-
વિરોધાભાસોમાંના સર્વસામાન્ય વિષયવસ્તુઓ : સ્વ – સંદર્ભ
જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
સ્વ- સંદર્ભ (self-reference), અસીમ પીછેહઠ (infinite regress), ગોળગોળ પરિભાષાઓ (circular definitions) અને અમૂર્ત વિચારણાનાં (abstraction) અલગ અલગ સ્તરો વચેની ગૂંચ કે સંદિગ્ધતા એ બધાં વિરોધાભાસોનાં સર્વસામાન્ય વિષયવસ્તુઓ છે. [1]
સ્વ – સંદર્ભ
ભાષાના સંદર્ભે, સ્વ-સંદર્ભ એવાં કથન માટે થાય છે જે સંદર્ભ તરીકે પોતાનો જ કે પોતાના સંદર્ભનો ઉલ્લેખ કરતું હોય. આવાં સ્વ-સંદર્ભિય કથનનું બહુ જ ખ્યાત ઉદાહરણ ‘જૂઠ્ઠાનાં વાક્ય‘ તરીકે ઓળખાતું ‘આ વાક્ય સાચું નથી ‘ ગણી શકાય. જોકે ઘણી વાર વધારે વ્યાપક સંદર્ભમાં પણ વાપરવામાં આવે છે, જેમકે પોતાનું જ પ્રતિબિંબ ધરાવતું ચિત્ર.

જે સાહિત્યિક રચના પોતાનો જ ઉલ્લેખ કરતી હોય તે પણ સ્વ-સંદર્ભીય કહેવાય છે. જેમકે, યીટ્સનાં કાવ્ય ‘વ્હેન યુ આર ઓલ્ડ‘ની એક પંક્તિમાં તેઓ કહે છે કે “And nodding by the fire, take down this book”.
દર્શનશાસ્ત્રમાં, સ્વ- સંદર્ભ મૂળે તો ભાષાના સંદર્ભમાં જ વપરાય છે. જેમકે, The Cretan liar paradox – “ક્રેટન એપિમેનાઈડ્સ કહે છેકે ‘બધા ક્રેટ્નસ જૂઠ્ઠા હોય છે.’ પરંતુ એ પોતે પણ એક ક્રેટન જ છે, એટલે જૂઠ્ઠો તો તે પોતે પણ છે. જો એ જૂઠ્ઠો જ હોય તો એનો અર્થ એ થયો કે તેનું આ વાક્ય પણ જૂઠ્ઠું છે કેમકે તે પોતે તો સાચું જ બોલી રહ્યો છે.
સ્વ-સંદર્ભ ગણિત અને કમ્પ્યુટર વિજ્ઞાનમાં, આ વિષયોના પાયા તરીકે તો ખાસ, પોતપોતાના અંગત શોખનો વિષય પણ છે. [2]‘ઉલટું સુલટું’ બાળકોની એક બહુ જાણીતી રમત છે. રમતની શરૂઆતમાં આજનો ઉલટાં સુલટાંનો વારો છે તેમ કહેતાં પહેલાં જાહેર કરવામાં આવે કે ‘ના હોં, આજે ચોકલેટ નહીં મળે.’ એટલે એક બાળક કહે એટલે આજે તો હવે ચોકલેટ પાક્કી. એટલે રમતનું કેપ્ટન ચોખવટ કરે કે ઉલટાં સુલટાનો અર્થ જ એ કે કંઈ જ ઉલટું સુલટું નથી, એટલે જાહેરાતનાં વાક્યને ઊંધું વાક્ય નથી સમજવાનું. જવાબમાં કહેવાય કે, પણ જો ઉલટાં સુલટાંનો આજે વારો ન જ હોય તો આજે ચોકલેટ મળશે એ વાક્ય તો પછી સાચું જ ને! [3]
સ્વસંદર્ભ વિરોધાભાસનું એક બહુ પ્રખ્યાત ઉદાહરણ ‘વાળંદનો વિરોધાભાસ’/barber paradox તરીકે ઓળખાય છે જેમાં વાળંદની વ્યાખ્યા કરતાં જણાવાયું છે કે ‘ જે કોઈ પોતાના વાળ ન કાપતું હોય માત્ર તેમના, અને માત્ર તેમના જ, વાળ કાપે એ વાળંદ.’ તો શું વાળંદ પોતાના વાળ જાતે કાપી શકે? આ પ્રશ્નના જવાબમાં વિરોધાભાસઓનો પટારો ખુલી જશે !
અમુક બાબતની તરફ અચુકપણે ધ્યાન દોરવા માટે સ્વ-સંદર્ભ વિરોધાભાસના જે પ્રયોગો કરવામાં આવે છે તેનાં ઉદાહરણ તરીકે ‘કર્રીના વિરોધાભાસ’[4]નું આ જુદું સ્વરૂપ પણ રસપ્રદ છે –
આ બે વાક્ય ધ્યાનથી વાંચો:
- આ બે વાક્યોમાંથી કમસે કમ એક વાક્ય ખોટું છે.
- બધી સંખ્યાઓ ‘પ્રાઈમ સંખ્યા‘ (અવિભાજ્ય સંખ્યા) નથી હોતી.
પહેલું વાક્ય ખોટું ન હોવું જોઈએ કેમકે તે તો આ બે વાક્યો માટેની જરૂરી શરત જ જણાવે છે. જો એ વાક્ય ખોટું ન હોય તો બીજું વાક્ય તો ખોટું જ હોવું જોઇએ. એનો અર્થ એ થયો કે ‘બધી સંખ્યાઓ ‘પ્રાઈમ સંખ્યા છે.‘
અહીં એક ખાસ મજાની વાતની નોંધ લેવા જેવી છે – બીજાં વાક્ય તરીકે જે કંઈ મુકીએ તે ખરેખર સાચું છે કે ખોટું તે સિદ્ધ કર્યા સિવાય જે તેને ‘ખોટું‘ પાડી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્વ-સંદર્ભીય કથનોમાં સચ્ચાઈ જ હશે તેવું હંમેશાં ખાત્રીપૂર્વક કહી નથી શકાતું.
અન્ય એક રસપ્રદ ઉદાહરણ આ સવાલ છે – ‘આ સવાલનો જવાબ “ના” છે?’ જો જવાબ “હા’ હોય તો આ વાક્ય સાચું ઠરે છે, એટલે કે સવાલનો જવાબ તો “ના” જ છે. જો જવાબ “ના” હોય તો પછી “હા’ તો હોઈ જ ન શકે ! Betteridge’s Law of Headlines તરીકે જાણીતો આ રૂઢપ્રયોગ ‘જે મથાળું પ્રશ્નાર્થ ચિહ્નથી પુરૂં થતું હોય જેનો જવાબ ‘ના’ જ હોય’ પણ આ સવાલનો જવાબ ‘ના’ હોઈ શકે એમ પ્રમણિત કરે છે.
વિરોધાભાસોના પટારામાં આપણાં પુરાણો પણ ઉમેરો કરે છે : બે પંક્તિઓથી રચાયેલાં તમિલ શાસ્ત્ર ‘તિરૂક્કુરલ’માં કહેવાયું છે કે ” જે જુઠ કંઈ સારાં પરિણામ માટે કહેવાયું હોય તે “જૂઠ “ન કહેવાય’ !
સ્વ-સંદર્ભનો અભ્યાસ અને વ્યાવહારિક સ્તરે ઉપયોગ mathematics, philosophy, computer programming, second-order cybernetics, અને linguistics, તેમજ humour. જેવાં અન્ય ક્ષેત્રોમાં પણ થાય છે.
આ દરેક વિષય પર માહિતીની એક કડી મેળવીએ છીએ તો જોવા મળે છે એ દરેક કડીઓમાં જ અન્ય સંદર્ભો પણ સંકળાયેલા હોય છે. એકંદરે આ બધું વાંચન ખુબ જ માહિતીપ્રદ અને રસપ્રદ જરૂર બને છે પણ આપણી આ લેખમાળાનાં ક્ષેત્ર માટે બહુ વધારે પડતી વિગતવાર ચર્ચા જેવું પરવડી શકે છે. એટલે હાલ પુરતું તો કેટલીક ચુંટેલી વિશેષ વાંચન કડીઓ અહીં મુકીને સંતોષ માનેલો છે.
- Self-Reference
- The Liar Paradox – an explanation of the paradox from 400 BCE – Jeffery Kaplan
- Self-referential humor
- Self-referential paradoxes – talk given by Noson S. Yanofsky at York University Semigroup with Algebra Seminar on February 17, 2021
- This Debate Has No Title – Solving the self-referential paradox – Philosopher and author of Reflexivity Hilary Lawson, postmodern literary critic Patricia Waugh and Cambridge mathematician Peter Cameron engage in a paradoxical debate.
- Breaking logic with self-referential sentences
- The Dangers of Self-Reference – Philip Engel
- Snake’s Tail: Modernism and the Paradox of Self-Reference – Jeffrey Scott Blevins
- Self-reference and Logic – Thomas Bolander
- Why Can the Brain (and Not a Computer) Make Sense of the Liar Paradox? – Patrick Fraser, Ricard Solé and Gemma De las Cuevas
- The Unavoidable Problem of Self-Improvement in AI – Part 1 and The Problem of Self-Referential Reasoning in Self-Improving AI – Part 2 : An Interview with Ramana Kumar
-
સમસ્યાઓને કારણે હામ ન હારીએ – દૃઢાગ્રહી ખંતનો બોધપાઠ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
‘ઑડીટ’ જેવા રોજબરોજના અનુભવોમાંથી ક્યારે પણ શીખવાનું મળી શકે એવું તમે વિચાર્યું છે ખરૂં? જો આપણે ખરેખર કંઈ (પણ) શીખવા માંગતા હોઇએ, તો લગભગ દરેક અનુભવ કંઈને કંઈ પદાર્થ પાઠ આપી જઈ શકે છે. ફકત આપણા મનના દરવાજા ખુલ્લા રાખવા પડશે!
સમસ્યાઓ વિશેની ચર્ચા કરતી વખતે, ઘણા વર્ષોના અનુભવી એક ઓડિટ સલાહકાર કહે છે કે:
જો આપણા પરિવારનો કોઈ સભ્ય અપંગ હોય, તો આપણે હાર માન્યા વગર તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આપણાથી બનતું બધું જ કરી છૂટીએ છીએ. માતાઓ તેમના બાળકોને ખૂબ ધીરજથી શીખવે છે. છતાં કેટલીકવાર, બાળક કંઈ ઊંધું કરીને મુશ્કેલ પરિસ્થિતિઓ પણ ઊભી કરી દેતું હોય છે. એ સંજોગોમાં, હાર માન્યા સિવાય જ, માતા બાળકે જે શીખવું જ જોઈએ તે અલગ અલગ રીતે શીખવાડવાના પ્રયાસ મુકી નથી દેતી.
સંસ્થામાં વરિષ્ઠ મેનેજમેન્ટ અને અગ્રણીઓની ભૂમિકા પણ આવી જ છે. સમસ્યાઓ, અવરોધો, અંધારી ગલીઓ, મુશ્કેલ મુદ્દાઓ અને નિર્ણયો તેમજ નિર્ણય આધારિત પગલાંઓ વિશે પસંદગીઓ તો અહીં ડગલેને પગલે છે. એક અગ્રણી તરીકે તમારી પાસે બે વિકલ્પ છે. પ્રયત્નો છોડી દેવા, અથવા સતત ઉકેલ શોધતા રહેવું. જો તમારી પાસે તેનો સામનો કરવા માટે ધીરજ હોય તો સમસ્યાઓ હલ કરવા માટે તમે હંમેશા કંઈક તો કરી જ શકો છો,. હા, તમારે પૂરતી કાળજી જરૂર રાખવી પડશે.
માત્ર વરિષ્ઠ મેનેજમેન્ટ માટે જ નહીં, પણ દરેક સ્તરનાં વ્યાવસાયિકો માટે પણ આ સલાહ ખુબ ઉપયોગી છે. જોકે નવાઈની વાત એ છે કે મુશ્કેલ પસંદગીઓ/પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે આપણે કેટલી સહેલાઈથી હાર માની લેતાં હોઈએ છીએ, અથવા તો કોઈ ઉપરી વ્યક્તિને આપણી સમસ્યા સોંપી દેતાં હોઈએ છીએ.
અહીં કેટલાક મહત્ત્વના પ્રશ્નો મુક્યા છે તેના જવાબ ખરા દિલથી આપજો:
- એક વ્યાવસાયિક તરીકે, તમે કેટલી જલ્દી હાર માની લો છો?
- થોડો વધુ પ્રયત્ન કરવાથી તમારા વર્તમાન પડકારોમાંની કઈ સમસ્યાઓ હલ કરી શકાય તેમ છે?
- તમને વણઉકેલાયેલી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે એ રીતે તમે કોઈની અર્થપૂર્ણ મદદ માગી શકો તેમ છો?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
‘કોકેન હીપ્પો’નું ભારતમાં આગમન રાજીપો કરાવશે કે ચિંતા?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો કોલમ્બીયા દેશ તેની નૈસર્ગિક સંપદાને બદલે ત્યાંના ડ્રગ માફિયાઓને કારણે વધુ જાણીતો છે. ડ્રગ એટલે કે નશીલી દવાઓની લેવેચના મુખ્ય કેન્દ્ર તરીકે કોલમ્બીયાની ઓળખ ઊભી કરવામાં હોલીવુડની ફિલ્મોનું પ્રદાન ઘણું છે. 1993માં જેની હત્યા થઈ એ ડ્રગ માફિયા અને નાર્કોટેરરિસ્ટ પાબ્લો એસ્કોબારને ફિલ્મો અને વેબ સિરીઝના દર્શકો જાણે છે. પાબ્લો સૌથી ધનિક અપરાધી ગણાયો હતો અને ‘મેડલીન કાર્ટેલ’ તરીકે ઓળખાવાયેલા, કોલમ્બીયાના મેડલીન શહેરમાં આવેલા સૌથી મોટા તેમજ ઘાતકી સંગઠનનો તે સ્થાપક હતો. એક ધનિક અપરાધીને છાજે એમ તેની અસંખ્ય મિલકતો હતી. આ મિલકતોમાં સૌથી નોંધપાત્ર કહી શકાય એવી મિલકત એટલે તેનું આગવું પ્રાણી સંગ્રહાલય. વિવિધ ભૂખંડમાંથી એસ્કોબારે હાથીઓ, આકર્ષક પક્ષીઓ, જિરાફ અને હીપોપોટેમસ ખરીદીને વસાવ્યાં હતાં. આ પૈકીના હીપોપોટેમસને કારણે મૃત્યુના ત્રીસ વર્ષ પછી પાબ્લો એસ્કોબાર સમાચાર માધ્યમોમાં ચમક્યો છે.

Pablo Escobar’s hippopotamus to be shipped to India (Photo – Twitter/ Pixabay) – ડી એન એ – ૦૭ – ૦૩ – ૨૦૨૩ આ આખા મામલામાં આપણો દેશ પણ સંકળાયેલો હોવાથી તેની વિગતો જાણવા જેવી છે. પાબ્લો એસ્કોબારના મૃત્યુ પછી તેની પાસેના ચારે હીપ્પોને છોડી મૂકવામાં આવ્યા અથવા તો એ હીપ્પો બહાર નીકળી ગયા. આ હીપ્પોની સંખ્યા ઉત્તરોત્તર વધતી ચાલી. તેને કાબૂમાં રાખવાના સરકારના તમામ ઊપાયો નિષ્ફળ બન્યા. આજે એ વધીને એકસો ને ત્રીસે પહોંચી છે. હીપ્પોપોટેમસના વતન આફ્રિકાની બહાર, કોલમ્બીયાના આન્તિઓકીઆ પ્રાંતમાં આવેલા આ સૌથી મોટી સંખ્યા છે. હવે આ હીપ્પો ‘કોકેન હીપ્પો’ તરીકે ઓળખાય છે.
હીપ્પોપોટેમસ વિશાળ કદનું, આક્રમક, અર્ધજલીય, છતાં શાકાહારી પ્રાણી છે. વિશાળ શરીરની સરખામણીએ નાનકડા પગ અને લાંબા મોં પર ભારે પોપચાં ધરાવતા હોવાથી તેનો દેખાવ વિચિત્ર, જાણે કે ઊંઘરેટો લાગે છે. જળચર અને ભૂચર જીવોની વચ્ચેની ‘ખૂટતી કડી’ તરીકે તેમની ગણના થતી આવી છે. આફ્રિકાના વતની એવા હીપ્પોપોટેમસ સ્વરક્ષણ માટે એ હદે આક્રમક બની શકે છે કે વિશાળકાય નાઈલ મગર મગર સુદ્ધાંને તે મારી શકે છે. કોઈ પણ અન્ય વિશાળકાય શાકાહારી કરતાં હીપ્પો માનવ માટે વધુ ભયાનક છે.
કોલમ્બીયાના સત્તાવાળાઓએ આગામી મહિનામાં આ એકસો ત્રીસ પૈકીના મોટા ભાગના હીપ્પોપોટેમસને પકડવાનું આયોજન હાથ ધર્યું છે. તેમને પકડીને તેઓ વિવિધ સ્થળે મોકલી આપશે. એમાંના સાઠ હીપ્પોને ભારતમાં, ગુજરાતમાં મોકલવાની વાત છે. દસેક હીપ્પો ઉત્તર મેક્સિકોમાં આવેલા ઓસ્ટોક અભયારણ્યમાં મોકલવામાં આવશે, જેનો ખર્ચ પાંત્રીસેક લાખ ડોલર આવવાનો અંદાજ છે.
નામીબીયાથી આયાત કરાયેલા ચિત્તા પછી આ હીપ્પો તાજેતરનું એવી પ્રજાતિનું પ્રાણી છે કે જેનું વતન ભારત નથી.
વિજ્ઞાનીઓ અને પર્યાવરણવિદો આ આખી ઘટનાને શંકાની નજરે નિહાળી રહ્યા છે. એ માટે તેમની પાસે સબળ કારણ છે. કોલમ્બીયામાં હીપ્પોપોટેમસનો નૈસર્ગિક રીતે શિકાર કરી ખાનારી કોઈ પ્રજાતિ પોષણ કડીમાં નથી. આ કારણે તેઓ વિવિધ જીવો અને પર્યાવરણ માટે ખતરારૂપ બની રહ્યા છે. ખાસ કરીને મેનાટી અને કેપીબાર જેવા જીવોના આવાસને તેનાથી ખતરો છે. સ્થાનિક જૈવપ્રણાલિ ઉપરાંત ક્યારેક માનવજાત માટે પણ તે જોખમી બની શકે છે. હીપ્પો રહેતા હોય એ જળાશયમાં પોષક દ્રવ્યો તેમજ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે. તે સાયનોબૅક્ટેરિયાની વૃદ્ધિ માટે પોષક બની રહે છે. આને કારણે પાણીનો જથ્થો ઘટી શકે છે અને માછલીઓનાં મોટા પ્રમાણમાં મૃત્યુને નોંતરી શકે છે.
આ હીપ્પોપોટેમસને મેક્સિકો અને ભારતમાં મોકલવાને બદલે તેમના વતન આફ્રિકા મોકલવામાં કેમ નથી આવતા એ સવાલ થાય એ સ્વાભાવિક છે. આન્તિઓકીઆ પ્રાંતના ગવર્નર અનિબાલ ગવીરીઆએ સી.એન.એન.ને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એ શક્ય નથી. આ હીપ્પોને પાછા આફ્રિકા મોકલવામાં આવે તો એનાથી તેમને પોતાને તેમજ સ્થાનિક જૈવપ્રણાલિને પૂરેપૂરું જોખમ રહે છે, કેમ કે, વતનમાં તેમનાં લક્ષણોનો વિકાસ ત્યાંના વાતાવરણને અનુરૂપ થતો હોય છે.
પશુઓના હક માટે કાર્યરત એવા એક અમેરિકન જૂથે અમેરિકાની અદાલતમાં કોલમ્બીયન સરકાર સામે દાવો માંડ્યો હતો. હીપ્પોની ઝડપથી વધતી જતી વસતિને રોકવા માટે સરકાર તેમને મારી કે વંધ્યીકરણ ન કરી શકે એ માટેનો આ દાવો હતો. અમેરિકન ન્યાયપ્રણાલિએ હીપ્પોની તરફેણમાં ચૂકાદો આપ્યો, એટલું જ નહીં, હીપ્પોને તેમણે ‘પ્રાણી’ને બદલે ‘વ્યક્તિ’નો દરજ્જો આપ્યો છે. આનો સીધો અર્થ એ કે હીપ્પોને કશું પણ કરવામાં આવે તો તેને માનવ સાથે કરાયેલી હરકત ગણીને એ અનુસાર સજા કરવામાં આવે. અલબત્ત, આ ચૂકાદો અમેરિકાની અદાલતે આપ્યો છે, જેને કોલમ્બીયા સાથે કશી લેવાદેવા નથી. પોતાના દેશમાં કોલમ્બીયન સરકારે જે નિર્ણય લેવો હોય એ લઈ શકવા તે મુક્ત છે. આ આખી વાત આમ તો પહેલી નજરે હાસ્યાસ્પદ જણાય. એમાંથી એટલું તથ્ય તારવવું પૂરતું છે કે અમેરિકન ન્યાયપ્રણાલિએ હીપ્પોને માનવ સમકક્ષ ગણ્યા.
હીપ્પોના સમગ્ર કિસ્સામાં હજી સુધી ભારતનું વલણ જાણી શકાયું નથી. આ હીપ્પોને ભારતમાં વસાવવા પાછળ શું કારણ છે, શું આયોજન છે એ બાબતે સરકારનો પક્ષ જાહેર કરાયો હોય એમ જાણવા મળ્યું નથી.
આ હીપ્પો એ પાઠને વધુ એક વાર સ્પષ્ટ કરે છે કે નૈસર્ગિક ક્રમમાં માનવ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે તો તેનું ખરાબ પરિણામ માનવજાતે ભોગવવું પડે છે. સંપત્તિ કદાચ ભલભલી ચીજો ભલે સુલભ કરી આપે, નૈસર્ગિક ક્રમમાં ચેડાં કરવાની વૃત્તિ માનવજાતે ત્યજવી રહી. ધન અને તેના થકી પ્રાપ્ત થતી સત્તાનો નશો એવો હોય છે કે તે સામાન્ય વિવેકને પણ કોરાણે મૂકાવી દે છે. આ કારણે એકનો એક પાઠ વારંવાર ભણવા છતાં તે પાકો થતો નથી, અને કોઈકની ભૂલનું પરિણામ કોઈકે, સરવાળે સમગ્ર માનવજાતે ભોગવવું જ પડે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭ – ૦૪ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
આદર્શ નેતૃત્વ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
એક અદ્ભૂત શિક્ષક, સફળ વૈજ્ઞાનિક ,મિસાઇલમેન અને ભારતના રાષ્ટ્રપતિ, અત્યંત સાલસ ઇન્સાન એવા શ્રી અબ્દુલ કલામે એમના જીવનના કેટલાક યાદગાર પ્રસંગોના ઉલ્લેખમાં એમની સફળતાનો શ્રેય એમની માતાને આપ્યો છે.
આમ જનતા સાથે મોટાભાગે એવું જ બનતું હોય છે કે કાર્યમાં સફળતા મળે તો એ સિધ્ધિની યશકલગી હોંશે હોંશે સૌ પોતાના શિરે પહેરી લે પણ નિષ્ફળતાનો ભાર તો એકદમ સહજતાથી અન્યના શિરે જ નાખી દે. જ્યારે શ્રી અબ્દુલ કલામ જ્યારે ૧૯૮૦માં ભારતના સેટ્લેલાઇટ લોન્ચ વ્હીકલના પ્રોગ્રામના પ્રોજેક્ટ ડાઇરેક્ટર બન્યા તે સમયના તેમના અનુભવ વિશે વાત કરી છે.
રોહિણી ઉપગ્રહને અંતરીક્ષમાં તરતો મુકવાના એ પ્રોજેક્ટમાં હજારો લોકો સંકળાયેલા હતા. દરેક એક વ્યક્તિનો એમાં ક્યાંક નાનો-મોટો ફાળો તો હશે જ. ૧૯૭૯માં લગભગ તૈયારી સંપૂર્ણ થઈ ચૂકી હતી. કંટ્રોલરૂમમાં ભેગા થયેલા માટે કોમ્પ્યૂટરની એ છેલ્લી ચાર મિનિટની ગણતરી અતિ મહત્વની હતી. ગણતરી શરૂ થઇ….ટીક…ટીક.. ..ટીક…પણ એક જ મિનિટમાં કોમ્પ્યૂટરે ક્યાંક કશું ખોટું હોવાનો સંકેત આપ્યો. નિષ્ણાંતોની ગણતરી પ્રમાણે તો બધુ જ બરાબર હતું એટલે રોકેટ છોડવામાં પણ આવ્યું પરંતુ ઉપગ્રહ અંતરીક્ષમાં જવાના બદલે રોકેટ સમેત બંગાળની ખાડીમાં જઈને ખાબક્યું. મિશન નાકામિયાબ રહ્યું. પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ ગયો.
સ્વભાવિક પ્રેસ, જનતા સમક્ષ આ ઘટના અંગે ખુલાસો તો કરવો જ રહ્યો. ઇસરોના ચેરમેન પ્રોફેસર શ્રી સતિષ ધવને સેટેલાઇટ રેંજ શ્રી હરિકોટા પર પ્રેસ કોન્ફરન્સ બોલાવી. અહીં વિશ્વભરના પત્રકારો સમક્ષ એમણે જે વાત કરી એ જીવનભર શ્રી અબ્દુલકલામ માટે આદર્શ લીડરશીપનું દ્રષ્ટાંત બની ગયું.
સમયે પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ કલામ હતા એટલે એક રીતે જોવા જઈએ તો પ્રોજેક્ટની સફળતા-નિષ્ફળતાની જવાબદારી એમની કહેવાય પરંતુ ઇસરોના ચેરમેન હોવાના નાતે નિષ્ફળતાની જવાબદારી સ્વયં પર લેતા પ્રોફેસર સતિષ ધવને પ્રેસ સમક્ષ એવું કહ્યું કે વૈજ્ઞાનિકોની ટીમે ખુબ મહેનત કરી હતી પણ ટેકનિકલ સપોર્ટની ખામીના લીધે આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે.
ફરી જ્યારે ૧૯૮૨માં ઉપગ્રહ તરતો મુકવામાં સફળતા મળી ત્યારે પ્રોફેસર સતિષ ધવને એ દિવસની પ્રેસ કોન્ફરન્સ સંભાળવાની જવાબદારી અબ્દુલ કલામને સોંપી. અર્થાત નિષ્ફળતાના સમયે આગળ વધીને જવાબદારી લીધી અને સફળતાનો યશ ટીમને આપ્યો.
સીધી વાત–આગળ કહ્યું તેમ .. મોટાભાગે એવું જ બનતું હોય છે કે કાર્યમાં સફળતા મળે તો એ સિધ્ધિની યશકલગી હોંશે હોંશે સૌ પોતાના શિરે પહેરી લે પણ નિષ્ફળતાનો ભાર તો એકદમ સહજતાથી અન્યના શિરે જ નાખી દે. સારા બનવું સૌને ગમે સાચા બનવાની તૈયારી કોનામાં અને કેટલી? અબ્દુલ કલામ કહે છે કે એ દિવસે મેનેજમેન્ટનો સૌથી મહત્વનો અને ઉમદા પાઠ મને શીખવા મળ્યો. જીવનમાં ઘણીવાર એવું બને કે કોઇ પાઠશાળા કે જ્ઞાનપીઠ કરતાંય આપ અનુભવ કંઇક વધુ સચોટ અને કાયમી દ્રષ્ટાંત બની રહે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કાગઝી હૈ પૈરહન – ‘ઈસ્મતઆપા’
પારુલ ખખ્ખર
આજે ફરી એકવાર આત્મકથાના પુસ્તક વિશેની વાત લઈને આવી છું. ઉર્દૂ સાહિત્યના તેજતર્રાર લેખિકા એટલે ઈસ્મત ચુગતાઈ. ઉર્દૂ વાર્તાકારોમાં એમનું સ્થાન પ્રથમ હરોળમાં ગણાય છે. ઈસ્મતજીએ ભારતીય સમાજની જરીપુરાણી પરંપરાઓ અને રૂઢીગત જીવનમૂલ્યો પર પ્રહાર કરતી કટાક્ષપૂર્ણ વાર્તાઓ લખી છે. એમણે સ્ત્રીઓના પ્રશ્નોને અવાજ આપ્યો છે. નિમ્ન મધ્યમવર્ગીય મુસ્લિમ સમાજની યુવાન છોકરીઓની મનોદશાનું વર્ણન કરતી વાર્તાઓ લખી છે.જેવી એમની વાર્તાઓ છે એવું એ જીવ્યા છે.એમની આત્મકથા ‘કાગઝી હૈ પૈરહન’નામે ગ્રંથસ્થ થઈ છે.આ આખી આત્મકથા જુદાજુદા પ્રસંગોના ટુકડાઓમાં વિભાજીત છે. આ બધાં ટુકડાઓને જોડીને એક સળંગ ચિત્ર બનાવવાની અહીંયા કોશીશ કરી છે.
કોઈ જ પ્રસ્તાવના વગર શરુ થતું આ પુસ્તક વાચકોને છેલ્લા પન્ના સુધી જકડી રાખે એટલું રોમાંચક છે.પ્રથમ ફકરામાં જ ઈસ્મતજી જણાવે છે કે ‘હું જોરજોરથી રડી રહી હતી.કોઈને નિર્દયતાથી માર પડી રહ્યો હતો.મારવાવાળો રાક્ષસ જેવો અને માર ખાવાવાળો મરિયલ બાળક હતો.’ -આ દૃશ્ય જોયું ત્યારે એ બહુ નાના હોવાથી કોણ-કોને મારી રહ્યું હતું એ યાદ ન રહ્યું પરંતુ એમને એક વાત ગાંઠે બંધાઈ ગઈ કે જે મોટા અને તાકાતવાન હોય તે નાના અને કમજોર લોકોને મારે છે.અજાગૃત મનથી તાકાતવાન પર માન થયું અને નિર્બળ માટે ઘૃણા થઈ. કદાચ તે દિવસથી જ તેમના મનમાં નબળા નહીં જ રહેવાનું બીજ રોપાઈ ગયું.એમનો પરિવાર ખૂબ મોટો હતો. દસ ભાઈ-બહેનોમાં ઈસ્મતજી નવમો નંબર હતાં.માતા તો બાળકોને જન્મ આપી આપીને થાકી જતી હોવાથી બાળકો નોકરો પાસે મોટા થતાં હતાં.તેઓ લખે છે કે ‘લોકો પાસે બાળપણની કેવી સુંદર યાદગીરીઓ હોય છે!મારું બાળપણ તો જેમતેમ કરીને પસાર થયું છે.બાળપણ તો મજબુરી અને કમનસીબીનું મીશ્રણ છે.’ ઈસ્મતજી નાનપણથી જ વિદ્રોહી વ્યક્તિત્વ ધરાવતા હતાં. એમને ક્યારેય છોકરીઓની જેમ રહેવું ફાવ્યું નહી. છોકરાઓ સાથે જ રહેવું,એમના જેવી જ રમતો રમવી, એમના જેવા જ તોફાનો કરવાં એમને સાહજીક લાગતું.બીજાઓની માન્યતા પ્રમાણે ચાલવું એમને ક્યારેય માફક ન આવતું એ પોતાની કેડી જુદી કંડારતા.
એમના જીદ્દી સ્વભાવનો પરિચય કરાવતાં બે ત્રણ કિસ્સાઓ જોઈએ.ઈસ્લામ ધર્મ વિશે ભણાવવા ઘરે એક શિક્ષિકા આવતાં એ બાળકોને મારીમારીને આયતો શીખવતાં. ઈસ્મતજી લખે છે કે ‘મારી મરજી વિરુદ્ધ મને ધર્મ શીખવતી આ સ્ત્રીને મેં મારી જિંદગીમાં સૌથી વધુ નફરત કરી છે. હું અલ્લાહને બંદગી કરતી કે ‘આ ડોશી મરી જાય.’ બીજો કિસ્સો જણાવતા કહે છે કે ‘ફારસી અમારી ખાનદાની ભાષા હતી પરંતુ મને એ ક્યારેય ગમી નહી. મેં બગાવત કરીને પણ હિન્દી શીખી અને મારા લખાણ માટે અપનાવી લીધી.ઘરમાં હંગામો થયો પણ હું મારી વાત પર અડગ રહી.’ ત્રીજો કિસ્સો એવો હતો કે ‘કોલેજમાં ગયા ત્યાં પ્રાધ્યાપકો એકધારું ઝડપથી બોલીને અંગ્રેજી શીખવતા, ઈસ્મતજીએ એક તુક્કો લગાવ્યો, તેઓ અંગ્રેજી શબ્દોને ઉર્દૂ લિપિમાં લખતાં જેથી ઝડપથી લખાતું. એમની હરકત પકડાઈ ગઈ અને મેડમ ખીજાયા ત્યારે જરાય ગભરાયા વગર કહ્યું કે ઉર્દૂ લિપિ મારા માટે શોર્ટહેન્ડનું કામ કરે છે.હું તો એમાં જ લખીશ.’ આ ઘટના પછી તો બીજી અનેક છોકરીઓએ આ પદ્ધતિ અપનાવી.
ઈસ્મતજીની આત્મકથામાં ક્યાંય ધાર્મિક કટ્ટરતા જોવા મળતી નથી. ઈસ્મતજીને એક હિન્દુ બહેનપણી હતી એને ત્યાં જન્માષ્ટમી વખતે કૃષ્ણ કનૈયાની મૂર્તિ જોઈને એમને એ મૂર્તિ પર એટલું વ્હાલ આવ્યું કે એને ચૂમી લીધી.ત્યાર પછી એક લડ્ડુગોપાલની મૂર્તિને પોતાના કબાટમાં કાયમ માટે સાચવી રાખી હતાં.એમના કોચવાન એમને રામાયણની વાર્તાઓ સંભળાવતા અને છેલ્લે રામનો જયજયકાર બોલાવતા. ઈસ્મતજીને આ વાર્તાઓ અને ખાસ તો આ જયજયકાર એટલા ગમતાં કે રોજ રાત્રે વાર્તાની ફરમાઈશ કરતાં.ખાસ તો હનુમાનજીનું પાત્ર એમને અતિશય પ્રિય હતું.એમના મામાના દીકરા જુગનુ કહેતા કે જયજયકાર કરવાથી જીભ દોઝખમાં સળગી જશે, કોચવાન કહેતા કે જયજયકાર નહી કરે તો નર્કમાં જવું પડશે,બહેનપણી ઈંદિરા કહેતી કે જીસસની મુર્તિ સામે ઘૂંટણિયે પડી માફી નહીં માંગે તો હેલમાં જઈશ.પરંતુ ઈસ્મતજીએ ક્યારેય નર્કની બીક રાખી નહીં, એમને યોગ્ય લાગ્યું એમ જ જીવ્યા.મોટા થયા પછી લાગ્યું કે આ બધા તો ન દેખાતા નર્ક છે પણ નજર સામે દેખાય તેવું ચોથું નર્ક તો સાસરુ છે.તેથી જાણીજોઈને એ નર્કમાં કદી પડવું નથી.
ઈસ્મતજીની બધી બહેનો એકદમ સુઘડ અને ઘરરખ્ખુ હતી.જે અનેક કળાઓ,ભરત ગૂંથણ અને ધર્મનું જ્ઞાન ધરાવતી હતી જ્યારે ઈસ્મતજી એમનાથી સાવ વિરુદ્ધ! ઘરની સ્ત્રીઓને આ મોઢે ચડેલી છોકરી જરાય ન ગમતી પણ ઈસ્મતજીને કોઈની પરવા ન હતી.છોકરાઓ સાથે રમવું, ઝાડ પર ચડવું,સાયકલ ચલાવવી,ઘોડેસવારી કરવી,ફૂટબોલ રમવું એમને ખૂબ ગમતું પરંતુ એમના ભાઈઓને જરાય ન ગમતું તેથી ઈસ્મતજી લખે છે ‘અસમાનતા માત્ર અમીર-ગરીબના મામલે જ નહીં સ્ત્રી-પુરુષના મામલે પણ હોય છે.’ ભાઈઓ પોતાની સાથે ન રમાડે ત્યારે તે ઉશ્કેરાઈ જતાં પરંતુ એમનાથી દોઢેક વર્ષ મોટા અઝીમભાઈ કાયમ બીમાર રહેતાં અને ઘરમાં બેસી અભ્યાસ કરતા એમણે એક સોનેરી સલાહ આપી કે ‘આ બધી રમતોમાં છોકરાઓ સાથે ટક્કર લેવાને બદલે અભ્યાસમાં મન પરોવ અને આ બધાથી આગળ નીકળી જા.’તે દિવસથી ઈસ્મતજી લાગી પડ્યાં અને અભ્યાસને જીવનમંત્ર બનાવી લીધો.પાઠ્યપુસ્તકોની સાથોસાથ ધર્મ,ઈતિહાસ તથા વિજ્ઞાનનું વાંચન પણ કરતા રહેતાં.પિતા અને એમના મિત્રોની સભા ભરાતી ત્યારે ઈસ્મતજી કુરાનનો અનુવાદ અને મુસ્લિમ ઈતિહાસ વિશે ચર્ચાઓ કરવા લાગતા ત્યારે તેની માતા-પિતાના આશ્ચર્યનો પાર ન રહેતો.આમ, અભ્યાસને કારણે ઈસ્મતજીનો સિક્કો ચાલવા લાગ્યો.
એમની વિચારસરણી ઘડવામાં એમની એક બહેનપણી મંગુનો પણ પરોક્ષ ફાળો છે.સાવ નાની ઉંમરે પરણાવી દેવાયેલી મંગુ ત્રણ દીકરીઓની માતા બનવાના ગુના હેઠળ પિયર મોકલી દેવામાં આવી અને એના પતિ માટે બીજી પત્નિ લાવવાના કારસા ઘડાવા લાગ્યા. મંગુ અને એની દીકરીઓની મજબૂરી જોઈ ઈસ્મતજી ડરી ગયાં એમણે દુઆ માંગી કે ‘હે અલ્લાહ મને છોકરો બનાવી દે, મારાથી સ્ત્રીઓનો આ અન્યાય સહન નથી થતો.’થોડા વખત પછી સમાચાર મળ્યા કે મંગુ પર ભૂતની છાયા પડી ગઈ છે.એ સાસુ અને પતિને મારે છે, પોતાની આંગળી પર નચાવે છે.ઈસ્મતજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. જો કે એમને હકીકત જાણવા મળી કે મંગુએ મુસીબતમાંથી બહાર આવવા ભૂતની છાયા વાળો ઢોંગ શરુ કર્યો છે ત્યારે એ દંગ થઈ ગયાં..એ અભણ બાઈને આ તુક્કો સુઝ્યો અને સફળ રહ્યો ત્યારથી ઈસ્મતજીને શ્રદ્ધા બેસી ગઈ કે સ્ત્રી કમજોર હોઈ શકે પણ અક્ક્લ વગરની હોય એ જરુરી નથી.પોતે માંગેલી દુઆ બાબતે વિચાર્યુ કે ભલે હું છોકરો ન બનું પણ છોકરાઓ જેવી સુઝબુઝ તો કેળવીશ જ…! બસ…એ દિવસથી એ સ્ત્રી હોવાની લઘુતાગ્રંથીમાંથી તેઓ બહાર આવી ગયાં.
ઈસ્મતજીના બંડખોર સ્વભાવ અને વલણને જોઈ માતા-કાકી-ફોઈ વગેરે ભયભીત હતાં.માતાને તો એનું વર્તન આંખના કણાની જેમ ખૂંચતું. આ સ્ત્રીઓને લાગતું કે આ છોકરીમાં છોકરી જેવા એકેય લક્ષણ નથી,સાસરે જશે તો શું થશે? જેને ત્યાં જશે એનું ઘર ભાંગશે અને બે દિવસમાં પિયર પાછી ફરશે.ઈસ્મતજી તો પોતાની મસ્તીમાં ભણ્યે જતાં હતાં. અઝીમભાઈ પાસેથી દેશ-દુનિયાની વાતો જાણતાં એમની લખેલી વાર્તાઓ સાંભળતાં.પોતે પણ કાચી પાકી વાર્તાઓ લખવાં લાગ્યાં.ભાઈની વાર્તાઓ સાંભળી તેમને થતું કે તમારે જે કહેવું હોય એ સીધું કહેવાને બદલે વાર્તામાં લપેટીને કહો તો ઓછી ગાળો સાંભળવાની રહે.
ઈસ્મતજી પહેલેથી જ બુરખાપ્રથાના વિરોધી હતાં પરંતુ પોતાના મોટાભાઈના લગ્ન વખતે જાનમાં ગયાં ત્યારે ફરજીયાત બુરખો પહેરવો પડ્યો.આવી તોફાની છોકરીએ પહેલીવાર બુરખો ઓઢ્યો એટલે એના ભાઈઓએ એમને ખૂબ ચીડ્વ્યાં, ખૂબ મજાક ઉડાડી.એક તો અનિચ્છાએ પહેરેલો બુરખો અને ઉપરથી ભાઈઓનો ત્રાસ ! એમને થયું કે આ અપમાન સહન કરવા કરતાં તો જીવ આપી દેવો સારો.અંતે એમણે એક એવું તીકડમ ચલાવ્યું કે એમને બુરખા વગર રહેવા મળ્યું. એ લખે છે કે ‘ટ્રેનનાં પ્લેટફોર્મ પર નાનીમોટી તમામ સ્ત્રીઓ બુરખામાં હતી અને હું રાજરાણીની જેમ ખુલ્લા મોંએ માથું ઊંચુ કરીને ચાલી રહી હતી. અને આ મારી જીત હતી.’
પિતા મેજીસ્ટ્રેટ હતા,બહારથી કડક અને અંદરથી સાવ કોમળ.માતાએ પોતાની આવડત વડે બહોળા પરિવારને એકસૂત્રમાં જોડી રાખ્યો હતો. ઈસ્મતજીનો અભ્યાસ ચાલુ હતો ત્યાં જ પિતાજીની બદલી મારવાડનાં એક નાના ગામમાં થઈ ગઈ. ત્યાં એકપણ સ્કૂલ ન હોવાથી અભ્યાસ છૂટી ગયો.હોસ્ટેલમાં રહેવાથી છોકરીઓ બગડી જાય એવી માન્યતા દ્ર્ઢ હોવાથી હોસ્ટેલમાં પણ નહીં મોકલાય એવું ફરમાન નીકળ્યું.ઈસ્મતજીનો એક ભાઈ ધરાર ભણવા નહોતો માંગતો છતાં એના પર ભણવાનું જોર અપાઈ રહ્યું હતું જ્યારે ઈસ્મતજીને ભણવું હતું પરંતુ ભણી શકતા ન હતાં.એ વિચારતા કે ‘આ દુનિયાના લેખક કોણ છે?મારી જિંદગીનો નિર્માતા કોણ છે?જો મારા મા-બાપ મારા નિર્માતા છે તો ખુદાએ મને દિમાગ શા માટે આપ્યું?હું એનું શું કરીશ?’ આ રીતે રડીરડીને દિવસો પસાર કરી રહ્યાં હતાં. ક્યારેક ભાગી જવાનો તો ક્યારેક આત્મહત્યાનો પ્લાન બનાવતાં રહેતાં. એવામાં એમના મોટાભાઈનો પત્ર આવ્યો જેમાં ઈસ્મતજી માટે એક છોકરાની વિગત તથા ફોટો મોકલવામાં આવ્યો હતો.ઈસ્મતજી આ લગ્ન માટે બિલકુલ તૈયાર ન હતાં એમનું મગજ ઝપાટાબંધ ચાલવા લાગ્યું કે હું શું કરુ તો આ લગ્નની બબાલમાંથી બચી જાઉં?અંતે એક ક્રાંતિકારી નિર્ણય લીધો.પોતાના મામાના દીકરા જુગનુને ખાનગી પત્ર લખ્યો કે ‘મારા માટે એક ઠેકાણું આવ્યું છે પરંતુ હું લગ્ન કરવા માંગતી નથી. તમે તાત્કાલિક અહીંયા આવો અને બધાને એમ કહો કે તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો.હું તમારી સાથે ક્યારેય લગ્ન કરવાની જબરદસ્તી નહીં કરું પણ તમે મારી મદદ કરો’ઈસ્મતજીનો આ તુક્કો ચાલી ગયો અને લગ્નની વાત ટાળી દેવાઈ.
ઈસ્મતજીને છોકરીઓની જેમ તૈયાર થવું કે સુંદર દેખાવું જરાય ન ગમતું. એમને એવું લાગતું કે આ બધુ પોતાના દોષ છૂપાવવા માટે કરવામા આવે છે.ઈસ્મતજી લગ્ન માટે એવું વિચારતા કે મારા જેવી ફૂવડ,આખાબોલી અને જબરી છોકરી સાથે કોણ લગ્ન કરશે? મારી પાસે નથી આકર્ષક શરીર કે નથી રુપાળો ચહેરો.નથી ભરત ગૂંથણની કળા કે નથી છોકરીઓ જેવી રીતભાત !મારા પર કોણ ફિદા થશે? કોઈ મને ઠુકરાવે એનાં કરતાં હું જ એ બધાને ન ઠોકર મારું? ભણીગણીને પગભર ન થઈ જાઉ? એમણે પિતા પાસે જીદ કરી કે ગમે તે થાય મારે આગળ ભણવું છે મને હોસ્ટેલમાં રહીને ભણવાની પરવાનગી આપો નહીંતર હું ભાગી જઈશ.અંતે બધા માન્યા અને ઈસ્મતજીએ અલીગઢ જઈ મેટ્રીકમાં પ્રવેશ મેળવ્યો.મેટ્રીકમાં પાસ થતાં જ કોલેજમાં પ્રવેશ લઈ લીધો.ત્યાં ભણવાની સાથોસાથ ફૂટબોલ,વોલીબોલ,હોકી,બાસ્કેટબોલ જેવી રમતો શીખ્યાં અને એમાં નામ પણ કાઢ્યું. એકવખત હોસ્ટેલમાં ખરાબ ભોજનનો વિરોધ કરવા માટે અસહકારનું આંદોલન ચલાવવામાં આવ્યું તેમાં આગેવાની લીધી ત્યારથી છોકરીઓ એમને લિડર માનતી થઈ ગઈ. એક વખત લખનૌના તોફાની છોકરાઓએ એક પુસ્તક છપાવ્યું જેમાં ગર્લ્સ કોલેજનો ‘રંડીખાના’ તરીકે ઉલ્લેખ કરાયો અને છોકરીઓ ભડકી ગઈ.ઈસ્મતજીએ બુદ્ધિ ચલાવી અને અલીગઢ યુનિવર્સિટીના ૬૦૦૦ છોકરાઓને ‘ભાઈ’તરીકે સંબોધીને એક ખુલ્લો પત્ર લખ્યો. જે એક મેગેઝિનમાં છપાયો અને યુનિવર્સિટીના છોકરાઓએ પેલા તોફાની તત્વોને મારી ભગાડ્યાં.એ દિવસથી મુસ્લિમ કોલેજની છોકરીઓ અને છોકરાઓ વચ્ચે દોસ્તીની શરુઆત થઈ.
બી.એ.કર્યા બાદ ઈસ્મતજી પોતાના ભાઈને ત્યાં જાવરા ગયાં. તે શહેરમાં ધૂમ મચી ગઈ કે એક મુસ્લિમ છોકરીએ બી.એ. કર્યુ છે?ત્યાંના નવાબસાહેબે તરત જ ઈસ્મતજીને ગર્લ્સ સ્કૂલના હેડમિસ્ટ્રેસ બનાવી દીધાં.ઈસ્મતજીએ મુસ્લિમ છોકરીઓને અંગ્રેજી લખતા અને વાંચતા શીખવવાનું હતું.ઈસ્મતજીએ પોતાનું કામ એટલું સરસ રીતે કર્યું કે નવાબ સાહેબના મનમાં વસી ગયા. નવાબ સાહેબે પોતાના દીકરા માટે પસંદ કરી લીધા અને શાદીનું ફરમાન મોકલ્યું.આવો એકતરફી ફેંસલો ઈસ્મતજીનું વિદ્રોહી દિમાગ સ્વીકારે ખરું!એક તો સાવ અજાણ્યા માણસને આમ પતિપરમેશ્વર તરીકે સ્વીકારવો અને એ પણ પોતાની મંજુરી લીધા વગર ?ફરી એકવાર લગ્નનો મામલો હતો અને ફરી એકવાર ઈસ્મતજીએ બુદ્ધિ લગાવી. એ ઊંચા જીવે આખી રાત જાગ્યા અને વહેલી સવારે કોઈને કહ્યાં વગર ગામ છોડીને ભાગી નીકળ્યા.
ભાગીને બરેલીમાં આવી રહેવા લાગ્યાં. ત્યાં પણ ગર્લ્સ સ્કૂલના હેડમિસ્ટ્રેસ બન્યા. પોતાની સાથે પોતાના બીમાર ભાઈના ત્રણ બાળકોને પણ રાખ્યા, એક વિધવા બહેનને પણ બોલાવી લીધી અને ઓછામાં પુરુ ત્યાંના મેનેજરની બે છોકરીઓને પણ આશરો આપ્યો.ઘર તો જાણે હોસ્ટેલ બની ગયું.સ્કૂલની છોકરીઓને અનેક પ્રકારની રમતોમાં ભાગ લેતી કરી.ભણતાં ભણતાં શરુ થયેલી લેખનની સફર સરસ રીતે આગળ ચાલી રહી હતી એવામાં કોઈ મેગેઝિનમાં એમનું એડ્રેસ છપાયું અને ઘરે પત્રોના ઢગલાં થવા લાગ્યાં.આ ઢગલાંમાંથી એક અનોખો પત્રમિત્ર મળી ગયો અને એમની સાથે દોસ્તી બંધાઈ જે લાગણી સુધી આગળ વધી.
એમની જ કોલેજના ડોકટર ટકર નામના પ્રાધ્યાપિકાએ સમજાવ્યું હતું કે તેજસ્વી અને હોનહાર છોકરીઓએ લગ્ન કરવા જ જોઈએ જેથી એ પોતાનાથી સવાયા તેજસ્વી બાળકોની ભેટ દુનિયાને આપી શકે.કોઈપણ દેશનો વિકાસ કરવા માટે ભણેલ ગણેલ માતાઓની જરુર હોય છે.કોલેજનાં સ્થાપક અને સંચાલક એવા ‘આલા બી’એ પણ સમજાવ્યું કે તું એકદમ સમજદાર અને ઘર સંભાળી શકે તેવી છોકરી છે.તારે જરુર લગ્ન કરવા જોઈએ.આ લોકોની સલાહ માનીને ઈસ્મતજીએ લગ્ન કરવા વિશે હકારાત્મક નિર્ણય લીધો.
ઈસ્મતજી કહે છે કે ‘મને પુસ્તકોએ માલામાલ કરી છે.મેં વાંચેલા દરેક પુસ્તકે મને કંઈ ને કંઈ આપ્યું છે.મને લગભગ બધા જ પ્રશ્નોના જવાબ પુસ્તકોમાંથી મળ્યા છે.’ લેખકો એમને સગાવ્હાલાં જેવા લાગતાં. વાંચવાનો શોખ હંમેશા પહેલા નંબર પર રહ્યો છે.પુસ્તકો સાથે એટલો બધો લગાવ કે દરેક પુસ્તકને સુંઘીને વાંચતા. પોતાના પલંગ પર,ઘરના દરેક ખૂણામાં,અરે…ટોઇલેટમાં પણ પુસ્તકો પડ્યા હોય.બીજા નંબર પર વાતો છે. આખું ઘર વાતોડિયું અને ઈસ્મતજી તો જરા વધારે વાતોડિયણ ગણાતાં.ખાતાં-પીતાં-ઊઠતાં-બેસતાં બસ વાતો જ વાતો !એમને દરેક પ્રકારના લોકો સાથે વાતો કરવી ગમે. દુકાનદારો,ભીખારીઓ,ઘોડાગાડીવાળાઓ,નોકરો વગેરે જુદાજુદા સ્તરના લોકો સાથે વાતો કરતાં કરતાં એમના દિમાગના દરવાજા ખુલવા લાગતા.થોડાક સીધા-સ્પષ્ટ સવાલો પૂછીને એ દરેકની જિંદગીનું સરવૈયું કાઢી શકતાં.ત્રીજો શોખ લખવાનો રહ્યો છે.વાર્તા લખવી ખૂબ ગમતી.એમને મોટાભાગની વાર્તાઓ સત્યઘટના પર આધારિત રહી છે. એમને કાલ્પનિક કથાઓ કરતાં જીવાતી જિંદગીઓમાં વધુ રસ પડતો.એ જણાવે છે કે ‘મારી કલમ માત્ર મારી સાથીદાર જ નહીં પણ મને રોજીરોટી રળી આપતો કમાઉ દીકરો પણ છે.એ મારી બોલતી ચાલતી દોસ્ત છે.એની હાજરીમાં હું ક્યારેય એકલતા નથી અનુભવતી.હું કલમને જેમ નચાવું તેમ તે નાચે ત્યારે મને હું કોઈ સૃષ્ટિની સર્જક હોય એવું લાગે છે.’ લખતી વખતે એમને એવું લાગતું કે જાણે મારા વાચકો મારી સામે બેઠાં છે અને હું તેની સાથે વાતો કરી રહી છું.
ઈસ્મતજીએ લખેલી એક વાર્તા ‘લિહાફ’એમના વાર્તા સંગ્રહમાં છપાઈ અને સમાજમાં હાહાકાર ફેલાઈ ગયો.સ્ત્રીઓના સમલૈંગિક સંબંધોનું વર્ણન કરતી આ વાર્તા પર અશ્લિલતાનું બિરુદ લાગી ગયું. ઈસ્મતજીના નામ પર થૂંથૂં થવા લાગ્યું .એમના પર ગંદી ગાળો લખેલા પત્રોનો વરસાદ થયો. છાપા-મેગેઝિનમાં એમને અશ્લિલ લેખિકા તરીકે ચીતરવામાં આવ્યાં. એમના વિરુદ્ધ ભાષણો થયાં.એમના પર અશ્લિલતાનો કેસ દાખલ કરવામાં આવ્યો. પતિ સાથે આ વાર્તા બાબતે એટલા બધા ઝગડા થયા કે વાત તલાક સુધી આવી ગઈ.આખો સમાજ એમના પર ફિટકાર વરસાવી રહ્યો હતો. સગાવ્હાલાઓ પણ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયાં હતાં.લાહોર કોર્ટમાં કેસ ચાલ્યો. લોકોએ ખૂબ સમજાવ્યા, ધમકી પણ આપી કે માફી માંગી લો તો કેસ પાછો ખેંચી લઈએ પરંતુ ઈસ્મતજી પોતાની વાત પર મક્કમ રહ્યાં અને કેસ જીતી ગયાં. બરાબર એ જ સમયે સહાદત હસન મંટો પર પણ અશ્લિલતાનો કેસ ચાલી રહ્યો હતો.કોર્ટમાં હાજર થવા ઈસ્મતજી અને એમના પતિ તથા મન્ટો અને એમના પત્નિ બે વખત સાથે જ લાહોર ગયાં.ચારેય જણા ત્યાં ખૂબ ફર્યા,શોપિંગ કર્યુ,પાર્ટીઓ કરી. એટલી મજાઓ કરી કે ઈસ્મતજીના મોંમાંથી દુઆ નીકળી ‘હે ખુદા, તું કેસ કરનારાનું ભલુ કરજે’. ‘લિહાફ’ પછી અને પહેલા અનેક વાર્તાઓ લખાઈ છે પરંતુ લોકો આજેપણ તેમને ‘લિહાફ’ના લેખિકા તરીકે વધુ યાદ કરે છે.
આ એક એવી લેખિકા છે જે પૂરી સચ્ચાઈથી જીવી છે.કોઈ દંભ કે દેખાડો કર્યા વગર ,પોતાને મહાન ચીતર્યા વગર જેવું જીવાયું છે એવું જ આપણી સમક્ષ મૂકી આપ્યું છે.રસપ્રદ શૈલીમાં લખાયેલા પ્રસંગો, કહેવતો અને રુઢીપ્રયોગોનો ભરપુર ઉપયોગ, સાદી સરળ બોલચાલની ભાષા વગેરે આ પુસ્તકની ઉડીને આંખે વળગે એવી ખાસિયતો છે. કહેવાય છે કે આત્મકથા લખનારે સ્વપ્રશસ્તિથી દૂર રહીને જીવાયેલા સત્યને ઉજાગર કરવાનું હોય છે.આ પુસ્તકમાં એ વાત સુપેરે સિદ્ધ થઈ છે. ઉર્દૂ સાહિત્યમાં ‘ઈસ્મત આપા’ તરીકે ઓળખાતા આ લેખિકા આ પુસ્તક વાંચ્યા પછી આપને પણ પોતાના લાગવા માંડે તો નવાઈ નહીં.
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પગદંડીનો પંથી – ભાગ ૧ – ૨૬ : ધર્મસંકટ
એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.ડૉ. પરેશ એક જાણીતી હોસ્પિટલમાં સર્જન હતો. સંજોગો એવા હતા કે તેના ઉપરી અધિકારી આંકડા ઉપર વધારે ભાર આપતા હતા, કે જેથી પોતાની હોસ્પિટલમાં થયેલા ઑપરેશનના આંકડા ઉપલા સ્તરે બતાવી શકાય.
બન્યું એવું કે એક રાત્રે લગભગ દસેક વાગ્યે ગામડાના એક દર્દીને લાવવામાં આવ્યો. ઇમર્જન્સીમાં ડૉ. પરેશે તપાસીને નિદાન કર્યું કે તેની હોજરીમાં કાણું પડી ગયું હતું, અને ત્યાર પછી પણ તેને તાત્કાલિક દવાખાને ન લવાતાં તેના પેટમાં પરુ ભરાયેલું હતું અને ઝેર ચડી ગયું હતું. તેની જેવી વાઇટલ નિશાની જેવી કે BP, વગેરે ઘટી ગયાં હતાં. (Septic Shock). ડૉક્ટરને લાગ્યું કે ઑપરેશન તો કરવું જ પડશે, પરંતુ દર્દીને બેભાન કરતાં પહેલાં તે એનેસ્થેસિયા સહન કરી શકે તે માટે નસમાં Fluids અને Antibiotics આપી તેને તૈયાર કરવો પડે. સાથે પેટનું પરુ કાઢવા બંને બાજુ Tape કરવું પડે, અથવા રબરની ડ્રેઇન મૂકવી પડે. દર્દી Stable થાય પછી જ ઑપરેશન કરી શકાય. તેણે દર્દીનાં સગાંને આ બાબતની જાણ કરી, પણ કોઈને એવું લાગ્યું કે ડૉ. પરેશ રાત્રે ઑપરેશન કરવા માગતો નથી, એટલે ના પાડે છે. તેમણે ઉપરી અધિકારીને જાણ કરી.
ઉપરી અધિકારી તો આવીને પોતાનો પ્રભાવ પાડવા દર્દીને તાત્કાલિક ઑપરેશનમાં લેવાનો ઑર્ડર કર્યો. ડૉ. પરેશ સર્જન હતો. તેનો અભિપ્રાય જ આખરી હોય, પરંતુ ઉપરીએ દર્દીના સગાંની સામે જ કહ્યું કે, “અત્યારે જ ઑપરેશન કરો, નહીં તો દર્દી સવાર સુધીમાં મરી જશે.”
ડૉ. પરેશ માટે પરીક્ષાનો સમય ઊભો થયો.
૧. દર્દી મરવાની અણી પર હતો, ઑપરેશનની જરૂર હતી, પણ તાત્કાલિક બેભાન કરીએ તો ટેબલ પર જ મરી જાય એમ હતો.
૨. ઑપરેશન અત્યારે ન કરે, અને દર્દી મરી જાય તો સંપૂર્ણ જવાબદારી પરેશ પર આવી જાય. “કેમ ઑપરેશન ના કર્યું?”
આખરે બંને બાજુ વિચાર કરીને ડૉ. પરેશે ઑપરેશન કર્યું. તેનું નિદાન બરાબર હતું. હોજરી ફાટેલી હતી, અને ખોરાક અને પરુ આખા પેટમાં ફેલાઈ ગયું હતું. તેણે બધું સાફસૂફ કર્યું. હોજરી (Stomach)નું કાણું (Perforation) બંધ કર્યું મહામુસીબતે!
અધિકારી કહે, “એને Gastric Bypass Surgery’ પણ કરો.
ડૉ. પરેશઃ પણ સાહેબ, દર્દી જીવી જાય એ અત્યારે જરૂરી છે, ફરી એક કલાક બેભાન રાખવો ઠીક નથી.”
અધિકારીઃ “હું કહું છું ને, આગળ વધો.”
ન છૂટકે ડૉ. પરેશે એ પણ સંપૂર્ણ સફળતાપૂર્વક પૂરું કર્યું. પણ આ શું થયું?
પેટ બંધ કરવાના છેલ્લા ટાંકા વખતે જ દર્દીનું ટેબલ પર મૃત્યુ થઈ ગયું, બધા જ પ્રયત્નો છતાં! અધિકારી ગભરાઈ ગયા, અને એનેસ્થેસિયા મશીન સાથે દર્દીને બહાર કઢાવ્યો, અને થોડી વાર પછી ‘મરણ’ જાહેર કરાવ્યું, સંપૂર્ણ નાટકીય રીતે!
ડૉ. પરેશ એટલો હચમચી ગયો, કે આખરે તે ચોધાર આંસુએ રડવા માંડ્યો. દર્દીના સગાં આ જોઈને દોડી આવ્યાં.
“સાહેબ, આપ ના રડો. અમારો માણસ હતો, તમે થાય તે બધું જ કર્યું છે.”
આવા સમયે અધિકારી સાથે રહે તો કેવું?
(૨)
એવો જ એક બીજો પણ પ્રસંગ બનેલો.
ડૉ. પરેશના અંગત મિત્રનાં ૮૦ વર્ષ વટાવી ચૂકેલાં માજીને Prolapsed Uterus (શરીર/ગર્ભાશય બહાર નીકળવું) હતું. એક રાત્રે પેટમાં દુઃખાવો ઊપડતાં ડૉ. પરેશે તેમની સંપૂર્ણ તપાસ કરી, એક્સ રે, વગેરે જોઈને Conservative Treatment પર રાખ્યાં. નીચે ઊતરેલા શરીરને યોગ્ય રીતે ગોઠવી દીધું હતું, કારણ કે તેનાથી જ આંતરડા ખેંચાઈને Pseudo-intestinal Obstruction (આંતરડાનો અટકાવ) થતું હતું. શરીર પાછું દબાવી દેવાથી દર્દીને સારું થઈ જશે એ ડૉ. પરેશને ખાત્રી હતી.
આ કેસ આમ તો Gynaecologistનો થયો, એટલે એમણે પણ તપાસ્યાં હતાં. તે નવાં-નવાં ભરતી થયેલાં ડૉક્ટર હતાં, અને અનુભવ ઓછો હતો. ડૉ. પરેશને ખબર હતી, એટલે એમણે બાજુમાં લઈ જઈને સલાહ આપી કે,
“આ માજીનું Hystrectomy ઑપરેશન ઇમર્જન્સીમાં ના કરતાં, અને અધિકારી દબાણ કરે તો કહેજો કે મને નહીં ફાવે આ ઑપરેશન કરતાં.” એ માની ગયાં, પણ ઉપરી અધિકારીએ બધાં સગાં ભેગાં કરીને જણાવ્યું કે “તાત્કાલિક ઑપરેશનની જરૂર છે, અને ડૉ. પરેશ ના પાડે છે. દર્દીને કંઈ થઈ જશે તો? સવાર સુધીમાં મરી પણ જાય!”
સગાં તો આ સાંભળીને ગભરાય એ દેખીતું જ હતું. ડૉ. પરેશને એક જ ઉપાય દેખાયો કે કોઈપણ રીતે આ ઑપરેશન તાત્કાલિક ના થાય. એ માટે સગાં સંમતિપત્ર પર સહી ના કરે તો જ શક્ય હતું! આથી એમણે અંદરખાનેથી ફોન કરાવીને દર્દીના પુત્ર અને પોતાના મિત્રને કહ્યું કે,
“ઑપરેશનની જરૂર નથી, તમે સંમતિપત્ર પર સહી કરતા નહીં.”
અંગત મિત્ર હોવાથી ડૉ. પરેશની વાત સગાંએ માની લીધી અને ઑપરેશન ના થયું. બીજા દિવસે માજીને સંપૂર્ણ આરામ થઈ ગયો અને રજા આપી દીધી. થોડા વર્ષો બાદ તેમનું ઑપરેશન કોઈ બીજી જગ્યાએ કરાવ્યું, અને આ લખી રહ્યો છું ત્યારે એ માજી હજુ જીવે છે, અને સેન્ચ્યુરિ મારવાની અણી પર છે.
(૩)
ડૉ. પરેશ તે વખતે આસિસ્ટન્ટ પ્રોફેસર હતા, અને ઉપરી પ્રોફેસર ઉપરાંત તેની સાથે છ રેસિડેન્ટ ડૉક્ટરો પણ હતા, જે સર્જરીનો ડિગ્રી કોર્સ કરી રહ્યા હતા. બધા જ રેસિડેન્ટ ડૉક્ટરોને વારાફરતી પ્રોફેસર/આસિસ્ટન્ટ પ્રોફેસરની દેખરેખ નીચે ઑપરેશનો કરાવાતાં અને આ રીતે સર્જનો તૈયાર થાય તેવી વ્યવસ્થા હતી.
એક રાત્રે દાખલ થયેલી દસ વર્ષની એક છોકરીને એપેન્ડિક્સની જગ્યાએ દુઃખાવો છે, અને ઑપરેશન કરવું પડશે એવી ડૉ. પરેશને જાણ કરવામાં આવી. ડો. પરેશે તપાસીને નક્કી કર્યું કે છોકરીને પેટમાં દુઃખવાનું કારણ માનસિક હતું, અને ઑપરેશન ન કરાય. પણ રેસિડેન્ટ ડૉક્ટરોને એક ઑપરેશન કરવા ના મળ્યું એટલે તેઓ વિરોધ કરવા લાગ્યા.
ડૉ. પરેશઃ “જો એમ જ હોય તો દર્દી ત્રણ દિવસથી વધારે સમય સુધી સંપૂર્ણ સ્વસ્થ ના રહી શકે. ભલે, એમ કરો, એક વાર Psychiatristનો અભિપ્રાય તો લઈ લો!”
અને અભિપ્રાય આવ્યો કે ડૉ. પરેશનું નિદાન સાચું છે, એને Counselling કરવું પડશે. જરૂર વગરના ઑપરેશનથી એ છોકરી બચી ગઈ!
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પ્રસન્ન ભારત : ભ્રમ અને વાસ્તવ વચ્ચે કેટલું અંતર
નિસબત
ચંદુ મહેરિયા

તસવીર નેટ પરથી ભારત કરતાં પાકિસ્તાનના અને એ બેઉ કરતાં રશિયા સાથેના યુધ્ધથી ત્રાહિમામ યુક્રેનના લોકો વધુ આનંદિત જીવન વ્યતીત કરે છે તથા એશિયા કરતાં યુરોપના દેશો વધુ ખુશહાલ છે એવું કોઈ કહે તો આપણે માનીએ ? શું આનંદ, ખુશી, પ્રસન્નતાની લાગણી માપી શકાય? આ સવાલો થવાનું કારણ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૩ છે. આ વરસના વિશ્વ પ્રસન્નતા દિવસે(વીસમી માર્ચ) જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્ર્સંઘ સમર્થિત સંસ્થા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કના વિશ્વ પ્રસન્નતા અહેવાલમાં સામેલ ૧૩૭ દેશોમાં ભારતનું સ્થાન ૧૨૬મું છે. દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા ધરાવતા વિશ્વગુરુ ભારતને આનંદિત દેશોના ક્રમમાં મળેલા નિમ્ન સ્થાને વિવાદ જગવ્યો છે.
યુનોએ ૨૦૧૩થી આનંદ, તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ વધારવા વીસમી માર્ચના દિવસને નેશનલ ડે ઓફ હેપ્પીનેસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. તે દિવસે વલ્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રગટ થાય છે. ૨૦૨૦થી ૨૦૨૨ના ત્રણ વરસનું વિષ્લેષણ રજૂ કરતાં ૨૦૨૩માં જાહેર, ૧૬૬ પ્રુષ્ઠોના અને પાંચ પ્રકરણોમાં વિભાજિત આ રિપોર્ટમાં પાંચ લેખો તથા ૧૩૭ દેશોનું રેન્કિંગ છે. માત્રાત્મક સંકેતકોથી લોકોના જીવનનું ગુણાત્મક મૂલ્યાંકન કરતાં આ અહેવાલમાં સતત છઠ્ઠા વરસે માંડ ૫૫.૫૪ લાખની વસ્તી ધરાવતો દેશ ફિનલેન્ડ પ્રથમ સ્થાને છે. ૨૦૨૦થી અંતિમસ્થાને રહેતા અફઘાનિસ્તાને તેનું આ સ્થાન ૨૦૨૩માં પણ જાળવી રાખ્યું છે. પહેલા વીસ દેશોમાં એક પણ એશિયન દેશ નથી.
ગૈલપ વલ્ડ પોલના ડેટા ઉપરાંત સંબંધિત દેશોના પ્રતિનિધિરૂપ ૫૦૦થી ૩૦૦૦ લોકોએ નિશ્ચિત માપદંડોને લગતા પ્રશ્નોના જવાબો તરીકે ૦થી ૧૦નો જે રેન્ક દર્શાવ્યા હોય છે તેની સરેરાશ પરથી આ હેપ્પીનેસ આંક નક્કી કરવામાં આવે છે. ઠરાવેલા માપદંડો સ્થાનિક અને વૈશ્વિક હોય છે. જેમકે, સ્વસ્થ સરેરાશ આયુષ્ય, પ્રતિવ્યક્તિ જીડીપી, સામાજિક સમર્થન, ઉદારતા, વ્યક્તિને જીવનમાં પસંદગીની સ્વતંત્રતાનો અધિકાર, ઉદારતા, કલ્પનાલોક અને દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર.
વલ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતનું સ્થાન સુધરી રહ્યું છે. પરંતુ ઘણા વરસોથી તે તળિયે જ જોવા મળે છે. ૨૦૧૯માં તેનો પ્રસન્નતા આંક ૧૪૦, ૨૦૨૦માં ૧૪૪, ૨૦૨૧માં ૧૩૯, ૨૦૨૨માં ૧૩૬ અને ૨૦૨૩માં ૧૨૬ છે. ૨૦૨૩માં ભારત કરતાં ભારતના પાડોશી દેશોમાં વધુ પ્રસન્નતા જણાઈ છે. ચીનનો ક્રમ ૬૪, મ્યાંમારનો ૭૨, નેપાળનો ૭૮, બાંગ્લાદેશનો ૧૦૨ અને પાકિસ્તાનનો ૧૦૮ છે. યુધ્ધમાં ઘેરાયેલા રશિયા અને યુક્રેનના આનંદક્રમ અનુક્રમે ૭૦ અને ૯૨ છે. તે પણ ભારત કરતાં પ્રસન્નતામાં ચડિયાતા હોય તે બાબત નવાઈ પમાડે તેવી છે.
એકસો સાડત્રીસ દેશોમાં ભારતનું સ્થાન એકસો છવ્વીસમું હોય તે વાત ઘણાને હજમ થતી નથી. જોકે ઘણાને તેમાં કંઈ અજુગતું પણ લાગતું નથી. ઓક્સફામના અમીરો-ગરીબો વચ્ચેના અંતરનો અહેવાલ, ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ, માતા-બાળક મૃત્યુદર, માનવ વિકાસ સૂચકાંક, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ, ગુણવતાયુક્ત શિક્ષણના અભાવ થી અપૂરતી આરોગ્ય સગવડો જેવા ઘણા અહેવાલોમાં ભારતનું સ્થાન નીચું છે.એટલે હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત તળિયાના દસ દેશોમાં હોય તે સ્વાભાવિક લેખાવું જોઈએ. દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષાનો અભાવ, શહેરીકરણા અને તેના સવાલો, બેરોજગારી સાથે આવકમાં ઘટાડો, આરોગ્ય ખર્ચમાં વધારો , ખરાબ માનસિક આરોગ્ય અને પર્યાવરણ-પ્રદૂષણ જેવી બાબતો ભારતના લોકોની ખુશીમાં બાધક છે.
સવાસો કરોડની વસ્તીના દેશના ૫૦૦ થી ૩૦૦૦ લોકોના જવાબો પરથી પ્રસન્નતા આંક કઈ રીતે નક્કી થઈ શકે તેવો સવાલ પણ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતના નીચા સ્થાનના વિરોધીઓનો છે. બહુ નાની સેમ્પલ સાઈઝનો આ સવાલ લગભગ કોઈપણ સર્વેક્ષણના નિષ્કર્ષો સામે ઉઠતો હોય છે. તેના જવાબમાં રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે તેના તારણો ૯૫ ટકા સાચા છે કે તે રિઝનેબલી ગુડ એસ્ટીમેટ એટ ઘ નેશનલ લેવલ છે.
કેટલાક આલોચકો માપદંડો સામે સવાલો ઉઠાવે છે. ખુશીને અસર કરી શકે તેવા માપદંડોનો અભાવ હોવાની તેમની ફરિયાદ છે. વળી જટિલ અને બહુઆયામી આનંદ અને ઉદારતાની અવધારણાને કઈ રીતે માપી શકાય ? તેમ પણ તેઓ પૂછે છે. માત્ર આર્થિક સમૃધ્ધિ આનંદનું કારણ હોઈ શકે ખરું ? જો જવાબ હા હોય તો અમેરિકા, બ્રિટન અને સંયુક્ત આરબ અમીરાત જેવા ધનના ઢગલે આટોળતા દેશો પ્રસન્નતામાં ટોપ ટેન કેમ નથી? એટલે લોકોની ખુશી અને સંતોષ માત્ર આર્થિક બાબતો પર જ નિર્ભર નથી.
ભારત પણ લોકોના ચહેરા પર પ્રસન્નતા આણવા અને આંકવા પ્રયત્નો કરી રહ્યું છે. મધ્યપ્રદેશ સરકારે ૨૦૧૬થી રાજ્યમાં આનંદ મંત્રાલય શરૂ કર્યું છે. તેનું કારણ રાજ્યમાં વધતા આત્મહત્યાના બનાવો અને લોકોમાં વ્યાપ્ત તણાવ અને નિરાશા હતા. લોકોમાં આનંદ સહિતની બાબતો રોપવા કેટલાક મોડ્યુલ તૈયાર કર્યા છે. તે ઉપરાંત આનંદ કલબ અને જોય ઓફ ગિવિંગના આયોજનો થાય છે. વડાપ્રધાને જી-૨૦ના દેશોને મહિલાઓમાં પ્રસન્નતા જાણવા કરેલા આહ્વાનને અનુસરીને હરિયાણામાં એક એનજીઓએ રાજ્યના ત્રણ જિલ્લામાં વુમન હેપ્પીનેસ ઈન્ડેક્ષ માટે સર્વે હાથ ધર્યો છે. સંસ્થા વુમન હેપ્પીનેસ ચાર્ટ મહિલાઓના ઘરે લગાવીને તેના પરથી મહિલાઓની ખુશી માપવાની છે. ૨૦૨૩માં દુનિયાના જે દસ દેશો પ્રસન્નતામાં ટોચે છે તેમાંથી આઠ દેશોમાં ચાળીસ ટકા સંસદીય પદો પર મહિલાઓ છે. એ દ્રષ્ટિએ પણ મહિલાઓની ખુશીને પ્રાધાન્ય મળવું જોઈએ.
માનસશાસ્ત્રના સંશોધક ફ્રેન્ક માર્ટેલા પ્રસન્નતા આંકને જરા જુદી રીતે મૂલવે છે. તેઓ કહે છે કે હું ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશખુશાલ દેશ છે એમ નહીં કહું પણ એમ કહીશ કે ફિનલેન્ડમાં બહુ ઓછા લોકો દુ:ખી છે. કોઈપણ સરકાર તેના નાગરિકોના ચહેરા પર પરાણે સ્મિત ના આણી શકે પરંતુ યોગ્ય અને સારું કામ કરવા સક્ષમ સંસ્થાઓ, સગવડો અને સેવાઓ આપીને તે તેમના દુ:ખના ઘણા કારણો દૂર કરી શકે છે.
૧૯૫૬માં સૌરાષ્ટ્ર સરકારે સફાઈ કામદારોની સ્થિતિનો અભ્યાસ કરવા દવે કમિશનની રચના કરી હતી. કમિશને તેના અહેવાલમાં સફાઈ કામદારોની વસ્તીની જાત મુલાકાતના આધારે સાંજ પડે લોકો વસ્તીમાં ભેગા થઈ હાહાહીહી અને ઠઠ્ઠામશ્કરી કરતા હોય છે તેની ટીકા કરી હતી. સફાઈ કામદારો તેમના દુ:ખ અને વેદનાને ભૂલવા હસે કે હસી કાઢે તે ટીકાસ્પદ અને મહાનગરો-નગરોની કૃત્રિમ હાસ્યની લાફિંગ કલબો આવકારદાયક એવા વિરોધાભાસ વચ્ચેના પ્રસન્ન ભારતના પ્રસન્નતા આંકને માપવો અઘરો છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કાર્ટૂનકથા : [૩]
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
ઊધઈ ઊવાચ


વાર્તાવ્યંગ્ય

આ સામયિકના બે અંક પ્રકાશિત થયા ત્યાં સુધી તેના વિતરણની વ્યવસ્થા સુચારુ રીતે ગોઠવાઈ નહી હોવાથી અનેક વાચકોની ફરિયાદ અંક ન મળ્યાની રહેતી. આ મુદ્દાને સમાવીને નીચેનું કાર્ટૂન બનાવ્યું હતું.

(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કીડી સ્ટુડિયો
વાંચનમાંથી ટાંચણ
– સુરેશ જાની
ઉત્તર પ્રદેશના નોયડાના ૫૮ નંબરના સેક્ટરમાં આવેલ, પાવર કેપેસિટર બનાવતા દેકી ઇલેક્ટ્રોનિક્સના કારીગરો અને મેનેજમેન્ટ ગરમીથી વાજ આવી ગયા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી તો સમજ્યા, પણ દરવાજા પાસે આવેલ ડિઝલ જનરેટર સેટમાંથી બહાર ઓકાતી ગરમી દુકાળમાં અધિક માસ જેવી હતી. એના મેનેજિંગ ડિરેક્ટર શ્રી. વિનોદ શર્માએ દિલ્હીના ઊગતા પણ અવનવા નૂસખા માટે જાણીતા સ્થપતિ શ્રી. મનીષ સિરપુરપુને કાને આ વાત નાંખી અને એ અદકપાંસળી જણ એની ટોળી સાથે એ પ્રશ્ન ઉકેલવા મચી પડ્યો. ઘણી મથામણ અને પ્રયોગો પછી, એક નવી જ જાતનું એર કૂલર કામ કરતું થઈ ગયું. અને તે પણ બહુ ઓછી વિજળી વાપરીને!

અનેક પ્રયોગો પછી નળાકાર આકારના સેંકડો ભુંગળાઓ વાપરીને બનાવેલ આ સાધન ઉપર કારખાનાનું નકામું પાણી શુદ્ધ કરીને છાંટવામાં આવે છે. એ ભુંગળાઓની આજુબાજુની જગ્યા રેતીથી ભરવામાં આવી છે, જે પાણીનો સંગ્રહ કરી રાખે છે. મનીષને આને માટે પ્રેરણા હજારો વર્ષ પહેલાંની ઇજિપ્તનાં સ્થાપત્યો પરથી મળી હતી.
આમાં ચીલાચાલુ એર કુલરની ઘણી બધી ખામીઓ દૂર કરવામાં આવી છે. વળી સ્થાનિક કુંભારોને પણ આના કારણે નવું કામ મળ્યું છે. આ રીત તો હવે ઘણી પ્રચલિત પણ બનવા લાગી છે.
દિલ્હીની સ્થાપત્ય શાળામાંથી [School of Planning and Architecture (SPA) ] સ્નાતક થયા બાદ, મનીષ સિરપુરપુ એ ૨૦૧૦ માં ‘અર્બન બોક્સ ડિઝાઈન સ્ટુડિયો’ નામનો નૂતન અભિગમ અપનાવતો સ્ટુડિયો શરૂ કર્યો હતો.

જાતજાતના પ્રશ્નોના આગવા ઉકેલ માટે તે જાણીતો બની ગયો. Tata Endowment scholarship award મેળવીને તેને સ્પેનના બાર્સિલોના ખાતે વિશિષ્ઠ અભ્યાસ અને સંશોધન કરવાની તક પણ એના કારણે મળી હતી. તેણે કરેલા અવનવા નૂસખાના ઘણા બધા નમૂના છે. એક જાણીતા ઉદ્યોગપતિના રહેઠાણના મકાનની આ ડિઝાઈન જ જોઈ લો. એમાં પણ માટીનાં એ ભૂંગળાઓ વાપરવામાં આવ્યાં છે –

ત્યાર બાદ, ૨૦૧૬ની સાલમાં નાનકડી કીડીની સમજ પરથી પ્રેરણા લઈ, AnT studio ( Architecture and Technology) શરૂ કર્યો હતો.
નાનકડી કીડીની ખાંખત અને કોઠાસૂઝને મનીષે પોતાના કામનો જીવનમંત્ર બનાવ્યાં છે. આ બધાના આધાર પર મનીષને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલા છે.
સંદર્ભ –
https://www.thebetterindia.com/116617/delhi-ant-studio-ac/
https://www.curbed.com/2017/9/18/16325134/air-conditioner-technology-india-terra-cotta-tubes
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
એક અનોખા સેવાલક્ષી સરકારી અધિકારીની અનોખી કથા (૧)
લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
રોજ સવારમાં અખબારોનાં પાનેથી અનેક દુર્ઘટનાઓ ઉભરાઇ ઉભરાઇને આપણા મન-મગજને કલુષિત કરતી રહે છે. અને અખબારને કોરાણે મુક્યા પછી એમાંથી મોટા ભાગની આપણને કોઠે પડી જાય છે, તો કેટલીક વિસરાઇ પણ જાય છે. પણ આજેય છેલ્લા ત્રણેક માસથી એક એવી દુર્ઘટનાના આગમનના એંધાણ આપણને કંપાવી જાય છે, જેનો કંપ હજુ શમ્યો નથી. દેશમાં તો ઠીક, પણ ગુજરાતમાં ભાગ્યે જ કોઇ એવું ઘર હશે કે જે એ દુર્ઘટનાની કંપારી હજુ પણ અનુભવતું નહીં હોય. એ દુર્ઘટના છે કોરોનાએ વરસાવેલા કાળા કેરની.
કોને યાદ નહીં હોય એ કાળા કારમા દહાડા? જ્યારે ધોળે દિવસે દરેક ગામ-ગામડાં, કસ્બાઓ, શહેરો, (મહાનગરો પણ) સાવ સુનકારગ્રસ્ત થઇ ગયા હતા ! એકે એક મનુષ્ય પોતાના કે પોતાના કોઇ સ્વજન પર ત્રાટકેલા, અથવા ત્રાટકી શકનારા, યા એનો ભોગ બનીને દિવંગત થઇ ચૂકેલા પરિવારજનને યાદ કરી કરીને આજે પણ કંપી એટલા માટે જાય છે કે ફરી એના આગમનના એંધાણ છાપાંઓ, સોશ્યલ મિડીયા, ટીવી ચેનલો અને રેડીયો દ્વારા તો સમજાય, પણ મુખોમુખ પણ ફેલાઇ રહ્યા છે.
હા, એ દિવસોમાં જેમને જાહેર જનતા સાથે રોજેરોજનો વ્યવહાર છે એવી સરકારી કચેરીઓ પણ સ્મશાન જેવી નિષ્ચેષ્ઠ બની રહી હતી. લોક કહેતાં અરજદારોના કામ પણ રઝળી રહ્યાં હતાં. આખા ગુજરાત રાજ્યમાં એ માર્ચથી કોરોનાના કહેરની કાળી અસરમાં મોટા ભાગનાં કામકાજ થંભી ગયાં હતાં. મોટા ભાગની અર્ધસરકારી અને સરકારી ઓફીસોમાં અશાંત શાતિ છવાઇ ગઇ હતી. અરજદારોને પણ એ કોઠે પડી ગયું હોય એમ એમની રકઝક અને દલીલબાજી ઠંડા પડી ગયા હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન પણ ગુજરાત સરકારની કેટલીક સરકારી ઓફીસો એવી હતી કે જેમણે કોરોનાના ઓથાર નીચે કામમાં ઝોલ પડવા દીધો નહોતો.
બીજી ઓફિસોનો તો મને જાતઅનુભવ નહોતો પણ એ દિવસોમાં મેં અને મારા સ્વજનોએ સ્થાપેલા ‘તરુછાયા એજ્યુકેશન એન્ડ કલ્ચરલ ચેરીટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના પછીના અમુક કામે ગુજરાત રાજ્યના ચેરીટી કમિશનરની ઓફીસે અવારનવાર એ અંદેશા સાથે જતો હતો કે ત્યાં પણ એ વખતે પૂરબહારમા ફેલાયેલા કોરોનાનું ગ્રહણ લાગી ગયું હશે અને મારું કામ પતાવ્યા વગર જ મારે પાછા ફરવું પડશે. પરંતુ મને એ જોઇને અને અનુભવીને અતિ આશ્ચર્ય થયું હતું કે એ કચેરીના દરેક કર્મચારીએ સરકારના ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લની રાહબરી હેઠળ ચેરિટી તંત્રની કામગીરી જારી રાખી હતી. જેના ફળસ્વરૂપે માર્ચ ૨૦૧૯થી લઈને પછીના થોડા સમય સુધીમાં તો એ તંત્ર દ્વારા પચીસ હજાર જેટલા કેસો ચલાવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. મેં જરા ઉંડા ઊતરીને આંકડા મેળવ્યા તો દર મહિને કેસોના નિકાલની સરેરાશ ૮૦૦ કેસોની હતી. એક બાજુ રાજ્યમાં કોર્ટો ખૂબ જ લાંબા સમય સુધી બંધ રહી હતી. ત્યારે ચેરિટી કમિશનરની અદાલત અને તાબાની અદાલતોના (જેમ કે સમગ્ર રાજ્યના) આસિસ્ટન્ટ ચેરીટી કમિશનરોની કચેરીઓ તેમની દોરવણી હેઠળ પોતાના નિયત અને રોજિંદા ક્રમમાં નિયમિત કામ કરતી રહી હતી.
એક અંદાજ મુજબ ગુજરાત રાજ્યના ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લએ રોજિંદા ક્રમમાં પોતાની કોર્ટની કામગીરી ચાલુ રાખી અને ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીમાં નાના મોટા અને પરચુરણ એવા પચીસ હજાર કેસીસના કેસોના ત્વરિત નિકાલ કર્યે રાખ્યા હતા.. આમ, કોરોનાના કપરા કાળમાં પણ તેમણે કોર્ટના ડાયસ પર જઈને રૂટિન કેસો ચલાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હું માનું છું કે સમગ્ર ભારતમાં આની બીજી મિસાલ નહીં હોય.
રાજ્યમાં કોરોનાના આગમન બાદ શરૂઆતમાં મોટા ભાગની કચેરીઓમાં કામકાજ બંધ રહ્યા હતા. સરકારના વિભાગોમાં પણ કામગીરી અટકી પડી હતી. લોકડાઉન બાદ પણ ઘણા કિસ્સામાં કચેરીઓમાં કામકાજ શરૂ થયા ન હતા. જેમાં કોર્ટો પણ લાંબા સમય સુધી બંધ રહી હતી. જો કે, આ તમામ વચ્ચે 2019માં પણ અગાઉ ચાલતી હતી તે જ રીતે અથવા તેથી વધુ ચીવટથી ચેરિટી તંત્ર દ્વારા કોર્ટની કામગીરી કોરોનાની ગાઈડલાઈન સાથે ચાલુ રાખી હતી. જેના પગલે વર્ષોથી પડતર એવા અનેક કેસોના નિકાલ કરવામાં આવ્યા હતા. કોરોનાને લઈને તમામ સ્ટાફ, વકીલો અને અધિકારીઓએ સાથે બેસીને એવો નિર્ણય કર્યો હતો કે, કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરીને કેસો ચલાવવામાં આવે. જેથી ચેરિટી તંત્ર દ્વારા સમગ્ર કામગીરી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનને કેન્દ્રમાં રાખી કોર્ટની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. કોરોના ગાઈડલાઈનનો ભંગ થાય તો કોર્ટની કામગીરી અટકી શકે તેમ હોઈ તમામ લોકોને આ અંગે સુચના આપી ગાઈડલાઈનનું પાલન કરવા માટે તાકીદ કરાઈ હતી.
કોર્ટમાં કેસો ચલાવતી વખતે યોગ્ય અંતર જાળવવામાં આવતું હતું. ઉપરાંત બને ત્યાં સુધી જરૂર ન હોય તો પક્ષકારોને નહીં બોલાવવાનું નક્કી કરાયું હતું. જેથી કરીને એટલો લોકસંપર્ક ટળે અને રોગનો ફેલાવો વિકરાળ રૂપ ઘારણ ન કરે. આમ, કોરોનાની ગાઈડલાઈનનો ભંગ પણ ન થાય અને કેસોના નિકાલ થાય તે રીતે કામગીરી કરી બતાવી હતી. અમદાવાદ સ્થિત ચેરિટી કમિશનરની અદાલત અને તેમના તાબાની અદાલતો ચાલુ રાખી આ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ચેરિટી કમિશનર દ્વારા થતી આવી કામગીરીમાં વકીલોએ પૂરતો સહકાર આપ્યો હતો. કોરોના કાળમાં વકીલોને કોઈ તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન રખાયું હતું. તેઓ ચેરિટી કમિશનર કચેરીમાં આવેલા બાર રૂમમાં આવીને બેસી ન રહે તે માટે સમજૂતી સધાઇ ગઇ હતી. વકીલો પણ પોતાનો કેસ હોય ત્યારે ચેરિટી કમિશનરની કચેરીએ આવતા હતા અને જેવો કેસ પતે ત્યાર પછી તરત જ કોર્ટ છોડી જતા રહેતા હતા.

(ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લા) ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લએ એક વિક્રમ ગણાય તે રીતે વિશેષ ઝુંબેશ હાથ ધરીને બિનતકરારી ચેઈન્જ રિપોર્ટ અને ટ્રસ્ટ નોંધણીની અરજીઓના એક જ દિવસમાં ખૂબ જ મોટી સંખ્યામાં નિકાલ કરી બતાવ્યો. નમૂના તરીકે સમગ્ર સમયમાંથી માત્ર એક સમયખંડની વાત જ લઇએ તો રાજ્યમાં ચેરિટી તંત્ર દ્વારા એક જ દિવસમાં 2964 પડતર કેસનો ચેરિટી તંત્ર દ્વારા નિકાલ કર્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ વર્ષો સુધી કેસોના નિકાલ થતા ન હતા, ત્યારે આ સાથે હવે સમગ્ર રાજ્યમાં બહુ જૂજ કરતાં પણ ઓછા કેસો પેન્ડિંગ છે. આગામી દિવસોમાં ઝુંબેશ ચાલુ રાખી આ કેસોનો પણ નિકાલ કરવામાં આવશે તેવી આશા અસ્થાને નથી.
છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ચેરિટી તંત્રની કાયાપલટ થઈ ગઈ છે. અંદાજે ચાર કરોડ ડોક્યુમેન્ટ્સનું ડિજિટલાઈઝેશન થયું છે અને તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટની માહિતી પણ હવે ઓનલાઈન ઉપલબ્ધ થઈ છે. અગાઉ ચેરિટી ઓફિસ ભાડાના મકાનમાં ચાલતી હતી. પરંતુ ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લાએ કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાનું આ બાબતે ધ્યાન દોરતાં હવે સમગ્ર રાજ્યમા દરેક મોટા મથકમાં ચેરિટી તંત્રનાં ભવનો તૈયાર થઈ રહ્યા છે. જેમાંના એક અમરેલી જિલ્લાના વિશાળ ભવનનો ફોટો આ સાથે છે.

રાજ્યમાં અત્યારે ૩.૫૭ લાખ ( ત્રણ લાખ સત્તાવન હજાર) ટ્રસ્ટો સરકારી ચોપડે નોંધાયેલા છે. જેમાંથી દોઢ લાખ ટ્રસ્ટો બહુ સારું કાર્ય કરે છે અને એમાંથી પણ એક લાખ જેટલા ટ્રસ્ટો તો નમૂનેદાર કાર્ય કરે છે. છતાં લીટીગેશનના પ્રશ્નો તો રહેવાના છે. સવાલ એ છે કે એમાં કેટલાકના વિવાદો પેન્ડિંગ રહે છે. આવી અનિવાર્ય પેન્ડન્સી ઘટાડવા માટે ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લએ અથાગ પ્રયત્નો કરીને છેલ્લા બે-ત્રણ વર્ષમાં નવી રીત અપનાવીને બિનતકરારી ચેઈન્જ રિપોર્ટ અને બિનતકરારી નોંધણી અરજીઓના નિકાલની ઝુંબેશ રાખી હતી. ચેરિટી કમિશનરના આ નવતર પ્રયોગથી 18 હજાર જેટલા કેસોનો નિવેડો આવ્યો હતો.
૨૬ ઓગસ્ટ અને ૨૭ ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં આવા બિનતકરારી ચેઈન્જ રિપોર્ટ, જેની સંખ્યા ૨,૯૬૪ છે તે કેસો પૂરા કરવામાં આવ્યા હતા. આમ, ચેરિટી તંત્ર દ્વારા કેસોની પેન્ડન્સીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો. અગાઉ વર્ષો વીતી ગયા પછી પણ પેન્ડન્સી ઘટતી ન હતી. હાલમાં સમગ્ર રાજ્યમાં ચેરિટી તંત્રના લીટીગેશનની કુલ સંખ્યા તેર હજાર પણ નથી. આમ, કેસોના નિકાલમાં ઝડપ આવે, ટ્રસ્ટીઓને સમયસર ન્યાય મળે, સંતોષ થાય અને તંત્રનું કામનું ભારણ ઘટે તેવા પ્રયત્નોથી આ શક્ય બન્યું છે. જિલ્લા લેવલે અધિકારીઓની નિમણૂક થાય, સારાં ચેરિટી ભવનો નિર્માણ પામે અને ટ્રસ્ટોના વહીવટમાં પારદર્શક્તા આવે તે માટે ચેરિટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત એક જ દિવસમાં ૨,૯૬૪ જેટલા કેસોના નિકાલ કરી ચેરિટી તંત્ર દ્વારા નવો ચિલો ચાતરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં પણ ચેરિટી દ્વારા ઝુંબેશ ચાલુ રાખી વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવુ પ્રતિત થાય છે, પણ ટ્રસ્ટોની આંતરિક સ્થીતી શી છે તેની થોડી વધુ વિગતો અને તેમનો સંપર્ક હવે પછીના હપ્તામાં.
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
