રક્ષા શુક્લ 

સોનાની જાળ તમે પાણીમાં નાખો, પણ પાણીની પ્હોંચ કદી ચાખો ?
પાણી તો મંદ મંદ વહેવાનું નામ, એને નાણવાની બારી કાં વાખો ?

પાણીનું સપનું તો નાયગરા ધોધ, પછી કૂદ્યું તો લોહીઝાણ વારતા,
દરિયો તો ઠીક, પછી નદિયું ને ઝરણાં ને ધોધડિયું આવીને ડારતાં.
પાણીનું પોત જરા ધીરેથી અડકો ને ધીરેથી પહેરવાનું રાખો.
સોનાની જાળ તમે પાણીમાં નાખો, પણ પાણીની પહોંચ કદી ચાખો ?

પાણી તો પરપોટે પરપોટે તૂટે, પણ ધરપતના કાંઠાઓ છૂ,
રણઝણતી લાગણિયું વાડ્યું જ્યાં ઠેકે, ત્યાં એમાંથી ફોરે છે બૂ.
પળમાં જે છૂટે ને પળમાં વછૂટે, એ ભાયગનું ભાવી કાં ભાખો ?
સોનાની જાળ તમે પાણીમાં નાખો, પણ પાણીની પહોંચ કદી ચાખો ?


સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com