-
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – ભગવાન પરશુરામ – ખડ – ૩ (અંતિમ)
પુસ્તક પરિચય
રીટા જાની

ગત બે અંકમાં આપણે પૌરાણિક ઐતિહાસિક નવલકથા ‘ભગવાન પરશુરામ’ ના પ્રથમ બે ખંડનું મુનશીની કલમે આલેખાયેલ અદભુત ચિત્રણ માણ્યું. ત્રીજા ખંડની શરૂઆતમાં ભદ્રશ્રેણ્ય અને ભાર્ગવને સમાચાર મળે છે કે સહસ્ત્રાર્જુન યાદવ અને ભૃગુઓના સંહાર માટે મોટું સૈન્ય મોકલી રહ્યો છે. ભાર્ગવ કહે છે કે સહસ્ત્રાર્જુન આવી પહોંચે એ પહેલાં બધાએ અહીંથી નીકળી જવું અને આર્યાવર્ત પહોંચી જવું. મુનશી ફરી અહીં એક માનવેતર પાત્ર આલેખે છે – કાપાલિકોની ગુરુ,બસો વર્ષની ઉંમરની, અઘોરચક્રઅધિષ્ઠાત્રી, ત્રિકાળદર્શી સિદ્ધેશ્વરી મહાદંતી. જેની કથા વાચકને ડર, આશ્ચર્ય, પ્રેરકતા જેવા વિવિધ ભાવોના સમુદ્રમાં ભીંજવે છે.
યાદવો અને ભૃગુઓ જ્યાં કદી મનુષ્ય સંચર્યો ન હોય એવા રસ્તે આર્યાવર્ત જવા નીકળી પડ્યા. રસ્તામાં આતિથ્ય આપતાં જંગલોના બદલે રણ દેખાતાં, ઝરણામાં પાણી ન હતાં, તાપ અંગારા વરસાવતો, ભૂખ, તરસ અને રોગ તેમના નિત્ય સહચારી થઈ બેઠાં હતા. આવી વિષમ પરિસ્થિતિમાં પણ ભાર્ગવ ‘અડગતામાં મરવું એ જ જીવન’ એવો સંદેશ આપી રહ્યા. એટલું જ નહિ પણ બધાને સરસ્વતી નદીના કાંપ પાર કરાવી નદીના બીજા કાંઠે લાવ્યા, જ્યાં સરસ્વતીના અમૃત સમા મીઠાં પાણીએ તેમને નવજીવન આપ્યું. પણ પાછળ સહસ્ત્રાર્જુના સેનાપતિ રુરુનું વિનાશક ઝનૂનભરેલું સૈન્ય પણ આવી પહોંચ્યું. દ્વેષનો દાવાનળ સળગી ઉઠયો ને સૌ એકબીજાને મારવા ને ડુબાડવા લાગ્યા.
આર્યાવર્ત પહોંચતાં પહેલાં ભાર્ગવને જાણ થઈ કે તેમના બે ભાઈઓ પિતૃલોક સંચર્યા છે. ત્રીજા ભાઈ યુદ્ધમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. પિતાજી ભૃગુશ્રેષ્ઠ કોઈ જોડે બોલતા નથી અને એકલા સરસ્વતીના તીરે આંટા મારે છે. તો માતા રેણુકા ઉર્ફે અંબા આશ્રમ છોડી ગાંધર્વરાજને ત્યાં જઈ રહ્યા છે. આ જાણી ભાર્ગવ આશ્રમ પહોંચે છે. મહર્ષિ જમદગ્નિની કરુણાજનક સ્થિતિ જોઈ કંપતા હૃદયે ભાર્ગવ પિતાના ચરણોમાં પડી જાય છે.
વૃદ્ધ મહર્ષિ : “હું પિતા નથી. મને પુત્ર નથી. તું કોણ છે, હું જાણતો નથી.”
ભાર્ગવ: “પિતાજી! હું રામ – તમારો નાનો છોકરો – સહસ્ત્રાર્જુન ઉપાડી ગયો હતો તે. મહર્ષિ જમદગ્નિ!”
મહર્ષિ: “એક હતો જમદગ્નિ. એ મરી ગયો ને યમલોકમાં ગયો. એ આર્યોનો વિનાશ અટકાવી ન શક્યો. વિશ્વામિત્રને વિજય અપાવી ન શક્યો. ભૃગુઓના તેજ, વીર્ય ને શુદ્ધિ સાચવી ન શક્યો. એના શિષ્યોમાં વિદ્યા ન હતી. ન એ જીતી શક્યો, ન એ સંહાર અટકાવી શક્યો. એના પુત્રોની માતાએ પતિની આજ્ઞા વિરુદ્ધ ગાંધર્વરાજ જોડે રહી પત્નીવ્રત લોપ્યું. મારો એક પણ પુત્ર એવો નથી કે રેણુકાનો વધ કરી પિતાનું ગૌરવ ને શુદ્ધિ સંભાળે…છોકરા! ચાલ્યો જા.”
થરથરતા પગે દૂર જતા પિતાને ભાર્ગવ જોઈ રહ્યા ને મહાદંતીના તેજને શરમાવાનારી આંખોમાંથી અશ્રુબિંદુ પડ્યું. ભાર્ગવ માતા પાસે જાય છે પણ તેમને માન્યામાં નથી આવતું કે લોકોની અંબા કલ્યાણી ગાંધર્વ જોડે નાસી ગયેલી પતિત આર્યા કઈ રીતે હોઈ શકે. ભાર્ગવ માતા પાસેથી સત્ય જાણવા માગે છે કે એવો કયો ધર્મ જણાયો કે તેમણે પતિની આજ્ઞા લોપી. માતા ભાર્ગવને ગાંધર્વરાજ પાસે લઈ જાય છે અને બતાવે છે કે રક્તપિત્તથી પીડાતા લોકોની સારવાર અર્થે તે અહીઁ રોકાઈ હતી. ભાર્ગવ તેને કહે છે “તેં જે સેવા કરી છે તે બીજું કોઈ ન કરી શકે. તું પતિપરાયણા છે. વિશુદ્ધિ હોય ત્યાં અધર્મ ન હોય. તેને કોઈ અપકીર્તિ નહિ મળે. જગતને આ માનવું જ પડશે.” ભાર્ગવ રેણુકાને લઈને મહર્ષિ જમદગ્નિ પાસે જાય છે. મહર્ષિ તેનો શિરચ્છેદ કરવા કહે છે. ભાર્ગવ તે માટે તૈયાર થાય છે ને કહે છે કે પિતાની આજ્ઞાને માથે ચડાવીશ. પણ પછી મારે જીવવું નથી.
ભાર્ગવ : “પિતાજી! અધર્મ આચારમાં નથી, એમાં રહેલી દૃષ્ટિમાં છે. નહીંતો મરણપથારીએ પડેલા રક્તપિત્તિયાની સેવા કરનાર અંબા પરમ કલ્યાણીને પાપાચારી માની બેસત નહીં. મિથ્યા અભિમાનથી નહિ, સામર્થ્યથી જ આર્યત્વ સચવાય છે.”
રેણુકા: “બેટા! મારી આજ્ઞા છે – છેલ્લી, મારો શિરચ્છેદ કર અને પિતાની ક્ષમા માગ.”
ભાર્ગવ: “પિતાજી ક્ષમા કરો. આપની આજ્ઞા માથે ચડાવું છું – અંબાનો વધ કરું છું.”
મહર્ષિ : “અંબા, મેં તારો વધ કર્યો. તારા પુત્રે તને સજીવન કરી. રામ! પરશુ ફેંકી દે. હું મારી આણ પછી ખેંચી લઉ છું.”ચક્રવર્તી સહસ્ત્રાર્જુને આર્યાવર્તને રાખમાં રોળ્યું પણ મહર્ષિ જમદગ્નિએ નમતું આપ્યું નહોતું. તેથી સહસ્ત્રાર્જુન મહર્ષિને ઝાડ સાથે બાંધી તેમના શરીરમાં તીર મારી તેમને પીડા આપી રહ્યો હતો. ભાર્ગવે એવો વ્યૂહ રચ્યો કે ત્રણે દિશામાંથી ભાર્ગવ આવી રહ્યા છે એવા સમાચાર સહસ્ત્રાર્જુનને મળ્યાં. એક દિશાએથી હરિતનું સૈન્ય, બીજી દિશાએથી ભરતોનું સૈન્ય અને ત્રીજી દિશાએથી ભાર્ગવ આવ્યા. આ સંહાર તાંડવમાં સહસ્ત્રાર્જુન અને ભાર્ગવ આમને સામને આવી ગયા ને છેવટે ભાર્ગવને હાથે સહસ્ત્રાર્જુને પરાજિત થઈને જાન ગુમાવ્યો.
આ કથામાં મુનશીની કલમનો કમાલ કથાના પાત્રોના મુખે સાંભળવા મળે છે. તેમાં જે શાણપણ અને સંદેશ છે તે કાલાતીત છે. કોઈ પણ સ્થળ, કાળ અને સમયને અતિક્રમીને આ સત્ય આજે પણ અપનાવવાની જરૂર હોય એવું લાગ્યા વગર રહેતું નથી.
વિશ્વામિત્ર: ‘માનવી માત્રને માટે મારાં આંસુ વહ્યા છે ને મારી આંસુની સરિતામાંથી મને સત્યો દેખાયાં છે. માનવી માનવીના ભેદ મેં ટાળ્યા છે. આર્યત્વ નથી રંગમાં – નથી કુળમાં – જ્યાં દેશને શરણ જવાની શક્તિ છે ત્યાં આર્યત્વ છે. મારે આર્ય – અનાર્યના ભેદ ટાળવા હતા. માનવી માનવીના ભેદ તો આર્યત્વને કલંકિત કરે છે. જ્યાં સંસ્કાર ત્યાં આર્યત્વ. આર્ય ને દસ્યુઓના વર્ણભેદ પર રચાયેલ સૃષ્ટિ મહાન અસત્ય છે. મેં વર્ણભેદ ભુલાવ્યો – સંસ્કાર ભેદ શીખવ્યો. જે તપ ને વિદ્યા મેળવે તે આર્ય.
દુષ્યંત: “કાલે જેને વીરતા કહેતા હતા તેમાં આજે બધાને મૂર્ખાઈ દેખાય છે. સહચર કોઈને ગમતો નથી. દરેક પોતાનો લાભ શોધી રહ્યા છે.”
ભાર્ગવ: “પરાજય તો મહાન છે, હું તો એને સદા ભેટતો આવ્યો છું. એ વિપત્તિ વીરોને તાવે છે. તેમનું કાંચન પ્રગટાવે છે. એમાંથી જ સામાન્યો છૂટા પડે છે, અને અધોગામી બને છે, અને શુરો અલગ થઈને ઉન્નત માર્ગે વિહરે છે. હાર શું? જીત શું? કાયરોની શબ્દજાળ ભેદીએ. હાર – જીત મૃત્યુ પામેલા વીરોની સંખ્યામાં છે? વિનાશ થયેલી સમૃદ્ધિની ગણનામાં? ના – ના. જીવન ઉન્નત કરે તે વિજય – જે ન કરે તે પરાજય. જ્યાં શ્રદ્ધાભર ઉત્સાહ નથી ત્યાં પરાજય; જ્યાં શ્રદ્ધા ને ઉત્સાહ છે ત્યાં પરાજય કદી હોય નહિ. વિજય તો ક્ષણજીવી ફૂલ છે. આ પળે વિકાસ, પેલી પળે કરમાય. એનાથી પર – ચિરંજીવ – છે આત્મશ્રદ્ધા, અણનમ શક્તિની જનેતા. જ્યારે આત્મશ્રદ્ધા ચળે ત્યારે પરાજય આવે. પ્રાપ્ય – અપ્રાપ્યની ચિંતા કરીને આપણે આત્મશ્રદ્ધા ખોઈએ છીએ. પ્રાપ્ય માટે લડે એ માનવી; અપ્રાપ્ય માટે લડે એ મહાત્મા. પ્રાપ્યતાની મર્યાદા શોધવામાં જ પરાજયના પાયા ચણાય છે.”
ભાર્ગવ: “હું તો અપ્રાપ્યનો મંત્રદૃષ્ટા છું. હું મરી જઈશ તોયે મૃત્યુનો સ્વામી બનીને. મારા મરણમાંથી ઉત્સાહ અને શ્રદ્ધાની છોળો ઉડશે. તેની આંચ આજના નહિ તો આવતીકાલના વીરોને લાગશે. આર્યત્વનો ધ્વજ તે ફરી ફરકાવશે ને અનંત કાળ સુધી આગળ ધપતો લઈ જશે.”
પરાશર મુનિ: “હિંસા કદી જીતી નથી. કદી જીતવાની નથી. દ્વેષ સળગે ત્યારે દ્વેષી થવામાં વીરતા નથી. દ્વેષ જીતવામાં સામર્થ્ય છે. સમરાંગણમાં એક બીજા પર ઝેર ઉછળે છે. એકબીજાને વિનાશવાનું ઝનૂન ઉપાડે છે . ક્યારે તમે બધા આ વિનાશકતાની નિરર્થકતા સમજશો? હિંસાના બી વાવે ઝેરના વન ઊગશે. ક્યાં સુધી આ નિરર્થક વિનાશ વેરશો? દ્વેષ તમને તારશે નહિ, બાળીને ભસ્મ કરશે.”
આજે જ્યારે વિશ્વ ધર્મ,સત્તા( આર્થિક, રાજકીય, સામાજિક) ,યુદ્ધ, સામ્રાજ્યવાદ અને અન્ય કારણોસર આતંકવાદ અને અત્યાચારનો સામનો કરી રહ્યું છે ત્યારે પૌરાણિક નવલકથાની વાત કેટલી યથાર્થ લાગે છે! એ જ છે દીર્ઘદ્રષ્ટા અને આર્ષદ્રષ્ટા મુનશીની કલમનો કસબ!
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૩ – અંશ : ૧ #
આપણાં જીવનનું અર્થશાસ્ત્ર પણ સમજવું તો જોઇએ
ચાલો, અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનને સમજીએ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનમાં સાચું શું …..
આપણાં જીવનમાં ખુશીના બે માર્ગો -વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર તેમ જ અંગત અર્થવ્યવસ્થા-માંથી આપણે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રના માર્ગના નકશાને તો સમજવાનો ઉપક્રમ કરી લીધો. એટલે હવે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર આપણાં અંગત જીવનની અર્થવ્યવસ્થા પર શું અસર કરે છે તેના પર ધ્યાન આપીએ.
એ માટે અર્થશાસ્ત્રીઓ તેમનાં ‘અર્થશાસ્ત્રનાં ‘વિજ્ઞાન’ને કયા દૃષ્ટિકોણથી જુએ છે તે સમજવું જોઈશે.
દુનિયામાં આપણી જરૂરિયાતો પુરી કરવા માટે અમર્યાદિત સાધનો હોત, તો અર્થશાસ્ત્ર જ કદાચ પેદા ન થયું હોત. પણ હકીકત એ છે કે સાધનો મર્યાદિત છે અને જરૂરિયાતોનો અંત જ નથી. એટલે મર્યાદિત સાધનો વડે મહત્તમ જરૂરિયાતો સંતોષાઈ શકે તેવી ‘ઉપયોગિતા’ કેમ પેદા કરવી તે મૂળભુત પ્રશ્ન અર્થશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બની રહે છે. ઍડમ સ્મિથથી લઈને બધા અર્થશાત્રીઓ ‘ઉપયોગિતા’નો અર્થ આપણા નિર્ણયો અને પ્રયાસોની નિપજ તેમજ પરિણામોને, ‘શુ સિદ્ધ થઈ શકે તેમ છે’ તે સંદર્ભમાં કરે છે. મોટા ભાગે ઉપયોગિતાનું વ્યાવહારિક સ્વરૂપ નાણાં ગણાય છે. ‘વૈજ્ઞાનિક’ અર્થશાસ્ત્રનો પાયો ‘તર્ક’ એ છે કે સાધનો મર્યાદિત હોવાને કારણે આપણને ઓછામાં ઓછાં સાધનો વાપરીને વધારેમાં વધારે ‘ઉપયોગિતા’ પેદા કરવામાં જ રસ હોય. અને ‘નાણાં’ , કે ‘સમૃદ્ધિ’ સિવાય બીજી ‘ઉપયોગિતા’ વળી કઈ હોય ?
શાસનકર્તાઓને અર્થતંત્ર અને અર્થવ્યવસ્થાનું સંચાલન સુપેરે કરવામાં મદદરૂપ થવાનો અર્થશાસ્ત્રીઓનો આશય હોય છે. અર્થશાસ્ત્રીઓનો અર્થશાસ્ત્ર તરફનો વૈજ્ઞાનિક અભિગમ સમગ્રતયા સમાવેશક સ્તરે અભ્યાસનો રહેતો હોય છે. એ સ્તરે તેઓ સામુદાયિક અર્થતંત્રનો અભ્યાસ કરે છે, સામુદાયિક આર્થિક ઘટનાઓની આગાહીઓ કરે છે અને એ મુજબ અર્થવ્યવસ્થાઓનું સંચાલન કરે છે. અમુક અપવાદો અને મર્યાદાઓમાં રહીને, આમ કરવું શક્ય બની શકે છે.
ઉત્પાદનો અને સેવાઓ પુરાં પાડનરાંઓનાં સ્તરે, પેદાશો અને સેવાઓનાં ઉત્પાદન, વહેંચણી અને ખપત સાથે સંબંધ ધરાવતાં સામાજિક વિજ્ઞાનની ભૂમિકા અર્થતંત્ર ભજવે છે. પેદાશો અને સેવાઓના ઉત્પાદકો અમુક ચોક્કસ સ્તરમાં સાધનોને કામે લગાડે તે સામે તેમને પુરતું વળતર મળી રહે તે સાથે સામુદાયિક અર્થયંત્રનો સંદર્ભ છે.
આટલે સુધી તો વૈજ્ઞાનિક અભિગમ સામુદાયિક તેમ જ વ્યક્તિગત બાબતો પુરતો અસરકારક રહી શકે છે.
પરંતુ, અર્થશાસ્ત્ર નિરપેક્ષ , આદેશાત્મક નહીં પણ સાપેક્ષ, સામાજિક વિજ્ઞાન છે, એટલે બધી ઘટનાઓ અમુક જ ધારાધારણો મુજબ બને તેમ થતું નથી. તેમાં પણ આપણે અંગત સ્તરે જે નિર્ણયો કે પગલાં લેતાં હોઇએ છીએ તેના સામુહિક પરિપ્રેક્ષ્યને સમજવામાં કચાશ રહી જાય તો અર્થશાસ્ત્રીઓની સામુહિક આર્થિક ઘટનાઓની બધી આગાહીઓ સાચી ન પડે. પરિણામે, અર્થવ્યવસ્થાનાં સંચાલનમાં ક્યારેક ગડબડ થવાની શક્યતાઓ પણ રહે છે. વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા અર્થશાસ્ત્રીઓથી આવી ચૂક કેમ થતી હશે તે આપણે થોડે આગળ જતાં જોઈશું.
અર્થશાસ્ત્રીઓ આપણા વ્યક્તિગત નિર્ણયો અને પગલાંઓની સામુહિક અસરો સમજવામાં કચાશ કરે અને તેથી સામુદાયિક અર્થતંત્રનાં સંચાલનમાં તેમનાથી જે ત્રુટિઓ રહી જાય તેને કારણે અર્થશાસ્ત્રનું વિજ્ઞાન ખોટું છે તેમ ન કહી શકાય. એ મર્યાદાઓ અને અપવાદોના દાયરામાં, વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર સામુહિક તેમ જ વ્યક્તિગત કક્ષાએ પ્રસ્તુત રહે છે.
વ્યક્તિગત અર્થવ્યવસ્થાની કક્ષાએ વૈજ્ઞાનિક અર્થતંત્ર કેટલું સાચું?
વ્યક્તિગત અર્થવ્યવસ્થાની બારીકીઓ સમજવા બાબતે અર્થશાસ્ત્રીઓની નાની મોટી બધી ઉણપો છતાં તે લોકોનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોની ખુશી અને શ્રેય માટે અર્થતંત્રને કામે લગાડવાનો છે એ વાત તો સાચી જ છે. તેમ વળી, મર્યાદિત સાધનોના ઉપયોગ વડે મહત્તમ જરૂરિયાતો પુરી કરવા વિશે આપણને સભાન કરવાનો તેમનો વૈજ્ઞાનિક અભિગમ પણ એટલો જ સાચો છે. અર્થશાસ્ત્રનાં ‘સક્રિય’ પરિબળ તરીકે આપણે આર્થિક ઘટનાઓ સાથે વ્યવહાર કરીએ કે ન કરીએ, આપણી જરૂરિયાતો પુરી કરવા માટે ઓછામાં ઓછાં સાધનોનો વપરાશ થાય તેમ આપણે કરવું જ જોઈએ તે વાત પણ સાચી તો છે જ. પૃથ્વી પર ઉપલબ્ધ બધાં જ કુદરતી સંસાધનો અમર્યાદિત નથી એ વિશે તો કોઈ શંકાને સ્થાન જ નથી. વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનને આપણી સમજના દાયરામાં લાવીને કુદરતી સાધનોની મર્યાદિત ઉપલબ્ધિ વિશે આપણને અવગત કરેલ છે તે પણ સાચું જ છે. ઓછામાં ઓછાં સાધનોના વપરાશની મર્યાદામાં રહીને પણ, આપણા વ્યક્તિગત તેમ જ સામુદાયિક નિર્ણયો અને પગલાંઓ વડે, શક્ય તેટલી મહત્તમ સુખની પ્રાપ્તિ તરફનો માર્ગ પણ તેઓએ દેખાડ્યો છે એ પણ વળી સાચું તો છે જ.
અને, અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનમાં ખોટું શું …..
આપણે લોકો આપણાં બિનઆર્થિક વ્યક્તિગત સ્તરે અર્થશાત્રનાં વિજ્ઞાનને સમજીએ કે ન સમજીએ, પણ, મોટા ભાગે, આપણો અભિગમ આપણાં સુખ અને સંતોષની સિદ્ધિ માટે ઓછામાં ઓછાં સાધનો વાપરવાનો તો હોય જ છે.
સામાન્ય રીતે, આપણે જેટલું પણ કમાઈએ છીએ તે બધું વાપરી નથી કાઢતાં. આવકમાંથી થોડી થોડી બચત કરીને તે બચતનું ભવિષ્ય માટે રોકાણ કરીએ છીએ. આપણી આવડત, આપણો સમય, આપણો શ્રમ જેવાં આપણાં સાધનોનો આપણે શક્ય એટલો ઓછો વપરાશ થાય તે વિશે પ્રયત્નશીલ પણ રહીએ જ છીએ. ઘણી વાર, વ્યક્તિગત સ્તરે, કે પછી સામુહિક સ્તરે, આપણાં એ સાધનોનો વપરાશ નાણાંકીય અર્થશાસ્ત્રથી અલગ દિશામાં પણ કરીએ છીએ.
દેશનાં સકલ ઘરેલુ ઉત્પાદનને મહત્તમ કરવું હોય તો ખેડૂતોએ મહત્તમ ખાતર વાપરીને મહત્તમ પાક લેવો જોઈએ અને ગ્રાહકોએ તેનો મનમુકીને મહત્તમ વપરાશ કરવો જોઈએ એવી અર્થશાત્રની દેખીતી સમજ ગણાય. પરંતુ કેટલાય ખેડૂતો ઓછામાં ઓછાં ખાતરો, ઓછામાં ઓછું પાણી અને ઓછામાં ઓછી જમીન વાપરીને વધારેમાં વધારે પાક લેતા હોય છે. વ્યવહારૂ ગૃહિણી જેવાં કેટલાંય ગ્રાહકો હંમેશાં પ્રયત્નશીલ રહેતાં હોય છે કે ઓછામાં ઓછાં અનાજ, શાકભાજી કે મસાલા વાપરીને, દરરોજ, દર ટંકે, કેમ વધારેમાં વધારે સ્વાદિષ્ટ તેમજ આરોગ્યપ્રદ રસોઇ બનાવવી !
માનવીની નવીનીકરણ કરતાં રહેવાની સહજ વૃત્તિને પરિણામે આપણે ખેતીપ્રધાન યુગમાંથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં આવ્યાં. યાંત્રિકીકરણની સવળી અસરોને કારણે ઉત્પાદનમાં અનેકગણો વધારો થવા લાગ્યો,. તે સાથે ખર્ચ ઓછાં કરવાની સ્પર્ધાત્મકતાને કારણે ઓછાં માલસામાન અને સાધનો પણ વપરાતાં ગયાં. ઉપભોકતાવાદ જેવાં વલણોને કારણે વસ્તુઓ અને સેવાઓનો વપરાશ વધ્યો. આમ માનવ સહજ સકારક વૃત્તિઓએ અર્થતંત્રને સુચક્રના પ્રવાઃહમાં પળોટ્યું.
દેખીતી રીતે, વ્યક્તિગત અને સામુહિક સ્તરે, વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રનો અભિગમ, જાણ્યેઅજાણ્યે, પણ સાચો પડતો હતો.
પરંતુ, કુદરત કે માનવી દરેક વખતે અર્થશાસ્ત્રીઓની આદર્શ અપેક્ષાઓ અનુસાર વર્તતાં નથી. પ્રાદેશિક કે વૈશ્વિક સ્તરે આવી પડતી કોવિડ ૧૯ જેવી કુદરતી આપત્તિઓ કે માનવ સર્જિત યુદ્ધો જેવી આકસ્મિક ઘટનાઓ અર્થશાસ્ત્રીઓ પારખી નથી શકતા.
એ ઉપરાંત લોભ, લાલચ કે ટુંકા ગાળામાં બહુ કમાઈ લેવાની ટુંકી દૃષ્ટિ જેવી માનવસહજ નબળાઇઓ પ્રેરિત વ્યક્તિગત નિર્ણયોની સામુહિક અસરો પણ અર્થશાસ્ત્રીઓની પરખનાં રડારમાં નથી ઝીલાતી હોતી.
અનઅપેક્ષિત વિપરિત બાહ્ય સંજોગો કે માનવ નબળાઇ સર્જિત નિર્ણયોની અસરો એટલી પ્રબળ કક્ષાએ પહોંચી જાય છે કે અર્થતંત્રનાં સુચક્ર ના પ્રવાહો અચાનક જ દુષ્ચક્રોનાં વમળોમાં ફેરવાઈ જાય છે.
સામાન્યપણે જોવામાં આવતું રહ્યું છે કે જ્યારે જ્યારે આર્થિક સુચક્ર વધારે સબળ હોય છે, અને વધારે સમય ચાલે છે, ત્યારે તે પછી આવી પડતું દુષ્ચક્ર વધારે આકરૂં હોય છે, અને લાંબો સમય પણ ચાલતું હોય છે. સુચક્ર ક્યારે પુરૂં થશે અને દુષ્ચક્રની અસરો કેટલી વિઘાતક નીવડશે તે વૈજ્ઞાનિક અભિગમથી મેળવેલ અર્થશાસ્ત્રીઓનાં જ્ઞાન અને અનુભવો પણ આગળથી કહી નથી શકતાં.
તે ઉપરાંત વ્યક્તિગત સ્તરે માનવ સહજ ભિન્નતા એટલી બધી સંકુલ છે કે કોઈ પણ વ્યક્તિ કયા સંજોગોમાં કેવો નિર્ણય લેશે અને કેમ વર્તશે તે કળી શકવું અશક્ય જ છે. એટલે એ વિશે અર્થશાસ્ત્રીઓ ગમે એટલું વિચારી સમજીને પૂર્વાનુમાન બાંધે, એ પૂર્વાનુમાન ખોટું પડવાની જ સંભાવનાઓ વધારે રહે છે.
આચરણમૂલક અર્થશાસ્ત્ર આપણી નિર્ણય પ્રક્રિયાની સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક અભિગમને સમજવા મથે છે, પણ આપણાં આચરણ માટે જવાબદાર હોઈ શકે તેવાં વ્યક્તિગત પ્રેરણાત્મક, અને પસંદનાપસંદનાં, ચાલક બળો તેની ગણતરીમાં નથી આવતાં. આવું જ પ્રયોગમૂલક અર્થશાસ્ત્ર સાથે પણ થાય છે. આપણા આર્થિક નિર્ણયો પાછળની વૈજ્ઞાનિક પ્રક્રિયાનો આધાર લઈને પ્રયોગમૂલક અર્થશાસ્ત્રીઓ પૂર્વાનુમાનો ઘડે છે, અને પછી એવા જ પ્રયોગો વડે તેને પ્રમાણિત કરવા માગે છે. અહીં પણ વ્યક્તિગત પ્રેરણાત્મક, અને પસંદનાપસંદનાં, પરિબળો એમની વિચારધારાની બહાર જ રહી જાય છે.
પરિણામ એ આવે છે કે આવા વ્યક્તિગત નિર્ણયો અને પગલાંઓની અસરો નથી તો વ્યક્તિગત સ્તરનાં અર્થતંત્ર અભ્યાસ કરતું કે નથી તેની સામુદાયિક અસરોનો અભ્યાસ સામુદાયિક સ્તરનાં અર્થતંત્ર દ્વારા થઈ શકતો. આમ, વ્યક્તિગત સ્તરનાં અર્થતંત્ર અને સામુદાયિક સ્તરનાં અર્થતંત્રને સાંકળતી વ્યક્તિગત નિર્ણય પ્રક્રિયાઓની અસરોની અતિઆવશ્યક કડી કાયમ ખૂટતી જ રહે છે.
એટલે પછી આપણે આપણી પોતાની અર્થવ્યવસ્થા ગોઠવી લઈએ છીએ અને અર્થશાત્રીઓ વૈજ્ઞાનિક અભિગમનાં તેમનાં સામુદાયિક સ્તરનાં અર્થતંત્રમાં ખુંપેલા રહે છે. અર્થતંત્રનું વિજ્ઞાન આ બે અલગ પ્રવાહો વચ્ચે બીનઅસરકારક વિદ્યાશાખા તરીકે અથડાતું રહે છે, અને આપણે આપણાં પોતપોતાનાં આગવાં સુખની શોધ આપણે કોતરેલ, આપણી પોતાની અર્થવ્યવસ્થાની, કેડી પર કરતાં રહીએ છીએ.
આ શાશ્વત વિરોધાભાસને કારણે જ આપણાં પુસ્તકનો વિચાર અંકુરિત થયો છે…….. !!
ક્રમશઃ
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સામાજિક ભેદભાવ
નિસબત
ચંદુ મહેરિયા
છેલ્લા પચીસ વરસોમાં દેશમાં આશરે બે લાખ વિધ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પાછલા પાંચેક વરસોથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૧૭માં ૯૯૦૫ વિધ્યાર્થીઓની આત્મહત્યા ૨૦૨૧માં વધીને ૧૦,૭૩૨ થઈ હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ૨૦૨૧માં કુલ ૧.૬૪ લાખ આત્મહત્યામાં વિધ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ આઠ ટકા હતું. રાજસ્થાનનું કોટા મેડિકલ-એન્જિનીયરીંગની પ્રવેશ પરીક્ષાના કોંચિંગ સેન્ટર તરીકે જાણીતું છે. આખા દેશના વિધાર્થીઓ ત્યાં કોચિંગ માટે જાય છે. છેલ્લા દાયકામાં કોટા કોચિંગ સેન્ટરના ૧૨૧ અને છેલ્લા તેર મહિનામાં ૨૨ વિધ્યાર્થીઓ આત્મહત્યા કરી છે. દેશમાં પ્રાયમરીથી હાયર એજ્યુકેશન મેળવતા છોકરા-છોકરીઓ આત્મહત્યા કરે છે. આપઘાત કરનારા છોકરાઓની ટકાવારી ૫૬.૫૧ અને છોકરીઓની ૪૩.૪૯ ટકા છે. આ આંકડાઓ પરથી છાત્રોની આત્મહત્યામાં થયેલી વૃધ્ધિ અને તેની ગંભીરતાનો અંદાજ આવી શકે છે. વિધ્યાર્થીઓની આત્મહત્યાના મુખ્ય કારણોમાં ભણતરનું દબાણ, માબાપ અને અન્યોની મોટી અપેક્ષાઓ , માનસિક તણાવ, ઘર-કુટુંબથી દૂર રહેવાના કારણે સાલતી એકલતા તથા પરીક્ષામાં નાપાસ થવું કે નાપાસ થવાની શક્યતા છે.
વિધ્યાર્થીઓની આત્મહત્યાના સવાલ સાથે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા સમાજના વંચિત વર્ગના વિધ્યાર્થીઓની આત્મહત્યાઓને પણ તપાસવા જેવી છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ આઈઆઈટી, આઈઆઈએમ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૨૦૧૪ થી ૨૦૨૧ના આઠ વરસોમાં ૧૨૨ વિધ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. તેમાં વંચિત કે અનામત વર્ગના ૭૧ અને કથિત ઉચ્ચ જ્ઞાતિ કે સામાન્ય વર્ગના ૫૧ વિધ્યાર્થીઓ હતા. સામાન્ય રીતે પ્રિન્ટ અને ઈલેક્ટોનિક મીડિયાના સમાચારોમાં હત્યા અને આત્મહત્યાના સમાચારોની ભરમાર હોય છે.પરંતુ દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી વિધ્યાર્થીઓની આત્મહત્યાની ભાગ્યે જ નોંધ લેવાતી હોય છે. ૨૦૧૬ની હૈદરાબાદ યુનિવર્સિટીના પીએચ ડીના દલિત વિધ્યાર્થી રોહિત વેમુલા, ૨૦૧૯માં મુંબઈની નાયર હોસ્પિટલના પી.જી. મેડિકલના આદિવાસી છાત્રા પાયલ તડવી અને તાજેતરમાં અમદાવાદના આઈઆઈટી મુંબઈના ફસ્ટ યર બી.ટેકના દલિત સ્ટુડન્ટ દર્શન સોલંકીની આત્મહત્યાની ઘટનાઓ તેમાં અપવાદ છે . આ ઘટનાઓએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવને ઉજાગર કરી વ્યાપક ઉહાપોહ જગવ્યો છે.
ભારતીયોના મન-મસ્તિષ્કમાં જ્ઞાતિના મૂળ બહુ ઊંડા છે. સાવ અજાણી વ્યક્તિની આકસ્મિક ટૂંકી મુલાકાત કે પ્રવાસમાં પણ જ્ઞાતિ જાણવાની તેને ઉત્સુકતા રહે છે. અગાઉ, તમે કેવા? કે તમારું દૂધ કયું ? એવું સીધેસીધું પૂછી લેવાતું, પછીના વખતમાં વ્યક્તિની અટક પૂછાતી થઈ હતી. હવે સમાજની પ્રગતિ સાથે જ્ઞાતિ જાણવાની રીત પણ બદલાઈ છે. નમૂના દાખલ, દલિત પરિવારની પહેલી પેઢીના, અઢાર જ વરસના, ઉચ્ચ શિક્ષણ લગી પહોંચેલા, દર્શન સોલંકીને આઈઆઈટી મુંબઈના તેના બિનઅનામત વર્ગના રૂમ મેટે(શું કહીશું સહઆવાસી?) જેઈઈનો રેન્ક પૂછીને તેની જ્ઞાતિ જાણવા ચાહી. દર્શનના નીચા જેઈઈ રેન્ક પરથી તેને તે કથિત નીચલા વર્ણનો અને અનામત વર્ગનો હોવાની ખાતરી થતાં જ તેનું દર્શન પ્રત્યેનું વલણ બદલાયું. જે દર્શનને આત્મહત્યા સુધી લઈ ગયું.
ડો.બાબાસાહેબ આંબેડકરના ત્રિમંત્ર શિક્ષણ, સંઘર્ષ અને સંગઠનમાં શિક્ષણ પ્રથમ સ્થાને છે. બંધારણે તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. પરંતુ ભારતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અસમાનતા, જ્ઞાતિભેદ અને અસહિષ્ણુતા પ્રવર્તતે છે. આ શિક્ષણ સંસ્થાઓનો માહોલ દલિતા વિધ્યાર્થીઓ માટે અસમરસ એટલો જ અસંવેદનશીલ છે. અનામત કે ગુણવત્તાના ધોરણે પ્રવેશ મેળવતા દલિત-આદિવાસી વિધ્યાર્થીઓ અને અન્યો વચ્ચેની ભિન્ન સામાજિક પ્રુષ્ઠભૂમિ, રહેણીકરણી, ભાષા, ઉચ્ચારણ, પહેરવેશ અને ગ્રામીણ-શહેરી રીતભાતના તફાવતો તથા તેને બળ આપતું શિક્ષણ સંસ્થાનું વાતાવરણ, ભેદભાવની દીવાલને મજબૂત કરે છે.
અમેરિકાની ઈકવાલિટી લેબના સર્વેનું તારણ હતું કે ભારતના દર ત્રણમાંથી એક દલિત વિધ્યાર્થીને ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી , બોમ્બેના એસ.સી. એસટી સ્ટુડન્ટ સેલના ફેબ્રુઆરી ૨૦૨૨ના સર્વેમાં જાણવા મળ્યું હતું કે ૬૩.૨ ટકા દલિત-આદિવાસી વિધ્યાર્થીઓ તેમની જ્ઞાતિ અંગે સહજભાવે વાત કરી શકતા નથી. ૩૭ ટકાને તેમના સહાધ્યાયી કે સહઆવાસીએ પ્રવેશ પરીક્ષાના રેન્ક થકી જ્ઞાતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ૩૩.૮ ટકાનો મત હતો કે તેમણે ખૂલીને જ્ઞાતિ અંગેની જાણકારી નજીકના મિત્રોને જ આપી હતી. ૭.૨ ટકા જાહેરમાં જ્ઞાતિની વાત કરતાં ડરતા હતા. ૨૧.૬ ટકાનું કહેવું હતું કે ભેદભાવની ફરિયાદ કરવાથી વિધ્યાર્થીઓ અને અધ્યાપકોની વિપરીત પ્રતિક્રિયાની ભીતિ હતી. આ સર્વે આઈઆઈટી, બોમ્બે દલિત આદિવાસી વિધ્યાર્થીઓ માટે અસલામત અને અસંવેદનશીલ હોવાનું ગંભીરતાથી જણાવે છે.
મિત્રતા કે બંધુત્વની ભાવનાના અભાવને કારણે વંચિત સમાજના વિધ્યાર્થીઓની ન માત્ર ઉપેક્ષા પણ હેરાનગતિના અનેક દાખલા બન્યા છે. અંગ્રેજી કડકડાટ ના બોલી શકતા હોવાથી દલિત-આદિવાસી વિધ્યાર્થીઓની ઠેકડી ઉડાડવામાં આવે છે. અધ્યાપકો તેમને વારંવાર નાપાસ કરે છે. તેમના સંશોધન કે શોધનિબંધોને હળવાશથી લે છે. તેને તપાસવામાં અસહ્ય વિલંબ કરે છે. માનસિક તાણમાં રહેતા વિધ્યાર્થી પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવાતી નથી. રાજધાની દિલ્હીની એઈમ્સમાં પણ દલિત વિધ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાનું અને તે માટે મેનેજમેન્ટ જવાબદાર હોવાનું યુજીસીના તત્કાલીન અધ્યક્ષ ડો.સુખદેવ થોરાટના વડપણ હેઠળની સમિતિનું તારણ હતું. બીજેપી સાંસદ ડો. કિરીટ સોલંકી જેના અધ્યક્ષ છે તે અનુ.જાતિ,જનજાતિ ક્લ્યાણ અંગેની સંસદીય સમિતિએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ હોવાનું જણાવ્યું છે. જોકે દર્શન સોલંકીની આત્મહત્યા પછી તુરત જ આઈઆઈટી, બોમ્બેએ સામાજિક ભેદભાવનો સાફ ઈન્કાર કર્યો હતો.
આખરે આ સમસ્યાનો ઉકેલ શું ? સામાજિક ભેદભાવની જડ જ્ઞાતિ છે .એટલે જ્ઞાતિ નિર્મૂલન જ ઉકેલ છે.પણ તે દિશાના પ્રયાસો બહુ પાંખા છે. આઈઆઈટી, ખડગપુરને રોજ સાંજે એક કલાક વીજળી બંધ રાખીને વિધ્યાર્થીઓ મોબાઈલ કે ઈન્ટરનેટના ઉપયોગને બદલે પરસ્પર મિત્રતા કેળવતા થાય તેવો ઉપાય સૂઝ્યો છે. કેરળના કોટ્ટાયમની દલિત વિધ્યાર્થિની દીપા મોહનન મહાત્મા ગાંધી યુનિવર્સિટીમાં નેનોમેડિસિનમાં રિસર્ચ સ્ટુડન્ટ હતાં. તેમની સાથે તેમના ગાઈડ, અન્ય સ્ટાફ ભારે સામાજિક ભેદભાવ આચરતા હતા.. તેથી તંગ આવી આત્મહત્યા કરવા કે અભ્યાસ છોડી દેવાને બદલે ૨૦૨૧માં તેમણે ગાંધીના માર્ગે લડત આદરી. દીપાના આમરણ અનશનના અગિયારમા દિવસે યુનિવર્સિટીને જવાબદાર અધ્યાપકની હકાલપટી કરવી પડી હતી. આ દિવસોમાં મહાત્મા ગાંધી હિંદી મહાવિધ્યાલય, વર્ધાનો દલિત વિધ્યાર્થી રજનીશ કુમાર અંબેડકર પણ તેના પીએચ ડી થીસિસના મૂલ્યાંકનની માંગ સાથે ધરણારત છે,.
દલિત વિધ્યાર્થીઓ માટે ભારતના વિધ્યાધામો ભેદભાવ, પક્ષપાત અને યાતનાગૃહો અને તેની સામેના તેમના સંઘર્ષના ધામો બની રહ્યા છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીની નોન ડીસ્ક્રિમિનેશન પોલિસીમાં તેર પ્રકારના ભેદભાવ સામેલ છે. દર્શન સોલંકીની આત્મહત્યા અને તેના પ્રતિરોધના દિવસોમાં હાર્વર્ડે ચૌદમા ભેદભાવ રૂપે કાસ્ટ કે જ્ઞાતિને સામેલ કરી છે. પણ હાર્ડ વર્કનું ભારત હાર્વર્ડને શાનું અનુસરે ?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૫૦
ચિરાગ પટેલ
उ. २०.२.५ (१७८४) ऐभिर्ददे वृष्णया पौंस्यानि येभिरौक्षद् वृत्रहत्याय वज्री । ये कर्मणः क्रियमाणस्य मह्न ऋते कर्ममुदजायन्त देवाः ॥ (बृहदुक्थ वामदेव्य)
વજ્રધારી ઇન્દ્ર મરુદ્ સાથે મળી મહાન પૌરૂષયુક્ત કર્મ કરે છે. વૃત્રાદિ શત્રુઓને મારવા જળવૃષ્ટિ કરે છે. મરુદ્ ઇન્દ્રના સહાયક પુરવાર થાય છે.
મરુદ્ એટલે મેઘ, વાદળ. વાદળોની સહાયથી સૂર્ય પ્રકાશ ધરતી પર વર્ષા લાવવા નિમિત્ત બને છે. વળી, એમાં વિદ્યુતરૂપી વજ્રનું પણ મહત્વ છે. પહાડોની મોટી શીલાઓ વર્ષાધારાને અટકાવી નથી શકતી.
આદ્યાત્મિક રીતે જોઈએ તો ઇન્દ્ર એટલે મન, એમાં ઉદ્ભવતા વિચારો રૂપી મરુદો સહાયક બની, ચેતના તરંગો એટલે કે વજ્રથી શરીરની દુર્વૃત્તિઓરૂપી વૃત્રને સદ્ગુણોની વૃષ્ટિથી મારી હટાવે છે.
उ. २०.३.२ (१७९१) द्विता यो वृत्रहन्तमो विद इन्द्रः शतक्रतुः । उप नो हरिभिः सुतम् ॥ (सुकक्ष आङ्गिरस)
શત્રુનાશક અને સો કર્મ કરનાર ઇન્દ્ર બે રૂપોવાળા છે. તે અમારા દ્વારા શુદ્ધ કરાયેલ સોમનું પાન કરી ઘોડાઓ દ્વારા અહી આવે છે.
ઇન્દ્રનો અર્થ મેઘ કરીએ તો એનાથી વિશ્વના અનેક પ્રાકૃતિક ચક્રોનું સંચાલન થાય છે. એમાં સૂર્ય પ્રકાશ સહાયક બને છે, જેના કિરણો પૃથ્વી પર વિવિધ પૌષ્ટિક તત્વોનું વહન કરે છે.
અણુશક્તિરૂપી ઇન્દ્ર વિનાશ કરે છે એમ અનેક સકારાત્મક કાર્યો પણ કરે છે. એમાં સૂર્યની શક્તિ કે ફોટોન પ્રક્રિયાનું સંચાલન કરવા નિમિત્ત બને છે.
ઇન્દ્રરૂપી મનના કર્મોની બે મુખ્ય ધારાઓ છે, ૧) બુધ્ધિથી થતી પ્રવૃત્તિઓ ૨) અર્ધજાગ્રત મન દ્વારા થતી અનેક દેહધાર્મિક ક્રિયાઓ. આ મન સૂર્યકિરણોમાં રહેલ ફોટોનનો ઉપયોગ કરી ચેતાતંત્ર દ્વારા કાર્ય કરે છે.
उ. २०.४.११ (१८११) ते सुतासो विपश्चितः शुक्रा वायुमसृक्षत ॥ (जमदग्नि भार्गव)
એ મેધાવર્ધક સોમ શુદ્ધ થઈને વાયુ માટે પ્રગટ થાય છે.
સૂર્ય પ્રકાશમાં રહેલ ફોટોન પ્રવાહ વાતાવરણમાં ગળાઈને શુદ્ધ થાય છે, તેમાં રહેલાં ઘાતક કિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચતા નથી. જો વાતાવરણ ના હોત તો પ્રકાશનું વિખેરણ થઈ પ્રકાશિત આકાશ દેખાતું ના હોત! વળી, ઋષિ આ ફોટોન પ્રવાહને મેધા એટલે કે બુદ્ધિ વર્ધક કહે છે, જે મનરૂપી ઇન્દ્રને પુષ્ટ કરે છે.
उ. २०.६.३ (१८२४) तमोषधीर्दधिरे गर्भमृत्वियं तमापो अग्निं जनयन्त मातरः । तमित्समानं वनिनश्च वीरुधोऽन्तर्वतीश्च सुवते च विश्वहा ॥ (अरुण वैतहव्य)
ઋતુ અનુસાર ઉત્પન્ન આ અગ્નિને વનસ્પતિ ગર્ભમાં ધારણ કરે છે. જલધારાઓ એને માતા સમાન ઉત્પન્ન કરે છે. વનસ્પતિઓ એને ગર્ભરૂપમાં ધારણ કરી પ્રગટ કરે છે.
આજનું વિજ્ઞાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જાણે છે. આ પ્રક્રિયાને વર્ણવતા હોય એમ વૈદિક ઋષિ જ્યારે એમ કહે કે, વનસ્પતિ ગર્ભમાં અગ્નિ ધારણ કરે છે, તો ચોક્કસ આશ્ચર્ય થાય એમ છે! પછી, ઋષિ કહે છે કે, અગ્નિને જળપ્રવાહ માતાની જેમ ઉત્પન્ન કરે છે. આ જો જળનો પ્રવાહ હોય તો વળી એક નવું આશ્ચર્ય છે. વેદકાળમાં આધુનિક જળવિદ્યુતના યંત્રો હોય એમ માનવું પડે. અથવા, આ જળ પ્રવાહ કે ધારા એ ફોટોનનો પ્રવાહ છે એમ માનવું પડે.
उ. २०.६.५ (१८२६) यो जागार तमृचः कामयन्ते यो जागार तमुंसामानि यन्ति । यो जागार तमयँ सोम आह तवाहमस्मि सख्ये न्योकाः ॥ (अवत्सार काश्यप)
જે જાગૃત છે, એનાથી ઋચાઓ અપેક્ષા રાખે છે. જાગૃતને જ સામગાનનો લાભ મળે છે. જાગૃતને જ સામ કહે છે કે “હું તારા મિત્રભાવમાં જ રહું છું.”
આ સામ દ્વારા ઋષિ સામગાનનો લાભ કે સામગાનની ચૈતસિક અસરોનો લાભ મેળવવા કેવી સાધનાનો અભ્યાસ કરવો જોઈએ એ અંગે જણાવે છે. જે વ્યક્તિ જાગૃત રહીને સામગાન કરે કે સાંભળે અર્થાત સામગાન સાથે ઓતપ્રોત રહીને કે ધ્યાન દ્વારા સામગાન કરે તે વ્યક્તિ આ અસરોનો લાભ મેળવી શકે છે. આડકતરી રીતે મંત્રજાપ કે મંત્ર દ્વારા ધ્યાનની પધ્ધતિનો અહી નિર્દેશ છે.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
હું પંચ મહાભૂત-પરમેશ્વર
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
આપણે સહુ-વિશ્વ અને ભારત દેશ આજે હવે પ્રકૃત્તિ અને પર્યાવરણની સલામતી અને સાચવણી માટે ચિંતા કરતા રહ્યા છીએ. શાળામાં પર્યાવરણ શિક્ષણ આપવું પડે છે. ‘જળ એ જ જીવન’ના સૂત્ર યાદ કરાવવાં પડે છે .પણ હજારો વર્ષ પહેલાં ઉપનિષદોના માધ્યમથી ઋષિઓએ આજ વાત આપણી સમક્ષ મુકેલી છે. ભૌતિકવાદ ,જીવનશૈલી અને ક્યાંક આવશ્યકતાના નામે આપણે એટલા તો નઠારા થઇ ગયા છીએ કે વગર વિચારે, દોડે જ જઈએ છીએ.અને પછી જાતે જ ઉભી કરેલી અને આવનારી સમસ્યાઓની ચિંતા કરીએ છીએ અને ઉકેલોની દિશામાં ફાંફાં મારીએ છીએ.,જેના ઉકેલ હજારો વર્ષ પહેલાંથી ઉપનિષદો અને અન્ય ભારતીય શાસ્ત્રોમાં મોજુદ છે
. આપણે પોતે પાંચ મહાભૂત પૃથ્વી,જળ,વાયુ,આકાશ અને ધરતી તત્ત્વના જ બનેલા છીએ અને વિલીન પણ એમાં જ થવાના છીએ..તો આ પ્રકૃત્તિ તત્ત્વો ને સાચવવાં અને શુદ્ધ રાખવાં એ આપણું-માનવજાતનું પ્રથમ કર્તવ્ય છે. એ જ રીતે આપણી આસપાસની તમામ જૈવિક સૃષ્ટિ પણ આપણી પૂરક છે.પક્ષી-પ્રાણી ,વનસ્પતિ પણ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલાં છે.એટલે સમગ્ર પર્યાવરણનું જતન એ પહેલી માનવીય ફરજ બને.અને એટલે જ આપણાં વેદ ઉપનિષદોએ તેને બ્રહ્મ સાથે જોડી દીધાં છે-પરમ તત્ત્વ સાથે જોડી દીધાં છે. પ્રકૃત્તિદેવીનું પૂજન કરવાનું ને ધરતીમાતાને ઉઠીને નત મસ્તક કરી પગે લાગવાનું સૂચવ્યું છે.
વેદ ઉપનિષદમાં સૂર્ય,વરુણ,વાયુ,અગ્નિને દેવ માન્યા છે. જીવ-પ્રાણ કોને વહાલો ન હોય ? પ્રશ્નોપનિષદ કહે છે, एषोऽग्निस्तपत्येष सूर्यएष पर्जन्यो मघवानेष वायुः एष पृथिवी रयिर्देवःसदसच्चामृतं च यत् ॥ ‘આ પ્રાણ અગ્નિ સ્વરૂપે તપે છે.એ જ સૂર્ય છે.એ જ મેઘ ,ઇન્દ્ર,વાયુ,પૃથ્વી પણ એ જ છે.’ માણસમાત્ર આસ્થા સાથે જોડાયેલો છે.એને પોતાના આસ્થાસ્થાનમાં શ્રદ્ધા છે.એટલે જ મુણ્ડકોપનિષદ પ્રકૃત્તિત્ત્તવોને પરમેશ્વર સાથે જોડે છે. अग्नीर्मूर्धा चक्षुषी चन्द्रसूर्यौदिशः श्रोत्रे वाग् विवृताश्च वेदाः ।वायुः प्राणो हृदयं विश्वमस्य पद्भ्यां पृथिवी ह्येष सर्वभूतान्तरात्मा| ‘આ પરમેશ્વરનું અગ્નિ મસ્તક છે,ચંદ્ર સૂર્ય બંને નેત્રો છે.સઘળી દિશાઓ બંને કાન છે .ને પ્રગટ વેદ વાણી છે.તથા વાયુ પ્રાણ છે.જગત હૃદય છે. બંને પગોમાંથી પૃથ્વી ઉત્પન્ન છે .એ જ પ્રાણીમાત્રના અંતરાત્મા છે.’ અને એ હકીકત છે કે જયારે આસ્થાસ્થાન જોડાય એટલે વ્યક્તિનો પૂજનીય ભાવ જોડાય અને તેના પ્રત્યે આદરભાવ જોડાય.
ઉપનિષદ એ પણ સમજાવે છે કે માણસના અસ્તિત્વ અને તેને ટકાવી રાખવા માટે પણ પ્રકૃત્તિ જ છે. तस्मादग्निः समिधो यस्य सूर्यःसोमात् पर्जन्य ओषधयः पृथिव्याम् । पुमान् रेतः सिञ्चति योषितायांबह्वीः प्रजाः पुरुषात् सम्प्रसूताः ॥ अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात्स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः ‘એનાથી અગ્નિ પ્રગટયા જેમની સમિધા સૂર્ય છે. એ અગ્નિથી સોમ થયા.સોમથી મેઘ ,મેઘથી વરસાદ દ્વારા પૃથ્વીમાં અનેક જાતની ઔષધિઓ થઇ.તેના પોષણથી અનેક પ્રકારના જીવો નિયમ મુજબ જન્મ્યા એનાથી સમસ્ત સમુદ્રો અને પર્વતો થાય છે.એમનાથી પ્રગટ થઈને અનેક રૂપોવાળી નદીઓ વહે છે.’.
આજે જયારે આપણે ઓઝોન પડ તૂટવાને કારણે થનારા પર્યાવરણ અસંતુલનની ચિંતા વેઠીએ છીએ ત્યારે મુણ્ડકોપનિષદ યાદ દેવરાવે છે કે ‘પરમેશ્વર દિવ્ય આકાશરૂપ બ્રહ્મલીકમાં સ્વરૂપથી સ્થિત છે..’ दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्न्यात्मा प्रतिष्ठितः ॥
આપણે પંચમહાભૂત છીએ એના પ્રમાણ માટે ઐતરેય ઉપનિષદ તેના મૂળની વાત આ મંત્રમાં કહે છે, अग्निर्वाग्भूत्वा मुखं प्राविशद्वायुः प्राणो भूत्वा नासिकेप्राविशदादित्यश्चक्षुर्भूत्वाऽक्षिणी प्राविशाद्दिशःश्रोत्रं भूत्वा कर्णौ प्राविशन्नोषधिवनस्पतयो लोमानि भूत्वात्वचंप्राविशंश्चन्द्रमा मनो भूत्वा हृदयं प्राविशन्मृत्युरपानोभूत्वा नाभिं प्राविशदापो रेतो भूत्वा शिश्नं प्राविशन् ॥ ‘જયારે બધા દેવતાઓ સંસાર સાગરમાં આવી ગયા ત્યારે તેમને ઈશ્વરને પૂછ્યું કે અમે ક્યાં વસીએ? અને પછી એ બધા મનુષ્યના શરીરમાં આ રીતે વસ્યા.અગ્નિ વાંક ઇન્દ્રિય બની. મુખમાં ,વાયુ પ્રાણ થઇ નાસિકમાં ,સૂર્ય નેત્રમાં દિશાઓ કાનમાં ઔષધિ અને વનસ્પતિના દેવતા રૂંવાડાં અને ત્વચામાં ,ચંદ્ર મનમાં વાયુ નાભિમાં, જળ વીર્યમાં પ્રવેશ્યા.’
પર્યાવરણ સાચવણી માટે જો માણસ જાગૃત રહે તો તે શું પામે છે,તે પ્રતિપાદન શ્વેતાશ્વતરોપનિષદ આપે છે . पृथिव्यप्तेजोऽनिलखे समुत्थिते पञ्चात्मके योगगुणे प्रवृत्ते ।न तस्य रोगो न जरा न मृत्युःप्राप्तस्य योगाग्निमयं शरीरम् ॥ “ પૃથ્વી ,જળ ,તેજ,વાયુ તથા આકાશ આ પાંચ મહાભુતોનું સમ્યક રીતે ઉત્થાન થતાં તેમની સાથે સંબંધ રાખનારાં અને પાંચ પ્રકારના યોગની સિદ્ધિ થતાં યોગ અગ્નિમય શરીરને પ્રાપ્ત કરનારા સાધકને નથી રહેતો રોગ, નથી આવતું વાર્ધક્ય કે નથી થતું તેનું મૃત્યુ.’ એનાથી વધારે શી ખાતરી જોઈએ ?
સૂર્ય છે તો જ આપણું અસ્તિત્વ છે એ વાત સર્વ સ્વીકૃત છે જ, પણ સૂર્ય એ અગનગોળો જ છે એમ નહિ પણ આપણા પ્રત્યક્ષ જોઈ શકાય તેવા દેવ જ છે. .કઠોપનિષદ કહે છે, यतश्चोदेति सूर्योऽस्तं यत्र च गच्छति ।तं देवाः सर्वेऽर्पितास्तदु नात्येति कश्चन । एतद्वै तत् ॥ ‘ જ્યાં સૂર્ય ઉગે છે અને અસ્ત પામે છે ,બધા દેવો એમાં સમર્પિત થાય છે.’ તો પ્રશ્નોપનિષદનો ઉદ્ઘોષ છે अथादित्य उदयन्यत्प्राचीं दिशं प्रविशति तेन प्राच्यान् प्राणान्रश्मिषु सन्निधत्ते । यद्दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं यदधोयदूर्ध्वं यदन्तरा दिशो यत् सर्वं प्रकाशयति तेन सर्वान् प्राणान्रश्मिषु सन्निधत्ते ॥ ‘રાત્રી પછી ઉદય પામતો સૂર્ય પ્રત્યેક દિશામાં જઈને સર્વને પ્રકાશિત કરે છે અને જગતના પ્રાણોને પોતાના કિરણોમાં ધારણ કરે છે.’
ચોવીસે કલાક આપણે જેના આધારે રહીએ છીએ અને જે આપણો જઠરાગ્નિ તૃપ્ત કરે છે એ ધરતી પ્રત્યે આપણી કૃતજ્ઞતા છે તે આપણે ક્યારેય વિચારીએ છીએ ખરા ? એ જ રીતે જળ ,અને પ્રાણીમાત્ર માટેની આપણી નૈતિક જવાબદારી પણ કેટલી ? ઉપનિષદ સ્પષ્ટ છે. गोकामा एव वयꣳ स्म इति । तꣳ ह तत एवप्रष्टुं दध्रे होताऽश्वलः | ગાય તણી કામના અમારે મન બ્રહ્મનિષ્ઠ. કેરળના ડો.પી.એસ શ્રીવિદ્યા ‘અનંતા ‘ નામના સંશોધનપત્રમાં તો કૌશિતકી ઉપનિષદનો સંદર્ભ ટાંકીને જણાવે છે કે અગ્નિહોત્ર દ્વારા ગાયના દૂધ પર યોગ્ય પ્રક્રિયા ( શુદ્ધિકરણ ) કર્યા બાદ જ તે વપરાતું. એટલું જ નહિ તે વખતે અગ્નિહોત્ર દ્વારા પંચગવ્યથી હવા-પર્યાવરણ શુદ્ધિ માટેના પ્રયોગો પણ થતા.
બિલ્વ ઉપનિષદ અનુસાર બિલ્વ ઝાડએ માત્ર ઝાડ નહિ પણ સાક્ષાત શિવ છે. मधु वाता ऋतायते मधुक्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः । બૃહદારણ્યક ઉપનિષદના આ મંત્ર માટે તત્ત્વચિંતક ડો.ગુણવંત શાહ તો કહે છે, ’આપણને ખરી જરૂર સ્વચ્છ પાણી,સ્વચ્છ વાતાવરણ અને પૂરતા આહારની છે ઉપનિષદનો આ મંત્ર મધુર પવન ( मधु वाता ऋतायते ),મધુર સરિતા જળ (मधुक्षरन्ति सिन्धवः । ) અને મધુર વનસ્પતિ ( माध्वीर्नः सन्त्वोषधीः ) નો સંદેશ એ દવામુક્ત ઇલાજના હિમાયતી ડો.હેગડેના વિચાર સાથે આબાદ વણાઈ જાય છે.’
છાંદોગ્ય ઉપનિષદમાં નારદે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન સ્વયં કહે છે કે ,’અન્નની અપેક્ષાએ જળ વધુ શ્રેષ્ઠ છે કારણકે જયારે વરસાદ ઓછો પડે ત્યારે પ્રાણ વ્યથિત થાય છે પણ પુષ્કળ વરસાદ થયેથી અન્ન વધુ પાકે પ્રાણ પ્રસન્ન થાય.आपो वावान्नाद्भूयस्तस्माद्यदा सुवृष्टिर्न भवतिव्याधीयन्ते प्राणा अन्नं कनीयो भविष्यतीत्यथयदा सुवृष्टिर्भवत्यानन्दिनः प्राणा भवन्त्यन्नं बहुभविष्यतीत्याप एवेमा मूर्ता એટલું જ નહિ પૃથ્વી,અંતરિક્ષ અને બધું જ મૂર્તિમાન જળ સ્વરૂપ જ છે એટલે જળની જ ઉપાસના કરો. एवेमा मूर्ता अप उपास्स्वेति ॥ તૈત્તરિય ઉપનિષદ અનુસાર પાણીમાં શૌચ ન કરવું ,કોગળા ન કરવા વગર કપડે સ્નાન ન કરવું તેવો આદેશ છે.
સૂર્યની જેમ અગ્નિ પણ સાક્ષાત દેવ છે. ઋષિઓએ આપેલાં વ્રત,તહેવારોનું વિજ્ઞાનદર્શન આપણને શોધવાની ઓછી ટેવ છે.પરંપરાગત ઉજવાતી શીતળા સાતમ અને અગ્નિ પૂજા તેનાં પ્રતીક છે. त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धिं त्रिकर्मकृत्तरति जन्ममृत्यू ।ब्रह्मजज्ञं देवमीड्यं विदित्वा निचाय्येमाँ शान्तिमत्यन्तमेति ॥ શાસ્ત્રોક્ત રીતે અગ્નિનું ત્રણવાર અનુષ્ઠાન કરનાર મનુષ્ય જન્મ મૃત્યુને ઓળંગી જાય છે. એમ કઠોપનિષદ વિશ્વાસ અપાવે છે
પ્રકૃત્તિ અને પર્યાવરણ માટેની ઉત્તમ મંગળ મનોકામના પણ કેવી અદભુત છે.મૂળ ઋગ્વેદ મંત્ર અને પ્રશ્નોપનિષદ, મુણ્ડકોપનિષદ જેવાં ઉપનિષદનો શાંતિમંત્ર भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।
स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥ જેવી ભાવના લઈને આવે છે. ‘ અમે અમારા કાનો વડે કલ્યાણ વચન સાંભળીએ આંખો વડે કલ્યાણ દૃશ્યો જોઈએ નિરોગી ઇન્દ્રિયો અને સ્વસ્થ દેહના માધ્યમથી આપની સ્તુતિ કરીએ.અને આપે અમારા માટે નિર્ધારિત કરેલ દીર્ઘાયુ પ્રાપ્ત કરીએ.’ પ્રત્યેક ઉપનિષદના શાંતિપાઠમાં અચૂક આવતો મંત્ર ॐ शान्ति: शान्ति: शान्ति: ॥ માં પણ ‘શાંતિ’ શબ્દનો પ્રયોગ ચોક્કસ હેતુસર જ ત્રણ વખત કરવામાં આવ્યો છે કારણકે આપણી બધા જ પ્રકારની એટલે કે આધિભૌતિક ,આધિદૈવિક અને આધ્યાત્મિક શાંતિ માટેની પ્રાર્થના છે
ગર્વ અને ગૌરવ સાથે કહી શકીએ કે સમગ્ર વિશ્વમાં પ્રકૃત્તિ અને પર્યાવરણ માટેની આટલી ઉચ્ચતમ ભાવના ક્યાંય જોવા નહીં જ મળે.એટલે તો પ્રકૃત્તિને પરમ ગુરુ -પરબ્રહ્મ માનીને તેનું રક્ષણ, તેનો આદર કરીએ.એ જ આપણું સાચું કર્તવ્ય અને એ જ આપણી સાચી પૂજા.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
સાંજ
અનિલ જોશી
ધણ છૂટયાની ઘંટડીઓનાં ઝાંઝર પ્હેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હીંચકા ખાયને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું કણકણ થઈને ગોરજમાં વીખરાય.ધણ છૂટયાની ઘંટડીઓનાં ઝાંઝર પ્હેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હીંચકા ખાય.સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડયું ને ત્યાં એક પાંદડું તૂટયું,વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઈને લાલ પાંદડું ફૂટયું.ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ પાદરમાં ઘૂમરાય.ધણ છૂટયાની ઘંટડીઓનાં ઝાંઝર પ્હેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હીંચકા ખાય.ખડના પૂળા લઈ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી,ઘઉંનાં ખેતર વચ્ચે થઈને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી.ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઈને સાંજ ઓસરી જાય,ધણ છૂટયાની ઘંટડીઓનાં ઝાંઝર પ્હેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હીંચકા ખાય. -
ઊર્મિલ સંચારઃ પ્રકરણ – ૮. ખુશ
શોમ અને અંજલિ અન્યોન્ય માટેના પ્રેમનો એકરાર કરી ચુક્યાં છે…..માહીના ચેકઅપનો સમય નજીક આવી રહ્યો હતો. …. શોમ અને અંજલિના ભવિષ્યની વાતો થવા લાગી છેહવે આગળ…..સરયૂ પરીખ
શોમ તેના બેન-બનેવીના સૂચન પર વિચાર કરતો ઘરની અંદર ગયો હતો એ વાત ભૂલીને બગીચામાં બધા આઈસ્ક્રીમ ખાવામાં મશગૂલ થઈ ગયાં. થોડીવારમાં શોમ ઉત્સાહભર્યા પગલે બહાર આવીને કહે, “બધું ગોઠવાઈ ગયું.”
નીના કહે, “શું ગોઠવાઈ ગયું? જલ્દી કહે.”
“અરે, પહેલા આઈસ્ક્રીમ, પછી બીજી વાત.” બહેનને ચીડવવા શોમ જાણે ખાવામાં વ્યસ્ત થઈ ગયો.
રાહ જોવા સિવાય છૂટકો નહોતો. શોમ છેલ્લા ટીપા સુધી વાડકી સાફ કરી, હસતા ચહેરે બોલ્યો, “મેં બે ફોન કર્યા. એક તો ગોઆમાં વૈદ ભાણજી સાથે ગુપ્ત રીતે વાત કરી લીધી અને પછી મુંબઈ વાત કરી. આ રવિવારે મુંબઈથી મોટાકાકા અને પરિવાર, દાદીએ મારે ખાતે આપેલી એક અમૂલ્ય વીંટી લઈને, ગોઆ જશે.”
“હાં મને યાદ છે, મોટાકાકાએ કહ્યું હતું કે, માયાના કપટ પછી, શોમને યોગ્ય સાથી મળે તેવા આશિર્વાદ રૂપે, દાદીએ એક વીંટી આપી રાખી હતી. વાહ! આ તો અત્યંત રોમાંચક ગોઠવણ કરી.” નીના બોલી.
ગોઆમાં એ રવિવારે, અંજલિના મમ્મીએ તેને એક સરસ સાડી આપીને કહ્યું, “બેટા આજે તું પ્રાર્થનામાં આ સાડી પહેરજે. મને ગમશે. પહેરીશ ને?” અંજલિને મમ્મીની વાત વિચિત્ર લાગી, પણ એટલા ગહેરા ભાવથી માંએ કહ્યું હતું તેથી ના ન પાડી શકી. પ્રાર્થના હોલમાં કંઈક દર વખત કરતા વધારે ચહલ-પહલ લાગતી હતી. આશ્ચર્ય સાથે અંજલિએ શોમના મોટાકાકાને બાબા સાથે વાત કરતા જોયા અને તે જોષી પરિવારને મળવા ત્વરાથી પહોંચી ગઈ.
“ઓહો, તમે આવ્યા છો! નમસ્તે. આશ્રમની મુલાકાત માટે આ બહુ સરસ સમય છે. તમે અહીં આવવાનું કહેતા હતા, તેનો જલ્દી અમલ કર્યો તેથી મને આનંદ થયો.” અંજલિ ખુશ થઈને બોલી.
વૈદ્યજીએ કહ્યું, “અંજલિ, તું ફોન પાસે બેસ. જેથી કોઈ ફોન આવતા પ્રાર્થનામાં ખલેલ ન પહોંચે.” બધા યથાસ્થાને ગોઠવાયાં ત્યાં ઘંટડી વાગી. “હલો અંજલિ, હું શોમ બોલું છું. મારે વાત…” શોમનો અવાજ સંભળાતા અંજલિ એકદમ બોલી,
“અરે, અત્યારે પ્રાર્થનાનો સમય છે, મૂકું છું, પછી વાત કરશું.” પણ આ શું! બધા થંભી ગયા છે, અને બાબા વાત ચાલુ રાખવાનો ઇશારો કરે છે!
“અંજલિ! મારે એક સવાલ પૂછવાનો છે!” શોમ જલ્દીથી બોલ્યો.
“અત્યારે?”
“હાં, મારી સાથે લગ્ન કરીશ?” શોમના સવાલથી અંજલિનો ચહેરો વ્યાકુળતાથી લાલ થઈ ગયો.
શોમ આગળ બોલ્યો, “જો સાંભળ, મોટાકાકા એ પ્રસંગ માટે ગોઆ આવ્યા છે. તું શું કહે છે?”
“હાં” અને તાળીઓના અવાજના જવાબમાં…હ્યુસ્ટનથી પણ તાળીઓનો અવાજ સંભળાયો. જોષી કુટુંબ સાથે સ્ટિવ, સારા, આરી વગેરે હાજર હતા. “આવકાર, મારી પ્યારી ભાભી! આ અયનની ‘આંટીમામી’ની બૂમો સંભળાય છે ને? મામી કહેતા શીખવાડ્યું તેનું પરિણામ…”
પ્રાર્થના હોલના ગણગણાટ વચ્ચે વૈદ્યજીનો અહેવાલ શરૂ થયો…શોમના મોટાકાકા અને કાકી અંજલિ પાસે આવ્યાં અને કાકીએ અંજલિને વીંટી પહેરાવી. “અંજલિ, જોષી પરિવારમાં તારું હાર્દિક સ્વાગત છે.” મોટાકાકાનો પ્રેમાળ અવાજ સાંભળી ફોનનાં આ છેડે સ્વજનોની આંખો ભીની થઈ ગઈ. ‘પ્રણામ’ સાથે દૂરનો અવાજ બંધ થયો અને ત્યારબાદ પ્રાર્થના શરૂ થઈ. હવે અંજલિનું પતંગિયાની પાંખે ઊડતું ઊર્મિલ મન, પ્રાર્થનામાં કેમ લાગે?
સોમવારે, હ્યુસ્ટનમાં ડોક્ટરની ઓફિસમાં, નીના તેની મમ્મી સાથે ચિંતા કરતી બેઠી હતી. પરિણામ જોયા પછી નક્કી કરવાનું હતું કે ટ્યુમરનું ઓપરેશન કરાવવું કે હજુ આયુર્વેદિક સારવાર ચાલુ રાખવી! નીના પોતાની માંના કરમાયેલા ચહેરા સામે સ્નેહાળ નજરે જોઈ રહી…
માહીના ડોક્ટરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. “ટ્યુમરના માપમાં ફેર નથી પડ્યો. હું સર્જરી કરાવવાનું સૂચન કરું છું.” શોમની સાથે થોડી વાત કરી માહીએ સંમતિ આપી. ત્રણ સપ્તાહ પછીની તારીખ નક્કી થઈ. માહી આયુર્વેદિક દવા ચાલુ રાખે તેની પરવાનગી ડોક્ટરે આપી. હવે નીનાને કેલિફોર્નિયા પાછાં ફરવાનું બહુ આકરું લાગ્યું. શોમ અને રમેશે ઘણી બાંહેધરી આપી કે તેઓ માહીની સંભાળ રાખશે પણ નીનાનું મન કેમે કરીને માનતું ન હતું. “હું સર્જરીને સમયે હ્યુસ્ટન આવીશ.” એ નિર્ણય લીધા પછી નીના જરા શાંત થઈ.
તે રાત્રે અંજલિ સાથે વાત કરતા શોમ નિરાશાથી અકળાઈ ગયો. “મમ્મી દવા અને ખાવામાં બરાબર ચરી પાળે છે. મને અપેક્ષા હતી કે ટ્યુમર સંકોચાયું હશે. આપણી શોધ મારી મમ્મીને સારી ન કરી શકે એ સ્વીકારવું બહુ કષ્ટદાયક છે.”
“હજી સારવાર શરૂ થયાને બહુ દિવસો નથી થયા…થોડી ધીરજ, થોડી માનસિક ઉર્જાની મદદ મળે તો તેમની તબિયતમાં સુધારો થવાની શક્યતા મને લાગે છે.” અંજલિ વિશ્વાસપૂર્વક બોલી. “આંટીને મેં કાગળ લખ્યો છે. દરદીની આંતરિક શક્તિ વધે તો ઔષધીની અસર સારી થાય એવું બાબા હંમેશા કહે છે. આંટી પવિત્ર આત્મા છે અને તેમનું આત્મબળ ઘણું છે. તેમનું ધ્યાન એ તરફ કેન્દ્રિત થાય તેવું કરતા રહેવું, તેવું મારું સૂચન છે.”
સર્જરી કરવાનો દિવસ નજીક આવી રહ્યો હતો. શોમ અંજલિ સાથે વાતો કરતા બોલ્યો, “મારી મોમ કહે છે કે આપણે લગ્નની તારીખ નક્કી કરીએ. તેના મગજને આનંદમય યોજનાઓમાં રોકવું છે અને આના કરતાં વધારે રસમય વિષય બીજો નથી.”
“અરે વાહ! મારી મમ્મી પણ એમ જ કહેતી હતી. મારો આગ્રહ એ છે કે આપણે ગોઆમાં બાબા, મોટાકાકા…અને, જેની આપણા આનંદની જેમ અવધિ નથી તેવાં, આ સાગર કિનારે લગ્ન કરીએ. એ વિચાર કેવો લાગે છે? ક્યારે કરવા એ તમારે નક્કી કરવાનું.” અંજલિ સ્વપ્નોમાં ખોવાઈ ગઈ.
“મને એ વાત ગમી. કદાચ નવેમ્બર, Thanksgivingની રજાઓમાં…હું ચોક્કસ કરીને જણાવીશ.” બન્ને પરિવારમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું.
માહીનો ઉમંગ કોઈથી છાનો નહોતો રહેતો. પ્રફુલ્લિત મનથી દરેક કામ કરવા લાગી. એણે હોસ્પિટલ જવાની તૈયારી પણ તટસ્થ શ્રધ્ધા ભાવ સાથે કરી લીધી. નીનાને ઘણી ઈચ્છા હોવા છતાં પણ કેલિફોર્નિઆથી આવી ન શકી. આગલી સાંજે રમેશ અને શોમ, માહીને તેના હોસ્પિટલના કમરામાં મૂકીને ગયા. તરત લેબ-ટેસ્ટ થયો અને પરિણામ બે કલાકમાં મળશે તેમ કહ્યું. બીજે દિવસે અગ્યાર વાગે સર્જરી કરવાની હતી. ટ્યુમરની શસ્ત્રક્રિયા, અને તેમાં કોઈ વિટંબણા ઊભી થશે તો?…માહીને થાય કે તેના વાળ કાપશે! તો કેટલા કાપશે? એવા ડરાવના વિચારો ચાલુ હતા.
રાતના નવ વાગે માહીના ડોક્ટર આવ્યા. “હું ઘેર જતાં પહેલાં તમને મળવા આવ્યો, કારણ કે હમણાં જ મારા હાથમાં ટ્યુમર-ટેસ્ટના પરિણામ આવ્યાં. સુખદ આશ્ચર્ય એ છે કે ટ્યુમર સંકોચાયું છે. માપ નાનું થયું છે. શુભરાત્રી, સવારે મળીએ.” માહી અવાક બનીને સાંભળી રહી.
માહી વિચારવા લાગી, “ચાલ તરત શોમ અને રમેશને ફોન કરું.” પણ સ્થિર ભાવે વિચારતી રહી. “આ સમાચારથી મારી હિંમત વધી છે. આયુર્વેદિક દવાની અસર થઈ હશે! હવે સર્જરી કરાવું કે નહીં?” માહી માથા પર હિઝાબ બાંધી જમીન પર બંદગી કરવા બેસી ગઈ. “અલ્લા મને રાહ બતાવશે. મારો અંતરઆત્મા મને સાચા રસ્તા તરફ જવાની જ્યોત બતાવશે. જય શ્રીકૃષ્ણ.” પ્રણામ કરીને માહી શાંતચિત્તે, ગહેરી નીંદરમાં પોઢી ગઈ.
“મમ્મી, ઊઠો. હવે બહુ વાર નથી. તમને સર્જરી માટે તૈયાર કરશે…” શોમ બોલતો રહ્યો…ને જાગીને માહી હસીને બાથરૂમ તરફ જતી રહી.
રમેશ કહે, “અરે, તારી મમ્મીને તો કોઈ ચિંતા નથી લાગતી.”
માહી બહાર આવી કહે, “સર્જરી નથી કરવાની.”
બન્નેનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું, “શું વાત કરે છે?”
“હાં. ગઈકાલે રાતના ટેસ્ટનું પરિણામ બહુ સરસ આવ્યું છે. આજે વહેલી સવારે સર્જન આવ્યા ત્યારે મેં વિનંતી કરી કે હજુ થોડો વધારે સમય મને આપે. મારે સર્જરી હમણાં નથી કરાવવી.” માહી બોલી.
શોમે દોડીને મમ્મીને ઊંચકી લીધી અને એક ચક્કર ફેરવી. “ઓ મમ્મી, તમે અદ્ભુત છો, ઉત્તમ, અતિ ઉત્તમ.” રમેશ ખુલ્લા દિલે હસી ઉઠ્યો. જાણે ઘેરાયેલા વાદળમાંથી નીલુ આભ દેખાયું. માહીને ઘેર લઈ જવાની વ્યવસ્થા કરતા માતા-પિતાને રૂમમાં છોડી શોમ બહાર આવ્યો અને નીનાને ફોન જોડ્યો.
“નીના! તું નહીં માને! આપણી નાજુક, ભોળી મમ્મીએ આવો મોટો નિર્ણય એકલા લઈ લીધો. સર્જરી માટે ના પાડી. હવે તેને શ્રદ્ધા છે કે આયુર્વેદિક સારવારથી તે સારી થઈ જશે.”
નીના ખુશ થઈને બોલી, “માન્યામાં ન આવે તેવો ચમત્કાર!”
અનંત
મન મંદિરે આતુર એકાંત, દઈ દસ્તક તું જાણ કરી દે.
રીસે અંતર રૂંધાયેલા શ્વાસ, એક પળમાં તું પ્રાણ ભરી દે…
અકળ પીડાને પંપાળી આજ, કૂણી કાળજીનો સ્પર્શ કરી દે.
દૂર દેતા અતિતને વિદાય, મારા અશ્રુમાં આશ ભરી દે…
આ બાવરીને આવરીને આજ, એક વચને તું સ્મિત સજી દે.
ને કસબીની કમનીય કળાથી, મારા જીવનમાં રંગ ભરી દે…
વિશ્વ મારું અવસાદે અશેષ, ઋજુ આલિંગન આવ ભરી દે.
હું ચાતક, મીટ માંડી આકાશ, એક બુંદમાં અનંત ભરી દે.
—— કમશઃ
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com -
ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૬) – તંતુવાદ્યો (૧) – વાયોલીન (૨)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
ગત કડીમાં વાયોલીનનો પ્રાથમિક પરિચય મેળવ્યા પછી તેનો સુપેરે ઉપયોગ થયો હોય તેવાં કેટલાંક ફિલ્મી ગીતો આપણે સાંભળ્યાં. આ કડીમાં કેટલાંક વધુ વાયોલીનપ્રધાન ગીતો.
મોટા ભાગે એવું થતું હોય છે કે ગીત સાંભળતી વખતે સાથ પૂરાવી રહેલાં વાદ્યોને અલગથી ઓળખી શકાતાં નથી. તે સમજવા માટે ઉષા ખન્નાના સંગીતનિર્દેશનમાં બનેલા ૧૯૬૧ની ફિલ્મ ‘લાલ બંગલા’ના એક ગીતને તેના મૂળ ધ્વનિમુદ્રણની જગ્યાએ તેની સ્ટેજ પરથી થયેલ રજૂઆત થકી માણીએ. આ ગીતને પુનીત શર્મા નામના આયોજક દ્વારા તૈયાર કરાયેલા કાર્યક્રમમાં ગોવીંદ મીશ્રા નામના ગાયક પ્રસ્તુત કરી રહ્યા છે. ગાયકીની ગુણવત્તાને અસલ સાથે સરખાવવાની ચેષ્ટા ન કરતાં ગીતની સાથે જે તે મુકામ પર વાયોલીન્સ વગાડી રહેલા સાજીંદાઓ ઉપર ધ્યાન આપવા અનુરોધ છે. આમ કરવાથી ક્લીપ માણ્યા પછી મૂળ ગીત સાંભળતી વેળા તેમાંના વાયોલીનના અંશો બરાબર પારખી શકાશે.
સને ૧૯૫૪ની ફિલ્મ ‘અમર’નાં નૌશાદનાં સ્વરબદ્ધ કરેલાં ગીતો ખુબ જ ગાજ્યાં હતાં. તે પૈકીના આ ગીતમાં અન્ય વાદ્યો સાથે વાયોલીનનો પણ કર્ણપ્રિય પ્રયોગ થયો છે.
ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’(૧૯૫૫)ના પ્રસ્તુત ગીતમાંનું વાયોલીનવાદન યાદગાર બની રહ્યું છે. સંગીત વસંત દેસાઈનું છે.
સન ૧૯૫૭માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘પ્યાસા’ માટે સંગીતકાર સચીનદેવ બર્મને એકથી એક ચડીયાતી તરજો બનાવી હતી. તે પૈકીના પ્રસ્તુત ગીતમાં સાથ પૂરાવતું વાયોલીનવાદન માણીએ.
https://www.youtube.com/watch?v=vBTcsTd2kF0
મદનમોહનના સ્વરનિયોજનમાં બનેલું ફિલ્મ ‘અદાલત’ (૧૯૫૮)નું પ્રસ્તુત ગીત તેમની લાક્ષણિક શૈલીને ઉજાગર કરે છે.સંગીતકાર ઈકબાલ કુરેશીનું નામ બહુ જાણીતું નથી. પણ તેમની બનાવેલી તરજો પરનાં ગીતો સાંભળીએ ત્યારે તેમની સર્જનાત્મક કાબેલિયતનો ખ્યાલ આવે. ૧૯૬૧માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘બીંદીયા’નું આ ગીત વાયોલીનના ખુબ જ કર્ણપ્રિય અંશો ધરાવે છે.
૧૯૬૧માં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘છાયા’નું સંગીત સલિલ ચૌધરીએ તૈયાર કર્યું હતું. તેમણે પાશ્ચાત્ય સંગીતની અસર હેઠળ બનાવેલું એક મશહૂર ગીત સાંભળતાં વ્હેંત તેમાં ગાયકીની સાથે સંગત કરી રહેલાં વાયોલીન્સનો ખ્યાલ આવે છે. આ ગીતનો પૂર્વાલાપ/Prelude બીથોવનની સીમ્ફની નં.૪૦ પરથી પ્રેરિત હતો.
ફિલ્મ ‘શોર’ (૧૯૭૨)નાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનાં સ્વરબદ્ધ કરેલાં ગીતો બહુ જ લોકપ્રિય થયાં હતાં. આ સંગીતકાર બેલડીએ તેમની અનેક તરજોમાં વાયોલીન્સનો કુશળતાથી ઉપયોગ કર્યો છે. તેમની બનાવેલી ધૂનનું આ ગીત એકલ વાયોલીનના ખુબ જ કર્ણપ્રિય અંશો ધરાવે છે.
‘રફતાર’(૧૯૭૫) ખાસ સફળ ન ગણાવી શકાય તેવી ફિલ્મ હતી. પણ સોનીક-ઓમીના નિર્દેશનમાં બનેલું એ જ ફિલ્મનું એક ગીત આજ સુધી લોકપ્રિય બની રહ્યું છે. તે એક વાયોલીનપ્રધાન ગીત છે.
ફિલ્મ ‘બાતોં બાતોં મેં (૧૯૭૯)માં રાજેશ રોશનનું સંગીત હતું. તેનું એક હલકું ફુલકું ગીત માણીએ, જેમાં વાયોલીનના અંશો સ્પષ્ટપણે તારવી શકાય છે.
હવે એક દક્ષીણ ભારતીય ફિલ્મ ‘દલપતિ’ના હિન્દી સંસ્કરણ (૧૯૯૪)નું સંગીતકાર ઈલૈયા રાજાની તૈયાર કરેલી તરજ પરનું ગીત સાંભળીએ. આ ગીતમાં વાયોલીન્સના સૂર હિન્દી ફિલ્મી ગીતોમાં સાંભળવા મળે તેના કરતાં સાવ અલગ છે. એ કદાચ પાશ્ચાત્ય અને કર્ણાટકી શૈલીનો સમન્વય છે.
આમ, આ બે કડીમાં અપાયેલાં કેટલાંક નમૂનારૂપ ગીતો સાંભળતાં ખ્યાલ આવશે કે હિન્દી ફિલ્મી ગીતો માટે વાયોલીન લગભગ અનિવાર્ય કહી શકાય તેવું વાદ્ય છે. સંગીતપ્રેમી મિત્રો આના પરથી અન્ય ગીતોમાં પણ વાયોલીનનો સૂર માણી શકશે.
આવતી કડીમાં હિન્દી ફિલ્મી ગીતોમાં વાયોલીન્સનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરનાર સંગીતકાર બેલડીનાં કેટલાંક ગીતો.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
‘કોઈ’ શબ્દવાળા ગીતો – (૩) – कोई गीत गाओ
નિરંજન મહેતા
આ લેખમાળાના અગાઉ બે ભાગમાં ૧૯૬૬ સુધીના ગીતો મુક્યા હતા. આ ભાગમાં ૧૯૭૨ સુધીના ગીતો આવરી લેવાયા છે
સૌ પ્રથમ ૧૯૬૭ની ફિલ્મ ‘મિલન’નુ ગીત છે જે એક ઓડીઓ છે.
आज दिल पे कोई जोर चलता नहीं
मुस्कुराने लगे थे मगर रो पड़ेનૂતન અને સુનીલ દત્ત ફિલ્મના કલાકારો છે પણ ઓદીઓને કારણે કોના પર રચાયું છે ટે જણાતું નથી. કદાચ આ પાર્શ્વગીત તરીકે હશે એમ લાગે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજીનો
૧૯૬૭ની બીજી ફિલ્મ છે ‘ઉપકાર’ જેનુ આ ગીત એક ફિલસુફીભર્યું ગીત છે.
कोई किसी का नहीं ये जूठे
नाते है नातो का क्या
कसमे वादे प्यार वफ़ा सब
बाते है बातो का क्याસંસારના સંબંધોનું કોઈ મહતવ નથી એવું આડકતરી રીતે આ ગીતમાં પ્રાણ કહી જાય છે. ઇન્દીવર રચિત આ ગીતના સંગીતકાર છે કલ્યાણજી આણંદજી જેને સ્વર મળ્યો છે મન્નાડેનો.
૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘તકદીર’નુ આ ગીત એક પાર્ટી ગીત છે.
जब जब बहार आइ और फुल मुस्कुराये
……….
अपना कोई तराना मैंने नहीं बनाया
तुमने मेरे लबो पे हर एक सुर सजायाફરીદા જલાલ અને અન્ય કલાકારો પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયક કલાકારો ઉષા મંગેશકર, ઉષા તિમોથી અને મહેન્દ્ર કપૂર.
૧૯૬૭ની વધુ એક ફિલ્મ ‘રાત ઔર દિન’નુ ગીત પણ પાર્ટી ગીત છે.
दिल की गिरह खोल दो चुप ना बैठो कोई गीत गाओ
मेहफिल में अब कोन है अजनबी तुम मेरे पास आओઆ ફિલ્મમાં નરગીસ બે વ્યક્તિત્વ ધરાવે છે. દિવસે એક અને રાતે જુદા સ્વરૂપમાં હોય છે. તેના આ બીજા સ્વરૂપને ઉજાગર કરે છે આ ગીત જેમાં સહ કલાકાર છે ફિરોઝખાન. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. મન્નાડે અને લતાજી આ ગીતના ગાયકો.
૧૯૬૮ની ફિલ્મ ‘પત્થર કે સનમ’નુ ગીત એક પ્રેમિકાની આતુરતાને ઉજાગર કરે છે.
कोई नहीं है फिर भी है मुज़ को
क्या जाने किस का इन्तजारપ્રકૃતિના સૌન્દર્ય વચ્ચે રહેલી કોઈનો ઈન્તેજાર કરતી વહીદા રહેમાન પોતાના મનના ભાવ આ ગીતમાં દર્શાવે છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. મધુર સ્વર છે લતાજીનો.
૧૯૬૮ની અન્ય ફિલ્મ ‘આદમી’નુ ગીત એક દર્દભર્યું ગીત છે
आज पुरानी राहो से कोई मुज़े आवाज़ न दे
दर्द में डूबे गीत न दे गम का सिसकता साज़ न देસંજોગોને કારણે હતાશ દિલીપકુમાર પોતાના દર્દભર્યા ભાવો આ ગીતમાં રજુ કરે છે. ગીતકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર છે નૌશાદ. ગાયક કલાકાર રફીસાહેબ.
૧૯૭૦ની ફિલ્મ ‘દસ્તક’નુ આ ગીત એક તડપ અનુભવતી પ્રેમિકાનું છે.
माई री मै कासे कहू पीर अपने जिया की
…..
तन मन भिगो दे आके ऐसी घटा कोई
…..
कोई जो देखे मैया प्रीत का वासे कहू माजराઆમ તો આ ગીત પાર્શ્વગીત રૂપે છે પણ તે રેહાના સુલતાન પર ફિલ્માવાયું છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે મદનમોહને. દર્દભર્યો અવાજ છે લતાજીનો
આ ગીત મદનમોહનના સ્વરમાં પણ છે જે એક સાંભળવા લાયક ઓડીઓ છે.
૧૯૭૧ની ફિલ્મ ‘મેરે અપને’નુ આ ગીત એક દર્દભર્યા ભાવો દર્શાવે છે.
कोई होता जिस को अपना हम अपना ख लेते यारो
पास नहीं तो दूर ही होता लेकिन कोई मेरा अपनाપોતાના જીવનમાં કોઈ ન હોવાનું દુઃખ વિનોદ ખન્ના આ ગીતમાં વર્ણવે છે. ગુલઝારના શબ્દોને સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કર્યું છે જેમાં કિશોરકુમારે પોતાનો દર્દભર્યો અવાજ પ્રસ્તુત કર્યો છે.
૧૯૭૧ની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’નુ આ ગીત પણ એક ફિલસુફીભર્યું ગીત છે.
कोई जब तुम्हारा ह्रदय तोड़ दे
तड़पता हुआ जब कोई छोड़ देમનોજકુમાર સાયરાબાનુને ઉદ્દેશીને આ ગીત ગાય છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનુ. ગાયક છે મહેન્દ્ર કપૂર.
૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નુ આ ગીત વધુ એક દર્દભર્યું ગીત છે.
ना कोई उमंग है ना कोई तरंग है
मेरी जिन्दगी है क्या एक कटी पतंग हैજીવનમાં બનેલા બનાવોને કારણે નિરાશ આશા પારેખ પોતાના હૃદયના આક્રોશને આ ગીતમાં વર્ણવે છે જેના શબ્દો છે આનદ બક્ષીના. સંગીત આપ્યું છે આર.ડી.બર્મને અને સ્વર છે લતાજીનો.
૧૯૭૧ની ફિલ્મ ‘આન મિલો સજના’નુ ગીત એક છેડછાડ ગીત છે.
फलक से तोड़कर देखो
……….
कोई नजराना लेकर आया हु मैપાર્ટીમાં વિનોદ ખન્નાની હાજરીમાં રાજેશ ખન્ના આશા પારેખને ઉદ્દેશીને આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે આનદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. રફીસાહેબનો સ્વર.
૧૯૭૨ની ફિલ્મ ‘ગોરા ઔર કાલા’નુ આ ગીત એક પ્રણયગીત છે.
धीरे धीरे बोल कोई सुन ना ले कोई सुन ना ले
હેમામાલીની અને રાજેન્દ્રકુમાર (ડબલ રોલ) પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે આનદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. સ્વર છે લતાજી અને મુકેશના.
૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘અનુભવ’નુ આ ગીત જીવનની વાસ્તવિકતા પાર્શ્વગીતનાં રૂપમાં વર્ણવે છે.
फिर कहीं कोई फूल खिला चाहत ना कहो उसको
फिर कहीं कोई दीप जला मंजिल ना कहो उसकोઆ ગીતમાં તનુજા અને સંજીવકુમારના જીવનના એક દિવસનુ વર્ણન કરાયું છે જેના શબ્દો છે કપિલ કુમારના અને સંગીત કમલ રોયનુ. મન્નાડેનો સંવેદનશીલ સ્વર. ગીતની શરૂઆત જ માણવાલાયક છે
૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘પાકીઝા’નું આ ગીત કોઠાના સંદર્ભમાં મુકાયું છે.
चलते चलते चलते चलते
यूँही कोई मिल गया था सर-ए राह चलते चलतेઅતીતની યાદમાં ખોવાયેલી મીનાકુમારી પર આ ગીત ફિલ્માવાયું છે જેના શબ્દો છે કૈફી આઝમીનાં અને સંગીત છે ગુલામ મહંમદનુ. સ્વર છે લતાજીનો.
https://youtu.be/fH73z7rVDqs
૧૯૭૨ની વધુ એક ફિલ્મ ‘અપના દેશ’નુ આ નૃત્યગીત ગામવાસીઓના મહોલ્લામાં ફિલ્માવાયું છે.सुन चंपा सुन तारा कोई जीता कोई हारा
રાજેશ ખન્ના અને મુમતાઝ આ નૃત્યગીતનાં કલાકારો છે. ગીતના શબ્દો છે આનદ બક્ષીના અને સંગીત છે આર.ડી.બર્મનનુ. ગાયક કલાકારો છે લતાજી અને કિશોરકુમાર.
૧૯૭૨ની એક ઓર ફિલ્મ ‘અમરપ્રેમ’નુ આ ગીત પણ ફિલસુફીભર્યું છે.
चिंगारी कोई भड़के तो सावन उसे बुजाये
सावन को आग लगाए उसे कौन बुजायेજીવનની વાસ્તવિકતા દર્શાવતું આ ગીત શર્મિલા ટાગોર સાથે હોડીમાં સફર કરતા રાજેશ ખન્ના ગાય છે. આનદ બક્ષીનાં શબ્દોને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર કિશોરકુમારનો.
૧૯૭૨ પછીના ગીતો હવે પછીના લેખમાં.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
નહીં…નહી ! હવે એકલી ખેતી હરગિજ નહીં !
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
પોસાણ જ નથી ભાઇ, એકલી ખેતીનું હવે પોસાણ જ નથી. ખેતીની એકનીએક આવક સામે આરોહણની ઝડપ મેળવી આગળ ધપી રહેલ એકપક્ષી મોંઘવારીના વેગને ખેતી આંબી જ શકે તેમ નથી.કારણ કે “ખેતી” એક માત્ર ધંધાને “ખોળ” અને બાકીના બીજા બધા જ ધંધાઓને “ગૉળ”- એવી વારોતારો કરનારી નીતિથી ખેતી ભાંગવાના આરે આવીને ઊભી રહી ગઈ છે.
ખાદ્યચીજો માત્ર ખેતી વ્યવસાયમાંથી જ ઉત્પન્ન થાય છે, એ વાત જાણે ભૂલાઇ ગઈ હોય તેમ અનાજ હોય કે કઠોળ, શાકભાજી હોય કે ફળો, અરે ! ગાય-ભેંશનું દૂધ કેમ નથી ! આ બધાના ભાવો ગોકળગાયની ધીમી હાલ્યે આગળ વધે, જ્યારે ખેતીમાં વપરાતી જણસો- રા.ખાતરો હોય કે પાકરક્ષક દવા, બિયારણ હોય કે ખેતીમાં જરૂર પડતી હોય એવી ડીઝલ, વીજળી,લોખંડ કે સીમેંટ જેવી ચીજ, અરે ! મજૂરી સુધ્ધાંના ભાવો વધે સૂર્ય-કીરણની ઝડપથી ! ખેડુતને સાંધામેળ કરવો કઈ રીતે ?
ખેડુતોને તેમના ઉત્પન્નના પોષણક્ષમ બજાર મળતા થાય તે માટેના આંદોલનો કિસાનસંઘની આગેવાની નીચે ખેડુત આલમે શરૂ તો કર્યા છે. પણ એ કામ ધારીએ એટલું સરળ દેખાતું નથી. કારણ કે ખેડુત સમાજ છે બહુ મોટો, અને આવડા મોટા સમાજમાં બધાની સમજદારી એક થતાં લાગે ઘણી વાર. પણ બધા જ ખેડુતોના હૈયે આ વાત વસશે ત્યારે ખરી હકીકત સમજાશે, અને દરેકનો માહ્યલો જ્યારે જાગશે –ત્યારે સૌ સંગઠિત થશે અને જેવી જરૂર છે તેવી એક સામાજિક ક્રાંતિ સર્જાશે.અને ઘીના ઠામમાં ઘી પડી રહેશે.
વચગાળાના ઉપાયો ક્યા ? પણ એ મેજર ઓપરેશન તો થતાં થાય, એ દરમ્યાન વચગાળાના તાત્કાલિક ઉપાયમાં જેમ ટીકડાં,ડોઝ અને ઇંજેક્શન અને ગ્લુકોઝના બાટલા ચડાવી –દર્દમાં રાહત બક્ષનારા ડોક્ટરી ઉપાયો લેવાતા હોય છે, બસ, એની જેમ જ હાલ તૂરત તાત્કાલિક રાહતના કોઇ કાર્યક્રમો નહીં વિચારવા પડે ?
આજની ખેતીની આવકમાં ટેકો પૂરી શકાય એવી પેટા આવકના ઉમેરણ અર્થે કોઇને કોઇ ગૌણ વ્યવસાય સાથમાં શરૂ કરશું તો જ અન્ય ચીજોની વધતી જતી મોંઘવારીમાં ખેડુતો કંઇકે રાહતનો દમ ભરી શકશું એમ લાગી રહ્યું છે.
હા,એમાં એવું જરૂર કરાય કે : પહેલી પસંદગી આપણા ખેતી વ્યવસાયને સંલગ્ન હોય, ખેતી સંભાળતાં સંભાળતાં જ થઈ શકે અને મૂડીનું માથાભારે રોકાણ પણ ન માગતા હોય તેવા “હુંફ પૂરક” કામોને આપીએ. અને બીજી પસંદગી, પોતે નહીં તો પોતાના કોઇ સભ્યને બહાર મોકલી, અન્ય વ્યવસાય સંભાળતા કરી, એના દ્વારા થતી આવકનું ખેતીમાં થનારી ઉપજમાં ઉમેરણ કરીને પણ ખેતીમાં ટકી રહેવાય એવું ગોઠવવું પડશે.
ખેતી સાથે શું શું થઈ શકે ?
[1] વ્યાપારી માનસ ધરાવતા થઈ જઈએ = આપણે ખેડુતો આપણને જોઇતી ચીજ-વસ્તુઓ રા.ખાતર, પાક રક્ષક દવાઓ, બિયારણ વગેરે બધું છૂટક રીતે ખરીદીએ છીએ અને આપણી ખેતીમાં ઉત્પન્ન થયેલ માલ આપણે જથ્થાબંધ રીતે વેચાણ કરીએ છીએ. જેથી ભાવ બાબતે બન્ને બાજુનો માર ખાવો પડે છે. છૂટક ચીજો ખરીદવી મોંઘી પડે છે, અને જથ્થાબંધ રીતે વેચાતો આપણો માલ સસ્તો જાય છે.
તો ? આપણે એવું ન કરી શકીએ કે આપણને જરૂરી ચીજો-ખાતર,દવા,બિયારણ, વગેરે એકલા નહીં,તો પાંચ-સાત કે પચ્ચીસ જણા ભેગા મળી, બધાની કુલ ખરીદી જથ્થાબંધ રીતે ભેગી ભેગી જ ખરીદતા થઈ જઈએ ? હા, અમે કૃષિમંડળના નેજા નીચે કેટલાક ખેડુત સભ્યોએ હજાર હજાર રૂપિયા કાઢી એક “અપના કિસાન મોલ” શરૂ કર્યો હતો, અને જરૂરી ચીજો જથ્થાબંધ રીતે ખરીદી, અંદરો અંદર વહેંચી લઇ, મોંઘા ભાવો દેવાના નુકશાનમાંથી બચવાનો જે પ્રયત્ન કર્યો હતો તેમાં સફળ રહ્યા હતા.
અને આપણી શક્ય તેટલી પેદાશને છુટકમાં વેચાય તેવી ગોઠવણ કરીએ તો જથ્થાબંધની સરખામણીએ ભાવો ઘણા વધારે મળી રહે છે એવો અનુભવ અમને તો થયો છે.
હા,હા ! આજે કેટલીય જગ્યાએ રોડ પર પોતાની વાડીના ફળો, શાકભાજી, મકાઇનાડોડા, આદુ,હળદર,મરચાં અને મસાલાની ઉપજો સુંડલા-લારીઓ અને થડા રોકી કેટલાય ખેડુતો વેચાણ કરતા ભળાય છે.અને રાહદારીઓ પોતાના વાહનો રોકી, હોંશે હોંશે મોં માગ્યા ભાવો દઈને ચોખ્ખી અને તાજી ચીજો મેળવતા હોય છે. દૂરની નહીં, અમારી નજીકની જ વાત કરું. તો ગુંદાળા ગામના બે-ત્રણ ખેડુતો ગઢડા-ઢસા રોડ પર હર સીઝને પોતાની વાડીમાં તૈયાર કરેલ જામફળ, મોટાંબોર, પાકાં લીંબુ,રીંગણાં,મરચાં,ટામેટાંનું માર્કેટની હરરાજીમાં મળતા ભાવો કરતાં બમણા-ત્રમણા દરથી વેચાણ કરી સારી કિંમત ઉપજાવતા હોય છે. અરે, અમારી જ વાત કરું તો પંચવટી બાગમાં ચીકુડીનો એક ઘેરો હતો, ત્યારે ચીકુ પાકવાની વેળાએ ઢસા,ગઢડા કે બોટાદની પીઠમાં જથ્થાબંધ રીતે વેચવા મોકલવાની સરખામણીએ વાડીએથી જ 20 કીલોના પેકીંગ કરી સીધા જ ખાનાર ગ્રાહકોને છૂટક રીતે વેચી દોઢા ભાવો મેળવતા હતા.. માલપરાના જ બે-ત્રણ ખેડુતો મગફળી કે ઘઉં,બાજરો, પકાવી, વેપારી કે માર્કેટયાર્ડમાં જથ્થાબંધ વેચવાને બદલે છૂટક છૂટક ગ્રાહકોને વેચી મોં માગ્યા દામ મેળવી રહ્યા છે.
[2] પોતાના માલને મૂલ્યવર્ધિત કરીને = આપણે અન્યનો માલ ખરીદી, તેનું મૂલ્યવર્ધન કરવાની ફેક્ટરી ન નાખી શકીએ તો કંઇ વાંધો નહીં. પણ આપણા જ માલને પાકો બનાવી વેચાણ કરીએ તો ભાવમાં ઘણો વધારો મળી શકે .દા. ત. માલપરામાં બાબુભાઇ ભીંગરાડિયા અને અરવિંદભાઇ જાદવાણી-દર વરસે શેરડીનો વાઢ ઉગાડે,પછી શેરડી તરીકે જ વેચી દેવાને બદલે તેનો દવા વગરનો “ગોળ”બનાવી ખાનાર ગ્રાહક વર્ગને સીધું વેચાણ કરે છે. બાજુના ગામ સાજણાવદરના માલધારી ભાઇઓ પોતાની ગાયોનું દૂધ “દૂધ” તરીકે ડેરીમાં ભરી દેવાને બદલે તેનો “માવો”બનાવી વેચે છે. પીપરડીમાં છે અમારા મિત્ર-પોપટભાઇ વાઘાણી. જે દર વરસે મરચી ઉગાડે,અને પાકાં મરચાં સીધા વેચી દેવાને બદલે તેને ખાંડીને “ચટણી” બનાવી, નાનાં-મોટાં પેકીંગ કરી, ખાનાર વર્ગને તેમના ઘેર પહોંચતાં કરે છે. એવું જ રામોદ ગામના શ્રી ઉપેન્દ્રભાઈ નાઠાણી સજીવખેતી દ્વારા હળદર-મરચાં જેવા મસાલાનાં પાકો પોતાની વાડીમાં પકાવી, તેનું મૂલ્યવાર્ધન કરી અને તેના વેચાણ દ્વારા સંતોષકારક કમાણી કરી રહ્યા છે. આ બધા ખેડૂતો પોતાની ખેતીની આવક ઉપરાંતની આવી મૂલ્યવર્ધિત કરવા થકી વધારાની પૂરક આવક સારી એવી મેળવી શકે છે.
અરે, સૌરાષ્ટ્ર વિસ્તારના મુખ્ય પાકો બે-મગફળી અને કપાસ. વાડીમાં પકવેલ મગફળી સીધી વેચી દેવા કરતા, તેનું તેલ કઢાવી વેચાણ કરીએ અને કપાસને લોઢાવી –કપાસિયા અને રૂ તરીકે અલગ અલગ વેચાણ કરતા થઈ જઈએ તો પણ એક મોટી પૂરક આવક મેળવી શકીએ એવી મોટી તક આપણે માટે ઝડપ્યા જેવી છે. આ માટે કંઇ તેલની મીલ કે કપાસનું જીન ખેડુતે વસાવવા ના પડે ! જે લોકો એવી મોટી મશીનરી વસાવીને બેઠા છે તે વ્યાજબી મજૂરી લઈને મગફળીમાંથી તેલ –ખોળ અને કપાસમાંથી રૂ-કપાસિયા જુદા કરી આપવાની વાટ જ જોઇ રહ્યા છે. અરે ! ઉત્તમ ઉપાય તો એ નથી લાગતો કે ખેડુતો ભેગા મળી, સહકારી ધોરણે જ આવા સાધનો ઊભા કરી, કાયમી ધોરણે આવા કાર્યો કરી શકે !
[3] ખેતીને સંલગ્ન કોઇ પૂરક વ્યવસાય શરૂ કરાય = આપણે આપણી ખેતી છોડી દઈ, કોઇની ફૂલ ટાઇમ નોકરી કરવા જવાનું મારું કહેવાનું નથી. પણ ખેતીમાંથી કેટલોક સમય ફાજલ પાડી,ખેતીને સંલગ્ન કોઇ ધંધો, સાથે સાથે ચલાવી, એમાંથી પણ પૂરક આવક મેળવી શકાય તો પણ ખેતી માથેથી એટલો ભાર હળવો કરી શકાય. દા. ત……
આપણે થોડી ગાયો રાખી,દૂધ પેદા કરી તેનું છૂટક વેચાણ કરી શકીએ અને એના દ્વારા આપણા ખેત કચરાનું સેંદ્રીય ખાતરમાં રૂપાંતર કરી, વાડીને ખાતરોડ બનાવવાનું કામ તો વધારાનું થઈ રહેશે ભલા ! અમારી બાજુના ગામ અણિડામાં રહેતા અમારા મિત્ર શ્રી મહેંદ્રભાઇ ગોટી નાની ખેતીની સાથે બે દૂધાળ ગાયો રાખી, ગામના જરૂરમંદ કુટુંબોને દૂધ વેચાણ કરી, સારીએવી પૂરક કમાણી કરી લેવા ઉપરાંત જાતે દૂધમાંથી “માવો” બનાવીને, અરે ! હવે તો ગાયોના દૂધમાંથી “આઇસ્ક્રીમ” બનાવી દુકાનદારોને સપ્લાય કરતા થઈ ગયા છે, અને બન્ને બાળકોને સારું શિક્ષણ આપતી વિદ્યાપીઠમાં એન્જિનિયર બનાવી, સુખેથી અને મર્દાનગીથી, આખું કુટુંબ જીંદગી જીવી રહ્યું છે.
વાડી પર એક અળસિયાંનો શેડ બનાવી લઈ, ખેત-કચરામાંથી સરસ એવું વર્મી કંપોસ્ટ બનાવી શકીએ.આંબલા ગામમાં શ્રી બાબુભાઇ જાસોલિયા પોતાની ખેતીની સાથે એક નર્સરી ઊભી કરી, સારી જાતના રોપા અને કલમો બનાવી, ઉત્તમ કમાણી કરી લે છે. સમઢિયાળા[પાનબાઇ]માં શ્રી હિંમતભાઇ ભીંગરાડિયા હતા, જેમણે આસપાસના ગામોના ખેડુતોએ ઉગાડેલ શેરડીમાંથી રસ કાઢી, દવા વગરનો ગોળ બનાવી દેવા કોલુ ચાલુ કરેલ. તો માલપરાના ઇશ્વરભાઇ અને ઉપેંદ્રભાઇ ભીંગરાડિયાએ પોતાની ખેતી સાથે ખેતી, મકાન બાંધકામ અને રોડ-રસ્તાના કઠિન કામો ભાડેથી કરી દેવા જેસીબી મશીનો વસાવ્યા છે. ગઢડાના શ્રી સુરેશભાઇ ગોટી અને સુરેશભાઇ ગોધાણીએ ખેતીની સાથોસાથ નેટ હાઉસ ઊભા કરી –સ્પેશિયલ પાકોની ખેતી કરી, સરસ પૂરક આવક મેળવી રહ્યા છે. નસિતપરના શ્રીગોરધનભાઇ અને માલપરાના શ્રી પ્રદિપભાઇ સવાણી કપાસનું સારું બીજ તૈયાર કરવાનું કામ કરતા રહે છે.
[4] અન્ય વ્યવસાયમાં હિસ્સેદારી કરીને = બાળકોને સારું શિક્ષણ આપવું તે વાલી તરીકેની ફરજમાં આવે છે. બાળકોને યોગ્ય શિક્ષણ આપ્યા પછી, લાંચ આપ્યા વિના –પોતાની યોગ્યતાથી, કોઇ નાની-મોટી નોકરી મળે તો જરૂરથી સ્વિકારાય અને મોટા થતા જતા કુટુંબનો ખેતી પરનો ભાર હળવો કરાય. પણ માનો કે પ્રામાણિક પ્રયત્નોથી નોકરી નજ મળે તો ઘણા બધા વ્યવસાયો છે સમાજમાં, આપણાં ખિસ્સાની પહોંચ અને બેંકની લોન દ્વારા કોઇ ઉદ્યોગ શકય બનેતો ગામડામાં અને નહીતો બાજુના કસબા-શહેરમાં જરૂર શરૂ કરી, ખેતીની આવકમાં ઉમેરણ કરી શકાય.આ વાતતો સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડાંઓમાં બહુ વરસો પહેલાં સમજાઇ ગઈ છે.અને મોટાભાગના કુટુંબોમાથી કોઇને કોઇ સભ્ય શહેરોમાં હીરાઉદ્યોગ,કાપડ ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ,તથા અન્ય ઉદ્યોગોમાં ભળી, થયેલ કમાણીમાંથી પોતાના કુટુંબની ખેતી આવકમાં આડેહો પૂરી રહ્યા છે.
આવું કંઇક નહીં વિચારીએ તો, એકલી ખેતી પર હવે નભી શકાશે નહીં. આપણ ખેડુતોની વસ્તી ખુબ મોટી છે, અને એટલે જ સૌ સંગઠિત થવામાં ઊણા પડીએ છીએ. જો સંગઠિત થઈ શકીએ તો પોષણક્ષમ ભાવો મેળવવા ડાબા હાથનો ખેલ બની જાય એમ છે મિત્રો !
આપણે સૌ આ બાબતે ગંભીરતાથી જેટલા વહેલા વિચારી નિર્ણય લેશું,એટલા વહેલા ખેતીને આ રાજકીય નક્સલવાદીઓની બાનમાંથી મુક્ત કરી શકશું. અને તો જ ખેતી અને ખેડુત સૌ ટકી શકશું. અને ખેતી નહીં ટકે તો ટંકે ને ટંકે લાગતી પેટની ભૂખ સંતોષવા પેટમાં નાખશું શું ? એ સારાએ સમાજ માટે એક પડકાર બની રહેવાનો છે મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
