-
ગુજરાતી વિશ્વકોશ
સંપાદકીય નોંધ:
વેબ ગુર્જરીના સમય પ્રત્રકમાં ઘણી વાર આકસ્મિક ખાલી જગ્યાઓ પડવાની સંભાવવાનાઓ સ્વાભાવિક છે. એ સમયે વિવિધ વિષયો વિશે અધિકૃત માહીતી મળી શકે તેવાં લેખો આવરી લેવાના આશયથી ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાનો આ ઉપક્રમ છે.
આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
સંપાદન મંડળ વેબ ગુર્જરી
ગુજરાતી વિશ્વકોશ : પરિચય
ગુજરાતી વિશ્વકોશ એ ગુજરાતી ભાષાનો પ્રથમ અને એકમાત્ર જ્ઞાનકોશ છે. આ જ્ઞાનકોશમાં વિશ્વભરનું વિવિધ વિષયોને લગતું જ્ઞાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેનું પ્રકાશન ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.બ્રિટીશ ઍન્સાઇક્લોપીડિયા જેવો ગુજરાતી ભાષામાં પણ જ્ઞાનકોશ હોવો જોઇએ તેવો સૌપ્રથમ વિચાર સંત પૂજ્ય શ્રી મોટાને આવ્યો. ગુજરાતીમાં વિશ્વકોશ તૈયાર કરવા માટે તેમણે ગુજરાત યુનિવર્સિટીને રૂ।.૧૦ લાખનું દાન આપ્યું. યુનિવર્સિટીએ આ માટે જુદો વિભાગ રચીને ડૉ. ધીરુભાઇ ઠાકરને તેનું કામ સોંપ્યું.[૧] પણ વધારાની સરકારી સહાય ઉપલબ્ધ ન થતા કામ આગળ ન વધ્યું. થોડા વર્ષો બાદ સાંકળચંદભાઇ પટેલે ભાષા પ્રેમથી પ્રેરાઇને આ માટે જરૂરી રકમ આપવાની બાંહેધરી આપી અને પુનઃ કામ શરું થયું. ત્યાર બાદ ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટની સ્થાપના થઈ. શ્રેણીક્ભાઇ કસ્તુરભાઇ તેના પ્રથમ મુખ્ય અધ્યક્ષ બન્યા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ કામ કરવા માટે મકાનની સગવડ કરી આપી. તેમાં જરૂરી વ્યવસ્થા થતાં ૨ ડિસેમ્બર ૧૯૮૫ના રોજ વિદ્વાનો અને થોડા કર્મચારીઓના સ્ટાફ સાથે વિશ્વકોશ-નિર્માણની શુભ શરૂઆત થઈ.
૨૪ વર્ષના પુરુષાર્થના ફળસ્વરૂપ ગુજરાતી વિશ્વકોશના ૨૫ ગ્રંથોના ‘અ’થી ‘હ’ સુધીના ૨૬,૦૦૦ પૃષ્ઠોમાં માનવવિદ્યાના ૮,૩૬૦ વિજ્ઞાનના ૮,૦૮૩, સમાજવિદ્યાના ૭,૬૪૦ – એમ કુલ ૨૪.૦૮૩ અધિકરણો (લખાણો) સમાવેશ પામ્યાં છે. જેમાં ૧૧,૬૬૦ ચિત્રો અને આકૃતિઓ, ૭,૬૪૭ લઘુચરિત્રો, ૫૬૩3 વ્યાપ્તિ-લેખો અને ૨૪૬ અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે ૧,૫૯૩ જેટલા લેખકો દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. ૧,૭૩,૫૦,૦૦૦ જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ વિશ્વકોશ છે.
ગુજરાતી વિશ્વકોષ એ ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, વાણિજ્ય, ટૅક્નૉલૉજી, ઉદ્યોગ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિગતસમૃદ્ધ રસપૂર્ણ અધિકૃત પરિચય કરાવવાનો અભિનવ પ્રકલ્પ છે.
વિશ્વકોશની યાત્રા વિશેષ આગળ ચાલતી રહી છે. તેના દ્વારા ‘બાળવિશ્વકોશ’ અને ‘પરિભાષાકોશ’ પણ તૈયાર થયા અને ‘બૃહદ્ નાટ્યકોશ’, ‘નારીકોશ’ અને ‘વિજ્ઞાનકોશ’ જેવા કોશ તૈયાર થઈ રહ્યાં છે. પુસ્તકો અને સામયિકના પ્રકાશન ઉપરાંત વ્યાખ્યાનશ્રેણી પણ ચાલે છે.
ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન થયા બાદ એનાં બે કે ત્રણ પુનઃસંસ્કરણ થયાં છે અને એના પુનઃસંસ્કરણમાં જરૂરી ઉમેરાઓ પણ કર્યા છે. જે તે વિશ્વકોશની રચના પછી ફરીવાર એનું પ્રકાશન થતી વેળાએ એનું પુનઃસંસ્કરણ થતાં વચ્ચે ઘણાં વર્ષોનો ગાળો વીતી જાય તે સ્વાભાવિક છે. આથી વિશ્વકોશની અહીં પ્રસ્તુત કરેલી માહિતીમાં કેટલીક માહિતી થોડા સમય અગાઉની હોય તે સ્વાભાવિક છે અને તેથી દરેક અધિકરણની ઉપર જે વર્ષમાં વિશ્વકોશનું પ્રકાશન થયું તેનું વર્ષ લખેલું છે. વિશ્વકોશના પચ્ચીસે ગ્રંથો ઑનલાઇન ઉપલબ્ધ થાય તે પહેલું કાર્ય સિદ્ધ કરવાનો પ્રયાસ પણ સક્રિય છે. એ પછી વિશ્વકોશનાં જુદાં જુદાં તજ્જ્ઞો દ્વારા એમાં જરૂરી શુદ્ધિ-વૃદ્ધિ કે સંવર્ધન કરવામાં આવશે.
આ સંદર્ભમાં કોઈ વિશેષ જાણકારી જોઈતી હોય તો વિશ્વકોશના ઈ-મેઇલ vishwakoshonline@gmail.com પર સંપર્ક કરી શકાય છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૩ – અંશ : ૨ #
આપણાં જીવનનું પોતાનું અર્થશાસ્ત્ર પણ સમજવું તો જોઇએ
દિવ્યભાષ સી. અંજારીઆ
પ્રકરણ # ૩ – અંશ : ૧ થી આગળ
અર્થશાસ્ત્રીઓની તર્કસંગત પૂર્વધારણાઓ અને અનુમાનો
પરંપરાગત રીતે અર્થશાસ્ત્રીઓ માને છે કે આપણે બધાં એવી તાર્કિક વ્યક્તિઓ છીએ જેઓ પોતાના આર્થિક નિર્ણયો ઓછામાં ઓછાં ‘નાણાં’ ખર્ચીને વધારેમાં વધારે (નાણાકીય) ‘ઉપયોગિતા’ મળશે એ તર્કથી જ લે છે. જેમકે, ઓછાંમાં ઓછાં કિંમતની સારામાં સારી વસ્તુ કે સેવા ખરીદવી, કે આપણાં કામ કે નોકરી માટે વધારેમાં વધારે મહેનતાણાંની અપેક્ષા કરવી; એ જ કામ માટે જો વધારે નાણાં મળતાં હોય તો અત્યારની નોકરી પણ છોડી દેવા તૈયાર થઈ જવું; કે પછી આપણાં રોકાણ પર વધારેમાં વધારે વ્યાજ કે ડિવિડંડ રૂપી વળતરની શોધમાં રહેવું, વગેરે. એટલે જ આપણને ‘મફત’ મળતી ભેટો બહુ વહાલી લાગે છે! બીજા શબ્દોમાં કહીએ તો આપણા દરેક આર્થિક નિર્ણયોનો મૂળભૂત આશય વધારેમાં વધારે નાણાકીય સંપત્તિ અર્જિત કરવાનો હોય છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે, વધારે મહેનતાણાંના પ્રસ્તાવ જતા કરવા કે વધારે મોંઘી વસ્તુ કે સેવા પર પસંદગી ન ઉતારવી કે રોકાણ પર ઓછું વળતર સ્વીકારવા જેવા ‘અતાર્કિક’ નિર્ણયો આપણે ‘તાર્કિક’ વ્યક્તિઓ તરીકે ન લઇએ.
‘તાર્કિકતા’ની આ વ્યાખ્યાનો વ્યવહારમાં અર્થ એ થાય કે આપણે ‘નાણાં સંચાલિત’ અર્થવ્યવસ્થાની બહારની કોઈ અર્થવ્યવસ્થામાં ભળવા નથી માગતાં. બીજા શબ્દોમાં કહીએ તો, કોઈને કોઈ સ્વરૂપના નાણાકીય વળતરની જ આપણે હંમેશાં તલાશ રહે છે, આપણી વસ્તુઓ કે સેવાઓ આપણે બીજાંને નાણાનાં બદલામાં જ આપવાનું પસંદ કરીએ છે. આપણી બધી ખુશીઓ પણ નાણામાં શરૂ થઈને નાણામાં જ પુરી થાય છે.
એટલે કે, અર્થશાસ્ત્રીઓ તો એમ જ માનશે કે ‘બિનતાર્કિક’ વિશ્વનું કોઈ અસ્તિત્વ જ નથી. વળી જો કદાચ કોઈ રડ્યુંખડ્યું બિનતાર્કિક હોય, તો પણ તેને અપવાદ ગણીને ગણતરીમાં ન લેવામાં કોઈ વાંધો ન આવે.
અર્થશાત્રીઓનું આ મૂળભુત અનુમાન જ સમસ્યાની જડ છે. એ લોકો તો આપણને બધાંને એવાં ‘તાર્કિક પ્રાણી’ માને છે જેમને નાણાકીય ‘ઉપયોગિતા’ને પોતાનાં સુખની શોધ મહત્તમ કરવામાં જ રસ છે. પરંતુ, વાસ્તવમાં આપણા બધા નિર્ણયો ‘તાર્કિક’, એટલે કે નાણાકીય ફાયદાઓને મહત્તમ કરવા અંગેના, નથી હોતા. આપણે હાલના વ્યવસાયમાં અન્યથા ખુશ હોઇએ તો માત્ર વધારે મહેનતાણાં માટે કરીને વ્યવસાય ન પણ બદલીએ ! આપણને કૉઈ વસ્તુ ગમી ગાઈ છે, કે સમાજમાં વટ પાડવો છે, એટલે પણ ઘણી વાર મોંધી દાટ વસ્તુ કે સેવા આપણે ખરીદવાનું આપણે પસંદ કરી લેતાં હોઇએ છીએ. જે રોકાણમાં વળતર ઘણું વધારે હોય, પણ વળતર કે રોકાણની સલામતી ન હોય એવાં રોકાણો કરવાનું આપણે ટાળતાં પણ હોઇએ છીએ – જેમકે, ઘણી વાર આપણે કોઈ વસ્તુ ખરીદવાનો નિર્ણય એટલે કરીએ છીએ કે તે ‘પર્યાવરણને નુકસાન કરનાર’ નથી, કે પછી કોઈ સંસ્થા સાથે રોકાણ કરવાનું, કે અન્ય કોઈ રીતે સંકળાવાનું, એટલે પસંદ એટલે નક્કી કરીએ છીએ કે એ સંસ્થા ‘બાળ મજૂર’ને કામે ન લગાડવાં જેવાં ઉચ્ચ નૈતિક ધોરણો જ અપનાવે છે.
જોકે છેલ્લા થોડા સમયથી અર્થશાસ્ત્રીઓને આ ‘તાર્કિક પૂર્વધારણા’ની ભુલ સમજાવા લાગી છે. પરિણામે, આચરણમૂલક અર્થશાસ્ત્રની શાખાનો વિકાસ થવા લાગો છે. આચરણમૂલક અર્થશાસ્ત્રીઓ આપણી વર્તણૂકો, અને તેને સુસંગત લેવાતા આપણા નિર્ણયોને દોરતા મનાતા નિયમો બાબતે વિચારવા લાગ્યા છે. જોકે, પોતાના આવા પ્રયાસોમાં, હજુ પણ, એ લોકોનો મૂળભુત અભિગમ તો આપણી નિર્ણય પ્રક્રિયા ‘તર્કસંગત’ જ હશે એવી માન્યતા અનુસારનાં વિજ્ઞાનના રંગે જ રંગાયેલો છે. એ લોકો ને એ વિચાર જ નથી આવતો કે આપણે ‘તાર્કિક’ ધારાધોરણો સિવાયનું કોઈ આચરણ કરી પણ શકીએ છીએ. અંગત સ્તરે આપણા ઘણ નિર્ણયો – કે આચરણો – તર્કની બહાર પણ હોય છે એવું મહદ અંશે સાબિત થઈ ચૂકવા છતાં એ લોકો આપણાં આચરણોની પાછળ ઓછામાં ઓછાં નાણાકીય ખર્ચ વડે મહત્તમ વળતર વડે આથિક સંપતિ ઊભી કરનારા ‘તર્કસંગત’ નિયમોની જ શોધમાં મચ્યા પડ્યા રહે છે. પરિણામે, આપણી ઘણા નિર્ણયો – કે આચરણો- હજુ પણ તેમની ગણતરીમાં આવતાં જ નથી.
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનનું ખરૂં સ્થાન
વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ ફુગાવો, ઉપાદકતા કે નાણાકીય સ્થિરતા જેવા સામુહિક સ્તરની અર્થવ્યવસ્થાનાં વિજ્ઞાન અને સંશોધનોમાં રચ્યા પય્યા રહેતા હોય છે. તેમના આ અભ્યાસ અને આગાહીઓને કારણે શાસનકર્તાઓ કે નિયમનકર્તાઓને નીતિ ઘડવામાં સલાહકારો તરીકેની ભૂમિકા સુનિશ્ચિત જરૂર બને છે.
પરંતુ સામુહિક સ્તરની અર્થવ્યવસ્થાને લગતી સફળતાઓ આપણને, વ્યક્તિગત સ્તરે, બહુ ઉપયોગી નથી નીવડી. જો અર્થશાસ્ત્રીએ સામાજિક વિજ્ઞાન જેવાં તેમનાં અર્થશાસ્ત્રનાં દરેક પાસામાં સફળ થવું હશે તો તેમણે આપણા જેવી, સામાન્યતઃ બિનઆર્થિક કક્ષાની, વ્યક્તિઓની વ્યક્તિગત નિર્ણય પ્રક્રિયાના અસરકારક ‘માર્ગદર્શક’ તરીકે સફળ થવું જોઇશે. એમ કરી શકવા માટે તેમણે આપણી નિર્ણય પ્રક્રિયા પાછળનાં પરિબળો અને નિર્ણયોનાં પરિણામોને ગણતરીમાં લેવાનું શરૂ કરવું જોઇશે. એટલે કે, તેમનાં સામૂહિક સ્તરનાં અર્થશાસ્ત્રને આપણી વ્યક્તિગત સ્તરની અર્થવ્યવસ્થા સાથે સક્રિયપણે સાંકળવું જોઇશે. વધારેમાં વધારે ‘ઉપયોગિતા’ કે નાણાકીય સમૃદ્ધિ જેવી બાબતોની તેમની વૈશ્વિક સ્તરની ખોજનો સમન્વય એ લોકો વ્યક્તિગત સ્તરની આપણી એ જ ખોજ સાથે કરી શકશે તો જ તેઓ વ્યક્તિગત સ્તરે તેમ જ સામુદાયિક રીતે વૈશ્વિક કક્ષાએ આપણને સંતોષ અને સુખ આપી શકશે.
વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ આપણને મર્યાદિત સ્તરે જ મદદ કરી શક્યા છે – કરી રહ્યા છે – એટલે આપણે હવે એમના વિશે ચિંતા કરવાનું છોડીને આપણાં અંગત સ્તરે, થોડું વધારે દૂરનું, વિચારવા પર ધ્યાન આપવું જોઇશે. આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થા ગોઠવીને પણ સાધનોની બિલકુલ જરૂર પુરતી જ ખપત કરીને આપણે વધારેમાં વધારે પરિણામો લાવી શકીએ તેમ છીએ. આપણી આગવી અર્થવ્યસ્થાની ગોઠવણી કરતી વખતે આપણે આર્થિક જેલની નીતિઓ અને નાણારૂપી જેલરના નિયમોને અનુરૂપ થવાની સન્નિષ્ઠ કોશિશ કરીએ તે વધારે જરૂરી બની રહે છે. એમ કરવામાં આપણે જો સફળ થઈશું તો કોઈ જ આશ્ચર્યની વાત નહીં હોય કે જેલર દ્વારા આપણા બિનનાણાકીય નિર્ણયો અને આચરણોની સ્વીકૃતિ પણ મળશે. હા, એટલી જ શરત રહેશે કે આપણે બીજા જેલવાસીઓને નુકસાન ન પહૉંચાડીએ, કે જેલમાં સુરંગો ખોદીને બિનઅર્થિક અભયારણ્યો તરફ ભાગી છૂટવાની પેરવીઓ ન કરીએ.
તો ચાલો, આર્થિક જેલમાં રહ્યે રહ્યે આપણી આગવી અંગત અર્થવ્યવસ્થાના નિયમો ઘડીએ.
ક્રમશઃ
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
મધુ લિમયેની જન્મશતાબ્દી અને સમાજવાદી આંદોલન
નિસબત
ચંદુ મહેરિયા
તેજસ્વી, અધ્યયનશીલ અને પ્રતિબધ્ધ સમાજવાદી નેતા મધુ લિમયે(૧૯૨૨-૧૯૯૫) ની જન્મશતાબ્દીનું સમાપન વરસ અને કોંગ્રેસ સમાજવાદી પક્ષથી નોખા સમાજવાદી પક્ષની સ્થાપના(૧૯૪૮)નું અમૃતપર્વ ઠાલો યોગાનુયોગ જ નથી. આમ તો ભારતમાં સમાજવાદી આંદોલન બહુ વહેલું આરંભાયું હતું. કોંગ્રેસના ભાગરૂપે જ સમાજવાદીઓ કામ કરતા હતા. પરંતુ ગાંધી હત્યાના વરસે તેઓ છૂટા પડ્યા અને પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો એ રીતે આ સમાજવાદી પક્ષની સ્થાપનાનું પંચોતેરમું વરસ છે. એ સમયે દેશમાં સમાજવાદનું પંચો તેરમું હોય એવી સ્થિતિ છે. સમાજવાદી નેતા તરીકે મધુ લિમયેને તેનો અણસાર આવી ગયો હતો. તેમણે તેનું નિર્મમ વિષ્લેષણ પણ કર્યું હતું. આજે દેશમાં એક રાજકીય પક્ષ તરીકે સમાજવાદી પક્ષ જરૂર અસ્તિત્વમાં છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં તેની રાજવટ પણ હતી. પરંતુ મુલાયમસિંઘ યાદવના કુણબાના આ પક્ષનો પરિવારવાદ અને તકવાદ તેને સમાજવાદી કહેતાં અટકાવે તેવો છે.પહેલી મે ૧૯૨૨ના રોજ પુણેમાં જન્મેલા મધુ લિમયે પંદર વરસની વયે સ્કૂલમા ગયા વિના મેટ્રિકની પરીક્ષા પાસ કરીને બૌધ્ધિકોનો અડ્ડો ગણાતી ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા હતા. વાચન, સ્વતંત્રતા આંદોલન અને સમાજવાદનો પાશ એમને વિધ્યાર્થીકાળમાં જ લાગ્યો હતો. પ્રખર સમાજવાદી એસ.એમ. જોશીના પરિચયે તે ગાઢ થયો. આઝાદી આંદોલનમાં ભાગ લેવા તેમણે કોલેજ શિક્ષણ અધૂરું છોડી દીધું પણ વાચન અને અધ્યયન જીવનભર રહ્યાં. ૧૯૪૦માં અઢાર વરસના નવયુવાન લિમયેને યુધ્ધ વિરોધી વકતવ્ય બદલ જેલની સજા થઈ. તેમને જે ધુલિયા જેલમાં રાખવામાં આવ્યા હતા. તે જેલમાં ચાળીસ વરસના સાને ગુરુજી વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે હતા. લિમયે અને સાને ગુરુજીની ત્યાં એવી તો આત્મીયતા બંધાઈ કે જેલમાં લિમયેએ સમાજવાદ પર જે અઢાર વ્યાખ્યાનો આપ્યા હતા તેનું રોજેરોજ શબ્દાંકન સાને ગુરુજી કરતા હતા. એસ.એમ.જોશી અને સાને ગુરુજી તરફથી મધુ લિમયેને પુત્રવત પ્યાર મળ્યો હતો.
સમાજવાદીઓ માટે સહજ એવી અધ્યયનશીલતા અને આંદોલનકારિતા મધુ લિમયેમાં પણ હતી. ભારત આઝાદ થયા પછી પણ ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું. ડો.રામ મનોહર લોહિયાના ગોવા મુક્તિ આંદોલનમાં લિમયે સક્રિય હતા. અસ્થમાની પરવા કર્યા વિના તેઓ જોડાયા હતા. જુલાઈ ૧૯૫૫માં ગોવા મુક્તિ સત્યાગ્રહના એક જૂથનું નેતૃત્વ કરતા તેમને એ હદે માર મારવામાં આવ્યો હતો કે તેમના અવસાનની અફવા ચાલી હતી. પોર્ટુગીઝ પોલીસના મારની શારીરિક પીડા આજીવન એ રીતે રહી કે તેઓ કદી ચત્તા સુઈ ના શક્યા. છતાં ગોવા મુક્તિ સત્યાગ્રહને તેઓ જિંદગીનું સુવર્ણ પૃષ્ઠ માનતા હતા જેમાં તેમને બાર વરસના કારાવાસની સજા થઈ હતી. આંદોલન આઝાદીનું હોય કે દૂસરી આઝાદીનું , મજદૂરોનું હોય કે કિસાનોનું , યુવાનોનું હોય કે મહિલાઓનું લિમયે સદા તેમાં હોય જ. તોંતેર વરસની આવરદામાં આ અધ્યયનશીલ આંદોલનકારીને ત્રેવીસ વખત જેલમાં જવું પડ્યું હતુ. ઈંદિરાઈ કટોકટીમાં પણ તેમણે ઓગણીસ મહિનાનો જેલવાસ વેઠ્યો હતો.
જન્મભૂમિ મહારાષ્ટ્રને બદલે તેમણે બિહારને કર્મભૂમિ બનાવી હતી. ચાર વખત બિહારમાંથી તેઓ લોકસભામાં ચૂંટાયા હતા. એટલે સિધ્ધાંતનિષ્ઠાને વરેલા સજગ સાંસદ સંસદમાં સદાય કર્મભૂમિના લોકોની ભાષા હિંદીમાં જ બોલતા હતા. જે તેમણે પહેલા જેલવાસમાં શીખી હતી. જાગ્રત અને નીડર સાંસદ તરીકે તેમનાથી સત્તાપક્ષ સતત ડરતો. કેટકેટલા કૌભાંડો તેમણે ઉજાગર કર્યા છે. આંતરિક કટોકટી વખતે ઈન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણી ટાળવા પાંચને બદલે મુદત વધારીને છ વરસની કરી તો તેના વિરોધમાં તેમણે જેલમાંથી સંસદસભ્યપદેથી રાજીનામુ મોકલી આપ્યું હતું. યાદ રહે કે આવું સાહસ જેલમાં રહેલા એક પણ વિપક્ષી સાંસદે કર્યું નહોતું માત્ર શરદ યાદવ જ તેને અનુસર્યા હતા. સ્વાતંત્ર્ય સૈનિક અને સંસદસભ્ય તરીકે મળતું પેન્શન એમણે આર્થિક અભાવો છતા કદી ના લીધું. લોહિયાએ પિછડા માંગે સો મેં સાઠનો નારો આપ્યો તો તેનો અમલ લિમયેએ પોતાથી કર્યો. ચોથી લોકસભાના સંયુક્ત સમાજવાદી પક્ષના સંસદીય નેતા પદેથી રાજીનામુ આપીને તેમણે પછાત વર્ગના રવિ રાયને નેતાપદે બેસાડ્યા. કટોકટી પછી જનતા પક્ષની સરકાર બની તો સરકારમાં જોડાવાને બદલે તેમણે પક્ષના મહાસચિવ તરીકે સંગઠનના કામને પ્રાધાન્ય આપ્યું હતુ. એ સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે અલગ અલગ રાજકીય વિચારધારાના લોકોના બનેલા પ્રધાનમંડળમાં મારા વિચારોનો કદાચ મેળ ના બેસે.
અસંમતિનો અવાજ લિમયેની પહેચાન હતી. સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનથી તે વેગળા રહ્યા. એટલે જે પ્રજાએ ગોવા મુક્તિ આંદોલનના નેતા તરીકે જેલમુક્તિ પછી તેમની મુંબઈના શિવાજી પાર્કમાં વિરાટ સત્કાર સભા યોજી આરતી ઉતારી હતી તે જ પ્રજાએ તે જ સ્થળે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના ઉમેદવાર સામે તેમને બોલવા ના દીધા અને ચૂંટણીમાં તેમની ડિપોઝિટ ડૂલ થઈ. જોકે આવી આકરી કિંમત ચૂકવીને તે જનમતની વિરુધ્ધ રહ્યા હતા. ૧૯૫૧-૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં હાર પછી સમાજવાદીઓમાં વિચારમંથન ચાલ્યું હતું. અશોક મહેતાએ સત્તાપક્ષ સાથે હળીમળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પણા લિમયે તેના વિરોધમાં હતા. તેનાથી સમાજવાદીઓનું વિપક્ષ તરીકેનું વજૂદ નહીં રહે તેમ તે માનતા હતા. ડો.લોહિયાના બિનકોંગ્રેસવદના પણ તે વિરોધી હતા. રાજા મહારાજાઓના સ્વતંત્ર પક્ષ અને જનસંઘ જેવા સાંપ્રદાયિકા પક્ષ સાથે માત્ર કોંગ્રેસને હરાવવા જોડાણ કરવાના મતના તે નહતા.
૧૯૮૨માં સક્રિય રાજનીતિમાંથી તે નિવૃત થયા પણ લેખન થકી જાહેર જીવનમાં સક્રિય હતા. બારેક વરસના આ ગાળામાં તેમણે અનેક પુસ્તકો લખ્યા. નિત્ય અધ્યયનરત આ રાજનેતાએ અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પંચોતેર જેટલા પુસ્તકો લખ્યા છે. જેમાં સમાજવાદનો ઈતિહાસ અને તેની આલોચના પણ છે. ધર્મ નિરપેક્ષપક્ષોએ મુસ્લિમ અને હિંદુ સાંપ્રદાયિક કટ્ટરપંથી પક્ષો સાથે કરેલા સિધ્ધાંતહીન જોડાણોને કારણે સાંપ્રદાયિક પક્ષો બળવત્તર બન્યા હોવાનું અને સમાજવાદીઓના વિખરાવે તે સત્તામાં આવશે તેમ તે માનતા હતા.
સમાજવાદ એક છેતરામણો શબ્દ છે. કોંગ્રેસે તેના અધિવેશનોમાં ‘સમાજવાદી પધ્ધતિનો સમાજ’ અને ‘લોકતાંત્રિક સમાજવાદ’ ના ઉલ્લેખ સાથે સામાજિક આર્થિક નીતિઓ માટે તે સ્વીકાર્યો હતો. ઈન્દિરા ગાંધી ૧૯૭૬માં તેને બંધારણના આમુખમાં મુકી દીધો છે. ભારતીય જનતા પક્ષે પણ ગાંધીવાદી સમાજવાદને અપનાવ્યો હતો.જો મૂડીવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી માલિકોના હાથમાં હોય છે તો સમાજવાદમાં તે રાજ્યની માલિકીના હોય છે. સામ્યવાદમાં તે સમાજની માલિકીના હોય છે. એટલે સમાજવાદ એ સામ્યવાદ પૂર્વેની સ્થિતિ કહી શકાય. . ૧૯૯૧માં કોંગ્રેસે આર્થિક ઉદારીકરણનો માર્ગ અખત્યાર કરીને સમાજવાદનું અચ્યુતમ કેશવમ કરી નાંખ્યું છે. દેશમાં વિકરાળ આર્થિક-સામાજિક અસમાનતાને લીધે આજે સમાજવાદ જાણે કે પોથીઓમાં કેદ શબ્દ બની ગયો છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
એક અનોખા સેવાલક્ષી સરકારી અધિકારીની અનોખી કથા (૨)
લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
(ગતાંકથી ચાલુ)
ભાગ્યે જ કોઇને અંદાજ હશે કે ગુજરાતભરમાં કુલ મળીને ૩.૩૦ લાખથી વધુ ટ્રસ્ટો ખુબ જ સરાહનિય અને પ્રેરણાદાયી સેવાકાર્યો કરે છે. એક આંકડો જોઈએ તો હાલ ધાર્મિક અને શિક્ષણ ક્ષેત્રનાં લગભગ બે લાખ સાઠ હજાર ટ્રસ્ટ તથા છ્ન્નુ હજાર સોસાયટી રજિસ્ટર્ડ છે. પણ તેમાનાં બધાંને જોઇએ તેટલો સહયોગ સાંપડતો નથી. ચેરીટી કમિશનર યશવંત શુકલે (વાય.એમ.શુક્લએ) એ વાત પર ભાર મુક્યો કે માત્ર સરકારે જ નહીં, જનતાએ પણ એમને સહયોગ આપવો જરૂરી. એમણે પોતાના કાર્યક્ષેત્રની ઉફરા ચાલીને પણ આ હકીકત પર ધ્યાન આપવાની લોકોને અપીલ કરી.

(વાય.એમ.શુક્લ) તેઓ પોતે તો મૂળ લખતરના છે, પણ તેમના નામની સુવાસથી ભાવનગર જ નહીં, સેવાક્ષેત્ર સાથે સંકળાયેલી એવી ગુજરાતની કોઇ વ્યક્તિઓ અજાણ નહીં હોય. એમણે એ ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે વર્ષો સુધી સેવા આપી અને તેમણે આ કાર્યની સાથે ભાવનગરમાં ન્યાયક્ષેત્રના વિષય ઉપરાંત બીજા વિષયમાં ચંચુપાત કરીને અનેક એવા સેવાભાવી કાર્યો અને નિર્ણયો કર્યા, જેના કારણે ભાવનગરની પુરી વકીલ આલમમાં અને સામાન્ય જનસમાજમાં તેમનાં સેવાકાર્યોની જ્યોત આજે પણ પ્રજ્વલિત છે.
તેમણે હમણાં એક ખુબ જ સરસ વાત કરી અને કહ્યું કે વર્તમાન સમયમાં લોકોને જ્યારે ટ્રસ્ટો પરથી વિશ્વાસ ડગમગી રહ્યો છે ત્યારે કેટલાક ટ્રસ્ટો એવાં પણ છે કે, જેમનાં કાર્યોને ખરેખર બિરદાવવા જરૂરી છે. સામાજિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, સેવાના ક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રે આવાં 3.30 લાખથી વધુ ટ્રસ્ટો છે કે જે ખરેખર એવા કાર્યો કરેછે કે, તેમને સહાયરૂપ થવાની દિલથી ઈચ્છા થાય છે. આવાં ટ્રસ્ટોને જો વધુ સહાય મળે તો સમાજવ્યવસ્થામાં તેની એક ખૂબ સારી અસર ઉભી થશે અને જરૂરીયાતમંદો માટે સેવાના કાર્યોની તકો વધુ ઉભી થશે. તેઓ એ મતના છે કે તન, મન,ધનથી સમાજસેવા કરી રહેલાં આવા ટ્રસ્ટને સહયોગ આપવો એ સૌની ફરજ છે.
હંમેશા બીજાથી કાંઈક અલગ એવા સેવાકાર્યો કરવા માટે તેઓ પંકાયેલા છે. છેવાડાના માણસને સહાયરૂપ થવા માટેના પ્રયાસો તેમના રહ્યાં છે. વિકાસની બાબતમાં પણ તેમની એક અલગ ઓળખ સેવાકીય કાર્યો સાથે સર્વત્ર ઉભી થયેલી છે. તેમના અનુભવી મતે સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત એન.જી.ઓ.માં એવી પણ સંસ્થાઓ છે જેને વિશ્વાસપાત્ર કહી શકાય. આવી સંસ્થાઓ સમાજસેવા માટે હરહંમેશા તત્પર રહેતી હોય છે. જો કે, કોઇ અમુક અપવાદરૂપ ટ્રસ્ટના કારણે લોકોના મનમાં જાહેર ટ્રસ્ટ પ્રત્યે શંકા ઉભી થાય છે, પરંતુ બિનસરકારી તમામ સંગઠનો વિશ્વાસપાત્ર હોતાં નથી તેવું નથી. આવા ટ્રસ્ટોથી લોકોનાં અનેક કામોના સુખઃદ નિવારણ પણ આવ્યાં છે અને આવી સંસ્થા સમાજમાં શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક તેમજ બાળકલ્યાણક્ષેત્રે સર્વોત્તમ કાર્ય કરી રહી છે.
શુક્લાજી 2014માં અમેરિકા ગયા હતા અને ત્યાંય એમની દૃષ્ટિ ટ્રસ્ટો દ્વારા થતા સેવાકાર્યો ઉપર જ રહી. અમેરિકાથી ભારત આવ્યા પછી એમના ધ્યાનમાં એવી વાત આવી કે અમુક અપવાદરૂપ ટ્રસ્ટના કારણે લોકોના મનમાં જાહેર ટ્રસ્ટો પ્રત્યે શંકા-કુશંકા ઉભી થઈ છે, પરંતુ 3 લાખ 30 હજાર જેટલા નાના મોટા ટ્રસ્ટો શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક, બાળકલ્યાણ સહિતના સામાજીક કાર્યો પ્રત્યે આવી સંસ્થાઓ સર્વોત્તમ કાર્ય કરી રહી છે અને લોકોમાં આદર્શનું ઉદાહરણ પણ પુરૂ પાડી રહી છે. ત્યારે એવા અણગમતા દાખલા બહુ જુજ જ નજરે પડે છે. તેમણે કાર્યભાર સંભાળ્યાં પછી એમને પોતાને શ્રેષ્ઠ કામગીરી કરતાં ટ્રસ્ટોનો નજીકથી પરિચય થયો છે. તેઓ માનતા હતા કે આવા ટ્રસ્ટોને ઓળખી ઓળખીને તેમને લોકોએ પણ સહયોગ આપવો જોઈએ. તેમણે પોતે છેલ્લા થોડા વર્ષોમાં આવાં લોકોપયોગી ટ્રસ્ટોને ઓળખી તેને સહાયરૂપ થવા પ્રયાસ કર્યો છે. એમણે જોયું કે અનેક ટ્રસ્ટો એવાં છે જેમનામાં પોતાની શ્રેષ્ઠ કાર્યવાહીને વધુ વિસ્તરિત કરીને સમાજ માટે કંઈક કરી છુટવાની તમન્ના રહેલી છે, પરંતુ નાણાંના અભાવે કેટલાક કાર્યો કરવામાં અડચણ ઉભી થાય છે. આ માટે આવા ટ્રસ્ટોને આર્થિક સહાયની જરૂર છે. તેમણે કોઇ કોઇ કિસ્સામાં એવું પણ જોયું કે આ માટે આવાં કેટલાક ટ્રસ્ટો પોતાની જ સ્થાવર-જંગમ મિલકત વેચવા માટે પરવાનગી માંગી રહ્યાં છે.
વિકાસ માટે શૈક્ષણિક ટ્રસ્ટોને વિકસીત કરવા અને આર્થિક સહાય માટે મદદરૂપ થવાનો તેમણે પ્રયાસ કર્યો છે. આવા વિશ્વાસપાત્ર ટ્રસ્ટને નડતી જટિલ સમસ્યાઓને પણ સુલઝાવવા માટે પ્રયાસ કરી એના શ્રેષ્ઠકાર્યના માર્ગમાં આવતી અડચણ દુર કરવા સનિષ્ઠ પ્રયાસો પણ તેમણે કર્યા છે.
તેમના જેવા ચેરિટી કમિશનર આવવાથી ગુજરાત રાજ્યના અને ખાસ કરીને સ્વૈચ્છિક સંસ્થાઓના સદનસીબે છેલ્લા સાત વર્ષમાં ચેરિટી તંત્રની કાર્યપદ્ધતિમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. સમગ્ર ચેરિટી વિભાગની સમૂળી કાયાપલટ તેમના દ્વારા થઇ છે.
મૂળ સુરેન્દ્રનગર પાસેના લખતરના શ્રી યશવંતભાઈ શુક્લની કારકિર્દીની શરૂઆત થઈ ગોંડલમાંથી. અને ત્યાં જ તેઓ જજ થયા. પ્રથમથી જ પ્રબળ નીતિશાસ્ત્ર સાથે જોડાયેલા પ્રામાણિક જજ તરીકેની છાપ ધરાવનાર યશવંતભાઈનાં પત્ની જોલીબહેન પણ ગ્રાહક સુરક્ષા અમદાવાદ કોર્ટનાં જજ છે. તેમનો પુત્ર નૈતિક શુક્લ પણ કાયદાશાસ્ત્રની ઉચ્ચ ડીગ્રી સાથે ગુજરાત હાઇકોર્ટમાં સફળ વકીલાત કરે છે. ભાવનગરથી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયા બાદ ગુજરાત સરકારે યશવંતભાઈની ચેરિટી કમિશનર તરીકે નિમણૂક કરી. આજે એ જ હોદા ઉપર તેમનું આઠમું વર્ષ ચાલે છે.
ચેરિટી કમિશનર તરીકે તેમના આવ્યા પછી તેમના કારણે જ વહીવટમાં ટેક્નોલોજીના આગમન સાથે આધુનિકતાનો આવિષ્કાર થયો. અસલ રેકર્ડને સ્કેનિંગ કરી તેને ડિજિટલાઈજેશન કરવામાં આવ્યા. આ ડિજિટલાઈજેશનને કારણે ટ્રસ્ટના કોઈ પણ પ્રકારના રેકર્ડમાં ચેડાં કરવાનું હવે શક્ય બનશે નહીં. દરેક જિલ્લા કે તાલુકાના નામ બાદ ટ્રસ્ટનું નામ ક્લિક કરતાં ઓનલાઈન ટ્રસ્ટની નોંધણીની તારીખથી આજ દિન સુધીની બધી કાર્યવાહી કોમ્પ્યુટર પર નિહાળી શકાય તેવી સુવિધા ઉભી થઇ. કોઇ પણ અને તમામ ટ્રસ્ટનો રેકર્ડ આજે જાહેર જનતાને જોવા માટે ઉપલબ્ધ થયો તે સિદ્ધિ ખરેખર અદ્વિતીય છે. ચેરિટી કમિશનર અને તેની અંતર્ગતની કચેરીઓના તમામ રેકર્ડનું દસ્તાવેજીકરણ ડિજિટલ થતાં તે હવે સુરક્ષિત તો ખરૂં જ, પણ સૌ કોઇ માટે સુલભ બન્યું છે.
એમના સંસ્પર્શથી ચેરિટી વિભાગમાં બીજો એક ફેરફાર એ આવ્યો કે, અગાઉ ખાનગી ટ્રસ્ટની મિલકતની હરાજી વખતે અમુક લોકો ટોળી બનાવીને સસ્તામાં મિલકત પડાવી લેવાનો કારસો કરતા. એ અટકાવવા કડક નિયમ બનાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એક શૈક્ષણિક સંસ્થાની જમીન અંદાજે 450 કરોડમાં, જ્યારે એક ટ્રસ્ટની જમીન અંદાજે 350 કરોડમાં વેચાઈ. જેનાથી ટ્રસ્ટને સારી આવક થઈ અને તેનો ફાયદો ચેરિટી વિભાગને પણ મળતાં તે આત્મનિર્ભર બન્યો છે.
તેમનો ચેરિટી વિભાગમાં આંતરમાળખાકીય સુવિધા આપવામાં પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. ચેરિટી કમિશનર પાસે સ્વૈચ્છિક સંસ્થાઓએ આપેલા કાયદેસરના ફાળાની કરોડો રૂપિયાની રકમ બેંકમાં જમા હતી પરંતુ ચેરિટી કમિશનરની મુખ્ય કચેરીથી માંડીને ક્ષેત્રીય કચેરીઓના મકાનોની હાલત જર્જરીત હતી. ફર્નિચરથી માંડીને તમામ સુવિધાઓમાં અનેક બાબતોમાં રાજ્ય સરકારે ચેરિટી કમિશનરની ભલામણ માનીને અમદાવાદમાં વસ્ત્રાપુર પાસે બહુમાળી મકાનમાં એક સુંદર ઓફિસનું નિર્માણ કર્યું. ચેરિટી તંત્રની ઓફિસ આધુનિક બનાવી. તેમાં કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓ,વકીલો અને મુલાકાતે આવતી વ્યક્તિઓને એક સારો અનુભવ થાય તેવા સુંદર વાતાવરણનું નિર્માણ થયું. આ ઉપરાંત વડોદરા, સુરત, ભાવનગર, ભરૂચ, જામનગર, ગોધરા, અમરેલી એમ અનેક સ્થળોએ ચેરિટી તંત્રનાં નવા મકાનોનું નિર્માણ થયું છે. અન્ય જિલ્લાઓમાં પણ જમીનોની ફાળવણી થઈ છે અને તેના ઉપર જરૂરી બાંધકામ કરવા માટે પણ કાર્યવાહી શરૂ થઈ છે. જ્યાં ઈચ્છા મજબૂત છે ત્યાં સિધ્ધિ હાથવગી છે એ વાતને યથાર્થ કરતા યશવંતભાઈની આવી ઉમદા કામગીરી ખરેખર પ્રશંસનીય છે. અમદાવાદની મુખ્ય કચેરીના લોકાર્પણ સમયે રાજ્યના મુખ્યમંત્રીએ પણ ચેરિટી કમિશનર કચેરીની નવી જગ્યાની પ્રશંસા કરી લોકોને ખાતરી આપી હતી કે હવે રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ માટે સરળતા રહેશે અને લોકો સેવા કરવાના કામમાં જે તંત્રના અંતરાયો અનુભવતા હતા તેનું નિરાકરણ થશે.

(ભરૂચ અને ગોધરાનાં ચેરિટી ભવન) ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ચેરિટી કમિશનર પાસે અનેક બાબતોની નોંધણી કરાવવી, મંજૂરી મેળવવી વગેરે બાબતો ફરજિયાત છે. અધિકારીઓની ખાલી જગ્યા, કર્મચારીઓની અછત અને કામના બોજા હેઠળ સમગ્ર તંત્ર મૂર્છિત અવસ્થામાં હતું. તેમાંથી હવે ખૂબ ઓછી સંખ્યામાં પડતર કેસો સાથે ગુજરાતનું ચેરિટી તંત્રનું કાર્ય ઝડપી બન્યું છે, જે પણ તેમને આભારી છે. રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેકના જીવનમાં હવે નવી રોશની આવી છે ત્યારે કોરોના પછીના કાળમાં અનેક લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ અસરકારક ભૂમિકા ભજવી શકે તે માટે ટ્રસ્ટની અનેક જોગવાઈઓનું સંશોધન કરી સૌના સાથ-સહકારથી એક નવા વાતાવરણનું નિર્માણ કરવું જરૂરી બન્યું છે. સ્વભાવે શાંત, સરળ અને પ્રામાણિક એવા યશવંતભાઈની આજે ઉંમર થઈ ગઈ હોવા છતાં તેમની કામગીરીથી પ્રભાવિત સરકાર તેમને હોદામુક્ત કરતી નથી. ક્યારેય પોતાની ખ્યાતિ કે પ્રશંસા કોઈ કરે તેની અપેક્ષા રાખ્યા વગર યશવંતભાઈ પણ વફાદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક તેમની કામગીરી બજાવી રહ્યા છે.
તેમનો સંપર્ક-Mobile- 98254 13120 / ચેરીટી કમિશ્નર , ત્રીજો માળ, બહુમાળી ભવન નં 2, વસ્ત્રાપુર અમદાવાદ-380 052
લેખક સંપર્ક –
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com -
રંગરેખાના કલાધરનું પુનઃ સ્મરણ.
હરેશ ધોળકિયા
ગઈ સદીના પાંચમા અને છઠ્ઠા દસકામાં અમારી પેઢી જયારે કિશોરાવસ્થા, તરુણાવસ્થા અને યુવાવસ્થામાંથી પસાર થતી હતી, ત્યારે અનેક સર્જનાત્મક વૈવિધ્યોનો આનંદ માણવા મળતો હતો. આજ કરતાં કદાચ ત્યારે, અનેક અભાવો વચ્ચે પણ, વધારે સર્જનાત્મકતા હતી. એક એકથી ઉતમ ફિલ્મો, એક એકથી ઉતમ કાર્યક્રમો, એક એકથી ઉતમ પુસ્તકો, વિવિધ કળાઓ માણવાની તક મળતી હતી. તેનાથી આંખ સૌંદર્યથી છલકાતી હતી અને મગજ સંસ્કારથી ઘડાતું હતું. એક અવૈધિક ઉતમ શિક્ષણ મળતું હતું. ત્યારે બે ચિત્રકારો તરુણ મગજનો કબજો લઈને બેઠા હતાઃ મુલગાંવકર અને કનુ દેસાઈ. ત્યારે ‘સેમસન’નાં વસ્ત્રો વખણાતાં. ભુજમાં તેની દુકાન. દર વર્ષે તે કેલેન્ડર પ્રસિધ્ધ કરે. મહાન લોકોનાં ચિત્રો. અને તેના ચિત્રકાર મુલગાંવકર. આ કેલેન્ડર મેળવવા તલપાપડ થતા. મળે તો નહીં, પણ પડોશીના ઘરમાં તે લટકે. આખું વર્ષ દરરોજ તે જોઈએ અને ખુશ થઈએ. દર વર્ષે મુલગાંવકર દીવાળીના એક વિશેષાંક કાઢે. હોય તો તે મરાઠીમાં, પણ તેમાં તેનાં પુષ્કળ રંગીન ચિત્રો હોય. પૈસાનો અભાવ છતાં તે ખરીદતા જ. મુલગાંવકર પાછળ પાગલ જ હતા.એવા જ બીજા ચિત્રકાર કનુ દેસાઈ. તેમનાં પણ સરસ આલ્બમો પ્રગટ થાય. તે પણ થોડાં ખરીદેલ એવું યાદ છે. પણ પુસ્તકોનાં પુઠાં પર તેમનાં ચિત્રો હોય. ‘કુમાર’ મેગેઝીનમાં તેમનાં ચિત્રો હોય. ફિલ્મોના તે આર્ટ ડાયરેકટર. તેમાં પણ ‘ઝનક ઝનક પાગલ બાજે’, ‘ નવરંગ’, ‘ સ્ત્રી’ કે ‘ ગીત ગાયા પથ્થરોને’ ફિલ્મો કેવળ કનુ દેસાઈની કલા માટે જ જોવા જઈએ.’ઝનક ઝનક..ં માટે કનુ દેસાઈને વર્ષ ૧૯૫૭ માટેનો ફિલ્મફેરનો શ્રેષ્ઠ આર્ટ ડાયરેક્ટરનો ઍવોર્ડ પણ મળેલ છે. ઝનક ઝનક…’ તો આજે પણ સમય મળે તો જોઈ લેવાય છે. કનુ દેસાઈ ત્યારના અદભુત ચિત્રકાર. અમારી પેઢી તેમના પાછળ ગાંડી. તેમનાં રેખાંકનો જોયા જ કરીએ.પછી તો સમય વીતતો ગયો. “મોટા ‘ થતા ગયા. “વ્યવહારુ” થતા ગયા. એટલે આવા શોખો ગૌણ થતા ગયા. કનુભાઈ સ્મૃતિ બની ગયા. મુલગાંવકરના અંકો અદશ્ય થતા ગયા.તાજેતરમાં અચાનક એક પુસ્તક હાથમાં આવ્યું. તે જોતાં જ સમગ્ર ભૂતકાળ યાદ આવી ગયો. જૂનું પાગલપણું ફરી સળવળવા લાગ્યું. કયું પુસ્તક હતું તે ? તેનું નામ છે ” રંગરેખાના કલાધર કનુ દેસાઈ.” સુરતની ‘કલાતીર્થ’ સંસ્થાએ પ્રકાશિત કર્યું છે. તેના પાયાના વ્યકિત રમણિકભાઈ ઝાપડિયા સાથે અકસ્માતે પરિચય થયેલો. પછી તો તે જે કલાનું પુસ્તક પ્રકાશિત કરે તે મોકલાવે. એક એકથી ચડિયાતાં પુસ્તકો. જોયા જ કરીએ. માણ્યા જ કરીએ. તેમાં આ પુસ્તક આવ્યું. કનુ દેસાઈના નામ માત્ર શરીર-મનમાં થનગનાટ પેદા કરી દીધો. બધું છોડી તે જોવા બેસી ગયો. ૩૪૪ પાનાંએ સમગ્ર અસ્તિત્વને ઝળહળતું, આનંદમય, સૌંદર્યમય, યુવાન કરી દીધું. આ પુસ્તકમાં કનુ દેસાઈ વિશેની બધી જ માહિતી પહેલી વાર મળે છે.
આ પુસ્તકનું સંપાદન કરેલ છે શ્રી કનુ પટેલે. ( કનુને કનુ જ ઓળખી શકે.) ‘કલાતીર્થે’ પ્રકાશિત કરેલ છે. પુસ્તકનાં ૩૪૪ પાનાંને છ અધ્યાયમાં વહેંચી નંખાયાં છે. પ્રથમ અધ્યાયમાં કનુ દેસાઈનું જીવન વૃતાંત અને કલાવૃતાંત આપેલ છે. તેમાં રવિશંકર રાવળ, ગજેન્દ્ર શાહ અને સલીલ દલાલે તેમના વિશે લખ્યું છે. બીજા અધ્યાયમાં કનુ દેસાઈના કલા વિશેના વિચારો છે. તેમાં તેમનો ઈન્ટરવ્યૂ પણ આપેલ છે. ત્રીજા અધ્યાયમાં કનુ દેસાઈનાં ચિત્રો મૂકયાં છે. ચોથા અધ્યાયમાં કનુ દેસાઈનાં સંસ્મરણો આપેલ છે જેમાં કુલ તેર વ્યકિતઓએ તેમનાં સાથેનાં સંસ્મરણો લખ્યાં છે. તેમાં લેખક રમણલાલ દેસાઈ, પત્રકાર નીરુભાઈ દેસાઈ, તંત્રી મુકુંદ શાહ જેવાનો સમાવેશ થાય છે. અધ્યાય પાંચ અને છમાં તેમનાં અન્ય ચિત્રો છે. સમગ્ર પુસ્તકમાં કનુ દેસાઈનાં કુલ ૪૩૮ ચિત્રો આપ્યાં છે. તેમણે પાડેલ ફોટા ૩૮ છે. કનુભાઈના પોતાના ર૮ ફોટા છે. તેમણે કરેલ ફિલ્મોનાં દશ્યોના ૭ ફોટા છે. તેમની પત્નીએ દોરેલ બે ચિત્રો છે. એક રવિશંકર રાવળનુ ચિત્ર છે. આમ લેખો અને ચિત્રો અને
ફોટાઓ દ્વારા કનુભાઈ આપણા સામે સમગ્ર રીતે પ્રગટ થાય છે. આ ઘટના પહેલી વાર (કદાચ છેલ્લી વાર !) બની છે જે વિરલ કહી શકાય.કનુભાઈનો જન્મ ૧૯૦૮માં ભરુચમાં થયો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીના સાંનિધ્યમાં ભણ્યા. આ દરમ્યાન રવિશંકર રાવળના પરિચયમાં આવ્યા. તેમણે તેમને ઘડયા. વિદ્યાપીઠના આચાર્ય કૃપલાણીએ તેમને શાંતિનિકેતન મોકલ્યા જયાં તે અવનીન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બોઝ પાસે ચિત્રમાં તૈયાર થયા. પાછા ગુજરાતમાં આવ્યા. થોડો સમય અમદાવાદમાં રહ્યા. પછી ફિલ્મોમાં આમંત્રણ મળતાં મુંબઈ ગયા. આજીવન ત્યાં જ રહ્યા. સમગ્ર જીવનમાં તેમણે ત્રીસ જેટલા ચિત્રસંપુટો, પાંચ હજાર જેટલાં ચિત્રો અને પચાસેક જેટલી ફિલ્મોમાં આર્ટ ડિરેકશન કર્યું. તેમાં પ્રકાશ ભટ્ટ અને વી. શાંતારામની ફિલ્મો મહત્વની છે. ગાંધીજી દાંડીકૂચ કરી તેનું દસ્તાવેજીકરણ માત્ર કનુ દેસાઈનાં જ ચિત્રો છે. ગાંધી શતાબ્દીમાં સરકારે ગાંધી પરિચયની બે ટ્રેનો આખા ભારતમાં ફેરવી જે કનુભાઈએ તૈયાર કરેલ. અમેરિકામાં પણ તેમનાં ચિત્રોનાં પ્રદર્શન થયાં હતાં. જર્મનીના એક મ્યુઝીયમમાં આજે પણ તેમનું ચિત્ર સથાન પામે છે. વિશ્વ વિખ્યાત ચિત્રકાર નિકોલસ રોરીક તેમના પ્રશંસક હતા. તેમના ગુરુ રવિશંકર રાવળ તો તેમના પાછળ ગાંડા જ હતા. ૧૯૮૦માં તેમણે વિદાય લીધી.કનુભાઈનાં ચિત્રો વિશે ખૂબ લખાયું છે. દરેકે તેમની ભરપૂર પ્રસંશા કરી છે. રવિશંકર રાવળ લખે છે, ‘ કનુ દેસાઈ જીવનના રંગે જતા તરંગો આલેખે છે. વાસ્તવિકતાને કવિતામાં ઝુલાવે છે.” રમણલાલ દેસાઈ લખે છે, ” કનુ દેસાઈ એક ચિત્રકાર તરીકે આમ આપણા એક સરસ રસવિધાયક છે. એક સરસ કવિ છે. એમણે ચિત્રો દ્વરા આપણને અનેક કવિતાઓ આપી છે. ચિત્રાવલીઓ દ્વારા અનેક કાવ્યગુરુઓ આપ્યા છે.” તો ફિલ્મ નિર્દેશક વી. શાંતારામ કહે છે, “કનુ દેસાઈ નખશીખ ભારતીય સંસ્કૃતિના આરાધક હતા. તેમની કલામાં તે સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમના ચિત્રોમાં રેખા અને ગીતલયનું કલા સૌંદર્ય પ્રધાન સ્થાને છે.”લેખક યશવંત દોશી કહે છે, ‘ કનુ દેસાઈએ ગુજરાતી સ્ત્રીનાં સૌંદર્યતત્વો ચિત્રોમાં પ્રગટ કર્યા છે. તો બીજી બાજુ ગુજરાતી સ્ત્રીઓ પણ કનુભાઈનાં ચિત્રો જોઈને એ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરવા માંડી.” પત્રકાર નીરુભાઈ દેસાઈ તેમની પ્રશંસા કરતાં લખે છે, ” છાયાચિત્રો સીલકટના એ પ્રથમ નિર્માતા. રોમેન્ટિક, રંગદર્શી ચિત્રોના એ સુરેખ ઘડવૈયા, રંગોળી અને શિલ્પનાનો સમન્વય તેમણે ઉપસાવ્યો….નિકોલસ રોરીકે તેમનાં ચિત્રો જોઈને હિમગિરીની ગોદની રંગની વ્યાવર્ત લીલા સાથે તુલના કરી હતી. ‘” જયેન્દ્ર મહેતાના મતે, ” જીવનના અતિ સામાન્ય પ્રસંગોમાંથી પણ કદી કોઈને ન સ્ફૂરે એવું કંઈક નવું એમણે કરી બતાવ્યું છે. “તો કનુ દેસાઈ શું માનતા ? ગાંધીજીએ જયારે તેમનાં ચિત્રો જોયાં, ત્યારે તેમણે કહેલ, ” અદના આદમી સુધી તારી કલા ન પહોંચી શકે તો ચિત્રકળા છોડી દેવી.” આ તેમનું જીવન સૂત્ર બનેલ. એક લેખમાં તે લખે છે, ” હિન્દની કળાભાવનામાં સૌંદર્યભાવના ઉપરાંત એક પ્રકારનું ધર્મબળ છે….હિન્દની સૌંદર્યદષ્ટિ કાવ્ય, નાટક અને કલાઓમાં સાવ અનોખી છે અને જીવનના ગૂઢતમ રસાસ્વાદ અર્પનારી હોવાથી પશ્ચિમના કલાકારોને પણ અભ્યાસપાઠરુપ છે. ” એમાં જ આગળ લખે છે, ” કલાકારનો પરમ ધર્મ રહેશે કે તેણે પોતાની કલાકૃતિને, જીવનને હીન કે અધોમુખ કરનારાં તત્વોથી મુકત રાખી સમાજને સંજીવન અને નવપ્રફુલ્લતા આપે એવાં સર્જનો કરી બતાવવાં. ” (આના સંદર્ભમાં રમણલાલ દેસાઈએ લખેલ છે કે, ” કનુ દેસાઈએ ચિત્રોમાં શું આપ્યું છે એ પ્રશ્ન ઘણાએ ચર્ચ્યો છે, પણ એમણે શું નથી આપ્યું એ સહજ કહી જાઉં ? એણે બીભત્સ ગણાય એવું એકેય ચિત્ર નથી આપ્યું…એકાંત શયનગૃહમાં મૂકવાનું છૂપું મન થાય એવું એક પણ ચિત્ર નથી. સાથે શયનગૃહમાં ન મૂકી શકાય એવું એક પણ ચિત્ર નથી.”)આ અદભુત પુસ્તક વિશે તો જાણે લખ્યા જ કરીએ. કનુભાઈ વિશે પણ લખ્યા જ કરીએ એટલી વિગતો તેમાં આપી છે. પણ એમાં તો કહેવાય કે તે માટે તો આ પુસ્તક જ હાથમાં લેવું જોઈએ અને જોવું-વાંચવું-માણવું જોઈએ. એક વખત આ પુસ્તક હાથમાં લેવાશે, તો , ભલેને મગજ કદાચ ઓરંગઝેબ છાપ હશે તો પણ, તે નીચે મૂકી નહીં જ શકાય. તેમનું એક એક ચિત્ર
આપણી આંખને તેનાથી દૂર હટવા નહીં દે. તેમનાં રેખાકનો આપણા સમગ્ર અસ્તિત્વને વિવિધ રંગોથી રંગી દેશે. તેમનું વિષય વૈવિધ્ય આપણને પળેપળ ચકિત કરતું રહેશે. એક વ્યકિત કેટકેટલી કલ્પનાઓ કરી શકે તે આ ચિત્ર સંપૂટો કહે છે. જીવનનો એક પણ વિષય નથી જેને કનુભાઈએ ચિત્રિત કર્યો ન હોય. અને દરેક ચિત્ર ભલે નાનું હોય, તો પણ એ નાનકડા ચિત્રમાંની વિગતો, સૂક્ષ્મ હકીકતોનું ચિત્રણ આપણને એ ચિત્ર પાસે જ અટકાવી રાખશે. ભૂલથી જો દરેક ચિત્રનો વ્યકિતગત અભ્યાસ કરવાનો પ્રયાસ કરાશે તો આ પુસ્તક કદી પુરું કરી નહીં શકાય. તેનું આજીવન દર્શન કર્યા કરવું પડશે. ગમે તેટલી વાર આ ચિત્રો જોશું, તો પણ સંતોષ નહીં જ થાય. બસ, જોયા જ કરીએ એવી અતૃપ્તિ રહેશે.આવું પુસ્તક આપવા બદલ, કનુભાઈને પુનઃ જીવિત કરવા બદલ, તેમને નવજીવન આપવા બદલ, નવી પેઢીને તેમનો પરિચય કરાવવા બદલ પ્રકાશક રમણિકભાઈ ઝાપડિયા અને સંપાદક કનુભાઈ પટેલને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. કનુભાઈ પટેલનો કનુ દેસાઈ પ્રત્યેનો આદરભાવ તેમની મહેનતમાં દેખાય છે. પાને પાને તેમનો પૂજયભાવ છલકતો અનુભવાય છે. આ બન્નેએ આ કામ કરી ગુજરાતના કલાજગતને અને નવી પેઢીના ચિત્રકારોને શું અણમોલ ભેટ આપી છે તેની કદાચ તેમને પણ ખબર નહીં હોય. ગુજરાતનું કલાજગત હમેશ માટે તેમનું ત્રદણી રહેશે.
પુસ્તક વિશે:” રંગરેખાના કલાધર કનુ દેસાઈ : : સંપાદક-કનુ પટેલ : પ્રકાશક-રમણિક ઝાપડિયા, કલાતીર્થ, સુરત.)
સંપાદકીય પાદ નોંધઃ” રંગરેખાના કલાધર કનુ દેસાઈ ઃ : સંપાદક-કનુ પટેલ એકત્ર ફાઉન્ડેશનનાં ગ્રંથાલયમાં વાંચી શકાય છે.કેટલાક વિશે માહિતી સંદર્ભો -
વરના મિયાં રાહત ભી આદમી થે કામ કે
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
આમ તો લોકો મને કવિ માને છે, એ એમની ભૂલ છે. હું પણ મારી જાતને કવિ માનતો હતો, એ મારી પણ ભૂલ હતી. હું જ્યાં સુધી મિયાં રાહતને મળ્યો નહોતો ત્યાં સુધી હું પણ મને કવિ માનવાની ભૂલ કરતો રહ્યો.
ભલે મિયાં રાહતની ઝાઝી નામના નથી. એમની કોઈ રચના આજ સુધી પ્રકાશિત નથી થઈ અને ક્યારેય પ્રકાશિત થશે પણ નહીં. એ ક્યારેય કોઈ મુશાયરામાં નથી જતા. એક વાર એમણે મુશાયરામાં પોતાની ગઝલ વાંચી અને એવી તો દાદ મળી કે એ પોતે ગભરાઈ ગયા. ત્યારથી મુશાયરામાં ગઝલ ન વાંચવાની કસમ ખાધી. પણ મિયાં રાહત વાસ્તવમાં સાચા અર્થમાં અનોખા કવિ છે.
ઊંચા-પહોળા ચાલીસ-પચાસની ઉંમરે પહોંચેલા ગોળમટોળ ચહેરા પર શીતળાના ડાઘ, સુરમો આંજેલી મોટી મોટી આંખો, ફાંદ સુધી પહોંચે એવી દાઢી, ચિકનનો કુરતો, જાડા કપડાંનો પહોળો પાયજામો પહેરેલા કોઈ માણસને મારા વરંડામાં બેઠેલા જુઓ તો સમજી જજો કે એ મિયાં રાહત છે.
તમે આવશો તો એ ઊભા થઈને તમને સલામ ભરશે. અદબભેર તમારું નામ પૂછશે, ખુરશી પર બેસાડીને તમારા આવ્યાની મને જાણ કરશે. પણ એથી કરીને એમને મારા નોકર સમજી લેવાની જરાય જરૂર નથી. હું પણ એમની સાથે માલિક જેવો વ્યહવાર નથી રાખતો. વયોવૃદ્ધ એવા એ મિંયા રાહત માટે મને ખૂબ માન છે.
મિયાં રાહતને હું ઘણાં સમયથી જાણતો હતો પણ એમની ખરી ઓળખ ત્રણ વર્ષ પહેલાં થઈ. અલ્હાબાદના સ્ટેનલી રોડ અને કૈનિંગ રોડના ચાર રસ્તા પર ખાખી વર્દી અને લાલ પાઘડી પહેરીને, ત્યાંથી પસાર થતાં સવારોને રસ્તો બતાવતા જોયા છે. એક્કાવાળા એમને સલામ કરતા અને એમનું ક્ષેમ-કુશળ પૂછતા. સાવ સરળ એવા મિયાં સૌને હસીને જવાબ આપતા.
હા, ક્યારેક સવારોને એમના ભાગ્યના ભરોસે છોડીને ચાર રસ્તાના એક ખૂણા પર બેઠેલા મિયાંને એમની નોટબુકમાં કંઈક ટપકાવતાય જોયા છે. પહેલાં તો એવું માની લીધું કે એ કોઈનું ચલાન ભરતા હશે. પણ લખવાની સાથે એમને ગણગણતા સાંભળ્યા ત્યારે મને એ શું લખતા હશે એ સમજાઈ ગયું.
એ દિવસે સાંજનો સમય હતો. અલ્હાબાદના શોખીન અમીરો પોતાની મોટરો લઈને ફરવા નીકળી પડ્યા હતા. હું પણ સ્ટેનલી રોડ અને કૈનિંગ રોડના એ ચાર રસ્તા પર પહોંચ્યો. જોયું તો રસ્તાની એક ધાર પર મિયાં કાગળ પર કંઈક ટપકાવતા હતા. બસ, એ સમયે ચાર રસ્તાની જમણી બાજુએથી એક કાર સડસડાટ આવતી મેં જોઈ, જે લગભગ મિંયાને પોતાની અડફટમાં લેવાની જ હતી ને મારા મ્હોંમાંથી રાડ નીકળી ગઈ, “મિયાં, ભાગો…નહીં તો જાન ગઈ સમજો.”
મિયાં ચમક્યા, “લાહૌલ વિલા કુવત” બોલીને રસ્તાની કોરાણે તો ખસ્યા. તેમ છતાં એ કારના ધક્કાથી એ રસ્તા પર પછડાયા અને એમના ઘૂંટણ અને કોણી છોલાયાં. માથા પરથી રગડી ગયેલી પાઘડી અને વર્દી પરની ધૂળ ખંખેરીને એ ઊભા થયા.
કાર આગળ જઈને ઊભી રહી. એમાંથી એક ચોવીસ-પચ્ચીસ વર્ષની એક સુંદર યુવતી ઊતરીને મિયાં પાસે આવી. જરા હસીને પૂછ્યું, “વાગ્યુ તો નથી ને?”
મિયાં એની તરફ તાકીને બોલ્યા,
“ના ખાસ નથી વાગ્યુ, પણ જરા જોઈ સંભાળીને કાર ચલાવો તો ઠીક.”
યુવતીએ પાંચ રૂપિયાની નોટ મિયાંને આપી,
“હવે ધ્યાન રાખીશ. તમારા બચવાની ખુશીમાં ખેરાત કરજો.”
હવે મિયાંએ મ્હોં ફેરવીને કહી દીધું,
“તમારી ખુશનસીબી કે અહીં હું છું, આ રૂપિયાની ખેરાત તમે જ કરી દેજો.”
યુવતી ચાલી ગઈ. મને જરા તાજુબ્બી થઈ,
“કેમ મિયાં, એનું ચલાન કેમ ના ભર્યુ?”
“શું કરું સાહેબ, દિલ ના માન્યું. આવી સૌંદર્યમૂર્તિઓની તો ઉપાસના હોય તમે ચલાન ભરવાની વાત ક્યાં કરો છો?”
કહીને મિયાં વળી પાછા પોતાની નોટ-બુક અને પેન્સિલ લઈને એક ખૂણામાં ગોઠવાઈ ગયા. મેં પણ ત્યાંથી ચાલવાની પેરવી કરી. જતાં જતાં મને બે પંક્તિઓ સંભળાઈ જે મિયાં રાહતે એ જ સમયે નોટબુકમાં લખી હશે.
“કોઈ હસીનાની મોટર નીચે દબાઈને મરવાનો,
આનંદ એ યાર, અમારા નસીબમાં નહોતો.”
એ દિવસથી મારા દિલમાં મિયાં માટે અજાણી ભાવ ઉત્પન્ન થયો. મિયાં મારા ઘરે આવતા અને કલાકો સુધી એમની કવિતા સંભળાવતા. એમની કવિતા સમજીને હું એમને દાદ પણ આપતો.
પેલી ઘટનાને ઘણો સમય પસાર થઈ ગયો હતો. સત્યાગ્રહ સંગ્રામ જોરશોરથી ચાલી રહ્યો હતો. એક સાંજે મિયાં મારા ઘરે આવ્યા. પીળો પડી ગયેલો ચહેરો, આંખોમાં પાણી, લડખડાતી ચાલ. એમને જોઈને હું ગભરાઈ ગયો.
એમની ખૈરિયત વિશે પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે, એ દિવસે જેમની મોટર નીચે મરતા બચ્યા હતા એ મેમસાબ કોંગ્રેસની કાર્યકર હતી. સુશીલાદેવી એમનુ નામ. આજે એમની ધરપકડ થઈ હતી. કમનસીબે એમની ધરપકડ કરવા થાણેદારની જોડે મિયાંને જવું પડ્યું હતું. જે મિયાંને અકારું લાગ્યું હતું. મિયાંનું કહેવું હતું કે સરકારી નોકરી સાવ નકામી. થોડા રૂપિયા માટે થઈને આત્મા વેચવાના દિવસ આવે છે.
“જાણો છો સાહેબ આજે મેં મારી આત્માનો અવાજ દબાવીને બહુ મોટો ગુનો કર્યો”.
“હશે મિયાં, તમે એક નોકર છો, તમે તો માત્ર તમારી ફરજ બજાવી છે અને એના માટે તો તમને પગાર મળે છે.” આશ્વાસન આપતા મેં કહ્યું.
“મારે આવી નોકરી કે આવો પગાર નથી જોઈતો સાહેબ, આવી ગુલામીથી હું ત્રાસી ગયો છું.” મિયાં ચિત્કારી ઊઠ્યા.
“અરે ભાઈ, તમારી બીબી છે, બચ્ચાં છે. એમનું પેટ ભરવાનીય તમારી ફરજ છે. ક્યારેય એમને પૂછ્યું છે કે એમને શું જોઈએ છે?”
બીબી અને બચ્ચાંની વાત આવતા મિયાં થોડા ટાઢા પડ્યા. એક ઊંડો શ્વાસ લીધો. આંખમાંથી આંસુ સરી પડ્યાં.
બીજા દિવસે કામ પરથી પાછા આવતા રસ્તામાં મિયાંના ઘર પાસેથી પસાર થયો અને જે દૃશ્ય જોયું એ તો હું જીવનભર નહી ભૂલી શકું. મિયાં રાહત નત મસ્તકે બેઠ હતા. મિયાંની બીબી રોતા રોતા કહી રહી હતી,
“નિગોડા, કાળમુખા, નોકરી છોડીને આવ્યો. આ લે નોકરી છોડવા માટે, આ લે અમને ભૂખ્યા મારવા માટે. આ લે નોકરી છોડવાની મઝા ચખાડું તને.” અને મિયાંના માથા પર તડાતડ તડાતડ ચંપલ મારી રહી હતી. મિયાં રાહતની આંખોમાંથી ટપ-ટપ આંસુ સરતાં હતાં અને સાથે મોઢેથી શેરના સૂર નીકળતા હતા.
“ઇશ્કને હમકો નિકમ્મા કર દિયા,
વરના હમ ભી આદમી થે કામ કે.”
ભગવતીચરણ વર્મા લિખિત વાર્તા, ‘વરના મિયાં રાહત ભી આદમી થે કામ કે’ પર આધારિત ભાવાનુવાદ.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નિરાકૃત ચહેરો : ભાગ -૧
નયના પટેલ
શાંત સ્વભાવની બેલા એના રૂમમાં બેસીને કોમપ્યુટર પર એની કંપનીનું કામ કરતી હતી.
રીના બે વર્ષ પહેલાં જ્યારે બિમલને પરણીને આવી ત્યારથી એની નણંદ બેલાને આવી શાંત જ જોઈ છે. ઘણીવાર એની નજીક જવાનો પ્રયત્ન કર્યો પરંતુ દિવાલ સાથે માથું પછાડાયા જેવું થાય છે. બેલાની પોસ્ટ આવી હતી તે આપવા માટે રીના એના રૂમમાં આવી હતી.
‘દી, આ તમારી પોસ્ટ’ કહી વાત કરવી હોય એવા ભાવે બેલાના ખાટલા પર બેઠી.
‘થેંક્સ’ કહીને બેલાએ એનું કામ કરવાનું ચાલુ રાખ્યું.
રીનાને થયું એ એની સામે જોઈ તો આજે તો એને મેરેજ બ્યુરોમાં રજિસ્ટર થવા માટે આગ્રહ કરવો જ છે.
પણ બેલાએ તો જાણે રીનાને જોઈ જ ન હોય તેમ કામ ચાલુ જ રાખ્યું.
રીના અકળાઈને બોલી, ‘ દી, થોડો આરામ લો ને! સવારના સાડા આઠ વાગ્યાથી બેઠાં છો, આ દસ થવા આવ્યા. તમને ભાવતી કોફી બનાવી આવું?’
એકદમ સંયત સ્વરે બેલાએ કહ્યું, ‘ ના, રીના, આઈ એમ ફાઈન. હમણાં તું આવી તે પહેલાં જ ઊભા થઈને થોડી કસરત કરી છે.’
પછી રીના સામે જોઈ પૂછ્યું, ‘ તને કંઈ કામ છે? અને હોય તો ય બપોરે જમતી વખતે કરજે ને! હમણા ‘વર્કિંગ ફ્રોમ હોમ’ છે એટલે ઓફિસમાં હોઈએ એ પ્રમાણે કામ કરવું જોઈએ.’ કહી ફરી કામમાં મન પરોવ્યું.
રીનાને મોટેથી બોલવાનું મન તો થઈ આવ્યું, ‘ આમને આમજ દી, તમે ૩૫ વર્ષના થવાનાં અને…’એની વિચારમાળા અટકી કારણ બેલાએ એક શાંત નજર એની તરફ નાંખી. વગર કહ્યે સમજી જવાય એટલો સ્પષ્ટ એમાં જવા માટેનો આદેશ હતો!
રીના ગઈ.
અણગમાની એક પણ રેખા બેલાના મોં પર દેખાઈ નહીં છતાં રૂમમાં ક્ષણ માટે અણગમો એક મોજું બની તટસ્થ દેખાતાં વાતાવરણમાં ભળી ગયો.
હવે તો બેલા, લોકોની બોડી લેંગ્વેજ જોઈને જ સામેની વ્યક્તિ કયા વિષય પર વાત કરવા માંગે છે એ સમજી જતી.
વાસ્તવિક જીવનમાં બેલા જેટલી સ્વસ્થ દેખાય છે એટલી જ અંદરથી એ અસ્વસ્થ છે…..ના……અસ્વસ્થ નહીં, સાવ નિષ્પ્રાણ બની બેઠી છે.
એકલતાના સમુદ્રમાં તણાતી જતી બેલાના ભૂતકાળનાં વમળમાંથી નીકળવાનાં હવાતિયાં હવે શાંત પડી ગયાં છે અને આંખો બંધ કરીને બસ તણાતી જાય છે.
નાનાભાઈ બિમલને ગળે વળગાડી સાત વર્ષની ઉંમરે બેલા અચાનક મોટી થઈ ગઈ હતી.
છૂટકો જ નહોતો.
ભૂતકાળની અમુક વાતો જે કોઈને જ ખબર નથી, માત્ર બેલાએ જ જોઈ છે, સાંભળી છે અને અમુક અંશે અનુભવી છે તે બનાવો ચામડીની જેમ એને જડબેલાસક ચોંટી રહ્યાં છે. એને ખબર છે કે શરીરની ચામડી કદાચ ઉતરડી શકાશે પણ પેલી ભૂતકાળની બિભત્સ પણે ચોંટેલી ચામડી તો ક્યારે ય નહીં ઉતરડાશે.
મમ્મી – પપ્પાના કમોત વખતે નાનો ભાઈ બિમલ માત્ર ચાર વર્ષનો હતો. મા-બાપ વગરના બન્ને બાળકોને કોઈ રાખવા તૈયાર નહોતું. કાકા-કાકીઓ, મામા-મામીઓ, માસી-માસા સૌ ચૂપ ચાપ તેરમાની વિધિ પતાવીને આસ્તે આસ્તે ખસી ગયા હતા. બેબાકળા બની ગયેલા બિમલને ગળે વળગાડી સાત વર્ષની બેલા ચૂપચાપ એક ખૂણામાં બેસી રહેતી, કોઈએ તો ખૂણો પાડવો પડે ને?
જ્યારે કોઈ બેસવા આવ્યું ન હોય ત્યારે છાને ખૂણે મમ્મીના સગા પપ્પાનો વાંક કાઢતા અને પપ્પાનાં સગા મમ્મીનો વાંક કાઢતા બેલાએ સાંભળ્યાં હતાં, એ બધો ભાર વેંઢારીને એ ઘરમાં ગુમસુમ ફર્યા કરતી.
મેનાફોઈને દયા વસી ખરી, ફોઈ થોડા દિવસ એમના ઘરે રહી અને કાકા-કાકીઓ અને મામા-મામીઓ સાથે બેઠકો કરી. આખરે બેલાને રાખવા એક મામા-મામી તૈયાર થયા પણ બિમલનાં તોફાનને જોઈને સૌએ નન્નો ભણી દીધો. આ બધી ચર્ચાઓ વખતે ચૂપચાપ એક ખૂણામાં બિમલને ગળે વળગાડી બેસી રહેલી બેલા, ખંડમાં પડેલા સન્નાટાને ખળભળાવતાં બોલી હતી, ‘ હું મારા ભાઈથી છૂટી પડવાની નથી.’
લ્યો!
હવે?
ફુઆની સખ્ખત નામરજી છતાં ય આખરે મેનાફોઈ, ‘ભાઈનાં નિરાધાર બાળકોને પોતાની પાંખમાં સમાવે નહીં તો આ કૂમળા બાળકો જશે ક્યાં?’ ના વિચારે બન્ને બાળકોને, મક્કમ નિર્ધાર સાથે પોતાને ઘરે લઈ ગયાં.
ફોઈને ત્યાં નિમાણા થઈને રહેવાની શરૂઆત સાથે બિમલના ધમપછાડાને ઓછા કરાવવામાં જ બેલાનું ધ્યાન રહેતું.
ફોઈ વડોદરા રહેતાં હતાં એટલે સારું થયું બેલાને એની જૂની સ્કુલે જવાનું નહોતું. સાત વર્ષની ઉમ્મરે મમ્મી – પપ્પાનાં મોતનાં દુઃખ કરતાં શરમ કેમ લાગે છે તે જ્યારે બેલાને સમજાવા માંડ્યું હતું ત્યારથી એના આંસુ એના મનની મરુભૂમિમાં શોષાય જવા માંડ્યા હતાં….અને છતાં ય મમ્મી ડગલેને પગલે યાદ આવતી! આવડી ટચુકડી બેલાએ મમ્મીના ઉદાસીના જગતમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો પણ, મમ્મીનાં કણસવાના અવાજનાં ભણકારા સિવાય એ કંઈ જ પામી શકી નહોતી.
મમ્મી પાસે વાળ હોળાવતા રડીને ધમાલ કરતી સાત વર્ષની બેલાને, મમ્મી જતાં જ જાતે વાળ હોળતાં આવડી ગયું, વાસણ લૂછીને ગોઠવતાં શીખી ગઈ, સાંજનો કચરો વાળવાની જવાબદારી ઉઠાવી લીધી. ‘ફોઈ, લાવો હું બિમલને નવડાવું?’ કહી ફોઈને બને એટલી સહાય કરવા તત્પર રહેતી બેલાની સામે જોઈને ઘણીવાર મેનાની આંખ છલકાઈ જતી.
મેનાને માત્ર એક ૧૨ વર્ષની દીકરી રીચા હતી. શરૂઆતમાં આ બન્ને મામાના બાળકો ઘરમાં કાયમ માટે અચાનક આવી પડ્યાના બનાવે એ દિગ્મૂઢ બની ગઈ હતી. કેટલેક અંશે પોતાને અસલામત માનવા માંડી હતી. વળી એ સંદર્ભે એના મમ્મી પપ્પા વચ્ચે થતાં ઘર્ષણે પણ એને મુંઝવી.
બેલા – બિમલની જવાબદારી આવ્યા પછી મેનાએ જોબ છોડી દેવી પડી, ત્યારે ઘણી વખત ફુઆ અને ફોઈ વચ્ચે થતી બોલાચાલી વખતે ઓશિયાળી બનીને, ભાઈલાને લઈને બેલા ઓટલાના એક ખૂણે સંતાઈ રહેતી. ઘરની આર્થિક પરિસ્થિતિમાં સમાધાન કરવા મેનાએ ઘરે ટ્યુશન કરવા માંડ્યા હતાં. ફોઈના આગ્રહને લીધે બેલાએ સ્કુલે જવાનું શરૂ તો કર્યું પણ એ ઉમ્મરે સ્કુલે ભણતી વખતે પણ એનું ધ્યાન ઘરે ફોઈ પાસે રહેતા બિમલની આસપાસ ઘૂમ્યાં કરતું.
ધીમે ધીમે બધું થાળે પડવા માંડ્યું.
બિમલે ફરીને હવે વડોદરામાં બાલમંદિરે જવાનું શરુ કર્યું હતું. એના બાળ હૃદયને ખબર પડી ગઈ હતી કે મમ્મી અને પપ્પા હવે ક્યારેય આવવાના નથી. એના ધમપછાડા શાંત પડવા માંડ્યા હતા. રીચાએ પણ હવે આ બન્ને બાળકોને ઘરની વ્યક્તિઓ તરીકે સ્વીકારી લીધાં હતાં – માત્ર મેનાનો પતિ દીપક, એ લોકોને સ્વીકારી શક્યો નહોતો. એનો વિરોધ ધીમે ધીમે શાંત પડી ગયો હતો અને જીંદગીને સમથળ કરવામાં મેનાને સાથ આપવા તો માંડ્યો હતો. છતાં ક્યારેક ‘કેમ મેનાએ એને પૂછ્યાં વગર આ નિર્ણય લીધો’ નો આક્રોશ એના વર્તનમાં આવી જતો.
ઘણી બધી રાતોએ બેલા અચાનક જાગી જતી, મમ્મીને ત્યાં હતી ને જાગી જતી તેમ!
પણ એ અવાજ એણે મેનાફોઈને ત્યાં ક્યારેય સાંભળ્યો નહોતો. પછી બધું બરાબર છે એમ લાગતાં એ ઘસઘસાટ સૂઈ જતી.
સમજણો થતો જતો બિમલ જ્યારે ઘરમાં કોઈ નહી હોય ત્યારે બેલાને પૂછતો, ‘ હેં, બેન આપણે આપણા ઘરે ક્યારે જઈશું?’
મોટા નિ:સાસાને અંદર સમાવી એ કહેતી, ‘તું અને હું જલ્દી ભણી લઈને એટલે અહીંથી દૂ……ર દૂર એક ઘર લઈને રહશું. પછી આપણે બન્ને ‘આટલું બધું કમાઈશું’(બે હાથ પહોળા કરીને) અને આરામથી રહીશું’
બન્ને ભાઈ બહેનનું આ એક સહિયારું સ્વપ્ન હતું.
ફોઈની દીકરી રીચાને જ્યારે જ્યારે એના પપ્પાકે મમ્મી સાથે લાડ કરતી જોતાં ત્યારે ત્યારે બન્ને બાળકો તરસી આંખ્યે જોઈ રહેતાં. મેનાફોઈનાં ક્યારેક પ્રત્યક્ષ અને ક્યારેક અપ્રત્યક્ષ વહાલે તો આ બન્ને ભાઈ-બહેનને મમ્મીનાં વહાલને વિસારવામાં મદદ કરી હતી અને જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ એ વહાલની અમૂલ્ય કિંમત સમજતા થયા હતા.
૧૨મા ધોરણમાં આવેલી બેલાએ ટ્યુશન કરીને ફોઈને આર્થિક સહાયરૂપ થવાની શરૂઆત જ્યારે કરી ત્યારે મેનાની આંખો અનાયાસે વરસી પડી હતી!
બેલા બિઝનેસ મેનેજમેંટમાં જ્યારે આખા રાજ્યમાં ફર્સ્ટ આવી ત્યારે અત્યાર સુધી અળગા રહેતા દીપકે પણ એને અંતરથી અભિનંદી હતી.
ખેર, આ જ તકની રાહ જોતી હોય તેમ બેલાએ ગુજરાત બહાર નોકરી માટે અરજીઓ કરવા માંડી હતી.
ત્રણ ત્રણ જગ્યાએથી નોકરીની ઓફર આવી ત્યારે બેલા, એનાં પલટાતાં નસીબે આપેલા પ્રથમ અક્લ્પ્ય અચંબાની મારી રડી પડી હતી…..રીચા તો નવાઈથી એને જોઈ જ રહી હતી, ‘ બેલી, આટલા આનંદના સમયે રડે છે, મૂર્ખી!’
નસીબે પાસું બદલ્યું અને એણે પૂણેની નોકરી સ્વીકારી લીધી. બિમલ પણ કોંપ્યુટિંગ પ્રોગ્રામિંગમાં ડિગ્રી કરતો હતો. આટ આટલા વર્ષો સુધી જે ફોઈએ મમ્મી અને પપ્પાની ખોટ ન સાલે એનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો, જે ફુઆને એ લોકોનું આગમન ગમ્યું નહોતું તો પણ કાઢી નહોતાં મૂક્યા- રસ્તે રખડતાં નહોતા કર્યા એમનો ઉપકાર માથે ચઢાવી અને રીચા તથા ફોઈને એક મોટું ‘હગ’ આપી બન્ને ભાઈ – બહેન પડખું બદલતાં નસીબ પર સવાર થઈને ચાલી નીકળ્યાં હતાં.
પૂણે સેટલ થયા પછી બેલાએ પાછળ વળીને જોયું નથી. નોકરીમાં પ્રમોશન, ઘર અને ભાઈલો બિમલ એ જ એનું કેંદ્રબિંદુ.
કોમ્પુટર પર કામ કરતાં હાથ ક્યારે અટકી ગયાં હતાં એ પણ બેલાને ખ્યાલ ન આવ્યો.
બિમલે આવીને એને પાછળથી વહાલ કરી , ગળે હાથ વિંટાળી, જમવા બોલાવી ત્યારે એ એકદમ ચમકી ગઈ.
‘શું થયું, બેની?’ બિમલે પૂછ્યું તો ખરું પણ એને ખબર છે કે બેલા અણગમતાં, કાંટાળા ભૂતકાળમાં સરી પડી હશે!
રીના જમી પરવારીને બેલાના રૂમમાં આવી, ‘ દી, મારે તમારી સલાહ જોઈએ છે.’ કહી સમાચારપત્ર વાંચતી બેલા પાસે ખાટલામાં બેઠી.
સંમતિસૂચક નજરે એણે રીના સામે જોયું.
‘દી, મને થાય છે હું નોકરી માટે એપ્લાઈ કરું તો કેમ?’
બેલાને મલકાઈને કહ્યું, ‘ મને શું પૂછે છે? તારા વર ને પૂછને.’
બિમલ તો કહે છે કે, ‘ભણી લીધું તો હવે થોડો સમય આરામ કર પછી આખી જીંદગી નોકરી કરવાની જ છેને!’
બિમલ અને રીનાના લગ્ન વખતે રીનાનું સાયકોલોજીમાં પી.એચ.ડીના રીસર્ચનું કામ ચાલતું હતું એ પતી ગયું હતું અને રીનાને હવે ડૉક્ટરેટ મળી ગયું હતું.
રીનાની સામે ખૂબ જ ઝળહળતી કારકિર્દી પડી હતી. અને બે મહિના આરામ કરીને હવે એ પુણેની એક ખૂબ જ પ્રખ્યાત હોસ્પિટાલમાં સાઈકોલોજીસ્ટ તરીકે જોડાવા માટે ઉત્સાહિત હતી.
બેલા એની સામે વહાલથી જોઈ રહી.
‘તારું મન શું કહે છે એ કર.’
‘મારે તો બને એટલો જલ્દી જોબ શરુ કરવો છે, દી.’
‘તો શરુ કરી દે ને, બિમલે સૂચન કર્યું છે, ઓર્ડર થોડો કર્યો છે?’ કહી પેપરની ગડી વાળી બાજુ પર મુકી આળસ મરડ્યું.
‘દી, સૂઈ જવું છે?’ જે વાત કરવાનો નિર્ણય કેટલાય દિવસોથી કર્યો હતો તે બેલા સામે આવતાં જ પડી ભાંગતો.
બેલાનું વ્યક્તિવ્ય જ એવું હતું કે એની મરજી સિવાય કોઈ પણ વ્યક્તિ બેલાની નજીક જવા પ્રયત્ન કરે તો એની આસપાસ રચેલા કિલ્લાની બારી – બારણા વગરની દિવાલ સાથે અથડાઈને પાછા વળી જવું પડતું.
‘હા, થોડીવાર આડી પડી લઉં.’ કહી પથારીમાં લંબાવ્યું.
વાત કરવી કે નહીંની અવઢવમાં બેઠેલી રીના સામે જોઈ બેલાએ પ્રેમથી પૂછ્યું, ‘ શું કહેવું છે તારે, રીના?’ બોલવાની મંજુરી મળતાં જ રીના ખુશ થઈ ગઈ પણ ક્યાંથી અને કેવી રીતે વાત શરુ કરવી તેની મુંઝવણ એના ચહેરા પર લીંપાઈ ગઈ.
‘દી, છે ને તે તમે….. અમ…..’
મોઢા પર મલકાટ સાથે એ રીનાની મુંઝવણને જોઈ રહી.
‘તમે દી, મેરેજ બ્યુરોમાં…’ બોલીને રીના અટકી, બેલાના મોંના ભાવ કળવા પ્રયત્ન કર્યો.
‘કેમ રીના, હું તને ભારે પડું છું? અવાજમાં થોડી રમુજ સાથે એણે રીનાને પૂછ્યું.
‘ના, દીદી, પ્લીઝ, ડોન્ટ ટેઈક મી રોંગ. આઈ વુડ લાઈક ટુ સી યુ હેપ્પી, ધેટ્સ ઓલ.’
‘કોણે કહ્યું કે હમણાં હું ખુશ નથી? લગ્ન કરે તો જ સ્ત્રી સુખી થાય?’
ધારદાર જવાબથી રીના થોડી ઝંખવાણી પડી ગઈ.
રીના નિરાશ થઈને ઊઠવા જતી હતી એનો હાથ પ્રેમથી પકડી બેલાએ એને ફરી ખાટલા પર બેસાડી દીધી, ‘જો રીના, તારી લાગણીની હું કદર કરું છું. પણ …..’ બોલતાં અટકીને બેલા બારી બહાર તાકી રહી.સાતમા માળની બાલકનીમાંથી નીચે દેખાતાં સોસાયટીના સ્વિમિંગ પુલ પર એની નજર સ્થિર થઈ ગઈ.
પછી એક ઉદાસ નજર રીના પર ઠેરવીને બોલી, ‘ રીના, તું પાણીમાં તરવા માટે જાય અને પહેલે જ દિવસે ડૂબી જતાં જતાં બચી જાય. બીજે દિવસે હિંમત કરીને ફરી જાય, ફરી પાણીમાં કૂદે અને આગલા દિવસ કરતાં પણ ખરાબ રીતે ડૂબતાં ડૂબતાં બચી જાય, એમ વારંવાર થતું રહે તો તું ક્યાં સુધી તરવાનું ચાલુ રાખે?’
રીના, બેલાનો કહેવાનો અર્થ સમજી તો ગઈ છતાં કહ્યું, ‘ના, દી, થોડા દિવસ રહીને તરવાનું પડતું મુકું. પણ જીવનની વાત જુદી છે. પાણીમાં તરવું એ જરૂરી નથી પણ જીવન તો જીવ્યા વગર છૂટકો નથીને?’
‘તું તો સાઈકોલોજીસ્ટ છે, તને ખબર છે હું શું કહેવા માંગું છું. પાણીમાં તરવું ભલે જરૂરી ન હોય પરંતુ વારંવાર ગુંગળાવાનો અનુભવ ખૂબ વસમો છે, પછી તે પાણી હોય કે જીવન, રીના.’ કહી રીનાનો હાથ થપથપાવી ઓશીકે માથું ટેકવી સુવાની તૈયારી કરી.
જવા માટેના સંકેતને સમજીને રીના ઊઠી, ‘ દી, કોઈ દિવસ તમે મને તમારા દિલમાં ડોકીયું ન કરવા દો?’
હસીને બેલા પડખું ફેરવીને સૂઈ ગઈ.
એટલીસ્ટ ‘ગુંગળાવા’ની વાત કરી એ પણ દીદીની નજીક જવાની પગદંડી મળી હોય એટલી રીના ખુશ થઈ ગઈ.
આંખો મીંચી રીનાથી છૂટકારો તો મેળવ્યો પણ અંદરને અંદર વર્ષોથી ધરબાયેલા કંઈ કેટલાય પ્રસંગો અંતરની સપાટી પર આવવા મથતાં હતાં તેનાથી છૂટકારો ક્યારે મળશે?
મીંચેલી આંખને ગણકાર્યા વગર એક મોટ્ટો નિસાસો નીકળી ગયો.
અને બારણા બહાર પગ મૂકતી રીનાએ એ નિસાસો સાંભળ્યો. એ નિસાસાએ રીનાના નિશ્ચયને પ્રબળ બનાવ્યો – ‘દીદી, તમારા મનને ખાલી થવા દો, પછી જોજો એક નવી જ બેલા પ્રગટશે.’
એ વાતને ઘણા દિવસો – મહિનાઓ પસાર થઈ ગયા. રીનાને એની મનગમતી નોકરી મળી ગયાને ય છ મહિના થઈ ગયા.
એક દિવસ બેલાએ જોયું કે કેસ રિપોર્ટ લખતી રીના ખૂબ ગંભીર લાગતી હતી.
‘રીના, સાંજે શું ખાવું છે?’
‘તમને જે ભાવે તે બનાવો, દી’ રિપોર્ટ લખવાનું અટકાવી બેલા સામે જોઈને રીના બોલી.
‘રીના, તું રડે છે?’ રીનાની આંખો સુજેલી અને લાલ લાગી એટલે બેલાએ ચિંતિત થઈ પૂછ્યું.
‘દી, ચા બનાવશો, પ્લીઝ? પછી હિંચકે બેસી ચા પીતાં પીતાં વાત કરું. ત્યાં સુધીમાં આ થોડું લખવાનું પતાવી લઉં.’ કહી એક ઉદાસ નજર નાંખી ફરી રિપોર્ટ લખવાનું શરુ કર્યું.
રીનાને ‘ચા થઈ ગઈ છે’ ની હાક મારી, બેલાએ ચા અને ખારાં સક્કરપારાની પ્લેટ બાલકનીમાં રાખેલા ટેબલ પર મૂકી હિંચકા પર બેઠી. દૂર દૂર ખેતરોની હારમાળ હતી. લીલીછમ ધરતી આંખને ઠંડક આપતી હતી. ધૂળ ઊડાડતું ગાયોનું ધણ દૂરથી પસાર થતું હતું,
એને ‘ગોધૂલી’ શબ્દ યાદ આવ્યો. એ સાથે સારંગ યાદ આવી ગયો.
‘સારંગ’ લેખક હતો…….’હતો!’ બેલાથી એક દયામણું સ્મિત થઈ ગયું. જે પૃથ્વી પર ‘છે’ પણ એને માટે ‘હતો’ શબ્દ મનમાં આવ્યો!
બાજુમાં રીના આવીને બેઠી ત્યારે અચાનક બેલા ચમકી, ‘ ઓહ, તું આવી ગઈ? તારો રિપોર્ટ પત્યો?’ પોતાની ચમક છૂપાવવા એણે બે પ્રશ્નો સાથે પૂછ્યા એમ રીનાને લાગ્યું.
‘શું વિચારમાં પડી ગયા દી’?’
‘ખાસ કંઈ નહી. પેલું ગાયોનું ધણ દેખાય છે ને? એમના ચાલવાથી ધૂળ ઊડે છે તે જોઈને એક ખૂબ સરસ શબ્દ યાદ આવ્યો, એને ‘ગોધૂલી’ કહેવાય.
બેગ્લોરમાં જ ઉછરેલી રીના ગુજરાતી હોવાં છતાં એનું ગુજરાતી માત્ર બોલચાલ પૂરતું જ મર્યાદિત હતું.
‘વાહ, કેટલો સરસ શબ્દ છે!’
બેલાએ રીના સામે જોયું અને નોંધ્યું કે જાણે એ બોલવા માટે જ બોલી હતી. એનું ધ્યાન તો કશે બીજે જ હતું.
બેલા ઊઠી અને એક ચાનો કપ રીનાને આપ્યો, બીજો એણે લીધો અને સક્કરપારાની ડીશ વચ્ચે રાખી ફરી હિંચકે બેઠી.
રીનાને આવી શાંત ભાગ્યે જ બેલાએ જોઈ હતી.
એ રીનાને કાયમ પતંગિયા સાથે સરખાવતી. નિર્દોષ, ચંચળ અને સપ્તરંગ જેવી આનંદી!
બન્ને જણ ચૂપચાપ ચા પીતા રહ્યાં. એકદમ ફેવરિટ સક્કરપારાને રીનાએ હજી હાથ પણ નથી લગાવ્યો.
‘’બોલ, રીની, કેમ આટલી બધી ડિસ્ટર્બ દેખાય છે?’
‘હં…..દી’, હમણા જે કેસ મારી પાસે આવ્યો છે ને…..’ વાક્ય અધૂરું રાખી એ ક્ષિતિજ તરફ શૂન્ય નજરે જોતી રહી.
બેલા એના સ્વભાવ મુજબ શાંત રહી હિંચકાને ઠેસ મારતી રહી.
‘અમને કાઉંસેલિંગમાં શીખવવામાં આવ્યું હતું કે ‘તમે કાઉંસેલરો ભગવાન નથી કે ક્લાયંટનું દુઃખ દૂર કરી દો. તમે માત્ર જ્યારે જે ક્લાયંટ વિચારોનાં વમળમાં ઘેરાયેલા હોય ત્યારે તેને તેમાંથી બહાર આવવામાં મદદ કરો છો. આખરે તો ક્લાયંટે જ એમના પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવાનું છે. એ લોકોની સંવેદનાથી તમારે ડિચેડ્ રહેવાનું’
થોડીવાર જમીન સામે જોઈને પછી બેલા સામે જોઈને બોલી, ‘ તમે જ કહો દી, આપણે આખરે તો માણસ છીએને?’
સંમતિસૂચક માથું હલાવી બેલા રીના સામે જોઈ રહી.
‘ગયા મહિને અમારા વિભાગમાં એક છોકરીને દાખલ કરવામાં આવી. ઊંમર છે ૧૨ વર્ષની, એનો કેસ મને સોંપ્યો. મનોવૈજ્ઞાનિક અભ્યાસ સાથે મારે એને કાઉંસેલિંગ પણ કરવાનું છે. અને એ જ તો મારો જોબ છે એટલે એ કંઈ નવું નથી.’
રીના આટલું કહી ચૂપ થઈ ગઈ અને આંખો મીંચી પાછળ માથું નાંખી બેસી રહી.
સાંભળવું એ પણ એક કળા છે અને એ કળામાં બેલા પરંગત છે.
સામે દેખાતાં ખેતરો પર અંધારાના ઓળા ઉતરી આવ્યા હતાં. તમરાં અને કંસારીઓના અવાજ શાંત વાતાવરણને સંગીતમય બનાવતા હતાં.
ચૂપ વાતાવરણને ખળભળવવાનું બેલાને ગમ્યું તો નહીં પણ સાંજના ખાવાનાની ચિંતા થવાથી એણે એનો મોબાઈલ ઉઠાવ્યો અને પિઝાનો ઓર્ડર આપ્યો.
ચૂપચાપ બેઠેલી રીનાએ બેલાનો હાથ પોતાના હાથમાં લઈને પંપાળ્યા કર્યો, જાણે સ્પર્શથી કહેવાનો પ્રયત્ન કરતી ના હોય!
‘શરૂઆતમાં એ છોકરી ખાટલામાં બેસી જ રહેતી. સૂવાનું કહીયે તો અમારી સામે જોયા કરે, કોઈ જવાબ ન આપે. લગભગ એ બેઠી બેઠી જ ઊંઘે. એક વખત એને નર્સે, જ્યારે એ ભર ઊંઘમાં હતી ત્યારે આસ્તેથી ખાટલામાં સુવાડી દીધી. કેટલાય દિવસથી એ છોકરી સરખી રીતે સૂતી નહોતી એટલે ઘસઘસાટ ઊંઘતી હતી. અમારા મેંટલહેલ્થનાં પેશંટોની શારીરિક તપાસ માટે જે ડોક્ટર આવે એણે ધીમેથી એ છોકરીનાં હૃદયનાં ધબકારા સાંભળવા સ્કેથેસ્કોપ એની છાતી પર મુક્યું…….અને દીદી………..
ભાગ ૨ ૨૧ -૦૫ -૨૦૨૩ ના રોજ
સુશ્રી નયના પટેલ:નાં સંપર્ક સૂત્રો
29, Lindisfarne Road, Syston, Leicester, UK. LE7 1QJ
TEL: +44 7800548111 | E-mail: ninapatel47@hotmail.com -
મધુરેણ સમાપયેત્!
વલીભાઈ મુસા
વહેલી સવારે ‘કલ્યાણ’ બંગલાના પ્રાંગણના બગીચામાંના વિવિધરંગી ગુલાબના છોડવાઓની કોઈક કોઈક સૂકી ડાળીઓને કલ્યાણરાય કાતર વડે કાપી રહ્યા હતા. પુત્રો અને પુત્રવધૂઓ હજુ પોતપોતાના શયનખંડોમાંથી બહાર નીકળ્યાં ન હતાં. છોકરાં પણ એમના માસ્ટર બેડરૂમમાં નિદ્રાધીન હતાં. એક માત્ર નાનકી કે જે દાદીના અવસાન પછી દાદાને એકલવાયાપણું ન લાગે તે માટે એમના શયનખંડમાં જ હંમેશાં સૂઈ રહેતી હતી તે જાગી ગઈ હતી. કલ્યાણરાય બિલ્લીપગે બહાર નીકળ્યા હતા અને દરવાજો પણ હળવેથી બંધ કર્યો હતો કે જેથી એની ઊંઘમાં ખલેલ ન પડે. પરંતુ ક્યારનીય જાગી ગયેલી નાનકી શૌચાદિક્રિયા પતાવ્યા બાદ દાદા અને પોતાના માટેની ચા ટ્રેમાં લઈને બગીચામાં આવી ગઈ હતી.
બગીચાના બાંક્ડા ઉપર બેસીને દાદા-દીકરી ચાની ચૂસકી લેતાંલેતાં વાતે વળ્યાં. કલ્યાણરાય વાસ્તવમાં તો નાનકીના ‘પિતા’ હતા, પણ ઘરમાં બધાં એમને ‘દાદા’ના હૂલામણા નામે સંબોધતાં હતાં. સ્વર્ગસ્થ ‘બા’ને પણ સૌ ‘દાદી’ તરીકે જ બોલાવતાં હતાં.
‘તું આજે વહેલી જાગી ગઈ કે પછી રાત્રે બરાબર નિંદર જ આવી ન હતી?’
‘મેં સૂતાં જ સંકલ્પ કરેલો કે હું વહેલી ઊઠી જઈશ. મારે આપની સાથે થોડીક વાત શેર કરવાની છે.’ શકુંતલા બોલી.
ઘરમાં બધાં શકુંતલાને ‘નાનકી’ તરીકે સંબોધતાં પણ વાસ્તવમાં તો તે એમ. એ.માં અભ્યાસ કરતી પુખ્તવયની તરુણી બની ચૂકી હતી.
‘બોલ બેટા, શી વાત છે?’
‘આજે રવિવાર છે અને આપણી સાથેના લંચમાં મેં મારા બોયફ્રેન્ડ કપિલને નિમંત્ર્યો છે. અમારી છએક મહિનાની ડેટીંગ પછી અમે વૈવાહિક સંબંધે જોડાવાના નિર્ણય નજીક લગભગ આવી પહોંચ્યાં છીએ. ઘરમાં આપ અને સહુ વડીલો કપિલ સાથે વાતચીત કરીને આખરી મહોર મારી દો તો અમે અમારો નિર્ણય પાકો કરી લઈએ. કપિલના પક્ષે બધું સમસૂતર છે.’ શકુંતલાએ આડું જોઈને એકીશ્વાસે બોલી નાખ્યું.
‘વાહ, ધ ગ્રેટ! મારી તો સવાર સુધારી દીધી! પરિવારમાં હાલમાં તો તું એકલી જ કુંવારી છે અને તારા પરણી જવાથી મારી જવાબદારી પરિપૂર્ણ થઈ જશે. જો બેટા, સવારે સવારે તારી વાતને અનુલક્ષીને એક નાનકડું સંભાષણ ઠોકી દઉં તો મને સહી લેજે. વિશ્વભરની લોકશાહી શાસનવ્યવસ્થામાં નાગરિકોના વાણીસ્વાતંત્ર્યના અધિકારને માન્ય રાખવામાં આવ્યો છે, પરંતુ એ અધિકાર ઘણાં રૂઢિચૂસ્ત પરિવારોમાં પ્રવેશવાની હજુ તો રાહ જુએ છે. એ મોટેરાંઓ કૌટુંબિક સંસ્કારોની દુહાઈઓ આપી આપીને નાનેરાંઓને ચૂપકીદી સેવવાની ફરજ પાડતાં હોય છે. આપણું કુટુંબ આ બાબતે અપવાદ છે, તે તું સારી રીતે જાણે છે. આપણા ત્યાં આબાલવૃદ્ધ સૌ કોઈ જે તે મુદ્દે પોતપોતાના સ્વતંત્ર અભિપ્રાયો આપી શકે છે; વળી એટલું જ નહિ, પણ પુખ્ત વયે પહોંચેલાં અવિવાહિત જુવાનિયાં પોતાનાં જીવનસાથીની પસંદગી પણ જાતે જ કરી શકતાં હોય છે. જીવનસાથીની આખરી પસંદગી વખતે અમે માર્ગદર્શન ભલે આપીએ, પણ અંતિમ નિર્ણય તો તમારે લોકોએ જ લેવાનો હોય છે. આંતરજાતીય કે આંતરધર્મી, ગોઠવાયેલાં કે પ્રેમલગ્ન એવા ગમે તેવા વૈવાહિક પ્રકાર પરત્વે અમે કદીય કોઈ ભેદભાવ સમજ્યાં નથી. હા, બધાંને એટલું જરૂર કહેવામાં આવતું હોય છે કે તેમણે લીધેલા નિર્ણય પછી તેમનો સુખી કે દુ:ખી ઘરસંસાર એવું જે કંઈ પરિણામ આવે તેના માટે અમે વડીલો જવાબદાર ગણાઈશું નહિ. કોઈના નિષ્ફળ લગ્નજીવનની સમાપ્તિ કરવાનો પ્રસંગ આવે તો તે સંજોગોમાં પણ અમે લોકો તો તટસ્થ જ રહીશું એવું સ્પષ્ટપણે કહી દેવામાં આવતું હોય છે. તારા ત્રણ ભાઈઓ અને બે બહેનોએ જે રીતે કરી લગ્ન કરી બતાવ્યાં છે, તે જ રીત તને પણ લાગુ પડે છે. એ પાંચેય જણ પોતપોતાના દાંપત્યજીવનથી ખુશ છે અને મને વિશ્વાસ છે કે તું પણ સુખી જ થઈશ. લે, મારું સંભાષણ પૂરું થયું; હવે બોલ તારે શું કહેવાનું છે?’
‘આપે મારાં પાંચેય ભાઈબહેનોને પાત્રપસંદગી માટેની બધી જ જાતની છૂટ આપી હોવા છતાં એ લોકોએ આપણા સમાજમાં જ લગ્ન કર્યાં છે. એ લોકોને એમ બની શક્યું એટલા માટે કે એમણે ગોઠવેલાં લગ્ન કર્યાં હતાં, જ્યારે મારા કિસ્સામાં પરિસ્થિતિ જુદી છે.’ શકુંતલાએ સંકોચસહ કહી નાખ્યું.
‘એમાં ગાંડી, શરમાય કેમ છે? કહી નાખ ને કે તારે પ્રેમલગ્ન કરવાનાં છે અને કપિલ પરજ્ઞાતિનો છે.’
‘દાદા…દાદા!’થી આગળ ન બોલી શકતાં શકુંતલા શરમની મારી લજામણીના છોડની જેમ લચી પડી.
“‘દાદા…દાદા’થી આગળ બોલીશ કે?”
‘એ પરજ્ઞાતિનો તો ખરો, રેશનલ પણ છે!’
‘અરે વાહ, તો તો સસરા-જમાઈની જોડી જામશે ખરી! હું જાહેરમાં નહિ, પણ અંગત રીતે રેશનલ જ છું; તે તમે બધાં જાણો છો; તો પછી અમારી બેઉની જ્ઞાતિ તો એક જ થઈ ને! કપિલ હવે ક્યાં પરજ્ઞાતિનો રહ્યો? જા, મારા આશીર્વાદ છે કે બેઉ સુખી થાઓ.’
શકુંતલા ભાવવિભોર બનીને કલ્યાણરાયના ઝડપથી ચરણસ્પર્શ કરી લઈને હરખપદુડી થતાં હરણીની ઝડપે એમ બોલતી ત્યાંથી ભાગી ગઈ કે ‘ઓ, માય ધી મોસ્ટેસ્ટ ગ્રેટેસ્ટ દાદા!’. શકુંતલાનો દાદાને સંબોધન માટેનો શેક્સપિરીઅન અંગ્રેજી ઢબમાં બોલાતો આ હંમેશનો તકિયાકલામ હતો!
* * *
લંચનો સમય થયો. નાનાં બાળકોને પહેલાં ખવડાવી દીધું હતું અને એ બધાંને બગીચામાં મોકલી દેવામાં આવ્યાં હતાં. શકુંતલા સિવાયનાં બધાં મોટેરાંઓ ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં હતાં. ટેબલની વચ્ચે મોટામોટા બાઉલમાં વાનગીઓ મૂકી દેવામાં આવી હતી. શકુંતલાએ એ બાઉલમાં વાનગીઓ ઉમેરતા રહેવાની જવાબદારી નિભાવવાની હતી. સૌએ સેલ્ફ સર્વિસથી ભોજનને ન્યાય આપવાનો હતો. કલ્યાણરાયે આગ્રહ કરીને કપિલને પોતાની પાસેની ખુરશીમાં બેસાડ્યો હતો. જમવાની સાથેસાથે હળવી મજાક મશ્કરી થયા કરતી હતી. કપિલ ફુટડો યુવાન હતો. તેનો પડછંદ બાંધો અને હસમુખો સ્વભાવ પહેલી નજરે એક્મેકનાં વિરોધાભાસી લાગે, પણ હકીકતે જોતાં એ એકબીજાને પૂરક બની રહેતાં હતાં અને તેના વ્યક્તિત્વને ઉપસાવતાં હતાં. મિકેનિકલ એન્જિનિયરીંગમાં બી. ઈ. કરી લીધા પછી એકાદ વર્ષ પહેલાં જ પોતાના કૌટુંબિક ઓઈલ એક્સ-પિલર મશિન ઉત્પાદન કરતા ઉદ્યોગમાં તે જોડાઈ ગયો હતો.
કલ્યાણરાય અને કપિલ વચ્ચે સાહજિક વાર્તાલાપ થઈ રહ્યો હતો. કુટુંબનાં અન્ય સભ્યો ભોજન આરોગવામાં પરોવાયેલાં હતાં, પણ તેઓ કાન સરવા રાખીને એ બેઉ વચ્ચેની વાતચીતને એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યાં હતાં.
‘હંઅ, તો મિ. કપિલ, શકુંતલાએ જણાવ્યા મુજબ તમારાં કુટુંબીજનો આ લગ્નમાં સહમત છે જ. હવે તમે બેઉ જણ આખરી સહમતી સાધી લો તો આપણાં બેઉ પરિવાર સાંજનું ડિનર સાથે જ લઈએ.’
‘આપ વડીલોની પણ અમારા પરિવારની જેમ સહમતી અને આશીર્વાદ તો જોઈશે જ ને!’ કપિલે નિ:સંકોચ પોતાની વાત મૂકી દીધી.
‘તમારી બેઉની સંમતિમાં અમારી સંમતિ સમાયેલી જ છે. શકુંતલાએ તમને જણાવ્યું જ હશે કે અમારા કુટુંબમાં જીવનસાથીની પસંદગીમાં દરેકને સ્વતંત્રતા હોય છે. આજકાલનાં છોકરાં માબાપની ઉપરવટ જઈને પણ પોતાનું જ ધાર્યું કરતાં હોય છે, તો અમારા જેવાં વડીલોએ આગોતરી શરણાગતી સ્વીકારી લેવામાં કોઈ નાનમ ખરી?’ કલ્યાણરાયે મરક મરક હસતાં બધાંને હસાવી નાખ્યાં.
‘વડીલ, અમે તો માનીએ છીએ કે રૂપિયાથી મહોર મોટી એટલે મોટી જ હોય. અમારામાં પરિપક્વતાનો અભાવ હોય અને આપ વડીલો દીર્ઘદૃષ્ટિ ધરાવતાં હોઈ આપ સૌના નિર્ણયો ભાગ્યે જ ખોટા પડે.’
‘ચાલો દુનિયાભરના વડીલો વતી તમારા અમારા વિષેના ઊંચા ખ્યાલને અને કોમ્પ્લીમેન્ટને સ્વીકારી લઉં છું. તમે બેઉ એકબીજાની અપેક્ષા મુજબની શરતોની ચોખવટ કરી લેજો.’ કલ્યાણરાયે વ્યાવહારિક સૂચન કર્યું.
‘વડીલ, માફ કરજો જો આપની વાત કપાતી હોય તો; પણ લગ્નપૂર્વેની એવી કોઈ શરતો તો વેપારધંધાની શરતો જેવી ન બની રહે? પ્રેમ અને લાગણીના સંબંધોમાં એક્બીજા સાથેનું અનુકૂલન સાધી લેવાની તૈયારી હોય ત્યારે એમાં સઘળી શરતો કે અપેક્ષાઓનો સરવાળો થઈ જ જતો હોય છે.’
‘તમે ઓઈલ મિલની મશિનરીના ઉત્પાદક અને અમે સબમર્સિબલ પંપના ઉત્પાદક અને એક્ષપોર્ટર. તો ચાલો, આપણે આપણા વેપારધંધાવાળા ‘નિયમો અને શરતો લાગુ’ શબ્દોને હળવા બનાવીને ‘અપેક્ષા’ શબ્દ પ્રયોજીએ. તો બોલો, ભાવી જમાઈરાજ, અમારી શકુ તરફની તમારે ઓછામાં ઓછી એક અપેક્ષા તો અમને જણાવવી જ પડશે. તમે નહિ બોલો તો તમારી અગત્યની એક અપેક્ષાની મારે જ તમને યાદ અપાવવી પડશે. વચ્ચે બે બાબતે ખુલાસો કરી લઉં કે ‘તમને ભાવી જમાઈરાજ’ તરીકે એટલા માટે સંબોધ્યા છે કે હજુ સુધી આપણી વચ્ચે ‘મંજૂર’ (Done) ની ઔપચારિકતા થઈ નથી. બીજી બાબત એ કે મારા મનમાંની તમારી એ અગત્યની અપેક્ષા વિષેની વાત અમે દાદા-દીકરી જ જાણીએ છીએ, બાકીનાં બધાં અજાણ છે.’
‘દાદા, આપે તો મને ગૂંચવી નાખ્યો! એવી તો મારી કઈ અગત્યની અપેક્ષા હશે, જેની આપને અને શકુંતલાને જાણ છે અને મને નથી!’ આમ કહેતાં બાઉલમાં દૂધપાક ઉમેરવા આવેલી શકુંતલા સામે કપિલે જોઈ લીધું.
શકુંતલા દૂધપાકના પાત્રને ટેબલ ઉપર મૂકીને કિચન તરફ દોડી ગઈ અને દરવાજાની ઓથ લઈને કપિલ જુએ તે રીતે તેના એક હાથની મુઠ્ઠી ઉપર બીજા હાથની મુઠ્ઠીને ઘસી બતાવી.
કપિલ શકુંતલાના ઈશારાને પામી જતાં હાસ્યને પરાણે ખાળી રાખીને કલ્યાણરાયને કહ્યું, ‘વડીલ, આપનો સેન્સ ઑફ હ્યુમરનો માનાંક પેલી હાસ્ય સિરિયલમાં આવતા મિ. બિન કરતાંય ઘણો ઊંચો છે. હવે મને ખ્યાલ આવે છે કે આપ જે વાતનો ઈશારો કરી રહ્યા છો એને તો હું મારા જીવનની ભૂતકાલીન દુ:ખદ ઘટના ગણીને એક ‘નઠારા સ્વપ્ન’ની જેમ ભૂલી ગયો છું.’
ઘરનાં બાકીનાં બધાંના પોતપોતાના હાથમાંના ચમચીકાંટા સ્થિર થઈ ગયા અને તેઓ બધાં વિસ્ફારિત નયને એકબીજાં સામે જોઈ રહીને દાદા અને કપિલ વચ્ચે ચાલી રહેલી રહસ્યમય વાતનો તાગ મેળવવાની કોશિશ કરવા માંડ્યાં.
‘લ્યો, મારા સેન્સ ઑફ હ્યુમરના તમારા બીજા કોમ્પ્લીમેન્ટને પણ સહર્ષ સ્વીકારી લઉં છું. વળી તમારે મને મારી અવલોકનશક્તિ માટેના ત્રીજા કોમ્પ્લીમેન્ટને પણ જીભના ટેરવે લાવી રાખવો પડશે. પહેલાં તો તમે એમ કહ્યું હતું કે તમારી અગત્યની એ અપેક્ષાની તમને ખુદને જ જાણ ન હતી અને અચાનક વાતને ‘હવે મને ખ્યાલ આવે છે’ શબ્દો ઓઢાડીને એ યાદ આવી જવાનો જે અભિનય કરી બતાવ્યો છે એ મેં પકડી પાડ્યો છે. ચાલાક શકુએ કિચન તરફ ભાગી જઈને તમને ઈશારાથી સમજાવી દીધું લાગે છે; બોલો, ખરું કે નહિ?’
‘હા, ખરું. અમને આપે સાચે જ પકડી પાડ્યાં! હવે આપની તીવ્રતમ અવલોકનશક્તિ અને વિચક્ષણ બુદ્ધિ માટે આપ ત્રીજા કોમ્પ્લેમેન્ટના પણ હકદાર બની જાઓ છો.’ કપિલે અહોભાવપૂર્વક કહ્યું.
શકુંતલાના મોટાભાઈ ધવલરાયથી હવે ન રહેવાયું અને બોલી પડ્યા, ‘બાપલિયાઓ, તમે બંને જણા પહેલી બુઝાવવાનું મૂકી દઈને વાતનો ફોડ પાડશો નહિ ત્યાંસુધી અમારાથી હવે આગળ એક પણ કોળિયો ગળે નહિ ઉતારી શકાય!’
‘હવે મિ. કપિલરાય, તમારા પોતાના સ્વમુખે આપણી વચ્ચે ચાલી રહેલી પહેલીને ઊઘાડી કરી બતાવો તો એ લોકો જમવા પામશે, નહિ તો બિચારાં ભૂખ્યાં ઊઠી જશે!’ કલ્યાણરાયે ટીખળ કરી લીધું.
‘જોયું, કપિલજી? દાદાએ તમને રાયનું બિરૂદ આપી જ દીધું છે, તો હવે આ લગ્ન સંબંધે અમારી કોઈ રાયની જરૂર રહે છે ખરી? તમે હવે કપિલમાંથી કપિલરાય બની જ ગયા, અમારા પરિવારમાં ભળી ગયા!’ મોટાં ભાભી શાંતાદેવી પોતાના ઉત્સાહને ખાળી ન શક્યાં અને બોલી પડ્યાં.
‘તો લ્યો ત્યારે, કોથળામાંનું બિલાડું કાઢું છું તેને જોઈ લ્યો. દાદાએ મારી મજાક કરી છે અને મારી અપેક્ષા કે શરત જે કંઈ ગણો તેને મૂકવાની જે વાત કહી છે તે એ છે કે મારે શકુંતલા પાસેથી કબુલાત લેવાની કે તેણે મારા બુટને બ્રશ મારી આપવું પડશે!’ કપિલે આંખો ઉલાળતાં વિસ્મયભાવે કહ્યું.
બધાં ખડખડાટ હસી તો પડ્યાં, પણ વાત તેમની સમજમાં ન આવી કે આવી કોઈ વાહિયાત અપેક્ષા કે શરત તે વળી હોઈ શકે ખરી!
કલ્યાણરાયે હવે શકુંતલાની કોટમાં દડો નાખતાં કહ્યું કે, ‘નાનકી, કપિલ બિચારો બધાં આગળ એ વાત કહેતાં શરમાશે; માટે તું જ એ કહી સંભળાવ કે જેથી બધાંનો જમવાનો ઇન્ટરવલ પૂરો થઈ જાય અને સૌ દૂધપાક ઝાપટવા માંડે!’
શકુંતલાએ ખોંખારીને કહેવાનું શરૂ કર્યું, ‘તમે બધાં એ જાણીને આંચકો ન અનુભવતાં કે કપિલ બીજવર છે! આપણે સમાચારપત્રો અને વીજાણુ માધ્યમે જાણીએ છીએ કે પશ્ચિમના દેશોમાં પતિપત્ની વચ્ચે સહિષ્ણુતાના અભાવે સાવ ક્ષુલ્લક મુદ્દાઓના લીધે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં લગ્નવિચ્છેદ થયા કરે છે. કોઈને સામેવાળાનાં ઊંઘતી વખતે બોલતાં નસકોરાંની ફરિયાદ હોય, કોઈ વળી પતિપત્ની વચ્ચે સૂવા ટાણે પણ પોતાની પ્રાયવસીનું બહાનું આઘું ધરીને અલગ શયનખંડમાં સૂવા માગતું હોય અને તે સામેવાળા દ્વારા નકારવામાં આવતું હોય, કોઈ વળી સામેવાળા ઉપર એવો આક્ષેપ મૂકે કે પોતાના અંગત પાળેલા ડૉગ કે કેટને યોગ્ય સન્માન આપવામાં આવતું નથી, તો વળી બેમાંથી કોઈ એકનો શ્વાસ ગંધાતો હોય, કોઈ સંતાન ન ઇચ્છતું હોય, કોઈ પોતાની અંગત આવક ઉપર કબજો જમાવી રાખવા માગતું હોય અને સામેવાળાનાં ખિસ્સાં હળવાં થતાં રહે તેમ ઇચ્છતું હોય વગેરે … વગેરે. કપિલની માંડેક દસેક દિવસના દાંપત્યજીવનની પહેલી પત્નીની કહાની પણ કંઈક આવી જ છે!’
મજલી ભાભી સુરેખા બોલી ઊઠ્યાં, ‘એ દેશોનો ચેપ આપણાં લોકોને પણ લાગવા માંડ્યો કે શું? કપિલરાય, તમારો કિસ્સો તમારા માટે દુ:ખદાયક તો જરૂર હશે અને તેથી જ આપે હમણાં કહ્યું પણ હતું કે એ ઘટનાને દુ:સ્વપ્ન ગણીને આપ ભૂલી જવા માગો છો. પરંતુ અમે અમારી દીકરીઓને સુસંસ્કાર આપવા માગતાં હોઈ એ ઘટના આપના સ્વમુખે અમને વિગતે સાંભળવા મળે એમ અમે ઇચ્છીએ છીએ.’ સુરેખાએ કપિલ આગળ પોતાની સુરેખ માગણી મૂકી દીધી.
કપિલે શરૂ કર્યું, ‘અમને પરણ્યાંને માંડ દસેક દિવસ થયા હશે અને તે દિવસે મારા બાપુજી અને મોટાભાઈ ફેક્ટરીએ જવા માટે ગાડીમાં ગોઠવાઈ ગયા હતા અને મારી જ રાહ જોવાઈ રહી હતી. મેં એને સ્વાભાવિક રીતે મારા બુટને બ્રશ કરી દેવાનું કહ્યું કે જેથી મારી એકાદ મિનિટ પણ બચે. હવે અમારી વચ્ચે સામસામી કેવી દલીલબાજી થઈ હશે તે આપ સૌ કલ્પી શકો છો, એટલે વિગતમાં જતો નથી. પરંતુ એણે કાગનો વાઘ કરી દીધો અને અમારું ઘર છોડી ગઈ. હું હજુ પણ હકારાત્મક ભાવે એમ માનું છું કે તેના દસેક દિવસના અમારા ત્યાંના વસવાટ દરમિયાન અમારા પૂરા કુટુંબના પૂર્ણતયા રેશનલ વાતાવરણમાં તે કાં તો અકળાઈ ગઈ હોય અથવા એમ પણ હોઈ શકે કે તેના મનનો માણીગર બીજો કોઈક હોય અને તેને મારી સાથે તેની ઇચ્છા જાણ્યા વગર પરણાવી દેવામાં આવી હોય! તમે લોકો પણ કબૂલ કરશો જ કે આવું નજીવું કારણ અમારા છૂટા પડવાનું નિમિત્ત બની શકે નહિ. જે હોય તે પણ અમે અમારા પક્ષે સમાધાન માટેના પૂરતા પ્રયત્નો કરી જોયા હતા, પણ તેનાં માબાપનો અમને સહકાર ન મળતાં અમારે નાછૂટકે નમતું જોખવું પડ્યું હતું અને કોર્ટકચેરીના મામલામાં ન પડતાં અમે અંગત રીતે જ પતાવટ કરી લીધી હતી. ભલે અમારું એ દસેક દિવસનું જ દાંપત્યજીવન કહેવાય, પણ શકુંતલાએ શરૂમાં જ કહ્યું તેમ હું બીજવર તો ખરો જ ને!’ કપિલે વ્યથિત સ્વરે પોતાનું કથન પૂરું કર્યું.
ગંભીર થઈ ગયેલા વાતાવરણને હળવું બનાવવાના આશયે કલ્યાણરાયે કપિલને ઉદ્દેશીને કહ્યું,’જમાઈરાજ, આપ અમારી નાનકીને બુટને બ્રશ કરી આપવાની શરતમાં બાંધો કે ન બાંધો; પણ એની વતીની એટલી ખાત્રી તો અમે જરૂર આપીશું કે તે માત્ર બ્રશ જ નહિ, પણ બુટપોલીશ પણ કરી આપશે અને તે પણ તમારા કુટુંબનાં બધાં જ સભ્યોનાં પગરખાંને!’ બધાં ખડખડાટ હસી પડ્યાં અને હળવાં ફૂલ થઈ ગયાં.
કલ્યાણરાયે વળી ઉમેર્યું, ‘હવે મુદ્દાની વાત કે સૌ આપણા ભોજનને ચૂપચાપ ન્યાય આપી દઈએ. ધવલ બેટા, પછી આપણે વેવાઈને સહકુટુંબ સાંજના ડિનર માટે ટેલિફોનિક આમંત્રણ પાઠવીએ. સમયના અભાવે આપણે એટલે દૂર રૂબરૂ નહિ જઈ શકીએ. વળી એ લોકો ઘરેથી તરત જ નીકળી જાય તો અહીં વહેલાં આવી પહોંચે અને આપણો લગ્નપ્રસંગ કઈ રીતે પાર પાડવો તેની વિગતે ચર્ચા થઈ શકે. આમ વહેલી સવારથી આપણાં બંને પરિવારો માટે શકુંતલાએ શરૂ કરાવેલો શુભ દિવસ રાત્રે ‘મધુરેણ સમાપયેત્’ થવા પામશે.’
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ – +91 93279 55577નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા
દો | હળવા મિજાજે -
મહેન્દ્ર શાહનાં એપ્રિલ ૨૦૨૩નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s drawing collection for April 2023
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com


