ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
લગભગ ૪૫ થી ૫૦ સેન્ટિમીટર પૂંછડી સાથે એટલેકે ૧૨ ઇંચ જેટલું લાંબુ અને લગભગ ૬ ઇંચની પુંછડીવાળું આ રંગે રૂપે ડેખાવડું પક્ષી કાગડાનાં કુળનું પક્ષી છે. ભારતવર્ષ અને એશિયામાં સર્વવ્યાપક પક્ષી છે. કાગડાનાં કુળનું હોવા છતાં કાગડાની જેમ તેઓ મોટા ઝુંડમાં એક સાથે નથી જોવા મળતાં પણ બે ચારની સંખ્યામાં એક સાથે જોવા મળે છે. અત્યારે એવો સમય આવ્યો છે કે બે ચાર ખેરખટ્ટા પણ ભાગ્યેજ સાથે જોવા મળે અને જયારે જુવે ત્યારે કોઈક વિદેશી અને અજાયબ પક્ષી જોયું હોય તેવી મોટાં ભાગના વ્યક્તિઓને અનુભૂતિ થાય. ફળના ઝાડ વધારે હોય અને ખોરાક વધારે મળે તો તેઓ ઘણાં બધા એક જ જગ્યાએ જોવા મળે અને બીજા પક્ષીઓ સાથે સહઅસ્તિત્વમાં જીવતાં જોવા મળે. ખોરાકમાં સર્વભક્ષી ખેરખટ્ટો ફૂલના મધુરસ, બીયા, અંજીર અને ફાયકસ જેવા ફળ, ગરોળીઓ, કરોળિયા, દેડકા, ઈયળો જેવા જીવ અને પક્ષીઓના ઈંડા વગેરે ખાય છે. સ્તનવાળા પ્રાણીઓ ને જે ફળ ઝેરી લાગે છે તેવા ફળ પણ ખેરખટ્ટા ખાઈ લે છે.

હરણ અને સાબર જેવા પ્રાણીઓ તેમને તેમના શરીર ઉપર બેસવા દે છે અને તે તેમના *શરીર ઉપરના વાળમાં જે નાના નાના જીવ ભરાયા હોય તેને ખેરખટ્ટો ખાઈ જાય છે*. આમ તેઓ એકબીજાને ઉપયોગી થઇ જીવે છે. તેવી રીતે દક્ષિણ ભારતમાં નારિયેળી અને પામની ખેતીને ઘણો ટેકો કરે છે. નારિયેળી અને *પામના વૃક્ષોમાં થતાં ખતરનાક કીડા તેઓ ખાઈ જાય છે* જેથી નારિયેળી અને પામની ખેતીને થતાં વ્યાપક નુકશાનથી બચાવે છે, જે કારણે *ખેડૂતો તેમને મિત્ર ગણે છે.* આ એક કુદરતની ખોરાકની શૃંખલા છે જેને આપણે સહઅસ્તિત્વમાં જીવતા જીવ તરીકે સન્માનીય ગણાય છે.
ભારતના ૧૭ કોમન પક્ષીઓમાંનું આ એક પક્ષી હવે શહેરમાં કમનસીબે ખુબ ઓછા જોવા મળે છે અને તે શહેરની બહારના વિસ્તારમાં જોવા મળે તો બહુ ઓછા લોકો તેને ઓળખી શકે છે, જાણે કોઈને પક્ષી જગતમાં રસ જ નથી. જેમ આજના સમયમાં સામાન્ય સંજોગોમાં લોકોને આજુબાજુના દસ વૃક્ષના નામ પણ નથી જાણતાં હોતા તે પ્રમાણે પક્ષીના નામ પણ ખબર નથી હોતા, જે કમનસીબ પરિસ્થિતિ માટે આપણેજ જવાબદાર છીએ. તેનો અવાજ વાંસળીમાંથી જેમ છૂટક છૂટક સુર નીકળે તેમ કો- કી- લા તેમ અવાજ કાઢે, ઉરુ – બો – લિંક, બૉલિંક તેવા કૃતુહલ થાય તેવા અને ધ્યાન આકર્ષક કાન ચમકે તેવા અવાજ કાઢે છે. ઘણીબધી વખત સરસ અવાજની સાથે ભેગો ભેગો કઠોર, કર્કશ અને ઘોઘરો ખડખડવા જેવો દબાઈને આવતો અવાજ હોય છે. ગામમાં સ્ત્રી વાસણ ધુવે અને વાસણ ખખડે અને જે બેસૂરા અવાજ આવે તેવા અવાજના કારણે તેનું નામ હરીચાચા પણ પડેલું છે. કેવા અજાયબ પ્રકારના અવાજ વિવિધ પક્ષીઓના હોય છે! જે તે પ્રદેશમાં તેનાં ગુણને અનુરૂપ નામ લોકો પાડી દેતાં હોય છે જે તેમની ઓળખ બની જાય છે.
*દિલડું હાર્યો*
*ભૂખરો ને રૂપાળો*
*પ્રીતની લત*
*હાઈકુ: જગત.કીનખાબવાલા*
ભલે તેમના રંગ ચમકીલા ન હોય પણ તે રંગે દેખાવડુ અને ઘાટીલું પક્ષી છે. કાગડાના કુળનું આ પક્ષી છે તેમ જલ્દી માની ન શકાય તેટલું દેખાવડું પક્ષી છે. ખાખી ભૂખરો તજ જેવો રંગ, ધોળા ખભા, કાળું માથું અને લાંબી આસમાની પૂંછડી ભૂરાશ રાખોડી રંગની અને આકર્ષક હોય છે. લાલ ચણોઠી જેવી ચમકીલી સુંદર આંખો હોય છે. નર અને માદા બંન દેખાવમાં સામ્ય ધરાવે છે. શરીરનો નીચેનો ભાગ ઘેરા કથ્થઇ રંગનો હોય છે અને તેની ચાંચ આગળથી છેડેથી હુક જેવી દેખાય છે. જુવાન બચ્ચાને માથું અને શરીરનો નીચેનો ભાગ ઘેરા કથ્થઇ રંગના હોય છે જે પછી તેઓ મોટાં થતાં જાય તેમ માથાનો ભાગ ધીરે ધીરે કાળો થતો જાય છે. તેમનું માથું, પગ અને નાખ કાળા રંગના હોય છે.
ખુલ્લી લીલોતરી અને વૃક્ષો વાળી જગ્યાઓ, જંગલ, ખેતર, શહેરી બાગબગીચામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વ ભારતથી શરુ કરી છેક હૈદરાબાદ સુધી તેમની વસ્તી છે. ઉત્તર ભારતના ગઢવાલ જેવા પ્રદેશમાં જ્યારે ઠંડી વધે ત્યારે શિયાળામાં તેઓ નીચેના વિસ્તારમાં સ્થળાંતર કરી જાય છે અને પાછી ગરમી શરુ થાય તેટલે પાછા ઉપરના પ્રદેશમાં પોતાના જુના વિસ્તારમાં પરત ફરી જાય છે. દરિયાથી ૨૦૦૦ મીટર જેટલી ઊંચાઈ ઉપર પણ જોવા મળે છે. પૂર્વ ભારતના ઘાટમાં ચમકીલા રંગમાં અને પશ્ચિમ ઘાટમાં થોડા પ્રમાણમાં નાના હોય છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, મલેશિયા, કંબોડીયા અને લાઓસ જેવા દેશમાં હોય છે પણ એકબીજાથી થોડાક થોડાક જુદા હોય છે અને આમ એશિયાના ઘણાં બધા પ્રદેશમાં જોવા મળે છે.
એપ્રિલ મહિના થી શરુ કરી જૂન મહિના સુધીમાં તેઓ ત્રણ થી ચાર ઈંડા મૂકે છે જયારે બંગાળ જેવા પ્રદેશમાં એપ્રિલ મહિનાથી મે મહિનાનો સમય ગાળો હોય છે. ઈંડા મુકવા માટે તેઓ વૃક્ષ ઉપર અને ઝાડીઓમાં થોડાક છીછરા માળા બનાવે છે. જુદા જુદા પ્રદેશમાં તેમને લોકો સ્થાનિક નામથી ઓળખે છે. તેમના અવાજ ઉપરથી લોકો તેમને ‘કોતરી’, ‘હાંડી ચાચા’ અને ‘ટકા ચોર’ જેવા નામ પડી ગયા છે.બંગાળીમાં મીઠડું નામ કુટુમ પંખી છે. તેની લાંબી પૂંછડીને લીધે તેમની ઉડાન પણ ધ્યાન આકર્ષક લાગે છે જે ઉડાન સાથે પોતાનું ૯૦ થી ૧૩૦ ગ્રામ વજન ઊંચકી લે છે. ખેરખટ્ટો ચતુરતો એવું છે કે ખાઈને પેટ ભરાઈ જાય તેટલે વધેલો ખોરાક નજીકની વૃક્ષની બખોલમાં સંતાડી દે છે.
(ફોટો મિત્ર શ્રી દિપક પરીખ દ્વારા સાભાર)
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214
આપનો લેખ રસપ્રદ રહ્યો. “ખખેડો” – શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ લિખિત પુસ્તક, Birds of Saurashtra માં ખખેડા ની વિવિધ જાતો માટે લખ્યું છે. તેમાં વિખ્યાત ચિત્રકાર શ્રી સોમાલાલ શાહનાં સૌરાષ્ટ્રમાં જોવા મળતા પક્ષીઓ ના ચિત્રો જોવા જેવાં છે. – નીતિન વ્યાસ
LikeLike