કાજલ ઓઝા વૈદ્ય

ભારતીય ક્રિકેટ વિશે બનેલી બહુચર્ચિત અને લોકપ્રિય ફિલ્મ ‘83’માં એક જગ્યાએ સુનીલ ગાવસ્કર એના ‘અંકલ’ ક્રિકેટરનો ઉલ્લેખ કરે છે, એ કહે છે કે, ‘એક ઐસા ક્રિકેટર થા જો દર્શકો કી ડિમાન્ડ પે છક્કે લગાતે થે. સ્ટેડિયમ મેં જીસ કૌને સે ડિમાન્ડ આતી, વો ઉસ તરફ છક્કે માર સકતે થે.’

         તસવીર : ઇંટરનેટના સૌજન્યથી

આ ક્રિકેટર એટલે બીજું કોઈ નહીં, પરંતુ ટૂંકી કારકિર્દીમાં જેણે ભારતને ટેસ્ટ ક્રિકેટમાં અદ્્ભુત સફળતા અપાવી એવા સલીમ અઝીઝ દુર્રાની. પહેલાંના જમાનામાં ચાર સેક્શનમાં પેવેલિયન વહેંચી દેવાતું અને ક્રિકેટના ચાહકો જે દિશામાંથી ‘વી વોન્ટ સિક્સર’ની બૂમો પાડે એ દિશામાં સિક્સર ફટકારવાની સલીમ દુર્રાનીની કળા, આજ સુધી ભારતીય ક્રિકેટમાં ફરી કોઈએ જોઈ નથી. ઇંગ્લેન્ડના સ્પિનર નોર્મન ગિફોર્ડના એક બોલ પર સલીમભાઈએ મિડવિકેટ પર ઓન ડિમાન્ડ સિક્સર ફટકારી દીધી. બોલર તેમની પાસે આવ્યો અને કહ્યું દુરી (દુર્રાની) તું આ રીતે ક્રોસ બેટ રમી શકે નહીં. સલીમભાઈએ કહ્યું, ‘મારી સામે ડિમાન્ડ હતી અને મારે પ્રેક્ષકોની ડિમાન્ડ તો પૂરી કરવી જ પડે. અમારે માંડ ૨૦ રનની જરૂર છે, જા બોલ શોધ અને બોલિંગ કર.’ અંતે ભારતે મેચ જીતી લીધી.

મૂળ અફઘાનિસ્તાનમાં જન્મેલા. સલીમ દુર્રાની ખૂબ દેખાવડા, ભૂરી આંખોવાળા અને સ્ટાઈલિશ વસ્ત્રો માટે જાણીતા હતા. એ જન્મ્યા ત્યારે એમના પિતા અબ્દુલ અઝીઝ દુર્રાનીએ તાજા જન્મેલા બાળકની આંખો સામે લાલ રંગનો બોલ ઘૂમાવીને ભવિષ્યવાણી કરી હતી, ‘મારે ઘરે એક સ્ટાર ક્રિકેટર જન્મ્યો છે.’ સલીમ દુર્રાની એમના પરિવાર સાથે ત્રણ વર્ષની ઉંમરે અફઘાનિસ્તાન છોડીને જામનગર આવી ગયા. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે એમના પિતાએ પાકિસ્તાન જવાનું પસંદ કર્યું જ્યારે સલીમ દુર્રાની, એમની માતા અને મામાઓ જામનગર રોકાઈ ગયા. સલીમ દુર્રાનીના પિતા પાકિસ્તાન માટે ક્રિકેટ રમ્યા અને પછીથી એમણે અનેક તેજસ્વી ક્રિકેટર્સને ટ્રેઈન કર્યા જેમાં હનીફ મોહંમદ, વકાર હસન, ઈસરાર અલી, ખાલીદ વઝીર જેવાં નામો પાકિસ્તાનની ટેસ્ટ ક્રિકેટમાં આજે પણ આદરથી લેવાય છે.

સલીમ દુર્રાની સૌથી પહેલાં અર્જુન એવોર્ડ વિનર ભારતીય ક્રિકેટર હતા. એવોર્ડ જાહેર થયો ત્યારે એ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર હતા. પાછા આવ્યા પછી કોઈને યાદ જ ન આવ્યું કે એવોર્ડનો સમારંભ કરવાનો છે! ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર્ડ થયા પછી, એવોર્ડની જાહેરાતના સાડા ચાર દાયકા પછી એમને એક સમારંભમાં એ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો! સલીમભાઈએ કોઈ દિવસ એ એવોર્ડ યાદ કરાવવાની તસદી લીધી નહીં.

તસવીર ઇંટરનેટના સૌજન્યથી

સલીમ દુર્રાનીએ કારકિર્દીનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા સામે જાન્યુઆરી ૧૯૬૦થી કર્યો તે વખતે દસમા ક્રમે રમવા આવ્યા હતા. એ જમાનામાં સુપરફાસ્ટ બોલર રે લિન્ડવોલના પહેલા જ બોલે તેમણે એક રન લઈ લીધો. ધૂંઆધાર લેફ્ટી બેસ્ટમેન અને છ ફૂટની ઊંચાઈ સાથે શાનદાર ઓલરાઉન્ડર તરીકે સલીમ દુર્રાની ભારત તરફથી ૨૯ ટેસ્ટ રમ્યા હતા, જેમાં તેમણે એક સદી અને સાત અડધી સદીની મદદથી ૧૨૦૨ રન બનાવ્યા હતા. આ સાથે ૭૫ વિકેટ પણ ઝડપી હતી.

૧૯૭૧માં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં કેરેબિયન્સ સામે ટેસ્ટ અને ત્યાર બાદ સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો. અજિત વાડેકરની એ સફળતા, સુનીલ ગાવસ્કરની એ પ્રથમ ટેસ્ટ આ તમામ બાબતો સૌને યાદ હશે પરંતુ પોર્ટ ઓફ સ્પેન ખાતેની માર્ચ ૧૯૭૧ની એ ટેસ્ટમાં ચોથા દિવસની સવારનો એક કિસ્સો ભાગ્યે જ કોઈને યાદ હશે. બન્યું એવું કે વેસ્ટ ઇન્ડિઝની ટીમે એક વિકેટે ૧૫૦ રનના સ્કોરથી તેનો બીજો દાવ આગળ ધપાવ્યો હતો અને રોય ફ્રેડરિક્સ અને ચાર્લી ડેવિસ મજબૂતીથી રમી રહ્યા હતા. પ્રસન્ના, બિશનસિંઘ બેદી અને વેંકટરાઘવન જેવા ત્રણ ત્રણ સ્પિનર વિકેટ ખેરવી શકતા ન હતા. ક્લાઇવ લોઇડ જામી ગયો હતો. એવામાં ડ્રિન્ક્સ આવ્યું અને ભારતના એક સ્પિનરે (કામચલાઉ) અચાનક જ કેપ્ટન અજિત વાડેકર પાસેથી બોલ આંચકી લીધો. તેણે પડકાર ફેંક્યો કે તારા આ કહેવાતા મહાન સ્પિનર પાસે લોઇડને આઉટ કરવાની તાકાત નથી. ડ્રિન્ક્સ પછીની ઓવરમાં એ બોલરે લોઇડને આઉટ કર્યો અને તરત જ મહાન ગેરી સોબર્સને પેવેલિયન ભેગા કરી દીધા. એમાંય સોબર્સને તો ક્લીન બોલ્ડ કરી દીધા. બસ, ત્યાર બાદ તેણે કેપ્ટનને બોલ પરત આપીને કહી દીધું હવે તારા સ્પિનર્સ પાસે બોલિંગ કરાવ. આ બે વિકેટે મેચનું પાસું પલટી નાખ્યું અને પછી જે કંઈ બન્યું તે ઇતિહાસ છે. ભારતે સાત વિકેટથી મેચ જીતી લીધી અને સિરીઝ પણ અંકે કરી લીધી. આ બોલર એટલે ભારતીય ક્રિકેટના સૌથી લોકપ્રિય એવા સલીમ દુર્રાની.

જીવનભર અપરિણીત રહેલા સલીમ દુર્રાની મીડિયાની નજરમાં એક ‘પ્લે બોય’ હતા. એ એટલા દેખાવડા હતા કે જ્યાં જતા ત્યાં છોકરીઓ એમની પાછળ પાગલ થતી. આજે વિરાટ કોહલી, વિનોદ કાંબલી, સુનીલ ગાવસ્કર, સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટર્સ જાહેરાતમાં કામ કરે છે, પરંતુ સલીમ દુર્રાનીએ ૧૯૭૩માં પરવીન બાબી સાથે હીરો તરીકે એક ફિલ્મ કરી હતી, ‘ચરિત્ર’. એ ફિલ્મ માટે એમને અઢાર હજાર રૂપિયા મળ્યા હતા. મિત્રોએ પાર્ટી માગી ત્યારે સલીમ દુર્રાનીએ કહ્યું હતું, ‘એ ફિલ્મમાંથી મળેલા પૈસા તો મેં પરવીન બાબી પાછળ ઉડાવી દીધા!’

એમના દિલદારીના અનેક કિસ્સા જાણીતા છે. શિયાળાની રાત્રે એક વૃદ્ધ ભિખારીને રાજસ્થાન ક્રિકેટરનું સત્તાવાર સ્વેટર એમણે ઉતારી આપેલું તો એકવાર ટ્રેનની મુસાફરી દરમિયાન નવાસવા આવેલા સુનીલ ગાવાસ્કરે એમણે પોતાનો બ્લેન્કેટ અને કોટ આપીને આખી રાત ઠંડીમાં વિતાવી હતી… એ દિવસથી સુનીલ ગાવસ્કર એમને ‘અંકલ’ કહેતા થયા. ૧૯૬૦માં ભારતીય પસંદગીકાર લાલા અમરનાથની સૂચનાથી કેટલાક યુવાન ક્રિકેટરોને ભારતીય ટીમની સાથે રાખવામાં આવ્યા હતા જેથી તેમને ટેસ્ટ ક્રિકેટનો અનુભવ મળી રહે. બીજે દિવસે લાલા અમરનાથે સલીમને બોલાવીને કહ્યું કે, જશુ પટેલ બીમાર હોવાથી આ ટેસ્ટમાં તારે રમવાનું છે. સૌના આશ્ચર્ય વચ્ચે રણજી પ્રારંભે સદી ફટકારનારા આ ઓલરાઉન્ડરને દસમા ક્રમે બેટિંગમાં મોકલાયા હતા. એમની લોકપ્રિયતાનો સૌથી રસપ્રદ કિસ્સો એ છે કે, એમને જ્યારે કાનપુર મેચમાં પડતા મૂકાયા ત્યારે સ્ટેડિયમની બહાર લોકો પોસ્ટર લઈને ઊભા હતા, ‘નો દુર્રાની, નો ટેસ્ટ’…

૮૮ વર્ષની ઉંમરે જામનગરમાં એમના ભાઈ જહાંગીર દુર્રાનીના ઘેર એમનું અવસાન થયું છે, ભારતીય ટેસ્ટ ક્રિકેટનું એક ડેશિંગ, હેન્ડસમ, સ્ટાઈલિશ પાત્ર ઈતિહાસ બની ગયું


સ્રોત સૌજન્ય – સુશ્રી કાજલ ઓઝા વૈદ્યની દિવ્ય ભાસ્કર ની રવિવાર પૂર્તિ ‘રસરંગ’માં પ્રકાશિત થતી કોલમ ‘માય સ્પેસ’


સુશ્રી કાજલ ઓઝા વૈદ્યનો સંપર્ક kaajalozavaidya@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે