અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

વીસમી સદીની અંતિમ પચીસીમાં ગુજરાતી સાહિત્યને કેટલાંક અમૂલ્ય આત્મ– જીવનચરિત્રો સાંપડ્યાં, જેમાંની મનુભાઈ પંચોલી ‘દર્શક’ની આત્મકથા ‘સદ્દભિ:સંગ:’ના પ્રકાશને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતને અનેક અર્થમાં રળિયાત કર્યું.

પ્રસ્તુત આત્મકથાને માત્ર ‘આત્મચરિત્ર’ની સંજ્ઞામાં સીમિત કરી શકાય તેમ નથી. એના ઉદભવનું નિમિત્ત ને ઉદ્દેશ એને ‘સંસ્થાકથા’ને ‘શિક્ષણકથા’, કહો કે એ બંન્નેની ગાથા તરીકે પ્રમાણિત કરે છે. કૃતિની પ્રસ્તાવનામાં લેખક આ વાતને રદિયો આપતાં કહે છે તેમ, ‘વાચકો જોઈ શકશે કે આ કોઈ આત્મકથા નથી. તે લખવી હોય તો મારાં વ્યક્તિગત મંથનો કેન્દ્રમાં રાખીને મારે વાતો લખવી પડે; મારું સાહિત્યિક જીવન, મારા સંસારજીવનનાં ભરતી ઓટ, મારા અર્ધી દુનિયાના પ્રવાસો આમાં ક્યાં છે ?’ આ તો સંસ્થા ….તેની જોડે ચાલેલા જાહેર જીવનની કથા છે. ઈતિહાસ પણ નહિ, કારણકે તો મારે ઘણી વધારે છાનબીન કરવી …..(ઉદ્દભવ, પૃ.૬)

‘નાનાભાઈના વેણે અમે જે કામ કર્યું, તે કરતાં જે સમાજનો વિકાસ થયો તે એમાં છે. અને વિશેષ તો છે તે કરતાં અનેક નાની–મોટી વિભૂતિઓનો સંસ્પર્શ થયો તે.’ આ અર્થમાં આ આત્મકથા નહીં, કર્મકથા કહો કે ગાથા છે. પોતાની પહેલાં થઇ ગયેલા મહાપુરુષો દ્વારા ને એમાં પોતે કરેલા ઉમેરાથી અન્ય માટે મહાપુરુષ થયેલા મનુભાઈની કર્મકથા.

આવી વિરલ કર્મકથા આપી કોણ શકે ? આવી હેસિયત કોની હોય? જેનો ઉત્તર કૃતિના સુશ્રી વિમલા ઠકાર દ્વારા અપાયેલ શિલાલેખ શા પ્રાસ્તાવિકમાં સાંપડે છે : ‘શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ એક બહુમુખી પ્રતિભા ધરાવનાર વિરલ વ્યક્તિત્વ છે. પિંડ દેશભક્તિનો, પૂજારી સત્યના, હાડોહાડ શિક્ષક, લોહીમાં સાહિત્યસર્જનની છોળો ! કાવ્યપ્રેમ શબ્દાતીત. કોઠાસૂઝ રાજનીતિજ્ઞની. ઈતિહાસના મર્મજ્ઞ, અને વર્તમાનના શિલ્પી.’ (પ્રસ્તાવના, પૃ.૮) આવાં વ્યક્તિત્વ દ્વારા સાંપડેલી આ આખીય કૃતિનો નિષ્કર્ષ તારવતાં વિમલાજીએ તેને અંજલિ પણ આ રીતે આપી છે : ‘સદ્દભિ:સંગ:’ આમ તો આંબલા, મણાર અને માઈધાર સંસ્થાઓના જન્મ, વિકાસ અને ઈતિહાસની મંગલગાથા છે. સાથે સાથે શ્રી મનુભાઈની ઊગતી જવાનીથી માંડીને આજની પરિપક્વ અવસ્થા સુધીના ચૈતસિક તેમજ સામાજિક વિકાસની હૃદ્ય ગાથા પણ છે. પોતાનું સર્વસ્વ ઊંડેલીને ઉછેરેલી સંસ્થાઓ વિશેનું પ્રમાણિક, પ્રાંજલ નિવેદન છે. એક પ્રજ્ઞાવાન કલમના કસબીને હાથે લખાયેલું નિવેદન હોઈ, ઉત્તમ સાહિત્યનું પ્રતિનિધિત્વ કરે એટલું તે સશક્ત છે, સમર્થ છે. એક અભિજાત શિક્ષાવિદ્દની ક્રાંત દ્રષ્ટિએ શિક્ષણ અંગે વ્યક્ત કરેલી અમૂલ્ય ચિંતન – કણિકાઓ એમાં પથરાયેલી છે. અને અમૃતતુષાર ચિત્તને એ ભીંજવી દે છે.’ (એજન પૃ.૮)

આ કર્મકથા ને જે કર્મ તેમાં અભિન્ન રીતે જોડાયું એ શિક્ષણગાથા તેના મૂળમાં છે. મનુભાઈના આરાધ્ય નાનાભાઈ. નાનાભાઈનાં મહાભારતનાં પાત્રોથી મુગ્ધ થયેલા મનુભાઈ માટે ગૃહપતિનું કાર્ય કરવા મોહનલાલ મહેતા ‘સોપાન’ દ્વારા નાનાભાઈ પાસે વાત મુકાઈ એને મનુભાઈ ‘મને તો દેવ ફળ્યા’  એમ કહીને મૂલવે છે ! આ દેવ ફળ્યાની પછીની ક્ષણે આકારાયેલું નાનાભાઈનું ચિત્ર દર્શનીય બન્યું છે; ‘સ્વચ્છ બગલાની પાંખ જેવો શ્વેત સાદો પોષાક, ટટ્ટાર ચાલ, આંખમાં દ્રઢતા, કામમાં ચોકસાઈ, વિવેક પણ પૂરો. બધાને માનથી બોલાવે અને માનથી વિદાય કરે.

બરાબર સાડાઆઠને ટકોરે છાત્રાલયના કમ્પાઉન્ડમાં દાખલ થયા જ હોય. સીધા દવાખાને જવાનું, માંદા વિદ્યાર્થીઓને જોવાના, ખોરાક, દવાની સૂચના આપવાની, પછી સીધી મેડી પરની ઓફિસમાં – સાડાબાર વાગ્યે ઉતરવાના.’ (પૃ.૧૬-૧૭) આરંભે મનુભાઈની પાસે તેમનું શિક્ષણ ચાલ્યું. પહેલી વાત જે દીક્ષામંત્ર તરીકે કાનમાં ફૂંકી તે આ:…’ યજ્ઞાદિ, સૃષ્ટિની ઉત્પત્તિ વિષે પણ ઉલ્લેખો આવે, તે મને ગળે ન ઉતરે, ત્યારે કહે, ‘એ ધર્મનાં છોડાં છે, દાણાને રક્ષણ માટે રખાયેલાં છોડાં પર બહુ ધ્યાન ન આપવું. કાળક્રમે તે બદલાતાં રહે, મોટાભાગની ધાર્મિક તકરારો, જો આટલું ધ્યાન રાખવામાં આવે તો ઊકલી જાય.’ (પૃ.૧૯) મનુભાઈને મળેલા આ અનન્ય સદ્દભિ:સંગે તેમને જે સંપડાવ્યું એનું અંતિમ તારણ નાનાભાઈના મૃત્યુ વખતે મનુભાઈએ કરેલા તેમના નિરીક્ષણમાં સાંપડે છે : ‘ખાનપાન, વિચારવાણી, પરિગ્રહ – નિગ્રહ, માન અપમાન, સ્થાનાસ્થાન વિશે મને એમનામાં બીજા કોઈના કરતાં વધારે અનાસક્તિનાં દર્શન થયાં છે. તેમના ઉચ્ચારો ધીમા, સ્પષ્ટ શક્ય તેટલા મૃદુ રહેતા. તેમનાં પગલાં સ્થિર અને છતાં નમ્રતાને પ્રગટ કરતાં. આદર્શ અને વ્યવહારનો સુમેળ ગોતી કાઢવાની એમનામાં આગવી સૂઝ હતી. ઘણાએ એમના વિશે ગેરસમજ કરી છે. પોતે જ બાંધેલ દક્ષિણામૂર્તિ છોડવી તે તેમને કષ્ટદાયી હતું, પણ તેમણે કદી કોઈની ટીકા કરી નથી કે કડવાશ દર્શાવી નથી; અનેક સુક્ષ્મ વાતો ભારે સરળતાથી નિર્દંભ રીતે કહી છે, પણ કદી પોતાના ગુરુથી પોતે કેમ છુટા પડ્યા તે કહ્યું નથી, મેં પૂછ્યું પણ નથી. માણસનાં માપની તેમને ખબર પડતી. અગાઉથી તે વિશે કહેતા પણ ખરા, પણ આગ્રહ ન રાખતા. સૂચન કરીને અટકી જતા.’ (પૃ.૧૫૨-૧૫૩) આવા નાનાભાઈએ દેહ છોડ્યો ત્યારે એમનું અંતિમ દર્શન કરતાં કરાવતાં મનુભાઈએ પોતાના આ આરાધ્યની મનુભાઈ જ કરી શકે એવી મૂલવણી કરતાં દોરેલું ચિત્ર સર્જકની ભાષાકીય સજ્જતાની સાથોસાથ વ્યક્તિનું માપ કાઢી શકવાનાં ગજાંનોય પરિચય કરાવતું બની રહે છે : ‘એમને ભોંય પર લઇ નિર્વસ્ત્ર કરી નવરાવ્યા ત્યારે મને તે નિર્વસ્ત્ર, કાષ્ઠદંડ જેવા સીધા દેહમાં જાણે શુકદેવજીનાં દર્શન થયાં.’ (પૃ.૧૫૨)

નાનાભાઈએ વાવેલી ને ઉછેરેલી ને મનુભાઈએ સંવર્ધેલી શિક્ષણગાથા આ કૃતિનાં પૃષ્ઠે પૃષ્ઠમાં પથરાયેલી છે. ગુરુ-શિષ્યનાં આ યુગલે જે કર્યું તે ગામડામાં નિશાળો નહીં, ગામડાની નિશાળો. વિદ્યાર્થીને ગામડામાં રહીને ગામડાં સુધારવા પ્રેરે તેવી કેળવણી આપતી નિશાળો.

આ નિશાળોમાં  મુક્ત શિક્ષણ ચાલતું – ઈર્ષા ઉપજે તેવું. ત્યાં કવિતા ભણાવાતી, કવિઓ નહી. તરવું, રમવું, પ્રવાસ, સફાઈ જેવાં જીવતરનાં મૂળને પોષતાં તત્ત્વોનું શિક્ષણ આ શિક્ષણનો ‘સાર’ હતો. નાનાભાઈએ મનુભાઈનો કરેલો સતત શિક્ષણનો સૂર આ હતો : ‘આ બાળકોને તેનું અને સમાજનું આજનું જીવન જીવવા અને અવલોકવા ન દો તો તે ભવિષ્યનું ચિત્ર શું આંકવાનાં છે ? ગુલાબના છોડ પર ગુલાબનાં ફૂલો આવવાનાં છે, એ માટે પાંદડાં ફૂટે, નવાં નવાં પાન આવે તે પણ જરૂરી છે. નવા પાનના ખૂણામાંથી જ કળીઓ ફૂટે છે. પાનની અવસ્થા નિરર્થક નથી. એમ વર્તમાનનું અનુભવ–દર્શન મહત્ત્વનું છે તે બાળકોને સમજવા દો. તેમાંથી શક્તિ અને સમાજ કેળવાશે.’ (પૃ.૬૬) આ સંસ્થાઓમાં સમભાવનો અર્થ હતો અસ્પૃશ્યતા નિવારણ, બેકારી નિવારણ, ઊંચ-નીચના ભેદોનું નિવારણ, સામ્રાજ્યવાદનું નિવારણ.

સહશિક્ષણનું મૌલિક ચિંતન કરતાં દર્શકના ચિત્તમાંથી જે દર્શન ઊઠ્યું તે આ: ધર્મ એટલે વ્યક્તિ અને સમાજ બંને જેને આધારે ટકે તે ધર્મ. એકલી વ્યક્તિ નહિ, તેમ એકલો સમાજ નહિ. સ્ત્રી અને પુરુષ સાથે રહેવા સર્જાયા છે, …સ્ત્રી માત્ર પત્ની સ્વરૂપ જ નથી. તે માતા છે, બહેન, મામી, કાકી, ભાણી, ભત્રીજી અને સખી–મિત્ર છે. બધાં સ્વરૂપો જોતાં, આદર-કદર કરતાં શીખવે તે શિક્ષણ. સહ શિક્ષણ ફક્ત લગ્નની બ્યુરો નથી. આમ અમે માન્યું અને તે મુજબ ચાલ્યા. તેનાં મીઠાં ફળ અનુભવ્યાં, એ આજેય અનુભવીએ છીએ.’(પૃ. ૨૪૧)

કેટલાક સદ્દભિ:સંગ અહી સહૃદયોને ભીંજવે છે. તેમના આલેખનની મીઠાશનું રહસ્ય છે મનુભાઈના મનુષ્ય નિરક્ષણની શક્તિમાં, એનામાં પડેલી નમ્ર જીવનદ્રષ્ટિમાં, સતત શિક્ષણની આરાધનાની ખેવનામાં ને હિલોળા લેતા સર્જકત્વથી છલોછલ ભરેલી ભાષામાં. નીચેનાં દ્રષ્ટાંતો એની સાક્ષી પૂરે છે. જયપ્રકાશ નારાયણના મિલનથી ગદ્દગદ થયેલા મનુભાઈની આંખે અહીં ઝિલાયેલા જે.પી. સહૃદયના ચિત્તતંત્રમાં કાયમ કોતરાઈ જાય તેમ આલેખાયા છે : ‘નમ્રતાની મૂર્તિ, નેકદિલ, નિર્ભય જે.પી. નો આ પ્રથમ પરિચય. ઢાંક્યાઢૂંબ્યા વિનાનું, હેમંતના નિર્મળ સૂર્યપ્રકાશ જેવું વ્યક્તિત્વ. હું પીગળી ગયો, એ હેમવર્ણા સૌમ્ય સૂર્યપ્રકાશમાં.’(પૃ.૨૦૨)

રામજીબાપા, ડાહ્યો, બચુભાઈ, મૂળશંકરભાઈનાં કેવાં કેવાં ચિત્રો અહીં મળે છે ! ‘રાજીબાપા રોજ બપોર સુધી એમને એમ લાકડીના ટેકે હનુમાનની જેમ રહે, બેસવાનું નહિ.’ (પૃ.૨૪૨) ‘મૂળશંકરભાઈ રગેરગ શિક્ષક. તેમની હાજરીમાં અશૈક્ષણિક વર્તન કરવાનું ભાગ્યે જ કોઈને ઊગે. મધમાખી ફરી ફરીને ફળ પર બેસે તેમ તેમનું મન વિદ્યાર્થીઓ પાસે.’(પૃ.૨૪૬)

કૃતિ સંસ્થાકથા, શિક્ષણકથા હોવા છતાં દસ્તાવેજી ન બનતાં રસાળ બની છે. ભાષા અને લેખકનાં દર્શનને લઈને સદ્દભિ:સંગથી ધન્ય બનેલા આ સર્જક અનુભવગાથા ગાતાં વારંવાર રણઝણી ઊઠીને પોતામાં રહેલાં સર્જક્ત્વના તાર છેડી બેઠા છે, જેની શાખ પૂરતાં અનેક વિધાનો આ કૃતિમાં ઠેર ઠેર મોતીની જેમ વેરાયેલાં છે :

‘ગામડામાં હીર નથી એમ નહિ, પણ તેને વહેમ, અજ્ઞાન, ધાર્મિક અંધાપો, નાતજાતનાં વેરઝેરનો કાટ ચડી ગયો છે, તેમ પગલે પગલે જોયું છે. ઘસીએ તો ચકચકાટ …. નીકળી આવે.’(પૃ.૫૫)

-જાહેર સંસ્થાઓમાં ચોખ્ખો હિસાબ એ સ્ત્રીના શીલ જેવી વસ્તુ છે.’(પૃ.૫૩)

સર્જક મનુભાઈની મહાન કૃતિઓમાં તેમણે ત્રીજા નેત્રથી પ્રાપ્ત કરેલું દર્શન ને એ દર્શનને વ્યક્ત કરતી તેમની મંત્રવાણીની ભેટ આ આત્મકથામાંય પાને પાને ભરી પડી છે. જેના મૂળમાં તેમની જીવનાભિમુખતા ને આંતરિક અનુભૂતિ પડેલાં છે :

-‘અસાધારણ માણસ વાતાવરણ સર્જે છે, સાધારણ માણસ વાતાવરણને ઝીલે છે.’ (પૃ.૬૩)

– ‘બધાં ફૂલ સાથે ખીલતાં નથી, કોઈકની ઋતુ મોડી આવે છે.’(પૃ.૭૦)

‘-સાધુનું કહેવું વગર વિચાર્યે માનવું તેવું કોઈ ન સમજે કારણકે ભાગ્યે જ કોઈ સાધુ હોય છે, અને જે આવા સાધુ હોય છે, તે કોઈને વગરસમજયે પોતાની પછવાડે આવવાનું કહેતાયે નથી.’(પૃ.૭૬)

પૈસા તો ઘણા દે છે, પણ જીવતર અને તે પણ ક્ષણેક્ષણનું જીવતર દાન કરે તે જ દાનેશ્વરી.’(પૃ.૨૪૩)

જીવનભશિક્ષણ, સર્જન ને એ નિમિત્તે જીવતરનાં સાફલ્યની તપશ્ચર્યા આદરનાર આ સર્જકની અનુભવગાથાનો અંતિમ નિષ્કર્ષ ગીતકથિત કર્મ કરીને ખસી જવાના અનાસક્તિના આનંદગીત પાસે વિરમે છે : ‘તપ, પ્રમાણિકતા, નમ્રતા, દ્રઢતા જરૂર ફળે છે. પણ તેનું કોઈ સમયપત્રક આ ખળખળી ગયેલા પાયાવાળા સમયમાં કોઈ આપી શકે? જે જીવશે તે અવશ્ય જોશે કે કલ્યાણમાર્ગે જનારાની લાંબા ગાળે દુર્ગતિ થતી નથી અને કસોટી વિનાની ભક્તિની શી ખાતરી ? ભલે કસોટીઓ થતી ! ભલે તે લાંબા ગાળે ફળે !’(પૃ.૨૮૧)

ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાની કથા કહેતી આ વિરલ શિક્ષણ –આત્મકથા- ગાથાની વાત માંડતા લેખકે “સદ્દભિ:સંગ’ ને સંબંધ છે, ત્યાં સુધી આ બેઉ સંસ્થાના સંબંધે જેમનાં સંસર્ગે મારામાં જે આંદોલનો ઊઠ્યાં હતાં, અને જેની સ્મૃતિવીણા હજુયે મારા ચિતતંત્રમાં વાગ્યા કરે છે તેનો તેટલો રણકાર આમાં છે.’ એવું ભલે કહ્યું, અહીં એ તો છે જ, પણ એમાં ઉમેરાય છે આ મહાપુરુષોના સંશ્રયથી દર્શકનાં સંકોરાયેલાં સદ તત્ત્વોનો પ્રખર આલોક જેની પ્રભામાં સહૃદયનો તારેતાર ઝગમગી ઊઠે છે. દર્શકે સ્વાનુભવે જે અનુભવ્યું છે તે વિભૂતિતત્વ માત્ર મહાપુરુષોમાં જ આશ્રય લે છે એવું નથી. ક્યારેક એ સામાન્ય જનમાં પણ ઝળહળતુ હોય છે. પણ આપણે જે ઝાકઝમાળમાં રહીએ છીએ તેમાં આપણને એ દેખાતું નથી, ને એટલાં આપણા પુણ્ય ઓછાં થયાં ગણાય. આ અર્થમાં પણ આ કૃતિ સાંપ્રત સમયસંદર્ભમાં કેટલી સાર્થક ઠરે છે ! જીવનને જોતા રહેલા દર્શકના જોવાનું અહીં દર્શનમાં રૂપાંતર થાય છે, જે આ આત્મકથાની આગવી ઓળખ ઊભી કરે છે ને એને ‘અકિંચન બ્રાહ્મણની અમૂલ્ય ભેટ’ એવી લોકભારતી સંસ્થાની ઓળખનો પર્યાય બનાવે છે.


 સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.