આશા વીરેન્દ્ર

મારા પતિ જિતેન્દ્ર અને નરેન્દ્ર બે ભાઈઓ અને અમે શીલા ને નીલા બંને દેરાણી-જેઠાણી. ચારેયનાં નામોમાં જેવું સામ્ય હતું એવું જ સામ્ય ચારેયના સ્વભાવમાં પણ હતું. અમારો આદર્શ, સુખી પતિવાર હતો. નીલા પરણીને આવી ત્યારે મારો આદિ છ-સાત વર્ષનો. નીલાએ એને એવી માયા લગાડેલી કે આખો દિવસ કાકી, કાકી કરતો એનો પાલવ પકડી ફર્યા કરતો. હું હસીને કહેતી,   ‘નીલા તું તો મારા કાનુડાની જશોદા મૈયા છે. ઘરમાં હું ન હોઉં  એને ચાલે પણ તારા વિના એને ઘડીભર ન ચાલે.’નીલા હસીને કહેતી, ‘દીદી, હું નથી કહેતી હં, એને મારી પાછળ પાછળ ફરવાનું.’

આ સંબંધનું જાણે સાટું વાળવું હોય એમ નીલાની કૂખે રત્ના જન્મી અને જન્મતાંની સાથે મારી જ થઈ ગઈ. એને માલિશ કરવું, નવડાવવી, કડવાટ પાવી એ બધાં કામ મેં મારા હાથમાં લઈ લીધેલાં. મને તો જાણે રત્નાના રૂપમાં સ્વર્ગ મળી ગયેલું. જરીકે વાર એને રેઢી ન મૂકું. ને એ મીઠડી ય મને ભાભુ, ભાભુ કરતી જાય ને મીઠું મીઠું હસતી જાય. એ માંડ ત્રણેક વર્ષની થઈ હશે ત્યાં અમારા સુખને કોઈની નજર લાગી ગઈ હોય એમ બે જ દિવસના તાવમાં મારો લાડકો દિયર નરેન્દ્ર ચાલતો થયો.

‘નીલા, બસ કર. હવે રડવાનું બંધ કર ને જરા આ કુમળી છોકરી સામે તો જો !’ હું નીતરતી આંખે નીલાને સમજાવવાની નિષ્ફળ કોશિશ કર્યા કરતી. આખા ઘરમાં સ્મશાનવત્ શાંતિ પથરાઈ ગઈ હતી. થોડા વખત પછી એક દિવસ નીલાનાં માતા-પિતા મળવા આવ્યાં. રાત્રે સહુ બેઠાં હતાં ત્યારે એમણે ધીમેથી વાત મૂકી.

‘જિતેન્દ્રભાઈ, એક વાત કહું? ખરાબ ન લગાડશો. તમે અને શીલાબહેન તો નીલા માટે કંઈ કરવામાં બાકી નથી રાખતાં પણ આ ઘરમાં રહીને એ કોઈ દિવસ પોતાનું દુ:ખ ભૂલી નહીં શકે. રાત-દિવસ એને નરેન્દ્રના જ ભણકારા વાગ્યા કરશે. જો તમારી સંમતિ હોય તો અમે નીલા અને રત્નાને લઈ જઈએ.’

મારા હૈયામાં ચિરાડો પડ્યો. નરેન્દ્રને તો ગુમાવ્યો જ હતો. હવે આ બંને પણ જતા રહેશે. રત્ના વિના મારી જિંદગીમાં રહેશે શું? પણ ક્યા હક દાવે અમે ના કહી શકીએ ?

થોડા દિવસની રજા ભેગી થાય કે રત્ના અહીં જ આવી જતી.એને ય એની ભાભુ વિના સોરવતું તો નહીં પણ બાળકો તો જ્યાં જાય ત્યાંનાં થઈ જાય. નીલા ત્યાંની શાળામાં શિક્ષિકાની નોકરી કરવા લાગી હતી. એક વખત અચાનક એ રત્નાને લીધા વિના આવી પહોંચી. મારો પહેલો સવાલ હતો—‘કેમ એકલી આવી? રત્નાને ન લાવી?’

‘દીદી, તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી હતી એટલે એની હાજરીમાં….’

એના સહશિક્ષક એવા વિનોદની પત્ની એક દીકરા વીકીને મૂકીને અવસાન પામી હતી. વિનોદ અને નીલાની વારંવારની મુલાકાત પછી એ બંને લગ્ન કરવાના નિર્ણય પર આવ્યાં હતાં.

‘આનાથી રૂડું બીજું શું હોઈ શકે? તું તારા જીવનમાં સારી રીતે ગોઠવાઈ જાય એનો અમને ખૂબ આનંદ હોય પણ રત્ના….’

‘દીદી, એમને રત્ના ખૂબ વહાલી છે. એ કહે છે, વીકી અને રત્ના ભાઈ-બહેન બનીને રહેશે. હું રત્નાને સાથે લઈ જવાની છું. અમારે એ ચોખવટ થઈ ગઈ છે.’

નીલા ખૂબ ખુશ જણાતી હતી. મેં એને અંતરથી આશિષ આપ્યા. એટલું સારું હતું કે પુનર્લગ્ન પછી પણ એણે અમારી સથે સંબંધ એવા ને એવા જ રાખ્યા હતા. વિનોદનો સ્વભાવ પણ સારો જણાતો હતો અને મારા માટે સૌથી ખુશીની વાત એ હતી કે, હ્જુ પણ ત્રણ-ચાર દિવસની રજા ભેગી થવાની હોય ત્યારે રત્ના અહીં જ આવતી. આદિ જઈને એને લઈ આવતો. આ વખતે તો દિવાળીની રજાઓમાં એ લોકો કેરળ ફરવા જવાનાં હતાં તો યે રત્ના જીદ કરીને અહીં જ આવી. ફરવા ન ગઈ.

‘રત્ના સાંજે ફરવા ક્યાં જવું છે? દરિયાકિનારે જઈશું? ’ ‘તમે જેમ કહો તેમ.’ ‘રત્ના, જમવામાં શું બનાવું? શીખંડ ખાવો છે કે શીરો?’ ‘તમે જે બનાવો તે.’મેં જોયું કે , હંમેશા  મારી પાસે પોતાનું જ ધાર્યું કરાવનારી રત્ના બદલાઈ ગઈ હતી. આખો દિવસ અહીંથી તહીં દોડાદોડ કરતી ને બડબડ ક્રતી રહેતી રત્ના સાવ શાંત થઈ ગઈ હતી. એને કોઈ વાતમાં રસ નહોતો પડતો ને ઉદાસ બેસી રહેતી હતી.

એ દિવસોમાં અમારી સોનુને ત્રણ બચ્ચાં આવેલાં. ધોળાં ધોળાં માખણના પિંડા જેવાં ગલુડિયાંને પોતાની મા પાછળ ફ્ર્યાં કરતાં જોયા કરતી. મને થયું, ગલુડિયાંને જોઈને રત્ના કંઈક ખુશ થઈ છે એટલે હું એમનું કામ એને સોંપતી. ‘રત્ના, લે, સોનુના વાસણમાં આ પાણી રેડી આવ.’

‘રત્ના, આજે તો સોનુ માટે શીરો બનાવ્યો છે. ચાલ જોઈએ, કેવી ચપચપ કરતી ખાય છે. !

એક દિવસ સવારથી સોનુ ક્યાંક ગાયબ થઈ ગઈ, કંપાઉન્ડમાં દરવાજો બંધ કરવાનું તો અમે બરાબર ધ્યાન રાખતાં તો ય એ કેવી રીતે ને ક્યાં જતી રહી હશે? મારી ચિંતા વધતી જતી હતી. રત્નાએ આવીને કહ્યું, ‘ભાભુ, મેં મોટો દરવાજો ખોલીને જોયું. દૂર દૂર સુધી સોનુ ક્યાંય દેખાતી નથી. હવે તો એનાં બચ્ચાં પણ રડવા લાગ્યાં છે.’એનો અવાજ પણ રડમસ થઈ ગયો.

‘આવી જશે બેટા, જરૂર આવી જશે. પોતાનાં બચ્ચાંને મૂકીને એ ક્યાં જવાની હતી?’મારા મનમાં પણ એ આવશે કે કેમ એવી શંકા તો હતી છતાં મેં રત્નાને આશ્વાસન આપવા કહ્યું.

‘મને ખબર છે એ ક્યાં ગઈ હશે.’અચાનક રત્ના બોલી, એ ગલુડિયાના નવા પપ્પા પાસે ગઈ હશે. હવે પાછી નહીં આવે. એને પોતાનાં બચ્ચાં કરતાં નવા પપ્પા વધારે ગમે છે. ભાભુ , હવે આ બચ્ચાં મરી જશે તો?’ એ ડૂસકાં ભરતાં મને વળગી પડી.

‘નહીં મરવા દઉં, તું ચિંતા નહીં કર. આ બચ્ચાંઓને હું જિવાડીશ.’

‘સાચ્ચે જ ભાભુ, તમે એને જિવાડશોને ? પ્રોમિસ?’ રત્નાએ વિશ્વાસપૂર્વક મારી સામે જોઈને કહ્યું.


(ઉષા પરમની મરાઠી વાર્તાને આધારે)


સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.