નવી કલમની કવિતા અને આસ્વાદ

ભારતી વોરા ‘સ્વરા’

વ્યથાના ઘૂંટડા પીધા પછી, જીભે ઉગે કવિતા,
પીડાથી ભીંજવી હો જાત, એ લોકો કરે કવિતા.

બધે અંધાર ફેલાયો, રસ્તે ભટકે વટેમાર્ગુ,
નવું જીવન, નવું તરણું, નવી આશા બને કવિતા.

હશે આંજ્યો નયનમાં, દરિયો આખો એમણે ખારો,
દુઃખિયાના દર્દો દેખીને તેથી તો રડે કવિતા.

વલોવાયો હશે સમદર પીડાનો એની અંદર પણ,
પછી તો એ અમીને ઝેરની સાથે થૂંકે કવિતા.

પડે છે હાથપગમાં છાલાં કાળી એ મજૂરીના,
છતાં કુસ્તી કરે છે હાંડલા ત્યારે ફૂટે કવિતા.

કલમ, કાગળ ચડે જીદે શબ્દોના ખેલવા ખેલ,
કરે હૈયું વધારે શોર ત્યારે કવિ લખે કવિતા.


આસ્વાદઃ

દેવિકા ધ્રુવ

કિશોર અવસ્થામાં જ પદ્યના ઢાળ તરફ સરકી પડીને આનંદનો અનુભવ કરતાં બહેન ભારતી વોરાની નવી  કલમ  ગઝલ તરફ વળી રહી છે જે ધ્યાનપાત્ર છે. મૂળ સુરતના પણ આંબલા-ગ્રામ દક્ષિણામૂર્તિમાં સ્થાયી થયેલ. તેમની આ ગઝલ વેદનાને વાચા આપે છે.

ગઝલના મત્લાથી તેમના સંવેદનશીલ હૃદયમાંથી વ્યથાનો સૂર નીકળે છે તે છેક મક્તા સુધી ઠલવાતો રહે છે. એ કહે છે કે,

વ્યથાના ઘૂંટડા પીધા પછી, જીભે ઉગે કવિતા,
પીડાથી ભીંજવી હો જાત, એ લોકો કરે કવિતા.

એક વાત તો નિર્વિવાદ છે કે, No pain, no pleasure. પીડા વગર પ્રસવ સંભવિત નથી. એક જોરદાર ધક્કો વાગે, જખમ થાય, પારાવાર પીડા થાય, હૈયું છલછલ થઈ જાય ત્યારે જ ઊંડાણમાંથી ‘આહ’ નીકળે! આ શેરમાં પીડાની વાત પર ભાર નથી. સવિશેષ વજન તો કવિતા ક્યારે બને એની પર પડે છે. પ્રસવ પછીની પ્રસન્નતાની વાત છે.

નાનપણમાં જોયેલાં રમખાણોથી દ્રવી ગયેલ દિલના આ ઉદગારો છે. માત્ર સ્વની જ નહિ, સમાજની વ્યથા ઘૂંટાયેલ છે. આસપાસ સ્હેજ નજર કરીશું તો જણાશે કે, ઠેકઠેકાણે વેદના પથરાયેલ છે અને એની વચ્ચે જ માનવીએ માર્ગ કાઢ્તાં જવાનું છે અને આગળ ચાલતા રહેવાનું છે. જીવનનું બીજું નામ ઝિંદાદિલી છે, તો કવિતાની કલા એની દીવાદાંડી છે.

ચારેતરફ અંધકાર ફેલાયેલો હોય,કોઈ રસ્તો ન દેખાતો હોય અને મુસાફર ખોટા રસ્તે ભટકવા માંડે, થાકી જાય, હતાશ થઈ જાય એમ પણ બને.જાતજાતના વિચારો મન પર હુમલો કરે એમ પણ બને. પરંતુ તે વખતે ક્યાંક દૂર ઝૂંપડીમાં પ્રકાશતાં કોડિયાંની જ્યોત જેવી આશા જન્મે, અજવાસનો ભાસ થાય અને નાનકડા તરણાનું શરણું મળતું જણાય ત્યારે સાચી કવિતા ફૂટે.

આ ગઝલની નાયિકા આગળ કહે છે કે, દરિયાને જ જુઓ ને? આખાયે જગતનાં દર્દો આંખમાં આંજ્યાં છે, પોતે ખારો બની ગયો છે. દુઃખોના સમંદરને અંદર સમાવી દીધાં છે, પોતે જબરદસ્ત વલોવાયો છે અને તે પછી જ ખૂબ ઘૂઘવે છે ત્યારે એના એ ઘૂઘવાટમાં કવિતા સંભળાય છે.

વલોવાયો હશે સમદર પીડાનો એની અંદર પણ,
પછી તો એ અમીને ઝેરની સાથે થૂંકે કવિતા.

વાહ.. જુઓ અહીં અમી-ઝેરના વિરોધાભાસી શબ્દો પ્રયોજી ખરો અર્થ ઉપસાવ્યો છે.પીડા પછીના અમીની જ વાત, કવિતાની જ અભિપ્રેત છે. જે થૂંકવાનું છે તે તો ઝેર છે, તેની વાત જ નથી કરવી. આ વિચાર, આ ભાવ જ કલા છે ને?

છિદ્રોની પીડા વેઠેલી વાંસળીમાંથી નીકળતા વેદનાના સૂરોને વધારે ઘેરો બનાવતો આગળનો શેર એક કાળી મજૂરી કરતા ઈન્સાનનું ચિત્ર ખડું કરી દે છે. એ ઋતુઓના તડકા-છાંયાની પરવા કર્યા વગર સખત પરિશ્રમ કરે છે, ત્રણ સાંધો ત્યાં તેર  તૂટે એવી ગરીબીને પડકારવા પગે છાલાં પડે એટલી મજૂરી કરે છે. છતાં ઘરનાં હાંડલા કુસ્તી કરતા જુએ ને હૈયું ચીરાઈ જાય ત્યારે એના લીરામાંથી જે નીકળે તે સાચી કવિતા.

છેલ્લે મક્તાના શેરમાં એક મઝાનો અને મહત્વનો મુદ્દો ઉમેરાયો છે કે, કાગળ ને કલમ બંને ગમે તેટલાં જીદે ચડે, શબ્દો સાથે ખેલ ખેલવા થનગની ઊઠે પણ એમ કાંઈ કવિતા ન બને. સ્વીચ દાબો ને બત્તી થઈ જાય તેવું સહેલું એ કામ નથી. જ્યારે હૃદય ખળભળી ઊઠે ને એનો શોર જ્યારે માઝા મૂકે ત્યારે જે બને તે કવિતા, ત્યારે જે લખે તે કવિ. जैसे बंसी के सीने में छेद है फिर भी गाये।

કલમ, કાગળ ચડે જીદે શબ્દોના ખેલવા ખેલ,
કરે હૈયું વધારે શોર ત્યારે કવિ લખે કવિતા.

એક હિંદી શાયર ડો નૌશા અશરારનો શેર સ્વાભાવિકપણે જ યાદ આવી ગયા વગર રહેતો નથી કે, લખે છે કે,

જબ લહૂ આંખોસે ઉબલે તો ગઝલ બનતી હૈ
ઓર દિલકે અરમાં કોઈ મચલે, તો ગઝલ બનતી હૈ.

આમ હજઝના ખંડિત છંદમાં લખેલ આ ગઝલ માટે ભારતીબહેન વોરાને અભિનંદન અને શુભેચ્છાઓ.