વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • શંકા

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    ‘ભૂતયોનિ જેવું કશું હોતું નથી’ એવી વાત અનેક મુખોથી કહેવાયા અને મારા કાન વડે સંભળાયા   પછી પણ ભૂત અંગેની વાતો સાંભળવાનો રસ આજ સુધી જળવાઈ રહ્યો છે. આ રસની તીવ્રતા એટલી છે કે  ભૂતપ્રેતની વાતોની સમાપ્તિ પછી ‘જનગણ’ ની જેમ આવતું -‘મંછા ભૂત અને શંકા ડાક્ણ’- કહેવત સરીખું આ  વાક્ય ગમતું નથી. આ અણગમા પાછળ બે કારણો છે. જોડણીકોશ બન્યા પછી ગાંધીજીએ જેમ કહ્યું કે હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવનો અધિકાર નથી તેમ ‘મંછા ભૂત અને શંકા ડાક્ણ’ એ કહેવત આપણો ભૂતપ્રેતની વાતો કરવાનો અધિકાર છીનવી લેતી હોય તેમ લાગે છે. ભૂતકથાઓ કહેવાનો અને સાંભળવાનો  મૂળભૂત હક છીનવાઈ જાય એ તો કેમ ચલાવી લેવાય?

    બીજું અને મહત્વનું  કારણ એ છે કે ઉપરોક્ત કહેવતમાં શંકાને ડાકણ કહેવાઈ છે તે મને સહેજ પણ પસંદ નથી.  શંકાને ડાકણ કહેવા પાછળ માત્ર ભૂતયોનિનો  અસ્વીકાર જ હોત તો કદાચ  સહન થઈ શકતું. પરંતુ અહીં તો શંકાને ઉતારી પાડવાનો પ્રયાસ પણ દેખાય છે. આથી આ લેખમાં શંકાને ન્યાય અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    શક, શંકા, સંશય, એ તમામ પર્યાયવાચી શબ્દો છે. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે  સંશયાત્મા વિનશ્યતિ, પણ એ તો અર્જૂન જેવા ભકત માટે છે. આપણા જેવા સામાન્ય માણસ તો શંકાને કારણે જ સલામત રહી શકે છે. બાળક જન્મે છે ત્યારે સૌ પ્રથમ તે પોતાની માતાને જ ઓળખે છે અને આસપાસના બીજા લોકોને શંકાની નજરે જ જુએ છે. ગૂનેગારને પકડવા તો પોલીસે સૌ પ્રથમ શંકાનો જ આશરો લેવો પડે છે. આ બાબતે પોલીસ  ફરિયાદી કે અન્ય લોકોમાં કશો ભેદભાવ રાખતી નથી એટલું જ નહિ ‘cherty begins at home’ એ સત્યનું  ભાન કરાવવા માટે સૌ પ્રથમ  ફરિયાદીને જ શકમંદ બનાવે છે.

    માત્ર મનુષ્ય જ નહિ દરેક પાલતું પ્રાણી પણ અજાણ્યા લોકોને શંકાની નજરે જુએ છે. શેરીના શ્વાનની તો વાત જ અલગ છે. કોઇપણ અજાણ્યા મનુષ્ય કે પ્રાણીને જોતાની સાથે જ તે શંકાશીલ થઈ જાય છે. જાણીતી વ્યકતિ પણ જો વેશભૂષા બદલીને આવે તો તેને પણ શંકાની નજરે જુએ છે. મારા એક મિત્રનું તો કહેવું છે કે આઝાદી પહેલા કોઈ અંગ્રેજને જોઈને ટોપી ઉતારવી પડતી પણ આજના સમયમાં તો કૂતરાને જોઇને શિયાળામાં કાનટોપી ઉતારવી પડે છે. આ ઉપરાંત ચાલતો માણસ અચાનક દોડવા લાગે અથવા  દોડતો માણસ અચાનક ઊભો રહી જાય તો પણ કૂતરાઓ સાશંક થઈને  ભસવા લાગે છે. પોતાના  અજાણ્યા જ્ઞાતિબંધુઓ પ્રત્યે તો તેઓ  હંમેશા શંકાશીલ હોવાથી તેમને જોતાની સાથે જ  ઘુરકિયા કરતા હોય છે. બે પડોશી દેશોની પ્રજાઓ પરસ્પર શંકાની નજરે જુએ છે તેમ કૂતરાઓ પણ પડોશની શેરી કે  લત્તાના જાતભાઈઓ પ્રત્યે હંમેશા શંકાશીલ રહે છે. આ શંકા ક્યારેક પડોશી શેરીઓના કૂતરાઓ વચ્ચે  યુદ્ધમાં પરિણમે છે. મને લાગે છે કે પડોશી રાષ્ટ્રો સાથે લડાઇ કરવાનું આપણે આપણી નજીક હંમેશા રહેતી શ્વાંનસૃષ્ટિ  પાસેથી જ શીખ્યા હોઈશું.

    ક્રિકેટની રમતમાં બેટ્સમેનને શંકાનો લાભ આપવામાં આવે છે. અહીં વાચક મિત્રો સવાલ પૂછશે કે તો એ લાભ ફિલ્ડિંગ ભરતી ટીમને કેમ નથી અપાતો?  ભાઈ,  ફિલ્ડરો તો ક્રિકેટના શ્રમજીવીઓ છે અને બેટ્સમેન તો રાજાપાઠમાં હોય છે. (યાદ કરીએ જૂના જમાનાના આપણા રાજવીઓને. તેઓ જ્યારે ક્રિકેટ રમતા ત્યારે પોતે બેટિંગ જ કરતા અને ફિલ્ડિંગ તો ચાકરો પાસે  જ કરાવતા.) આથી આપણી અને જગત આખાની વણથંભી ચાલી આવતી  સંસ્કૃતિ મુજબ કોઇપણ લાભ ઉપલા વર્ગને જ આપવામાં આવે નહિ કે આપણે જેને નીચલા વર્ગના ગણીએ છીએ તેવા શ્રમજીવીઓને. ક્રિકેટની રમતમાં પણ આપણી સંસ્કૃતિને જ અનુસરવાનું હોય ને!

    આપણી અદાલતોમાં પણ ન્યાયાધીશોને ખાતરી હોય કે આરોપીએ ગૂંન્હો કરેલો છે. તો પણ તેને પુરાવાના અભાવે જે લાભ આપવામાં આવે છે તેને શંકાનો લાભ  કહેવામાં આવે છે.

    કાગબાપુએ ગાયા મુજબ રામાયણનો પેલો નાવિક રામચંદ્રજીને કહે છે. “પગ મને ધોવા દિયો રઘુરાય આજ મને શક પડ્યો મનમાંય”, ભગવાન રામજીના ચરણ ધોવા માટે શંકાનો જ આશરો લેવામાં આવેલો.

    જગતની તમામ પ્રજાઓ પોતાના નેતાઓના વચનોમાં શંકા નહિ કરવાને કારણે આજ સુધી છેતરાતી આવી છે. અમછતાં નેતાઓને ન્યાય આપવા માટે કહેવું પડે કે તેઓ વચન આપતી વખતે આપણને શંકા નહિ કરવાનો આદેશ નથી આપતા. પરંતુ ધર્મશાસ્ત્રો અને અને ધર્મગુરૂઓ  શંકા નહિ કરવાનો આદેશ આપીને અટકી જતા નથી. તેઓ તો શંકા કરનારને નર્કની સજા મળશે એવી ધમકી આપતા હોય છે.  મધ્યયુગનાં યુરોપમાં ધર્મગુરુઓએ  તો બાઇબલની વાત પર શંકા કરનારને મૃત્યુ  પછી  ઇશ્વર સજા કરે ત્યાં સુધી ધીરજ રાખવાને બદલે તેમને  માનવલોકમાં જ સજા  ફરમાવીને મોતને ઘાટ  ઉતારી દીધાના પ્રસંગો અનેક છે.

    પોતાને નેસ્તનબૂદ કરવાના અનેક પ્રયાસો થયા પછી પણ અનેક જુલ્મો સમે લડીને શંકા  આજસુધી ટકી રહી છે  એ વાત જ તેનાં વજુદનો મોટો પુરાવો છે. આથી જ મનુષ્ય ડગલે ને પગલે શંકાનો આશરો લે છે.

    આસ્તિકો અને રેશનાલિસ્ટો વચ્ચે પાયાનો તફાવત ઈશ્વરનાં અસ્તિત્વ અંગેની માન્યતાનો છે. પરંતુ બીજો એક તફાવત પણ જોવા મળ્યો છે. આસ્તિકો ઈશ્વરની સાધના કરે છે, જ્યારે રેશનાલિસ્ટો શંકાની સાધના કરતા હોય છે. આપણા એક મોટા રેશનાલિસ્ટ રમણભાઈ પાઠક તો ‘સમકાલીન’ નામના દૈનિકમાં નિયમિત જે કોલમ લખતા તેનું નામ જ ‘સંશયની સાધના’ હતું. આમ આસ્તિકો જે દરજ્જો ભગવાનને આપે છે તે દરજ્જો રેશનાલિસ્ટો શંકાને આપે છે.

    પ્રાચીન ગ્રીસમાં એરિસ્ટોટલે કહેલું કે સ્ત્રીઓને પુરૂષો કરતા ઓછા દાંત હોય છે. એરિસ્ટોટલેની આ વાતમાં કોઈએ શંકા કરીને સ્ત્રી અને પુરુષોના દાંત ગણેલા નહિ. આથી વિદ્યાકળામાં નિપૂણ એવા ગ્રીક લોકો મનુષ્યના દાંતની સંખ્યા બાબતે અજ્ઞાની રહી ગયેલા. અહીં  એ પણ સાબિત થાય છે કે પ્રાચીન ગ્રીસમાં ડે‌ન્ટિસ્ટો ન હતા!

    જેમ કેટલાક મહપુરૂષો પોતાના પ્રાણ સુદ્ધાનું બલિદાન આપીને સમાજનો ઉદ્ધાર કરે છે તેમ માનવજીવનમાં શંકા અનિવાર્ય હોવા છતાં તેની ઉપયોગિતા તેનાં નિર્મૂળ થવામાં છે. વ્યક્તિને કોઇ બાબતે શંકા ઉદભવે પછી તેનું  સમાધાન કરવામાં ન આવે ત્યાં સુધી તેને ચેન પડતું નથી. કશું અયોગ્ય બન્યું છે તે બાબતે શંકા જાગે તો તેના પર વિચાર કર્યા પછી જો શંકા ખોટી પડે તો સબ સલામતનો  આનંદ થાય છે અને જો શંકા સાચી પડે તો જે ખોટું થયું હોય  તેને ઠીક કરવાના પ્રયાસો કરી શકાય છે.

    વાત સાચી છે કે કેટલીક વાર શંકા દુષ્પરિણામો લાવે છે. જેમ કે શંકાને કારણે માણસોના પરસ્પરના સબંધો ખરાબ થાય છે. શંકાને કારણે કેટલાક દાંપત્યજીવનો નંદવાઈ જાય છે. એક જાણીતી રમૂજ મુજબ એક માણસને શંકા થઈ કે પોતે બિલાડી ગળી ગયો છે. પછી તેની શંકાનું સમાધાન કરવા માટે તેને બેભાન કરવામાં આવ્યો. ભાનમાં અવ્યા બાદ અગાઉથી જ લાવીને રાખવામાં આવેલી બિલાડી તેને બતાવવામાં આવી, પછી તેને કહેવામાં આવ્યું કે તેનાં શરીરનું ઓપરેશન કરીને બિલાડી બહાર કાઢી લેવામાં આવી છે. પરંતુ પેલા ભાઈએ તો કહ્યું કે પોતે ધોળી બિલાડી ગળી ગયો હતો અને આ તો કાળી બિલાડી છે!  આથી એમ કહી શકાય કે દરેક વસ્તુની જેમ શંકાનો અતિરેક પણ હાનિકારક છે. બીજી રીતે કહીએ તો અપણી શંકાને પણ શંકાના દાયરામાં લાવવી રહી. જેમ ઝેરનું મારણ ઝેર છે, કાંટા વડે કાંટો કાઢી શકાય છે તેમ શંકાને પણ તેના પર શક કરીને નાબૂદ કરી શકય છે. આમ શંકા માનવી માટે હંમેશા હિતકારી અને સુખકારી જ  છે. સુજ્ઞ વાચકમિત્રોને જણાવવાની જરૂર ખરી કે માનવજાત આજે  વિજ્ઞાન, તત્વજ્ઞાનમાં કે અન્ય કોઈ વિદ્યાશાખાનાં ઉચ્ચ શિખરે બિરાજે છે તેમાં શંકાનો બહુ મોટો ફાળો છે?


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ત્રીજો ફોટો

    દરિયા-પારની  વાર્તા

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    એમ કહી શકાય કે ઘર ખાલી થઈ ગયું છે. હવે મકાનને છોડીને જવા જેટલી જ વાર છે. જ્યાં જેવો નસીબમાં હતો તેવો સંસાર કર્યો તેને છોડી દેતાં પહેલાં થોડો વખત બેઠી છું. વિચાર કરતાં નિઃશ્વાસ નંખાઇ જાય છે કે એક સાધારણ જીવનમાં આટલું બધું વીત્યું? અંદરની ફીક્કી પડી ગયેલી હવા થરથરતી લાગે છે.

    જે મારું હતું અને ઊંચકાઈ શકે તેમ હતું તે બધું હું ચોક્કસપણે  ખાલી કરતી ગઈ છું. કેટલું બધું કાઢી નાખ્યું. હાશ લાગે છે હવે. ફેંકી દેવા જેવું ખાસ કશું નહોતું, પણ આપી દેવા જેવું ઘણું હતું. પહેરવાનાં કપડાં, સ્વેટર, ગરમ કોટ, શૂઝ, ને ચાદરો, બ્લૅન્કૅટો, ટુવાલો વગેરે. ચૅરિટી માટેની એવી સંસ્થાઓ હોય છે જેના કાર્યકરો નક્કી કર્યા પ્રમાણે આવે ને બધું લઈ જાય. જેને જરૂર હોય તેમને એ બધું પહોંચે. રસોડાની તો દરેકે દરેક વસ્તુ મેં લઈ જવા દીધેલી. મને જ થયું હતું – આટલાં વાસણો ક્યારે ભેગાં થઈ ગયાં હશે? મોંઘામાંના ક્રિસ્ટલના થોડા ગ્લાસીઝ હતા તે હું જ સાચવીને પૅક કરીને નજીકના એક ચર્ચની નાની શૉપમાં મૂકી આવી હતી. સસ્તામાં વેચે તો યે થોડી આવક થાય એમને.

    મોટી મોટી અને ભારે ભારે આઇટમો જેમની તેમ જ છે. દરેક રૂમનું ફર્નિચર – સોફાસેટ, ટેબલ-ખુરશીઓ, ખાટલા, બૂક-કેસ વગેરે – વર્ષોથી હતું તેમનું તેમ સ્થિર ને સ્થગિત પડી રહેલું છે. આ અર્થમાં ઘર અમુક અંશે હજી ભરેલું છે. પણ તે એટલા માટે કે રામારાવ પતિ-પત્ની એ બધું જ રાખી લેવા માગતાં હતાં. ખાસ કરીને જયારે એમણે જાણ્યું કે મારે કશાના પૈસા જોઇતા નથી ત્યારે બંને ખૂબ ખુશ થયેલાં કે કશું ખરીદવું નહીં પડે. શંકર અને સ્વાથિ રામારાવ આ મકાનનાં નવાં માલિક થવાનાં છે – આવતી કાલથી. જોકે, જો જાણે કે હું છોડીને ચાલી ગઈ છું તો આજ રાતથી પણ રહેવા આવી જાય. બંને તરફ ઉતાવળ છે – એમને આવવાની, મને જવાની.

    હંમેશાં એવું નહોતું. અરે, શરૂઆતમાં તો મને ઘરની બહાર જવાનું મન જ ના થતું. મારી આખી દુનિયા ઘરની અંદર હતી, ને એ દુનિયામાં હતી બધી ખુશી. મેં ને ભાવિકે સાથે આ ઘર પસંદ કરેલું. બહારથી જોતાં વેંત એણે કહેલું, સુઝન, તને આ ઘર ગમશે જ, એવી મને ખાત્રી છે.

    મેં કહેલું, એમ કે? બોલો, મારવી છે શરત? જો મને ના ગમે તો શું?

    ભાવિક બોલેલા, અરે ના, એમ નહીં. જો તને ગમી જાય તો હું એ આપણે માટે ખરીદી લઇશ, ને પછી એ હંમેશને માટે તારું રહેશે. અને જો ના ગમે તો હજી બીજાં ઘર જોતાં રહીશું. જીત તો તારી જ હોયને વળી.

    હું શરમાઈ ગયેલી – આટલો બધો પ્રેમ કરતા હતા એ મને?

    પરણીને હું અમેરિકા આવી ત્યારે એ જે ફ્લૅટમાં રહેતા હતા એમાં જ અમારાં સહજીવનનો આરંભ થયેલો. લગભગ પહેલેથી જ એ મને સુઝન કહેવા માંડેલા, ને એ જ રીતે બધાંને મારી ઓળખાણ આપતા. એમનું કહેવું એમ હતું કે આ દેશના લોકોની જીભે સુમન નામ સરખું નહીં બોલાય. તો શા માટે પહેલેથી નામ સહેલું ના બનાવવું? એક જ અક્શર બદલવાથી, જો તો ખરી, કેવી સરસ ફીટ થઈ જાય છે તું આ દેશમાં.

    ક્યાંય સુધી હું સંમત નહોતી થઈ. એ સુઝન તરીકે ઓળખાવે તો હું સામે તરત કહેતી – ના. મારું નામ સુમન છે. સાંભળનાર ગોટાળામાં પડી જતાં. કહેતાં, “ઓહ, સુ મૅન?” અથવા “ઓહ, સ્યુ માન?” કે એવું કંઇક. આ રીતે બહારનાંને માટે અમે વિક ને સુઝન બનેલાં, ને  નછૂટકે હું કંઇક ટેવાઇ ગયેલી.

    આ ઘરમાં જ પછી અમે બેનાં ત્રણ થયેલાં. ભાવિકને તો જાણે બેબીનું ઘેલું જ લાગેલું. એક મિનિટ એને નીચે મૂકવા ના માગે. હાથમાં ને હાથમાં રાખે. નોકરી પર પણ પરાણે જાય. શનિ-રવિ ક્યારે આવે એની જ રાહ જોતા હોય એ. કહ્યા કરે, જોજેને, હું એને વૅસ્ટર્ન મ્યુઝિકની મોટી સ્ટાર બનાવીશ.

    કેમ ઇન્ડિયન મ્યુઝિકની નહીં?, હું પૂછતી.

    ઇન્ડિયન મ્યુઝિક ભલે શીખતી, પણ ફેમસ તો વૅસ્ટર્નમાં જ થવાની. કશું નવું જ કરવાની એ અહીં, તું જોયા કર ને.

    એટલે ઘરમાં આખો વખત જાઝ મ્યુઝિક ને બીથોવન-મોત્ઝાર્ટ જ વાગતાં રહેતાં. બેબીને હાથમાં ઊંચકીને ભાવિક ડાન્સ કરવા માંડી જતા. ક્યારેક હું યે ખેંચાતી, પણ ખાલી હાથે. બેબીને ગાલે મને ચુમી ભરવા દેતા, પણ એ રહેતી એમને જ વળગેલી. અમે ત્રણેય તાલમાં માથાં હલાવતાં, ને એક સાથે હસતાં રહેતાં.

    ભાવિક બેબીને બીજું ઘણું શીખવાડવા માગતા હતા – પિયાનો, પેઇન્ટિન્ગ, સ્વીમિન્ગ, સ્કેટિન્ગ. અરે, બધું શીખશે, ને સરસ ભણશે પણ ખરી. તું ચિંતા શું કામ કરે છે?, એ મને ટોકતા.

    ને ખરેખર એ છોકરીને બધાંમાં રસ પડતો, ને બધું એને આવડી પણ જતું. ભણવામાં તો બહુ જ મઝા આવતી એને. હજી તો છ વર્ષની થઈ હશે ને એના ડેડી સાથે ગ્લોબલ વૉર્મિન્ગ પર ચર્ચા કરવા લાગતી. એકાદ વર્ષ પછી ભાવિક એને માટે સાયકલ લઈ આવ્યા. એ શીખતાં પણ બેબીને વાર ના લાગી. ગાડીમાં સાયકલને મૂકીને બંને પાર્કમાં જતાં. ત્યાં બેબી સાયકલ ચલાવતી, ભાવિક ઝડપથી સાથે ચાલતા. પછી જોકે એમને સાથે રહેવા માટે જરા દોડવું પડતું.

    મેં ભાવિકને ભારપૂર્વક કહેલું કે એકલાં ક્યાંયે સાયકલ પર નહીં જવાનું એવું બેબીને કહી દે, ને ફરી ફરી કહ્યા કરે. મને તો બેમાંથી કોઈ ગણકારે શેનાં? બંને સહેજ વ્હાલ કરીને પટાવવા આવે, પણ આ બાબતે હું જરાયે નમતું મૂકવાની નહોતી. હજી આઠની પણ નથી થઈ. અત્યારથી એકલાં જવાની છૂટ શેની આપવાની વળી?, હું બેબીના દેખતાં જ કહેતી.

    પણ મૉમ, બાજુની મલિન્ડા તો જાય છે. બહુ દૂર નહીં, પાસે પાસે જ. તો હું કેમ ના જઈ શકું?

    હું મનમાં વિચારતી, બહુ હોશિયાર છોકરાં ઉછેરવાં કેવાં અઘરાં હોય છે. હું એને નજીક ખેંચીને કહેતી, તું નવ વર્ષની થઈ જાય પછી જવા દઇશ, બસ?

    ઓહ, મૉમ, નાઇન ઇયર્સ? આઇ વિલ બી ઓલ્ડ ધેન.

    એવું કાંઇ અમારા નસીબમાં લખેલું નહીં હોય, નહીં તો કોઇ દિવસ નહીં ને એ રવિવારની બપોરે મારી ને ભાવિકની આંખ શા માટે મળી ગઈ હશે? બેબી તો હંમેશાં એની મેળે વાંચતી હોય, મ્યુઝિક સાંભળતી હોય, કે કોઈ વાર આગલી રાતે મોડે સુધી હોમવર્ક કર્યું હોય તો થોડું સૂઇ પણ જાય. ચારેક વાગ્યે અમે રસોડાના ટેબલ પર સાથે બેસીએ. હું ને ભાવિક ચ્હા પીએ, ને બેબી માટે હું હૉટ ચૉકૉલેટ બનાવી આપું. એ પછી ક્યાંક આંટો મારવા જઈએ. ત્યારે સાથે સાયકલ તો ખરી જ.

    એ ગોઝારી બપોરે બેબીને મલિન્ડા સાથે વાત થઈ હશે. એને ત્યાં બીજી બે બહેનપણીઓ સાયકલ પર આવવાની હતી, ને એ બધી થોડી વાર આસપાસમાં સાયકલ પર ફરવાની હતી. બેબીને બહુ જ મન થઈ ગયું હશે, ને અમને ઊંઘતાં જોયાં એટલે પહેલી વાર એ કહ્યા વગર બહાર નીકળી ગઈ. સાયકલ પર રસ્તો ઓળંગીને હજી જાય ત્યાં જ ઝડપથી આવતી ટ્રક સાથે એ અથડાઈ પડી. કદાચ થોડી ઘસડાયેલી પણ ખરી. પેલી છોકરીઓ સામેના ઘરની બહાર જ ઊભી હતી. એમણે અકસ્માત બનતો જોયો, ને દોડાદોડ કરી મૂકી.

    એક તરફ મલિન્ડાએ આવીને અમારું બારણું ઠોકવા માંડ્યું, બીજી તરફ એની મમ્મી અમને ફોન કરવા માંડી હતી. અમે દોડતાં બેબી પાસે પહોંચ્યાં ત્યારે કચડાયેલી સાયકલની બાજુમાં એનો નાનકડો દેહ પડેલો હતો.  શ્વાસ હજી ચાલતો હતો, પણ એ ભાનમાં નહોતી.

    બસ, પછી શું? બનતું બધું કર્યું, પણ એ કશું પૂરતું નહોતું.

    હકીકતમાં તો, આ પછી કશું રહ્યું પણ નહીં – મારી અને ભાવિકની વચ્ચે, મારા અને ભાવિકના જીવનમાં. એક ઝંઝાવાતમાં અમારો બગીચો ઉજ્જડ થઈ ગયો હતો.

    થોડા મહિના મેં એ મકાનમાં ખેંચ્યા, પણ એ અસહ્ય હતા. એમાં હું રહી શકું તેમ નહોતું. એ અરસામાં ભાવિકને બદલી કરી આપવા માટે એની કંપની તૈયાર હતી. ભાવિકને એમ કે અમે બીજે જઈને સાથે સ્થિર થઈ શકીશું. ત્યારે મને સમજાવા માંડ્યું કે હું સાથે પણ રહી શકું તેમ નહોતું – હમણાં તો નહીં જ.

            ં                 ં                ં                ં                ં                ં

    જુદાં પડ્યા પછી અમે ક્યાં રહ્યાં, કઈ રીતે રહ્યાં – એની ખાસ કોઈ ખબર અમે રાખી નહીં. સરનામું ને ફોન નંબર બંને પાસે હતાં, પણ નિયમિત સંપર્કમાં અમે રહ્યાં નહીં. સૂકા કોઈ રણમાં જાણે બધાં પગલાંનાં નિશાન ભૂસાઇ ગયાં હતાં. ભાવિકનાં મોટાં બહેન દ્વારા ક્યારેક અમને એકબીજાના સમાચાર મળતા – જોકે જણાવવા જેવું કશું હતું જ નહીં. પાંખો પાંખો ય છાંયડો કરતી ખજૂરીઓવાળા કોઈ રણદ્વીપ ક્યાંયે બચ્યા નહોતા.

    અચાનક એક વાર મોટાં બહેનનો ફોન આવ્યો. મને કહ્યું કે ભાવિકની તબિયત સારી નથી, ને એને મારી સખત જરૂર છે. મેં વિરોધમાં જ દલીલ કરી કે આટલાં વર્ષે હવે ક્યાં અમને એકમેકની જરૂર રહી છે, ને એ તો પહોંચી વળશે એમની મેળે. પણ મોટાં બહેન એટલી આજીજી કરતાં રહ્યાં કે મારે ભાવિકને એક વાર જોવા, મળવા આવવું જ પડ્યું. આ દરમ્યાન ભાવિક પાછા અમારા એ ઘરમાં આવી ગયા હતા. વર્ષો પછી કઈ રીતે મેં એની અંદર પગ મૂક્યો તે વર્ણવી શકું તેમ નથી.  ક્યારના મૂઢ બની ગયેલા મનને હવે વધારે આઘાત પણ શું લાગવાનો?

    છતાં આઘાત  મને લાગ્યો ભાવિકને જોઈને. કેટલા સૂકાઇ ગયા હતા. મને જોઈને એ ના કશું બોલ્યા કે ના જરાયે વિચલિત થયા. મેં માન્યું કે એ પણ મારી જેમ સાવ મૂઢ થઈ ગયા હશે. કે પછી મારા ઢંગધડા વગરના વાળ જોઈને ચિડાયા હશે? એમને મારા લાંબા વાળ કેટલા ગમતા, તે અચાનક મને યાદ આવ્યું.

    મોટાં બહેને કહ્યું, ભાઈ, જો, કોણ આવ્યું છે.

    ભાવિક અન્યમનસ્ક રહ્યા. મેં પાસે જઈને કહ્યું, કેમ છો? તોયે એ ચૂપ રહ્યા. ઓછું સંભળાતું હશે માનીને મેં મોટેથી કહ્યું, હું સુઝન, ભાવિક. સુઝન, સુમન.

    ત્યારે ઊંચું જોઈને કહે, ઓહો, આવો આવો. કેમ છો?

    હું ફરી કશું કહેવા જતી હતી ત્યાં જરા આજુબાજુ જોતાં એમણે કહ્યું, બેસોને. શું લેશો? અરે, પરી, મહેમાન માટે પાણી તો લાવ. ક્યાં ગઈ, પરી?

    મેં ખસી જઈને ખુરશીનો આધાર લીધો. મોટાં બહેનની સામે જોયું. મારી નજરમાંના પ્રશ્નનો જવાબ આપવા એ મને બીજી બાજુ લઈ ગયાં. નિસાસો નાખીને ધીરે અવાજે કહ્યું, તને કાંઈ ખબર નથી, બેન?

    પછી એમણે ટૂંકમાં વાત કરી. યુવાનીમાં ભાવિકને એક છોકરી સાથે પ્રેમ થયેલો. એનું નામ પરેશા હતું. ભાવિક એને પરી કહીને બોલાવતા. બંને પરણવાનાં હતાં, પણ ભાવિકનું અમેરિકા જવાનું ગોઠવાયું. પરેશા ઉદાસ તો થયેલી, પણ થોડી રાહ જોવાનો એને વાંધો નહોતો. વાંધો હતો એના પપ્પાને. છ મહિનાની અંદર એમણે પરેશાનાં લગ્ન બીજે કરાવી દીધાં.

    ભાવિકને ક્યાંય સુધી ખબર પણ નહોતી પડી, મોટાં બહેન બોલ્યાં. પણ તું એને બહુ સારી મળી ગઈ, બેન. તારી સાથે એ આનંદમાં જ રહ્યો, ખરું કે નહીં?

    વાત સાચી જ હતી. અમારા લગ્ન-જીવન દરમ્યાન આવો કશો ખ્યાલ મને આવ્યો નહોતો. ગુમાવી દીધેલા પ્રેમની યાદો ભાવિકે કેવી ભંડારી દીધી હશે. ને મને કોઈ અન્યાય એમણે થવા નહોતો દીધો. પ્રેમ પણ ક્યાં ઓછો આપ્યો હતો? પણ અત્યારે તીવ્ર સ્મૃતિભ્રંશના આ ક્રૂર રોગની અસરમાં મન પરનાં કેટલાંયે પડ ઊખડી ગયાં હતાં. નજીકના સમયની ઘણી સ્મૃતિ અલોપ થઈ હતી, ને જે ઊંડે દટાયેલું હતું તે ઉપર આવી ગયું હતું.

    ભાવિક મારાથી સાતેક વર્ષ મોટા. તોયે આલ્ઝાઇમર તરીકે ઓળખાતા થયેલા આ રોગને માટે આ ઘણું વહેલું કહેવાય. બીજે જ દિવસે હું ડૉક્ટરને મળવા ગઈ હતી. મારે સમજવું હતું કે આવું બની કઈ રીતે શકે? એમણે કહ્યું કે આલ્ઝાઇમર થવાનાં ચોક્કસ કારણ હજી કોઈ કહી શકતું નથી. એ મગજની અંદર રહેલા સૂક્શ્માણુઓ સાથે સંબંધિત છે. પણ ક્યારેક ઓછી ઉંમરે પણ આવું થાય, ડૉક્ટરનું કહેવું હતું.

    સાર આટલો હતો. વધારે તરત મને સમજાયું નહી. પણ આ વિષે વિચારતી રહી. એક દિવસ અચાનક મને થયું, મન પર આઘાત ને મેન્ટલ સ્ટ્રેસ શું કારણ ના હોઈ શકે?- ડાયાબિટિસ, હાર્ટ ઍટૅક કે ડિપ્રેશન જેવા રોગોની જેમ? ને ભાવિકે જીવનમાં કેટલાં પ્રિયજન ગુમાવ્યાં હતાં. મને પણ દૂર ચાલી જતાં નહોતી રોકી. બસ, એ ચૂપચાપ ગુમાવતા રહ્યા, સહેતા રહ્યા. ને છેવટે અકાળે આ હાલત? હાય ભાવિક, મને કેમ ના કહ્યું કશું? હું તીવ્ર રીતે પસ્તાતી રહી. છેક હવે મને ખબર પડી કે આધારની જરૂર મારા કરતાં કેટલી વધારે ભાવિકને હતી. આટલાં વર્ષો મેં એમને નિરાધાર છોડ્યા? આટલી ક્રૂર થઈ કઈ રીતે શકી હું? અને આવી સ્વાર્થી? મારી આંખો સૂકી હતી પણ મારો જીવ કલ્પાંત કર્યા કરતો હતો.

    એમના દીકરાને ત્યાં પાછાં જતાં પહેલાં મોટાં બહેન મને સાંત્વન આપતાં કહેતાં ગયાં હતાં, જે થવાનું હતું તે થઈને જ રહે છે, બેન. હવે જીવ ના બાળ. હવે તું ભાઇની સાથે હોઈશ તો એ સારો થઈ જશે. તું ઇશ્વર પર વિશ્વાસ —

    મારું ધ્યેય હવે ભાવિકને માટે બનતું બધું કરવાનું હતું. આવેલી એમને એક વાર મળવા, ખબર કાઢવા, ને બાકીનું બધું ભૂલીને રોકાઈ ગઈ એમની પાસે.

    એક બપોરે મને શું સૂઝ્યું કે દિવાનખાનામાં પડી રહેલા જૂના રેડિયોનું બટન દબાવ્યું. ડબલ્યુ.કે.સી.આર. નામના સ્ટેશન પરથી વૅસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક સંભળાવા માંડ્યું. મોત્ઝાર્ટનો પિયાનો કૉન્ચૅર્ટો ચાલતો હતો. બે મિનિટ માંડ થઈ હશે, ને બારી પાસેની ખુરશીમાં બેસીને વાંચતા ભાવિક ચોંકીને ઊભા થયા. હાથમાંથી ચોપડી પડી ગઈ. હું પણ ચોંકી ગઈ. ઊભી થાઉં, એમને પકડું એ પહેલાં એ મારી પાસે ધસી આવ્યા. મારો હાથ પકડીને બોલ્યા, સુઝન, આ શું? આ ક્યાંથી? આ હું ક્યારેય નથી સાંભળતો. આ તો બેબી વગાડતાં શીખેલી.

    બે કાને હાથ મૂકી એ સોફા પર બેસી પડ્યા. મેં જલદી રેડિયો બંધ કર્યો. એમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં હતાં. સુઝન, જાણે છે? એ પછી એક વાર પણ બપોરે સૂતો નથી, હોં. પણ એ પાછી આવી જ નહીં.

    મારા બંધ પણ છૂટી ગયા. અમે એકમેકને વળગીને ક્યાંય સુધી ધ્રૂસકે ધ્રૂસકે રડ્યાં. હું આટલાં વર્ષોમાં પહેલી વાર આટલું રડી. કદાચ એ પણ.

    મને મોટી આશા બંધાયેલી કે આહ, મને ઓળખી ગયા. હવે ભાવિક પહેલાં જેવા થઈ જશે. હવે ધીરે ધીરે એમને સારું થવા માંડશે. પણ ના, હું સાવ ખોટી પડી. આ પછી ફરી એ મને ઓળખતા નહીં, ને જો ઓળખતા તો એ પરી તરીકે. રોગી સાથે ઝગડો શું કરવો? ખોટું યે શું લગાડવું? એ જો થોડા પણ આનંદમાં રહી શકતા હોય તો મારા ધ્યેયમાં હું સફળ થઈ રહી હતી, એમ જ માનવાનું રહ્યુંને?

    ધીમા ધીમા દિવસો પસાર કરતાં કરતાં દોઢેક વર્ષ આમ ગયું. એ દિવસે હું ચ્હા બનાવતી હતી એટલામાં દિવાનખાનામાં મોટો અવાજ થયો. ગૅસ બંધ કરીને દોડતી હું જોવા ગઈ તો ભાવિક પડી ગયા હતા, ને પીડામાં ઉંહકારા ભરતા હતા. તરત ઍમ્બ્યુલન્સ બોલાવી એમને હૉસ્પિટલમાં લઈ ગઈ. હાર્ટ ઍટૅક આવ્યો હતો. લકવાની પણ થોડી અસર થઈ હતી. હું રાત-દિવસ હૉસ્પિટલમાં જ રહેવા લાગી હતી. છ દિવસે કંઇક સારું લાગ્યું હશે તે એમણે આંખો ખોલી. કોઈને શોધતા હોય એમ આંખો ફેરવતા રહ્યા. એમની સ્થિતિ જોઇને મારું ગળું રુંધાઇ જતું હતું.

    મોટાં બહેનને હવે ખબર આપું એમ વિચાર કરતી હતી. પણ ફોન કરું એ પહેલાં એક દિવસ ભાવિકે સીધું મારી સામે જોયું. એમના હોઠ ફફડ્યા. હું એકદમ પાસે ગઈ. સુમન, એમણે સ્પષ્ટ કહ્યું. સુમન.

    ઓહ, ભાન આવી ગયું લાગે છે, મને થયું. ને મને છેક પહેલાંની જેમ ઓળખી ગયા. હાશ.

    એમણે હાથ લંબાવ્યો. હું એને પંપાળવા લાગી. હવે એકદમ સારા થઈ જવાના, હોં – એવું કહેવા લાગી.

    એમના હોઠ ફરી ફફડ્યા. માફ – માફ – ..મેં જોરથી માથું હલાવ્યું. જરા હસીને એમનો હાથ દબાવ્યો. હું જોતી રહી ગઈ ને એમના હોઠ પર થૅન્કયૂ શબ્દ આકારાયો.

    ને પછી એ જતા રહ્યા.

              ં                   ં                  ં                    ં                   ં

    મોટાં બહેનને મેં જ આવવાની ના પાડી. એ હવે એકલાં આવી શકે તેમ નથી. ને આમેય જ્યારે કશું જ બચ્યું નહોતું ત્યારે આવીને શું કરવાનું? મેં જ ઉતાવળ કરી છેને નીકળી જવા માટે.

    મકાન ખાલી કરી નાખ્યું છે. મારી કહેવાય તેવી બધી વસ્તુઓનો નિકાલ થઈ ગયો છે. છેલ્લે આ ત્રણેક ફોટા હાથમાં રહ્યા છે. બેડરૂમના ખૂણામાંના ટેબલની પાછળથી નીકળ્યા. એકમાં ભાવિક અને મોટાં બહેન છે – અમે બધાં જ્યારે કુટુંબ હતાં ત્યારે લીધેલો. બંને સરસ હસે છે. એ મોટાં બહેનને મોકલી આપું છું. સરનામું કરીને કવર તૈયાર છે. બીજો આ ઘરનો છે. નવું નવું લીધેલું ત્યારે શોખથી પાડેલો. એને શંકર ને સ્વાથિ માટે રાખતી જાઉં છું. રસોડાના ટેબલ પર મૂકું છું. તરત દેખાશે.

    ને આ ત્રીજો ફોટો. એમાં અમારા એક વખતના બગીચામાં ઊગેલું ગુલાબનું મોટું લાલચટક ફૂલ છે, ને એને અડકવા લંબાયેલા એક નાનકડા હાથનો પડછાયો આવી ગયો છે.

    ભાર નથી ખમાતો એનો. જેટલું ઊંચકી શકાય તેટલું જ લઈને નીકળી જવું છે મારે. લગભગ ખાલી હાથે – જેમ હૈયું છે તેમ.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • પોસ્ટમાસ્ટર

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    નોકરી લાગતાં જ કલકત્તાના પોસ્ટમાસ્ટરને ઓલાપુર ગામ આવવાનું નિશ્ચિત થઈ ગયું. સાધારણ, નાનું અમસ્તું ગામ, જ્યાં નીહલે સાહેબે અનેક પ્રયત્નો બાદ ટપાલ-કચેરી ખોલાવી હતી. કલકત્તામાં રહેતા પોસ્ટમાસ્ટરની દશા ઊંડા પાણીમાં રહેતી માછલીને રેતીના પટ પર મૂકી દો એવી હતી. અંધિયાર જેવી જગ્યા, નજીકમાં પાણી ભરેલું તળાવ, ચારેકોર જંગલ અને એની વચ્ચે આ પોસ્ટઑફિસ. હા, નજીકમાં આ નિહલે સાહેબની કોઠી ખરી, પણ આ કોઠીમાં ગુમાસ્તાથી માંડીને કોઈ એવું હતું નહીં કે, જેમની સાથે હળીમળીને એ રાજી રહી શકે. આમ પણ કલકત્તા રહેતી વ્યક્તિ આવી જગ્યાએ આવીને થોડી અક્કડ બની રહે ક્યાં તો અંતર્મુખ બની જાય. કામ અહીં ઝાઝું હોય નહીં વળી સ્થાનિક લોકો સાથે આ કલકત્તી બાબુઓનો તાલમેલ ઓછો બેસે એટલે અંતે બે-ચાર કવિતાઓ લખીને સમય પસાર કરે.

    કવિતાઓમાં ભાવ તો એવા હોય જાણે અહીંના ઝાડ-પાન, કૂંપળોનું કંપન, આકાશમાં ઘેરાયેલાં વાદળ જોઈને જીવનમાં સુખ જ સુખ હોય. માત્ર એ પોતે કે અંતર્યામી જ જાણે છે કે, કોઈ દેવદૂત આવીને આ ઝાડ-પાન કાપીને પાકી સડક બનાવે દે, મોટી મોટી ઈમારતો બનાવી દે તો આ અધમૂઆ લોકોમાં જાન આવી જાય.

    પોસ્ટમાસ્ટરનો પગાર નજીવો હતો. જાતે ખાવાનું બનાવવાનું. હા, ગામમાં રહેતી રતન નામની બાર-તેર વર્ષની અનાથ છોકરી કામ કરી જતી. અને બદલામાં બે સમયનું ખાવાનું એને અહીં મળી જતું. રતનના વિવાહની ચિંતા કરે એવું કોઈ સ્વજન હતું નહીં.

    સાંજ પડે ગૌશાળાની ગાયો જંપી જતી, પાસેની ઝાડીઓમાંથી તમરાંના અવાજ સંભળાવાં માંડે, દૂરથી ગામના નશાબાજ ગવૈયાઓની ટોળીના મૃદંગ-કરતાલનો અવાજ સંભળાય ત્યારે આ એકલા પડેલા કવિનું હ્રદય ધડકી ઊઠે અને કવિતા રચાઈ જતી.

    ખૂણામાં દીવો પ્રગટાવીને, બારણે બેઠેલી રતન બાબુ એને કોઈ કામ બતાવે એની રાહ જોતી.

    ક્યારેક કુતૂહલવશ બાબુ રતનને એના મા-બાપ વિશે પૂછી લેતા. રતનને મા કરતાં, મહેનત-મજૂરી કરીને ઘરે આવતા પિતા એને વધુ પ્રેમ કરતા એટલું યાદ આવતું. ક્યારેક નાના ભાઈની યાદ આવતી. બંને ભાઈ-બહેન મળીને ખોટી ખોટી માછલી પકડવાની રમત રમતાં એવું યાદ આવતું. ક્યારેક પોસ્ટમાસ્ટર પોતાના ઘરની વાત આ અનપઢ છોકરી સાથે કરી લેતા. બાબુની વાતો સાંભળીને રતન એમના ઘરનું, એમની મા, દીદી, દાદાનું કાલ્પનિક ચિત્ર મનમાં અંકિત કરતી. વાતોવાતોમાં રાત પડતી અને રતન બે-ચાર રોટલા ઘડી લેતી. સવારના વધેલાં શાકભાજી સાથે બંને જણ જમી લેતાં.

    એક દિવસ વરસાદથી ઘેરાયેલા વાતાવરણમાં ઉનાળાની ગરમીમાં શાતા આપે એવો પવન વહેતો હતો. વરસાદના છાંટણાંથી ભીના થયેલાં ઝાડપાન અને ઘાસમાંથી ભીની સુગંધ આવતી હતી. એક જીદ્દી પંખી પ્રકૃતિ સામે પોતાની ફરીયાદ લઈને કરુણ સ્વરમાં આલાપી રહ્યું હતું. જાણે કહી રહ્યું હતું, “કાશ આવા સમયે સાથે કોઈ તો હોય જેને આપણું કહી શકીએ.” પોસ્ટમાસ્ટરને એવું લાગતું હતું કે એ પંખી એમના જ હ્રદયના ભાવ વ્યકત કરી રહ્યું છે.

    મનમાં ચાલતાં વિચારોને હડસેલવા કશુંક વિચારીને રતનને બૂમ મારી. “રતન, આજથી હું તને ભણાવીશ.” અને બસ એ દિવસથી રતનનું ભણાવવાનું શરૂ થઈ ગયું. ક, ખ. ગ થી શરૂ કરીને જોડાક્ષર સુધી રતન શીખી.

    ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો પસાર થઈ ગયા. હવે શરૂ થઈ હતી, અનરાધાર વરસતા વરસાદની મોસમ. નદીનાળાં, તળાવ અને સરોવર સુદ્ધાં પાણીથી છલોછલ થઈ ગયા હતા. દિવસ-રાત વરસતા વરસાદનો રિમઝિમ અવાજ, દેડકાંઓની ડ્રાઉં-ડ્રાંઉથી વાતાવરણમાં એક જાતનો ગુંજારવ સંભળાતો. ગામના કાચા રસ્તાઓ પર આવનજાવન બંધ થઈ ગઈ હતી, પણ રતન તો રાબેતા મુજબ પોસ્ટમાસ્ટરની સેવામાં હાજર રહેતી.

    એ દિવસે પોસ્ટમાસ્ટરની તબીયત જરા નરમ હતી. એક તો વાતાવરણ એવું અને સાધારણ બીમારી, એના લીધે પોસ્ટમાસ્ટને જરા વધુ બેચેની લાગતી હતી. જાણે પાસે કોઈ હોય તો સારું એવો વિચાર મનમાં આવ્યો. માથે ચઢેલી ગરમી પર કોઈના મુલાયમ હાથના શીતળ સ્પર્શથી થોડી શાતા થાય એવું પોસ્ટમાસ્ટરને લાગી રહ્યું હતું. બાજુમાં મમતામયી મા કે સ્નેહાળ ભગિની બેઠી હોય એવી ઝંખના પોસ્ટમાસ્ટરના મનમાં જાગી. પણ દેશથી દૂર આવી ઝંખનાની તૃપ્તિ ન હોય એવું તો પોસ્ટમાસ્ટર સમજતા હતા. એમણે રતનને બોલાવી અને માથે હાથ મૂકી તાવની ગરમી કેટલી છે એ જોવા કહ્યું. રતન તો બાલિકામાંથી સીધી જાણે પોસ્ટમાસ્ટરની જનેતા બની ગઈ. એ વૈદને બોલાવી આવી. આખી રાત જાગીને પોસ્ટમાસ્ટરની પથારી પાસે બેસીને સમયસર દવા આપતી રહી. સવારે નાસ્તો બનાવી લાવી.

    દિવસો સુધી પોસ્ટમાસ્ટર શરીરની કમજોરીને લઈને માંડ ઊભા થઈ શક્યા. થાકીને, કંટાળીને એક નિર્ણય લીધો અને આ ગામમાંથી બદલી માંગી લીધી. પાછા કલકત્તા જવા અરજી મોકલી દીધી. રતન દાદા એને કામ માટે બોલાવે એની અને પોસ્ટમાસ્ટર એમની અરજીના જવાબની પ્રતીક્ષા કર્યા કરતા. અંતે એમની પ્રતીક્ષાનો અંત આવ્યો ખરો પણ એમની બદલીની અરજી નામંજૂર થઈ હતી. નાસીપાસ થયેલા પોસ્ટમાસ્ટરે રાજીનામું આપવાનો નિર્ણય કરી લીધો. અહીંથી જવાની માનસિક તૈયારીઓ આદરી.

    પોસ્ટમાસ્ટરની બીમારીના આ બધા દિવસોમાં રતન એણે શીખેલા પાઠ ભૂલી ન જાય એના માટે સેંકડો વાર પાઠ વાંચ્યા જ કરતી. ઘણાં સમય પછી આજે ફરી એકવાર પોસ્ટમાસ્ટરે રતનને બોલાવી. રતન રાજી થઈ. પોસ્ટમાસ્ટર અહીંથી જઈ રહ્યા છે એની રતનને જાણ થતાં અને દાદા ક્યારેય પાછા નથી આવવાના એ જાણીને રતન સ્તબ્ધ થઈ ગઈ. એ રાત ઘેરી નિસ્તબ્ધતામાં પસાર થતી રહી. એક ખૂણામાં નાનકડો દીવો ટમટમતો રહ્યો. નાનકડી પર્ણકુટીની ઘસાઈ ગયેલી છાપરીમાંથી ટપકતું પાણી નીચે મુકેલાં માટીનાં શકોરામાં ટપ-ટપ ટપકતું રહ્યું.

    બીજા દિવસે રતન પાછી કામે તો લાગી પણ એના કામમાં, એની ચાલમાં પહેલાં જેવી સ્ફૂર્તિ નહોતી. મધ્યાન ભોજન પછી રતને પોસ્ટમાસ્ટરદાદાને પૂછ્યું, “દાદા, મને તમારા ઘરે લઈ જશો?”

    પોસ્ટમાસ્ટર હસ્યા,” એ કેવી રીતે શક્ય બને?”

    કેમ નહીં લઈ જઈ શકે એના કારણો બતાવવાની એમને જરૂર ન લાગી. રતન વધુ કંઈ પૂછી ન શકી, પણ આખો દિવસ અને રાત પોસ્ટમાસ્ટરના હાસ્યનો એ અવાજ એના કાનમાં ઠહાકા મારતો રહ્યો. રતને પોસ્ટમાસ્ટરના જવાની તૈયારી આદરી દીધી.

    “રતન, હું જઈશ પણ તું ચિંતા ના કરતી. મારી જગ્યાએ જે પોસ્ટમાસ્ટર આવશે એમને હું કહી રાખીશ કે તને એ મારી જેમ જતનથી જાળવે.”

    આ વખતે ખરેખર પોસ્ટમાસ્ટરના અવાજમાં કરુણા છલકતી હતી. રતને અસંખ્ય વાર માલિકનો ઠપકો સહન કરી લીધો હતો પણ આજે મૃદુ અવાજે કહેલી વાત સહન કરવી એને વસમી લાગી. અચાનક એ રડી પડી.

    “નહીં દાદા, તમારે કોઈને કશું કહેવાની જરૂર નથી. હું જ હવે અહીં રહેવા માંગતી નથી.”

    પોસ્ટમાસ્ટરે ક્યારેય રતનનું આ સ્વરૂપ જોયું, જાણ્યું નહોતું. એ વિસ્મય પામી ગયા. નવા પોસ્ટમાસ્ટર આવી ગયા. રતનના પોસ્ટમાસ્ટરદાદાએ વાટ પૂરતી ખીસાખરચી રાખીને બાકીના બધા પૈસા એને આપવા માંડ્યા.

    રતન ત્યાં જ જમીન પર બેસી ગઈ અને પોસ્ટમાસ્ટરદાદાના પગ પકડીને કરગરી રહી, “દાદા પગે પડું તમારા, મને કંઈ આપવાની કે મારા માટે કોઈને કંઈ કહેવાની જરાય જરૂર નથી.” અને એ દોડતી ભાગી ગઈ. એક ઊંડો શ્વાસ લઈને સામાન સમેટીને, ભૂતપૂર્વ પોસ્ટમાસ્ટરે પ્રસ્થાન આદર્યું. એક ગવાંર, ગામઠી છોકરીની કરુણ વણકહી મર્મ-વ્યથાએ એમના હ્રદયને આરપાર વીંધી નાખ્યું હતું. પોસ્ટમાસ્ટરદાદાના હ્રદયમાં એક ટીસ ઊઠી. એકવાર તો એમને અદમ્ય ઇચ્છા થઈ કે, સંસારમાં આ એકલી રહી ગયેલી અનાથ બાલિકાને સાથે લઈ જાય, પણ ત્યાં સુધીમાં નાવના સઢમાં વેગથી ફૂંકાતી હવા ભરાવા માંડી હતી. વરસાદને લીધે નદીના પાણીનો વેગ વધી રહ્યો હતો. ગામથી દૂર જતી એ નાવમાંથી નદી કિનારાનો સ્મશાન ઘાટ દેખાઈ રહ્યો હતો. વરસાદના પ્રવાહમાં વહેતી નદીમાં બેઠેલા એ ઉદાસ મુસાફરના હ્રદયમાં એક સત્ય ઉજાગર થઈ રહ્યું હતું. જીવનમાં આવી કેટલીય છૂટા પડવાની વસમી વેળા આવશે અને આવતી રહેશે. હવે પાછું વળીને જોવાનો શો અર્થ? આ દુનિયામાં કોણ કોનું છે? કદાચ કોઈનું નહીં.

    પણ રતન કદાચ એમના કરતા જુદી હતી. એનાં મનમાં એવા કોઈ વિરક્તિના ભાવ નહોતા. એ તો બસ, એ પોસ્ટ-ઑફિસની ચારેબાજુ ફક્ત આંસુ સારતી ચક્કર કાપતી રહી. એના ઉદાસ મનમાં એક આછી આશા હતી કે, કદાચ એના પોસ્ટમાસ્ટરદાદા પાછા આવશે. એ તો બસ આવા કોઈ વિચારોના, લાગણીઓના બંધનમાં જકડાઈને ક્યાંય દૂર જઈ શકતી નહોતી કે પછી જવા માંગતી જ નહોતી!

    એક બુદ્ધિશૂન્ય માનવ હ્રદયના ભાવોમાં રાચ્યા કરશે. એક અતૂટ વિશ્વાસ લઈને એ જીવ્યા કરશે અને અંતે એક દિવસ એ વિશ્વાસ, એ ભ્રમ તૂટશે તો એ એવા કોઈ અન્ય વિશ્વાસ, અન્ય ભ્રમમાં પોતાની જાતને જકડી રાખશે.


    રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા’ પોસ્ટમાસ્ટર’ને આધારિત અનુવાદ.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • બંદિશ એક, રૂપ અનેક (૯૮): “અબ આઈ બસંત બહાર” : આસીત બરન

    નીતિન વ્યાસ

    New Theaters, Calcutta, 1931

    “हम चले वतन की और
    खींच रहा है कोई हमको
    बांधके प्रेम की दौर
    हम चले वतन की और।”

    આ ગીતનાં શબ્દો વાંચતા આપ કદાચ આપના અતિતમાં ખોવાઈ જશો અને યાદ આવશે પંકજ મલિક.

    બરાબર છે મને પણ આવુંજ થયેલું. બંદિશ શ્રી પંકજ મલિકની છે. પંકજબાબુ પોતે જેવા સરસ સંગીતકાર એવાજ ઉમદા ગાયક. પણ આ દિલદાર રચનાકારે પોતાની શ્રેષ્ઠ ધૂન બીજા ગાયકો પાસે ગવરાવી.

    ફિલ્મ હતી ન્યુ થીયેટર્સ નિર્મિત, શ્રી શરદબાબુના ઉપન્યાસ પર અધારીત,  સાલ ૧૯૪૩માં પ્રદર્શિત થયેલી “કાશીનાથ” . દિર્ગ્દર્શક શ્રી નીતિન બોઝ, ગીતકાર પંડિત ભૂષણ, સંગીતકાર શ્રી પંકજ મલિક અને ગાયક શ્રી આસીત બરન

    ૧૦ ફેબ્રુઆરી ૧૯૩૧, બંગાળી ગ્રહસ્થ શ્રી બદ્રીનાથ સરકારે કલકત્તામાં ફિલ્મ કંપની અને સ્ટુડિયો શરૂ કર્યો અને નામ આપ્યું “ન્યુ થીયેટર્સ” .ગઈ સદીના ચાલીસમાં દાયકામાં કુંદનલાલ સાયગલ ના સ્વર આર. સી. બોરાલ અને પંકજ મલિક ની બંદિશ માં ગવાયેલા ગીતો સાથેની ફિલ્મોએ સારાએ ભારતમાં ધૂમ મચાવી. આ “ન્યુ થીયેટર્સ” નો સુવર્ણકાળ કહી શકાય.

    એક પછી એક ૨૬,જેટલી ફિલ્મો અહીં કર્યા પછી કુંદનલાલ સાયગલે “ન્યુ થીયેટર્સ” અને કલકત્તા છોડી મુંબઈ જવાનો નિર્ણય કર્યો, સાલ હતી  ૧૯૪૦.

    “ન્યુ થીયેટર્સ” કંપની માં એક સન્નાટો છવાઈ ગયો. દેખાવ કંઈક  ઠીક હોય અને સારુ ગાઈ શકે તેવા કલાકાર ની શોધ કરવી શરૂ કરી.

    આસીત બરન : જવાબદારી સાથે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા એક મધ્યમવર્ગનાં કુટુંબ માંથી આવતો આ યુવાન ભણતર છોડી દિવસનાં ભાગમાં  ટેલિગ્રાફ ઓફિસમાં નોકરી કરે. રાત્રે કોઈ સંગીત સંસ્થામાં તબલા વગાડવા અને શીખવાડવા જાય. થોડા સમય પછી ઓલ ઇન્ડિયા રેડીઓનાં કલકત્તાના રેડીઓ સ્ટેશન પર parttime નોકરી મળી. ગાવાનો બહુ શોખ. એટલે પેલી સંગીત સંસ્થાના કાર્યક્રમો માં ગાવા જાય. આવા એક કાર્યક્રમમાં શ્રી પહાડી સાન્યાલ, જે તે સમયે ન્યુ થીયેટર્સ સાથે સંકળાયેલા તે હાજર હતા. તે સમયે દિર્ગદર્શક શ્રી હેમચંદ્ર ચુન્દર એક બંગાળી ફિલ્મ બનાવી રહ્યા હતા, “પ્રતિશ્રુતિ”. તેમાં આસીત બરનને મુખ્ય  ભૂમિકા મળી. આ ફિલ્મ કમાણીની  દૃષ્ટિએ ઘણી સફળ રહી. તે સફળતાથી પ્રેરાઈ તેનું હિન્દી રૂપાંતર “સૌગંધ” બનાવવામાં આવ્યું. શ્રી રાયચંદ બોરાલની સંગીત રચના અને આસિત બરનનાં અવાજમાં ગવાયેલું આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું. શબ્દ રચના પંડિત નટવર શ્યામ:

    “અબ આયી બસંત બહાર” 78RPM ની આ ગ્રામોફોન રેકોર્ડ આપણા ઘણાં ઘરોમાં હતી.

    પાશ્વ ગાયક તરીકે શરૂઆત : સાલ હતી ૧૯૪૨, ન્યુ થીયેટર્સ ની ફિલ્મ “જવાબ”, કાનન દેવી નાં સુમધુર સ્વરમાં એક સદાબહાર  ગીત, “એ ચાંદ છૂપ ના જાના” હજી પણ કાને પડે બે ઘડી મન ને આનંદ થાય. આજ ફિલ્મ માં એક સરસ દ્વન્દ ગીત હતું “દૂર દેશ કા રહીને વાલા આયા” કમલ દાસ ગુપ્તાની બંદિશ અને કાનન દેવી સાથે એક નવો ગાયક આસીત બરન. “જવાબ” ફિલ્મ માં મુખ્ય ભૂમિકામાં કાનન દેવી સામે પ્રમથેશ બરુઆ હતા. આસીત બરન  પહેલી વખત એક પ્લેબેક સિંગર તરીકે ન્યુ થીયેટર્સમાં જોડાયા:

    ૧૯૪3 ની સાલ માં ન્યુ થીયેટર્સ ની ફિલ્મ આવી “વાપસ” . શ્રી હેમચંદ્ર ચુનર નું દિગ્દર્શન અને શ્રી રાયચંદ બોરાલ નું સંગીત, કલાકારો આસીત બરન, ભારતી દેવી, ધીરજ ભટ્ટાચાર્ય અને લતિકા બેનરજી, આ ભારતી દેવી આસીત બરન કરતા ઉંમર માં બાર વર્ષ નાના પણ એક મહોલ્લા માં રહેતા અને બંને ના કુટુંબોને પણ સારી મિત્રતા . તેઓ આસીત બરન ને “કાલુ” કહી બોલવતા. એટલે સાથી કલાકારો અને કસબીઓ માટે આસીત બરન એટલે  “કાલુ”. ઘણી ફિલ્મો સાથે કરી અને જિંદગીભર માનભરી કરીબી દોસ્તારી નિભાવી.

    ફિલ્મ  “વાપસ” પંડિત ભૂષણ ની ગીત રચના, રાયચંદજીનું સંગીત, ગાયક શ્રી આસીત બરન

    “હમ કોચવાન પ્યારે”

    “તુમ ને મુજસે પ્રેમ જતાકર દુનિયા સે બેગાના કિયા”

    “જીવન હૈ બેકાર બીના તુમ્હારે” ગાયકો  બિનિતા બોઝ અને આસીત બરન

    “ભૂલ ન જાના આજ કી બાતેં”

    “વાપસ” ની સફળતા પછી આવી “કાશીનાથ”

    “હમ ચાલે વતન કી ઔર”: સાથે બીજા લોકપ્રિય થયેલા ગીતો આ ફિલ્મમાં હતા.

    “આયી રે આયી રે મેરી મેં કૂકે કોયલિયા બાવરી બસંત આયી રે ” આ ગીત સાથે ઘણી આપણા વડીલોની યાદો પણ તાજી થાય. ગઈ પેઢીનાં ઘણા ને આ ગીત મોઢે હતું. આજે પણ સાંભળવું ગમે એવું આ ગીત ભારતી દેવી અને આસીત બરન નાં અવાજમાં. સંગીતકાર પંકજ મલીક વધુ એક લોકપ્રિય બંદિશ:

    “કાશીનાથ” ના આ ગીતમાં  આસીત બરન નો સાથ આપ્યો છે સુનંદા બેનરજીએ: “લો શુરુ હુઈ ઇસ બાર હમ મેં તુમ મેં તકરાર”

    ન્યુ  થીયેટર્સ ના નેજા હેઠળ 1942માં “સૌગંધ” આવી મુખ્ય ભૂમિકામાં પહાડી સન્યાલ, ભારતી દેવી અને આસીત  બરન હતા. નિર્દેશન હેમચંદ્ર ચુનર અને સંગીત શ્રી, આર. સી. બોરાલ નું હતું. પ્રસ્તુત ગીતોમાં આસીત બરન નો અવાજ છે.

    “રંગ ગયી આજ મન કી

    https://youtu.be/XTK0A2ay4WA
    “રાજા બેટી”

    https://youtu.be/5krE7kiM-PI

    સાલ ૧૯૪૫માં આવી ફિલ્મ “વસીયતનામા” સૌમુયેન્દ્ર મુખરજી નાં દિર્ગદર્શનમાં બનેલી આ ફિલ્મના મુખ્ય અહિન્દ્ર ચૌધરી માટે કંઠ આપ્યો શ્રી આસીત બરન અને સહગાયક ભારતી દેવી

    ફિલ્મ “મંઝૂર” માં સંગીત શ્રી પંકજ મલિક નું હતું. કલાકારો હતા આસીત બરન, ભારતી દેવી, ઉત્પલા સેન અને એક વિશેષ ભૂમિકામાં શ્રી છબી બિસ્વાસ હતા. પંડિત ભૂષણ ની શબ્દ રચના અને  આસીત બરન નો અવાજ:

    “હૃદયમેં ફૂલ રહે હૈં ફૂલ”

    “રીમઝીમ બરસે પાની” ઈલા ઘોષ અને આસીત બરન ફિલ્મ “મંઝૂર” ,૧૯૪9

    “મતવાલે નૈનો સે” ગાયક આસીત બરન

    ૧૯૫૦ ની સાલમાં બીજી ફિલ્મ આવી “રૂપ કહાની”, સંગીતકાર પંકજ મલીક, ગાયક ઉત્પલા સેન અને આસીત બરન

    ૧૯૫૧ માં એક ફિલ્મ આવી “આઝાદી કે બાદ:” તેમાં એક ભૂમિકામાં આસીત બરન જોવા મળેલા. તે ફિલ્મ નું એક ગીત “લૂંટતા હૈ વતન જલતા હૈ ચમન” ગાયક શ્રી આસીત બરન

    શ્રી શરદબાબુના ઉપન્યાસ “પરિણીતા” ઉપર આધારિત ફિલ્મ ૧૯૫૩ માં બિમલ રોય નાં દિર્ગ્દર્શન માં બની. નિર્માતા હતા અશોક કુમાર. મુખ્ય પાત્રો શેખર ની ભૂમિકામાં અશોક કુમાર, લલિતાના પાત્રમાં મીના કુમારી, અને ત્રીજા  મહત્વ રોલમાં આસીત બરન હતા. સંગીત શ્રી મન્ના ડે અને શ્રી અરુણ મુખરજી નું હતું. શરદબાબુની વાર્તા  વફાદાર રહીને શ્રી બિમલ રોયે પટકથા લખેલી. અશોક કુમાર પ્રોડક્શન ની આ ફિલ્મ બહુ સફળ રહી. ઘણા ફિલ્મ વિવેચકો ના મત પ્રમાણે મુખ્ય નાયક શેખર ની ભૂમિકામાં આસીત બરન વધારે યોગ્ય હતો.

    આ ફિલ્મ નું એક ગીત “તૂટા હૈ નાતા દિલ કા” આસીત બરન નાં સ્વરમાં

    આસીત બરન ફિલ્મમાં એક પાશ્વ ગાયક તરીકે જોડાયા. ગળાની મીઠાશ સાથે સોહામણું વ્યક્તિત્વ. મૂખ્ય ભૂમિકા માં ન્યુ થિએટર્સની ફિલ્મોમાં આવ્યા. પછી ચરિત્ર અભિનેતા હિન્દી અને બંગાળી ફિલ્મોમાં જોવા મળ્યા. સાલ  ૧૯૭૭ માં નિર્દેશક તપન સિંહ એ એક ફિલ્મ બનાવી, “હાર્મોનિયમ” સમય સાથે વિલીન થતાજતા રજવાડા ની વાત આ ફિલ્મ માં હતી. અનિલ ચેટર્જી, અરૂંધતી રોય, સમિત ભાંજા, કાલી બેનરજી, છાયા દેવી, આસીત બરન જેવા પીઢ કલાકારો આ ફિલ્મ હતા. દેવામાં ડૂબેલ રાજકુટુંબની એક દીકરી હવે રહી છે ખખડધજ મહેલ માંથી બધુજ હરાજ થાય છે. ફક્ત બાકી રહે છે એક હાર્મોનિયમ.

    હાર્મોનિયમ સાથે એ રાજ્યની છેલ્લી દીકરીની એક લાગણી ભરેલી યાદ છે. સંગીતના શોખીન પિતા એ દીકરીને સંગીત શીખડાવવા એ હાર્મોનિયમ લાવેલા.

    અહીં એ વયસ્ક રાજકુંવરીની ભૂમિકામાં અરૂંધતી રોય જોવા મળેછે જયારે પિતાની ભૂમિકા માં આસીત બરન: (ભાષા બંગાળી)

    આસીત બરન પાશ્વ ગાયક, સહ અભિનેતા, મુખ્ય અભિનેતા, ચરિત્ર કલાકાર તરીકે લગભગ ૪૦ ફિલ્મોમાં આવ્યા અને ૭૦ જેટલાં રેકોર્ડ થયેલાં બંગાળી અને હિન્દી ગીતો ની માહિતી ઇન્ટરનેટની જુદી જુદી વેબસાઈટ ઉપરથી મળેછે. ૧૯નવેમ્બર ૧૯૧૩ નાં રોજ જન્મેલા શ્રી આસીત બરન ૨૭ નવેમ્બર ૧૯૮૫ માં અવસાન પામ્યા. તેમના કુટુંબ વિષેની  માહિતી કોઈ માધ્યમો પરથી મળી નથી. તેમનાં સાત આઠ દાયકા જુના ગીતો આજે પણ સાંભળવા ગમે છે,

    (અસ્તુ)


    શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૫) કળા અને કલાબાજી

    {નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

    પિયૂષ એમ પંડ્યા

       મંગળવાર સને ૧૯૮૭ના ઓક્ટોબર મહિનાની ૧૩મી તારીખની ગમગીન સવારે તબિયત નાદુરસ્ત હોવાથી કિશોર કુમારે તે દિવસનું રેકોર્ડીંગ રદ કરાવ્યું હતું. બપોર સુધીમાં છાતીમાં દુખાવો થવા લાગ્યો પણ તેમણે રાબેતા એની અવગણના કર્યે રાખી. આનું પરિણામ અજુગતું આવ્યું. થોડા કલાકોમાં, બરાબર ચાર વાગીને પાંત્રીશ મિનિટે કિશોર કુમારના જીવનનો ઝળહળતો દીપ અચાનક જ બૂઝાઈ ગયો. આમ ચિરનિંદ્રામાં સરી જવાની તેમની ઉમર નહોતી, તે માત્ર ૫૮ વર્ષના હતા.

    કે એલ સાયગલના આકંઠ ચાહક એવા કિશોર કુમાર કારકીર્દિના મધ્યાહ્ને જ નિવૃત્તિ લઈ, પોતાના વતન ખંડવાના શાંત વાતાવરણમાં આરામની જીંદગી વિતાવવાનું વિચારી રહ્યા હતા. પણ એ પહેલાં તો તેમણે ક્યારેય નહીં ઈચ્છી હોય તેવી શોકમય નિ:શબ્દતાના ઓળા તેમના જૂહુ ખાતે આવેલા ‘ગૌરી કૂંજ’ બંગલા ઉપર ઉતરી આવ્યા. સાંજ ઢળ્યે શોકગ્રસ્ત ચહેરાઓથી ભરાયેલા તેમના ઘરમાં મારું ધ્યાન તેમના ચહેરા ઉપરના પરમ શાંતિના ભાવ ઉપર પડ્યું. તે સમયે મારા મનમાં સહેજ વિચિત્ર લાગણી ઉભરી આવી કે કદાચ કિશોર કુમાર તેમની ટેવ મુજબ ટીખળ કરી રહ્યા હતા. અચાનક જ તે બેઠા થઈને ‘હમ સે હૈ જીંદા વફા ઔર હમીં સે હૈ તેરી મેહફીલ જવાં, હમ જબ ન હોંગે તો રો રો કે દુનિયા ઢૂંઢેંગી મેરે નિશાંગાવા લાગશે!

    કિશોર કુમારે રાહુલદેવ બર્મન માટે પોતાનું છેલ્લું અવિસ્મરણીય ગીત ગાયાને ૧૯૮૭માં એક દાયકો વિતી ગયો હતો. તે ગીત હતું ૧૯૭૬ની ફિલ્મ ‘મહેબૂબા’નું મેરે નૈના સાવન ભાદોં. રાહુલદેવ કિશોરની ગાયક તરીકેની  ક્ષમતાને પહેલેથી જ જાણતા હતા.

    તેમણે અગાઉ પણ કિશોર માટે ચિનગારી કોઈ ભડકે (અમર પ્રેમ, ૧૯૭૧), કરવટેં બદલતે રહે સારી રાત હમ (લતા મંગેશકર સાથેનું યુગલગીત, ૧૯૭૪ની ફિલ્મ ‘આપ કી કસમ’) અને લતા મંગેશકર સાથેનું ૧૯૭૫ની ફિલ્મ આંધીનું યુગલગીત તેરે  બિના જીંદગી સે કોઈ શિકવા તો નહીં જેવાં ચિરકાલિન ગીતો બનાવ્યાં હતાં.

    કિશોરે તેમની કારકીર્દિના શરૂઆતના તબક્કામાં અનિલ બિશ્વાસના નિર્દેશનમાં ફિલ્મ ‘ફરેબ’(૧૯૫૩)નું યાદગાર યુગલગીત આ મહોબત કી બસ્તી બસાયેંગે હમ ગાયું હતું. તેમણે સંગીતની કશી જ તાલિમ લીધી નહોતી. પણ કિશોરના અવાજમાં રહેલી અભિવ્યક્તિની ક્ષમતામાં કોઈ ફેર પડ્યો નહીં. આ કારણથી તેમનાં ગાયેલાં ગીતો ચિરસ્મરણીય બની રહ્યાં. આ જ કારણથી કેટલાક સંગીતકારો તેમને માટેનાં ગીતો બનાવતી વખતે પોતાની સર્જકતાનાં શીખરો સર કરી શક્યા. કેટલાંક ઉદાહરણો જોઈએ ….

    સચીનદેવ બર્મને ૧૯૫૦ની ફિલ્મ ‘પ્યાર’ માટે બનાવેલું કિશોર અને ગીતા દત્તનું યુગલગીત ઓ બેવફા યે તો બતા,

     ૧૯૫૨માં ફિલ્મ ‘કાફિલા’ માટે હુશ્નલાલ-ભગતરામની જોડીના નિર્દેશનમાં બનેલું વોહ મેરી તરફ યું ચલે આ રહે હૈ,

    અનિલ બિશ્વાસે ફિલ્મ ‘ફરેબ’ (૧૯૫૩) માટે બનાવેલું હુશ્ન ભી હૈ ઉદાસ ઉદાસ,

    સજ્જાદ હુસેને બનાવેલું ફિલ્મ ‘રુખસાના’ (૧૯૫૫)નું આશા ભોંસલે સાથેનું યુગલગીત તેરે જહાં સે ચલ દીયે,

    ૧૯૫૬ની ફિલ્મ ‘નયા અંદાઝ’ માટે ઓ. પી. નૈયરના નિર્દેશનમાં શમશાદ બેગમ સાથે કિશોર કુમારે ગાયેલું  મેરી નીંદોં મેં તુમ મેરે ખ્વાબોં મેં તુમ,

    ‘મિ. એક્સ ઈન બોમ્બે’ (૧૯૬૪)નું લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સ્વરબદ્ધ કરેલું મેરે મહેબૂબ કયામત હોગી,

    હેમંતકુમારનું બનાવેલું વોહ શામ કુછ અજીબ થી (ફિલ્મ ‘ખામોશી’),

    જીંદગી કા સફર હૈ યે કૈસા સફર (‘સફર’ – ૧૯૭૦, કલ્યાણજી – આણંદજી)

    આ જ કિશોરકુમારે કસૂર આપ કા હુજૂર આપ કા મેરા નામ લીજીયે ના મેરે બાપ કા (ફિલ્મ ‘બહાર’, ૧૯૫૧) જેવાં અગણિત ધમાલમસ્તીવાળાં ગીતો ગાયાં. આવાં ગીતોની લોકપ્રિયતા થકી કિશોર કુમારની છાપ એક બહુમુખી પ્રતિભાવાન ગાયક તરીકે ઉપસી. ૧૯૬૮ની ફિલ્મ ‘પડોસન’ તેમની કોમેડીયન અભિનેતા તેમ જ ગાયક (મેરે સામનેવાલી ખીડકી મેં) તરીકેની પ્રતિભાને બિલકુલ વાજબી રીતે પ્રસ્થાપિત કરવા માટેનું સુયોગ્ય ઉદાહરણ છે. તેમની બહુમુખિતાએ કિશોરને સંપત્તિવાન બનાવ્યા પણ તેમની આંતરીક એષણા અસંતુષ્ટ રહી ગઈ.

    છેવટે તો કિશોરની આ છાપ તેમની ઉપર સવાર થઈ ગઈ. ગીતોમાં તેમણે તાણેલા રાગડા અને પરદા ઉપર કરેલી વિદૂષકબાજી ઉપર કટાક્ષ કરતાં સંગીતકાર સજ્જાદ હુસેને કિશોરનું નામ શોર કુમાર રાખ્યું હતું. તેમનાં ગાયેલાં ધમાલમસ્તીભર્યાં ગીતોની લોકપ્રિયતા અને પછીથી ‘યોડેલીંગ સ્ટાર તરીકે નામ અને દામ મળ્યાં હોવા છતાં  કિશોરકુમારને તેમનું ગાયેલું ફિલ્મ ‘રીમઝીમ’(૧૯૫૧)નું એક કરૂણ ગીત ઝગમગ ઝગમગ કરતા નીકલા ચાંદ પૂનમ કા પ્યારા ખુબ જ પ્રિય હતું. સંગીતના ખરા ચાહકો પણ તેમનાં ગાયેલાં અય મેરી ટોપી પલટ કે આ (ફન્ટૂશ, ૧૯૫૬) અને અરે યાર મેરી તુમ ભી હો ગજબ (તીન દેવીયાં, ૧૯૬૫) જેવાં હલકાં ફુલકાં ગીતો કરતાં અંતરને વલોવી નાખે તેવાં મહોબત કા છોટા સા ઈક આશીયાના (પ્યાર, ૧૯૫૦), ફિલ્મ ‘ગેમ્બલર’(૧૯૭૧)નું  દિલ આજ શાયર હૈ ગમ આજ નગ્મા હૈ  અને બડી સૂની સૂની હૈ (મીલી, ૧૯૭૫) જેવાં ગીતો વડે જ પ્રભાવિત થતા રહ્યા છે.

    અભિનેતા હોવાના નાતે કે એલ સાયગલે પણ જો નૌકરી દિલા દે બી એ બનાનેવાલે (કરોડપતિ, ૧૯૩૬) અનેએક રાજા કા બેટા લે કર ઉડને વાલા ઘોડા (પ્રેસીડેન્ટ, ૧૯૩૭) જેવાં હળવાં ગીતો ગાયાં છે. પણ તેમની ઓળખ તો બાબુલ મોરા (સ્ટ્રીટ સીંગર, ૧૯૩૮), પ્રીત મેં હૈ જીવન જોખોન (દુશ્મન, ૧૯૩૯) અને અય કાતિબ એ તકાદીર (માય સીસ્ટર) જેવાં લાગણીભીનાં ગીતો થકી જ બની રહી છે.

    મહમદ રફીએ તો ક્યારેય અભિનય નથી કર્યો, તેમ છતાંયે વ્યવસાયિક તકાદા હેઠળ તેમણે ચાહે કોઈ મુઝે જંગલી કહે (જંગલી, ૧૯૬૧) અને લાલ છડી મેદાન ખડી (જાનવર, ૧૯૬૫) જેવાં ઉછાંછળાવેડાથી ભરેલાં ગીતો ગાયાં હતાં. જો કે તેમની અસલી પહેચાન મેરી કહાની ભૂલનેવાલે (દીદાર, ૧૯૫૧), ઓ દુનીયા કે રખવાલે (બૈજુ બાવરા, ૧૯૫૨) અને તકદીર કા ફસાના (સેહરા, ૧૯૬૩) જેવાં ઘેરી લાગણી વ્યક્ત કરતાં ગીતો વડે ઉભી થઈ છે. આવું જ કંઈક મુકેશના કિસ્સામાં પણ બન્યું છે. તેઓની માહીરિયત દોસ્ત દોસ્ત ના રહા (સંગમ, ૧૯૬૪) જેવાં ભાવપ્રચૂર ગીતો ગાવામાં હતી પણ તેમણે ડમ ડમ ડીગા ડીગા (છલીયા, ૧૯૬૦) જેવી હલકાં ફૂલકાં ગીતો ગાવાં પડ્યાં હતાં.

    મારું માનવું છે કે કિશોર કુમારે અભિનય કરવા તરફ વળવા જેવું નહોતું. લોકો તેમને ઉછળકુદ કરતા જોવા માંગતા હતા તેથી તેમણે જાતે જ બનાવેલું ગીત મૈં હૂં ઝૂમઝૂમ ઝૂમઝૂમ ઝૂમરૂ ગળું ફાડી ફાડીને ગાયું. એ જાણતા હતા કે દુનીયા મૂર્ખાઓથી ભરેલી છે અને તેથી તે પોતે પણ એક મૂર્ખનો ચહેરો ઓઢીને રહ્યા. તેમના ‘કોને પડી છે’ પ્રકારના વ્યવહાર (કુછ તો લોગ કહેંગે લોગોં કા કામ હૈ કહેના)ના પરિણામે લોકોએ તેમનું અસલી હીર ઓળખ્યું જ નહીં. એક વિદૂષકની માફક તેમનો મૂળ ચહેરો એક મોહરા પાછળ છૂપાઈ ને રહી ગયો.

    સાયગલની જેમ જ, કિશોરકુમારે તેમનું શ્રેષ્ઠ પ્રદાન દુખી મન મેરે સૂન મેરા કહના (ફન્ટૂશ, ૧૯૫૬) અને મેરા જીવન કોરા કાગજ (કોરા કાગજ, ૧૯૭૪) જેવાં લાગણીપ્રચૂર ગીતો માટે કર્યું છે. કલ્યાણજી-આણંદજીના નિર્દેશનમાં જીવન સે ભરી તેરી આંખેં (સફર, ૧૯૭૦) અને મેરી પ્યારી બહનીયાં બનેગી દુલ્હનીયાં (સચ્ચા જૂઠા, ૧૯૭૦) જેવાં કેટલાંક ઉત્કૃષ્ટ ગીતો ગાયા પછી એક વાર કિશોરે કલ્યાણજીને પૂછેલું કે હવે કેમ તેઓ આવી ભાવુક તરજો કેમ નથી બનાવતા! કલ્યાણજીનું કહેવું હતું કે ૧૯૮૦ના અરસામાં લોકોની પસંદગી જાણવી એટલી અઘરી બની ગઈ હતી કે કેવી તરજો બનાવવી એ બાબતે ખુદ પોતે જ દ્વીધામાં રહેતા હતા. આવી પસંદગી ધરાવતા લોકોને હતાશ કરી દેવાનું કિશોરને ગમ્યું હોત પણ કરુણતા એ હતી કે કેવળ વ્યવસાયિક કારણોસર તે એવું કરી ન શક્યા.

    નોંધ :

              –   તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લીધેલી છે. તેનો કોઈ જ   વ્યવસાયિક  ઉપયોગ નહીં કરવામા આવે.

                –  મૂલ્યવર્ધન …. બીરેન કોઠરી.


    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

  • સારસબેલડીની નર્તનલીલા

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

             ભારતવર્ષમાં સહુથી મોટા પક્ષીઓમાંનું એક લગભગ ૫ ફૂટ કરતા વધારે અને લગભગ ૬ ફૂટ સુધીનું  ઊંચાઈનું અચંબો પમાડે તેવું પક્ષી એટલે સારસ. એક સરેરાશ માણસ જેટલી ઊંચાઈ ધરાવે છે. એક વખત જોડી બનાવે પછી હંમેશા પોતાના વફાદાર સાથીદારની સાથે જોવા મળે અને તે મોનોગોમાસ/  એકવિધતાવાળું હોય. જ્યારે પણ તેમના સાથીદારનું મૃત્યુ થાય ત્યારે તેના વિરહમાં એકલતામાં તડપતું હોય અને એવું મનાય છે કે તેના જોડીદાર વિના ઝૂરી ઝૂરીને પ્રાણ ત્યજી દેતા હોય છે, જીવન ટૂંકાઈ જાય છે અને આ કારણે તેમની જોડીને સારાસબેલડી કહે છે! તેઓ પોતાની લાગણી, દુઃખ, ચિંતા,આનંદ, નજાકત ખુબ સારી રીતે વ્યક્ત કરી શકે છે. તેઓ બે જણ સતત એકબીજાની સાથે નજીકમાંજ  હરતા, ફરતા, ચરતા અને ઉડતા હોય છે. પાણીની નજીક રહેતા હોઈ ઉનાળામાં પણ જળાશય પાસે આઠ દસના સમૂહમાં જોવા મળે તે એક મોટો લહાવો બની રહે છે.

    સારસ /Sarus Crane / Grus anitigone

    ભારતમાં લગભગ બધીજ જગ્યાએ, વેટલેન્ડ/ નીચા વિસ્તાર જ્યાં જમીન પાણીથી સંતૃપ્ત થાય છે તેવા વિસ્તારમાં જોવા મળે છે.  તેવા વિસ્તાર શહેરમાં હોય નહિ તે કારણે બહુ ઓછા લોકો મળે કે જેમણે તેમને નજરે જોયા હોય. ભારતના ઉપખંડમાં, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, નેપાળ, મ્યાનમાર, વિએટનામ, કમ્બોડીઆ અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે.

    તેઓ પોતાનો માળો પાણીની વચ્ચે ના ભાગમાં પાણીજન્ય વનસ્પતિમાં, માનવ રચિત પાણીના કુંડમાં, કેનાલ, તળાવ, ડાંગરના પાણી ભરેલા ખેતરમાં વચ્ચે  પોતાનો માળો બનાવે છે. આ માળો નીચે મોટી અને જાડી સળીઓ/ ડાળીઓ વગેરે મૂકી, ઊંચો માળો બનાવે અને તેની ઉપર ઘાસ અને તેના જેવી વસ્તુઓ વાપરી બે મીટર જેટલા ઘેરાવ વાળો મોટો ગોળાકાર માળો બનાવે જેથી પાણીનું લેવલ વધઘટ થાય તો પણ તકલીફ ન પડે તેવો સલામત માળો બનાવી લે છે. સામાન્ય રીતે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે તેઓ માળો બનાવવાનું આયોજન કરે છે. ક્યારેક તેઓ ચોમાસા સિવાય ઈંડા મૂકે તેવા અપવાદરૂપ કિસ્સા પણ જવલ્લે નોંધાયા છે. ભારતમાં વરસાદની અનિયમિતતાના કારણે તેઓ ઈંડા મુકવાનો સમય બદલતા જોવા મળ્યા છે. ભારતમાં પરંપરા પ્રમાણે ગ્રામ્ય પ્રજા તેમને કનડે નહિ માટે સારસ માણસથી બહુ બીવે નહિ તેમ છતાં માણસથી દૂર રહે! તેઓના બચ્ચાના પીંછા આછા પીળા રંગના હોય છે.

    ખેતરમાં ઉભા પાકમાં માળો બનાવી લે માટે તેની આસપાસની જગ્યામાં ઉભેલો પાક થઇ ન શકે માટે ઘણી વખત ખેડૂત તેને ઝેર દઈને કે રાંધીને ખાવા માટે શિકારી મારી નાખે. તેઓની સંખ્યા ઝડપથી ઘટી રહી હોઈ સરકારે પણ ખેડૂતને એક રાહત આપી છે. જે ખેતરમાં તે માળો બનાવી ઈંડા મૂકે તો લગભગ ૩૦ ફૂટના  ઘેરાવામાં તેણે દોરી બાંધી તે જગ્યામાં જવું નહિ અને તે જગ્યામાં જેટલો પાક હોય તે પ્રમાણે સરકાર તરફથી એક વખત તેટલા પાકનું વળતળ આપવામાં આવે છે અને તેમનો વંશવેલો બચાવી લેવાય છે. તેમનો વધ ન કરાય તેમ સર્વે પરંપરા પ્રમાણે માને! ચોમાસુ તેમની પ્રજનનની/ સંવર્ધનની ઋતુ છે. તેઓ એક થી બે અને ક્યારેક ત્રણથી ચાર ઈંડા મૂકી શકે છે. ઈંડાનું વજન ૨૪૦ ગ્રામ સુધીનું હોય છે. નર સારસ અને માદા સારસ વારા ફરતી ફીકા સફેદ ઈંડાને ૩૦ – ૩૧ દિવસ સુધી સેવે છે.

    તેમની ચાલ ધીમી પણ પ્રભાવશાળી હોય છે. રંગરૂપ ખુબ આકર્ષક અને દેખાવે ગંભીર અને શાંત લાગે. અવાજ બુલંદ, કર્ણપ્રિય અને સાંભળવો ગમે અને મન પ્રફુલ્લિત કરી દે, અવાજ ડ્રમ કે ટ્ર્મપેટ વાગતું હોય તેવી લયમાં  પદ્ધતિસર હોય. તેઓ જમીનથી બહુ ઊંચે ઉડી શકતા નથી. તેમની શરીર રચનાની એક મર્યાદા છે. ઉડે ત્યારે ડોક છેક આગળ હોય અને પગ છેક પાછળ ખેંચેલા હોય. ઉડે ત્યારે પાંખો નો ફડ ફડ અવાજ આવે. તેઓ પાંખો ઝડપથી ફફડાવીને ઉડી શકે છે. તેમની ચાલ ધીમી પણ ખુબજ આકર્ષક અદાવાળી લાગે. તેઓ સંવર્ધનની ઋતુમાં તેમજ અન્ય સમયે એકબીજાની આજુબાજુ ગોળાકારે નૃત્ય કરતા હોય તેમ ઘૂમે છે.

    ખુબ લોકો તેના ચિત્ર બનાવે તેવું રૂડું ને રંગીલું. તેઓનું માથું રાખોડી. ડોકનો ઉપરનો ભાગ લોહી જેવો લાલ બાકી આખું સારી રાખોડી હોય. તેમની ચાંચ લીલાશ પડતી હોય છે. પગ ખુબજ લાંબા હોય છે અને ડોક તેમજ ચાંચ ખુબ લાંબી હોય છે. શરીર પૂંછડી તરફ ઢળતું હોય છે. પાંખો ફેલાવે ત્યારે તેનો વ્યાપ ૮૫ થી ૯૫ ઇંચ જેટલો પહોળો હોય છે. તેઓનું વજન ૭ થી ૯ કિલો જેટલું હોય છે અને આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું હોય છે. સારસની બેલડીને જુવો તો નર સારસ અને માદા સારસનો તફાવત દેખાય. માદા સારસની ડોકમાં જે લાલ રંગ હોય છે તે નર સારસ કરતા આછો લાલ હોય છે, બાકી જો દૂરથી જુઓ તો તફાવત ન દેખાય અને લગભગ સરખાજ દેખાય.

    મુખ્યત્વે  નાના પાણીના જીવ, માછલી, જીવાત, પાણીના સાપ, નાના કાચબા,  પાણીની અમુક પ્રકારની વનસ્પતિ, બીયા, દાણા, સીંગ દાણા, ક્યારેક કાચબાના અને પક્ષીના ઈંડા વગેરે ખાય છે.

     

    (સહયોગ: ફોટોગ્રાફ્સ: શ્રી વનિત. ડેનિયલ અને શ્રી સેજલ શાહ ડેનિયલ. ).

     

    *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn  – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : બીલી

    ગિજુભાઈ બધેકા

    દેવોને જેમ જાતજાતનાં ફૂલોનો શોખ છે તેમ જ તેમને પાંદડાઓનો પણ શોખ છે. શંકરનું પ્રિય પાંદડું બીલીપત્ર છે.

    બ્રાહ્મણો બહુ ભાવથી ભોલાનાથ ઉપર બીલીનાં પાંદડાં ચઢાવે છે. બીલીના પત્રોનો અભિષેક થાય છે; એક મંત્ર બોલાય અને એક પાંદડું ચડાવાય. શંકરે તેને પોતાનું કર્યું તેથી બીલીનું ઝાડ પવિત્ર મનાય છે.

    બીલીનાં પાંદડાં અજાણપણે પણ શંકર ઉપર પડી જાય તોપણ જેનાથી તે પડે તેને અભિષેકનું પુણ્ય મળે છે. પુરાણમાં વ્યાધ અને હરણાંની કથામાં બીલીના અભિષેકનો મહિમા છે.

    મેં અને મારા મિત્રોએ શંકરબાપા ઉપર બીલીના પાંદડાં ઠીકઠીક ચડાવ્યાં છે. બીલીના પાંદડાં તીરખીએ ત્રણ ઝૂમખે થાય છે, અને તે ઉપરથી જ તે ઓળખાય છે. કોઈક જ વાર બીલીપત્ર પાંચ પાંદડે મળે છે, બે બાજુએ બે અને વચ્ચે એક. એનો મહિમા વળી વધારે છે.

    આપણે કહી શકીએ કે બીલીના પાંદડાંની ગોઠવણ કલાયુક્ત છે.

    બીલીનું ઝાડ સાધારણ રીતે રાયણ જેવડું થાય છે. તેનો છાંયો શીળો અને ઘટ્ટ હોય છે. બીલીના વૃક્ષ નીચે બિરાજતા શંકરને બીલેશ્વર કહે છે.

    બીલીનું વૃક્ષ

    બીલીના ફળને બીલાં કહે છે. બીલાંથી છોકરાઓ રમે છે અને તેને પથરા ઉપર પછાડીને ફોડવામાં આનંદ લે છે. પાકેલા બીલાંનો સ્વાદ ગળચટ્ટો લાગે છે. ગામડાંના છોકરાઓ તે ખાય છે.

    બીલીનો ગર્ભ વૈદલોકો ઝાડા ઉપર ઔષધ તરીકે વાપરે છે.

    બીલી વિષે વધારે માહિતી લેખકને નથી; પણ જો વધારે મળશે તો બીજી આવૃત્તિમાં તે ખુશીથી લખશે.


    વિકિપીડિયામાં બીલીને લગતો લેખ ઉપલબ્ધ છે.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • કોઈનો લાડકવાયો – (૨૧) – મહારાષ્ટ્રમાં વિદ્રોહ (૩) વીર બાબુરાવ શેડમાકે

    દીપક ધોળકિયા

     મહારાષ્ટ્રમાં ગઢચિરોલી અને ચંદ્રપુરનો પ્રદેશ ૧૮૫૭ પહેલાં ‘ચંદા’ નામે ઓળખાતો. આદિવાસી રાજ-ગોંડ જાતિનું  આ પ્રદેશમાં હમેશાં પ્રભુત્વ રહ્યું છે. એમની પાસે જમીનો હતી અને ઘણા તો મોટા જમીનદાર હતા. ૧૮૫૪માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ચંદા પ્રદેશનો કબજો લઈ લીધો અને વહીવટ માટે એક કલેક્ટર નીમ્યો. કંપનીએ સૌથી પહેલાં તો એમની જમીનો પર કબજો કરવા માંડ્યો. કોઈ પણ બહાને જમીનો ઝુંટવી લેવાતી. આથી અસંતોષ તો હતો જ. એ સ્થિતિમાં ખાનદેશના આદિવાસીઓના વિદ્રોહે રાજ-ગોંડ આદિવાસીઓમાં પણ જોશ આણી દીધું.

    બાબુરાવ શેડમાકે મોલમપલ્લીના જમીનદાર હતા અને ચોવીસ ગામો એમને હસ્તક હતાં. ૧૮૫૮ના માર્ચમાં એમણે ગોંડ. મારિયા અને રોહિલા આદિવાસીઓમાંથી પાંચસો મરણિયા યુવાનોની ફોજ તૈયાર કરી અને આખા રાજગઢ પરગણા પર પોતાની આણ વર્તાવી. કલેક્ટર ક્રિખ્ટનને આ સમાચાર મળતાં એણે લશ્કરી ટુકડી મોકલી. ૧૩મી માર્ચે ભારે યુદ્ધ થયું તેમાં શેડમાકેના અદિવાસી સૈનિકોએ અંગ્રેજ ફોજને જબ્બર હાર આપી. અંગેજી ફોજને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી.

    શેડમાકેની બહાદુરી જોઈને અડાપલ્લી અને ઘોટના જમીનદાર વ્યંકટ રાવ પણ શેડમાકેની મદદે આવ્યા. બન્નેના સૈન્યમાં ગોંડ અને રોહિલા જાતિના બારસો સૈનિકો હતા. હવે એમણે ખુલ્લંખુલ્લા બ્રિટિશ સત્તા સામે યુદ્ધ જાહેર કર્યું. ક્રિખ્ટને ફોજને કુમક મોકલી પણ શેડમાકે અને વ્યંકટ રાવના સૈનિકોએ એમને હરાવ્યા. હવે ત્રીજી ટુકડી પણ અંગ્રેજોની ફોજ સાથે જોડાઈ.

    પરંતુ અંગ્રેજો ફરી પરાસ્ત થયા.  ૨૯મી એપ્રિલે શેડમાકેનાં દળોએ તાર ઑફિસ પર જ કબજો કરી લીધો. આદિવાસીઓ તાર પદ્ધતિને એમને ગુલામ બનાવવાનું સાધન માનત  હતા. તાર ઑફિસ પર વિદ્રોહીઓ. કબજો કરી લે તે અંગ્રેજો માટે શરમની વાત હતી. ફરી અંગ્રેજી ફોજને શેડમાકેના આદિવાસીઓ વિરુદ્ધ  મેદાને ઊતરવું પડ્યું પણ ૧૦મી મે ૧૮૫૮ના દિવસે કંપનીની ફોજ ભૂંડા હાલે ભાગી છૂટી.

    ક્રિખ્ટને જોયું કે લડાઈમાં કંઈ વળે તેમ નથી એટલે એણે નવો રસ્તો શોધી કાઢ્યો. એણે આહેરીની જમીનદારણ લક્ષ્મીબાઈ પર દબાણ કર્યું કે એ શેડમાકેને પકડાવી દે, એણે ધમકી આપી કે લક્ષ્મીબાઈ મદદ નહીં કરે તો કંપની એની જમીનદારી પોતાના હાથમાં લઈ લેશે. લક્ષ્મીબાઈ તરત મદદ કરવા તૈયાર થઈ ગઈ. એણે પોતાની ફોજ મોકલીને શેડમાકેને કેદ કરી લીધા. જો કે એ લક્ષ્મીબાઈની ફોજના સકંજામાંથી ભાગી છૂટ્યા અને તે પછી બ્રિટિશ હકુમતના વિસ્તારમાં લૂંટફાટ કરતા રહ્યા.

    છેવટે ૧૮મી સપ્ટેમ્બરે એ ફરી પકડાઈ ગયા.  લક્ષ્મીબાઈએ એમને તરત અંગ્રેજી હકુમતના હાથમાં સોંપી દીધા. ૨૧મી ઑક્ટોબરે એમની સામે કેસ ચલાવીને તે જ દિવસે ચંદ્રપુરની જેલમાં એને ઝાડે લટકાવીને ફાંસી આપી દેવાઈ. એમના સાથી વ્યંકટ રાવ બસ્તરના રાજાને શરણે ગયા પણ અંતે પકડાઈ ગયા. એમની સામે પણ કેસ ચાલ્યો પરંતુ એમની માની દરમિયાનગીરીથી એને જનમટીપની સજા મળી.

    ભારતના ઇતિહાસમાં આવી ઘણી ઘટનાઓ છે જેમાં પોતાના જ લોકોને ફસાવવા માટે બીજાઓ આગળ આવ્યા હોય અને એ કારણે વિદેશીઓ પગદંડો જમાવી શક્યા.

    (ચંદ્રપુરમાં બાબુરાવ શેડમાકેના સ્મારકનો ફોટો. બાજુમાં પીપળાનું ઝાડ છે તેના પર એમને ફાંસી અપાઈ હતી).

     

    ૦૦૦

    ફોટો અને મૂળ લેખઃ અમિત ભગતઃ

    સંદર્ભઃ http://www.livehistoryindia.com/snapshort-histories/2019/05/10/baburao-sedmake-adivasi-hero-of-1857

    ૦૦૦

    દીપક ધોળકિયા:

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • સોયના નાકામાં હાથીનું પૂંછડું ભરાયેલું રહેવું જ જોઈએ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વજન: ૮૦૦ કિલોગ્રામ, ઊંચાઈ: સાડા દસ ફીટ, કિંમત: ફક્ત પાંચ લાખ રૂપિયા. વહનક્ષમતા: ચાર વ્યક્તિની. આ વિગતો કોઈ ભારેખમ વાહનની નહીં, પણ એક હાથીની છે. હાથીનું નામ છે રમણ. કેરળ રાજ્યના ત્રિશૂરમાં આવેલા ઈરિંજડાપિલ્લી શ્રીકૃષ્ણ મંદિરમાં આ હાથી સેવા આપશે. અલબત્ત, આ હાથી સાચેસાચો નહીં, પણ યાંત્રિક છે. આખા યાંત્રિક માળખા પર રબરની ‘ત્વચા’ લગાવવામાં આવી છે, અને સૂંઢ, કાન, મોં વગેરે લગાવીને આ માળખાનો દેખાવ સાચા હાથી જેવો બનાવવામાં આવ્યો છે. પશુઓ સાથેના નૈતિક વ્યવહારનું સમર્થન અને પ્રચાર કરતી જાણીતી સંસ્થા ‘પેટા’ (પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્‍ટ ઑફ એનિમલ્સ) દ્વારા, અભિનેત્રી પાર્વતી તિરુવોથુના હસ્તે આ હાથી મંદિરને ભેટ આપવામાં આવ્યો. હાથી મંદિરમાંના દેવતાઓને ભેટરૂપે ‘ધરવાના’, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ યોજાયેલા નાડાયિરુથલ ઉત્સવમાં અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકોની હાજરી વિશેષ હતી.

    . કેરળ રાજ્યના ત્રિશૂરમાં આવેલા ઈરિંજડાપિલ્લી શ્રીકૃષ્ણ મંદિરમાં યાંત્રિક ‘રમણ’ હાથી સેવા આપશે

    સ્વાભાવિકપણે જ આ બાબત કેરળમાં ચર્ચાનો મુદ્દો બની રહી અને બે પક્ષ પડી ગયા. આ મંદીરનો વહીવટ કરતા દેવાસ્વોમ અધિકારી રાજકુમારે આ પગલાંની તરફેણ કરતાં જણાવ્યું કે હવે કેરળનાં મંદિરોમાં હાથી કેવળ અનુષ્ઠાનનો હિસ્સો છે, પણ કોઈ ધાર્મિક ગ્રંથમાં લખ્યું નથી કે એ જરૂરી છે. ગરુડ તેમજ અન્ય ઈશ્વરીય વાહનની જેમ જ ભગવાનના રથ સ્વરૂપે તેનો સંદર્ભ છે. રાજકુમારે એમ પણ કહ્યું કે તિરુવનંતપુરમના પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરના મુખ્ય પૂજારી એન.આર.સતીશન નમ્બૂદરી તેમજ ટી.વિજયન તાંથ્રીકલ જેવા હિંદુ ધર્મ અને મંદિર સંસ્કૃતિના જાણકાર વિદ્વાનોએ આ સમારંભનું ઉદ્‍ઘાટન કર્યું. મંદિર સંસ્કૃતિને એમનાથી બહેતર કોણ જાણતું હોય? રાજકુમારે એવી અપેક્ષા વ્યક્ત કરી કે ધીમે ધીમે અન્ય મંદિરો પણ આનાથી પ્રેરાશે અને જીવિત હાથીઓને સ્થાને યાંત્રિક હાથીનો ઉપયોગ કરવામાં આવશે. રમણમાં કોઈ તાંત્રિક સમસ્યા ઊભી થાય એમ લાગતું નથી, પણ કદાચ એમ થાય તો અનેક ઈલેક્ટ્રીશ્યનો મદદમાં હાજર હશે.

    કોચીના છોટાનિક્કરા મંદિરના દેવસ્વોમ અધિકારી દીપેશ કદી યાંત્રિક હાથી બાબતે વિચારવાના નથી. તેમના જણાવ્યા મુજબ હાથી કેવળ સજાવટ માટે નથી. અનુષ્ઠાનમાં તે એક નિશ્ચિત શક્તિ પણ લાવે છે. ઈશ્વરના માર્ગમાં પ્રતીક હોવા માટે સક્ષમ હોવું હાથી માટે આશીર્વાદ સમાન છે, એમાં કશી ક્રૂરતા નથી.

    વાસ્તવમાં આખો મુદ્દો ક્રૂરતાનો જ છે. કેરળ રાજ્યનાં વિવિધ મંદિરોમાં ભક્તોને આશીર્વાદ આપવાથી લઈને દેવતાઓના રથ ખેંચવા સુધીના અનેક કામ માટે હાથીનો ઉપયોગ થતો આવ્યો છે. દેશભરના કુલ 2,500 બંધક હાથીઓ પૈકીના આશરે પાંચમા ભાગના હાથી કેરળમાં છે. કેરળની સંસ્કૃતિમાં હાથીઓનું એ હદનું મહત્ત્વ છે કે અનેક માનવીય વિશેષતાઓ માટે હાથીઓને જવાબદાર માનવામાં આવે છે. હાથીઓનો જન્મદિવસ ઊજવવામાં આવે છે, અને હાથીઓના અંતિમ સંસ્કાર કરાય છે. તેમના ગુણ અને શક્તિનાં ગુણગાન ગાવામાં આવે છે. સાહિત્યમાં પણ હાથીઓ અને મહાવતને સ્થાન મળેલું છે.

    ‘સેન્‍ટર ફોર રિસર્ચ ઑન એનિમલ રાઈટ્સ’ (સી.આર.એ.આર.) દ્વારા કેરળના મુખ્યમંત્રી પી.વિજયનને લેખિત જાણ કરવામાં આવી હતી કે બંધક હાથીઓનાં મૃત્યુ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે, કેમ કે, 2018થી અત્યાર સુધીમાં કેરળમાં 138 હાથીઓ મૃત્યુ પામ્યા છે. હાથીઓ પર ક્રૂરતા આચરવાના અનેક કિસ્સા બનતા રહે છે. અનુષ્ઠાન દરમિયાન હાથીઓને તીક્ષ્ણ હથિયાર ઘોંચવામાં આવે છે. 2014 થી 2021 વચ્ચે એવા પચાસેક કિસ્સા બન્યા કે જેમાં ક્રોધે ભરાયેલા હાથીએ મહાવતને મારી નાખ્યો હોય.

    હાથી કંઈ ગાય કે ભેંસ જેવું ઘરેલુ પ્રાણી નથી. મૂળત: તે જંગલી પ્રાણી છે. ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરાનો તે હિસ્સો હોય તો પણ સરવાળે પરંપરાના નામે તેની પર ક્રૂરતા જ આચરવામાં આવતી હોય છે. ‘પેટા’ના એડવોકેસી પ્રોજેક્ટનાં નિદેશક ખૂશ્બુ ગુપ્તાના જણાવ્યા અનુસાર ભગવાન ગણેશના પ્રતિનિધિ એવા હાથીઓની પૂજાની સૌથી ઉત્તમ પદ્ધતિ તેમને પ્રકૃતિમાં પોતપોતાના પરિવારોની સાથે, ઈશ્વરની ઈચ્છા અનુસાર મુક્ત રહેવાની અનુમતિ આપવાની છે. આ હાથીઓને અભયારણ્યમાં છોડી મૂકવા જોઈએ કે જ્યાં તેઓ અન્ય હાથીઓની સાથે હળીમળીને રહી શકે. ત્રિશૂર જિલ્લાના તેમજ કેરળનાં અન્ય મંદિરો સાથે ‘પેટા ઈન્‍ડિયા’ વાટાઘાટો ચલાવી રહી છે કે જેથી સાચા હાથીઓને સ્થાને યાંત્રિક હાથી, પાલખી કે રથનો ઉપયોગ કરવામાં આવે.

    મંદિરમાં સાચા હાથીને સ્થાને યાંત્રિક હાથી મૂકવાની ઘટના જાણીને પહેલી વારમાં હસવું આવે, પણ તેની પાછળની વાસ્તવિકતાની જાણ થાય ત્યારે એ યોગ્ય જણાય. સાથેસાથે એ સમજાય કે માણસ પોતાની આસ્થાલક્ષી પરંપરા બાબતે પુનર્વિચાર કરવા રાજી નથી. કેરળમાં સાક્ષરતા દર ૯૦ ટકાની ઉપર રહે છે. અલબત્ત, ‘સાક્ષરતા’ની સરકારી વ્યાખ્યા અક્ષરજ્ઞાન પૂરતી સીમિત છે, છતાં રેશનાલિસ્ટ ચળવળના મહત્ત્વના કેન્‍દ્ર સમા કેરળમાં અનેક આસ્થાલક્ષી પરંપરાઓને વળગી રહેવાનું વલણ અતિશય જાણીતું છે. એ સમજવું કોઈ પણ માટે મુશ્કેલ છે કે કોઈ પણ પરંપરાનો આરંભ ક્યારેક, ક્યાંકથી થયો જ હશે. તેના ચોક્કસ સંજોગો, જરૂરિયાત અને માનસિકતા હશે. સમય વીતતાં આ સંજોગો કે જરૂરિયાત બદલાયાં હશે કે સમૂળગાં રહ્યાં નહીં હોય, છતાં પરંપરાના નામે એ દૃઢ બની ગયાં હશે. સાચેસાચા હાથીને બદલે યાંત્રિક હાથી મૂકવામાં આવે એ પગલું આવકારદાયક છે, કેમ કે, હાથી પર થતી ક્રૂરતા એટલા પૂરતી અટકશે. પણ સમયની સાથે પરંપરા કે માનસિકતા બદલવા અંગે, તેની તાર્કિકતા કે પ્રસ્તુતતા વિશે પુનર્વિચાર કરવાનો અભિગમ ક્યાંય કળાતો નથી. ટેક્નોલોજી રોજિંદા જીવનમાં વિજ્ઞાનને હાથવગું બનાવશે, પણ તે માનસિકતાને પછાત જ રાખવાની હોય તો એમાં વાંક ટેક્નોલોજીનો નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૬ – ૦૪ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સલીમ દુર્રાની : સ્ટાર, યાર, કલાકાર!

    કાજલ ઓઝા વૈદ્ય

    ભારતીય ક્રિકેટ વિશે બનેલી બહુચર્ચિત અને લોકપ્રિય ફિલ્મ ‘83’માં એક જગ્યાએ સુનીલ ગાવસ્કર એના ‘અંકલ’ ક્રિકેટરનો ઉલ્લેખ કરે છે, એ કહે છે કે, ‘એક ઐસા ક્રિકેટર થા જો દર્શકો કી ડિમાન્ડ પે છક્કે લગાતે થે. સ્ટેડિયમ મેં જીસ કૌને સે ડિમાન્ડ આતી, વો ઉસ તરફ છક્કે માર સકતે થે.’

             તસવીર : ઇંટરનેટના સૌજન્યથી

    આ ક્રિકેટર એટલે બીજું કોઈ નહીં, પરંતુ ટૂંકી કારકિર્દીમાં જેણે ભારતને ટેસ્ટ ક્રિકેટમાં અદ્્ભુત સફળતા અપાવી એવા સલીમ અઝીઝ દુર્રાની. પહેલાંના જમાનામાં ચાર સેક્શનમાં પેવેલિયન વહેંચી દેવાતું અને ક્રિકેટના ચાહકો જે દિશામાંથી ‘વી વોન્ટ સિક્સર’ની બૂમો પાડે એ દિશામાં સિક્સર ફટકારવાની સલીમ દુર્રાનીની કળા, આજ સુધી ભારતીય ક્રિકેટમાં ફરી કોઈએ જોઈ નથી. ઇંગ્લેન્ડના સ્પિનર નોર્મન ગિફોર્ડના એક બોલ પર સલીમભાઈએ મિડવિકેટ પર ઓન ડિમાન્ડ સિક્સર ફટકારી દીધી. બોલર તેમની પાસે આવ્યો અને કહ્યું દુરી (દુર્રાની) તું આ રીતે ક્રોસ બેટ રમી શકે નહીં. સલીમભાઈએ કહ્યું, ‘મારી સામે ડિમાન્ડ હતી અને મારે પ્રેક્ષકોની ડિમાન્ડ તો પૂરી કરવી જ પડે. અમારે માંડ ૨૦ રનની જરૂર છે, જા બોલ શોધ અને બોલિંગ કર.’ અંતે ભારતે મેચ જીતી લીધી.

    મૂળ અફઘાનિસ્તાનમાં જન્મેલા. સલીમ દુર્રાની ખૂબ દેખાવડા, ભૂરી આંખોવાળા અને સ્ટાઈલિશ વસ્ત્રો માટે જાણીતા હતા. એ જન્મ્યા ત્યારે એમના પિતા અબ્દુલ અઝીઝ દુર્રાનીએ તાજા જન્મેલા બાળકની આંખો સામે લાલ રંગનો બોલ ઘૂમાવીને ભવિષ્યવાણી કરી હતી, ‘મારે ઘરે એક સ્ટાર ક્રિકેટર જન્મ્યો છે.’ સલીમ દુર્રાની એમના પરિવાર સાથે ત્રણ વર્ષની ઉંમરે અફઘાનિસ્તાન છોડીને જામનગર આવી ગયા. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે એમના પિતાએ પાકિસ્તાન જવાનું પસંદ કર્યું જ્યારે સલીમ દુર્રાની, એમની માતા અને મામાઓ જામનગર રોકાઈ ગયા. સલીમ દુર્રાનીના પિતા પાકિસ્તાન માટે ક્રિકેટ રમ્યા અને પછીથી એમણે અનેક તેજસ્વી ક્રિકેટર્સને ટ્રેઈન કર્યા જેમાં હનીફ મોહંમદ, વકાર હસન, ઈસરાર અલી, ખાલીદ વઝીર જેવાં નામો પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટમાં આજે પણ આદરથી લેવાય છે.

    સલીમ દુર્રાની સૌથી પહેલાં અર્જુન એવોર્ડ વિનર ભારતીય ક્રિકેટર હતા. એવોર્ડ જાહેર થયો ત્યારે એ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર હતા. પાછા આવ્યા પછી કોઈને યાદ જ ન આવ્યું કે એવોર્ડનો સમારંભ કરવાનો છે! ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર્ડ થયા પછી, એવોર્ડની જાહેરાતના સાડા ચાર દાયકા પછી એમને એક સમારંભમાં એ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો! સલીમભાઈએ કોઈ દિવસ એ એવોર્ડ યાદ કરાવવાની તસદી લીધી નહીં.

    તસવીર ઇંટરનેટના સૌજન્યથી

    સલીમ દુર્રાનીએ કારકિર્દીનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા સામે જાન્યુઆરી ૧૯૬૦થી કર્યો તે વખતે દસમા ક્રમે રમવા આવ્યા હતા. એ જમાનામાં સુપરફાસ્ટ બોલર રે લિન્ડવોલના પહેલા જ બોલે તેમણે એક રન લઈ લીધો. ધૂંઆધાર લેફ્ટી બેસ્ટમેન અને છ ફૂટની ઊંચાઈ સાથે શાનદાર ઓલરાઉન્ડર તરીકે સલીમ દુર્રાની ભારત તરફથી ૨૯ ટેસ્ટ રમ્યા હતા, જેમાં તેમણે એક સદી અને સાત અડધી સદીની મદદથી ૧૨૦૨ રન બનાવ્યા હતા. આ સાથે ૭૫ વિકેટ પણ ઝડપી હતી.

    ૧૯૭૧માં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં કેરેબિયન્સ સામે ટેસ્ટ અને ત્યાર બાદ સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો. અજિત વાડેકરની એ સફળતા, સુનીલ ગાવસ્કરની એ પ્રથમ ટેસ્ટ આ તમામ બાબતો સૌને યાદ હશે પરંતુ પોર્ટ ઓફ સ્પેન ખાતેની માર્ચ ૧૯૭૧ની એ ટેસ્ટમાં ચોથા દિવસની સવારનો એક કિસ્સો ભાગ્યે જ કોઈને યાદ હશે. બન્યું એવું કે વેસ્ટ ઇન્ડિઝની ટીમે એક વિકેટે ૧૫૦ રનના સ્કોરથી તેનો બીજો દાવ આગળ ધપાવ્યો હતો અને રોય ફ્રેડરિક્સ અને ચાર્લી ડેવિસ મજબૂતીથી રમી રહ્યા હતા. પ્રસન્ના, બિશનસિંઘ બેદી અને વેંકટરાઘવન જેવા ત્રણ ત્રણ સ્પિનર વિકેટ ખેરવી શકતા ન હતા. ક્લાઇવ લોઇડ જામી ગયો હતો. એવામાં ડ્રિન્ક્સ આવ્યું અને ભારતના એક સ્પિનરે (કામચલાઉ) અચાનક જ કેપ્ટન અજિત વાડેકર પાસેથી બોલ આંચકી લીધો. તેણે પડકાર ફેંક્યો કે તારા આ કહેવાતા મહાન સ્પિનર પાસે લોઇડને આઉટ કરવાની તાકાત નથી. ડ્રિન્ક્સ પછીની ઓવરમાં એ બોલરે લોઇડને આઉટ કર્યો અને તરત જ મહાન ગેરી સોબર્સને પેવેલિયન ભેગા કરી દીધા. એમાંય સોબર્સને તો ક્લીન બોલ્ડ કરી દીધા. બસ, ત્યાર બાદ તેણે કેપ્ટનને બોલ પરત આપીને કહી દીધું હવે તારા સ્પિનર્સ પાસે બોલિંગ કરાવ. આ બે વિકેટે મેચનું પાસું પલટી નાખ્યું અને પછી જે કંઈ બન્યું તે ઇતિહાસ છે. ભારતે સાત વિકેટથી મેચ જીતી લીધી અને સિરીઝ પણ અંકે કરી લીધી. આ બોલર એટલે ભારતીય ક્રિકેટના સૌથી લોકપ્રિય એવા સલીમ દુર્રાની.

    જીવનભર અપરિણીત રહેલા સલીમ દુર્રાની મીડિયાની નજરમાં એક ‘પ્લે બોય’ હતા. એ એટલા દેખાવડા હતા કે જ્યાં જતા ત્યાં છોકરીઓ એમની પાછળ પાગલ થતી. આજે વિરાટ કોહલી, વિનોદ કાંબલી, સુનીલ ગાવસ્કર, સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટર્સ જાહેરાતમાં કામ કરે છે, પરંતુ સલીમ દુર્રાનીએ ૧૯૭૩માં પરવીન બાબી સાથે હીરો તરીકે એક ફિલ્મ કરી હતી, ‘ચરિત્ર’. એ ફિલ્મ માટે એમને અઢાર હજાર રૂપિયા મળ્યા હતા. મિત્રોએ પાર્ટી માગી ત્યારે સલીમ દુર્રાનીએ કહ્યું હતું, ‘એ ફિલ્મમાંથી મળેલા પૈસા તો મેં પરવીન બાબી પાછળ ઉડાવી દીધા!’

    એમના દિલદારીના અનેક કિસ્સા જાણીતા છે. શિયાળાની રાત્રે એક વૃદ્ધ ભિખારીને રાજસ્થાન ક્રિકેટરનું સત્તાવાર સ્વેટર એમણે ઉતારી આપેલું તો એકવાર ટ્રેનની મુસાફરી દરમિયાન નવાસવા આવેલા સુનીલ ગાવાસ્કરે એમણે પોતાનો બ્લેન્કેટ અને કોટ આપીને આખી રાત ઠંડીમાં વિતાવી હતી… એ દિવસથી સુનીલ ગાવસ્કર એમને ‘અંકલ’ કહેતા થયા. ૧૯૬૦માં ભારતીય પસંદગીકાર લાલા અમરનાથની સૂચનાથી કેટલાક યુવાન ક્રિકેટરોને ભારતીય ટીમની સાથે રાખવામાં આવ્યા હતા જેથી તેમને ટેસ્ટ ક્રિકેટનો અનુભવ મળી રહે. બીજે દિવસે લાલા અમરનાથે સલીમને બોલાવીને કહ્યું કે, જશુ પટેલ બીમાર હોવાથી આ ટેસ્ટમાં તારે રમવાનું છે. સૌના આશ્ચર્ય વચ્ચે રણજી પ્રારંભે સદી ફટકારનારા આ ઓલરાઉન્ડરને દસમા ક્રમે બેટિંગમાં મોકલાયા હતા. એમની લોકપ્રિયતાનો સૌથી રસપ્રદ કિસ્સો એ છે કે, એમને જ્યારે કાનપુર મેચમાં પડતા મૂકાયા ત્યારે સ્ટેડિયમની બહાર લોકો પોસ્ટર લઈને ઊભા હતા, ‘નો દુર્રાની, નો ટેસ્ટ’…

    ૮૮ વર્ષની ઉંમરે જામનગરમાં એમના ભાઈ જહાંગીર દુર્રાનીના ઘેર એમનું અવસાન થયું છે, ભારતીય ટેસ્ટ ક્રિકેટનું એક ડેશિંગ, હેન્ડસમ, સ્ટાઈલિશ પાત્ર ઈતિહાસ બની ગયું


    સ્રોત સૌજન્ય – સુશ્રી કાજલ ઓઝા વૈદ્યની દિવ્ય ભાસ્કર ની રવિવાર પૂર્તિ ‘રસરંગ’માં પ્રકાશિત થતી કોલમ ‘માય સ્પેસ’


    સુશ્રી કાજલ ઓઝા વૈદ્યનો સંપર્ક kaajalozavaidya@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે