નિસબત

ચંદુ મહેરિયા

મહાવીર અને ગાંધીજીની અહિંસાનો દેશ ભારત આજે સંરક્ષણ ખર્ચની બાબતમાં દુનિયામાં ત્રીજું સ્થાન ધરાવે છે ! તેનું એક કારણ તો ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશી છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ‘ રિપોર્ટ ઓન ટ્રેન્ડસ  ઈન ગ્લોબલ મિલિટરી એક્સપેન્ડિચર, ૨૦૨૨ ‘  મુજબ ૨૦૨૧માં વિશ્વનો સંરક્ષણ ખર્ચ અધધધ ૨.૧ ટ્રિલિયન અમેરિકી ડોલર હતો.  ૮૦૧ બિલિયન અમેરિકી ડોલરના  સંરક્ષણ ખર્ચ સાથે વિશ્વમાં અમેરિકા પહેલા નંબરે હતું. વિશ્વના ટોપ ટેન દેશોમાં અમેરિકા, ચીન, ભારત, બ્રિટન, રશિયા, ફ્રાંસ, જર્મની, સાઉદી અરેબિયા, જાપાન અને દક્ષિણ કોરિયા છે. બીજા ક્રમના દેશ ચીનનું રક્ષા ખર્ચ ૨૯૨ બિલિયન ડોલર હતું. તો તેના કરતાં લગભગ ચોથા ભાગના સંરક્ષણ ખર્ચ (૭૬.૬ બિલિયન ડોલર)  સાથે ભારત ત્રીજા નંબરે હતો. દસમા ક્રમના દક્ષિણ કોરિયાના સંરક્ષણ ખર્ચ ૫૦.૨ બિલિયન ડોલર અને પ્રથમ ક્રમના અમેરિકાના ૮૦૧ બિલિયન ડોલર વચ્ચે ૭૫૦.૮ બિલિયન ડોલરનો તફાવત છે.

વિશ્વશાંતિ, વસુધૈવ કુટુંબકમ અને યુધ્ધ નહીં બુધ્ધ સહીની ભાવના છતાં હથિયારોની હોડ અને સંરક્ષણ ખર્ચમાં વધારો યથાવત છે. રશિયા-યુક્રેન યુધ્ધ આપણને તુરત સાંભરે છે પરંતુ ૨૦૨૩માં દુનિયામાં નાનામોટા ચાળીસેક યુધ્ધો ચાલે છે. વર્તમાન યુધ્ધમાં યુક્રેન જાનમાલની દ્રષ્ટિએ તો તબાહ થઈ જ રહ્યું છે, આર્થિક રીતે પણ તબાહ થઈ રહ્યું છે. અમેરિકાસહિતના ‘નાટો’ દેશો પ્રચ્છન રીતે યુક્રેનની તરફે રશિયા સામે લડે છે પરંતુ મોટું નુકસાન તો યુક્રેનનું જ છે. ચાલુ નાણાકીય વરસમાં યુક્રેન ૩૦ અબજ ડોલરનું સંરક્ષણ ખર્ચ કરવાનું છે. જે તેના કુલ બજેટનો ૪૪ ટકા હિસ્સો છે. રશિયાએ ગત વરસે જીડીપીનો ૩.૫ ટકા ખર્ચ કર્યો હતો. આ વરસે તેણે જીડીપીના ૪.૧ ટકા ફાળવ્યા છે. એટલે હિંસા અને યુધ્ધ કેટલાં મોંઘા છે અને અહિંસા તથા વિશ્વશાંતિ કેટલાં જરૂરી છે તે ન સમજાય કે ઉકેલાય તેવો કોયડો તો નથી જ.

કોઈ પણ દેશ તેની સરહદોને સુરક્ષિત રાખવા જરૂરી સંરક્ષણ ખર્ચ કરે કે સૈન્ય રાખે તે સ્વાભાવિક ગણાય. પરંતુ કેટલાક દેશો જગત જમાદારી, હથિયારોનું વેચાણ અને  વિસ્તારવાદ કરવા કે સૈન્ય મહાસત્તા બનવાની સ્પર્ધામાં મસમોટો ખર્ચ કરે છે કે સૈન્ય રાખે છે. તેઓ જ દુનિયામાં  અશાંતિ અને તણાવ સર્જી પોતાનો રોટલો સેકતા હોય છે. રક્ષા ખર્ચમાં મોખરાના દસ દેશોમાં ચીન અને ભારતને બાદ કરતાં બાકીના સાત દેશોનો ખર્ચ અમેરિકાથી અડધો છે. આ જ  અમેરિકા હથિયારો અને સંરક્ષણ સાધનોની નિકાસમાં પણ પ્રથમ ક્રમે છે. દુનિયાના ૯૬ દેશોને અમેરિકા હથિયારો વેચે છે. અને સંરક્ષણ હથિયારોની નિકાસમાં તેનો હિસ્સો સૌથી વધુ, ૪૦ ટકા, છે. આ હકીકત નજરઅંદાજ થવી ના જોઈએ.

ગત વર્ષ કરતાં તેર ટકાની વૃધ્ધિ સાથે વર્તમાન વર્ષનું ભારતનું સંરક્ષણ  બજેટ ૫.૯૪ લાખ કરોડનું છે. જે દેશના કુલ બજેટનો ૧૩.૩૧ ટકા હિસ્સો છે તો દેશના જીડીપીનો ૨.૯ ટકા છે. તાજેતરમાં સૈન્ય માટે ૭૦,૫૦૦ કરોડના હથિયારો અને લશ્કરી શસ્ત્રસરંજામની ખરીદીની સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી છે. તો હાલના બજેટમાં તોપ થી લઈને મિસાઈલ્સ જેવા નવા હથિયારો, હેલિકોપ્ટર, ડ્રોન, એન્ટી ટેન્ક મિસાઈલ્સ, ફાઈટર જેટસ, સબમરીન્સ,અત્યાધુનિક વેપન્સ સિસ્ટમ ખરીદવા ૧.૬૨ લાખ કરોડની ફાળવણી કરી છે. ભારતે સ્વદેશી સૈન્ય હથિયાર વિકસિત કર્યા છે. તેમ છતાં મુખ્યત્વે તો તે સંરક્ષણ સાધનોની આયાત જ કરે છે. દુનિયાના કુલ સૈન્ય હથિયારોની આયાતમાં ભારતનો હિસ્સો ૧૧ ટકાનો છે. ભારત તેના ૪૫ ટકા રક્ષા  સાધનો મિત્ર દેશ રશિયા પાસેથી ખરીદે છે. તે પછીના ક્રમે ફ્રાન્સ, અમેરિકા, ઈઝરાયેલ, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકા પાસેથી લશ્કરી શસ્ત્રો ખરીદે છે.

બાહ્ય સુરક્ષાના નામે કે કારણે દુનિયામાં  હથિયારોની હોડ મચેલી છે. જી-૨૦ના દેશો રક્ષા સાધનોના ઉત્પાદનની ઘરેલુ ઔધ્યોગિક ક્ષમતા ધરાવે છે. એટલે મોટા વીસ શસ્ત્ર નિકાસકારોમાં જી-૨૦ના બાર દેશો છે.  દુનિયાની કુલ શસ્ત્ર ખરીદીમાં બાર ટકા સાઉદી અરબે ખરીધ્યા છે. અમેરિકાના અડધોઅડધ લશ્કરી હથિયારો પશ્ચિમ એશિયામાં વેચાય છે અને આ અડધામાં અડધા એકલું સઉદીઅરબ ખરીદે છે. એશિયામાં સાઉદી પછીનો આયાતકાર દેશ ભારત છે.

ભારતની સરકારી કંપનીઓ વિશ્વસ્તરના સંરક્ષણ સાધનો બનાવે છે. ૨૦૨૨માં સરકારે ૧૫૬ રક્ષા સાધનો મિત્ર દેશોને વેચવાની પરવાનગી પણ આપી હતી. જોકે પાંચમી મોટી અર્થવ્યવસ્થા છતાં સૈન્ય સાધનોની નિકાસમાં ભારતનું પ્રદાન ૦.૨ ટકા જ છે. હવે ભારત વિશ્વનો ચોવીસમો લશ્કરી હથિયારોની નિકાસકર્તા દેશ તો  બન્યો છે ખરો પણ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની અને ચીન જેવા મોટા નિકાસકાર દેશોની તુલનામાં ભારતની નિકાસ નગણ્ય છે. બુધ્ધની કરુણા અને ગાંધી-મહાવીરની અહિંસાને હડસેલીને વિશ્વગુરુ ભારત પણ હવે સૈન્ય સાધનોનો ઉત્પાદક અને નિકાસકાર છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી પ્રમાણે ૨૦૧૫-૧૬ માં ભારતે રૂ.૧૯૪૧ કરોડના સૈન્ય સાધનોની નિકાસ કરી હતી. પાંચ વરસે ૨૦૨૧-૨૨માં  વધીને તે રૂ. ૧૧,૬૦૭ કરોડની થઈ છે.

દુનિયાનું ત્રીજા ક્રમનું સૈન્ય ખર્ચ કરતું ભારત ત્રીજા ક્રમનું લશ્કર પણ ધરાવે છે.  સૌથી વધુ ૨૩.૩૩ લાખની સક્રિય સૈનિક સંખ્યા સાથે ચીન પ્રથમ છે, ૧૪ લાખ સાથે અમેરિકા દ્વિતીય અને ૧૩.૨૫ લાખ સાથે ભારત તૃતીય ક્રમે છે. નાટો દેશોએ તેના સભ્ય દેશો માટે જીડીપીના ૨ ટકા વાર્ષિક સંરક્ષણ ખર્ચ ફરજિયાતપણે કરવાની શરત રાખી છે. અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાનું સૈન્ય ખર્ચ વૈશ્વિક સૈન્ય ખર્ચના ૬૨ ટકા છે. આખી દુનિયાના સૈન્ય બજેટનો ૩૮ ટકા હિસ્સો એકલા અમેરિકાનો છે. કોરોના મહામારી કે તે પછીના વરસની આર્થિક મંદીએ પણ સૈન્ય ખર્ચમાં ઘટાડો થવા દીધો નથી. આર્થિક તંગહાલીની હાલતમાં પાકિસ્તાન સરકાર આઈએમએફની લોન માટે લશ્કરી ખર્ચમાં કાપની માંગ સ્વીકારે તે પાકિસ્તાનના સૈન્યને મંજૂર નથી. તેથી સરહદી સુરક્ષા કરતાં બીજા પરિબળો પણ સંરક્ષણ ખર્ચ અને સૈન્ય મહાસત્તા ગણાવા બાબતમાં જવાબદાર હોઈ શકે છે.

સરહદો સળગતી હોય તો શાંતિના જાપ ના ચાલે તેમ ગજા બહારનો સૈન્ય ખર્ચ પણ  ના પરવડે. રશિયા તેના સૈન્ય ખર્ચમાં સતત ઘટાડો કરતું હતું. ૨૦૦૬થી સંરક્ષણ ખર્ચમાં ટોચના પાંચ દેશોમાં તેનું સ્થાન હતું તે ૨૦૧૬માં ગુમાવ્યું તેની પણ પરવા કરી નહોતી. હવે યુક્રેન સાથેના યુધ્ધે બાજી પલટી નાંખી છે. જર્મનીના વધતા સૈન્ય  ખર્ચને તેના બહુમતી નાગરિકોનું સમર્થન નથી. સંરક્ષણ બજેટ નિર્ધારિત કરતી વેળા દેશની પ્રાથમિક જરૂરિયાતોની અવગણના ના થાય તેનો ખ્યાલા રાખવો પડશે. નાગરિકોની શિક્ષણ, આરોગ્ય, પાણી જેવી મૂળભૂત સગવડોને બાજુએ મૂકી  સૈન્ય ખર્ચમાં વધારો દુશ્મન દેશના સૈનિકોની નહીં ખુદના નાગરિકોની હત્યા છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.