હરેશ ધોળકિયા
શહેરી સમાજ વ્યવસ્થાનું લક્ષણ છે આધુનિકતાનું વરવું પ્રદર્શન, એક જ સરખી મશીન જેવી બધી જ બાબતો. ગમે તે નગરમાં જાવ કે કોઈ આધુનિક સંસ્થામાં જાવ, બધું જ સરખું જ લાગે. એક જ પ્રકારની અદ્યતન સગવડો. જાણે રોલરકોસ્ટર ફરતું હોય. એટલે જયાં વૈવિધ્ય જોવા મળે ત્યાં આંખને ભારે આનંદ આવી જાય. મુખ્ય શોખ શૈક્ષણિક સંસ્થાઓ જોવાનો. તે નગર કે ગામની સૌથી સંસ્કારી સંસ્થા. સમગ્ર વિસ્તારમાં એક માત્ર ત્યાં સ્વસ્થતાનાં દર્શન થાય. અહીં જ ભવિષ્યની ઝાંખી થાય. એટલે તે જોવાની તક મળે તો ન ગુમાવું.
મોટા શહેરોમાં કહેવાતી ‘ ઈન્ટરનેશનલ ‘ શૈક્ષણિક સંસ્થાઓમાં જઈએ તો તેની સગવડો જોઈ ચોકકસ આભા થવાય, પણ પ્રભાવિત ઓછા થવાય. બધું ફટોફટ થતું જોવા મળે. “ટચ-સ્ક્રીન” કમ્પ્યુટરો જોઈ ચકિત થઈ જવાય, પણ બાળકોને પ્રોગ્રામ્ડ થઈ કરતાં જોઈ ન ગમે. તેઓ ચોકકસ રીતભાતમાં-ફરતાં હોય કે વર્તતાં હોય. કૃત્રિમ લાગે. સહજતાનો અભાવ દેખાય. ઘરોમાં જેમ કોઈ મહેમાન આવે અને માતા પિતા બાળકને ગોખેલ આંકડા કે મૂળાક્ષરો કે કવિતાઓ બોલાવે, તેમ આવી સંસ્થાઓમાં પણ આવું જ જોવા મળે. બધું જ ટીપટોપ ! તત્કાલિન ગમે, પણ બહાર નીકળી ભૂલી જવાય. પણ ઘણી વાર નાની શૈક્ષણિક સંસ્થાઓમાં જઈએ અને ત્યાંનાં સહજ સાદા વાતાવરણમાં જે સર્જકતા જોવા મળે તે જોઈ દિલ ખુશ થઈ જાય. આવી કહેવાતી સાદી શાળાઓમાં બાળકો જે આનંદથી નાચતાં હોય, ખીલતાં હોય તે દશ્યો મનને ખુશ કરી દે. અને ઘણી વાર તો આવી શાળાઓ કહેવાતી આધુનિક શાળાઓને પણ ટકકર મારે તેવી હોય છે. હા, તેમાં કદાચ સગવડો ઓછી હશે, પણ ગુણવતા જરા પણ ઓછી ન દેખાય.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની એક સરકારી પ્રાથમિક શાળામાં મુલાકાત લેવાની તક મળી હતી. ચારે તરફ એક એકથી ઉતમ અને આધુનિક સ્વ- નિર્ભર શાળાઓ. તેના વચ્ચે કેમ ટકતી હતી તે સવાલ થતો હતો. પણ તેના આચાર્યનો ઉત્સાહ જોઈ ટકવાનું કારણ સમજાઈ ગયું. આચાર્ય બાળકોને એવાં તો તૈયાર કરતા હતા અને શાળાને પણ એવી તો સજજ કરતા હતા કે તેમના આવ્યા પછી થોડા જ સમયમાં ઊંધો પ્રવાહ શરુ થયો. સ્વ-નિર્ભર શાળાઓમાંથી બાળકોનો આ સરકારી શાળામાં આવવાનો પ્રવાહ શરુ થયો. ભારતીય લોકશાહીની પ્રતીક એવી આ શાળા જોઈ અમે ખુશ થઈ
ગયા હતા.
ગયા હતા.
સંયોગવશાત આવી જ કચ્છની એક શાળાની મુલાકાત લેવાની તક મળી. ભુજથી મુન્દ્રા જાવ ત્યારે વચ્ચે ‘ સેડાતા’ નામનું તદન નાનું ગામ આવે. નવસોમાંનું એક અદશ્ય ગામ. પછાત કહી શકાય તેવું ગામ. ટકરી પર આવેલ ગામ. અંદર જવું હોય તો આજે પણ તદન કાચો રસ્તો. કહેવાતા વિકાસનું કોઈ જ લક્ષણ આ ગામમાં જોવા ન મળે. માત્ર હાઈ વે પરનું બસ સ્ટોપ આધુનિક માની શકાય. તેમાં જવાનું થયું.
ગામનાં ઘરો વચ્ચેથી પસાર થતા તદન ટૂંકા રસ્તા પર આડા અવળા વળાંક લેતા અમે ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા. તે ઉંચી ટેકરી પર આવી છે. આસપાસનાં મેદાનના એક છેડે આવેલ છે. મેદાન કહેવું જો કે હાસ્યાસ્પદ હતું. ખાડા ટેકરા જ હતા. કારમાં બેસીને ઊંટ ગાડીમાં બેઠા હોવાનો અનુભવ થતો હતો. પણ હા, આ મેદાનમાં ઊભા રહીએ તો આસપાસનાં દશ્યો આંખને ઠારતાં હતાં. સામે હાઈ વે દેખાતો હતો. તો એક બાજુ ભારાપર દેખાતું હતું. તેનાથી ઉપરની ટેકરી પર નાની મસ્જિદની ધજા ફરફરતી દેખાતી હતી. ઠંડકભર્યા વાતાવરણમાં ઊભા રહેવાની મજા આવતી હતી.
આચાર્યની ઓફિસમાં ગયા. આચાર્ય શાળામાં નિરીક્ષણ કરવા ગયા હતા એટલે ઓફિસમાં ન હતા. એટલે તેમની રાહ જોતા બેઠા. બેસીને ચારે તરફ નજર કરી તો અહાહા ! ભીંતો પર ભારતનો ઈતિહાસ જીવંત થઈ ઉઠયો. એક બાજુ રાણા પ્રતાપ અને શિવાજી ઘોડા પર બેસી મુઘલોને લલકારતા હતા, તો તેમની પાસે ભગતસિંહ અને ચન્દ્રશેખર આઝાદ અંગ્રેજોને પડકારતા હતા. તેમની વચ્ચે ભારત માતા સિંહની પાસે ગૌરવથી ઊભાં હતાં. અને તેમની નીચે ભારતના એક ઉતમ વ્યકિતત્વ એવા કલામનો ચહેરો સ્મિતથી ઝળહળતો હતો. આ ચિત્રો એટલાં તો પ્રભાવક હતાં કે તેના પરથી નજર ખસતી ન હતી. તો તેની સામે, દરવાજા પાછળ, અહો ! નાનકડી લાયબ્રેરી દેખાતી હતી. પગ ઝડપથી તેના પાસે પહોંચી ગયા. આંખ તેના પર સ્થિર થઈ અને પુસ્તકો પર નજર ફરવા લાગી. અહોહો, ઉતમ ગુજરાતી પુસ્તકો જોવા મળતાં હતાં. લાયબ્રેરી નાની હતી, પણ ગુણવતાસભર હતી. પુસ્તકો ચોરવાની લાલસા થઈ આવી ! ઈતિહાસ અને જ્ઞાનની સુગંધથી આચાર્યની ઓફિસ મઘમઘતી હતી. ચારે તરફ આંખ ઉત્સાહથી ઘૂમતી હતી.
ત્યાં આચાર્ય વસંતભાઈ પટેલ આવી પહોંચી આવ્યા. ભરાવદાર શરીર. ચહેરા પર છલોછલ ઉત્સાહ ! ઉષ્માપૂર્વક અમને આવકાર્યા. અમે તેમની આસપાસ ગોઠવાઈ ગયા. તેમણે આ બધા ફોટાઓ સમજાવ્યા. શાળાનો પરિચય આપ્યો. પણ તેમને તેનાથી સંતોષ ન થયો. કહે કે ચાલો, શાળાને આંટો મારીએ. આચાર્યની ઓફિસ સામે શાળાનું મકાન હતું. આચાર્યનો ઉત્સાહ જોઈ થયું કે ચોકકસ શાળામાં કશીક તો વિશિષ્ટતા હશે જ. ભારતમાં પ્રાચીન સમયથી રિવાજ છે કે જેના વડા ઉત્સાહી, તે સંસ્થા ઉતમ જ હોવાની. જેના વડા સામાન્ય, તે સંસ્થા ચીલાચાલુ. આ આચાર્ય થનગનતા હતા. એટલે શાળા પણ ચોકકસ થનગનતી હશે. તે જોવાની તો તત્પરતા હતી.
સામે આવેલ શાળામાં પ્રવેશ્યા. દરવાજા સામે જ વર્ગો હતા. આચાર્ય વસંતભાઈ એક વર્ગમાં લઈ ગયા. તેના પર લખેલ
કે ”’ પ્રજ્ઞા ખંડ.”આમ તો શાળા એટલે જ અખંડ પ્રજ્ઞાની ભૂમિ. સમગ્ર જગતમાં અહીં જ પ્રજ્ઞાની ઝાંખી થાય. એટલે તેનો તો દરેક વર્ગ પ્રજ્ઞાથી ઉભરાતો હોય. અંદર પ્રવેશ્યા. અહોહો ! વર્ગની ચારે દિવાલો રંગોથી છલકાતી હતી. અરે, બાળકોનાં નાનકડાં મેજ પણ રંગીન હતાં. માત્ર રંગીન જ નહીં, દરેક મેજ પર કશીક માહિતી હતી. કયાંક આંકડા હતા. કયાંક મૂળાક્ષર હતા. કયાંક બીજી વિગતો હતી. આચાર્ય કહે કે બાળકોને બેઠે બેઠે, માત્ર મેજ પર નજર કરવાથી, આ બધી માહિતી આપોઆપ મળી જાય છે. આવી જ માહિતીથી છલકાતી ચારે દિવાલો હતી. અનેક પ્રકારની શીખવાની માહિતી તેના પર જોવા મળતી હતી. તેમાં આવેલ કબાટોમાં પણ એ જ હતી. એમાં વિવિધ ઘડા પડયા હતા. વર્ગ શિક્ષિકાએ દરેક ઘડામાં પડેલ વસ્તુઓનો શૈક્ષણિક ઉપયોગ બતાવ્યો. એક બાબત ધ્યાન ખેંચતી હતી. એક પુટ્ઠા પર નાનાં ચાર ખાનાં હતાં. તેમાં એક સાંઠિકડી પર બાળકોના ફોટા લગાવ્યા હતા. ચાર ખાના પર કુમાર-કુમારી અને હાજર-ગેરહાજર લખેલ હતું. શિક્ષિકાએ કહ્યું કે તે બધા ફોટા ગેરહાજરના ખાનામાં રાખતી હતી. શાળામાં બાળકો આવે કે તે પોતાનો ફોટો કાઢી કુમાર કે કુમારીના ” હાજર”ના ખાનામાં મૂકી દે. એટલે છેલ્લે જે ગેરહાજર હોય તેના ફોટા જ ગેરહાજરમાં રહે. તેના આધારે હાજરી નકકી થઈ જાય. શિક્ષિકાને હાજરી પૂરવી ન પડે. આ ખાનાં જોતાં જ ખ્યાલ આવી જાય. તદન નવો કહી શકાય તેવો સર્જનાત્મક વિચાર હતો આ. બધા ખુશ થઈ ગયા અને શિક્ષિકાને અભિનંદન આપ્યાં.
તો પાસેનો રુમ ” ગુજરાતી રુમ” હતો. તેમાં વળી બીજી નવાઈની બાબતો હતી. તેમાં રાખેલ ઘડાઓમાં આવા જ ફોટા હતા, પણ પક્ષીઓના, પશુઓના, ફળોના હતા. શિક્ષિકા બાળકોને પક્ષીઓના કે ફળોના ફોટા અલગ કરવાનું કહે.બાળકો કરી દે. આમ તેમને આ રીતે બધાનો પરિચય થાય. કોઈ જ વિધિસર રીતે શીખવ્યા વિના જ બાળકોને વિવિધ વિષયોનો અને બાબતોનો પરિચય થતો રહે. દરેક રુમમાં આવી અનેક વૈવિધ્યસભર બાબતો હતી જે બાળકો સહજ રીતે શીખતાં હતાં. કદાચ શિક્ષક-શિક્ષિકા બહાર જતાં હશે તો બાળકોને આ કરવા કહી જતાં હશે અને બાળકો જાતે જ શીખતાં હશે. દરેક રુમમાં રહેલ શિક્ષકોની આંખો સર્જકતાથી અને ઉત્સાહથી છલકાતી હતી. દરેક પળે કશુંક નવું સર્જવા તત્પર હતી. ટચુકડાં ગ્રામ્ય બાળકો પણ તેમના સામે આશા-અપેક્ષાથી જોતાં હતાં. શિક્ષક-બાળકો બન્ને શૈક્ષણિક ઊર્જાથી થનગનતાં હતાં. કહેવાતાં પછાત ગામના એક છેડે, કચ્છના એક તદન ખૂણે, એક નાની ટેકરી પર શૈક્ષણિક યજ્ઞ ચાલતો હતો. પ્રતાપ, શિવાજી, ભગતસિંહ, ચન્દ્રશેખર આઝાદ અને કલામ દૂરથી હર્ષભરી આંખે આ વિકાસ જોતા હતા. તેમને પોતે ભારતને સ્વતંત્ર કરવાની કે વિકાસ તરફ લઈ જવાની તેમની મહેનતનાં પરિણામ જોતાં વ્યર્થ શહિદી નથી વહોરી તેનો અહેસાસ થતો હતો.
આખી શાળામાં ફર્યા. ખૂણેખૂણો ચોખ્ખો. યુરોપમાં જોવા મળે તે આ શાળામાં જોવા મળતું હતું. બહાર મેદાન પણ ચોખ્ખું. વાતાવરણ પણ શાંત અને પવિત્ર. એવું “ફિલ” થતું હતું કે સરસ્વતી અહીં આનંદથી ઘૂમતાં હતાં અને વાતાવરણને માણતાં હતાં. એકેએક શિક્ષકની આંખ સર્જકતાથી છલકાતી હતી. બાળકોને બધું જ જ્ઞાન આપી દેવા તત્પર હતી. દેશના વિકાસમાં રામાયણની ખીસકોલી જેમ ફાળો આપવા ઉત્સુક હતી. અને હા, સરકાર તો આ બધા માટે શરમ આવે તેટલી ગ્રાન્ટ આપતી હતી. શિક્ષકો પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી આ પ્રયોગો તૈયાર કરતા હતા. એટલે જ સમજાતું હતું કે આ શાળામાં કેમ આનંદ આવતો હતો.
વસંતભાઈને, શિક્ષકોને અને શિક્ષિકાઓને ખૂબ જ અભિનંદન આપ્યાં. ખાસ વિર્નાતિ કરી કે તેમણે તેમના આ પ્રયોગોને રાજયનાં મેગેઝીન ” જીવનશિક્ષણ”માં લખવા જોઈએ જેથી સમગ્ર ગુજરાતને પ્રેરણા મળે. શિક્ષકોની આંખમાં પણ અમારો આનંદ જોઈ કૃતજ્ઞતા વ્યકત થતી હતી. ભર્યું ભર્યું પર્યાવરણ હતું.
શાળામાંથી વિદાય લીધી ત્યારે અફસોસ થયો કે બહુ ઓછી મુલાકાત ચાલી. કયારેક બીજી વાર નીરાંતે આવવું પડશે. પછાત ગામની આ પ્રગતિશીલ શાળાનાં પુનઃ દર્શન કરવાં પડશે.
ખાતરી છે કે કચ્છમાં- અને ગુજરાતમાં પણ- આવી અનેક શાળાઓના શિક્ષકો ખૂણામાં બેસી આ રીતે જ બાળકોને એકવીસમી સદીના પડકારો ઝીલવા માટે તૈયાર કરતા હશે. દરેક સ્વસ્થ નાગરિકે આ શાળાઓની મુલાકાત લેવી જ જોઈએ. ચારે બાજુ સામાન્ય વાતાવરણ વચ્ચે આ પ્રજ્ઞાખંડોને જાળવવાની જવાબદારી નાગરિકોની છે. સરકાર શિક્ષકોને સન્માને કે ન સન્માને, નાગરિકોએ તો તેમને સન્માનવા જ જોઈએ.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક dholakiahc@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.