વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • જુલિયેટ

    વલીભાઈ મુસા

    પારંપરિક લૂક ધરાવતા  બેડરૂમની સીલિંગ લાઈટ્સ ઓફ છે. એક માત્ર પ્રવેશદ્વારે ટ્યુબલાઈટ ઝળહળી રહી છે. ઓરડાના મધ્યભાગે પિત્તળના મહાકળશમાં ઉગાડાયેલાં વિવિવિધરંગી ગુલાબનાં ફૂલોની જગ્યાએ માત્ર શ્યામરંગી ગુલાબ જ દેખા દે છે. બારીઓના પડદા શ્યામ અને ફ્લોર ઉપરની કારપેટ પણ શ્યામ. પલંગની મચ્છરદાની, ગાદલાની ચાદર, રજાઈ,  પિલોકવર સઘળું શ્યામ; દિવાલો પણ બ્લેક વોલપેપરથી એવી શ્યામરંગી, જાણે કે બેડરૂમ કોઈ સ્ટુડીઓનો ડાર્કરૂમ ન હોય! તો વળી તેણે પરિધાન કરેલો નાઈટગાઉન પણ શ્યામ જ છે. એક માત્ર ગૌર દેખાય છે, એનું વદન; હા, જુલિયેટનું વદન. ફુલ સ્લીવ નાઈટગાઉનની બાંયોની નીચેથી દેખાતા એના હાથના ગૌર પંજા અને પગનાં તળિયાં પણ ગૌર જ. જુલિયેટે તેના પતિ લોરેન્સ સાથેના સંબંધોનો છેદ ઉડાડીને બે બાળકો સાથે માતૃગૃહે પાછી ફર્યા પછી ઇન્ટિરિઅર ડેકોરેટર્સને બોલાવીને પોતાના બેડરૂમની આંતરિક સજ્જાને વૈરાગ્ય અને ઉદાસીના પ્રતીકસમી શ્યામલ બનાવડાવી દીધી હતી, એટલા માટે કે હવે લોરેન્સથી છૂટા પડ્યા પછી તેના જીવનમાં અન્ય રંગો માટે કોઈ સ્થાન રહ્યું ન હતું. જો કે જુલિયેટની માતા ઈલિઝાબેથ કે તેનાં સંતાનોને તેની આ હરકતનું કોઈ આશ્ચર્ય થયું ન હતું, કેમ કે તેઓ તેને ધૂની અને સ્વૈરવિહારી સમજતાં હતાં; વળી તેના આંતરિક કારણથી તેઓ અજ્ઞાત પણ હતાં.

    એ રાત્રિએ જુલિયેટ ભરનિદ્રામાં હતી અને તેને લાગ્યું કે તેના મસ્તકના કેશમાં કોઈકની કોમળ આંગળીઓ ફરી રહી છે. એ આંગળીઓ હળવેકથી પક્ષીના પીછાની જેમ તેની ભ્રમરના મધ્ય ભાગ, કાનબુટ્ટીઓ અને નાસિકાના મધ્ય ભાગથી ઉપલા ઓષ્ઠ વચ્ચેની ખાંચ(Philtrum)ને સ્પર્શી રહી છે. હવે એ આંગળીઓ કેટલાક સમય સુધી તેના બિડાયેલા ઓષ્ઠને હળવેકથી સ્પર્શ્યા પછી તેની હથેળીનો પૃષ્ઠભાગ તેના ગાલો ઉપર નાજુક રીતે ફરવા માંડે છે અને તે ઝબકીને જાગી જાય છે. ઉપરાઉપરી તાલીસ્વરે તે સેન્સર નાઈટ લેમ્પને તેજોમય કરીને ભયભીત નજરે બેડરૂમમાં ચારે તરફ જોઈ વળે છે અને કોઈ ન દેખાતાં તેને ખાત્રી થઈ જાય છે કે એ સ્વપ્ન માત્ર જ હતું. વળી એને એ અહેસાસ પણ થઈ જાય છે કે સ્વપ્નિલ એ સ્પર્શ અન્ય કોઈનો નહિ, પણ લોરેન્સનો જ હતો. શય્યાસુખ પૂર્વે આવી જ આંગિક પ્રણયચેષ્ટાઓ લોરેન્સ કરતો અને જુલિયેટ પણ એ ચેષ્ટાઓની આદી થઈ ગઈ હતી. વળી બંધ આંખે એ સઘળી સંવનનક્રિયાઓને મન ભરીને તે માણતી પણ ખરી.

    જાગી ગયેલી જુલિયેટ પલંગ નીચેની સુટકેસમાંથી ફોટો-આલ્બમ કાઢે છે અને શૂન્યમનસ્કભાવે અને શુષ્ક નજરે ટેબલ લેમ્પના અજવાળામાં મેરેજના અને હનીમૂનના ફોટાઓ જોવા માંડે છે. પરંતુ લોરેન્સ સાથે બેસીને આ જ આલ્બમને અનેકવાર જોવા છતાં પણ ધરપત મહેસુસ ન કરી શકતી એ જ જુલિયેટને આજે રસ પડતો નથી. બગાસું ખાતાં તેને છાતી સરસું ચાંપીને નાઈટલેમ્પને ડીમ કરી દે છે અને છેલ્લા અઠવાડિયા સિવાયના દસકાનાં મધુર દાંપત્યજીવનનાં સંસ્મરણોને વાગોળતાં વાગોળતાં તે ફરી પાછી નિદ્રાધીન થઈ જાય છે.

    પરંતુ જુલિયેટનું અજ્ઞાત મન તો લોરેન્સથી વૈવાહિક સંબંધે છૂટા પડવાના છેલ્લા ઘટનાક્રમને જ  ઉખેળવા માંડે છે. આજલગીનું સુમેળભર્યું અને અન્યોન્ય નિર્ભેળ પ્રેમનું સિંચન પામીને ઘટાદાર બનેલું એમનું દાંપત્યવૃક્ષ એ દિવસે  અચાનક ઉન્મૂલન પામ્યું હતું અને એના માટે જવાબદાર પોતે જ  હતી. એ સાંજે ખુશમિજાજ ચહેરે ઓફિસેથી ઘરે આવેલા લોરેન્સ ઉપર કોઈપણ જાતની પૂર્વભૂમિકા વગર એણે વજ્રઘાત કર્યો હતો. જુલિયેટપક્ષે સ્વસ્થતાપૂર્વક અને લોરેન્સપક્ષે આઘાત અને આશ્ચર્યમિશ્રિત ભાવે તેમની વચ્ચે આમ સંવાદ થયો હતો :

    ‘મારી કેટલીક શરતો તને સ્વીકાર્ય હોય, લોરેન્સ, તો આપણી આપસી સંમતિથી;, નહિ તો ફેમિલી કોર્ટના ચૂકાદા હેઠળ આપણે છૂટાં પડીએ છીએ.’

    ‘ઓ માય ગોડ, તું ગાંડી તો નથી થઈ ગઈ! તને ભાન છે કે તું શું બોલી રહી છે? તારો મજાક કરવાનો ભાવ હોય તો આવી ગંભીર અને આઘાતજનક મજાક થાય ખરી?’’

    ‘મજાક નથી, હકીકત છે; અને તું માથું પટકશે તો પણ તને કારણ તો નહિ જ જણાવું.’

    ‘જુલી, ફોર ધ ગૉડઝ સેક, મને પરેશાન ન કર. ઘડીભર માની લઉં કે તું ગંભીર છે, તો પણ ફેમિલી કોર્ટની રૂએ મને કારણ તો આપવું જ પડે ને!’

    ‘આપણો મામલો કોર્ટે જશે, તો ત્યાં કારણ આપીશ; અને એ પણ સાવ ખોટેખોટું! ડાયવોર્સની મારી માગણીને સાચી ઠેરવવા ઈશ્વરની માફી માગીને મારે તારા ઉપર ખોટા આક્ષેપો પણ કરવા પડશે! આપણાં બેઉની ભલાઈ એમાં છે કે આપણે રાજીખુશીથી છૂટાં પડીએ.’

    ‘જો હવે હું ગંભીરતાપૂર્વક કહું છું કે આપણા કેબિનેટની આંતરિક સેઈફમાંની મારી  રિવોલ્વરથી મને શુટ કરી દે એટલે ડાયવોર્સની જફા વગર તું મારાથી આપોઆપ છૂટી, બસ! વળી હું સ્વૈચ્છિક રીતે સુસાઈડ કરી રહ્યો છું એવી  નોટ લખીશ એટલે તું આરોપમુક્ત! આનાથી વધારે તો તારા માટે હું બીજું શું કરી શકું?’ આમ કહેતાં લોરેન્સ રડી પડ્યો હતો.

    ‘એમ કરું કે, લોરેન્સ, હું જ મને પતાવી દઉં તો!’

    ‘આમ કહીને તું મને ઇમોશનલ ધમકી આપી રહી છે, ખરું ને! ઈશ્વરને ખાતર ધીમેથી બોલ, નહિ તો છોકરાં સમજશે કે આપણે ઝઘડી રહ્યાં છીએ.’

    ‘મેં એમને મારી મોમના ત્યાં મોકલી દીધાં છે.’

    ‘વાત આટલે સુધી પહોંચી ગઈ અને એ પણ મારી ગેરહાજરીમાં! તું મને ગાંડો કરી દઈશ, જુલી!’

    ‘હવે આડીઅવળી વાત પડતી મૂક, લોરેન્સ, અને મને જવાબ આપ કે આપણે કઈ રીતે છૂટાં પડવું છે?’

    ‘મારાં પેરન્ટ્સ તો આ દુનિયામાં મોજુદ નથી અને આપણાં બેઉ વચ્ચે એક માત્ર પેરન્ટ તરીકે તારાં મોમ મોજુદ છે. ચાલ, આપણે તેમના ઉપર છોડીએ કે આપણે કેવી રીતે છૂટાં પડવું? જોઈએ તો ખરાં કે તેઓ  કેવો માતૃધર્મ નિભાવે છે!’ લોરેન્સ ખિન્ન વદને બોલ્યો.

    ‘તું ભલે મને ઇમોશનલી બ્લેક મેઈલ ન કરતો હોય, પણ એટલું તો મક્કમતાપૂર્વક કહીશ કે મારો નિર્ણય અફર છે. હું ઇચ્છું છું કે આપણે આપસી સંમતિથી છૂટાં પડીશું તો જ આ વાત આપણા બે જણ પૂરતી ખાનગી રહેશે અને ખાસ તો મારાં  મોમથી પણ અજાણ રહેશે. હું બાળકો સાથે મોમ સાથે રહીશ એ સૌને બાહ્ય રીતે એમ જ દેખાશે કે મારો ભાઈ જેક કોલેજશિક્ષણ માટે ફિલાડેલ્ફીઆ ચાલ્યો ગયો હોઈ મોમને એકલવાયાપણું ન લાગે માટે હું ત્યાં રહું છું.’

    ‘તારું ખરેખરું કારણ એ જ હોય તો તું ત્યાં રહે અથવા એમને આપણા ભેગાં બોલાવી લઈએ, પણ આ માટે તારું ડાયવોર્સ લેવાનું લોજિક મને સમજાતું નથી.’

    ‘એ સમજાવીશ પણ નહિ. પરંતુ હા, આપણી આપસી સહમતિથી આપણે છૂટાં પડીએ છીએ તેમ મેં તારા ઉપરના વિશ્વાસથી માની લીધું છે; અને તેથી લે, આ કાગળ વાંચી જો, જેમાં મેં મારી શરતો લખી છે. તારે નીચે કોઈ સહી કરવી જરૂરી નથી, કેમ કે એ આપણે બેઉએ સમજવા પૂરતી છે અને આપણે સજ્જનોની જેમ તેનું પાલન કરીશું.’ આમ કહીને જુલિયેટે ભાવવિહીન શુષ્ક ચહેરે લોરેન્સ આગળ કાગળ ધરી દીધો હતો; જેમાં આમ લખેલું હતું. .

    -આપણે આપસી સંમતિથી છૂટાં પડીએ છીએ અને આપણા ડાયવોર્સ આપણા બે જણ વચ્ચે ખાનગી જ રહેશે.

    -હું બંને બાળકો સાથે મોમના ત્યાં રહીશ, એ બાહ્ય દેખાવ હેઠળ કે આપણા સંબંધો નોર્મલ છે અને તું  પણ  વિના રોકટોક અવારનવાર અમારા ત્યાં આવતોજતો રહીશ.

    -ઈશ્વરસાક્ષીએ અને આપણા અંતરાત્માના અવાજે આપણે લગ્નવિચ્છેદ કર્યો હોઈ આપણે એકબીજાંને અજનબી વ્યક્તિઓ તરીકે જ મળીશું અને આપણે પતિપત્ની હોવાનો વિચારસુદ્ધાં પણ નહિ કરીએ.

    -કાયદેસર તારી સ્થાવર-જંગમ મિલ્કતના મારા અડધા હકદાવા હેઠળ મને મળવાપાત્ર નાણાં અથવા વન ટાઈમ એક મિલિયન ડોલર એ બેમાંથી જે ઓછું હોય તે જ તારે રોકડ સ્વરૂપે જ મને ચૂકવવાનું રહેશે.

    -મારા કે સંતાનોના ભરણપોષણ તરીકે કે અન્ય ખર્ચ નિમિત્તે તારે મને કશુંય આપવાનું રહેશે નહિ.

    -સંતાનો પુખ્તવયનાં થયેથી તેમની ઇચ્છા મુજબ ગમે ત્યાં રહી શકશે.

    -આપણે પુનર્લગ્ન કરીશું નહિ.

    -મારી ઇચ્છા થયેથી હું ગમે ત્યારે ડાયવોર્સ રદબાતલ કરીને ફરીવાર તારી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ શકીશ.

    લોરેન્સે જુલિયેટને કાગળ પરત આપતાં કહ્યું હતું. ‘હું સારી રીતે જાણું છું કે તું ખુદ્દારી અને કૃતનિશ્ચયતાની એક જીવંત મિસાલ હોઈ તારા નિર્ણયને નહિ જ બદલે અને તેથી કપાતા દિલે પણ તારી ઇચ્છાને માન આપીશ, કેમ કે હું તને બેહદ ચાહું છું અને તે માટે હું ગમે તે કરવા તૈયાર છું. પરંતુ એક વાત તો નક્કી કે તું મારાથી કંઈક છુપાવે છે, જુલિયેટ!’

    ‘હા, એ સાચું અને સમય આવ્યે એ હું તને કહીશ પણ ખરી. મૂળ વાત કે તું નાણાંની વ્યવસ્થા કેટલા દિવસમાં કરી શકીશ?’

    ‘અઠવાડિયું તો થશે જ, કેમ કે તારે રોકડા જ જોઈએ છે. આમ તો તારા હક્કની રૂએ તો મારે અઢળક આપવાનું થાય, પણ તું  એક મિલિયન જ માગે છે એટલે રોકડ સગવડ અંગે મારા માટે એટલી રાહત ગણાય. વળી એ પણ હાથ ઉપર ન હોઈ મારે મિત્રોને ચેક આપીને તેમની પાસેથી રોકડા મેળવવા પડશે.’

    * * *

    ઈલિઝાબેથ દોહિત્ર-દોહીત્રીને સ્કૂલબસમાં બેસાડવા માટે વહેલી સવારે ડ્રાઈવ-વે પાસે ઊભેલાં હતાં અને લોરેન્સની લેક્સસ કાર આવી પહોંચી. એણે કાર ધીમી પાડીને છોકરાંઓને હેલો-હાય કહીને ગરાજ આગળ પાર્ક કરી દીધી. ડોરબેલના અવાજે જુલિયેટે દરવાજો ખોલીને લોરેન્સને આવકાર્યો. ટેલિફોનિક ગોઠવણ મુજ્બ લોરેન્સ સમયસર આવી ગયો હતો.

    લોરેન્સે અંદર દાખલ થતાં જ એકાંતનો લાભ લઈને જુલિયેટના હાથમાં કરન્સીનું પાકીટ પકડાવી દેતાં કહ્યું, ‘મોટી નોટો છે, પૂરા એક મિલિયન.. મોમના આવવા પહેલાં ઠેકાણે મૂકી દે.’

    જુલિયેટના બ્લેક નાઈટ ગાઉન તરફ લોરેન્સનું ધ્યાન જતાં તેનાથી ટીખળ કર્યા સિવાય રહેવાયું નહિ અને કહ્યું,  ‘અરે, આ શું જોઈ રહ્યો છું? શ્યામરંગી વસ્ત્રપરિધાન કરેલી ‘ક્લિયોપેટ્રા’ મુવીની ઈલિઝાબેથ ટેલરની પ્રતિકૃતિ કે પછી મારા એક ભારતીય મિત્રના કહેવા પ્રમાણેની પૂર્વીય મીરાંબાઈ? ‘ઓઢું કાળો બ્લેન્કેટ, દુઝો ડાઘ ન લાગે કોય’ (I am wrapped up in a black  blanket, so that no any stain can tarnish it) એ મતલબનું કંઈક એ ગાતો હતો. મને તેણે એ પણ સમજાવ્યું હતું કે મીરાંનું કાસળ કાઢવા તેને ઝેરનો પ્યાલો મોકલવામાં આવ્યો હતો, પરંતુ આપણા કિસ્સામાં તો સાવ જુદું થાય છે. તેં તો ‘પાશ્ચાત્ય મીરાં’ બનીને જાતે જ ઘૂંટેલા ઝેરનો પ્યાલો ગટગટાવ્યો છે, કેમ ખરું કે નહિ?’

    ‘હવે વહેલી સવારમાં મારો મુડ ખરાબ કર્યા વગર ચૂપ બેસી રહે તો સારું! હવે આપણે મિત્રો છતાંય તારાથી રિસાઈ જવાના મારા અધિકારને મેં જતો કર્યો નથી!’ આમ કહીને જુલિયેટે મધુર ગુસ્સાસહ ત્વરિત બેડરૂમમાં જઈને પેકેટને કેબિનેટમાં મૂકી દીધું.

    થોડીવાર પછી ઈલિઝાબેથનું આગમન થયું અને તેમણે આવતાંની સાથે જ જણાવી દીધું કે પોતે હાલ જ ગ્રોસરીનો કેટલોક સામાન ખરીદવા બહાર જાય છે. એક અઠવાડિયે ભેગાં મળેલાં એમને પ્રાયવસી મળી રહે તે આશયે એમણે બહાનું ઊભું કર્યું હતું.

    જુલિયેટે લોરેન્સને બ્રેકફાસ્ટનું પૂછતાં તેણે અનીચ્છા દર્શાવી અને જુલિયેટને હાથના ઈશારાથી સામેના સોફા ઉપર બેસવાનું કહ્યું.

    ‘સામેના સોફે કેમ? તારી પાસે અડીને ન બેસી શકું?’

    ‘તારી જ તો શરત છે કે આપણે એકબીજાંને અજનબીની રીતે મળીશું અને પતિપત્ની હોવાનો વિચારસુદ્ધાં પણ નહિ કરીએ!’

    ‘તો પછી તું મને પજવે છે કેમ? રાત્રે ચેનથી ઊંઘવા પણ દેતો નથી!’

    ’હું તને પજવું છું! તને અહીં આવ્યાને અઠવાડિયું થયું. પહેલીવાર રૂબરૂ મળીએ છીએ અને આપણી વચ્ચે ફોન ઉપર  રાત્રે કે ક્યારેય કોઈ વાતચીત પણ થઈ નથી. પણ હા સમજ્યો!  તો હું રાત્રે જ હેરાન કરું છું, એમ ને! એ પણ સપનામાં જ, ખરું ને! ખરે જ તું હેરાન થતી હોય, તો …તો હું રોજ રાત્રે એમ જ કરીશ!  ’

    ‘ચાલ, એ વાત રહેવા દે. હું તને પૂછું છું કે મારી ગેરહાજરીમાં તને કોઈ અગવડતા પડે છે, ખરી?’

    ‘તમાચો ઠોકી દીધા પછી પૂછવાનું કે ગાલ તતડે છે?’

    ‘મારા ગાલ ઉપર પણ તમાચો તો પડ્યો જ છે ને, ભલે ને પછી મેં જ મને જડી દીધો હોય!’

    ‘પોતાના હાથે પોતાના ગાલ ઉપર તમાચો તો હળવો જ પડે, સામેવાળાને તો ખેંચીને જ દેવાય ને! હું કહું છું કે આપણે એકબીજાંના તતડતા ગાલોને પંપાળીને રાહત આપવી જ હોય, તો હજુય ક્યાં મોડું થયું છે? હાલ જ ચર્ચ તરફ દોડી જઈએ, ફાધર આગળ પશ્ચાત્તાપ કરી લઈએ, ફરી જોડાઈ જઈએ અને એકબીજાંના ગાલોને પંપાળી લઈએ!’

    ‘એમ જ થશે, પણ એ સમય આવ્યે! મારી આખરી બે શરતો પણ એવી જ છે ને! કેમ ભૂલી જાય છે?’

    ‘ભૂલ્યો નથી, કેમ કે એ જ તો મારા જીવનની આશાદોરી છે ને! પણ હું પૂછું છું કે આ તે તારી કેવી અદાલત? તું કેદની સજા ફરમાવે, પણ કેટલાં વર્ષની એ ચૂકાદામાં જણાવે જ નહિ!’

    ‘અંદાજે વર્ષ જણાવું તો ચાલે?’

    ‘ના, મારે તો સજામાફી જ જોઈએ. તું નહિ સાંભળે, તો ઉપલી અદાલતમાં અપીલ કરીશ, મોમની અદાલતમાં!’

    ‘ઈશ્વરને ખાતર તેમ કરીશ નહિ. મોમ દુ:ખીદુ:ખી થઈ જશે!’

    ‘તો તારા આ પગલાથી હું સુખીસુખી થઈ ગયો એમ તું માને છે? તારા ચૂકાદાની પાયાની ખામી એ જ કે તેં મને આરોપ તો સંભળાવ્યો જ નથી!’

    ‘પણ તું આરોપી હોય તો જ આરોપનામું સંભળાવું ને! આરોપી તો હું જ છું અને મેં જ મને સજા ફરમાવી છે. તારા ઉપર તો મારી સજાની આડઅસર થઈ ગણાય!’

    ‘નિર્દોષને સજા એ વળી ક્યાંનો ન્યાય ગણાય? વળી મારા માટે એ સજાની આડસસર નહિ, પણ સીધી જ અસર કહેવાય!.’

    ‘તો શું તું એમ માને છે કે મને આપણા વિયોગનું કોઈ દુ:ખ નહિ થતું હોય! જાણવું છે તારે, મારું દુ:ખ? તો જા, મારો બેડરૂમ જોઈ આવ.’

    ‘શું દિવાલો ઉપર મારા ફોટા જડી દીધા છે કે શું?’

    ‘એ તો તું જ જોઈ આવ ને!’ આમ કહેતાં જુલિયેટ હૈયાફાટ રડી પડી.

    ગભરાયેલો લોરેન્સ જુલિયેટના બેડરૂમ તરફ ધસી ગયો અને શ્યામરંગી ઇન્ટિરિયર જોતાં જ ફાટ્યા અવાજે બોલી ઊઠ્યો, ‘અરે પગલી, હું મરી નથી ગયો; જીવું છું, જીવતોજાગતો તારી સામે તો છું! તારી આવી માનસિક હાલત જોતાં હવે મને લાગે છે કે મારે તને હમણાં જ મારી સાથે લઈ જવી પડશે. હું તારી શરતોને ખારિજ કરું છું. તું એમ ન માનતી કે મને તારા આવા ઘાતકી પગલા પાછળના કારણની ખબર ન પડે! તારે કોઈક કારણોસર નાણાંની જરૂર હતી અને તેં તારી ખુદ્દારીએ મારી પાસે સીધી માગણી ન મૂકતાં આપણા મધુર દાંપત્યજીવનને વટાવી ખાધું. પરંતુ તું એ ભૂલી ગઈ કે દિવ્ય પ્રેમથી જોડાયેલાં પતિપત્ની એકબીજાંનાં સુખદુ:ખનાં સાથી હોય છે. આપણે લગ્ન પહેલાં ‘હું’ અને ‘તું’ હતાં અને લગ્ન પછી ‘આપણે’ બની ગયાં કહેવાઈએ. તારે ડાયવોર્સના આવા જલદ માર્ગે જવા પહેલાં મને ચકાસવો જોઈતો તો હતો!  ખેર, આમ છતાંય હું તને દોષ નથી દેતો, કેમ કે તેં કોઈ ઉમદા હેતુ માટે ડાયવોર્સ અને તે થકી મળનારા નાણાંકીય લાભને રોકડો કરી લીધો લાગે છે. હવે મારે જાણવું તો પડશે જ કે તારો કયો એવો ઉમદા હેતુ છે કે જેના માટે તારે આમ ઝેરનાં પારખાં કરવાં પડ્યાં!’

    જુલિયેટને લોરેન્સના સીધા વાકપ્રહાર સામે ઝૂકી જવું પડ્યું અને રડતાંકકળતાં કહેવું પડ્યું, ‘લોરેન્સ, એ ઉમદા હેતુ છે, બબ્બે જિંદગીઓ બચાવવાનો; એક, જેકની અને બીજી તેના દોસ્ત જહોન્સનની. હું આજે જ મોમ આગળ જેકને મળવા જવાનું બહાનું કરીને આ નાણાં લઈને હું ફિલાડેલ્ફિઆ જવાની હતી. હવે આપણા બેઉ વચ્ચે વાત ઊઘાડી પડી જ ગઈ છે, તો આપણે બંને સાથે જ જઈશું. મોમને આ વાતની ખબર ન પડવી જોઈએ, નહિ તો તે આંતરિક રીતે તૂટી પડશે.’

    લોરેન્સ આ સાંભળીને રાડ પાડતાં બોલી પડ્યો, ‘આટલી ગંભીર વાતનો મારી સાથે પડદો! તેં મને પરાયો ગણ્યો, એમ ને! કેમ, જેક મારો પણ ભાઈ ન ગણાય? વળી એનો મિત્ર પણ પરાયો કેમ ગણાય? એ જુવાનિયાઓ એવું તે શું પરાક્રમ કરી બેઠા કે આવડી મોટી નાણાંકીય આફતમાં ઘેરાઈ ગયા? કોઈ ખંડણીખોરોએ એમને બાનમાં લીધા છે કે શું? આજકાલ આપણા દેશમાં આવા ક્રાઈમ ખૂબ જ વધી ગયા છે. ખેર, માંડીને વાત કર કે હકીકત શું છે?’

    ‘વાત એમ છે, લોરેન્સ, કે આપણો જેક સીધોસાદો અને નિખાલસ હોઈ સહજ રીતે જ જહોન્સનનો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો. તેણે વાતવાતમાં જણાવી દીધું હતું કે પોતે આર્થિક રીતે મધ્યમવર્ગનો માણસ છે. અહીં ફિલાડેલ્ફિઆ ખાતે પોતે ભણવા આવી શક્યો છે તે તેનાં બહેન અને જીજાજીની ઉદારદિલિ આર્થિક સહાયના કારણે જ તો. તેણે એ પણ જણાવ્યું હતું કે અમે સ્વમાની છીએ અને મારી બહેનને પણ જીજાજીની આવી સહાય લેવી ગમી નથી. તે માને છે કે દાંપત્યજીવનમાં અંગત સ્વાર્થ આડો આવવો જોઈએ નહિ. જહોન્સને જેકની વાત ગંભીરતાથી લેતાં તેને મદદરૂપ થવા માટેની તૈયારી બતાવી અને તેણે પોતાની યોજના સમજાવી. જહોન્સનના પિતા બિલિયોનર હોઈ તેમણે બેંકના પિતાપુત્રના સંયુક્ત લોકરમાં એક મિલિયન ડોલર રિઝર્વ હાર્ડ કેશ મૂકી રાખ્યા હતા, જે ભવિષ્યે જહોન્સનને કામમાં આવી શકે. લોકરની એક ચાવી જહોન્સન પાસે રહેતી હતી. મૂર્ખાઓએ જલ્દી નાણાં કમાઈ લેવાનો શોર્ટ કટ વિચાર્યો અને કેસિનોના રવાડે ચઢી ગયા. તેમનું ભાગ્ય ખૂલવાની આશામાં ને આશામાં એકાદ મહિનામાં તો સૂપડું સાફ! તેઓ દસેદસ લાખ ડોલર ગુમાવી ચૂક્યા. જહોન્સન ખૂબ જ સંવેદનશીલ હોઈ પિતા આગળ શરમિંદગી ન અનુભવવી પડે તે માટે તેણે જેક આગળ આત્મહત્યા કરી લેવાની ઇચ્છા જણાવી. જેકે કહ્યું કે આ આફત માટે જવાબદાર તે પોતે જ છે અને તેથી આત્મહત્યા તેણે કરી લેવી જોઈએ. જહોને કહ્યું કે ભલે તને આર્થિક સહાય માટે આમ કરવાનો મને વિચાર આવ્યો હોય, પણ તને કંઈ લાખો ડોલરની સહાયની જરૂર ન હતી. મારી પોતાની પણ લાલસા હતી કે પિતાએ મને આપેલા મિલિયન ડોલર આમ લોકરમાં વ્યર્થ પડ્યા રહે તેના કરતાં તેમાં વૃદ્ધિ કરીને હું તેમને સરપ્રાઈઝ આપું. આખરે તેમણે તાજેતરમાં જ ઊજવેલા ફ્રેન્ડશીપ ડે ઉપર એકબીજા માટે મરી ફીટવાના તેમના સંકલ્પને યાદ કરીને એ નતીજા ઉપર આવ્યા હતા કે બંને સાથે જ આત્મહત્યા કરી લેશે. પરંતુ જેકને આપણા ઉપર થોડી આશા બંધાઈ અને એક ચાન્સ લેવાના ઈરાદે તેણે મને ટેલિફોનિક બધી કેફિયત જણાવી. મેં વારાફરતી બંને સાથે વાતચીત કરીને તેમને હૈયાધારણ આપી કે હું પૂરા મિલિયન ડોલર લઈને ટૂંક સમયમાં રૂબરૂ આવું છું અને તમે લોકો કોઈ અવિચારી પગલું ભરતા નહિ. મેં એમને એમ પણ સમજાવ્યું કે તમે બેઉ તરવરતા યુવાન છો, અભ્યાસમાં તેજસ્વી છો, જીવનમાં કંઈક કરી શકવાની તમે લોકો ક્ષમતા ધરાવો છો. તમે જીવન જ ગુમાવી  બેસશો તો બધું ખતમ થઈ જશે. તમારા બેઉના જીવન સામે એક મિલિયન ડોલરની કોઈ વિસાત નથી. ઈશ્વરને ખાતર મારી રાહ જુઓ અને મેં જેકને મોમની તેના પ્રત્યેની લાગણીની યાદ અપાવીને તેને સમજાવીને વારી લીધો હતો..’

    * * *

    જુલિયેટ અને લોરેન્સ એરપોર્ટથી સીધાં જેક અને જહોન્સનની હોસ્ટેલે પહોંચી ગયાં. એ બેઉ મિત્રો તેમને ભેટી પડીને ચોધાર આંસુએ રડી પડ્યા. લોરેન્સે જહોન્સનને પૂછ્યું, ‘બોલ, શું કરવું છે? આ નાણાં બેંકના લોકરમાં સીધાં મૂકી દેવાં છે કે તારા પિતાના હાથમાં આપી દેવાં છે?’

    ‘મારી-અમારી વિચારશક્તિ બહેર મારી ગઈ છે. આપ બેઉ વડીલોને ઠીક લાગે તેમ કરી શકો છો. આપ બેઉનો આભાર વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી. આપે અમને જીવતદાન આપ્યું છે, તેનું ઋણ અમારાથી અદા થઈ શકશે તો નહિ; પણ અમે ઈસુને પ્રાર્થીએ છીએ કે આપને આ લોક અને પરલોકમાં સુખ, સમૃદ્ધિ, સામર્થ્ય અને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ..’

    જુલિયેટ અને લોરેન્સનાં દિમાગોમાં એકસાથે સમાન વિચાર ઝબૂક્યો અને ચારેય જણાં જહોન્સનના પિતાની એપોઈન્ટમેન્ટ લઈને તેમની ઓફિસમાં પહોંચી ગયાં. મિ. જહોનની ચેમ્બરમાં સંવેદનશીલ વાતાવરણ બની રહ્યું. સઘળી કેફિયત રજૂ થઈ. મિ. જહોને જુલિયેટ અને લોરેન્સની સજ્જનતાને બિરદાવતાં કહ્યું, ‘આપે આપના સુખી દાંપત્યજીવનને હોડમાં મૂકીને આપણા બેઉ દીકરાઓની જિંદગી બચાવી છે, જે નાનીસૂની વાત નથી. જુવાનિયાઓએ ભૂલો કરી છે અને આ ઉંમરે એ થાય એ સ્વાભાવિક પણ છે. આપ આપનાં નાણાં પાછાં લઈ જાઓ, જેને આપ બેઉના પુનર્મિલનની મારા તરફની ભેટ સમજજો. જેક હવે મારો દીકરો જ છે. તેને જેટલું ભણવું હશે તે ભણવા માટેના તેના ખર્ચની જવાબદારી હું આનંદભેર સ્વીકારું છું. જહોન્સને જે કંઈ ભૂલ કરી છે તે ક્ષમ્ય છે, એટલા માટે કે તેણે લોકરમાંનાં નાણાંને મોજમજા માણવા માટે નહિ, પણ મિત્રભાવે જેકને મદદરૂપ થવા માટે લીધાં હતાં. જો કે એણે એમાંથી સીધી મદદ કરી હોત તો એ વધારે ઉચિત ગણાત. ખેર, જે થયું તે થયું. માનવજીવનમાં ઘટતી આવી ઘટનાઓ પાછળ કોણ જાણે કેટકેટલા ભેદ જળવાયેલ હોય છે. ઈશ્વર સૌનું ભલું કરે.’

    પ્રસન્ન વદને અને ભાવવિભોર હૈયે એ પાંચેય જણ છૂટાં પડે છે.

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
    ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577

    નેટજગતનું સરનામુઃ
    • William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ માનવધર્મ – જીવો અને જીવવા
    દો | હળવા મિજાજે

  • મા વિનાના ગલુડિયાં

    આશા વીરેન્દ્ર

    મારા પતિ જિતેન્દ્ર અને નરેન્દ્ર બે ભાઈઓ અને અમે શીલા ને નીલા બંને દેરાણી-જેઠાણી. ચારેયનાં નામોમાં જેવું સામ્ય હતું એવું જ સામ્ય ચારેયના સ્વભાવમાં પણ હતું. અમારો આદર્શ, સુખી પતિવાર હતો. નીલા પરણીને આવી ત્યારે મારો આદિ છ-સાત વર્ષનો. નીલાએ એને એવી માયા લગાડેલી કે આખો દિવસ કાકી, કાકી કરતો એનો પાલવ પકડી ફર્યા કરતો. હું હસીને કહેતી,   ‘નીલા તું તો મારા કાનુડાની જશોદા મૈયા છે. ઘરમાં હું ન હોઉં  એને ચાલે પણ તારા વિના એને ઘડીભર ન ચાલે.’નીલા હસીને કહેતી, ‘દીદી, હું નથી કહેતી હં, એને મારી પાછળ પાછળ ફરવાનું.’

    આ સંબંધનું જાણે સાટું વાળવું હોય એમ નીલાની કૂખે રત્ના જન્મી અને જન્મતાંની સાથે મારી જ થઈ ગઈ. એને માલિશ કરવું, નવડાવવી, કડવાટ પાવી એ બધાં કામ મેં મારા હાથમાં લઈ લીધેલાં. મને તો જાણે રત્નાના રૂપમાં સ્વર્ગ મળી ગયેલું. જરીકે વાર એને રેઢી ન મૂકું. ને એ મીઠડી ય મને ભાભુ, ભાભુ કરતી જાય ને મીઠું મીઠું હસતી જાય. એ માંડ ત્રણેક વર્ષની થઈ હશે ત્યાં અમારા સુખને કોઈની નજર લાગી ગઈ હોય એમ બે જ દિવસના તાવમાં મારો લાડકો દિયર નરેન્દ્ર ચાલતો થયો.

    ‘નીલા, બસ કર. હવે રડવાનું બંધ કર ને જરા આ કુમળી છોકરી સામે તો જો !’ હું નીતરતી આંખે નીલાને સમજાવવાની નિષ્ફળ કોશિશ કર્યા કરતી. આખા ઘરમાં સ્મશાનવત્ શાંતિ પથરાઈ ગઈ હતી. થોડા વખત પછી એક દિવસ નીલાનાં માતા-પિતા મળવા આવ્યાં. રાત્રે સહુ બેઠાં હતાં ત્યારે એમણે ધીમેથી વાત મૂકી.

    ‘જિતેન્દ્રભાઈ, એક વાત કહું? ખરાબ ન લગાડશો. તમે અને શીલાબહેન તો નીલા માટે કંઈ કરવામાં બાકી નથી રાખતાં પણ આ ઘરમાં રહીને એ કોઈ દિવસ પોતાનું દુ:ખ ભૂલી નહીં શકે. રાત-દિવસ એને નરેન્દ્રના જ ભણકારા વાગ્યા કરશે. જો તમારી સંમતિ હોય તો અમે નીલા અને રત્નાને લઈ જઈએ.’

    મારા હૈયામાં ચિરાડો પડ્યો. નરેન્દ્રને તો ગુમાવ્યો જ હતો. હવે આ બંને પણ જતા રહેશે. રત્ના વિના મારી જિંદગીમાં રહેશે શું? પણ ક્યા હક દાવે અમે ના કહી શકીએ ?

    થોડા દિવસની રજા ભેગી થાય કે રત્ના અહીં જ આવી જતી.એને ય એની ભાભુ વિના સોરવતું તો નહીં પણ બાળકો તો જ્યાં જાય ત્યાંનાં થઈ જાય. નીલા ત્યાંની શાળામાં શિક્ષિકાની નોકરી કરવા લાગી હતી. એક વખત અચાનક એ રત્નાને લીધા વિના આવી પહોંચી. મારો પહેલો સવાલ હતો—‘કેમ એકલી આવી? રત્નાને ન લાવી?’

    ‘દીદી, તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી હતી એટલે એની હાજરીમાં….’

    એના સહશિક્ષક એવા વિનોદની પત્ની એક દીકરા વીકીને મૂકીને અવસાન પામી હતી. વિનોદ અને નીલાની વારંવારની મુલાકાત પછી એ બંને લગ્ન કરવાના નિર્ણય પર આવ્યાં હતાં.

    ‘આનાથી રૂડું બીજું શું હોઈ શકે? તું તારા જીવનમાં સારી રીતે ગોઠવાઈ જાય એનો અમને ખૂબ આનંદ હોય પણ રત્ના….’

    ‘દીદી, એમને રત્ના ખૂબ વહાલી છે. એ કહે છે, વીકી અને રત્ના ભાઈ-બહેન બનીને રહેશે. હું રત્નાને સાથે લઈ જવાની છું. અમારે એ ચોખવટ થઈ ગઈ છે.’

    નીલા ખૂબ ખુશ જણાતી હતી. મેં એને અંતરથી આશિષ આપ્યા. એટલું સારું હતું કે પુનર્લગ્ન પછી પણ એણે અમારી સથે સંબંધ એવા ને એવા જ રાખ્યા હતા. વિનોદનો સ્વભાવ પણ સારો જણાતો હતો અને મારા માટે સૌથી ખુશીની વાત એ હતી કે, હ્જુ પણ ત્રણ-ચાર દિવસની રજા ભેગી થવાની હોય ત્યારે રત્ના અહીં જ આવતી. આદિ જઈને એને લઈ આવતો. આ વખતે તો દિવાળીની રજાઓમાં એ લોકો કેરળ ફરવા જવાનાં હતાં તો યે રત્ના જીદ કરીને અહીં જ આવી. ફરવા ન ગઈ.

    ‘રત્ના સાંજે ફરવા ક્યાં જવું છે? દરિયાકિનારે જઈશું? ’ ‘તમે જેમ કહો તેમ.’ ‘રત્ના, જમવામાં શું બનાવું? શીખંડ ખાવો છે કે શીરો?’ ‘તમે જે બનાવો તે.’મેં જોયું કે , હંમેશા  મારી પાસે પોતાનું જ ધાર્યું કરાવનારી રત્ના બદલાઈ ગઈ હતી. આખો દિવસ અહીંથી તહીં દોડાદોડ કરતી ને બડબડ ક્રતી રહેતી રત્ના સાવ શાંત થઈ ગઈ હતી. એને કોઈ વાતમાં રસ નહોતો પડતો ને ઉદાસ બેસી રહેતી હતી.

    એ દિવસોમાં અમારી સોનુને ત્રણ બચ્ચાં આવેલાં. ધોળાં ધોળાં માખણના પિંડા જેવાં ગલુડિયાંને પોતાની મા પાછળ ફ્ર્યાં કરતાં જોયા કરતી. મને થયું, ગલુડિયાંને જોઈને રત્ના કંઈક ખુશ થઈ છે એટલે હું એમનું કામ એને સોંપતી. ‘રત્ના, લે, સોનુના વાસણમાં આ પાણી રેડી આવ.’

    ‘રત્ના, આજે તો સોનુ માટે શીરો બનાવ્યો છે. ચાલ જોઈએ, કેવી ચપચપ કરતી ખાય છે. !

    એક દિવસ સવારથી સોનુ ક્યાંક ગાયબ થઈ ગઈ, કંપાઉન્ડમાં દરવાજો બંધ કરવાનું તો અમે બરાબર ધ્યાન રાખતાં તો ય એ કેવી રીતે ને ક્યાં જતી રહી હશે? મારી ચિંતા વધતી જતી હતી. રત્નાએ આવીને કહ્યું, ‘ભાભુ, મેં મોટો દરવાજો ખોલીને જોયું. દૂર દૂર સુધી સોનુ ક્યાંય દેખાતી નથી. હવે તો એનાં બચ્ચાં પણ રડવા લાગ્યાં છે.’એનો અવાજ પણ રડમસ થઈ ગયો.

    ‘આવી જશે બેટા, જરૂર આવી જશે. પોતાનાં બચ્ચાંને મૂકીને એ ક્યાં જવાની હતી?’મારા મનમાં પણ એ આવશે કે કેમ એવી શંકા તો હતી છતાં મેં રત્નાને આશ્વાસન આપવા કહ્યું.

    ‘મને ખબર છે એ ક્યાં ગઈ હશે.’અચાનક રત્ના બોલી, એ ગલુડિયાના નવા પપ્પા પાસે ગઈ હશે. હવે પાછી નહીં આવે. એને પોતાનાં બચ્ચાં કરતાં નવા પપ્પા વધારે ગમે છે. ભાભુ , હવે આ બચ્ચાં મરી જશે તો?’ એ ડૂસકાં ભરતાં મને વળગી પડી.

    ‘નહીં મરવા દઉં, તું ચિંતા નહીં કર. આ બચ્ચાંઓને હું જિવાડીશ.’

    ‘સાચ્ચે જ ભાભુ, તમે એને જિવાડશોને ? પ્રોમિસ?’ રત્નાએ વિશ્વાસપૂર્વક મારી સામે જોઈને કહ્યું.


    (ઉષા પરમની મરાઠી વાર્તાને આધારે)


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં માર્ચ ૨૦૨૩નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s Creations for Month of March 2023

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • એક બાર મુસ્કુરા દો (૧૯૭૨)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ‘આસમાન’ (૧૯૫૨)થી સંગીત દિગ્દર્શક તરીકે કારકિર્દી શરૂ કરનાર ઓમકારપ્રસાદ નય્યર એટલે કે ઓ.પી.નય્યરની છેલ્લી ફિલ્મ ‘ઝીદ’ (૧૯૯૩) હતી, પણ તેમની કારકિર્દીનો મધ્યાહ્ન 1950 અને 1960નો દાયકો ગણાવી શકાય. આ વીસેક વર્ષમાં તેમણે 62 ફિલ્મોમાં સંગીત પીરસ્યું, જેમાંની ઘણી બધી ફિલ્મોનાં ગીતો અત્યંત લોકપ્રિય બન્યાં. ઓ.પી.નય્યરની સંગીતશૈલીમાં પંજાબી ઠેકો સૌથી મહત્ત્વનો હતો. આ ઉપરાંત તાલમાં ભારતીય અને પશ્ચિમી તાલનું સંયોજન ગીતને અનોખો ઉઠાવ આપતું. (‘આંખો હી આંખોં મેં ઈશારા હો ગયા’, ‘જાઈયે આપ કહાં જાયેંગે’, ‘હમદમ મેરે ખેલ ના જાનો’ જેવાં અનેક ગીતો આના નમૂના) અલબત્ત, આ પ્રકાર ઓ.પી.નય્યરની શૈલી પણ હતી, એમ એમાં એકવિધતા પણ હતી એમ અનેક ગીતો સાંભળતાં જણાય. ૧૯૬૯માં તેમના સંગીત નિર્દેશનવાળી ફિલ્મ ‘સમ્બન્ધ’ની રજૂઆત થઈ અને તેનું ‘ચલ અકેલા’ ગીત યાદગાર બની રહ્યું, પણ એ પછી તેમની પ્રતિભાનો દીવો જાણે કે છેલ્લા ઝબકારા મારી રહ્યો હોય એમ એ પછીનાં ગીતોમાં જણાઈ આવતું હતું. ‘બુઝતે દીયે કી આખરી રોશની’ કહી શકાય એવી તેમની બે ફિલ્મો ‘એક બાર મુસ્કુરા દો’ (૧૯૭૨) અને ‘પ્રાણ જાય પર વચન ન જાય’ (૧૯૭૩) કહી શકાય. ‘પ્રાણ જાય…’ પછીના વીસ વર્ષના સમયગાળામાં તેમણે સાતેક ફિલ્મો કરી એ કેવળ તેમના અસ્તિત્વનો પુરાવો આપવા હશે, કેમ કે, એમાં એમનો એ ‘જાદુઈ સ્પર્શ’ નહોતો.

    ૧૯૭૨માં રજૂઆત પામેલી ‘મુખર્જી બ્રધર્સ’ નિર્મિત, રામ મુખર્જી દિગ્દર્શીત ‘એક બાર મુસ્કુરા દો’  ઓ. પી.નય્યરના સંગીતને કારણે ખૂબ જાણીતી બની. જોય મુખર્જી, તનુજા, દેવ મુખર્જી, રાજેન્દ્રનાથ, સજ્જન એવા કલાકારોને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મનાં કુલ આઠ ગીતો હતાં, જે ત્રણ ગીતકાર ઈન્દીવર, એસ.એચ.બિહારી અને શેવન રિઝવી વચ્ચે વહેંચાયેલાં હતાં. આઠમાંથી પાંચ ગીતો કિશોરકુમારે ગાયેલાં હતાં અને આ તમામ ગીતોએ કમાલ કરી હતી. ‘રુપ તેરા ઐસા દર્પણ મેં ના સમાય’ અને ‘સબેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ’ ઉપરાંત કિશોરકુમારનું એકલ ગીત અને કિશોરકુમાર- આશાના યુગલ ગીત તરીકે ‘તૂ ઔરોં કી ક્યૂં હો ગઈ’ ગીત તેના ફાસ્ટ ટેમ્પોને કારણે ખૂબ જ જાણીતું બની ગયું. આ ત્રણે ગીતો ઈન્દીવરે લખ્યાં હતાં. અનેક સંગીતપાર્ટીઓમાં, કૉલેજની ટેલેન્ટ ઈવનિંગમાં આ ગીત અનિવાર્ય બન્યું. અનેક રીક્ષાઓ પાછળ આ ફિલ્મનું નામ ‘1 12 મુસ્કુરા 2’ તરીકે લખાયું હોવાનું યાદ છે.

    આ ઉપરાંત મહમ્મદ રફીના સ્વરે ગવાયેલું ‘જમાને કી આંખોં ને દેખા હૈ યારોં’ તેમજ મુકેશ અને આશાના સ્વરે ગવાયેલાં બે ગીતો ‘ચેહરે સે જરા આંચલ જબ આપને સરકાયા’ તેમજ ‘યે દિલ લેકર નજરાના’ પણ ઠીક ઠીક જાણીતાં બન્યાં. આ ત્રણ ગીત એસ.એચ.બિહારીએ લખ્યાં હતાં. અલબત્ત, આ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે કિશોરકુમાર- આશાના સ્વરે ગવાયેલું ‘એક બાર મુસ્કુરા દો’ લેવાયું હતું, જે શેવન રિઝવીએ લખ્યું હતું.

    (એસ.એચ.બિહારી)

    એક સમયે પૂરેપૂરી દિપ્તીથી પ્રજ્વલિત હોય એવો દીવો બુઝાતાં બુઝાતાં જે ઝબકારો મારે એ કેવો હોય એનો જીવતોજાગતો નમૂનો એટલે ઓ.પી.નય્યરે સંગીતબદ્ધ કરેલાં ‘એક બાર મુસ્કુરા દો’નાં ગીતો.

    ફિલ્મના ટાઈટલ સોન્ગના શબ્દો આ મુજબ છે:

     

    एक बार मुस्कुरा दो, आहाहा आहाहा
    एक बार मुस्कुरा दो, आहाहा आहाहा

    कहाँ से उठे हैं कदम याद रखना
    मोहब्बत की पहली कसम याद रखना
    कहाँ से उठे हैं कदम याद रखना

    एक बार मुस्कुरा दो, आहाहा आहाहा
    आ..आ..आआआ……आ…आ…आआआ….

    ये मंदिर की दीवार सदियों पुरानी
    ये मंदिर की दीवार सदियों पुरानी
    कहेगी हमारी तुम्हारी कहानी
    कहेगी हमारी तुम्हारी कहानी
    ये मंदिर है घर, प्यार के देवता का
    ये मंदिर है घर, प्यार के देवता का
    कहीं तुम ने छोड़ा जो दामन वफ़ा का
    कहीं तुम ने छोड़ा जो दामन वफ़ा का
    यहीं जान दे देंगे हम याद रखना
    मोहब्बत की पहली कसम याद रखना
    यहीं जान दे देंगे हम याद रखना
    मोहब्बत की पहली कसम याद रखना
    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो

    મોટાં ભાગનાં ટાઈટલ ગીતની જેમ આ ગીત ફિલ્મના અંતભાગે પણ સાંભળવા મળે છે, જેમાં માત્ર મુખડાનું જ પાંચ વખત આવર્તન છે.

    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो
    एक बार मुस्कुरा दो

    ‘એક બાર મુસ્કુરા દો’નું આ ટાઈટલ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.

    https://youtu.be/rH-Q4lJ8444


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : સાતમું સીલ – THE SEVENTH SEAL (1957) – DET SJUNDE INSEGLET (Swedish )

    ભગવાન થાવરાણી

    મહાન સ્વીડીશ ફિલ્મ – સર્જક ઈંગમાર બર્ગમેન ( ૧૯૧૮ – ૨૦૦૭ ) ની મારી પસંદગીની દસ ફિલ્મોના સવિસ્તાર રસાસ્વાદની આ શ્રેણીમાં આપણે આવી પહોંચ્યા દસમા અને અંતિમ મુકામ પર. આ આખરી મણકામાં આજે વાત કરીશું એમની અમર ફિલ્મ THE SEVENTH SEAL ( 1957 )[1] વિષે.

    વિશ્વભરના અગ્રણી ફિલ્મ – વિવેચકો લગભગ સર્વાનુમતે આ ફિલ્મને વિશ્વની સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન આપે છે. કેટલાક તો એને વિશ્વની શ્રેષ્ઠ દસ ફિલ્મોમાં પણ ગણે છે ! ભારતીય ફિલ્મ – સર્જક અને વિવેચક અદૂર ગોપાલકૃષ્ણન કહે છે કે આ એક એવી ફિલ્મ છે જેને સબટાઈટલ વિના પણ માત્ર દ્રષ્યોના આનંદ ખાતર જોઈ શકાય !  બર્ગમેને જે પચાસથી ઉપર ફિલ્મો બનાવી એમાંની આ સત્તરમી ફિલ્મ, પરંતુ આ જ એ ફિલ્મ છે જેના થકી બર્ગમેન એક મહાન સર્જક તરીકે પહેલી વાર વિશ્વના ફલક પર સ્વીકૃતિ પામ્યા.

    ફિલ્મ વિષે વાત કરીએ પહેલાં થોડીક વધુ વાતો બર્ગમેન વિષે. આજની પેઢી એમને બહુ યાદ નહીં કરે. એમની નિષ્પલક આંતર-ખોજકારક દ્રષ્ટિ દર્શકો પાસે ઉચ્ચ સમજણની અપેક્ષા રાખે છે. એમણે એમની ફિલ્મોમાં ભાગ્યે જ માનવીય પરિસ્થિતિઓની હળવી બાજુ ચીતરી કારણ કે એમની નજર હંમેશા એમણે જે રીતે જિંદગીને જોઈ એના પર કેંદ્રિત રહેતી. બર્ગમેન વિશ્વના એકમેવ એવા ફિલ્મ સર્જક છે જેમની મોટા ભાગની ફિલ્મો આત્મકથાત્મક હતી. એમની ફિલ્મો પરિપક્વ દર્શકો માટે હતી, એમના પોતાના જેવા ગંભીર લોકો માટે ! અન્ય કોઈ પણ ફિલ્મકાર કરતાં સવિશેષ – એમણે જ સિનેમાને એક ખરા કલા – માધ્યમ તરીકે પ્રતિષ્ઠા અપાવી. એમની ફિલ્મોના લિસ્ટ પર દ્રષ્ટિપાત જાણે શેક્સપિયરના સમગ્ર સાહિત્ય પર નજર નાખવા તુલ્ય છે. આપણને આશ્ચર્ય થાય કે એક જ માણસ એક જ જિંદગીમાં આટલું બધું ઉત્કૃષ્ટ કઈ રીતે સર્જી શકે ! ( અને ૧૯૫૭ ના એક જ વર્ષમાં એમણે આ THE SEVENTH SEAL ઉપરાંત લગભગ એ જ હરોળમાં ઊભી શકે એવી મહાન ફિલ્મ WILD STRAWBERRIES પણ બનાવેલી જેના વિષે આપણે આ જ શ્રુંખલામાં અગાઉ વાત કરી ચૂક્યા છીએ. )  આટલી બધી ફિલ્મો લખવા અને નિર્દેશિત કરવા ઉપરાંત એમણે વિપુલ પ્રમાણમાં નાટકો, રેડિયો અને ટીવી માટે પણ લખ્યું. પુસ્તકો લખ્યાં, આત્મકથા લખી, સમગ્ર વિશ્વનાં નાટકો વિષે ભણાવ્યું પણ ખરું. આશ્ચર્ય એ કે તેઓ જિંદગી આખી સ્વીડનમાં જ રહ્યા ! એમને વિશ્વાસ હતો કે એમના સર્જન વિષે જાણવા લોકો, ભાષા અને સંસ્કૃતિના અવરોધોને અતિક્રમીને એમના લગી પહોંચશે . એમને હોલીવુડની જરૂર નહોતી. એમને અંગ્રેજી ભાષા અને આંતરરાષ્ટ્રીય કલાકારોની પણ ખપ નહોતી સફળતા માટે ! સફળતાની એમની પોતાની વ્યાખ્યા હતી અને એ વ્યાખ્યામાં ‘ ભવ્ય સફળતા ‘ ને કોઈ અવકાશ નહોતો !

    એ જન્મજાત સર્જક નહોતા. સાચા અર્થમાં સ્વ-નિર્મિત હતા. એમના પિતા એક કડક ( અને ક્યારેક નિર્દય પણ ! ) શિસ્તવાન પાદરી હતા. બચપણમાં એ સજા તરીકે ઈંગમારને કબાટમાં પૂરી દેતા ‘ જ્યાં ભલે ઉંદરો તારા પગના આંગળાં કાતરી જાય . ‘ બર્ગમેનની શરુઆતની ફિલ્મો એ આકરા બચપણની સ્મૃતિઓની ગવાહી છે. એ પોતે દૈનંદિન જીવાતા જીવનથી ખુશ નહોતા. એમની આ THE SEVENTH SEAL અને WILD STRAWBERRIES માં સમાનતા એ કે બન્ને ફિલ્મોના નાયકો જીવનના અંતની નજીક છે અને ‘ જીવનનો અર્થ ‘ પામવા નીકળી પડ્યા છે. વળી બન્ને ફિલ્મોમાં ઈશ્વરના અસ્તિત્વ અને મૃત્યુની અનિવાર્યતાની વાત પણ છે. પોતાની કારકિર્દીના મધ્યાહ્ને બનાવેલી આ બે ઉપરાંત અન્ય કેટલીક ફિલ્મોના હાર્દમાં એમની આ આધ્યાત્મિક ખોજ હતી.

    ફિલ્મની વાત વિગતે કરીએ. ફિલ્મનું કથાવસ્તુ ચૌદમી સદીના મધ્યકાલીન યુરોપ – સ્વીડનમાં આકાર લે છે. આ એ ગાળો હતો જ્યારે યુરોપ દરેક મોરચે આફતોમાંથી પસાર થઈ રહ્યું હતું. પ્લેગ ( BLACK DEATH ) માં યુરોપની ૩૦ થી ૬૦ ટકા વસતી સાફ થઈ ગઈ હતી. એ ઉપરાંત દુષ્કાળ અને ફ્રાંસ અને ઈંગ્લેંડ વચ્ચેનું શતકીય યુદ્ધ પણ સામાન્ય પ્રજાની કમર તોડી ચૂક્યું હતું.

    પોતાનો ગઢ અને પ્રેમાળ પત્નીને છોડીને ધર્મયુદ્ધ ( CRUSADE ) માટે નીકળી પડેલો ઉમરાવ એંતોનિયસ બ્લોક ( અભિનેતા મેક્સ ફોન સિંદો ) દસ અર્થહીન વર્ષો એ યુદ્ધમાં વેડફીને વતન પાછો ફર્યો છે. એ જીવનનો અર્થ પામવાની મથામણમાં છે. એની મૂંઝવણ એ છે કે આટલા બધા હાહાકાર અને તબાહી વચ્ચે પણ ઈશ્વર મૌન કેમ છે એની સાથે એનો સહાયક ( SQUIRE ) યોન ( અભિનેતા ગુન્નાર બ્યોર્નસ્ટ્રેંડ ) છે. ( આ બન્ને કલાકારો બર્ગમેનની અનેક ફિલ્મોના આધારસ્તંભ હતા. ) ચોમેર પ્લેગથી થઈ રહેલા ટપોટપ મોતના ચિત્કાર વચ્ચે આ બન્ને ઘોડેસ્વારો દેશમાં ફરીને અનાયાસ જેમના – જેમના સંપર્કમાં આવતા જાય છે એમની પાસેથી જાણ્યે – અજાણ્યે જીવનનો મર્મ સમજે છે. આ ગાથા એ સમજણની છે. એ લોકો જેમને મળે છે એ ચરિત્રોમાં જોફ ( અભિનેતા નીલ્સ પોપ )એની પત્ની મિયા ( અભિનેત્રી બીબી એંડર્સન )એમનો નાનકડો પુત્ર અને એમનો મેનેજર સ્કેટ છે. આ લોકો ગામેગામ ફરીને ખેલ અને અંગકસરતના દાવ થકી માંડ પેટિયું રળે છે. આ ઉપરાંત ગામનો લુહાર પ્લોગએની પત્ની લીસાદંભી ઉપદેશક પણ વાસ્તવમાં ચોર એવો રેવલજીવનથી ત્રસ્ત એવી એક મૂંગી યુવતી, જેના પર ડાકણ હોવાનો આરોપ છે અને જેને ધર્મગુરુઓ દ્વારા સળગાવીને મારી નાંખવાનો આદેશ અપાયો છે એવી એક નિર્દોષ સ્ત્રી અને ફિલ્મના અંત ભાગમાં દેખા દેતી બ્લોકની પત્ની કારીન – આટલા મુખ્ય પાત્રો છે.

    પણ આ સૌમાં ફિલ્મનું સૌથી અગત્યનું પાત્ર રહી જાય છે એ છે મૃત્યુ ! સાક્ષાત મૃત્યુ પોતે ! ફિલ્મની શરુઆતના અદ્ભુત પ્રસંગથી મૃત્યુનો પરિચય મેળવીએ. દરિયાકિનારે શતરંજની બાજી ગોઠવી બ્લોક, બાજુમાં સૂઈ રહેલા પોતાના સહાયક યોનના જાગવાનો ઈંતેજાર કરે છે. અચાનક સામે કાળા વસ્ત્રોમાં સજ્જ મૃત્યુ પ્રગટ થાય છે ( અભિનેતા બેંગ એકેરોટ). આપણે એ બન્ને વચ્ચેનો સંવાદ જોઈએ :

    બ્લોક :  કોણ છો તું

    મૃત્યુ :  હું મૃત્યુ.

    બ્લોક :  મને લેવા આવ્યો છો ?

    મૃત્યુ :  હું ક્યારનો તારી પડખે જ છું.

    બ્લોક :  જાણું છું. 

    મૃત્યુ :  તૈયાર છો ને ?

    બ્લોક :  હું તૈયાર છું, મારું શરીર ભયભીત છે !

    મૃત્યુ એને પોતાના પાશમાં લેવા પોતાનો ઝભ્ભો ફેલાવે છે ત્યાં –

    બ્લોક :  ઊભો રહે.

    મૃત્યુ :  તમે બધા એવું જ કહો છો, પણ હું કોઈને સમય આપતો નથી !

    બ્લોક : તને ચેસ આવડે છે, નહીં ?

    મૃત્યુ :  તને કઈ રીતે ખબર

    બ્લોક :  મેં ચિત્રોમાં જોયું છે. 

    મૃત્યુ :  હા. હું કુશળ ખેલાડી છું. 

    બ્લોક :  મારા કરતાં વધુ નહીં.

    મૃત્યુ :  મારી સાથે કેમ રમવા માગે છે તું ?

    બ્લોક :  એ મારો પ્રશ્ન છે. પણ હું તારો સામનો કરું, હારું નહીં ત્યાં સુધી મને જીવાડવાનો. જીતી જાઉં તો છોડી મૂકવાનો. કબૂલ ? ‘ મૃત્યુની હા સાંભળી બ્લોક સફેદ – કાળું મહોરું પોતાની મુઠ્ઠીઓમાં સંતાડી મૃત્યુને એક પસંદ કરવાનું કહે છે. મૃત્યુ હાથ મૂકે એમાં કાળું મહોરું નીકળે છે.

    મૃત્યુ : ( મરકીને ) મને એ રંગ બરાબર માફક આવે છે. 

    આ શતરંજની બાજી બન્ને વચ્ચે આખી ફિલ્મ દરમિયાન બન્નેના અનુકુળ સમયે ચાલતી રહે છે.

    ફિલ્મમાં આ ઉમરાવ બ્લોક જેવું જ સુરેખ – સુસ્પષ્ટ પાત્રાલેખન એમના સહાયક યોનનું છે. એની પ્રકૃતિ પોતાના માલિક કરતાં સદંતર વિરુદ્ધ છે. પોતાના માલિકની ઈશ્વરના અકળ મૌનવાળી વાત એને વેદિયાવેડા લાગે છે. એ મૃત્યુને એક કડવી પણ નક્કર મજાક લેખે છે અને સ્પષ્ટપણે માને છે કે આપણે બધાએ એ મજાકમાંથી પસાર થવાનું જ છે. આપણે મૃત્યુ સાથે સંતાકૂકડી રમવી જ પડે જેમાં અંતિમ વિજય એનો જ થવાનો ! આ રમત સારી રીતે રમવી એટલે સારી રીતે જીવવું. આ માટે માનવીને એની ભૌતિક સ્થિતિમાં ચાહવો પડે. ધિક્કાર કે અલિપ્તતાથી નહીં ! એ જીવનને એક ઉજવણી માને છે. માલિકનો વિરોધી હોવા છતાં એ કાયમ એમની આમન્યા રાખે છે, છેલ્લા એક દ્રશ્યને બાદ કરતાં ! એ ચરિત્ર બ્લોક કરતાં મજબૂત છે કારણ કે એના વિચારોમાં સંશયને કોઈ સ્થાન નથી. એ પોતાની માન્યતાઓમાં મક્કમ છે. એ માનવીઓ પ્રત્યે હમદર્દી ધરાવે છે. એને જેહાદ – ધર્મયુદ્ધ સામે ચીડ છે. એ માને છે કે ‘ કોઈ મૂરખ આદર્શવાદી જ એમાં જોડાવાનું વિચારી શકે ! ‘ એનામાં વિનોદવૃતિ ઠાંસી – ઠાંસીને ભરી છે. ક્યારેક એ નિજાનંદમાં ગીતો લલકારવા માંડે છે ઘોડે બેઠો – બેઠો ! એના માલિકને ગીતો પ્રત્યે અણગમો હોવા છતાં ! ફિલ્મમાં પ્લોગ જ્યારે એને પૂછે છે કે ‘ આટલો બધી સલાહ આપો છો તો એમાં પોતે માનો છો ખરા ? ‘ ત્યારે જવાબમાં કહે છે કે ‘ બિલકુલ નહીં, પણ કોઈ એક સલાહ માંગે તો હું બે આપું. નહીંતર હું વિદ્વાન કેમ ગણાઉં ? ‘ બર્ગમેનના અમર પાત્રોમાંનું એક પાત્ર.

    બન્ને ઘોડે બેસી ભમે છે અને રસ્તે અકાળ મૃત્યુ પામેલા માનવ – કંકાલો જૂએ છે. એ દરમિયાન જ ગામના પાદરે પડાવ નાંખી પડેલા અને અનેક અભાવો છતાં જીવનને મોજથી જીવતા જોફ, મિયા અને એમના શિશુને જૂએ છે. એ લોકો ગામેગામ ફરી પોતાનો ખેલ કરી પેટિયું રળે છે. પ્લેગના આતંક વચ્ચે ગામલોકોને એમના તમાશામાં કોઈ દિલચસ્પી નથી. બન્ને સરળ, પારદર્શક અને જીવનને દિલોજાનથી ચાહતા લોકો છે અને પોતાના પુત્રના ભાવિ અંગે સોનેરી સપનાં સેવે છે. જોફ તો એવો સ્વપ્નસેવી છે કે જાગૃત અવસ્થામાં જ એને પોતાની નજીકથી માતા મેરી અને બાળ ઈસુ ખ્રિસ્ત આશીર્વાદ વરસાવતા પસાર થતા દેખાય ! મિયાને એના આ દિવાસ્વપ્નો પ્રત્યે મીઠી ચીડ છે. જોફને પોતે ગીતો રચી પોતાની વીણા પર કોઈ સાંભળે નહીં તો પણ ગાવાનો શોખ છે ! એ મસ્ત – મૌલા છે !

    ગામોમાં હવે માણસો ઓછા બચ્યા છે અને અવાવરુ ત્યજી દેવાયેલા ખંડિયેર જેવા મકાનો ઝાઝા . બ્લોક અને યોન ગામના ચર્ચમાં પ્રવેશે છે. ત્યાં એક કલાકાર તન્મયતાપૂર્વક ચર્ચની દિવાલ પર DANSE MACABRE – મૃત્યુ નર્તન ચીતરી રહ્યો છે. મરી રહેલા, મરી ચૂકેલા, મૃત્યુથી ભયભીત લોકોનું ચિત્ર. ‘ આવું કેમ ચીતરો છો ? ‘ યોન. ‘ લોકોને ઝળુંબી રહેલા મૃત્યુની યાદ અપાવવા. ‘ ‘ એનાથી લોકોને શું રાહત મળશે ? ‘ ‘ ભલે રાહત નહીં, ચેતવણી તો મળે. ‘  ‘ તમારા ચિત્ર સામે જોશે કોણ ? ‘  ‘ લોકોને ખોપરીનું ચિત્ર હમેશા નગ્ન સ્ત્રીના ચિત્ર કરતાં વધુ આકર્ષે ! ‘  ‘ એમને આવા ચિત્રોથી બીવડાવશો તો એ પાદરીઓના શિકંજામાં જઈ પડશે. ‘  ‘ મારું કામ ચિત્રો દોરવાનું. જે જોઉં તે ચીતરું. લોકોને જે માનવું હોય તે. જીવવું તો ખરું ને. પ્લેગ ભરખી ન લે ત્યાં સુધી ! ‘  ‘ આ બધું જુગુપ્સાપ્રેરક છે. ‘  ‘ લોકો એમ માને છે કે પ્લેગ ઈશ્વરનો શ્રાપ છે. લોકોના ટોળેટોળાં ઘૂમી રહ્યા છે, સ્વયંને અને અન્યોને ચાબુકથી ફટકારતા, જેથી ઈશ્વર પ્રસન્ન થઈ માફી આપે. ‘  ‘ એકમેકને પીડા આપવાથી ઈશ્વર રાજી થાય ? ‘

    આ સંવાદ પ્રવર્તમાન પરિસ્થિતિનું બયાન કરે છે અને યોનની પ્રકૃતિનું પણ !

    એ જ ચર્ચમાં બનતો એક પ્રસંગ નાયક બ્લોકના ચરિત્રને ઉજાગર કરે છે. બ્લોકને ચર્ચની બારીની સામે પાર ‘ પાદરી જેવું કોઈક ‘ દેખાય છે. એ CONFESSION – કબૂલાત અર્થે બારીની આ પાર જાય છે. સંવાદ :

    મારું હૃદય ખાલીખમ ભાસે છે. જાણે મારું પોતાનું પ્રતિબિંબ. હું નફરત અને દહેશત અનુભવું છું. બધાથી કપાઈ ગયો છું. મારી જ રચેલી ભૂતાવળ જોઉં છું ચોમેર. મારા જ સપનાઓનો કેદી જાણે.

    ‘ તેમ છતાં તું મરવા માગતો નથી ? ‘  પાદરી .

    ‘ ઈચ્છું છું. પણ થોડુંક જાણી લઉં એ પછી.

    ‘ તો હું તને શી બાંહેધરી આપું ? ‘

    ‘ મને લાગે છે, ઈન્દ્રિયો દ્વારા ઈશ્વરને પામવા અઘરા છે. પણ એણે અદ્રષ્ય ચમત્કારોની આડમાં લપાવું શા માટે જોઈએ ? આપણને આપણામાં જ શ્રદ્ધા ન રહે તો એનામાં કેમ શ્રદ્ધા રાખીએ ? એ કરતાં આપણી ભીતરના ઈશ્વરને મારી ન નંખાય ? હું ઈચ્છું છું કે ઈશ્વર પોતાનો હાથ લંબાવે. મોં દેખાડે. વાત કરે. 

    ‘ પણ ઈશ્વર તો મૌન જ હોય. તું પોકારે છે એનો જવાબ નથી એનો અર્થ જ એ કે કોઈ છે જ નહીં. ‘

    ‘ તો બધું શૂન્ય છે એ જાણવા છતાં માણસ કોના સહારે જીવે ? ‘ 

    ‘ મોટા ભાગના લોકો મૃત્યુ અને શૂન્યતા અંગે વિચારતા નથી. તું અસ્વસ્થ છો. ‘

    ‘ મને આજે સવારે જ મૃત્યુનો ભેટો થયો. મેં એમને ચેસના રમતમાં રોકી રાખ્યા છે.  એનાથી મને જે મુદ્દત મળી છે એ મને એક અગત્યનું કામ પતાવવામાં કામ લાગશે.‘  

    ‘ કયું કામ ? ‘

    ‘ મેં આખી જિંદગી અર્થહીન શોધખોળ કર્યા કરી. હવે કશુંક સારું કરું. મૃત્યુ ઉસ્તાદ ખેલાડી છે પણ હું હજી લગી એની આગળ એક પણ મહોરું હાર્યો નથી.

    ‘ તું મૃત્યુ જેવા મૃત્યુને કઈ રીતે હરાવીશ ? ‘

    ‘ ઊંટ અને ઘોડાના સહિયારા આક્રમણ દ્વારા હું એની સંરક્ષણ હરોળને છિન્નભિન્ન કરી નાંખીશ.

    ‘પાદરી’  હવે બ્લોક તરફ મોઢું ફેરવે છે. એ પાદરી નહીં, મૃત્યુ પોતે છે ! બ્લોક સ્તબ્ધ ! એણે કેવડી મોટી ભૂલ કરી ! પોતાનો વ્યૂહ દુશ્મન સમક્ષ ખોલી દીધો !

    ‘ હું તારી વાત યાદ રાખીશ. ‘

    ‘ તેં મને છેતર્યો. કંઈ નહીં . હું કોઈક રસ્તો શોધી લઈશ.

    ‘ આપણે આપણી રમત ચાલુ રાખીશું ‘ કહી મૃત્યુ રવાના થાય છે.

    બ્લોક પોતાના હાથ સામે જોઈ કહે છે ‘ આ મારા હાથ છે. હું એને મારી મરજીથી હલાવી શકું છું. મારી નસોમાં હજી લોહી ધબકે છે. મારો સૂર્ય હજી અસ્ત પામ્યો નથી. હું એંતોનિયસ બ્લોક મૃત્યુ સાથે રમું છું અને હજી હાર્યો નથી. ‘ 

    ગામલોકોએ એક સ્ત્રીને કેદ કરી છે. સૈનિકો એને જીવતી સળગાવી નાંખવાના છે. એના પર આરોપ છે કે એણે શયતાન જોડે સહશયન કર્યું છે અને એ કારણે જ પ્લેગની મહામારી ફેલાઈ છે.

    બ્લોક અને યોન એક ઝૂંપડામાં પીવાના પાણીની તલાશમાં પ્રવેશે છે. એક મૃતદેહ પડ્યો છે અને કોઈક એ મૃતદેહના હાથ પરથી બંગડી ચોરી લેવાની વેતરણમાં છે. યોન એ ચોરને ઓળખી જાય છે. આ એ જ રેવેલ છે જેણે એના માલિક બ્લોકને બધું છોડી – છાંડી ધર્મયુદ્ધમાં જોડાવા પ્રેરેલો ! યોનને પોતાના એ સાવ એળે ગયેલા દસ વર્ષનો મોટો વસવસો છે! યોન એ જ વખતે એક મૂંગી સ્ત્રીને પણ રેવેલના કુકર્મથી બચાવે છે. એ પાછો પોતે કંઈ ધર્માત્મા નથી એટલે જતાં-જતાં એ સ્ત્રીને કહેતો જાય છે ‘ મારે એક ઘરરખ્ખુ સ્ત્રીની જરૂર છે. મેં તને બચાવી એનો અહેસાન માનતી હો તો આવ મારી સાથે , બાકી તારી મરજી ! ‘ સ્ત્રી કશુંક વિચારી એની સાથે ચાલી નીકળે છે.

    બહાર એક પાદરી આત્મ – પીડક લોકોના જુલુસની સરદારી લઈ લોકોને ઉદ્દેશી બરાડે છે. ‘ ઈશ્વર આપણને આપણા કર્મોની સજા આપી રહ્યો છે. બધા મરીશું. તમારામાંના ઘણાની આ અંતિમ ઘડીઓ છે. મૃત્યુની તલવાર સૌ પર ઝળુંબે છે. ‘ ( યોનને પહેલેથી બીક હતી કે આવા પાદરીઓ પ્રજાને ગેરમાર્ગે દોરશે ! )

    લોકો ભ્રમિત છે. બધાંને લાગે છે કે આ કયામત છે. અનેક જીવનની છેલ્લી ઘડીઓને ઉપભોગવામાં પડ્યા છે, તો કેટલાય શું કરવું એ બાબતે હતપ્રભ છે. કેટલાય જાતજાતની ધડમાથા વિનાની અફવાઓ ઉડાડે છે. લુહાર પ્લોગની પત્ની જોફના મેનેજર સ્કેટ સાથે ભાગી ગઈ છે. જોફને એનું નિમિત માની પ્લોગ અને અન્ય લોકો એને ધક્કે ચડાવે છે. યોન એને એ ટોળાના મારથી બચાવે છે.

    હવે ફિલ્મનું સૌથી યાદગાર દ્રષ્ય . દરિયાકિનારે ચેસના મહોરા ગોઠવી ‘ જોડીદાર’ ની રાહ જોતા બ્લોકની નજર પોતાના બાળકને રમાડતી પ્રસન્ન મિયા પર પડે છે. નજીક જઈ એ પતિ – પત્નીએ ગામમાં રજૂ કરેલા નાટકની પ્રશંસા કરે છે ‘ તમારા ટાબરિયાને શું બનાવશો ? ‘  ‘ ઉમરાવ ‘  ‘ ના, ના, એમાં કશું દાટ્યું નથી ‘  ‘ તમે થાકેલા લાગો છો ? ‘  ‘ ખોટા સંગાથના કારણે ‘  ‘ સંગાથ એટલે તમારા સહાયક યોનના કારણે ? ‘ ના. મારા પોતાના કારણે . ‘  ‘ હા, લોકો પોતે જ પોતાને પીડે છે.’

    ત્યાં તો માર ખાધેલો જોફ વિસામે પાછો આવે છે. મિયા ‘ શું થયું ? ‘ પૂછી એના ઘાની સુશ્રુષા કરે છે. એ ઘણા સમયે દીકરાને મળી પોતાની ઈજા ભૂલા જાય છે અને એને બાથમાં લઈને સૂંઘે છે. ‘ આપણા છોકરામાંથી કેવી સુગંધ આવે છે, નહીં ! ‘ 

    થોડેક દૂર બેઠેલો બ્લોક સંતોષપૂર્વક આ સુખી કુટુંબ અને સુખ પામવાની એમની રીત જૂએ છે. મિયા એની ઓળખાણ પતિ જોડે કરાવે છે. ‘ તેં મહેમાનને કશું ખવડાવ્યું ? ‘  ‘ ઊભા રહો. હું ગાડીમાંથી જંગલી સ્ટ્રોબેરી અને તાજું દુધ લઈ આવું. આજે અમારી સાથે જમજો તમે ‘ 

    અહીંથી હવે ક્યાં નાટક દેખાડવા જવાના ? ‘ મિયા હવે પછીના મુકામનું નામ કહે છે. ‘ ના ના. એ તરફ ન જતા. ત્યાં પ્લેગ ખૂબ ફેલાયો છે. ઘણા મરી ગયા. એ કરતાં મારી સાથે મારા ગઢમાં આવો. ત્યાં સલામત છે બધું. ‘ 

    મિયા ખાણું લાવી મહેમાનને ધરે છે. ત્યાં તો યોન એની સ્ત્રીને લઈને આવે છે અને ખાણામાં જોડાય છે. બધા આનંદિત. જોફ ટહુકે છે ‘ મેં વસંત વિષે એક ગીત લખ્યું છે. સંભળાવું ? ‘ યોન ટાપસી પૂરે છે  ‘ એમ તો હું પણ ગાઉં છું ક્યારેક ‘ જોફ પોતાનું વાદ્ય લઈને આવે છે. બ્લોક પોતે ગઢમાં છોડીને આવ્યો એ નવવિવાહિત પત્ની સાથેના સોનેરી દિવસો યાદ કરે છે ‘ કોણ જાણે એ પ્લેગમાંથી બચી હશે કે કેમ ? ‘ જોફ વાદ્ય વગાડી ગીત ગાતો પત્ની અને બ્લોક વચ્ચેનો સંવાદ પ્રસન્નતાપૂર્વક  સાંભળે છે.

    અને બ્લોકના મોંએથી અચાનક અને સ્વયંભૂ આ શબ્દો સરી પડે છે :

    ‘ હું આ પ્રશાંત ક્ષણોને જીવનભર યાદ રાખીશ. તમારું ભોજન. તમારા સૌના સાંધ્યકાળે ચમકતા સોનેરી ચહેરા. તમારું નિદ્રાધીન બાળક. જોફનું ગાયન – વાદન. આપણો આ સંવાદ. આ સ્મૃતિને હું સદૈવ સાચવીશ. આ ક્ષણો જાણે તાજા દૂધની તાંસળી. આ એક નિશાની મારી સ્મૃતિમાં જડાઈ જશે.‘ 

    આ ઉદ્દગારો સાંભળી આપણે અગાઉ ચર્ચી ગયા છીએ એ ફિલ્મ CRIES AND WHISPERS ની કેંસર – પીડિત નાયિકાના આવા જ ઉચ્ચારણો યાદ આવે જે ફિલ્મના અંતે દોહરાવાય છે.

    બ્લોક ઊભો થઈ મૌનપુર્વક ચોમેર ફેલાયેલી સૃષ્ટિની ખૂબસુરતીને નિહાળે છે. ( કદાચ એને મનોમન પ્રતીત થઈ રહ્યું છે કે આવો આનંદ એ ચર્ચની પીંજણ અને ઈશ્વરની શોધ કરતાં વધુ અગત્યનો છે ! )

    શતરંજની બાજી આગળ ચાલે છે. મૃત્યુ આક્રમક શરુઆત કરે છે કારણ કે એણે ચબરાકીથી બ્લોકની વ્યુહરચના જાણી લીધી છે. ‘ જલદી કર. હું ઉતાવળમાં છું. ‘  ‘ જાણું છું. તારે કેટલાયને પતાવવાના છે. ‘ અચાનક મૃત્યુ પૂછે છે ‘ તું જોફના પરિવારને લઈને તારા ગઢ તરફ આજે નીકળવાનો ને ? ‘ બ્લોક મૃત્યુનો ઈરાદો સમજી જાય છે. મનોમન કોઈ ગાંઠ વાળે છે.

    બ્લોક, યોન, જોફ, મિયા, એમનું બાળક, પ્લોગ અને પેલી મૂંગી સ્ત્રીનો કાફલો બ્લોકના ગઢમાં ‘ પ્લેગ અને મૃત્યુથી સલામતીની શોધમાં ‘ નીકળે છે. રસ્તામાં પ્લોગની પત્ની લીસા અને એનો પ્રેમી સ્કેટ મળે છે. લીસા પતિની માફી માંગે છે અને એની પાસે પાછી ફરે છે જ્યારે સ્કેટને રસ્તામાં જ મૃત્યુ દબોચી લે છે. આ કાફલાને રસ્તામાં પેલી ‘ ડાકણ ‘ માની લેવાયેલી સ્ત્રીને સળગાવી નાખવા લઈ જતા સૈનિકોનો કાફલો મળે છે. યોન એ નિર્દોષને સૈનિકો પાસેથી છોડાવવા તત્પર છે પણ બ્લોક એને એમ કહીને રોકે છે કે ‘ એ સ્ત્રી લગભગ મરી જ ગઈ છે. ‘ એને સાવ મારી નંખાય એ પહેલાં બ્લોક એને શયતાન વિષે પૂછે છે જેથી કદાચ એની પાસેથી ઈશ્વરના સગડ મળે ! સ્ત્રી કહે છે કે ઈશ્વરની જેમ એ પણ સર્વત્ર છે ! મારી આંખોમાં પણ તમને એ દેખાશે ! બ્લોકને ત્યાં જ થોડે દૂર ઊભેલું મૃત્યુ દેખાય છે.

    કાફલાનો રસ્તે પડાવ નાંખી રાતવાસો. બન્ને ખેલાડીઓ. આખરી વાર શતરંજની બાજી. ‘ ચાલો, પૂરું કરીએ ‘ મૃત્યુ અંતિમ ચાલ ચાલીને બ્લોકનો વજીર કબ્જે કરે છે. ચેક અને મેટ ! 

    પાસે જ ગાડીમાં મિયા અને બાળક સંગે બેઠેલા જોફને બન્ને ખેલાડી રમતા દેખાય છે. એ મૃત્યુને ઓળખી જાય છે. આતંકિત થઈ પત્નીને કહે છે ‘ આ તો મૃત્યુ. આપણી સાવ પડખે. ચાલ, એનું ધ્યાન આપણા પર જાય એ પહેલાં ભાગી છૂટીએ. ‘ એ લોકો ઘોડાગાડી મારી મૂકે છે. બ્લોક નિરાંતનો શ્વાસ લઈ એમને છટકી જતા જૂએ છે. મરતાં પહેલાં એણે કરવા ધારેલું ઉમદા કાર્ય આખરે પૂરું ! મૃત્યુ એને પૂછે પણ છે ‘ ચાલ નથી ચાલવી ? રસ નથી ? ચિંતામાં છો ? કશુંક છુપાવે છે ? ‘  ‘ તારાથી કોઈ છટકતું નથી, નહીં ? ‘  ‘ હા, કોઈ જ નહીં , પણ તારી ચાલ લંબાવીને શું મેળવ્યું તેં ? ‘  ‘ ઘણું બધું ‘   ‘ સરસ. હવે પછી મળીએ ત્યારે તું અને તારા મિત્રો મારી સાથે આવવા તૈયાર રહેજો. ‘  ‘ ત્યારે તો તમારા રહસ્યો કહેશો ને ? ‘  ‘ મારું કોઈ રહસ્ય નથી. હું સાવ અણજાણ છું.

    મૃત્યુને થાપ આપીને દૂર નીકળી ગયેલા જોફ અને એના પરિવાર વિનાનો કાફલો આગળ વધે છે. બધા બ્લોકના ગઢમાં પહોંચે છે.

    બ્લોકની પત્ની કારીન એને પાછો આવેલો જોઈને રાજી છે, એ એને અંતરિયાળ છોડી ગયો હોવા છતાં ! ‘ હું રાહ જોતી હતી. બાકી બધા તો પ્લેગથી ડરીને નાસી ગયા. હું યાદ તો છું ને ? ‘ એ બ્લોકની આંખોમાં ધારી – ધારીને જુએ છે. ‘ તમારી આંખોમાં વર્ષો પહેલાં મને છોડીને જતો રહેલો કુમળો યુવક ભાળું છું. તમને અફસોસ નથી થતો મને છોડી ગયાનો ? ‘ 

    બધા સાથે આખરી વાર જમવા બેસે છે. જાણે Last Supper ! બ્લોકની પત્ની બાઇબલમાંથી Seventh Seal વાળા પરિચ્છેદનું પઠન કરે છે. દરવાજો જોર – જોરથી પછડાય છે. બધાંને લાગે છે કે ‘ ‘ આવ્યો . યોન જઈને તપાસ કરે છે. કોઈ નથી. ત્યાં અચાનક દરવાજો વટાવી મૃત્યુ સફાળું સામે આવી ઊભે છે. બધા એને ઓળખી અદબપૂર્વક ઊભા થઈ એનું અભિવાદન કરે છે. પોતપોતાનો ભૌતિક પરિચય આપે છે.

    મૃત્યુને સાક્ષાત સામે ઊભેલું જોઈ યોન પોતાના માલિકની અત્યાર સુધી જાળવેલી આમન્યા ખંખેરી નાંખી સ્પષ્ટ કહે છે  ‘ આગળ આવો. ત્યાં અંધારામાં તમારો વલોપાત કોઈ જોશે નહીં. મેં તમારી માન્યતાઓ ક્યારની ખંડિત કરી દેખાડી હોત, પણ હવે એ માટે બહુ મોડું થઈ ગયું. તમારે ખરેખર તો છેવટ લગી જીવતા હોવાના આશીર્વાદને માણવો જોઈએ. ‘ બ્લોકની પત્ની એને ચૂપ રહેવા કહે છે તો જવાબમાં ‘ ભલે ચૂપ રહીશ, પણ વાંધા સહિત ! ‘ કહીને એ ચૂપ થાય છે !

    એક માત્ર યોન સાથે આવેલી મૂંગી સ્ત્રી જ એવી છે જે મૃત્યુના આગમનથી રાજી દેખાય છે. એ પહેલી વાર મોં ખોલી રાહતથી પૂછે છે  ‘ તો હવે બધું પૂરું ને ? ‘ 

    જોફ સપરિવાર એક ઉજ્જવળ સવાર વચ્ચે જાગે છે. એ લોકો જાણે મૃત્યુને શેહ આપી સામે પાર સલામત પહોંચ્યા છે. જોફને વધુ એક દ્રષ્ય દેખાય છે. સ્વાભાવિક છે, એ મિયાને દેખાતું નથી. દૂર ટેકરી પર તોફાની ક્ષિતિજે મૃત્યુ બધાંને દોરીને લઈ જઈ રહ્યું છે. એ હરોળમાં બ્લોક છે, યોન છે, પ્લોગ, સ્કેટ અને કારીન છે, પણ પેલી મૂંગી સ્ત્રી અને સળગાવી દેવાયેલી ડાકણ નથી ! ( કારણ કે એ બન્નેને મૃત્યુનો ભય નહોતો ! ) બધા મૃત્યુ – નર્તન  DANSE MACABRE કરી રહ્યા છે, મૃત્યુ એમને નચાવી રહ્યું છે. બધા ઊગી રહેલા પ્રભાતથી મોઢું ફેરવી જાણે અનંત મુસાફરીએ જઈ રહ્યા છે, અંધારિયા પ્રદેશો ભણી !

    એ મિયાને  પોતે શું જોયું એ કહે છે. મિયા વધુ એક વાર એના વહાલા પતિ જોફને ચીડવે છે ‘ તારી કલ્પનાના તરંગોનો જોટો નથી !

    _=_=_=_=_=_=_=_=_=_=_=

    ‘ જે લોકો મૃત્યુ, ઈશ્વર, જીવન, અસ્તિત્વ વિષે ગહન ચિંતન કરતા રહ્યા, એ વિશ્લેષણમાં જ રહી ગયા અને મૃત્યુ લાગલું એમને ઉપાડી ગયું અને જેમણે વર્તમાનને, કુટુંબને અને જીવ માત્રને ચાહ્યા એ જીવતા રહ્યા – દરેક અર્થમાં ! ‘ જોફનું બચી ગયેલું કુટુંબ તો માત્ર એક પ્રતીક છે. આ કુટુંબ એટલે વસ્તુત: એવા લોકો જે ઝાઝા બહાદુર પણ નથી અને બહુ બાયલા પણ નહીં. એ લોકો ઈશ્વર કરતાં પોતાના પરિવારને વધુ સમર્પિત છે અને એટલે જ ઈશ્વરની એમના પર મહેરબાની છે !

    ફિલ્મ એક ઐતિહાસિક ફેંટેસી છે અને સમગ્ર ફિલ્મને એવા પરિવેશમાં બાંધીને બર્ગમેને એ સુનિશ્ચિત કર્યું છે કે ફિલ્મને સમયનો કાટ ન લાગે !  ફિલ્મ બર્ગમેનના પોતાના લખેલા નાટક WOOD PAINTING  ઉપરથી બનાવવામાં આવી છે. એ નાટકનું દિગ્દર્શન એમના મિત્ર બેંગ એકેરોટ કર્યું હતું. આ જ કલાકારે ફિલ્મમાં મૃત્યુનો રોલ અદા કર્યો છે. ફિલ્મની પટકથા સ્વયં બર્ગમેનની અને ફોટોગ્રાફી ગુન્નાર ફીશરની છે, જે સ્વેન નિકવીસ્ટ ના આગમન પહેલાં બર્ગમેનના સ્થાયી કેમેરામેન હતા.

    ફિલ્મનું શીર્ષક અંતિમ બાઈબલ – BOOK OF REVELATION માં જગતના અંત વિષયક પરિચ્છેદમાં ઉલ્લેખાયું છે ‘ અને જ્યારે લેમ્બ ( એટલે ઈસુ ખ્રિસ્ત પોતે ! ) દ્વારા સાતમું સીલ ઉઘાડવામાં આવ્યું ત્યારે સ્વર્ગમાં લાંબો સમય સન્નાટો છવાઈ ગયો ! ( આ દરેક સીલ ઉઘાડતી વખતે વિશ્વ પર અલગ – અલગ પ્રકારની આફત ઉતરી આવે છે ! )

    બર્ગમેને આ ફિલ્મની પટકથા પાંચ વાર લખીને મઠારેલી. ફિલ્મના પ્રારંભિક અને અંતિમ સિવાયના બધા દ્રષ્યો સ્ટુડિયોમાં ફિલ્માવાયેલા. ફિલ્મને પ્રતિષ્ઠિત કાન ફિલ્મોત્સવમાં જ્યૂરીનું સ્પેશિયલ પ્રાઈઝ એનાયત થયેલું.

    ફિલ્મમાં નાના – મોટા પાત્રો ભજવતા બધા કલાકારોએ એમના પાત્રોને અદ્ભૂત અંજામ આપ્યો છે, વિશેષ કરીને મેક્સ ફોન સિંડો, ગુન્નાર બ્યોર્નસ્ટ્રેંડ અને બીબી એંડર્સન . 

    આ ફિલ્મ દ્વારા બર્ગમેનની સાત ફિલ્મોની એક એવી શ્રેણી શરુ થઈ જે હિટલરની બર્બરતા અને જાપાન પરના અણુ – હુમલા પછીના માણસની ઈશ્વરમાંની શ્રદ્ધાને નવેસરથી નિરૂપે છે.

    ઘણા બધા અર્થોમાં આ એક ‘મૂંગી ફિલ્મ’ છે. આવી ફિલ્મો હવે ચલણમાં નથી. એનો વિષય ઈશ્વરની અનુપસ્થિતિથી કમ અંધારિયો નથી ! હવેની ફિલ્મો ઈશ્વરના મૌન સાથે નહીં, માનવીની વાચાળતા સાથે સંબંધિત છે. એની પારદર્શકતા જ એની શક્તિ છે. એ અસમાધાનકારી કૃતિ છે. બર્ગમેનની બીજી કેટલીક ફિલ્મો પણ ‘ ઈશ્વરના અદ્રષ્ય રહેવાના નિર્ણય ‘ પ્રતિ એમનો રોષ ઠાલવે છે પરંતુ અહીં એ વાત એટલે નિર્ભયતાપૂર્વક શબ્દોમાં અંકિત કરી છે કે કોઈ મર્ત્યને સાક્ષાત મૃત્યુ સાથે ચેસ રમતો જોવાની કલ્પના જ અવિસ્મરણીય છે ! એક દર્શક તરીકે આપણને એ નિષ્કર્ષ પર પહોંચવાની લાલચ થાય કે કદાચ મૃત્યુ જ ઈશ્વર છે ! બર્ગમેને આત્મવિશ્વાસપૂર્વક ફિલ્મનો અંત કોઈ વિધાન સાથે નહીં, પોતાના શિકારોને દોરી જતા મૃત્યુની છબી સાથે આણ્યો છે. જોફ એ દ્રષ્ય જોઈને કહે છે  ‘ કઠોર મૃત્યુ એ બધાંને નચાવી રહ્યું છે ! 

    ફિલ્મમાં જે રીતે ઉમરાવ બ્લોક મૃત્યુ પહેલાં એક આખરી ઉમદા કાર્ય કરી જવાની ખેવના મૃત્યુ આગળ વ્યક્ત કરે છે, સ્વયં બર્ગમેન પણ ‘ મૃત્યુ પછી એમને સદૈવ યાદ કરવામાં આવે ‘ એવી ફિલ્મો સર્જવાની સળગતી મહત્વાકાંક્ષા ધરાવતા લાગે છે!

    મૃત્યુ અને બ્લોક વચ્ચેની રમત હજી પણ મનુષ્ય અને મૃત્યુ વચ્ચે જારી છે. પરિણામ પહેલાં પણ મનુષ્યની વિરુદ્ધમાં હતું, હજી પણ છે અને કદાચ કાયમ રહેશે. હા, મનુષ્યની જિજીવિષાની જ્યોત કાયમ જલતી રહેશે. કદાચ અંતિમ અનિવાર્ય પરિણામ છતાં મૃત્યુને બ્લોક સાથે ચેસ રમવાની મજા પડી હશે કારણ કે બ્લોક મર્યાદાઓને ઉલ્લંઘી ઈશ્વરને પડકારતો હતો અને માણસના મનમાં સદીઓ સુધી ધરબાઈને પડેલા SEVENTH SEAL સુધી પહોંચવા પ્રયત્ન -રત્ત હતો !

    THE SEVENTH SEAL એ બર્ગમેનનું હેમલેટ છે, એમનું ફોસ્ટ છે..


    [1]

    https://youtu.be/AVjTOK4NG1M


    મહાન સ્વીડીશ ફિલ્મ – સર્જક ઈંગમાર બર્ગમેન (૧૯૧૮ – ૨૦૦૭) ની દસ ફિલ્મોના સવિસ્તાર રસાસ્વાદની આ શ્રેણીના બધા મણકા ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ   પર ક્લિક કરવાથી વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મુન્શીયારી ભણી વળતો પ્રવાસ

    નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

    આશા વીરેન્દ્ર

    નારાયણ આશ્રમથી મુન્શીયારી સુધીનો રસ્તો ઘણો લાંબો અને દુર્ગમ હતો. વળી રસ્તામાં અમને ભૂખ્યાં જનોને ક્યાંય ભોજન મળી શકે તેમ નહોતું, એટલે હૉટલ ‘મિલામ ઈન’માં પહોંચ્યાં ત્યારે સૌનો જઠરાગ્નિ પ્રજ્વળી ચૂક્યો હતો. હોટલ બહુ સરસ હતી. દરેક રૂમમાંથી હિમાલય દૃષ્ટિગોચર થતો હતો. પરંતુ જ્યાં સુધી પેટની પૂજા નહોતી થઈ ત્યાં સુધી કોઈને સૌંદર્ય માણવાનું યાદ નહોતું આવ્યું. લાંબો પ્રવાસ કરીને પહોંચ્યાં હતાં એટલે બાકીનો બધો કાર્યક્રમ બીજા દિવસ પર મોકૂફ મુકીને  રાતે બધાંએ એક રૂમમાં ભેગાં થઈ ગીતો ગાયાં, એકપાત્રી અભિનય માણ્યો અને શાહબુદ્દીન રાઠોડના ‘વનેચંદના વરઘોડા’ના અનેક પ્રસંગો યાદ કરી કરીને ખૂબ હસ્યાં. બધાં આટલા દિવસમાં એકબીજા સાથે એવાં હળીમળી ગયાં હતાં, એટલાં નજીક આવી ગયાં હતાં કે રાજેંદ્ર શાહ રચિત ગીત ‘આપણ એકબીજાના સંગમાં રાજી રાજી’ વારંવાર યાદ આવતું હતું.

    મુન્શીયારીમાં ‘ખાલિયા ટૉપ’નું ટ્રેકિંગ હતું. જેમને જવું હતું એ બધાં એ ટ્રેકિંગમાં ગયાં. ખુબ વિશાળ જગ્યામાં નંદાદેવીનું રૂપકડું મંદિર છે તેનાં દર્શન કર્યાં.

    મુન્શિયારીમાં આવેલું નંદાદેવી મંદિર

    તે પછી બહેનોને યાદ આવ્યું કે કાલથી નવરાત્રિનો આરંભ થાય છે તો આજે જ માતાજી સમક્ષ ગરબા કેમ ન ગાવા !  એક વખત આવો તુક્કો મનમાં સળવળવાનું ચાલુ થાય પછી ગુજરાતણો ઝાલી રહે? મંદિરના પરિસરમં એક પછી એક એમ ગરબાની રમઝટ જમાવી દીધી. શરૂઆતમાં થોડા દૂર રહેલા ભાઈઓ પણ એક પછી એક તાલીઓના તાલમાં જોડાવા લાગ્યા.

    અમને  ગરબા કરતાં જોઇ પરભાષી અન્ય યાત્રીઓ રમૂજ અનુભવતા હોય એમ લાગ્યું. કદાચ અંદરોઅંદર એ લોકો એમ પણ કહેતાં હશે કે ‘કેવાં ગાંડાં છે આ લોકો, નહીં?’ પણ અમને એ બધાંની બહુ પરવા નહોતી. આમ પણ ‘કુછ તો લોગ કહેંગે, લોગોંકા કામ હૈ કહેના’. જેને જે કહેવું હોય તે કહે, પણ એક દિવસ અગાઉ અમે તો ગરબાની નેટ પ્રેક્ટીસ કરી લીધી.

    મંદિરના પરિસરમાં ગરબા ઘેલા ગુજરાતીઓ

    મુન્શીયારીથી ચૌકોરી જતાં રસ્તામાં બ્રીથી ફૉલ આવે છે, એ જોવાનું ચુકવા જેવું નથી. ફૉલના મૂળ નજીક જવા લગભગ ૧૦૦ -૧૨૫ પગથિયાં ચઢવાની કસરત કરવી તો પડે, પણ ત્યાં પહોંચ્યા પછી ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ જેવી અનુભૂતિ અવશ્ય સાર્થક થાય. કેટલીએ ઊંચાઈએથી પડતું ધડધડડાટ કરતું ઝરણું ચારેકોર જળશિકરો ઉડાડતું, અવનવ અકારો રચતું પૃથ્વીને મળવા આતુર બનીને દોડ્યું આવે છે. બેઉનાં મિલન સમયે જે સપ્તરંગી સુભગ મેઘધનુષ્યનો માંડવો રચાય એ દૃશ્યના સાક્ષી બનવું એ પણ એક અલભ્ય ધન્યતાની અનુભૂતી હતી. શરીર પર ઝીલાતી વાછટ એક અનોખો જ રોમાંચ પેદા કરતી હતી. મારાં જેવાંઓ જે નાયગ્રા ફૉલ ન જોઈ શકયાં હોય તેમને માટે તો બિથી ફૉલની મુલાકાતથી ‘સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા’નો સંતોષ મળી શકે તેમ હતું. જુદી જુદી જગ્યાએથી ફૉલનાં અલગ અલગ સ્વરૂપો જોવામાં અને જાત જાતના એંગલથી સેલ્ફીઓ પાડવામાં  કલાકેક તો ચપટી વગાડતાં નીકળી ગયો, અને તો પણ કોઈને ત્યાંથી પાછા ફરવાનું મન થતું નહોતું.

    બ્રિથી ફોલનો અદ્ભુત નજારો

    બ્રિથી ફૉલ જોઈને નીચે ઉતર્યા પછીથી માડ દોઢ બે કિલોમીટર આગળ ગયાં હોઈશું ત્યાં ખબર પડી કે એકાદ મહિના પહેલાં ખીણમાંનીચે પડી ગયેલી ટ્રકને બહાર ખેંચી કાઢવાની કામગીરી ચાલી રહી છે.  ડ્રાઈવરોને અંદાજ આવી ગયો કે હવે ચાર પાંચ કલાક તો સાચા ! અમને લોકોને એક વાર તો વિચાર આવી ગયો કે મહિના પહેલાં અંદર જઈ પડેલી ટ્રકને બહાર કાઢવાનું મૂરત અત્યારેજ, અમારે અહીંથી પસાર થવાનું થયું છે ત્યારે જ,  ક્યાં પાક્યું ! અત્યાર સુધીનો આપણો પ્રવાસ કેવો નિર્વિઘ્ને નીકળી ગયો છે એવો વરંવાર હરખ કરતાં અમને હવે વખાણી ખીચડી દાઢે વળગ્યાનો અફસોસ ચચરવા લાગ્યો હતો. પરંતુ વધારે કકળાટ કે કચવાટ કરવા બહુ વારો ન આવ્યો. અમારા નસીબ થોડાં પાધરાં હશે, એટલે બ્રિથી ફૉલ પાછાં પહોંચ્યાં ત્યાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે સાવ નજીકમાંજ કુમાઉ નિગમનું ગૅસ્ટ હાઉસ છે.

    ત્યાં પહોંચીને થોડું રમ્યાં, અને ઘણું જમ્યાં ! પછી પાનાંની થોડી રમતો કરી, બેઠાં બેઠાં થોડાં ઝોકાં પણ ખાઈ લીધાં એટલામાં જ ડ્રાઈવર દોડતો દોડતો કહેવા આવ્યો કે રસ્તો ખૂલી ગયો છે.


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જયાં સરસ્વતીની વીણાનો ગુંજારવ સંભળાય છે !

    હરેશ ધોળકિયા

    શહેરી સમાજ વ્યવસ્થાનું લક્ષણ છે આધુનિકતાનું વરવું પ્રદર્શન, એક જ સરખી મશીન જેવી બધી જ બાબતો. ગમે તે નગરમાં જાવ કે કોઈ આધુનિક સંસ્થામાં જાવ, બધું જ સરખું જ લાગે. એક જ પ્રકારની અદ્યતન સગવડો. જાણે રોલરકોસ્ટર ફરતું હોય. એટલે જયાં વૈવિધ્ય જોવા મળે ત્યાં આંખને ભારે આનંદ આવી જાય. મુખ્ય શોખ શૈક્ષણિક સંસ્થાઓ જોવાનો. તે નગર કે ગામની સૌથી સંસ્કારી સંસ્થા. સમગ્ર વિસ્તારમાં એક માત્ર ત્યાં સ્વસ્થતાનાં દર્શન થાય. અહીં જ ભવિષ્યની ઝાંખી થાય. એટલે તે જોવાની તક મળે તો ન ગુમાવું.
    મોટા શહેરોમાં કહેવાતી ‘ ઈન્ટરનેશનલ ‘ શૈક્ષણિક સંસ્થાઓમાં જઈએ તો તેની સગવડો જોઈ ચોકકસ આભા થવાય, પણ પ્રભાવિત ઓછા થવાય. બધું ફટોફટ થતું જોવા મળે. “ટચ-સ્ક્રીન” કમ્પ્યુટરો જોઈ ચકિત થઈ જવાય, પણ બાળકોને પ્રોગ્રામ્ડ થઈ કરતાં જોઈ ન ગમે. તેઓ ચોકકસ રીતભાતમાં-ફરતાં હોય કે વર્તતાં હોય. કૃત્રિમ લાગે. સહજતાનો અભાવ દેખાય. ઘરોમાં જેમ કોઈ મહેમાન આવે અને માતા પિતા બાળકને ગોખેલ આંકડા કે મૂળાક્ષરો કે કવિતાઓ બોલાવે, તેમ આવી સંસ્થાઓમાં પણ આવું જ જોવા મળે. બધું જ ટીપટોપ ! તત્કાલિન ગમે, પણ બહાર નીકળી ભૂલી જવાય. પણ ઘણી વાર નાની શૈક્ષણિક સંસ્થાઓમાં જઈએ અને ત્યાંનાં સહજ સાદા વાતાવરણમાં જે સર્જકતા જોવા મળે તે જોઈ દિલ ખુશ થઈ જાય. આવી કહેવાતી સાદી શાળાઓમાં બાળકો જે આનંદથી નાચતાં હોય, ખીલતાં હોય તે દશ્યો મનને ખુશ કરી દે. અને ઘણી વાર તો આવી શાળાઓ કહેવાતી આધુનિક શાળાઓને પણ ટકકર મારે તેવી હોય છે. હા, તેમાં કદાચ સગવડો ઓછી હશે, પણ ગુણવતા જરા પણ ઓછી ન દેખાય.
    અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની એક સરકારી પ્રાથમિક શાળામાં મુલાકાત લેવાની તક મળી હતી. ચારે તરફ એક એકથી ઉતમ અને આધુનિક સ્વ- નિર્ભર શાળાઓ. તેના વચ્ચે કેમ ટકતી હતી તે સવાલ થતો હતો. પણ તેના આચાર્યનો ઉત્સાહ જોઈ ટકવાનું કારણ સમજાઈ ગયું. આચાર્ય બાળકોને એવાં તો તૈયાર કરતા હતા અને શાળાને પણ એવી તો સજજ કરતા હતા કે તેમના આવ્યા પછી થોડા જ સમયમાં ઊંધો પ્રવાહ શરુ થયો. સ્વ-નિર્ભર શાળાઓમાંથી બાળકોનો આ સરકારી શાળામાં આવવાનો પ્રવાહ શરુ થયો. ભારતીય લોકશાહીની પ્રતીક એવી આ શાળા જોઈ અમે ખુશ થઈ
    ગયા હતા.
    સંયોગવશાત આવી જ કચ્છની એક શાળાની મુલાકાત લેવાની તક મળી. ભુજથી મુન્દ્રા જાવ ત્યારે વચ્ચે ‘ સેડાતા’ નામનું તદન નાનું ગામ આવે. નવસોમાંનું એક અદશ્ય ગામ. પછાત કહી શકાય તેવું ગામ. ટકરી પર આવેલ ગામ. અંદર જવું હોય તો આજે પણ તદન કાચો રસ્તો. કહેવાતા વિકાસનું કોઈ જ લક્ષણ આ ગામમાં જોવા ન મળે. માત્ર હાઈ વે પરનું બસ સ્ટોપ આધુનિક માની શકાય. તેમાં જવાનું થયું.
    ગામનાં ઘરો વચ્ચેથી પસાર થતા તદન ટૂંકા રસ્તા પર આડા અવળા વળાંક લેતા અમે ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા. તે ઉંચી ટેકરી પર આવી છે. આસપાસનાં મેદાનના એક છેડે આવેલ છે. મેદાન કહેવું જો કે હાસ્યાસ્પદ હતું. ખાડા ટેકરા જ હતા. કારમાં બેસીને ઊંટ ગાડીમાં બેઠા હોવાનો અનુભવ થતો હતો. પણ હા, આ મેદાનમાં ઊભા રહીએ તો આસપાસનાં દશ્યો આંખને ઠારતાં હતાં. સામે હાઈ વે દેખાતો હતો. તો એક બાજુ ભારાપર દેખાતું હતું. તેનાથી ઉપરની ટેકરી પર નાની મસ્જિદની ધજા ફરફરતી દેખાતી હતી. ઠંડકભર્યા વાતાવરણમાં ઊભા રહેવાની મજા આવતી હતી.
    આચાર્યની ઓફિસમાં ગયા. આચાર્ય શાળામાં નિરીક્ષણ કરવા ગયા હતા એટલે ઓફિસમાં ન હતા. એટલે તેમની રાહ જોતા બેઠા. બેસીને ચારે તરફ નજર કરી તો અહાહા ! ભીંતો પર ભારતનો ઈતિહાસ જીવંત થઈ ઉઠયો. એક બાજુ રાણા પ્રતાપ અને શિવાજી ઘોડા પર બેસી મુઘલોને લલકારતા હતા, તો તેમની પાસે ભગતસિંહ અને ચન્દ્રશેખર આઝાદ અંગ્રેજોને પડકારતા હતા. તેમની વચ્ચે ભારત માતા સિંહની પાસે ગૌરવથી ઊભાં હતાં. અને તેમની નીચે ભારતના એક ઉતમ વ્યકિતત્વ એવા કલામનો ચહેરો સ્મિતથી ઝળહળતો હતો. આ ચિત્રો એટલાં તો પ્રભાવક હતાં કે તેના પરથી નજર ખસતી ન હતી. તો તેની સામે, દરવાજા પાછળ, અહો ! નાનકડી લાયબ્રેરી દેખાતી હતી. પગ ઝડપથી તેના પાસે પહોંચી ગયા. આંખ તેના પર સ્થિર થઈ અને પુસ્તકો પર નજર ફરવા લાગી. અહોહો, ઉતમ ગુજરાતી પુસ્તકો જોવા મળતાં હતાં. લાયબ્રેરી નાની હતી, પણ ગુણવતાસભર હતી. પુસ્તકો ચોરવાની લાલસા થઈ આવી ! ઈતિહાસ અને જ્ઞાનની સુગંધથી આચાર્યની ઓફિસ મઘમઘતી હતી. ચારે તરફ આંખ ઉત્સાહથી ઘૂમતી હતી.
    ત્યાં આચાર્ય વસંતભાઈ પટેલ આવી પહોંચી આવ્યા. ભરાવદાર શરીર. ચહેરા પર છલોછલ ઉત્સાહ ! ઉષ્માપૂર્વક અમને આવકાર્યા. અમે તેમની આસપાસ ગોઠવાઈ ગયા. તેમણે આ બધા ફોટાઓ સમજાવ્યા. શાળાનો પરિચય આપ્યો. પણ તેમને તેનાથી સંતોષ ન થયો. કહે કે ચાલો, શાળાને આંટો મારીએ. આચાર્યની ઓફિસ સામે શાળાનું મકાન હતું. આચાર્યનો ઉત્સાહ જોઈ થયું કે ચોકકસ શાળામાં કશીક તો વિશિષ્ટતા હશે જ. ભારતમાં પ્રાચીન સમયથી રિવાજ છે કે જેના વડા ઉત્સાહી, તે સંસ્થા ઉતમ જ હોવાની. જેના વડા સામાન્ય, તે સંસ્થા ચીલાચાલુ. આ આચાર્ય થનગનતા હતા. એટલે શાળા પણ ચોકકસ થનગનતી હશે. તે જોવાની તો તત્પરતા હતી.
    સામે આવેલ શાળામાં પ્રવેશ્યા. દરવાજા સામે જ વર્ગો હતા. આચાર્ય વસંતભાઈ એક વર્ગમાં લઈ ગયા. તેના પર લખેલ

    કે ”’ પ્રજ્ઞા ખંડ.”આમ તો શાળા એટલે જ અખંડ પ્રજ્ઞાની ભૂમિ. સમગ્ર જગતમાં અહીં જ પ્રજ્ઞાની ઝાંખી થાય. એટલે તેનો તો દરેક વર્ગ પ્રજ્ઞાથી ઉભરાતો હોય. અંદર પ્રવેશ્યા. અહોહો ! વર્ગની ચારે દિવાલો રંગોથી છલકાતી હતી. અરે, બાળકોનાં નાનકડાં મેજ પણ રંગીન હતાં. માત્ર રંગીન જ નહીં, દરેક મેજ પર કશીક માહિતી હતી. કયાંક આંકડા હતા. કયાંક મૂળાક્ષર હતા. કયાંક બીજી વિગતો હતી. આચાર્ય કહે કે બાળકોને બેઠે બેઠે, માત્ર મેજ પર નજર કરવાથી, આ બધી માહિતી આપોઆપ મળી જાય છે. આવી જ માહિતીથી છલકાતી ચારે દિવાલો હતી. અનેક પ્રકારની શીખવાની માહિતી તેના પર જોવા મળતી હતી. તેમાં આવેલ કબાટોમાં પણ એ જ હતી. એમાં વિવિધ ઘડા પડયા હતા. વર્ગ શિક્ષિકાએ દરેક ઘડામાં પડેલ વસ્તુઓનો શૈક્ષણિક ઉપયોગ બતાવ્યો. એક બાબત ધ્યાન ખેંચતી હતી. એક પુટ્ઠા પર નાનાં ચાર ખાનાં હતાં. તેમાં એક સાંઠિકડી પર બાળકોના ફોટા લગાવ્યા હતા. ચાર ખાના પર કુમાર-કુમારી અને હાજર-ગેરહાજર લખેલ હતું. શિક્ષિકાએ કહ્યું કે તે બધા ફોટા ગેરહાજરના ખાનામાં રાખતી હતી. શાળામાં બાળકો આવે કે તે પોતાનો ફોટો કાઢી કુમાર કે કુમારીના ” હાજર”ના ખાનામાં મૂકી દે. એટલે છેલ્લે જે ગેરહાજર હોય તેના ફોટા જ ગેરહાજરમાં રહે. તેના આધારે હાજરી નકકી થઈ જાય. શિક્ષિકાને હાજરી પૂરવી ન પડે. આ ખાનાં જોતાં જ ખ્યાલ આવી જાય. તદન નવો કહી શકાય તેવો સર્જનાત્મક વિચાર હતો આ. બધા ખુશ થઈ ગયા અને શિક્ષિકાને અભિનંદન આપ્યાં.
    તો પાસેનો રુમ ” ગુજરાતી રુમ” હતો. તેમાં વળી બીજી નવાઈની બાબતો હતી. તેમાં રાખેલ ઘડાઓમાં આવા જ ફોટા હતા, પણ પક્ષીઓના, પશુઓના, ફળોના હતા. શિક્ષિકા બાળકોને પક્ષીઓના કે ફળોના ફોટા અલગ કરવાનું કહે.બાળકો કરી દે. આમ તેમને આ રીતે બધાનો પરિચય થાય. કોઈ જ વિધિસર રીતે શીખવ્યા વિના જ બાળકોને વિવિધ વિષયોનો અને બાબતોનો પરિચય થતો રહે. દરેક રુમમાં આવી અનેક વૈવિધ્યસભર બાબતો હતી જે બાળકો સહજ રીતે શીખતાં હતાં. કદાચ શિક્ષક-શિક્ષિકા બહાર જતાં હશે તો બાળકોને આ કરવા કહી જતાં હશે અને બાળકો જાતે જ શીખતાં હશે. દરેક રુમમાં રહેલ શિક્ષકોની આંખો સર્જકતાથી અને ઉત્સાહથી છલકાતી હતી. દરેક પળે કશુંક નવું સર્જવા તત્પર હતી. ટચુકડાં ગ્રામ્ય બાળકો પણ તેમના સામે આશા-અપેક્ષાથી જોતાં હતાં. શિક્ષક-બાળકો બન્ને શૈક્ષણિક ઊર્જાથી થનગનતાં હતાં. કહેવાતાં પછાત ગામના એક છેડે, કચ્છના એક તદન ખૂણે, એક નાની ટેકરી પર શૈક્ષણિક યજ્ઞ ચાલતો હતો. પ્રતાપ, શિવાજી, ભગતસિંહ, ચન્દ્રશેખર આઝાદ અને કલામ દૂરથી હર્ષભરી આંખે આ વિકાસ જોતા હતા. તેમને પોતે ભારતને સ્વતંત્ર કરવાની કે વિકાસ તરફ લઈ જવાની તેમની મહેનતનાં પરિણામ જોતાં વ્યર્થ શહિદી નથી વહોરી તેનો અહેસાસ થતો હતો.
    આખી શાળામાં ફર્યા. ખૂણેખૂણો ચોખ્ખો. યુરોપમાં જોવા મળે તે આ શાળામાં જોવા મળતું હતું. બહાર મેદાન પણ ચોખ્ખું. વાતાવરણ પણ શાંત અને પવિત્ર. એવું “ફિલ” થતું હતું કે સરસ્વતી અહીં આનંદથી ઘૂમતાં હતાં અને વાતાવરણને માણતાં હતાં. એકેએક શિક્ષકની આંખ સર્જકતાથી છલકાતી હતી. બાળકોને બધું જ જ્ઞાન આપી દેવા તત્પર હતી. દેશના વિકાસમાં રામાયણની ખીસકોલી જેમ ફાળો આપવા ઉત્સુક હતી. અને હા, સરકાર તો આ બધા માટે શરમ આવે તેટલી ગ્રાન્ટ આપતી હતી. શિક્ષકો પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી આ પ્રયોગો તૈયાર કરતા હતા. એટલે જ સમજાતું હતું કે આ શાળામાં કેમ આનંદ આવતો હતો.
    વસંતભાઈને, શિક્ષકોને અને શિક્ષિકાઓને ખૂબ જ અભિનંદન આપ્યાં. ખાસ વિર્નાતિ કરી કે તેમણે તેમના આ પ્રયોગોને રાજયનાં મેગેઝીન ” જીવનશિક્ષણ”માં લખવા જોઈએ જેથી સમગ્ર ગુજરાતને પ્રેરણા મળે. શિક્ષકોની આંખમાં પણ અમારો આનંદ જોઈ કૃતજ્ઞતા વ્યકત થતી હતી. ભર્યું ભર્યું પર્યાવરણ હતું.
    શાળામાંથી વિદાય લીધી ત્યારે અફસોસ થયો કે બહુ ઓછી મુલાકાત ચાલી. કયારેક બીજી વાર નીરાંતે આવવું પડશે. પછાત ગામની આ પ્રગતિશીલ શાળાનાં પુનઃ દર્શન કરવાં પડશે.
    ખાતરી છે કે કચ્છમાં- અને ગુજરાતમાં પણ- આવી અનેક શાળાઓના શિક્ષકો ખૂણામાં બેસી આ રીતે જ બાળકોને એકવીસમી સદીના પડકારો ઝીલવા માટે તૈયાર કરતા હશે. દરેક સ્વસ્થ નાગરિકે આ શાળાઓની મુલાકાત લેવી જ જોઈએ. ચારે બાજુ સામાન્ય વાતાવરણ વચ્ચે આ પ્રજ્ઞાખંડોને જાળવવાની જવાબદારી નાગરિકોની છે. સરકાર શિક્ષકોને સન્માને કે ન સન્માને, નાગરિકોએ તો તેમને સન્માનવા જ જોઈએ.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક dholakiahc@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

     

  • ડુંગર ઉપર આગ લાગી, ચેતો રે ચેતો!

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આ વર્ષે વિચિત્ર વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. શિયાળાના સમાપન અને ઊનાળાના આગમનની વચ્ચે આવતી ખુશનુમા વસંત ઋતુનો જાણે કે લોપ થઈ ગયો હોય એમ આકરી ગરમીનો આરંભ થઈ ચૂક્યો છે. આવી મોસમમાં ગોવા રાજ્યમાં ઠેરઠેર દાવાનળ ફાટી નીકળ્યો છે. માર્ચ, ૨૦૨૩ના પ્રથમ દસેક દિવસમાં અનેક સ્થળે ડુંગરો પર આગ લાગવાના બનાવો બન્યા છે અને કાજુનાં વાવેતરને નષ્ટ કરી રહ્યાં છે. અલબત્ત, ગોવાના વનમંત્રી વિશ્વજીત રાણેને આરંભે એમ લાગેલું કે કોઈક અટકચાળાં તત્ત્વોએ આગ લગાડી હશે. પછી તેમને લાગ્યું કે એવું નથી અને બદલાતા તાપમાનને કારણે આમ થયું હશે. તેમણે જણાવ્યું છે કે આગ બાબતે તપાસ બેસાડવામાં આવશે અને તેનો અહેવાલ સુપ્રત કરાશે.

    Source: https://www.heraldgoa.in/Goa/Fire-breaks-out-in-Sanguem-village-that-rejected-Goa-govt%E2%80%99s-IIT-plans/202108

    આ આગ કેવીક છે? ભારતીય વાયુદળનાં એમ.આઈ.૧૭ હેલિકોપ્ટરો દ્વારા આશરે 47,000 લીટર પાણીનો વિવિધ સ્થળોએ છંટકાવ કરવામાં આવ્યો છે. પાંચમી માર્ચથી લઈને એક જ સપ્તાહમાં આગ લાગી હોય એવાં 48 સ્થળો નજરમાં આવ્યાં છે, જેમાંથી 41 સ્થળોએ આગ બુઝાવી દેવામાં આવી છે, જ્યારે સાત સ્થળોએ તે સક્રિય છે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર હજી સુધી જીવસૃષ્ટિ તેમજ વનસ્પતિ સૃષ્ટિને કોઈ મોટું નુકસાન થયું હોવાનું જણાયું નથી. અસરગ્રસ્ત ક્ષેત્રોને સેક્ટરમાં વિભાજીત કરી દેવામાં આવ્યા છે અને વિવિધ વિભાગોને તેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

    વિવિધ પર્યાવરણવિદ્‍ અને વિજ્ઞાનીઓને આ આગ માટે બદલાતા હવામાનની સ્થિતિ નહીં, પણ માનવીય હસ્તક્ષેપ જવાબદાર લાગે છે. કેમ કે, આ અરસામાં લાગેલી તમામ આગ ડુંગરા પર યા ગાઢ જંગલ હોય તેની પર લાગી છે. ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવેલું હોવાના કારણે ગોવાનાં વનોમાં ભેજયુક્ત હવામાન હોય છે, તેમજ ત્યાંની ભૂમિમાં પણ ભીનાશ રહેલી હોય છે. વિજ્ઞાનીઓના મતે આ પરિસ્થિતિમાં અહીં કુદરતી રીતે આગ ફાટી નીકળવાની શક્યતા બિલકુલ નથી.

    ફોરેસ્ટ સર્વે ઑફ ઈન્ડિયા (એફ.એસ.આઈ.)ના અનુસાર નવેમ્બરથી જૂન વચ્ચેની મોસમ આગની કહી શકાય. નવેમ્બર, 2019થી જૂન, 2020 દરમિયાન કુલ 45 અને નવેમ્બર, ૨૦૨૦થી જૂન, ૨૦૨૧દરમિયાન ૪૭ સ્થળોએ આગના બનાવ નોંધાયા હતા. એફ.એસ.આઈ.ની નોંધ અનુસાર સોએક જેટલા આ બનાવો મોટા પાયે, સતત અને પુનરાવર્તિત આગના હતા. એ પણ જાણવું જરૂરી બની રહે છે કે ગોવાના વનવિસ્તારનો એક પણ ભાગ આગની સંભાવનાયુક્ત નથી. આનો સીધો મતલબ એ થાય કે આગના તમામ બનાવો નૈસર્ગિક નહીં, પણ સંભવત: માનવપ્રેરિત છે.

    આવી શંકા સકારણ છે. કેમ કે, ડુંગરા ‘કાપવા’ તેમજ વનવિસ્તાર પર દબાણ કરવાની ગતિવિધિઓ રાજ્યભરમાં દિનબદિન વધી રહી છે. ગોવાની ભૂમિ, ખાસ કરીને અહીંના પર્વતોનું મૂલ્ય ઘણું છે. છેલ્લા બે દાયકામાં અનેક નવા પ્રકલ્પો, બાંધકામ તેમજ વિકાસયોજનાઓ આકાર લઈ રહી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે વિશાળ હોટેલો, વ્યક્તિગત આવાસો તેમજ નિવૃત્તજનો માટેનાં નિવાસસ્થાનની યોજનાઓ મોટા ભાગના રીઅલ એસ્ટેટ ડેવેલપર મૂકી રહ્યા છે.

    એમ મનાય છે કે પહેલાં આગ લગાડીને વનસ્પતિસૃષ્ટિને નષ્ટ કરવામાં આવે છે, અને એ જમીનને ઉજ્જડ કરી દેવાય છે. થોડો વખત પછી એ જમીન પર ‘વિકાસકાર્ય’ હાથ ધરવામાં આવે છે. કાનૂનમાં રહેલાં છીંડાંનો ભરપૂર ઉપયોગ આના માટે કરવામાં આવે છે. વિકાસ કરવાનો હોય એ જમીન મોટા ભાગે કોઈ ને કોઈ ગામના વિસ્તારમાં આવેલી હોય છે. આને કારણે ડેવેલપરને ફાવતું જડે છે. તેઓ કાનૂનમાં રહેલાં છીંડાં દ્વારા યેનકેનપ્રકારેણ મંજૂરી મેળવી લે છે.

    સમગ્રપણે જોતાં ખ્યાલ આવે છે કે વનમાં આગ સાથે ગોવાની ‘વિકાસયોજનાઓ’ સીધેસીધી સંકળાયેલી છે. સરકારમાં ઈચ્છાશક્તિ હોય અને તે આ રોકવા માગતી હોય તો આગ લાગવાના કારણ બાબતે ભલે તપાસ બેસાડે, સાથોસાથ જમીનના હેતુબદલાવ અને વિશાળકાય પ્રકલ્પોની કુંડળીની પણ તપાસ કરવી જરૂરી છે.

    અત્યારે તો આગને કાબૂમાં લેવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે. ‘ડીસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી’ (ડી.ડી.એમ.એ.) દ્વારા જનસામાન્ય માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. વનની દરેક બીટ માટે દસથી પંદર સ્વયંસેવકોને નીમવામાં આવ્યા છે, જેઓ વનવિભાગના કર્મચારીઓ સાથે સંકલન સાધીને કામ કરશે. આ ઉપરાંત વિવિધ બિનસરકારી સંગઠનો, પંચાયત સભ્યો વગેરેને એકત્રિત કરવા માટે પણ નાયબ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. સ્વયંસેવકોની ભરતી માટે વનવિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સ્વયંસેવકો શારિરીક રીતે સક્ષમ હોવા જોઈએ, કેમ કે, તેમણે ટ્રેકિંગ તેમજ જંગલમાં ચાલવાનું આવે અને ક્યારેક રાત્રે પણ એ કરવાનું થાય.

    આ પગલાં અસરકારક નીવડે અને અત્યારે લાગેલી આગ બુઝાઈ જાય એ શક્ય છે, પણ એ આગ જો માનવપ્રેરિત હશે અને એક લાંબા ગાળાના સુવ્યવસ્થિત આયોજનના ભાગરૂપે લગાડવામાં આવી હશે તો એ ફરી લાગી શકવાની શક્યતા નકારી શકાય એમ નથી. આવા સમયે સરકારની ભૂમિકા મહત્ત્વની બની રહે છે. વનસંપદા બચાવવા માટે તે કાયદાને વધુ કડક બનાવે, વનસંપદાની જાળવણી અને સંવર્ધનની પ્રાથમિકતા જાળવે અને એ મુજબ વિવિધ પ્રકલ્પોને મંજૂરી આપે તો જ એ શક્ય બની શકે. ઈચ્છાશક્તિ વિના આ થઈ શકે એમ નથી. કાગળ પર કાયદા ગમે એટલા કડક બને, તેના મૂળભૂત હેતુને એ સિદ્ધ ન કરે તો કશો અર્થ સરતો નથી. કહેવાતા વિકાસની દોટ એટલી આંધળી છે કે એમાં માનવજાતને પોતાનું ધૂંધળું ભાવિ પણ દેખાતું નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

     

  • પુરાણોની રચનાનું કારણ

    રામાયણ – સંશોધકની નજરે

    પૂર્વી મોદી મલકાણ

    પુરાણો કેટલા છે? તો એ નો જવાબ છે અઢાર. આ જવાબ આપણાં બધાં પાસે છે, પણ આ પુરાણોની આયુ કેટલી?, પુરાણો એટ્લે શું ? અને પુરાણો ઉપર શાસ્ત્રોક્ત વ્યાખ્યાં શું છે? આ બધાનો પ્રશ્નનાં જવાબ થોડાં વિચારણીય બની જાય છે. તો ચાલો આજે નીકળી પડીએ પુરાણોની રચનાનું કારણ જાણવા. 

    પુરાણો… ઉપનિષદ, વેદોની જેમ પુરાણો પણ હિન્દુઓનું ધર્મસંબંધિત એવો આખ્યાનગ્રંથ છે જેમાં ભક્તિની સહસ્ત્ર ધારાઓ પ્રવાહિત થઈ હતી. આ પ્રમાણે સહસ્ત્ર ધારાઓ પ્રવાહિત થવાનું એ કારણ કહી શકાય કે, એ સમયમાં કર્મકાંડ ( વેદ ) થી જ્ઞાન ( ઉપનિષદ) ઉપર બ્રાહ્મણો અને આચાર્યોનો પ્રભાવ હતો. જ્યારે પુરાણોમાં રહેલ કથા, શ્રુતિ, સ્મૃતિ આદીએ સામાન્ય જનમાનસને સમજાય તેવી હોવાને કારણે પુરાણોનો વિકાસ વધુ થયો. આ શ્રુતિ, સ્મૃતિ અને કથા સિવાય આ ગ્રંથમાં શિવ -વિષ્ણુ અને તેમની સૃષ્ટિ, વાયુ, જલ સૃષ્ટિ, પ્રાચીન ઋષિઓ અને તેમની આશ્રમ વ્યવસ્થા, જે તે સમયનો સમાજ અને તે સમયનાં સામાજિક જીવન, પાપ અને પુણ્યની વ્યાખ્યા, દેવી-દેવતાઓનું મહત્ત્વ અને તેમનાં પ્રાગટ્યનો ઇતિહાસ, ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ, પૃથ્વી અને સૃષ્ટિનાં આરંભ અને અંત સુધીની યાત્રા, ક્રિયા અને કર્મ વચ્ચેનું પરિમાણ,  તીર્થયાત્રા,  ચિકિત્સા,  ખગોળ, ખનીજ અને વિજ્ઞાન શાસ્ત્ર, વ્યાકરણ વગેરે ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ટૂંકમાં એમ કહી શકાય કે; પુરાણોમાં વર્ણિત વિષયોની કોઈ સીમા નથી.
    પુરાણોની રચના મૂળ દેવભાષા સંસ્કૃતમાં કરવામાં આવી હતી, પણ મધ્યકાલીન યુગથી આ સંસ્કૃત ગ્રંથોને પ્રાકૃતિક અને ક્ષેત્રિય ભાષામાં બદલવામાં આવ્યાં જેને કારણે કવચિત્ કેવળ બ્રાહ્મણોનાં ગૃહમાં નિવાસ કરનારા પુરાણો પ્રત્યેક નાના મોટા ગૃહોમાં પહોંચ્યાં. ઈતિહાસકારો અને ભૂસ્તરશાસ્ત્રીયોએ કહ્યું છે કે, જ્યાં હિન્દુ પુરાણોનાં રચનાકાર અજ્ઞાત છે, ત્યાં જૈન અને બૌધ્ધધર્મનાં ગ્રંથોમાં પાંડુલિપિમાં રચિત પુરાણોનો ઉલ્લેખ જોવા મળે છે અને આ પાંડુલિપિમાં આ પુરાણોને કોણે ફેરવ્યાં તેમનાં નામ પણ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ, સભ્યતા એવં ઇતિહાસનાં સમ્યક જ્ઞાનને માટે પુરાણોનું ગહન અધ્યયન પરમ આવશ્યક છે. પુરાણો એ ભારતીય સંસ્કૃતિ એવં સભ્યતાનાં મેરુદંડ છે. આ મેરુદંડનાં ગંભીર અભ્યાસ વગર ભારતનો અતીત અને ઇતિહાસ અપૂર્ણ છે તેમ છતાં યે આ શબ્દનો ઉલ્લેખ ક્યાં ક્યાં થયો છે તે જાણકારી સરળતાથી મળતી નથી. તેથી ચાલો આજે આપણાં પૂર્વ ઇતિહાસનાં પાનાઓમાં ચાલીયે અને શોધીએ કે પુરાણો વિષે જે તે સમય શું કહે છે અને પુરાણોની રચના પાછળનું પ્રયોજન શું હતું.    
     
    પુરાણોની રચના પાછળની કથા અને પ્રયોજન:-

    કથા છે કે’; જ્યારે બ્રહ્માજીએ વેદોની શ્રુતિઓ અને ઋચાઓને જ્યારે સ્મરવી શરૂ કરી તે અગાઉ બ્રહ્મદેવે ઊંડા શ્વાસ ભરી નિશ્વાસ નાખ્યો તે સમયે પુરાણોનું પ્રાગટ્ય થયું. આ ઊંડા શ્વાસ ભરવાનું કારણ એ હતું કે, બ્રહ્મદેવે વિચાર્યું કે વેદો એ ઋષિસંસ્કૃતિ, અને આશ્રમ સંસ્કૃતિનો ભાગ બને તે અગાઉ તેને પાયારૂપ આધારની જરૂર છે માટે આપે શિષ્યની પરંપરાની સાથે શ્રવણ, અર્ચન, પૂજન, પઠન, પાઠનની રીતિ જનસમુદાયનાં હૃદયમાં સ્થાપીત કરવા માટે પુરાણોની રચના કરી જેથી કરીને વેદોને શિક્ષા રૂપે આપવા માટે અને શિક્ષણરૂપે લેવા માટે શુધ્ધતા અને નિયમ જળવાઈ રહે. ( વા.પુ -૩/૫૪ અને મ.પુ -૩/૪ )

    પુરાણોની આયુ

    પ્રથમ પ્રશ્ન પુરાણોની આયુ કેટલી? તે વિષે એમ કહેવું પડે જેટલી જ પ્રાચીન છે ભારતીય સંસ્કૃતિ છે તેટલી જ કે પુરાણોની સત્તા છે. તેમ છતાં યે પરફેક્ટ આયુ કહેવી હોય તો એમ કહી શકાય કે, શિવપુરાણની આયુ અન્ય પુરાણોની સરખામણીમાં સૌથી જૂની છે. ( અલબરુની -૧૦૩૦ નાં અનુસાર ) જ્યારે અન્ય એક મત કહે છે કે, કૈલાસ સંહિતાનાં ૧૬ અને ૧૭ માં અધ્યાય માં દશમી સદીનાં પૂર્વાધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બીજો મત ૧૩ મી સદીનાં ઉત્તરાર્ધમાં લઈ જાય છે.  ત્રીજો મત એમ પણ કહે છે કે શિવપુરાણ એ મુખ્ય પુરાણનો ભાગ નથી બલ્કે ઉપપુરાણનો ભાગ છે. આ ઉપપુરાણોનાં ક્રમાંકમાં આવે છે ભાગવત પુરાણની આયુ ચોથી સદીમાં માનવામાં આવી છે.
    જોકે ભાગવત પુરાણનાં રચયિતા વેદવ્યાસજી ખરા, પણ વેદ વ્યાસ ક્યા? ઈતિહાસકારો કહે છે કે, જે ચારે વેદને સમજી શકે છે, જાણી શકે છે, વાંચી શકે છે અને આ વેદ ઉપર ભાષ્ય, ટિકા વગેરેની રચના કરી તેમનાં ઉપર વ્યાખ્યાન કરી શકે છે તેમને વેદ વ્યાસ તરીકેની ઉપમા આપવામાં આવે છે. પણ જો આ પ્રકારે જોઈએ તો વેદવ્યાસજી તો એ વેદવ્યાસ ન થયાં જેને આપણે ભાગવતનાં રચયિતા તરીકે ઓળખી શકીએ. બીજી વાત એ કે ભાગવતનાં રચયિતા તરીકે જેનો ઉલ્લેખ થાય છે તેમનું મૂળ નામ છે દ્વૈપાયન ( જેમનો જન્મ દ્વીપ પર થયેલો છે તે ) આગળ વધતાં ઈતિહાસકારો એમ પણ કહે છે કે, દ્વૈપાયન વેદવ્યાસજી નો ક્રમાંક ૨૮ મો છે અર્થાત આ ૨૮ પહેલાં થઈ ગયેલાં ૨૭ વેદ વ્યાસોએ મૂળ ભાગવતની રચનામાં કોઈ ને કોઈ ફાળો ચોક્કસ આપ્યો હશે અને ભાગવત ગ્રંથની પૂર્ણાહુતિ આ મહર્ષિ દ્વૈપાયન વેદવ્યાસજી દ્વારા થઈ હશે. આ પ્રકારનાં વેદવ્યાસો દરેક કલ્પમાં આવે છે પણ શ્રીમદ્ ભાગવત ગ્રંથની રચનામાં જોડાયેલાં અંતિમ વિદ્વાન એ દ્વૈપાયનજી હતા.

    આમ ઈતિહાસકારો એ કહેલાં કથનને બીજી રીતે વિચારતાં એ ય સમજવા મળે છે કે; મૂળ મહાભારત ગ્રંથનાં રચયિતા વેદવ્યાસજીને ખ્યાલ હતો કે કૃષ્ણનું ચરિત્ર શું છે આથી જ્યારે ભાગવત ગ્રંથની રચના થતી હતી ત્યારે દશમ સ્કંધની રચનામાં દ્વૈપાયનજીએ પોતાનો સહયોગ આપ્યો અને વિષ્ણુનાં વિવિધ અવતારોની મહત્ત્વતા આ એક અવતારકાર્યમાં પૂર્ણ કરી. આ બાબતમાં એ ય જોવાની વાત છે કે; પુરાણોની રચનામાં ભાગ આપનાર આચાર્યોનાં સમયને જો જોવામાં આવે તો પુરાણો ક્યા સમયમાં રચાયાં તે વિષેની ચર્ચામાં ચોક્કસ ભિન્નતા આવે છે અને સમયકાળ ક્યો હતો તે વિષેની ચર્ચાનો ભાર વિશેષ થઈ જાય છે. તેથી તે પુરાતન કાળનાં સમયની પાછળ ન દોડતાં આપણે અંદાજે કહેલાં સમયકાળને જોઈએ.


    ક્રમશઃ


    © પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com
  • મેં માર્યો જંગલના રાજાને

    વાર્તામેળો – ૫

    પર્વ આશોકભાઈ પરમાર
    શ્રી કેરાકુન્દમાર લેઉવા ટ્રસ્ટ, કચ્છ
    Varat Melo 5 – 3 – I have killed King of Jungle – Paramar Parv


    સંપર્ક :  દર્શા કિકાણી –  darsha.rajesh@gmail.com