દીપક ધોળકિયા
વિદ્રોહથી પહેલાં
બળવાથી પહેલાં જ બિહાર અંદરથી તો ધુંધવાતું જ હતું. આ ધુંધવાટની શરૂઆત પણ ૧૮૫૫માં પટનાની જેલની એક ઘટનાથી થઈ.
થયું એવું કે કેદીઓને અંગત વપરાશ માટે પિત્તળની હાંડલીઓ મળતી હતી. તેને બદલે માટીની નાની માટલીઓ આપવાનો સરકારે હુકમ કર્યો. જેલના અધિકારીઓનો દાવો હતો કે કેદીઓ પિત્તળની હાંડલીઓ દીવાલમાં ઘસીને દીવાલોને ખોખરી બનાવી નાખતા હતા અને પછી લાગ મળતાંવેંત એમાં છીંડું પાડીને ભાગી જતા હતા. કેદીઓ ક્રોધે ભરાયા અને એમણે જેલોમાં આંદોલન શરૂ કર્યું. ઇતિહાસમાં આ ‘લોટા આંદોલન’ તરીકે જાણીતું છે. કેદીઓ બેકાબુ બની ગયા હતા અને એમને કાબુમાં લેવા પોલીસે ગોળીબાર કર્યો. અંતે કેદીઓ હારી ગયા.
પરંતુ અફીણની ખેતી કરતા બાર હજાર ખેડૂતો હવે કેદીઓને પિત્તળની હાંડલીઓ અપાવવા મેદાને પડ્યા. સામાન્ય જનતા પણ કેદીઓ સાથે હતી અને ખેડૂતો આગળ આવતાં લોકોમાં જોશ આવી ગયું. શહેરમાં એવાં તોફાન થયાં કે સરકારને બીક લાગી કે સરકારી તિજોરી પર ટોળાં ત્રાટકશે. લોકોએ કમિશનરને પકડી લીધો અને કેદીઓને પિત્તળની હાંડલીઓ આપવાની માગણી કરી. અંતે કમિશનરે નમતું મૂક્યું અને કહ્યું કે મને છોડી દો, તમારી બધી માગણી મંજુર છે. અંતે સરકારે પિત્તળની હાંડલીઓ પાછી આપી.
રોહિણીમાં અંગ્રેજોની હત્યા
આમ સ્થિતિ તો વિસ્ફોટક હતી જ, એટલે ૧૮૫૭માં દિલ્હી, અવધ, ઝાંસી, કાનપુરમાં થયેલા બળવાની અસર હવે બિહારમાં જલદી દેખાવા લાગી હતી. મેરઠમાં દસમી મેના રોજ વિદ્રોહ શરૂ થયો તેના પડઘા ૧૨મી જૂને બિહારના દેવઘર અને રોહિણીમાં પડ્યા.
દેવઘરમાં ૩૨મી રેજિમેન્ટનું મથક હતું અને રોહિણીમાં પાંચમી કૅવલરીનું નાનું એકમ હતું. ૧૨મી જૂનની રાતે લશ્કરની છાવણીમાં મૅજર મૅકડૉનલ્ડ, લેફ્ટેનન્ટ નૉર્મન લેસ્લી અને ડૉ. ગ્રાન્ટ ઘરના બગીચામાં ખુરશીઓ માંડીને ચા પીતા બેઠા હતા. અચાનક ત્રણ શખ્સો ખુલ્લી તલવારો સાથે ધસી આવ્યા અને એમના પર પ્રહાર કર્યો. લેસ્લી એ વખતે ઘરમાં જવા માટે ઊઠતો જ હતો ત્યારે એની પીઠ પર તલવારનો બીજો ઘા પડ્યો અને એ ત્યાં ને ત્યાં મૃત્યુ મામ્યો. મૅજર મૅકડોનલ્ડ અને ડૉ. ગ્રાન્ટ પણ સખત જખમી થઈ ગયા.
આ ત્રણ લશ્કરી અફસરો રહેતા હતા ત્યાં સખત જાપ્તો હતો પરંતુ ચોકીપહેરાની ડ્યૂટી કરતા ગાર્ડને ખબર પણ ન પડી કે એ ત્રણ ક્યાંથી આવ્યા. ઘટનાની તપાસ શરૂ થઈ પણ કંઈ કડી મળતી નહોતી. પરંતુ એક ઈમામખાં નામનો સિપાઈ પોતાના જખમની સારવાર માટે ડૉક્ટર પાસે આવ્યો ત્યારે ધીમે ધીમે ભેદ ખૂલવા લાગ્યો. ઈમામ ખાં હુમલાના કાવતરાનો સૂત્રધાર હતો. તે પછી ત્રણ સિપાઈ પકડાયા – અનામત અલી, શહાદત અલી અને શેખ હારૂન. મૅજર મૅકડોનલ્ડ પોતે ઘાયલ થયો હતો તેમ છતાં એણે સરકારની પરવાનગી લીધા વિના જ ત્રણેયને પોતાના હાથે ફાંસી આપી. એણે પોતાના એક સાથીને પત્ર લખીને વિગત આપી તે પ્રમાણે એણે એક હાથી પર ત્રણેય સિપાઈઓને બેસાડ્યા અને હાથીને એક ઝાડ નીચે લઈ આવ્યા. એના પર બાંધેલાં દોરડાં મૅકડૉનલ્ડે જાતે જ ત્રણેયનાં ગળાંમાં નાખ્યાં, અને હાથીને હટાવી લીધો. તે સાથે જ ત્રણેય ક્રાન્તિવીરોના દેહ ઝાડ પર ઝૂલવા લાગ્યા. આજે પણ દર વર્ષે ૧૨મી જૂને એમની શહીદીનો દિન રોહિણીમાં શહીદ સ્થળે મનાવાય છે.
પટના ફરી ઊકળ્યું – ૩ જુલાઈ ૧૮૫૭
રોહિણીની ઘટના બની તે પહેલાં જ અંગ્રેજ સરકાર પટનામાં કંઈ ન થાય તે માટે સાવચેત હતી. કંઈ થાય તો યુરોપિયનોને બચાવવા માટે અફીણનાં ગોદામોમાં રહેવાની પણ વ્યવસ્થા કરી લીધી હતી. તે સાથે જ એમણે દમનનો દોર છૂટો મૂકી દીધો. ઘરેઘરની ઝડતી લેવાઈ. પટનાના અંગ્રેજ હાકેમ વિલિયમ ટેલરે દગાખોરીનો રસ્તો લીધો અને ૧૯મી જૂને શહેરના આગેવાનોને પોતાને ઘરે બોલાવ્યા અને એમાંથી ત્રણ મૌલવીઓ અહમદુલ્લાહ, મહંમદ હુસેન અને વાએઝુલ હકને પકડી લીધા અને કાળા પાણીની સજા આપી. એક મૌલવીનો ગુનો એટલો જ હતો કે એ ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધ પ્રચાર કરતો હતો. પટના જિલ્લામાં એક વર્ષ માટે માર્શલ લૉ લાગુ કરી દેવાયો અને ૨૩મી જૂનથી ૧૦ જુલાઈ વચ્ચે દસ જણને ફાંસી આપી દેવાઈ.
આમ છતાં લોકો કાબુમાં નહોતા આવતા. જુલાઈની ત્રીજી તારીખની રાતે એક મશાલ સરઘસ નીકળ્યું. એની આગેવાની પીર અલીએ લીધી હતી. પહેલાં તો એમણે એક રૉમન કૅથલિક ચર્ચ પર હુમલો કરીને તોડફોડ કરી. ભીડ તે પછી એક અફીણના ગોદામ તરફ આગળ વધી. ત્યાંનો મુખ્ય અધિકારી ડૉ. આર. લૉયલ શીખોની ટુકડી લઈને એમનો સામનો કરવા નીકળ્યો પણ ભીડે એને મારી નાખ્યો. અફીણના ગોદામ પર હુમલો કરવો તે ઈસ્ટ ઇંડિયા કંપનીના સીધા વેપાર પર હુમલો હતો. બિહારમાં વિદ્રોહીઓએ જ્યાં અફીણ પેદા થતું હતું એ પ્રદેશોને નિશાન બનાવ્યા હતા. એમનું લક્ષ્ય કંપનીને આર્થિક રીતે પાયમાલ કરી નાખવાનું હતું.
દાનાપુરમાં સિપાઈઓનો સફળ વિદ્રોહ
દાનાપુરમાં હાલત ગંભીર હતી. ત્રીજી જુલાઈની પટનાની ઘટનાઓ પછી પટનાથી દસેક કિલોમીટર દૂર દાનાપુરમાં દેશી સિપાઈઓ પાસેથી શસ્ત્રો લઈ લેવાનો અંગ્રેજ ફોજી અધિકારીઓએ નિર્ણય લઈ લીધો હતો.એમની જગ્યાએ ગોરાઓની બનેલી ફોજ ગોઠવવાની હતી. ૨૫મી જુલાઈએ અંગ્રેજ પલટન દાનાપુર પહોંચી એટલે બધા દેશી સિપાઈઓને પરેડમાં એકઠા કરવામાં આવ્યા અને એમને પહેલાં તો શસ્ત્રાગાર છોડી દેવાનો હુકમ અપાયો. સવારે જ બધાં શસ્ત્રો ગોરા પલટન પાસે હિન્દી સિપાઈઓ જાતે જ પહોંચાડી આવ્યા. બપોરે એમને ફરી એકઠા કરીને એમનાં પોતાનાં શસ્ત્રો સોંપી દેવાનો હુકમ અપાયો. એ વખતે એમને ચારે બાજુથી અંગ્રેજ સૈનિકોએ ઘેરી લીધા. પરંતુ બે ટુકડીઓએ હુકમ ન માન્યો. એમણે દોડીને પોતાનાં હથિયારો ફરી હાથમાં લઈ લીધાં. એમને જોઈને બીજી એક બટાલિયન પણ એમની સાથે જોડાઈ ગઈ. એ વખતે કોઈ ગોરા અફસર કે સૈનિક ત્યાં નહોતા. જનરલ લૉઈડ પોતે ચાલ્યો ગયો હતો અને જતાં જતાં એવી વ્યવસ્થા કરતો ગયો હતો કે બપોરે જ્યારે સિપાઈઓનાં હથિયારો લેવાની કાર્યવાહી થાય ત્યારે એ કામ દેશી અફસરોની નજર નીચે જ કરાવવું કે જેથી સિપાઈઓ હુકમ ન માને તો એમના ક્રોધનું નિશાન પણ કોઈ અંગ્રેજ નહીં પણ દેશી જ બને.
હવે બળવાખોર ફોજીઓ દાનાપુરથી આગળ વધ્યા અને રસ્તામાં જે કોઈ સરકારી ઑફિસ આવી તેને જમીનદોસ્ત કરતા ગયા. અંગ્રેજ ફોજે સોન નદીમાં સ્ટીમર દ્વારા વિદ્રોહીઓ પાછળ સૈનિકો મોકલ્યા પણ એમનું કંઈ ચાલ્યું નહીં. નદીમાં પાણી ઓછું હોવાથી સ્ટીમરો પણ છીછરા પાણીમાં ખૂંપી જતી હતી.
૨૯મી જુલાઈએ કૅપ્ટન ડનબરની સરદારી હેઠળ શીખ અને અંગ્રેજ સૈનિકોની સાથે મોટી ટુકડી બળવાખોરોની પાછળ નીકળી. શીખો આગળ અને ગોરા સૈનિકો પાછળ ચાલતા હતા. ઓચિંતા જ વિદ્રોહીઓએ એમના પર છાપામાર હુમલો કરતાં ડનબર પોતે અને બીજા ઘણા સૈનિકો માર્યા ગયા. જીવતા રહ્યા તે નદી તરફ ભાગ્યા અને પાછા જવા માટે એક સ્ટીમરમાં ચડી ગયા પણ વિદ્રોહીઓએ સ્ટીમરને ઘેરી લીધી અને આગ લગાડી દીધી.
આ પરાજય પછી અંગ્રેજી ફોજ અને હાકેમોમાં પરસ્પર આક્ષેપોની ઝડીઓ વરસી. એક તો, બિહારમાં બળવો જલદી અને ચારેકોર ફેલાયો અને બીજું એ કે અહીં બચાવ કરવાનું ઈસ્ટ ઇંડિયા કંપની માટે સૌથી વધારે મુશ્કેલ રહ્યું. બિહારના વિદ્રોહીઓની કથા હજી આગળ ચાલશે.
૦૦૦
સંદર્ભઃ
- 1857: बिहार में महायुद्ध, प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त, राजकमल प्रकाशन, 2015 (Google Books)
(https://books.google.co.in/books?id=9cGgdEGTxvYC&lpg=PP1&pg=PA7#v=onepage&q&f=false)
- https://archives.peoplesdemocracy.in/2007/0506/05062007_1857.htm
- ભારતઃ ગુલામી– અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર: આઝાદી માટેનો સંઘર્ષ , પ્રકરણ ૩૪ (આ લેખકની વેબગુર્જરી પરની શ્રેણી)
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી