નિસબત

ચંદુ મહેરિયા

ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૨૪ થી ૩૨૯માં ચૂંટણી પંચની રચના, જવાબદારી અને સત્તાઓની જોગવાઈ કરવામાં આવી છે. ચીફ ઈલેકશન કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક અંગે આર્ટિકલ ૩૨૪(૨)માં જણાવ્યું છે કે સંસદ દ્વારા આ અંગેના કાયદાની જોગવાઈઓ પ્રમાણે રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવશે. જોકે છેલ્લા તોંતેર વરસોમાં સંસદે ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક અંગે કોઈ કાયદો ઘડ્યો નથી. કાયદા મંત્રાલય દ્વારા મળતી યાદી પરથી વડાપ્રધાન કોઈ એક નામ નક્કી કરે છે અને રાષ્ટ્રપતિ તેના પર મંજૂરીની મહોર મારે છે.ચૂંટણી પંચના સભ્યોની આ પ્રકારે થતી નિયુક્તિ તેની તટસ્થતા સામે સવાલો ઉઠાવે છે.

૨૦૧૮થી પડતર આ અંગેની પિટિશનો પર સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદામાં રાષ્ટ્રપતિને પંચના સભ્યોની નિયુક્તિની ભલામણ કરવા માટે ત્રણ સભ્યોની બનેલી સમિતિની રચનાનો આદેશ આપ્યો છે. પ્રથમ નજરે આ ચુકાદો પંચની સ્વતંત્રતા, સ્વાયત્તતા અને નિષ્પક્ષતાની દિશાનું ઐતિહાસિક કદમ લાગે છે.

જસ્ટિસ કે.એમ.જોસેફની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ ઈલેકશન કમિશનરોની નિમણૂકની સુનાવણી કરી રહી હતી તે દરમિયાન જ સરકારે એક ઈલેકશન કમિશનરની નિયુક્તિ કરી. મે-૨૦૨૨થી ખાલી ચૂંટણી કમિશનરની જગ્યા છ મહિને અચાનક ઘડિયા લગ્નની જેમ સરકારે ભરી. ભારત સરકારમાં સચિવ તરીકે કાર્યરત અરુણ ગોયલની સ્વૈચ્છિક નિવૃતિની મંજૂરી અને ઈલેકશન કમિશનર તરીકેની તેમની નિમણૂકની સમગ્ર કાર્યવાહી ચોવીસ જ કલાકમાં પૂર્ણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગોકળગાયની ગતિએ કામ કરતા સરકારી તંત્રે આ બાબતમાં આટલી ઝડપ કેમ દાખવી તેનું રહસ્ય જાણવા સુપ્રીમકોર્ટે અદાલત સમક્ષ નિમણૂકની સમગ્ર ફાઈલ મંગાવી હતી. તે પછીના સર્વસંમત ચુકાદામાં અદાલતે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સમિતિ ચૂંટણી પંચના સભ્યની પસંદગી કરે અને સમિતિની ભલામણ પરથી રાષ્ટ્રપતિ નિયુક્તિ કરે તેવો આદેશ કર્યો છે.

સુપ્રીમકોર્ટનો આ ચુકાદો ન્યાયિક સક્રિયતા દર્શાવનારો કે સંસદની ઉપરવટ જનારો નથી પરંતુ સવા સાત દાયકાથી નિષ્ક્રિય સંસદને ઢંઢોળનારો છે. વગર કાયદે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂકમાં પોતાની વગના  કમિશનરોની પસંદગી કરવાનો લાભ લેવામાં કેન્દ્રના સઘળા પક્ષો એક જેવા જ  છે. થોડાક જ  અપવાદો સિવાય ભારતના આજ સુધીના ચૂંટણી કમિશનરોએ પંચની સ્વતંત્રતા અને તટસ્થતાને બરકરાર રાખી છે. એટલે સત્તર લોકસભા અને ચારસો વિધાનસભા ચૂંટણીઓ પાર પાડનારા ભારતના ચૂંટણી પંચની બેદાગ છબીના દેશ અને દુનિયામાં દાખલા દેવાય છે.

કેન્દ્ર અને રાજ્યના વિરોધ પક્ષોને હંમેશા ચૂંટણી પંચનું વલણ સત્તાપક્ષની તરફદારી કરનારું લાગે છે એટલે પણ પંચની રોજેરોજ કસોટી થાય છે. તેમાં આ પ્રકારની એકતરફી નિમણૂક પ્રક્રિયા પક્ષપાતના આરોપોને વળ ચઢાવે છે. સત્તાપક્ષ(વડાપ્રધાન), વિરોધપક્ષ (લોકસભાના વિપક્ષના કે સૌથી મોટા વિપક્ષના નેતા) અને નિષ્પક્ષ ન્યાયતંત્ર (વડા ન્યાયાધીશ)ની સમિતિની ભલામણથી નિમાતા કમિશનરોથી કદાચ પંચની નિષ્પક્ષતા સ્પષ્ટ થશે.

ચૂંટણી પંચના દસમા મુખ્ય ચૂંટણી આયુક્ત ટી.એન. શેષને બંધારણે ચૂંટણી પંચને આપેલી અપાર શક્તિઓનો મતદારો અને રાજકીય પક્ષોને પરિચય કરાવ્યો હતો. એટલે શેષનને ન ભૂતો ન ભવિષ્યતિ જેવા ચીફ ઈલેકશન કમિશનર ગણવામાં આવે છે. ચૂંટણી આચારસંહિતા પણ શેષનની જ દેન છે. સંવિધાન ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે મૌન રહ્યું છે અને સંસદના કાયદાને અનુસરીને કાર્યવાહી કરવા જણાવ્યું છે. પરંતુ સંસદે હજુ કોઈ  જ કાયદો ઘડ્યો નથી. છેક ૧૯૮૯ સુધી તો ચૂંટણી પંચમાં એક જ કમિશનર હતા. તે પછી બીજા બે ઉમેરાયા, થોડા વરસો પછી બાદ થયા અને ફરી પાછું ત્રણ સભ્યોનું પંચ બન્યું. જો સરકારો એક જ સભ્યના ચૂંટણી પંચથી ચાળીસ વરસ ચલાવતી હોય તો તે પંચને સ્વતંત્ર અને સ્વાયત્ત બનાવે ખરી ?

૧૯૯૧ના કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચૂંટણી પંચના સભ્યની નિવૃતિ વય પાંસઠ વરસની ઠરાવવામાં આવી છે. સરકાર વરિષ્ઠ સનદી અધિકારીઓને પંચના સભ્ય તરીકે નિયુક્ત કરવાની આડમાં ઈલેકશન કમિશનરનો જે છ વરસનો કાર્યકાળ છે તે પૂર્વે જ તે નિવૃત થઈ જાય તેની કાળજી રાખે છે. શાયદ શેષન પછીના કોઈ  મુખ્ય ચૂંટણી કમિશનરને છ વરસનો પૂર્ણ કાર્યકાળ મળ્યો નથી. સરકાર મજબૂત અને નિષ્પક્ષને બદલે નબળા કે સરકારના જીહજૂરિયા કમિશનર ઈચ્છતી હોય તો જ નાનો સમયગાળો આપે ને ?

મતદારો ભય અને લાલચ વિના મતદાન કરી શકે અને ચૂંટણી સ્વતંત્ર અને તટસ્થ રીતે યોજાય તે લોકતંત્રનો આધાર છે. તે માટે સરકાર જેમને ડરાવી ના શકે કે જે વહીવટી તંત્રના પ્રભાવથી સાવ મુક્ત હોય તેવા કમિશનરોની નિમણૂક પંચમાં થવી જોઈએ. સરકારો ચૂંટણી પંચ પર નિયંત્રણ  ચાહે અને પંચ તેને નકારે તે જ સ્વતંત્રતા અને સ્વાયત્તતા ખરી. સર્વોચ્ચ અદાલતે સમિતિની રચના ઉપરાંત ચૂંટણી પંચને નાણાકીય જરૂરિયાત માટે સરકારી તંત્ર પર આધારિત ના રહેવું પડે તે માટે કન્સોલિટેડ ફંડથી પંચને ફંડિગ કરવા પણ જણાવ્યું છે.

બંધારણીય સંસ્થાઓના પદો પર યોગ્ય અને તટસ્થ સમિતિ મારફતે નિમણૂક થવાથી જ તેના હેતુ બર આવી શકે છે. એટલે જ સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સ્વાગતાર્હ છે. પરંતુ શું આ પૂરતું છે ? સીબીઆઈ, માહિતી આયોગ, સીવીસીના વડાની નિમણૂક આ જ ધોરણે થાય છે. તેમ છતાં તેનો સત્તાનશીન રાજકીય પક્ષ અને સરકાર પ્રત્યેનો પક્ષપાત ઉઘાડો છે. સીબીઆઈ ચીફની નિમણૂક કરનારી સમિતિમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા હોવા છતાં સુપ્રીમે જ સીબીઆઈને પાંજરાનો પોપટ ગણાવી હતી. એટલે બહુ હરખાઈ જવાની જરૂર નથી.

તો શું ચૂંટણી પંચ અને ચૂંટણીઓ કદી મુક્ત અને ન્યાયી નહીં જ હોય ? હા, હોઈ શકે. તે માટે જેટલી જવાબદારી પંચની છે તેટલી જ જવાબદારી રાજકીય પક્ષોની પણ છે અને તે બંને કરતાં વધુ જવાબદારી આપણી એટલે ભારતના મતદારોની છે. જો તોંતેર વરસો સુધી ચૂંટણી પંચની રચના અંગેનો કાયદો જ ના ઘડાતો હોય અને આપણે મતદાર તરીકે તેને કોઈ ચૂંટણી મુદ્દો જ ના ગણીએ તે યોગ્ય છે ? તેથી સુપ્રીમના હાલના હસ્તક્ષેપને કામચલાઉ ગણી પંચને સ્વતંત્ર, સ્વાયત્ત અને નિષ્પક્ષ બનાવવા આપણે જ મથવું પડશે. જાગો મતદારો જાગો.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.