લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
કેવળ હેમરાજ શાહની આ વાત નથી પણ કોઇ પણ અતિશય વિખ્યાત મહાનુભાવને આ લાગુ પડે.વળી આમ જુઓ તો એકદમ બે-દાગ ! જેમના વિષે વિપરિત એવું એક પણ વેણ આજ સુધી વાંચ્યું તો ઠીક પણ કોઇએ જાહેરમાં કે મારા કાનમાં કહ્યું પણ ન હોય તો એમના વિષે વાતની માંડણીમાંય લખવું શું ? એ તો મોટી સમસ્યા છે કે બધું જ ઊજળું ઊજળું હોય ત્યાં કોઇ જુદી પડે એવી વધુ ઊજળી રેખા દોરવી કઇ રીતે ?

એમણે જાત જાતના અને ભાત ભાતના અને વળી અલગ અલગ ખૂણેથી અલગ અલગ ફોટા પણ પડાવ્યા નથી. અને ચહેરા ઉપર અલગ અલગ ભાવ પણ એ કોઇ કુશળ અભિનેતાની જેમ પાથરી શકતા નથી. ફેસબુક કે એવા કોઇ સોશ્યલ મીડીયા ઉપર કોઇ નવા નવા ચમકારા બતાવીને લોકની નજરે ચડતા રહેવાનો કિમિયો પણ એ અજમાવતા નથી અને રોજ સવારે ઉઠીને એ મોબાઇલ હાથમાં લઇને સંબંધોનો સંજીવની મંત્ર પણ ભણતા નથી.
તો મુશ્કેલી આ છે !
થોડાં વરસ પહેલાં કાંતિસેન શ્રોફ કે બિદડા સર્વોદય ટ્રસ્ટના બચુભાઇ રાંભીયા અને બીજા ડૉ. મધુકર રાણા અને ડૉ. કૌશિક શાહ સાથેના સંબધે કોઇ કાર્યક્રમમાં જવાનું થયું હોય ત્યારે બીલકુલ મિતભાષી એવા આ હેમરાજ શાહને અલપઝલપ મળવાનું થયું હતું. એ બોલે નહીં, પણ કોઇ સ્વયમસેવકીય ગતિવિધીમાં પરોવાયેલા હોય ત્યારે એમની અસલી ઓળખાણ ન પડે. એ તો કોઇ સ્થાનિક વ્યક્તિ કરાવે ત્યારે પડે, પણ એ વખતેય હેમરાજભાઇ ગરવાઇથી મોં મરકાવે એટલું જ. જે વચલા માણસે અમારી સહજ ઓળખાણ કરાવી હોય તેમાં પોતાની જાતે ઉમેરો કરીને અહોભાવ ઉઘરાવવાથી દૂર જ રહે.
આવા શાંત,અંતર્મુખી અને ઓછાબોલા હેમરાજભાઇ આવા શાથી ? એનું થોડું રહસ્ય મારાથી એમના વિષેના વિવિધ વૃત્તાંતોમાં ઊંડા ઉતર્યા પછી પામી શકાયું, આમેય બાહ્ય વિગતો, પછી ભલે તે સો ટકા યથાર્થ હોય તો પણ મારા મનને આકર્ષી શકતી નથી. એટલે હું હેમરાજ શાહના જીવનની મને પ્રાપ્ત વિગતો પરથી એવા પરિબળોને શોધી રહ્યો કે જેણે આજના સમર્થ અને તેજસ્વી હેમરાજનું ઘડતર કર્યું હોય.
એ જાણવા-સમજવા માટે એમના ઉદભવ સુધી જવું પડે.
જે કચ્છી માડુઓ વતન છોડીને પારકી ભૂમિ પર રોજીરોટી માટે ગયા છે તેઓ પોતાના આત્મબળે, બુદ્ધિબળે સાહસબળે અને એ બધુ સરવાળે સારું હોય તોય પ્રારબ્ધબળે સમૃદ્ધ થયા છે. થોડા જ વર્ષ પહેલા એક કચ્છી વ્યાપારરત્ન શેઠ ચાંપશી નંદુની બૃહદ જીવનકથા લખવા માટે હું તેમના મહેમાન તરીકે મુંબઇ-દાદરમાં તેમની શોપ નજીક આવેલી એક હોટેલમાં લાંબો સમય રોકાયો હતો અને તેમના જીવતરને તેમની પાસેથી બહુ નજીકથી જાણ્યું હતું. એવી જ રીતે વર્ષોથી મારા વાચક ચાહક રહેલા મિત્ર બુદ્ધિચંદ મારુ ( શેમારુવાળા) અને તેમની પ્રગતિગાથાને પણ દાયકાઓથી જાણી-પ્રમાણી છે, પણ આ હેમરાજભાઇની સાથે શાંતિથી બેસીને તેમની આજ સુધીની જીવનયાત્રા જાણવા સમજવાનો મોકો હજુ મળ્યો નથી. એવું હોત તો આ લેખ વધુ વિશદ અને એમના જીવનના અનેક પરિમાણોને આવરી લેતો બન્યો હોત પણ હવે જ્યારે એ બને એમ નથી ત્યારે મારી પાસે જે જાણકારી આવી છે તેના આધારે જ થોડું આલેખું છું.
હેમરાજ શાહને જન્મથી જ ચડતી અને પડતી એમ બન્ને પાસાંનો અનુભવ. પાંચ વર્ષ સુધીની અબોધ વયમાં જે જે ઘટનાઓ એમની સાથે બની ગઇ એણે એમની જિંદગીના નકશા ઉપર અમીટ ઘસરકાની છાપ છોડી દીધી. સામાન્ય ધોરણ મુજબ બાળક પોતાના મા-બાપના ખોળામાં જ એવી હૂંફ અનુભવતું હોય છે કે જે એના માટે જીવનભરની સંજીવની બની રહે. પણ ૧૯૪૧માં એમના જન્મ પછી અતિ ધનવાન ગણાતો એમનો પરિવાર બહુ વિકટ પરિસ્થીતીમાં આવી પડ્યો. એ શું હતું અને એના કારણો કયા કયા હતા તેની ઝાઝી વિગતો મને મળી નથી, પણ ગામના આગેવાન ગણાતા એવા એમના પિતા વિરમભાઇ કોઇના કરજની આર્થિક જવાબદારી પોતાના માથે લેવાના કારણે વિપત્તિમાં ઘેરાઇ ગયા. સમૃદ્ધ ગણાતો પરિવાર એકાએક ઊંડી આર્થિક વિમાસણમાં સરી પડ્યો! એના વિષે વધારે ઝીણી માહિતી મળતી નથી, પણ જે મળે છે તેના ઉપરથી હેમરાજભાઇના પિતાની પરગજુ વૃત્તિ અને અને જીવનરીતિ બન્નેનો અંદાજ આવે છે. પિતાના લોહીમાં ઘોળાઇ ગયેલો આ ગુણ હેમરાજ શાહમાં અનુસંધાન પામ્યો હોય તેમ જણાય છે, એમ પોતે સંસારના મેદાનમાં આવતાંવેંત એ પરગજુપણાએ નવા નવાં આયામો બતાવ્યા એની વિગતો મળે છે.
પણ હેમરાજભાઇના જીવનમાં સૌથી વધુ કાતિલ ફટકો એમના જીવનના પહેલા વર્ષમાં જ પડ્યો. કોઇ અતિ કરુણ ફિલમી કથામાં પણ આવી ઘટના પ્રેક્ષકોને બતાવવામાં આવે તો પુખ્ત સમજવાળા પ્રેક્ષકો એને ફિલ્મી – ફિલ્મમાં અતિ કરુણ રસ પેદા કરવા માટે લેખકની કલમે ઊભી કરેલી ઘટના ગણે, પણ ના! અહીં તો બાળ હેમરાજના જીવનમાં બનેલી આ તો વાસ્તવિક કારુણી છે. અને તે એ કે એ એક વર્ષ પૂરું કરે તે પહેલાં એમના માતા અને પિતા બેઉનું અવસાન થયું. ૧૯૪૧માં હેમરાજનો જન્મ. ૧૯૪૨માં પિતા ગયા. એ જીવનના બોજથી થાકીને બિમાર પડ્યા અને એ બિમારીએ એમનો પ્રાણ હરી લીધો. બસ, એ પછી તરત માતા પણ ગયાં. લખતાં લખતાં કલમ થંભી જાય એવી આ ઘટના છે. કારણ કે મારા જેવા વાર્તાકારના જીવનમાં એવું કંઇ બન્યું હોતું નથી પણ એની ધ્રૂજારી તો અનુભવી જ શકે છે. હેમરાજભાઇના જીવનમાં આ બન્યું, પણ એ એ શી રીતે બન્યું તેની કોઇ વિસ્તૃત જાણકારી નથી. આપણે કલ્પી શકીએ તેવા કોઇ ઘટનાતંતુ પણ મારી પાસે નથી. પણ એથી કરીને એની ઘનતા ઓછી થતી નથી. માત્ર એક વર્ષના અબુધ બાળકની બદનસીબીનો આછો, કેવળ આછો અંદાજ આપણે લગાવી શકીએ.
એક વર્ષની વયે એમની ઉપર છત્ર એક મોટાભાઇ અને એક મોટી બહેનનું રહ્યું. એમનાં આવકના સાધનો શાં શાં હતાં અને એમનો નિભાવ શી રીતે થતો હશે તેની આપણને ખબર નથી. કુદરતે જેના ઉપરથી છત્ર હઠાવી લીધું છે એવા માત્ર વરસ સવા વરસના બાળકને ઉછેરવામાં એ મોટાભાઇ અને મોટી બહેનને કેવી કેવી આપદાઓ પડી હશે તેની તો માત્ર કલ્પના જ થઇ શકે.પણ એ બન્યું એ હકીકત છે અને એ રીતે એ ઊછર્યા.
અનેક કચ્છીઓ મુંબઇના ખોળામાં માથું મૂકે છે એમ એ મોટાભાઇ પણ પણ મુંબઇ આવ્યા અને પહેલાં નોકરી કરી અને પછી દુકાન. એની વિગતો મને મળી હોત તો એ કલ્પનાનો જરા પણ પુટ આપ્યા વગર મેં લખી હોત, પણ અનેક કચ્છી વાચકો અને મિત્રોના જીવન મેં જોયાં છે એ ઉપરથી સહેજે કલ્પી શકું છું કે એમનો માર્ગ પણ કંઇ સીધો સપાટ નહીં હોય. મુંબઇ સૌને ફળે છે એમાં ના નથી પણ ફળતાં પહેલાં એ બહુ ‘દળે’ પણ છે. ત્યાં નવો આવનાર ઘંટીના બે પડ વચ્ચે જ નહીં, પણ એક સાથે અનેક ઘંટુલે દળાય છે. અને એનાથી હારી જઇને એ જ્યારે મેદાન છોડીને પાછો વતન ભણી નાસી છૂટતો નથી ત્યારે જ નસીબ એને કંઇક નિપજ આપે છે. એમ કંઇક હેમરાજ નાના હશે ત્યારે પણ એમના મોટાભાઇના જીવનમાં બન્યું જ હોય અને એમાં પણ એ વખતે કુમળી વયના હેમરાજ ઘડાયા હોય. એમના જીવનની ગડમથલો અને નાના મોટા સંઘર્ષો જોઇને જ એ ઘડાયા એ સમજી શકાય છે.
જીવનનાં એ રંગો જોતાં જોતાં જ એ માત્ર શીખ્યા જ નહીં, ઘડાતા પણ ગયા. મહાપાલિકાની શાળામાં એ ભણ્યા અને પછી ગ્રાન્ટ રોડની સેન્ટ્રલ સ્કૂલમાં ભણ્યા. રહ્યા પણ માટુંગાની બોર્ડિંગમાં રહીને. પહેલી વાર એ ઘર-પરિવારથી અલગ રહીને સમૂહજીવન જીવતાં શીખ્યા.
આ ચૌદ-પંદરની વયનો ગાળો જુવાનીનો ઉદગમકાળ હોય છે. એમાં આજ સુધી ચેતનામાં ધરબાઇ રહેલા હોય એવા તત્વોના અંકુર જરી ફણગાય છે. સેવાભાવના કે જે એમના પિતા વિરમભાઇએ એમને એમના જીન્સમાં રોપી હશે એ બહાર આવી. માટુંગાની બોર્ડિંગમાં એંસી ટકા વિદ્યાર્થીઓ ગરીબ ઘરના હતા. એમની આર્થિક સ્થિતિ હેમરાજે નજીકથી જોઇ. એ જોવાનું એમને માટે કેવળ ‘જોઇ રહેવાનું’ નહોતું . આંતરિક સંસ્કારો બહાર આવ્યા. પોતે એ વખતે શ્રીમંત નહોતા પણ પોતાના એક રુપિયામાંથી અધેલો કોઇને આપી દેવાના જન્મજાત સંસ્કારો ધીરે ધીરે બહાર આવ્યા. નબળી સ્થિતિના વિદ્યાર્થીઓને એ પોતાના ખર્ચ પર કાપ મૂકીને પણ સહાય કરતા રહ્યા. એમની વૃત્તિનું સુકાન આ રીતે સેવાપ્રવૃત્તિ તરફ વળી ગયું. એટલે એમણે એ જમાનામાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ માટે નોવેલ્ટી ટોકિઝમાં ફિલ્મ ‘સંગમ’નો એક ચેરીટી શો રાખ્યો.
આંતરિક શક્તિઓના વિકાસ માટે મુંબઇની જે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં પણ દાખલ થઇ ગયા કે જ્યાં આગળ જતાં ફિલ્મો અને નાટકોના સેટ્સ અને મંચસજ્જાઓના બેનમૂન કલાકારો અને નિર્માણકર્તા એવા છેલ વાયડા ( સુવિખ્યાત ફિલ્મ ડીરેક્ટર સંજય છેલના પિતા કે જેમણે પોતાના મિત્ર પરેશ દરુ સાથે મળીને છેલપરેશની જોડી બનાવી હતી) તેમની સાથે કલાશિક્ષણ લેતા હતા. અલબત્ત, સંજોગોવશાત હેમરાજ એ અભ્યાસ પૂરો ન કરી શક્યા. એ અભ્યાસકાળ દરમિયાન જ તેમનાં લગ્ન લેવાયાં, પણ એમનામાં એ કલાદૃષ્ટિ જીવંત રહી જે આજ સુધીના તેમના વ્યવસાયમાં અને એના નિર્માણોમાં પણ આવિર્ભાવ પામી રહી છે.
આ દરમિયાન અને તે પહેલાં અને તે પછી પણ એમણે સેવાપ્રવૃત્તિને એક અહર્નિશ ચાલતા યજ્ઞનું રૂપ જ આપી દીધું. પોતાની માત્ર ૨૪ વર્ષની યુવાન વયે જ પોતાના વતન સામખિયાળીમાં એક યુવક મંડળ સ્થાપી દીધું અને મુંબઇ રહ્યે રહ્યે પણ એનું સફળ સંચાલન અને સંકલન કરતા રહ્યા. એ બાબતમાં તેમના પ્રેરણાપુરુષ ‘વાગડના ગાંધી’ તરીકે ખ્યાત થયેલા ચાંપશીઅદા હતા. તેમની સેવાપ્રવૃત્તિની એટલી પ્રગાઢ અસર હેમરાજભાઇ ઉપર હતી કે તેમની યાદને અનુલક્ષીને હેમરાજ ભાઇએ તેમની સ્મૃતિમાં એક વિશદ સ્મૃતિગ્રંથ પણ પ્રકાશિત કર્યો, જેનું વિમોચન કરવા માટે હેમરાજભાઇની નિષ્ઠા અને ગુરુભક્તિથી પ્રભાવિત એવા કચ્છના સુવિખ્યાત સાહિત્યકાર (સ્વ) દુલેરાય કારાણી ખાસ આવ્યા હતા.
વિશેષ તો તેમના સાહિત્ય અને સાંસ્કારિક પ્રદાનની વિગતો બહુ જ જ્વલંત છે. તેમણે ૧૫થી પણ વધારે સર્જનો પુસ્તકોરૂપે આપ્યાં છે. સેન્સર બૉર્ડમાં પણ તેઓ ત્રણેક વર્ષ સુધી નિયુક્તિ પામ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીમાં પણ લાંબો સમય ચેરમેન રહ્યા છે, અને આ ઉપરાંત અનેક મહત્વના માનવંત પદો પર હેમરાજભાઇ આસીન રહ્યા છે. મહારાષ્ટ્રના ગુજરાતીઓ પરત્વેની તેમની સેવાઓ તો બેમિસાલ છે. સમગ્ર ગુજરાતી સમાજ તેમનો કાયમી ઋણી રહે તેવું અનેકક્ષેત્રીય માતબર તેમનું પ્રદાન છે. અનેક માનસન્માનો તો એમને એનાયત થયાં જ છે, પણ હજુ વધારે અને અનેક રાષ્ટ્રીય સ્તરના બહુમાનોના તેઓ અધિકારી છે એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ હું જોતો નથી. એમને સન્માનો અર્પણ કરનારી સંસ્થાઓ કે કોમ પોતે જ એનાથી ગૌરવ અનુભવે તેવી સિધ્ધિ તેમણે હાંસલ કરી છે.
शिवास्ते पंथान: सन्तु
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
મુંબઇ સૌને ફળે છે પણ એ પહેલાં ‘દળે’ પણ છે ….. વાહ, શું અભિવ્યક્તિ છે!
LikeLike