દીપક ધોળકિયા

 મહારાષ્ટ્રમાં ગઢચિરોલી અને ચંદ્રપુરનો પ્રદેશ ૧૮૫૭ પહેલાં ‘ચંદા’ નામે ઓળખાતો. આદિવાસી રાજ-ગોંડ જાતિનું  આ પ્રદેશમાં હમેશાં પ્રભુત્વ રહ્યું છે. એમની પાસે જમીનો હતી અને ઘણા તો મોટા જમીનદાર હતા. ૧૮૫૪માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ચંદા પ્રદેશનો કબજો લઈ લીધો અને વહીવટ માટે એક કલેક્ટર નીમ્યો. કંપનીએ સૌથી પહેલાં તો એમની જમીનો પર કબજો કરવા માંડ્યો. કોઈ પણ બહાને જમીનો ઝુંટવી લેવાતી. આથી અસંતોષ તો હતો જ. એ સ્થિતિમાં ખાનદેશના આદિવાસીઓના વિદ્રોહે રાજ-ગોંડ આદિવાસીઓમાં પણ જોશ આણી દીધું.

બાબુરાવ શેડમાકે મોલમપલ્લીના જમીનદાર હતા અને ચોવીસ ગામો એમને હસ્તક હતાં. ૧૮૫૮ના માર્ચમાં એમણે ગોંડ. મારિયા અને રોહિલા આદિવાસીઓમાંથી પાંચસો મરણિયા યુવાનોની ફોજ તૈયાર કરી અને આખા રાજગઢ પરગણા પર પોતાની આણ વર્તાવી. કલેક્ટર ક્રિખ્ટનને આ સમાચાર મળતાં એણે લશ્કરી ટુકડી મોકલી. ૧૩મી માર્ચે ભારે યુદ્ધ થયું તેમાં શેડમાકેના અદિવાસી સૈનિકોએ અંગ્રેજ ફોજને જબ્બર હાર આપી. અંગેજી ફોજને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી.

શેડમાકેની બહાદુરી જોઈને અડાપલ્લી અને ઘોટના જમીનદાર વ્યંકટ રાવ પણ શેડમાકેની મદદે આવ્યા. બન્નેના સૈન્યમાં ગોંડ અને રોહિલા જાતિના બારસો સૈનિકો હતા. હવે એમણે ખુલ્લંખુલ્લા બ્રિટિશ સત્તા સામે યુદ્ધ જાહેર કર્યું. ક્રિખ્ટને ફોજને કુમક મોકલી પણ શેડમાકે અને વ્યંકટ રાવના સૈનિકોએ એમને હરાવ્યા. હવે ત્રીજી ટુકડી પણ અંગ્રેજોની ફોજ સાથે જોડાઈ.

પરંતુ અંગ્રેજો ફરી પરાસ્ત થયા.  ૨૯મી એપ્રિલે શેડમાકેનાં દળોએ તાર ઑફિસ પર જ કબજો કરી લીધો. આદિવાસીઓ તાર પદ્ધતિને એમને ગુલામ બનાવવાનું સાધન માનત  હતા. તાર ઑફિસ પર વિદ્રોહીઓ. કબજો કરી લે તે અંગ્રેજો માટે શરમની વાત હતી. ફરી અંગ્રેજી ફોજને શેડમાકેના આદિવાસીઓ વિરુદ્ધ  મેદાને ઊતરવું પડ્યું પણ ૧૦મી મે ૧૮૫૮ના દિવસે કંપનીની ફોજ ભૂંડા હાલે ભાગી છૂટી.

ક્રિખ્ટને જોયું કે લડાઈમાં કંઈ વળે તેમ નથી એટલે એણે નવો રસ્તો શોધી કાઢ્યો. એણે આહેરીની જમીનદારણ લક્ષ્મીબાઈ પર દબાણ કર્યું કે એ શેડમાકેને પકડાવી દે, એણે ધમકી આપી કે લક્ષ્મીબાઈ મદદ નહીં કરે તો કંપની એની જમીનદારી પોતાના હાથમાં લઈ લેશે. લક્ષ્મીબાઈ તરત મદદ કરવા તૈયાર થઈ ગઈ. એણે પોતાની ફોજ મોકલીને શેડમાકેને કેદ કરી લીધા. જો કે એ લક્ષ્મીબાઈની ફોજના સકંજામાંથી ભાગી છૂટ્યા અને તે પછી બ્રિટિશ હકુમતના વિસ્તારમાં લૂંટફાટ કરતા રહ્યા.

છેવટે ૧૮મી સપ્ટેમ્બરે એ ફરી પકડાઈ ગયા.  લક્ષ્મીબાઈએ એમને તરત અંગ્રેજી હકુમતના હાથમાં સોંપી દીધા. ૨૧મી ઑક્ટોબરે એમની સામે કેસ ચલાવીને તે જ દિવસે ચંદ્રપુરની જેલમાં એને ઝાડે લટકાવીને ફાંસી આપી દેવાઈ. એમના સાથી વ્યંકટ રાવ બસ્તરના રાજાને શરણે ગયા પણ અંતે પકડાઈ ગયા. એમની સામે પણ કેસ ચાલ્યો પરંતુ એમની માની દરમિયાનગીરીથી એને જનમટીપની સજા મળી.

ભારતના ઇતિહાસમાં આવી ઘણી ઘટનાઓ છે જેમાં પોતાના જ લોકોને ફસાવવા માટે બીજાઓ આગળ આવ્યા હોય અને એ કારણે વિદેશીઓ પગદંડો જમાવી શક્યા.

(ચંદ્રપુરમાં બાબુરાવ શેડમાકેના સ્મારકનો ફોટો. બાજુમાં પીપળાનું ઝાડ છે તેના પર એમને ફાંસી અપાઈ હતી).

 

૦૦૦

ફોટો અને મૂળ લેખઃ અમિત ભગતઃ

સંદર્ભઃ http://www.livehistoryindia.com/snapshort-histories/2019/05/10/baburao-sedmake-adivasi-hero-of-1857

૦૦૦

દીપક ધોળકિયા:

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી