-
જીતી જશે ગુજરાત… + એ તે કેવો ગુજરાતી
પ્રાસંગિક કવિતા
જીતી જશે ગુજરાત…
રક્ષા શુક્લ
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.
દિલનો દીવો પ્રગટાવો તો ઝળહળ ઝળહળ જાત.કબીરવડ છું, બાંહ પસારું, તડકાની આંખે અંધારું,
સિદ્ધહેમ શબ્દોનું શાસન, છ અક્ષરમાં વેદ ઉતારું.
ઊતરો પાંચ પગથિયાં ત્યાં ઉજ્વળ મલકે ઈતિહાસ.
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.ગામ ગામ છે ગોકુળ સરીખા, વડલા માફક વૃદ્ધો,
બાવન ગજની ધજા ફરફરે, બાવન નીપજે બુદ્ધો.
ગુજરાતી હોવાના નાતે, મીરાંની મિરાંત.
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.ફળિયે લેલૂમ લીમડો ઢાળે હળું હળું શીતળતા,
હોંકારા સંગાથે ટીમણ, વાળું-પાણી ભળતા.
સીયારામ, શિવ શિવમાં પણ સંભળાતી સરગમ સાત.
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.સુખ સહિયારું માણ્યું, સહિયારો લેશું રે ભેખ,
હું જ સનાતન, ગૂર્જર ગૌરવ, શાશ્વત શિલાલેખ.
માથું ઊંચકે ઝંઝાવાતો, વિલા મોંએ મ્હાત.
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.ટીપે ટીપે ઝરણું જંગી પ્રપાતને હંફાવે,
ગુજરાતી શ્રી ગણેશ બોલી સૂરજ સઘળે વાવે.
ઝળાહળાના ઝુમ્મર લઈને ઊભું રહે પરભાત,
સંકટ સઘળા હારી જાશે, જીતી જશે ગુજરાત.*
એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિજી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?કવિ શ્રી ઉમાશંકર જોશી
-
ફેસબુક સજનને..
વ્યંગ્ય કવન
પંચમ શુક્લ
ફેસબુકની ચાગલી ઘૂંઘટપ્રથા સમજો સજન,મુંહ દિખાઈની રસમમાં મિત્રતા કરજો સજન.દેવના પૂજન પછી નિર્માલ્યની જેમજ સહજ,લાઈક ‘ને કૉમેન્ટ ખોબે ભાવથી ભરજો સજન.વાટકી-વ્યવહારના આ વર્ચ્યૂઅલ સમુદાયમાં,લેતીદેતીની પરિભાષા તુરત શીખજો સજન.છાશવારે અહિં તરે છે એટલું નવનીત કે,નીરક્ષીર-વિવેકવાળી દૃષ્ટિ કેળવજો સજન.એક-બે જ્ઞાનેન્દ્રિયોને આ જગત બહેકાવશે,એક-બે કર્મેન્દ્રિયોને એટલે દમજો સજન.સજન: સજ્જન, સારું માણસફેસબુકની ઘૂંઘટપ્રથાઃ Locked profile feature of Facebookચાગલું: દોઢડાહ્યું, મોઢે ચડાવેલ, મૂર્ખ છતાં ચતુર હોવાનો ઢોંગ કરતુંનિર્માલ્યઃ દેવ દેવી ઉપરથી ઉતારી લીધેલાં ફૂલ વગેરે પ્રસાદી પદાર્થપરિભાષાઃ ટેક્નિકલ ટર્મિનોલોજી, શાસ્ત્રની સાંકેતિક સંજ્ઞાઓનવનીતઃ નવ ( નવું ) + ની ( લઈ જવું ) + ત ( ભૂતકૃદંતનો પ્રત્યય ) ]->નવું ખેંચી કાઢેલું, માખણનીરક્ષીર: પાણી અને દૂધઇંદ્રિયોઃ વાક ( વાચા ), હસ્ત ( હાથ ), પાય ( પગ ), પાયુ ( ગુદા ) અને ઉપસ્થ ( લિંગ ) એ પાંચ કર્મેંદ્રિયો અને ત્વચા (ચામડી), ચક્ષુ ( આંખ ), શ્રોત્ર ( કાન ), રસના ( જીભ ) અને ઘ્રાણ ( નાક ) એ પાંચ જ્ઞાનેંદ્રિયોદમવુંઃ દમન કરવું, સંયમ કરવો -
લાલ હવેલી
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
તાહીરાએ પાસેની બર્થ પર સૂતેલા પતિ અને દીકરી સલમા તરફ નજર કરી. ઊંડો શ્વાસ લઈને પડખું બદલ્યું. ટ્રેનની રફ્તારની સાથે રહેમાનઅલીની મોટી ફાંદ હલતી હતી. તાહીરાએ પોતાના નાજુક કાંડા પર બાંધેલી હીરાની ઘડીયાળ તરફ નજર કરી. એણે તો લગભગ આખી રાત જાગતાં જ પસાર કરી હતી.
તાહીરા પોતાની જાતને કોસતી રહી. શા માટે એણે સમય જતા ભૂલાઈ ગયેલો ઘા ખોતરીને તાજો કર્યો? હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. સ્ટેશન આવી ગયું. તાહીરાએ બુરખો ખેંચી લીધો. સલમા તો પહેલેથી કૂદકો મારીને પ્લેટફોર્મ પર ઊતરી ચૂકી હતી. રહેમાનઅલીએ તાહીરાને કાચની ઢીંગલીની જેમ સાચવીને ઊતારી.
આ એ જ સ્ટેશન હતું. એ જ કરણનું ઝાડ હતું. કશુંય બદલાયું નહોતું.
તાહીરાના મનમાં ભૂતકાળની યાદો તરી આવી. એ યાદ સાથે એનું મન કચવાયું. ઘરે પહોંચ્યા તો સૌને જોઈને નાની તો ખુશહાલ થઈ ગઈ. રહેમાનઅલીને ગળે વળગાડીને એનું માથું ચૂમી લીધું.
તાહીરાનો બુરખો ઊતાર્યો. એનું અપ્રતિમ સૌંદર્ય જોઈને સૌ સ્તબ્ધ બની ગયાં.
તાહીરા પંદર વર્ષે પહેલી વાર સાસરે પગ મૂકતી હતી. માંડ વીસા મળ્યો હતો. ત્રણ દિવસ રહીને પાકિસ્તાન ચાલી જવાની હતી. રહેમાન નીચે મામુ-મામી સાથે બેઠો હતો, તાહીરા ઊપરવાળા રૂમમાં ચાલી ગઈ.
એકાંતમાં જરા હાંશ અનુભવતી તાહીરાએ રૂમની બારી ખોલી અને સામે જ લાલ હવેલી જોઈને એ હેબતાઈ ગઈ. એ જાણતી હતી કે હિંદુસ્તાનના જે શહેરમાં એને આવવાનું હતું એ શહેરનો એક એક પત્થર એના પર પહાડ બનીને તૂટી પડવાનો છે.
કહે તો કોને કહે? રહેમાન તો ભોળો, સાવ સાફ દિલનો માણસ હતો. એના હ્રદયમાં તાહીરા માટે અનહદ પ્રેમ હતો. એને કેવી રીતે અને શું કહી શકાય?
બે દેશોના ભાગલામાં અનેક લોકો હેરાન થયાં એમાંની એક તાહીરા પણ હતી. ત્યારે એ માત્ર સોળ વર્ષની અનુપમ સૌંદર્ય ધરાવતી સુધા હતી. સુધા એના મામાના પરિવાર સાથે લગ્નમાં મુલતાન આવી હતી. દંગા-ફસાદની જ્વાળાઓએ એને બરબાદ કરી દીધી. તોફાની મુસ્લિમ તત્વો જ્યારે ભૂખ્યા વરુની જેમ એની પર તૂટી પડ્યા હતા ત્યારે આ રહેમાનઅલી જ દેવદૂત બનીને આવ્યો હતો. આમાં ક્યાં કોઈ એક કોમને ક્યાં દોગામી દેવાય એમ હતી? હેવાનિયત બંને પક્ષે હતી, પણ રહેમાને નાતજાત ન જોઈ. એણે તો માત્ર ઇન્સાનિયત દાખવીને સુધાને બચાવી લીધી. રહેમાનની પત્નીને પણ આમ જ કોઈએ પીંખી નાખી હતી.
રહેમાન અને સુધાએ સમજણપૂર્વક એકબીજાનો સ્વીકાર કરી લીધો. સુધા તાહીરા બનીને રહેમાનની આજીવન સાથી બની. તાહીરા હસતી તો રહેમાન એની પર કુરબાન થઈ જતો. ક્યારેક તાહીરા ઉદાસ થતી ત્યારે રહેમાનનું હ્રદય વલોવાઈ જતું. એ એના માટે આસમાનના તારા જ તોડી લાવવાનું બાકી રાખતો.
એક વર્ષ પછી દીકરીના જન્મ પછી તો બંને વચ્ચેની રહીસહી દૂરી પણ દૂર થઈ ગઈ. રહેમાનની પ્રગતિનો વ્યાપ એક નાનકડી દુકાનમાંથી ડિપાર્ટમેન્ટલ સ્ટોર સુધી ફેલાયો. કિસ્મતે તાહીરાને સુખી થવાના આશીર્વાદ આપી દીધાં, પણ અત્યારે તાહીરા સુખની નિંદરના બદલે બેચેનીમાં આમથી તેમ પાસા બદલતી હતી.
આ ક્ષણે એને કેટલીય વાતો યાદ આવતી હતી. હોળીના એ મસ્તીભર્યા દિવસો, ગુલાબી મખમલની ઓઢણીમાં માએ ટાંકી દીધેલાં ઝીણકાં અમસ્તા એ ગોટા. એક હાથમાં હાથમાં સિગરેટ પકડીને બીજા હાથે પુસ્તક વાંચતો એનો પતિ તરુણ. પાછળથી દબાતા પગલે આવીને એના ચહેરા પર અબીલ લગાડી દેતા પતિનો સ્પર્શ,. સાસુમાની નજર ચૂકવીને એનું પતિની સામે જોઈ રહેવું અને પછી જીભ કાઢીને ભાગી જવું.. બધું જ એને યાદ આવતું હતું. એ ફરી સોળ વર્ષની સુધા બની ગઈ.
જ્યારે એ મુલતાન જવા નીકળી ત્યારે સૌએ એને ન જવા માટે સમજાવી હતી, રોકી હતી. પણ એને ક્યાં ખબર હતી કે એ સૌના નકારને ઉવેખીને એના દુર્ભાગ્ય તરફ જઈ રહી છે? આજે જ્યાં કરણનું ઝાડ જોયું એ સ્ટેશન પર તરુણ એને મુકવા આવ્યો હતો. ટ્રેન ઊપડવાની ઘડીએ એણે તરુણને નજરભરીને જોયો હતો.
પણ હવે તો એ ક્યાં સુધા હતી? આ દુનિયાની નજરે તો એનું નામો-નિશાન. એનું અસ્તિત્વ રહ્યું જ નહોતું. સુધાનું નામ માત્ર એ જાણતી હતી. હવે એ તાહીરા હતી. એણે ફરી કાંપતા હાથે બારી ખોલી. સામે એના શ્વસુર વકીલ સાહેબની લાલ હવેલી દેખાતી હતી. આજે પણ એની છત પર ફેલાયેલી રાતરાણીની વેલ દેખાતી હતી. આ હવેલીમાં એક એવો રૂમ હતો જ્યાં એણે અને તરુણે કેટલાય સુખભર્યા દિવસો માણ્યાં હતાં.
“શું કરતા હશે હવે? લગ્ન કરી લીધા હશે, કેટલાં બાળકો હશે?” મનમાં અનેક સવાલો ઊઠ્યા. એક અજાણ્યા મોહવશ એની આંખો વરસી પડી.
રાતનો અંધકાર ભરડો લઈ રહ્યો હતો. રહેમાન ઊંઘમાં હતો.
“તાહીરા. ..”
રહેમાનનો અવાજ સાંભળીને એ વાસ્તવિકતા સાથે પાછી જોડાઈ, પણ એના જીવને જંપ નહોતો. થોડી વાર પછી રહેમાનના નસકોરાં શરૂ થયાં અને તાહીરા દબાતા પગલે ઊભી થઈને બારી પાસે આવી. હવેલી પર નજર કરતાં જોયું તો ત્રીજા માળ પરના એ રૂમમાં હજુ લાઈટનું અજવાળું પથરાયેલું હતું. એ જોઈનેય તાહીરાના દિલને ટાઢક પહોંચી.
એ ઘરમાં રાતનું વાળું મોડું થતું હતું. જમીને તરૂણને દૂધ પીવાની આદત હતી. સુધાનાં મનમાં ભૂતકાળની યાદો એક પછી એક તાજી થવા માંડી. કેટલાય વર્ષો પસાર થઈ ગયાં પણ તરૂણની આદતો હજુ એને યાદ હતી.
વ્યથિત સુધા પોતાની જાતને પર ધિક્કારી રહી. એને થયું કે, શા માટે એ જીવિત રહી? એ પોતાનું ગળું દબાવીને કે કૂવામાં પડીને મરી શકી હોત. ધર્મ છોડ્યો પણ સંસ્કાર ન છોડી શકી. જીવનધારા બદલી પણ દરેક ત્રીજ, હોળી, દિવાળી, એ ન ભૂલી શકી કે ન તો એ ઈદ માણી શકી.
એને થયું કે સામે દેખાતા શ્વસુરગૃહે જઈને, તરુણના પગ પકડીને પોતાના પાપની માફી માંગી લે. હ્રદયમાંથી ઊઠતા આક્રંદને રોકવા એણે દુપટ્ટો મ્હોં પર કસીને દાબી દીધો.
રાત એમ જ પસાર થતી રહી. રહેમાન ઘસઘસાટ ઊંઘતો રહ્યો અને તાહીરા આખી રાત જાગતી રહી.
સવારે શહેનાઈના સૂરોથી આ ઘર ગુંજી ઊઠ્યું. પોલીસ બેન્ડ તૈયાર હતું.
આ એ જ શહેર હતું જ્યાં લાલ વસ્ત્રોમાં સજેલી સુધા તરુણની દુલ્હન બનીને આવી હતી. આજે તાહીરાએ કાળા બુરખાની અંદર પોતાની જાતને સમેટી લીધી.. ઘરની બહાર જતાં પહેલાં એણે પોતાાના ચહેરા પર બુરખો ખેંચી લીધો, જાણે ચહેરો જ નહીં ભૂતકાળને પણ એક આવરણ હેઠળ ઢાંકી દીધો.
ધામધૂમથી શાદી સંપન્ન થઈ. ચાંદના ટુકડા જેવી દુલ્હન લઈને બારાત પાછી આવી. સાંજ પડે સૌએ ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો. બસ એક તાહીરા સાવ અલિપ્ત રહી. આ કશું જ એને સ્પર્શતું નહોતું. એ ન ગઈ.
ઘર ખાલી પડ્યું. તાહીરા ઝટપટ બુરખો ઓઢીને બહાર નીકળી. દબાતા પગલે સામે દેખાતી હવેલીની પાછળની સીડીઓ ચઢવા લાગી. આ સમયે એ સોળ વર્ષની ચંચળ નવવધૂ હતી. સૈયદ વંશના રહેમાનનું અસ્તિત્વ જ જાણે એ ભૂલી ગઈ હતી. સીડીના સૌથી ઉપરના પગથિયાં સુધી પહોંચતાં તો એના પગ મણ મણનું વજન અનુભવવા લાગ્યા. બસ હવે એ સહેજ ઉપર ચઢે તો એના રૂમની બારી નજરે પડવાની હતી. અને બારીમાંથી તરૂણ?
સુધાએ મનોમન પ્રાર્થના કરી, “હે બિલ્વેશ્વર મહાદેવ, એક વાર હું એમને જોઈ લઉં તો તમારા ચરણોમાં આ હીરાની અંગૂઠી ચડાવીશ.”
આહ, કેટલા દિવસો પછી એણે એક ભક્તની જેમ ભગવાનનું સ્મરણ કર્યું હતું? ભગવાને એની ભાવના સ્વીકારી હોય એમ એ જ ગંભીર મુદ્રામાં સામે દિવાલ તરફ મ્હોં કરીને બેઠેલો તરુણ દેખાયો. ખુરશી પણ એ હતી. ટેબલ પર હજુ સુધાની તસ્વીર હતી.
નજર વાટે જ એના દેવતાની ચરણરજ લીધી.
“નજર ભરીને જોઈ લે અને અહીંથી ભાગ જલદી તાહીરા.” અચાનક સુધામાંથી એ તાહીરા બની રહી. ઝટપટ સીડી ઊતરીને એ બિલ્વેશ્વર મહાદેવના મંદીર તરફ દોડી. મહાદેવ પાસે પાલવ પાથરીને, માથું ટેકવીને તરુણની સુખાકારી માટે પ્રાર્થના કરી. હીરાની અંગૂઠી ઊતારીને ભગવાનના ચરણોમાં ચઢાવી, ભાગતી પાછી ઘરે પહોંચી. એનો પીળો પડી ગયેલો ચહેરો. પસીનાથી તરબતર તન જોઈને રહેમાનને ચિંતા થઈ.
“તાહીરા, શું થયું, તાવ તો નથી ને?” કહીને એણે તાહીરાનો હાથ થામી લીધો. હાથ પકડતા જ અંગૂઠી વગરની ખાલી આંગળી નજરે ચઢી. શાદીના દિવસે એણે તાહીરાને પહેરાવી હતી. ભાવ અને ભાવના, બંનેની દૃષ્ટિએ અમૂલ્ય હતી.
“અરે, અંગૂઠી ક્યાં?” એ વધુ ન બોલી શક્યો.
“કોણ જાણે ક્યાં પડી ગઈ” તાહીરાએ થડકતા શ્વાસે જવાબ આપ્યો. ડરથી શરીર કાંપી ઊઠ્યું.
“કશો વાંધો નહીં.” કહી રહેમાને એની આંગળી ચૂમી લીધી.
“ઇન્શા અલ્લાહ, તારી આ આંગળીઓ સલામત રહે. મારે બીજું કશું નથી જોઈતું . આપણે તહેરાનથી બીજો હીરો મંગાવી લઈશું.”
તાહીરાની બાવરી નજર અંધકારમાં ડૂબતી લાલ હવેલી પર હતી. હવે, પેલા રૂમમાં અંધકાર છવાઈ ગયો હતો. તાહીરાએ ઊંડો. ઠંડો શ્વાસ ભર્યોને બારી બંધ કરી લીધી.
લાલ હવેલી સંપૂર્ણ અંધકારમાં જાણે ઓગળી ગઈ હતી.
ગોરા પંત શિવાની લિખિત વાર્તા -લાલ હવેલી-ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
હાફ ચૉકલેટ
વાર્તામેળો – ૫
વંદિત નમનભાઈ શાહ
ઝેબર સ્કૂલ ફૉર ચિલ્ડ્રન, અમદાવાદ
Varta melo -5 – 4 – Half chocolate – Vandit Shah
સંપર્ક : દર્શા કિકાણી – darsha.rajesh@gmail.com
-
મહાદેવનું મંદિર, બૈજનાથ
નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
ચૌકોરી જતાં પહેલાં રસ્તામાં પાતાલ ભુવનેશ્વર ગુફા જોવાનો કાર્યક્રમ નક્કી થયેલો. ત્યાંની મુલાકાત લઈ આવેલાં ઘણાં લોકોએ આ ગુફા જોવાની ભારપૂર્વક ભલામણ કરી હતી. પણ પેલી ટ્રક આડી ઉતરી એમાં એ પ્રોગ્રામ આખો ચોપટ થઈ ગયો. ગુફામાં જવા ટિકિટ લેવી પડે છે. તે માટે ટિકિટ બારી સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલી હોય. તેની સામે અમે તો ત્યાં છ સાડા છ પહેલાં પહોંચી શકીએ એવી કોઈ શક્યતા જ નહોતી. એટલે સીધાં ચૌકોરી તરફ આગળ વધ્યાં.
રસ્તામાં બૈજનાથ આવ્યું. ત્યાંનું મહાદેવનું મંદિર જોવા અમે રોકાણ કર્યું.

વિશાળ સરોવરની અડોઅડ આવેલું આ મંદિર ઘણું પ્રાચીન અને રળિયામણું છે. ત્યાંનાં મનમોહક વાતારવણમાં તળાવની શીતળતા મંદિરની પવિત્રતામાં ઉમેરો કરતી હતી. કલાકો સુધી બેસીને જોયા જ કરીએ તોય મન ન ભરાય એવું આ સુંદર સ્થળ હતું. પરંતુ સમયનો અભાવ હોવાથી અમે ચાલો, ચાલો કરતાં, પરાણે પરાણે, ગાડી તરફ પ્રયાણ કરવા લાગ્યાં.
મંદિરના સામેના ચોગાનમાં એક ખુબ મોટો, ભારેભરખમ, સફેદ પથ્થર હતો. નક્કી તપાસ તો ન થઈ શકી, પણ સો દોઢસો કિલો વજનનો તો હશે જ! ત્યાં ઊભેલા એક ભાઈએ કહ્યું કે દસબાર જણ તૈયાર થઈને જોર કરે તો પણ આ પથ્થર ઉપડે નહીં. પણ જો નવ વ્યક્તિ ભેગી થઈને પોતાની ફક્ત એક એક આગળી જ અડાડે તો પથ્થર ઊંચકાઈ જાય.
સામાન્ય બુદ્ધિથી આ વાત સહેલાઈથી સમજાય એવી નહોતી. પણ એમણે તો જણાવ્યું કે, વર્ષો પહેલાં ટીવી પર ‘સુરભિ’ કાર્યક્રમ આવતો હતો એમાં સિદ્ધાર્થ કાક અને રેણુકા શહાણેએ આ પ્રયોગ કરી બતાવ્યો હતો. આટલું સાંભળ્યા પછી એમની વાત માનવી પડે તેમ તો હતી, પણ એનાં પારખાં કરવા પુરતો અમારી પાસે સમય નહોતો. એટલે ભોળા શંભુની જય બોલાવીને અમે ચૌકોરી જવા નીકળ્યાં.
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
બાળ ગગન વિહાર – મણકો – ૨૩ : વાત અમારા ફેલ્ટનની
શૈલા મુન્શા
અમેરિકાની મારી સ્કૂલના બાળકોના રોજિંદા અનુભવો લખે લાંબો સમય વહી ગયો.ચંદ્રગ્રહણ તો વરસમાં એક કે બે વાર થતું હશે પણ મારું આ ગ્રહણ લગભગ એક વર્ષ લાંબુ ચાલ્યું, પણ હવે એ ગ્રહણ રૂપી વાદળો છંટાઈ ગયા છે. ફરી એકવાર આપની ઉત્સુક્તાનો અંત લાવી આપ સહુને મારી દુનિયા, મારાં આ બાળકોના અલ્લડપણાની, એમની વિશેષતાની, કોઈ અધુરપને ખૂબી માં પરિવર્તિત કરવાની અમારી ધગશને આપ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરું છું.
મારા આ દિવ્યાંગ બાળકો એમની સાથે અમને પણ જીવનના નવા નવા અનુભવો કરાવે છે. દર વર્ષે નવા અને જૂના બાળકોનો સંગમ થાય. છેલ્લાં વીસ વર્ષોથી આ બાળકો સાથે અમેરિકાની સ્કૂલમાં કામ કરૂં છું, અને દરેક બાળક કંઈ કેટલીય નવિનતા લઈને આવે છે. ત્રણ વર્ષનુ માસુમ બાળક એની ચમકતી કૌતુહલ ભરેલી આંખે પહેલીવાર ક્લાસમાં ડગ ભરે ત્યારથી અમારી સફર શરૂ થાય છે.
આ ચમકતા તારલાં ક્યારેક વાદળોની આડમાં ઢંકાઈ જાય છે, પણ પોતાની ચમક ગુમાવતાં નથી.
ફેલ્ટન ત્રણ વર્ષનો આફ્રિકન બાળક. કાળા ઘુંઘરાળા વાળ. આપણી તો આંગળી પણ અંદર ન ખુંચે. ખરેખર ભગવાનની કરામતનો પણ કાંઈ પાર નથી. મોટા ભાગની જાતિ એમના રૂપ રંગ, ચહેરાથી પરખાઈ જાય. આફ્રિકન પ્રજા એમના દેખાવ અને વાળને કારણે સહજતાથી ઓળખાઈ જાય. માતા, પિતા ફેલ્ટનની સારી કાળજી લેતા હશે એ એના કપડાં, એની સ્વચ્છતા પરથી પરખાઈ જાય.
અમારા આ માનસિક રીતે થોડાં ધીમા જેને ગણી શકાય એવા ક્લાસમાં આવતાં બાળકો જ્યારે ત્રણ વર્ષે શરૂઆત કરે, ત્યારે ઘણાની વાચા પુરી ખુલી ન હોય. એ પણ એક કારણ આવા બાળકો અમારા ક્લાસથી (PPCD-Pre primary children with disability) શરૂઆત કરે અને આગળ જતાં એમની બુધ્ધિમત્તા પ્રમાણે રેગ્યુલર ક્લાસમાં જેને (General Education) કહેવાય, ત્યાં પહેલા કે બીજા ધોરણથી આગળ વધવાની શરૂઆત કરે.
પહેલે દિવસે ફેલ્ટન આવ્યો તો મમ્મીનો હાથ છોડી ક્લાસમાં આવવા તૈયાર નહિ, પણ એની મમ્મીના કહેવાથી અમે A,B,C,D,નુ ગીત ચાલુ કર્યું અને ભાઈએ એક ડગલું ભરી અંદર પ્રવેશ કર્યો. ક્લાસમાં બાળકોની નજર પહોંચે એટલી ઊંચાઈએ લગાડેલા આલ્ફાબેટના પોસ્ટરે એનુ ધ્યાન આકર્ષિત કર્યું અને ધીરે રહી મમ્મી એનો હાથ છોડાવી સરકી ગઈ. ફેલ્ટનનો નાસ્તો, એનુ જમવાનુ બધું ઘરેથી મમ્મી ટિફીનમા મોકલે. ઓટમીલ, અને એમાં એપલ સોસ અને પીચ કેન ફ્રુટ અમારે ઉમેરી એને ખવડાવવાનુ. રોજ એજ નાસ્તો કે જમવામાં એ જ ખાવાનુ અને ફેલ્ટન એ હોંશે હોંશે ખાઈ લે! ખાય શું, એ તો ગળે જ ઉતારી દે.
બપોરે બાળકોને કલાક અમે આરામ આપવા સુવાડી દઈએ, કારણ સાડાસાત થી ત્રણ વાગ્યા સુધીનો દિવસ આ બાળકો માટે બહુ લાંબો થઈ જાય. સુવાડતી વખતે ખરી મજા આવી. ફેલ્ટન ભલે ત્રણ વર્ષનો છે પણ ગઠિયો છે, જરાય પોલો નથી. મારાથી તો એને ઉંચકીને ચલાય પણ નહિ. દરેક બાળકને એની મેટ, એનુ ઓઢવાનુ મોટાભાગે મમ્મી પપ્પા ઘરેથી એમને ગમતા કલર ડિઝાઈનના લાવી અમને આપી રાખે અને બાળકો પણ પોતાના ઓઢવાના બરાબર ઓળખતાં હોય. બીજા બાળકો તો પોતપોતાની જગ્યાએ સુઈ ગયા, પણ ફેલ્ટનને એની મમ્મી પોતાની સોડમાં સુવાડતી હશે એટલે એ તો સુવાને બદલે જાણે મીસ ડેલની સોડમાં ભરાવા માંડ્યો. અઠવાડિયું લગભગ એમ ચાલ્યું. ધીરે ધીરે ફેલ્ટન એની મેટ પર સુવા માંડ્યો, પણ મારે કે મીસ ડેલે બાજુમાં બેસીને થાબડવો તો પડે.
ફેલ્ટનની વાચા તો હજી ખુલી નથી. બોલતો કાંઈ નથી, પણ આઈપેડ વાપરવામાં એક નંબર. અમેરિકાની શાળામાં કોમ્પ્યુટર, લેપટોપ કે આઈપેડ બાળકો માટે દરેક શાળામાં સહેલાઈથી ઉપલબ્ધ હોય.
શૈક્ષણિક પ્રોગ્રામ પણ ક્લાસ પ્રમાણે એમા લોડ કરેલા હોય. અમારા બાળકો માટે નર્સરી રાઈમ, એ બી સી ડી કે કલર ચીત્રકામ વગેરે હોય. ફેલ્ટન તો હાથમાં આઈપેડ આવે કે ફટાફટ બધી વેબસાઈટ ધમરોળી કાઢે. આપણે જો બદલીને બીજું કાંઈક શરુ કરી આપીએ તો તરત જ પોતાને ગમતી સાઈટ ખોલી જોવા માંડે. હસવું એટલું મીઠડું અને પાછા ગાલમાં ખાડા પડે, એમાં અમારો ગુસ્સો તો ક્યાંય હવા થઈ જાય.
હજી તો એને સ્કૂલમાં આવે પંદર દિવસ થયા છે ત્યાં તો ક્લાસના રુટીનમાં ગોઠવાવા માંડ્યો, સાથે થોડા તોફાનો પણ શીખવા માંડ્યો.
અમારી નાનકડી મરલીનનુ હેપી ફેસ વાળું ઓશીકું એને એટલું ગમે કે જેવો સુવાનો સમય થાય અને અમે મેટ ગોઠવવા માંડીએ કે ભાઈ દોડીને ઓશીકું લઈ આવે અને બોલની જેમ હવામાં ઉછાળે.
ક્લાસમાં આવતાંની સાથે જ એની નજર આઈપેડ મુકવાના ટેબલ પર હોય, રિસેસમાં અમારા પ્લે ગ્રાઉંડ પર બેસી ધુળથી સ્નાન કરે.
બીજા બાળકોની જેમ ફેલ્ટન પણ ક્લાસના રૂટીનમાં ગોઠવાવા માંડ્યો છે. દડબડ દોડતો અમારો ફેલ્ટન આભમાં ચમકતા તારલાની જેમ ભવિષ્યમાં ચમકી ઉઠે તો નવાઈ નહિ !!!!!!!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
આમનેસામને : સૌંદર્ય અને ઔદાર્ય
ચેલેન્જ.edu
રણછોડ શાહ
તું જ તારું બિંબ જોઈ, મૂલ્ય તારું આંકજે,
જાત જેવો આયનો તો આ જગતમાં ક્યાંય નહીં.પીયૂષ ચાવડા
જીવન અનેક શક્યતાઓથી ભરેલું છે. વર્તમાન સમયમાં સીધી લીટીમાં ચાલતી જિંદગીમાં કયારે અને કેવો વળાંક આવે તેની કોઈને ખબર પડતી નથી. આનંદના શિખર ઉપરથી દુ:ખના ડુંગરો તળે દબાઈ જવું પડે તેવું પણ બને. સુખમાં છલકાઈ નહીં જવાનું અને મુશ્કેલીમાં સ્થિતપ્રજ્ઞતા સાચવી રાખવાની જવાબદારી ખૂબ કઠિન હોય છે. પરંતુ આવું કરનાર જ જીવનનૌકા સફળ રીતે હંકારી શકે છે. જિંદગીમાં સફળતા કરતાં સાર્થકતાનું મહત્વ વિશેષ છે. સાર્થક થવા માટે હોશિયારી કરતાં ડહાપણયુક્ત વર્તણૂક આવશ્યક છે. કયારેક લોકો જ્ઞાનનો ઉપયોગ કપટ કરવામાં, અન્યોને છેતરવામાં અને દાવપેચ ખેલવામાં કરે છે. બુદ્ધિનો ઉપયોગ ડાહ્યા અને શાણા થવામાં પણ થઈ શકે છે તેવી સમજ હોય તે આવશ્યક છે.
એક નાજુક સુંદ૨ રૂપાળી સ્ત્રી વિમાનમાં પ્રવેશી અને પોતાની જગ્યા શોધવા લાગી. તેણે જોયું કે તેની બેઠક બંને હાથ વિનાના એક મુસાફરની બાજુમાં છે. આથી તે તેની બાજુમાં બેસવા માટે આનાકાની કરવા લાગી. રૂપાળી સ્ત્રીએ એરહોસ્ટેસને જણાવ્યું કે બે હાથ વિનાની અપંગ વ્યક્તિ સાથે બેસીને મુસાફરી કરવાનું તે પસંદ કરતી નથી. તેણે એરહોસ્ટેસને પોતાની બેઠક બદલી આપવા માટે જણાવ્યું. એરહોસ્ટેસે નમ્રતાપૂર્વક પૂછ્યું, “બહેન, હું તે માટેનું કારણ જાણી શકું?” તે સ્વરૂપવાન સ્ત્રીએ ઉત્તર આપ્યો, “આ પ્રકારના અપંગ લોકો સાથે બેસી હું પ્રવાસનો આનંદ ગુમાવવા ઈચ્છતી નથી.” આ સાંભળી એરહોસ્ટેસે (વિમાન પરિચારિકા) આઘાત અનુભવ્યો. એક શિક્ષિત દેખાતી સ્ત્રીના મુખેથી આ ઉત્તર સાંભળી એરહોસ્ટેસને ખૂબ દુ:ખ થયું. દેખાવડી સ્ત્રીએ ફરીથી એરહોસ્ટેસને કહ્યું કે આ જગ્યાએ તે બેસી શકશે નહીં. તેને બીજી બેઠક ફાળવી આપવા માટે જણાવ્યું.
એરહોસ્ટેસે એ સ્ત્રીને થોડી ધીરજ રાખવા માટે વિનંતી કરી. તે બીજી કોઈ જગ્યા શોધી તેની બેઠક બદલી આપશે તેમ જણાવ્યું. આજુબાજમાં કોઈ બેઠક ખાલી હોય તો તે તરફ તેણે નજર ફેરવી. પરંતુ કોઈ જગ્યા તે શોધી શકી નહીં. એરહોસ્ટેસ સ્ત્રી તરફ જોઈ બોલી, “મેડમ, ઈકોનોમી કલાસની તમામ બેઠકો ભરાઈ ગઈ છે. પરંતુ અમારી વિમાની કંપની શક્ય હોય ત્યાં સુધી તેના ગ્રાહકોને મહત્તમ સંતોષ આપવા માટે પ્રયત્નશીલ હોય છે. તેથી હું વિમાનના કેપ્ટનને આ બાબતે વાત કરું છું. ત્યાં સુધી આપશ્રી થોડી વધારે ધીરજ રાખો તેવી નમ્ર વિનંતી.” આ પ્રમાણે જણાવી તે કેપ્ટન પાસે ગઈ.
કેપ્ટનને મળી તે પરત આવી. તેણે તે સ્ત્રીને કહ્યું, “મેડમ, આપને તકલીફ પડી તે બદલ અમે દિલગીર છીએ. આ વિમાનમાં એક જ સીટ ખાલી છે અને તે માત્ર ‘પ્રથમ વર્ગ’ (First class)ની જ છે. મેં મારા સાહેબને વાત કરી અને અમે એક અસાધારણ અપવાદરૂપ નિર્ણય લીધો છે. કંપનીના ઈતિહાસમાં પ્રથમ વાર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઈકોનોમી વર્ગમાં મુસાફરી કરતા મુસાફરને પ્રથમ વર્ગમાં મુસાફરી કરવાની સવલત આપવામાં આવે છે…”
“ગર્વિષ્ઠ’ સ્ત્રી અત્યંત આનંદિત થઈ. તે એરહોસ્ટેસનો આભાર વ્યકત કરવા પ્રયત્ન કરતી હતી… ત્યાં તો એરહોસ્ટેસ બે હાથ વિનાના મુસાફર પાસે ગઈ અને બોલી, “સાહેબ, આપશ્રી અહીંયાંથી પ્રથમ વર્ગની બેઠક ઉપર જવાની તકલીફ લેશો? એક અવિનયી વ્યક્તિને કારણે આપના જીવનમાં બનેલી દુ:ખદ ઘટનાથી અમે આપને છુટકારો અપાવવા માંગીએ છીએ.” આ સાંભળીને ત્યાં ઉપસ્થિત સૌએ આ નિર્ણયને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. આ પરિસ્થિતિ જોઈ સ્વરૂપવાન યુવતી ઝંખવાણી પડી ગઈ.

ત્યાર બાદ તે મુસાફર ભાઈ ઊભા થયા અને બોલ્યા, “હું સી.આર.પી.એફ. ફોર્સમાંથી નિવૃત્ત થયેલો પૂર્વ સૈનિક છું. દેશની રક્ષા કરતાં કાશ્મીરમાં થયેલા બોમ્બ ધડાકામાં મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા. બહેનને પહેલી વાર જ્યારે આ રીતે વાત કરતાં સાંભળ્યા ત્યારે મને થયું કે શું આવા લોકો માટે મેં મારા જાનની બાજી લગાવી હતી? પરંતુ ત્યાર બાદના કેપ્ટનના નિર્ણય અને તમામ મુસાફરોએ આપેલ પ્રતિક્રિયાને કારણે મેં મારા દેશ માટે ગુમાવેલ બે હાથ બદલ અત્યંત ગૌરવની લાગણી અનુભવું છું. જય હિન્દ.” વિમાનના સૌ પ્રવાસીઓએ ‘જય હિન્દ’ના નારાથી પ્રતિઘોષ કર્યો. ત્યાર બાદ તે ભાઈ પ્રથમ વર્ગની બેઠક તરફ આગળ વઘ્યા અને રૂપાળી સ્ત્રી અત્યંત શરમમાં ડૂબી જઈ પોતાની બેઠક ઉપર ફસડાઈ પડી. જે સૌંદર્ય શરીર અને ચહેરા ઉપર દેખાય છે તે સાચું નથી. સુંદરતા તો સારી વ્યકિતના ઉત્કૃષ્ટ, ઉમદા અને ઉચ્ચ વિચારોમાં છુપાયેલી હોય છે. સૌંદર્ય વર્તન અને વ્યવહાર દ્વારા પ્રદર્શિત થાય છે.
પ્રેમ વિના જ્યાં બધા ટકરાય છે,
ત્યાં અહમ દીવાલ થઈ અથડાય છે.
જો સફળતા મેળવી આગળ વધે,
ભાર ‘હું’નો આવતાં પટકાય છે.જિજ્ઞા મહેતા
સામાન્ય જીવનમાં રૂપાળું એટલું સુંદર સમજવાની ભૂલ થાય છે. જે દેખાવડું છે, ભભકાદાર છે અને પ્રભાવશાળી છે. તેને ઉત્તમ સમજવાની ક્ષતિ જીવનમાં ડગલે ને પગલે થાય છે. રૂપાળાપણું નાશવંત છે પરંતુ આત્મા અને વિચારો ચિરકાળ રહેતા હોય છે. વ્યક્તિનું વ્યક્તિત્વ તેની વાણી અને વર્તનમાં છુપાયેલું હોય છે. ઉત્તમ વિચારો અને વ્યવહાર જ વ્યક્તિને સારો બનાવે છે. ચતુરાઈ અને લુચ્ચાઈ વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. ચતુરાઈમાં ડહાપણ, શાણપણ, વિદ્વત્તા, વિવેક જેવા સદ્ગુણોનો સમાવેશ થાય છે. જ્યારે લુચ્ચાઈમાં કપટ, દાવપેચ, તરકટ, ધૂર્તતા, છેતરપીંડી જેવા ભારોભાર દુર્ગુણો સમાયેલા છે. ઉચ્ચ બુદ્ધિ ધરાવતી વ્યક્તિમાં ડહાપણ હોય જ તેવું જરૂરી નથી. બુદ્ધિમત્તા અને ડહાપણ વચ્ચે નીચે મુજબનો તફાવત નજરે પડે છે :-
(૧) બુદ્ધિ દલીલબાજી તરક દોરી જાય છે. ડહાપણ સમજૂતી તરફ પ્રયાણ કરાવે છે.
(૨) અક્કલ ઈચ્છાશક્તિ ઉપરનો કાબૂ છે. શાણપણ ઈચ્છાશક્તિ ઉપર કાબૂ શા માટે રાખવો તે શીખવે છે.
(૩) બુદ્ધિ ગરમ છે તેથી તે બાળે છે. ડહાપણ હૂંફ આપે છે તેથી તે મુશ્કેલીમાં રાહત અપાવે છે.
(૪) ગ્રહણશકિત જ્ઞાનનો પીછો કરે છે અને તેથી તેના શોધકને તે થકવી નાંખે છે. ડહાપણ સત્યની પાછળ દોડે છે અને તેથી તે તેની શોધ કરનારને પ્રોત્સાહિત કરે છે.
(પ) બુદ્ધિ પકડી રાખવાનું શીખવે છે. ડહાપણ મુકિતનો અહેસાસ કરાવે છે.
(૬) બુદ્ધિ વ્યક્તિને દોરે છે. ડહાપણ તેને માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે.
(9) બુદ્ધિશાળી વ્યક્તિ સમજે છે કે તે સર્વજ્ઞ છે. ડહાપણયુક્ત વ્યક્તિ હજુ ઘણું શીખવાનું બાકી છે તેમ વિચારે છે.
(૮) બુદ્ધિમત્તાવાળી વ્યક્તિ પોતાની દલીલને જ સાચી ઠેરવવા પ્રયત્ન કરે છે. ડાહ્યો માણસ દલીલબાજીથી દૂર રહેવાનું પસંદ કરે છે.
(૯) બુદ્ધિશાળી વણમાગી સલાહ આપવા માટે સતત હાજર હોય છે. ડાહ્યો માણસ જે તે વ્યક્તિ સાથે સલાહમસલત કરી તમામ વિકલ્પોની ચર્ચાવિચારણા કર્યા બાદ સલાહ આપે છે.
(૧૦) બુદ્ધિમત્તાવાળી વ્યક્તિ જે કહેવાયું છે તે જ સમજે છે. શાણપણ ભરેલી વ્યક્તિ જે કહેવાયું છે તે અને નથી કહેવાયું તે પણ સમજવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરે છે.
(૧૧) બુદ્ધિશાળી માણસ જ્યારે કાંઈક કહેવાનું હોય ત્યારે બોલે છે. શાણો માણસ કહેવાનું કાંઈક હોય ત્યારે જ બોલે છે.
(૧૨) બુદ્ધિશાળી દરેક બાબતને સાપેક્ષ રીતે નિહાળે છે. ડહાપણયુક્ત દરેક બાબતને સંબંધના ત્રાજવે તોલે છે.
(૧૩) બુદ્ધિશાળી પ્રવાહ ઉપર કાબૂ રાખે છે. જ્યારે શાણો પ્રવાહને યોગ્ય રસ્તે વાળે છે.
(૧૪) બુદ્ધિશાળી ઉપદેશ આપે છે. ડાહ્યો અન્યોના હૃદય સુધી પહોંચે છે.
જીવનમાં સુખ, શાંતિ અને પ્રગતિ માટે બુદ્ધિ ઓછી હોય તો ચાલશે. પરંત ડહાપણ અને શાણપણ વિના જિંદગી અધૂરી રહેશે. વિદ્વત્તા હોય તો બુદ્ધિશક્તિ પ્રાપ્ત કરી શકાય પરંતુ બુદ્ધિથી ડહાપણયુક્ત બનાય જ તેવી કોઈ ખાત્રી નથી.
આચમન:
ઊંચી બુદ્ધિને હોશિયારી ગણવામાં
અનેક લોકો થાપ ખાય છે.
ડાહ્યા અને શાણા માણસોને કારણે
દુનિયા પ્રગતિના પંથે જાય છે.
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)
-
ભૂખ લાગી? કેક ‘છાપો’ અને ખાવ!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ટેક્નોલોજીએ માનવજીવનમાં ધરમૂળ પરિવર્તન આણ્યાં છે, પણ એકવીસમી સદીમાં આ પરિવર્તનની ઝડપ અનેક ગણી વધી ગઈ છે. ટેક્નોલોજીનો વ્યાપ એટલો બહોળો થઈ ગયો છે કે હવે સાક્ષરતા અને નિરક્ષરતાના ઘણા ભેદ ભૂંસાવા લાગ્યા છે. એવાં એવાં ક્ષેત્રે તે પ્રવેશી રહી છે કે એની કલ્પના સુદ્ધાં મુશ્કેલ બને!
આવું એક ક્ષેત્ર બાંધકામનું છે. થ્રી ડી પ્રિન્ટિંગ તરીકે ઓળખાતી ટેક્નોલોજી દ્વારા મશીન દ્વારા ‘છોડવામાં’ આવતા સિમેન્ટ–કોન્ક્રીટના રગડા દ્વારા સીધેસીધું બાંધકામ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. કમ્પ્યુટરમાં મૂકાયેલી ડિઝાઈન મુજબ એક મોટા કદનો ‘હાથ’ રગડાને નિર્ધારીત માત્રામાં, નિયત પદ્ધતિએ પાથરતો જાય અને બાંધકામ આગળ વધતું જાય. ‘પ્રિન્ટિંગ’ શબ્દથી કદાચ ગેરસમજ થઈ શકે, પણ અહીં તેનો અર્થ ‘છાપવું’ નહીં, ‘રચવું’ કે ‘બનાવવું’ સમજવાનો છે. પૂર્વનિર્ધારીત પ્રોગ્રામ અનુસાર કમ્પ્યુટર દ્વારા જ જે તે ચીજને તૈયાર કરવાની ક્રિયાને ‘પ્રિન્ટિંગ’ કહે છે. આ પદ્ધતિ ઘણી સફળ રહી છે અને તે વ્યાપક બનવા લાગે તો આ ક્ષેત્રમાં માનવબળનો ઉપયોગ અને તેનું જોખમ દેખીતી રીતે ઘટી શકે એમ છે.
મકાન આ રીતે બની શકતાં હોય તો ખોરાક કેમ ન બની શકે? આ દિશામાં વિવિધ અખતરા ચાલી રહ્યા હતા, જેમાં આખરે માર્ચ, 2023ના અંતિમ સપ્તાહમાં સફળતા પ્રાપ્ત થઈ છે. અમેરિકાના ન્યૂ યોર્કની કોલમ્બીયા યુનિવર્સિટી દ્વારા એવું થ્રી ડી પ્રિન્ટર તૈયાર કરવામાં આવ્યું છે કે જે ચીઝકેકને પ્રિન્ટ કરી શકે એટલે કે તૈયાર કરી શકે. આમ તો અહીં છેક 2005થી આ અંગેના પ્રયત્નો થઈ રહ્યા છે. સંરક્ષણ વિભાગ પણ ‘એમ.આર.ઈ.’(મીલ્સ રેડી ટુ ઈટ) વિકસાવવા પર કામ કરી રહ્યો છે, જેને સૈનિકોની પોષણ જરૂરિયાત મુજબ, પહેરી શકાય એવાં સેન્સર સાથે જોડી શકાય. એટલે કે જે તે સૈનિકને કેટલા પોષણની જરૂર છે એ મુજબ તેને માટે આહાર તૈયાર થઈ શકે. ‘નાસા’ દ્વારા પણ અવકાશયાત્રીઓ માટે આ પ્રકારના ખોરાક અંગે સંશોધન ચાલી રહ્યું હતું. અલબત્ત, એક મુખ્ય ફરક એ હતો કે અત્યાર સુધી આ ખોરાક બનાવવા માટે રાંધ્યા વિનાની કાચી સામગ્રી વડે અખતરા થઈ રહ્યા હતા. તેને બદલે રાંધેલી સામગ્રીને પાઉડર યા પેસ્ટના સ્વરૂપે ઉપયોગમાં લેવાથી તેને ઝટ સફળતા મળી છે. કોલમ્બીયા યુનિવર્સિટીના સંશોધકોએ થ્રી ડી ચીઝ કેકને ‘પ્રિન્ટ’ કરવા માટે બિસ્કીટની પેસ્ટ, પીનટ બટર, સ્ટ્રોબેરી જામ, નટેલા, બનાના પ્યોરી, ચેરી ડ્રીઝલ અને ફ્રોસ્ટિંગનો ઉપયોગ કર્યો હતો.
સંશોધકોની આ ટીમના અનુસાર હવે પછીનાં ભાવિ રસોડાં આ જ હશે. પાઉડર કે પેસ્ટમાં રૂપાંતરિત કરી શકાય એવી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ, કેવળ થોડાં બટન દબાવીને ખોરાક બનાવવામાં થઈ શકશે. ચીકન, બીફ, શાક અને ચીઝ પર આ અંગેના અખતરા થઈ ગયા છે. આ ટેક્નોલોજી વ્યાપક બનશે તો રસોડાંની સિકલ ફરી જશે. અગ્નિની શોધ પછી માણસ ખોરાક રાંધીને ખાતો થયો એ પછીની ખોરાક બાબતે આ કદાચ સૌથી મોટી ક્રાંતિ હોઈ શકે છે. જો કે, પાઉડર કે પેસ્ટમાં વિવિધ ખોરાકને રૂપાંતરિત કરવાનું કામ ઘરમેળે કે ભોજનાલયોમાં વ્યાવહારિક રીતે કેટલું શક્ય બનશે એ સવાલ છે.

આ ઉપરાંત, કોઈ પણ નવિન શોધ અમલી બને ત્યારે હંમેશાં સવાલ ઉભા થતા હોય છે કે અત્યાર સુધી ચાલી આવતી પ્રથાને વળગી રહેવું કે નવિન શોધને અપનાવી લેવી. એમાં હંમેશ મુજબ બે વિભાગ પડી જતા હોય છે.
એક વર્ગ દૃઢપણે માને છે કે રાંધવું એ કેવળ ક્રિયા નથી. એ એક કળા છે, એક પ્રકારે સર્જનાત્મક પ્રક્રિયા છે, અને ઘણા માટે એ દૈનિક કાર્યક્રમનું કેન્દ્ર હોય છે. શાકભાજી સાફ કરવાં, તેને સમારવાં, વિવિધ વ્યંજનો માટેની તૈયારી કરવી, યોગ્ય રીતે તળવા કે શેકવાથી લઈને તેમાં વિવિધ પ્રકારના મસાલા ઉમેરવા અને અંતે તૈયાર થયેલા વ્યંજનને સુશોભિત કરીને પીરસવું- આ તમામ બાબતો ઘણી વાર વ્યક્તિને તાણમુક્ત બનાવવાનું કામ કરે છે. થ્રી ડી ટેક્નોલોજી વડે ‘પ્રિન્ટ’ કરાયેલી રોટલી કે ભજીયાં કદાચ સ્વાદમાં આબેહૂબ હોઈ શકે, પણ લોઢી પર શેકીને કે તાવડીમાં તળીને એ બનાવનારને જે આનંદ આપે એવો આનંદ આનાથી મળે કે કેમ એ સવાલ છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં સમાંતરે બે-ત્રણ સદીની માનસિકતા ચાલતી રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ મુખ્યત્વે ભેદ મિટાવવા માટે નહીં, પણ ભેદ કરાવવા માટે થઈ રહ્યો છે. હજી તો આ ટેક્નોલોજી વિકસીત દેશોમાં સુદ્ધાં પા પા પગલી ભરી રહી છે, અને તેનો ઉપયોગ કયા ક્ષેત્રે, શી રીતે થશે એની અટકળ જ છે. આપણા દેશમાં એના આગમનને કદાચ ઝાઝો વિલંબ ન થાય એમ બને, છતાં એનો ઉપયોગ કયા ક્ષેત્રે થશે એ મહત્ત્વની બાબત નથી. રાંધવાની ઝંઝટમાંથી મુક્તિ મળે એ કદાચ આદર્શ સ્થિતિ હોઈ શકે, પણ ખરેખરી આદર્શ સ્થિતિ એ છે કે સૌને પૂરતો આહાર મળી રહે. આ લક્ષ્યાંકે પહોંચવાનું આપણે હજી બાકી છે, કેમ કે, આપણી પ્રાથમિકતાઓમાં ગરીબી અને ભૂખમરાની નાબૂદી ઘણા પાછળના ક્રમે છે.
વિજ્ઞાનકથાઓમાં એક સમયે જેની કલ્પના કરવામાં આવતી હતી એવો આ ખોરાક બહુ ઝડપથી વર્તમાન બને એ શક્યતા છે, પણ કોઈ ભૂખ્યું ન રહે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી કેવળ શાસનની છે? આપણા પોતાના સ્વાર્થ ખાતર આપણે પક્ષીઓને ગાંઠિયા અને કૂતરાંઓને બિસ્કીટ જેવો હાનિકારક ખોરાક ખવડાવીને પુણ્ય કર્યાનો સંતોષ મેળવી લઈએ છીએ. આપણી નજર સમક્ષ અનેક ભૂખ્યાં મનુષ્યો જોઈને આપણને કશું થતું નથી. આથી યંત્રો દ્વારા આવાસ બને કે ખોરાક, જનસામાન્યને એ સુલભ થાય તો જ એ ટેક્નોલોજીનો ખરો અર્થ સરે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦ – ૦૪ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કોઈનો લાડકવાયો – (૨૨) – ઓડીશાના વીર સુરેન્દ્ર સાય
દીપક ધોળકિયા
૧૮૫૭ના વિદ્રોહની આગ આમ તો આખા દેશમાં ફેલાયેલી હતી પણ એમાં અમુક કેન્દ્રો મુખ્ય રહ્યાં. ઓડીશામાં સંબલપુરે વિદ્રોહની આગેવાની લીધી. સંબલપુરના વીર સુરેન્દ્ર સાય આમ તો છેક ૨૨ વર્ષની ઉંમરે, ૧૮૨૭થી ઈસ્ટ ઇંડિયા કંપનીની જોહુકમી સામે લડતા રહ્યા અને એમણે ૧૮૫૭ પહેલાં ૧૭ વર્ષ અને તે પછી ૨૦ વર્ષ અંગ્રેજોની જેલમાં ગાળ્યાં.
સુરેન્દ્ર સાય સોળમી સદીના ચૌહાણ વંશના રાજા મધુકર સાયના સીધા વારસ હતા. પરંતુ પાટવી કુંવરને રાજગાદી મળે એટલે એમના બાપદાદાને વારસામાં ગાદી નહોતી મળી. પરંતુ ૧૮૨૭માં એ વખતના રાજા નિઃસંતાન મૃત્યુ પામતાં વારસાનો સવાલ ઊભો થયો. સુરેન્દ્ર સાયએ પોતે ગાદીના હકદાર હોવાનું દેખાડ્યું પણ કંપનીએ સર્વોપરિ સત્તા તરીકે એમનો દાવો નકારી કાઢ્યો અને વિધવા રાણી મોહના કુમારીને રાજગાદી સોંપી. હિન્દુસ્તાનની પરંપરાથી આ નિર્ણય વિરુદ્ધ હતો એટલે લોકોમાં કંપનીની જોહુકમી સામે ચણભણાટ શરૂ થયો. સુરેન્દ્ર સાયએ આનો વિરોધ કર્યો. ગોંડ આદિવાસીઓના રાજાએ પણ એમને ટેકો આપ્યો.આ બાજુ, રાણી મોહના કુમારી પણ વહીવટ જાણતી નહોતી એટલે અરાજકતા વધી.
હવે ઈસ્ટ ઇંડિયા કંપનીએ રાણીને પેન્શનર તરીકે કટક મોકલી દીધી અને ચૌહાણ વંશના જ એક વૃદ્ધ જમીનદાર નારાયણ સિંઘને ગાદીએ બેસાડ્યો. પરંતુ એથી તો લોકો ભડક્યા. લોકલાગણી સુરેન્દ્ર સાયની તરફેણમાં હતી. ગોંડ આદિવાસીઓ પણ એમને ટેકો આપતા હતા એટલે ૧૮૪૦માં નારાયણ સિંહે લખનપુરના ગોંડ જમીનદારને મરાવી નાખ્યો. અંગ્રેજોએ આ હત્યા માટે સુરેન્દ્ર સાયને જવાબદાર ઠરાવીને એમને પકડી લીધા અને આજીવન કેદની સજા કરી. ૧૮૪૯માં નારાયણ સિંઘનું પણ ગાદીનો વારસ છોડ્યા વિના મૃત્યુ પામ્યો અને ‘ડૉક્ટ્રીન ઑફ લેપ્સ’ હેઠળ કંપનીએ સંબલપુરનું રાજ્ય ખાલસા કરી લીધું. સુરેન્દ્ર સાયને તો કોઈ પણ રીતે ગાદી સોંપવા કંપની તૈયાર નહોતી.
૧૮૫૭નો વિદ્રોહ શરૂ થયો ત્યારે સુરેન્દ્ર સાય જેલમાં જ હતા. પણ વિદ્રોહીઓએ જેલ પર જ હુમલો કરીને સુરેન્દ્ર સાયને મુક્ત કરાવ્યા અને એમને બળવાના સરદાર બનાવ્યા. એમણે બહાર આવીને ફોજ બનાવવાનું શરૂ કર્યું તેમાં આદિવાસીઓનો એમને ભારે ટેકો મલ્યો. બધા ગોંડ જમીનદારો સુરેન્દ્ર સાયના નેતૃત્વમાં કંપની રાજ સામે એકઠા થઈ ગયા. ૧૮૫૭ પછી છેક ૧૮૬૨ સુધી એ અંગ્રેજોની સામે લડતા રહ્યા. એમના માણસો અંગ્રેજો પર ઓચિંતો જ હુમલો કરતા અને નાસી જતા. આ છાપામાર લડાઈથી અંગ્રેજો થાક્યા.
કંપનીએ હવે સેનાના વડા ફૉર્સ્ટરની બદલી કરી નાખી અને નવા વડા તરીકે મેજર ઇમ્પીને નીમ્યો. ઇમ્પી આમ તો બીજે ઠેકાણ વિદ્રોહને દબાવવામાં સફળ થયો હતો એટલે એને સંબલપુર મોકલવામાં આવ્યો હતો પણ એ અહીં ફાવ્યો નહીં. એણે નવી નીતિ અખત્યાર કરી અને શરણે થનારા વિદ્રોહીઓને અભયદાનનું વચન આપ્યું અને વાટાઘાટો શરૂ કરી. સુરેન્દ્રે પણ અંગ્રેજોની પ્રામાણિકતામાં વિશ્વાસ રાખીને વિદ્રોહ પડતો મૂક્યો અને સમજૂતી કરી લીધી. પરંતુ કંપનીના બીજા અધિકારીઓને ઇમ્પીની સમાધાન નીતિ પસંદ નહોતી. એમણે ઇમ્પી પર સુરેન્દ્રને પકડી લેવાનું દબાણ કર્યું. દરમિયાન ઇમ્પીનું મૃત્યુ થઈ ગયું. આનો લાભ લઈને કંપનીએ પોતાની જ સમજૂતીનો ભંગ કરીને ૧૮૬૪માં એમની ધરપકડ કરી. ૧૮૮૪ના ફેબ્રુઆરીની ૨૮મીએ એમનું ૭૫ વર્ષની ઉંમરે અસીરગઢ (મધ્યપ્રદેશ)ની જેલમાં જ અવસાન થયું.
સુરેન્દ્ર સાયે એમની અર્ધી જિંદગી અંગ્રેજોના વિરોધમાં ગાળી નાખી. એમને અંજલી રૂપે ટપાલ ટિકિટ તો ભારત સરકારે બહાર પાડી છે પરંતુ આપણા ૧૮૫૭ના સંગ્રામના ઇતિહાસમાં એમને પૂરતું સન્માન નથી મળ્યું એ દુઃખની વાત છે.
૦૦૦
સંદર્ભઃ
http://magazines.odisha.gov.in/Orissareview/august-2007/engpdf/Page72-75pdf
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની કલમે આલેખાયેલાં અનોખાં જીવનચિત્રો
પુસ્તક પરિચય
પરેશ પ્રજાપતિ

લાડકકવાયાની વંદના: સંપાદન: જગદીશ રથવી ‘સ્નેહબંસી’
આઝાદીની ચળવળ સમયે ગાંધીજીએ જોયું કે, ભારતની અનેક સમસ્યાઓનું મૂળ ગામડામાં છે. તેથી તેમણે ગામડાંઓને સ્વાવલંબી બનાવતા અનુભવકેન્દ્રી શિક્ષણ પર ભાર મૂક્યો. તેમના આ યજ્ઞમાં અનેક કર્મશીલોનો સાથ સહકાર સાંપડ્યો. વેડછીમાં આશ્રમ સ્થાપનાર લખતર (જિ. સુરેન્દ્રનગર) માં જન્મેલા જુગતરામ ચીમનલાલ દવે (જન્મ તાઃ૧-૯-૧૮૮૮, અવસાનઃ ૧૪-૩-૧૯૮૫) તેમાંના એક. તેઓ ‘જુગતરામકાકા’ અથવા ‘જુ.કાકા’ તરીકે ઓળખાતા હતા. તેમણે વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસની તકો વિસ્તારવા ઇસ. 1968માં વેડછી આશ્રમની નજીક જ ગાંધી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. જુગતરામના દેહાવસાનને આજે ચાર દાયકા પૂરા થવા પર છે, ત્યારે વેડછીની ગાંધી વિદ્યાપીઠ આજે પણ અનેક પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે, તેના મૂળમાં જુગતરામ સહિત અનેક અનુગામી કર્મશીલોના સહિયારા પ્રયાસો રહેલા છે. પુસ્તક ‘લાડકવાયાની વંદના’ આવા કર્મશીલોના જીવનચરિત્રોનો સંપુટ છે, જેનું સંપાદન જગદીશભાઇ (જગમાલ) રથવીએ કર્યું છે. આ પુસ્તક ત્રણ વિભાગમાં વિભાજિત છે; ગુરુવંદના, લાડકવાયાની ભાવવંદના તથા મારા લાડકવાયા (ભાગ-2).
પુસ્તકના પહેલા વિભાગમાં ગુરુવંદના છે; જેમાં સંસ્થાના મૂળ સ્થાપક જુગતરામ સહિત કુલ પચ્ચીસ ગુરુજનોના પરિચયો છે. આ લખાણોમાં તેમની સાદગી અને સ્વચ્છતા પ્રત્યેનો ઝોક અહોભાવ પ્રેરે છે. જેમ કે, ગભરુભાઇ ભડિયાદરા વિશે ઉલ્લેખ છે કે તેઓ ધોળી ચડ્ડી અને સદરો પહેરતા અને પરિસરને સ્વચ્છ રાખવા જાતે ઝાડુ લગાવતા. ક્યારેક એમ પણ બને કે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારોની સેવકની જેમ આવભગત કરતા હોય ને બીજે દિવસે તેઓ ઇન્ટરવ્યુ લેનાર તરીકે ખુરશીમાં બેઠા હોય! આવું જ નરસિંહભાઇ સવાણી બાબતે. સંસ્થામાં શિસ્ત જાળવવના આગ્રહી છતાં ભૂલ બદલ શિક્ષાને બદલે ભૂલસુધારણાને વિશેષ મહત્વ આપતા આચાર્યો કે શિક્ષકો વિશે વાંચતા જો વાચક પ્રભાવિત થાય, તો નજરે જોનાર પર શી અસર થતી હશે? આ સાહજિક પ્રશ્નનો જવાબ આપતું રોચક વર્ણન શાંતિભાઇ કથિરીયા અંગેના લખાણમાં મળે છે. તેઓ વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે અધ્યાપકોના સળંગ નિવાસને ‘પોલીસ લાઇન’થી ઓળખાવતા તો સવારે પ્રાર્થના સમયે વાગતા ઘંટને ‘મરણિયો ઘંટ’ કહેતા; એટલું જ નહી, આ વિશે તેમણે એક કવિતા પણ રચી હતી. તેમને આરંભે અધ્યાપક તરીકેનું ગુમાન પણ હતું. પરંતું તેમણે એક સવારે ઢીંચણ સુધી ટૂંકું ધોતિયું અને ટૂંકી બાંયનું પહેરણ પહેરેલા સંસ્થાના સ્થાપક એવા જુગતરામને જાહેર શૌચાલય સાફ કરતા જોયા ત્યારથી એ અહમ ઓગળી ગયો. એ સમયે ભ્રષ્ટાચાર અંગે પ્રવર્તતી સૂક્ષ્મ સમજ પણ શાંતિભાઇના લેખમાં સ્પષ્ટ થાય છે. ગ્રામીણ બેંકમાંથી સેવાનિવૃત્તિ પ્રસંગે મળેલી ભેટ તેમણે માથે ચડાવી એવી સમજથી પરત કરી કે આનો સ્વીકાર કરું તો ભ્રષ્ટાચારનો જ ભાગ ગણાય! આ વાત હ્રદયને કેવી ઝણઝણાવનારી છે!
આ લખાણો સંસ્થાના વિદ્યાર્થીઓએ લખેલા છે, જેમણે જે અવલોક્યું તે કાગળ પર ઉતાર્યું હોવાથી આ લખાણોમાં વિશ્વસનીયતાનો પાસ છે. તેમાં ગુરુજનોની કૌટુંબિક પૃષ્ઠભૂમિ, ગાંધી વિદ્યાપીઠ સાથે જોડાણના સંયોગો, ખાસિયત, મેળવેલી સિદ્ધી, વેડછીમાં યોગદાન, પારિવારિક જીવનની છેલ્લામાં છેલ્લી માહિતી વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી જુગતરામકાકાએ સ્થાપેલા વેડછી વિદ્યાપીઠમાં કોનું અને કેવું પ્રદાન રહ્યું છે તેનો ચિતાર પણ મળતો રહે છે. એ ઉપરાંત ગામડાગામમાં આડંબર રહિત સાદગીથી વસતા કુટુંબોની કઠણાઇ અને તકલીફો, સંઘર્ષ, વગેરે વિશે એવી વાતો જાણવા મળે છે કે જેનો શહેરીજનોને ખાસ પરિચય નથી. આજે ઘરના નાકે દૂધ લેવા પણ વાહન શોધતાં હોઇએ ત્યારે અમરસિંહભાઇ પરમાર જેવા કેટલાંય હતા જે ભણવા છ- છ કિમી ચાલતાં જતા હતા ને અભ્યાસની ફી સ્વજનોએ કે મિત્રોને આભારી હોય! કેટલાંક વ્યક્તિઓની ભૌતિક અસુવિધાઓ વિશે જાણીએ તો એમ થાય કે કેટલો પ્રબળ પુરુષાર્થ છુપાયો છે આ વ્યક્તિત્વોમાં! આવાં ચરિત્રો સાચે જ પ્રેરણાદાયક છે, જેમ કે; શિવાભાઇ રાઠોડ રોજ સવારે વહેલા ઉઠી બાને મદદરૂપ થાય, લાકડાં કાપી ભારો લાવે. જમ્યા બાદ ચાર કિમી રેતી ખૂંદતા ચાલતા ભણવા જવાનું; આ દરમ્યાન અંગ્રેજી સ્પેલિંગો તેમજ સંસ્કૃતના પાઠો તૈયાર કરતા જાય! તેમના ભણતરથી લઇ જીપીએસસીની પરીક્ષા પાસ કરી ક્લાસ વન ઓફિસર થવાની તેમની યાત્રા વાંચતી વખતે થાય કે અર્જુન ફક્ત મહાભારતકાળમાં જ નહોતા!
અમૃતભાઇ કાશીરામ પટેલ વૈજ્ઞાનિક બન્યા તો પ્રવિણભાઇ ડાભી પીએચડી થયા અને પર્યાવરણવિદ બન્યા, જગદગીશભાઇ રથવીએ સાહિત્ય ક્ષેત્રે કાઠું કાઢ્યું, તો ઇશ્વરસિંહ ચાવડા કે હરિસિંહ ચાવડા જેવા કેટલાંક તો રાજકીય કારકીર્દીંમાં આગળ વધ્યા અને સંસદ સુધી પહોંચ્યા હતા. પુસ્તકના પહેલા વિભાગમાં આવાં કુલ પચ્ચીસ ચરિત્રો છે.
બીજા વિભાગ ‘લાડકવાયાની ભાવવંદના’માં સંસ્થા સાથે સેવાકાર્યથી જોડાનાર ક્લાર્ક, પટાવાળા, ચોકિયાત, રસોઇયા, ગ્રંથપાલ, હિસાબનીશ વગેરેનાં ચરિત્રલેખનો પણ સામેલ છે. ગુરુજનોની જેમ જ આ તમામ પાત્રોના વિદ્યાપીઠ સાથેના જોડાણ ઉપરાંત જીવંત સંપર્કનો અહેસાસ આપતી હાલની પારિવારિક પરિસ્થિતીની તથા સંપર્ક માહિતી પણ આપવામાં આવી છે તે સૌથી ધ્યાનાકર્ષક બાબત છે. બીજા વિભાગમાં આવાં તેર પરિચયો છે. તેમાં મચ્છુ હોનારત સમયે ત્રણ કરોડ જેવી માતબર રકમ પિડીતોને આર્થિક વળતર ચૂકવી, વધેલી મામૂલી રકમ પણ સરકારમાં જમા કરાવે; અને પોતે માત્ર બિસ્કીટ ખાઇને વળતી મુસાફરી કરે એવા ઉદ્યોગશિક્ષક દેવજીભાઇ કે માત્ર સાડા ત્રણ રૂપિયાનો હિસાબ ન મળતાં રાતનો ઉજાગરો વેઠતા હિસાબનીશ ઝીણાજી અનારજી ઠાકોર જેવા સેવાકાર્યથી જોડાયેલાં અનોખા વ્યક્તિત્વોનાં આલેખનો વાંચતી વખતે પ્રામાણિકતા અને ચોકસાઇ જેવા ગુણો વાચકના મનમાં વીજળીનો ઝબકારો કરી જાય છે. જાણેઅજાણે વાચકના મનમાં સંસ્કારબીજ રોપતાં આવાં પ્રસંગો આ પુસ્તકનાં અમૂલ્ય ઘરેણાં સમાન છે.
ત્રીજા વિભાગમાં સત્તાવીસ વિદ્યાર્થીઓની કૌટુંબિક પરિસ્થિતિ, સંસ્થામાં પ્રવેશ અને તેમની વર્તમાન પરિસ્થિતી વિશેનું માહિતીસભર લખાણ ‘મારા લાડકવાયા (ભાગ-2)’ તરીકે સમાવવામાં આવ્યું છે. આ લખાણો એકાદ વર્ષ પહેલાં જગદીશભાઇએ તૈયાર કરેલા વિદ્યાપીઠના કુલ 68 જેટલા વિદ્યાર્થીઓના ચરિત્રગ્રંથ ‘મારા લાડકવાયા’ની પુરવણી છે.
આ પુસ્તક વાંચતી વખતે જે તે સમયનું સામાજિક ચિત્ર પણ ઉપસી આવે છે, જે ડાહ્યાભાઇ બાલુભાઇ ચૌધરી વિશેનાં લખાણમાં બખૂબી ઝડપાયું છે. ‘એ સમયે ધાણિયામા એટલે કે જે તે મજૂરોના માલિક, એમને એવા પાઠ ભણાવે કે તમારે ભણીને શું કરવું છે? અમે તમને રોટલા આપીએ છીએ તે સુખેથી ખાયા કરો ને?’ આવા સમયે ડાહ્યાભાઇ સર્વોદય કાર્યકરની મદદથી ભણ્યા. છાત્રાલયમાં રહ્યા, નઇ તાલીમનું શિક્ષણ મેળવ્યું અને એમ.એ. બી.એડ. થયા; લાયબ્રેરીનો અભ્યાસ કર્યો અને વેડછીમાં ગ્રંથપાલ તરીકે જોડાયા. તેમની બે દિકરીઓ ભણીને શિક્ષિકા બની જ્યારે ત્રીજી દિકરી ડૉક્ટર થઇ. આ તો એક ઉદાહરણ માત્ર છે. એક સમયે નિરક્ષર એવા આદિવાસી સમાજની બીજી કે ત્રીજી પેઢીમાં ડોક્ટર અને અન્જીનીયર તૈયાર થાય એ નાનીસૂની વાત નથી. અનેક તકલીફો વેઠતી આદિવાસી પ્રજાના જીવનમાં આશ્રમી શિક્ષણવ્યવસ્થાને કારણે ખરેખર વસંત બેઠી હોવાનાં ઘણાં ઉદાહરણો વાંચતી વખતે મનમાં સતત એ લાગણી થાય છે કે ગાંધીવિચાર આજે પણ પ્રસ્તુત છે અને આ પુસ્તક તેનો આધારભૂત દસ્તાવેજ છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
લાડકવાયાની વંદન : જગદીશ રથવી ‘સ્નેહબંસી’
પૃષ્ઠસંખ્યા : 344
કિંમત : ₹ 350પ્રથમ આવૃત્તિ, 2022
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :જગદીશ રથવી, નિલમણી પાર્ક, 80 ફીટ રોડ, ગીતાનગર પાસે, સુરેન્દ્રનગર |
સંપાદક સંપર્કઃ 94288 12934
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
