કોઈ દિન ગર જ઼િંદગાની ઔર હૈ
(શેર ૧ થી ૩ થી આગળ)
મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
દે કે ખ઼ત મુઁહ દેખતા હૈ નામા–બર
કુછ તો પૈગ઼ામ–એ–જ઼બાની ઔર હૈ (૪)
[નામા-બર= કાસદ, સંદેશાવાહક; પૈગ઼ામ-એ-જ઼બાની= મૌખિક સંદેશો]
રસદર્શન :
ગ઼ાલિબના કેટલાક શેર એવા હોય છે કે જે ભાવકના હૃદયમાં ગલગલિયાં કરાવ્યા સિવાય રહે નહિ. અહીં માશૂકા તરફથી પ્રેમપત્ર લઈને આવેલો કાસદ માશૂકને પત્ર આપી દીધા પછી તેમના ચહેરાને ઘડીભર જોઈ રહે છે અને માશૂકના દિલમાં એવો સંશય જાગે છે કે માશૂકાએ પત્રમાં તો તેના દિલની વાતને લખી હશે જ, પરંતુ તે ઉપરાંત તેણીએ કોઈક મૌખિક સંદેશો પણ કદાચ મોકલ્યો હોઈ શકે છે. અનન્વય અલંકરમાં કહી શકાય કે ગ઼ાલિબ તો ગ઼ાલિબ છે, કેમ કે તે ચહેરા ઉપરના સૂક્ષ્મ ભાવોને વાંચી શકે છે. કોઈપણ વ્યક્તિના મનોભાવોને સમજી લેવાની શાયરની કાબેલિયત જ તેને મોટા ગજાનો શાયર બનાવી શકે છે. ગ઼ાલિબ તેના ઘણા બધા શેરમાં કાસદને અવશ્ય લાવે છે અને એ કાસદના ચરિત્રચિત્રણને પણ ભિન્ન ભિન્ન સ્વરૂપે આપણા સામે રજૂ કરતો રહેતો હોય છે.
ક઼ાતા–એ–એમાર હૈ અક્સર નુજૂમ
વો બલા–એ–આસમાની ઔર હૈ (૫)
[ક઼ાતા-એ-એમાર= જિંદગીઓના હત્યારા-કાતિલ; અક્સર= ઘણી વાર; નુજૂમ= જ્યોતિષિ, તારા, તારાઓની રોશની; બલા-એ-આસમાની= આસમાની આફત, દૈવી મુસીબત]
રસદર્શન :
થોડોક સંકુલ ગણી શકાય તેવો આ શેર અર્થભાવો પ્રગટ થતાં સુગ્રાહ્ય બની શકે છે. જ્યોતિષશાસ્ત્ર માને છે કે માનવજીવન ઉપર ગ્રહો કે સિતારાઓનો પ્રભાવ પડતો હોય છે. માનવજીવન દુ:ખમય કે સુખમય બને કે પછી આવરદા વધે કે ઘટે તે ગ્રહો ઉપર આધારિત હોય છે તેવું જ્યોતિષીઓ માનતા હોય છે. અહીં પહેલા મિસરામાં પ્રયોજાયેલો શબ્દ ‘એમાર’ એ ‘ઉમ્ર’નું બહુવચન રૂપ છે, જેનો મતલબ થાય છે ‘જિંદગાનીઓ’. માનવીઓની જિંદગીઓ લાંબી કે ટૂંકી ગ્રહોના પ્રભાવના કારણે થતી હોય છે. જિંદગીઓ ટુંકાઈ જવી અર્થાત્ શેરમાંના ‘કાતા’ શબ્દપ્રયોગ સબબે સમજતાં ‘જિંદગીઓનો ખાતમો બોલાઈ જવો’ એ ગ્રહો ઉપર આધારિત હોવાનું અહીં માનવામાં આવ્યું છે. પરંતુ બીજા સાની મિસરામાં ગ઼ાલિબ કહે છે કે માનવજીવન વધઘટ હોવા માટે ગ્રહોની કાયમી અસર હોવા ઉપરાંત ઘણીવાર અણધારી આસમાની કે દૈવી આફત આવી પડતી હોય છે અને તે માનવજીવનને હણી નાખતી હોય છે. આમ અહીં માનવજીવનને પ્રભાવિત કરનારી આ આસમાની આફત વળી ‘કંઈક ઔર’ છે અર્થાત્ વધારાની છે.
હો ચુકીં ‘ગ઼ાલિબ‘ બલાએઁ સબ તમામ
એક મર્ગ–એ–ના–ગહાની ઔર હૈ (૬)
[મર્ગ-એ-ના-ગહાની= ઓચિંતું મોત; અકાળ મોત]
ગ઼ઝલનો આ આખરી મક્તા શેર છે, જેમાં ગ઼ઝલકારનું નામ વણી લેવામાં આવતું હોય છે. ગ઼ાલિબ કહે છે કે માનવીના જીવનમાં નાનીમોટી ઘણી બલાઓ એટલે કે આફતો આવતી જતી હોય છે. વળી આ બધી આફતો ટળી જાય અને થોડોક હાશકારો અનુભવીએ ત્યાં તો વળી અકાળ મૃત્યુની એક મોટી આફત આવી જતી હોય છે અને માનવીની જીવનલીલા સમાપ્ત થઈ જતી હોય છે. આમ ઓચિંતું આવી પડતું મોત એ મોટી આફત બની રહે છે અને ત્યારે એકી ઝાટકે સુખો અને દુ:ખોનો અંત આવી જતો હોય છે. આમ મોત એ શારીરિક બીમારીઓ કે માનસિક સંતાપોને દૂર કરવા માટેનો રામબાણ ઈલાજ બની રહે છે.
(સંપૂર્ણ)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે