાવાહક; પૈગ઼ામ-એ-જ઼બાની= મૌખિક સંદેશો]

    રસદર્શન :

    ગ઼ાલિબના કેટલાક શેર એવા હોય છે કે જે ભાવકના હૃદયમાં ગલગલિયાં કરાવ્યા સિવાય રહે નહિ. અહીં માશૂકા તરફથી પ્રેમપત્ર લઈને આવેલો કાસદ માશૂકને પત્ર આપી દીધા પછી તેમના ચહેરાને ઘડીભર જોઈ રહે છે અને માશૂકના દિલમાં એવો સંશય જાગે છે કે માશૂકાએ પત્રમાં તો તેના દિલની વાતને લખી હશે જ, પરંતુ તે ઉપરાંત તેણીએ કોઈક મૌખિક સંદેશો પણ કદાચ મોકલ્યો હોઈ શકે છે. અનન્વય અલંકરમાં કહી શકાય કે ગ઼ાલિબ તો ગ઼ાલિબ છે, કેમ કે તે ચહેરા ઉપરના સૂક્ષ્મ ભાવોને વાંચી શકે છે. કોઈપણ વ્યક્તિના મનોભાવોને સમજી લેવાની શાયરની કાબેલિયત જ તેને મોટા ગજાનો શાયર બનાવી શકે છે. ગ઼ાલિબ તેના ઘણા બધા શેરમાં કાસદને અવશ્ય લાવે છે અને એ કાસદના ચરિત્રચિત્રણને પણ ભિન્ન ભિન્ન સ્વરૂપે આપણા સામે રજૂ કરતો રહેતો હોય છે.

    ક઼ાતાએમાર હૈ અક્સર નુજૂમ
    વો બલાઆસમાની ઔર હૈ ()

    [ક઼ાતા-એ-એમાર= જિંદગીઓના હત્યારા-કાતિલ; અક્સર= ઘણી વાર; નુજૂમ= જ્યોતિષિ, તારા, તારાઓની રોશની; બલા-એ-આસમાની= આસમાની આફત, દૈવી મુસીબત]

    રસદર્શન :

    થોડોક સંકુલ ગણી શકાય તેવો આ શેર અર્થભાવો પ્રગટ થતાં સુગ્રાહ્ય બની શકે છે. જ્યોતિષશાસ્ત્ર માને છે કે માનવજીવન ઉપર ગ્રહો કે સિતારાઓનો પ્રભાવ પડતો હોય છે. માનવજીવન દુ:ખમય કે સુખમય બને કે પછી આવરદા વધે કે ઘટે તે ગ્રહો ઉપર આધારિત હોય છે તેવું જ્યોતિષીઓ માનતા હોય છે. અહીં પહેલા મિસરામાં પ્રયોજાયેલો શબ્દ ‘એમાર’ એ ‘ઉમ્ર’નું બહુવચન રૂપ છે, જેનો મતલબ થાય છે ‘જિંદગાનીઓ’. માનવીઓની જિંદગીઓ લાંબી કે ટૂંકી ગ્રહોના પ્રભાવના કારણે થતી હોય છે. જિંદગીઓ ટુંકાઈ જવી અર્થાત્ શેરમાંના ‘કાતા’ શબ્દપ્રયોગ સબબે સમજતાં ‘જિંદગીઓનો ખાતમો બોલાઈ જવો’ એ ગ્રહો ઉપર આધારિત હોવાનું અહીં માનવામાં આવ્યું છે. પરંતુ બીજા સાની મિસરામાં ગ઼ાલિબ કહે છે કે માનવજીવન વધઘટ હોવા માટે ગ્રહોની કાયમી અસર હોવા ઉપરાંત ઘણીવાર અણધારી આસમાની કે દૈવી આફત આવી પડતી હોય છે અને તે માનવજીવનને હણી નાખતી હોય છે. આમ અહીં માનવજીવનને પ્રભાવિત કરનારી આ આસમાની  આફત વળી ‘કંઈક ઔર’ છે અર્થાત્ વધારાની છે.

    હો ચુકીંગ઼ાલિબબલાએઁ સબ તમામ
    એક મર્ગનાગહાની ઔર હૈ ()

    [મર્ગ-એ-ના-ગહાની= ઓચિંતું મોત; અકાળ મોત]

    ગ઼ઝલનો આ આખરી મક્તા શેર છે, જેમાં ગ઼ઝલકારનું નામ વણી લેવામાં આવતું હોય છે. ગ઼ાલિબ કહે છે કે માનવીના જીવનમાં નાનીમોટી ઘણી બલાઓ એટલે કે આફતો આવતી જતી હોય છે. વળી આ બધી આફતો ટળી જાય અને થોડોક હાશકારો અનુભવીએ ત્યાં તો વળી અકાળ મૃત્યુની એક મોટી આફત આવી જતી હોય છે અને માનવીની જીવનલીલા સમાપ્ત થઈ જતી હોય છે. આમ ઓચિંતું આવી પડતું મોત એ મોટી આફત બની રહે છે અને ત્યારે એકી ઝાટકે સુખો અને દુ:ખોનો અંત આવી જતો હોય છે. આમ મોત એ શારીરિક બીમારીઓ કે માનસિક સંતાપોને દૂર કરવા માટેનો રામબાણ ઈલાજ બની રહે છે.

    (સંપૂર્ણ)

    * * *

    ઋણસ્વીકાર:

    (૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

    (૨) http://www.youtube.com વેબસાઇટનો…

    (૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

    (૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

    (૫) Courtesy : https://rekhta.org

    (૬) Courtesy –  urduwallahs.wordpress.com

    (૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

    (૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

     

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

    ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577

    નેટજગતનું સરનામુઃ

    William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ જીવો અને જીવવા દો | | હળવા મિજાજે     

     

  • આરોગ્યનો અધિકાર : સરાહનીય અને અનુકરણીય કદમ

    નિસબત

    ચંદુ મહેરિયા

    રાજ્ય નીતિના માર્ગદર્શક સિંધ્ધાંતોના અનુચ્છેદ ૪૭માં જાહેર આરોગ્યમાં સુધારાને રાજ્યનું પ્રાથમિક કર્તવ્ય માનવામાં આવ્યું છે. જીવન જીવવાના મૂળભૂત અધિકાર અંગેના અનુચ્છેદ ૨૧માં આરોગ્યનો અધિકાર નિહિત હોવાનું સુપ્રીમ કોર્ટ અને ઘણા રાજ્યોની હાઈકોર્ટ જણાવી ચૂક્યાં છે. એટલે અનુચ્છેદ ૨૧ અને ૪૭ની બંધારણીય જોગવાઈઓ પ્રમાણે તો ભારતના લોકોને બહુ વહેલો આરોગ્યનો અધિકાર મળી જવો જોઈતો હતો. પરંતુ છેક હવે, આઝાદીના પંચોતેરમા વરસે, કોંગ્રેસશાસિત રાજસ્થાન રાજ્યની વિધાનસભાએ એકમતીથી રાજસ્થાન રાઈટ ટુ હેલ્થ બિલ, ૨૦૨૨ પસાર કર્યું છે. રાજ્યના નાગરિકોને આરોગ્યનો કાનૂની અધિકાર આપતું રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય બન્યું છે.

    છેલ્લા બેએક દાયકાથી આરોગ્ય સેવાઓનું ખાનગીકરણ વધ્યું છે. આજે દેશની પોણાભાગની આરોગ્ય સેવાઓ ખાનગી ક્ષેત્ર હસ્તક છે. કુલ દર્દીઓમાંથી પચાસ ટકા ખાનગી દવાખાને સારવાર લે છે. દેશની સિત્તેર ટકા હોસ્પિટલો અને સાઠ ટકા દવાખાના ખાનગી માલિકીના છે. લગભગ પંચોતેર ટકા તબીબો પ્રાઈવેટ પ્રેકટિસ કરે છે. ખાનગી ક્ષેત્રની હેલ્થ સર્વિસ અત્યંત મોંઘી તો હોય જ છે, ઘણી મનમાની પણ ચાલે છે. દેશની વસ્તીનો ઘણો ભાગ આરોગ્ય સેવાઓની પાયાની સગવડોથી વંચિત છે એટલે તે જમીન-જાયદાદ વેચીને કે દેવું કરીને પણ મનમાની મોંઘી ખાનગી આરોગ્ય સેવા લેવા મજબૂર છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે આરોગ્ય પાછળ લોકો જે નાણા ખર્ચે છે તેની વૈશ્વિક સરેરાશ ૧૮ ટકા છે પરંતુ ૨૦૧૯માં ભારતીયોએ ૫૫ ટકા ખર્ચા કર્યો હતો. આ સ્થિતિનો ઉકેલ સરકારી આરોગ્ય સેવાઓનું ગુણવત્તાયુક્ત દ્રઢીકરણ અને સૌની પહોંચમાં હોવું છે. તબીબી સેવાઓમાં જે વિકરાળ અસમાનતા જણાય છે તેનું નિવારણ  સાર્વજનિક આરોગ્ય સેવાઓમાં સુધારા અને આરોગ્યના અધિકારમાં છે. તેથી રાજસ્થાનનું આરોગ્યના અધિકારનું પગલું સરાહનીય અને અનુકરણીય છે.

    રાઈટ ટુ હેલ્થ બિલ, ૨૦૨૨માં રાજસ્થાનના નિવાસીઓને આરોગ્યનો અધિકાર આપતી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. સરકારી અને સરકાર અધિકૃત ખાનગી દવાખાના કે હોસ્પિટલોમાં અંદરના અને બહારના દર્દીઓની તબીબી સલાહ, સારવાર, તપાસ, પરિવહન અને અન્ય સેવાઓની કોઈ ફી લેવામાં આવશે નહીં. દર્દી ઈમરજન્સી સારવાર માટે સરકાર અધિકૃત ખાનગી હોસ્પિટલમાં જાય અને સારવારના બિલની ચુકવણી ના કરી શકે તેમ હોય તો આવી ખાનગી હોસ્પિટલો સારવારની ના કહી શકશે નહીં. અકસ્માત કે અન્ય લીગલ મેડિકો કેસીસમાં પોલીસ તપાસની રાહ જોયા વિના કે હોસ્પિટલના બિલના અગોતરા ચુકવણાની ફરજ પાડ્યા વિના તાત્કાલિક તબીબી સારવાર આપવાની રહેશે. ખાનગી હોસ્પિટલને આવા બિલોનું ચુકવણું રાજ્ય સરકાર કરશે. સમયસર ચુકવણા માટે ઓટો એપૃવલની જોગવાઈ કરી છે. દર્દી અને તેના સગાંને દવા અને તપાસના સ્થાનની પસંદગીનો, ઈલાજ વિશેની સંપૂર્ણ માહિતીનો, અન્ય તબીબ કે હોસ્પિટલનો સેકન્ડ ઓપિનિયન મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદામાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ ઓથોરિટીની જોગવાઈ કરવામાં આવી છે. તેના નિર્ણય વિરુધ્ધ દિવાની અદાલતમાં જવાનો અધિકાર અબાધિત રાખવામાં આવ્યો છે.

    રાજસ્થાન વિધાનસભાએ સર્વાનુમતે પસાર કરેલા આ બિલને ખાનગી તબીબો અને તેમના મંડળોએ કાળો કાયદો ગણાવી વિરોધ કર્યો હતો. રાજસ્થાનમાં તો પ્રાઈવેટ હોસ્પિટલોએ બાર દિવસની હડતાળ પાડી હતી. જે રાજ્યના તમામ રાજકીય પક્ષો અને નાગરિક સમાજ માટે આઘાતજનક હતું. તેમા છતાં વિપક્ષ બીજેપીના નેતાની સામેલગીરી સાથે સરકારે કાયદાના અમલીકરણ અંગેની તેની દ્રઢ પ્રતિબધ્ધતા સાથે પ્રાઈવેટ ડોકટર્સની વાજબી માંગણીઓ સ્વીકારતી ચર્ચાઓ કરી હતી. ખાનગી તબીબોને ઈમરજન્સીમાં કરેલી સારવારના નાણા ચુકવવામાં સરકારી તંત્રના વિલંબ અને ફરિયાદ નિવારણ માટેની ઓથોરિટીનો નિર્ણય અંતિમ હોવાની જોગવાઈ સામે વિરોધ હતો. તેનું સરકારે વાજબી નિરાકરણ કર્યું હતું. હડતાળ દરમિયાન તબીબોના સંતાનોના હાથમાં ‘મેરે પાપા ડોકટર હૈ, લૂટેરે નહીં’ એવું જે પ્લેકાર્ડ હતું તેના પરથી ખાનગી ડોકટરોને આ કાયદો તેમના પર નિયંત્રણ મૂકનારો હોવાનું લાગ્યું હતું. પરંતુ કાયદાનો ખરો ઉદ્દેશ તો લોકો સુધી સમયસર ગુણવતાયુક્ત આરોગ્યસેવાઓ પહોંચાડવાનો છે.એટલે તેમનો ભય વાજબી નથી.

    રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આડે હવે થોડા જ મહિના બાકી છે ત્યારે આ કાયદો કોંગ્રેસે તેના રાજકીય સ્વાર્થ માટે ઘડ્યો હોવાની પણ ટીકા થઈ રહી છે.જોકે આ ટીકા સાચી જણાતી નથી. માહિતી અધિકારની જેમ આરોગ્યના અધિકારનો કાયદો રાજસ્થાનના જનઆંદોલનનું પરિણામ છે.જન સ્વાસ્થ્ય અભિયાન, રાજસ્થાન દ્વારા લાંબા સમયથી આરોગ્યના અધિકારની માંગણી થઈ રહી છે. ૨૦૧૮ની રાજ્ય વિધાનસભાની  ચૂંટણી વખતે અભિયાને તમામ રાજકીય પક્ષો સમક્ષ આરોગ્યના અધિકારના ચૂંટણી વચનની માંગણી કરી હતી. તેને લીધે જ કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં રાઈટ ટુ હેલ્થના કાયદાનું વચન આપ્યું હતું.

    પાતળી બહુમતીથી રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં આવતાં ૨૦૧૯માં અભિયાને સરકાર અને સંબંધિત પક્ષો સમક્ષ કાયદાનો મુસદ્દો રજૂ કર્યો હતો. પરંતુ કોરોનાને કારણે તેમાં ધારી પ્રગતિ થઈ નહોતી. તે પછી ૨૦૨૧માં ફરી ઝુંબેશ હાથ ધરી. ફલસ્વરૂપ માર્ચ-૨૦૨૨માં સરકારે બિલનો પહેલો મુસદ્દો ઘડી જાહેર જનતાના સૂચનો માંગ્યા હતા. તેના આધારે સુધારા સાથેનું બિલ સપ્ટેમ્બર ૨૦૨૨માં વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બિલ સામે ત્યારે પણ ખાનગી તબીબોનો વિરોધ હતો.એટલે તેને વધુ વિચારણા માટે પ્રવર સમિતિને સોંપવામાં આવ્યું. તેના પરની વિચારણા અને સૂચનો સાથેનું બિલ ગઈ તારીખ એકવીસમી માર્ચ ૨૦૨૩ના રોજ વિધાનસભાએ વિના વિરોધે પસાર કર્યું છે. એટલે બિલ દીર્ઘ અને જટિલ પ્રક્રિયામાં તપીને મંજૂર થયું છે. માત્ર મતો અંકે કરવા જ પસાર થયું છે તેમ કહેવું યોગ્ય નથી.

    હાલનો આ કાયદો આરોગ્યસેવા( હેલ્થકેર)નો છે. આરોગ્યના અધિકાર (રાઈટ ટુ હેલ્થ) નો નથી. કાયદામાં ઘણી ખામીઓ પણ છે. કાયદો માત્ર રાજસ્થાનના નિવાસીઓને લાગુ પડવાનો છે. એટલે રાજ્ય બહારના લોકો, વિચરતી જાતિઓ વગેરેને લાગુ પડશે નહીં. અધિકાર આપ્યો છે પરંતુ જો આરોગ્યસેવાઓ જ અપૂરતી હશે તો તેનો અમલ થવાનો નથી. સરકારી દવાખાનાઓની દાકતરો, દવાઓ,  દાક્તરી તપાસના સાધનો અને સ્ટાફના અભાવની સમસ્યાથી રાજસ્થાન પણ બાકાત નથી. આ બિલ પૂર્વે અન્ય રાજ્યોની આરોગ્ય બજેટની ૬ ટકા ફાળવણીની સરખામણીએ રાજસ્થાનમાં ૭.૪ ટકા બજેટ ફાળવણી થતી હતી. એટલે અમલીકરણનું સુદ્રઢ તંત્ર અને રાજકીય ઈચ્છાશક્તિ હશે તો જ કાયદો સફળ બની શકશે. રાજસ્થાનના કાયદાનું અનુકરણ અન્ય રાજ્યો કરે, રાષ્ટ્રીય કક્ષાના કાયદાની માંગ બુલંદ બને, કમસેકમ આ એક રાજ્યના લોકોના માથે બીમારીના ખર્ચનો બોજ ઘટે અને ગરિમા સાથે દાક્તરી સારવાર મળી શકે તો ય ભયો ભયો.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કવિ લખે કવિતા

    નવી કલમની કવિતા અને આસ્વાદ

    ભારતી વોરા ‘સ્વરા’

    વ્યથાના ઘૂંટડા પીધા પછી, જીભે ઉગે કવિતા,
    પીડાથી ભીંજવી હો જાત, એ લોકો કરે કવિતા.

    બધે અંધાર ફેલાયો, રસ્તે ભટકે વટેમાર્ગુ,
    નવું જીવન, નવું તરણું, નવી આશા બને કવિતા.

    હશે આંજ્યો નયનમાં, દરિયો આખો એમણે ખારો,
    દુઃખિયાના દર્દો દેખીને તેથી તો રડે કવિતા.

    વલોવાયો હશે સમદર પીડાનો એની અંદર પણ,
    પછી તો એ અમીને ઝેરની સાથે થૂંકે કવિતા.

    પડે છે હાથપગમાં છાલાં કાળી એ મજૂરીના,
    છતાં કુસ્તી કરે છે હાંડલા ત્યારે ફૂટે કવિતા.

    કલમ, કાગળ ચડે જીદે શબ્દોના ખેલવા ખેલ,
    કરે હૈયું વધારે શોર ત્યારે કવિ લખે કવિતા.


    આસ્વાદઃ

    દેવિકા ધ્રુવ

    કિશોર અવસ્થામાં જ પદ્યના ઢાળ તરફ સરકી પડીને આનંદનો અનુભવ કરતાં બહેન ભારતી વોરાની નવી  કલમ  ગઝલ તરફ વળી રહી છે જે ધ્યાનપાત્ર છે. મૂળ સુરતના પણ આંબલા-ગ્રામ દક્ષિણામૂર્તિમાં સ્થાયી થયેલ. તેમની આ ગઝલ વેદનાને વાચા આપે છે.

    ગઝલના મત્લાથી તેમના સંવેદનશીલ હૃદયમાંથી વ્યથાનો સૂર નીકળે છે તે છેક મક્તા સુધી ઠલવાતો રહે છે. એ કહે છે કે,

    વ્યથાના ઘૂંટડા પીધા પછી, જીભે ઉગે કવિતા,
    પીડાથી ભીંજવી હો જાત, એ લોકો કરે કવિતા.

    એક વાત તો નિર્વિવાદ છે કે, No pain, no pleasure. પીડા વગર પ્રસવ સંભવિત નથી. એક જોરદાર ધક્કો વાગે, જખમ થાય, પારાવાર પીડા થાય, હૈયું છલછલ થઈ જાય ત્યારે જ ઊંડાણમાંથી ‘આહ’ નીકળે! આ શેરમાં પીડાની વાત પર ભાર નથી. સવિશેષ વજન તો કવિતા ક્યારે બને એની પર પડે છે. પ્રસવ પછીની પ્રસન્નતાની વાત છે.

    નાનપણમાં જોયેલાં રમખાણોથી દ્રવી ગયેલ દિલના આ ઉદગારો છે. માત્ર સ્વની જ નહિ, સમાજની વ્યથા ઘૂંટાયેલ છે. આસપાસ સ્હેજ નજર કરીશું તો જણાશે કે, ઠેકઠેકાણે વેદના પથરાયેલ છે અને એની વચ્ચે જ માનવીએ માર્ગ કાઢ્તાં જવાનું છે અને આગળ ચાલતા રહેવાનું છે. જીવનનું બીજું નામ ઝિંદાદિલી છે, તો કવિતાની કલા એની દીવાદાંડી છે.

    ચારેતરફ અંધકાર ફેલાયેલો હોય,કોઈ રસ્તો ન દેખાતો હોય અને મુસાફર ખોટા રસ્તે ભટકવા માંડે, થાકી જાય, હતાશ થઈ જાય એમ પણ બને.જાતજાતના વિચારો મન પર હુમલો કરે એમ પણ બને. પરંતુ તે વખતે ક્યાંક દૂર ઝૂંપડીમાં પ્રકાશતાં કોડિયાંની જ્યોત જેવી આશા જન્મે, અજવાસનો ભાસ થાય અને નાનકડા તરણાનું શરણું મળતું જણાય ત્યારે સાચી કવિતા ફૂટે.

    આ ગઝલની નાયિકા આગળ કહે છે કે, દરિયાને જ જુઓ ને? આખાયે જગતનાં દર્દો આંખમાં આંજ્યાં છે, પોતે ખારો બની ગયો છે. દુઃખોના સમંદરને અંદર સમાવી દીધાં છે, પોતે જબરદસ્ત વલોવાયો છે અને તે પછી જ ખૂબ ઘૂઘવે છે ત્યારે એના એ ઘૂઘવાટમાં કવિતા સંભળાય છે.

    વલોવાયો હશે સમદર પીડાનો એની અંદર પણ,
    પછી તો એ અમીને ઝેરની સાથે થૂંકે કવિતા.

    વાહ.. જુઓ અહીં અમી-ઝેરના વિરોધાભાસી શબ્દો પ્રયોજી ખરો અર્થ ઉપસાવ્યો છે.પીડા પછીના અમીની જ વાત, કવિતાની જ અભિપ્રેત છે. જે થૂંકવાનું છે તે તો ઝેર છે, તેની વાત જ નથી કરવી. આ વિચાર, આ ભાવ જ કલા છે ને?

    છિદ્રોની પીડા વેઠેલી વાંસળીમાંથી નીકળતા વેદનાના સૂરોને વધારે ઘેરો બનાવતો આગળનો શેર એક કાળી મજૂરી કરતા ઈન્સાનનું ચિત્ર ખડું કરી દે છે. એ ઋતુઓના તડકા-છાંયાની પરવા કર્યા વગર સખત પરિશ્રમ કરે છે, ત્રણ સાંધો ત્યાં તેર  તૂટે એવી ગરીબીને પડકારવા પગે છાલાં પડે એટલી મજૂરી કરે છે. છતાં ઘરનાં હાંડલા કુસ્તી કરતા જુએ ને હૈયું ચીરાઈ જાય ત્યારે એના લીરામાંથી જે નીકળે તે સાચી કવિતા.

    છેલ્લે મક્તાના શેરમાં એક મઝાનો અને મહત્વનો મુદ્દો ઉમેરાયો છે કે, કાગળ ને કલમ બંને ગમે તેટલાં જીદે ચડે, શબ્દો સાથે ખેલ ખેલવા થનગની ઊઠે પણ એમ કાંઈ કવિતા ન બને. સ્વીચ દાબો ને બત્તી થઈ જાય તેવું સહેલું એ કામ નથી. જ્યારે હૃદય ખળભળી ઊઠે ને એનો શોર જ્યારે માઝા મૂકે ત્યારે જે બને તે કવિતા, ત્યારે જે લખે તે કવિ. जैसे बंसी के सीने में छेद है फिर भी गाये।

    કલમ, કાગળ ચડે જીદે શબ્દોના ખેલવા ખેલ,
    કરે હૈયું વધારે શોર ત્યારે કવિ લખે કવિતા.

    એક હિંદી શાયર ડો નૌશા અશરારનો શેર સ્વાભાવિકપણે જ યાદ આવી ગયા વગર રહેતો નથી કે, લખે છે કે,

    જબ લહૂ આંખોસે ઉબલે તો ગઝલ બનતી હૈ
    ઓર દિલકે અરમાં કોઈ મચલે, તો ગઝલ બનતી હૈ.

    આમ હજઝના ખંડિત છંદમાં લખેલ આ ગઝલ માટે ભારતીબહેન વોરાને અભિનંદન અને શુભેચ્છાઓ.

  • ગુલઝારની ઉર્મિશીલ યાદોના પ્રવાહની સફર – હરિ એટલે….

    હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ ….  મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.
    આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગ્ત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્ક્રર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ  કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.
    વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે. 
    તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.

    બીરેન કોઠારી

    હરિ (સંજીવકુમાર)નું બધું જ સારું- એક અદ્ભુત વ્યક્તિ, મહાન અભિનેતા, ગજબની રમૂજવૃત્તિ- સિવાય એક બાબત. નિયમિતતા સાથે એને આડવેર હતું. અમે ‘નમકીન’નું શૂટિંગ કરી રહ્યા હતા, અને હરિ રોજેરોજ મોડો આવતો. એ સવારે વહેલો જાગી શકતો નહીં. ત્રણ જાજરમાન અભિનેત્રીઓ વહીદા રહેમાન, શર્મિલા ટેગોર અને શબાના આઝમી સવારે સમયસર પોતાનો મેક-અપ કરાવીને તૈયાર રહેતી અને રોજ લગભગ બે કલાક તેમણે રાહ જોવી પડતી.
    સેટ પર કોઈ મોડું આવે તો હું તેમને કશું કહી શકતો નહીં. કોઈક મોડું આવ્યાની મને જાણ થાય તો હું રિફ્લેક્ટરના પાછલા ભાગ પર લખી દેતો, ‘અનિયમિતતા એ અનૈતિકતા છે. નિયમિત બનો.’ આમ લખીને રિફ્લેક્ટરને સેટના પ્રવેશ પર, બરાબર સામે જ, એ વંચાય એ રીતે મૂકાવતો. એક દિવસ ત્રણે મહિલાઓએ ફરિયાદના સૂરે કહ્યું, ‘અમારામાંથી કોઈ મોડું આવે તો તમે અમારી સામે રિફ્લેક્ટર મૂકી દો છો, તો હરિને તમે કેમ આવું કરતા નથી?’ મેં એમને કહ્યું, ‘જુઓ, વરસો સુધી એને આ બાબત સમજાવ્યા પછી હું હવે થાકી ગયો છું. એટલે મેં એના પૂરતી એ વાત પડતી મૂકી છે. પણ તમે ત્રણે એને પાઠ ભણાવી શકો એમ હો તો કંઈક કરો. હું તમારી સાથે છું.’ એ ત્રણે મહિલાઓએ નક્કી કર્યું કે હરિ સેટ પર મોડો આવે તો એમાંથી કોઈ એની સાથે વાત નહીં કરે. તેઓ ગુસ્સે થઈ હોવાનો દેખાવ કરશે, અને કોઈ પણ જાતની મજાકમસ્તી નહીં કરે.

    હરિ સેટ પર આવ્યો અને તેને તરત જ ગંધ આવી ગઈ કે કંઈક રંધાઈ રહ્યું છે. ઘડીભર એ મૂંઝાયો. એ જ્યારે પણ સેટ પર મોડો આવે ત્યારે કહેતો, ‘ચાલો, માસ્ટર શૉટ સૌથી પહેલાં લઈ લઈએ.’ માસ્ટર શૉટમાં અનેક સીન એક જ વખતમાં પૂરા કરી શકાય છે, અને એ રીતે સમયનો બચાવ થાય છે. એ દિવસે પણ માસ્ટર શૉટનું આયોજન હતું. અમે શૉટની તૈયારી કરવા લાગ્યા. આજે હું એ પ્રસંગ યાદ કરું તો મને એ કોઈ સ્વપ્ન જેવો લાગે છે. શૉટ પત્યો અને ગુસ્સે ભરાયેલી એ ત્રણે અભિનેત્રીઓ હરિ પાસે આવી અને તેને ભેટી પડી. એકેએક જણ રાજી હતું. હરિએ એ શૉટ એટલી સુંદર રીતે, અદ્ભુત રીતે કરેલો.

    એને અભિનય કરતો જુઓ તો લાગે જ નહીં કે એ અભિનય કરે છે. ટાઈમીંગની એની અદ્ભુત સમજણને કારણે એમ જ લાગતું કે એણે પોતાનું સર્વસ્વ એમાં રેડી દીધું છે.


    – ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)

    નોંધ: ગુલઝારે કયા ચોક્કસ શૉટની વાત લખી છે એ જાણી શકાય એમ નથી, પણ ‘નમકીન’નું એક અદ્ભુત ગીત અહીં મૂકવાની લાલચ રોકી શકાતી નથી. શર્મિલા ટેગોર, શબાના આઝમી અને કિરણ વૈરાલે પર ફિલ્માવાયેલા આ ગીતમાં આશા ભોંસલે, ગુલઝાર અને રાહુલ દેવ બર્મનનું સુવર્ણ સંયોજન છે. ફિલ્મમાં શબાનાની ભૂમિકા મૂંગી યુવતીની છે, તેથી આ ગીતમાં આવતો આલાપ તેમના ખુદના સ્વરમાં છે.
    આ ગીતની ધૂન એવી છે કે એક વાર સાંભળીને ધરવ થાય નહીં.

    (તસવીર નેટ પરથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • હિંદુ ધર્મ અને જવાહરલાલ નેહરુ

    સમાજદર્શનનો વિવેક

    કિશોરચંદ્ર ઠાકર

    દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં અવસાન પછીના થોડા વર્ષો બાદ ભાવનગર જિલ્લાનાં શિહોર મુકામે લક્ષ્મણ ચૈતન્યજી નામના એક સાધુની નિશ્રામાં  લક્ષચંડી  યજ્ઞ થયેલો. વર્ષ તો એ દુષ્કાળનું હતું, પરંતુ જેમાં ખૂબ ખર્ચ થયેલો અને મોટા પ્રમાણમાં ઘી હોમવામાં આવેલું તેવો આ યજ્ઞ સાતેક દિવસ સુધી ચાલેલો અને રંગેચંગે સંપન્ન થયેલો. હોમહવન ઉપરાંત સાધુસંતોના પ્રવચનો પણ થતાં. તેમાં એક સાધુએ પ્રવચન કરેલું જેનું એક વાક્ય  “નેહરુકો ખ્વાબ થા કિ મૈં હિંદુઓકો મિટા દૂં” આજે પણ સ્મરણમાં છે. આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયેલું કે કાશ્મીરી બ્રાહ્મણ તરીકે જન્મેલા નેહરુએ  હિદુઓને શા માટે ખતમ કરવા જોઇએ?!

    તે પહેલાં એક વાત તો વારેવારે સાંભળવા મળતી કે નેહરુ એટલા બધા ધનવાન હતા કે તેમના કપડાં પેરિસમાં ધોવરાવા માટે જતા. (નેહરુએ ૧૯૩૬માં જ  લખેલી પોતાની આત્મકથામાં આ વાતનું  ખંડન કરેલું) કાળક્રમે પેરિસવાળી વાત કહેવાતી બંધ થતી ગઈ, પરંતુ નેહરુ હિંદુ વિરોધી છે એ વાત આજ સુધી સતત કહેવાતી રહી છે. તાજેતરમાં આ પ્રવૃતિ ભલે વધી હોય તેમ લાગે પરંતુ  નેહરુજીને તદ્દન ખોટી રીતે હિંદુ વિરોધી તરીકે ઓળખાવવાના મૂળ ઘણા ઊંડા છે.

    નેહરુનાં નામે ચડાવી દેવામાં આવેલું એક કથન છે, “મેં જે શિક્ષણ લીધું છે તેના લીધે હું અંગ્રેજ છું, મારો ઉછેર મુસ્લિમ તરીકે થયો છે અને એ તો અકસ્માત જ છે કે હું હિંદુ તરીકે જનમ્યો”. સોશિયલ મીડિયાના સહારે આ વાતનો પ્રચાર એટલાં મોટા પ્રમાણમાં થયો છે કે લોકો આગળ વધીને એમ પણ માનતા થયા કે નેહરુ જન્મથી જ મુસ્લિમ છે. પરંતુ મૂળ વાત એવી છે કે છેક 1950માં નેહરુના વિરોધી એવા  હિંદુ મહાસભાના કોઈ સભ્યે કહેલું કે નેહરુ તેમના શિક્ષણને લીધે અંગ્રેજ છે, મુસ્લિમ તરીકે ઉછરેલા છે અને હિંદુ તરીકે જનમ્યા એ તો અકસ્માત જ છે. આ કથનને  સિફતપૂર્વક ખુદ જવાહરલાલ નેહરુને નામે જ ચડાવી દેવામાં આવ્યું અને પછીથી નેહરુ અંગે દુષ્પ્રચાર માટે તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. પોતાની ઓળખ  હિંદુ વિરોધી હોય તેથી  નેહરુને તો  કોઇ ફરક પડતો નથી પરંતુ એક આખી પેઢી ઉંધે પાટે ચડી ગઈ. જે લોકો પોતે હિંદુ હોવાનું ગૌરવ અનુભવે છે તેમાંના ઘણાબધા‌ ‌- નેહરુ જે સારી રીતે સમજતા હતા તે- હિંદુ  ધર્મનું હાર્દ અને તત્વજ્ઞાન  જ સમજી શક્યા નહિ.

    એ તો સૌ કોઈ જાણે છે કે આઝાદીની લડાઈમાં નેહરુ અનેક વખત જેલમાં ગયેલા અને ત્યાં તેમણે પુસ્તકો લખેલા. પરંતુ એ પુસ્તકોમાં શું લખ્યું છે તેની ખબર ના હોવાથી નેહરુના હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ પ્રત્યેના દૃષ્ટિકોણ  વિશે બહુ ઓછા લોકો  જાણી શક્યા. જો નેહરુનાં લખાણો વાંચીએ તો ખ્યાલ આવી જ જાય કે  નેહરુ  હિંદુ વિરોધી  ન હતા કે પ્રચલિત અર્થમાં નાસ્તિક પણ ન હતા. અલબત્ત  મંદિરે જતા કે  પૂજાપાઠ કરનારા હિંદુ તો તેઓ ન  જ હતા.

    નેહરુએ 1934માં જગતનો ઇતિહાસ, 1936માં પોતાની આત્મકથા અને ૧૯૪૬માં ‘મારું હિંદનું દર્શન’ એમ ત્રણ પુસ્તકો લખ્યાં. આ ઉપરાંત નેહરુનાં અન્ય લખાણો  આપણે વાંચીશું તો ખ્યાલ આવશે કે  હિંદુ ધર્મની આધ્યાત્મિકતા, તેનું રહસ્ય તથા આપણી પ્રાચીન સંસ્કૃતિની ઉદારતાનાં નેહરુએ આપણને  જે રીતે દર્શન કરાવ્યાં છે તે રીતે  હિંદુ ધર્માના ધુરંધરોએ પણ ભાગ્યે જ  કરાવ્યા હશે. આના મૂળમાં છે નેહરુનો  હિંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ અને તે જ કારણે તેમણે રામાયણ, મહાભારત,  ઉપનિષદો અને ભગવદ ગીતાનો  કરેલો ઊંડો અભ્યાસ. મધ્યયુગના નાનક, કબીર અને તુલસીદાસ જેવા સંતોના પણ તેઓ ભારોભાર પ્રશંસક હતા. માત્ર એટલું જ નહિ આધુનિક યુગમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ સમાન સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ અને અન્ય સંતો પ્રત્યે પણ તેમને આદરભાવ હતો. આ સંતોની આધ્યાત્મિક સમજ અને તેમણે કરેલા તેના પ્રચારે ભારતની જનતાને જગાડીને આઝાદીની લડાઈ માટે તૈયાર કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો. આ વાતથી નેહરુ સુપેરે વાકેફ હતા.

    જાણીતા અંગ્રેજી વર્તમાન પત્ર ‘ટાઈમ્સ ઓફ ઇ‌ન્ડિયા’ ના એક વખતના તંત્રી શ્રી ગિરીલાલ જૈને ‘Hindu phenomenon’ નામે પુસ્તક લેખેલું છે. તેમાં તેમણે ભારતીય જનતા પક્ષના ઉદયની અને કોંગ્રેસના   વળતા પાણીની આગાહી કરી છે. પરંતુ આ જ પુસ્તકમાં તેઓ લખે છે કે નેહરુ દૃઢપણે માનતા કે  આઘ્યાત્મિકતા અને નૈતિકતા વિનાનો માત્ર ભૌતિક વિકાસ તો માનવતાનો વિનાશ નોતરનારો છે.

    પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને નેહરુની વિચારો પણ ક્યાંક મળતા આવે છે. નેહરુ અને ઉપાધ્યાય બન્નેને ભારતની પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યે આદર હતો. નેહરુ  હિંદુ ધર્મના કલંક સમાન અસ્પૃશ્યતાના વિરોધી તો હતા જ ઉપરાંત એમ પણ  કહેતા કે કેટલાક જરી પુરાણા રિવાજો અને મૂલ્યોને છોડીને આપણે નવું પ્રસ્થાન કરવું પડશે. એ જ પ્રમાણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કહેતા કે આપણે એવા પુરાતત્વવાદી નથી કે  સંસ્કૃતિના સંગ્રહસ્થાનના ચોકીદાર બની રહીએ. ખરેખર તો આપણે કેટલાક કાળગ્રસ્ત થઈ ગયેલા રિવાજોને છોડીને ધાર્મિક સુધારાઓનો આશરો લેવો પડશે.

    નેહરુ મંદિર જવાનું પસંદ કરતા ન હતા પરંતુ ભારતીય સંસ્કૃતિનું જ્યાં પારણું બંધાયુ છે તે નગાધિરાજ હિમાલય અને ગંગામૈયાના દર્શનમાં તેઓ એક ભાવિક હિંદુની જેમ જ ભક્તિભાવ અનુભવતા. નેહરુનાં પત્ની કમળાદેવી તે સમયના જાણીતા મહિલા સંત મા અનંદમયીના ચાહક હતા અને પછીથી નેહરુનાં પુત્રી ઈંદિરા ગાંધી પણ મા અનંદમયીના ભકત બનેલા. એમ કહેવાય છે કે ખુદ નેહરુને પણ મા આનંદમયી પ્રત્યે પૂજ્ય ભાવ હતો.

    ભારતીય દર્શનના નિષ્ણાત અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલોસોફર એવા તે વખતના ભારતના રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે નેહરુ અવારનવાર ઉપનિષદો બાબતે ચર્ચા કરતા.નેહરુના પુસ્તક  “Discovery of India દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવેલી નેહરુના પુસ્તક “Discovery of India” પર આધારિત  શ્યામ બેનેગલની સિરિયલ ‘ભારત  એક ખોજ ‘ના દરેક એપિસોડનો આરંભ ઋગ્વેદના નાસદીય સૂક્તના  “સૃષ્ટિ કે પહેલે સત નહિ થા, અસત ભી નહિ થા” વગેરે મંત્રોથી થતો.  આ રીતે સિરિયલના નિર્માતા  હિંદુ ધર્મનાં સૌથી પુરાણા શાસ્ત્ર એવા વેદ સાથે નેહરુનો સબંધ જોડે છે.,

    અનુયાયીઓમાં ગુરુજી તરીકે ઓળખાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ શ્રી માધવ સદાશિવરાવ ગોલવેલકરના વિચારો અને નેહરુના વિચારો ઘણી બધી બાબતોમાં તદ્દન ભિન્ન છેડેના હતા. પરંતુ ગોલવેલકરને   નેહરુ પ્રત્યે ખૂબ જ સન્માન હતું. એક વખત બન્યું એવું કે  એક સ્થળે રાષ્ટ્રીય સ્વયંસેવકની શિબિરમાં  ગોલવેલકરજી સ્વયંસેવકોને સંબોધી રહ્યા હતા. એવામાં કોઈ શિબિરાર્થીએ નેહરુની સખત ટીકા કરી. આ સાંભળીને ગુરુજી ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તે ભાઈને તાત્કાલિક શિબિર છોડી જવા કહ્યું.

    નેહરુનાં અવસાન વખતે તે વખતના જનસંઘના નેતા શ્રી અટલ બિહારી બાજપાઈએ નેહરુને શ્રદ્ધાંજલિ આપતું પ્રવચન તો સોશિયાલ મિડિયાના કારણે ઘણા લોકો સુધી પહોંચ્યું છે.. કદાચ આપણને આશ્ચર્ય થાય, બાજપાઈજીએ તો ત્યાં સુધી કહેલું કે નેહરુજીમાં વાલ્મિકિ રામાયણમાં વર્ણવેલ ભગવાન રામની ભાવાનાઓ કે લાગણીઓના દર્શન થયા છે. કદાચ કવિ હૃદયના બાજપાઈજી  વધારે ભાવનાશીલ થતા લાગે. પરંતુ હિંદુ પ્રજાને જેમના પ્રત્યે હજારો વર્ષોથી ભક્તિભાવ છે તે ભગવાન રામ સાથે  જોડવા જેવું કાંઈક તેમને નેહરુજીનાં વ્યક્તિત્વમાં  દેખાયું.

    જેમણે ‘psuedo secularism(દંભી બિનસાંપ્રદાયિકતા)’ જેવો શબ્દ પ્રચલિત કર્યો એ શ્રી લાલકૃષ્ણ અડવાણી નેહરુને સાચા સેક્યુલારિસ્ટ માનતા. માત્ર એટલું જ નહિ તેમનું કહેવું હતું કે નેહરુની બિનસાંપ્રદાયિકતાનો પાયો હિંદુ ધર્મ (હિદુ ધર્મની ઉદાર ફિલસુફી) છે.

    આમ એક સાચા હિંદુ હોવા છતાં નેહરુજી જાણતા હતા કે પોતે એક બિનસાંપ્રદાયિક દેશના વડા છે. આથી તેઓ ખાલી દેખાવ પૂરતા પણ મંદિર જતા નહિ કે પોતાને  જાહેરમાં ક્યાંય હિંદુ તરીકે રજૂ કરતા નહિ. એક નવોદિત અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્રમાં ખોટી પ્રણાલિકા ના પડે તેથી જ તેમણે દેશના પહેલા રાષ્ટ્રપતિ બાબુ રાજે‌ન્દ્રપ્રસાદને સોમનાથ મંદિરે નહિ જવા  સલાહ આપેલી. આ ઉપરાંત તેમની સમક્ષ દેશનું નવનિર્માણ કરવાનું ભગીરથ કાર્ય પડેલું હતું આ કારણે તેમની પાસે ધર્મ અંગેની કોઇ વાતો કરવાનો સમય પણ ન હતો. પરંતુ પોતે ભારતના એક સામાન્ય હિંદુ જેવા જ  ઉદારમતવાદી હિંદુ હતા તેમને હિદુ વિરોધી ચીતરવામાં નથી  કોઇ ડહાપણ ,નથી  હિંદુ ધર્મનું હિત  કે નથી હિંદુ ધર્મનું ગૌરવ.

    (આ લેખ લખવા માટે તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૩ના દિવસે ઈ‌ન્ડિયન એક્ષ્પ્રેસમાં પ્રગટ થયેલા શ્રી સુધી‌ન્દ્ર  કુલકર્ણીના લેખનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.)


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • માતૃવંદનાનાં ચિત્રાંકનો

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com