-
અકિંચન બ્રાહ્મણની અમૂલ્ય ભેટ : ‘સદ્દભિ:સંગ’
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
વીસમી સદીની અંતિમ પચીસીમાં ગુજરાતી સાહિત્યને કેટલાંક અમૂલ્ય આત્મ– જીવનચરિત્રો સાંપડ્યાં, જેમાંની મનુભાઈ પંચોલી ‘દર્શક’ની આત્મકથા ‘સદ્દભિ:સંગ:’ના પ્રકાશને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતને અનેક અર્થમાં રળિયાત કર્યું.
પ્રસ્તુત આત્મકથાને માત્ર ‘આત્મચરિત્ર’ની સંજ્ઞામાં સીમિત કરી શકાય તેમ નથી. એના ઉદભવનું નિમિત્ત ને ઉદ્દેશ એને ‘સંસ્થાકથા’ને ‘શિક્ષણકથા’, કહો કે એ બંન્નેની ગાથા તરીકે પ્રમાણિત કરે છે. કૃતિની પ્રસ્તાવનામાં લેખક આ વાતને રદિયો આપતાં કહે છે તેમ, ‘વાચકો જોઈ શકશે કે આ કોઈ આત્મકથા નથી. તે લખવી હોય તો મારાં વ્યક્તિગત મંથનો કેન્દ્રમાં રાખીને મારે વાતો લખવી પડે; મારું સાહિત્યિક જીવન, મારા સંસારજીવનનાં ભરતી ઓટ, મારા અર્ધી દુનિયાના પ્રવાસો આમાં ક્યાં છે ?’ આ તો સંસ્થા ….તેની જોડે ચાલેલા જાહેર જીવનની કથા છે. ઈતિહાસ પણ નહિ, કારણકે તો મારે ઘણી વધારે છાનબીન કરવી …..(ઉદ્દભવ, પૃ.૬)‘નાનાભાઈના વેણે અમે જે કામ કર્યું, તે કરતાં જે સમાજનો વિકાસ થયો તે એમાં છે. અને વિશેષ તો છે તે કરતાં અનેક નાની–મોટી વિભૂતિઓનો સંસ્પર્શ થયો તે.’ આ અર્થમાં આ આત્મકથા નહીં, કર્મકથા કહો કે ગાથા છે. પોતાની પહેલાં થઇ ગયેલા મહાપુરુષો દ્વારા ને એમાં પોતે કરેલા ઉમેરાથી અન્ય માટે મહાપુરુષ થયેલા મનુભાઈની કર્મકથા.
આવી વિરલ કર્મકથા આપી કોણ શકે ? આવી હેસિયત કોની હોય? જેનો ઉત્તર કૃતિના સુશ્રી વિમલા ઠકાર દ્વારા અપાયેલ શિલાલેખ શા પ્રાસ્તાવિકમાં સાંપડે છે : ‘શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ એક બહુમુખી પ્રતિભા ધરાવનાર વિરલ વ્યક્તિત્વ છે. પિંડ દેશભક્તિનો, પૂજારી સત્યના, હાડોહાડ શિક્ષક, લોહીમાં સાહિત્યસર્જનની છોળો ! કાવ્યપ્રેમ શબ્દાતીત. કોઠાસૂઝ રાજનીતિજ્ઞની. ઈતિહાસના મર્મજ્ઞ, અને વર્તમાનના શિલ્પી.’ (પ્રસ્તાવના, પૃ.૮) આવાં વ્યક્તિત્વ દ્વારા સાંપડેલી આ આખીય કૃતિનો નિષ્કર્ષ તારવતાં વિમલાજીએ તેને અંજલિ પણ આ રીતે આપી છે : ‘સદ્દભિ:સંગ:’ આમ તો આંબલા, મણાર અને માઈધાર સંસ્થાઓના જન્મ, વિકાસ અને ઈતિહાસની મંગલગાથા છે. સાથે સાથે શ્રી મનુભાઈની ઊગતી જવાનીથી માંડીને આજની પરિપક્વ અવસ્થા સુધીના ચૈતસિક તેમજ સામાજિક વિકાસની હૃદ્ય ગાથા પણ છે. પોતાનું સર્વસ્વ ઊંડેલીને ઉછેરેલી સંસ્થાઓ વિશેનું પ્રમાણિક, પ્રાંજલ નિવેદન છે. એક પ્રજ્ઞાવાન કલમના કસબીને હાથે લખાયેલું નિવેદન હોઈ, ઉત્તમ સાહિત્યનું પ્રતિનિધિત્વ કરે એટલું તે સશક્ત છે, સમર્થ છે. એક અભિજાત શિક્ષાવિદ્દની ક્રાંત દ્રષ્ટિએ શિક્ષણ અંગે વ્યક્ત કરેલી અમૂલ્ય ચિંતન – કણિકાઓ એમાં પથરાયેલી છે. અને અમૃતતુષાર ચિત્તને એ ભીંજવી દે છે.’ (એજન પૃ.૮)
આ કર્મકથા ને જે કર્મ તેમાં અભિન્ન રીતે જોડાયું એ શિક્ષણગાથા તેના મૂળમાં છે. મનુભાઈના આરાધ્ય નાનાભાઈ. નાનાભાઈનાં મહાભારતનાં પાત્રોથી મુગ્ધ થયેલા મનુભાઈ માટે ગૃહપતિનું કાર્ય કરવા મોહનલાલ મહેતા ‘સોપાન’ દ્વારા નાનાભાઈ પાસે વાત મુકાઈ એને મનુભાઈ ‘મને તો દેવ ફળ્યા’ એમ કહીને મૂલવે છે ! આ દેવ ફળ્યાની પછીની ક્ષણે આકારાયેલું નાનાભાઈનું ચિત્ર દર્શનીય બન્યું છે; ‘સ્વચ્છ બગલાની પાંખ જેવો શ્વેત સાદો પોષાક, ટટ્ટાર ચાલ, આંખમાં દ્રઢતા, કામમાં ચોકસાઈ, વિવેક પણ પૂરો. બધાને માનથી બોલાવે અને માનથી વિદાય કરે.
બરાબર સાડાઆઠને ટકોરે છાત્રાલયના કમ્પાઉન્ડમાં દાખલ થયા જ હોય. સીધા દવાખાને જવાનું, માંદા વિદ્યાર્થીઓને જોવાના, ખોરાક, દવાની સૂચના આપવાની, પછી સીધી મેડી પરની ઓફિસમાં – સાડાબાર વાગ્યે ઉતરવાના.’ (પૃ.૧૬-૧૭) આરંભે મનુભાઈની પાસે તેમનું શિક્ષણ ચાલ્યું. પહેલી વાત જે દીક્ષામંત્ર તરીકે કાનમાં ફૂંકી તે આ:…’ યજ્ઞાદિ, સૃષ્ટિની ઉત્પત્તિ વિષે પણ ઉલ્લેખો આવે, તે મને ગળે ન ઉતરે, ત્યારે કહે, ‘એ ધર્મનાં છોડાં છે, દાણાને રક્ષણ માટે રખાયેલાં છોડાં પર બહુ ધ્યાન ન આપવું. કાળક્રમે તે બદલાતાં રહે, મોટાભાગની ધાર્મિક તકરારો, જો આટલું ધ્યાન રાખવામાં આવે તો ઊકલી જાય.’ (પૃ.૧૯) મનુભાઈને મળેલા આ અનન્ય સદ્દભિ:સંગે તેમને જે સંપડાવ્યું એનું અંતિમ તારણ નાનાભાઈના મૃત્યુ વખતે મનુભાઈએ કરેલા તેમના નિરીક્ષણમાં સાંપડે છે : ‘ખાનપાન, વિચારવાણી, પરિગ્રહ – નિગ્રહ, માન અપમાન, સ્થાનાસ્થાન વિશે મને એમનામાં બીજા કોઈના કરતાં વધારે અનાસક્તિનાં દર્શન થયાં છે. તેમના ઉચ્ચારો ધીમા, સ્પષ્ટ શક્ય તેટલા મૃદુ રહેતા. તેમનાં પગલાં સ્થિર અને છતાં નમ્રતાને પ્રગટ કરતાં. આદર્શ અને વ્યવહારનો સુમેળ ગોતી કાઢવાની એમનામાં આગવી સૂઝ હતી. ઘણાએ એમના વિશે ગેરસમજ કરી છે. પોતે જ બાંધેલ દક્ષિણામૂર્તિ છોડવી તે તેમને કષ્ટદાયી હતું, પણ તેમણે કદી કોઈની ટીકા કરી નથી કે કડવાશ દર્શાવી નથી; અનેક સુક્ષ્મ વાતો ભારે સરળતાથી નિર્દંભ રીતે કહી છે, પણ કદી પોતાના ગુરુથી પોતે કેમ છુટા પડ્યા તે કહ્યું નથી, મેં પૂછ્યું પણ નથી. માણસનાં માપની તેમને ખબર પડતી. અગાઉથી તે વિશે કહેતા પણ ખરા, પણ આગ્રહ ન રાખતા. સૂચન કરીને અટકી જતા.’ (પૃ.૧૫૨-૧૫૩) આવા નાનાભાઈએ દેહ છોડ્યો ત્યારે એમનું અંતિમ દર્શન કરતાં કરાવતાં મનુભાઈએ પોતાના આ આરાધ્યની મનુભાઈ જ કરી શકે એવી મૂલવણી કરતાં દોરેલું ચિત્ર સર્જકની ભાષાકીય સજ્જતાની સાથોસાથ વ્યક્તિનું માપ કાઢી શકવાનાં ગજાંનોય પરિચય કરાવતું બની રહે છે : ‘એમને ભોંય પર લઇ નિર્વસ્ત્ર કરી નવરાવ્યા ત્યારે મને તે નિર્વસ્ત્ર, કાષ્ઠદંડ જેવા સીધા દેહમાં જાણે શુકદેવજીનાં દર્શન થયાં.’ (પૃ.૧૫૨)
નાનાભાઈએ વાવેલી ને ઉછેરેલી ને મનુભાઈએ સંવર્ધેલી શિક્ષણગાથા આ કૃતિનાં પૃષ્ઠે પૃષ્ઠમાં પથરાયેલી છે. ગુરુ-શિષ્યનાં આ યુગલે જે કર્યું તે ગામડામાં નિશાળો નહીં, ગામડાની નિશાળો. વિદ્યાર્થીને ગામડામાં રહીને ગામડાં સુધારવા પ્રેરે તેવી કેળવણી આપતી નિશાળો.
આ નિશાળોમાં મુક્ત શિક્ષણ ચાલતું – ઈર્ષા ઉપજે તેવું. ત્યાં કવિતા ભણાવાતી, કવિઓ નહી. તરવું, રમવું, પ્રવાસ, સફાઈ જેવાં જીવતરનાં મૂળને પોષતાં તત્ત્વોનું શિક્ષણ આ શિક્ષણનો ‘સાર’ હતો. નાનાભાઈએ મનુભાઈનો કરેલો સતત શિક્ષણનો સૂર આ હતો : ‘આ બાળકોને તેનું અને સમાજનું આજનું જીવન જીવવા અને અવલોકવા ન દો તો તે ભવિષ્યનું ચિત્ર શું આંકવાનાં છે ? ગુલાબના છોડ પર ગુલાબનાં ફૂલો આવવાનાં છે, એ માટે પાંદડાં ફૂટે, નવાં નવાં પાન આવે તે પણ જરૂરી છે. નવા પાનના ખૂણામાંથી જ કળીઓ ફૂટે છે. પાનની અવસ્થા નિરર્થક નથી. એમ વર્તમાનનું અનુભવ–દર્શન મહત્ત્વનું છે તે બાળકોને સમજવા દો. તેમાંથી શક્તિ અને સમાજ કેળવાશે.’ (પૃ.૬૬) આ સંસ્થાઓમાં સમભાવનો અર્થ હતો અસ્પૃશ્યતા નિવારણ, બેકારી નિવારણ, ઊંચ-નીચના ભેદોનું નિવારણ, સામ્રાજ્યવાદનું નિવારણ.
સહશિક્ષણનું મૌલિક ચિંતન કરતાં દર્શકના ચિત્તમાંથી જે દર્શન ઊઠ્યું તે આ: ધર્મ એટલે વ્યક્તિ અને સમાજ બંને જેને આધારે ટકે તે ધર્મ. એકલી વ્યક્તિ નહિ, તેમ એકલો સમાજ નહિ. સ્ત્રી અને પુરુષ સાથે રહેવા સર્જાયા છે, …સ્ત્રી માત્ર પત્ની સ્વરૂપ જ નથી. તે માતા છે, બહેન, મામી, કાકી, ભાણી, ભત્રીજી અને સખી–મિત્ર છે. બધાં સ્વરૂપો જોતાં, આદર-કદર કરતાં શીખવે તે શિક્ષણ. સહ શિક્ષણ ફક્ત લગ્નની બ્યુરો નથી. આમ અમે માન્યું અને તે મુજબ ચાલ્યા. તેનાં મીઠાં ફળ અનુભવ્યાં, એ આજેય અનુભવીએ છીએ.’(પૃ. ૨૪૧)
કેટલાક સદ્દભિ:સંગ અહી સહૃદયોને ભીંજવે છે. તેમના આલેખનની મીઠાશનું રહસ્ય છે મનુભાઈના મનુષ્ય નિરક્ષણની શક્તિમાં, એનામાં પડેલી નમ્ર જીવનદ્રષ્ટિમાં, સતત શિક્ષણની આરાધનાની ખેવનામાં ને હિલોળા લેતા સર્જકત્વથી છલોછલ ભરેલી ભાષામાં. નીચેનાં દ્રષ્ટાંતો એની સાક્ષી પૂરે છે. જયપ્રકાશ નારાયણના મિલનથી ગદ્દગદ થયેલા મનુભાઈની આંખે અહીં ઝિલાયેલા જે.પી. સહૃદયના ચિત્તતંત્રમાં કાયમ કોતરાઈ જાય તેમ આલેખાયા છે : ‘નમ્રતાની મૂર્તિ, નેકદિલ, નિર્ભય જે.પી. નો આ પ્રથમ પરિચય. ઢાંક્યાઢૂંબ્યા વિનાનું, હેમંતના નિર્મળ સૂર્યપ્રકાશ જેવું વ્યક્તિત્વ. હું પીગળી ગયો, એ હેમવર્ણા સૌમ્ય સૂર્યપ્રકાશમાં.’(પૃ.૨૦૨)
રામજીબાપા, ડાહ્યો, બચુભાઈ, મૂળશંકરભાઈનાં કેવાં કેવાં ચિત્રો અહીં મળે છે ! ‘રાજીબાપા રોજ બપોર સુધી એમને એમ લાકડીના ટેકે હનુમાનની જેમ રહે, બેસવાનું નહિ.’ (પૃ.૨૪૨) ‘મૂળશંકરભાઈ રગેરગ શિક્ષક. તેમની હાજરીમાં અશૈક્ષણિક વર્તન કરવાનું ભાગ્યે જ કોઈને ઊગે. મધમાખી ફરી ફરીને ફળ પર બેસે તેમ તેમનું મન વિદ્યાર્થીઓ પાસે.’(પૃ.૨૪૬)
કૃતિ સંસ્થાકથા, શિક્ષણકથા હોવા છતાં દસ્તાવેજી ન બનતાં રસાળ બની છે. ભાષા અને લેખકનાં દર્શનને લઈને સદ્દભિ:સંગથી ધન્ય બનેલા આ સર્જક અનુભવગાથા ગાતાં વારંવાર રણઝણી ઊઠીને પોતામાં રહેલાં સર્જક્ત્વના તાર છેડી બેઠા છે, જેની શાખ પૂરતાં અનેક વિધાનો આ કૃતિમાં ઠેર ઠેર મોતીની જેમ વેરાયેલાં છે :
‘ગામડામાં હીર નથી એમ નહિ, પણ તેને વહેમ, અજ્ઞાન, ધાર્મિક અંધાપો, નાતજાતનાં વેરઝેરનો કાટ ચડી ગયો છે, તેમ પગલે પગલે જોયું છે. ઘસીએ તો ચકચકાટ …. નીકળી આવે.’(પૃ.૫૫)
-જાહેર સંસ્થાઓમાં ચોખ્ખો હિસાબ એ સ્ત્રીના શીલ જેવી વસ્તુ છે.’(પૃ.૫૩)
સર્જક મનુભાઈની મહાન કૃતિઓમાં તેમણે ત્રીજા નેત્રથી પ્રાપ્ત કરેલું દર્શન ને એ દર્શનને વ્યક્ત કરતી તેમની મંત્રવાણીની ભેટ આ આત્મકથામાંય પાને પાને ભરી પડી છે. જેના મૂળમાં તેમની જીવનાભિમુખતા ને આંતરિક અનુભૂતિ પડેલાં છે :
-‘અસાધારણ માણસ વાતાવરણ સર્જે છે, સાધારણ માણસ વાતાવરણને ઝીલે છે.’ (પૃ.૬૩)
– ‘બધાં ફૂલ સાથે ખીલતાં નથી, કોઈકની ઋતુ મોડી આવે છે.’(પૃ.૭૦)
‘-સાધુનું કહેવું વગર વિચાર્યે માનવું તેવું કોઈ ન સમજે કારણકે ભાગ્યે જ કોઈ સાધુ હોય છે, અને જે આવા સાધુ હોય છે, તે કોઈને વગરસમજયે પોતાની પછવાડે આવવાનું કહેતાયે નથી.’(પૃ.૭૬)
પૈસા તો ઘણા દે છે, પણ જીવતર અને તે પણ ક્ષણેક્ષણનું જીવતર દાન કરે તે જ દાનેશ્વરી.’(પૃ.૨૪૩)
જીવનભશિક્ષણ, સર્જન ને એ નિમિત્તે જીવતરનાં સાફલ્યની તપશ્ચર્યા આદરનાર આ સર્જકની અનુભવગાથાનો અંતિમ નિષ્કર્ષ ગીતકથિત કર્મ કરીને ખસી જવાના અનાસક્તિના આનંદગીત પાસે વિરમે છે : ‘તપ, પ્રમાણિકતા, નમ્રતા, દ્રઢતા જરૂર ફળે છે. પણ તેનું કોઈ સમયપત્રક આ ખળખળી ગયેલા પાયાવાળા સમયમાં કોઈ આપી શકે? જે જીવશે તે અવશ્ય જોશે કે કલ્યાણમાર્ગે જનારાની લાંબા ગાળે દુર્ગતિ થતી નથી અને કસોટી વિનાની ભક્તિની શી ખાતરી ? ભલે કસોટીઓ થતી ! ભલે તે લાંબા ગાળે ફળે !’(પૃ.૨૮૧)
ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતી સંસ્થાની કથા કહેતી આ વિરલ શિક્ષણ –આત્મકથા- ગાથાની વાત માંડતા લેખકે “સદ્દભિ:સંગ’ ને સંબંધ છે, ત્યાં સુધી આ બેઉ સંસ્થાના સંબંધે જેમનાં સંસર્ગે મારામાં જે આંદોલનો ઊઠ્યાં હતાં, અને જેની સ્મૃતિવીણા હજુયે મારા ચિતતંત્રમાં વાગ્યા કરે છે તેનો તેટલો રણકાર આમાં છે.’ એવું ભલે કહ્યું, અહીં એ તો છે જ, પણ એમાં ઉમેરાય છે આ મહાપુરુષોના સંશ્રયથી દર્શકનાં સંકોરાયેલાં સદ તત્ત્વોનો પ્રખર આલોક જેની પ્રભામાં સહૃદયનો તારેતાર ઝગમગી ઊઠે છે. દર્શકે સ્વાનુભવે જે અનુભવ્યું છે તે વિભૂતિતત્વ માત્ર મહાપુરુષોમાં જ આશ્રય લે છે એવું નથી. ક્યારેક એ સામાન્ય જનમાં પણ ઝળહળતુ હોય છે. પણ આપણે જે ઝાકઝમાળમાં રહીએ છીએ તેમાં આપણને એ દેખાતું નથી, ને એટલાં આપણા પુણ્ય ઓછાં થયાં ગણાય. આ અર્થમાં પણ આ કૃતિ સાંપ્રત સમયસંદર્ભમાં કેટલી સાર્થક ઠરે છે ! જીવનને જોતા રહેલા દર્શકના જોવાનું અહીં દર્શનમાં રૂપાંતર થાય છે, જે આ આત્મકથાની આગવી ઓળખ ઊભી કરે છે ને એને ‘અકિંચન બ્રાહ્મણની અમૂલ્ય ભેટ’ એવી લોકભારતી સંસ્થાની ઓળખનો પર્યાય બનાવે છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
માતૃભાષાનું શિક્ષણ અને માતૃભાષામાં શિક્ષણ
નિસબત
ચંદુ મહેરિયા
માતૃભાષાના મુદ્દે ગુજરાતમાં અને દેશમાં પ્રવર્તતી સ્થિતિ ઝાઝા રંજ, રમૂજ અને રોષ તો થોડો આનંદ જન્માવનારી છે. જૂન-૨૦૨૩ના આગામી શૈક્ષણિક વરસથી ગુજરાતમાં બે નવા પ્રારંભ થવાના છે. એક, ગુજરાત વિધાનસભાએ સર્વાનુમતે પસાર કરેલા ધ ગુજરાત કમ્પલસરી ટીચિંગ એન્ડ લર્નિંગ ઓફ ગુજરાતી લેંગ્વેજ બિલ, ૨૦૨૩ ને કારણે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓના વિધ્યાર્થીઓ એક ભાષા તરીકે તબકાવાર રીતે ગુજરાતી ભાષાનો અભ્યાસ કરશે(શીખશે). અને બે, ધોરણ બાર સાયન્સ સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલા વિધ્યાર્થીઓને મેડિકલ, એન્જિનીયરીંગ અને અન્ય ઉચ્ચ અભ્યાસ અંગ્રેજીમાં કરવામાં મુશ્કેલી પડતી હોઈ ગુજરાત સરકાર આ વરસથી જ પ્રથમ વરસ એમબીબીએસનો અભ્યાસ ગુજરાતી ભાષામાં શરૂ કરવાની છે. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના મુદ્દે અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્યને એની સ્થાપનાના ત્રેસઠ વરસો બાદ માતૃભાષાની જે ખેવના જાગી છે તે થોડો આનંદ અને વધુ રોષ જન્માવે તેવી છે.
માતૃભાષા કે દૂધભાષા એટલે ‘મા’ની ભાષા.બાળક જન્મના એકબે વરસો પછી બોલતા શીખે છે પરંતુ જન્મની સાથે જ તે સાંભળે તો છે જ. બાળક શિશુ અવસ્થામાં માતા અને સંપર્કમાં આવનારા અન્ય વ્યક્તિઓ દ્વારા સાંભળીને અને પછી અનુકરણથી જે ભાષા બોલતા શીખે અને મોટપણે પ્રત્યાયન કરે છે તથા ભાવ અને વિચારની અભિવ્યક્તિ કરે છે તે માતૃભાષામાં હોય છે. વ્યક્તિ અને સમાજ બેઉના વિકાસમાં માતૃભાષાની મહત્વની ભૂમિકા છે. એટલે વ્યક્તિના શિક્ષણનું માધ્યમ તેની માતૃભાષામાં હોય તે ઉપકારક છે. ૧૯૬૪ થી ૧૯૬૬ના એજ્યુકેશન કમિશનના ચેરપર્સન ડી.એસ. કોઠારીએ તો કહ્યું હતું કે, “ ભારત સિવાયના દુનિયાના કોઈપણ દેશમાં બાળકની ભાષા અને તેના શિક્ષણની ભાષા અલગ અલગ નથી.” ચીન, જાપાન , જર્મની અને ઈઝરાયેલમાં બાળકોને તેમની જ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે.
એક અભ્યાસ પ્રમાણે વિશ્વના સૌથી અમીર વીસ દેશોની સરકારી કામકાજની ભાષા તરીકે તેમના દેશની ભાષા છે. જ્યારે સૌથી ગરીબ વીસ પૈકીના ઓગણીસની ભાષા વિદેશી છે. ગુજરાત રાજ્યની રચનાના બીજા જ વરસે રાજ્યના સરકારી વહીવટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા અંગેનો ગુજરાત ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ ઘડાયો હોવા છતાં રાજ્યના વહીવટમાં હજુ સંપૂર્ણ ગુજરાતી દાખલ થઈ નથી. દેશના ચાર જ રાજ્યોની વડી અદાલતોનું કામકાજ રાજ્યની સ્થાનિક ભાષામાં થાય છે. ગુજરાતસહિત એકવીસ રાજ્યોની વડીઅદાલતોનું કામ આજેય અંગ્રેજીમાં જ ચાલે છે. બ્રિટીશ શાસનને કારણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ થયું હતું. પરંતુ અંગ્રેજશાસનથી મુક્તિના પંચોતેર વરસો બાદ પણ દેશ શિક્ષણ, વહીવટ,અદાલત સહિતના ઘણાં ક્ષેત્રોમાં અંગ્રેજીના પ્રભાવ હેઠળ છે. જાણે કે આપણે રાજકીય આઝાદી છતાં ભાષાકીય સામ્રાજ્યવાદથી હજુ મુક્ત થયાં નથી.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ભાજપા સરકારે ૨૦૧૭માં હિંદી માધ્યમની પાંચ હજાર પ્રાથમિક શાળાઓને અંગ્રેજી માધ્યમમાં ફેરવી દીધી હતી. જ્યાં તેલુગૂ અસ્મિતાનું ગૌરવ લેવાતું હતું તે આંધ્રપ્રદેશમાં હાલના સત્તાનશીન પ્રાદેશિક પક્ષ વાયએસઆર કોંગ્રેસે તમામ તેલુગૂ મીડિયમની પ્રાથમિક શાળાઓને અંગ્રેજી મીડિયમમાં તબદિલ કરી નાંખી છે. હદ તો રાજસ્થાનની કોંગ્રેસ સરકારે કરી છે. જે ગાંધીજીએ, “જો મારા હાથમાં તાનાશાહી સત્તા હોય તો પળના ય વિલંબ કે પાઠયપુસ્તકોની તૈયારીની પણ રાહ જોયા વિના અંગ્રેજી માધ્યમમાં અપાતું શિક્ષણ બંધ કરી દઉં “ , એમ કહેલું , તેમના નામે રાજ્યના પાંચ હજારથી વધુ વસ્તીના ગામોમાં ગાંધી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલો શરૂ કરી છે. ગુજરાતમાં ૪૫૨૦ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓને નવા કાયદાનો અમલ કરી ફરજિયાત ગુજરાતી ભણાવવું પડશે પણ ગાંધીગિરા ગુજરાતીને બદલે રાજ્યમાં આટલી બધી અંગ્રેજી મીડિયમ પ્રાઈમરી સ્કૂલો કેમ એવો સવાલ ઉઠતો નથી.
વૈશ્વિક સંપર્કભાષા કે જ્ઞાનભાષા તરીકે અંગ્રેજીનો સ્વીકાર સૌ કોઈ પોતાની ગરજે કરે છે. પરંતુ તેના આંધળા મોહમાં માતૃભાષા અને પ્રાદેશિક ભાષાઓની ઉપેક્ષા એ હદે થઈ રહી છે કે તે બચાવવાની અને ટકાવવાની ઝુંબેશો કરવી પડે છે. સરકારો વાલીઓની માંગ અને વાલીઓ રોજગાર કે બજારની માંગનો હવાલો આપીને અંગ્રેજી મીડિયમની જરૂરિયાત જણાવે છે. તાજેતરમાં એક બ્રિટિશ સાંસદે બ્રિટનની સરકારને ગુજરાતીસહિતની દક્ષિણ એશિયન ભાષાઓ શીખવવા માટેનું રોકાણ વધારવા માંગણી કરી છે. કેમ કે તે બજારની જરૂરિયાત છે. નવા ઉભરતા બજાર તરીકે દક્ષિણ એશિયામાં વ્યાપાર કરવો હશે તો સ્થાનિક ભાષાઓ આવડવી અનિવાર્ય છે. દલિત-વંચિતને પણ તેમના પછાતપણાનું મૂળ અંગ્રેજી શિક્ષણનો અભાવ લાગે છે. એટલે કેટલાક દલિત બૌધ્ધિકો અંગ્રેજીમાતાના મંદિરો ચણાવે છે અને મેકોલેનો જન્મદિન મનાવે છે !
મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, અસમ, તેલંગાણા અને જમ્મુ-કશ્મીરમાં પહેલા ધોરણથી જ સ્થાનિક ભાષા ભણાવવાના સરકારી નિયમો છે. હવે તેમાં ગુજરાતનું ઉમેરણ થયું છે. અગાઉ તા. ૧૩.૦૪.૨૦૧૮ના સરકારી પરિપત્રથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા જણાવાયું હતું.પરંતુ તેનો અમલ થતો નહોતો. માતૃભાષા અભિયાનની જાહેરહિતની અરજી પરની હાઈકોર્ટની ફટકાર પછી સરકારે કાયદો ઘડ્યો છે. એટલે તેનો કડક અમલ આવશ્યક છે.
દેશના ૫૭ ટકા કે ૬૯.૧૫ કરોડ લોકોની પહેલી ભાષા હિંદી છે. જેમની પ્રથમ ભાષા અંગ્રેજી છે તેવા ભારતીયો તો માત્ર ૨.૬ લાખ જ છે પરંતુ અંગ્રેજી બોલનારા ૧૨.૮૫ કરોડ(૧૧ ટકા) લોકો ભારતમાં છે. એટલે પ્રાદેશિક ભાષાઓનો દબદબો અને બહુમતી છતાં વર્ચસ અંગેજીનું છે. જે સૌને આંજી નાંખે છે અને તેના તરફ ખેંચે છે. પચરંગી સમાજમાં આપણને બહુભાષી થયા વિના ચાલવાનું નથી. અનેક ભાષાઓ અને બોલીઓ વિલુપ્ત થઈ ગઈ છે કે વિલુપ્તિની કગાર પર છે. એટલે સવાલ પ્રાદેશિક કે માતૃભાષાઓના મહિમાગાનનો જ ફક્ત નથી અંગ્રેજીની લ્હાયમાં એકેય ભાષા ઢંગથી ના આવડતી હોય તેનો ય છે.
‘સરહદના ગાંધી’ ખાન અબ્દુલ ગફાર ખાને તેમની આત્મકથા ‘માય લાઈફ, માય સ્ટ્રગલ’ માં લખ્યું છે કે, “ કોઈપણ રાષ્ટ્ર તેની માતૃભાષાના વિકાસ વિના પ્રગતિ સાધી શકે નહીં.” પરંતુ દેશમાં માતૃભાષા કે પ્રાદેશિક ભાષાઓની અવહેલના થતી જોવા મળે છે. આઈએએસ અને આઈપીએસ જેવી દેશની ટોચની સિવિલ સર્વિસની યુપીએસસી એકઝામમાં વરસોથી પ્રાદેશિક ભાષાઓ દાખલ કરી છે પરંતુ કેન્દ્ર સરકારની વર્ગ-૩ની ભરતી પરીક્ષા લેતી સૌથી મોટી એજન્સી સ્ટાફ સિલેકશન કમિશનની પરીક્ષાઓ હવે આ વરસથી ગુજરાતી અને બીજી બાર પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે.
જેમ સમાજસુધારા એકલા કાયદાથી ના થઈ શકે તેમ ભાષા પણ સરકારી નીતિનિયમો કે કાયદાથી ના બચે. ગુજરાતમાં આજે માતૃભાષાના ફરજિયાત શિક્ષણનો માર્ગ ખૂલ્યો છે તો કદાચ આવતીકાલે માતૃભાષામાં શિક્ષણનો માર્ગ પણ ખૂલશે. તે માટેના પ્રજાકીય પ્રયાસો જારી રહેવા જોઈએ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૨ #
ચાલો, અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનને સમજીએ
અર્થશાસ્ત્રની આપણી આસપાસ રચાયેલી જેલની દુનિયા થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
આપણાં જીવનનાં સુખની સફર વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર અને અંગત અર્થવ્યવસ્થા એમ બે રસ્તે આગળ વધતી હોય છે.
પહેલાં વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રના માર્ગનો નકશો સમજીએ.
અર્થશાસ્ત્રીઓ અને આપણે
પરંપરાગત વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ અર્થશાત્રને એક વિજ્ઞાનની નજરે જુએ છે. તેઓ માને છે કે એક વિજ્ઞાન તરીકે અર્થશાસ્ત્ર આર્થિક ઘટનાઓને વૈજ્ઞાનિક નિયમો દ્વારા સમજાવી શકે છે. તેમના મતાનુસાર અર્થશાસ્ત્રના આ નિયમો આપણા વિવિધ આર્થિક નિર્ણયો અને વર્તનોને અમુક દિશા આપતાં પરિબળો છે. એમને માટે અર્થતંત્ર એ એકલ ઘટક એવું નાણાં વિશ્વ છે. એ નાણાં વિશ્વમાં વ્યાપક સ્તરે જે કંઈ બની રહ્યું છે, કે બનશે, તે સમજાવવા માટે તેઓ સમષ્ટિ અર્થશાસ્ત્રના નિયમો ઘડે છે.
જમીની સ્તરે, વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ આપણને આથિક નિર્ણયો લેતાં આર્થિક પરિબળો ગણે છે. અને એ મુજબ, આપણે કેવી રીતે આર્થિક નિર્ણયો લઈએ છીએ તે વિશે તેઓ અનુમાનો ઘડે છે.
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનની આચરણમૂલક અર્થશાસ્ત્ર અને પ્રયોગમૂલક અર્થશાસ્ત્ર એમ બે શાખાઓ પણ રચાઇ છે. આચરણમૂલક અર્થશાસ્ત્ર આપણે શી રીતે નિર્ણયો લઈએ છીએ તે સમજવા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે પ્રયોગમૂલક અર્થશાસ્ત્ર આપણા પર પ્રયોગો કરીને આપણા નિર્ણયોને લગતાં વિવિધ પૂર્વાનુમાનોને ચકાસે છે. જેમકે, આચરણમૂલક અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે આપણે સૌ તર્કસંગત પ્રાણીઓ છીએ અને ઓછામાં ઓછાં સંસાધનો વાપરીને મહત્તમ લાભ લેવા પ્રયત્નશીલ રહીએ છીએ. એ લોકો એમ પણ માને છે આપણને બધાંને ધનવાન અને સમૃદ્ધ થવું છે. એટલે નાણાં સંચાલિત અર્થવ્યવસ્થાથી અંતર પાળનાર કે સમૃદ્ધિનો સમૂળગો વૈરાગ્ય પાળનાર લોકો તેમને સમજાતાં નથી. તેની સામે, પ્રયોગમૂલક અર્થશાસ્ત્રીઓ વ્યક્તિઓને, અને સમુદાયોનાં જૂથોને, એવા ચોક્કસ સંજોગો હેઠળ પસાર કરીને અભ્યાસ કરે છે કે આપણે ખરેખર ‘તર્કસંગત’ નિર્ણયો જ લઈએ છે કે પછી હંમેશાં નાણાંકીય સંપત્તિ વધારતાં જ રહેવા સાથે સુસંગત આર્થિક નિર્ણયો જ કરતાં હોઇએ છીએ.
જેમ વિશુદ્ધ વિજ્ઞાનશાખાનાં વિજ્ઞાનીઓ વિવિધ પ્રયોગો દ્વારા તેમનાં પૂર્વાનુમાનો ચકાસે છે તેમ પ્રયોગમૂલક અર્થશાત્રીઓ પણ આપણા પર કરાતા પ્રયોગો દ્વારા તેમનાં અનુમાનો ખરાં છે કે નહીં તે ચકાસે છે. આપણાં આચરણોનો એ લોકો અભ્યાસ કરે છે. એ લોકો માને છે આપણાં આચરણોને પદ્ધતિસર વિકાસાવાયેલ નિયમોમાં બંધબેસતાં કરી શકાશે, અને તેના પરથી સમષ્ટિ અર્થતંત્રના ગતિપ્રવાહોના વૈજ્ઞાનિક અભિગમોને સમજી શકાશે. એ લોકો આપણી વ્યક્તિ તરીકેની, તેમજ સામુહિક, અર્થવ્યવસ્થાને પણ સમજવાની કોશિશ કરતા રહે છે. એ અભ્યાસો પરથી એ લોકો એમ પણ માને છે કે તેઓ આપણને સમજાવી શકશે કે કેમ ઉચિત સમયે, યોગ્ય, આર્થિક, નિર્ણયો લઈને આપણાં જીવનને આપણાં વાંછિત સુખની સિદ્ધિ તરફ દોરતાં રહી શકાય.
અંગત જીવનની અર્થવ્યવસ્થાના દૃષ્ટિકોણથી આપણે આશા કરીએ કે પ્રયોગમૂલક અર્થશાસ્ત્રીઓ આપણી આર્થિક નિર્ણય પ્રક્રિયાઓને, કે આપણાં જીવનમાં નાણાંની ભૂમિકા વિશે અને નાણાં બાબતે, તેમજ નાણાં સિવાયના, આપણા નિર્ણયોને વધુ સારી રીતે સમજે. જો આમ થવા લાગે તો તેઓ આપણને માત્ર આર્થિક પરિબળો તરીકે જોવાની સાથે ગ્રાહક, બચતકર્તાઓ, નિવેશકો, દાતાઓ કે એવાં ચોક્કસ સમુદાયોના સભ્યો તરીકેના આર્થિક, તેમ જ આપણા બિનઆર્થિક, નિર્ણયોને સારી રીતે સમજી શકશે. નાણાંપ્રધાન અર્થવ્યવસ્થાઓ ઉપરાંત બિનનાણાંપ્રધાન અર્થવ્યવસ્થાઓની આસપાસ રચાયેલ સમુદાયોમાંની આપણાં અંગત જીવનની અર્થવ્યવસ્થાને સારી રીતે સમજવાની દિશામાં આ મહત્ત્વની પહેલ બની રહી શકે છે. બહુખ્યાત નોબેલ પારિતોષિકનું વર્ષ ૨૦૨૧ માટે અર્થશાસ્ત્રનું પારિતોષિક એમ.આઈ.ટીના અભિજિત બેનર્જી અને એસ્થર ડફ્લૉને એનાયત થવું એ પ્રયોગમૂલક અર્થશાસ્ત્રનાં મહત્ત્વની વધતી જતી સ્વીકૃતિનું એક સ્વાભાવિક સૂચક છે.
અર્થવિજ્ઞાનીઓને આપણે ખોટાં પણ પાડીએ છીએ !
અર્થશાસ્ત્રીઓ પણ ઘણી વાર ખોટા પડતા હોય છે. ભાવ વધારાને કારણે ફુગાવાની અસરો કે નીચે તરફ ગતિ કરતાં આર્થિક ચક્રો જેવી અર્થવ્યવસ્થાની કેટલીય વ્યાપક ઘટનાઓની સચોટ આગાહીઓ તેઓ ઘણી વાર નથી કરી શકતા. જો તેઓ પુરેપુરી સ્પષ્ટતા સાથે આવાં આર્થક અનુમાનો કરી શકતા હોત તો શેરબજારોમાં જોવા મળતી ચચળતા કે બેંકોનાં અચાનક જ (!?) દેવાં ફુકવાં જેવી ઘટનાઓ બનતી જ ન હોત ! તેમ વળી, અર્થશાસ્ત્રીઓ આપણાં અંગત જીવનની અર્થવ્યવસ્થાના નિયમો પણ દર વખતે તારવી નથી શકતા. પરિણામે, ઘણી આર્થિક બાબતોમાં આપણા માર્ગદર્શક તરીકે અર્થશાસ્ત્રીઓ કંઈક અંશે ઊણા પડતા અનુભવાય છે.
આપણા જીવનને સ્પર્શતી, પ્રત્યક્ષ અને પરોક્ષ, ઘટનાઓ વિશે અર્થશાસ્ત્રીઓ ખોટા પડવાનું એક કારણ એ છે કે અર્થશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન કે ગણિત જેવું નિરપેક્ષ વિજ્ઞાન નથી. એટલે તેમાં જે જે નિયમો ઘડવામાં આવ્યા હોય છે તે અમુક સંજોગો અને સંદર્ભોના પરિપ્રેક્ષ્યમાં ખરા નીવડે, એટલા થોડા અલગ સંજોગ કે સંદર્ભમાં ખરા ન પણ ઉતરે. વળી, આપણે, દરેક વ્યક્તિ, આપણી જીવન પદ્ધતિ, વિચાર શક્તિ, નિર્ણય પ્રક્રિયા, જીવન પદ્ધતિ જેવી અનેક બાબતોમાં એકબીજાંથી એટલાં અલગ છીએ કે આપણા નિર્ણયો કે પગલાંઓને પરંપરાગત અર્થશાસ્ત્રના એકસમાન માપદંડથી ન તો માપી શકાય કે ન તો તેમના વિશે આગાહીઓ કરી શકાય. જીવનનાં સુખની આપણી પરિભાષાઓ જેટલી અલગ અલગ છે, તેટલી જ જીવનનાં સુખ પ્રાપ્તિનાં ધ્યેયને સિદ્ધ કરવાની આપણી રીતો આગવી છે. સામાન્યતઃ વ્યક્તિગત સ્તરે તર્કસંગત જ હોય તેવી વ્યક્તિ સામુહિક સ્તરે, ક્યારેક, સાવ બિન તર્કસંગત નિર્ણયો લેતી હોય છે. તો વળી, ઘણી વાર એનાથી સાવ ઉલટું પણ બનતું જોવા મળતું હોય છે. ખુબ ઊંચા વળતરવાળા વ્યવસાયોને છોડીને આર્થિક દૃષ્ટિએ થોડી સંકડામણ અનુભવાતી હોય તેવી પ્રવૃત્તિઓમાં મસ્ત રહેતાં કેટલાંય લોકો આપણી આસપાસ નજરે પડશે.
એટલે આપણાં જેવાં સાવ અનપેક્ષિત રીતે વર્તતાં અસ્તિત્વો સાથે જેમને કામ કરવાનું હોવા છતાં પણ જેમની પાસેથી સામુહિક કે વ્યક્તિગત સ્તરની આર્થિક ઘટનાઓની ચોક્કસ, ભુલચુક વગરની, આગાહીઓ કરવાનીની જવાબદારી નિભાવતાં વ્યાવસાયિક અર્થશાત્રીઓ માટે આપણને ખુબ સહાનુભૂતિ હોવી ઘટે.
અર્થશાત્રના ભાગ્યવિધાતાઓ અર્થશાત્રીઓ નહીં પણ આપણાં જેવાં સામાન્ય લોકો છે !
ભૌતિક વિજ્ઞાનની બાબતોની જેમ, અર્થશાત્ર કે નાણાં નથી તો કુદરતી રીતે પેદા થયાં કે નથી તો ઉપરથી ટપકી પડ્યાં. અર્થશાસ્ત્ર માનવ સંબંધો અને આચરણોનું વિજ્ઞાન છે. નાણાં માનવીની પોતાની શોધ છે. આપણે આપણાં જીવનનાં જે નિર્ણયો, જે રીતે કરીએ, છીએ તે મુજબ અર્થશાસ્ત્ર ચાલે છે. એ દૃષ્ટિએ, આપણા માટે આર્થિક નિયમો ઘડતા કે વિજ્ઞાનની રચના કરતા વ્યાવસાયિક અર્થશાત્રીઓના હાથમાં નહીં, પણ આપણાં જેવાં સામાન્ય લોકો સ્વરૂપ આર્થિક પરિબળોના હાથમાં આર્થિક ઘટનાઓની દોર છે. આપણી પોતાની અંગત અર્થવ્યવસ્થા ભલે ગમે તેટલી અવૈજ્ઞાનિક હોય, પણ તે આપણી પોતાની, માત્ર આપણા પોતાના માટેની, છે.
સમષ્ટિ (સામુદાયિક) અર્થશાસ્ત્રનો આધાર સામુહિક સ્તરે આપણે જે નિર્ણયો લઇએ છીએ, પગલાં લઇએ છીએ તેના પર છે. આપણે જે રીતે આપણી અંગત અર્થવ્યવસ્થા ગોઠવીએ છીએ તે વ્યષ્ટિ (સૂક્ષ્મ) અર્થશાસ્ત્રને ઘડે છે. વસ્તુઓ કે સેવાઓની આપણી ખરીદીઓ કે વેચાણો, નાણાં વડે સમૃદ્ધિ ઉપાર્જન કે બીનનાણકીય સંસાધનોના આપણા ઉપયોગ એ આપણા. પોતાના, આર્થિક નિર્ણયોની નીપજો છે. આપણા આ અંગત આર્થિક નિર્ણયો, નાણાં વિશેના આપણા આગવા દૃષ્ટિકોણો વગેરે જેવી આપણી આર્થિક, તેમ જ બિનઆર્થિક, ગતિવિધિઓ આપણને અર્થવ્યવસ્થાનાં ઘડવૈયા બનાવે છે.
સામુદાયિક અર્થશાત્રની જે ઘટનાઓ પર આપણે ક્રિયા-પ્રતિક્રિયાઓ કરતાં હોઈએ છીએ તે વ્યાવસાયિક વિજ્ઞાનીઓએ ભલે વૈજ્ઞાનિક વિચારસરણીના આધાર પર રચેલ હોય, પણ સમગ્ર અર્થતંત્રનો એ બહુ નાનો સરખો હિસ્સો જ છે. તે સાથે સાથે, આપણાં પોતાનાં, વ્યક્તિગત અર્થશાસ્ત્રને, આપણી પોતપોતાની આગવી રીતથી, પણ આપણે અનુસરીએ છીએ. અર્થત્રંત્રનો આ હિસ્સો નાણાં સાથે સંકળાયેલો હોય પણ ખરો, કે પછી બિનનાણાકીય આર્થિક પરિસ્થિતિઓ અને નિયમોના સંદર્ભ સાથેનો પણ હોઈ શકે છે. આમ, આપણે સત્તાવાર અર્થતંત્ર અને વ્યક્તિગત અર્થતંત્ર એમ એકસાથે બે આર્થિક વિશ્વમાં વસીએ છીએ, તેમજ સમષ્ટિ તેમજ વ્યષ્ટિ અંર્થંતંત્રનાં ઘડતરમાં, અને તેને ચાલતાં રાખવામાં, પણ ભૂમિકા ભજવીએ છીએ
હકીકત એ છે કે અર્થશાસ્ત્રીઓ ઘણીવાર ફુગાવો અથવા જીવન ખર્ચ, અથવા નાણાંનું વાસ્તવિક મૂલ્ય જેવી સામુહિક સ્તરે બનતી આર્થિક ઘટનાઓની આગાહી કરવામાં પણ ખોટા પડે છે. આપણા વ્યક્તિગત અર્થશાસ્ત્રને માર્ગદર્શન આપતા નિયમોને સમજવામાં જ્યાં ઉણા પડતાં હોય ત્યાં આપણી વિચારસરણી અને તેને આનુષિંક પગલાંઓ તેમની પુરી સમજમાં બેસે એ વાત તો જાણે છોડી દઇએ. પરંતુ, જો અર્થશાસ્ત્રીઓ વ્યક્તિગત આર્થિક ઘટનાઓને કારણે ઘડાતાં સૂક્ષ્મ અર્થશાસ્ત્રને ન સમજે, કે તેને ધ્યાન પર ન લે, તો જેના વિશે વિચાર કરવાની તેમની પ્રાથમિક જવાબદારી છે એવાં સમષ્ટિ અર્થતંત્ર વિશેનાં તેમનાં અનુમાનો અને નિયમો, અને એ રીતે આખું સમષ્ટિ અર્થતંત્ર તેમજ તેની આપણા પોતાના વ્યક્તિગત અર્થશાસ્ત્રની અંદરના આપણા દ્વારા લેવામાં આવેલા વિશાળ સંખ્યામાં નિર્ણયો, બાબતે એ લોકો ખોટા જ પડતા રહી શકે છે. વિશાળ સંખ્યામાં લેવાતા આપણા આ વ્યક્તિગત નિર્ણયો આપણે બધા અલગ અલગ વ્યક્તિઓ તરીકે લઈએ છીએ. ક્યારેક તો વળી એકબીજાના નિયમો આમને સામને રદ થઈ જાય એવા જ નિર્ણયો લઈએ છીએ. આ બધાંનું એકંદર પરિણામ સમષ્ટિ અર્થત્રંતની બહુ મહત્ત્વની વાસ્તવિકતામાં પરિણમે છે. સૂક્ષ્મ આર્થિક નિર્ણયોની આ સંખ્યા વિશાળ છે, જેની સ્પષ્ટપણે આગાહી કરવી ઘણી મુશ્કેલ છે.
આપણા વ્યક્તિગત અર્થશાસ્ત્રના નિયમો ભૌતિક વૈશ્વિક કાયદાઓ નથી. આપણા નિયમો આપણે જ બનાવીએ છીએ, અને મીટાવીએ પણ છીએ. તેમ છતાં અર્થતંત્ર અને નાણાંની એક ચોક્કસ મર્યાદામાં રહીને આપણા (નાણાં) જેલર અર્થતંત્રની આપણી જેલ માટે તેમના નિયમો બનાવે છે. પરંતુ, સમાંતર રીતે, આપણાં વ્યક્તિગત અર્થશાસ્ત્ર સાથે સુસંગત આપણા નિયમો આપણે ઘડી પણ શકીએ છીએ. આપણે ભલે અનુમાનિત નિયમોનું પાલન કરતી વૈજ્ઞાનિક સંસ્થાઓ નથી પણ આપણે એવાં સર્જનાત્મક માનવ અસ્તિત્વો છીએ, જેઓ પોતાની ફિલસૂફી, પોતાની લાગણીઓ, અને પોતાના તર્કના આધારે આર્થિક નિર્ણયો લે છે. મજાની વાત એટલી જ છે કે, આવું બધું વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓની વૈજ્ઞાનિક શોધમાંથી છટકી જાય છે.
વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ આપણા આર્થિક નિર્ણયોને સ્પર્શતા નથી. અને તેથી, તેઓ નાણાંની દ્રષ્ટિએ આપણા નિર્ણયોની અસરોને માપી શકતા નથી. તેઓ ખોટા પડવાનું આ બીજું કારણ છે. નાણાં સિવાયના આપણાં અન્ય સંસાધનોનો ઉપયોગ કરીને, નાણાં દ્વારા, તેમજ આપણી અન્ય પ્રેરણાઓ દ્વારા, સંચાલિત આર્થિક જેલનાં વાતાવરણની બહારના ઘણા નિર્ણયો આપણે અસરકારક રીતે લઈ લઈએ છીએ. જ્યારે આપણે કોઈના પ્રેમમાં પડીએ છીએ, ત્યારે શું આપણે પૈસા વિશે વિચારીએ છીએ? આપણને જ્યારે નોકરી દરમ્યાન કંઈક સરખું વાંકું પડે છે ત્યારે આપણી નોકરી છોડી દેવા સમયે ત્યારે શું આપણે પૈસા વિશે વિચાર કરવા રોકાઈએ છીએ? જ્યારે આપણે મોંઘાં ઉત્પાદનો અને સેવાઓ ખરીદીને તેનો વપરાશ કરતાં હોઈએ છીએ, ત્યારે શું આપણે તર્કસંગત હોઈએ છીએ ? આપણી બચત અથવા સંપત્તિને મહત્તમ કરવાનો એ સમયે વિચાર કરીએ છીએ ખરાં? જ્યારે આપણે આપણી સંપત્તિનો મોટો હિસ્સો દાન કે સખાવત રૂપે આપવાનો નિર્ણય લેતાં હોઈએ છીએ, ત્યારે શું આપણે પૈસા વિશે તર્કસંગત હોઈએ છીએ? અર્થશાસ્ત્રીઓ ફક્ત આપણા નાણાં આધારિત નિર્ણયો પર આવી અટકી જાય છે, જ્યારે દેખીતી રીતે આપણા જે અતાર્કિક આર્થિક નિર્ણયો છે તેને તેઓ નજ઼રઅંદાજ કરી લે છે..
આપણા માર્ગદર્શક બનવા જતાં અર્થશાસ્ત્રીઓ તેમનાં સામુદાયિક અર્થતંત્રનું ચોકઠું આપણા સૂક્ષ્મ અર્થતંત્ર સાથે બેસાડી દેતા હોય છે.
જ્યાં સુધી વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ તેમના સમષ્ટિ અર્થતંત્રને આપણાં રોજબરોજનાં વ્યક્તિગત અર્થશાસ્ત્ર સાથે વણાયેલ વ્યષ્ટિ અર્થતંત્ર સાથે સાંકળશે નહીં, ત્યાં સુધી તો તેઓ છાસવારે ખોટા પડતા રહેશે.. અર્થશાસ્ત્રના વિજ્ઞાને આપણે વ્યક્તિઓ તરીકે, અથવા સમુદાય તરીકે, અનુસરીએ છીએ તે વ્યક્તિગત અર્થશાસ્ત્ર સાથે પોતાનું અનુકૂલન સાધવું પડશે. આર્થિક સંશોધકો અને શિક્ષણવિદોએ અભ્યાસ કરવો પડશે કે કેવી રીતે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર તેમના સામુહિક અર્થસાસ્ત્રને અસર કરે છે. આર્થિક સલાહકારો દ્વારા સંચાલિત અર્થતંત્રો આપણા વ્યક્તિગત સ્તરે કેવી રીતે બદલાઈ શકે છે તે મુજબનાં વ્યક્તિગત અર્થશાસ્ત્રના માળખાને ધ્યાનમાં લેવું પડશે. આર્થિક સલાહકારોને અનુસરતી સરકારો છે, સંશોધકો અને શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકો વગેરેના શૈક્ષણિક અર્થશાસ્ત્રી સમુદાયો તેમજ વિદ્યાર્થીઓ એ બધાએ વ્યક્તિ દ્વારા દોરવાતાં સૂક્ષ્મ અર્થશાસ્ત્રને અનુસરવું પડશે અને તેને પોતાનાં વૈજ્ઞાનિક સમાષ્ટિ અર્થતંત્ર સાથે જોડવું પડશે. ભૂલની ઘટનાઓ ઘટાડવાનો અને સમષ્ટિ અને વ્યષ્ટિ અર્થવ્યવસ્થાઓની દુનિયા વચ્ચેનું અંતર ઓછું કરવાના ઉદ્દેશ્ય તે સિવાય સિદ્ધ કરવા અશક્ય બની રહેશે. આર્થિક ઘટનાઓની આગાહી કરવાના પ્રયાસ કરતી વખતે આપણા સર્જનાત્મક, અવૈજ્ઞાનિક, અતાર્કિક મંતવ્યોને પણ ધ્યાનમાં લેવા જોઈશે.
જ્યાં સુધી અર્થશાસ્ત્રીઓ સૂક્ષ્મ અર્થશાસ્ત્રના અભ્યાસની આ શાખાને અસરકારક રીતે આગળ ન ધપાવે ત્યાં સુધી તેમની આર્થિક સલાહ હંમેશા આપણા માટે વિશ્વાસપાત્ર રહેશે નહીં. જ્યાં સુધી વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણમાં આપણી વ્યક્તિગત અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલ વ્યષ્ટિ અર્થશાત્રનાં સ્થાનનું મહત્ત્વ ન બને ત્યાં સુધી આપણાં જીવનની ખુશીઓ તરફનાં માર્ગદર્શન માટે વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ પર આધાર રાખવાનો ખાસ અર્થ નથી.
ક્રમશઃ
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
કાર્ટૂનકથા : [૨]
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
ઊધઈ ઊવાચ


વાર્તાવ્યંગ્ય


(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
શ્રદ્ધાંજલિ રેખાંકનો [૨]
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah – Tribute Sketces -2
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
જાળ
રક્ષા શુક્લસોનાની જાળ તમે પાણીમાં નાખો, પણ પાણીની પ્હોંચ કદી ચાખો ?
પાણી તો મંદ મંદ વહેવાનું નામ, એને નાણવાની બારી કાં વાખો ?પાણીનું સપનું તો નાયગરા ધોધ, પછી કૂદ્યું તો લોહીઝાણ વારતા,
દરિયો તો ઠીક, પછી નદિયું ને ઝરણાં ને ધોધડિયું આવીને ડારતાં.
પાણીનું પોત જરા ધીરેથી અડકો ને ધીરેથી પહેરવાનું રાખો.
સોનાની જાળ તમે પાણીમાં નાખો, પણ પાણીની પહોંચ કદી ચાખો ?પાણી તો પરપોટે પરપોટે તૂટે, પણ ધરપતના કાંઠાઓ છૂ,
રણઝણતી લાગણિયું વાડ્યું જ્યાં ઠેકે, ત્યાં એમાંથી ફોરે છે બૂ.
પળમાં જે છૂટે ને પળમાં વછૂટે, એ ભાયગનું ભાવી કાં ભાખો ?
સોનાની જાળ તમે પાણીમાં નાખો, પણ પાણીની પહોંચ કદી ચાખો ?
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
-
ઊર્મિલ સંચારઃ પ્રકરણ – ૭. મલ્હાર
અંજલિ માહીની બિમારીના સમાચાર સાંભળી ભારત જવાને બદલે ડોક્ટરની ઓફિસમાં આવેલી જોઈ શોમને આશ્ચર્યાનંદ થાય છે. આયુર્વેદિક ઔષધીઓ તૈયાર કરતી અંજલિને રાકેશ ઓચિંતા આવીને ડરાવે છે. શોમની મદદથી રાકેશને અમેરિકાથી નીકળી જવામાં મદદ મળે છે. અંજલિ એક પત્ર શોમના રૂમમાં છોડી જાય છે. ત્યારે…
સરયૂ પરીખ
અંજલિને એરપોર્ટ પર ઉતારીને શોમ સ્ટિવન અને આરીને મળ્યો. શોમ ઉદાસ અને ખોવાયેલો લાગતો હતો. “કેમ દોસ્ત, આ સ્કાર્ફ ક્યાંથી?” એમ કહેતા આરીએ તેના ખીસામાંથી આછા ગુલાબી રંગનો સ્કાર્ફ ખેંચી કાઢ્યો. જાણે કોઈ મૂલ્યવાન વસ્તુ જતી રહી હોય તેવી ત્વરાથી શોમે સ્કાર્ફ પાછો લઈ લીધો. સ્ટિવ કહે, “અરે!! કહે તો ખરો, આ ક્યાંથી આવ્યો?”
“એરપોર્ટ પર હું અંજલિને બેગ આપી રહ્યો હતો ત્યારે આ સ્કાર્ફ સરી પડ્યો અને મેં ઝીલી લીધો. મેં હાથ લંબાવ્યો પણ તે સ્કાર્ફ લીધા વગર…આછું સ્મિત આપીને જતી રહી.” શોમ વિયોગની મીઠી વેદનામાં ખોવાઈ ગયો.
એ રાતે શોમ મોટીબહેન નીના સાથે તેના અંતરની દરેક વાત કરી ચૂક્યો. મુંબઈમાં દાદાજીના અવસાનને વરસ થયું હતું. “નીના, આજે દાદાજીની બહુ યાદ આવે છે.” કહેતા શોમનો કંઠ ભરાઈ ગયો અને આગળ બોલી ન શક્યો. તેને નિરાશામાંથી બહાર લાવવા નીનાએ બને તેટલી અયનની વાતો કરી પણ ખાસ ફાયદો ન થયો. માતાની માંદગી, અંજલિનો વિયોગ અને દાદાજીની યાદ તેને ધ્યાન તરફ દોરી ગયા. શોમ તેની ગમતી ગાદી પર બેઠો અને પસાર થતાં વિચારોને તટસ્થ ભાવથી જોઈ રહ્યો. એ જગ્યાએ જ ક્યારે ઊંઘી ગયો તે ખબર ન પડી.
એ પછીના દિવસો શોમ માટે ચિંતાજનક રહ્યાં. માહીને વધારે ટેસ્ટ કરાવવા અને શું ઉપાય કરવા તે યોજનાઓમાં શોમ વ્યસ્ત રહેતો. કેલિફોર્નિયા્થી નીનાના અનેક સવાલો ચાલુ રહેતા. નીના પોતાની મમ્મીને મળવા હ્યુસ્ટન આવવા અધીરી થતી હતી પણ અઢી વર્ષના અયનની અને રૉકીની અનુકૂળતાનો પણ વિચાર કરવાનો હતો.
બે સપ્તાહ પછી તપાસ માટે માહીને રમેશ હોસ્પિટલ લઈ આવ્યા અને શોમની પાસે મૂકીને ગયા. શોમ અને તેની મમ્મી ડોક્ટરની ઓફિસમાં નવા પરિણામો જાણવા ઉત્સુક હતા.
“સારા સમાચાર એ છે કે ટ્યુમરનું કદ વધ્યુ નથી. બસ, મીસીસ જોષી, તમે જે કરી રહ્યા છો તે ચાલુ રાખો. હવે ત્રણ સપ્તાહ પછી ફરી મળશું.” સૌનો ઉચાટ ઓછો થયો અને માહીના ચહેરા પર હાસ્ય ફરક્યું.
ઘેર પાછા ફરતાં માહી બહુ વાતો કરવાના તાનમાં હતી. “આજે સવારે મોટાકાકાનો મુંબઈથી ફોન હતો. અંજલિ તેના મામાને ઘેર મુંબઈ આવેલી હતી. મોટાકાકા કહેતા હતા કે, તેમને મળવા આવી હતી અને આખો દિવસ જોષી પરિવાર સાથે પસાર કર્યો હતો. બધા અંજલિને મળીને ખુશ ખુશ થઈ ગયા.”
“અરે વાહ! અંજલિ હંમેશા મને આશ્ચર્યચકિત કરતી રહે છે.” શોમનું મન મીઠો ગુંજારવ કરવા લાગ્યું. “મને એટલી ખબર પડે કે એ ખરેખર શું વિચારી રહી છે…તો રસ્તો નીકળે.”
“બેટા, તારે જરા વધારે તપ કરવાનું બાકી હશે…વિશિષ્ટ વ્યક્તિ એમ સહેલાઈથી ન મળે.” માહીએ હસતાં હસતાં શોમનો કાન ખેંચ્યો. “અચ્છા, આજે બહુ દિવસે આવ્યો છે તો તારી ગમતી વાનગીઓ બનાવીશ.”
“બહુ તકલીફ નહીં લેવાની…આ ડોક્ટરનો આદેશ છે.”
વરસાદ અને વીજળીના મલ્હાર મોસમમાં સાંજનું જમણ સાથે કર્યા બાદ, શોમ તેના રૂમમાં પુસ્તકો અને કપડાની ગોઠવણ કરી રહ્યો હતો. બારીમાંથી વીજળીનો ચમકારો ટેબલ પર પડેલ પુસ્તકને ઉજાળી ગયો. શોમ ઉદાસીન ભાવથી અંજલિએ પરત કરેલ પ્રેમ-ગુંજન પુસ્તક સામે જોઈ રહ્યો.
ઉન્મત વિચાર, નિર્વિચારમાં નમાવીને,
ડંખતી ફરિયાદ, નીરવ યાદોમાં વારીને,
વસમાં વિયોગને, સુરાગમાં સમાવીને,
અંતર અંગતને, અજાણ જન બનાવીને
…હું જીવતા શીખી જઈશ.પોતાના હાથને પરાણે લંબાવી તેણે પુસ્તક ઉઠાવ્યું, અને એક કાગળ નીચે સરી પડ્યો. ‘અરે આ તો અંજલિના હસ્તાક્ષર છે.’ ધડકતા દિલથી તેણે વાંચવાનું શરૂ કર્યું.
“પ્રિય શોમ, હું જઈ રહી હતી, પણ જાણે મારા સારા નસીબથી, આકસ્મિક સંજોગોએ મને અહીં રોકી લીધી. એક સપ્તાહમાં ઘણું બની ગયું, કદાચ મારી જિંદગી બદલાઈ ગઈ. તારો અને અંકલ-આન્ટીનો નવો પરિચય થયો. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે મજબૂત પરિવાર કેવી રીતે અન્યોન્યની કાળજી લે છે તે મેં જોયું. છેક કેલિફોર્નિયાથી બહેન નીના કેટલી નજીક લાગે છે! હું મારું સૌભાગ્ય ગણું છું કે હજી પણ જોષી પરિવાર મને આવકારે છે.
ઓ’મારા પ્યાર! હું જતાં જતાં એ કહેતી જાઉં છું કે હવે મારા માટે શોમ સિવાય બીજો કોઈ જીવનસાથી હું કલ્પી નથી શકતી. નિર્ણય લેવાનું તારા પર છોડું છું. તને વિચાર કરવા પૂરતો સમય મળી શકે તેથી આ પત્ર છોડી જાઉં છું. …આતુરતાથી તારા જવાબની રાહમાં…અંજલિ.”
શોમ ‘યાહૂ’ની બૂમ પાડી તેના રૂમમાંથી બહાર ધસી આવ્યો, “એ મને પ્રેમ કરે છે!!!” કહેતો પાછલું બારણું ખોલી, વરસાદમાં આમતેમ, અહીંતહીં ઝૂમી રહ્યો. રમેશ અવાજ સાંભળી બેઠક રૂમમાં આવ્યા અને કાચના દરવાજાની બહાર જોઈ રહેલી માહીને આશ્ચર્યથી પૂછ્યું, “શુ થયું તારા પ્રિન્સને?”
“’એ મને ચાહે છે’ કહીને દોડ્યો. જુઓ તો કેવો વરસાદમાં ભીંજાઈ રહ્યો છે!” અને માતા-પિતા આનંદમાં પાગલ પુત્રને કાચના બારણાં પાછળ ઊભાં ઊભાં જોઈ રહ્યાં. શોમના ફફડતા હોઠ શું બોલી રહ્યા છે તેની ધારણા કરી રહ્યાં…
સુજલ વર્ષા વંટોળની વચાળ,
વીજ ઘેલી નહીં રોકી રોકાય,
દ્યુત પલમાં તૃપ્ત ને તરબોળ,
આજ સંપૂરણ સૃષ્ટિ રસરોળ.શોમને તેની મસ્તીમાં છોડી માતા-પિતા પોતાના કામમાં હોય તેવો દેખાવ કરવામાં વ્યસ્ત થઈ ગયાં. થોડા સમય પછી ફોન પર વાતો કરવાનો હળવો અવાજ આવતો હતો.
શોમે કપડાં બદલી તરત ગોઆ ફોન જોડ્યો હતો. “હલ્લો, વ્હાલી! હમણાં જ તારો પત્ર વાંચ્યો…”
“પણ આટલા બધા દિવસોની વાર કેમ? હું તો અહીં મરી રહી હતી.” અંજલિ અત્યાનંદથી બોલી.
શોમે ખુલાસો કર્યો અને પછી મીઠી ગોષ્ટીમાં લાંબો સમય નીકળી ગયો.
“હું હમણાં જ દરિયાકિનારે ચાલીને આવી. અરૂણોદય જોતાં કલાપીની પંક્તિઓ મારા હૈયામાં ગુંજી ઊઠી… “ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;” હું ખુલ્લા અવાજે ગાઈ રહી હતી જાણે તું ત્યાં સાંભળવાનો હોય! મને ભણકારા વાગતા હતા કે આજે કંઈક ખાસ થવાનું છે.”
“મને આ બધા મધુરા શબ્દો સમજાયા નહીં. ત્યાં આવું ત્યારે એ જ સાગર કિનારે મને સમજાવજે. ત્યાં સુધી મીઠા સપના…”
અંજલિ ખુશ થઈને બોલી, “આ સમાચાર કહેવા મમ્મી પાસે દોડી જાઉં, મારે અત્યારે જ આલિંગન જોઈએ છે…પણ તું નહીં, તો મમ્મી. je t’aime…”
“હું પણ તને પ્રેમ કરું છું. વાહ! ફ્રેંચ આવડે છે…પોંડિચેરીમાં રહ્યાનો લાભ. ફરી વાત કરશું”
લગભગ સુવાનો સમય થવા આવ્યો હતો. રમેશ અને માહી શિવકુમારનું સંતૂર સાંભળી રહ્યા હતા. શોમને બહાર આવતો જોઈ સંગીત ધીમું કરી તેની વાત ઉત્સુકતાથી સાંભળવા તૈયાર થઈ ગયાં.
“મોમ, ડેડ, અંજલિ અહીં એક પત્ર મૂકી ગઈ હતી જે મેં આજે વાંચ્યો. અમે એકબીજાથી આજે વચનબદ્ધ થયા અને લગ્ન કરવાનું નક્કી કર્યું છે.” શોમનું વાક્ય પૂરું થતા જ બંને જણાએ વ્હાલથી દીકરાને બાથમાં લઈ લીધો.
“અમને બધી વાત કર…તેનાં મમ્મીને, મારા મુસ્લિમ હોવા સામે, કોઈ વાંધો તો નથી ને?” માહીએ પૂછ્યું.
“મેં અંજલિને તે વિષે પૂછ્યું તેના જવાબમાં તેણે કહ્યું કે તેનાં મમ્મી-પાપા હંમેશા માનતાં આવ્યાં છે કે સૌથી ઊંચો માનવધર્મ છે. લોકોએ ધર્મના વાડા બનાવેલાં છે, તેમાં તમારો ધર્મ જ ઉત્તમ છે તેવું કેવી રીતે માની શકાય?”
“અંજલિ આવા વિચારોવાળા માતા-પિતાની જ દીકરી હોઈ શકે, તે સ્પષ્ટ થાય છે.” રમેશ બોલ્યા.
ત્યાર બાદ ફોન પર નીના અને રૉકી અને પાછળ અયનનો અવાજ સૌના આનંદના તરંગોને વીંટળાઈ વળ્યો. બે ચાર દિવસો આમ આનંદના નશામાં પસાર થઈ ગયાં. નવેસરથી અંજલિના મમ્મી સાથે શોમનો પરિચય કરાવવામાં આવ્યો. વૈદ્ય ભાણજીના મુક્ત હાસ્ય અને આશિર્વાદનો શોમને અવારનવાર લાભ મળવા લાગ્યો.
થોડા સપ્તાહને અંતે નીના, રૉકી અને અયન હ્યુસ્ટન આવ્યા. માહીના ચેકઅપનો સમય નજીક આવી રહ્યો હતો. એ સાંજે માહીની તબિયતની ચર્ચા થયા પછી, શોમ અને અંજલિના ભવિષ્યની વાતો થવા લાગી.
“ભઈલા, તેં અંજલિ માટે કંઈક વિશેષ કર્યું કે નહીં?” નીના બોલી.
શોમ મૂંઝવણમાં પડી ગયો, “શું કરું?”
“શોમ, સગપણની રસમ બાકી છે ને, તો એ વિશે વિચાર.” રૉકીએ સૂચન કર્યું.
માહી અને રમેશ આઈસ્ક્રીમ લઈને આવ્યાં અને બધા વાતો ભૂલીને ખાવામાં મશગૂલ થઈ ગયાં. શોમ ઊઠીને ઘરની અંદર ગયો. થોડીવારમાં લગભગ દોડતો બહાર આવીને કહે,
“બધું ગોઠવાઈ ગયું છે.”
“વાહ! અમને જલ્દી જણાવ તો ખરો,” નીના બોલી.
“શાંતી, શાંતી, બહેના! થોડી રાહ તો જો…” શોમ આરામથી આઇસ્ક્રીમ ખાતો મીઠી મુસ્કાન સાથે…નીનાની અકળામણ જોઈ રહ્યો.
—— કમશઃ
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com -
હસરત જયપુરી – શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૧
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
હસરત જયપુરી (મૂળ નામ – ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) બહુ સહજ કવિ હતા. ફિલ્મોમાં ગીતકારની ભૂમિકામાં પોતાને ગોઠવી લીધા પહેલાં, અને પછી પણ, તેઓ ‘કવિ’ તો રહ્યા જ હતા. ફિલ્મોમાં પરિસ્થિતિની માંગ મુજબ તેઓ ઉર્દુની છાંટ સાથે રોમેંટીક ગીતો લખતા, ગીતોના બોલ લોકભોગ્ય રહે તે વિશે ખાસ પણ રાખતા હશે. પણ તેને કારણે તેમનામાંનો ‘કવિ’ ક્યારે પણ મુર્ઝાઈ ન ગયો. તેમને ગીતકાર સિવાય પણ ઓળખતા ઉર્દુ પદ્યના જાણકારોમાં તેમનું સ્થાન હંમેશાં માન ભર્યું રહ્યું.કવિ હોવા છતાં તેમનાં નાણાંની જરૂરિયાત વિશેની કોઠાસૂઝ પણ કંઈ કમ નહોતી. ફિલ્મોનાં ગીતો લખવાથી થતી આવકની બચતમાંથી તેમણે રિયલ એસ્ટેટમાં એ પ્રકારે રોકાણો કર્યાંકે તેમના ગીતકાર સિવાયના મુખ્ય આવક સ્રોત ઉપરાંત બીલકુલ અલગ જ પ્રવાહમાંથી આવતી આવક તેમના ગીતકાર તરીકેના નબળા દિવસોમાં પણ પોતાનં કુટૂંબની જરૂરિયાતો પુરી કરી શકે.
શૈલેંદ્ર સાથે શંકર જયકિશન સાથે ૧૯૦થી વધુ ફિલ્મોનાં ગીતો લખવા ઉપરાંત તેમણે અન્ય સંગીતકારો સાથે પણ સંખ્યાત્મક અને ગુણાત્મક સ્તરે એટલું જ માતબર કામ કર્યું. તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે દર એપ્રિલ મહિનામાં વર્ષ ૨૦૧૭થી શરૂ કરીને. હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં ઓછાં સાંભળવા મળતાં ગીતો આપણે ખાસ કરીને સાંભળ્યાં છે . અત્યાર સુધી આપણે
૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,
૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,
૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,
૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, ,
૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં અને
૨૦૨૨માં ૧૯૬૦નાં વર્ષનાં
સાંભળ્યાં.
આજના અંકમાં આપણે હસરત જયપુરીએ હુસ્નલાલ ભગતરામ, એસ એન ત્રિપાઠી અને ઈક઼્બાલ ક઼ુરૈશી માટે રચેલાં વર્ષ ૧૯૬૧નાં કેટલાંક ગીતો યાદ કરીશું.
હુસ્નલાલ ભગતરામ
ફિલ્મ: અપ્સરા
હર દમ તુમ્હીંસે પ્યાર કિયે જા રહી હું – આશા ભોસલે, તલત મહમુદ
હુસ્નલાલ ભગતરામના અંતકાળ અને હસરત જયપુરીના મધ્યાહ્નના સમયનાં આ જોડાણે આપણને તલત મહમુદ અને આશા ભોસલેનાં એક સાવ જ સ્મૃતિલોપમાં ધરબાઈ ગયેલ ગીતની વિરલ ભેટ આપી છે.
એસ એન ત્રિપાઠી
ફિલ્મ: જાદુનગરી
ખુબ પ્રતિભાવાન હોવા છતાં પણ બી અને સી ગ્રેડની ફિલ્મોનાં સંગીત વડે જેમણે પોતાની કારકીર્દીને ટકાવી રાખી એવા અનેકવિધ પ્રૈભામુખી સંગીતકારની એક વધારે સી ગ્રેડની ફિલ્મ માટે પણ સફળતાનાં મધ્યાહ્ને હસરત જયપુરીએ ન તો ગીતો લખવાનો છોછ રાખ્યો કે ન તો ગીતોનાં પોતાનાં ધોરણ જોડે કોઈ બાંધછોડ કરી.
આખેં મેરી જાદુ નગરી રૂપ રંગીલા જાદુ ઘર…..વહી દેખે પ્યાર કે સપને ડાલ દું જિસપે એક નજ઼ર – લતા મંગેશકર
દ્રુત લયમાં સજાવેલ આ નૃત્ય ગીત માટ ઈસ એન ત્રિપાઠીએ મુખડાની રચના મધય પૂરવનાં સંગીતની ધુન પર કરી છે પણ અંતરામાં એ અસર સીધી નથી દેખાતી.
હસરત જયપુરી તો ફિલ્મનાં ટાઈટલને ગીતના બોલમાં વણી લેવા માટે જાણીતા છે જ !
લુટ લિયા રે જિયા લુટ લિયા રે…. ગોરી ગોરી ચાંદની કા કોઇ કામિની કા મીઠી મીઠી રાગીની સે લુટ લિયા – આશા ભોસલે
ભવ્ય સેટ સાથે સ્વપ્નગીતનાં સ્વરૂપે રચાયેલાં નૃત્ય ગ્તને એસ એન ત્રિપાઠીએ કલ્પનાશીલ સર્જનાત્મકતાથી વણી લીધેલ છે.
જાદુ ભરે તોરે નૈન કતીલે હમ પર જ઼ુલમ કરેં – મહેંદ્ર કપૂર, આશા ભોસલે
નૃત્ય ગીતને એસ એન ત્રિપાઠીએ યુગલ ગીતમાં વણી લીધું છે.
નીગાહોંમેં તુમ હો …. ખયાલોમેં તુમ હો …. જિધર દેખતી હું નજ઼ર આ રહે હો – લતા મંગેશકર
ગીતના બોલમાં સાખીના પ્રયોગ હસરત જયપુરીની શૈલીની એક આગવી પહેચાન રહી છે.
કૈસે વિદેશી સે નૈના લડે હૈ ….. એક પલ ભી આયે ના ચૈન રે – લતા મંગેશકર
બોલની અનોખી રચના પણ ગીતમાં વણી લેવાની હસરત જયપુરી આગવી લાક્ષણિકતા રહી છે.
દેખો આયી બસંત બહાર …… કે જિયા મોરા તુમ કો પુકારે હૈ ઓ સજના – લતા મંગેશકર
ગીતના ભાવને સરળ બોલમાં વણી લેવાની હસરત જયપુરીની ખુબી અહીં ઉભરી આવે છે.
ઈક઼બાલ ક઼ુરૈશી
ફિલ્મ: ઉમ્ર ક઼ૈદ (૧૯૬૧)
ઈક઼બાલ ક઼ુરૈશી પણ ખુબ જ પ્રતિભાવાન હોવા છતાં બહુ થોડી ફિલ્મોમાં ચમક્યા બાદ બુઝાતા ગયેલા સંગીતકારોની હિંદી ફિલ્મ ક્લબના સભ્ય છે. હિંદી ફિલ્મોની નિયતિને કેવી વક્રતા છે કે ૧૯૫૮માં ‘પંચાયત’ (તા થૈયા કરકે આના – લતા મંગેશકર , ગીતા દત્ત) થી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યા બાદ બિંદિયા, ૧૯૬૦ (મૈં અપને આપ એ ઘબરા ગયા હું – મોહમ્મદ રફી), લવ ઈન સિમલા, ૧૯૬૦ (દર પર આયેં હૈ ક઼સમ લે – મુકેશ) , ચા ચા ચા ,૧૯૬૪ (સુબહ ન આઈ શામ ન આઈ, વો હમ ન થે વો તુમ ન થે – મોહમ્મદ રફી) જેવાં ગીતોના સર્જક ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયા.
ફિલ્મનાં મુખ્ય કલાકારો સુધીર (મુઝે રાત દિન યે ખયાલ હૈ , મુકેશ), નઝીમા (ઓ પિયા જાના ના … મેરી આંખોંકી નીંદે ચુરાના ના – આશા ભોસલે) અને હેલન (ખુબ સશક્ત પાત્રાલેખન સાથેની ભૂમિકા)ની કારકિર્દીને અનુક્રમે વિલનના ગોઠીયા, હીરો કે હીરોઈનની બહેન કે ક્લબ ડાંસર જેવી ‘ઉમ્ર ક઼ૈદ’ની સજામાંથી જરા પણ રાહત ન અપાવી શક્યાં.
સુનો જી એક બાત તુમ હમારા દિલ હુઆ હૈ ગુમ – મુકેશ, સુમન કલ્યાણપુર
રૂઠવું મનાઇ જવું એ હિંદિ ફિલ્મોમાં પ્રેમનિ એકરાર કરવા માટેનું બહુ હાથવગું સાધન હતું. સામાન્યપણે એ માટે પિકનીક કે બાગ બગીચાની મુલાકાતો પસંદ કરાતી, પણ અહીં બીચારાં યુવાન પ્રેમીઓએ (સેટ પરનીનાં) ઘરની અગાસી પર જ ગીત ગાઈ લઈને સંતોષ માની લેવો પડ્યો છે !
દિલ વહાં હૈ જહાં હો તુમ આઓ ન કહાં હો તુમ – આશા ભોસલે
ફિલ્મમાં ખુબ સશક્ત પાત્ર અને ખાસ્સો મોટો રોલ મળવા છતાં હેલનના ભાગે ગીત તો ક્લબમાં જ ગાવાનાં આવ્યાં.
કૈસી બેખુદી કા સામના … દેખો અપને દિલ કો સામના કરના આ ગયા – આશા ભોસલે
ગીતની રચના ક્લબનાં ગીત તરીકે ન કરાઈ હોત તો પ્રેમના એકરાર માટેનું એક બહુ અનોખું ગીત બની શક્યું હોત, પણ હેલનની ઓળખ ક્લબ ડાંસર તરીકે જ થવા જ સર્જાઈ હશે એટલે ગીતને ક્લબનાં નૃત્ય ગીત તરીકે ગોઠવી દેવાયું !
શમા જો જલતી હૈ પરવાને ચલે આતે હૈં, હમ અપની આગમેં ખુદ કો જલાયે જાતે હૈં….. દિલકા ફસાના કોઈ ન જાના અપની ખુશીમેં જૂમે જમાના – મહેંદ્ર કપૂર, આશા ભોસલે
હસરત જયપુરીની મદહોશ કરતી સાખીથી ઉપાડ થતી કવ્વાલી પણ એ સમયે રેડીયો પર ઠીક ઠીક પ્રચલિત થયેલી. જોકે ગીતની વિડીયો ક્લિપમાં મોહન ચોટીને મજાકીયા અદાઓમાં ગીત ગાતાં જોઈને ગીતની મજા માણતાં માણતાં મોઢામાં કાંકરો ચવાઈ જવા જેવું અનુભવાય છે…….
બંબઈ પુરાની કલકત્તા પુરાના …… જૈસી મેરી નાનીજી વૈસે મેરે નાના – મોહમ્મ્દ રફી, કમલ બારોટ
શેરી ગીતને હસરત જયપુરી હલકા ફુલકા બોલથી સજાવી દે છે
૧૯૬૧ના વર્ષમાં હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે લખેલાં હજુ પણ કેટલાંક ગીતો હવે પછીના મણકામાં …..
-
ફિલસુફીભર્યા ગીતો – ૯ – रात गई फिर दिन आता है .. इसी तरह … ये सारा जीवन जाता है
નિરંજન મહેતા
૧૯૫૪ની ફિલ્મ ‘બૂટપોલીશ’નુ આ ગીત હતાશ બાળકોને સંબોધીને ગવાયું છે.
रात गई
ओ रात गई फिर दिन आता है
इसी तरह आते जाते है
ये सारा जीवन जाता हैकितना बड़ा सफर दुनिया का
एक रोता एक मुस्कुराता है (२)
कदम कदम रखता ही राही
कितना दूर चला जाता हैएक एक तिनके तिनके से
पंछी का घर बन जाता हैकभी अँधेरा कभी उजाला (२)
फूल खिला फिर मुरजाता है
खेला बचपन हँसी जवानी (२)
मगर बुढापा तडपता है (२)सुख दुःख का पहिया चलता है
वही नसेबा कहेलाता हैબાળકોને જીવનની ફિલસુફી સમજાવતા આ ગીતમાં ડેવિડ જણાવે છે કે જેમ રાત જાય અને સવાર આવે તેમ આ જીવનનો ક્રમ પણ ચાલતો રહે છે અને પૂરૂ જીવન વ્યતિત થઇ જાય છે.
જેમ પંખી એક એક તણખલાથી પોતાનો માળો બનાવે છે તેમ આ જગતની લાંબી મુસાફરીમાં એક એક ડગલું ભરતા મનુષ્ય કયાનો ક્યા નીકળી જાય છે તેની તેને ખબર જ નથી રહેતી.
જેમ ફૂલ ખીલીને કરમાઈ જાય છે તેમ સમજી લો કે રાત અંધારી હોય છે તો તેની પછી ઉજાશવાળો દિવસ હોય છે
બાળપણ નિર્દોષ હોય છે અને રમતમાં વીતે છે અને તે જ રીતે યુવાની મજાક મસ્તીમાં વીતી જાય છે પણ જ્યારે બુઢાપો આવે છે ત્યારે માનવી તડપતો રહે છે. આમ સુખ અને દુઃખનું ચક્ર ચાલતું રહે છે અને તેને નસીબ કહે છે.
આ ગીતનો પૂર્વાધ છે. ત્યારબાદ નાસીપાસ થયેલા બાળકો ડેવિડને પૂછે કે નસીબ એટલે શું? કોઈક અમીર હોય છે તો કોઈ ગરીબ આમ કેમ? અમારી કેમ આ પરિસ્થિતિ છે? અમારી પાસે કેમ કોઈ કામ નથી? ભીખ માંગીને અમે ક્યા સુધી જીવીશું? આમ કહી બધા બાળકો નિરાશ થઇ મો ફેરવી લે છે.
જવાબમાં ડેવિડ કહે છે કે તમે તો એક બરાબર હજાર છો તો આગળ ચાલતા રહો. ક્યાય અટકતા નહિ, ઝુકતા નહિ, ગભરાતા નહિ કારણ આ તમારી જ ભૂમિ છે. ઊંચા વિચારો રાખો અને આગળ વધતા જાઓ. આ રાત પણ ચાલી જશે અને નવી સવાર આવશે.
સરસ્વતિકુમાર ‘દિપક’ના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે આશા ભોસલે અને મન્નાડેના. ડેવિડ ઉપરાંત બાળકલાકારોમાં મુખ્ય છે બેબી નાઝ અને રતન કુમાર.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
મૂલ્યવાન વર્તણૂકો મળતી રહે તે માટેની યોગ્ય અપેક્ષાઓ પ્રસ્થાપિત કરવા માટેનાં સૂચનો
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
આપણા નિર્ણયો અને તેના પર લેવાયેલાં પગલાંઓનાં પરિણામોની ગુણવત્તાને અસર કરતાં આચરણો વિશે હું વિચારી રહ્યો હતો તે સમયે વિશે, મેં એક અવતરણ વાંચ્યું:
“તમે જે આચરણને પુરસ્કૃત કરો છો તે વધુ તમારી સામે આવશે. તમે જેની આશા રાખો છો, માગો છો, ઈચ્છો છો અથવા ઝંખો છો તે તમને મળતું નથી. તમે જેવું વાવશો તેવું તમે લણી શકશો.” – માઈકલ લબૌફ
મેનેજર અથવા વ્યાપાર ક્ષેત્રનાં અગ્રણી તરીકે, તમે જે વર્તણૂકોની શોધ કરતાં રહો છો તેને પુરસ્કૃત કરવા માટે તમારે તમારી આસપાસની વર્તણૂકોની સતત પસંદગી કરતાં રહેવું રહે છે. તમે સમયમર્યાદામાં કામ પુરૂં કરવા માટે અથવા ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરવા જેવી નાની મોટી ઘટનાઓને માટે પુરસ્કાર આપી શકો છો. પુરસ્કાર આપવા મટે ક્યાં તો પરિણામોને લગતાં જ ધારાધોરણો ઘડો અથવા તો પછી, અથવા તે પરિણામો કેવી રીતે પ્રાપ્ત થયા હતા તેનાં ધોરણો નિશ્ચિત કરીને પુરસ્કાર આપી શકો છો. તમે એવી વ્યક્તિને ઈનામ આપી શકો છો જે પોતાનાં કામ વિશે બહું બોલકું છે, અથવા તો એવી વ્યક્તિને ઈનામ આપી શકો છો જે તેના કામને બોલવા દે છે. તમારી સંસ્થાની સંસ્કૃતિના ભાગ રૂપે તમે જે ઘડતર કરો છો તેમાંનું તે ઘણું બધું તમે સમયાંતરે જે કંઈ પુરસ્કૃત કરતાં રહ્યાં છો તેનાં ફળ છે.
તમે પ્રોજેક્ટ મેનેજર હો કે વ્યાપાર અગ્રણી હો, અહીં કેટલીક પ્રક્રિયાઓઓ સુચવી છે જે તમે મૂલ્યવાન વર્તણૂકો મળતી રહે તે માટેની યોગ્ય અપેક્ષાઓ પ્રસ્થાપિત કરવા ઉપયોગમાં લઈ શકો છો –
- ગ્રાહકલક્ષી અભિગમ, અન્ય લોકો માટે આદર, પ્રમાણિકતા, લાંબા ગાળાના લાભની માનસિકતા જેવાં તમારી સંસ્થા માટે મૂળભૂત સ્તરે મહત્ત્વનાં મૂલ્યો અને વર્તનોને નક્કી કરો અને તેમારાં ખુદનાં વિચાર, વાણી અને વર્તનનાં ઉદાહરણથી શરૂ કરી સંસ્થામાં દરેક સ્તરે તે સ્વ્યંસ્વીકૃત થાય તે રીતે પ્રચલિત કરો.
- તમે લોકો પાસેથી અપેક્ષા રાખતા હો તેવા મૂલ્યો અને વર્તણૂકોનો સતત પ્રસાર કરો. તમારાં સહકર્મચારીઓ સાથે ચર્ચા કરીને તેમની મહ્ત્ત્વની જબાદારીઓમાં ચોક્કસ પરિણામો અને વર્તણૂકોને આવરી લૈ શકો છો.
- જ્યારે જ્યારે તમને ઇચ્છનીય વર્તન જોવા મળે ત્યારે તરત જ તેને મહત્ત્વ આપો અને એ વર્તન ટકી રહે તેવાં પરિબળોને વધારે સશક્ત કરો. જુઓ ત્યારે તરત જ માન્ય કરો અને મજબૂત કરો. મહત્વ આપવા અને બીજાંઓને પણ દેખાય તેમ કરવા માટે જે તે કર્મચારીઓને જાહેરમાં એ રીતે અભિનંદન આપો કે જેથી તમે તે વર્તનને સ્વીકૃતિ આપો છો તે સ્પષ્ટ થાય. યોગ્ય વર્તનની સમયસર નોંધ ન લેવાય તો એની અસર એવી પડે છે કે તમે કહો છો ખરા પણ દિલથી આવાં વર્તનની ક્યાં તો તમે કદર નથી કરતાં કે ક્યાં તો આવાં ઉદાહરણીય વર્તનની નોંધ લેવી એ તમારી પ્રાથમિકતા નથી.
- સાતત્યપૂર્ણ પ્રતિભાવોની આપલે અને સલાહ પરામર્શ દ્વારા યોગ્ય સમયે અને યોગ્ય સંદર્ભમાં કર્મચારીઓને માર્ગદર્શન પુરૂં પાડતાં રહો. તમારી ટીમના સભ્યોને માર્ગદર્શન આપવા માટે કિક-ઓફ મીટિંગ્સ,પશ્ચાદવર્તી સમીક્ષાઓ, એકલ બેઠકો અને અનૌપચારિક સત્રો જેવાં ગોષ્ઠિ સાધનોનો ઉપયોગ કરો. લોકો હંમેશા એ જાણવાનું પસંદ કરે છે કે તેમની પાસેથી શું અપેક્ષિત છે.
- પ્રશંસા, વચગાળાના પુરસ્કારો અને પ્રદર્શન મૂલ્યાંકનને તમારી વ્યૂહરચનામાં આવરી લઈને પુરસ્કૃત કરો. કાર્યસિદ્ધિ મૂલ્યાંકન દરમ્યાન એકંદર કામગીરીની સમીક્ષા કરતી વખતે તમે જે વર્તણૂકોની પ્રશંસા કરી છે તેનો ખાસ ઉલ્લેખ કરો. પ્રતિસાદની મુક્તપણે આપલે કરો.
કયા કર્મચારીઓ તમારી વ્યૂહરચનાના અમલમાં સકારાત્મક યોગદાન કરી રહ્યાં છે તે ખોળી કાઢવા સંસ્થામાં માનવ સંસાધન સંચાલન માટે ઉપલબ્ધ સૉફ્ટવેરનો ઉપયોગ કરો અને તેના ઉપયોગ વિશે પારદર્શક પણ રહો.
અને છેલ્લે: જે દેખાય છે (પરિણામો) અને તે માટેનાં વર્તન (તે પરિણામો કેવી રીતે પ્રાપ્ત થયા)ને સંકલિત કરો તો જ પુરસ્કાર તંત્ર વ્યવસ્થાને વ્યૂહરચનામાં આવરી લઈ શકાય છે. આમ રવાના ફાયદા અનેક ગણા છે કારણ કે લોકો વધુ જાગૃત બનતાં રહે છે અને વધુ સારા પરિણામો આપવા માટે સ્વયંસુરણાથી પ્રેરિત બને છે. . તેથી નિર્ણાયક પ્રશ્ન એ છે કે: “શું તમારી કાર્યસિદ્ધિ સંચાલન તંત્ર વ્યવસ્થા સંસ્થા માટે અપેક્ષિત વર્તનને પ્રેરણા મળતી રહે તે માટે સાનુકૂળ વાતાવરણ સર્જન કરી રહી છે?”
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
