નિસબત
ચંદુ મહેરિયા
રાજ્ય નીતિના માર્ગદર્શક સિંધ્ધાંતોના અનુચ્છેદ ૪૭માં જાહેર આરોગ્યમાં સુધારાને રાજ્યનું પ્રાથમિક કર્તવ્ય માનવામાં આવ્યું છે. જીવન જીવવાના મૂળભૂત અધિકાર અંગેના અનુચ્છેદ ૨૧માં આરોગ્યનો અધિકાર નિહિત હોવાનું સુપ્રીમ કોર્ટ અને ઘણા રાજ્યોની હાઈકોર્ટ જણાવી ચૂક્યાં છે. એટલે અનુચ્છેદ ૨૧ અને ૪૭ની બંધારણીય જોગવાઈઓ પ્રમાણે તો ભારતના લોકોને બહુ વહેલો આરોગ્યનો અધિકાર મળી જવો જોઈતો હતો. પરંતુ છેક હવે, આઝાદીના પંચોતેરમા વરસે, કોંગ્રેસશાસિત રાજસ્થાન રાજ્યની વિધાનસભાએ એકમતીથી રાજસ્થાન રાઈટ ટુ હેલ્થ બિલ, ૨૦૨૨ પસાર કર્યું છે. રાજ્યના નાગરિકોને આરોગ્યનો કાનૂની અધિકાર આપતું રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય બન્યું છે.
છેલ્લા બેએક દાયકાથી આરોગ્ય સેવાઓનું ખાનગીકરણ વધ્યું છે. આજે દેશની પોણાભાગની આરોગ્ય સેવાઓ ખાનગી ક્ષેત્ર હસ્તક છે. કુલ દર્દીઓમાંથી પચાસ ટકા ખાનગી દવાખાને સારવાર લે છે. દેશની સિત્તેર ટકા હોસ્પિટલો અને સાઠ ટકા દવાખાના ખાનગી માલિકીના છે. લગભગ પંચોતેર ટકા તબીબો પ્રાઈવેટ પ્રેકટિસ કરે છે. ખાનગી ક્ષેત્રની હેલ્થ સર્વિસ અત્યંત મોંઘી તો હોય જ છે, ઘણી મનમાની પણ ચાલે છે. દેશની વસ્તીનો ઘણો ભાગ આરોગ્ય સેવાઓની પાયાની સગવડોથી વંચિત છે એટલે તે જમીન-જાયદાદ વેચીને કે દેવું કરીને પણ મનમાની મોંઘી ખાનગી આરોગ્ય સેવા લેવા મજબૂર છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે આરોગ્ય પાછળ લોકો જે નાણા ખર્ચે છે તેની વૈશ્વિક સરેરાશ ૧૮ ટકા છે પરંતુ ૨૦૧૯માં ભારતીયોએ ૫૫ ટકા ખર્ચા કર્યો હતો. આ સ્થિતિનો ઉકેલ સરકારી આરોગ્ય સેવાઓનું ગુણવત્તાયુક્ત દ્રઢીકરણ અને સૌની પહોંચમાં હોવું છે. તબીબી સેવાઓમાં જે વિકરાળ અસમાનતા જણાય છે તેનું નિવારણ સાર્વજનિક આરોગ્ય સેવાઓમાં સુધારા અને આરોગ્યના અધિકારમાં છે. તેથી રાજસ્થાનનું આરોગ્યના અધિકારનું પગલું સરાહનીય અને અનુકરણીય છે.
રાઈટ ટુ હેલ્થ બિલ, ૨૦૨૨માં રાજસ્થાનના નિવાસીઓને આરોગ્યનો અધિકાર આપતી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. સરકારી અને સરકાર અધિકૃત ખાનગી દવાખાના કે હોસ્પિટલોમાં અંદરના અને બહારના દર્દીઓની તબીબી સલાહ, સારવાર, તપાસ, પરિવહન અને અન્ય સેવાઓની કોઈ ફી લેવામાં આવશે નહીં. દર્દી ઈમરજન્સી સારવાર માટે સરકાર અધિકૃત ખાનગી હોસ્પિટલમાં જાય અને સારવારના બિલની ચુકવણી ના કરી શકે તેમ હોય તો આવી ખાનગી હોસ્પિટલો સારવારની ના કહી શકશે નહીં. અકસ્માત કે અન્ય લીગલ મેડિકો કેસીસમાં પોલીસ તપાસની રાહ જોયા વિના કે હોસ્પિટલના બિલના અગોતરા ચુકવણાની ફરજ પાડ્યા વિના તાત્કાલિક તબીબી સારવાર આપવાની રહેશે. ખાનગી હોસ્પિટલને આવા બિલોનું ચુકવણું રાજ્ય સરકાર કરશે. સમયસર ચુકવણા માટે ઓટો એપૃવલની જોગવાઈ કરી છે. દર્દી અને તેના સગાંને દવા અને તપાસના સ્થાનની પસંદગીનો, ઈલાજ વિશેની સંપૂર્ણ માહિતીનો, અન્ય તબીબ કે હોસ્પિટલનો સેકન્ડ ઓપિનિયન મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદામાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ ઓથોરિટીની જોગવાઈ કરવામાં આવી છે. તેના નિર્ણય વિરુધ્ધ દિવાની અદાલતમાં જવાનો અધિકાર અબાધિત રાખવામાં આવ્યો છે.
રાજસ્થાન વિધાનસભાએ સર્વાનુમતે પસાર કરેલા આ બિલને ખાનગી તબીબો અને તેમના મંડળોએ કાળો કાયદો ગણાવી વિરોધ કર્યો હતો. રાજસ્થાનમાં તો પ્રાઈવેટ હોસ્પિટલોએ બાર દિવસની હડતાળ પાડી હતી. જે રાજ્યના તમામ રાજકીય પક્ષો અને નાગરિક સમાજ માટે આઘાતજનક હતું. તેમા છતાં વિપક્ષ બીજેપીના નેતાની સામેલગીરી સાથે સરકારે કાયદાના અમલીકરણ અંગેની તેની દ્રઢ પ્રતિબધ્ધતા સાથે પ્રાઈવેટ ડોકટર્સની વાજબી માંગણીઓ સ્વીકારતી ચર્ચાઓ કરી હતી. ખાનગી તબીબોને ઈમરજન્સીમાં કરેલી સારવારના નાણા ચુકવવામાં સરકારી તંત્રના વિલંબ અને ફરિયાદ નિવારણ માટેની ઓથોરિટીનો નિર્ણય અંતિમ હોવાની જોગવાઈ સામે વિરોધ હતો. તેનું સરકારે વાજબી નિરાકરણ કર્યું હતું. હડતાળ દરમિયાન તબીબોના સંતાનોના હાથમાં ‘મેરે પાપા ડોકટર હૈ, લૂટેરે નહીં’ એવું જે પ્લેકાર્ડ હતું તેના પરથી ખાનગી ડોકટરોને આ કાયદો તેમના પર નિયંત્રણ મૂકનારો હોવાનું લાગ્યું હતું. પરંતુ કાયદાનો ખરો ઉદ્દેશ તો લોકો સુધી સમયસર ગુણવતાયુક્ત આરોગ્યસેવાઓ પહોંચાડવાનો છે.એટલે તેમનો ભય વાજબી નથી.
રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આડે હવે થોડા જ મહિના બાકી છે ત્યારે આ કાયદો કોંગ્રેસે તેના રાજકીય સ્વાર્થ માટે ઘડ્યો હોવાની પણ ટીકા થઈ રહી છે.જોકે આ ટીકા સાચી જણાતી નથી. માહિતી અધિકારની જેમ આરોગ્યના અધિકારનો કાયદો રાજસ્થાનના જનઆંદોલનનું પરિણામ છે.જન સ્વાસ્થ્ય અભિયાન, રાજસ્થાન દ્વારા લાંબા સમયથી આરોગ્યના અધિકારની માંગણી થઈ રહી છે. ૨૦૧૮ની રાજ્ય વિધાનસભાની ચૂંટણી વખતે અભિયાને તમામ રાજકીય પક્ષો સમક્ષ આરોગ્યના અધિકારના ચૂંટણી વચનની માંગણી કરી હતી. તેને લીધે જ કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં રાઈટ ટુ હેલ્થના કાયદાનું વચન આપ્યું હતું.
પાતળી બહુમતીથી રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં આવતાં ૨૦૧૯માં અભિયાને સરકાર અને સંબંધિત પક્ષો સમક્ષ કાયદાનો મુસદ્દો રજૂ કર્યો હતો. પરંતુ કોરોનાને કારણે તેમાં ધારી પ્રગતિ થઈ નહોતી. તે પછી ૨૦૨૧માં ફરી ઝુંબેશ હાથ ધરી. ફલસ્વરૂપ માર્ચ-૨૦૨૨માં સરકારે બિલનો પહેલો મુસદ્દો ઘડી જાહેર જનતાના સૂચનો માંગ્યા હતા. તેના આધારે સુધારા સાથેનું બિલ સપ્ટેમ્બર ૨૦૨૨માં વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બિલ સામે ત્યારે પણ ખાનગી તબીબોનો વિરોધ હતો.એટલે તેને વધુ વિચારણા માટે પ્રવર સમિતિને સોંપવામાં આવ્યું. તેના પરની વિચારણા અને સૂચનો સાથેનું બિલ ગઈ તારીખ એકવીસમી માર્ચ ૨૦૨૩ના રોજ વિધાનસભાએ વિના વિરોધે પસાર કર્યું છે. એટલે બિલ દીર્ઘ અને જટિલ પ્રક્રિયામાં તપીને મંજૂર થયું છે. માત્ર મતો અંકે કરવા જ પસાર થયું છે તેમ કહેવું યોગ્ય નથી.
હાલનો આ કાયદો આરોગ્યસેવા( હેલ્થકેર)નો છે. આરોગ્યના અધિકાર (રાઈટ ટુ હેલ્થ) નો નથી. કાયદામાં ઘણી ખામીઓ પણ છે. કાયદો માત્ર રાજસ્થાનના નિવાસીઓને લાગુ પડવાનો છે. એટલે રાજ્ય બહારના લોકો, વિચરતી જાતિઓ વગેરેને લાગુ પડશે નહીં. અધિકાર આપ્યો છે પરંતુ જો આરોગ્યસેવાઓ જ અપૂરતી હશે તો તેનો અમલ થવાનો નથી. સરકારી દવાખાનાઓની દાકતરો, દવાઓ, દાક્તરી તપાસના સાધનો અને સ્ટાફના અભાવની સમસ્યાથી રાજસ્થાન પણ બાકાત નથી. આ બિલ પૂર્વે અન્ય રાજ્યોની આરોગ્ય બજેટની ૬ ટકા ફાળવણીની સરખામણીએ રાજસ્થાનમાં ૭.૪ ટકા બજેટ ફાળવણી થતી હતી. એટલે અમલીકરણનું સુદ્રઢ તંત્ર અને રાજકીય ઈચ્છાશક્તિ હશે તો જ કાયદો સફળ બની શકશે. રાજસ્થાનના કાયદાનું અનુકરણ અન્ય રાજ્યો કરે, રાષ્ટ્રીય કક્ષાના કાયદાની માંગ બુલંદ બને, કમસેકમ આ એક રાજ્યના લોકોના માથે બીમારીના ખર્ચનો બોજ ઘટે અને ગરિમા સાથે દાક્તરી સારવાર મળી શકે તો ય ભયો ભયો.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.