વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

નોકરી લાગતાં જ કલકત્તાના પોસ્ટમાસ્ટરને ઓલાપુર ગામ આવવાનું નિશ્ચિત થઈ ગયું. સાધારણ, નાનું અમસ્તું ગામ, જ્યાં નીહલે સાહેબે અનેક પ્રયત્નો બાદ ટપાલ-કચેરી ખોલાવી હતી. કલકત્તામાં રહેતા પોસ્ટમાસ્ટરની દશા ઊંડા પાણીમાં રહેતી માછલીને રેતીના પટ પર મૂકી દો એવી હતી. અંધિયાર જેવી જગ્યા, નજીકમાં પાણી ભરેલું તળાવ, ચારેકોર જંગલ અને એની વચ્ચે આ પોસ્ટઑફિસ. હા, નજીકમાં આ નિહલે સાહેબની કોઠી ખરી, પણ આ કોઠીમાં ગુમાસ્તાથી માંડીને કોઈ એવું હતું નહીં કે, જેમની સાથે હળીમળીને એ રાજી રહી શકે. આમ પણ કલકત્તા રહેતી વ્યક્તિ આવી જગ્યાએ આવીને થોડી અક્કડ બની રહે ક્યાં તો અંતર્મુખ બની જાય. કામ અહીં ઝાઝું હોય નહીં વળી સ્થાનિક લોકો સાથે આ કલકત્તી બાબુઓનો તાલમેલ ઓછો બેસે એટલે અંતે બે-ચાર કવિતાઓ લખીને સમય પસાર કરે.

કવિતાઓમાં ભાવ તો એવા હોય જાણે અહીંના ઝાડ-પાન, કૂંપળોનું કંપન, આકાશમાં ઘેરાયેલાં વાદળ જોઈને જીવનમાં સુખ જ સુખ હોય. માત્ર એ પોતે કે અંતર્યામી જ જાણે છે કે, કોઈ દેવદૂત આવીને આ ઝાડ-પાન કાપીને પાકી સડક બનાવે દે, મોટી મોટી ઈમારતો બનાવી દે તો આ અધમૂઆ લોકોમાં જાન આવી જાય.

પોસ્ટમાસ્ટરનો પગાર નજીવો હતો. જાતે ખાવાનું બનાવવાનું. હા, ગામમાં રહેતી રતન નામની બાર-તેર વર્ષની અનાથ છોકરી કામ કરી જતી. અને બદલામાં બે સમયનું ખાવાનું એને અહીં મળી જતું. રતનના વિવાહની ચિંતા કરે એવું કોઈ સ્વજન હતું નહીં.

સાંજ પડે ગૌશાળાની ગાયો જંપી જતી, પાસેની ઝાડીઓમાંથી તમરાંના અવાજ સંભળાવાં માંડે, દૂરથી ગામના નશાબાજ ગવૈયાઓની ટોળીના મૃદંગ-કરતાલનો અવાજ સંભળાય ત્યારે આ એકલા પડેલા કવિનું હ્રદય ધડકી ઊઠે અને કવિતા રચાઈ જતી.

ખૂણામાં દીવો પ્રગટાવીને, બારણે બેઠેલી રતન બાબુ એને કોઈ કામ બતાવે એની રાહ જોતી.

ક્યારેક કુતૂહલવશ બાબુ રતનને એના મા-બાપ વિશે પૂછી લેતા. રતનને મા કરતાં, મહેનત-મજૂરી કરીને ઘરે આવતા પિતા એને વધુ પ્રેમ કરતા એટલું યાદ આવતું. ક્યારેક નાના ભાઈની યાદ આવતી. બંને ભાઈ-બહેન મળીને ખોટી ખોટી માછલી પકડવાની રમત રમતાં એવું યાદ આવતું. ક્યારેક પોસ્ટમાસ્ટર પોતાના ઘરની વાત આ અનપઢ છોકરી સાથે કરી લેતા. બાબુની વાતો સાંભળીને રતન એમના ઘરનું, એમની મા, દીદી, દાદાનું કાલ્પનિક ચિત્ર મનમાં અંકિત કરતી. વાતોવાતોમાં રાત પડતી અને રતન બે-ચાર રોટલા ઘડી લેતી. સવારના વધેલાં શાકભાજી સાથે બંને જણ જમી લેતાં.

એક દિવસ વરસાદથી ઘેરાયેલા વાતાવરણમાં ઉનાળાની ગરમીમાં શાતા આપે એવો પવન વહેતો હતો. વરસાદના છાંટણાંથી ભીના થયેલાં ઝાડપાન અને ઘાસમાંથી ભીની સુગંધ આવતી હતી. એક જીદ્દી પંખી પ્રકૃતિ સામે પોતાની ફરીયાદ લઈને કરુણ સ્વરમાં આલાપી રહ્યું હતું. જાણે કહી રહ્યું હતું, “કાશ આવા સમયે સાથે કોઈ તો હોય જેને આપણું કહી શકીએ.” પોસ્ટમાસ્ટરને એવું લાગતું હતું કે એ પંખી એમના જ હ્રદયના ભાવ વ્યકત કરી રહ્યું છે.

મનમાં ચાલતાં વિચારોને હડસેલવા કશુંક વિચારીને રતનને બૂમ મારી. “રતન, આજથી હું તને ભણાવીશ.” અને બસ એ દિવસથી રતનનું ભણાવવાનું શરૂ થઈ ગયું. ક, ખ. ગ થી શરૂ કરીને જોડાક્ષર સુધી રતન શીખી.

ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો પસાર થઈ ગયા. હવે શરૂ થઈ હતી, અનરાધાર વરસતા વરસાદની મોસમ. નદીનાળાં, તળાવ અને સરોવર સુદ્ધાં પાણીથી છલોછલ થઈ ગયા હતા. દિવસ-રાત વરસતા વરસાદનો રિમઝિમ અવાજ, દેડકાંઓની ડ્રાઉં-ડ્રાંઉથી વાતાવરણમાં એક જાતનો ગુંજારવ સંભળાતો. ગામના કાચા રસ્તાઓ પર આવનજાવન બંધ થઈ ગઈ હતી, પણ રતન તો રાબેતા મુજબ પોસ્ટમાસ્ટરની સેવામાં હાજર રહેતી.

એ દિવસે પોસ્ટમાસ્ટરની તબીયત જરા નરમ હતી. એક તો વાતાવરણ એવું અને સાધારણ બીમારી, એના લીધે પોસ્ટમાસ્ટને જરા વધુ બેચેની લાગતી હતી. જાણે પાસે કોઈ હોય તો સારું એવો વિચાર મનમાં આવ્યો. માથે ચઢેલી ગરમી પર કોઈના મુલાયમ હાથના શીતળ સ્પર્શથી થોડી શાતા થાય એવું પોસ્ટમાસ્ટરને લાગી રહ્યું હતું. બાજુમાં મમતામયી મા કે સ્નેહાળ ભગિની બેઠી હોય એવી ઝંખના પોસ્ટમાસ્ટરના મનમાં જાગી. પણ દેશથી દૂર આવી ઝંખનાની તૃપ્તિ ન હોય એવું તો પોસ્ટમાસ્ટર સમજતા હતા. એમણે રતનને બોલાવી અને માથે હાથ મૂકી તાવની ગરમી કેટલી છે એ જોવા કહ્યું. રતન તો બાલિકામાંથી સીધી જાણે પોસ્ટમાસ્ટરની જનેતા બની ગઈ. એ વૈદને બોલાવી આવી. આખી રાત જાગીને પોસ્ટમાસ્ટરની પથારી પાસે બેસીને સમયસર દવા આપતી રહી. સવારે નાસ્તો બનાવી લાવી.

દિવસો સુધી પોસ્ટમાસ્ટર શરીરની કમજોરીને લઈને માંડ ઊભા થઈ શક્યા. થાકીને, કંટાળીને એક નિર્ણય લીધો અને આ ગામમાંથી બદલી માંગી લીધી. પાછા કલકત્તા જવા અરજી મોકલી દીધી. રતન દાદા એને કામ માટે બોલાવે એની અને પોસ્ટમાસ્ટર એમની અરજીના જવાબની પ્રતીક્ષા કર્યા કરતા. અંતે એમની પ્રતીક્ષાનો અંત આવ્યો ખરો પણ એમની બદલીની અરજી નામંજૂર થઈ હતી. નાસીપાસ થયેલા પોસ્ટમાસ્ટરે રાજીનામું આપવાનો નિર્ણય કરી લીધો. અહીંથી જવાની માનસિક તૈયારીઓ આદરી.

પોસ્ટમાસ્ટરની બીમારીના આ બધા દિવસોમાં રતન એણે શીખેલા પાઠ ભૂલી ન જાય એના માટે સેંકડો વાર પાઠ વાંચ્યા જ કરતી. ઘણાં સમય પછી આજે ફરી એકવાર પોસ્ટમાસ્ટરે રતનને બોલાવી. રતન રાજી થઈ. પોસ્ટમાસ્ટર અહીંથી જઈ રહ્યા છે એની રતનને જાણ થતાં અને દાદા ક્યારેય પાછા નથી આવવાના એ જાણીને રતન સ્તબ્ધ થઈ ગઈ. એ રાત ઘેરી નિસ્તબ્ધતામાં પસાર થતી રહી. એક ખૂણામાં નાનકડો દીવો ટમટમતો રહ્યો. નાનકડી પર્ણકુટીની ઘસાઈ ગયેલી છાપરીમાંથી ટપકતું પાણી નીચે મુકેલાં માટીનાં શકોરામાં ટપ-ટપ ટપકતું રહ્યું.

બીજા દિવસે રતન પાછી કામે તો લાગી પણ એના કામમાં, એની ચાલમાં પહેલાં જેવી સ્ફૂર્તિ નહોતી. મધ્યાન ભોજન પછી રતને પોસ્ટમાસ્ટરદાદાને પૂછ્યું, “દાદા, મને તમારા ઘરે લઈ જશો?”

પોસ્ટમાસ્ટર હસ્યા,” એ કેવી રીતે શક્ય બને?”

કેમ નહીં લઈ જઈ શકે એના કારણો બતાવવાની એમને જરૂર ન લાગી. રતન વધુ કંઈ પૂછી ન શકી, પણ આખો દિવસ અને રાત પોસ્ટમાસ્ટરના હાસ્યનો એ અવાજ એના કાનમાં ઠહાકા મારતો રહ્યો. રતને પોસ્ટમાસ્ટરના જવાની તૈયારી આદરી દીધી.

“રતન, હું જઈશ પણ તું ચિંતા ના કરતી. મારી જગ્યાએ જે પોસ્ટમાસ્ટર આવશે એમને હું કહી રાખીશ કે તને એ મારી જેમ જતનથી જાળવે.”

આ વખતે ખરેખર પોસ્ટમાસ્ટરના અવાજમાં કરુણા છલકતી હતી. રતને અસંખ્ય વાર માલિકનો ઠપકો સહન કરી લીધો હતો પણ આજે મૃદુ અવાજે કહેલી વાત સહન કરવી એને વસમી લાગી. અચાનક એ રડી પડી.

“નહીં દાદા, તમારે કોઈને કશું કહેવાની જરૂર નથી. હું જ હવે અહીં રહેવા માંગતી નથી.”

પોસ્ટમાસ્ટરે ક્યારેય રતનનું આ સ્વરૂપ જોયું, જાણ્યું નહોતું. એ વિસ્મય પામી ગયા. નવા પોસ્ટમાસ્ટર આવી ગયા. રતનના પોસ્ટમાસ્ટરદાદાએ વાટ પૂરતી ખીસાખરચી રાખીને બાકીના બધા પૈસા એને આપવા માંડ્યા.

રતન ત્યાં જ જમીન પર બેસી ગઈ અને પોસ્ટમાસ્ટરદાદાના પગ પકડીને કરગરી રહી, “દાદા પગે પડું તમારા, મને કંઈ આપવાની કે મારા માટે કોઈને કંઈ કહેવાની જરાય જરૂર નથી.” અને એ દોડતી ભાગી ગઈ. એક ઊંડો શ્વાસ લઈને સામાન સમેટીને, ભૂતપૂર્વ પોસ્ટમાસ્ટરે પ્રસ્થાન આદર્યું. એક ગવાંર, ગામઠી છોકરીની કરુણ વણકહી મર્મ-વ્યથાએ એમના હ્રદયને આરપાર વીંધી નાખ્યું હતું. પોસ્ટમાસ્ટરદાદાના હ્રદયમાં એક ટીસ ઊઠી. એકવાર તો એમને અદમ્ય ઇચ્છા થઈ કે, સંસારમાં આ એકલી રહી ગયેલી અનાથ બાલિકાને સાથે લઈ જાય, પણ ત્યાં સુધીમાં નાવના સઢમાં વેગથી ફૂંકાતી હવા ભરાવા માંડી હતી. વરસાદને લીધે નદીના પાણીનો વેગ વધી રહ્યો હતો. ગામથી દૂર જતી એ નાવમાંથી નદી કિનારાનો સ્મશાન ઘાટ દેખાઈ રહ્યો હતો. વરસાદના પ્રવાહમાં વહેતી નદીમાં બેઠેલા એ ઉદાસ મુસાફરના હ્રદયમાં એક સત્ય ઉજાગર થઈ રહ્યું હતું. જીવનમાં આવી કેટલીય છૂટા પડવાની વસમી વેળા આવશે અને આવતી રહેશે. હવે પાછું વળીને જોવાનો શો અર્થ? આ દુનિયામાં કોણ કોનું છે? કદાચ કોઈનું નહીં.

પણ રતન કદાચ એમના કરતા જુદી હતી. એનાં મનમાં એવા કોઈ વિરક્તિના ભાવ નહોતા. એ તો બસ, એ પોસ્ટ-ઑફિસની ચારેબાજુ ફક્ત આંસુ સારતી ચક્કર કાપતી રહી. એના ઉદાસ મનમાં એક આછી આશા હતી કે, કદાચ એના પોસ્ટમાસ્ટરદાદા પાછા આવશે. એ તો બસ આવા કોઈ વિચારોના, લાગણીઓના બંધનમાં જકડાઈને ક્યાંય દૂર જઈ શકતી નહોતી કે પછી જવા માંગતી જ નહોતી!

એક બુદ્ધિશૂન્ય માનવ હ્રદયના ભાવોમાં રાચ્યા કરશે. એક અતૂટ વિશ્વાસ લઈને એ જીવ્યા કરશે અને અંતે એક દિવસ એ વિશ્વાસ, એ ભ્રમ તૂટશે તો એ એવા કોઈ અન્ય વિશ્વાસ, અન્ય ભ્રમમાં પોતાની જાતને જકડી રાખશે.


રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા’ પોસ્ટમાસ્ટર’ને આધારિત અનુવાદ.


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.