ફિર દેખો યારોં

બીરેન કોઠારી

એક કલાકારનું મૂલ્યાંકન તેની કળાના આધારે કરવું કે વ્યક્તિ તરીકે? સામાન્ય રીતે આપણને પહેલાં તેની કળાનો પરિચય થાય છે, તેમાં રસ જાગ્રત થાય છે, અને પછી તેના અંગત જીવન વિશે જાણવાની જિજ્ઞાસા થાય છે. આ જિજ્ઞાસા સંતોષવા જતાં ઘણી વાર અણગમતી હકીકતો સામે આવે ત્યારે ઘણા કિસ્સામાં કલાકારને બદલે તેની કળાને અન્યાય થાય એમ બનતું હોય છે.

વીસમી સદીના ખ્યાતનામ સ્પેનિશ કલાકાર પાબ્લો પિકાસો તેમના અવસાનના પચાસ વર્ષ પછી ફરી એક વાર ચર્ચામાં છે. ચિત્રકળા, શિલ્પકળા, છાપ તેમજ સિરામીક્સના માધ્યમમાં પ્રચંડ કામ કરનાર પિકાસો પોતાની ક્યુબીઝમ એટલે કે ઘનવાદની શૈલી માટે જાણીતા છે. પોતાના જીવનકાળ દરમિયાન કલાકાર તરીકે તેમને પુષ્કળ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.

તસવીર નેટ પરથી

સાથોસાથ વિવિધ સ્ત્રીઓ સાથેનાં સંબંધો અને વર્તાવ માટે તેઓ ચર્ચામાં રહ્યા હતા. ૧૯૨૦ના દાયકાના આરંભથી ત્રીસેક વર્ષ સુધી તેમણે અવારનવાર પોતાનાં ચિત્રોમાં ‘માઈનોટોર’નું ચિત્રણ કર્યું હતું. ‘માઈનોટોર’ ગ્રીક પૌરાણિક પાત્ર છે, જેનું માથું આખલાનું અને શરીર મનુષ્યનું છે. પોતાના વતન સ્પેનમાં પરંપરાગત રીતે ચાલતી રહેલી ‘આખલાલડાઈ’ને કારણે પિકાસો આખલાની ખાસિયતોથી પ્રભાવિત થયા હશે. આથી સાવ યુવાન વયે તેમણે આખલા અને તેની સાથે લડનારા મેટાડોરનાં અનેક ચિત્રો ચીતર્યાં હતાં. અલબત્ત, પછીના અરસામાં તેઓ ‘માઈનોટોર’માં પોતાની જાતને દર્શાવતા હતા. આ પાત્રમાં રહેલા પ્રચંડ પૌરૂષીય તત્ત્વ અને શારિરીક તાકાતમાં તેઓ પોતાના ગુણોનું પ્રતિબિંબ નિહાળતા હતા. ‘માઈનોટોર’ના પાત્રમાં અમુક અંશે તેઓ સ્વછબિ પણ ચીતરતા હોવાનો એક મત છે.

પિકાસોની કૃતિઓ પેરિસના ‘પિકાસો મ્યુઝિયમ’માં પ્રદર્શિત છે. માર્ચ, ૨૦૨૩માં પિકાસોની પચાસમી જયંતિ નિમિત્તે આ મ્યુઝિયમના સત્તાવાળાઓએ પિકાસોની કળાકૃતિઓની સાથોસાથ તેમના વિશેના વિપરીત અભિપ્રાયની ચર્ચાને પણ સ્થાન આપવાની પહેલ કરી છે. પિકાસોની કલાકારી વિશે જેમ મોટા ભાગનો વર્ગ એકમત છે, એમ તેમના જાતીય જીવન અને તેની વિચિત્રતાઓ વિશે પણ મોટા ભાગના વર્ગની એકમતિ છે. આ બાબત પર ઢાંકપિછોડો કરવાને બદલે મ્યુઝિયમવાળાઓએ તેને ખુલ્લી ચર્ચામાં લાવવાનું વલણ દાખવ્યું એ પ્રશંસનીય પહેલ કહી શકાય.

આ અગાઉ ૨૦૨૧માં સ્પેનના બાર્સેલોનામાં આવેલા ‘પિકાસો મ્યુઝિયમ’માં બાર્સેલોના આર્ટ સ્કૂલનાં પ્રાધ્યાપિકા મારીઆ યોપીસ અને તેમની સાત વિદ્યાર્થીનીઓએ પિકાસોની મહિલાઓ સાથેની ક્રૂર વર્તણૂક વિરુદ્ધ દેખાવ કર્યા હતા. ખાસ કરીને ડોરા માર નામની ફ્રેન્‍ચ કલાકાર સાથેના પિકાસોના સંબંધ પેચીદા રહ્યા હતા. પિકાસોનાં અનેક ચિત્રોમાં સ્થાન પામનાર પાત્ર તરીકે ડોરા જાણીતાં બન્યાં હતાં. પણ પિકાસો સાથેના સંબંધના અંત પછી તેમનું જીવન યાતનામય બની રહ્યું હતું. સ્પેનિશ પ્રાધ્યાપિકા અને વિદ્યાર્થીનીઓએ ડોરા મારનો ઉલ્લેખ કર્યો હતો અને ‘મહિલાઓનો શોષક, પિકાસો’ જેવું લખાણ ધરાવતાં ટીશર્ટ પહેરીને તેઓ મ્યુઝિયમમાં આવ્યાં હતાં. પિકાસોના અવસાનના પચાસેક વરસ પછી આવા દેખાવ કેટલા પ્રસ્તુત ગણાય એવો સવાલ કોઈ પણને થઈ શકે. યોપીસે આ બાબતનો ખુલાસો કરતાં કહેલું કે તેઓ નાને પાયે વિરોધ દર્શાવવા માગતા હતા, કેમ કે, તેમનો મુદ્દો એટલો હતો કે મ્યુઝિયમવાળા પિકાસોના મહિલાઓ સાથેના સંબંધોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં દર્શાવતા નહોતા. યોપીસે જણાવેલું કે આ કંઈ પિકાસો પરનો હુમલો નહોતો, પણ પોતે સત્યમાં માને છે, નહીં કે હકીકતોને છુપાવવામાં.

હવે વધુ એક વાર પિકાસો સામેના વિરોધને મોકળું મેદાન પૂરું પાડવામાં આવ્યું છે. અને એ પણ બીજા કોઈ નહીં, બલ્કે પેરિસના ‘પિકાસો મ્યુઝિયમ’ દ્વારા. આ અભિગમ ખરેખર આવકાર્ય ગણાવો જોઈએ, કેમ કે, અંધ વ્યક્તિપૂજાને બદલે એક જ વ્યક્તિની પ્રકૃતિમાં અનેક સ્તરો હોઈ શકે છે એ બાબતનો સ્વીકાર જરૂરી છે. એ પુખ્ત નાગરિકધર્મનું લક્ષણ છે. આમ ન હોય ત્યાં ભૂતકાળની વિભૂતિઓનો પોતાના મત માટે ઉપયોગ અને પોતાના ટૂંકા રાજકીય સ્વાર્થ માટે તેમનું નવેસરથી ચરિત્રહનન કે પછી ચરિત્રસ્થાપન થતું રહે છે.

ટીકાથી કોઈ પર હોઈ શકે નહીં, પણ ‘કેન્‍સલ કલ્ચર’ એટલે કે વ્યક્તિની લાક્ષણિકતાની કોઈ એક જ બાજુને પકડી લઈને તેને આધારે એનો બહિષ્કાર કરવો એ અપરિપકવતાની નિશાની છે. આનાં ઉદાહરણ લેવાં બીજે ક્યાંય જવાની જરૂર નથી. આપણા દેશના રાજકારણમાં જ એ ભરપૂર મળી રહે છે. ભૂતકાળના કોઈ નેતાને ભૂતકાળના જ કોઈ નેતાથી ચડિયાતા કે ઉતરતા બતાવીને તેમને ચોક્કસ વ્યક્તિસમૂહ પૂરતા મર્યાદિત કરી દેવાની આપણા રાજકારણીઓને જબરી ફાવટ છે. નેતાઓ તો ઠીક, દેવતાઓ સુદ્ધાંને ચોક્કસ જાતિસમૂહમાં કેદ કરી દેવામાં આવ્યા છે. રંગ, પ્રાણી, પક્ષી, વાનગીઓ જેવી ચીજોને પણ સામુદાયિક ઓળખનો હિસ્સો બનાવી દેવામાં આવી છે. રાજકારણીઓ તો આ ખેલ પોતાના સ્વાર્થ માટે પાડતા હોય છે, પણ તેમની એ ચાલમાં આવી જવું એ નાગરિકોની અપરિપકવતાનું લક્ષણ છે.

પેરિસના પિકાસો મ્યુઝિયમના પિકાસોના જીવનનાં વિવિધ પાસાંની ચર્ચા થાય- ખાસ કરીને પિકાસોની કળા માટે પૂજ્યભાવ ધરાવતી નવી પેઢી તેમની આ બાબતો વિશે જાણે, એ નિમિત્તે વંશીય ભેદભાવ, લિંગભેદ, સંસ્થાનવાદ જેવા બીજા અનેક આનુષંગિક મુદ્દાઓની ચર્ચા થાય એ હેતુ આ ઉપક્રમ પાછળ રહેલો છે.

કોઈ પણ કલાકારનું કામ તેના સમયનું પ્રતિબિંબ હોય છે, એમ તેની માનસિકતાને પણ એ ઉજાગર કરતું હોય છે. સમયાંતરે એ નવાં નવાં અર્થઘટનો માટે કળારસિકો અને અભ્યાસુઓને પ્રેરતું રહે છે. એમ થવું જ જોઈએ. ‘ચરિત્ર’ની બહુ સંકુચિત વ્યાખ્યા આપણે ત્યાં પ્રચલિત છે, અને તેનો વખતોવખત દુરુપયોગ કોઈકની કારકિર્દી પર ડાઘ લગાડવા માટે થતો આવ્યો છે. આવા પરિપકવ અભિગમ થકી એ અર્થઘટન થઈ શકે. અલબત્ત, પરિપકવ અભિગમ ઘડાય શી રીતે? એનો જવાબ જાતે જ મેળવવો રહ્યો.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪ – ૦૫ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)