કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

         પોસાણ જ નથી ભાઇ, એકલી ખેતીનું હવે પોસાણ જ નથી. ખેતીની એકનીએક આવક સામે આરોહણની ઝડપ મેળવી આગળ ધપી રહેલ એકપક્ષી મોંઘવારીના વેગને ખેતી આંબી જ શકે તેમ નથી.કારણ કે “ખેતી” એક માત્ર ધંધાને “ખોળ” અને બાકીના બીજા બધા જ ધંધાઓને “ગૉળ”- એવી વારોતારો કરનારી નીતિથી ખેતી ભાંગવાના આરે આવીને ઊભી રહી ગઈ છે.

ખાદ્યચીજો માત્ર ખેતી વ્યવસાયમાંથી જ ઉત્પન્ન થાય છે, એ વાત જાણે ભૂલાઇ ગઈ હોય તેમ અનાજ હોય કે કઠોળ, શાકભાજી હોય કે ફળો, અરે ! ગાય-ભેંશનું દૂધ કેમ નથી ! આ બધાના ભાવો ગોકળગાયની ધીમી હાલ્યે આગળ વધે, જ્યારે ખેતીમાં વપરાતી જણસો- રા.ખાતરો હોય કે પાકરક્ષક દવા, બિયારણ હોય કે ખેતીમાં જરૂર પડતી હોય એવી ડીઝલ, વીજળી,લોખંડ કે સીમેંટ જેવી ચીજ, અરે ! મજૂરી સુધ્ધાંના ભાવો વધે સૂર્ય-કીરણની ઝડપથી ! ખેડુતને સાંધામેળ કરવો કઈ રીતે ?

ખેડુતોને તેમના ઉત્પન્નના પોષણક્ષમ બજાર મળતા થાય તે માટેના આંદોલનો કિસાનસંઘની આગેવાની નીચે ખેડુત આલમે શરૂ તો કર્યા છે. પણ એ કામ ધારીએ એટલું સરળ દેખાતું નથી. કારણ કે ખેડુત સમાજ છે બહુ મોટો, અને આવડા મોટા સમાજમાં બધાની સમજદારી એક થતાં લાગે ઘણી વાર. પણ બધા જ ખેડુતોના હૈયે આ વાત વસશે ત્યારે ખરી હકીકત સમજાશે, અને દરેકનો માહ્યલો જ્યારે જાગશે –ત્યારે સૌ સંગઠિત થશે અને જેવી જરૂર છે તેવી એક સામાજિક ક્રાંતિ સર્જાશે.અને ઘીના ઠામમાં ઘી પડી રહેશે.

વચગાળાના ઉપાયો ક્યા ? પણ એ મેજર ઓપરેશન તો થતાં થાય, એ દરમ્યાન વચગાળાના તાત્કાલિક ઉપાયમાં જેમ ટીકડાં,ડોઝ અને ઇંજેક્શન અને ગ્લુકોઝના બાટલા ચડાવી –દર્દમાં રાહત બક્ષનારા ડોક્ટરી ઉપાયો લેવાતા હોય છે, બસ, એની જેમ જ હાલ તૂરત તાત્કાલિક રાહતના કોઇ કાર્યક્રમો નહીં વિચારવા પડે ?          

આજની ખેતીની આવકમાં ટેકો પૂરી શકાય એવી પેટા આવકના ઉમેરણ અર્થે કોઇને કોઇ ગૌણ વ્યવસાય સાથમાં શરૂ કરશું તો જ અન્ય ચીજોની વધતી જતી મોંઘવારીમાં ખેડુતો કંઇકે રાહતનો દમ ભરી શકશું એમ લાગી રહ્યું છે.

હા,એમાં એવું જરૂર કરાય કે :   પહેલી પસંદગી આપણા ખેતી વ્યવસાયને સંલગ્ન હોય, ખેતી સંભાળતાં સંભાળતાં જ થઈ શકે અને મૂડીનું માથાભારે રોકાણ પણ ન માગતા હોય તેવા “હુંફ પૂરક” કામોને આપીએ. અને બીજી પસંદગી, પોતે નહીં તો પોતાના કોઇ સભ્યને બહાર મોકલી, અન્ય વ્યવસાય સંભાળતા કરી, એના દ્વારા થતી આવકનું ખેતીમાં થનારી ઉપજમાં ઉમેરણ કરીને પણ ખેતીમાં ટકી રહેવાય એવું ગોઠવવું પડશે.

ખેતી સાથે શું શું થઈ શકે ?

[1]  વ્યાપારી માનસ ધરાવતા થઈ જઈએ = આપણે ખેડુતો આપણને જોઇતી ચીજ-વસ્તુઓ રા.ખાતર, પાક રક્ષક દવાઓ, બિયારણ વગેરે બધું છૂટક રીતે ખરીદીએ છીએ અને આપણી ખેતીમાં ઉત્પન્ન થયેલ માલ આપણે જથ્થાબંધ રીતે વેચાણ કરીએ છીએ. જેથી ભાવ બાબતે બન્ને બાજુનો માર ખાવો પડે છે. છૂટક ચીજો ખરીદવી મોંઘી પડે છે, અને જથ્થાબંધ રીતે વેચાતો આપણો માલ સસ્તો જાય છે.

તો ?  આપણે એવું ન કરી શકીએ કે આપણને જરૂરી ચીજો-ખાતર,દવા,બિયારણ, વગેરે એકલા નહીં,તો પાંચ-સાત કે પચ્ચીસ જણા ભેગા મળી, બધાની કુલ ખરીદી જથ્થાબંધ રીતે ભેગી ભેગી જ ખરીદતા થઈ જઈએ ? હા, અમે કૃષિમંડળના નેજા નીચે કેટલાક ખેડુત સભ્યોએ હજાર હજાર રૂપિયા કાઢી એક “અપના કિસાન મોલ” શરૂ કર્યો હતો, અને જરૂરી ચીજો જથ્થાબંધ રીતે ખરીદી, અંદરો અંદર વહેંચી લઇ, મોંઘા ભાવો દેવાના નુકશાનમાંથી બચવાનો જે પ્રયત્ન કર્યો હતો તેમાં સફળ રહ્યા હતા.

અને આપણી શક્ય તેટલી પેદાશને છુટકમાં વેચાય તેવી ગોઠવણ કરીએ તો જથ્થાબંધની સરખામણીએ ભાવો ઘણા વધારે મળી રહે છે એવો અનુભવ અમને તો થયો છે.

હા,હા ! આજે કેટલીય જગ્યાએ રોડ પર પોતાની વાડીના ફળો, શાકભાજી, મકાઇનાડોડા, આદુ,હળદર,મરચાં અને મસાલાની ઉપજો  સુંડલા-લારીઓ અને થડા રોકી કેટલાય ખેડુતો વેચાણ કરતા ભળાય છે.અને રાહદારીઓ પોતાના વાહનો રોકી, હોંશે હોંશે મોં માગ્યા ભાવો દઈને ચોખ્ખી અને તાજી ચીજો મેળવતા હોય છે. દૂરની નહીં, અમારી નજીકની જ વાત કરું. તો ગુંદાળા ગામના બે-ત્રણ ખેડુતો ગઢડા-ઢસા રોડ પર હર સીઝને પોતાની વાડીમાં તૈયાર કરેલ જામફળ, મોટાંબોર, પાકાં લીંબુ,રીંગણાં,મરચાં,ટામેટાંનું માર્કેટની હરરાજીમાં મળતા ભાવો કરતાં બમણા-ત્રમણા દરથી વેચાણ કરી સારી કિંમત ઉપજાવતા હોય છે. અરે, અમારી જ વાત કરું તો પંચવટી બાગમાં ચીકુડીનો એક ઘેરો હતો, ત્યારે ચીકુ પાકવાની વેળાએ ઢસા,ગઢડા કે બોટાદની પીઠમાં જથ્થાબંધ રીતે વેચવા મોકલવાની સરખામણીએ વાડીએથી જ 20 કીલોના પેકીંગ કરી સીધા જ ખાનાર ગ્રાહકોને છૂટક રીતે વેચી દોઢા ભાવો મેળવતા હતા.. માલપરાના જ બે-ત્રણ ખેડુતો મગફળી કે ઘઉં,બાજરો, પકાવી, વેપારી કે માર્કેટયાર્ડમાં જથ્થાબંધ વેચવાને બદલે છૂટક છૂટક ગ્રાહકોને વેચી મોં માગ્યા દામ મેળવી રહ્યા છે.

[2] પોતાના માલને મૂલ્યવર્ધિત કરીને =  આપણે અન્યનો માલ ખરીદી, તેનું મૂલ્યવર્ધન કરવાની ફેક્ટરી ન નાખી શકીએ તો કંઇ વાંધો નહીં. પણ આપણા જ માલને પાકો બનાવી વેચાણ કરીએ તો ભાવમાં ઘણો વધારો મળી શકે .દા. ત. માલપરામાં બાબુભાઇ ભીંગરાડિયા અને અરવિંદભાઇ જાદવાણી-દર વરસે શેરડીનો વાઢ ઉગાડે,પછી શેરડી તરીકે જ વેચી દેવાને બદલે તેનો દવા વગરનો “ગોળ”બનાવી ખાનાર ગ્રાહક વર્ગને સીધું વેચાણ કરે છે. બાજુના ગામ સાજણાવદરના માલધારી ભાઇઓ પોતાની ગાયોનું દૂધ “દૂધ” તરીકે ડેરીમાં ભરી દેવાને બદલે તેનો “માવો”બનાવી વેચે છે. પીપરડીમાં છે અમારા મિત્ર-પોપટભાઇ વાઘાણી. જે દર વરસે મરચી ઉગાડે,અને પાકાં મરચાં સીધા વેચી દેવાને બદલે તેને ખાંડીને “ચટણી” બનાવી, નાનાં-મોટાં પેકીંગ કરી, ખાનાર વર્ગને તેમના ઘેર પહોંચતાં કરે છે. એવું જ રામોદ ગામના શ્રી ઉપેન્દ્રભાઈ નાઠાણી સજીવખેતી દ્વારા હળદર-મરચાં જેવા મસાલાનાં પાકો પોતાની વાડીમાં પકાવી, તેનું મૂલ્યવાર્ધન કરી અને તેના વેચાણ દ્વારા સંતોષકારક કમાણી કરી રહ્યા છે. આ બધા ખેડૂતો પોતાની ખેતીની આવક ઉપરાંતની આવી મૂલ્યવર્ધિત કરવા થકી વધારાની પૂરક આવક સારી એવી મેળવી શકે છે.

અરે, સૌરાષ્ટ્ર વિસ્તારના મુખ્ય પાકો બે-મગફળી અને કપાસ. વાડીમાં પકવેલ મગફળી સીધી વેચી દેવા કરતા, તેનું તેલ કઢાવી વેચાણ કરીએ અને કપાસને લોઢાવી –કપાસિયા અને રૂ તરીકે અલગ અલગ વેચાણ કરતા થઈ જઈએ તો પણ એક મોટી પૂરક આવક મેળવી શકીએ એવી મોટી તક આપણે માટે ઝડપ્યા જેવી છે. આ માટે કંઇ તેલની મીલ કે કપાસનું જીન ખેડુતે વસાવવા ના પડે ! જે લોકો એવી મોટી મશીનરી વસાવીને બેઠા છે તે વ્યાજબી મજૂરી લઈને મગફળીમાંથી તેલ –ખોળ અને કપાસમાંથી રૂ-કપાસિયા જુદા કરી આપવાની વાટ જ જોઇ રહ્યા છે. અરે ! ઉત્તમ ઉપાય તો એ નથી લાગતો કે ખેડુતો ભેગા મળી, સહકારી ધોરણે જ આવા સાધનો ઊભા કરી, કાયમી ધોરણે આવા કાર્યો કરી શકે !

[3] ખેતીને સંલગ્ન કોઇ પૂરક વ્યવસાય શરૂ કરાય = આપણે આપણી ખેતી છોડી દઈ, કોઇની ફૂલ ટાઇમ નોકરી કરવા જવાનું મારું કહેવાનું નથી. પણ ખેતીમાંથી કેટલોક સમય ફાજલ પાડી,ખેતીને સંલગ્ન કોઇ ધંધો, સાથે સાથે ચલાવી, એમાંથી પણ પૂરક આવક મેળવી શકાય તો પણ ખેતી માથેથી એટલો ભાર હળવો કરી શકાય. દા. ત……

આપણે થોડી ગાયો રાખી,દૂધ પેદા કરી તેનું છૂટક વેચાણ કરી શકીએ અને એના દ્વારા આપણા ખેત કચરાનું સેંદ્રીય ખાતરમાં રૂપાંતર કરી, વાડીને ખાતરોડ બનાવવાનું કામ તો વધારાનું થઈ રહેશે ભલા ! અમારી બાજુના ગામ અણિડામાં રહેતા અમારા  મિત્ર શ્રી મહેંદ્રભાઇ ગોટી નાની ખેતીની સાથે બે દૂધાળ ગાયો રાખી, ગામના જરૂરમંદ કુટુંબોને દૂધ વેચાણ કરી, સારીએવી પૂરક કમાણી કરી લેવા ઉપરાંત જાતે દૂધમાંથી “માવો” બનાવીને, અરે ! હવે તો ગાયોના દૂધમાંથી “આઇસ્ક્રીમ” બનાવી દુકાનદારોને સપ્લાય કરતા થઈ ગયા છે, અને બન્ને બાળકોને સારું શિક્ષણ આપતી વિદ્યાપીઠમાં એન્જિનિયર બનાવી, સુખેથી અને મર્દાનગીથી, આખું કુટુંબ જીંદગી જીવી રહ્યું છે.

વાડી પર એક અળસિયાંનો શેડ બનાવી  લઈ, ખેત-કચરામાંથી સરસ એવું વર્મી કંપોસ્ટ બનાવી શકીએ.આંબલા ગામમાં શ્રી બાબુભાઇ જાસોલિયા પોતાની ખેતીની સાથે એક નર્સરી ઊભી કરી, સારી જાતના રોપા અને કલમો બનાવી, ઉત્તમ કમાણી કરી લે છે. સમઢિયાળા[પાનબાઇ]માં શ્રી હિંમતભાઇ ભીંગરાડિયા હતા, જેમણે  આસપાસના ગામોના ખેડુતોએ ઉગાડેલ શેરડીમાંથી રસ કાઢી, દવા વગરનો ગોળ બનાવી દેવા કોલુ ચાલુ કરેલ. તો માલપરાના ઇશ્વરભાઇ અને ઉપેંદ્રભાઇ ભીંગરાડિયાએ પોતાની ખેતી સાથે ખેતી, મકાન બાંધકામ અને રોડ-રસ્તાના કઠિન કામો  ભાડેથી કરી દેવા જેસીબી મશીનો વસાવ્યા છે. ગઢડાના શ્રી સુરેશભાઇ ગોટી અને સુરેશભાઇ ગોધાણીએ ખેતીની સાથોસાથ નેટ હાઉસ ઊભા કરી –સ્પેશિયલ પાકોની ખેતી કરી, સરસ પૂરક આવક મેળવી રહ્યા છે. નસિતપરના શ્રીગોરધનભાઇ અને માલપરાના શ્રી પ્રદિપભાઇ સવાણી કપાસનું સારું બીજ તૈયાર કરવાનું કામ કરતા રહે છે.

[4] અન્ય વ્યવસાયમાં હિસ્સેદારી કરીને = બાળકોને સારું શિક્ષણ આપવું તે વાલી તરીકેની ફરજમાં આવે છે. બાળકોને યોગ્ય શિક્ષણ આપ્યા પછી, લાંચ આપ્યા વિના –પોતાની યોગ્યતાથી, કોઇ નાની-મોટી નોકરી મળે તો જરૂરથી સ્વિકારાય અને મોટા થતા જતા કુટુંબનો ખેતી પરનો ભાર હળવો કરાય. પણ માનો કે પ્રામાણિક પ્રયત્નોથી નોકરી નજ મળે તો ઘણા બધા વ્યવસાયો છે સમાજમાં, આપણાં ખિસ્સાની પહોંચ અને બેંકની લોન દ્વારા કોઇ ઉદ્યોગ શકય બનેતો ગામડામાં અને નહીતો બાજુના કસબા-શહેરમાં જરૂર શરૂ કરી, ખેતીની આવકમાં ઉમેરણ કરી શકાય.આ વાતતો સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડાંઓમાં બહુ વરસો પહેલાં સમજાઇ ગઈ છે.અને મોટાભાગના કુટુંબોમાથી કોઇને કોઇ સભ્ય શહેરોમાં હીરાઉદ્યોગ,કાપડ ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ,તથા અન્ય ઉદ્યોગોમાં ભળી, થયેલ કમાણીમાંથી પોતાના કુટુંબની ખેતી આવકમાં આડેહો પૂરી રહ્યા છે.

આવું કંઇક નહીં વિચારીએ તો, એકલી ખેતી પર હવે નભી શકાશે નહીં. આપણ ખેડુતોની વસ્તી ખુબ મોટી છે, અને એટલે જ સૌ સંગઠિત થવામાં ઊણા પડીએ છીએ. જો સંગઠિત થઈ શકીએ તો પોષણક્ષમ ભાવો મેળવવા ડાબા હાથનો ખેલ બની જાય એમ છે મિત્રો !

આપણે સૌ આ બાબતે ગંભીરતાથી જેટલા વહેલા વિચારી નિર્ણય લેશું,એટલા વહેલા ખેતીને આ રાજકીય નક્સલવાદીઓની બાનમાંથી મુક્ત કરી શકશું. અને તો જ ખેતી અને ખેડુત સૌ ટકી શકશું. અને ખેતી નહીં ટકે તો ટંકે ને ટંકે લાગતી પેટની ભૂખ સંતોષવા પેટમાં નાખશું શું ? એ સારાએ સમાજ માટે એક પડકાર બની રહેવાનો છે મિત્રો !


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com