અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
ગુજરાતને ગુજરાતી સાહિત્યનો એક આખોય કાલખંડ હતો જેમાં બાળમાનસનાં જાણભેદુશ્રી હરિપ્રસાદ વ્યાસની કૃતિ ‘બકોર પટેલ’નું એકચક્રી શાસન ચાલેલું. બકોર પટેલની વાર્તાઓ એટલે પ્રાણીસૃષ્ટિ ને માનવસૃષ્ટિનો વિરલ સમન્વય ચીંધતી વાર્તાઓ. એમાં મુખ્ય નાયક બકોર પટેલ ને નાયિકા શકરી પટલાણી. અન્ય પાત્રોમાં વાઘજીભાઈ વકીલ, ટીમુ પંડિત, ડૉ. ઊંટડિયા, બાંકુભાઈ બંદર, ભત્રીજો અમથો ને એવાં કંઈ કેટલાંય.
મારા બાળપણમાં બકોર પટેલને મેં એકશ્વાસે ને મનભરીને વાંચેલ. આ કૃતિને ફરીથી માણવા માટે જીવનના પાંચમા દાયકે એને જ્યારે ફરીથી હાથમાં લીધા ત્યારે એમાં મને લેખકનું એક જુદું જ જીવનદર્શન સાંપડ્યું, જેણે મને આત્મનિરીક્ષણ કરવા પણ પ્રેરી –દોરી.
ગુજરાતી સાહિત્યના મધ્યકાળમાં થયેલા સમર્થ કવિ પ્રેમાનંદે રામાયણ, મહાભારત ને પુરાણોમાંથી વસ્તુ લઈને ઉત્તમ આખ્યાનો રચ્યાં – પોતાની મૌલિકતાથી રસીને. જેમાં પ્રેમાનંદે નળને ચાહતી દમયંતીને વરવા ઈચ્છતા દેવોએ કરેલી યુક્તિમાં, સુદામા કૃષ્ણને મળવા આવે છે ત્યારે એને જોઇને વિસ્મય અનુભવતી કૃષ્ણની રાણીઓમાં, દમયંતીને વરવા ઈચ્છતા વૃદ્ધ રાજાઓની લાલસાનું આલેખન કરીને આમલોકને પેટ પકડીને હસાવ્યા છે જેની પાછળ પ્રેમાનંદના મનમાં કોઈ ડંખ નથી. છે માત્ર મનુષ્યમાં સળવળતી રહેલી વૃત્તિઓના તરંગનું સૂક્ષ્મ નિરીક્ષણ. જેને નિર્દોષતાથી પ્રેમાનંદે સૌને પીરસ્યું છે. કંઈક આવું જ વહેંચવા હરિપ્રસાદ પણ પ્રેરાયા હોય એવું જણાય છે. બકોર પટેલમાં એક બાજુ છે જીવનમૂલ્યોનો અનાયાસ બોધ ને બીજી બાજુ છે આમલોકમાં પડેલા અનેક સ્થાયી, સંચારી ભાવોનો શંભુમેળો. વાર્તાને અંતે એ ભાવોમાંથી ઉપર ઊઠવાની, એમાંથી સાંગોપાંગ નીકળી જવાની કલા ! જેના આલેખનમાં લેખકનું જીવનદર્શન પ્રગટ્યું છે.
મૂળે તો બકોર પટેલ એક એવા નાયક જેના દરેક કાર્યમાં, વિચારમાં આચારમાં ભારે ઉતાવળ, ધમાલ અને તેને પરિણામે જાતજાતના છબરડા ને તેમાંથી વાચક માટે પીરસાતું ખડખડાટ હાસ્યને નરવો આનંદ ! પણ એ આનંદની પછવાડે વાચકના ચિત્તમાં ઘર તો કરી જાય એમની જીવનને જોવાની નરવી, ગરવી, નિર્દોષ, સરળ દ્રષ્ટિ ! બકોર પટેલને નિમિત્તે આપણા જેવા સૌ આમલોકોમાં કેવા કેવા સ્થાયી, સંચારી ભાવો પડેલા છે ને વખત આવ્યે એ કેવા જાગ્રત બને છે એની જ લેખકે મજા લીધી છે ને અન્યોને કરાવી છે. પોતાને વતન તારાપુર ગયેલા બકોર પતેમ વાઘજીભાઈ ને ડૉ. ઊંટડિયાને પણ સાથે લઇ જાય ને જૂના ઘરમાં જૂની વસ્તુઓ ફેંદતા એક નકશો મળે ને પટેલને લાગે કે નક્કી આ નકશો કોઈ છૂપા ખજાનાનો છે. બસ, થઈ રહ્યું ! ત્રિપુટી રાત્રે નીકળી પડે ને ઘણી ધમાલ પછી નવાં નાણાંના સિક્કાની થેલી મળે ! પછી રહસ્ય ખૂલતાં ખબર પડે કે પટેલના ગામના યુવાનોએ સારવાર –ફંડ માટે એકઠા કરેલા પૈસાની જ એ થેલી હતી ! તો પટેલના ભત્રીજા અમથાના લગ્ન લઈને પટેલ નીકળે ને છેલ્લી ઘડીએ કન્યા કાણી નીકળી પડે ત્યારે ભોંઠા પડેલા વેવાઈ પોતાની બીજી પુત્રી વેરે અમથાને પરણાવી દે. ને જાનમાં આવેલા એક લંગડા યુવક સાથે પેલી કાણીનુંય ગોઠવી આપે !
અહીં આજથી લગભગ નવ-દસ દાયકા પહેલાંનો સરળ જીવનપદ્ધતિ દર્શાવતો એક કલાખંડ આલેખાયો છે. કેવો હતો આ સમય ? જયારે જીવતરમાં એક નિરાંતનો અહેસાસ હતો. સાદું –સીધું સમાજજીવન, એના નાના-નાના આનંદો, મિત્રની હૂંફ, પતિ-પત્નીનું ઐક્ય, કહેવતા આમલોક સાથેનું પોતાપણું, સંબંધોની મીઠાસ ને ગરિમા, ચગળી- ચગળી ને જિવાતું જીવન. કોઈ માંગ નહીં, લાલચ નહીં, માત્ર મળેલાં જીવતરને અવસર માનીને જીવવાનો નીતર્યો આનંદ. છેલ્લા બે દાયકા પહેલાં આખી એક પેઢીએ જીવેલું આ જીવતર એ સમયનું પ્રતિબિંબ ઝીલીને આખાય કાલખંડને પ્રસ્તુત કરે છે.
આ વાર્તાઓમાં ક્યાંક અનાયાસ ગાંધીપ્રભાવ પણ ઝીલાતો વરતાય છે. બકોર પટેલ ફૂલઝાડ વાવવાના ભારે શોખીન છે. આમ, તો એને પાણી પીવડાવવાનું કામ નોકરાણી બહેન ખુશાલનું પણ બકોર પટેલ ક્યારેક સવારના પહોરમાં ઝાડને પાણી પીવા મંડી પડે. એની પાછળ એમનો વ્યક્તિગત શોખ તો ખરો જ. સાથોસાથ ખુશાલને એટલું કામ ઓછું કરવાનો ભાવ પણ પટેલના મનમાં પડેલો.
તો, પોતાનું ઘડિયાળ ચોરાયું ત્યારે પટેલને પોતેના ઓફિસના પટાવાળા વીઠુ પર વહેમ પડેલો ને તેને ધમકાવીને પટેલે ઓફિસમાંથી રજા આપી દીધી. પણ ઘડિયાળ તો પોતે રિપેર કરાવવા દીધેલું એ યાદ આવતાં પટેલે નોકરને ઘેર જઈને માફી માંગવામાંય નાનપ ન અનુભવી!
પટેલની ઓફિસના મુનિમ બાંકુભાઈની બુદ્ધિ ભારે તેજ. પટેલ જયારે જયારે મૂંઝાય ત્યારે બાંકુભાઈની સલાહ લે. ને બાંકુભાઈની યુક્તિઓ પટેલને આબાદ કામ લાગી જાય. એવી ક્ષણોમાં જુદી જુદી રીતે બાંકુભાઈને નવાજીને પટેલ એમની કદર કરવાનું ક્યારેય ન ભૂલે. લેખકની આ ભાવના લેખકની અંગત મૂડી તો ખરી જ, પણ સાથોસાથ એમના યુગપ્રભાવે પણ એની પાછળ ભાગ ભજવ્યો હોવાનું અનુમાની શકાય.
લેખકના નાયક બકોર પટેલ અને કુલીન, સદગૃહસ્થ, પ્રેમાળ પતિ, વત્સલ વડીલ, હૂંફાળા મિત્ર, પ્રામાણિક વેપારી, જીવનની ક્ષણેક્ષણમાંથી રસના ઘૂંટડા ભરનાર જીવનપ્રેમી જણ છે. ભલે ને એ જાદુઈ વટાણાથી આકર્ષાય છે, ધન બમણું કરનાર બાવાઓની જાળમાં ફસાય છે, લોટરીની ટિકિટનાં આકર્ષણોમાં લલચાય છે પણ છેવટે અનુભવોમાંથી મળેલી દીક્ષાને ગ્રહણ કરીને આ લાલચોમાંથી તત્કાળ બહાર નીકળી જાય છે. બકોર પટેલના સહૃદય ભાવકોને એની મોટી ઉંમરે આ કૃતિના વાચનની જે ફળશ્રુતિ સાંપડે છે તે આ. જીવતરના વાળાઢાળાની વચાળે અથડાયા, કૂટાયા, ફંટાય, છેતરાયા પછી પોતાની ભૂલની જાણ થવી, પરિણામે ફરીથી એ ન કરવાની સમજ પ્રાપ્ત થવી ને છેવટે હસી કાઢીને એમાંથી બહાર નીકળી જવાની ક્ષમતા પ્રાપ્ત કરવી – જાગૃતિની આ જણસ હરિપ્રસાદને એક ઊંચા ગજાના તત્ત્વચિંતકની કોટિએ લઈ જાય છે.
બાળકોને તેમ મોટેરાંઓનેય પેટ પકડીને હસાવતાં લેખકે અનાયાસ આ સૌમાં રોપી છે મૂલ્યનિષ્ઠા. પટેલની કામવાળી બાઈ ખુશાલ રજા પર જતાં નવા પટેલ નવા નોકરની શોધ કરે છે ને પટેલને વારંવાર નોકર બદલવા પડે છે, જેનું કારણ છે કે નોકરોની ચિત્ર – વિચિત્ર માંગો. આવા નોકરોને જોઇને પટેલને ખુશાલની કિંમત સમજાય છે. તો એક વાર પટેલને ઊડવાનું મન થાય છે ને ઘણા પ્રયત્નોને અંતે પટેલ ઊડતાં શીખે પણ છે ને મિત્ર વાઘજીભાઈને શિખવાડે પણ છે ! પછી તો બંને જણા આખા મુંબઈને હાથમાં, કહો કે બાથમાં, લે છે ને જાતજાતનાં તોફાનોય કરે છે, જેમાંનું એક તોફાન કોઈના બગીચામાં પડેલાં આઈસ્ક્રીમનાં થરમોસ ઉપાડવાનું છે.
એ ઉપાડતાં ઉપાડતાં પટેલ ત્યાં પચાસ રૂપિયાની નોટ પણ મૂકી દે છે. કોઈનું મફત તો કેમ લેવાય – એવા વિચારોથી. મિત્રો માટે, પાડોશીઓ માટે, મહેમાનો માટે, નોકરાણી ખુશાલ માટે પટેલ કાયમ ઓછા ઓછા થતા રહે છે,તેમનાં સુખ-દુઃખ માં ખડે પગે ઊભા રહે છે ને છતાંય એની કોઈ સભાનતા એમના મનમાં નથી. કોઈનેય માટે બધું જ કરી છૂટતાં પટેલ –પટલાણી કશુંક કર્યાના ખ્યાલમાં ક્યારેય અળપાતા નથી. આચાર્ય મમ્મટ કાવ્યનાં પ્રયોજનોમાં એક પ્રિય પત્નીની જેમ ઉપદેશ આપવાને પણ ગણાવે છે. હરિપ્રસાદે કદાચ આવા કોઈ ખયાલની સભાનતા રાખ્યા વિના ગુજરાતની પ્રજાને હળવાશથી જીવતરની મીઠાશ પીરસી આપવાનું ગુરુકૃત્ય ને સાથોસાથ સર્જકકૃત્ય પણ બજાવી દીધું છે.
બકોર પટેલની આ વાર્તાઓમાં અંધશ્રદ્ધાનું છેદન, વૈજ્ઞાનિક શોધો ને ટેકનોલોજીનો મહિમા, આરોગ્યની જાળવણીનું મુલ્ય જેવા આધુનિક વિચારોની પ્રતિષ્ઠા તે કાળે લેખકે કરી જાણી છે. પટેલ ઊડવાની કલા શીખે ને તેમાં સફળ થાય. છેક વિદેશ સુધી તેમની વાહવાહ થાય ને છેલ્લે ‘પટલાણી, તમે આ પ્રયોગની નોંધ રાખી હોત તો ?’ કહીને દસ્તાવેજીકરણનું મૂલ્ય કરે – આવી કંઈ કેટલીય વિચારણા આજેય આધુનિક લાગે તો એ સમયના સમાજને તો પચવીય ભારે પડી હશે. તે છતાંય એવું આલેખન કરીને એના લેખકે કરેલું સમયની પરનું ચિંતન એમની વિચારશક્તિની ક્ષમતાનું દ્યોતક છે. કૃતિની ભાષામાં ઠેરઠેર તળપદા શબ્દોનું પ્રાચુર્ય નજરે ચડે છે. ‘હાઉસેન જાઉંસેન’, ‘ત્રેખડ’, ‘ઠોઠું’ ‘મોકાણ’ જેવા શબ્દપ્રયોગ કૃતિને જીવંત બનાવે છે.
બકોર પટેલની વાર્તાઓમાં સૌને સમાન રીતે આકર્ષે એવું એક તત્ત્વ લેખકની કલ્પનાસમૃદ્ધિ છે. પટેલ તેમજ અન્ય પાત્રોને નિમિત્તે લેખક કેવું કેવું વિચારી શક્યા છે ! પટેલને ઊડવાનું મન થાય, પટેલને રોજના જીવનમાંથી જાતજાતના તુક્કા સુઝે ને આ બધાની અભિવ્યક્તિ એટલી તો વાસ્તવિક રીતે થાય કે વાચકોને આ વાર્તાઓ એકદમ વાસ્તવિક લાગે, બલકે એના નાયક બકોર પટેલ ન રહેતાં દરેકને એનો નાયક જાણે એ પોતે જ હોય એવી અનુભૂતિ થાય બધી વાર્તાઓને અંતે લેખકને જે કહેવું છે તે આ, દરેકમાં એક બકોર પટેલ છુપાયેલો છે –તુક્કાબાજ , ભૂલકણો , પ્રેમાળ, સજ્જન એવો એક જન. આ અર્થમાં બકોર પટેલનું પાત્ર સૌ માટે એક દર્પણની ગરજ સરતું પાત્ર બની રહ્યું છે.
પટેલની પત્ની શકરી પટલાણી વિના પટેલને ચાલે શકે એવી ડંફાશ હાંક્યા પછી પટલાણીના પિયર ચાલ્યા જવાથી પટેલ કેવા લાચાર બની જાય ને તેની લાચારી જોઈ ન શકવાથી ચાલ્યાં આવેલાં પટલાણી પ્રત્યે અપરાધભાવ અનુભવે; બદામપાકની છાપામાં જાહેરાત વાંચીને તાત્કાલિક શકરી પટલાણી પાસે પાક તૈયાર કરાવે, પણ પાક ચાખતાં પટેલને ખબર પડે કે બધી બદામ કડવી પસંદ થઈ ગઈ છે; ઘેર આવેલા અજા ફોઈને યાત્રાએ વળાવ્યા પછી એ જ ગાડીને અકસ્માત થયાના સમાચાર મળતાં પટેલ ગામ જઈને ફોઈબાનું બારમું ધામધૂમથી ઊજવે ત્યારે છેલ્લી ઘડીએ ફોઈબા આવીને પોતે બચી ગયાનું જણાવીને સૌ સાથે ભોજન આરોગવા બેસી જાય ને જીવતે જીવ જ પોતાના મૃત્યુની ઉજવણીમાં સામેલ થઇ જાય;- આવું તો કંઈ કેટલુંય બકોર પટેલની સૃષ્ટિમાં બને. પણ આ બધા છબરડા, ગોટાળા, ઊંધાચત્તા બનાવોને અંતે રેલાય નરી પ્રસન્નતા. બકોર પટેલની દરેક વાર્તાને અંતે લેખકનું બ્રહ્મવાક્ય આ જ ‘ને પટેલ પટલાણી ખડખડાટ હસી પડ્યાં !’ આ પાત્ર દ્વારા લેખકે શીખવ્યું છે –વિષમ જીવતર પર હસી પડવાનું – કહો કે હસી નાખવાનું ! ગીતકારે સહૃદય ભાવકોને પ્રસન્નચિત્ત રહેવાનો જે ગંભીર બોધ પ્રબોધ્યો તેનું હરિપ્રસાદે અહીં સરલીકારણ કરીને ભગવદગીતા રમતાં રમતાં હાથવગી કરી આપવાનું જે ગંજાવર કર્મ કરી આપ્યું છે તે આનંદ અને વિસ્મય જગવે તેવી છે.
લેખકે અહીં ભલે પ્રાણીમાં મનુષ્યત્વનું ઓપણ કર્યું હોય પણ ખરી રીતે જોતાં એ લાગે છે કે આખરે તો મનુષ્ય તરીકે કોઈ મનુષ્ય કે પશુ તરીકે કોઈ પશુને જોવું એ તેનું ખંડદર્શન છે. હકીકતમાં પ્રાણીને મનુષ્ય પરસ્પર સમન્વિત છે. દરેક પશુ અર્ધું મનુષ્ય છે ને દરેક મનુષ્ય અર્ધો પશુ. શ્વાન, બિલાડી, ગાય, સિંહ જેવાં પશુઓમાં વફાદારી, ખંધાઈ, રાંકપણું કે સ્વાભિમાન મનુષ્યને આંટે એ રીતે વ્યક્ત થતાં હોય છે તો માનવીમાં હિંસકતા, નિર્માલ્યતા, શિકારીવૃતિ જેવી પશુને હંફાવે એ રીતે જોવામાં આવતી હોય. ‘ભાગવત’માં આલેખાયેલા નૃસિંહાવતારના રહસ્યને અનાયાસ ચીંધી બતાવીને લેખક જીવનની સૂક્ષ્મ સમજને કેવી તો પામી શક્યા છે તેનું આ કૃતિએ આપણને દર્શન સંપડાવ્યું છે.
કૃતિનાં ચિત્રો, કૃતિના વાર્તાઓનાં શીર્ષકો, દરેક કૃતિનો અંત –કોઈ પણ રીતે જોતાં આ શ્રેણી પુરા નવમ – દરેક યુગે નવી બની રહીને ગુજરાતી સાહિત્યની શાશ્વત કૃતિઓમાં સ્થાન મેળવવાની અધિકારિણી બને છે. ગુજરાતના સમાજની લગભગ પાંચ પેઢીઓનું આ કૃતિના પ્રસન્ન દંપતી પટેલ-પટલાણીએ સાદ્યંત ઘડતર કરીને ગુજરાતી સાહિત્યને ગૌરવ બક્ષ્યું છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.