નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ

આશા વીરેન્દ્ર

નારાયણ આશ્રમથી મુન્શીયારી સુધીનો રસ્તો ઘણો લાંબો અને દુર્ગમ હતો. વળી રસ્તામાં અમને ભૂખ્યાં જનોને ક્યાંય ભોજન મળી શકે તેમ નહોતું, એટલે હૉટલ ‘મિલામ ઈન’માં પહોંચ્યાં ત્યારે સૌનો જઠરાગ્નિ પ્રજ્વળી ચૂક્યો હતો. હોટલ બહુ સરસ હતી. દરેક રૂમમાંથી હિમાલય દૃષ્ટિગોચર થતો હતો. પરંતુ જ્યાં સુધી પેટની પૂજા નહોતી થઈ ત્યાં સુધી કોઈને સૌંદર્ય માણવાનું યાદ નહોતું આવ્યું. લાંબો પ્રવાસ કરીને પહોંચ્યાં હતાં એટલે બાકીનો બધો કાર્યક્રમ બીજા દિવસ પર મોકૂફ મુકીને  રાતે બધાંએ એક રૂમમાં ભેગાં થઈ ગીતો ગાયાં, એકપાત્રી અભિનય માણ્યો અને શાહબુદ્દીન રાઠોડના ‘વનેચંદના વરઘોડા’ના અનેક પ્રસંગો યાદ કરી કરીને ખૂબ હસ્યાં. બધાં આટલા દિવસમાં એકબીજા સાથે એવાં હળીમળી ગયાં હતાં, એટલાં નજીક આવી ગયાં હતાં કે રાજેંદ્ર શાહ રચિત ગીત ‘આપણ એકબીજાના સંગમાં રાજી રાજી’ વારંવાર યાદ આવતું હતું.

મુન્શીયારીમાં ‘ખાલિયા ટૉપ’નું ટ્રેકિંગ હતું. જેમને જવું હતું એ બધાં એ ટ્રેકિંગમાં ગયાં. ખુબ વિશાળ જગ્યામાં નંદાદેવીનું રૂપકડું મંદિર છે તેનાં દર્શન કર્યાં.

મુન્શિયારીમાં આવેલું નંદાદેવી મંદિર

તે પછી બહેનોને યાદ આવ્યું કે કાલથી નવરાત્રિનો આરંભ થાય છે તો આજે જ માતાજી સમક્ષ ગરબા કેમ ન ગાવા !  એક વખત આવો તુક્કો મનમાં સળવળવાનું ચાલુ થાય પછી ગુજરાતણો ઝાલી રહે? મંદિરના પરિસરમં એક પછી એક એમ ગરબાની રમઝટ જમાવી દીધી. શરૂઆતમાં થોડા દૂર રહેલા ભાઈઓ પણ એક પછી એક તાલીઓના તાલમાં જોડાવા લાગ્યા.

અમને  ગરબા કરતાં જોઇ પરભાષી અન્ય યાત્રીઓ રમૂજ અનુભવતા હોય એમ લાગ્યું. કદાચ અંદરોઅંદર એ લોકો એમ પણ કહેતાં હશે કે ‘કેવાં ગાંડાં છે આ લોકો, નહીં?’ પણ અમને એ બધાંની બહુ પરવા નહોતી. આમ પણ ‘કુછ તો લોગ કહેંગે, લોગોંકા કામ હૈ કહેના’. જેને જે કહેવું હોય તે કહે, પણ એક દિવસ અગાઉ અમે તો ગરબાની નેટ પ્રેક્ટીસ કરી લીધી.

મંદિરના પરિસરમાં ગરબા ઘેલા ગુજરાતીઓ

મુન્શીયારીથી ચૌકોરી જતાં રસ્તામાં બ્રીથી ફૉલ આવે છે, એ જોવાનું ચુકવા જેવું નથી. ફૉલના મૂળ નજીક જવા લગભગ ૧૦૦ -૧૨૫ પગથિયાં ચઢવાની કસરત કરવી તો પડે, પણ ત્યાં પહોંચ્યા પછી ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ જેવી અનુભૂતિ અવશ્ય સાર્થક થાય. કેટલીએ ઊંચાઈએથી પડતું ધડધડડાટ કરતું ઝરણું ચારેકોર જળશિકરો ઉડાડતું, અવનવ અકારો રચતું પૃથ્વીને મળવા આતુર બનીને દોડ્યું આવે છે. બેઉનાં મિલન સમયે જે સપ્તરંગી સુભગ મેઘધનુષ્યનો માંડવો રચાય એ દૃશ્યના સાક્ષી બનવું એ પણ એક અલભ્ય ધન્યતાની અનુભૂતી હતી. શરીર પર ઝીલાતી વાછટ એક અનોખો જ રોમાંચ પેદા કરતી હતી. મારાં જેવાંઓ જે નાયગ્રા ફૉલ ન જોઈ શકયાં હોય તેમને માટે તો બિથી ફૉલની મુલાકાતથી ‘સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા’નો સંતોષ મળી શકે તેમ હતું. જુદી જુદી જગ્યાએથી ફૉલનાં અલગ અલગ સ્વરૂપો જોવામાં અને જાત જાતના એંગલથી સેલ્ફીઓ પાડવામાં  કલાકેક તો ચપટી વગાડતાં નીકળી ગયો, અને તો પણ કોઈને ત્યાંથી પાછા ફરવાનું મન થતું નહોતું.

બ્રિથી ફોલનો અદ્ભુત નજારો

બ્રિથી ફૉલ જોઈને નીચે ઉતર્યા પછીથી માડ દોઢ બે કિલોમીટર આગળ ગયાં હોઈશું ત્યાં ખબર પડી કે એકાદ મહિના પહેલાં ખીણમાંનીચે પડી ગયેલી ટ્રકને બહાર ખેંચી કાઢવાની કામગીરી ચાલી રહી છે.  ડ્રાઈવરોને અંદાજ આવી ગયો કે હવે ચાર પાંચ કલાક તો સાચા ! અમને લોકોને એક વાર તો વિચાર આવી ગયો કે મહિના પહેલાં અંદર જઈ પડેલી ટ્રકને બહાર કાઢવાનું મૂરત અત્યારેજ, અમારે અહીંથી પસાર થવાનું થયું છે ત્યારે જ,  ક્યાં પાક્યું ! અત્યાર સુધીનો આપણો પ્રવાસ કેવો નિર્વિઘ્ને નીકળી ગયો છે એવો વરંવાર હરખ કરતાં અમને હવે વખાણી ખીચડી દાઢે વળગ્યાનો અફસોસ ચચરવા લાગ્યો હતો. પરંતુ વધારે કકળાટ કે કચવાટ કરવા બહુ વારો ન આવ્યો. અમારા નસીબ થોડાં પાધરાં હશે, એટલે બ્રિથી ફૉલ પાછાં પહોંચ્યાં ત્યાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે સાવ નજીકમાંજ કુમાઉ નિગમનું ગૅસ્ટ હાઉસ છે.

ત્યાં પહોંચીને થોડું રમ્યાં, અને ઘણું જમ્યાં ! પછી પાનાંની થોડી રમતો કરી, બેઠાં બેઠાં થોડાં ઝોકાં પણ ખાઈ લીધાં એટલામાં જ ડ્રાઈવર દોડતો દોડતો કહેવા આવ્યો કે રસ્તો ખૂલી ગયો છે.


સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.