વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

ઘર માટે જરૂરી પત્થર, ચૂનો બધું જ હતું. જો થોડુંક વિસ્તરીને ઊંચાઈ પકડી હોત તો ઘરની દીવાલો બની હોત. એક ઘર બન્યું હોત, પણ બન્યું નહીં. ધરતી પર જ પ્રસરાઈને રહી ગયું. ઉંમરભર બંને સડકની જેમ સડક પર જ ચાલતાં રહ્યાં.

સડકની જેમ સાવ સાથે તેમ છતાં દૂર દૂર જ રહ્યાં. ક્યારેક મળીને લીન થઈ જતાં રસ્તાની જેમ મળ્યાં. ક્યારેક મળીને છૂટાં પડી ગયાં. ક્યારેક પગની નીચે ફેલાયેલી સડકને જોઈને બંનેને એક વિચાર આવતો. અરે! અહીં તો એક ઘર બની શક્યું હોત, તેમ છતાં બન્યું નહીં એ વાસ્તવિકતા હતી જે બંનેને પીડા આપતી રહી. ક્યારેક નીચે ફેલાયેલી જમીનમાં એ ઘરનો પાયો ખોદાતો, એમાંથી એક સપનાનાં ઘરને રચાતું જોઈ શકતાં. અત્યંત સહજતાથી એ ઘરમાં વર્ષોથી બંને પોતાને વસેલાં અનુભવી શકતાં.

આ વાત છે ‘અ’ નામની સ્ત્રી અને ‘સ’ નામના પુરુષની.

આજની જે વાત છે એ કોઈ એમની ભરપૂર યુવાવસ્થાની વાત નહીં, ઢળતી ઉંમરની વાત છે. ‘અ’ સરકારી મીટિંગ માટે ‘સ’ ના શહેરમાં ગઈ હતી. ‘અ’ અને ‘સ’ બંને એક સમાન સરકારી હોદ્દા પર હતાં. ‘અ’ માટે આજની મીટિંગ પછી પાછા જવાની ટિકીટ પણ તૈયાર હતી. પણ ‘સ’ આજે ‘અ’ અહીં રોકાઈ રહે એવું ઇચ્છતા હતા.

‘અ’ નો સામાન હોટલ પરથી લઈને ગાડી એરપોર્ટના બદલે સીધી પોતાના ઘર તરફ લીધી.

“અરે, બે કલાકમાં માંડ હું એરપોર્ટ પહોંચી શકીશ. પ્લેન ચૂકી જઈશ.” ‘અ’ થી બોલાઈ ગયું.

“પ્લેન તો કાલે પણ જશે, પરમદિવસે પણ જશે. મા ઘરે રાહ જોતી હશે” બસ આટલું કહીને ‘સ’ એ ચુપકીદી સાધી લીધી.

મીટિંગ માટે એ આવવાની છે એવું મા ને કેમ કહ્યું હશે એ સવાલ ‘અ’ ના મનમાં ઊઠ્યો પણ મન પાસે એનો કોઈ જવાબ નહોતો. ગાડીની બહાર વિસ્તરેલા શહેરની ઈમારતો એ જોતી રહી. થોડા સમય પછી ગાડી શહેરની બહારના ખુલ્લા, મોકળા વિસ્તાર સુધી પહોંચી ગઈ. ઈમારતો પાછળ રહી અને પામ વૃક્ષોની હારમાળા નજરે ચઢવા માંડી.

સાવ નજીક આવી રહેલા સાગર પરથી વહી આવતી સુવાસથી ‘અ’ના શ્વાસો જાણે ખારાશ અનુભવી રહ્યા. પવનથી ફરફરી રહેલાં પામ વૃક્ષોના પાંદડાની જેમ ‘અ’ એના હાથોમાં કંપન અનુભવી રહી. ઘર વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું.

વૃક્ષોથી ઘેરાયેલા કૉટેજ જેવાં ઘર પાસે ગાડી પહોંચી. ઘરની અંદર જતાં પહેલાં ‘અ’ કેળાનાં ઝાડ પાસે અટકી ગઈ. એને થયું કે પોતાના હાથની કંપન આ કેળાના પત્તાની કંપનની વચ્ચે મૂકી દે પણ ન કરી શકી.

માએ ગાડીનો અવાજ સાંભળી લીધો હતો. મા બહાર આવી અને હંમેશની જેમ ‘અ’નું માથું ચૂમી લીધું અને કહ્યું, “આવ દીકરી.”

જાણે માએ માથે હાથ ફેરવવાની સાથે વર્ષોથી અનુભવાતો ભાર ઊતારી દીધો, એવી હળવાશ ‘અ’ એ અનુભવી.

“શું પીશ દીકરા?”  મા એ પૂછ્યું.

“પહેલાં ચા બનાવ મા, પછી જમવાનું” અંદર આવેલા ‘સ’ એ જવાબ આપ્યો. ‘અ’ નો સામાન લઈને અંદર આવી રહેલા ડ્રાઈવરને બે દિવસ પછીની ટિકિટ લાવવાનું કહીને મા તરફ ફર્યો.

“મા, કેટલાંય સમયથી તું દોસ્તોને જમવા બોલાવવાનું કહેતી હતી. કાલે બોલાવી લે.”

“પણ બે કલાક પછી મારી પ્લેનની ટિકિટ છે.”

“ટિકિટની શું ચિંતા કરે છે. આટલું કહે છે તો રોકાઈ જા.”

હવે ‘અ’ પાસે બોલવાનું કશું બાકી નહોતું. એ ખુરશી પરથી ઊભી થઈને બહાર વરંડામાં આવી ગઈ. સામે દેખાતી પામ વૃક્ષોની પેલે પાર દેખાતા સમુદ્રનો ધ્વની સંભળાતો હતો.

“પણ કેમ?” ‘અ’ પૂછવા માંગતી હતી. પણ ન પૂછી શકી. એને થયું કે માત્ર આજે જ નહીં, જીવનના અનેક ‘કેમ’ સાગરના તટ પર ઊગેલા આ પામ વૃક્ષોના ફરફરી રહેલાં પત્તાની જેમ એના મનમાં ફરફરી રહ્યા છે. અંદર આવીને ઘરનાં મહેમાનની જેમ એણે ચા પીધી.

ઘરમાં એક લાંબી બેઠક, ડાઇનિંગ અને બીજા બે રૂમ હતા જેમાંનો એક મા અને બીજો ‘સ’નો હતો. આજે જીદ કરીને માએ પોતાનો રૂમ ‘અ’ને આપી દીધો અને પોતે બેઠકરૂમમાં સૂઈ ગઈ.

માના રૂમની બરાબર બાજુમાં ‘સ’ નો રૂમ હતો. બંને સૂઈ ગયાં હતાં. ઘરમાં જાણે નિતાંત શાંતિ હતી. થોડી વારે ‘અ’ પણ સૂઈ ગઈ. સવારે ઊઠી ત્યારે સવારનો કૂણો તડકો કડક બનીને રૂમમાં રેલાઈ રહ્યો હતો. બહાર સંભળાતા અવાજ પરથી સાંધ્ય દાવતની તૈયારી ચાલી રહી હોય એવું એ અનુભવી શકી.

‘અ’ બહાર આવી. સામે જ ‘સ’ એના રાત્રી પોષાકમાં ઊભો હતો,.આજ સુધી જોયેલા ‘સ’ કરતા સાવ જુદો. આજ સુધી ‘સ’ને સડક પર, કૉફી શૉપમાં, હોટલમાં, સરકારી મીટિંગોમાં જ જોયો હતો. આજની આ નવી ઓળખ ‘અ’ની આંખોમાં જડાઈ ગઈ.

“આ બે સોફા છે એને જરા ખસેડીશું તો બેઠકમાં જગ્યાની મોકળાશ લાગશે. પછી જેને સાંજે જમવા બોલાવવા છે એમના ઘરે જઈને આમંત્રણ આપી આવીએ અને પાછાં વળતાં ફળો વગેરે લેતા આવીશું.”. ‘સ’ બોલ્યો. જાણે ‘અ’ની અસ્વસ્થતા પારખીને એને સહજ કરવાનો પ્રયાસ કર્યો.

બંને એમના જૂના પરિચિત દોસ્તોના ઘરે જઈને આમંત્રણ આપી આવ્યાં અને સાંજ માટે ઘરને ફૂલોથી સજાવવામાં વ્યસ્ત બની ગયાં.

લગભગ સાત વર્ષે બંને મળ્યાં હતાં, તેમ છતાં સાત વર્ષે મળતી વ્યક્તિઓની વાતો જેટલી ઉત્કટતાના બદલે સાવ સહજભાવે, સાવ ઉપરછલ્લી સપાટીએ વાતો થતી રહી.

આજે બંનેને એકસાથે જોઈને દોસ્તોને આશ્ચર્ય થયું. એ દોસ્તોનું આશ્ચર્ય જોઈને ‘સ’ને મઝા આવતી હતી. પાછાં ફરતાં હવે ‘અ’ પણ થોડી હળવાશ અનુવભવી રહી. ‘સ’ના આનંદ, ઉમળકાની સાથે એ પણ આનંદિત બની રહી.

સાંજે ‘સ’એ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી. કટોરામાં બ્રાંડી કાઢીને માએ ‘સ’ની છાતી પર લગાવવા ‘અ’ને આપી. હવે એ થોડી સહજ થઈ હતી. શર્ટનાં બટન ખોલીને ‘સ’ ની છાતીથી માંડીને ખભા સુધી ચોળવા માંડી.

બહાર પવનના લીધે પામ વૃક્ષોના પાંદડામાં કંપન હતું પણ ‘અ’ના હાથમાં હવે કંપન નહોતું રહ્યું.

સાંજ પડતાં મહેમાનોથી ઘર ભરાવા માંડ્યું. ‘અ’ હવે એકદમ સહજતાથી મહેમાન મટી, યજમાન બનીને મહેમાનોનું સ્વાગત કરવા માંડી હતી.

સૌ વિખરાવા માંડ્યા. આજે ‘અ’એ સૂટકેસમાંથી રાત્રી પોશાક કાઢીને પહેર્યો. કદાચ એને અહીં ઘર જેવી અનુભૂતિ જોઈતી હતી? જો કે ગમે એટલી સહજ બનવા છતાં એ પેલાં સપનાના ઘર જેવી લાગણી અનુભવી શકતી નહોતી. એ ઘર જે એણે કેટલીય વાર બનતાં. વિખેરાતાં જોયું હતું.

કેટલાંય વર્ષો પસાર થઈ ગયાં? એ વિચારી રહી. કદાચ પચ્ચીસ કે ત્રીસ?

પહેલી વાર એ બંને જીવનના કોઈ એક મોડ પર મળી ગયાં હતાં. કોણ કયા રસ્તેથી આવ્યું એ પૂછવાનું, કહેવાનું રહી ગયું હતું. ત્યાંથી અને ત્યારથી એક ઘર, સપનાનું ઘર હંમેશા બનતું રહ્યું હતું અને બંને જણ સહજતાથી આખો દિવસ એ સપનાના ઘરમાં વસી શકતાં હતાં, શ્વસી શકતાં હતાં.

બંનેને જાણે યાદ આવતું કે એમના રસ્તા જ અલગ હતાં. બંનેના રસ્તા વચ્ચે એક ઊંડી ખાઈ હતી. બંનેને એ ખાઈ ઓળંગવી હતી.

“આ ખાઈને તું કેવી રીતે ઓળંગી શકીશ?”  ‘સ’ જાણે ‘અ’ને પૂછતો હતો.

‘‘તું હાથ પકડીને પાર કરાવીશ તો મજહબની એ ખાઈ પણ પાર કરી શકીશ” ‘અ’ને કહેવું હતું.

એ શક્ય નહોતું. ‘અ’ની આંગળીઓ પર ચમકતી હીરાની વીંટી આડી આવતી હતી.

“તારી આંગળીઓ પર કાનૂનની મહોર લાગેલી છે, એનું હું શું કરીશ?”

“તું એક વાર કહી તો જો, કાનૂનની આ મહોર પણ હું ત્યજી દઈશ.”

એ શક્ય ન બન્યું. સમાંતરે ચાલતી પણ ક્યારેય નજીક ન આવી શકતાં રસ્તાની બે બાજુની જેમ એ બંને પણ એમ જ અલગ અલગ ચાલતાં રહ્યાં. સમય સરતો રહ્યો.

લાંબા અરસા બાદ અચાનક ‘સ’એ ‘અ’ને જોઈ. સાથે એક બાળક હતું. સમાયંતરે મળેલાં એ બંને બાળકની સાથે જ કૉફી શૉપમાં ગયાં. એકવાર ફરી એ ખૂણામાં સપનાનું ઘર રચાઈ ગયું. વિખેરાઈ ગયું.

વળી એકવાર અચાનક ટ્રેનમાં બંનેની મુલાકાત થઈ ગઈ. ‘સ’ ની સાથે મા હતી, એક દોસ્ત હતો. દોસ્તે સમજીને પોતાની સીટ ‘અ’ને આપી. ગાડીમાં ઠંડીની બચવા માએ ઓઢવા બંને વચ્ચે એક કામળો આપ્યો. ચાલતી ગાડીમાં એ કામળાની કિનારે કિનારે સપનાના ઘરની દીવાલો ઊભી થવા માંડી હતી.

સપનાનાં ઘરની દીવાલો ચણાતી રહી, તૂટતી રહી, બંને વચ્ચે ખંડિયેર જેવી શાંતિનો ખડકલો થતો રહ્યો. ‘સ’ ને કોઈ બંધન નહોતું. ‘અ’ને હતું. એ તોડવા તૈયાર પણ હતી. તો એવું શું હતું કે આખું જીવન બંને જણ રસ્તાના બે કિનારાની જેમ અલગ ચાલતાં રહ્યાં? હવે તો ઉંમર પણ વીતતી ગઈ. ‘અ’એ જીવનનાં એ ચઢતા મધ્યાનના દિવસો અને હવે પછી ઢળતી સંધ્યાના દિવસોમાં પણ પોતાની જાતને અનેકવાર સવાલ કર્યા. એકવાર તો ‘સ’ ને પૂછી પણ લીધું. એની પાસે પણ કોઈ ઉત્તર નહોતા.

‘સ’ને દિવસના અજવાળા માફક નહોતાં આવતાં. ‘અ’ ને થતું કે એ એકવાર સૂરજને પકડીને એનું અજવાળું ઓલવી દે. દિવસે તો ક્યાંય પણ રહી શકાય પણ રાત તો માત્ર ઘરમાં જ હોય, પણ ઘર ક્યાં હતું? એમની પાસે માત્ર ખુલ્લા રસ્તાઓ હતા, દિવસો હતા, સૂરજ હતો અને ‘સ’ ને તો સૂરજની રોશની કરતા, રાતની ચાંદની વધુ ગમતી.

હવે ઉંમર ઢળવામાં હતી. ‘અ’ને યુવાનીના એ તપતા દિવસોનો વિચાર આવ્યો અને વર્તમાનના ઢળતા દિવસોનોય વિચાર આવતો હતો. એને યાદ આવતું હતું કે એણે ‘સ’ ના મૌન વિશે જાણવા પ્રયાસ કર્યો હતો.

કેટલીય વાર ‘અ’ને મન થઈ આવતું કે એ થોડી આગળ આવીને, હાથ લંબાવે અને ‘સ’ને એની ખામોશીમાંથી ખેંચીને બહાર લઈ આવે. પણ એની નજર પોતાના લંબાવેલા હાથ તરફ જતી અને એ અટકી જતી. કદાચ આંગળી પરની હીરાની વીંટી એને એમ કરતાં રોકતી હતી.

એકવાર તો ‘અ’ને વિચાર આવ્યો કે કોઈ એવી દુનિયામાં એ બંને પહોંચી જાય, અને ક્યારેય ફરી પાછાં જ ન આવે. એમ ન થયું. બંને માત્ર કોઈ એક રસ્તા પર મળતાં રહ્યાં. હા, હંમેશા એવું બનતું કે જ્યાં મળતાં ત્યાં સપનાના ઘરની દિવાલો ઊભી થવા માંડતી.

આજે ‘અ’ના ચહેરા પર સ્મિત ફરકી ગયું. એ સમય હતો જ્યારે બંનેની યુવાની દિવસો હતા. અને હવે? તેમ છતાં આજે પણ એ સપનાનું ઘર બંધાતું અનુભવી શકતી હતી. જાણે સપનાના ઘરને ઉંમર સાથે કોઈ નિસ્બત જ નહોતી.

બાકીની રાત પણ એમ જ વિચારોમાં વહી ગઈ. સવારે એરપોર્ટ જવાનો સમય થઈ ગયો. ‘અ’ રૂમમાંથી બહાર જવા નીકળી. ‘સ’ રૂમમાં અંદર આવવા ગયો. બંને એક એવા દરવાજા પર ઊભા હતાં જે ફરી બહાર રસ્તા પર ખૂલતો હતો.

ડ્રાઇવરે આવીને ‘અ’નો સામાન કારમાં મૂકી દીધો. ‘અ’ને પોતાના હાથ ખાલી, સાવ ખાલી લાગ્યા. ઉંબરા પાસે એ અટકી ગઈ. પાછી વળીને બેઠકમાં સૂઈ રહેલાં માને ખાલી હાથ જોડીને પ્રણામ કરીને બહાર આવી ગઈ.

કાર એરપોર્ટ પર જવાના રસ્તા પર આવી. રસ્તો ક્યાં શરૂ થયો અને ક્યારે પૂરો થયો?

‘અ’ અને ‘સ’ બંને ચૂપ હતાં. બંનેને ઘણું કહેવું હતું, સાંભળવું હતું, ઘણી વાતો હતી પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હવે તો શબ્દોય જાણે રસ્તા પર વેરાઈ ગયા હતા કે પછી સમુદ્ર કિનારે ફેલાયેલા પામનાં વૃક્ષ બની ગયા હતા.


અમૃતા પ્રિતમ લિખિત – ‘યે કહાની નહીં’ પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.