અવલોકન

 – સુરેશ જાની

વ્યવસ્થિત નહીં, પણ અવ્યસ્થિત? 

હા! ‘વ્યવસ્થિત’ તો દાદા ભગવાનનો પ્રિય શબ્દ છે. તેઓ  હમ્મેશ વ્યવસ્થિતનો જ ઉલ્લેખ કરતા. આ સૃષ્ટિનો કોઈ બાપોય બનાવનાર નથી.’ એમ એ સતત કહેતા આવ્યા છે. ઈશ્વર, અલ્લા, યહોવા, વ્યવસ્થિત શક્તિ – જે નામ આપો તે પણ મુદ્દે વાત એક જ છે. કશુંક સનાતન સત્ય, કશુંક સાવ વ્યવસ્થિત, કશુંક અપરિવર્તનશીલ.

પણ અહીં અવ્યવસ્થિતની વાત છે, અવ્યવસ્થિતતાનું અવલોકન છે!

કદાચ એનો મહિમા ગાવાનો છે!

    વાત જાણે એમ છે કે, આ અવલોકન લખાયું ત્યારે,  ઘર નવેસરથી સજાવવાનું કામ ચાલુ હતું. પહેલાં દસેક દિવસ કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવડાવ્યા અને પછી બે અઠવાડિયાના વિરામ બાદ  અને બારી, બારણાંને રંગ કરવાનું કામ ચાલ્યું. આખોય વખત સરસામાન ભડાભૂટ પડેલો રહ્યો.

અમારું આ મકાન ખરીદે  પાંચ વર્ષ થયાં હતાં. દિવાલો પર ખોટી લગાવેલી  ખીલીઓના કાણાં, બાળકોના ચિતરામણ, મેલના ડાઘા, અભાવ પેદા કરે એવો ફિક્કો રંગ,  સતત નજર કોરી ખાતા હતા. કાર્પેટ સાવ જૂની અને ગંદી લાગતી હતી. એની ઉપર ઠેર ઠેર ડાઘા, ક્યાંક ઢોળાયેલા જ્યુસના અવશેષના રેલા હમ્મેશ દિલમાં ખટકો પેદા કરતાં હતાં.

છેવટે  એમ નક્કી થયું કે, કાર્પેટની જગ્યાએ ટાઈલ્સ લગાવવા અને દિવાલો અને બારી બારણાંને નવેસરથી, નવા રંગે રંગાવવા. કામ શરૂ થયું અને બધું સાવ અવ્યવસ્થિત.

તમે કહેશો- ‘એ તો એમ જ હોય ને? કાંઈક નવી વ્યવસ્થા કરવી હોય, થોડીક અવ્યવસ્થા તો થાય જ ને? ‘

     હા!  તમારી વાત સાવ સાચી છે. અને અવલોકનમાં કહેવાનું છે.

     જો સઘળું સદા વ્યવસ્થિત જ રહેવાનું હોય, તો એમાં કશી મજા નથી. મારી પ્રિય રમત ‘સુડોકુ’ની જ વાત કરું. ખાલી બોર્ડ  કેવું સોહામણું હોય  છે? પણ એમાં કોઈ રમત નહીં; કોઈ સમસ્યા નહીં; કોઈ જંગ નહીં; હાર કે જીત પણ નહીં! કોઈ ભૂલભુલામણી નહીં. કોઈ ચાવીઓ નહીં. પણ એ બોર્ડ જ રહે – રમત નહીં.

અધુરા આંકડા,  
એક અવ્યવસ્થા, 
થોડીક ચાવીઓ  
થોડીક મગજમારી

એક  રમત બનાવી શકે છે!

      અને બધેય એમ જ હોય છે. એક સરસ મજાની વ્યવસ્થા હોય; સદીઓ  સુધી એમને એમ જ ચાલતું હોય. પણ કશુંક બને અને બધી વ્યવસ્થા ખળભળી ઊઠે. આખુંય માળખું કડડભુસ્સ થઈને ટૂટી પડે. અને નવી વ્યવસ્થા આકાર લે. એક આમૂલ ક્રાન્તિ સર્જાઈ જાય. પણ એનાય ગણતરીના જ દિવસો ને? ફરીથી બધું અવ્યવસ્થિત!

ઉત્ક્રાન્તિની તવારીખ જોઈએ તો, એક જીવરચના પર્યાવરણ સાથે સંતુલન સાધવા અને જીવન સાતત્યની રક્ષા કરવા; એના અંગ ઉપાંગ અને સ્વભાવ બદલતી રહે. કાળક્રમે એક નવી જ  જીવરચના આકાર લે. એક  માછલી તરફડતી, તરફડતી દરિયા કિનારે જીવતી રહી જાય અને સરિસૃપોની આખી વણજાર જીવન જીવવાની સાવ નવી રીત શરૂ કરી દે.

અરે! એ લાખો વર્ષોથી ચાલી આવતી વ્યવસ્થા કે અવ્યવસ્થાની કલ્પના કે વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત બાજુએ જવા દઈએ; અને માત્ર ચાર પાંચ હજાર વર્ષ જૂ્ના માનવ ઈતિહાસ પર જ નજર નાંખીએ, તો તરત આંખે ઊડીને વળગે એમ જણાશે  કે,  માનવ સમાજ, એની સમજ, જ્ઞાન, પ્રજ્ઞા, ચેતના એ બધાંએ કેવા કેવા ઉથલા જોયા છે? એક વ્યવસ્થા, એક માન્યતા, જીવન જીવવાની એક રીત ખેદાન-મેદાન બની જાય; અને નવી વ્યવસ્થા, નવી માન્યતાઓ, જીવવાની  અવનવી રીતો પેદા થાય.

ભગવદગીતામાં ખુદ કૃષ્ણ ભગવાને કહ્યું છે –

परित्राणाय साधुनाम् विनाशाय दुष्कृताम्
धर्मसंस्थापनार्थाय  सम्भवामि युगे युगे

ગાંધી બાપુ જેવા શીલ, સદાચાર અને સત્યના પૂજારીને પણ સવિનય કાનૂન ભંગ અને અસહકારના શસ્ત્રનો આશરો લેવો પડ્યો હતો. સમાજને આઝાદીનો અહેસાસ અને તરોતાજા શ્વાસ લેતો કરવા, દેશનું તંત્ર ખોરવી નાંખ્યું હતું.  અને હવે એ આઝાદીથી પણ હવે ઉબકા આવે એવી પરિસ્થિતી ફરી સર્જાઈ ગઈ છે. એક  આમૂલ ક્રાન્તિ બારણાં ખખડાવી રહી છે. અવ્યવસ્થિતના ટકોરા.  

 અમારા ઘરના રંગકામના એ નજારાની જેમ!

    આ માઉસ, કીબોર્ડ અને મોનિટરની માયામાં, ઓલી નોટબુક અને કલમ હવે શોધવા જવું પડે એમ છે. કેવી સરસ મજાની, સુસ્થાપિત વ્યવસ્થા હતી? ઈબુક/ વેબ સાઈટ અને સોશિયલ મિડિયાના માહોલમાં હવે ગ્રંથોની પણ ઘડીઓ ગણાઈ રહી છે!

દરેક  પરિવર્તન માટે જોઈએ –  ‘અવ્યવસ્થિત’. અહીં અવ્યવસ્થિતતાનો મહિમા ગાવાનો આશય નથી. પણ, અવ્યવસ્થિત પણ વ્યવસ્થિત રચનાનું એક અવિભાજ્ય અંગ જ છે. એના અસ્તિત્વનો પણ સ્વીકાર.

Disorder in order.

      આમ તો આ બધી સાહિત્યિક / આધ્યાત્મિક વાત થઈ ગણાય પણ આપણને જાણીને નવાઈ થશે કે, સૌથી આધુનિક વિજ્ઞાન પણ અવ્યવસ્થિતતાનો સ્વીકાર કરે છે ! એ માટે એમણે એક રૂપકડો શબ્દ બનાવ્યો છે-

CHAOS THEORY


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.