વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

    વિશનજી નાગડા

    શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
    એણે જીભે રાખ્યા’તા રામને !
    એક પછી એક બોર ચાખવાનું
    નામ લઈ અંદરથી ચાખ્યા’તા રામને,

    શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

    બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના
    કાંટા જરૂર એને વાગ્યા હશે,
    લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી,
    એક એક બોરને લાગ્યા હશે.

    આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં?
    લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને,
    શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

    રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
    કેટલીયે વાર એણે તાકી હશે ?
    રામરામ રાત દિ’ કરતાં રટણ,
    ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?

    હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
    ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.
    શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

  • ઊર્મિલ સંચાર – પ્રકરણ ૯. પતંગા-દ્વીપ

    શોમની માતા માહીએ સર્જરી મુલતવી રાખી અને દીકરાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ. અંજલિની ઈચ્છા પ્રમાણે લગ્ન ગોઆમાં દરિયા કિનારે કરવાનો નિર્ણય લેવાયો…

    હવે આગળ.

    સરયૂ પરીખ

    માહીએ તે રાત્રે બ્રેઈન ટ્યુમરની સર્જરી નહીં કરાવવાનું નક્કી કરી લીધું અને ઘેર આવી ગઈ. તેણે અંજલિ સાથે વાત કરવા ગોઆ ફોન જોડ્યો. “અંજલિ, મેં નિર્ણય લીધો ત્યારે વિચારો સ્પષ્ટ હતાં, પણ હવે ગભરામણ થાય છે. નબળાઈ કે ચક્કર જેવું લાગે ત્યારે થાય કે સર્જરી કરાવી લીધી હોત તો…આવી અસ્થિર માનસિક હાલત છે.” માહી પરાણે હસી.

    “આંટી, એક શ્રધ્ધા રાખો કે તમને એ સમયે જે યોગ્ય લાગ્યો તે નિર્ણય લીધો. હવે તેનું જે પરિણામ આવે તેનો સ્વીકાર કરી હિંમતથી સામનો કરવો, એ એક જ વિકલ્પ છે. તે માટે સંપૂર્ણ શક્તિ સંગઠિત કરી રાખો. થોડો સુધારો થયો છે તેમ વધારે સુધારો પણ થવાની શક્યતા ખરી ને? તમને એટલા બધાંની પ્રાર્થનાની ઉર્જા મળી રહી છે કે આ બીમારીમાંથી તમે જરૂર સ્વસ્થ થઈ જશો. વ્હાલ સાથ પ્રણામ, મોમ!” અને માહી સૂરજમુખી સમી ખીલી ઊઠી.

    સમયના   હોઠ   પર   આયુનું    ગીત,
    પળપળનાં તાર પર અદભુસંગીત,
    વિધવિધ  વર્ષોનો  શ્રાવણ ઝરમરશે,
    કૃતાર્થ મન ઝીલજે આનંદ ઘન વરસે.

    શોમ નવેમ્બરમાં લગ્ન નક્કી કર્યા પછી ફરિયાદ કરતો હતો, “હજી તો ચાર મહિનાની વાર છે.” અને આ વાત પર મિત્રોને મજાક કરવાનો, શોમને ચીડવવાનો મોકો મળી ગયો. નીનાને બાળક અયનને ભારત લઈ જવાની ચિંતા હતી પણ ગોઆમાં જ બધો સમય રહેવાનું જાણી તેને રાહત લાગી. સમયની ગતિ અને આશામય દિવસો દોડી રહ્યાં હતાં. માહીનું સ્વાસ્થ્ય સારું થઈ રહ્યું હતું.

    નવેમ્બર મહિનાની રજા લઈ, શોમ અને તેના માતા-પિતા મુંબઈ આવી પહોંચ્યાં. પ્રવાસ દરમિયાન માહી રમેશને કહી રહી હતી, “મારો ભાઈ અને હું નાનપણથી સાથે ને સાથે…એટલા નિકટ હતાં. સ્થળ અને સમયના અંતરને લીધે જાણે અમારું જોડાણ તૂટી ગયું છે. બીજું કારણ એ છે કે તમને ભાઈએ સ્વીકાર્યા નથી અને તમે એ વિષય કોઈ પ્રયત્ન નથી કર્યો. તેને મારા લગ્નથી બધી રીતે ખોટ મળી છે. હું દૂર જતી રહી અને તેને તમારામાં સહોદર ન મળી શક્યો.”

    “તારી વાત સાચી છે, પણ અમારે કોઈ વિચારોનો તાલમેલ નથી. આ વખતે પ્રયત્ન કરીને તું એને મનાવી લે જે.” રમેશને પોતાની સંબંધો સાચવવાની ન્યૂનતા વિશે ખબર હતી, પણ એમાં ફેરબદલી કરવાની પરવા ન હતી. માહી વિચારી રહી…પુરુષની લાક્ષણિકતા! પોતાને જ પ્રયત્ન કરવો પડશે તેમ વિચારીને બીજે દિવસે સવારમાં જ ભાઈ-ભાભીને ઘેર માહી આવીને ઊભી રહી.

    અબ્બાસ ફરિયાદ કરતા કહે, “તારા મારા વચ્ચે એટલું અંતર પડી ગયું કે મને ત્રીજી વ્યક્તિ તરફથી જાણવા મળ્યું કે તને કેન્સર થયું છે!” બહેનના વ્હાલભર્યા વેણ સાથે મનની વાતો સ્પષ્ટ થઈ અને ફરી સરળ સંબંધોની મહેક પ્રસરી. માહી ઘેર આવી કે તરત શોમે કહ્યું, “મમ્મી, મને જગાડવો હતો ને, હું પણ તમારી સાથે અબ્બાસમામાને મળવા આવત.”

    માહી બોલી, “હાં, તને યાદ કરતા હતા. આપણે કાલે એમને ત્યાં જમવા જવાનું છે ત્યારે બધાને મળી શકીશ.”

    મુંબઈમાં, ન ચાહવા છતાંય, માહીના કેન્સરની વાત થોડા સગાઓ જાણી ગયા હતાં. કંકોત્રી આપવા જાય ત્યારે એવા પ્રશ્ન અજ્ઞાન લોકો પૂછતાં, “તમને કેન્સર થયું હતું, તો એ ચેપી રોગ તો નથી ને?” માહી ટૂંકમાં ‘ના’ કહી શાંત થઈ જતી. અજ્ઞાની સામે આરસી અર્થહીન રહેતી હોય છે.

    શોમની ગોઆ જવાની આતુરતાનો અંત આવ્યો અને તેઓનું આશ્રમમાં આગમન થયું. “અંજલિ ક્યાં છે?” શોમનો સવાલ માહીએ કરી આપ્યો. “ક્લિનિકમાં હમણાં જ કામ પૂરું થયું તેથી અમારા રહેઠાણ પર તૈયાર થવા ગઈ છે.” અંજલિનાં મમ્મીએ જણાવ્યું.

    શોમ ધીમેથી પાછે પગલે નીકળી ગયો અને કોઈને પૂછીને અંજલિનું રહેઠાણ શોધી કાઢી, બારણા પર ટકોરા માર્યા. આછો અવાજ સંભળાયો, “કોણ છે?” … “જેની તું રાહ જોઈ રહી છે…તે.”

    અંદર થોડી હલચલ પછી બારણું ખુલ્યું અને રેશમી ગાઉનમાં લપેટાયેલી સદ્યસ્નાતા અંજલિ, ભીને દેહ ને ભીને કેશ શોમની બાંહોમાં લપાઈ ગઈ. મનોરમ લાગણીમાં ઓતપ્રોત, બંને પ્રેમી-પંખીડા ક્ષણો માટે અગમ આશ્લેષમાં ખોવાઈ ગયાં. “હવે તું ક્યારેય મારાથી દૂર ન જતી.” શોમનો મીઠો મનરવ અંજલિનાં કાનમાં ગુંજ્યો.

    “તું મારી જીવનદોરી છે,” કહેતાં અંજલિની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. પળો વીતી ગઈ અને છેવટે, બન્નેની રાહ જોવાઈ રહી હશે એ ખ્યાલ સાથે અંજલિ તૈયાર થવા લાગી અને શોમ તેની દરેક હિલચાલ મસ્તીભર્યો જોતો રહ્યો.

    “અંજલિ બે દિવસ પછી અમેરિકાથી બધાં આવશે, તેથી આવતીકાલ તને એક ખાસ જગ્યાએ લઈ જવાની છે, તેથી સવારે આઠ વાગે તૈયાર રહેજે.” શોમ બોલ્યો.

    “ભલે, હું તૈયાર રહીશ પણ, જવાનું છે ક્યાં?”

    “એ મજાની ખાનગી વાત છે…” અને શોમે બહાર નીકળતા પહેલા અંજલિને ફરી બાથમાં લઇ લીધી.

    બીજે દિવસે, સવારમાં નીકળીને જે તરફ જઈ રહ્યાં હતાં તે ઉપરથી અંજલિએ અટકળ બાંધી બે ચાર નામ કહ્યાં.

    “આપણે Butterfly Beach પર જઈ રહ્યાં છીએ.” શોમે જણાવ્યું.

    “ઓ’ એકદમ સુંદર જગ્યા છે તેવું સાંભળ્યું છે. અરે! પણ ત્યાં જવાનું તો બહુ મુશ્કેલ છે.”

    “ડો. શોમ માટે અશક્ય નહોતું. મેં હ્યુસ્ટનથી જ એક જેકબ નામનાં એજન્ટ સાથે બધું નક્કી કરી લીધું છે. બસ, તું પતંગિયા પકડવા માટે સજ્જ થઈ જા.” શોમે દૂર રાહ જોતા જેકબને નજીક બોલાવ્યો. એક નાની શણગારેલી હોડીમાં બન્ને ગોઠવાયાં અને જેકબે હોડી ચલાવવાની સાથે પતંગિયા- કિનારાની વાતો કરવાની શરૂ કરી. “એક નાના દ્વીપ જેવી જગ્યા કુદરતી રીતે બની ગઈ છે…જ્યાં જવાનું મુશ્કેલ હોવાથી બહુ ઓછા સહેલાણીઓ જતાં હોય છે. તમે ત્યાં ન જોયા હોય તેવા રંગબેરંગી પતંગિયા જોશો.”

    સુંદર દરિયો અને ખુશનુમા મોસમ તેમાં અલબેલા સાથી સાથે અંજલિનું દિલ ગાઈ ઊઠ્યું.

    ઉરે આનંદ ને ઊર્મિની ઝૂલે લાગણી,
    ઊઠે ભરતી ને ઓટની ભુલભુલામણી,
    વિમલ વાયે વસંતના રસિક વાયરા,
    પતંગાની  પાંખ  સમા મધુર વાયદા.

    “અહીં સાગર પાસે કોઈ આવે અને કોરા રહે ખરાં?” અંજલિએ પાણીની છાલક શોમને મારી. પછી તો શોમ તેને છોડે! ભીના ભીના દિલ તેવા જ ભીના તેમના વસ્ત્રો થઈ ગયાં.

    તનમાં ધ્રુજારી ને શીતળ પવન,
    ધડકનમાં ઉષ્માની ભીની અગન,
    ગોરંભીલ  ગાન  અંતરમાં ગહન.
    નેહનાં  લહેરિયામાં  હૈયા  મગન.

    પ્યાર ભરી ગોષ્ઠિ અને મનગમતી જાફત પછી પતંગિયાને પકડી, ને પછી છોડી દેતાં…બાળપણ જાણે ફરી ડોકિયું કરી ગયું. છેલ્લે, ઢળતા સૂરજને યાદોની પૂંજીમાં ઉમેરી, સાંજની પ્રાર્થના પહેલા શોમ અને અંજલિ આશ્રમમાં પાછાં આવી ગયાં.

    મહેમાનો અમેરિકાથી આવી ગયાં. પછી મુંબઈથી મોટાકાકા અને થોડા સગાઓ આવ્યા. શોમના અબ્બાસમામા અને માસી વગેરે પણ આવી ગયાં. અંજલિના દાદાજી તેમના ગામડેથી એકલા તો મુસાફરી ન કરી શકે તેથી તેમના યુવા ભત્રીજાને મદદ માટે સાથે લઈને આવ્યા હતા. અંજલિનાં મમ્મીએ બધી વ્યવસ્થા કરી આગ્રહપૂર્વક બોલાવ્યા હતા. અંજલિના પ્રતિભાશાળી વાગ્દત્ત શોમને મળી દાદા ખુશ થઈ ગયા.

    બીજે દિવસે સંગીત-સંધ્યાનો જલસો ચાલુ હતો. ગુજરાતી ગરબા અને ડિસ્કો-ડાન્સ સાથે જોશીલા વાજિંત્રો વાગી રહ્યાં હતાં. અંજલિના દાદા એક બાજુ ‘ઘરડી આંખે નવા તમાશા’વાળા ભાવ સાથે જોઈ રહ્યા હતા. શોમના મામા વડીલને મળવાના આશયથી પાસે આવ્યા અને બોલ્યા, “નમસ્તે દાદાજી. હું શોમનો મામા છું.”

    “ઓહો! તમને મળીને આનંદ થયો.” દાદાજી માનપૂર્વક બોલ્યા, “ક્યાંથી આવો છો? શું નામ?”

    “અમે મુંબઈથી આવ્યા છીએ. મારું નામ અબ્બાસ છે.” અબ્બાસમામાએ જવાબ આપ્યો.

    દાદાનો ચહેરો નામ સાંભળી ઉતરી ગયો…, “માનેલા મામા હશો.”

    “હું શોમનો સગો મામો છું.”

    “…સગ્ગો?” કહેતા દાદાની ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ. તરત ભત્રીજા સામે ફરીને ઉંચા અવાજે બોલ્યા, “વહુને બોલાવ!! આવા લગ્ન નહીં થવા દઉં, હરગિજ નહીં.” અને ભત્રીજો અંજલિના મમ્મીને બોલાવવા દોડ્યો.


    —      કમશઃ


    સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
  • માતૃદિનઃ મે ૧૪

    દૂરથી ઉડી આવતાં પંખીનાં ટોળાં,
    ફફડાવી પાંખો કરતાં યાદોના મેળા;
    ચાંચોથી ખોતરતાં મનનાં સૌ જાળાં,
    જાળેથી ખરતા જૂનાં તાણાવાણા….

    ઉપસી છબી માની ફેરવતી પાનાં,
    લખતી રહેતી સદા રામનાં ગાણાં;
    કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,
    ને જાઓ જો દેશ, તો ગાયોને પૂળા..

    અવગણજો પડે જો મનને કો’ છાલાં,
    વાદ-વિવાદ ના કરશો કોઈ ઠાલા;
    સંસાર તો  જાદુગરની છે માયા,
    અહીંયા ના કોઈને કોઈની છે છાયા….”
    નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,
    નીતારે પાંપણથી આંસુની ધારા;

    અર્પુ શું અંજલિ લઈ અક્ષરની માળા,
    શબ્દો પડે જ્યાં ઉણા ને આલા….
    ગીચ ઝાડીથી ઉડતાં  પંખીનાં ટોળાં,
    ફફડાવી પાંખો રચે મમતાના મેળા….

    —-દેવિકા ધ્રુવ

    સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રો
    ઇ-મેલ ddhruva1948@yahoo.com
  • ફિલસુફીભર્યા ગીતો – ૧૦ – पिंजरे के पंछी रे तेरा दरद ना जाने कोई

    નિરંજન મહેતા

    ૧૯૫७ની ફિલ્મ ‘નાગમણી’નુ આ ગીત રૂપક ગીત તરીકે કહી શકાય. પિંજરાના પંખીને ઉદ્દેશીને ગવાતું આ ગીત હકીકતમાં મનુષ્યના આત્માને સંબોધીને કહેવાયું છે.

    पिंजरे के पंछी रे तेरा दरद ना जाने कोई
    बाहर से खामोश रहे तू भीतर भीतर रोये

    कह ना सका तू अपनी कहानी
    तेरी भी पंछी क्या जिंदगानी रे
    विधि ने तेरी कथा लिखी
    आंसू में कलम दुबोय

     

    चुपके चुपके रोने वाले
    रखना छुपाके दिल के छाले रे
    ये पत्थर का देश है पगले
    कोई ना तेरा होय

     

    આ ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે જે ૧૯૪૭ના ભાગલાના સંદર્ભમાં હોય તેમ જણાય છે. ફિલ્મના કલાકારો છે નિરૂપા રોય અને ત્રિલોક કપૂર. શબ્દો અને સ્વર છે પ્રદીપજીના અને સંગીત છે અવિનાશ વ્યાસનું.

    આપણા જીવનમાં આપણે ઘણા ચડઉતાર અનુભવીએ છીએ. કેટલીક વખત પરિસ્થિતિવશ આપણે મૂંગે મોઢે બધું સહન કરી લઈએ છીએ. તેવા સમયે આપણો અંતરાત્મા અંદરથી દુભાતો હોય છે. આજ વાતને લઈને કવિ અંતરાત્માને સંબોધીને કહે છે કે તું એવી રીતે કેદ છે કે તારૂ દર્દ કોઈ નહિ સમજી શકે. ભલે તું તારી વ્યથા બહાર દર્શાવી નથી શકતો પણ અંદરને અંદર તું જરૂર રૂદન કરતો હશે.

    તારી કરૂણ કહાની તું કહી નથી શકતો એટલે તારૂ જીવન પણ વિચલિત છે. વિધાતાએ તારી કેવી કઠીનાઈ સર્જી છે કે જાણે તારા વિધિના લેખ વિધાતાએ આંસુભરી કલમે લખ્યા છે.

    પણ તારી પાસે બીજો કોઈ ચારો નથી એટલે તું ચુપકે ચુપકે રોઈને બેસી રહેશે અને તારા દિલના ઘા પણ છુપાવી રાખશે. ધ્યાન રહે કે અહી બધા પત્થરદિલ છે એટલે તારા દુઃખમાં કોઈ ભાગીદાર નહિ બને અને તારી વેદના તારે સ્વયં સહેવી પડશે.

    આમ કવિ જીવનની વાસ્તવિકતાને સુંદર રીતે દર્શાવે છે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • મન્ના ડે – ચલે જા રહેં હૈ… – ૧૯૫૭ – ૧

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    મન્ના ડે – મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) ની શુદ્ધ શાસ્ત્રીય ગાયકી અને અવાજની સહજ બુલંદીને કારણે હિંદી ફિલ્મ જગતે તેમને શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો કે ધાર્મિક  ભાવનાં કે દેશભક્તિ કે કુદરતની નિશ્રામાં ગવાતાં ગીતોનાં ચોકઠામાં ગોઠવી નાખ્યા હતા. પરંતુ શંકર જયકિશને શ્રી ૪૨૦ (૧૯૫૫)માં રાજ કપુરના પાર્શ્વ સ્વર તરીકે પ્યાર હુઆ ઈક઼રાર હુઆ, દિલ કા હાલ સુને દિલવાલા કે મુડ મુડ મુડ કે ન દેખ જેવાં ગીતોથી મન્ના ડેની પાર્શ્વ ગાયક તરીકેને રૂઢ થતી જતી છાપને બદલી નાખવામાં બહુ મોટો ફાળો આપ્યો. તે પછી, ચોરી ચોરી (૧૯૫૬)નાં આ જા સનમ મધુર ચાંદનીમેં હમ, યે રાત ભીગી ભીગી અને જહાં મૈં જાતી હું જેવાં રોમાંસ નીતરતાં ગીતો પછી તો મન્ના ડેની રોમાંસ ભર્યાં ગીતો ગાવાની ક્ષમતા વિશે કોઇ શંકાને સ્થાન જ ન રહ્યું એમ કહી શકાય. ૧૯૫૬ અને તે પછીથી અન્ય સંગીતકારો પણ તેમને માટે હવે રોમાંસનાં સૉલો કે યુગલ ગીતો માટે સર્જતા થઈ ગયા હતા. ૧૯૫૬ પછીથી તેમને મળતાં ગીતોની સંખ્યામાં ખુબ વધારો જરૂર થયો પણ હિંદી ફિલ્મ જગતની નિયતિની અવળચંડાઈએ તેમને મુખ્ય પાર્શ્વ ગાયકનાં  સ્થાન માટે હંમેશાં વધારે પડતા લાયકનો દરજ્જો તો ધરાર પકડાવી જ દીધો !

    મન્ના ડેના જન્મના મહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ આપણે ચલે જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે

    ૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

    ૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

    ૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો,

    ૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો, અને,

    ૨૦૨૨માં તેમનાં ૧૯૫૬નાં ગીતો

    સાંભળી ચૂક્યાં છીએ.

    ૧૯૫૭માં મન્ના ડે એ ગાયેલાં ગીતોની સંખ્યા ૯૫ ગીતોના આંકડાની ટોચને આંબવા લાગી. આટલાં ગીતોમાંથી, કૌન આયા મેરે મન કે દ્વારે પાયલકી ઝંકાર લિયે (દેખ કબીરા રોયા – ગીતકાર રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર મદન મોહન) જેવાં શાસ્ત્રીય રાગ પર આધારિત પણ ખુબ જાણીતાં એવાં ગીતોને છીડી દઈને, ઓછાં સાંભળવા મળતાં ગીતોને પણ ન્યાય કરવા માટે આપણને એકથી વધારે મણકાની જરૂર પડશે એ નોંધ સાથે આજના અંકની શરૂઆત કરીએ.

    ઓ મિસ્ટર ઓ મિસ્ટર સુનો એક બાત, બડી બેવફા હૈ યે મર્દોંકી જાત બદલતે હી રંગ પલમેં હજ઼ાર, કરે ઈનકે વાદોં પે ઈતબાર યે કરનેકો તો કર લે હૈ ભી સ્વીકાર પર એક હી નઝરમેં હૈ કીસકા ઈતબાર – આગ્રા રોડ – ગીતા દત્ત, કોરસ સાથે – ગીતકાર: પ્રેમ ધવન – સંગીતકાર: રોશન

    વિજય આનંદનાં હીરો તરીકેનાં પદાર્પણને નવાજવા રોશને અન્ય ગીતોમાં ભલે મોહમ્મદ રફીને પસંદ કર્યા પણ વૉલ્ઝની ધુન પર સજ્જ કરેલાં આ પાર્ટી ગીતમાં વિજય આનંદના પાર્શ્વ અવાજ તરીકે મન્ના ડેની પસંદ કરીને નવો ચીલો કોતર્યો.  જોકે ફિલ્મને સફળતા ન મળી એટલે વિજય આનંદ હીરો તરીકે ચાલ્યા નહીં અને મન્ના ડેને મુખ્ય અભિનેતાના પાર્શ્વ સ્વરનાં સ્થાનને પણ માન્યતા મળવામાં કંઈક અંશે ઓછપ આવી.

    તુમ કો પુકારતી હૈ પ્રતાપકી કહાનિયાં  ….. ક્યા ઉંચાઈ ઈંસાન કી – અમર સિંગ રાઠોડ – ગીતકાર: ભરત વ્યાસ – સંગીતકાર: સન્મુખ બાબુ

    દેશ ભક્તિનાં ગીતો માટે જ સર્જાયા હોવાની છાપને ઘુંટવામાં મદદ કરતાં ગીતમાં મન્ના ડે કરૂણ રસને પણ એટલી જ સહજતાથી ન્યાય આપી શકેલ છે.

    ફિર વહી દર્દ હૈ ફિર વહી જિગર, ફિર વહી રાત હૈ ફિર વહી હૈ ડર – અપરાધી કૌન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીતકાર: સલીલ ચૌધરી

    હાસ્ય ગીતમાં પણ શરાબીપણાંનો સ્પર્શ આપવામાં પણ મન્ના ડે એટલા જ માહિર અનુભવાય છે.

    હૈ પ્યાર કે દો મતવાલે … એક હમ હૈ ઔર એક તુમ  – અપરાધી કૌન – ગીતા દત્ત સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીતકાર: સલીલ ચૌધરી

    સલીલ ચૌધરીએ હાસ્ય કલાકારો દ્વારા ગવાતાં રોમેંટીક યુગલ ગીતોના પ્રકારમાં મન્ના ડેના સ્વરને પ્રયોજ્યો છે.  ‘એક હમ ઔર તું’ને મન્ના ડે જે રીતે અલગ અલગ પ્રકારે ઘુંટે છે તે તેમની ગાયકીની અનન્ય લવચીકતાને સિદ્ધ કરે છે.

    મા તેરી મમતા કિતની પ્યારી કિતના પ્યાર જતાતી હૈ – બંસરી બાલા – ગીતકાર: પંડિત ફણિ – સંગીતકાર: કમલ મિત્ર

    ધર્મની આસ્થાના ભાવમાં દેવીનાં સ્વરૂપમાં મા માટેના પ્રેમની લાગણીને પણ વ્યક્ત કરવામાં મન્ના ડે તેમના સ્વરને કેટલો કોમળ કરી શક્યા છે !

    એક બડે બાપ કી બેટી કો હૈ ઘરકી મુંશીકે સંગ.. અરે દેખા ઘુલ મિલ બતીયાં કરતે ઔર જમાતે રંગ – બંદી – ગીતકાર: રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર: હેમંત કુમાર

    મનોરંજન માટે ગામમાં થતા શેરી કાર્યક્રમોમાં તે સમયના રિવાજોને વણી લેવાતા. લોક ગીતના ઢાળમાં રચયેલ આ ગીતના હળવા કટાક્ષમય ભાવને  મન્ના ડે બહુ જ સજ્જતાથી વ્યક્ત કરી રહે છે.

    હૈ બહોત દિનોંકી બાત એક થા મજનુ ઔર એક  લૈલા – ભાભી – એસ બલબીર અને મોહમ્મ્દ રફી સાથે – ગીતકાર: રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર: ચિત્રગુપ્ત

    બલબીર જેવા તળ પંજાબી થાટના અને મોહમ્મદ રફી જેવા બહુમુખી સિદ્ધ થઈ રહેલા ગાયક સાથે, પંજાબી લોકકથાની લોક શૈલીમાં  પણ મન્ના ડેનો “બંગાળી”, “શાસ્ત્રીય”  સ્વર ખુબ સરળતાથી ભળી જાય છે.

    https://youtu.be/7_wwVvCuOLQ

    દુનિયા તેરી દુનિયા કા તુ યું ડાલીમેં પાત તેરા મેરા જનમ જનમ કા સાથ – ભક્ત ધ્રુવ – ગીતા દત્ત સાથે – ગીતકાર: પંડિત મધુર – સંગીતકાર: અવિનાશ વ્યાસ

    પરંપરાગત ભક્તિભાવનાં ગીતમાં પણ અવિનાશ વ્યાસ મન્ના ડે અને ગીતા દત એમ બન્ને અલગ જ પ્રકારનાં સુરનાં ગાયકોની ખુબીઓને ખીલવે છે.

    દિન અલબેલે પ્યાર કા મૌસમ ચંચલ મનમેં તુફાન, ઐસેમેં કર લો પ્યાર – બેગુનાહ – લતા મંગેશકર સાથે –  ગીતકાર: હસરત જયપુરી – સંગીત: શંકર જયકિશન

    મન્ના ડેના સ્વર માટે શંકર જયકિશનને ખાસ લગાવ તો હતો જ. તેમાં ‘ચોરી ચોરી’નાં મન્ના ડેનાં ગીતોની સફળતા પછી રોમેંટિક ગીતો માટે શંકર જયકિશન મન્ના ડે તરફ વધારે ઢળે તે સ્વભાવિક જણાય. પણ હિંદી ફિલ્મ જગતના પ્રવાહો એટલા સરળ નથી હોતા. શંકર જયકિશનને મુકેશ માટે પણ એટલી જ લાગણી હતી. વચ્ચેનાં વર્ષોમાં મુકેશની પોતાની અભિનય કારકિર્દીની તમન્નાએ તેમને અન્ય સંગીતકારો માટે બહુ ઉપલબ્ધ નહોતા રાખ્યા. એટલે મન્ના ડે આમ પણ સ્વાભાવિક પસંદ બને. પણ મુકેશ ફરીથી ગાયક તરીકે સક્રિય થવા તૈયાર હતા ત્યારે શંકર જયકિશન જેવા મિત્રો તેમને માટે અય પ્યાસે દિલ બેજુબાં જેવાં ખાસ ગીતોની રચનાઓ કરે તેને મન્ના ડેનાં કમનસીબનો જ દોષ માનવો રહ્યો.

    તુમ મેરે અંતર્યામી માત પિતા તુ મેરે – છોટે બાબુ – ઉષા મંગેશકર સાથે – ગીતકાર પી એલ સંતોષી – સંગીતકાર મદન મોહન

    ‘દેખ કબીરા રોયા’માં મન્નાડેને ખુબ અસરકારક રીતે રજુ કર્યા બાદ પણ મદન મોહનને મન્ના ડેને ધાર્મિક ભાવનાં ગીતોના ગાયકની છાપ અનુસાર આ ગીત આપવું યોગ્ય લાગ્યું. તેની સામે સ્પર્ધાત્મક પરિબળોને કારણે મુખ્ય અભિનેતા માટેનાં દો દિન કી મોહબ્બતમેં હમને કુછ ખોયા હૈ કુછ પાયા હૈ કે તેરી ચમકતી આંખોંકે આગે યે સિતારે કુછ ભી નહી જેવાં ગીતો એ સ્મયે વધારે ચલણી ગણાતા તલત મહમુદને ફાળવવાં પડ્યાં છે.

    આ જાઓ સાવન કે દિન આયે – ચંપાકલી – લતા મંગેશકર – ગીતકાર રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર હેમંત કુમાર

    મન્ના ડેને ફાળે ફરી એક વાર ઋતુઓના ભાવની બુલંદીને વ્યક્ત કરવાનું આવી રહ્યું. જોકે તે સાથે મન્ના ડે પોતાના પ્રેમના એકરારના ભાવને પણ વ્યક્ત કરવાનો તો હતો જ.

    ૧૯૫૭નાં આટલાં ગીતોમાં જ આપણને મન્ના ડેની બહુમુખી પ્રતિભાનો ફરી એક વાર પરિચય થાય છે. તે સાથે તેમનાં નસીબના આટાપાટાના ખેલ પણ આપણને જોવા મળે છે.  મન્ના ડેની કારકિર્દીનાં આ કેલિડોસ્કૉપ જેવાં બદલતાં સ્વરૂપોનો ખેલ હજુ પણ ચાલુ જ છે.

  • રૂડો રૂપાળો ખેરખટ્ટો

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    લગભગ ૪૫ થી ૫૦  સેન્ટિમીટર પૂંછડી સાથે એટલેકે ૧૨ ઇંચ જેટલું લાંબુ અને લગભગ ૬ ઇંચની પુંછડીવાળું આ રંગે રૂપે ડેખાવડું પક્ષી કાગડાનાં કુળનું પક્ષી છે. ભારતવર્ષ અને એશિયામાં સર્વવ્યાપક પક્ષી છે. કાગડાનાં કુળનું હોવા છતાં કાગડાની જેમ તેઓ મોટા ઝુંડમાં એક સાથે નથી જોવા મળતાં પણ બે ચારની સંખ્યામાં એક સાથે જોવા મળે છે. અત્યારે એવો સમય આવ્યો છે કે બે ચાર ખેરખટ્ટા પણ ભાગ્યેજ સાથે જોવા મળે અને જયારે જુવે ત્યારે કોઈક વિદેશી અને અજાયબ પક્ષી જોયું હોય તેવી મોટાં ભાગના વ્યક્તિઓને અનુભૂતિ થાય. ફળના ઝાડ વધારે હોય અને ખોરાક વધારે મળે તો તેઓ ઘણાં બધા એક જ  જગ્યાએ જોવા મળે અને બીજા પક્ષીઓ સાથે સહઅસ્તિત્વમાં જીવતાં જોવા મળે. ખોરાકમાં સર્વભક્ષી ખેરખટ્ટો  ફૂલના મધુરસ, બીયા, અંજીર અને ફાયકસ જેવા ફળ, ગરોળીઓ, કરોળિયા, દેડકા, ઈયળો જેવા જીવ અને પક્ષીઓના ઈંડા વગેરે ખાય છે. સ્તનવાળા પ્રાણીઓ ને જે ફળ ઝેરી લાગે છે તેવા ફળ પણ ખેરખટ્ટા ખાઈ લે છે.

    ખેરખટ્ટો / Rufous Treepie / Indian Treepie / Dendrocitta vagabunda

    હરણ અને સાબર જેવા પ્રાણીઓ તેમને તેમના શરીર ઉપર બેસવા દે છે અને તે તેમના *શરીર ઉપરના વાળમાં જે નાના નાના જીવ ભરાયા હોય તેને ખેરખટ્ટો ખાઈ જાય છે*. આમ તેઓ એકબીજાને ઉપયોગી થઇ જીવે છે. તેવી રીતે દક્ષિણ ભારતમાં નારિયેળી અને પામની ખેતીને ઘણો ટેકો કરે છે. નારિયેળી અને *પામના વૃક્ષોમાં થતાં ખતરનાક કીડા તેઓ ખાઈ જાય છે* જેથી નારિયેળી અને પામની ખેતીને થતાં વ્યાપક નુકશાનથી બચાવે છે, જે કારણે *ખેડૂતો તેમને મિત્ર ગણે છે.* આ એક કુદરતની ખોરાકની શૃંખલા છે જેને આપણે સહઅસ્તિત્વમાં જીવતા જીવ તરીકે સન્માનીય ગણાય છે.

    ભારતના ૧૭ કોમન પક્ષીઓમાંનું આ એક પક્ષી હવે શહેરમાં કમનસીબે ખુબ ઓછા જોવા મળે છે અને તે શહેરની બહારના વિસ્તારમાં જોવા મળે તો બહુ ઓછા લોકો તેને ઓળખી શકે છે, જાણે કોઈને પક્ષી જગતમાં રસ જ નથી. જેમ આજના સમયમાં સામાન્ય સંજોગોમાં લોકોને આજુબાજુના દસ વૃક્ષના નામ પણ નથી જાણતાં હોતા તે પ્રમાણે પક્ષીના નામ પણ ખબર નથી હોતા, જે કમનસીબ પરિસ્થિતિ માટે આપણેજ જવાબદાર છીએ. તેનો અવાજ વાંસળીમાંથી જેમ છૂટક છૂટક સુર નીકળે તેમ કો- કી- લા તેમ અવાજ કાઢે, ઉરુ – બો – લિંક, બૉલિંક તેવા  કૃતુહલ થાય તેવા અને ધ્યાન આકર્ષક કાન ચમકે તેવા અવાજ કાઢે છે. ઘણીબધી વખત સરસ અવાજની સાથે ભેગો ભેગો કઠોર, કર્કશ અને ઘોઘરો ખડખડવા જેવો દબાઈને આવતો અવાજ હોય છે. ગામમાં સ્ત્રી વાસણ ધુવે અને વાસણ ખખડે અને જે બેસૂરા  અવાજ આવે તેવા અવાજના કારણે તેનું નામ હરીચાચા પણ પડેલું છે. કેવા અજાયબ પ્રકારના અવાજ વિવિધ પક્ષીઓના હોય છે! જે તે પ્રદેશમાં તેનાં ગુણને અનુરૂપ નામ લોકો પાડી દેતાં હોય છે જે તેમની ઓળખ બની જાય છે.

    *દિલડું હાર્યો*
    *ભૂખરો ને રૂપાળો*
    *પ્રીતની લત*

          *હાઈકુ: જગત.કીનખાબવાલા*

            ભલે તેમના રંગ ચમકીલા ન હોય પણ તે રંગે દેખાવડુ અને ઘાટીલું પક્ષી છે. કાગડાના કુળનું આ પક્ષી છે તેમ જલ્દી માની ન શકાય તેટલું દેખાવડું પક્ષી છે. ખાખી ભૂખરો તજ જેવો રંગ, ધોળા ખભા, કાળું માથું અને લાંબી આસમાની પૂંછડી ભૂરાશ રાખોડી રંગની અને આકર્ષક હોય છે. લાલ ચણોઠી જેવી ચમકીલી સુંદર આંખો હોય છે. નર અને માદા બંન દેખાવમાં સામ્ય ધરાવે છે. શરીરનો નીચેનો ભાગ ઘેરા કથ્થઇ રંગનો હોય છે અને તેની ચાંચ આગળથી છેડેથી હુક જેવી દેખાય છે. જુવાન બચ્ચાને માથું અને શરીરનો નીચેનો ભાગ ઘેરા કથ્થઇ રંગના હોય છે જે પછી તેઓ મોટાં થતાં જાય તેમ માથાનો ભાગ ધીરે ધીરે કાળો થતો જાય છે. તેમનું માથું, પગ અને નાખ કાળા રંગના હોય છે.

    ખુલ્લી લીલોતરી અને વૃક્ષો વાળી જગ્યાઓ, જંગલ, ખેતર, શહેરી બાગબગીચામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વ ભારતથી શરુ કરી છેક હૈદરાબાદ સુધી તેમની વસ્તી છે. ઉત્તર ભારતના ગઢવાલ જેવા પ્રદેશમાં જ્યારે ઠંડી વધે ત્યારે શિયાળામાં તેઓ નીચેના વિસ્તારમાં સ્થળાંતર કરી જાય છે અને પાછી ગરમી શરુ થાય તેટલે પાછા ઉપરના પ્રદેશમાં પોતાના જુના વિસ્તારમાં પરત ફરી જાય છે. દરિયાથી ૨૦૦૦ મીટર જેટલી ઊંચાઈ ઉપર પણ જોવા મળે છે. પૂર્વ ભારતના ઘાટમાં ચમકીલા રંગમાં અને પશ્ચિમ ઘાટમાં થોડા પ્રમાણમાં નાના હોય છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, મલેશિયા, કંબોડીયા અને લાઓસ જેવા દેશમાં હોય છે પણ એકબીજાથી થોડાક થોડાક જુદા હોય છે અને આમ એશિયાના ઘણાં બધા પ્રદેશમાં જોવા મળે છે.

    એપ્રિલ મહિના થી શરુ કરી જૂન મહિના સુધીમાં તેઓ ત્રણ થી ચાર ઈંડા મૂકે છે જયારે બંગાળ જેવા પ્રદેશમાં એપ્રિલ મહિનાથી મે મહિનાનો સમય ગાળો હોય છે. ઈંડા મુકવા માટે તેઓ વૃક્ષ ઉપર અને ઝાડીઓમાં થોડાક છીછરા માળા બનાવે છે. જુદા જુદા પ્રદેશમાં તેમને લોકો સ્થાનિક નામથી ઓળખે છે. તેમના અવાજ ઉપરથી લોકો તેમને ‘કોતરી’, ‘હાંડી ચાચા’ અને ‘ટકા ચોર’ જેવા નામ પડી ગયા છે.બંગાળીમાં મીઠડું નામ કુટુમ પંખી છે. તેની લાંબી પૂંછડીને લીધે તેમની ઉડાન પણ ધ્યાન આકર્ષક લાગે છે જે ઉડાન સાથે પોતાનું ૯૦ થી ૧૩૦ ગ્રામ વજન ઊંચકી લે છે. ખેરખટ્ટો ચતુરતો એવું છે કે ખાઈને પેટ ભરાઈ જાય તેટલે વધેલો ખોરાક નજીકની વૃક્ષની બખોલમાં સંતાડી દે છે.


    (ફોટો મિત્ર શ્રી દિપક પરીખ  દ્વારા સાભાર)


    *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn  – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : અરણી

    ગિજુભાઈ બધેકા

    નાનપણમાં જોયેલું ભૂંસાતું નથી. અમારા ગામની પોસ્ટ ઑફિસના ચોગાનમાં અરણિ*નું ઝાડ હતું.

    એકવાર મેં એક માણસને મૂંગો મૂંગો તેનાં સુકાં ડાંખળાંને તોડતો જોયો. મેં તેને બોલાવ્યો; પણ તે બોલ્યો નહિ. પાછળથી મને માલૂમ પડ્યું કે એ પોતાના છોકરાના ગળામાં ડાળખાંની માળા કરી પહેરાવવા માટે તે લેતો હતો. વાંચનારને આ વાત વિચિત્ર લાગશે; મૂંગાં મૂંગાં અરણિ લેવાનું સમજાશે નહિ. પણ તમે જાણજો કે હજી પણ લોકોમાં વહેમો ઘણા ચાલે છે; અને મૂંગા મૂંગા દવાનાં ડાળખાં લેવાં પણ એક વહેમ જ હોય.

    જોકે આપણા જૂના વૈદકશાસ્ત્રમાં તો અમૂક ઔષધિ મૂંગા મૂંગા લેવી એવું લખેલું છે. કોઈ સારા જૂના વૈદને પૂછજો; વખતે કાંઈ વાજબી કારણ નીકળે !

    અરણિના ઘણા ઉપયોગ છે, પણ તેમાં બહુ કામનો ઉપયોગ એ છે કે વાઘ કરડે ત્યારે અરણિનો પાલો મીઠું નાંખી વાટીને બાંધવો. દવા તો સારી છે અને સાચી પણ હશે; પણ મૂશ્કેલી છે કે વાઘ અને અરણિ એ બે નજીક નજીક રહેતા હોય તો જ દવા થઈ શકે !

    સીમમાં હોઈએ ત્યારે અરણિનાં ફૂલોથી મઘમઘેલી સીમ નાકને આનદ આપશે. બારડોલીમાં ફરતી વખતે ગુજરાતના ફળદ્રુપ ખેતરોની વાડે ઊભેલી અરણિના ફૂલોની સુવાસ અમને બહુ મળી હતી.

    એક વાર અમે ગાડામાં બેસી એક જગાએથી બીજી જગાએ જતા હતા. ધીમે ધીમે ઊંગતો ચાંદો પૃથ્વી ઉપર અજવાળું અને વાડે ઉગેલી અરણિ ધીમે ધીમે સુવાસ ફેલાવતા હતાં.

    અરણિમાં ફૂલ પાંચ પાંખડીનાં, બહારથી ઢાંકણથી ઢંકાયેલ હોય છે. તેમાં પુંકેસર અને સ્ત્રીકેસર હોય છે.

    અરણિ વિષે આટલી વિગત હું માંડમાંડ જાણું છું તો પછી વિશેષ તમને ક્યાંથી કહું ? એ તો અમે ગામડામાં રહેતા એટલે ઝાડની કંઈક ખબર; બાકી તમે જેઓ શહેરમાં રહેતા હશો તેમણે તો અરણિનું નામ પણ નહિ સાંભળ્યું હોય.

    પણ તમારા ઘરમાં કોઈ સંસ્કૃત ભણ્યા હોય તો એમને પૂછશો તો ખબર પડશે કે અરણિને સંસ્કૃત ભાષામાં અગ્નિમંત કહે છે.

    અસલના વખતમાં દીવાસળી નહોતી; અને ચકમક પણ કોણ જાણે લોકોને હાથ આવ્યો હોય તો ! એ જૂના વખતના લોકો અરણિના બે લાકડાંને ઘસીને તેમાંથી અગ્નિ પેદા કરતા ! હજી પણ અરણિમાંથી ઉત્પન્ન કરેલો અગ્નિ પવિત્ર મનાય છે. યજ્ઞના કામમાં આરંભ વખતે યજમાન પાસે અરણિનાં લાકડાં ઘસાવી અગ્નિ ઉત્પન્ન કરાવે છે. ખેરના લાકડાંમાંથી પણ અગ્નિ પેદા કરી શકાય છે; એનો અગ્નિ પણ પવિત્ર લેખાય છે. અરણિ, ખેર, ખીજડો, પીપળો, આકડો અને ખાખરો, એના લાકડાંને યજ્ઞકામમાં સમિધરૂપે અગ્નિહોત્રી બ્રાહ્મણો વાપરે છે.


    *અરણી : દ્વિદળી વર્ગના વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ lerodendron multiflorum (Burm. f.) O. Ktze. Syn. C. phlomidis L. (સં. अरणिक, अग्निमन्थ, वातघ्न, હિં. अरनी, अगेथु, गणियारी; મં. ટાકળી, નરવેલ; અં. ટ્યૂબ ફ્લાવર) છે. ઇન્દ્રધનુ, સાગ, સેવન, નગોડ વગેરે તેનાં સહસભ્યો છે.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • મહાનતાના સ્વીકાર પછી પણ મૂલ્યાંકન આવશ્યક છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    એક કલાકારનું મૂલ્યાંકન તેની કળાના આધારે કરવું કે વ્યક્તિ તરીકે? સામાન્ય રીતે આપણને પહેલાં તેની કળાનો પરિચય થાય છે, તેમાં રસ જાગ્રત થાય છે, અને પછી તેના અંગત જીવન વિશે જાણવાની જિજ્ઞાસા થાય છે. આ જિજ્ઞાસા સંતોષવા જતાં ઘણી વાર અણગમતી હકીકતો સામે આવે ત્યારે ઘણા કિસ્સામાં કલાકારને બદલે તેની કળાને અન્યાય થાય એમ બનતું હોય છે.

    વીસમી સદીના ખ્યાતનામ સ્પેનિશ કલાકાર પાબ્લો પિકાસો તેમના અવસાનના પચાસ વર્ષ પછી ફરી એક વાર ચર્ચામાં છે. ચિત્રકળા, શિલ્પકળા, છાપ તેમજ સિરામીક્સના માધ્યમમાં પ્રચંડ કામ કરનાર પિકાસો પોતાની ક્યુબીઝમ એટલે કે ઘનવાદની શૈલી માટે જાણીતા છે. પોતાના જીવનકાળ દરમિયાન કલાકાર તરીકે તેમને પુષ્કળ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.

    તસવીર નેટ પરથી

    સાથોસાથ વિવિધ સ્ત્રીઓ સાથેનાં સંબંધો અને વર્તાવ માટે તેઓ ચર્ચામાં રહ્યા હતા. ૧૯૨૦ના દાયકાના આરંભથી ત્રીસેક વર્ષ સુધી તેમણે અવારનવાર પોતાનાં ચિત્રોમાં ‘માઈનોટોર’નું ચિત્રણ કર્યું હતું. ‘માઈનોટોર’ ગ્રીક પૌરાણિક પાત્ર છે, જેનું માથું આખલાનું અને શરીર મનુષ્યનું છે. પોતાના વતન સ્પેનમાં પરંપરાગત રીતે ચાલતી રહેલી ‘આખલાલડાઈ’ને કારણે પિકાસો આખલાની ખાસિયતોથી પ્રભાવિત થયા હશે. આથી સાવ યુવાન વયે તેમણે આખલા અને તેની સાથે લડનારા મેટાડોરનાં અનેક ચિત્રો ચીતર્યાં હતાં. અલબત્ત, પછીના અરસામાં તેઓ ‘માઈનોટોર’માં પોતાની જાતને દર્શાવતા હતા. આ પાત્રમાં રહેલા પ્રચંડ પૌરૂષીય તત્ત્વ અને શારિરીક તાકાતમાં તેઓ પોતાના ગુણોનું પ્રતિબિંબ નિહાળતા હતા. ‘માઈનોટોર’ના પાત્રમાં અમુક અંશે તેઓ સ્વછબિ પણ ચીતરતા હોવાનો એક મત છે.

    પિકાસોની કૃતિઓ પેરિસના ‘પિકાસો મ્યુઝિયમ’માં પ્રદર્શિત છે. માર્ચ, ૨૦૨૩માં પિકાસોની પચાસમી જયંતિ નિમિત્તે આ મ્યુઝિયમના સત્તાવાળાઓએ પિકાસોની કળાકૃતિઓની સાથોસાથ તેમના વિશેના વિપરીત અભિપ્રાયની ચર્ચાને પણ સ્થાન આપવાની પહેલ કરી છે. પિકાસોની કલાકારી વિશે જેમ મોટા ભાગનો વર્ગ એકમત છે, એમ તેમના જાતીય જીવન અને તેની વિચિત્રતાઓ વિશે પણ મોટા ભાગના વર્ગની એકમતિ છે. આ બાબત પર ઢાંકપિછોડો કરવાને બદલે મ્યુઝિયમવાળાઓએ તેને ખુલ્લી ચર્ચામાં લાવવાનું વલણ દાખવ્યું એ પ્રશંસનીય પહેલ કહી શકાય.

    આ અગાઉ ૨૦૨૧માં સ્પેનના બાર્સેલોનામાં આવેલા ‘પિકાસો મ્યુઝિયમ’માં બાર્સેલોના આર્ટ સ્કૂલનાં પ્રાધ્યાપિકા મારીઆ યોપીસ અને તેમની સાત વિદ્યાર્થીનીઓએ પિકાસોની મહિલાઓ સાથેની ક્રૂર વર્તણૂક વિરુદ્ધ દેખાવ કર્યા હતા. ખાસ કરીને ડોરા માર નામની ફ્રેન્‍ચ કલાકાર સાથેના પિકાસોના સંબંધ પેચીદા રહ્યા હતા. પિકાસોનાં અનેક ચિત્રોમાં સ્થાન પામનાર પાત્ર તરીકે ડોરા જાણીતાં બન્યાં હતાં. પણ પિકાસો સાથેના સંબંધના અંત પછી તેમનું જીવન યાતનામય બની રહ્યું હતું. સ્પેનિશ પ્રાધ્યાપિકા અને વિદ્યાર્થીનીઓએ ડોરા મારનો ઉલ્લેખ કર્યો હતો અને ‘મહિલાઓનો શોષક, પિકાસો’ જેવું લખાણ ધરાવતાં ટીશર્ટ પહેરીને તેઓ મ્યુઝિયમમાં આવ્યાં હતાં. પિકાસોના અવસાનના પચાસેક વરસ પછી આવા દેખાવ કેટલા પ્રસ્તુત ગણાય એવો સવાલ કોઈ પણને થઈ શકે. યોપીસે આ બાબતનો ખુલાસો કરતાં કહેલું કે તેઓ નાને પાયે વિરોધ દર્શાવવા માગતા હતા, કેમ કે, તેમનો મુદ્દો એટલો હતો કે મ્યુઝિયમવાળા પિકાસોના મહિલાઓ સાથેના સંબંધોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં દર્શાવતા નહોતા. યોપીસે જણાવેલું કે આ કંઈ પિકાસો પરનો હુમલો નહોતો, પણ પોતે સત્યમાં માને છે, નહીં કે હકીકતોને છુપાવવામાં.

    હવે વધુ એક વાર પિકાસો સામેના વિરોધને મોકળું મેદાન પૂરું પાડવામાં આવ્યું છે. અને એ પણ બીજા કોઈ નહીં, બલ્કે પેરિસના ‘પિકાસો મ્યુઝિયમ’ દ્વારા. આ અભિગમ ખરેખર આવકાર્ય ગણાવો જોઈએ, કેમ કે, અંધ વ્યક્તિપૂજાને બદલે એક જ વ્યક્તિની પ્રકૃતિમાં અનેક સ્તરો હોઈ શકે છે એ બાબતનો સ્વીકાર જરૂરી છે. એ પુખ્ત નાગરિકધર્મનું લક્ષણ છે. આમ ન હોય ત્યાં ભૂતકાળની વિભૂતિઓનો પોતાના મત માટે ઉપયોગ અને પોતાના ટૂંકા રાજકીય સ્વાર્થ માટે તેમનું નવેસરથી ચરિત્રહનન કે પછી ચરિત્રસ્થાપન થતું રહે છે.

    ટીકાથી કોઈ પર હોઈ શકે નહીં, પણ ‘કેન્‍સલ કલ્ચર’ એટલે કે વ્યક્તિની લાક્ષણિકતાની કોઈ એક જ બાજુને પકડી લઈને તેને આધારે એનો બહિષ્કાર કરવો એ અપરિપકવતાની નિશાની છે. આનાં ઉદાહરણ લેવાં બીજે ક્યાંય જવાની જરૂર નથી. આપણા દેશના રાજકારણમાં જ એ ભરપૂર મળી રહે છે. ભૂતકાળના કોઈ નેતાને ભૂતકાળના જ કોઈ નેતાથી ચડિયાતા કે ઉતરતા બતાવીને તેમને ચોક્કસ વ્યક્તિસમૂહ પૂરતા મર્યાદિત કરી દેવાની આપણા રાજકારણીઓને જબરી ફાવટ છે. નેતાઓ તો ઠીક, દેવતાઓ સુદ્ધાંને ચોક્કસ જાતિસમૂહમાં કેદ કરી દેવામાં આવ્યા છે. રંગ, પ્રાણી, પક્ષી, વાનગીઓ જેવી ચીજોને પણ સામુદાયિક ઓળખનો હિસ્સો બનાવી દેવામાં આવી છે. રાજકારણીઓ તો આ ખેલ પોતાના સ્વાર્થ માટે પાડતા હોય છે, પણ તેમની એ ચાલમાં આવી જવું એ નાગરિકોની અપરિપકવતાનું લક્ષણ છે.

    પેરિસના પિકાસો મ્યુઝિયમના પિકાસોના જીવનનાં વિવિધ પાસાંની ચર્ચા થાય- ખાસ કરીને પિકાસોની કળા માટે પૂજ્યભાવ ધરાવતી નવી પેઢી તેમની આ બાબતો વિશે જાણે, એ નિમિત્તે વંશીય ભેદભાવ, લિંગભેદ, સંસ્થાનવાદ જેવા બીજા અનેક આનુષંગિક મુદ્દાઓની ચર્ચા થાય એ હેતુ આ ઉપક્રમ પાછળ રહેલો છે.

    કોઈ પણ કલાકારનું કામ તેના સમયનું પ્રતિબિંબ હોય છે, એમ તેની માનસિકતાને પણ એ ઉજાગર કરતું હોય છે. સમયાંતરે એ નવાં નવાં અર્થઘટનો માટે કળારસિકો અને અભ્યાસુઓને પ્રેરતું રહે છે. એમ થવું જ જોઈએ. ‘ચરિત્ર’ની બહુ સંકુચિત વ્યાખ્યા આપણે ત્યાં પ્રચલિત છે, અને તેનો વખતોવખત દુરુપયોગ કોઈકની કારકિર્દી પર ડાઘ લગાડવા માટે થતો આવ્યો છે. આવા પરિપકવ અભિગમ થકી એ અર્થઘટન થઈ શકે. અલબત્ત, પરિપકવ અભિગમ ઘડાય શી રીતે? એનો જવાબ જાતે જ મેળવવો રહ્યો.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪ – ૦૫ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કોઈનો લાડકવાયો – (૨૩) – બિહારમાં વિદ્રોહ : (૧) : ત્રણ શહીદો

    દીપક ધોળકિયા

    વિદ્રોહથી પહેલાં

    બળવાથી પહેલાં જ  બિહાર અંદરથી  તો ધુંધવાતું જ હતું. આ ધુંધવાટની શરૂઆત પણ ૧૮૫૫માં પટનાની જેલની એક ઘટનાથી થઈ.

    થયું એવું કે કેદીઓને અંગત વપરાશ માટે પિત્તળની હાંડલીઓ મળતી હતી. તેને બદલે માટીની નાની માટલીઓ આપવાનો સરકારે હુકમ કર્યો. જેલના અધિકારીઓનો દાવો હતો કે કેદીઓ પિત્તળની હાંડલીઓ દીવાલમાં ઘસીને દીવાલોને ખોખરી બનાવી નાખતા હતા અને પછી લાગ મળતાંવેંત એમાં છીંડું પાડીને ભાગી જતા હતા. કેદીઓ ક્રોધે ભરાયા અને એમણે જેલોમાં આંદોલન શરૂ કર્યું. ઇતિહાસમાં આ ‘લોટા આંદોલન’ તરીકે જાણીતું છે.  કેદીઓ બેકાબુ બની ગયા હતા અને એમને કાબુમાં લેવા પોલીસે ગોળીબાર કર્યો. અંતે કેદીઓ હારી ગયા.

    પરંતુ અફીણની ખેતી કરતા બાર હજાર ખેડૂતો હવે કેદીઓને પિત્તળની હાંડલીઓ અપાવવા મેદાને પડ્યા. સામાન્ય જનતા પણ કેદીઓ સાથે હતી અને ખેડૂતો આગળ આવતાં લોકોમાં જોશ આવી ગયું.  શહેરમાં એવાં તોફાન થયાં કે સરકારને બીક લાગી કે સરકારી તિજોરી પર ટોળાં ત્રાટકશે. લોકોએ કમિશનરને પકડી લીધો અને કેદીઓને પિત્તળની હાંડલીઓ આપવાની માગણી કરી. અંતે કમિશનરે નમતું મૂક્યું અને કહ્યું કે મને છોડી દો, તમારી બધી માગણી મંજુર છે. અંતે સરકારે પિત્તળની હાંડલીઓ પાછી આપી.

    રોહિણીમાં અંગ્રેજોની હત્યા

    આમ સ્થિતિ તો વિસ્ફોટક હતી જ, એટલે ૧૮૫૭માં દિલ્હી, અવધ, ઝાંસી, કાનપુરમાં થયેલા બળવાની અસર હવે બિહારમાં જલદી દેખાવા લાગી હતી. મેરઠમાં દસમી મેના રોજ વિદ્રોહ શરૂ થયો તેના પડઘા ૧૨મી જૂને બિહારના દેવઘર અને રોહિણીમાં પડ્યા.

    દેવઘરમાં ૩૨મી રેજિમેન્ટનું મથક હતું અને રોહિણીમાં પાંચમી કૅવલરીનું નાનું એકમ હતું. ૧૨મી જૂનની રાતે લશ્કરની છાવણીમાં મૅજર મૅકડૉનલ્ડ, લેફ્ટેનન્ટ નૉર્મન લેસ્લી અને ડૉ. ગ્રાન્ટ ઘરના બગીચામાં ખુરશીઓ માંડીને ચા પીતા બેઠા હતા. અચાનક ત્રણ શખ્સો ખુલ્લી તલવારો સાથે ધસી આવ્યા અને એમના પર પ્રહાર કર્યો. લેસ્લી એ વખતે ઘરમાં જવા માટે ઊઠતો જ હતો ત્યારે એની પીઠ પર તલવારનો બીજો ઘા પડ્યો અને એ ત્યાં ને ત્યાં મૃત્યુ મામ્યો. મૅજર મૅકડોનલ્ડ અને ડૉ. ગ્રાન્ટ પણ સખત જખમી થઈ ગયા.

    આ ત્રણ લશ્કરી અફસરો રહેતા હતા ત્યાં સખત જાપ્તો હતો પરંતુ ચોકીપહેરાની ડ્યૂટી કરતા ગાર્ડને ખબર પણ ન પડી કે એ ત્રણ ક્યાંથી આવ્યા. ઘટનાની તપાસ શરૂ થઈ પણ કંઈ કડી મળતી નહોતી. પરંતુ એક ઈમામખાં નામનો સિપાઈ પોતાના જખમની સારવાર માટે ડૉક્ટર પાસે આવ્યો ત્યારે ધીમે ધીમે ભેદ ખૂલવા લાગ્યો. ઈમામ ખાં હુમલાના કાવતરાનો સૂત્રધાર હતો. તે પછી ત્રણ સિપાઈ પકડાયા – અનામત અલી, શહાદત અલી અને શેખ હારૂન. મૅજર મૅકડોનલ્ડ પોતે ઘાયલ થયો હતો તેમ છતાં એણે સરકારની પરવાનગી લીધા વિના જ ત્રણેયને પોતાના હાથે ફાંસી આપી. એણે પોતાના એક સાથીને પત્ર લખીને વિગત આપી તે પ્રમાણે એણે એક હાથી પર ત્રણેય સિપાઈઓને બેસાડ્યા અને હાથીને એક ઝાડ નીચે લઈ આવ્યા. એના પર બાંધેલાં દોરડાં મૅકડૉનલ્ડે જાતે જ ત્રણેયનાં ગળાંમાં નાખ્યાં,  અને હાથીને હટાવી લીધો. તે સાથે જ ત્રણેય ક્રાન્તિવીરોના દેહ ઝાડ પર ઝૂલવા લાગ્યા. આજે પણ દર વર્ષે ૧૨મી જૂને એમની શહીદીનો દિન રોહિણીમાં શહીદ સ્થળે મનાવાય છે.

    પટના ફરી ઊકળ્યું ૩ જુલાઈ ૧૮૫૭

    રોહિણીની ઘટના બની તે પહેલાં જ અંગ્રેજ સરકાર પટનામાં કંઈ ન થાય તે માટે સાવચેત હતી. કંઈ થાય તો યુરોપિયનોને  બચાવવા માટે અફીણનાં ગોદામોમાં રહેવાની પણ વ્યવસ્થા કરી લીધી હતી. તે સાથે જ એમણે દમનનો દોર છૂટો મૂકી દીધો. ઘરેઘરની ઝડતી લેવાઈ. પટનાના અંગ્રેજ હાકેમ વિલિયમ ટેલરે  દગાખોરીનો રસ્તો લીધો અને ૧૯મી જૂને  શહેરના આગેવાનોને પોતાને ઘરે બોલાવ્યા અને એમાંથી ત્રણ મૌલવીઓ અહમદુલ્લાહ, મહંમદ હુસેન અને વાએઝુલ હકને પકડી લીધા અને કાળા પાણીની સજા આપી. એક મૌલવીનો ગુનો એટલો જ હતો કે એ ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધ પ્રચાર કરતો હતો. પટના જિલ્લામાં એક વર્ષ માટે માર્શલ લૉ લાગુ કરી દેવાયો અને ૨૩મી જૂનથી ૧૦ જુલાઈ વચ્ચે દસ જણને ફાંસી આપી દેવાઈ.

    આમ છતાં લોકો કાબુમાં નહોતા આવતા. જુલાઈની ત્રીજી તારીખની રાતે એક મશાલ સરઘસ નીકળ્યું. એની આગેવાની પીર અલીએ લીધી હતી. પહેલાં તો એમણે એક રૉમન કૅથલિક ચર્ચ પર હુમલો કરીને તોડફોડ કરી. ભીડ તે પછી એક અફીણના ગોદામ તરફ આગળ વધી. ત્યાંનો મુખ્ય અધિકારી ડૉ. આર. લૉયલ શીખોની ટુકડી લઈને એમનો સામનો કરવા નીકળ્યો પણ ભીડે એને મારી નાખ્યો. અફીણના ગોદામ પર હુમલો કરવો તે ઈસ્ટ ઇંડિયા કંપનીના સીધા વેપાર પર હુમલો હતો. બિહારમાં વિદ્રોહીઓએ જ્યાં અફીણ પેદા થતું હતું એ પ્રદેશોને નિશાન બનાવ્યા હતા. એમનું લક્ષ્ય કંપનીને આર્થિક રીતે પાયમાલ કરી નાખવાનું હતું.

    દાનાપુરમાં સિપાઈઓનો સફળ વિદ્રોહ

    દાનાપુરમાં હાલત ગંભીર હતી. ત્રીજી જુલાઈની પટનાની ઘટનાઓ પછી પટનાથી દસેક કિલોમીટર દૂર દાનાપુરમાં દેશી સિપાઈઓ પાસેથી શસ્ત્રો લઈ લેવાનો અંગ્રેજ ફોજી અધિકારીઓએ નિર્ણય લઈ લીધો હતો.એમની જગ્યાએ ગોરાઓની બનેલી ફોજ ગોઠવવાની હતી. ૨૫મી જુલાઈએ અંગ્રેજ પલટન દાનાપુર પહોંચી એટલે બધા દેશી સિપાઈઓને પરેડમાં એકઠા કરવામાં આવ્યા અને એમને પહેલાં તો શસ્ત્રાગાર છોડી દેવાનો હુકમ અપાયો. સવારે જ બધાં શસ્ત્રો ગોરા પલટન પાસે હિન્દી સિપાઈઓ જાતે જ પહોંચાડી આવ્યા. બપોરે એમને ફરી એકઠા કરીને એમનાં પોતાનાં શસ્ત્રો સોંપી દેવાનો હુકમ અપાયો. એ વખતે એમને ચારે બાજુથી અંગ્રેજ સૈનિકોએ ઘેરી લીધા. પરંતુ બે ટુકડીઓએ હુકમ ન માન્યો. એમણે દોડીને પોતાનાં હથિયારો ફરી હાથમાં લઈ લીધાં. એમને જોઈને બીજી એક બટાલિયન પણ એમની સાથે જોડાઈ ગઈ. એ વખતે કોઈ ગોરા અફસર કે સૈનિક ત્યાં નહોતા. જનરલ લૉઈડ પોતે ચાલ્યો ગયો હતો અને જતાં જતાં એવી વ્યવસ્થા કરતો ગયો હતો કે બપોરે જ્યારે સિપાઈઓનાં હથિયારો લેવાની કાર્યવાહી થાય ત્યારે એ કામ દેશી અફસરોની નજર નીચે જ કરાવવું કે જેથી સિપાઈઓ હુકમ ન માને તો એમના ક્રોધનું નિશાન પણ કોઈ અંગ્રેજ નહીં પણ દેશી જ બને.

    હવે બળવાખોર ફોજીઓ દાનાપુરથી આગળ વધ્યા અને રસ્તામાં જે કોઈ સરકારી ઑફિસ આવી તેને જમીનદોસ્ત  કરતા ગયા. અંગ્રેજ ફોજે સોન નદીમાં સ્ટીમર દ્વારા વિદ્રોહીઓ પાછળ સૈનિકો મોકલ્યા પણ એમનું કંઈ ચાલ્યું નહીં. નદીમાં પાણી ઓછું હોવાથી સ્ટીમરો પણ છીછરા પાણીમાં ખૂંપી જતી હતી.

    ૨૯મી જુલાઈએ કૅપ્ટન ડનબરની સરદારી હેઠળ શીખ અને અંગ્રેજ સૈનિકોની સાથે મોટી ટુકડી બળવાખોરોની પાછળ નીકળી. શીખો આગળ અને ગોરા સૈનિકો પાછળ ચાલતા હતા. ઓચિંતા જ વિદ્રોહીઓએ એમના પર છાપામાર હુમલો કરતાં ડનબર પોતે અને બીજા ઘણા સૈનિકો માર્યા ગયા. જીવતા રહ્યા તે નદી તરફ ભાગ્યા અને પાછા જવા માટે એક સ્ટીમરમાં ચડી ગયા પણ વિદ્રોહીઓએ સ્ટીમરને ઘેરી લીધી અને આગ લગાડી દીધી.

    આ પરાજય પછી અંગ્રેજી ફોજ અને હાકેમોમાં પરસ્પર આક્ષેપોની ઝડીઓ વરસી. એક તો, બિહારમાં બળવો જલદી અને ચારેકોર ફેલાયો અને બીજું એ કે અહીં બચાવ કરવાનું ઈસ્ટ ઇંડિયા કંપની માટે સૌથી વધારે મુશ્કેલ રહ્યું. બિહારના વિદ્રોહીઓની કથા હજી  આગળ ચાલશે.

    ૦૦૦

    સંદર્ભઃ

    1. 1857: बिहार में महायुद्ध, प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त, राजकमल प्रकाशन, 2015 (Google Books)

    (https://books.google.co.in/books?id=9cGgdEGTxvYC&lpg=PP1&pg=PA7#v=onepage&q&f=false)

    1. https://archives.peoplesdemocracy.in/2007/0506/05062007_1857.htm
    2. ભારતઃ ગુલામી– અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર: આઝાદી માટેનો સંઘર્ષ , પ્રકરણ ૩૪ (આ લેખકની વેબગુર્જરી પરની શ્રેણી)

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • કિશોરકથાનું ભાલતિલક : બકોર પટેલની વાર્તાઓ

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    ગુજરાતને ગુજરાતી સાહિત્યનો એક આખોય કાલખંડ હતો જેમાં બાળમાનસનાં જાણભેદુશ્રી હરિપ્રસાદ વ્યાસની કૃતિ ‘બકોર પટેલ’નું એકચક્રી શાસન ચાલેલું. બકોર પટેલની વાર્તાઓ એટલે પ્રાણીસૃષ્ટિ ને માનવસૃષ્ટિનો વિરલ સમન્વય ચીંધતી વાર્તાઓ. એમાં મુખ્ય નાયક બકોર પટેલ ને નાયિકા શકરી પટલાણી. અન્ય પાત્રોમાં વાઘજીભાઈ વકીલ, ટીમુ પંડિત, ડૉ. ઊંટડિયા, બાંકુભાઈ બંદર, ભત્રીજો અમથો ને એવાં કંઈ કેટલાંય.

    મારા બાળપણમાં બકોર પટેલને મેં એકશ્વાસે ને મનભરીને વાંચેલ. આ કૃતિને ફરીથી માણવા માટે જીવનના પાંચમા દાયકે એને જ્યારે ફરીથી હાથમાં લીધા ત્યારે એમાં મને લેખકનું એક જુદું જ જીવનદર્શન સાંપડ્યું, જેણે મને આત્મનિરીક્ષણ કરવા પણ પ્રેરી –દોરી.

    ગુજરાતી સાહિત્યના મધ્યકાળમાં થયેલા સમર્થ કવિ પ્રેમાનંદે રામાયણ, મહાભારત ને પુરાણોમાંથી વસ્તુ લઈને ઉત્તમ આખ્યાનો રચ્યાં – પોતાની મૌલિકતાથી રસીને. જેમાં પ્રેમાનંદે  નળને ચાહતી દમયંતીને વરવા ઈચ્છતા દેવોએ કરેલી યુક્તિમાં, સુદામા કૃષ્ણને મળવા આવે છે ત્યારે એને જોઇને વિસ્મય અનુભવતી કૃષ્ણની રાણીઓમાં, દમયંતીને વરવા ઈચ્છતા વૃદ્ધ રાજાઓની લાલસાનું આલેખન કરીને આમલોકને પેટ પકડીને હસાવ્યા છે જેની પાછળ પ્રેમાનંદના મનમાં કોઈ ડંખ નથી. છે માત્ર મનુષ્યમાં સળવળતી રહેલી વૃત્તિઓના તરંગનું સૂક્ષ્મ નિરીક્ષણ. જેને નિર્દોષતાથી પ્રેમાનંદે સૌને પીરસ્યું છે. કંઈક આવું જ વહેંચવા હરિપ્રસાદ પણ પ્રેરાયા હોય એવું જણાય છે. બકોર પટેલમાં એક બાજુ છે જીવનમૂલ્યોનો અનાયાસ બોધ ને બીજી બાજુ છે આમલોકમાં પડેલા અનેક સ્થાયી, સંચારી ભાવોનો શંભુમેળો. વાર્તાને અંતે એ ભાવોમાંથી ઉપર ઊઠવાની, એમાંથી સાંગોપાંગ નીકળી જવાની કલા ! જેના આલેખનમાં લેખકનું જીવનદર્શન પ્રગટ્યું છે.

    મૂળે તો બકોર પટેલ એક એવા નાયક જેના દરેક કાર્યમાં, વિચારમાં આચારમાં ભારે ઉતાવળ, ધમાલ અને તેને પરિણામે જાતજાતના છબરડા ને તેમાંથી વાચક માટે પીરસાતું ખડખડાટ હાસ્યને નરવો આનંદ ! પણ એ આનંદની પછવાડે વાચકના ચિત્તમાં ઘર તો કરી જાય એમની જીવનને જોવાની નરવી, ગરવી, નિર્દોષ, સરળ દ્રષ્ટિ ! બકોર પટેલને નિમિત્તે આપણા જેવા સૌ આમલોકોમાં કેવા કેવા સ્થાયી, સંચારી ભાવો પડેલા છે ને વખત આવ્યે એ કેવા જાગ્રત બને છે એની જ લેખકે મજા લીધી છે ને અન્યોને કરાવી છે. પોતાને વતન તારાપુર ગયેલા બકોર પતેમ વાઘજીભાઈ ને ડૉ. ઊંટડિયાને પણ સાથે લઇ જાય ને જૂના ઘરમાં જૂની વસ્તુઓ ફેંદતા એક નકશો મળે ને પટેલને લાગે કે નક્કી આ નકશો કોઈ છૂપા ખજાનાનો છે. બસ, થઈ રહ્યું ! ત્રિપુટી રાત્રે નીકળી પડે ને ઘણી ધમાલ પછી નવાં નાણાંના સિક્કાની થેલી મળે ! પછી રહસ્ય ખૂલતાં ખબર પડે કે પટેલના ગામના યુવાનોએ સારવાર –ફંડ માટે એકઠા કરેલા પૈસાની જ એ થેલી હતી ! તો પટેલના ભત્રીજા અમથાના લગ્ન લઈને પટેલ નીકળે ને છેલ્લી ઘડીએ કન્યા કાણી નીકળી પડે ત્યારે ભોંઠા પડેલા વેવાઈ પોતાની બીજી પુત્રી વેરે અમથાને પરણાવી દે. ને જાનમાં આવેલા એક લંગડા યુવક સાથે પેલી કાણીનુંય ગોઠવી આપે !

    અહીં આજથી લગભગ નવ-દસ દાયકા પહેલાંનો સરળ જીવનપદ્ધતિ દર્શાવતો એક કલાખંડ આલેખાયો છે. કેવો હતો આ સમય ? જયારે જીવતરમાં એક નિરાંતનો અહેસાસ હતો. સાદું –સીધું સમાજજીવન, એના નાના-નાના આનંદો, મિત્રની હૂંફ, પતિ-પત્નીનું ઐક્ય, કહેવતા આમલોક સાથેનું પોતાપણું, સંબંધોની મીઠાસ ને ગરિમા, ચગળી- ચગળી ને જિવાતું જીવન. કોઈ માંગ નહીં, લાલચ નહીં, માત્ર મળેલાં જીવતરને અવસર માનીને જીવવાનો નીતર્યો આનંદ. છેલ્લા બે દાયકા પહેલાં આખી એક પેઢીએ જીવેલું આ જીવતર એ સમયનું પ્રતિબિંબ ઝીલીને આખાય કાલખંડને પ્રસ્તુત કરે છે.

    આ વાર્તાઓમાં ક્યાંક અનાયાસ ગાંધીપ્રભાવ પણ  ઝીલાતો વરતાય છે. બકોર પટેલ ફૂલઝાડ વાવવાના ભારે શોખીન છે. આમ, તો એને પાણી પીવડાવવાનું કામ નોકરાણી બહેન ખુશાલનું પણ બકોર પટેલ ક્યારેક સવારના પહોરમાં ઝાડને પાણી પીવા મંડી પડે. એની પાછળ એમનો વ્યક્તિગત શોખ તો ખરો જ. સાથોસાથ ખુશાલને એટલું કામ ઓછું કરવાનો ભાવ પણ પટેલના મનમાં પડેલો.

    તો, પોતાનું ઘડિયાળ ચોરાયું ત્યારે પટેલને પોતેના ઓફિસના પટાવાળા વીઠુ પર વહેમ પડેલો ને તેને ધમકાવીને પટેલે ઓફિસમાંથી રજા આપી દીધી. પણ ઘડિયાળ તો પોતે રિપેર કરાવવા દીધેલું એ યાદ આવતાં પટેલે નોકરને ઘેર જઈને માફી માંગવામાંય નાનપ ન અનુભવી!

    પટેલની ઓફિસના મુનિમ બાંકુભાઈની બુદ્ધિ ભારે તેજ. પટેલ જયારે જયારે મૂંઝાય ત્યારે બાંકુભાઈની સલાહ લે. ને બાંકુભાઈની યુક્તિઓ પટેલને આબાદ કામ લાગી જાય. એવી ક્ષણોમાં જુદી જુદી રીતે બાંકુભાઈને નવાજીને પટેલ એમની કદર કરવાનું ક્યારેય ન ભૂલે. લેખકની આ ભાવના લેખકની અંગત મૂડી તો ખરી જ, પણ સાથોસાથ એમના યુગપ્રભાવે પણ એની પાછળ ભાગ ભજવ્યો હોવાનું અનુમાની શકાય.

    લેખકના નાયક બકોર પટેલ અને કુલીન, સદગૃહસ્થ, પ્રેમાળ પતિ, વત્સલ વડીલ, હૂંફાળા મિત્ર, પ્રામાણિક વેપારી, જીવનની ક્ષણેક્ષણમાંથી રસના ઘૂંટડા ભરનાર જીવનપ્રેમી જણ છે. ભલે ને એ જાદુઈ વટાણાથી આકર્ષાય છે, ધન બમણું કરનાર બાવાઓની જાળમાં ફસાય છે, લોટરીની ટિકિટનાં આકર્ષણોમાં લલચાય છે પણ છેવટે અનુભવોમાંથી મળેલી દીક્ષાને ગ્રહણ કરીને આ લાલચોમાંથી તત્કાળ બહાર નીકળી જાય છે. બકોર પટેલના સહૃદય ભાવકોને એની મોટી ઉંમરે આ કૃતિના વાચનની જે ફળશ્રુતિ સાંપડે છે તે આ. જીવતરના વાળાઢાળાની વચાળે અથડાયા, કૂટાયા, ફંટાય, છેતરાયા પછી પોતાની ભૂલની જાણ થવી, પરિણામે ફરીથી એ ન કરવાની સમજ પ્રાપ્ત થવી ને છેવટે હસી કાઢીને એમાંથી બહાર નીકળી જવાની ક્ષમતા પ્રાપ્ત કરવી – જાગૃતિની આ જણસ હરિપ્રસાદને એક ઊંચા ગજાના તત્ત્વચિંતકની કોટિએ લઈ જાય છે.

    બાળકોને તેમ મોટેરાંઓનેય પેટ પકડીને હસાવતાં લેખકે અનાયાસ આ સૌમાં રોપી છે મૂલ્યનિષ્ઠા. પટેલની કામવાળી બાઈ ખુશાલ રજા પર જતાં નવા પટેલ નવા નોકરની શોધ કરે છે ને પટેલને વારંવાર નોકર બદલવા પડે છે, જેનું કારણ છે કે નોકરોની ચિત્ર – વિચિત્ર માંગો. આવા નોકરોને જોઇને પટેલને ખુશાલની કિંમત સમજાય છે. તો એક વાર પટેલને ઊડવાનું મન થાય છે ને ઘણા પ્રયત્નોને અંતે પટેલ ઊડતાં શીખે પણ છે ને મિત્ર વાઘજીભાઈને શિખવાડે પણ છે ! પછી તો બંને જણા આખા મુંબઈને હાથમાં, કહો કે બાથમાં, લે છે ને જાતજાતનાં તોફાનોય કરે છે, જેમાંનું એક તોફાન કોઈના બગીચામાં પડેલાં આઈસ્ક્રીમનાં થરમોસ ઉપાડવાનું છે.

    એ ઉપાડતાં ઉપાડતાં પટેલ ત્યાં પચાસ રૂપિયાની નોટ પણ મૂકી દે છે. કોઈનું મફત તો કેમ લેવાય – એવા વિચારોથી. મિત્રો માટે, પાડોશીઓ માટે, મહેમાનો માટે, નોકરાણી ખુશાલ માટે પટેલ કાયમ ઓછા ઓછા થતા રહે છે,તેમનાં સુખ-દુઃખ માં ખડે પગે ઊભા રહે છે ને છતાંય એની કોઈ સભાનતા એમના મનમાં નથી. કોઈનેય માટે બધું જ કરી છૂટતાં પટેલ –પટલાણી કશુંક કર્યાના ખ્યાલમાં ક્યારેય અળપાતા નથી. આચાર્ય મમ્મટ કાવ્યનાં પ્રયોજનોમાં એક પ્રિય પત્નીની જેમ ઉપદેશ આપવાને પણ ગણાવે છે. હરિપ્રસાદે કદાચ આવા કોઈ ખયાલની સભાનતા રાખ્યા વિના ગુજરાતની પ્રજાને હળવાશથી જીવતરની મીઠાશ પીરસી આપવાનું ગુરુકૃત્ય ને સાથોસાથ સર્જકકૃત્ય પણ બજાવી દીધું છે.

    બકોર પટેલની આ વાર્તાઓમાં અંધશ્રદ્ધાનું છેદન, વૈજ્ઞાનિક શોધો ને ટેકનોલોજીનો મહિમા, આરોગ્યની જાળવણીનું મુલ્ય જેવા આધુનિક વિચારોની પ્રતિષ્ઠા તે કાળે લેખકે કરી જાણી છે. પટેલ ઊડવાની કલા શીખે ને તેમાં સફળ થાય. છેક વિદેશ સુધી તેમની વાહવાહ થાય ને છેલ્લે ‘પટલાણી, તમે આ પ્રયોગની નોંધ રાખી હોત તો ?’ કહીને દસ્તાવેજીકરણનું મૂલ્ય કરે – આવી કંઈ કેટલીય વિચારણા આજેય આધુનિક લાગે તો એ સમયના સમાજને તો પચવીય ભારે પડી હશે. તે છતાંય એવું આલેખન કરીને એના લેખકે કરેલું સમયની પરનું ચિંતન એમની વિચારશક્તિની ક્ષમતાનું દ્યોતક છે. કૃતિની ભાષામાં ઠેરઠેર તળપદા શબ્દોનું પ્રાચુર્ય નજરે ચડે છે. ‘હાઉસેન જાઉંસેન’, ‘ત્રેખડ’, ‘ઠોઠું’ ‘મોકાણ’ જેવા શબ્દપ્રયોગ કૃતિને જીવંત બનાવે છે.

    બકોર પટેલની વાર્તાઓમાં સૌને સમાન રીતે આકર્ષે એવું એક તત્ત્વ લેખકની કલ્પનાસમૃદ્ધિ છે. પટેલ તેમજ અન્ય પાત્રોને નિમિત્તે લેખક કેવું કેવું વિચારી શક્યા છે ! પટેલને ઊડવાનું મન થાય, પટેલને રોજના જીવનમાંથી જાતજાતના તુક્કા સુઝે ને આ બધાની અભિવ્યક્તિ એટલી તો વાસ્તવિક રીતે થાય કે વાચકોને આ વાર્તાઓ એકદમ વાસ્તવિક લાગે, બલકે એના નાયક બકોર પટેલ ન રહેતાં દરેકને એનો નાયક જાણે એ પોતે જ હોય એવી અનુભૂતિ થાય બધી વાર્તાઓને અંતે લેખકને જે કહેવું છે તે આ, દરેકમાં એક બકોર પટેલ છુપાયેલો છે –તુક્કાબાજ , ભૂલકણો , પ્રેમાળ, સજ્જન એવો એક જન. આ અર્થમાં બકોર પટેલનું પાત્ર સૌ માટે એક દર્પણની ગરજ સરતું પાત્ર બની રહ્યું છે.

    પટેલની પત્ની શકરી પટલાણી વિના પટેલને ચાલે શકે એવી ડંફાશ હાંક્યા પછી પટલાણીના પિયર ચાલ્યા જવાથી પટેલ કેવા લાચાર બની જાય ને તેની લાચારી જોઈ ન શકવાથી ચાલ્યાં આવેલાં પટલાણી પ્રત્યે અપરાધભાવ અનુભવે; બદામપાકની છાપામાં જાહેરાત વાંચીને તાત્કાલિક શકરી પટલાણી પાસે પાક તૈયાર કરાવે, પણ પાક ચાખતાં પટેલને ખબર પડે કે બધી બદામ કડવી પસંદ થઈ ગઈ છે; ઘેર આવેલા અજા ફોઈને યાત્રાએ વળાવ્યા પછી એ જ ગાડીને અકસ્માત થયાના સમાચાર મળતાં પટેલ ગામ જઈને ફોઈબાનું બારમું ધામધૂમથી ઊજવે ત્યારે છેલ્લી ઘડીએ ફોઈબા આવીને પોતે બચી ગયાનું જણાવીને સૌ સાથે ભોજન આરોગવા બેસી જાય ને જીવતે જીવ જ પોતાના મૃત્યુની ઉજવણીમાં સામેલ થઇ જાય;- આવું તો કંઈ કેટલુંય બકોર પટેલની સૃષ્ટિમાં બને. પણ આ બધા છબરડા, ગોટાળા, ઊંધાચત્તા બનાવોને અંતે રેલાય નરી પ્રસન્નતા. બકોર પટેલની દરેક વાર્તાને અંતે લેખકનું બ્રહ્મવાક્ય આ જ ‘ને પટેલ પટલાણી ખડખડાટ હસી પડ્યાં !’ આ પાત્ર દ્વારા લેખકે શીખવ્યું છે –વિષમ જીવતર પર હસી પડવાનું – કહો કે હસી નાખવાનું ! ગીતકારે સહૃદય ભાવકોને પ્રસન્નચિત્ત રહેવાનો જે ગંભીર  બોધ પ્રબોધ્યો તેનું હરિપ્રસાદે અહીં સરલીકારણ કરીને ભગવદગીતા રમતાં રમતાં હાથવગી કરી આપવાનું જે ગંજાવર કર્મ કરી આપ્યું છે તે આનંદ અને વિસ્મય જગવે તેવી છે.

    લેખકે અહીં ભલે પ્રાણીમાં મનુષ્યત્વનું ઓપણ કર્યું હોય પણ ખરી રીતે જોતાં એ લાગે છે કે આખરે તો મનુષ્ય તરીકે કોઈ મનુષ્ય કે પશુ તરીકે કોઈ પશુને જોવું એ તેનું ખંડદર્શન છે. હકીકતમાં પ્રાણીને મનુષ્ય પરસ્પર સમન્વિત છે. દરેક પશુ અર્ધું મનુષ્ય છે ને દરેક મનુષ્ય અર્ધો પશુ. શ્વાન, બિલાડી, ગાય, સિંહ જેવાં પશુઓમાં વફાદારી, ખંધાઈ, રાંકપણું કે સ્વાભિમાન મનુષ્યને આંટે એ રીતે વ્યક્ત થતાં હોય છે તો માનવીમાં હિંસકતા, નિર્માલ્યતા, શિકારીવૃતિ જેવી પશુને હંફાવે એ રીતે જોવામાં આવતી હોય. ‘ભાગવત’માં આલેખાયેલા નૃસિંહાવતારના રહસ્યને અનાયાસ ચીંધી બતાવીને લેખક જીવનની સૂક્ષ્મ સમજને કેવી તો પામી શક્યા છે તેનું આ કૃતિએ આપણને દર્શન સંપડાવ્યું છે.

    કૃતિનાં ચિત્રો, કૃતિના વાર્તાઓનાં શીર્ષકો, દરેક કૃતિનો અંત –કોઈ પણ રીતે જોતાં આ શ્રેણી પુરા નવમ – દરેક યુગે નવી બની રહીને ગુજરાતી સાહિત્યની શાશ્વત કૃતિઓમાં સ્થાન મેળવવાની અધિકારિણી બને છે. ગુજરાતના સમાજની લગભગ પાંચ પેઢીઓનું આ કૃતિના પ્રસન્ન દંપતી પટેલ-પટલાણીએ સાદ્યંત ઘડતર કરીને ગુજરાતી સાહિત્યને ગૌરવ બક્ષ્યું છે.


     સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.