ફિર દેખો યારોં

બીરેન કોઠારી

પશ્ચિમમાંથી વિવિધ લોકો ભારતમાં આવ્યા અને ભૌગોલિક વિવિધતાવાળા અનેક ભારતીય પ્રદેશો તેમણે ખૂંદ્યા ત્યારે અનેક પ્રદેશોનું ભૌગોલિક સામ્ય તેમને યુરોપના વિવિધ પ્રદેશો સાથે જણાયું. તેમણે એ વિવિધ પ્રદેશોને યુરોપીય સંદર્ભથી ઓળખાવ્યા. આમ તો, આ લક્ષણ મોટા ભાગના લોકોનું હોય છે, પણ પશ્ચિમમાંથી મળેલાં આવાં લેબલ પછી સ્થાનિકો છૂટથી વાપરતા થઈ જાય છે. ફ્રાન્‍સમાં એક જ પેરિસ છે, પણ ગુજરાતના ચરોતર પ્રદેશમાં એથી વધુ પેરિસ ગણાતાં ગામ આવેલાં છે. કાશ્મીર ‘ભારતનું સ્વીત્ઝરલેન્‍ડ’ ગણાયું, તો શ્રીનગર ‘ભારતનું વેનિસ’ કહેવાયું. બંગાળનું બરીસાલ તેમજ દક્ષિણે કેરળના અલેપ્પી શહેરને પણ ‘પૂર્વનું વેનિસ’ કહેવામાં આવ્યું. અનેકવિધ જળમાર્ગો હોવાને કારણે એવા કોઈ પ્રદેશની વેનિસ સાથે સહજતાથી સરખામણી કરવામાં આવે છે. એટલે કે જળમાર્ગ હોય એવા કોઈ પણ શહેરની સરખામણી માટે વેનિસને એક માપદંડ બનાવી દેવામાં આવ્યું છે. પણ હાલ પરિસ્થિતિ એવી ઊભી થવા લાગી છે કે વેનિસની એ ઓળખ જોખમમાં આવી પડી છે. ત્યાંના જળમાર્ગોમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે.

ઈટાલીમાં આવેલું વેનિસ શહેર વિશ્વભરના પ્રવાસીઓનું પ્રિય સ્થળ છે. ‘નહેરોના નગર’ તરીકે ઓળખાતા આ શહેરમાં જળમાર્ગો દ્વારા પરિવહન થાય છે. અહીંનું ભૂપૃષ્ઠ વિશિષ્ટ છે. સીત્તેરેક હજાર હેક્ટરમાં ફેલાયેલું ખારા પાણીનું સરોવર એડ્રિયાટીક સમુદ્ર થકી સર્જાયેલું, પણ તેનાથી અલગ છે. એમાં નાના નાના ૧૧૮ ટાપુઓ આવેલાં છે. આ ટાપુઓ પર અનેક પ્રાચીન ઈમારતો, દેવળ છે. પાંચમી સદીથી અહીં કામચલાઉ વસાહતો કાયમી બનવા લાગી. એ પછીના સમયગાળામાં અહીંનું વિશિષ્ટ ભૂપૃષ્ઠ પ્રવાસીઓને આકર્ષતું રહ્યું. ગોન્‍ડોલા તરીકે ઓળખાતી સ્થાનિક હોડીઓમાં સફરનો લહાવો અનેક પ્રવાસીઓ લેતા રહે છે. અત્યાર સુધી વેનિસમાં પૂર આવવું સામાન્ય બાબત હતી. છેલ્લે 2019માં આવેલું પૂર 1966માં આવેલા પૂર પછીનું સૌથી મોટું પૂર હતું, જેણે ઘણું નુકસાન કર્યું હતું. એથી વિપરીત, હવે પૂરતા વરસાદના અભાવે તેમજ દરિયાનાં ઓસરતા પાણીને લઈને અહીંની વિશાળ નહેરો સૂકાવા લાગી હોવાના અહેવાલ છે. ‘યુનેસ્કો’ અનુસાર, ‘વેનિસ અને તેના સરોવરનો વિસ્તાર એવી જીવંત પ્રક્રિયાનું પરિણામ છે કે જે અહીંના લોકો તેમજ તેમના પ્રાકૃતિક પર્યાવરણની જૈવપ્રણાલિ વચ્ચેના સંબંધને અદ્‍ભુત રીતે દર્શાવે છે.’

મોટા ભાગનું પરિવહન નહેરોમાં હોડીઓ મારફત થતું હોય એ સ્થિતિમાં નહેરો સૂકાવાને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાવા લાગે એ સ્વાભાવિક છે. સૌથી મોટી મુશ્કેલી અહીંની ‘એમ્બ્યુલન્‍સ બોટ’ માટે પેદા થઈ છે. દર્દીને લેવામૂકવા માટે ઉપયોગમાં લેવાતી આ હોડીઓ નિર્ધારીત સ્થાનને બદલે ઘણી દૂર રાખવી પડે છે, કેમ કે, છેક સુધી તેને લઈ જઈ શકાય એટલો પાણીનો પ્રવાહ હવે રહ્યો નથી.

Photograph: Manuel Silvestri/Reuters

અનેક હવામાનવિદ્‍ના જણાવ્યા અનુસાર સમગ્ર શહેર ઊંચા દબાણનો ભોગ બન્યું છે, જેને કારણે દરિયાનાં પાણી ઓસરી રહ્યાં છે અને પાણીનું સ્તર ઘટતું ચાલ્યું છે.

એમાં પણ, ૨૦૨૨ના ઉનાળાથી સમગ્ર વિસ્તારની નદીઓ અને સરોવરોમાં પાણીની તીવ્ર અછત સર્જાયેલી છે. ઈટાલીયન પર્યાવરણવિદ્‍ સંગઠન ‘લેગામ્બીઅન્‍તે‘ના જણાવ્યા અનુસાર આગામી મહિનાઓમાં આ અછત તીવ્રતર બને એવો ભય સેવાઈ રહ્યો છે. ઈટાલિયન આલ્પ્સ પર આ વખતે થયેલી હિમવર્ષાનું પ્રમાણ સામાન્ય કરતાં અડધાથી ઓછું છે. વસંત ઋતુ અને ઉનાળા દરમિયાન આ બરફ ઓગળતાં તે પાણીનો મહત્ત્વનો સ્રોત બની રહે છે. હિમવર્ષાના ઓછા પ્રમાણે આ શક્યતા ઘટાડી છે. તદુપરાંત આલ્પ્સમાંથી નીકળીને એડ્રિઆટિક સમુદ્ર સુધી લંબાતી ઈટાલીની સૌથી લાંબી નદી પોમાં આ વરસે સામાન્ય કરતાં પાણીનો જથ્થો ૬૧ ટકા ઓછો છે. એ જ રીતે, ઈટાલીના સૌથી વિશાળ સરોવર ગાર્ડામાં પણ પાણીનું સ્તર ઓછું છે.

2022માં ઈટાલીમાં છેલ્લા સીત્તેર વર્ષમાં ન હોય એવો ભીષણ દુષ્કાળ પડ્યો હતો. નિષ્ણાતો માને છે કે હજી એની અસરમાંથી ઈટાલી પૂરેપૂરું બહાર આવી શક્યું નથી. ઈટાલીની નદીઓ અને સરોવરો પર જળવાયુ પરિવર્તનની થતી અસર બાબતે વિજ્ઞાનીઓ દાયકાઓથી ચેતવતા આવ્યા છે, પણ એકે સરકારે એ અંગે નક્કર પગલાં લીધાં ન હોવાનું ‘નેચર’ નામના સામયિકનો એક અહેવાલ જણાવે છે. તેમાં દર્શાવ્યા અનુસાર ઈટાલી પર, ખાસ કરીને આલ્પ્સના વિસ્તારમાં જળવાયુ પરિવર્તનની અસરનો ખતરો પૂરેપૂરો છે અને એ કટોકટીનો સામનો કરવાની પ્રાથમિકતા હોવી જોઈએ.

વેનિસ જેવા, જળમાર્ગો જેની સદીઓથી ઓળખ રહ્યા છે એવા શહેરમાં નહેરોનું સૂકાવું ચિંતાજનક ઘટના છે. તો ઘરઆંગણે હિમાલયનાં અનેક ગ્લેશિયર સતત પીગળતા રહ્યા હોવાની ચેતવણી આપણે ત્યાં સામાન્ય બાબત બની રહી છે. કુદરતી સંસાધનોનો અકુદરતી રીતે, અમાનવીય રીતે વેડફાટ કરી કરીને આખરે આ તબક્કે માનવજાત પહોંચી છે. અલબત્ત, આ હજી આખર નથી, પણ આરંભ છે. હજી આપણે જાગતા નથી, જાગવા માગતા નથી. વિકાસના નામે શરૂ થયેલી આંધળી દોટની કોઈ મંઝીલ નથી. સંસાધનોનો પહેલાં આડેધડ વેડફાટ કરીને તેમને નષ્ટ કરવાને આરે મૂકી દેવાં અને પછી તેના સંવર્ધન અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવા એ જાણે કે સહુ કોઈએ અપનાવેલી સ્વીકૃત પદ્ધતિ બની રહી છે. કુદરત એક યા બીજી રીતે ચેતવણી આપતી રહે છે, પણ એને અવગણીને આ દોટ સતત ચાલતી રહી છે. જે રીતે અને જે ઝડપે આ ચાલી રહી છે એ જોતાં એ ઝટ અટકે એમ જણાતું નથી. માઠાં પરિણામની ઝલક જોવા મળવા છતાં આ દોટ ચાલુ રહે તો એમ જ સમજવાનું થાય છે કે આપણે સહુ એને જ લાયક છીએ.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)