ચેલેન્જ.edu
રણછોડ શાહ
જે છે તે તો છે જ
આ તો એમ જ પડી અમસ્તી
શંકા અમને સ્હેજ.
હરીશ મીનાશ્રુ
શિક્ષણમાં આવતાં પરિવર્તનનોની સંખ્યા ખૂબ વધારે હોય છે. એક જમાનામાં રેતી ઉપર લખતો વિદ્યાર્થી સ્લેટ-પેનથી શિક્ષણ પામતો થઈ ગયો. તો નોટ-પેન્સિલ અને શાહીની પેનમાંથી કયારે બૉલપેનનો જમાનો આવી ગયો તે સમજાયું નહીં. બ્લેક બોર્ડમાંથી સ્માર્ટ બોર્ડ આવી ગયા. બે પરિમાણદર્શી શિક્ષણમાંથી ત્રિપરિમાણ અને બહુપરિમાણી શિક્ષણ તરફ આપણે જેટ સ્પીડથી પહોંચી ગયા. ભૂગોળના તાસ દરમિયાન નકશા લઈ જવાને બદલે પ્રોજેક્ટર મારફત નકશો બતાવી શિક્ષણ આપતી શિક્ષકોની નવી પેઢી પૂર ઝડપે વર્ગખંડોમાં પ્રવેશી રહી છે. વર્ગખંડો વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાઈ જવા લાગ્યા. વિશ્વમાં બહુ મોટા પ્રમાણમાં વસ્તી વધારો થયો. કેટલાક વાલીઓને મોટી સંખ્યાવાળા વર્ગો સ્વીકાર્ય નથી. આ સંજોગોમાં કંઈક અન્ય વ્યવસ્થાનો વિચાર આવતાં કદાચ ‘ઘરશાળા’, ‘ઘરશિક્ષણ’, ‘ઘર અઘ્યયન’ કે ‘ઘર અઘ્યાપન’નો વિચાર ઉદ્ભવ્યો હોય.
જ્હોન હોલ્ટ (John Holt) ડોરોથી (Dorothy) અને રેમન્ડ મૂરે (Raymond Mure) અમેરિકાના ત્રણ લોકપ્રિય લેખકો છે. તેઓએ લગભગ ૧૯૭૦માં ઘરશાળા વિશે પુસ્તકો લખવાનું શરૂ કર્યું. તેઓને ઘરશાળાનું પગલું પ્રગતિશીલ લાગ્યું. વિવિધ સંશોધનો પણ થયા. અમેરિકામાં અત્યારે લગભગ બે મિલિયન બાળકો ઘરશાળા (Home schooling)માં અભ્યાસ કરે છે. તે દ૨ વર્ષે લગભગ સાતથી પંદર ટકાના દરથી વૃદ્ધિ પામે છે. અમેરિકાનાં તમામ રાજયોમાં ઘરશાળાને કાયદેસરતા પ્રાપ્ત થઈ ગઈ છે. ‘તમારાને તમે શીખવો’ (Teach your own) પુસ્તકના લેખક હોલ્ટ છે. વાલીઓ આ પુસ્તક વાંચીને આનંદિત અને પ્રોત્સાહિત થઈ ગયા છે. શાળાના પ્રત્યક્ષ શિક્ષણમાંથી બાળકને ઘરે ભણાવવાની રીતના પાયામાં વાલીઓ એટલે કે મમ્મી-પપ્પાની શિક્ષણની જાણકારી, તીવ્ર ઈચ્છાશક્તિ, શોખ, સમય આપવાની તેયારી અને દૃઢ મનોબળ પાયાની આવશ્યકતા છે.
આપવા કરતાં અહીં લેવું વધારે હોય છે,
કોણ જાણે આ અપેક્ષા, શી રીતે પોષાય છે?
અશોક જાની (આનંદ)
ભારતમાં આ વિભાવના નૂતન છે. શાળાઓ ભારતના સામાજિક જીવનમાં એક આગવું સ્થાન ધરાવે છે. વર્ગખંડો, શિક્ષકો, શાળાના પુસ્તકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ એકબીજા સાથે સંલગ્ન છે. શિક્ષકે વર્ગખંડમાં પુસ્તકની મદદથી જ ભણાવવાની સમજ જડબેસલાક રીતે મનમાં બેસી ગઈ છે. બાળકના જન્મ સમયથી વાલીઓ સારી શાળાની શોધખોળમાં લાગી જાય છે. નામાંકિત શાળાઓનું જાહેર જીવનમાં એક આગવું સ્થાન છે. બાળકને કઈ ઉંમરથી શાળાએ દાખલ કરવો તેની ચર્ચા બાળક બે વર્ષનું થાય તે અગાઉ શરૂ થઈ જાય છે. અલબત, ગુરુકુળના સમયમાં આપણા દેશમાં ઘરશાળાનો ખ્યાલ હતો. તેનું અમલીકરણ પણ થતું. વિદ્યાર્થી ગુરૂને ત્યાં જઈ અને ત્યાં રહીને અભ્યાસ કરતો. અહીંયાં ગુરૂનં ઘર પોતાનું ઘર જ બની જતું. ઘરના સંચાલનની મોટાભાગની જવાબદારીઓમાં વિદ્યાર્થીઓ પ્રેમથી જોડાઈ જતા. જીવનોપયોગી તમામ વિદ્યા પ્રાપ્ત થતી. ગુરૂ તેમના પપ્પા-મમ્મીનું સ્થાન લઈ લેતા.
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થતાં શિક્ષક માટે વ્યક્તિગત ઘ્યાન આપવાનું કઠિન બન્યું. શાળામાં આવતાં વિવિધ બુદ્ધિમતા અને શક્તિઓવાળા તમામ વિદ્યાર્થીઓને એક સ્તરેથી શીખવવામાં આવે તો તે યોગ્ય ન કહેવાય. વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ અને આર્થિક સ્તર પણ અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. શાળામાં ઉદ્ભવતી સમસ્યાના પાયામાં રહેલા આ તફાવતો તરફ ઘ્યાન આપવાનું મુશ્કેલ બન્યું. શાળા સંચાલકો અને આચાર્યશ્રી – શિક્ષકો માટે વિદ્યાર્થીઓ વચ્ચે એકરૂપતા કે સમાનતા લાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. તેથી વાલીઓને સંતોષ આપવાનું કઠિન બનતાં વાલીઓ શિક્ષણની અન્ય પદ્ધતિ અંગે વિચારે તે સ્વાભાવિક છે. ભારતમાં કદાચ આ કારણે ઘરશાળાનો વિચાર ઉદ્ભવ્યો હોય તેવું બને. હાલમાં થોડાક શિક્ષણપ્રેમી મિત્રોએ પોતાના સંતાનો માટે આ પ્રયોગ શરૂ કર્યો છે. તેમના અનુભવો જાણવા રસપ્રદ બને.
હું ખૂબ જ ખિન્ન હતો
કારણ કે મારી પાસે પગરખાં ન હતાં.
મારી ખિન્નતા ખોવાઈ ગઈ એને જોયા બાદ,
એને તો પગ જ નહોતા.
હેરોલ્ડ એલેટ
ઘરશાળામાં વિશ્વાસ ધરાવતા મિત્રો નીચે જણાવેલ મુદ્દાઓ રજૂ કરે છે :
- વ્યક્તિગત અધ્યાપન જ શિક્ષણની ઉત્તમ પદ્ધતિ છે.
- વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ અનુભવોનું શિક્ષણ ઘરશાળામાં વધારે સારી રીતે પ્રાપ્ત કરી શકે.
- ઘરે રહી અપાતી કેળવણીમાં અગાઉ એક મર્યાદા એ હતી કે બાળકોમાં સામાજિકતાનો આલેખ પૂર્ણ વિકસે નહીં. પરંતુ હવે ફેસબુક, વોટ્સએપ અને ઈ-મેઈલના સમયમાં તો એ કુશળતા પણ પ્રાપ્ત કરી શકાય છે.
- જે ઉંમરે જે શીખવું હોય તે શક્ય બને છે. બારમા ધોરણ સધી નાણાંકીય વહીવટ શીખવા માટે રાહ જોવાની જરૂર રહેતી નથી. ઈચ્છા થાય તો સાતમા ધોરણમાં મનોવિજ્ઞાન શીખવી શકાય જે પ્રચલિત શિક્ષણ વ્યવસ્થામાં શક્ય નથી.
- વિદ્યાર્થીઓ તેમની મુશ્કેલીઓ સહેલાઈથી, સરળતાથી અને ખુલ્લા મનથી રજૂ કરી શકતા હોવાથી તેમનો વિકાસ ઝડપી બને છે.
શાળેય શિક્ષણમાં શ્રદ્ધા રાખતા કેળવણીકારો તેની તરફેણમાં નીચેના મુદ્દાઓ રજૂ કરે છે :
- વિદ્યાર્થીઓ સમૂહમાં અભ્યાસ કરતા હોવાથી અરસપરસ શિક્ષણ સહેલાઈથી અને સારી રીતે લઈ શકે છે. એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી પાસેથી શીખતાં ગુરુતા કે લઘુતાગ્રંથિની તકલીફ રહેતી નથી.
- પ્રત્યેક વિષય શીખવનાર શિક્ષક જે તે વિષયના તજજ્ઞ હોવાથી તેમના જ્ઞાનનો ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે.
- શિક્ષણ આપનાર એક કરતાં વધારે વ્યક્તિઓ હોવાથી એકની મર્યાદા બીજાના શિક્ષણથી દૂર થઈ જાય છે. ઘરશાળામાં આ શકય નથી.
- શાળા જીવનના વિવિધ તબક્કે જુદા જુદા સ્વભાવવાળા, સિદ્ધિઓ, ખૂબીઓ અને ખાસિયતોવાળા મિત્રો મળતા હોવાથી મિત્રવર્તુળ વિશાળ અને સમૃદ્ધ બને છે.
- શાળામાં યોજાતી વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં અનેક શોખ વિકસાવવા માટેનો પ્રારંભ કરાવે છે. ઘરમાં શાળા અને શાળાએ જઈને અપાતું / લેવાતું શિક્ષણ ફાયદાકારક છે તો સાથે સાથે મર્યાદાસભર પણ છે. શકય હોય તો બંને એકબીજાને પૂરક બને તેવી વ્યવસ્થા ગોઠવાય તો શિક્ષણનાં ઉત્તમ તત્વોનો સુમેળ સાધી શકાય. વિદ્યાર્થી અને સમાજ માટે તે પદ્ધતિ ઉપકારક બની શકે.
આચમન:
આરસ પર કોતરાયેલું શિલ્પ સમય જતાં નાશ પામે છે,
પિત્તળ પરની કોતરણી સમય જતાં ઘસારો પામે છે,
મંદીરનાં ઘુમ્મટો કાળક્રમે ધૂળમાં મળી જાય છે,
કિન્તુ આત્મા જે અમર છે, તેના પર સદ્ગુણોની કોતરણી
અનંતકાળ સુધી પ્રકાશિત રહે છે.
અજ્ઞાત
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)