શોમની માતા માહીએ સર્જરી મુલતવી રાખી અને દીકરાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત થઈ ગઈ. અંજલિની ઈચ્છા પ્રમાણે લગ્ન ગોઆમાં દરિયા કિનારે કરવાનો નિર્ણય લેવાયો…

હવે આગળ.

સરયૂ પરીખ

માહીએ તે રાત્રે બ્રેઈન ટ્યુમરની સર્જરી નહીં કરાવવાનું નક્કી કરી લીધું અને ઘેર આવી ગઈ. તેણે અંજલિ સાથે વાત કરવા ગોઆ ફોન જોડ્યો. “અંજલિ, મેં નિર્ણય લીધો ત્યારે વિચારો સ્પષ્ટ હતાં, પણ હવે ગભરામણ થાય છે. નબળાઈ કે ચક્કર જેવું લાગે ત્યારે થાય કે સર્જરી કરાવી લીધી હોત તો…આવી અસ્થિર માનસિક હાલત છે.” માહી પરાણે હસી.

“આંટી, એક શ્રધ્ધા રાખો કે તમને એ સમયે જે યોગ્ય લાગ્યો તે નિર્ણય લીધો. હવે તેનું જે પરિણામ આવે તેનો સ્વીકાર કરી હિંમતથી સામનો કરવો, એ એક જ વિકલ્પ છે. તે માટે સંપૂર્ણ શક્તિ સંગઠિત કરી રાખો. થોડો સુધારો થયો છે તેમ વધારે સુધારો પણ થવાની શક્યતા ખરી ને? તમને એટલા બધાંની પ્રાર્થનાની ઉર્જા મળી રહી છે કે આ બીમારીમાંથી તમે જરૂર સ્વસ્થ થઈ જશો. વ્હાલ સાથ પ્રણામ, મોમ!” અને માહી સૂરજમુખી સમી ખીલી ઊઠી.

સમયના   હોઠ   પર   આયુનું    ગીત,
પળપળનાં તાર પર અદભુસંગીત,
વિધવિધ  વર્ષોનો  શ્રાવણ ઝરમરશે,
કૃતાર્થ મન ઝીલજે આનંદ ઘન વરસે.

શોમ નવેમ્બરમાં લગ્ન નક્કી કર્યા પછી ફરિયાદ કરતો હતો, “હજી તો ચાર મહિનાની વાર છે.” અને આ વાત પર મિત્રોને મજાક કરવાનો, શોમને ચીડવવાનો મોકો મળી ગયો. નીનાને બાળક અયનને ભારત લઈ જવાની ચિંતા હતી પણ ગોઆમાં જ બધો સમય રહેવાનું જાણી તેને રાહત લાગી. સમયની ગતિ અને આશામય દિવસો દોડી રહ્યાં હતાં. માહીનું સ્વાસ્થ્ય સારું થઈ રહ્યું હતું.

નવેમ્બર મહિનાની રજા લઈ, શોમ અને તેના માતા-પિતા મુંબઈ આવી પહોંચ્યાં. પ્રવાસ દરમિયાન માહી રમેશને કહી રહી હતી, “મારો ભાઈ અને હું નાનપણથી સાથે ને સાથે…એટલા નિકટ હતાં. સ્થળ અને સમયના અંતરને લીધે જાણે અમારું જોડાણ તૂટી ગયું છે. બીજું કારણ એ છે કે તમને ભાઈએ સ્વીકાર્યા નથી અને તમે એ વિષય કોઈ પ્રયત્ન નથી કર્યો. તેને મારા લગ્નથી બધી રીતે ખોટ મળી છે. હું દૂર જતી રહી અને તેને તમારામાં સહોદર ન મળી શક્યો.”

“તારી વાત સાચી છે, પણ અમારે કોઈ વિચારોનો તાલમેલ નથી. આ વખતે પ્રયત્ન કરીને તું એને મનાવી લે જે.” રમેશને પોતાની સંબંધો સાચવવાની ન્યૂનતા વિશે ખબર હતી, પણ એમાં ફેરબદલી કરવાની પરવા ન હતી. માહી વિચારી રહી…પુરુષની લાક્ષણિકતા! પોતાને જ પ્રયત્ન કરવો પડશે તેમ વિચારીને બીજે દિવસે સવારમાં જ ભાઈ-ભાભીને ઘેર માહી આવીને ઊભી રહી.

અબ્બાસ ફરિયાદ કરતા કહે, “તારા મારા વચ્ચે એટલું અંતર પડી ગયું કે મને ત્રીજી વ્યક્તિ તરફથી જાણવા મળ્યું કે તને કેન્સર થયું છે!” બહેનના વ્હાલભર્યા વેણ સાથે મનની વાતો સ્પષ્ટ થઈ અને ફરી સરળ સંબંધોની મહેક પ્રસરી. માહી ઘેર આવી કે તરત શોમે કહ્યું, “મમ્મી, મને જગાડવો હતો ને, હું પણ તમારી સાથે અબ્બાસમામાને મળવા આવત.”

માહી બોલી, “હાં, તને યાદ કરતા હતા. આપણે કાલે એમને ત્યાં જમવા જવાનું છે ત્યારે બધાને મળી શકીશ.”

મુંબઈમાં, ન ચાહવા છતાંય, માહીના કેન્સરની વાત થોડા સગાઓ જાણી ગયા હતાં. કંકોત્રી આપવા જાય ત્યારે એવા પ્રશ્ન અજ્ઞાન લોકો પૂછતાં, “તમને કેન્સર થયું હતું, તો એ ચેપી રોગ તો નથી ને?” માહી ટૂંકમાં ‘ના’ કહી શાંત થઈ જતી. અજ્ઞાની સામે આરસી અર્થહીન રહેતી હોય છે.

શોમની ગોઆ જવાની આતુરતાનો અંત આવ્યો અને તેઓનું આશ્રમમાં આગમન થયું. “અંજલિ ક્યાં છે?” શોમનો સવાલ માહીએ કરી આપ્યો. “ક્લિનિકમાં હમણાં જ કામ પૂરું થયું તેથી અમારા રહેઠાણ પર તૈયાર થવા ગઈ છે.” અંજલિનાં મમ્મીએ જણાવ્યું.

શોમ ધીમેથી પાછે પગલે નીકળી ગયો અને કોઈને પૂછીને અંજલિનું રહેઠાણ શોધી કાઢી, બારણા પર ટકોરા માર્યા. આછો અવાજ સંભળાયો, “કોણ છે?” … “જેની તું રાહ જોઈ રહી છે…તે.”

અંદર થોડી હલચલ પછી બારણું ખુલ્યું અને રેશમી ગાઉનમાં લપેટાયેલી સદ્યસ્નાતા અંજલિ, ભીને દેહ ને ભીને કેશ શોમની બાંહોમાં લપાઈ ગઈ. મનોરમ લાગણીમાં ઓતપ્રોત, બંને પ્રેમી-પંખીડા ક્ષણો માટે અગમ આશ્લેષમાં ખોવાઈ ગયાં. “હવે તું ક્યારેય મારાથી દૂર ન જતી.” શોમનો મીઠો મનરવ અંજલિનાં કાનમાં ગુંજ્યો.

“તું મારી જીવનદોરી છે,” કહેતાં અંજલિની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. પળો વીતી ગઈ અને છેવટે, બન્નેની રાહ જોવાઈ રહી હશે એ ખ્યાલ સાથે અંજલિ તૈયાર થવા લાગી અને શોમ તેની દરેક હિલચાલ મસ્તીભર્યો જોતો રહ્યો.

“અંજલિ બે દિવસ પછી અમેરિકાથી બધાં આવશે, તેથી આવતીકાલ તને એક ખાસ જગ્યાએ લઈ જવાની છે, તેથી સવારે આઠ વાગે તૈયાર રહેજે.” શોમ બોલ્યો.

“ભલે, હું તૈયાર રહીશ પણ, જવાનું છે ક્યાં?”

“એ મજાની ખાનગી વાત છે…” અને શોમે બહાર નીકળતા પહેલા અંજલિને ફરી બાથમાં લઇ લીધી.

બીજે દિવસે, સવારમાં નીકળીને જે તરફ જઈ રહ્યાં હતાં તે ઉપરથી અંજલિએ અટકળ બાંધી બે ચાર નામ કહ્યાં.

“આપણે Butterfly Beach પર જઈ રહ્યાં છીએ.” શોમે જણાવ્યું.

“ઓ’ એકદમ સુંદર જગ્યા છે તેવું સાંભળ્યું છે. અરે! પણ ત્યાં જવાનું તો બહુ મુશ્કેલ છે.”

“ડો. શોમ માટે અશક્ય નહોતું. મેં હ્યુસ્ટનથી જ એક જેકબ નામનાં એજન્ટ સાથે બધું નક્કી કરી લીધું છે. બસ, તું પતંગિયા પકડવા માટે સજ્જ થઈ જા.” શોમે દૂર રાહ જોતા જેકબને નજીક બોલાવ્યો. એક નાની શણગારેલી હોડીમાં બન્ને ગોઠવાયાં અને જેકબે હોડી ચલાવવાની સાથે પતંગિયા- કિનારાની વાતો કરવાની શરૂ કરી. “એક નાના દ્વીપ જેવી જગ્યા કુદરતી રીતે બની ગઈ છે…જ્યાં જવાનું મુશ્કેલ હોવાથી બહુ ઓછા સહેલાણીઓ જતાં હોય છે. તમે ત્યાં ન જોયા હોય તેવા રંગબેરંગી પતંગિયા જોશો.”

સુંદર દરિયો અને ખુશનુમા મોસમ તેમાં અલબેલા સાથી સાથે અંજલિનું દિલ ગાઈ ઊઠ્યું.

ઉરે આનંદ ને ઊર્મિની ઝૂલે લાગણી,
ઊઠે ભરતી ને ઓટની ભુલભુલામણી,
વિમલ વાયે વસંતના રસિક વાયરા,
પતંગાની  પાંખ  સમા મધુર વાયદા.

“અહીં સાગર પાસે કોઈ આવે અને કોરા રહે ખરાં?” અંજલિએ પાણીની છાલક શોમને મારી. પછી તો શોમ તેને છોડે! ભીના ભીના દિલ તેવા જ ભીના તેમના વસ્ત્રો થઈ ગયાં.

તનમાં ધ્રુજારી ને શીતળ પવન,
ધડકનમાં ઉષ્માની ભીની અગન,
ગોરંભીલ  ગાન  અંતરમાં ગહન.
નેહનાં  લહેરિયામાં  હૈયા  મગન.

પ્યાર ભરી ગોષ્ઠિ અને મનગમતી જાફત પછી પતંગિયાને પકડી, ને પછી છોડી દેતાં…બાળપણ જાણે ફરી ડોકિયું કરી ગયું. છેલ્લે, ઢળતા સૂરજને યાદોની પૂંજીમાં ઉમેરી, સાંજની પ્રાર્થના પહેલા શોમ અને અંજલિ આશ્રમમાં પાછાં આવી ગયાં.

મહેમાનો અમેરિકાથી આવી ગયાં. પછી મુંબઈથી મોટાકાકા અને થોડા સગાઓ આવ્યા. શોમના અબ્બાસમામા અને માસી વગેરે પણ આવી ગયાં. અંજલિના દાદાજી તેમના ગામડેથી એકલા તો મુસાફરી ન કરી શકે તેથી તેમના યુવા ભત્રીજાને મદદ માટે સાથે લઈને આવ્યા હતા. અંજલિનાં મમ્મીએ બધી વ્યવસ્થા કરી આગ્રહપૂર્વક બોલાવ્યા હતા. અંજલિના પ્રતિભાશાળી વાગ્દત્ત શોમને મળી દાદા ખુશ થઈ ગયા.

બીજે દિવસે સંગીત-સંધ્યાનો જલસો ચાલુ હતો. ગુજરાતી ગરબા અને ડિસ્કો-ડાન્સ સાથે જોશીલા વાજિંત્રો વાગી રહ્યાં હતાં. અંજલિના દાદા એક બાજુ ‘ઘરડી આંખે નવા તમાશા’વાળા ભાવ સાથે જોઈ રહ્યા હતા. શોમના મામા વડીલને મળવાના આશયથી પાસે આવ્યા અને બોલ્યા, “નમસ્તે દાદાજી. હું શોમનો મામા છું.”

“ઓહો! તમને મળીને આનંદ થયો.” દાદાજી માનપૂર્વક બોલ્યા, “ક્યાંથી આવો છો? શું નામ?”

“અમે મુંબઈથી આવ્યા છીએ. મારું નામ અબ્બાસ છે.” અબ્બાસમામાએ જવાબ આપ્યો.

દાદાનો ચહેરો નામ સાંભળી ઉતરી ગયો…, “માનેલા મામા હશો.”

“હું શોમનો સગો મામો છું.”

“…સગ્ગો?” કહેતા દાદાની ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ. તરત ભત્રીજા સામે ફરીને ઉંચા અવાજે બોલ્યા, “વહુને બોલાવ!! આવા લગ્ન નહીં થવા દઉં, હરગિજ નહીં.” અને ભત્રીજો અંજલિના મમ્મીને બોલાવવા દોડ્યો.


—      કમશઃ


સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com