-
વિરોધાભાસી વિસંગતિમાં છુપાયેલ સંગતિ
જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
વિરોધાભાસી વિસંગતિમાં છુપાયેલ સંગતિ
કેમ્બ્રિજ શબ્દકોશ ‘વિરોધાભાસી વિસંગતિમાં છુપાયેલ સંગતિ / The Paradox’ ને એવી પરિસ્થિતિ અથવા નિવેદન તરીકે વ્યાખ્યાયિત કરે છે જેમાં બે વિરોધી હકીકતો અથવા લાક્ષણિકતાઓ આવરી લેવાયેલી હોવાને કારણે પહેલી નજરે અશક્ય લાગે છે, અથવા સમજવાં મુશ્કેલ છે.
બધાં પ્રાણીઓ સમાન છે, પણ કેટલાંક બીજાં કરતાં વધારે સમકક્ષ છે. – એનીમલ ફાર્મ, ૧૯૫૪
પૅરડૉક્સ શબ્દ મૂળ લેટિન પેરાડોક્સમ પરથી આવ્યો છે, જે પાછો ગ્રીક પેરાડોક્સોસ પરથી આવ્યો છે. તે પ્રાચીન ગ્રીક શબ્દો પેરા અને ડોકેઈનનું સંયોજન છે. પેરા- એ એક ઉપસર્ગ છે જેનો અર્થ થાય છે “-ની પેલી પાર / બિયોન્ડ”, જ્યારે ડોકેઇન એ ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે “વિચારવું.” બન્નેને જ્યારે જોડીએ છીએ તો તેનો અર્થ થાય છે- “વિચારની પેલી પાર.” આમ ‘વિરોધાભાસ / પૅરડૉક્સ’ એ એક એવો વિચાર છે જે તમને તમારા વિચારની સામાન્ય, અપેક્ષિત મર્યાદાઓની પેલી પાર વિચારવા માટે દબાણ કરે છે.વિરોધાભાસ સામાન્ય રીતે પહેલી નજરે પરસ્પર અસંબંધિત ઘટકોનો સમાવેશ કરે છે જે એકસાથે અસ્તિત્વ ધરાવે છે અને વધારે વિચાર કર્યા પછી પણ એકબીજાંની સાથે જ વળગી રહે છે. . સામાન્ય વપરાશમાં, “પૅરડૉક્સ” શબ્દ ઘણીવાર એવા નિવેદનોનો ઉલ્લેખ કરે છે જે માર્મિક અથવા અણધાર્યા હોય, જેમકે, “કંઈ કર્યા વિના થાકી જવું.” કલ્પના કરો કે જ્યારે તમે સફર પર ગયાં હો અને માત્ર કાર અથવા ટ્રેનમાં કંઈ કર્યા વિના બેસી રહેવાનું આવે તો દિવસના અંતે, જો તમે વ્યસ્ત હોત તેના કરતાં તમે કદાચ વધુ થાક અનુભવો છો.
સમાન અર્થી જણાતા અલગ અર્થ ધરાવતા પારિભાષિક શબ્દો
અંગ્રેજી ભાષામાં એવા કેટલાક પારિભાષિક શબ્દો છે જે સામાન્ય સમજ પ્રમાણે તો ‘પૅરડૉક્સ’ જ લાગે પણ શબ્દકોશ તેમને બહુ જ સૂક્ષ્મ પણ અલગ અર્થમાં રજુ કરે છે. ગુજરાતી ભાષામાં તો આ અંગ્રેજી શબ્દોના કદાચ અલગ ગુજરાતી પર્યાય પણ આપણને નહીં મળે, એટલે મૂળ અંગ્રેજી શબ્દ જ અહીં વાપરેલ છે.
ઑક્સિમૉરન /વિરોધાભાસ (અલંકાર) : ઑક્સિમૉરન એ એક એવો અલંકાર છે જેનો અર્થ સ્વ-વિરોધાભાસી હોઈ શકે છે (દુશ્મનનો દુશ્મન એ મિત્ર છે). બીજા શબ્દોમાં કહીએ તો ઑક્સિમૉરન વિરોધી અર્થ ધરાવતા શબ્દો (જીવતું હાડપિંજર) નું સંયોજન છે.
ઑક્સિમૉરન શબ્દ પોતે જ એક ઑક્સિમૉરન છે, કારણ કે ગ્રીકમાં તેનો અર્થ ઓક્સસ (તીક્ષ્ણ, આતુર) અને મોરોસ (નીરસ, મૂર્ખ), એટલે કે ‘તીક્ષ્ણ મૂર્ખ‘ થાય છે.
ઍન્ટનિમ / વિપર્યાય – વિરોધી અર્થોવાળા શબ્દોની જોડીવાળા શબ્દ (સ્ત્રીપુરુષ) થી ઑક્સિમૉરન (વ્યાપાર ઉદ્યોગનું નીતિશાસ્ત્ર) બનતા નથી કારણ કે કોઈપણ પદાર્થમાં એક સાથે બે વિરોધી ગુણધર્મો હોય એવું સુચિત નથી.
ડાઇકૉટમી / દ્વિભાજન એ બે વસ્તુઓ વચ્ચેનું એવું વિભાજન અથવા વિરોધાભાસ છે જે વિરોધ અથવા સંપૂર્ણપણે અલગ તરીકે દર્શાવવામાં આવે છે (રાતદિવસ). ડાઇકૉટમી બ્રહ્માંડના મુખ્ય લક્ષણોમાંનું એક હોવાનું જણાય છે. દરેક વિરોધાભાસી લાક્ષણિકતાઓ જ્યાં એક સાથે જ જોવા મળે છે એવું બ્રહ્માંડ પોતે જ પદાર્થ અને પ્રતિપદાર્થની બિબ બૅન્ગ સમયે સરખી હાજરીમાંથી પેદા થયેલ છેચાર્લ્સ ડિક્ન્સની વિખ્યાત નવલકથાની શરૂઆત જ ડાઇકોટમીથી છે –
“એ શ્રેષ્ઠ સમય હતો, અને સૌથી ખરાબ સમય હતો, એ ડહાપણનો સમય હતો તો નરી મૂર્ખતાનો પણ હતો, એ શ્રધાનો યુગારંભ હતો તો અંધશ્રદ્ધાના ઉદયનો પણ સમય હતો, એ જેટલો પ્રકાશનો સમય હતો એટલો જ અંધકારનો પણ હતો, એ આશાની વસંત હતી તો આશાભંગનો થીજાવી નાખતો શિયાળો પણ હતો […]
ડાઇકોટમી શબ્દ ગ્રીક ડિચા (બેમાં) અને ટોમ (કાપ, ચીરો) પરથી આવ્યો છે, એટલે કે, ‘વિભાજન કાપ (પૈસાદાર અને ગરીબ વર્ગની જીવન પદ્ધતિ)
આઈનસ્ટાઈનનું કથન આ વિશે બહુ સુચક છે -: ધર્મ વિનાનું વિજ્ઞાન લંગડું છે, વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે. વિશ્વાસ અને તર્ક એકસાથે વિરોધાભાસી હોવાની સાથે એકબીજાંનાં પૂરક પણ છે.
એન્ટિથેસિસ/પ્રતિસિદ્ધાંત એવું કથન છે જેમાં બે તદ્દન વિરોધી વાત/વિચારો હોય છે પણ સાથે વાંચતાં એ બે વિરોધી બાબતો અર્થપૂર્ણ હોય છે. એન્ટિથેસીસ (ગ્રીકમાં “વિરોધી ગોઠવણી” – ἀντι- “વિરુદ્ધ” અને θέσις “ગોઠવણી” -માંથી)નો ઉપયોગ લેખિત અથવા વ્યક્તવ્યોમાં કાં તો એવા પ્રસ્તાવ તરીકે થાય છે જે અગાઉ ઉલ્લેખાયેલા કેટલાક પ્રસ્તાવ સાથે વિરોધાભાસી હોય, અથવા અવળો અર્થ સુઝાડે, અથવા જ્યારે વિરોધાભાસ માટે બે વિરોધી વાતો જ એકસાથે રજૂ કરવામાં આવે. વિરોધી અથવા વિરોધાભાસી લાગતા વિચારોનો અસરકારક ઉપયોગ દલીલને મજબૂત કરવા માટે થાય છે. પ્રતિસિદ્ધાંતો સામાન્ય રીતે શબ્દોનાં સંતુલન અને તેમના પર મુકાતા ભાર દ્વારા વાચક અથવા શ્રોતા માટે વાક્યને વધુ યાદગાર બનાવે છે. દાખલા તરીકે –
બોલવાનું હોય ત્યારે ચુપકીદી સેવવી અને જ્યારે મૌન રહેવું જોઈએ ત્યારે બોલી પડવું એ બે બાબતો મનની નબળાઈ દર્શાવે છે . (સાદી શિરાઝી)
તમારો દેશ તમારા માટે શું કરી શકે તે ન પૂછશો પણ પૂછો કે તમે તમારા દેશ માટે શું કરી શકો છો. – જ્હોન એફ. કેનેડીનું પ્રુમુખ તરીકે પદભાર સંભાળતી વખતે કરેલ પ્રવચન, ૧૯૬૧.
આપણે અહીં શું કહીશું તેની વિશ્વ ભાગ્યે જ નોંધ લેશે કે લાંબા સમય સુધી યાદ રાખશે, પરંતુ તેઓએ અહીં જે કર્યું તે વિશ્વ ક્યારેય ભૂલી શકશે નહીં. (અબ્રાહમ લિંકન, ગેટિસબર્ગ વક્તવ્ય, ૧૮૬૩.
મારું એક સપનું છે કે મારા ચાર નાના બાળકો એક દિવસ એવા રાષ્ટ્રમાં જીવશે જ્યાં તેમનું મૂલ્ય તેમની ત્વચાના રંગથી નહીં પરંતુ તેમના ચરિત્રનાં મૂળ તત્ત્વના આધારે કરવામાં આવશે. (માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, લિંકન મેમેઓરિયલ, વોશિંગ્ટન ડી.સીંઆં ૨૦ ઓગસ્ટ ૧૯૬૩ના દિવસે આપેલું વ્યક્તવ્ય.)

આઈરની / વક્રોક્તિ એવી પરિસ્થિતિ કે જેમાં કોઈ ચોક્કસ પરિણામ લાવવાનો ઈરાદો હોય પણ ખરેખર વિપરીત અથવા ખૂબ જ અલગ પરિણામ આવે. –
ઉદાહરણ – જીવનની એવી વિડંબના છે કે તમે જે વસ્તુઓ હંમેશા ઇચ્છતા હો તેના માટે તમે પૂરતા પૈસા કમાઈ લો ત્યાં સુધીમાં, તમારી પાસે તેનો આનંદ માણવાની શક્તિ નથી રહેતી.
વક્રોક્તિ એવા શબ્દોનો ઉપયોગ પણ છે જે તમે જે કહેવા માગો છો તેનાથી વિરુદ્ધ છે, દાઢમાં કાંકરો રાખીને રમૂજી સ્વરમાં ભારેખમ વાત સંભળાવી દેવા પણ વક્રોક્તિ વપરાય છે. – ઉદાહરણ- મારાં બધા રહસ્યો ખુલ્લા કરીને બહુ સારૂં કર્યું.

-
સુખનું સરનામું
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
સમયની સાથે તાલ મેળવવાની કે જે તે ક્ષેત્રમાં ટકી રહેવાની મહત્વકાંક્ષા પરિપૂર્ણ કરવા માટે કેટલી માનસિક સજ્જતા રાખવી પડે એનાથી આજે કોણ અજાણ છે? કેટલાક એવા છે જેમના પર પોતાના સપના સાકાર કરવાની ભરચક જવાબદારીઓ છે અને એને પહોંચી વળવાની મથામણના લીધે માનસિક તાણ અનુભવે છે તો કેટલાક એવા ય છે જેમની પાસે કલ્પના કરતાં ય વધુ સમૃદ્ધિ છે, સાત પેઢી ખાય તો ય ન ખૂટે એવા ધન ભંડાર ભરેલા છે ત્યારે એમને સમય અને પોતાની શક્તિનો ક્યાં ઉપયોગ કરવો એની મથામણ છે.
એવા જ એક ધનાઢ્ય પરિવારની મહિલા માનસચિકિત્સક પાસે પહોંચી. અત્યંત મોંઘા અને બ્રાન્ડેડ વસ્ત્રોમાં સજ્જ એવી મહિલાને પોતાને એવું લાગતું હતું કે એનું જીવન અર્થહિન છે. કોઇ ધ્યેય વગરના જીવનને લીધે એ અત્યંત નાસીપાસ થઈ ગઈ હતી. અહીં આ કેબિનમાં માનસચિકિત્સક પાસે આવતી વ્યક્તિ પુરેપુરી ઠલવાઇ જાય એ જરૂરી હોય છે એટલે માનસચિકિત્સકે શાંતિથી એ મહિલાની વાત સાંભળી લીધી.
ત્યારબાદ ડૉક્ટરે એમની ઓફિસ સાફ કરતી બાઇને બોલાવી. ધનાઢ્ય મહિલાને કહ્યું કે હું ઇચ્છું છું કે કોઇપણ ટ્રીટમેન્ટ ચાલુ કરું એ પહેલા આની વાત સાંભળી લો. કામ કરતી બાઇએ પોતાના હાથમાંથી સફાઇના સાધનો એક બાજુ મૂક્યા અને વાત માંડી.
એના કહેવા પ્રમાણે એનો પતિ થોડા સમય પહેલા કેન્સરથી બિમારીમાં ઝઝૂમીને મૃત્યુ પામ્યો હતો. એનો દિકરો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. હવે એની સાથે કોઇ નહોતું, એની પાસે કશું જ નહોતું. આ બેવડા આઘાતના લીધે એ એવી તો સન્ન થઈ ગઈ હતી કે એના કહેવા પ્રમાણે રાતે એ સૂઇ પણ શકતી નહોતી, ખાવાની પણ સૂધ રહી નહોતી. એ સ્મિત કોને કહેવાય એ ભૂલી ગઈ હતી. જીવવા માટે કોઇ કારણ નહોતું. અત્યંત હતાશાએ એને ઘેરી લીધી હતી અને પરિણામે એને પોતાના જીવનનો અંત આણવાની ઇચ્છા થઈ આવતી. પછી એક દિવસ એવું બન્યું કે એ ઘેર પાછી વળતી હતી ત્યારે બિલાડીનું એક નાનકડું બચ્ચુ એની પાછળ પાછળ એના ઘર સુધી આવી ગયું.
“કોને ખબર કેમ પણ મને એ બચ્ચાની દયા આવી ગઈ. એ બાઇએ પોતાની વાત માંડી. બહાર સખત ઠંડી હતી એટલે મેં એને ઘરની અંદર લીધું. એક પ્લેટમાં થોડું દૂધ ભરીને એની પાસે મુક્યું. બચ્ચાએ પળવારમાં બધુ દૂધ ચાટી પ્લેટ સફાચટ કરી દીધી પછી એ મારા પગ પાસે બેસીને મારા પગને ચાટવા માંડ્યુ. કેટલાય સમય પછી મારા ચહેરા પર સ્મિત ફરક્યું. એ પછી મને વિચાર આવ્યો કે જો આટલા નાના બચ્ચા માટે આટલું અમસ્તું કર્યું તો મને મારું ખોવાયેલું સ્મિત પાછું મળ્યું તો વધારે લોકો માટે જો કંઇ કરી શકું તો કદાચ મારા મનને વધુ આનંદ મળશે. એટલે બીજા દિવસે મેં થોડા બિસ્કિટ બેક કર્યા અને મારા પાડોશી જે કેટલાક સમયથી પથારીમાં હતા એમના માટે લઈને ગઈ. કોઇક છે જે તમારી પરવા કરે છે એ વિચારથી એ રાજી થયા. એમનો રાજીપો જોઇને મને પણ આનંદની સાથે સંતોષ થયો. તે દિવસથી હું અન્ય કોઇ માટે કંઇ સારુ કરવાનો પ્રયત્ન કરું છું, કોઇને પણ મારાથી બની શકે એટલી મદદ કરવા પ્રયત્ન કરું છું અને એના લીધે એમને ખુશ જોઇને મને પણ ખુશી મળે છે. આજે મને લાગે છે કે મારાથી વધારે સારી ઊંઘ ભાગ્યેજ કોઇને આવતી હશે. અન્યને ખુશી આપવાથી આનંદ શું છે એ મને સમજાયું છે. આજે મને મારા જીવવાનો મતલબ સમજાયો છે.”
બાઇએ પોતાની વાત પુરી કરી અને એની વાત સાંભળીને પેલી શ્રીમંત મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એને સમજાયું કે એની પાસે દુનિયાભરની એ તમામ ભૌતિક વસ્તુઓ હતી જે એ પૈસા ખર્ચીને ખરીદી શકતી હતી પણ એણે જે ખોયું હતું એ દુનિયાભરનો પૈસો ભેગો કરીને પણ ખરીદી શકે એમ નહોતી.
સીધી વાત– આપણે કેટલા ખુશ છીએ એના પર જીવનની સાર્થકતા નિર્ભર નથી પણ આપણા થકી બીજા કેટલા ખુશ થઈ શકે છે એમાં જીવનની સાર્થકતા છે. પ્રસન્નતા એ મંઝીલ નથી પણ એક સફર છે કે જેમાં આપણે જેટલાને સામેલ કરી શકીએ સુખ એટલું બેવડાય છે. સુખની સફરને કાલ પર નિર્ભર ન રાખી શકીએ. એ તો આજે જ, આ ક્ષણથી શરૂ થવી જોઇએ. પ્રસન્નતાનો પ્રવાસ અન્ય કોઇ સમય પર અવલંબિત ન રાખતા આજથી – આ ક્ષણથી અમલમાં મુકવાનો પ્રયાસ છે- પ્રસંગ છે. તમારી પાસે શું છે એના કરતાં તમે શું કરી શકો છો એમાં પ્રસન્નતા સમાયેલી છે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વેનિસના જળમાર્ગોમાં પાણી ઓસરી શકે? હા.
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પશ્ચિમમાંથી વિવિધ લોકો ભારતમાં આવ્યા અને ભૌગોલિક વિવિધતાવાળા અનેક ભારતીય પ્રદેશો તેમણે ખૂંદ્યા ત્યારે અનેક પ્રદેશોનું ભૌગોલિક સામ્ય તેમને યુરોપના વિવિધ પ્રદેશો સાથે જણાયું. તેમણે એ વિવિધ પ્રદેશોને યુરોપીય સંદર્ભથી ઓળખાવ્યા. આમ તો, આ લક્ષણ મોટા ભાગના લોકોનું હોય છે, પણ પશ્ચિમમાંથી મળેલાં આવાં લેબલ પછી સ્થાનિકો છૂટથી વાપરતા થઈ જાય છે. ફ્રાન્સમાં એક જ પેરિસ છે, પણ ગુજરાતના ચરોતર પ્રદેશમાં એથી વધુ પેરિસ ગણાતાં ગામ આવેલાં છે. કાશ્મીર ‘ભારતનું સ્વીત્ઝરલેન્ડ’ ગણાયું, તો શ્રીનગર ‘ભારતનું વેનિસ’ કહેવાયું. બંગાળનું બરીસાલ તેમજ દક્ષિણે કેરળના અલેપ્પી શહેરને પણ ‘પૂર્વનું વેનિસ’ કહેવામાં આવ્યું. અનેકવિધ જળમાર્ગો હોવાને કારણે એવા કોઈ પ્રદેશની વેનિસ સાથે સહજતાથી સરખામણી કરવામાં આવે છે. એટલે કે જળમાર્ગ હોય એવા કોઈ પણ શહેરની સરખામણી માટે વેનિસને એક માપદંડ બનાવી દેવામાં આવ્યું છે. પણ હાલ પરિસ્થિતિ એવી ઊભી થવા લાગી છે કે વેનિસની એ ઓળખ જોખમમાં આવી પડી છે. ત્યાંના જળમાર્ગોમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે.
ઈટાલીમાં આવેલું વેનિસ શહેર વિશ્વભરના પ્રવાસીઓનું પ્રિય સ્થળ છે. ‘નહેરોના નગર’ તરીકે ઓળખાતા આ શહેરમાં જળમાર્ગો દ્વારા પરિવહન થાય છે. અહીંનું ભૂપૃષ્ઠ વિશિષ્ટ છે. સીત્તેરેક હજાર હેક્ટરમાં ફેલાયેલું ખારા પાણીનું સરોવર એડ્રિયાટીક સમુદ્ર થકી સર્જાયેલું, પણ તેનાથી અલગ છે. એમાં નાના નાના ૧૧૮ ટાપુઓ આવેલાં છે. આ ટાપુઓ પર અનેક પ્રાચીન ઈમારતો, દેવળ છે. પાંચમી સદીથી અહીં કામચલાઉ વસાહતો કાયમી બનવા લાગી. એ પછીના સમયગાળામાં અહીંનું વિશિષ્ટ ભૂપૃષ્ઠ પ્રવાસીઓને આકર્ષતું રહ્યું. ગોન્ડોલા તરીકે ઓળખાતી સ્થાનિક હોડીઓમાં સફરનો લહાવો અનેક પ્રવાસીઓ લેતા રહે છે. અત્યાર સુધી વેનિસમાં પૂર આવવું સામાન્ય બાબત હતી. છેલ્લે 2019માં આવેલું પૂર 1966માં આવેલા પૂર પછીનું સૌથી મોટું પૂર હતું, જેણે ઘણું નુકસાન કર્યું હતું. એથી વિપરીત, હવે પૂરતા વરસાદના અભાવે તેમજ દરિયાનાં ઓસરતા પાણીને લઈને અહીંની વિશાળ નહેરો સૂકાવા લાગી હોવાના અહેવાલ છે. ‘યુનેસ્કો’ અનુસાર, ‘વેનિસ અને તેના સરોવરનો વિસ્તાર એવી જીવંત પ્રક્રિયાનું પરિણામ છે કે જે અહીંના લોકો તેમજ તેમના પ્રાકૃતિક પર્યાવરણની જૈવપ્રણાલિ વચ્ચેના સંબંધને અદ્ભુત રીતે દર્શાવે છે.’
મોટા ભાગનું પરિવહન નહેરોમાં હોડીઓ મારફત થતું હોય એ સ્થિતિમાં નહેરો સૂકાવાને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાવા લાગે એ સ્વાભાવિક છે. સૌથી મોટી મુશ્કેલી અહીંની ‘એમ્બ્યુલન્સ બોટ’ માટે પેદા થઈ છે. દર્દીને લેવામૂકવા માટે ઉપયોગમાં લેવાતી આ હોડીઓ નિર્ધારીત સ્થાનને બદલે ઘણી દૂર રાખવી પડે છે, કેમ કે, છેક સુધી તેને લઈ જઈ શકાય એટલો પાણીનો પ્રવાહ હવે રહ્યો નથી.

Photograph: Manuel Silvestri/Reuters અનેક હવામાનવિદ્ના જણાવ્યા અનુસાર સમગ્ર શહેર ઊંચા દબાણનો ભોગ બન્યું છે, જેને કારણે દરિયાનાં પાણી ઓસરી રહ્યાં છે અને પાણીનું સ્તર ઘટતું ચાલ્યું છે.
એમાં પણ, ૨૦૨૨ના ઉનાળાથી સમગ્ર વિસ્તારની નદીઓ અને સરોવરોમાં પાણીની તીવ્ર અછત સર્જાયેલી છે. ઈટાલીયન પર્યાવરણવિદ્ સંગઠન ‘લેગામ્બીઅન્તે‘ના જણાવ્યા અનુસાર આગામી મહિનાઓમાં આ અછત તીવ્રતર બને એવો ભય સેવાઈ રહ્યો છે. ઈટાલિયન આલ્પ્સ પર આ વખતે થયેલી હિમવર્ષાનું પ્રમાણ સામાન્ય કરતાં અડધાથી ઓછું છે. વસંત ઋતુ અને ઉનાળા દરમિયાન આ બરફ ઓગળતાં તે પાણીનો મહત્ત્વનો સ્રોત બની રહે છે. હિમવર્ષાના ઓછા પ્રમાણે આ શક્યતા ઘટાડી છે. તદુપરાંત આલ્પ્સમાંથી નીકળીને એડ્રિઆટિક સમુદ્ર સુધી લંબાતી ઈટાલીની સૌથી લાંબી નદી પોમાં આ વરસે સામાન્ય કરતાં પાણીનો જથ્થો ૬૧ ટકા ઓછો છે. એ જ રીતે, ઈટાલીના સૌથી વિશાળ સરોવર ગાર્ડામાં પણ પાણીનું સ્તર ઓછું છે.
2022માં ઈટાલીમાં છેલ્લા સીત્તેર વર્ષમાં ન હોય એવો ભીષણ દુષ્કાળ પડ્યો હતો. નિષ્ણાતો માને છે કે હજી એની અસરમાંથી ઈટાલી પૂરેપૂરું બહાર આવી શક્યું નથી. ઈટાલીની નદીઓ અને સરોવરો પર જળવાયુ પરિવર્તનની થતી અસર બાબતે વિજ્ઞાનીઓ દાયકાઓથી ચેતવતા આવ્યા છે, પણ એકે સરકારે એ અંગે નક્કર પગલાં લીધાં ન હોવાનું ‘નેચર’ નામના સામયિકનો એક અહેવાલ જણાવે છે. તેમાં દર્શાવ્યા અનુસાર ઈટાલી પર, ખાસ કરીને આલ્પ્સના વિસ્તારમાં જળવાયુ પરિવર્તનની અસરનો ખતરો પૂરેપૂરો છે અને એ કટોકટીનો સામનો કરવાની પ્રાથમિકતા હોવી જોઈએ.
વેનિસ જેવા, જળમાર્ગો જેની સદીઓથી ઓળખ રહ્યા છે એવા શહેરમાં નહેરોનું સૂકાવું ચિંતાજનક ઘટના છે. તો ઘરઆંગણે હિમાલયનાં અનેક ગ્લેશિયર સતત પીગળતા રહ્યા હોવાની ચેતવણી આપણે ત્યાં સામાન્ય બાબત બની રહી છે. કુદરતી સંસાધનોનો અકુદરતી રીતે, અમાનવીય રીતે વેડફાટ કરી કરીને આખરે આ તબક્કે માનવજાત પહોંચી છે. અલબત્ત, આ હજી આખર નથી, પણ આરંભ છે. હજી આપણે જાગતા નથી, જાગવા માગતા નથી. વિકાસના નામે શરૂ થયેલી આંધળી દોટની કોઈ મંઝીલ નથી. સંસાધનોનો પહેલાં આડેધડ વેડફાટ કરીને તેમને નષ્ટ કરવાને આરે મૂકી દેવાં અને પછી તેના સંવર્ધન અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવા એ જાણે કે સહુ કોઈએ અપનાવેલી સ્વીકૃત પદ્ધતિ બની રહી છે. કુદરત એક યા બીજી રીતે ચેતવણી આપતી રહે છે, પણ એને અવગણીને આ દોટ સતત ચાલતી રહી છે. જે રીતે અને જે ઝડપે આ ચાલી રહી છે એ જોતાં એ ઝટ અટકે એમ જણાતું નથી. માઠાં પરિણામની ઝલક જોવા મળવા છતાં આ દોટ ચાલુ રહે તો એમ જ સમજવાનું થાય છે કે આપણે સહુ એને જ લાયક છીએ.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પગદંડીનો પંથી – ભાગ ૧ – ૨૫: એક ટકોર
એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.લોહી, પેશાબ, એક્સ રે જેવા રિપૉર્ટ ઉપર આંધળો વિશ્વાસ રાખનાર ડૉક્ટર અને દર્દી/સગાંને ચેતવવાં પડે એવું ડૉ. પરેશને જરૂરી લાગે છે.
એક આધેડ બહેન દુઃખાવા સાથે દાખલ થયેલાં. તપાસતાં તેમને Gall Bladder (પિત્તાશય)ની જગ્યાએ દુઃખાવો હતો. લીવર (કલેજું) મોટું થઈને સૂજી ગયું હતું, લોહીની ઊણપ અને હૃદયમાં પણ રૂમેટિક માઇટ્રલ સ્ટિનોસિસ (Rheumatic Mitral Stenosis)ને લીધે નુકસાન થયું હતું, અને જેને ડૉક્ટરો CCF કહે છે તે હતું. તપાસ્યા પછી બીજા રિપૉર્ટ સાથે ડૉ. પરેશે પેટની સોનોગ્રાફી કરાવી. રિપૉર્ટ આવ્યો કે દર્દીને ‘Acute Cholecystitis with Gall Stones’ છે. એનો અર્થ એ થાય કે ઑપરેશન કરવું પડે. પિત્તાશયની કોથળી કાઢી નાખવી પડે.
સારવાર ચાલુ કરી. Physicianનો અભિપ્રાય પણ લેવાયો, અને દર્દીનાં સગાં સહમત થતાં ડૉ. પરેશે ઑપરેશન કર્યું.
બે-ત્રણ દિવસ થયા, અને સારું થવામાં જ હતું, ત્યાં જ અચાનક દર્દીને Cardial Arrest (હૃદય બંધ પડવું) થયો અને ડૉ. પરેશે દર્દી ગુમાવ્યો. પણ મનને શાંતિ વળે ક્યાંથી? તેના મનમાં અનેક પ્રશ્નો ઘૂમરાઈ રહ્યા હતા.
૧. શું ઑપરેશન તાત્કાલિક કરવું જરૂરી હતું?
૨. USG (સોનોગ્રાફી)નો રિપૉર્ટ એ બતાવતો હતો કે CCF (હૃદય ફેઇલર)ને લીધે Liver પર અને પિત્તાશય ઉપર સોજો હતો. શું એ Acute Cholecystitis નહોતું?
ઘણા દિવસ સુધી આવા પ્રશ્નો મનમાં આવ્યા કરતા હતા. અંતે ડૉ. પરેશને સમજાયું, કે USG રિપૉર્ટમાં Acute Cholecystic હતું તે ખોટું હતું. જો કે એમાં Radiologistનો વાંક નહોતો. ત્યારથી તેને એ શીખવા મળ્યું, કે દર્દીની હકીકત, નામ, ઉંમર, સ્ત્રી/પુરુષ અને તારીખની માહિતી દર્દી સાથે ચેક કરીને જ ઑપરેશન કરવું. એમાં ઘણીવાર ભૂલો હોય છે.
એક બહેનને પાંચ મહિનાની પ્રેગનન્સી હતી, અને પેટમાં દુખાવો થતાં કોઈ સર્જને તાત્કાલિક ઑપરેશનની સલાહ આપેલી. તેઓ ડૉ. પરેશને બતાવવા માટે તેઓ ઘણે દૂરથી આવ્યાં હતાં. ડૉ. પરેશે રિપૉર્ટ જોયા તો પહેલી નજરે જ ખબર પડી કે રિપૉર્ટ તો કોઈ ભાઈના નામે બોલતો હતો! બહેનને તપાસતાં Appendicitis જેવું લાગ્યું નહીં. આ વાત દર્દીના સગાંને સમજાણી ત્યારે ડૉ. પરેશને ખૂબ આનંદ થયો, કે તેમણે ખોટા ઑપરેશનમાંથી એ બહેનને બચાવી લીધાં હતાં.
USG (સોનોગ્રાફી) આમેય ખૂબ અઘરી વસ્તુ છે. તેને વાંચતાં (Interpretation) ઘણા ડૉક્ટરો, Radiologist અજાણતાં/અનુભવ વગર ભૂલ કરે છે. એટલે સર્જને ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે.
એક રિપૉર્ટ એવો હતો કે જેમાં પુરુષના રિપૉર્ટમાં ‘Uterus is Normal’ લખેલું, અને એક બહેનની કોથળી (Uterus) કાઢી નાખ્યા પછી પણ ‘Uterus is Normal’ રિપૉર્ટ કરાયેલો જોયો છે.
આવું શા માટે બનતું હશે?
૧. ડૉક્ટર છાપેલા રિપૉર્ટ કમ્પ્યૂટરમાંથી કાઢે, અને તેમાં યોગ્ય સુધારો કરવાની કાળજી ન લે.
૨. ડૉક્ટરને બદલે ટેકનિશિયન રિપૉર્ટિંગ કરે.
૩. અનુભવનો અભાવ. દર્દીને બે-ત્રણ પ્રશ્નો પૂછીને ખાત્રી કરવાની અણઆવડત.
પરંતુ આવા કિસ્સામાં દર્દીને નુકસાન થાય, તેની સાથે-સાથે સર્જનને પણ ઘણું વધારે સહન કરવું પડતું હોય છે.
ઘણા એક્સ રે રિપૉર્ટમાં પણ નામ બદલાઈ જવું, જમણું-ડાબું કરી દેવું, વગેરે ભૂલો ડૉ. પરેશના ધ્યાનમાં આવી હતી, પણ ડૉ. પરેશે કોઈ ડૉક્ટરની વિરુદ્ધમાં ઊહાપોહ કર્યો ન હતો, પણ તેમને જાણ કરીને સમજાવ્યા હતા.
આપે જોયું હશે કે હવે દરેક લૅબોરેટરી કે એક્સ રેને લગતા રિપૉર્ટ આપ્યા પછી તેમાં નીચે ખાસ નોંધ હોય છે કે,
“Please correlate with clinical condition of patient.”
આ નોંધને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે.
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ચૈત્રી નવરાત્રી નિમિત્તે સ્તુતિઃ મનને મંદિરિયે
દેવિકા ધ્રુવ
મારે મનને મંદિરિયે, રૂમઝુમ રૂમઝુમ તું ફરે,
મારે પગને ઝાંઝરિયે, છુમછુમ છુમછુમ તું ફરે.મા જ્ઞાતા છે સર્વકાલ,
આ દિલડું છે અણજાણ,
રહી મુજમાં તું ક્ષણભર,
પ્રાર્થી લે તને ઘડીભર.
હરપલ ઝંખુ હું સહાય, નિકટ રહેજે તું સદાય…..મારે મનને મંદિરેયે….મારે અંતર આકાશે,
ખુશીના પંખી ઊડે,
મારે આતમ આવાસે,
તાળી લઈ રાસ રમે.
મારે આંગણ નવ નવરાત, ખેલે સહુ પૂનમ રાત…મારે મનને મંદિરિયે
સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રોઇ-મેલ ddhruva1948@yahoo.com -
ચૂંટણી પંચની સ્વતંત્રતા, સ્વાયત્તતા અને નિષ્પક્ષતાની દિશામાં…
નિસબત
ચંદુ મહેરિયા
ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૨૪ થી ૩૨૯માં ચૂંટણી પંચની રચના, જવાબદારી અને સત્તાઓની જોગવાઈ કરવામાં આવી છે. ચીફ ઈલેકશન કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક અંગે આર્ટિકલ ૩૨૪(૨)માં જણાવ્યું છે કે સંસદ દ્વારા આ અંગેના કાયદાની જોગવાઈઓ પ્રમાણે રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવશે. જોકે છેલ્લા તોંતેર વરસોમાં સંસદે ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક અંગે કોઈ કાયદો ઘડ્યો નથી. કાયદા મંત્રાલય દ્વારા મળતી યાદી પરથી વડાપ્રધાન કોઈ એક નામ નક્કી કરે છે અને રાષ્ટ્રપતિ તેના પર મંજૂરીની મહોર મારે છે.ચૂંટણી પંચના સભ્યોની આ પ્રકારે થતી નિયુક્તિ તેની તટસ્થતા સામે સવાલો ઉઠાવે છે.
૨૦૧૮થી પડતર આ અંગેની પિટિશનો પર સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદામાં રાષ્ટ્રપતિને પંચના સભ્યોની નિયુક્તિની ભલામણ કરવા માટે ત્રણ સભ્યોની બનેલી સમિતિની રચનાનો આદેશ આપ્યો છે. પ્રથમ નજરે આ ચુકાદો પંચની સ્વતંત્રતા, સ્વાયત્તતા અને નિષ્પક્ષતાની દિશાનું ઐતિહાસિક કદમ લાગે છે.
જસ્ટિસ કે.એમ.જોસેફની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ ઈલેકશન કમિશનરોની નિમણૂકની સુનાવણી કરી રહી હતી તે દરમિયાન જ સરકારે એક ઈલેકશન કમિશનરની નિયુક્તિ કરી. મે-૨૦૨૨થી ખાલી ચૂંટણી કમિશનરની જગ્યા છ મહિને અચાનક ઘડિયા લગ્નની જેમ સરકારે ભરી. ભારત સરકારમાં સચિવ તરીકે કાર્યરત અરુણ ગોયલની સ્વૈચ્છિક નિવૃતિની મંજૂરી અને ઈલેકશન કમિશનર તરીકેની તેમની નિમણૂકની સમગ્ર કાર્યવાહી ચોવીસ જ કલાકમાં પૂર્ણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગોકળગાયની ગતિએ કામ કરતા સરકારી તંત્રે આ બાબતમાં આટલી ઝડપ કેમ દાખવી તેનું રહસ્ય જાણવા સુપ્રીમકોર્ટે અદાલત સમક્ષ નિમણૂકની સમગ્ર ફાઈલ મંગાવી હતી. તે પછીના સર્વસંમત ચુકાદામાં અદાલતે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સમિતિ ચૂંટણી પંચના સભ્યની પસંદગી કરે અને સમિતિની ભલામણ પરથી રાષ્ટ્રપતિ નિયુક્તિ કરે તેવો આદેશ કર્યો છે.
સુપ્રીમકોર્ટનો આ ચુકાદો ન્યાયિક સક્રિયતા દર્શાવનારો કે સંસદની ઉપરવટ જનારો નથી પરંતુ સવા સાત દાયકાથી નિષ્ક્રિય સંસદને ઢંઢોળનારો છે. વગર કાયદે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂકમાં પોતાની વગના કમિશનરોની પસંદગી કરવાનો લાભ લેવામાં કેન્દ્રના સઘળા પક્ષો એક જેવા જ છે. થોડાક જ અપવાદો સિવાય ભારતના આજ સુધીના ચૂંટણી કમિશનરોએ પંચની સ્વતંત્રતા અને તટસ્થતાને બરકરાર રાખી છે. એટલે સત્તર લોકસભા અને ચારસો વિધાનસભા ચૂંટણીઓ પાર પાડનારા ભારતના ચૂંટણી પંચની બેદાગ છબીના દેશ અને દુનિયામાં દાખલા દેવાય છે.
કેન્દ્ર અને રાજ્યના વિરોધ પક્ષોને હંમેશા ચૂંટણી પંચનું વલણ સત્તાપક્ષની તરફદારી કરનારું લાગે છે એટલે પણ પંચની રોજેરોજ કસોટી થાય છે. તેમાં આ પ્રકારની એકતરફી નિમણૂક પ્રક્રિયા પક્ષપાતના આરોપોને વળ ચઢાવે છે. સત્તાપક્ષ(વડાપ્રધાન), વિરોધપક્ષ (લોકસભાના વિપક્ષના કે સૌથી મોટા વિપક્ષના નેતા) અને નિષ્પક્ષ ન્યાયતંત્ર (વડા ન્યાયાધીશ)ની સમિતિની ભલામણથી નિમાતા કમિશનરોથી કદાચ પંચની નિષ્પક્ષતા સ્પષ્ટ થશે.
ચૂંટણી પંચના દસમા મુખ્ય ચૂંટણી આયુક્ત ટી.એન. શેષને બંધારણે ચૂંટણી પંચને આપેલી અપાર શક્તિઓનો મતદારો અને રાજકીય પક્ષોને પરિચય કરાવ્યો હતો. એટલે શેષનને ન ભૂતો ન ભવિષ્યતિ જેવા ચીફ ઈલેકશન કમિશનર ગણવામાં આવે છે. ચૂંટણી આચારસંહિતા પણ શેષનની જ દેન છે. સંવિધાન ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે મૌન રહ્યું છે અને સંસદના કાયદાને અનુસરીને કાર્યવાહી કરવા જણાવ્યું છે. પરંતુ સંસદે હજુ કોઈ જ કાયદો ઘડ્યો નથી. છેક ૧૯૮૯ સુધી તો ચૂંટણી પંચમાં એક જ કમિશનર હતા. તે પછી બીજા બે ઉમેરાયા, થોડા વરસો પછી બાદ થયા અને ફરી પાછું ત્રણ સભ્યોનું પંચ બન્યું. જો સરકારો એક જ સભ્યના ચૂંટણી પંચથી ચાળીસ વરસ ચલાવતી હોય તો તે પંચને સ્વતંત્ર અને સ્વાયત્ત બનાવે ખરી ?
૧૯૯૧ના કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચૂંટણી પંચના સભ્યની નિવૃતિ વય પાંસઠ વરસની ઠરાવવામાં આવી છે. સરકાર વરિષ્ઠ સનદી અધિકારીઓને પંચના સભ્ય તરીકે નિયુક્ત કરવાની આડમાં ઈલેકશન કમિશનરનો જે છ વરસનો કાર્યકાળ છે તે પૂર્વે જ તે નિવૃત થઈ જાય તેની કાળજી રાખે છે. શાયદ શેષન પછીના કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરને છ વરસનો પૂર્ણ કાર્યકાળ મળ્યો નથી. સરકાર મજબૂત અને નિષ્પક્ષને બદલે નબળા કે સરકારના જીહજૂરિયા કમિશનર ઈચ્છતી હોય તો જ નાનો સમયગાળો આપે ને ?
મતદારો ભય અને લાલચ વિના મતદાન કરી શકે અને ચૂંટણી સ્વતંત્ર અને તટસ્થ રીતે યોજાય તે લોકતંત્રનો આધાર છે. તે માટે સરકાર જેમને ડરાવી ના શકે કે જે વહીવટી તંત્રના પ્રભાવથી સાવ મુક્ત હોય તેવા કમિશનરોની નિમણૂક પંચમાં થવી જોઈએ. સરકારો ચૂંટણી પંચ પર નિયંત્રણ ચાહે અને પંચ તેને નકારે તે જ સ્વતંત્રતા અને સ્વાયત્તતા ખરી. સર્વોચ્ચ અદાલતે સમિતિની રચના ઉપરાંત ચૂંટણી પંચને નાણાકીય જરૂરિયાત માટે સરકારી તંત્ર પર આધારિત ના રહેવું પડે તે માટે કન્સોલિટેડ ફંડથી પંચને ફંડિગ કરવા પણ જણાવ્યું છે.
બંધારણીય સંસ્થાઓના પદો પર યોગ્ય અને તટસ્થ સમિતિ મારફતે નિમણૂક થવાથી જ તેના હેતુ બર આવી શકે છે. એટલે જ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સ્વાગતાર્હ છે. પરંતુ શું આ પૂરતું છે ? સીબીઆઈ, માહિતી આયોગ, સીવીસીના વડાની નિમણૂક આ જ ધોરણે થાય છે. તેમ છતાં તેનો સત્તાનશીન રાજકીય પક્ષ અને સરકાર પ્રત્યેનો પક્ષપાત ઉઘાડો છે. સીબીઆઈ ચીફની નિમણૂક કરનારી સમિતિમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા હોવા છતાં સુપ્રીમે જ સીબીઆઈને પાંજરાનો પોપટ ગણાવી હતી. એટલે બહુ હરખાઈ જવાની જરૂર નથી.
તો શું ચૂંટણી પંચ અને ચૂંટણીઓ કદી મુક્ત અને ન્યાયી નહીં જ હોય ? હા, હોઈ શકે. તે માટે જેટલી જવાબદારી પંચની છે તેટલી જ જવાબદારી રાજકીય પક્ષોની પણ છે અને તે બંને કરતાં વધુ જવાબદારી આપણી એટલે ભારતના મતદારોની છે. જો તોંતેર વરસો સુધી ચૂંટણી પંચની રચના અંગેનો કાયદો જ ના ઘડાતો હોય અને આપણે મતદાર તરીકે તેને કોઈ ચૂંટણી મુદ્દો જ ના ગણીએ તે યોગ્ય છે ? તેથી સુપ્રીમના હાલના હસ્તક્ષેપને કામચલાઉ ગણી પંચને સ્વતંત્ર, સ્વાયત્ત અને નિષ્પક્ષ બનાવવા આપણે જ મથવું પડશે. જાગો મતદારો જાગો.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
એક હતી અમૃતા
પારુલ ખખ્ખર
એક દિવસ પુસ્તકમેળામાં ફરતાં ફરતાં એક પુસ્તક હાથમાં આવી ગયું જે ઘણા સમયથી વાંચવાની ઈચ્છા હતી પણ બજારમાં અપ્રાપ્ય હતું.નામ હતું ‘રેવન્યુ સ્ટેમ્પ’ . પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમની આત્મકથા જે ‘રસીદી ટીકીટ’ નામથી અનુવાદિત થઇ છે.ઘરે આવીને વાંચવા બેઠી, ધાર્યુ હતું કે આ બૂક તો એક બેઠકે જ વાંચી નાંખીશ પણ ન વાંચી શકાયું , આ કંઇ નવલકથા થોડી હતી કે વાંચી લઉં? એક જીવતાજાગતા માણસની હયાતિનો દસ્તાવેજ હતો, વક્ત તો લગતા હી હૈ ના! કહેવાય છે કે ‘આત્મકથા એટલે વિનમ્રતા અને સ્વપ્રશસ્તિ વચ્ચે સમતુલા જાળવીને ભૂતકાળના બાઝેલા થરને ઉખેડીને સ્વ-રુપનો સાક્ષાત્કાર કરવો અને પ્રગટ કરવો.’ અમૃતાજીએ આ કામ સુપેરે પાર પાડ્યું છે. પોતાની આત્મકથા લખવાનો વિચાર જ્યારે મિત્ર ખુશવંતસિંગને કહ્યો ત્યારે જવાબ મળ્યો કે તારી આત્મકથામાં હોય, હોય ને શું હોય? એકાદ બે પ્રસંગો? એ માટે તો રેવન્યુ સ્ટેમ્પની પાછળની બાજુ પણ બસ થઇ પડે!આ સાંભળીને અમૃતાજીને આત્મકથાનું ટાઇટલ મળી ગયું ‘રેવન્યુ સ્ટેમ્પ’.
૩૧ ઓગસ્ટ ૧૯૧૯માં પંજાબના ગુજરાનવાલા ગામમાં અમૃતાજીનો જન્મ થયો.પિતા કરતારસિંઘ વૈરાગી જીવ હતા,કવિ હોવા ઉપરાંત સંસ્કૃત, વ્રજભાષા અને તત્વજ્ઞાનના અભ્યાસુ પણ ખરા.માતા-પિતા બન્ને શિક્ષક હતા. એકવખત સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના વખતે ઇશ્વર પાસે માંગ્યું કે અમારા પ્રિય શિક્ષકને એક દીકરી ભેટ આપો. અને જાણે ઇશ્વરે એ નિર્દોષ બાળાઓની વાત માની લીધી હોય એમ એક જ વર્ષમાં માતા રાજબીબીને ખોળે અમૃતાજીનો જન્મ થયો.પિતા ‘પિયુષ’ના ઉપનામથી કવિતા લખતા તેથી દીકરીનું નામ રાખ્યુ ‘અમૃતા’.અમૃતાજીને બાળપણથી જ પિતા તરફથી રદીફ-કાફિયાની સમજણ અને અક્ષરની અદબ વારસામાં મળી હતી.અમૃતાજી એક જગ્યાએ લખે છે કે હું જન્મી ત્યારથી મોતના પડછાયા અમારા ઘરની દિવાલો પર ઉતરી આવ્યા હતાં. માત્ર ત્રણ વર્ષના હતા ત્યાં જ અમૃતાજીનો નાનો ભાઇ ઈશ્વરને વ્હાલો થઇ ગયો.અમૃતાજીની માત્ર ૧૧ વર્ષની ઉંમરે માતા રાજબીબી અનંતની યાત્રાએ ચાલ્યા ગયા.પિતાનો જીવ વૈરાગ્ય તરફ ખેંચાતો હતો પરંતુ દીકરીની જવાબદારીને કારણે અનિચ્છાએ સંસારમાં રહ્યા. અમૃતાજીને નાનપણથી એ સવાલ મુંઝવતો કે પિતાને હું સ્વીકાર્ય છું કે અસ્વીકાર્ય ? આ જ મથામણને કારણે તે પિતાને વ્હાલા થવાની કોશીશમાં કવિતા લખવા લાગ્યા.પિતાનું પ્રોત્સાહન મળતું ગયું અને માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ બહાર પડ્યો.અને જે પિતાએ હાથમાં કલમ પકડાવી હતી તે પણ ચાલ્યા ગયા.ઘરનું વાતાવરણ રુઢિચુસ્ત હોવાથી આ ઉંમરે અમૃતાજીને બહારના કોઇ જ મિત્રો ન હતા, આખું ઘર પુસ્તકોથી ભરેલું હોવાથી પુસ્તકો જ મિત્રો બન્યા.અનેક મનાઇઓ, ધાર્મિક બંધનો, રિવાજોથી અકળાયેલા અમૃતાજીનો રોષ એમની કલમમાંથી ટપકવા લાગ્યો. એ કહે છે કે સંતોષ અને ધૈર્યથી જિંદગીના ખોટા મૂલ્યો સાથે કરેલી સુલેહ જેવી સમાધિ કરતા રખડવાની બેચેનીનો શાપ મને વધુ વ્હાલો છે.મધ્યમવર્ગી કુટુંબમાં ઉછરેલા અમૃતાજી નાનપણથી જ સત્ય અને મૂલ્યો માટે લડતાં.હીંદુ-મુસ્લીમ માટે ઘરમા અલગ વાસણો રહેતા એ વાતનો એમણે સજ્જડ વિરોધ કરેલો, રોજ રાત્રે થતી ફરજીયત પ્રાર્થનાનો પણ એ વિરોધ કરતા. આવી અનેક બાબતો માટે તે ઘરના સભ્યોનો રોષ વહોરી બેસતા પરંતુ સત્યનો અને પોતાની માન્યતાનો સાથ ક્યારેય ન છોડતા.
જીંદગીના પહેલા અને અગત્યના પડાવ વિશે વાત કરતા અમૃતાજી લખે છે કે માત્ર ચાર વર્ષની વયે થયેલી સગાઇ સોળમા વર્ષે લગ્નમાં પરિણમી. બધું ઠીક ચાલી રહ્યું હતુ. આ લગ્નજીવન દરમ્યાન એક પુત્ર અને એક પુત્રી પણ જનમ્યા. થયુ એવું કે નાનપણથી સપનામા એક ચહેરો આવતો હતો જેને અમૃતાજીએ રાજન નામ આપ્યુ હતું.૨૦ વર્ષની ઉંમરે રાજન જાણે સાહિરના વેશમાં નજર સામે આવી ગયો.અને અમૃતાજી સાહિરના પ્રેમમાં પડી ગયા. પોતે પરણિત છે એ જાણવા છતાં મન ખેંચાતું ગયું. જીવનમાં, મનમાં, પરિવારમાં,સંસારમાં, સમાજમાં. બધુ તંગ થઇ ગયું.પતિ સાથે રહીને અન્ય પુરુષને પ્રેમ કરતા રહેવું અમૃતાજી જેવા સત્યના ઉપાસકને ક્યારેય ન પરવડે , તેમને લાગ્યું કે પોતે પતિ પ્રીતમસિંગને તેનો હક નથી આપી શકતા, તેના હિસ્સાનો પ્રેમ નથી આપી શકતા. તે વિચારતા કે હું તેની દેવાદાર છું, એમની છાયા મે ચોરી લીધી છે જે પાછી આપવી જરુરી છે.
અને આમ અનેક કશ્મકશ પછી પતિ-પત્ની બન્ને એક મૈત્રીભર્યો ફેંસલો કરે છે છુટા પડવાનો.સાથે રહેવું અને છુટા પડવું બન્ને દુઃખદ હતા પણ બીજો વિકલ્પ ઓછો દુઃખદ હોવાથી એ પસંદ કરવામાં આવ્યો.કોઇ જ ફરિયાદ વગર બન્ને એ પોતપોતાના ભાગનું દર્દ વહેંચી લીધું.સમાજથી મોઢુ છૂપાવ્યા વગર આ નિર્ણય લીધો.આ દર્દને ચહેરાના એક તલ કે મસાની માફક અસ્તિત્વના એક ભાગ તરીકે સ્વીકારી લીધું.છુટા પડ્યા પછી પ્રીતમસીંઘને એકલતાનો સાપ ડસી ગયો.એ માણસે કોઇ જ ફરિયાદ કે કકળાટ વગર આંસુઓ સહન કર્યા. અમૃતાજી કહે છે કે અલગ થવાનો અર્થ એ ન હતો કે ‘સલામ ભી ના પહુંચે’ બન્ને એકબીજાની મુશ્કેલીમાં સહભાગી થતા રહ્યા. નાનામોટા કાયદાકીય કે આર્થિક વ્યવહારોમાં બન્ને એકબીજાની સાથે જ રહ્યા.આજીવન અજબ સંવેદનાનો સંબંધ કાયમી રહ્યો.
જીવનનો બીજો પડાવ એટલે સાહિરનું મળવું.સાહિર એટલે સપનાનો એ રાજકુમાર જેને બાળપણથી જ ઝંખ્યો હતો.જે લોકો માટે ઘરના વાસણો સુદ્ધા અલગ રાખવામાં આવતા હતા એવા વિધર્મી પુરુષનાં પ્રેમમાં એક પરણિત સ્ત્રી પડી ગઇ હતી.સાહિર લુધિયાનવી એટલે એક સંવેદનશીલ શાયર . સાહિર અને અમૃતાજી ખૂબ અંગત મિત્રો બની ગયા. અમૃતાજી સાહિરને ચાહતા રહ્યા, એની ચાહત માટે લગ્નસંબંધ પણ તોડી બેઠા.અમૃતાજીએ સાહિર માટે જે સંદેશાઓ લખ્યા છે તે ‘સુનેહડે’ નામના કાવ્યસંગ્રહમાં પ્રકાશિત થયા છે. આ પુસ્તક અકાદમીના એવોર્ડ માટે પસંદગી પામ્યું ત્યારે અમૃતાજી વિચારે છે કે જેના માટે લખ્યું એણે જ ન વાંચ્યું, હવે આખી દુનિયા વાંચે તો પણ શું ? એ પુસ્તક વિશે વાત કરવા અને ઇન્ટર્વ્યુ લેવા પત્રકારો આવ્યા અને કહ્યું કે કંઇક લખતા હો એવો પોઝ જોઇએ છે ત્યારે અમૃતાજી એ અજાણતા જ એક કોરા કાગળ પર માત્ર ‘સાહિર’ ‘સાહિર’ લખ્યે રાખ્યું અને આખો કાગળ ભરાઇ ગયો.અમૃતાજી કહે છે મારી અને સાહિરની દોસ્તીમાં ક્યારેય શબ્દો ઝખ્મી નથી થયા, આ ખામોશીનો હસીન સંબંધ હતો.સાહિર સાથેની દોસ્તીના દિવસો અમૃતાજીએ બહુ જતનથી આલેખ્યા છે.એક વખત મુશાયરામાં લોકો સાહિરના ઓટૉગ્રાફ લઇ રહ્યા હતાં, બધા ચાલ્યા ગયા પછી અમૃતાજીએ કોરા કાગળ જેવી પોતાની હથેળી લંબાવી દીધી ત્યારે સાહિરે એ હથેળી પર પોતાનું નામ લખીને કહ્યું કે ‘આ કોરા ચેક પર મારા હસ્તાક્ષર છે, જે રકમ ઇચ્છે તે ભરીને જ્યારે ઇચ્છે ત્યારે કેશ કરાવી લેજે.’સાહિરને અડધી પીધેલ સીગારેટ છોડી દેવાની ટેવ હતી.અમૃતાજીએ સાહિરની યાદમાં એમની અડધી સીગારેટના સાચવી રાખેલા ટૂકડાઓ ફરી પીધા છે અને એ ધુમાડામાં સાહિરની આકૃતિને જોવાની કોશીશ કરી છે.એમના જેવું બાળક મેળવવા ગર્ભાવસ્થા દરમ્યાન સતત સાહિરનું ચિંતન કરતા રહ્યાં.બાળક નવરોઝ સાચ્ચે જ સાહિરની શક્લ સુરત લઇને જનમ્યો ત્યારે અમૃતાજીને લાગે છે હું જ ઈશ્વર છું, મે જ મારી મનગમતી સૃષ્ટિની રચના કરી છે.જો કે લોકો એ અનેક પ્રકારની સાચીખોટી વાતો કરી પણ અમૃતાજીએ હીંમતથી જવાબો આપ્યા છે.બીજા તો ઠીક એક નજીકના મિત્ર સુદ્ધા આ સવાલ પૂછી લે છે ત્યારે જવાબ આપે છે કે આ કલ્પનાનું સત્ય છે હકીકતનું સત્ય નથી.પુત્ર નવરોઝ જ્યારે પૂછે છે કે મા, હું સાહિર અંકલનો દીકરો છું? ત્યારે જવાબ આપે છે કે ‘ના નથી, પણ જો તું સાહિરનો દીકરો હોત તો હું તને જરુર જણાવત.’આવું હાડોહાડ સત્ય જીવ્યા હતા અમૃતાજી !
અમૃતાજીએ સાહિર માટે ચિક્કાર લખ્યું, જાણતા અજાણતા અનેક કવિતાઓ, વાર્તાઓ, નવલકથાઓમાં સાહિર પ્રત્યેની લાગણી વ્યક્ત થતી રહી.’રસીદી ટીકીટ’ પોતે જ અમૃતાજીના પ્રેમનો દસ્તાવેજ છે, પરંતુ બે માંથી કોઇએ એકબીજા સાથે આ પુસ્તક વિશે ક્યારેય એક શબ્દ ઉચ્ચાર્યો નથી.અમૃતાજી કહે છે અમારી દાસ્તાનની શરુઆત પણ ખામોશ હતી અને અંત પણ ખામોશ જ રહ્યો.આ માત્ર કોરા કાગળની દાસ્તાન છે. અને આ લાગણીને એક નક્કર સ્વરુપ આપીને સંબંધોને નામ આપવા માટે અમૃતાજીએ પોતાના ઘરનો ઉંબર છોડી અને સાહિરના દરવાજા પર દસ્તક દેવા નીકળ્યા ત્યારે તેમને ખબર પડી કે એ ઘરમાં તો કોઇ બીજાનો પ્રવેશ થઇ ચુક્યો છે.સાહિરને નવી મુહબ્બત મળી ગઇ હતી,સુધા મલ્હોત્રા નામની ગાયીકા સાહિરના જીવનનો હિસ્સો બની ચૂકી હતી. અમૃતાજીને એક ભયંકર આઘાત લાગ્યો. એક ઘેરી ઉદાસીએ એમને ભાંગી નાંખ્યા, એકલતાએ દિલો-દિમાગ પર ભરડો લીધો, જાણે બધું ગૂમાવી બેઠા હોય એવો ખાલીપો છવાઇ ગયો.મરવાનો વિચાર પણ આવી ગયો પણ જીવી ગયાં. આ માનસિક આઘાતને કારણે ડીપ્રેશનમાં સરી પડ્યા, સાઇકીઆટ્રીસ્ટની સારવાર હેઠળ રહી સાજા થવા લાગ્યા. આ ગાળામાં તેમણે ‘કાળા ગુલાબ’ જેવી કવિતાઓ લખી છે.
મિત્રો, આ દુનિયામાં કશું જ કાયમ નથી રહેતું પેલું વાક્ય હંમેશા યાદ રાખવું કે ‘યે દિન ભી ચલા જાયેગા’.અમૃતાજીના જીવનના એ કાળા દિવસો પણ ગયા. અમૃતાજીનું મન જ એમને કહેતું રહ્યું કે ‘અમૃતા…લૂક એ બીટ હાયર! જીંદગીથી હારી ન જા…બધી હાર બધી પરેશાનીથી ઉપર જો જ્યાં તારી કવિતા, તારી રચનાઓ, તારી વાર્તાઓ,તારી નવલકથાઓ છે.’અને ખરેખર અમૃતાજીએ હાર સ્વીકારવાને બદલે ફરી લડવાનું પસંદ કર્યું.એક ફિનિક્સ પક્ષી જેમ પોતાની જ રાખમાંથી બેઠું થાય તેમ ફરી એક નવી અમૃતા પોતાની જ રાખમાંથી બેઠી થઈ.પોતાના બાળકો માટે, પોતાની કલમ માટે, સત્યની લડાઇ માટે, મૂલ્યોની રક્ષા માટે જીવવા લાગ્યા અને લખવા લાગ્યા.વર્ષો પછી જ્યારે સાહિરના મૃત્યુના સમાચાર સંભળ્યા ત્યારે અમૃતાજીને એક ઘટના યાદ આવી. દિલ્હીમાં પ્રથમ ‘એશિયન રાઇટર્સ કોન્ફરન્સ’ યોજાઇ હતી . બધા લેખકોને એમના નામના ‘બેઝ’ મળ્યા હાતા જે પોતપોતાના કોટ પર લગાવવાના હતા, સાહિરે પોતાના કોટ પર અમૃતાજીનો અને અમૃતાજીના કોટ પર પોતાનો ‘બેઝ’ લગાવી દીધો.કોઇએ ધ્યાન દોર્યુ ત્યારે હસીને કહે, ‘દેવાવાળાએ ખોટો બેઝ આપ્યો હતો અમે સાચો જ લગાડ્યો છે.’જ્યારે સાહિર ન રહ્યા ત્યારે અમૃતાજી વિચારે છે કે મૃત્યુએ પોતાનો નિર્ણય એ બેઝને જોઇને લીધો હશે જે મારા નામનો હતો કારણકે હૃદયની રોગી તો હું છું.
ભારત- પાકિસ્તાનના વિભાજન વખતે અમૃતાજી લાહોર છોડી ભારતમાં આવી ગયા.અનેક પ્રકારની આર્થિક, સામાજીક, માનસિક મુશ્કેલીઓનો સામનો કર્યો.એ કહે છે લાહોરમાં જ્યારે રોજ રાત્રે આસપાસના ઘરોમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી,નિર્દોષ લોકોની ચીસો સંભળાવા લાગી ત્યારે લાહોર છોડવનો નિર્ણય લેવો પડ્યો. આ ચીસો, જે દિવસે કર્ફ્યુને કારણે દબાઇ જતી હતી પણ વર્તમાનપત્રોમાં સંભળાતી હતી.થોડા દિવસ દહેરાદૂનમાં રહ્યા પરંતુ ત્યાં પણ એ જ હાલત જોઇને દિલ્હી આવ્યા.ત્યાં જોયુ કે અનેક બેઘર લોકો વીરાન ચહેરાઓ લઇને એ જમીનને જોતા હતા જ્યાં એમને આશ્રીત કહેવામાં આવતાં હતા. પોતાના જ વતનમાં બેવતન થયેલા લોકો અને લાચાર સ્ત્રીના ચિત્કારો અમૃતાજીને બેચૈન કરી મુકતા.આ લોહીયાળ દિવસોના ચિતાર આપતી અનેક કવિતાઓ અને વાર્તાઓ લખી.આ દિવસોમાં વારિસ શાહ એ ‘હીર’ની વ્યથાને વાચા આપતી લાંબી કવિતા લખી હતી જે પંજાબના ઘરેઘરે ગવાતી હતી તે અમૃતાજીના હાથમાં આવી અને અમૃતાજીએ વારિસ શાહને સંબોધીને એક કવિતા લખી કે’તમે પંજાબની એક દીકરી રોઇ ત્યારે એક લાંબી વાર્તા લખી હતી, આજે તો લાખો દીકરીઓ રડે છે તમે કબરમાંથી બહાર આવો અને આ દીકરીઓ માટે લખો.’ આ આખી કવિતા લોકોમાં ખૂબ જ પ્રિય થઇ,લોકો રડતાં રડતાં આ નજ્મ ગાતા હતા. ત્યારે એક અજીબ સમય હતો કે એક તરફ લોકો આ નજ્મને ગળે લગાડીને ફરતા હતા ત્યારે અમુક વર્તમાનપત્રોએ અમૃતાજી ને ગાળો આપી કે તમે આ કવિતા એક મુસલમાન વારિસ શાહને સંબોધીને શા માટે લખી? શીખ લોકો કહે કે ગુરુ નાનકને સંબોધીને લખવી જોઇએ ને? કમ્યુનિસ્ટ કહે લેનિનને સંબેધીને લખવી જોઇએ ને?ખૈર…કવિતા ક્યારેય કોઇના બંધનમાં ન હોય.અમૃતાજીની કલમ ભાગલાનાં સમયમાં આંસુની શાહીથી ચાલતી રહી.’તવારીખ’, ‘મજદૂર’ જેવી લાંબી નજ્મો લખી. ‘પીંજર’ નામની નવલકથા લખી જે પાછળથી હિન્દી ફિલ્મમાં સ્વરુપે લોકો સુધી પહોંચી.
૧૯૫૬ ના સમય દરમ્યાન એકલા ઝઝૂમતા અમૃતાજીને ખારા રણમાં મીઠી વિરડી સમાન એક સાથી મળ્યા ઈમરોઝ. જે અમૃતાજી કરતા સાડા છ વર્ષ નાના હતા.ઈમરોઝ એક જન્મજાત કલાકાર હતા.ચિત્રકામ એમનો મુખ્ય શોખ પરંતુ અનેક પ્રકારની કળાઓમાં કૌશલ્ય ધરાવતા હતા.અમૃતાજીનો સાહિર માટેનો પ્રેમ જાણતા હોવા છતાં તેમને ચાહતા રહ્યા બન્ને સાથે રહેવા લાગ્યા.બન્ને એકબીજાને એમની ખામીઓ અને ખૂબીઓ સહિત સ્વીકારે છે. અમૃતાજી પોતાના દર્દોની ટોપલી ઈમરોઝને સોંપી દીધી અને આધ્યાત્મિક રચનાઓ લખવા લાગ્યા.૪૫ વર્ષની વયે કોઇ પુરુષ સાથે નામ વગરના સંબંધે રહેવું આજના જમાનામાં પણ પડકારભર્યુ ગણાય છે તો એ સમયે શું શું થયુ હશે?તેમ છતાં પ્રેમને ખાતર ઉંમર, નાત,જાત,સમાજ, રિવાજને ઠોકરે ચડાવીને બન્ને સાથે રહ્યાં. ઈમરોઝ માટે અમૃતાજી લખે છે કે ‘તે મારી પંદરમી ઓગષ્ટ છે જેણે મારા અસ્તિત્વને અને મનની અવસ્થાને સ્વતંત્રતા આપી છે.ઈમરોઝ મારો એવો સાથી છે કે જે ભાઇ, પતિ,પિતા,મિત્ર જેવા નામથી પર હોવા છતા સાવ નજીક છે અને સાવ પોતાનો છે.’અમૃતાજીએ દેશમાં અને વિદેશમાં અનેક પ્રવાસો કર્યા છે. તેવી જ રીતે ઈમરોઝ પણ અમુક વખત માટે અમૃતાજીથી દૂર વ્યાવસાયિક કામે જાય છે તે દરમ્યાન બન્ને એ એકબીજાને બહુ જ સુંદર પત્રો લખ્યા છે જે ‘કિસી તારીખ કો’ નામે પુસ્તક સ્વરુપે પ્રકાશિત થયા છે. આ પુસ્તકમાં ઇમરોઝ લખે છે જે જે સુંદર કે શક્તિશાળી નામ મને ગમી જાય તે અમૃતા માટે વાપરવા ગમે છે અને એવા અનેક શબ્દોથી સંબોધન કરીને એમને પત્રો લખ્યા છે.ઈમરોઝ અને અમૃતાજી ચાલીશ વર્ષ સુધી સાથે રહ્યા. ઇમરોઝે એમની બીમારીમાં એમની ચાકરી કરી અને એમના મરણ સુધી એમનો સાથ નિભાવ્યો.
અમૃતાજીની વાર્તાઓ પરથી ફિલ્મો બની, એમને પદ્મવિભુષણનો ખિતાબ મળ્યો,યુનિવર્સીટીની ડી.લીટ. ની પદવી મળી, સાહિત્ય અકાદમીના અનેક પુરસ્કારો મળ્યા. એમણે લખેલા ૭૫ પુસ્તકોમાંથી અનેકના વિદેશી ભાષામાં અનુવાદો થયા.સિનિયરોએ અને ભાષાપ્રેમીઓએ એમની કલમને ફુલડે વધાવી છે, એમને ચિક્કાર પ્રેમ આપ્યો છે.પરંતુ અફસોસની વાત એ છે કે તેમના સમકાલિનોએ અમૃતાજીને જીવનભર માત્ર કડવાશ જ આપી છે.ડીક્શનરીના ખરાબમા ખરાબ શબ્દો તેમના માટે વાપર્યા છે.તેમની પ્રસિદ્ધીને બદનામીમાં ખપાવવાની હર મુમકિન કોશીશો કરી. તેમની દરેક કૃતિને મારી મચડીને વિકૃત સાબિત કરી.. તેમની જાહેર અને અંગત જીવનની બાબતોને નકારાત્મકતાથી રજુ કરી.પરંતુ શબ્દની એ ઝળહળતી મશાલને કોઇ જીવનપર્યંત ઠારી ન શક્યું.
પંજાબની માટીમાં જન્મેલી આ અમૃતા ખરા અર્થમાં અમર બની ગઇ.૮૬ વર્ષની વયે તારીખ ૩૧ સપ્ટેમ્બર ૨૦૦૫ ના રોજ અમૃતાજી અનંતની સફરે ચાલી નીકળ્યા.એમની સત્ય માટેની જીદ, એમનો મૂલ્યો માટેનો આગ્રહ આજે પણ અમર છે, લોકોને પ્રેરણા આપે છે. તેમણે વર્ણવેલી પીડાઓ, વ્યથાઓની કહાનીઓ આજે પણ લોકો આદર અને પ્રેમથી યાદ કરે છે.જીવનના અનેક સારા ખરાબ અનુભવોમાંથી પસાર થતાં થતાં એમણે જે સર્જન કર્યુ છે તે હંમેશા યાદ રહેશે.અમૃતાજી મર્ત્ય શરીર છોડીને ગયા અને પંજાબી કવિતાનું એક સોનેરી પન્નું હંમેશા માટે શબ્દસ્થ થયું. ભલે એ આજે હયાત નથી પણ એમના લાખો ચાહકોને હૃદયસ્થ છે.
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
નકરી ઊજળી રેખાઓનો જણ: હેમરાજ શાહ
લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
કેવળ હેમરાજ શાહની આ વાત નથી પણ કોઇ પણ અતિશય વિખ્યાત મહાનુભાવને આ લાગુ પડે.વળી આમ જુઓ તો એકદમ બે-દાગ ! જેમના વિષે વિપરિત એવું એક પણ વેણ આજ સુધી વાંચ્યું તો ઠીક પણ કોઇએ જાહેરમાં કે મારા કાનમાં કહ્યું પણ ન હોય તો એમના વિષે વાતની માંડણીમાંય લખવું શું ? એ તો મોટી સમસ્યા છે કે બધું જ ઊજળું ઊજળું હોય ત્યાં કોઇ જુદી પડે એવી વધુ ઊજળી રેખા દોરવી કઇ રીતે ?

(હેમરાજ શાહ) એમણે જાત જાતના અને ભાત ભાતના અને વળી અલગ અલગ ખૂણેથી અલગ અલગ ફોટા પણ પડાવ્યા નથી. અને ચહેરા ઉપર અલગ અલગ ભાવ પણ એ કોઇ કુશળ અભિનેતાની જેમ પાથરી શકતા નથી. ફેસબુક કે એવા કોઇ સોશ્યલ મીડીયા ઉપર કોઇ નવા નવા ચમકારા બતાવીને લોકની નજરે ચડતા રહેવાનો કિમિયો પણ એ અજમાવતા નથી અને રોજ સવારે ઉઠીને એ મોબાઇલ હાથમાં લઇને સંબંધોનો સંજીવની મંત્ર પણ ભણતા નથી.
તો મુશ્કેલી આ છે !
થોડાં વરસ પહેલાં કાંતિસેન શ્રોફ કે બિદડા સર્વોદય ટ્રસ્ટના બચુભાઇ રાંભીયા અને બીજા ડૉ. મધુકર રાણા અને ડૉ. કૌશિક શાહ સાથેના સંબધે કોઇ કાર્યક્રમમાં જવાનું થયું હોય ત્યારે બીલકુલ મિતભાષી એવા આ હેમરાજ શાહને અલપઝલપ મળવાનું થયું હતું. એ બોલે નહીં, પણ કોઇ સ્વયમસેવકીય ગતિવિધીમાં પરોવાયેલા હોય ત્યારે એમની અસલી ઓળખાણ ન પડે. એ તો કોઇ સ્થાનિક વ્યક્તિ કરાવે ત્યારે પડે, પણ એ વખતેય હેમરાજભાઇ ગરવાઇથી મોં મરકાવે એટલું જ. જે વચલા માણસે અમારી સહજ ઓળખાણ કરાવી હોય તેમાં પોતાની જાતે ઉમેરો કરીને અહોભાવ ઉઘરાવવાથી દૂર જ રહે.
આવા શાંત,અંતર્મુખી અને ઓછાબોલા હેમરાજભાઇ આવા શાથી ? એનું થોડું રહસ્ય મારાથી એમના વિષેના વિવિધ વૃત્તાંતોમાં ઊંડા ઉતર્યા પછી પામી શકાયું, આમેય બાહ્ય વિગતો, પછી ભલે તે સો ટકા યથાર્થ હોય તો પણ મારા મનને આકર્ષી શકતી નથી. એટલે હું હેમરાજ શાહના જીવનની મને પ્રાપ્ત વિગતો પરથી એવા પરિબળોને શોધી રહ્યો કે જેણે આજના સમર્થ અને તેજસ્વી હેમરાજનું ઘડતર કર્યું હોય.
એ જાણવા-સમજવા માટે એમના ઉદભવ સુધી જવું પડે.
જે કચ્છી માડુઓ વતન છોડીને પારકી ભૂમિ પર રોજીરોટી માટે ગયા છે તેઓ પોતાના આત્મબળે, બુદ્ધિબળે સાહસબળે અને એ બધુ સરવાળે સારું હોય તોય પ્રારબ્ધબળે સમૃદ્ધ થયા છે. થોડા જ વર્ષ પહેલા એક કચ્છી વ્યાપારરત્ન શેઠ ચાંપશી નંદુની બૃહદ જીવનકથા લખવા માટે હું તેમના મહેમાન તરીકે મુંબઇ-દાદરમાં તેમની શોપ નજીક આવેલી એક હોટેલમાં લાંબો સમય રોકાયો હતો અને તેમના જીવતરને તેમની પાસેથી બહુ નજીકથી જાણ્યું હતું. એવી જ રીતે વર્ષોથી મારા વાચક ચાહક રહેલા મિત્ર બુદ્ધિચંદ મારુ ( શેમારુવાળા) અને તેમની પ્રગતિગાથાને પણ દાયકાઓથી જાણી-પ્રમાણી છે, પણ આ હેમરાજભાઇની સાથે શાંતિથી બેસીને તેમની આજ સુધીની જીવનયાત્રા જાણવા સમજવાનો મોકો હજુ મળ્યો નથી. એવું હોત તો આ લેખ વધુ વિશદ અને એમના જીવનના અનેક પરિમાણોને આવરી લેતો બન્યો હોત પણ હવે જ્યારે એ બને એમ નથી ત્યારે મારી પાસે જે જાણકારી આવી છે તેના આધારે જ થોડું આલેખું છું.
હેમરાજ શાહને જન્મથી જ ચડતી અને પડતી એમ બન્ને પાસાંનો અનુભવ. પાંચ વર્ષ સુધીની અબોધ વયમાં જે જે ઘટનાઓ એમની સાથે બની ગઇ એણે એમની જિંદગીના નકશા ઉપર અમીટ ઘસરકાની છાપ છોડી દીધી. સામાન્ય ધોરણ મુજબ બાળક પોતાના મા-બાપના ખોળામાં જ એવી હૂંફ અનુભવતું હોય છે કે જે એના માટે જીવનભરની સંજીવની બની રહે. પણ ૧૯૪૧માં એમના જન્મ પછી અતિ ધનવાન ગણાતો એમનો પરિવાર બહુ વિકટ પરિસ્થીતીમાં આવી પડ્યો. એ શું હતું અને એના કારણો કયા કયા હતા તેની ઝાઝી વિગતો મને મળી નથી, પણ ગામના આગેવાન ગણાતા એવા એમના પિતા વિરમભાઇ કોઇના કરજની આર્થિક જવાબદારી પોતાના માથે લેવાના કારણે વિપત્તિમાં ઘેરાઇ ગયા. સમૃદ્ધ ગણાતો પરિવાર એકાએક ઊંડી આર્થિક વિમાસણમાં સરી પડ્યો! એના વિષે વધારે ઝીણી માહિતી મળતી નથી, પણ જે મળે છે તેના ઉપરથી હેમરાજભાઇના પિતાની પરગજુ વૃત્તિ અને અને જીવનરીતિ બન્નેનો અંદાજ આવે છે. પિતાના લોહીમાં ઘોળાઇ ગયેલો આ ગુણ હેમરાજ શાહમાં અનુસંધાન પામ્યો હોય તેમ જણાય છે, એમ પોતે સંસારના મેદાનમાં આવતાંવેંત એ પરગજુપણાએ નવા નવાં આયામો બતાવ્યા એની વિગતો મળે છે.
પણ હેમરાજભાઇના જીવનમાં સૌથી વધુ કાતિલ ફટકો એમના જીવનના પહેલા વર્ષમાં જ પડ્યો. કોઇ અતિ કરુણ ફિલમી કથામાં પણ આવી ઘટના પ્રેક્ષકોને બતાવવામાં આવે તો પુખ્ત સમજવાળા પ્રેક્ષકો એને ફિલ્મી – ફિલ્મમાં અતિ કરુણ રસ પેદા કરવા માટે લેખકની કલમે ઊભી કરેલી ઘટના ગણે, પણ ના! અહીં તો બાળ હેમરાજના જીવનમાં બનેલી આ તો વાસ્તવિક કારુણી છે. અને તે એ કે એ એક વર્ષ પૂરું કરે તે પહેલાં એમના માતા અને પિતા બેઉનું અવસાન થયું. ૧૯૪૧માં હેમરાજનો જન્મ. ૧૯૪૨માં પિતા ગયા. એ જીવનના બોજથી થાકીને બિમાર પડ્યા અને એ બિમારીએ એમનો પ્રાણ હરી લીધો. બસ, એ પછી તરત માતા પણ ગયાં. લખતાં લખતાં કલમ થંભી જાય એવી આ ઘટના છે. કારણ કે મારા જેવા વાર્તાકારના જીવનમાં એવું કંઇ બન્યું હોતું નથી પણ એની ધ્રૂજારી તો અનુભવી જ શકે છે. હેમરાજભાઇના જીવનમાં આ બન્યું, પણ એ એ શી રીતે બન્યું તેની કોઇ વિસ્તૃત જાણકારી નથી. આપણે કલ્પી શકીએ તેવા કોઇ ઘટનાતંતુ પણ મારી પાસે નથી. પણ એથી કરીને એની ઘનતા ઓછી થતી નથી. માત્ર એક વર્ષના અબુધ બાળકની બદનસીબીનો આછો, કેવળ આછો અંદાજ આપણે લગાવી શકીએ.
એક વર્ષની વયે એમની ઉપર છત્ર એક મોટાભાઇ અને એક મોટી બહેનનું રહ્યું. એમનાં આવકના સાધનો શાં શાં હતાં અને એમનો નિભાવ શી રીતે થતો હશે તેની આપણને ખબર નથી. કુદરતે જેના ઉપરથી છત્ર હઠાવી લીધું છે એવા માત્ર વરસ સવા વરસના બાળકને ઉછેરવામાં એ મોટાભાઇ અને મોટી બહેનને કેવી કેવી આપદાઓ પડી હશે તેની તો માત્ર કલ્પના જ થઇ શકે.પણ એ બન્યું એ હકીકત છે અને એ રીતે એ ઊછર્યા.
અનેક કચ્છીઓ મુંબઇના ખોળામાં માથું મૂકે છે એમ એ મોટાભાઇ પણ પણ મુંબઇ આવ્યા અને પહેલાં નોકરી કરી અને પછી દુકાન. એની વિગતો મને મળી હોત તો એ કલ્પનાનો જરા પણ પુટ આપ્યા વગર મેં લખી હોત, પણ અનેક કચ્છી વાચકો અને મિત્રોના જીવન મેં જોયાં છે એ ઉપરથી સહેજે કલ્પી શકું છું કે એમનો માર્ગ પણ કંઇ સીધો સપાટ નહીં હોય. મુંબઇ સૌને ફળે છે એમાં ના નથી પણ ફળતાં પહેલાં એ બહુ ‘દળે’ પણ છે. ત્યાં નવો આવનાર ઘંટીના બે પડ વચ્ચે જ નહીં, પણ એક સાથે અનેક ઘંટુલે દળાય છે. અને એનાથી હારી જઇને એ જ્યારે મેદાન છોડીને પાછો વતન ભણી નાસી છૂટતો નથી ત્યારે જ નસીબ એને કંઇક નિપજ આપે છે. એમ કંઇક હેમરાજ નાના હશે ત્યારે પણ એમના મોટાભાઇના જીવનમાં બન્યું જ હોય અને એમાં પણ એ વખતે કુમળી વયના હેમરાજ ઘડાયા હોય. એમના જીવનની ગડમથલો અને નાના મોટા સંઘર્ષો જોઇને જ એ ઘડાયા એ સમજી શકાય છે.
જીવનનાં એ રંગો જોતાં જોતાં જ એ માત્ર શીખ્યા જ નહીં, ઘડાતા પણ ગયા. મહાપાલિકાની શાળામાં એ ભણ્યા અને પછી ગ્રાન્ટ રોડની સેન્ટ્રલ સ્કૂલમાં ભણ્યા. રહ્યા પણ માટુંગાની બોર્ડિંગમાં રહીને. પહેલી વાર એ ઘર-પરિવારથી અલગ રહીને સમૂહજીવન જીવતાં શીખ્યા.
આ ચૌદ-પંદરની વયનો ગાળો જુવાનીનો ઉદગમકાળ હોય છે. એમાં આજ સુધી ચેતનામાં ધરબાઇ રહેલા હોય એવા તત્વોના અંકુર જરી ફણગાય છે. સેવાભાવના કે જે એમના પિતા વિરમભાઇએ એમને એમના જીન્સમાં રોપી હશે એ બહાર આવી. માટુંગાની બોર્ડિંગમાં એંસી ટકા વિદ્યાર્થીઓ ગરીબ ઘરના હતા. એમની આર્થિક સ્થિતિ હેમરાજે નજીકથી જોઇ. એ જોવાનું એમને માટે કેવળ ‘જોઇ રહેવાનું’ નહોતું . આંતરિક સંસ્કારો બહાર આવ્યા. પોતે એ વખતે શ્રીમંત નહોતા પણ પોતાના એક રુપિયામાંથી અધેલો કોઇને આપી દેવાના જન્મજાત સંસ્કારો ધીરે ધીરે બહાર આવ્યા. નબળી સ્થિતિના વિદ્યાર્થીઓને એ પોતાના ખર્ચ પર કાપ મૂકીને પણ સહાય કરતા રહ્યા. એમની વૃત્તિનું સુકાન આ રીતે સેવાપ્રવૃત્તિ તરફ વળી ગયું. એટલે એમણે એ જમાનામાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ માટે નોવેલ્ટી ટોકિઝમાં ફિલ્મ ‘સંગમ’નો એક ચેરીટી શો રાખ્યો.
આંતરિક શક્તિઓના વિકાસ માટે મુંબઇની જે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં પણ દાખલ થઇ ગયા કે જ્યાં આગળ જતાં ફિલ્મો અને નાટકોના સેટ્સ અને મંચસજ્જાઓના બેનમૂન કલાકારો અને નિર્માણકર્તા એવા છેલ વાયડા ( સુવિખ્યાત ફિલ્મ ડીરેક્ટર સંજય છેલના પિતા કે જેમણે પોતાના મિત્ર પરેશ દરુ સાથે મળીને છેલપરેશની જોડી બનાવી હતી) તેમની સાથે કલાશિક્ષણ લેતા હતા. અલબત્ત, સંજોગોવશાત હેમરાજ એ અભ્યાસ પૂરો ન કરી શક્યા. એ અભ્યાસકાળ દરમિયાન જ તેમનાં લગ્ન લેવાયાં, પણ એમનામાં એ કલાદૃષ્ટિ જીવંત રહી જે આજ સુધીના તેમના વ્યવસાયમાં અને એના નિર્માણોમાં પણ આવિર્ભાવ પામી રહી છે.
આ દરમિયાન અને તે પહેલાં અને તે પછી પણ એમણે સેવાપ્રવૃત્તિને એક અહર્નિશ ચાલતા યજ્ઞનું રૂપ જ આપી દીધું. પોતાની માત્ર ૨૪ વર્ષની યુવાન વયે જ પોતાના વતન સામખિયાળીમાં એક યુવક મંડળ સ્થાપી દીધું અને મુંબઇ રહ્યે રહ્યે પણ એનું સફળ સંચાલન અને સંકલન કરતા રહ્યા. એ બાબતમાં તેમના પ્રેરણાપુરુષ ‘વાગડના ગાંધી’ તરીકે ખ્યાત થયેલા ચાંપશીઅદા હતા. તેમની સેવાપ્રવૃત્તિની એટલી પ્રગાઢ અસર હેમરાજભાઇ ઉપર હતી કે તેમની યાદને અનુલક્ષીને હેમરાજ ભાઇએ તેમની સ્મૃતિમાં એક વિશદ સ્મૃતિગ્રંથ પણ પ્રકાશિત કર્યો, જેનું વિમોચન કરવા માટે હેમરાજભાઇની નિષ્ઠા અને ગુરુભક્તિથી પ્રભાવિત એવા કચ્છના સુવિખ્યાત સાહિત્યકાર (સ્વ) દુલેરાય કારાણી ખાસ આવ્યા હતા.
વિશેષ તો તેમના સાહિત્ય અને સાંસ્કારિક પ્રદાનની વિગતો બહુ જ જ્વલંત છે. તેમણે ૧૫થી પણ વધારે સર્જનો પુસ્તકોરૂપે આપ્યાં છે. સેન્સર બૉર્ડમાં પણ તેઓ ત્રણેક વર્ષ સુધી નિયુક્તિ પામ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીમાં પણ લાંબો સમય ચેરમેન રહ્યા છે, અને આ ઉપરાંત અનેક મહત્વના માનવંત પદો પર હેમરાજભાઇ આસીન રહ્યા છે. મહારાષ્ટ્રના ગુજરાતીઓ પરત્વેની તેમની સેવાઓ તો બેમિસાલ છે. સમગ્ર ગુજરાતી સમાજ તેમનો કાયમી ઋણી રહે તેવું અનેકક્ષેત્રીય માતબર તેમનું પ્રદાન છે. અનેક માનસન્માનો તો એમને એનાયત થયાં જ છે, પણ હજુ વધારે અને અનેક રાષ્ટ્રીય સ્તરના બહુમાનોના તેઓ અધિકારી છે એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ હું જોતો નથી. એમને સન્માનો અર્પણ કરનારી સંસ્થાઓ કે કોમ પોતે જ એનાથી ગૌરવ અનુભવે તેવી સિધ્ધિ તેમણે હાંસલ કરી છે.
शिवास्ते पंथान: सन्तु
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com -
અવ્યવસ્થિત
અવલોકન
– સુરેશ જાની
વ્યવસ્થિત નહીં, પણ અવ્યસ્થિત?
હા! ‘વ્યવસ્થિત’ તો દાદા ભગવાનનો પ્રિય શબ્દ છે. તેઓ હમ્મેશ વ્યવસ્થિતનો જ ઉલ્લેખ કરતા. આ સૃષ્ટિનો ‘કોઈ બાપોય બનાવનાર નથી.’ એમ એ સતત કહેતા આવ્યા છે. ઈશ્વર, અલ્લા, યહોવા, વ્યવસ્થિત શક્તિ – જે નામ આપો તે પણ મુદ્દે વાત એક જ છે. કશુંક સનાતન સત્ય, કશુંક સાવ વ્યવસ્થિત, કશુંક અપરિવર્તનશીલ.
પણ અહીં અવ્યવસ્થિતની વાત છે, અવ્યવસ્થિતતાનું અવલોકન છે!
કદાચ એનો મહિમા ગાવાનો છે!
વાત જાણે એમ છે કે, આ અવલોકન લખાયું ત્યારે, ઘર નવેસરથી સજાવવાનું કામ ચાલુ હતું. પહેલાં દસેક દિવસ કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવડાવ્યા અને પછી બે અઠવાડિયાના વિરામ બાદ અને બારી, બારણાંને રંગ કરવાનું કામ ચાલ્યું. આખોય વખત સરસામાન ભડાભૂટ પડેલો રહ્યો.
અમારું આ મકાન ખરીદે પાંચ વર્ષ થયાં હતાં. દિવાલો પર ખોટી લગાવેલી ખીલીઓના કાણાં, બાળકોના ચિતરામણ, મેલના ડાઘા, અભાવ પેદા કરે એવો ફિક્કો રંગ, સતત નજર કોરી ખાતા હતા. કાર્પેટ સાવ જૂની અને ગંદી લાગતી હતી. એની ઉપર ઠેર ઠેર ડાઘા, ક્યાંક ઢોળાયેલા જ્યુસના અવશેષના રેલા હમ્મેશ દિલમાં ખટકો પેદા કરતાં હતાં.
છેવટે એમ નક્કી થયું કે, કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવવા અને દિવાલો અને બારી બારણાંને નવેસરથી, નવા રંગે રંગાવવા. કામ શરૂ થયું અને બધું સાવ અવ્યવસ્થિત.
તમે કહેશો- ‘એ તો એમ જ હોય ને? કાંઈક નવી વ્યવસ્થા કરવી હોય, થોડીક અવ્યવસ્થા તો થાય જ ને? ‘
હા! તમારી વાત સાવ સાચી છે. અને આ અવલોકનમાં એ જ કહેવાનું છે.
જો સઘળું સદા વ્યવસ્થિત જ રહેવાનું હોય, તો એમાં કશી મજા નથી. મારી પ્રિય રમત ‘સુડોકુ’ની જ વાત કરું. ખાલી બોર્ડ કેવું સોહામણું હોય છે? પણ એમાં કોઈ રમત નહીં; કોઈ સમસ્યા નહીં; કોઈ જંગ નહીં; હાર કે જીત પણ નહીં! કોઈ ભૂલભુલામણી નહીં. કોઈ ચાવીઓ નહીં. પણ એ બોર્ડ જ રહે – રમત નહીં.
અધુરા આંકડા,
એક અવ્યવસ્થા,
થોડીક ચાવીઓ
થોડીક મગજમારી જએક રમત બનાવી શકે છે!
અને બધેય એમ જ હોય છે. એક સરસ મજાની વ્યવસ્થા હોય; સદીઓ સુધી એમને એમ જ ચાલતું હોય. પણ કશુંક બને અને બધી વ્યવસ્થા ખળભળી ઊઠે. આખુંય માળખું કડડભુસ્સ થઈને ટૂટી પડે. અને નવી વ્યવસ્થા આકાર લે. એક આમૂલ ક્રાન્તિ સર્જાઈ જાય. પણ એનાય ગણતરીના જ દિવસો ને? ફરીથી બધું અવ્યવસ્થિત!
ઉત્ક્રાન્તિની તવારીખ જોઈએ તો, એક જીવરચના પર્યાવરણ સાથે સંતુલન સાધવા અને જીવન સાતત્યની રક્ષા કરવા; એના અંગ ઉપાંગ અને સ્વભાવ બદલતી રહે. કાળક્રમે એક નવી જ જીવરચના આકાર લે. એક માછલી તરફડતી, તરફડતી દરિયા કિનારે જીવતી રહી જાય અને સરિસૃપોની આખી વણજાર જીવન જીવવાની સાવ નવી રીત શરૂ કરી દે.
અરે! એ લાખો વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થા કે અવ્યવસ્થાની કલ્પના કે વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત બાજુએ જવા દઈએ; અને માત્ર ચાર પાંચ હજાર વર્ષ જૂ્ના માનવ ઈતિહાસ પર જ નજર નાંખીએ, તો તરત આંખે ઊડીને વળગે એમ જણાશે કે, માનવ સમાજ, એની સમજ, જ્ઞાન, પ્રજ્ઞા, ચેતના એ બધાંએ કેવા કેવા ઉથલા જોયા છે? એક વ્યવસ્થા, એક માન્યતા, જીવન જીવવાની એક રીત ખેદાન-મેદાન બની જાય; અને નવી વ્યવસ્થા, નવી માન્યતાઓ, જીવવાની અવનવી રીતો પેદા થાય.
ભગવદગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને કહ્યું છે –
परित्राणाय साधुनाम् विनाशाय च दुष्कृताम्
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे।ગાંધી બાપુ જેવા શીલ, સદાચાર અને સત્યના પૂજારીને પણ સવિનય કાનૂન ભંગ અને અસહકારના શસ્ત્રનો આશરો લેવો પડ્યો હતો. સમાજને આઝાદીનો અહેસાસ અને તરોતાજા શ્વાસ લેતો કરવા, દેશનું તંત્ર ખોરવી નાંખ્યું હતું. અને હવે એ આઝાદીથી પણ હવે ઉબકા આવે એવી પરિસ્થિતી ફરી સર્જાઈ ગઈ છે. એક આમૂલ ક્રાન્તિ બારણાં ખખડાવી રહી છે. અવ્યવસ્થિતના ટકોરા.
અમારા ઘરના રંગકામના એ નજારાની જેમ!
આ માઉસ, કીબોર્ડ અને મોનિટરની માયામાં, ઓલી નોટબુક અને કલમ હવે શોધવા જવું પડે એમ છે. કેવી સરસ મજાની, સુસ્થાપિત વ્યવસ્થા હતી? ઈબુક/ વેબ સાઈટ અને સોશિયલ મિડિયાના માહોલમાં હવે ગ્રંથોની પણ ઘડીઓ ગણાઈ રહી છે!
દરેક પરિવર્તન માટે જોઈએ – ‘અવ્યવસ્થિત’. અહીં અવ્યવસ્થિતતાનો મહિમા ગાવાનો આશય નથી. પણ, અવ્યવસ્થિત પણ વ્યવસ્થિત રચનાનું એક અવિભાજ્ય અંગ જ છે. એના અસ્તિત્વનો પણ સ્વીકાર.
Disorder in order.
આમ તો આ બધી સાહિત્યિક / આધ્યાત્મિક વાત થઈ ગણાય પણ આપણને જાણીને નવાઈ થશે કે, સૌથી આધુનિક વિજ્ઞાન પણ અવ્યવસ્થિતતાનો સ્વીકાર કરે છે ! એ માટે એમણે એક રૂપકડો શબ્દ બનાવ્યો છે-
CHAOS THEORY
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
‘આ કથા નથી.’
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ઘર માટે જરૂરી પત્થર, ચૂનો બધું જ હતું. જો થોડુંક વિસ્તરીને ઊંચાઈ પકડી હોત તો ઘરની દીવાલો બની હોત. એક ઘર બન્યું હોત, પણ બન્યું નહીં. ધરતી પર જ પ્રસરાઈને રહી ગયું. ઉંમરભર બંને સડકની જેમ સડક પર જ ચાલતાં રહ્યાં.
સડકની જેમ સાવ સાથે તેમ છતાં દૂર દૂર જ રહ્યાં. ક્યારેક મળીને લીન થઈ જતાં રસ્તાની જેમ મળ્યાં. ક્યારેક મળીને છૂટાં પડી ગયાં. ક્યારેક પગની નીચે ફેલાયેલી સડકને જોઈને બંનેને એક વિચાર આવતો. અરે! અહીં તો એક ઘર બની શક્યું હોત, તેમ છતાં બન્યું નહીં એ વાસ્તવિકતા હતી જે બંનેને પીડા આપતી રહી. ક્યારેક નીચે ફેલાયેલી જમીનમાં એ ઘરનો પાયો ખોદાતો, એમાંથી એક સપનાનાં ઘરને રચાતું જોઈ શકતાં. અત્યંત સહજતાથી એ ઘરમાં વર્ષોથી બંને પોતાને વસેલાં અનુભવી શકતાં.
આ વાત છે ‘અ’ નામની સ્ત્રી અને ‘સ’ નામના પુરુષની.
આજની જે વાત છે એ કોઈ એમની ભરપૂર યુવાવસ્થાની વાત નહીં, ઢળતી ઉંમરની વાત છે. ‘અ’ સરકારી મીટિંગ માટે ‘સ’ ના શહેરમાં ગઈ હતી. ‘અ’ અને ‘સ’ બંને એક સમાન સરકારી હોદ્દા પર હતાં. ‘અ’ માટે આજની મીટિંગ પછી પાછા જવાની ટિકીટ પણ તૈયાર હતી. પણ ‘સ’ આજે ‘અ’ અહીં રોકાઈ રહે એવું ઇચ્છતા હતા.
‘અ’ નો સામાન હોટલ પરથી લઈને ગાડી એરપોર્ટના બદલે સીધી પોતાના ઘર તરફ લીધી.
“અરે, બે કલાકમાં માંડ હું એરપોર્ટ પહોંચી શકીશ. પ્લેન ચૂકી જઈશ.” ‘અ’ થી બોલાઈ ગયું.
“પ્લેન તો કાલે પણ જશે, પરમદિવસે પણ જશે. મા ઘરે રાહ જોતી હશે” બસ આટલું કહીને ‘સ’ એ ચુપકીદી સાધી લીધી.
મીટિંગ માટે એ આવવાની છે એવું મા ને કેમ કહ્યું હશે એ સવાલ ‘અ’ ના મનમાં ઊઠ્યો પણ મન પાસે એનો કોઈ જવાબ નહોતો. ગાડીની બહાર વિસ્તરેલા શહેરની ઈમારતો એ જોતી રહી. થોડા સમય પછી ગાડી શહેરની બહારના ખુલ્લા, મોકળા વિસ્તાર સુધી પહોંચી ગઈ. ઈમારતો પાછળ રહી અને પામ વૃક્ષોની હારમાળા નજરે ચઢવા માંડી.
સાવ નજીક આવી રહેલા સાગર પરથી વહી આવતી સુવાસથી ‘અ’ના શ્વાસો જાણે ખારાશ અનુભવી રહ્યા. પવનથી ફરફરી રહેલાં પામ વૃક્ષોના પાંદડાની જેમ ‘અ’ એના હાથોમાં કંપન અનુભવી રહી. ઘર વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું.
વૃક્ષોથી ઘેરાયેલા કૉટેજ જેવાં ઘર પાસે ગાડી પહોંચી. ઘરની અંદર જતાં પહેલાં ‘અ’ કેળાનાં ઝાડ પાસે અટકી ગઈ. એને થયું કે પોતાના હાથની કંપન આ કેળાના પત્તાની કંપનની વચ્ચે મૂકી દે પણ ન કરી શકી.
માએ ગાડીનો અવાજ સાંભળી લીધો હતો. મા બહાર આવી અને હંમેશની જેમ ‘અ’નું માથું ચૂમી લીધું અને કહ્યું, “આવ દીકરી.”
જાણે માએ માથે હાથ ફેરવવાની સાથે વર્ષોથી અનુભવાતો ભાર ઊતારી દીધો, એવી હળવાશ ‘અ’ એ અનુભવી.
“શું પીશ દીકરા?” મા એ પૂછ્યું.
“પહેલાં ચા બનાવ મા, પછી જમવાનું” અંદર આવેલા ‘સ’ એ જવાબ આપ્યો. ‘અ’ નો સામાન લઈને અંદર આવી રહેલા ડ્રાઈવરને બે દિવસ પછીની ટિકિટ લાવવાનું કહીને મા તરફ ફર્યો.
“મા, કેટલાંય સમયથી તું દોસ્તોને જમવા બોલાવવાનું કહેતી હતી. કાલે બોલાવી લે.”
“પણ બે કલાક પછી મારી પ્લેનની ટિકિટ છે.”
“ટિકિટની શું ચિંતા કરે છે. આટલું કહે છે તો રોકાઈ જા.”
હવે ‘અ’ પાસે બોલવાનું કશું બાકી નહોતું. એ ખુરશી પરથી ઊભી થઈને બહાર વરંડામાં આવી ગઈ. સામે દેખાતી પામ વૃક્ષોની પેલે પાર દેખાતા સમુદ્રનો ધ્વની સંભળાતો હતો.
“પણ કેમ?” ‘અ’ પૂછવા માંગતી હતી. પણ ન પૂછી શકી. એને થયું કે માત્ર આજે જ નહીં, જીવનના અનેક ‘કેમ’ સાગરના તટ પર ઊગેલા આ પામ વૃક્ષોના ફરફરી રહેલાં પત્તાની જેમ એના મનમાં ફરફરી રહ્યા છે. અંદર આવીને ઘરનાં મહેમાનની જેમ એણે ચા પીધી.
ઘરમાં એક લાંબી બેઠક, ડાઇનિંગ અને બીજા બે રૂમ હતા જેમાંનો એક મા અને બીજો ‘સ’નો હતો. આજે જીદ કરીને માએ પોતાનો રૂમ ‘અ’ને આપી દીધો અને પોતે બેઠકરૂમમાં સૂઈ ગઈ.
માના રૂમની બરાબર બાજુમાં ‘સ’ નો રૂમ હતો. બંને સૂઈ ગયાં હતાં. ઘરમાં જાણે નિતાંત શાંતિ હતી. થોડી વારે ‘અ’ પણ સૂઈ ગઈ. સવારે ઊઠી ત્યારે સવારનો કૂણો તડકો કડક બનીને રૂમમાં રેલાઈ રહ્યો હતો. બહાર સંભળાતા અવાજ પરથી સાંધ્ય દાવતની તૈયારી ચાલી રહી હોય એવું એ અનુભવી શકી.
‘અ’ બહાર આવી. સામે જ ‘સ’ એના રાત્રી પોષાકમાં ઊભો હતો,.આજ સુધી જોયેલા ‘સ’ કરતા સાવ જુદો. આજ સુધી ‘સ’ને સડક પર, કૉફી શૉપમાં, હોટલમાં, સરકારી મીટિંગોમાં જ જોયો હતો. આજની આ નવી ઓળખ ‘અ’ની આંખોમાં જડાઈ ગઈ.
“આ બે સોફા છે એને જરા ખસેડીશું તો બેઠકમાં જગ્યાની મોકળાશ લાગશે. પછી જેને સાંજે જમવા બોલાવવા છે એમના ઘરે જઈને આમંત્રણ આપી આવીએ અને પાછાં વળતાં ફળો વગેરે લેતા આવીશું.”. ‘સ’ બોલ્યો. જાણે ‘અ’ની અસ્વસ્થતા પારખીને એને સહજ કરવાનો પ્રયાસ કર્યો.
બંને એમના જૂના પરિચિત દોસ્તોના ઘરે જઈને આમંત્રણ આપી આવ્યાં અને સાંજ માટે ઘરને ફૂલોથી સજાવવામાં વ્યસ્ત બની ગયાં.
લગભગ સાત વર્ષે બંને મળ્યાં હતાં, તેમ છતાં સાત વર્ષે મળતી વ્યક્તિઓની વાતો જેટલી ઉત્કટતાના બદલે સાવ સહજભાવે, સાવ ઉપરછલ્લી સપાટીએ વાતો થતી રહી.
આજે બંનેને એકસાથે જોઈને દોસ્તોને આશ્ચર્ય થયું. એ દોસ્તોનું આશ્ચર્ય જોઈને ‘સ’ને મઝા આવતી હતી. પાછાં ફરતાં હવે ‘અ’ પણ થોડી હળવાશ અનુવભવી રહી. ‘સ’ના આનંદ, ઉમળકાની સાથે એ પણ આનંદિત બની રહી.
સાંજે ‘સ’એ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી. કટોરામાં બ્રાંડી કાઢીને માએ ‘સ’ની છાતી પર લગાવવા ‘અ’ને આપી. હવે એ થોડી સહજ થઈ હતી. શર્ટનાં બટન ખોલીને ‘સ’ ની છાતીથી માંડીને ખભા સુધી ચોળવા માંડી.
બહાર પવનના લીધે પામ વૃક્ષોના પાંદડામાં કંપન હતું પણ ‘અ’ના હાથમાં હવે કંપન નહોતું રહ્યું.
સાંજ પડતાં મહેમાનોથી ઘર ભરાવા માંડ્યું. ‘અ’ હવે એકદમ સહજતાથી મહેમાન મટી, યજમાન બનીને મહેમાનોનું સ્વાગત કરવા માંડી હતી.
સૌ વિખરાવા માંડ્યા. આજે ‘અ’એ સૂટકેસમાંથી રાત્રી પોશાક કાઢીને પહેર્યો. કદાચ એને અહીં ઘર જેવી અનુભૂતિ જોઈતી હતી? જો કે ગમે એટલી સહજ બનવા છતાં એ પેલાં સપનાના ઘર જેવી લાગણી અનુભવી શકતી નહોતી. એ ઘર જે એણે કેટલીય વાર બનતાં. વિખેરાતાં જોયું હતું.
કેટલાંય વર્ષો પસાર થઈ ગયાં? એ વિચારી રહી. કદાચ પચ્ચીસ કે ત્રીસ?
પહેલી વાર એ બંને જીવનના કોઈ એક મોડ પર મળી ગયાં હતાં. કોણ કયા રસ્તેથી આવ્યું એ પૂછવાનું, કહેવાનું રહી ગયું હતું. ત્યાંથી અને ત્યારથી એક ઘર, સપનાનું ઘર હંમેશા બનતું રહ્યું હતું અને બંને જણ સહજતાથી આખો દિવસ એ સપનાના ઘરમાં વસી શકતાં હતાં, શ્વસી શકતાં હતાં.
બંનેને જાણે યાદ આવતું કે એમના રસ્તા જ અલગ હતાં. બંનેના રસ્તા વચ્ચે એક ઊંડી ખાઈ હતી. બંનેને એ ખાઈ ઓળંગવી હતી.
“આ ખાઈને તું કેવી રીતે ઓળંગી શકીશ?” ‘સ’ જાણે ‘અ’ને પૂછતો હતો.
‘‘તું હાથ પકડીને પાર કરાવીશ તો મજહબની એ ખાઈ પણ પાર કરી શકીશ” ‘અ’ને કહેવું હતું.
એ શક્ય નહોતું. ‘અ’ની આંગળીઓ પર ચમકતી હીરાની વીંટી આડી આવતી હતી.
“તારી આંગળીઓ પર કાનૂનની મહોર લાગેલી છે, એનું હું શું કરીશ?”
“તું એક વાર કહી તો જો, કાનૂનની આ મહોર પણ હું ત્યજી દઈશ.”
એ શક્ય ન બન્યું. સમાંતરે ચાલતી પણ ક્યારેય નજીક ન આવી શકતાં રસ્તાની બે બાજુની જેમ એ બંને પણ એમ જ અલગ અલગ ચાલતાં રહ્યાં. સમય સરતો રહ્યો.
લાંબા અરસા બાદ અચાનક ‘સ’એ ‘અ’ને જોઈ. સાથે એક બાળક હતું. સમાયંતરે મળેલાં એ બંને બાળકની સાથે જ કૉફી શૉપમાં ગયાં. એકવાર ફરી એ ખૂણામાં સપનાનું ઘર રચાઈ ગયું. વિખેરાઈ ગયું.
વળી એકવાર અચાનક ટ્રેનમાં બંનેની મુલાકાત થઈ ગઈ. ‘સ’ ની સાથે મા હતી, એક દોસ્ત હતો. દોસ્તે સમજીને પોતાની સીટ ‘અ’ને આપી. ગાડીમાં ઠંડીની બચવા માએ ઓઢવા બંને વચ્ચે એક કામળો આપ્યો. ચાલતી ગાડીમાં એ કામળાની કિનારે કિનારે સપનાના ઘરની દીવાલો ઊભી થવા માંડી હતી.
સપનાનાં ઘરની દીવાલો ચણાતી રહી, તૂટતી રહી, બંને વચ્ચે ખંડિયેર જેવી શાંતિનો ખડકલો થતો રહ્યો. ‘સ’ ને કોઈ બંધન નહોતું. ‘અ’ને હતું. એ તોડવા તૈયાર પણ હતી. તો એવું શું હતું કે આખું જીવન બંને જણ રસ્તાના બે કિનારાની જેમ અલગ ચાલતાં રહ્યાં? હવે તો ઉંમર પણ વીતતી ગઈ. ‘અ’એ જીવનનાં એ ચઢતા મધ્યાનના દિવસો અને હવે પછી ઢળતી સંધ્યાના દિવસોમાં પણ પોતાની જાતને અનેકવાર સવાલ કર્યા. એકવાર તો ‘સ’ ને પૂછી પણ લીધું. એની પાસે પણ કોઈ ઉત્તર નહોતા.
‘સ’ને દિવસના અજવાળા માફક નહોતાં આવતાં. ‘અ’ ને થતું કે એ એકવાર સૂરજને પકડીને એનું અજવાળું ઓલવી દે. દિવસે તો ક્યાંય પણ રહી શકાય પણ રાત તો માત્ર ઘરમાં જ હોય, પણ ઘર ક્યાં હતું? એમની પાસે માત્ર ખુલ્લા રસ્તાઓ હતા, દિવસો હતા, સૂરજ હતો અને ‘સ’ ને તો સૂરજની રોશની કરતા, રાતની ચાંદની વધુ ગમતી.
હવે ઉંમર ઢળવામાં હતી. ‘અ’ને યુવાનીના એ તપતા દિવસોનો વિચાર આવ્યો અને વર્તમાનના ઢળતા દિવસોનોય વિચાર આવતો હતો. એને યાદ આવતું હતું કે એણે ‘સ’ ના મૌન વિશે જાણવા પ્રયાસ કર્યો હતો.
કેટલીય વાર ‘અ’ને મન થઈ આવતું કે એ થોડી આગળ આવીને, હાથ લંબાવે અને ‘સ’ને એની ખામોશીમાંથી ખેંચીને બહાર લઈ આવે. પણ એની નજર પોતાના લંબાવેલા હાથ તરફ જતી અને એ અટકી જતી. કદાચ આંગળી પરની હીરાની વીંટી એને એમ કરતાં રોકતી હતી.
એકવાર તો ‘અ’ને વિચાર આવ્યો કે કોઈ એવી દુનિયામાં એ બંને પહોંચી જાય, અને ક્યારેય ફરી પાછાં જ ન આવે. એમ ન થયું. બંને માત્ર કોઈ એક રસ્તા પર મળતાં રહ્યાં. હા, હંમેશા એવું બનતું કે જ્યાં મળતાં ત્યાં સપનાના ઘરની દિવાલો ઊભી થવા માંડતી.
આજે ‘અ’ના ચહેરા પર સ્મિત ફરકી ગયું. એ સમય હતો જ્યારે બંનેની યુવાની દિવસો હતા. અને હવે? તેમ છતાં આજે પણ એ સપનાનું ઘર બંધાતું અનુભવી શકતી હતી. જાણે સપનાના ઘરને ઉંમર સાથે કોઈ નિસ્બત જ નહોતી.
બાકીની રાત પણ એમ જ વિચારોમાં વહી ગઈ. સવારે એરપોર્ટ જવાનો સમય થઈ ગયો. ‘અ’ રૂમમાંથી બહાર જવા નીકળી. ‘સ’ રૂમમાં અંદર આવવા ગયો. બંને એક એવા દરવાજા પર ઊભા હતાં જે ફરી બહાર રસ્તા પર ખૂલતો હતો.
ડ્રાઇવરે આવીને ‘અ’નો સામાન કારમાં મૂકી દીધો. ‘અ’ને પોતાના હાથ ખાલી, સાવ ખાલી લાગ્યા. ઉંબરા પાસે એ અટકી ગઈ. પાછી વળીને બેઠકમાં સૂઈ રહેલાં માને ખાલી હાથ જોડીને પ્રણામ કરીને બહાર આવી ગઈ.
કાર એરપોર્ટ પર જવાના રસ્તા પર આવી. રસ્તો ક્યાં શરૂ થયો અને ક્યારે પૂરો થયો?
‘અ’ અને ‘સ’ બંને ચૂપ હતાં. બંનેને ઘણું કહેવું હતું, સાંભળવું હતું, ઘણી વાતો હતી પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હવે તો શબ્દોય જાણે રસ્તા પર વેરાઈ ગયા હતા કે પછી સમુદ્ર કિનારે ફેલાયેલા પામનાં વૃક્ષ બની ગયા હતા.
અમૃતા પ્રિતમ લિખિત – ‘યે કહાની નહીં’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
