-
સિરામીક ફેક્ટરીથી પટોળા બનાવવા તરફ પ્રયાણ
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી
જગદીશ પટેલ
“મેં તેને શાકભાજી ખરીદવા માટે પણ જવા દીધી ન હતી,” જીજ્ઞેશભાઈએ હળવા પ્રયત્નશીલ સ્મિત સાથે કહ્યું. તેના માથા પરના ગાઢ ઘેરા કાળા વાળ એક સ્વસ્થ વ્યક્તિને છેતરતી રીતે ચમકતા હતા. પાતળું નાક તેના બેસી ગયેલા ચહેરા પર વધુ સ્પષ્ટ અને તિક્ષ્ણ દેખાતું હતું. તેની આંખોમાં ચમક હતી કારણ કે તેણે તેની ભોંય પર બેઠેલી પત્ની તરફ પ્રેમથી જોયું.
” જ્યારે તે બીમાર ન હતો ત્યારે તેનો બાંધો બહુ મજબુત હતો અને તે ખૂબ જ તંદુરસ્ત હતો. મારી પાસે તેના જુના ફોટા છે!” તેની પત્નીએ કહ્યું અને તે નીચું જોઇ ગઇ. જ્યારે તેણે માથું નમાવ્યું ત્યારે મેં જોયું કે આંસુનો એક પાતળો પડદો તેની વિશાળ તેજસ્વી આંખોમાં ફેલાય છે.
એક બાળક અમારી હાજરીથી બેધ્યાન થઈને સૂઈ રહ્યું હતું. સ્કુલ ડ્રેસમાં એક નાની છોકરી રૂમમાં પ્રવેશી. તેની મોટી બહેન પણ પ્રવેશી. નાની છોકરીએ કુતૂહલથી મારી સામે જોયું. મોટી બહેનને રસ નહોતો. અમારી હાજરીની નોંધ લીધા વિના તે ડ્રોઈંગ કમ લિવિંગ રૂમની બાજુમાં આવેલા રૂમની અંદર ગઈ.
“તમારો નામ સુ છે – તમારું નામ શું છે?”
“વિદ્યા,” તેણે કહ્યું અને તે તેની માતાની નજીક બેઠી, લગભગ તેના ખોળામાં.
“તમે કયા વર્ગમાં છો?” મેં હિન્દીમાં પૂછ્યું કારણ કે મારૂં ગુજરાતી બહુ નબળું.
તેની માતાએ જવાબ આપ્યો, “તે બીજા ધોરણમાં છે.”
“અને તેની બહેન?”
“પાંચમીમાં,” તેણે કહ્યું અને હસી.
“તમે? તમે સુરેંદ્રનગરના રહેવાસી છો?” મે પુછ્યુ.
“ના, અમે મોરબીમાં રહેતા હતા. બે વર્ષ પહેલા મારી તબિયત બગડવા લાગી. મારાથી ખોરાક જ લેવાતો ન હતો. મને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હતી. ચાલતા ચાલતા હું થાકી જતો હતો. હું ડૉક્ટર પાસે ગયો અને મને સિલિકોસિસ હોવાનું નિદાન થયું. ડૉક્ટરે સૂચવ્યું કે મારે માત્ર નોકરી જ નહીં પરંતુ શહેર પણ છોડવું જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો કે મોરબીની આસપાસની ધૂળ મારા આરોગ્ય માટે હાનિકારક છે. મારા પોતાની માલિકીના ઘરને છોડીને અહિં આવવું પડ્યું,” જીજ્ઞેશભાઈએ કહ્યું.
હું સાંભળતો હતો.
“ડૉક્ટરે કહ્યું કે જો મારે જીવવું હોય તો મારે તાત્કાલિક મોરબી છોડી દેવું જોઈએ.” હું તેની સામે જોઈ રહ્યો હતો. ગળાની વચ્ચે આવેલી ગોટી ઉપસેલી હતી અને જિજ્ઞેશ જ્યારે પણ શ્વાસ લેતો ત્યારે તે ગોટીની બંને બાજુના સ્નાયુઓ જાણે અંદર ખેંચાતા હતા અને તે કારણે તેમનો બેસી ગયેલા ગાલવાળો ચહેરો વધુ ભયાનક રૂપ ધારણ કરતો હતો.
“પેલું શું છે?” મેં જીજ્ઞેશની પત્નીને ભીંતને અઢેલીને મુકેલી ધાતુની લંબચોરસ, બે છેડે હુક જડેલા હોય તેવી એક ફ્રેમ તરફ ઈશારો કરતાં પૂછ્યું. હુક સાથે સફેદ રેશમી દોરા બાંધેલા હતા. રેશમના દોરાનો સમૂહ સુતરના દોરાઓ વડે રેશમના દોરા પર બનાવેલા કાળા નિશાનની આસપાસ બાંધવામાં આવતો હતો.
“તે પટોળા માટે દોરા રંગવાની પ્રક્રિયાનો એક ભાગ છે,” તેણે કહ્યું. [પટોળા એક પ્રકારનું કાપડ છે જે મુખ્યત્વે ગુજરાતના પાટણ સાથે સંકળાયેલું છે. પટોળા એ ખૂબ જ જટિલ વણાટનો પ્રકાર છે જેમાં તાણા અને વાણા બંનેને એવી રીતે રંગવામાં આવે છે કે કાપડની બંને બાજુએ એકસરખી ભાત દેખાય.]
હું શાંતિથી પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ફ્રેમ પાસે કાગળ પર બનાવેલ પટોળાની પેટર્ન પડી હતી.
“હું આ વિશે જાણતી ન હતી. તે બીમાર થયા પછી મને આ જાણ થઈ,” તેણે કહ્યું.
“તમે પટોળાનું કાપડ વણો છો?” મે પુછ્યુ.
“ના, હું માત્ર રંગ કરું છું. ડાઈ કર્યા પછી હું વેપારીને દોરા પાછા આપું છું. તેઓ તેને પટોળામાં વણી લે છે,” તેણે કહ્યું.
હું સાંભળતો હતો.
“સારું કામ થયું હોય તે દિવસે હું રૂ.૪૦૦/- કમાઇ લઉં છું,” તેણે કહ્યું અને ઉમેર્યું, “આ ઘરનું ભાડું દર મહિને રૂ.૩,૦૦૦/- છે અને મારે રૂ.૬,૦૦૦/-ના હપ્તા (EMI) પણ ચૂકવવા પડે છે.”
“શાના હપ્તા?” મેં પુછ્યું.
“અમે L&T ફાઇનાન્સ પાસેથી લોન લીધી છે અને અમારે હપ્તા ભરવાના હોય છે.” તેણે કહ્યું.
“તમે કેટલા વર્ષ કારખાનામાં કામ કર્યું?” મેં જીજ્ઞેશભાઈને પૂછ્યું.
“હું ખૂબ નાનો હતો ત્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું. હવે હું ૩૭ વર્ષનો છું. મેં ૨૦ વર્ષ કારખાનામાં કામ કર્યું છે,” તેણે કહ્યું.
“આટલા લાંબા સમય સુધી કામ કર્યા પછી પણ તમે પૈસા બચાવી શક્યા નથી?” મેં આશ્ચર્ય વ્યકત કર્યું.
“જ્યારે હું કામ કરતો હતો ત્યારે હું મારા આખા પરિવાર અને મારા માતા-પિતાની સંભાળ રાખતો હતો. મેં પૈસાનો બગાડ નહોતો કર્યો.” તેણે કહ્યું.
“લોન શા માટે લેવી પડી?”
“મેં મકાન બાંધવા માટે લોન લીધી હતી. લોન મળ્યાના બે મહિના પછી મને સિલિકોસિસનું નિદાન થયું. અને તે કારણે હું પરાણે બેરોજગાર થઇ ગયો. એક બાજુ આવક સદંતર બંધ થઇ અને બીજી બાજુ તબીબી ખર્ચમાં ઘણો વધારો થયો. મેં લીધેલી લોન હોસ્પિટલોમાં જવા અને દવાઓ ખરીદવામાં વપરાઈ ગઇ.” જીજ્ઞેશે કહ્યું.
“તમે કેટલી લોન લીધી હતી?”
“રૂ. ૧,૭૫,000/-.” તેમણે કહ્યું. તેની પત્નીએ ઉમેર્યું, “મેં મારા સોનાના દાગીના મુથુટ પાસે રૂ. ૩૦,૦૦૦/-માં ગીરો મૂક્યા હતા. તે રકમ પણ સારવારમાં વપરાઇ ગઇ.”
મેં સાંભળ્યું.
“મારે મારા પરિવાર, સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવા પડ્યા,” જીજ્ઞેશે કહ્યું.
તેની પત્ની મેડિકલ રિપોર્ટનો થોકડો લઈને અમને બતાવવા લાવી. જીજ્ઞેશભાઈ મોતાભાઈ પરમાર, ઉંમર ૩૭, પુરુષ, વજન ૪૧.૫ કિ.ગ્રા.૨૦ /૦૬ /૨૦૨૨ . જાન્યુઆરી ૨૦૨૩ના તાજેતરના અહેવાલમાં વજન ૩૯ કિ.ગ્રા.નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
“તેનું વજન ઘટી ગયું છે.” મેં કહ્યું.
“હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરું છું અને તેને ભાવતી રસોઇ બનાવું છું પણ તેને કશું ભાવતું જ નથી. એક-બે કોળિયા લીધા પછી તે કહે છે કે તેને ઉલ્ટી જેવા ઉબકા ચડે છે.” જીજ્ઞેશની પત્નીએ કહ્યું અને ફરી એકવાર માથું નમાવ્યું. તેની આંખોમાં આંસુઓનું એ જ દ્રશ્ય પુનરાવર્તિત થયું.
“તમારે ખાવું જોઈએ. તમારે મજબૂત હોવું જોઈએ” મેં જીજ્ઞેશ સામે જોઈને કહ્યું.
“હું મજબૂત છું. હું આશાવાદી છું. હું મારાથી બને તેટલું કરવા તૈયાર છું જેથી ભવિષ્યમાં કોઈને આ રોગ ન થાય,” જીજ્ઞેશે જોરદાર સ્મિત સાથે કહ્યું.
અમે જીજ્ઞેશના ઘરેથી નીકળવા માટે ઉભા થયા. તે પણ ઉભો થયો. તે ઊંચો હતો. તેની ઊંચાઈના પ્રમાણમાં ખૂબ પાતળી અને નાજુક દેહયષ્ટી!
“ના, તમે ઉભા થશો નહી, આરામ કરો.” રૂમમાંથી બહાર નીકળતાં અમે કહ્યું.
“તમને શું લાગે છે જીજ્ઞેશ ક્યાં સુધી જીવશે?” ઘરની બહાર આવ્યા પછી મારા વરિષ્ઠ સાથીદારે પૂછ્યું.
“હું આશાવાદી છું.” મેં કહ્યું.
“તમે જીજ્ઞેશના ગળામાં સરેક શ્વાસે થતા લબકારા જોયા?” તેમણે પૂછ્યું.
હું બોલ્યો નહીં, પણ જીજ્ઞેશના ગળામાં થતા લબકારાનું દ્રશ્ય મારી આંખથી આઘું ખસતું ન હતું.
રામ મનોહર વિકાસ
અનુઃ જગદીશ પટેલ
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M – +91 9426486855
-
વણમાગી સલાહ ઓકવાનો રોગ
મંજૂષા
વીનેશ અંતાણી
વણમાગી સલાહ આપવાના બંધાણી લોકો સામેની વ્યક્તિની નિર્ણયશક્તિનો અસ્વીકાર કરે છે. તેઓ બીજાના વિચારો, લાગણી, સંજોગો કે સમજણને સ્વીકારવા તૈયાર હોતા નથી
મને ડાયાબિટીઝ છે એવી પહેલી વાર ખબર પડી પછી થોડા દિવસે એક મિત્રની પુત્રીનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. તેના ઉદ્દઘાટન પછી આઇસ્ક્રીમ આપવામાં આવતો હતો. મેં ના પાડી. બાજુમાં બેઠેલા કવિ લાભશંકર ઠાકર બોલી ઊઠ્યા: ‘આઇસ્ક્રીમની ના પાડો છો?’ મેં કારણ જણાવ્યું. એક વડીલ તરત જ મારે ડાયાબિટીઝમાં શું કરવું અને શું ન કરવું એની ઢગલાબંધ સલાહ આપવા લાગ્યા. લાભશંકરભાઈ ગુસ્સે થઈ ગયા. પૂછ્યું: ‘તમને ડાયાબિટીઝ છે?’ વડીલે ના પાડી. લાભશંકરે કહ્યું: ‘તો પછી શા માટે વણમાગી સલાહ આપવા બેઠા છો? એણે તમારી સલાહ માગી?’
એ વડીલ તો મને સમભાવપૂર્વક મદદ કરવા માગતા હશે, પરંતુ ઘણા લોકોને વણમાગી સલાહ આપવાનું વ્યસન થઈ ગયું હોય છે. એમને સલાહ આપવામાં કશું અયોગ્ય લાગતું નથી. તેઓ સામેની વ્યક્તિએ એમની સલાહ માગી છે કે નહીં તેનો વિચાર કરતા નથી. અન્ય વ્યક્તિના અંગત ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે એવો વિચાર પણ એમને આવતો નથી. વણમાગી સલાહ આપવાની આદત એમના સ્વભાવનો અવિભાજ્ય હિસ્સો હોય છે. મનોવિજ્ઞાન કહે છે તેમ વણમાગી સલાહ આપવાનું વલણ એ પ્રકારના લોકોની પર્સનાલિટીનો એક ભાગ હોય છે. તેઓ પોતાને બીજાથી વધારે ડાહ્યા, અનુભવી અને સમજુ માને છે. તેઓ માને છે કે એમની સલાહ પ્રમાણે ચાલવાથી જ આ સંસાર સુનિયોજિત ઢબે ચાલશે. આવા લોકો સામેની વ્યક્તિનાં નિર્ણયશક્તિ અને ડહાપણનો અસ્વીકાર કરે છે. તેઓ બીજી વ્યક્તિના વિચારો, લાગણી, સંજોગો કે એની સમજણને સ્વીકારવા તૈયાર હોતા નથી. એમને ‘સલાહો’ ઓકવાનો રોગ હોય છે.
ઘણા લોકો માટે વણમાગી સલાહ આપવાની પ્રવૃત્તિ ‘ટાઈમ પાસ’ હોય છે. તેઓ જાણે માને છે કે આ જગતમાં ઊભી થનારી બધી પરિસ્થિતિનો હલ એમની પાસે છે. ટ્રેનમાં, બસમાં કે લોકો ભેગા થયા હોય ત્યાં કોઈ પણ ઓળખાણ વિના આ નિષ્ણાતો સલાહ આપવા લાગે છે. એક બાળક ટ્રેનમાં તોફાન કરતું હતું ત્યારે સલાહ આપવાના આજન્મ ભેખધારી એક સજ્જન બાળકની માતાને, કોઈ પૂર્વ ઓળખાણ વગર, બાળઉછેર વિશે જાતજાતની સલાહનો વરસાદ વરસાવવા લાગ્યા. એક ભાઈ બીમાર મિત્રને મળવા હૉસ્પિટલમાં ગયા. ડૉક્ટરના ‘પ્રિસ્ક્રિપશન’થી અલગ સલાહ આપવા લાગ્યા. ત્યાંથી અટક્યા નહીં. ડૉક્ટર આવ્યા ત્યારે એમને પણ યોગ્ય ટ્રિટમેન્ટની સલાહ આપવાનું શરૂ કર્યું. સાસુ-વહુના સંબંધમાં સલાહ આપનાર ‘શુભેચ્છકો’નું ટોળું બહુ મોટું હોય છે.
બાળકો મોટાં થાય ત્યાં સુધી સલાહો સાંભળીને થાકી જાય છે. ફિલોસોર રૂસોએ વ્યક્તિ અને સમાજના સંબંધના સંદર્ભમાં કહ્યું છે: ‘દરેક વ્યક્તિ જન્મે ત્યારે સ્વતંત્ર વ્યક્તિ હોય છે, પરંતુ ઉંમરની સાથે એ અનેક પ્રકારની સલાહની સાંકળોથી બંધાતી જાય છે.’ દરેક વ્યક્તિ પુખ્ત થયા પછી આ સાંકળના બંધનમાંથી મુક્ત થવા માગે છે, પરંતુ વણમાગી સલાહ આપનારા લોકો એમને છૂટવા દેતા નથી. સલાહકારોની પડીકી તૈયાર જ હોય છે – બાળકો માટે આ, ગૃહસ્થ જીવન માટે આ, વૃદ્ધાવસ્થા માટે આ પડીકી.
મેં ગ્રેજ્યુએશન માટે મુખ્ય વિષય તરીકે ગુજરાતી સાહિત્ય મુખ્ય વિષય રાખ્યો. મારા દૂરના સગા અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. એમણે કહ્યું: ‘તું ગુજરાતી લઈને શું ઉકાળશે? વધારેમાં વધારે પંતુજી થઈશ.’ મારા પિતાજી આજન્મ શિક્ષક હતા. એ ગમ ખાઈ ગયા, પરંતુ મારી બાએ કહ્યું: ‘વિનુએ બહુ વિચારીને નિર્ણય લીધો હશે. અમેય એમાં માથું મારતાં નથી.’ એ મુરબ્બીએ મારા શિક્ષક પિતાજીની લાગણીનો વિચાર કર્યો નહોતો અને મારા નિર્ણય પાછળના તર્કનો વિચાર કર્યો ન હતો. એવા લોકો અજાણતાં જ સામેની વ્યક્તિનું અપમાન કરી બેસે છે.
સાદોસીધો વણલખ્યો નિયમ છે, સલાહ માગવામાં આવી હોય અને અનિવાર્ય હોય તો જ આપવી જોઈએ. વણમાગી સલાહ આપનાર વ્યક્તિ નિકટની સંબંધી હોય તો એની સલાહનો અમલ કરવામાં આવતો નથી તે જોઈને એ હર્ટ થાય છે. અંગત પરિવારમાં, મિત્રોમાં, સંબંધોના બૃહદ વર્તુળમાં આવા પ્રકારની લાગણીથી સંબંધ વણસે છે. ઘણી વાર વણમાગી સલાહનો ભોગ બનતી વ્યક્તિ સૌજન્ય દાખવીને રક્ષણાત્મક વલણ અપનાવવાનું પસંદ કરે છે. એક બહેને કહ્યું છે: ‘કોઈ મને સલાહ આપે ત્યારે હું સ્મિત કરતી રહું છું, દાંત દબાવી માથું હલાવ્યા કરું છું અને મનોમન ભગવાનને પ્રાર્થના કરું છું કે આ વ્યક્તિ હવે બોલતી બંધ થાય તો સારું.’
કોઈએ વણમાગી સલાહ આપતા લોકોને જણાવ્યું છે: ‘મારી જિંદગીનું ચાલકબળ હું છું, તમે તો બહારની વ્યક્તિ છો. તમે મારા વિશે કશું જાણતા નથી, અધૂરી માહિતીના આધારે અનુમાનો કરો છો. તમે મારી ચિંતા છોડી દો, તમારી ચિંતા કરો.’ સેન્સિબલ લોકો કોઈનેય બિનજરૂરી સલાહ આપવાનું ટાળે હોય છે.’ વણમાગી સલાહકારોથી કંટાળેલા એક જણે કહ્યું: ‘તમે મને સલાહ આપવા ઉત્સુક હો તો હાથ ઊંચો કરો અને પછી એ હાથથી તમારું મોઢું બંધ કરો.’
જો કે વણમાગી સલાહ ન આપવાની સલાહ આપવી એ પણ એક જાતની વણમાગી સલાહ જ કહેવાય.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઘન કચરાનું વ્યવસ્થાપન થતું નથી કે કરવું નથી?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માર્ચ, ૨૦૨૩માં કેરળ રાજ્યના કોચી શહેરમાં આવેલા બ્રહ્મપુરમ ઘન કચરાના પ્લાન્ટમાં લાગેલી આગે શહેરના જનજીવન પર અત્યંત વિપરીત અસર કરી. એકસો દસ એકરમાં પ્રસરેલા, ઘન કચરાના નિકાલ માટેના આ સ્થળે અતિશય ગરમી અને કચરાના વધુ પડતા ભરાવાને કારણે બીજી માર્ચ, ૨૦૨૩ના રોજ આગ શરૂ થઈ. જોતજોતાંમાં તે એટલી પ્રસરી કે શહેરના ઘણા વિસ્તાર પર ઝેરી ધુમાડો છવાઈ ગયો. શહેર જાણે કે ‘ગેસ ચેમ્બર’માં પલટાઈ ગયું. લોકો આંખ અને ગળામાં બળતરાની ફરિયાદ કરવા લાગ્યા અને નબળા સ્વાસ્થ્યવાળા અમુકને ગૂંગળામણ થવા લાગી. આગ લાગ્યા પછી તેને બુઝાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા, પણ આગ બેકાબુ બનતી રહી અને બાર બાર દિવસ લગી તેણે મચક આપી નહીં.
ઝેરી ધુમાડાના આવરણ તળે કોચીનિવાસીઓના આ બાર દિવસ કેવા યાતનામય વીત્યા હશે એ કલ્પી શકાય એમ છે. પણ આ આગે અનેક સવાલ ઊભા કર્યા છે. ઘન કચરાના નિકાલ માટે કેરળ સરકારે અપનાવેલી નીતિમાં કઈ હદનાં છીંડાં છે એ હકીકત આ આગ થકી નજર સામે આવી. નિર્ધારીત ક્ષમતા કરતાં વધુ જથ્થામાં કચરો ઠલવાતો રહે ત્યારે એનું વ્યવસ્થાપન કરવું અઘરું બની રહે છે.
કેરળ રાજ્યે ઘન કચરાના વ્યવસ્થાપનની નીતિ ૨૦૧૮માં અમલી બનાવી હતી અને ૨૦૨૬ સુધીમાં રાજ્યને કચરામુક્ત બનાવવાની ઘોષણા કરી હતી. કેરળ રાજ્ય પર્યાવરણ યોજના ૨૦૨૨ મુજબ, આ રાજ્યમાં રોજનો 11,449 ટન ઘન કચરો પેદા થાય છે, જેમાંના ૩,૪૫૨ ટન ઘન કચરો શહેરી વિસ્તારમાં અને ૭,૯૯૭ ટન ઘન કચરો ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્પન્ન થાય છે. કેરળ સરકારે વિધાનસભાને જણાવ્યા મુજબ કચરાનો આ પ્લાન્ટ રોજના કેવળ ૩,૨૦૫ ટન ઘન કચરાને જ પ્રોસેસ કરી શકે છે. આમ, ઘન કચરાની આવક અને તેને પ્રોસેસ કરવાની ક્ષમતા વચ્ચે ઘણો મોટો તફાવત છે. એ ત્યારે જ દૂર થઈ શકે જો કચરાની આવક ઓછી થાય, કાં પ્લાન્ટની ક્ષમતામાં વૃદ્ધિ કરવામાં આવે. પહેલી શક્યતા ઓછી છે એટલે બીજી શક્યતા પર જ વિચાર કરવાનો થાય.
કેરળ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના જણાવ્યા મુજબ, રાજ્ય ભરના ઘન કચરાના કુલ જથ્થા પૈકી દસ ટકા કરતાં પણ ઓછા કચરાનું વિભાજન તેના સ્રોત પર કરવામાં આવે છે. આને કારણે તેનું વ્યવસ્થાપન મુશ્કેલ બની રહે છે. સમગ્રપણે જોઈએ તો જનજાગૃતિનો અભાવ, પૂરતી માળખાકીય સવલતોનો અભાવ, નબળું વ્યવસ્થાપન છેવટે ગંભીર પરિસ્થિતિને નોંતરે છે.
કેરળમાં ‘હરિત કર્મ સેના’ ઘેરઘેરથી કચરો એકઠો કરી, તેનું વિભાજન કરીને, સૂકા, વિઘટન ન થઈ શકે એવા કચરાને રિસાયકલિંગ માટે મોકલવાની જવાબદારી સંભાળે છે. તેની કામગીરીમાં સાતત્ય નથી એમ કહેવાય છે. આને કારણે ઠેરઠેર ઘન કચરાના અંબાર ખડકાયેલા જોવા મળે છે. આ કચરામાં આવી ભયાનક આગ લાગી એ અકારણ નથી, પણ આમ થયું ત્યારે આ સમસ્યા પ્રસાર માધ્યમોમાં ચમકી. બાર દિવસ લગી ચાલેલી આગ માંડ માંડ કાબૂમાં આવી એના થોડા દિવસ પછી ફરી આગ લાગી.
કોચીમાં કચરાની સમસ્યા આ આગને કારણે ચર્ચાઈ. આનો અર્થ એવો નથી કે અન્ય તમામ રાજ્યોમાં બધું બરોબર છે. ઘન કચરાના સુયોગ્ય વ્યવસ્થાપન માટે કંઈ વિનાશક આગ લાગે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. સ્થાનિક સેવા સદન ઘેર ઘેર કચરો ઉઘરાવવાની વ્યવસ્થા ગોઠવે છે, પણ તેના સુયોગ્ય નિકાલ માટે શું કરે છે એ ઉઘાડું રહસ્ય છે. ઘણા ખરા કિસ્સામાં એમ જ લાગે કે નાગરિકો પાસેથી તગડો વેરો વસૂલી શકાય એટલા પૂરતી જ કચરો ઉઘરાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
કેરળમાં આ મામલાને રાજકીય રંગ પણ અપાયો. જો કે, આ મામલે ભાગ્યે જ કોઈ રાજ્યમાં ધોરણસરની નીતિ હશે, અને એ મુજબ કામ થતું હશે. પર્વતીય વિસ્તારોમાં પરિસ્થિતિ ઓર ખરાબ છે. ત્યાં તો ઊંચાણવાળા વિસ્તારોમાંથી ઘન કચરાને સીધો નીચે ઠાલવી દેવામાં આવે એટલે વાત પૂરી. નાગરિકોના સ્તરે એ જરૂરી છે કે તેઓ સૂકા અને ભીના કચરાનું વિભાજન કરીને એ મુજબ જ તેનો નિકાલ કરે. આમ છતાં, આમાં કેવળ નાગરિકો કે એકલી સરકાર કશું કરી શકે એમ નથી. બન્ને પક્ષે યોગ્ય દિશામાં પ્રયત્ન થાય એ જરૂરી છે.
એક હકીકતનો સ્વીકાર કરવો રહ્યો કે વર્તમાન સમયમાં ગમે એવા સભાન નાગરિક હોય તો પણ એની મરજી બહાર અનેક પ્રકારનો બિનજરૂરી કચરો ઘરમાં ઠલવાતો રહે છે. એક સાદું, બિસ્કીટનું નાનકડું પેકેટ ઘરમાં આવે તો પણ કેટલું બધું પ્લાસ્ટિક લાવે છે, જેનો બીજો કશો ઉપયોગ ન હોવાથી એને ફેંકી દીધા સિવાય કોઈ આરો નથી. હવે ટેક્નોલોજીને કારણે દરેક ચીજનું પેકેજિંગ આકર્ષક બનતું ચાલ્યું એમ કચરો પેદા થવાનાં સ્થાન વધતાં ચાલ્યાં. આનો કોઈ ઊપાય ખરો? કોઈ રાજકીય જુમલાબાજીથી કે માત્ર દંડાત્મક પગલાંથી નહીં, પણ લાંબા ગાળાની નક્કર નીતિથી એનો ઊકેલ વિચારી શકાય. ન નાગરિકોએ એકલાએ, ન ઉત્પાદકોએ એકલાએ કે ન રાજકીય નેતાગીરીએ એકલાએ આ કામ કરવાનું છે! સૌ મળીને તેની નીતિ બનાવે તો કંઈક પરિણામ મળે એવી શક્યતા ખરી. એ ક્યારે? એમ થાય એ પહેલાં તો કેટલો બધો કચરો આપણે આ પૃથ્વી પર ઠાલવી ચૂક્યા હોઈશું! કેરળની દુર્ઘટના બીજે ક્યાંય નહીં થાય એની કોઈ ખાત્રી નથી.
આવી ચેતવણીને આપણે અવગણીએ તો એનાં ગંભીર પરિણામ આપણે કે આવનારી પેઢીએ ભોગવવાં પડશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩ – ૦૪ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ગીત ..
નવી કલમના આસ્વાદ
અંજના ગોસ્વામી
ફરતા’તા હાથમાં લઈ હાથ તને યાદ છે?.
આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.આંખોમાં ઓરતાઓ શમણા થઇ સ્ફુરતા,
મીઠા સહવાસ માટે કેટલુંય ઝુરતા,
સપનામાં ભીડેલી બાથ તને યાદ છે?.
આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.સાત સાત જન્મોના કોલ દીધા આપણે,
સંગ સંગ જીવવાના સમ લીધા આપણે ,
મનથી મેં માન્યો’તો નાથ તને યાદ છે?.
આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.ભીના સંકેલ્યા’તા લાગણીના ખેલને ,
પળમાં વિખેર્યા’તા સપનાના મ્હેલને,
સંમતિથી છોડયો’તો સાથ તને યાદ છે?.
આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.અંજના ગોસ્વામી ‘*અંજુમ આનંદ*
આસ્વાદઃ
અનેકવિધ પ્રતિભા ધરાવતાં ભાવનગરના વતની અંજના ગોસ્વામી તેમના ગીત અને ગઝલથી નોખી ભાત પાડી રહ્યાં છે. ‘યાદ કર’ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ.
યાદોને મમળાવતું ઉપરોક્ત ગીત પણ એક રુહાની રિશ્તેદારીનો મખમલી ભાવ જગવે છે. સ્મરણોની શેરીમાં ઘૂમવું કોને ન ગમે? સ્મૃતિઓ સારી હોય કે ખોટી, ખુશીની હો કે દર્દની પણ એ ઘડીભર એક વિશેષ રોમાંચ જગવે છે.
આ ગીતની ધ્રુવ પંક્તિમાં નાયિકા સીધા જ મીઠા સંગાથનું એક સુગંધિત અત્તર છાંટી દે છે..
ફરતા’તા હાથમાં લઈ હાથ તને યાદ છે?.
આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.અને એની મહેકથી ભાવકને ધીમે ધીમે, આખા ગીતમાં, યાદોની ગુલાબી ગલીઓમાં દોરી જાય છે.
તાજી ઊગેલી કૂંપળ સમી આ કલમ એક મઝાનું ભાવચિત્ર દોરી, નજર સામે તાદૄશ કરી દે છે!
આંખોમાં સપના હતાં, મિલનના ઓરતા હતાં, નિકટનો સહવાસ અને આલિંગનના શમણાંમાં હતાં. ખૂબ સિફતથી કહી દીધું છે કે આ બધું તો માત્ર સપનામાં હતું! આપણે ખરેખર તો ક્યાં મળ્યા હતાં? ન મળ્યાનો અહીં કોઈ રોષ નથી કે ફરિયાદ નથી, યથોચિત પ્રાસોની ગૂંથણીમાં યાદોની ‘બારાત’ આલેખી છે.
બીજા અંતરામાં પણ એજ ભાવને ક્રમબદ્ધ રીતે વાળી, કવયિત્રી વળી એક ઑર ગલીમાં ખેંચી જાય છે. યૌવન સહજ લાગણીઓ એકમેકની સાથે જીવવાની અને જનમોજનમ સંગાથ રાખવાની કેવી તૈયારી કરી દે છે! પરસ્પરમાં ભીંજાવાની એ ભીની ભીની ક્ષણો કંઈ કેટલુંયે જન્માવી દે છે. પ્રિયપાત્રને ન્યોચ્છાવર થઈ જવાની તમન્નાનો એ જૂનો સંગાથ હજી સહેજે વિસરાતો નથી, વિસરાયો નથી. ‘યાદ છે?’ની પુનરોક્તિ મનોમન વાર્તાલાપ રચે છે અને લાગણીઓને વધુ ઘેરી અને ઊંડી આલેખે છે.
ત્યાં અચાનક ત્રીજા અંતરામાં એક અણગમતી ઘટના વાસ્તવિક્તાની એક નવી કેડી પર પહોંચાડે છે. શું બન્યું, કેવી રીતે બન્યુંના કશાયે ઉલ્લેખ વગર એકધારા, એકસરખા લયમાં ગીત આગળ ગતિ કરે છે. કારણો સાથે કોઈ લેવાદેવા નથી. પણ કંઈક તો એવું બન્યું છે કે જેને કારણે એ કહે છે કે,
ભીના સંકેલ્યા’તા લાગણીના ખેલને ,
પળમાં વિખેર્યા’તા સપનાના મ્હેલને,
સંમતિથી છોડયો’તો સાથ તને યાદ છે?.
આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.ખેલ અને મહેલ, સંકેલ્યાં વિખેર્યા જેવા શબ્દોનો યથોચિત ઉપયોગ છૂટા પડ્યાના ભાવને અભિપ્રેત કરે છે. ખેલ હતો, ખતમ થયો, મહેલ સપનાની જેમ ઉડી ગયો. પણ સંજોગોની આ વિષમતામાં અહીં ‘સંમતિથી’ શબ્દ પ્રયોજી કવયિત્રીએ સમજણના સાત સાત કોઠાને ખોલી આપ્યા છે. દર્દના સૂરને સુંદર રીતે અવગણી દીધો છે. સાથ છૂટ્યાનું દુઃખ કોને ન હોય? પણ…ન તો ગમને ઘૂંટ્યો છે કે ન કશા આક્ષેપો, ફરિયાદો કે વિષાદનો દરિયો વહાવ્યો છે. બસ, સંજોગોની સ્વીકૃતિ કરી લીધી છે, સમજૂતી જોડી દીધી છે.
વાહ.. જે ભીતર છે તે તો કહ્યા વિના જ કહી દીધું છે એ જ તો કલમની કારીગીરી છે ને? ગીતને અનુરૂપ ગતિ, લયબદ્ધતા, યોગ્ય શબ્દગૂંથણી પણ એમાં ઉમેરો કરે છે.
મનની અનોખી મોસમ છલકાવતું આ મઝાનું મખમલી છતાં વિરહી ગીત અંજના ગોસ્વામીના ઉપનામ ‘અંજુમ આનંદ’ જેવું ભાવક હ્રદયમાં ટમટમે છે, ઝગમગે છે.
અસ્તુ.
દેવિકા ધ્રુવ
દેવિકા ધ્રુવ : http://devikadhruva.wordpress.com | ddhruva1948@yahoo.com
-
(૧૧૮) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૬૪ (આંશિક ભાગ –૧)
કોઈ દિન ગર જ઼િંદગાની ઔર હૈ
(શેર ૧ થી ૩)
મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)કોઈ દિન ગર જ઼િંદગાની ઔર હૈ
અપને જી મેં હમ ને ઠાની ઔર હૈ (૧)[જ઼િંદગાની= જીવનકાળ; જી= ચિત્ત, મન; ઠાની= નિશ્ચય કરી લેવો; ઔર= બીજું, વધારે]
રસદર્શન :
આ એક ટૂંકી, પણ સરસ મજાની ગ઼ઝલ છે. આ શેરમાં રસપ્રદ મુદ્દો ગ઼ઝલના રદીફ ‘ઔર હૈ’માં સમાવિષ્ટ છે. બોલચાલની ભાષામાં અધિક વપરાતા આ શબ્દના પાતળી ભેદરેખા ધરાવતા અર્થ ‘વધારે’,‘બીજું’ ઉપરાંત ‘જુદું જ’ કે ‘અન્ય કંઈક’ એવા અર્થ પણ મળે છે. ગ઼ાલિબ આ ‘ઔર’ શબ્દને ગ઼ઝલના દરેક શેરમાં એવી રીતે રમાડે છે કે આપણને આખીય ગ઼ઝલમાં અનન્ય લુત્ફ માણવા મળે છે. સાવ સરળ લાગતા આ શેરમાં ગ઼ાલિબે ઠાંસી ઠાંસીને અર્થભાવ ભર્યો છે. માનવજીવન સરળ નહિ, પણ સંકુલ છે. કોઈ વખતે માનવજીવન કંઈક ઔર હોય, પણ આપણે આપણા મનમાં તો કોઈ જુદો જ નિશ્ચય કે વિચાર કરી બેઠેલા હોઈએ છીએ કે આપણું જીવન તો કંઈક આવું જ હોવું જોઈએ. કહેવાય પણ છે ને કે જીવનના બધા દિવસો એક સરખા હોતા નથી, અર્થાત્ માનવી પોતાની પસંદગી મુજબનું જીવન જીવી શકે એવું હંમેશાં બનતું નથી હોતું. આ શેર પરલક્ષી છે, કેમ કે ગ઼ાલિબ પોતાના જ જીવનની વાત નથી કરતા; પરંતુ સૌ કોઈના જીવન વિષેની વાત જણાવે છે જે આપણને ‘અપને’ શબ્દથી સમજાય છે. અહીં એક બાબત નોંધનીય છે કે આ પ્રથમ શેર તો માનવજીવનને જ સ્પર્શે છે, પણ આગામી શેરમાં સંભવ છે કે આ આખીય ગ઼ઝલ કદાચને માશૂકાને અનુલક્ષીને પણ લખાઈ હોય!
આતિશ–એ–દોજ઼ખ઼ મેં યે ગર્મી કહાઁ
સોજ઼–એ–ગ઼મ–હા–એ–નિહાની ઔર હૈ (૨)[આતિશ-એ-દોજ઼ખ઼= દોઝખની આગ; સોજ઼-એ-ગ઼મ-હા-એ-નિહાની= છૂપાં દર્દોની બળતરા-વેદના]
રસદર્શન :
ધર્મશાસ્ત્રોમાં મૃત્યુ પછીના જીવનની કલ્પના કરવામાં આવી છે. મૃત્યુ પછી પુણ્યશાળી જીવોને સ્વર્ગ કે જન્નત મળે છે અને પાપી જીવોને નર્ક કે દોઝખની યાતના વેઠવી પડતી હોય છે. જન્નતનું સુખ કે દોઝખનો ત્રાસ શાશ્વત હોય છે. આટલું સમજી લીધા પછી આપણે શેર ઉપર આવીએ. દોઝખની ભડભડતી આગમાં અસહ્ય ગરમી હોય છે, પરંતુ ગ઼ાલિબ શેરના પ્રથમ ઉલા મિસરામાં એ ગરમીને અલ્પોક્તિમાં ‘કહાઁ’ શબ્દ થકી ઓછી ગણાવે છે. દોઝખની આગ કરતાં પણ વધારે દાહક તો છૂપાં દર્દોની બળતરા કે વેદના હોય છે. અહીં છૂપાં દર્દોનો અર્થ એમ લેવાનો છે કે એ દર્દો સહી પણ ન શકાય અને કોઈને કહી પણ ન શકાય. પહેલા શેરમાં મેં છેલ્લે ઈશારો કર્યો હતો કે આખી ગ઼ઝલ કદાચ ને માશૂકાને અનુલક્ષીને પણ હોય! અહીં પ્રત્યક્ષ રીતે માશૂકાનો કોઈ ઉલ્લેખ તો નથી, પણ છૂપા દર્દ તરીકે માશૂકાના વિરહને સમજી શકાય છે. આમ વિરહના દુ:ખની બળતરા એવી તો જલદ છે કે પેલી દોઝખની આગ તો કોઈ વિસાતમાં ન ગણાય. અહીં વ્યતિરેક અલંકાર બને છે, જ્યાં છૂપાં દર્દો (ઉપમેય)ને દોઝખની આગ (ઉપમાન) કરતાં ચડિયાતાં ગણાવ્યાં છે. અહીં રદીફમાંના ‘ઔર’નો ‘વધારે’ એવો અર્થ લેવાનો છે.
બાર–હા દેખી હૈં ઉન કી રંજિશેં
પર કુછ અબ કે સરગિરાની ઔર હૈ (૩)[બાર-હા= અનેક વાર, વારંવાર; રંજિશેં= દર્દ, દુ:ખ, ઉદાસી; સરગિરાની= રોષ, નારાજગી, અપ્રસન્નતા]
રસદર્શન :
ગ઼ઝલના આ ત્રીજા શેરમાં માશૂકાનો જિક્ર સ્પષ્ટ રૂપે જાણવા મળે છે. વળી માશૂક અને માશૂકાનાં દિલ (હૃદય) ભલે ભિન્ન હોય, પણ ધડકન તો એક સમાન જ હોવાની; અને તેથી જ તો ઉભય એકબીજાના હર્ષ કે ગમગીનીને શબ્દોના સહારા વગર અનુભવી શકતાં હોય છે. અહીં માશૂકની માશૂકાનો મિજાજ પારખવાની શક્તિ કાબિલે દાદ છે અને તેથી જ તો માશૂક કહે છે કે મેં તેની ઉદાસીને તો અનેકવાર જોઈ છે, પણ આજે તો એ ઉદાસી કંઈક ઔર જ છે. બંને મિસરામાં વાત તો થાય છે માશૂકાની ઉદાસીની જ, પણ તેની માત્રામાં ભિન્નતા છે. દરરોજ માશૂકાના ચહેરા ઉપર જોવામાં આવતી ઉદાસી તો સામાન્ય પ્રકારની રહેતી, પણ હાલ તો કંઈક વિશેષ માત્રામાં હોવાનું જણાઈ આવે છે.
ક્રમશ: ૨
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
-
હથિયારોની હોડ, સંરક્ષણ ખર્ચમાં વૃધ્ધિ અને વિશ્વશાંતિ
નિસબત
ચંદુ મહેરિયા
મહાવીર અને ગાંધીજીની અહિંસાનો દેશ ભારત આજે સંરક્ષણ ખર્ચની બાબતમાં દુનિયામાં ત્રીજું સ્થાન ધરાવે છે ! તેનું એક કારણ તો ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશી છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ‘ રિપોર્ટ ઓન ટ્રેન્ડસ ઈન ગ્લોબલ મિલિટરી એક્સપેન્ડિચર, ૨૦૨૨ ‘ મુજબ ૨૦૨૧માં વિશ્વનો સંરક્ષણ ખર્ચ અધધધ ૨.૧ ટ્રિલિયન અમેરિકી ડોલર હતો. ૮૦૧ બિલિયન અમેરિકી ડોલરના સંરક્ષણ ખર્ચ સાથે વિશ્વમાં અમેરિકા પહેલા નંબરે હતું. વિશ્વના ટોપ ટેન દેશોમાં અમેરિકા, ચીન, ભારત, બ્રિટન, રશિયા, ફ્રાંસ, જર્મની, સાઉદી અરેબિયા, જાપાન અને દક્ષિણ કોરિયા છે. બીજા ક્રમના દેશ ચીનનું રક્ષા ખર્ચ ૨૯૨ બિલિયન ડોલર હતું. તો તેના કરતાં લગભગ ચોથા ભાગના સંરક્ષણ ખર્ચ (૭૬.૬ બિલિયન ડોલર) સાથે ભારત ત્રીજા નંબરે હતો. દસમા ક્રમના દક્ષિણ કોરિયાના સંરક્ષણ ખર્ચ ૫૦.૨ બિલિયન ડોલર અને પ્રથમ ક્રમના અમેરિકાના ૮૦૧ બિલિયન ડોલર વચ્ચે ૭૫૦.૮ બિલિયન ડોલરનો તફાવત છે.
વિશ્વશાંતિ, વસુધૈવ કુટુંબકમ અને યુધ્ધ નહીં બુધ્ધ સહીની ભાવના છતાં હથિયારોની હોડ અને સંરક્ષણ ખર્ચમાં વધારો યથાવત છે. રશિયા-યુક્રેન યુધ્ધ આપણને તુરત સાંભરે છે પરંતુ ૨૦૨૩માં દુનિયામાં નાનામોટા ચાળીસેક યુધ્ધો ચાલે છે. વર્તમાન યુધ્ધમાં યુક્રેન જાનમાલની દ્રષ્ટિએ તો તબાહ થઈ જ રહ્યું છે, આર્થિક રીતે પણ તબાહ થઈ રહ્યું છે. અમેરિકાસહિતના ‘નાટો’ દેશો પ્રચ્છન રીતે યુક્રેનની તરફે રશિયા સામે લડે છે પરંતુ મોટું નુકસાન તો યુક્રેનનું જ છે. ચાલુ નાણાકીય વરસમાં યુક્રેન ૩૦ અબજ ડોલરનું સંરક્ષણ ખર્ચ કરવાનું છે. જે તેના કુલ બજેટનો ૪૪ ટકા હિસ્સો છે. રશિયાએ ગત વરસે જીડીપીનો ૩.૫ ટકા ખર્ચ કર્યો હતો. આ વરસે તેણે જીડીપીના ૪.૧ ટકા ફાળવ્યા છે. એટલે હિંસા અને યુધ્ધ કેટલાં મોંઘા છે અને અહિંસા તથા વિશ્વશાંતિ કેટલાં જરૂરી છે તે ન સમજાય કે ઉકેલાય તેવો કોયડો તો નથી જ.
કોઈ પણ દેશ તેની સરહદોને સુરક્ષિત રાખવા જરૂરી સંરક્ષણ ખર્ચ કરે કે સૈન્ય રાખે તે સ્વાભાવિક ગણાય. પરંતુ કેટલાક દેશો જગત જમાદારી, હથિયારોનું વેચાણ અને વિસ્તારવાદ કરવા કે સૈન્ય મહાસત્તા બનવાની સ્પર્ધામાં મસમોટો ખર્ચ કરે છે કે સૈન્ય રાખે છે. તેઓ જ દુનિયામાં અશાંતિ અને તણાવ સર્જી પોતાનો રોટલો સેકતા હોય છે. રક્ષા ખર્ચમાં મોખરાના દસ દેશોમાં ચીન અને ભારતને બાદ કરતાં બાકીના સાત દેશોનો ખર્ચ અમેરિકાથી અડધો છે. આ જ અમેરિકા હથિયારો અને સંરક્ષણ સાધનોની નિકાસમાં પણ પ્રથમ ક્રમે છે. દુનિયાના ૯૬ દેશોને અમેરિકા હથિયારો વેચે છે. અને સંરક્ષણ હથિયારોની નિકાસમાં તેનો હિસ્સો સૌથી વધુ, ૪૦ ટકા, છે. આ હકીકત નજરઅંદાજ થવી ના જોઈએ.
ગત વર્ષ કરતાં તેર ટકાની વૃધ્ધિ સાથે વર્તમાન વર્ષનું ભારતનું સંરક્ષણ બજેટ ૫.૯૪ લાખ કરોડનું છે. જે દેશના કુલ બજેટનો ૧૩.૩૧ ટકા હિસ્સો છે તો દેશના જીડીપીનો ૨.૯ ટકા છે. તાજેતરમાં સૈન્ય માટે ૭૦,૫૦૦ કરોડના હથિયારો અને લશ્કરી શસ્ત્રસરંજામની ખરીદીની સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી છે. તો હાલના બજેટમાં તોપ થી લઈને મિસાઈલ્સ જેવા નવા હથિયારો, હેલિકોપ્ટર, ડ્રોન, એન્ટી ટેન્ક મિસાઈલ્સ, ફાઈટર જેટસ, સબમરીન્સ,અત્યાધુનિક વેપન્સ સિસ્ટમ ખરીદવા ૧.૬૨ લાખ કરોડની ફાળવણી કરી છે. ભારતે સ્વદેશી સૈન્ય હથિયાર વિકસિત કર્યા છે. તેમ છતાં મુખ્યત્વે તો તે સંરક્ષણ સાધનોની આયાત જ કરે છે. દુનિયાના કુલ સૈન્ય હથિયારોની આયાતમાં ભારતનો હિસ્સો ૧૧ ટકાનો છે. ભારત તેના ૪૫ ટકા રક્ષા સાધનો મિત્ર દેશ રશિયા પાસેથી ખરીદે છે. તે પછીના ક્રમે ફ્રાન્સ, અમેરિકા, ઈઝરાયેલ, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકા પાસેથી લશ્કરી શસ્ત્રો ખરીદે છે.
બાહ્ય સુરક્ષાના નામે કે કારણે દુનિયામાં હથિયારોની હોડ મચેલી છે. જી-૨૦ના દેશો રક્ષા સાધનોના ઉત્પાદનની ઘરેલુ ઔધ્યોગિક ક્ષમતા ધરાવે છે. એટલે મોટા વીસ શસ્ત્ર નિકાસકારોમાં જી-૨૦ના બાર દેશો છે. દુનિયાની કુલ શસ્ત્ર ખરીદીમાં બાર ટકા સાઉદી અરબે ખરીધ્યા છે. અમેરિકાના અડધોઅડધ લશ્કરી હથિયારો પશ્ચિમ એશિયામાં વેચાય છે અને આ અડધામાં અડધા એકલું સઉદીઅરબ ખરીદે છે. એશિયામાં સાઉદી પછીનો આયાતકાર દેશ ભારત છે.
ભારતની સરકારી કંપનીઓ વિશ્વસ્તરના સંરક્ષણ સાધનો બનાવે છે. ૨૦૨૨માં સરકારે ૧૫૬ રક્ષા સાધનો મિત્ર દેશોને વેચવાની પરવાનગી પણ આપી હતી. જોકે પાંચમી મોટી અર્થવ્યવસ્થા છતાં સૈન્ય સાધનોની નિકાસમાં ભારતનું પ્રદાન ૦.૨ ટકા જ છે. હવે ભારત વિશ્વનો ચોવીસમો લશ્કરી હથિયારોની નિકાસકર્તા દેશ તો બન્યો છે ખરો પણ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની અને ચીન જેવા મોટા નિકાસકાર દેશોની તુલનામાં ભારતની નિકાસ નગણ્ય છે. બુધ્ધની કરુણા અને ગાંધી-મહાવીરની અહિંસાને હડસેલીને વિશ્વગુરુ ભારત પણ હવે સૈન્ય સાધનોનો ઉત્પાદક અને નિકાસકાર છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી પ્રમાણે ૨૦૧૫-૧૬ માં ભારતે રૂ.૧૯૪૧ કરોડના સૈન્ય સાધનોની નિકાસ કરી હતી. પાંચ વરસે ૨૦૨૧-૨૨માં વધીને તે રૂ. ૧૧,૬૦૭ કરોડની થઈ છે.
દુનિયાનું ત્રીજા ક્રમનું સૈન્ય ખર્ચ કરતું ભારત ત્રીજા ક્રમનું લશ્કર પણ ધરાવે છે. સૌથી વધુ ૨૩.૩૩ લાખની સક્રિય સૈનિક સંખ્યા સાથે ચીન પ્રથમ છે, ૧૪ લાખ સાથે અમેરિકા દ્વિતીય અને ૧૩.૨૫ લાખ સાથે ભારત તૃતીય ક્રમે છે. નાટો દેશોએ તેના સભ્ય દેશો માટે જીડીપીના ૨ ટકા વાર્ષિક સંરક્ષણ ખર્ચ ફરજિયાતપણે કરવાની શરત રાખી છે. અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાનું સૈન્ય ખર્ચ વૈશ્વિક સૈન્ય ખર્ચના ૬૨ ટકા છે. આખી દુનિયાના સૈન્ય બજેટનો ૩૮ ટકા હિસ્સો એકલા અમેરિકાનો છે. કોરોના મહામારી કે તે પછીના વરસની આર્થિક મંદીએ પણ સૈન્ય ખર્ચમાં ઘટાડો થવા દીધો નથી. આર્થિક તંગહાલીની હાલતમાં પાકિસ્તાન સરકાર આઈએમએફની લોન માટે લશ્કરી ખર્ચમાં કાપની માંગ સ્વીકારે તે પાકિસ્તાનના સૈન્યને મંજૂર નથી. તેથી સરહદી સુરક્ષા કરતાં બીજા પરિબળો પણ સંરક્ષણ ખર્ચ અને સૈન્ય મહાસત્તા ગણાવા બાબતમાં જવાબદાર હોઈ શકે છે.
સરહદો સળગતી હોય તો શાંતિના જાપ ના ચાલે તેમ ગજા બહારનો સૈન્ય ખર્ચ પણ ના પરવડે. રશિયા તેના સૈન્ય ખર્ચમાં સતત ઘટાડો કરતું હતું. ૨૦૦૬થી સંરક્ષણ ખર્ચમાં ટોચના પાંચ દેશોમાં તેનું સ્થાન હતું તે ૨૦૧૬માં ગુમાવ્યું તેની પણ પરવા કરી નહોતી. હવે યુક્રેન સાથેના યુધ્ધે બાજી પલટી નાંખી છે. જર્મનીના વધતા સૈન્ય ખર્ચને તેના બહુમતી નાગરિકોનું સમર્થન નથી. સંરક્ષણ બજેટ નિર્ધારિત કરતી વેળા દેશની પ્રાથમિક જરૂરિયાતોની અવગણના ના થાય તેનો ખ્યાલા રાખવો પડશે. નાગરિકોની શિક્ષણ, આરોગ્ય, પાણી જેવી મૂળભૂત સગવડોને બાજુએ મૂકી સૈન્ય ખર્ચમાં વધારો દુશ્મન દેશના સૈનિકોની નહીં ખુદના નાગરિકોની હત્યા છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
પુરાણ – રચનાનો સમય – વણી લેવાયેલા વિષયો
રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ
પુરાણની રચનાનો સમય:-
1. વિષ્ણુ પુરાણ– અંદાજે ઇ.સ બીજી સદી પૂર્વે – ૨૫,૦૦૦ શ્લોક
2. મત્સ્ય પુરાણ – અંદાજે ઇ.સ ચોથી સદી -૧૪,૦૦૦ શ્લોક
3. કૂર્મ પુરાણ – અંદાજે ઇ.સ છઠ્ઠી થી સાતમી સદી – ૧૮,૦૦૦ શ્લોક
4. વરાહ પુરાણ – અંદાજે ઇ.સ નવમી થી દશમી સદી -૨૪,૦૦૦ શ્લોક
5. ભાગવત પુરાણ – અંદાજે ચોથી સદીનાં પૂર્વાર્ધમાં શરૂઆત -૧૮,૦૦૦ શ્લોક
6. ગરુડ પુરાણ – અંદાજે ઇ.સ નવમી સદી -૧૯,૦૦૦ શ્લોક
7. વામન પુરાણ – અંદાજે ઇ.સ છઠ્ઠી થી નવમી સદી વચ્ચે -૧૦,૦૦૦ શ્લોક
8. બ્રહ્માંડ પુરાણ – અંદાજે ઇ.સ પાંચમી સદી થી છઠ્ઠી સદી વચ્ચે – ૧૨,૦૦૦ શ્લોક
9. ભવિષ્ય પુરાણ – અંદાજે ઇ.સ દશમી સદીનાં અંતમાં -૮૧,૧૦૦ શ્લોક
10. શિવ પુરાણ – અંદાજે ઇ.સ વિવિધ મત અનુસાર ચોથી થી તેરમી સદી વચ્ચે -૨૪,૦૦૦ શ્લોક
11. લિંગ પુરાણ – અંદાજે ઇ.સ આઠમી થી નવમી સદી વચ્ચે -૧૧,૦૦૦ શ્લોક
12. અગ્નિ પુરાણ – અંદાજે ઇ.સ સાતમી થી નવમી સદી વચ્ચે -૧૫,૦૦૦ શ્લોક
13. સ્કંદ પુરાણ – અંદાજે ઇ.સ સાતમી થી આઠમી સદી વચ્ચે – ૭૧,૦૦૦ શ્લોક
14. માર્ક્ન્ડેય પુરાણ – અંદાજે ઇ.સ ચોથી થી છઠ્ઠી સદી વચ્ચે -૧૮,૦૦૦ શ્લોક
15. નારદ પુરાણ – અંદાજે ઇ.સ સાતમી થી દશમી સદી વચ્ચે -૨૫,૦૦૦ શ્લોક
16. બ્રહ્મ પુરાણ – અંદાજે ઇ.સ તેરમી સદી – ૧૦૦૦ શ્લોક
17. બ્રહ્મવૈવર્તક પુરાણ – અંદાજે ઇ.સ પંદરમી સદી -૧૪,૫૦૦ શ્લોક
18. પદ્મ પુરાણ – અંદાજે ૧૬ મી સદી પછી -૫૫,૦૦૦ શ્લોક
પુરાણોમાં વણી લેવાયેલા વિષયો:-
1. વિષ્ણુ પુરાણ:- આ ગ્રંથમાં ભગવાન વિષ્ણુ, મહારાજ ધ્રુવ, કૃષ્ણાવતારની કથાઓ તેમજ સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનો ઈતિહાસ છે. ભારતની ઓળખ કેટલી જૂની છે તે દર્શાવવા માટે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે;a. उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।
वर्षं तद भारतं नाम भारती यत्र सन्ततिः।
b. અર્થ:- જેનાં ભૌગોલિક ક્ષેત્રમાં નગાધિરાજ હિમાલય તથા દક્ષિણમાં મહાસાગર છે તે દેશ ભારત છે આ દેશમાં વસનારા લોકો ભારત દેશના જ સંતાન હોઈ ભારતીય છે ) આ કથનથી આપણી ભારતીયોની ઓળખ સ્પષ્ટ થાય છે.c. વિષ્ણુપુરાણ અનુસાર જેને જેને વ્યાસની ઉપાધિ મળી છે તેમનાં નામો.
1 – બ્રહ્માજી
2 – પ્રજાપતિ બ્રહ્મા
3 – ગુરુ શુક્રાચાર્ય
4 – ગુરુ બૃહસ્પતિ
5 – સૂર્ય
6 – યમ
7 – ઇન્દ્ર
8 – વશિષ્ઠ
9 – સારસ્વત
10 – ત્રિધામા
11 – ત્રિશિખ
12 – ભરદ્વાજ
13 અંતરિક્ષ
14 વર્ણી
15 ત્રપ્યારુણ
16 ધનંજય
17 ઋતુંજય -મેધાતિથી
18 જય -વ્રતી
19 ભારદ્વાજ -પરશુરામ
20 ગૌતમ
21 હર્યાત્મા
22 વાજશ્રવા
23 સોમશુષ્માયણ તૃણબિંદુ
24 ભાર્ગવ ઋષિ -વાલ્મીકિ
25 શક્તિ
26 પરાશર
27 જાતુકર્ણ
28 પરાશરપુત્ર કૃષ્ણદ્વૈપાયન
2. મત્સ્ય પુરાણ:- આ ગ્રંથમાં મત્સ્ય અવતારની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ, સૌર મંડળના બધા ગ્રહો, ચાર યુગો તથા ચંદ્રવશી રાજાઓનો ઈતિહાસ વર્ણિત છે.3. કૂર્મ પુરાણ:- આ પુરાણમાં ચારો વેદોનો પરિચય સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવ્યો છે તેમજ સાગર મંથનની કથાનું વિસ્તારપૂર્વક વર્ણન કરતાં બ્રહ્મા, શિવ, વિષ્ણુ, પૃથ્વી, ગંગાજીનું પ્રાગટ્ય, ચારેય યુગો, માનવજીવનના ચાર આશ્રમ ધર્મોનું વર્ણન જોવા મળે છે.4. વરાહ પુરાણ:- આ ગ્રંથમાં વરાહ અવતારની કથા સિવાય સૃષ્ટિના વિકાસ, સ્વર્ગ, પાતાળ, શ્રાદ્ધ પદ્ધતિ, સૂર્યના ઉત્તરાયણ તથા દક્ષિણાયન વિચરણ, અમાસ અને પૂનમ થવાના કારણોનું વર્ણન છે.5. ભાગવત પુરાણ:- આ ગ્રંથમાં ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્યની મહાનતાને દર્શાવવામાં આવી છે. વિષ્ણુ અને કૃષ્ણાવતારની કથાઓ સિવાય મહાભારત કાળ પહેલાના અનેક રાજાઓ, ઋષિ મુનિઓ તથા અસુરોની કથાઓ પણ છે. તદ્પરાંત શ્રીકૃષ્ણના દેહત્યાગ, યદુવંશીઓનો નાશ તેમજ દ્વારિકા નગરી શા માટે જળમગ્ન થઇ તે વિશેનો ઇતિહાસ જોવા મળે છે.6. ગરુડ પુરાણ:- આ ગ્રંથમાં મૃત્યુ પછીની જીવને મળતા પ્રેત લોક, યમ લોક, સ્વર્ગ લોક, નરક તથા ૮૪ યોનીઓના જીવન વગેરે વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. સાધારણ લોકો આ ગ્રંથને વાંચતા ખચકાય છે કારણ કે આ ગ્રંથમાં કોઈ પરિચિતના મૃત્યુ પછી વાંચવામાં આવે છે. આ ઉપરાંત મૃતક જીવ જે કર્મો અનુસાર વૈતરણી નદી પાર કરે છે વગેરેની વાત કહેવામાં આવી છે તથા મૃત્યુ પછી પુનર્જન્મ થાય ત્યારે ગર્ભમાં સ્થિત ભ્રૂણની સ્થિતિ શું હોય છે તે વિષેની સાંકેતિક વાત પણ કહેવામાં આવી છે.7. વામન પુરાણ:- આ પુરાણમાં વામન અવતારની કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે. આ સિવાય આ ગ્રંથમાં જમ્બૂદ્વીપ તથા અન્ય સાત દ્વીપોની ઉત્પત્તિ, પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ, મહત્વના પર્વતો, નદીઓ તથા ભારતના ખંડોનો ઉલ્લેખ છે.8. બ્રહ્માંડ પુરાણ:- આ પુરાણમાં બ્રહ્માંડમાં રહેલા ગ્રહો અને સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી લઈને અત્યાર સુધી જે સાત મનોવન્તર (કાળ) વીતી ચૂક્યા છે તેનું વિસ્તૃત વર્ણન છે. આ ઉપરાંત ભગવાન પરશુરામની કથા પણ આ પુરાણમાં આપવામાં આવી છે.9. ભવિષ્ય પુરાણ:- આ ગ્રંથમાં સૂર્યનું મહત્વ, વર્ષના ૧૨ મહિનાનું નિર્માણ, ભારતના સમાજિક, ધાર્મિક તથા શૈક્ષણિક વિધાનો વગેરે ઉપર વાર્તાલાપ છે. તે ઉપરાંત આ પુરાણમાં સાપોની ઓળખ, ઝેર તથા વિષદંશ સંબંધી જાણકારી આપવામાં આવી છે. ભગવાન સત્યનારાયણની કથાનો પ્રારંભ પણ આ જ પુરાણથી થયેલો.10. શિવ પુરાણ:- આ ગ્રંથને વાયુ પુરાણ પણ કહે છે. આ ગ્રંથમાં ભગવાન શિવ તથા તેમના સાથે સંબંધિત ઘટનાઓને દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત આ ગ્રંથમાં કૈલાસ પર્વત, શિવલિંગ, રુદ્રાક્ષનું વર્ણન અને મહત્વ, સપ્તાહના દિવસોના નામોની રચના, સતી અને તેનાં પિતા પ્રજાપતિ બ્રહ્મા તથા કામ ઉપર વિજય પ્રાપ્ત કરવા સાથે સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે.11. લિંગ પુરાણ:- આ ગ્રંથમાં સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ખગોળીય કાળમાં યુગ કેવો હતો, કલ્પ કોને કહેવાય, અઘોર મંત્રો અને અઘોર વિદ્યા શું છે વગેરે વિષેનું વર્ણન જોવા મળે છે.12. અગ્નિ પુરાણ:- આ પુરાણમાં ધનુર્વેદ, ગાંધર્વ વેદ, આયુર્વેદ શું છે તે વિષે વિસ્તૃતતાથી બતાવવામાં આવ્યું છે. આ સિવાય આ ગ્રંથમાં મત્સ્યઅવતાર, રામાયણ તથા મહાભારતની સંક્ષિપ્ત કથાઓ પણ છે.13. સ્કંદ પુરાણ:- આ પુરાણમાં ૨૭ નક્ષત્રો, નદીઓ, ચંદ્ર -તારા અને તેમનાં પુત્ર બુધ્ધની ઉત્પતિનો ઇતિહાસ, પૂર્વ ભારતનાં અરુણાચલ પ્રદેશનું સૌંદર્ય, ૧૨ જ્યોતિર્લિંગો, સહ્યાદ્રી પર્વતની શૃંખલા, કન્યાકુમારીનો ઉલ્લેખ તથા ગંગા અવતરણ વિષે જોવા મળે છે.14. માર્ક્ન્ડેય પુરાણ:- અન્ય પુરાણોની અપેક્ષાએ આ નાનુ પુરાણ છે. આ પુરાણમાં ઋષિ માર્કન્ડેય તથા ઋષિ જૈમિનીની વચ્ચે સામાજિક ન્યાય અને યોગ શું છે તે વિષે વાર્તાલાપ થયેલો છે. આ સિવાય ભગવતી દુર્ગા તથા ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કથાઓ પણ છે.15. નારદ પુરાણ:- આ ગ્રંથમાં બધા ૧૮ પુરાણોનાં સાર સાથે મંત્ર, મૃત્યુ પછીના ક્રમ, સંગીતના સાત સ્વરો, સપ્તકના મન્દ્ર, મધ્ય તથા તાર સ્થાનો, મૂર્છનાઓ, શુદ્ધ તથા કૂટ, તાનો અને સ્વરમંડળનું જ્ઞાન વગેરે વિષે બતાવેલ છે.16. બ્રહ્મ પુરાણ:- આ ગ્રંથમાં બ્રહ્માની મહાનતા સિવાય સૃષ્ટિની ઉત્પત્તિ, ગંગા અવતરણ, રામાયણ અને કૃષ્ણાવતારની કથાઓ છે. આ ઉપરાંત આ ગ્રંથથી સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને સિન્ધુ ઘાટી સભ્યતા સુધી કોઈને કોઈ જાણકારી પ્રાપ્ત થાય છે.17. બ્રહ્મવૈવર્તક પુરાણ:- આ ગ્રંથમાં બ્રહ્મા, ગણેશ, તુલસી, સાવિત્રી, સરસ્વતી તથા કૃષ્ણ સાથે જોડાયેલી કથાઓ છે. આ ઉપરાંત આ પુરાણમાં આયુર્વેદ સંબંધી જ્ઞાન વિષે પણ છણાવટ કરવામાં આવી છે.18. પદ્મ પુરાણ:- આ ગ્રંથ સૃષ્ટિખંડ, સ્વર્ગખંડ, ઉત્તરખંડ, ભૂમિખંડ તથા પાતાળખંડ એમ પાંચ ખંડોમાં વહોંચાયેલો છે. જેમાં પૃથ્વી, આકાશ, નક્ષત્રોની ઉત્પત્તિ, પર્વતો, નદીઓ, શકુન્તલા દુષ્યંતથી લઈને ભગવાન રામનાં પૂર્વજોનો ઈતિહાસ છે.
ક્રમશઃ
-
એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ …. મેમ્વાર : પ્રતિભાનો ગુલદસ્તો !
હરેશ ધોળકિયા
એક જગ્યાએ લખ્યું છે કે મોટા લોકો વિશે સાંભળવું પણ એક મહત્વની બાબત છે. પણ તેના સમયમાં જીવવું એ વધારે ઉતમ ઘટના છે. તેમાં પણ જો એ મોટા લોકો સાથે સંપર્ક થાય તો તો તેને અદભુત બાબત જ ગણી શકાય. જે લોકો આ મોટા લોકોના સમયમાં જીવ્યા હોય કે તેમના સાથે રહ્યા હોય, તેઓ ખરેખર સદભાગી હોય છે. કલ્પના કરો કે બુધ્ધ, મહાવીર, શંકર, ગાંધી, શ્રી અરવિંદ કે મહર્ષિ રમણ સાથે રહ્યા હશે તેઓ કેટલા સદભાગી હશે ! આ બધાનાં સુગંધી વ્યકિતત્વો તેમનાં વ્યકિતત્વને કેવા ઉચ્ચ સ્તરે લઈ ગયાં હશે ?પણ જરુરી નથી કે માત્ર વિશ્વવિખ્યાત લોકો સાથે રહેવું જ નસીબવતું છે. આવા લોકો તો યુગોમાં કયારેક થતા હોય છે. પણ પ્રતિભાશાળી લોકો તો દરેક સમયમાં અને દરેક ક્ષેત્રમાં થતા હોય છે. આવા લોકો સાથે પણ સંપર્ક રહે તો પણ ધન્યતાનો અનુભવ થાય છે. આમ તો ઘણાને આવી ધન્યતાનો અનુભવ થતો હોય છે, પણ બહુ ઓછા તે વ્યકત કરતા હોય છે. પણ જયારે આ અભિવ્યકિત સાંભળવા કે વાંચવા મળે છે, ત્યારે વાચકને પણ, ભલે ઝાંખો, પણ એવો જ ધન્યતાનો અનુભવ થાય છે.
તાજેતરમાં આવું પ્રતિભાશાળી લોકો સાથેના સંસ્મરણોના અનુભવનું એક પુસ્તક હાથમાં આવ્યું. લખનાર પોતે પણ એક અત્યંત પ્રતિભાશાળી વ્યકિત છે. આજે પણ છે. આપણે તેને ઓળખીએ પણ છીએ. તે એક ઉતમ સાહિત્યકાર છે, કવિ છે, ફિલ્મ દિગ્દર્શક છે, ફિલ્મની વાર્તાઓ લખે છે. આજે તે નવમા દાયકામાં જીવે છે, છતાં એટલા જ સક્રિય છે. ખ્યાલ તો આવી ગયો હશે, છતાં કહું તો તેમનું નામ “ગુલઝાર” છે. કેટકેટલી ઉતમ ફિલ્મો તેમણે બનાવી છે ! આજે પણ બનાવે છે. ઉતમ સંવેદનશીલ કાવ્યો સાથે ” બીડી જલાઈકે” જેવાં ફિલ્મી ગીતો પણ આરામથી લખે છે. અનેક ભાષાઓમાં પણ લખે છે. તેમનાં અનેક પુસ્તકો છે. પણ હમણાં તેમનું એક નવું પુસ્તક પ્રકાશિત થયું છે. અંગ્રેજીમાં. નામ છે ‘ એકચ્યુઅલી…..આઈ મેટ ધૈમઃ એ મેમ્વાર.” એટલે કે ‘ હું તે બધાને ખરેખર મળ્યો છુંઃ સંસ્મરણો.” ફિલ્મ જગતમાં આવ્યા પછી જેમના જેમના સાથે તેમનો સંપર્ક થયો છે, તે બધામાંથી કેટલાક ઉતમ ફિલ્મકારો સાથેનાં સ્મરણો છે. આમ પણ આત્મકથા, ચરિત્ર કે સંસ્મરણો વાંચવાનો એક વિશિષ્ટ લહાવો છે. એવું જ એક વિશિષ્ટ સંસ્મરણોનું આ પુસ્તક છે.પુસ્તકનો સ્થૂળ પરિચય કરીએ તો આ પુસ્તકમાં ગુલઝારના સંપર્કમાં રહેલી અઢાર વ્યકિતઓનાં સ્મરણો છે. અને આ વ્યકિતઓ કઈ છે ? બીમલ રોય, સલીલ ચૌધરી, હેમંતકુમાર, સત્યજીત રે, ઉતમ કુમાર, કિશોરકુમાર, આર.ડી.બર્મન, સંજીવકુમાર, ત્રદષિકેશ મુખર્જી, પંડિત રવિ શંકર, સમરેશ બસુ, બસુ ભટ્ટાચાર્ય, ત્રદત્વિક ઘટક, પંડિત ભીમસેન જોશી, ભહાશ્વેતાદેવી, સુચિત્રાસેન, તરુણ મજમુદાર અને શર્મીલા ટાગોર.ઈર્ષ્યા નથી આવતી આ નામો વાંચીને ? બધી અલબત ફિલ્મની જ વ્યકિતઓ છે. એક માત્ર મહાશ્વેતાદેવી સર્જક છે, પણ પણ ફિલ્મ સાથે સંકળાયેલા તો છે જ. આ દરેક સાથે ગુલઝારે કામ કયું છે. એમાંના કેટલાક તો તેમનાથી ઘણા સીનિયર છે. છતાં વિશ્વાસપૂર્વક તેમના સાથે કામ કર્યું છે. કેટલાક તો આજે પણ છે અને સાથે કામ પણ કરે છે.સંભવ છે, ઘણાને કેટલાક અજાણ્યા લાગવાના. કારણ એ છે કે તેઓ બંગાળી ફિલ્મ જગતના છે. નવી પેઢીને તો ઘણા અજાણ્યા લાગવાના. છતાં પણ તેમના સાથેનાં સ્મરણો વાંચશે તો એ બધાની પ્રતિભાનો ખ્યાલ આવશે. આ પુસ્તક વાંચવાનો હેતુ જ એ છે કે આ બધા કેવા પ્રતિભાશાળી હતા તેનો ખ્યાલ આવે. અથવા તો ફિલ્મ જગતમાં પણ કેવા કેવા પ્રતિભાશાળી લોકો હતા અને આજે પણ છે. મોટા ભાગના માને છે કે ફિલ્મ જગત અટલે છીછરા લોકોનો સમુહ. પૈસા, નાચગાન, ગમે તેમ જીવવું, બેફામ જીવન વગેરે ! પણ ના, આ લોકો પણ બીજા ક્ષેત્રના પ્રતિભાશાળીઓ જેમ જ પ્રતિભાશાળી છે. માટે જ આપણને દરેક ભાષામાં જે અનેક ઉતમ ફિલ્મો જોવા મળે છે, તે આ પ્રતિભાશાળી લોકોની મહેનત અને પ્રતિભાનું પરિણામ છે.પણ પુસ્તક વાંચવાની મજા એ છે કે આ લોકો વ્યકિતગત રીતે કેવા હતા તેનો તેમાંથી ખ્યાલ આવે છે. બધાની વાતો તો ન કરી શકાય, પણ થોડાનો પરિચય કરીએ.સલીલ ચૌધરી વિશે લખે છે, ” તેમની નજીક આવ્યો ત્યારે મને ખબર પડી કે આ વ્યકિત કેવી પ્રમાદી હતી ! તેને કેરમ રમવું ખૂબ પસંદ હતું. હમેશાં પીંગપોંગની ટેબલ પાસે જ જોવા મળે. પોતાના કામ સિવાય ગમે તે કરવાની તેયારી હોય. પણ જેવા હારમોનીયમ કે પીયાનોને સ્પર્શ કરે, તો પળમાંથી તેમાંથી જાણે અમૃતમય સંગીત પ્રગટવા લાગે. તેમના પાસે અનંત પ્રતિભા હતી. તેમના વિચારો નદી જેમ ધસમસતા વહેતા હોય. પુષ્કળ જીજિવિષા !ગુલઝાર શરુઆતમાં સંઘર્ષ કરતા ત્યારે તેમને ઘર લેવાની ઈચ્છા હતી, પણ તેમના પાસે પૈસા ન હતા. ગાયક હેમંતકુમારને આ ખબર પડી કે તરત તેમણે પોતાનો એક મિત્ર ઘર વેંચતો હતો તેને પૈસા ચૂકવી દીધા અને ગુલઝારને કહી દીધું કે તેના માટે ઘર ખરીદી લીધું હતું. ગુલઝાર મૂંઝાયા ત્યારે બોલ્યા, ” ચિંતા ન કર, તારા મહેનતાણામાંથી કાપી લઈશ.” પણ મૂળ વાત કે સાથે કામ કરનારાની ઝીણી ઝીણી ચિંતા !ગુલઝાર ‘મીરા’ ફિલ્મ બનાવવા માગતા હતા. તેનાં ગીતો લતા ગાય તેમ ઈચ્છતા હતા. પણ લતાએ કહ્યું કે તેણે મીરાંનાં ભજનો તેમના ભાઈ હૃદયનાથ સાથે મળી તૈયાર કર્યાં હતાં. આ ભજનો ફરી બીજા રાગમાં ગાવા માગતાં ન હતાં. ગુલઝાર મૂંઝાયા. આર.ડી.બર્મને તેમને મદદ કરવાની તેયારી બતાવી, પણ પછી કહ્યું કે તે જો આશા ભોંસલે પાસે ગવડાવશે તો લતાના કુટુંબમાં વિખવાદ થશે. એટલે તે પણ ખસી ગયા. છેવટે પંડિત રવિશંકર તૈયાર થયા. તે પણ લતા પાસે જ ગવડાવવા ઈચ્છતા હતા, પણ તે પણ લતાની વાત સમજયા. છેવટે તેમણે વાણી જયરામ પાસે ગવડાવ્યું. દરેક જણાએ દરેક જણાની સંવેદનશીલતાને સમજી.
સત્યજીત રે તો વૈશ્વિક વ્યકિતત્વ. તેમનો પરિચય ગુલઝાર આ શબ્દોમાં આપે છે ઃ ‘ સત્યજીત રેમાં એક અવર્ણનીય અપીલ હતી જે તેમનાં સમગ્ર વ્યકિતત્વને આવરી લેતી હતી. સિનેમા વિશેની સુપરનેચરલ સેન્સ, ફિલ્મ બનાવવાની અદભુત આવડત, અદભુત વ્યકિતત્વ, પુષ્કળ પ્રસિધ્ધિ, આત્યંતિક જાગૃતિ, છતાં બાળસહજ, પૂર્ણ કેન્દ્રિત-આ બધાનું તે એક અદભુત મિશ્રણ હતા. તેમનામાં એવું કશુંક હતું જેને સામાન્ય વ્યકિત તો સમજી પણ ન શકે.”કિશોરકુમારની છાપ તો હમેશ વિચિત્ર રહી છે. અને હતા પણ ખરા. આ વિશે ગુલઝાર શું કહે છે ? ” તેમનું આ પાગલપણું, બાળસહજ તોફાનો-કશું ખોટું ન હતું. તે એવા જ હતા. પણ તે એવા તો પ્રતિભાશાળી હતા કે તેમનાથી દૂર રહેવાની કલ્પના પણ અસહ્ય હતી. અને તેમનો અવાજ ! આહા, અપ્રતિમ દિવ્ય. પણ તેનાથી વધારે અદભુત હતું તેમનું મસ્તક, તેમની બુધ્ધિ. તે ગમે તેવું જીવન જીવતા હોય-રંગીન, પાગલપણાવાળું, પણ આ બધા વિશે તે પૂર્ણ સભાન હતા. તેમના પાગલપણામાં પણ તે સો ટકા સભાન હતા. લતા કહેતાં કે કિશોરકુમાર સાથે જુગલબંધી કરવી ડરામણી હતી, સંગીતકાર પણ ડરતા. પણ એક વાર તે માઈક પાસે ઊભે કે પળમાં તેમનું વ્યકિતત્વ બદલાઈ જાય. ગુલઝાર કહે છે કે એમ કહેવું ખોટું છે કે કિશોરદા વાસ્તવથી દૂર હતા. હકીકત એ હતી કે આપણી વાસ્તવિકતાથી તેમની વાસ્તવિકતા અલગ હતી. આપણે તે સમજી શકતા ન હતા. તે પોતાની વાસ્તવિક પ્રતિભા છૂપાવી જીવતા હતા. એટલે જ કદાચ અજ્ઞાનમાં આપણને તે પાગલ લાગતા હતા.આર.ડી. બર્મનની પ્રતિભાથી તો ગુલઝાર પોતે પણ પાગલ હતા. તેમની સંગીત પ્રત્યેની લગન, નાનામાં નાની વસ્તુનો સંગીતમાં અદભુત રીતે ઉપયોગ કરવો વગેરે તેમની વિશિષ્ટતા હતી. જરુર પડે તો સોડાની બાટલીમાંથી નીકળતો “છુ….” ઘ્વનિનો પણ તે સંગીતમાં ઉપયોગ કરતા. તે એટલા બધા સર્જનાત્મક હતા કે તેમના સંગીતને કોઈ બ્રાન્ડમાં ઢાળી નથી શકાતું. દર પળે તેમને નવું નવું સૂઝતું. તેમના સંગીતને પ્રયોગાત્મક સંગીત જ કહી શકાય.ત્રષિકેશ મુખર્જીની રમુજવૃતિ વિશે નોંધે છે ઃ તેમને કૂતરા ખૂબ ગમતા. તે તેમને માણસ જેમ જ રાખતા. એક વાર કોઈ તેમને મળવા ગયું. ત્યારે મુખર્જીએ નોકરને ચા લાવવાનું કહ્યું. પેલી વ્યકિતએ ચાની ના પાડી. ત્રદ્ષિકેશે તરત જવાબ આપ્યો, ” વાંધો નહીં. તમારા માટે નથી કહી. મારા કૂતરાને ચાનું વ્યસન છે. તે આ સમયે ચા પીએ છે. “પંડિત રવિશંકર અને ભીમસેન જોશી વિશે તો ગુલઝાર વિસ્તૃત રીતે લખે છે. બન્નેની પ્રતિભાને ઉતમ રીતે વ્યકત કરે છે. તે જ રીતે મહાશ્વેતાદેવીની સર્જકતાને પણ આદરપૂર્વક સલામ ભરે છે. આવાં મોટાં સર્જક પણ દિલીપકુમાર પાછળ એવાં તો પાગલ હતાં કે તેમની એક વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું નકકી થયું અને તેમના પાસે રજા માગી ત્યારે તેમને ખબર પડી કે એ ફિલ્મમાં દિલીપકુમાર હતા, તો તેમણે કોઈ પણ શરત વિના રજા આપી દીધી.દરેક વ્યકિતત્વને ગુલઝાર ખૂબ લાડથી યાદ કરે છે. મીઠાશથી પોતાનાં સ્મરણો રજૂ કરે છે. અને એવી તો કવિત્વ રીતે રજૂ કરે છે કે વાચક પણ અજાણતાં તેમાં જોડાઈને તલ્લીન થઈ જાય છે. જાણે તે પણ ત્યારે હાજર હોય તેવી અનુભૂતિ કરે છે. આમ પણ દરેક વ્યકિત આત્યંતિક પ્રતિભાશાળી. ગુલઝાર પોતે પણ એવા જ પ્રતિભાશાળી. તેમાં તેમની કવિત્વથી છલકાતી કલમ. આ ત્રિવેણી સંગમના પરિણામે આ પુસ્તક ખૂબ જ રસિક અને રોચક બન્યું છે. પાનેપાનું ફરી ફરી વાંચવાનું મન થાય તેવું બન્યું છે. વાંચતાં લાગે કે ગુલઝાર તો છેલ્લા પચાસ સાઠ વર્ષથી આ ફિલ્મ જગતમાં છે. તે સંદર્ભે તેમણે ઓછાં વ્યકિતત્વોનો પરિચય આપ્યો છે. પણ હકીકત એ છે કે એક બંગાળી છાપાએ તેમને લખવાનું આમંત્રણ આપ્યું હતું. એટલે તેમણે બંગાળી લોકો જ પસંદ કર્યા. એટલે આટલાં જ વ્યકિતત્વો પસંદ કરેલ છે. પણ આપણે ઈચ્છીએ કે ગુલઝાર હજી પણ આવાં જ બીજાં પ્રતિભાશાળી વ્યકિતત્વોના પરિચય આપણને આપે.
પુસ્તક વિશે( Actually … I Met Them … A Memoir : ગુલઝાર : પ્રકાશક-પેન્ગ્વીન રેન્ડમ હાઉસ, ગુરુગ્રામ : કિંમત- રૂ ૪૯૯.)
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
સંપાદકીય નોંધ ઃપોતાને આ પુસ્તક ખુબ ગમ્યું એટલે શ્રી બીરેનભાઈ કોઠારીએ આ પુસ્તકના કેટલાંક પ્રકરણોના રસપ્રદ અંશોના મુક્તાનુવાદ કરેલ છે. જ્યાં જ્યાં જરૂર જણાઈ ત્યાં તેમને એ સાથે પૂરક માહિતિઓ કે ટિપ્પ્ણીઓ પણ ઉમેરેલ છે.આ મુક્તાનુવાદો વેબ ગુર્જરી પર હવે થી દર મહિને ક્રમશઃ મુકવાનું વિચારેલ છે. -
શંકા
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
‘ભૂતયોનિ જેવું કશું હોતું નથી’ એવી વાત અનેક મુખોથી કહેવાયા અને મારા કાન વડે સંભળાયા પછી પણ ભૂત અંગેની વાતો સાંભળવાનો રસ આજ સુધી જળવાઈ રહ્યો છે. આ રસની તીવ્રતા એટલી છે કે ભૂતપ્રેતની વાતોની સમાપ્તિ પછી ‘જનગણ’ ની જેમ આવતું -‘મંછા ભૂત અને શંકા ડાક્ણ’- કહેવત સરીખું આ વાક્ય ગમતું નથી. આ અણગમા પાછળ બે કારણો છે. જોડણીકોશ બન્યા પછી ગાંધીજીએ જેમ કહ્યું કે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવનો અધિકાર નથી તેમ ‘મંછા ભૂત અને શંકા ડાક્ણ’ એ કહેવત આપણો ભૂતપ્રેતની વાતો કરવાનો અધિકાર છીનવી લેતી હોય તેમ લાગે છે. ભૂતકથાઓ કહેવાનો અને સાંભળવાનો મૂળભૂત હક છીનવાઈ જાય એ તો કેમ ચલાવી લેવાય?
બીજું અને મહત્વનું કારણ એ છે કે ઉપરોક્ત કહેવતમાં શંકાને ડાકણ કહેવાઈ છે તે મને સહેજ પણ પસંદ નથી. શંકાને ડાકણ કહેવા પાછળ માત્ર ભૂતયોનિનો અસ્વીકાર જ હોત તો કદાચ સહન થઈ શકતું. પરંતુ અહીં તો શંકાને ઉતારી પાડવાનો પ્રયાસ પણ દેખાય છે. આથી આ લેખમાં શંકાને ન્યાય અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
શક, શંકા, સંશય, એ તમામ પર્યાયવાચી શબ્દો છે. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ, પણ એ તો અર્જૂન જેવા ભકત માટે છે. આપણા જેવા સામાન્ય માણસ તો શંકાને કારણે જ સલામત રહી શકે છે. બાળક જન્મે છે ત્યારે સૌ પ્રથમ તે પોતાની માતાને જ ઓળખે છે અને આસપાસના બીજા લોકોને શંકાની નજરે જ જુએ છે. ગૂનેગારને પકડવા તો પોલીસે સૌ પ્રથમ શંકાનો જ આશરો લેવો પડે છે. આ બાબતે પોલીસ ફરિયાદી કે અન્ય લોકોમાં કશો ભેદભાવ રાખતી નથી એટલું જ નહિ ‘cherty begins at home’ એ સત્યનું ભાન કરાવવા માટે સૌ પ્રથમ ફરિયાદીને જ શકમંદ બનાવે છે.
માત્ર મનુષ્ય જ નહિ દરેક પાલતું પ્રાણી પણ અજાણ્યા લોકોને શંકાની નજરે જુએ છે. શેરીના શ્વાનની તો વાત જ અલગ છે. કોઇપણ અજાણ્યા મનુષ્ય કે પ્રાણીને જોતાની સાથે જ તે શંકાશીલ થઈ જાય છે. જાણીતી વ્યકતિ પણ જો વેશભૂષા બદલીને આવે તો તેને પણ શંકાની નજરે જુએ છે. મારા એક મિત્રનું તો કહેવું છે કે આઝાદી પહેલા કોઈ અંગ્રેજને જોઈને ટોપી ઉતારવી પડતી પણ આજના સમયમાં તો કૂતરાને જોઇને શિયાળામાં કાનટોપી ઉતારવી પડે છે. આ ઉપરાંત ચાલતો માણસ અચાનક દોડવા લાગે અથવા દોડતો માણસ અચાનક ઊભો રહી જાય તો પણ કૂતરાઓ સાશંક થઈને ભસવા લાગે છે. પોતાના અજાણ્યા જ્ઞાતિબંધુઓ પ્રત્યે તો તેઓ હંમેશા શંકાશીલ હોવાથી તેમને જોતાની સાથે જ ઘુરકિયા કરતા હોય છે. બે પડોશી દેશોની પ્રજાઓ પરસ્પર શંકાની નજરે જુએ છે તેમ કૂતરાઓ પણ પડોશની શેરી કે લત્તાના જાતભાઈઓ પ્રત્યે હંમેશા શંકાશીલ રહે છે. આ શંકા ક્યારેક પડોશી શેરીઓના કૂતરાઓ વચ્ચે યુદ્ધમાં પરિણમે છે. મને લાગે છે કે પડોશી રાષ્ટ્રો સાથે લડાઇ કરવાનું આપણે આપણી નજીક હંમેશા રહેતી શ્વાંનસૃષ્ટિ પાસેથી જ શીખ્યા હોઈશું.
ક્રિકેટની રમતમાં બેટ્સમેનને શંકાનો લાભ આપવામાં આવે છે. અહીં વાચક મિત્રો સવાલ પૂછશે કે તો એ લાભ ફિલ્ડિંગ ભરતી ટીમને કેમ નથી અપાતો? ભાઈ, ફિલ્ડરો તો ક્રિકેટના શ્રમજીવીઓ છે અને બેટ્સમેન તો રાજાપાઠમાં હોય છે. (યાદ કરીએ જૂના જમાનાના આપણા રાજવીઓને. તેઓ જ્યારે ક્રિકેટ રમતા ત્યારે પોતે બેટિંગ જ કરતા અને ફિલ્ડિંગ તો ચાકરો પાસે જ કરાવતા.) આથી આપણી અને જગત આખાની વણથંભી ચાલી આવતી સંસ્કૃતિ મુજબ કોઇપણ લાભ ઉપલા વર્ગને જ આપવામાં આવે નહિ કે આપણે જેને નીચલા વર્ગના ગણીએ છીએ તેવા શ્રમજીવીઓને. ક્રિકેટની રમતમાં પણ આપણી સંસ્કૃતિને જ અનુસરવાનું હોય ને!
આપણી અદાલતોમાં પણ ન્યાયાધીશોને ખાતરી હોય કે આરોપીએ ગૂંન્હો કરેલો છે. તો પણ તેને પુરાવાના અભાવે જે લાભ આપવામાં આવે છે તેને શંકાનો લાભ કહેવામાં આવે છે.
કાગબાપુએ ગાયા મુજબ રામાયણનો પેલો નાવિક રામચંદ્રજીને કહે છે. “પગ મને ધોવા દિયો રઘુરાય આજ મને શક પડ્યો મનમાંય”, ભગવાન રામજીના ચરણ ધોવા માટે શંકાનો જ આશરો લેવામાં આવેલો.
જગતની તમામ પ્રજાઓ પોતાના નેતાઓના વચનોમાં શંકા નહિ કરવાને કારણે આજ સુધી છેતરાતી આવી છે. અમછતાં નેતાઓને ન્યાય આપવા માટે કહેવું પડે કે તેઓ વચન આપતી વખતે આપણને શંકા નહિ કરવાનો આદેશ નથી આપતા. પરંતુ ધર્મશાસ્ત્રો અને અને ધર્મગુરૂઓ શંકા નહિ કરવાનો આદેશ આપીને અટકી જતા નથી. તેઓ તો શંકા કરનારને નર્કની સજા મળશે એવી ધમકી આપતા હોય છે. મધ્યયુગનાં યુરોપમાં ધર્મગુરુઓએ તો બાઇબલની વાત પર શંકા કરનારને મૃત્યુ પછી ઇશ્વર સજા કરે ત્યાં સુધી ધીરજ રાખવાને બદલે તેમને માનવલોકમાં જ સજા ફરમાવીને મોતને ઘાટ ઉતારી દીધાના પ્રસંગો અનેક છે.
પોતાને નેસ્તનબૂદ કરવાના અનેક પ્રયાસો થયા પછી પણ અનેક જુલ્મો સમે લડીને શંકા આજસુધી ટકી રહી છે એ વાત જ તેનાં વજુદનો મોટો પુરાવો છે. આથી જ મનુષ્ય ડગલે ને પગલે શંકાનો આશરો લે છે.
આસ્તિકો અને રેશનાલિસ્ટો વચ્ચે પાયાનો તફાવત ઈશ્વરનાં અસ્તિત્વ અંગેની માન્યતાનો છે. પરંતુ બીજો એક તફાવત પણ જોવા મળ્યો છે. આસ્તિકો ઈશ્વરની સાધના કરે છે, જ્યારે રેશનાલિસ્ટો શંકાની સાધના કરતા હોય છે. આપણા એક મોટા રેશનાલિસ્ટ રમણભાઈ પાઠક તો ‘સમકાલીન’ નામના દૈનિકમાં નિયમિત જે કોલમ લખતા તેનું નામ જ ‘સંશયની સાધના’ હતું. આમ આસ્તિકો જે દરજ્જો ભગવાનને આપે છે તે દરજ્જો રેશનાલિસ્ટો શંકાને આપે છે.
પ્રાચીન ગ્રીસમાં એરિસ્ટોટલે કહેલું કે સ્ત્રીઓને પુરૂષો કરતા ઓછા દાંત હોય છે. એરિસ્ટોટલેની આ વાતમાં કોઈએ શંકા કરીને સ્ત્રી અને પુરુષોના દાંત ગણેલા નહિ. આથી વિદ્યાકળામાં નિપૂણ એવા ગ્રીક લોકો મનુષ્યના દાંતની સંખ્યા બાબતે અજ્ઞાની રહી ગયેલા. અહીં એ પણ સાબિત થાય છે કે પ્રાચીન ગ્રીસમાં ડેન્ટિસ્ટો ન હતા!
જેમ કેટલાક મહપુરૂષો પોતાના પ્રાણ સુદ્ધાનું બલિદાન આપીને સમાજનો ઉદ્ધાર કરે છે તેમ માનવજીવનમાં શંકા અનિવાર્ય હોવા છતાં તેની ઉપયોગિતા તેનાં નિર્મૂળ થવામાં છે. વ્યક્તિને કોઇ બાબતે શંકા ઉદભવે પછી તેનું સમાધાન કરવામાં ન આવે ત્યાં સુધી તેને ચેન પડતું નથી. કશું અયોગ્ય બન્યું છે તે બાબતે શંકા જાગે તો તેના પર વિચાર કર્યા પછી જો શંકા ખોટી પડે તો સબ સલામતનો આનંદ થાય છે અને જો શંકા સાચી પડે તો જે ખોટું થયું હોય તેને ઠીક કરવાના પ્રયાસો કરી શકાય છે.
વાત સાચી છે કે કેટલીક વાર શંકા દુષ્પરિણામો લાવે છે. જેમ કે શંકાને કારણે માણસોના પરસ્પરના સબંધો ખરાબ થાય છે. શંકાને કારણે કેટલાક દાંપત્યજીવનો નંદવાઈ જાય છે. એક જાણીતી રમૂજ મુજબ એક માણસને શંકા થઈ કે પોતે બિલાડી ગળી ગયો છે. પછી તેની શંકાનું સમાધાન કરવા માટે તેને બેભાન કરવામાં આવ્યો. ભાનમાં અવ્યા બાદ અગાઉથી જ લાવીને રાખવામાં આવેલી બિલાડી તેને બતાવવામાં આવી, પછી તેને કહેવામાં આવ્યું કે તેનાં શરીરનું ઓપરેશન કરીને બિલાડી બહાર કાઢી લેવામાં આવી છે. પરંતુ પેલા ભાઈએ તો કહ્યું કે પોતે ધોળી બિલાડી ગળી ગયો હતો અને આ તો કાળી બિલાડી છે! આથી એમ કહી શકાય કે દરેક વસ્તુની જેમ શંકાનો અતિરેક પણ હાનિકારક છે. બીજી રીતે કહીએ તો અપણી શંકાને પણ શંકાના દાયરામાં લાવવી રહી. જેમ ઝેરનું મારણ ઝેર છે, કાંટા વડે કાંટો કાઢી શકાય છે તેમ શંકાને પણ તેના પર શક કરીને નાબૂદ કરી શકય છે. આમ શંકા માનવી માટે હંમેશા હિતકારી અને સુખકારી જ છે. સુજ્ઞ વાચકમિત્રોને જણાવવાની જરૂર ખરી કે માનવજાત આજે વિજ્ઞાન, તત્વજ્ઞાનમાં કે અન્ય કોઈ વિદ્યાશાખાનાં ઉચ્ચ શિખરે બિરાજે છે તેમાં શંકાનો બહુ મોટો ફાળો છે?
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ત્રીજો ફોટો
દરિયા-પારની વાર્તા
પ્રીતિ શાહ-સેનગુપ્તા
એમ કહી શકાય કે ઘર ખાલી થઈ ગયું છે. હવે મકાનને છોડીને જવા જેટલી જ વાર છે. જ્યાં જેવો નસીબમાં હતો તેવો સંસાર કર્યો તેને છોડી દેતાં પહેલાં થોડો વખત બેઠી છું. વિચાર કરતાં નિઃશ્વાસ નંખાઇ જાય છે કે એક સાધારણ જીવનમાં આટલું બધું વીત્યું? અંદરની ફીક્કી પડી ગયેલી હવા થરથરતી લાગે છે.
જે મારું હતું અને ઊંચકાઈ શકે તેમ હતું તે બધું હું ચોક્કસપણે ખાલી કરતી ગઈ છું. કેટલું બધું કાઢી નાખ્યું. હાશ લાગે છે હવે. ફેંકી દેવા જેવું ખાસ કશું નહોતું, પણ આપી દેવા જેવું ઘણું હતું. પહેરવાનાં કપડાં, સ્વેટર, ગરમ કોટ, શૂઝ, ને ચાદરો, બ્લૅન્કૅટો, ટુવાલો વગેરે. ચૅરિટી માટેની એવી સંસ્થાઓ હોય છે જેના કાર્યકરો નક્કી કર્યા પ્રમાણે આવે ને બધું લઈ જાય. જેને જરૂર હોય તેમને એ બધું પહોંચે. રસોડાની તો દરેકે દરેક વસ્તુ મેં લઈ જવા દીધેલી. મને જ થયું હતું – આટલાં વાસણો ક્યારે ભેગાં થઈ ગયાં હશે? મોંઘામાંના ક્રિસ્ટલના થોડા ગ્લાસીઝ હતા તે હું જ સાચવીને પૅક કરીને નજીકના એક ચર્ચની નાની શૉપમાં મૂકી આવી હતી. સસ્તામાં વેચે તો યે થોડી આવક થાય એમને.
મોટી મોટી અને ભારે ભારે આઇટમો જેમની તેમ જ છે. દરેક રૂમનું ફર્નિચર – સોફાસેટ, ટેબલ-ખુરશીઓ, ખાટલા, બૂક-કેસ વગેરે – વર્ષોથી હતું તેમનું તેમ સ્થિર ને સ્થગિત પડી રહેલું છે. આ અર્થમાં ઘર અમુક અંશે હજી ભરેલું છે. પણ તે એટલા માટે કે રામારાવ પતિ-પત્ની એ બધું જ રાખી લેવા માગતાં હતાં. ખાસ કરીને જયારે એમણે જાણ્યું કે મારે કશાના પૈસા જોઇતા નથી ત્યારે બંને ખૂબ ખુશ થયેલાં કે કશું ખરીદવું નહીં પડે. શંકર અને સ્વાથિ રામારાવ આ મકાનનાં નવાં માલિક થવાનાં છે – આવતી કાલથી. જોકે, જો જાણે કે હું છોડીને ચાલી ગઈ છું તો આજ રાતથી પણ રહેવા આવી જાય. બંને તરફ ઉતાવળ છે – એમને આવવાની, મને જવાની.
હંમેશાં એવું નહોતું. અરે, શરૂઆતમાં તો મને ઘરની બહાર જવાનું મન જ ના થતું. મારી આખી દુનિયા ઘરની અંદર હતી, ને એ દુનિયામાં હતી બધી ખુશી. મેં ને ભાવિકે સાથે આ ઘર પસંદ કરેલું. બહારથી જોતાં વેંત એણે કહેલું, સુઝન, તને આ ઘર ગમશે જ, એવી મને ખાત્રી છે.
મેં કહેલું, એમ કે? બોલો, મારવી છે શરત? જો મને ના ગમે તો શું?
ભાવિક બોલેલા, અરે ના, એમ નહીં. જો તને ગમી જાય તો હું એ આપણે માટે ખરીદી લઇશ, ને પછી એ હંમેશને માટે તારું રહેશે. અને જો ના ગમે તો હજી બીજાં ઘર જોતાં રહીશું. જીત તો તારી જ હોયને વળી.
હું શરમાઈ ગયેલી – આટલો બધો પ્રેમ કરતા હતા એ મને?
પરણીને હું અમેરિકા આવી ત્યારે એ જે ફ્લૅટમાં રહેતા હતા એમાં જ અમારાં સહજીવનનો આરંભ થયેલો. લગભગ પહેલેથી જ એ મને સુઝન કહેવા માંડેલા, ને એ જ રીતે બધાંને મારી ઓળખાણ આપતા. એમનું કહેવું એમ હતું કે આ દેશના લોકોની જીભે સુમન નામ સરખું નહીં બોલાય. તો શા માટે પહેલેથી નામ સહેલું ના બનાવવું? એક જ અક્શર બદલવાથી, જો તો ખરી, કેવી સરસ ફીટ થઈ જાય છે તું આ દેશમાં.
ક્યાંય સુધી હું સંમત નહોતી થઈ. એ સુઝન તરીકે ઓળખાવે તો હું સામે તરત કહેતી – ના. મારું નામ સુમન છે. સાંભળનાર ગોટાળામાં પડી જતાં. કહેતાં, “ઓહ, સુ મૅન?” અથવા “ઓહ, સ્યુ માન?” કે એવું કંઇક. આ રીતે બહારનાંને માટે અમે વિક ને સુઝન બનેલાં, ને નછૂટકે હું કંઇક ટેવાઇ ગયેલી.
આ ઘરમાં જ પછી અમે બેનાં ત્રણ થયેલાં. ભાવિકને તો જાણે બેબીનું ઘેલું જ લાગેલું. એક મિનિટ એને નીચે મૂકવા ના માગે. હાથમાં ને હાથમાં રાખે. નોકરી પર પણ પરાણે જાય. શનિ-રવિ ક્યારે આવે એની જ રાહ જોતા હોય એ. કહ્યા કરે, જોજેને, હું એને વૅસ્ટર્ન મ્યુઝિકની મોટી સ્ટાર બનાવીશ.
કેમ ઇન્ડિયન મ્યુઝિકની નહીં?, હું પૂછતી.
ઇન્ડિયન મ્યુઝિક ભલે શીખતી, પણ ફેમસ તો વૅસ્ટર્નમાં જ થવાની. કશું નવું જ કરવાની એ અહીં, તું જોયા કર ને.
એટલે ઘરમાં આખો વખત જાઝ મ્યુઝિક ને બીથોવન-મોત્ઝાર્ટ જ વાગતાં રહેતાં. બેબીને હાથમાં ઊંચકીને ભાવિક ડાન્સ કરવા માંડી જતા. ક્યારેક હું યે ખેંચાતી, પણ ખાલી હાથે. બેબીને ગાલે મને ચુમી ભરવા દેતા, પણ એ રહેતી એમને જ વળગેલી. અમે ત્રણેય તાલમાં માથાં હલાવતાં, ને એક સાથે હસતાં રહેતાં.
ભાવિક બેબીને બીજું ઘણું શીખવાડવા માગતા હતા – પિયાનો, પેઇન્ટિન્ગ, સ્વીમિન્ગ, સ્કેટિન્ગ. અરે, બધું શીખશે, ને સરસ ભણશે પણ ખરી. તું ચિંતા શું કામ કરે છે?, એ મને ટોકતા.
ને ખરેખર એ છોકરીને બધાંમાં રસ પડતો, ને બધું એને આવડી પણ જતું. ભણવામાં તો બહુ જ મઝા આવતી એને. હજી તો છ વર્ષની થઈ હશે ને એના ડેડી સાથે ગ્લોબલ વૉર્મિન્ગ પર ચર્ચા કરવા લાગતી. એકાદ વર્ષ પછી ભાવિક એને માટે સાયકલ લઈ આવ્યા. એ શીખતાં પણ બેબીને વાર ના લાગી. ગાડીમાં સાયકલને મૂકીને બંને પાર્કમાં જતાં. ત્યાં બેબી સાયકલ ચલાવતી, ભાવિક ઝડપથી સાથે ચાલતા. પછી જોકે એમને સાથે રહેવા માટે જરા દોડવું પડતું.
મેં ભાવિકને ભારપૂર્વક કહેલું કે એકલાં ક્યાંયે સાયકલ પર નહીં જવાનું એવું બેબીને કહી દે, ને ફરી ફરી કહ્યા કરે. મને તો બેમાંથી કોઈ ગણકારે શેનાં? બંને સહેજ વ્હાલ કરીને પટાવવા આવે, પણ આ બાબતે હું જરાયે નમતું મૂકવાની નહોતી. હજી આઠની પણ નથી થઈ. અત્યારથી એકલાં જવાની છૂટ શેની આપવાની વળી?, હું બેબીના દેખતાં જ કહેતી.
પણ મૉમ, બાજુની મલિન્ડા તો જાય છે. બહુ દૂર નહીં, પાસે પાસે જ. તો હું કેમ ના જઈ શકું?
હું મનમાં વિચારતી, બહુ હોશિયાર છોકરાં ઉછેરવાં કેવાં અઘરાં હોય છે. હું એને નજીક ખેંચીને કહેતી, તું નવ વર્ષની થઈ જાય પછી જવા દઇશ, બસ?
ઓહ, મૉમ, નાઇન ઇયર્સ? આઇ વિલ બી ઓલ્ડ ધેન.
એવું કાંઇ અમારા નસીબમાં લખેલું નહીં હોય, નહીં તો કોઇ દિવસ નહીં ને એ રવિવારની બપોરે મારી ને ભાવિકની આંખ શા માટે મળી ગઈ હશે? બેબી તો હંમેશાં એની મેળે વાંચતી હોય, મ્યુઝિક સાંભળતી હોય, કે કોઈ વાર આગલી રાતે મોડે સુધી હોમવર્ક કર્યું હોય તો થોડું સૂઇ પણ જાય. ચારેક વાગ્યે અમે રસોડાના ટેબલ પર સાથે બેસીએ. હું ને ભાવિક ચ્હા પીએ, ને બેબી માટે હું હૉટ ચૉકૉલેટ બનાવી આપું. એ પછી ક્યાંક આંટો મારવા જઈએ. ત્યારે સાથે સાયકલ તો ખરી જ.
એ ગોઝારી બપોરે બેબીને મલિન્ડા સાથે વાત થઈ હશે. એને ત્યાં બીજી બે બહેનપણીઓ સાયકલ પર આવવાની હતી, ને એ બધી થોડી વાર આસપાસમાં સાયકલ પર ફરવાની હતી. બેબીને બહુ જ મન થઈ ગયું હશે, ને અમને ઊંઘતાં જોયાં એટલે પહેલી વાર એ કહ્યા વગર બહાર નીકળી ગઈ. સાયકલ પર રસ્તો ઓળંગીને હજી જાય ત્યાં જ ઝડપથી આવતી ટ્રક સાથે એ અથડાઈ પડી. કદાચ થોડી ઘસડાયેલી પણ ખરી. પેલી છોકરીઓ સામેના ઘરની બહાર જ ઊભી હતી. એમણે અકસ્માત બનતો જોયો, ને દોડાદોડ કરી મૂકી.
એક તરફ મલિન્ડાએ આવીને અમારું બારણું ઠોકવા માંડ્યું, બીજી તરફ એની મમ્મી અમને ફોન કરવા માંડી હતી. અમે દોડતાં બેબી પાસે પહોંચ્યાં ત્યારે કચડાયેલી સાયકલની બાજુમાં એનો નાનકડો દેહ પડેલો હતો. શ્વાસ હજી ચાલતો હતો, પણ એ ભાનમાં નહોતી.
બસ, પછી શું? બનતું બધું કર્યું, પણ એ કશું પૂરતું નહોતું.
હકીકતમાં તો, આ પછી કશું રહ્યું પણ નહીં – મારી અને ભાવિકની વચ્ચે, મારા અને ભાવિકના જીવનમાં. એક ઝંઝાવાતમાં અમારો બગીચો ઉજ્જડ થઈ ગયો હતો.
થોડા મહિના મેં એ મકાનમાં ખેંચ્યા, પણ એ અસહ્ય હતા. એમાં હું રહી શકું તેમ નહોતું. એ અરસામાં ભાવિકને બદલી કરી આપવા માટે એની કંપની તૈયાર હતી. ભાવિકને એમ કે અમે બીજે જઈને સાથે સ્થિર થઈ શકીશું. ત્યારે મને સમજાવા માંડ્યું કે હું સાથે પણ રહી શકું તેમ નહોતું – હમણાં તો નહીં જ.
ં ં ં ં ં ં
જુદાં પડ્યા પછી અમે ક્યાં રહ્યાં, કઈ રીતે રહ્યાં – એની ખાસ કોઈ ખબર અમે રાખી નહીં. સરનામું ને ફોન નંબર બંને પાસે હતાં, પણ નિયમિત સંપર્કમાં અમે રહ્યાં નહીં. સૂકા કોઈ રણમાં જાણે બધાં પગલાંનાં નિશાન ભૂસાઇ ગયાં હતાં. ભાવિકનાં મોટાં બહેન દ્વારા ક્યારેક અમને એકબીજાના સમાચાર મળતા – જોકે જણાવવા જેવું કશું હતું જ નહીં. પાંખો પાંખો ય છાંયડો કરતી ખજૂરીઓવાળા કોઈ રણદ્વીપ ક્યાંયે બચ્યા નહોતા.
અચાનક એક વાર મોટાં બહેનનો ફોન આવ્યો. મને કહ્યું કે ભાવિકની તબિયત સારી નથી, ને એને મારી સખત જરૂર છે. મેં વિરોધમાં જ દલીલ કરી કે આટલાં વર્ષે હવે ક્યાં અમને એકમેકની જરૂર રહી છે, ને એ તો પહોંચી વળશે એમની મેળે. પણ મોટાં બહેન એટલી આજીજી કરતાં રહ્યાં કે મારે ભાવિકને એક વાર જોવા, મળવા આવવું જ પડ્યું. આ દરમ્યાન ભાવિક પાછા અમારા એ ઘરમાં આવી ગયા હતા. વર્ષો પછી કઈ રીતે મેં એની અંદર પગ મૂક્યો તે વર્ણવી શકું તેમ નથી. ક્યારના મૂઢ બની ગયેલા મનને હવે વધારે આઘાત પણ શું લાગવાનો?
છતાં આઘાત મને લાગ્યો ભાવિકને જોઈને. કેટલા સૂકાઇ ગયા હતા. મને જોઈને એ ના કશું બોલ્યા કે ના જરાયે વિચલિત થયા. મેં માન્યું કે એ પણ મારી જેમ સાવ મૂઢ થઈ ગયા હશે. કે પછી મારા ઢંગધડા વગરના વાળ જોઈને ચિડાયા હશે? એમને મારા લાંબા વાળ કેટલા ગમતા, તે અચાનક મને યાદ આવ્યું.
મોટાં બહેને કહ્યું, ભાઈ, જો, કોણ આવ્યું છે.
ભાવિક અન્યમનસ્ક રહ્યા. મેં પાસે જઈને કહ્યું, કેમ છો? તોયે એ ચૂપ રહ્યા. ઓછું સંભળાતું હશે માનીને મેં મોટેથી કહ્યું, હું સુઝન, ભાવિક. સુઝન, સુમન.
ત્યારે ઊંચું જોઈને કહે, ઓહો, આવો આવો. કેમ છો?
હું ફરી કશું કહેવા જતી હતી ત્યાં જરા આજુબાજુ જોતાં એમણે કહ્યું, બેસોને. શું લેશો? અરે, પરી, મહેમાન માટે પાણી તો લાવ. ક્યાં ગઈ, પરી?
મેં ખસી જઈને ખુરશીનો આધાર લીધો. મોટાં બહેનની સામે જોયું. મારી નજરમાંના પ્રશ્નનો જવાબ આપવા એ મને બીજી બાજુ લઈ ગયાં. નિસાસો નાખીને ધીરે અવાજે કહ્યું, તને કાંઈ ખબર નથી, બેન?
પછી એમણે ટૂંકમાં વાત કરી. યુવાનીમાં ભાવિકને એક છોકરી સાથે પ્રેમ થયેલો. એનું નામ પરેશા હતું. ભાવિક એને પરી કહીને બોલાવતા. બંને પરણવાનાં હતાં, પણ ભાવિકનું અમેરિકા જવાનું ગોઠવાયું. પરેશા ઉદાસ તો થયેલી, પણ થોડી રાહ જોવાનો એને વાંધો નહોતો. વાંધો હતો એના પપ્પાને. છ મહિનાની અંદર એમણે પરેશાનાં લગ્ન બીજે કરાવી દીધાં.
ભાવિકને ક્યાંય સુધી ખબર પણ નહોતી પડી, મોટાં બહેન બોલ્યાં. પણ તું એને બહુ સારી મળી ગઈ, બેન. તારી સાથે એ આનંદમાં જ રહ્યો, ખરું કે નહીં?
વાત સાચી જ હતી. અમારા લગ્ન-જીવન દરમ્યાન આવો કશો ખ્યાલ મને આવ્યો નહોતો. ગુમાવી દીધેલા પ્રેમની યાદો ભાવિકે કેવી ભંડારી દીધી હશે. ને મને કોઈ અન્યાય એમણે થવા નહોતો દીધો. પ્રેમ પણ ક્યાં ઓછો આપ્યો હતો? પણ અત્યારે તીવ્ર સ્મૃતિભ્રંશના આ ક્રૂર રોગની અસરમાં મન પરનાં કેટલાંયે પડ ઊખડી ગયાં હતાં. નજીકના સમયની ઘણી સ્મૃતિ અલોપ થઈ હતી, ને જે ઊંડે દટાયેલું હતું તે ઉપર આવી ગયું હતું.
ભાવિક મારાથી સાતેક વર્ષ મોટા. તોયે આલ્ઝાઇમર તરીકે ઓળખાતા થયેલા આ રોગને માટે આ ઘણું વહેલું કહેવાય. બીજે જ દિવસે હું ડૉક્ટરને મળવા ગઈ હતી. મારે સમજવું હતું કે આવું બની કઈ રીતે શકે? એમણે કહ્યું કે આલ્ઝાઇમર થવાનાં ચોક્કસ કારણ હજી કોઈ કહી શકતું નથી. એ મગજની અંદર રહેલા સૂક્શ્માણુઓ સાથે સંબંધિત છે. પણ ક્યારેક ઓછી ઉંમરે પણ આવું થાય, ડૉક્ટરનું કહેવું હતું.
સાર આટલો હતો. વધારે તરત મને સમજાયું નહી. પણ આ વિષે વિચારતી રહી. એક દિવસ અચાનક મને થયું, મન પર આઘાત ને મેન્ટલ સ્ટ્રેસ શું કારણ ના હોઈ શકે?- ડાયાબિટિસ, હાર્ટ ઍટૅક કે ડિપ્રેશન જેવા રોગોની જેમ? ને ભાવિકે જીવનમાં કેટલાં પ્રિયજન ગુમાવ્યાં હતાં. મને પણ દૂર ચાલી જતાં નહોતી રોકી. બસ, એ ચૂપચાપ ગુમાવતા રહ્યા, સહેતા રહ્યા. ને છેવટે અકાળે આ હાલત? હાય ભાવિક, મને કેમ ના કહ્યું કશું? હું તીવ્ર રીતે પસ્તાતી રહી. છેક હવે મને ખબર પડી કે આધારની જરૂર મારા કરતાં કેટલી વધારે ભાવિકને હતી. આટલાં વર્ષો મેં એમને નિરાધાર છોડ્યા? આટલી ક્રૂર થઈ કઈ રીતે શકી હું? અને આવી સ્વાર્થી? મારી આંખો સૂકી હતી પણ મારો જીવ કલ્પાંત કર્યા કરતો હતો.
એમના દીકરાને ત્યાં પાછાં જતાં પહેલાં મોટાં બહેન મને સાંત્વન આપતાં કહેતાં ગયાં હતાં, જે થવાનું હતું તે થઈને જ રહે છે, બેન. હવે જીવ ના બાળ. હવે તું ભાઇની સાથે હોઈશ તો એ સારો થઈ જશે. તું ઇશ્વર પર વિશ્વાસ —
મારું ધ્યેય હવે ભાવિકને માટે બનતું બધું કરવાનું હતું. આવેલી એમને એક વાર મળવા, ખબર કાઢવા, ને બાકીનું બધું ભૂલીને રોકાઈ ગઈ એમની પાસે.
એક બપોરે મને શું સૂઝ્યું કે દિવાનખાનામાં પડી રહેલા જૂના રેડિયોનું બટન દબાવ્યું. ડબલ્યુ.કે.સી.આર. નામના સ્ટેશન પરથી વૅસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક સંભળાવા માંડ્યું. મોત્ઝાર્ટનો પિયાનો કૉન્ચૅર્ટો ચાલતો હતો. બે મિનિટ માંડ થઈ હશે, ને બારી પાસેની ખુરશીમાં બેસીને વાંચતા ભાવિક ચોંકીને ઊભા થયા. હાથમાંથી ચોપડી પડી ગઈ. હું પણ ચોંકી ગઈ. ઊભી થાઉં, એમને પકડું એ પહેલાં એ મારી પાસે ધસી આવ્યા. મારો હાથ પકડીને બોલ્યા, સુઝન, આ શું? આ ક્યાંથી? આ હું ક્યારેય નથી સાંભળતો. આ તો બેબી વગાડતાં શીખેલી.
બે કાને હાથ મૂકી એ સોફા પર બેસી પડ્યા. મેં જલદી રેડિયો બંધ કર્યો. એમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં હતાં. સુઝન, જાણે છે? એ પછી એક વાર પણ બપોરે સૂતો નથી, હોં. પણ એ પાછી આવી જ નહીં.
મારા બંધ પણ છૂટી ગયા. અમે એકમેકને વળગીને ક્યાંય સુધી ધ્રૂસકે ધ્રૂસકે રડ્યાં. હું આટલાં વર્ષોમાં પહેલી વાર આટલું રડી. કદાચ એ પણ.
મને મોટી આશા બંધાયેલી કે આહ, મને ઓળખી ગયા. હવે ભાવિક પહેલાં જેવા થઈ જશે. હવે ધીરે ધીરે એમને સારું થવા માંડશે. પણ ના, હું સાવ ખોટી પડી. આ પછી ફરી એ મને ઓળખતા નહીં, ને જો ઓળખતા તો એ પરી તરીકે. રોગી સાથે ઝગડો શું કરવો? ખોટું યે શું લગાડવું? એ જો થોડા પણ આનંદમાં રહી શકતા હોય તો મારા ધ્યેયમાં હું સફળ થઈ રહી હતી, એમ જ માનવાનું રહ્યુંને?
ધીમા ધીમા દિવસો પસાર કરતાં કરતાં દોઢેક વર્ષ આમ ગયું. એ દિવસે હું ચ્હા બનાવતી હતી એટલામાં દિવાનખાનામાં મોટો અવાજ થયો. ગૅસ બંધ કરીને દોડતી હું જોવા ગઈ તો ભાવિક પડી ગયા હતા, ને પીડામાં ઉંહકારા ભરતા હતા. તરત ઍમ્બ્યુલન્સ બોલાવી એમને હૉસ્પિટલમાં લઈ ગઈ. હાર્ટ ઍટૅક આવ્યો હતો. લકવાની પણ થોડી અસર થઈ હતી. હું રાત-દિવસ હૉસ્પિટલમાં જ રહેવા લાગી હતી. છ દિવસે કંઇક સારું લાગ્યું હશે તે એમણે આંખો ખોલી. કોઈને શોધતા હોય એમ આંખો ફેરવતા રહ્યા. એમની સ્થિતિ જોઇને મારું ગળું રુંધાઇ જતું હતું.
મોટાં બહેનને હવે ખબર આપું એમ વિચાર કરતી હતી. પણ ફોન કરું એ પહેલાં એક દિવસ ભાવિકે સીધું મારી સામે જોયું. એમના હોઠ ફફડ્યા. હું એકદમ પાસે ગઈ. સુમન, એમણે સ્પષ્ટ કહ્યું. સુમન.
ઓહ, ભાન આવી ગયું લાગે છે, મને થયું. ને મને છેક પહેલાંની જેમ ઓળખી ગયા. હાશ.
એમણે હાથ લંબાવ્યો. હું એને પંપાળવા લાગી. હવે એકદમ સારા થઈ જવાના, હોં – એવું કહેવા લાગી.
એમના હોઠ ફરી ફફડ્યા. માફ – માફ – ..મેં જોરથી માથું હલાવ્યું. જરા હસીને એમનો હાથ દબાવ્યો. હું જોતી રહી ગઈ ને એમના હોઠ પર થૅન્કયૂ શબ્દ આકારાયો.
ને પછી એ જતા રહ્યા.
ં ં ં ં ં
મોટાં બહેનને મેં જ આવવાની ના પાડી. એ હવે એકલાં આવી શકે તેમ નથી. ને આમેય જ્યારે કશું જ બચ્યું નહોતું ત્યારે આવીને શું કરવાનું? મેં જ ઉતાવળ કરી છેને નીકળી જવા માટે.
મકાન ખાલી કરી નાખ્યું છે. મારી કહેવાય તેવી બધી વસ્તુઓનો નિકાલ થઈ ગયો છે. છેલ્લે આ ત્રણેક ફોટા હાથમાં રહ્યા છે. બેડરૂમના ખૂણામાંના ટેબલની પાછળથી નીકળ્યા. એકમાં ભાવિક અને મોટાં બહેન છે – અમે બધાં જ્યારે કુટુંબ હતાં ત્યારે લીધેલો. બંને સરસ હસે છે. એ મોટાં બહેનને મોકલી આપું છું. સરનામું કરીને કવર તૈયાર છે. બીજો આ ઘરનો છે. નવું નવું લીધેલું ત્યારે શોખથી પાડેલો. એને શંકર ને સ્વાથિ માટે રાખતી જાઉં છું. રસોડાના ટેબલ પર મૂકું છું. તરત દેખાશે.
ને આ ત્રીજો ફોટો. એમાં અમારા એક વખતના બગીચામાં ઊગેલું ગુલાબનું મોટું લાલચટક ફૂલ છે, ને એને અડકવા લંબાયેલા એક નાનકડા હાથનો પડછાયો આવી ગયો છે.
ભાર નથી ખમાતો એનો. જેટલું ઊંચકી શકાય તેટલું જ લઈને નીકળી જવું છે મારે. લગભગ ખાલી હાથે – જેમ હૈયું છે તેમ.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
