ફિર દેખો યારોં

બીરેન કોઠારી

વજન: ૮૦૦ કિલોગ્રામ, ઊંચાઈ: સાડા દસ ફીટ, કિંમત: ફક્ત પાંચ લાખ રૂપિયા. વહનક્ષમતા: ચાર વ્યક્તિની. આ વિગતો કોઈ ભારેખમ વાહનની નહીં, પણ એક હાથીની છે. હાથીનું નામ છે રમણ. કેરળ રાજ્યના ત્રિશૂરમાં આવેલા ઈરિંજડાપિલ્લી શ્રીકૃષ્ણ મંદિરમાં આ હાથી સેવા આપશે. અલબત્ત, આ હાથી સાચેસાચો નહીં, પણ યાંત્રિક છે. આખા યાંત્રિક માળખા પર રબરની ‘ત્વચા’ લગાવવામાં આવી છે, અને સૂંઢ, કાન, મોં વગેરે લગાવીને આ માળખાનો દેખાવ સાચા હાથી જેવો બનાવવામાં આવ્યો છે. પશુઓ સાથેના નૈતિક વ્યવહારનું સમર્થન અને પ્રચાર કરતી જાણીતી સંસ્થા ‘પેટા’ (પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્‍ટ ઑફ એનિમલ્સ) દ્વારા, અભિનેત્રી પાર્વતી તિરુવોથુના હસ્તે આ હાથી મંદિરને ભેટ આપવામાં આવ્યો. હાથી મંદિરમાંના દેવતાઓને ભેટરૂપે ‘ધરવાના’, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ યોજાયેલા નાડાયિરુથલ ઉત્સવમાં અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકોની હાજરી વિશેષ હતી.

. કેરળ રાજ્યના ત્રિશૂરમાં આવેલા ઈરિંજડાપિલ્લી શ્રીકૃષ્ણ મંદિરમાં યાંત્રિક ‘રમણ’ હાથી સેવા આપશે

સ્વાભાવિકપણે જ આ બાબત કેરળમાં ચર્ચાનો મુદ્દો બની રહી અને બે પક્ષ પડી ગયા. આ મંદીરનો વહીવટ કરતા દેવાસ્વોમ અધિકારી રાજકુમારે આ પગલાંની તરફેણ કરતાં જણાવ્યું કે હવે કેરળનાં મંદિરોમાં હાથી કેવળ અનુષ્ઠાનનો હિસ્સો છે, પણ કોઈ ધાર્મિક ગ્રંથમાં લખ્યું નથી કે એ જરૂરી છે. ગરુડ તેમજ અન્ય ઈશ્વરીય વાહનની જેમ જ ભગવાનના રથ સ્વરૂપે તેનો સંદર્ભ છે. રાજકુમારે એમ પણ કહ્યું કે તિરુવનંતપુરમના પ્રસિદ્ધ પદ્મનાભસ્વામી મંદિરના મુખ્ય પૂજારી એન.આર.સતીશન નમ્બૂદરી તેમજ ટી.વિજયન તાંથ્રીકલ જેવા હિંદુ ધર્મ અને મંદિર સંસ્કૃતિના જાણકાર વિદ્વાનોએ આ સમારંભનું ઉદ્‍ઘાટન કર્યું. મંદિર સંસ્કૃતિને એમનાથી બહેતર કોણ જાણતું હોય? રાજકુમારે એવી અપેક્ષા વ્યક્ત કરી કે ધીમે ધીમે અન્ય મંદિરો પણ આનાથી પ્રેરાશે અને જીવિત હાથીઓને સ્થાને યાંત્રિક હાથીનો ઉપયોગ કરવામાં આવશે. રમણમાં કોઈ તાંત્રિક સમસ્યા ઊભી થાય એમ લાગતું નથી, પણ કદાચ એમ થાય તો અનેક ઈલેક્ટ્રીશ્યનો મદદમાં હાજર હશે.

કોચીના છોટાનિક્કરા મંદિરના દેવસ્વોમ અધિકારી દીપેશ કદી યાંત્રિક હાથી બાબતે વિચારવાના નથી. તેમના જણાવ્યા મુજબ હાથી કેવળ સજાવટ માટે નથી. અનુષ્ઠાનમાં તે એક નિશ્ચિત શક્તિ પણ લાવે છે. ઈશ્વરના માર્ગમાં પ્રતીક હોવા માટે સક્ષમ હોવું હાથી માટે આશીર્વાદ સમાન છે, એમાં કશી ક્રૂરતા નથી.

વાસ્તવમાં આખો મુદ્દો ક્રૂરતાનો જ છે. કેરળ રાજ્યનાં વિવિધ મંદિરોમાં ભક્તોને આશીર્વાદ આપવાથી લઈને દેવતાઓના રથ ખેંચવા સુધીના અનેક કામ માટે હાથીનો ઉપયોગ થતો આવ્યો છે. દેશભરના કુલ 2,500 બંધક હાથીઓ પૈકીના આશરે પાંચમા ભાગના હાથી કેરળમાં છે. કેરળની સંસ્કૃતિમાં હાથીઓનું એ હદનું મહત્ત્વ છે કે અનેક માનવીય વિશેષતાઓ માટે હાથીઓને જવાબદાર માનવામાં આવે છે. હાથીઓનો જન્મદિવસ ઊજવવામાં આવે છે, અને હાથીઓના અંતિમ સંસ્કાર કરાય છે. તેમના ગુણ અને શક્તિનાં ગુણગાન ગાવામાં આવે છે. સાહિત્યમાં પણ હાથીઓ અને મહાવતને સ્થાન મળેલું છે.

‘સેન્‍ટર ફોર રિસર્ચ ઑન એનિમલ રાઈટ્સ’ (સી.આર.એ.આર.) દ્વારા કેરળના મુખ્યમંત્રી પી.વિજયનને લેખિત જાણ કરવામાં આવી હતી કે બંધક હાથીઓનાં મૃત્યુ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે, કેમ કે, 2018થી અત્યાર સુધીમાં કેરળમાં 138 હાથીઓ મૃત્યુ પામ્યા છે. હાથીઓ પર ક્રૂરતા આચરવાના અનેક કિસ્સા બનતા રહે છે. અનુષ્ઠાન દરમિયાન હાથીઓને તીક્ષ્ણ હથિયાર ઘોંચવામાં આવે છે. 2014 થી 2021 વચ્ચે એવા પચાસેક કિસ્સા બન્યા કે જેમાં ક્રોધે ભરાયેલા હાથીએ મહાવતને મારી નાખ્યો હોય.

હાથી કંઈ ગાય કે ભેંસ જેવું ઘરેલુ પ્રાણી નથી. મૂળત: તે જંગલી પ્રાણી છે. ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરાનો તે હિસ્સો હોય તો પણ સરવાળે પરંપરાના નામે તેની પર ક્રૂરતા જ આચરવામાં આવતી હોય છે. ‘પેટા’ના એડવોકેસી પ્રોજેક્ટનાં નિદેશક ખૂશ્બુ ગુપ્તાના જણાવ્યા અનુસાર ભગવાન ગણેશના પ્રતિનિધિ એવા હાથીઓની પૂજાની સૌથી ઉત્તમ પદ્ધતિ તેમને પ્રકૃતિમાં પોતપોતાના પરિવારોની સાથે, ઈશ્વરની ઈચ્છા અનુસાર મુક્ત રહેવાની અનુમતિ આપવાની છે. આ હાથીઓને અભયારણ્યમાં છોડી મૂકવા જોઈએ કે જ્યાં તેઓ અન્ય હાથીઓની સાથે હળીમળીને રહી શકે. ત્રિશૂર જિલ્લાના તેમજ કેરળનાં અન્ય મંદિરો સાથે ‘પેટા ઈન્‍ડિયા’ વાટાઘાટો ચલાવી રહી છે કે જેથી સાચા હાથીઓને સ્થાને યાંત્રિક હાથી, પાલખી કે રથનો ઉપયોગ કરવામાં આવે.

મંદિરમાં સાચા હાથીને સ્થાને યાંત્રિક હાથી મૂકવાની ઘટના જાણીને પહેલી વારમાં હસવું આવે, પણ તેની પાછળની વાસ્તવિકતાની જાણ થાય ત્યારે એ યોગ્ય જણાય. સાથેસાથે એ સમજાય કે માણસ પોતાની આસ્થાલક્ષી પરંપરા બાબતે પુનર્વિચાર કરવા રાજી નથી. કેરળમાં સાક્ષરતા દર ૯૦ ટકાની ઉપર રહે છે. અલબત્ત, ‘સાક્ષરતા’ની સરકારી વ્યાખ્યા અક્ષરજ્ઞાન પૂરતી સીમિત છે, છતાં રેશનાલિસ્ટ ચળવળના મહત્ત્વના કેન્‍દ્ર સમા કેરળમાં અનેક આસ્થાલક્ષી પરંપરાઓને વળગી રહેવાનું વલણ અતિશય જાણીતું છે. એ સમજવું કોઈ પણ માટે મુશ્કેલ છે કે કોઈ પણ પરંપરાનો આરંભ ક્યારેક, ક્યાંકથી થયો જ હશે. તેના ચોક્કસ સંજોગો, જરૂરિયાત અને માનસિકતા હશે. સમય વીતતાં આ સંજોગો કે જરૂરિયાત બદલાયાં હશે કે સમૂળગાં રહ્યાં નહીં હોય, છતાં પરંપરાના નામે એ દૃઢ બની ગયાં હશે. સાચેસાચા હાથીને બદલે યાંત્રિક હાથી મૂકવામાં આવે એ પગલું આવકારદાયક છે, કેમ કે, હાથી પર થતી ક્રૂરતા એટલા પૂરતી અટકશે. પણ સમયની સાથે પરંપરા કે માનસિકતા બદલવા અંગે, તેની તાર્કિકતા કે પ્રસ્તુતતા વિશે પુનર્વિચાર કરવાનો અભિગમ ક્યાંય કળાતો નથી. ટેક્નોલોજી રોજિંદા જીવનમાં વિજ્ઞાનને હાથવગું બનાવશે, પણ તે માનસિકતાને પછાત જ રાખવાની હોય તો એમાં વાંક ટેક્નોલોજીનો નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૬ – ૦૪ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)