શૈલા મુન્શા
“માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ!”
– મકરંદ દવે
મકરંદભાઈ જેવા આધ્યાત્મિક અને અલગારી કવિની આ પંક્તિ અમારા આ અનોખા બાળકો માટે જ જાણે સર્જાઈ હોય એવું લાગે છે.
દાદીમા શબ્દ વાંચી ને ચમકી ગયાને!!!
તમે વિચારતા હશો કે અરે! બાળકોની વાત કરતાં કરતાં આ દાદીમા ક્યાંથી આવી ગયા? ભાઈસા’બ જરા તમારા વિચારોની લગામને કાબુમાં રાખો. આ કોઈ મારા કે તમારા દાદીમાની વાત નથી, પણ અમારી સાહીરા જેનો રૂઆબ કોઈ દાદીમાથી ઓછો ઉતરતો નથી, આજે એની વાત કરવી છે.
સાહીરા પાંચ વર્ષની થઈ અને અમારા ક્લાસમાં આવી. બાંગલાદેશ એમનુ વતન. માતા પિતા થોડા વર્ષોથી અમેરિકા આવી વસ્યા હતા. એમને બે દીકરી એમાં મોટી તાહીરા એમની સાથે આવી હતી અને નાની દીકરી સાહીરા બાંગલાદેશ દાદા દાદી પાસે હતી. તાહીરા ખૂબ તેજસ્વી, બે વર્ષથી અમારી સ્કૂલમાં આવતી હતી. હું રોજ એને બસમાંથી ઉતરતા જોઉં. વિનય સભર, હસમુખો ચહેરો અને રોજ હસીને ગુડ મોર્નીગ કહે. એટલી અમારી ઓળખાણ. તાહીરા ચોથા ધોરણમાં અને ક્લાસમાં એની ગણત્રી હોશિયાર વિદ્યાર્થીઓમાં થાય.
બીજા વર્ષે એની બહેન સાહીરા આવી. આટલા વર્ષો સાહીરા બાંગ્લાદેશ એના દાદા, દાદી પાસે હતી, એટલે લગભગ પાંચ વર્ષની થઈ ત્યારે સ્કૂલમાં આવી. દાદા દાદીના લાડ પ્યાર અને ઘરમાં પણ સહુથી નાની એટલે બધું એનુ ધાર્યું જ થાય. સાહીરાને પહેલે દિવસે ઓફીસ રજીસ્ટાર અમારા ક્લાસમાં લઈ આવી. સાહીરા બહુ બોલતી નહિ પણ થોડી ગોળમટોળ અને ચહેરા પરથી જ લાગે એનુ ધાર્યું કરવાવળી છે. Autistic child એટલે અમારા દિવ્યાંગ બાળકોના ક્લાસમાં દાખલ કરી.
બાંગ્લાદેશમાં એ કોઈ સ્કૂલમાં ગઈ નહોતી અને અમેરિકામાં બાળક જન્મતાની સાથે જ જેટલા ટેસ્ટ, શારીરિક તપાસ થાય એટલી બાંગ્લાદેશમાં થાય નહિ એટલે સાહીરાની બીજી કોઈ વિશેષ માહિતી નહોતી. દેખાવમાં સામાન્ય બાળકી જેવી લાગતી સાહીરા દાદા દાદીના લાડમાં મોટી થઈ હતી અને વાચા પૂરી ખુલી નહોતી એટલો જ ઘરમાં સહુને ખ્યાલ હતો. સામાન્ય રીતે જે પણ બાળક અમારા ક્લાસમાં આવે ત્યારે એમની માનસિક પરીસ્થિતિનો ચિતાર પેપરમાં હોય અને એ પ્રમાણે એમને સ્પીચ કે ફીજીકલ ટ્રેઈનીંગની સગવડ મળે.
અમેરિકાની સ્કૂલમાં આ બધા નિયમો જરા સખ્તાઈથી પાળવામાં આવે છે, એટલે સાહીરાના દાખલ થવાની સાથે જ સ્કૂલની નર્સ, સાયકોલોજીસ્ટ, અમારા અભિપ્રાયની નોંધ કરી બધી માહિતી સાથે ડોક્ટરોના બધા ટેસ્ટ સાથે સાહીરાની ફાઈલ તૈયાર કરવામાં આવી.
પહેલે દિવસે સાહીરાને લેવા બપોરે એની બેન તાહીરા આવી, એને જોતા જ ઓળખી ગઈ કારણ દરરોજ એને બસમાંથી ઉતરતા હું જોતી અને એ પણ મને ઓળખતી. મને જોઈ એને જરા નિંરાત થઈ. સાહીરા રડી કે નહિ વગેરે મને પુછવા માંડી. મે કહ્યું તુ ચિંતા ના કર એ તો બધા સાથે ભળી ગઈ છે અને અમને પણ એક જ દિવસમાં બીજાનો ખ્યાલ રાખવાનુ એને ગમે છે એ દેખાઈ આવ્યું છે.
સાહીરાના રુઆબનો પણ અમને જલ્દી જ પરચો મળી ગયો. સાહીરાને ક્લાસમાં બધું બરાબર એની જગ્યા એ જોઈએ. બોલે ઓછું પણ જાણે બધા પર હુકમ ચલાવતી હોય એવા એના હાવભાવ. ક્લાસના બધા બાળકોમાં અમારા નાનકડા ગ્રેગરીની જાણે મોટી બહેન હોય એમ એની આગળ પાછળ જ ફરે. અમે ગ્રેગરીને કાંઈ કહીએ તે પહેલા એ દોડીને ગ્રેગરી પાસે પહોંચી જાય.
રમત ના મેદાનમાં પણ પોતે રમવાને બદલે ગ્રેગરીને રમાડવામાં જાણે એને વધારે મજા આવે. ગ્રેગરી પણ એવો જ રમતિયાળ અમેરિકન બાળક. ગોરો ગોરો ને સુંવાળા ગાલ. સાહીરા એની બધી વસ્તુનુ ધ્યાન રાખે, જાણે ચોવીસે કલાક એની નજર ગ્રેગરી પર જ હોય. એ જો રમકડું ફેંકી દે તો દોડીને લઈ આવવાનુ જમતી વખતે એનુ ધ્યાન પોતાના જમવા કરતાં હું ગ્રેગરીને બરાબર જમાડું છું કે નહિ, એના પર જ એની નજર હોય!
એક દિવસ ખરી મજા આવી.
કાફેટેરિઆમાંથી બાળકોને જમાડી અમે ક્લાસમાં પાછા આવતા હતા. હું ગ્રેગરીનો હાથ પકડી સહુથી આગળ ચાલતી હતી વચ્ચે બધા બાળકો ને લાઈનમાં ચલાવવાનો અમે પ્રયાસ કરતા હતા એટલે સમન્થા સહુથી છેલ્લે હતી. ગ્રેગરીનુ પેટ ભરાયેલુ હતું એટલે એ ભાઈ પણ ગેલમાં હતા. કુદકા મારી મારી ને ચાલતા ગ્રેગરીનો હાથ મેં ગમ્મત માટે છોડ્યો અને એને જરા દોડવા દીધો. દડબડ દોડતા ગ્રેગરીનો પગ જરા લથડ્યો અને હું હાથ ઝાલવા જાઉં એ પહેલા તો સાહીરાએ પાછળથી દોડતા આવી ને ગ્રેગરી ને પકડી લીધો અને મારી સામે એવી રીતે ગુસ્સા ભરી નજરે જોવા માંડી જાણે હમણા ને હમણા મને વઢી નાખશે.
ઘરના દાદીમાનો ગુસ્સો જાણે નવી આવેલી વહુથી કાંઇ ભુલ થઈ જાય ને સાતમા આસમાને જાય એમ અમારી ત્રણ ફૂટની સાહીરાનો ચહેરો જોવા જેવો હતો.
સમન્થા અને મારૂં હસવું રોકાતું નહોતુ. અમે બન્ને સાથે બોલી ઉઠ્યા, ” આ તો આપણી પણ દાદીમા છે.”
આ દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં એક વાત ખાસ મારા ધ્યાનમાં આવી છે કે આ બાળકો કોઈપણ સામાન્યા બાળક કરતાં સહેજ પણ ઉતરતા નથી એમની સમજણ શક્તિએ અમને અવારનવાર ચકિત કરી દીધાં છે અને યોગ્ય માર્ગદર્શન, કેળવણી એમના જીવનને જરુર ઉન્નતિના માર્ગે લઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
આ દિવ્યાંગ બાળકોની પ્રગતિમાં, એમના ચહેરા પર આનંદ લાવવામાં હું મારી જાતને ધન્ય માનુ છું, એ ખુશી મને જીવવાનુ નવું બળ આપે છે. મકરંદભાઈની પંક્તિઓ સાર્થક લાગે છે,
“નોટને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ!”
– મકરંદ દવે
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com