ફિર દેખો યારોં

બીરેન કોઠારી

આ વર્ષે વિચિત્ર વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. શિયાળાના સમાપન અને ઊનાળાના આગમનની વચ્ચે આવતી ખુશનુમા વસંત ઋતુનો જાણે કે લોપ થઈ ગયો હોય એમ આકરી ગરમીનો આરંભ થઈ ચૂક્યો છે. આવી મોસમમાં ગોવા રાજ્યમાં ઠેરઠેર દાવાનળ ફાટી નીકળ્યો છે. માર્ચ, ૨૦૨૩ના પ્રથમ દસેક દિવસમાં અનેક સ્થળે ડુંગરો પર આગ લાગવાના બનાવો બન્યા છે અને કાજુનાં વાવેતરને નષ્ટ કરી રહ્યાં છે. અલબત્ત, ગોવાના વનમંત્રી વિશ્વજીત રાણેને આરંભે એમ લાગેલું કે કોઈક અટકચાળાં તત્ત્વોએ આગ લગાડી હશે. પછી તેમને લાગ્યું કે એવું નથી અને બદલાતા તાપમાનને કારણે આમ થયું હશે. તેમણે જણાવ્યું છે કે આગ બાબતે તપાસ બેસાડવામાં આવશે અને તેનો અહેવાલ સુપ્રત કરાશે.

Source: https://www.heraldgoa.in/Goa/Fire-breaks-out-in-Sanguem-village-that-rejected-Goa-govt%E2%80%99s-IIT-plans/202108

આ આગ કેવીક છે? ભારતીય વાયુદળનાં એમ.આઈ.૧૭ હેલિકોપ્ટરો દ્વારા આશરે 47,000 લીટર પાણીનો વિવિધ સ્થળોએ છંટકાવ કરવામાં આવ્યો છે. પાંચમી માર્ચથી લઈને એક જ સપ્તાહમાં આગ લાગી હોય એવાં 48 સ્થળો નજરમાં આવ્યાં છે, જેમાંથી 41 સ્થળોએ આગ બુઝાવી દેવામાં આવી છે, જ્યારે સાત સ્થળોએ તે સક્રિય છે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર હજી સુધી જીવસૃષ્ટિ તેમજ વનસ્પતિ સૃષ્ટિને કોઈ મોટું નુકસાન થયું હોવાનું જણાયું નથી. અસરગ્રસ્ત ક્ષેત્રોને સેક્ટરમાં વિભાજીત કરી દેવામાં આવ્યા છે અને વિવિધ વિભાગોને તેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

વિવિધ પર્યાવરણવિદ્‍ અને વિજ્ઞાનીઓને આ આગ માટે બદલાતા હવામાનની સ્થિતિ નહીં, પણ માનવીય હસ્તક્ષેપ જવાબદાર લાગે છે. કેમ કે, આ અરસામાં લાગેલી તમામ આગ ડુંગરા પર યા ગાઢ જંગલ હોય તેની પર લાગી છે. ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવેલું હોવાના કારણે ગોવાનાં વનોમાં ભેજયુક્ત હવામાન હોય છે, તેમજ ત્યાંની ભૂમિમાં પણ ભીનાશ રહેલી હોય છે. વિજ્ઞાનીઓના મતે આ પરિસ્થિતિમાં અહીં કુદરતી રીતે આગ ફાટી નીકળવાની શક્યતા બિલકુલ નથી.

ફોરેસ્ટ સર્વે ઑફ ઈન્ડિયા (એફ.એસ.આઈ.)ના અનુસાર નવેમ્બરથી જૂન વચ્ચેની મોસમ આગની કહી શકાય. નવેમ્બર, 2019થી જૂન, 2020 દરમિયાન કુલ 45 અને નવેમ્બર, ૨૦૨૦થી જૂન, ૨૦૨૧દરમિયાન ૪૭ સ્થળોએ આગના બનાવ નોંધાયા હતા. એફ.એસ.આઈ.ની નોંધ અનુસાર સોએક જેટલા આ બનાવો મોટા પાયે, સતત અને પુનરાવર્તિત આગના હતા. એ પણ જાણવું જરૂરી બની રહે છે કે ગોવાના વનવિસ્તારનો એક પણ ભાગ આગની સંભાવનાયુક્ત નથી. આનો સીધો મતલબ એ થાય કે આગના તમામ બનાવો નૈસર્ગિક નહીં, પણ સંભવત: માનવપ્રેરિત છે.

આવી શંકા સકારણ છે. કેમ કે, ડુંગરા ‘કાપવા’ તેમજ વનવિસ્તાર પર દબાણ કરવાની ગતિવિધિઓ રાજ્યભરમાં દિનબદિન વધી રહી છે. ગોવાની ભૂમિ, ખાસ કરીને અહીંના પર્વતોનું મૂલ્ય ઘણું છે. છેલ્લા બે દાયકામાં અનેક નવા પ્રકલ્પો, બાંધકામ તેમજ વિકાસયોજનાઓ આકાર લઈ રહી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે વિશાળ હોટેલો, વ્યક્તિગત આવાસો તેમજ નિવૃત્તજનો માટેનાં નિવાસસ્થાનની યોજનાઓ મોટા ભાગના રીઅલ એસ્ટેટ ડેવેલપર મૂકી રહ્યા છે.

એમ મનાય છે કે પહેલાં આગ લગાડીને વનસ્પતિસૃષ્ટિને નષ્ટ કરવામાં આવે છે, અને એ જમીનને ઉજ્જડ કરી દેવાય છે. થોડો વખત પછી એ જમીન પર ‘વિકાસકાર્ય’ હાથ ધરવામાં આવે છે. કાનૂનમાં રહેલાં છીંડાંનો ભરપૂર ઉપયોગ આના માટે કરવામાં આવે છે. વિકાસ કરવાનો હોય એ જમીન મોટા ભાગે કોઈ ને કોઈ ગામના વિસ્તારમાં આવેલી હોય છે. આને કારણે ડેવેલપરને ફાવતું જડે છે. તેઓ કાનૂનમાં રહેલાં છીંડાં દ્વારા યેનકેનપ્રકારેણ મંજૂરી મેળવી લે છે.

સમગ્રપણે જોતાં ખ્યાલ આવે છે કે વનમાં આગ સાથે ગોવાની ‘વિકાસયોજનાઓ’ સીધેસીધી સંકળાયેલી છે. સરકારમાં ઈચ્છાશક્તિ હોય અને તે આ રોકવા માગતી હોય તો આગ લાગવાના કારણ બાબતે ભલે તપાસ બેસાડે, સાથોસાથ જમીનના હેતુબદલાવ અને વિશાળકાય પ્રકલ્પોની કુંડળીની પણ તપાસ કરવી જરૂરી છે.

અત્યારે તો આગને કાબૂમાં લેવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે. ‘ડીસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી’ (ડી.ડી.એમ.એ.) દ્વારા જનસામાન્ય માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. વનની દરેક બીટ માટે દસથી પંદર સ્વયંસેવકોને નીમવામાં આવ્યા છે, જેઓ વનવિભાગના કર્મચારીઓ સાથે સંકલન સાધીને કામ કરશે. આ ઉપરાંત વિવિધ બિનસરકારી સંગઠનો, પંચાયત સભ્યો વગેરેને એકત્રિત કરવા માટે પણ નાયબ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. સ્વયંસેવકોની ભરતી માટે વનવિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સ્વયંસેવકો શારિરીક રીતે સક્ષમ હોવા જોઈએ, કેમ કે, તેમણે ટ્રેકિંગ તેમજ જંગલમાં ચાલવાનું આવે અને ક્યારેક રાત્રે પણ એ કરવાનું થાય.

આ પગલાં અસરકારક નીવડે અને અત્યારે લાગેલી આગ બુઝાઈ જાય એ શક્ય છે, પણ એ આગ જો માનવપ્રેરિત હશે અને એક લાંબા ગાળાના સુવ્યવસ્થિત આયોજનના ભાગરૂપે લગાડવામાં આવી હશે તો એ ફરી લાગી શકવાની શક્યતા નકારી શકાય એમ નથી. આવા સમયે સરકારની ભૂમિકા મહત્ત્વની બની રહે છે. વનસંપદા બચાવવા માટે તે કાયદાને વધુ કડક બનાવે, વનસંપદાની જાળવણી અને સંવર્ધનની પ્રાથમિકતા જાળવે અને એ મુજબ વિવિધ પ્રકલ્પોને મંજૂરી આપે તો જ એ શક્ય બની શકે. ઈચ્છાશક્તિ વિના આ થઈ શકે એમ નથી. કાગળ પર કાયદા ગમે એટલા કડક બને, તેના મૂળભૂત હેતુને એ સિદ્ધ ન કરે તો કશો અર્થ સરતો નથી. કહેવાતા વિકાસની દોટ એટલી આંધળી છે કે એમાં માનવજાતને પોતાનું ધૂંધળું ભાવિ પણ દેખાતું નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)