ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
અત્યાર સુધીની કડીઓમાં હિન્દી ફિલ્મી ગીતોમાં પ્રયોજાયેલાં વિવિધ કળવાદ્યો વિશે જાણ્યા પછી હવે તંતુવાદ્યો તરફ આગળ વધીએ. રાવણહથ્થા જેવા સાદા લોકવાદ્યથી લઈને અતિશય સંકીર્ણ રચના ધરાવતાં સિતાર અને વીણા જેવાં જુદા જુદા પ્રકારનાં તંતુવાદ્યો જોવા મળે છે.
સૌથી પહેલાં વાયોલીનનો પરિચય કેળવી અને ફિલ્મી ગીતોમાં તેના પ્રદાન વિશે વાત કરીએ. આમ તો આપણા માટે તે એટલું પરીચિત છે કે એ જાણીને નવાઈ લાગી શકે કે વાયોલીન વિદેશી મૂળનું તંતુવાદ્ય છે. આકૃતિમાં જોઈ શકાય છે તેમ આ વાદ્યની રચનામાં ચોક્કસ આકારના તુંબડાથી લઈને તેની સાથે જોડાયેલા હાથાના છેડા સુધી ચાર તાર બાંધેલા હોય છે. આ તારને અલગઅલગ સૂરમાં મેળવી લેવાય છે. તસવીરમાં વાયોલીન સાથે મૂકવામાં આવેલી ગજ/Bow તરીકે ઓળખાતી રચના વડે જે તે તારને ઘસતાં ચોક્કસ સૂરનો અવાજ નિષ્પન્ન થાય છે. જે અવાજ નીપજે છે તેને વગાડનાર કલાકાર પોતાના બીજા હાથની આંગળીઓ વડે કુશળતાથી નિયંત્રીત કરીને ધાર્યા સ્વર વગાડે છે.
મોટા ભાગના સંગીતરસિકો વાયોલીનથી પરીચિત હોય છે. પણ તેના જ કુળનાં ત્રણ વાદ્યો – વાયોલા સેલો અને બાસ– બહુ પ્રચલિત થયાં નથી. નીચેની તસવીરમાં જોઈ શકાય છે તેમ ચારેમાં મુખ્ય તફાવત કદનો હોય છે. વાયોલીન ચારેયમાં સૌથી નાનું હોય છે અને પછી ચડતી શ્રેણીમાં વાયોલા, સેલો અને બાસ આવે છે. દરેક વાદ્યની બાજુમાં તેના તારને ઝંકૃત કરવા માટે વપરાતો ગજ પણ જોવા મળે છે. અલબત્ત, ચારેય વાદ્યોને વગાડવાની શૈલીમાં પણ થોડો-ઘણો તફાવત રહેલો છે, પણ એ સંકીર્ણ વિષયની ચર્ચા અત્રે અસ્થાને છે.

આ ચારેય પ્રકારનાં વાદ્યો પશ્ચિમી વાદ્યવૃંદોમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગે લેવાતાં આવ્યાં છે. ભારતીય શૈલીના સંગીતમાં મહદઅંશે વાયોલીનનો પ્રયોગ થાય છે. વાયોલીન એક સંપૂર્ણ વાદ્ય ગણાય છે અને તેનો ઉપયોગ શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, હળવા તેમ જ ફિલ્મી સંગીતમાં છૂટથી કરવામાં આવે છે.
ભારતીય શાસ્ત્રીય વાદ્યસંગીતના બે ઉપપ્રકારો – હિન્દુસ્તાની અને કર્ણાટકી – માં વાયોલીનવાદનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થતો આવ્યો છે. પ્રસ્તુત ક્લીપમાં કલા રામનાથ નામનાં કલાકાર વાયોલીન પર હિન્દુસ્તાની રાગ તીલક કામોદ વગાડી રહ્યાં જણાય છે.
આ ક્લીપમાં મંજુનાથ માયસોર અને નાગરાજ માયસોર કે જેઓ ‘માયસોર બ્રધર્સ’ તરીકે જાણીતા છે, તે ભાઈઓ વાયોલીન ઉપર કર્ણાટકી રાગ ચારુકેશી વગાડી રહ્યા છે.
આ બે ક્લીપ્સ માણીને ખ્યાલ આવશે કે ભારતીય તેમ જ કર્ણાટકી સંગીતમાં એના એ જ વાયોલીનના સૂર સાવ અલગ રીતે જ નીકળે છે. બન્ને પ્રકારના વાદનમાં અમુક અંશે વાયોલીન પકડવાની શૈલીમાં પણ તફાવત હોય છે.
પાશ્ચાત્ય સંગીતનાં વાદ્યવૃંદો માટે વાયોલીન અને સેલો અને બાસ જેવાં તેનાં પિતરાઈ વાદ્યો અનિવાર્ય ઘટક હોય છે. ઉદાહરણ તરીકે એક ક્લીપ માણીએ, જેમાં સમગ્ર વાદ્યવૃંદમાં વાયોલીનવાદકોનું પ્રમાણ સ્પષ્ટપણે ઊંચું જોઈ શકાય છે. આ રીતે સામૂહિક વાદન થાય તેને ગ્રુપ વાયોલીન્સ અથવા સ્ટાફ વાયોલીન્સ વાદન કહેવામાં આવે છે. આ રજૂઆતમાં સમયસમયે એક મહિલા વાદક પોતાના ભાગના અંશો એકલાં જ વગાડે છે. આને સોલો વાયોલીન વાદન અથવા એકલવાદન કહેવાય છે.
આવી જ પ્રણાલી હિન્દી ફિલ્મી વાદ્યવૃંદોમાં પણ જોવા મળે છે. એક સ્ટેજ કાર્યક્રમમાં ફિલ્મ ‘બરસાત’ના ગીતની રજૂઆત ધ્યાનથી માણતાં તે બાબત નોંધી શકાશે. ગાયિકાની પાછળ આઠ વાયોલીન વાદકો જરૂર પ્રમાણે પોતાનું પ્રદાન કરે છે. શરૂઆતમાં 0.20 થી 0.35 સુધી ગીતના મુખડાની તરજ એકલવાદન દ્વારા રજૂ થાય છે. તે પછી 0.42 થી 0.48 સુધી સમૂહવાદન છેડાય છે. 0.50 થી 0.55 દરમિયાન ફરીથી એકલવાદન સાંભળી શકાય છે.
ઉપરની ક્લીપ્સને માણતાં સમજી શકાય છે કે વાયોલીન એક સંપૂર્ણ વાદ્ય છે, જેનો ઉપયોગ વિવિધ વાદનપ્રણાલીઓમાં વ્યાપક ધોરણે કરાતો આવ્યો છે.
હવે હિન્દી ફિલ્મી ગીતોનું બંધારણ યાદ કરી લઈએ. અપવાદો બાદ કરતાં ગીતની શરૂઆત વાદ્યસંગીતથી થાય છે, જેને પૂર્વાલાપ/Prelude કહેવામાં આવે છે. તે પછી ગીતના મુખડાની ગાયકી શરૂ થાય છે. મુખડા પછી વાદ્યસંગીતનો એક પડાવ આવે છે. તે મધ્યાલાપ/Interlude કહેવાય છે. તે પછીની ગાયકીને ગીતનો અંતરો કહેવામાં આવે છે. સામાન્ય રીતે ફિલ્મી ગીતોમાં બે અંતરા હોય છે. પૂર્વાલાપ તેમ જ મધ્યાલાપ ઉપરાંત ગાયકીને સમાંતર પણ વાદ્યસંગીતના પ્રયોગો થતા રહે છે, જે ઓબ્લિગેટોસ/Obligatos અથવા કાઉન્ટર મેલોડી/Counter Melody તરીકે ઓળખાય છે. આવા બધા જ પ્રયોગોમાં વાયોલીન્સનો પ્રચૂર ઉપયોગ થતો આવ્યો છે. હિન્દી ફિલ્મી ગીતોનું વાયોલીંસ અભિન્ન અંગ બની રહ્યાં છે. આટલી પૂર્વભૂમિકા પછી આગળ વધીએ, વાયોલીનપ્રધાન હિન્દી ફિલ્મી ગીતો તરફ.
વાયોલીનની વાત નીકળે એટલે સંગીતપ્રેમીઓની જુબાને સૌથી પહેલું નામ આવે શંકર-જયકિશનની જોડીનું. તેમણે એટલી પ્રચૂર માત્રામાં વાયોલીન્સનો ઉપયોગ કર્યો છે કે તેમના માટે એક અલાયદો લેખ થઈ શકે. પહેલાં અન્ય સંગીતકારોએ શી રીતે તેનો ઉપયોગ કર્યો છે તે સાંભળીએ.
ઈન્ટરલ્યુડ્સમાં વાયોલીન્સનો ભરપૂર ઉપયોગ ગુલામ હૈદરે કર્યો. ૧૯૪૨ની ફિલ્મ ‘ખાનદાન’માં તેમનું જ સંગીત હતું. નૂરજહાંએ હાયેલા પ્રસ્તુત ગીતમાં સોલો તેમ જ ગ્રુપ વાયોલીન્સના અંશો સમયસમયે સાંભળી શકાય છે.
ફિલ્મ ‘રતન’ (૧૯૪૪)માં નૌશાદના નિર્દેશનમાં જોહરાબાઈ અમ્બાલાવાલીનું ગાયેલું આ ગીત ધૂમ મચાવી ગયું હતું. તેમાં વાયોલીન્સના અંશો પ્રચ્છન્નપણે કાને પડતા રહે છે.
હિન્દી ફિલ્મી ગીતોમાં શિરમોર ગણાવી શકાય તેવી લોરી સી. રામચન્દ્રએ ૧૯૫૧ની ફિલ્મ ‘અલબેલા’ માટે બનાવી છે. લતા મંગેશકર અને ખુદ સી. રામચન્દ્રના સ્વરમાં ગવાયેલી આ રચનામાં ખુબ જ નાનું અને સાદું વાદ્યવૃંદ ઉપયોગમાં લેવાયું છે. તેમાં ખાસ કરીને એકલ વાયોલીનના ટૂકડા અવિસ્મરણીય છે.
૧૯૬૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘હકીકત’નાં મદનમોહનના સંગીતથી મઢેલાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના આ ગીતમાં એકલ વાયોલીનનો અસાધારણ પ્રયોગ થયો છે. કિંવદંતી મુજબ આ અંશો સંગીતકાર પ્યારેલાલે વગાડ્યા હતા. ગીતના શબ્દોમાં વણાયેલી વ્યથાને જેટલો ન્યાય મહંમદ રફીએ આપ્યો છે એટલો જ ન્યાય વાયોલીનવાદકે પણ આપ્યો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.
ફિલ્મ ‘મેરે સનમ’ (૧૯૬૫)માં ઓ.પી.નૈયરનું સંગીત હતું. તેના આ યુગલગીતની શરૂઆતના પૂર્વાલાપમાં અને પછી નિયાત સમયે વાગ્યા કરતા ઓબ્લિગેટોઝમાં વાયોલીન સતત હાજરી પૂરાવતું રહે છે.
મદનમોહને ૧૯૭૦માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘મહારાજા’ના એક ગીત માટે વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો. વાયોલીન, વાયોલા તેમ જ સેલો એમ ત્રણ પિતરાઈ વાદ્યો સાથે મધ્યાલાપ બનાવ્યા હતા. તે ગીત સાંભળીએ.
ફિલ્મ ‘પ્રેમપૂજારી’ (૧૯૭૦)ના સચીનદેવ બર્મનની સ્વરબાંધણી ધરાવતા અને લતા મંગેશકરે ગાયેલા આ ગીતમાં શરૂઆતમાં અને બીજા અંતરા પછીના મધ્યાલાપમાં ખુબ જ શ્રવણીય વાયોલીન સાંભળવા મળે છે.
આવનારી કડીમાં પણ વાયોલીનપ્રધાન ફિલ્મી ગીતો માણશું.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com