ફિર દેખો યારોં

બીરેન કોઠારી

માર્ચ, ૨૦૨૩માં કેરળ રાજ્યના કોચી શહેરમાં આવેલા બ્રહ્મપુરમ ઘન કચરાના પ્લાન્‍ટમાં લાગેલી આગે શહેરના જનજીવન પર અત્યંત વિપરીત અસર કરી. એકસો દસ એકરમાં પ્રસરેલા, ઘન કચરાના નિકાલ માટેના આ સ્થળે અતિશય ગરમી અને કચરાના વધુ પડતા ભરાવાને કારણે બીજી માર્ચ, ૨૦૨૩ના રોજ આગ શરૂ થઈ. જોતજોતાંમાં તે એટલી પ્રસરી કે શહેરના ઘણા વિસ્તાર પર ઝેરી ધુમાડો છવાઈ ગયો. શહેર જાણે કે ‘ગેસ ચેમ્બર’માં પલટાઈ ગયું. લોકો આંખ અને ગળામાં બળતરાની ફરિયાદ કરવા લાગ્યા અને નબળા સ્વાસ્થ્યવાળા અમુકને ગૂંગળામણ થવા લાગી. આગ લાગ્યા પછી તેને બુઝાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા, પણ આગ બેકાબુ બનતી રહી અને બાર બાર દિવસ લગી તેણે મચક આપી નહીં.

ઝેરી ધુમાડાના આવરણ તળે કોચીનિવાસીઓના આ બાર દિવસ કેવા યાતનામય વીત્યા હશે એ કલ્પી શકાય એમ છે. પણ આ આગે અનેક સવાલ ઊભા કર્યા છે. ઘન કચરાના નિકાલ માટે કેરળ સરકારે અપનાવેલી નીતિમાં કઈ હદનાં છીંડાં છે એ હકીકત આ આગ થકી નજર સામે આવી. નિર્ધારીત ક્ષમતા કરતાં વધુ જથ્થામાં કચરો ઠલવાતો રહે ત્યારે એનું વ્યવસ્થાપન કરવું અઘરું બની રહે છે.

કેરળ રાજ્યે ઘન કચરાના વ્યવસ્થાપનની નીતિ ૨૦૧૮માં અમલી બનાવી હતી અને ૨૦૨૬ સુધીમાં રાજ્યને કચરામુક્ત બનાવવાની ઘોષણા કરી હતી. કેરળ રાજ્ય પર્યાવરણ યોજના ૨૦૨૨ મુજબ, આ રાજ્યમાં રોજનો 11,449 ટન ઘન કચરો પેદા થાય છે, જેમાંના ૩,૪૫૨ ટન ઘન કચરો શહેરી વિસ્તારમાં અને ૭,૯૯૭ ટન ઘન કચરો ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્પન્ન થાય છે. કેરળ સરકારે વિધાનસભાને જણાવ્યા મુજબ કચરાનો આ પ્લાન્‍ટ રોજના કેવળ ૩,૨૦૫ ટન ઘન કચરાને જ પ્રોસેસ કરી શકે છે. આમ, ઘન કચરાની આવક અને તેને પ્રોસેસ કરવાની ક્ષમતા વચ્ચે ઘણો મોટો તફાવત છે. એ ત્યારે જ દૂર થઈ શકે જો કચરાની આવક ઓછી થાય, કાં પ્લાન્‍ટની ક્ષમતામાં વૃદ્ધિ કરવામાં આવે. પહેલી શક્યતા ઓછી છે એટલે બીજી શક્યતા પર જ વિચાર કરવાનો થાય.

કેરળ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના જણાવ્યા મુજબ, રાજ્ય ભરના ઘન કચરાના કુલ જથ્થા પૈકી દસ ટકા કરતાં પણ ઓછા કચરાનું વિભાજન તેના સ્રોત પર કરવામાં આવે છે. આને કારણે તેનું વ્યવસ્થાપન મુશ્કેલ બની રહે છે. સમગ્રપણે જોઈએ તો જનજાગૃતિનો અભાવ, પૂરતી માળખાકીય સવલતોનો અભાવ, નબળું વ્યવસ્થાપન છેવટે ગંભીર પરિસ્થિતિને નોંતરે છે.

કેરળમાં ‘હરિત કર્મ સેના’ ઘેરઘેરથી કચરો એકઠો કરી, તેનું વિભાજન કરીને, સૂકા, વિઘટન ન થઈ શકે એવા કચરાને રિસાયકલિંગ માટે મોકલવાની જવાબદારી સંભાળે છે. તેની કામગીરીમાં સાતત્ય નથી એમ કહેવાય છે. આને કારણે ઠેરઠેર ઘન કચરાના અંબાર ખડકાયેલા જોવા મળે છે. આ કચરામાં આવી ભયાનક આગ લાગી એ અકારણ નથી, પણ આમ થયું ત્યારે આ સમસ્યા પ્રસાર માધ્યમોમાં ચમકી. બાર દિવસ લગી ચાલેલી આગ માંડ માંડ કાબૂમાં આવી એના થોડા દિવસ પછી ફરી આગ લાગી.

કોચીમાં કચરાની સમસ્યા આ આગને કારણે ચર્ચાઈ. આનો અર્થ એવો નથી કે અન્ય તમામ રાજ્યોમાં બધું બરોબર છે. ઘન કચરાના સુયોગ્ય વ્યવસ્થાપન માટે કંઈ વિનાશક આગ લાગે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. સ્થાનિક સેવા સદન ઘેર ઘેર કચરો ઉઘરાવવાની વ્યવસ્થા ગોઠવે છે, પણ તેના સુયોગ્ય નિકાલ માટે શું કરે છે એ ઉઘાડું રહસ્ય છે. ઘણા ખરા કિસ્સામાં એમ જ લાગે કે નાગરિકો પાસેથી તગડો વેરો વસૂલી શકાય એટલા પૂરતી જ કચરો ઉઘરાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

કેરળમાં આ મામલાને રાજકીય રંગ પણ અપાયો. જો કે, આ મામલે ભાગ્યે જ કોઈ રાજ્યમાં ધોરણસરની નીતિ હશે, અને એ મુજબ કામ થતું હશે. પર્વતીય વિસ્તારોમાં પરિસ્થિતિ ઓર ખરાબ છે. ત્યાં તો ઊંચાણવાળા વિસ્તારોમાંથી ઘન કચરાને સીધો નીચે ઠાલવી દેવામાં આવે એટલે વાત પૂરી. નાગરિકોના સ્તરે એ જરૂરી છે કે તેઓ સૂકા અને ભીના કચરાનું વિભાજન કરીને એ મુજબ જ તેનો નિકાલ કરે. આમ છતાં, આમાં કેવળ નાગરિકો કે એકલી સરકાર કશું કરી શકે એમ નથી. બન્ને પક્ષે યોગ્ય દિશામાં પ્રયત્ન થાય એ જરૂરી છે.

એક હકીકતનો સ્વીકાર કરવો રહ્યો કે વર્તમાન સમયમાં ગમે એવા સભાન નાગરિક હોય તો પણ એની મરજી બહાર અનેક પ્રકારનો બિનજરૂરી કચરો ઘરમાં ઠલવાતો રહે છે. એક સાદું, બિસ્કીટનું નાનકડું પેકેટ ઘરમાં આવે તો પણ કેટલું બધું પ્લાસ્ટિક લાવે છે, જેનો બીજો કશો ઉપયોગ ન હોવાથી એને ફેંકી દીધા સિવાય કોઈ આરો નથી. હવે ટેક્નોલોજીને કારણે દરેક ચીજનું પેકેજિંગ આકર્ષક બનતું ચાલ્યું એમ કચરો પેદા થવાનાં સ્થાન વધતાં ચાલ્યાં. આનો કોઈ ઊપાય ખરો? કોઈ રાજકીય જુમલાબાજીથી કે માત્ર દંડાત્મક પગલાંથી નહીં, પણ લાંબા ગાળાની નક્કર નીતિથી એનો ઊકેલ વિચારી શકાય. ન નાગરિકોએ એકલાએ, ન ઉત્પાદકોએ એકલાએ કે ન રાજકીય નેતાગીરીએ એકલાએ આ કામ કરવાનું છે! સૌ મળીને તેની નીતિ બનાવે તો કંઈક પરિણામ મળે એવી શક્યતા ખરી. એ ક્યારે? એમ થાય એ પહેલાં તો કેટલો બધો કચરો આપણે આ પૃથ્વી પર ઠાલવી ચૂક્યા હોઈશું! કેરળની દુર્ઘટના બીજે ક્યાંય નહીં થાય એની કોઈ ખાત્રી નથી.

આવી ચેતવણીને આપણે અવગણીએ તો એનાં ગંભીર પરિણામ આપણે કે આવનારી પેઢીએ ભોગવવાં પડશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩ – ૦૪ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)