સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં અવસાન પછીના થોડા વર્ષો બાદ ભાવનગર જિલ્લાનાં શિહોર મુકામે લક્ષ્મણ ચૈતન્યજી નામના એક સાધુની નિશ્રામાં લક્ષચંડી યજ્ઞ થયેલો. વર્ષ તો એ દુષ્કાળનું હતું, પરંતુ જેમાં ખૂબ ખર્ચ થયેલો અને મોટા પ્રમાણમાં ઘી હોમવામાં આવેલું તેવો આ યજ્ઞ સાતેક દિવસ સુધી ચાલેલો અને રંગેચંગે સંપન્ન થયેલો. હોમહવન ઉપરાંત સાધુસંતોના પ્રવચનો પણ થતાં. તેમાં એક સાધુએ પ્રવચન કરેલું જેનું એક વાક્ય “નેહરુકો ખ્વાબ થા કિ મૈં હિંદુઓકો મિટા દૂં” આજે પણ સ્મરણમાં છે. આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયેલું કે કાશ્મીરી બ્રાહ્મણ તરીકે જન્મેલા નેહરુએ હિદુઓને શા માટે ખતમ કરવા જોઇએ?!
તે પહેલાં એક વાત તો વારેવારે સાંભળવા મળતી કે નેહરુ એટલા બધા ધનવાન હતા કે તેમના કપડાં પેરિસમાં ધોવરાવા માટે જતા. (નેહરુએ ૧૯૩૬માં જ લખેલી પોતાની આત્મકથામાં આ વાતનું ખંડન કરેલું) કાળક્રમે પેરિસવાળી વાત કહેવાતી બંધ થતી ગઈ, પરંતુ નેહરુ હિંદુ વિરોધી છે એ વાત આજ સુધી સતત કહેવાતી રહી છે. તાજેતરમાં આ પ્રવૃતિ ભલે વધી હોય તેમ લાગે પરંતુ નેહરુજીને તદ્દન ખોટી રીતે હિંદુ વિરોધી તરીકે ઓળખાવવાના મૂળ ઘણા ઊંડા છે.
નેહરુનાં નામે ચડાવી દેવામાં આવેલું એક કથન છે, “મેં જે શિક્ષણ લીધું છે તેના લીધે હું અંગ્રેજ છું, મારો ઉછેર મુસ્લિમ તરીકે થયો છે અને એ તો અકસ્માત જ છે કે હું હિંદુ તરીકે જનમ્યો”. સોશિયલ મીડિયાના સહારે આ વાતનો પ્રચાર એટલાં મોટા પ્રમાણમાં થયો છે કે લોકો આગળ વધીને એમ પણ માનતા થયા કે નેહરુ જન્મથી જ મુસ્લિમ છે. પરંતુ મૂળ વાત એવી છે કે છેક 1950માં નેહરુના વિરોધી એવા હિંદુ મહાસભાના કોઈ સભ્યે કહેલું કે નેહરુ તેમના શિક્ષણને લીધે અંગ્રેજ છે, મુસ્લિમ તરીકે ઉછરેલા છે અને હિંદુ તરીકે જનમ્યા એ તો અકસ્માત જ છે. આ કથનને સિફતપૂર્વક ખુદ જવાહરલાલ નેહરુને નામે જ ચડાવી દેવામાં આવ્યું અને પછીથી નેહરુ અંગે દુષ્પ્રચાર માટે તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. પોતાની ઓળખ હિંદુ વિરોધી હોય તેથી નેહરુને તો કોઇ ફરક પડતો નથી પરંતુ એક આખી પેઢી ઉંધે પાટે ચડી ગઈ. જે લોકો પોતે હિંદુ હોવાનું ગૌરવ અનુભવે છે તેમાંના ઘણાબધા - નેહરુ જે સારી રીતે સમજતા હતા તે- હિંદુ ધર્મનું હાર્દ અને તત્વજ્ઞાન જ સમજી શક્યા નહિ.
એ તો સૌ કોઈ જાણે છે કે આઝાદીની લડાઈમાં નેહરુ અનેક વખત જેલમાં ગયેલા અને ત્યાં તેમણે પુસ્તકો લખેલા. પરંતુ એ પુસ્તકોમાં શું લખ્યું છે તેની ખબર ના હોવાથી નેહરુના હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ પ્રત્યેના દૃષ્ટિકોણ વિશે બહુ ઓછા લોકો જાણી શક્યા. જો નેહરુનાં લખાણો વાંચીએ તો ખ્યાલ આવી જ જાય કે નેહરુ હિંદુ વિરોધી ન હતા કે પ્રચલિત અર્થમાં નાસ્તિક પણ ન હતા. અલબત્ત મંદિરે જતા કે પૂજાપાઠ કરનારા હિંદુ તો તેઓ ન જ હતા.
નેહરુએ 1934માં જગતનો ઇતિહાસ, 1936માં પોતાની આત્મકથા અને ૧૯૪૬માં ‘મારું હિંદનું દર્શન’ એમ ત્રણ પુસ્તકો લખ્યાં. આ ઉપરાંત નેહરુનાં અન્ય લખાણો આપણે વાંચીશું તો ખ્યાલ આવશે કે હિંદુ ધર્મની આધ્યાત્મિકતા, તેનું રહસ્ય તથા આપણી પ્રાચીન સંસ્કૃતિની ઉદારતાનાં નેહરુએ આપણને જે રીતે દર્શન કરાવ્યાં છે તે રીતે હિંદુ ધર્માના ધુરંધરોએ પણ ભાગ્યે જ કરાવ્યા હશે. આના મૂળમાં છે નેહરુનો હિંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ અને તે જ કારણે તેમણે રામાયણ, મહાભારત, ઉપનિષદો અને ભગવદ ગીતાનો કરેલો ઊંડો અભ્યાસ. મધ્યયુગના નાનક, કબીર અને તુલસીદાસ જેવા સંતોના પણ તેઓ ભારોભાર પ્રશંસક હતા. માત્ર એટલું જ નહિ આધુનિક યુગમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ સમાન સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ અને અન્ય સંતો પ્રત્યે પણ તેમને આદરભાવ હતો. આ સંતોની આધ્યાત્મિક સમજ અને તેમણે કરેલા તેના પ્રચારે ભારતની જનતાને જગાડીને આઝાદીની લડાઈ માટે તૈયાર કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો. આ વાતથી નેહરુ સુપેરે વાકેફ હતા.
જાણીતા અંગ્રેજી વર્તમાન પત્ર ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ ના એક વખતના તંત્રી શ્રી ગિરીલાલ જૈને ‘Hindu phenomenon’ નામે પુસ્તક લેખેલું છે. તેમાં તેમણે ભારતીય જનતા પક્ષના ઉદયની અને કોંગ્રેસના વળતા પાણીની આગાહી કરી છે. પરંતુ આ જ પુસ્તકમાં તેઓ લખે છે કે નેહરુ દૃઢપણે માનતા કે આઘ્યાત્મિકતા અને નૈતિકતા વિનાનો માત્ર ભૌતિક વિકાસ તો માનવતાનો વિનાશ નોતરનારો છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને નેહરુની વિચારો પણ ક્યાંક મળતા આવે છે. નેહરુ અને ઉપાધ્યાય બન્નેને ભારતની પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યે આદર હતો. નેહરુ હિંદુ ધર્મના કલંક સમાન અસ્પૃશ્યતાના વિરોધી તો હતા જ ઉપરાંત એમ પણ કહેતા કે કેટલાક જરી પુરાણા રિવાજો અને મૂલ્યોને છોડીને આપણે નવું પ્રસ્થાન કરવું પડશે. એ જ પ્રમાણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કહેતા કે આપણે એવા પુરાતત્વવાદી નથી કે સંસ્કૃતિના સંગ્રહસ્થાનના ચોકીદાર બની રહીએ. ખરેખર તો આપણે કેટલાક કાળગ્રસ્ત થઈ ગયેલા રિવાજોને છોડીને ધાર્મિક સુધારાઓનો આશરો લેવો પડશે.
નેહરુ મંદિર જવાનું પસંદ કરતા ન હતા પરંતુ ભારતીય સંસ્કૃતિનું જ્યાં પારણું બંધાયુ છે તે નગાધિરાજ હિમાલય અને ગંગામૈયાના દર્શનમાં તેઓ એક ભાવિક હિંદુની જેમ જ ભક્તિભાવ અનુભવતા. નેહરુનાં પત્ની કમળાદેવી તે સમયના જાણીતા મહિલા સંત મા અનંદમયીના ચાહક હતા અને પછીથી નેહરુનાં પુત્રી ઈંદિરા ગાંધી પણ મા અનંદમયીના ભકત બનેલા. એમ કહેવાય છે કે ખુદ નેહરુને પણ મા આનંદમયી પ્રત્યે પૂજ્ય ભાવ હતો.
ભારતીય દર્શનના નિષ્ણાત અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલોસોફર એવા તે વખતના ભારતના રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે નેહરુ અવારનવાર ઉપનિષદો બાબતે ચર્ચા કરતા.નેહરુના પુસ્તક “Discovery of India દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવેલી નેહરુના પુસ્તક “Discovery of India” પર આધારિત શ્યામ બેનેગલની સિરિયલ ‘ભારત એક ખોજ ‘ના દરેક એપિસોડનો આરંભ ઋગ્વેદના નાસદીય સૂક્તના “સૃષ્ટિ કે પહેલે સત નહિ થા, અસત ભી નહિ થા” વગેરે મંત્રોથી થતો. આ રીતે સિરિયલના નિર્માતા હિંદુ ધર્મનાં સૌથી પુરાણા શાસ્ત્ર એવા વેદ સાથે નેહરુનો સબંધ જોડે છે.,
અનુયાયીઓમાં ગુરુજી તરીકે ઓળખાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ શ્રી માધવ સદાશિવરાવ ગોલવેલકરના વિચારો અને નેહરુના વિચારો ઘણી બધી બાબતોમાં તદ્દન ભિન્ન છેડેના હતા. પરંતુ ગોલવેલકરને નેહરુ પ્રત્યે ખૂબ જ સન્માન હતું. એક વખત બન્યું એવું કે એક સ્થળે રાષ્ટ્રીય સ્વયંસેવકની શિબિરમાં ગોલવેલકરજી સ્વયંસેવકોને સંબોધી રહ્યા હતા. એવામાં કોઈ શિબિરાર્થીએ નેહરુની સખત ટીકા કરી. આ સાંભળીને ગુરુજી ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તે ભાઈને તાત્કાલિક શિબિર છોડી જવા કહ્યું.
નેહરુનાં અવસાન વખતે તે વખતના જનસંઘના નેતા શ્રી અટલ બિહારી બાજપાઈએ નેહરુને શ્રદ્ધાંજલિ આપતું પ્રવચન તો સોશિયાલ મિડિયાના કારણે ઘણા લોકો સુધી પહોંચ્યું છે.. કદાચ આપણને આશ્ચર્ય થાય, બાજપાઈજીએ તો ત્યાં સુધી કહેલું કે નેહરુજીમાં વાલ્મિકિ રામાયણમાં વર્ણવેલ ભગવાન રામની ભાવાનાઓ કે લાગણીઓના દર્શન થયા છે. કદાચ કવિ હૃદયના બાજપાઈજી વધારે ભાવનાશીલ થતા લાગે. પરંતુ હિંદુ પ્રજાને જેમના પ્રત્યે હજારો વર્ષોથી ભક્તિભાવ છે તે ભગવાન રામ સાથે જોડવા જેવું કાંઈક તેમને નેહરુજીનાં વ્યક્તિત્વમાં દેખાયું.
જેમણે ‘psuedo secularism(દંભી બિનસાંપ્રદાયિકતા)’ જેવો શબ્દ પ્રચલિત કર્યો એ શ્રી લાલકૃષ્ણ અડવાણી નેહરુને સાચા સેક્યુલારિસ્ટ માનતા. માત્ર એટલું જ નહિ તેમનું કહેવું હતું કે નેહરુની બિનસાંપ્રદાયિકતાનો પાયો હિંદુ ધર્મ (હિદુ ધર્મની ઉદાર ફિલસુફી) છે.
આમ એક સાચા હિંદુ હોવા છતાં નેહરુજી જાણતા હતા કે પોતે એક બિનસાંપ્રદાયિક દેશના વડા છે. આથી તેઓ ખાલી દેખાવ પૂરતા પણ મંદિર જતા નહિ કે પોતાને જાહેરમાં ક્યાંય હિંદુ તરીકે રજૂ કરતા નહિ. એક નવોદિત અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્રમાં ખોટી પ્રણાલિકા ના પડે તેથી જ તેમણે દેશના પહેલા રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદને સોમનાથ મંદિરે નહિ જવા સલાહ આપેલી. આ ઉપરાંત તેમની સમક્ષ દેશનું નવનિર્માણ કરવાનું ભગીરથ કાર્ય પડેલું હતું આ કારણે તેમની પાસે ધર્મ અંગેની કોઇ વાતો કરવાનો સમય પણ ન હતો. પરંતુ પોતે ભારતના એક સામાન્ય હિંદુ જેવા જ ઉદારમતવાદી હિંદુ હતા તેમને હિદુ વિરોધી ચીતરવામાં નથી કોઇ ડહાપણ ,નથી હિંદુ ધર્મનું હિત કે નથી હિંદુ ધર્મનું ગૌરવ.
(આ લેખ લખવા માટે તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૩ના દિવસે ઈન્ડિયન એક્ષ્પ્રેસમાં પ્રગટ થયેલા શ્રી સુધીન્દ્ર કુલકર્ણીના લેખનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
Very useful information. Thank you
LikeLike
‘Blunder Boy” Neru, not only harmed Dharmik tradition, but nation too. He awarded himself ‘Bharat Ratna’ for that ;-).
हरी अनंत हरी कथा अनंता…
LikeLike